← ટેલિફોનનું ભૂત રસબિંદુ
ગાડીવાન
રમણલાલ દેસાઈ
૧૯૫૭
હવા ખાવાનું સ્થળ →






ગાડીવાન


રાતના સાડા અગિયાર વાગે મેલમાં હું સટેશને ઊતર્યો. મારા જેવા ઘણા મુસાફરો ઊતર્યા. મધરાત હોય કે પાછલી રાત હોય તો ય આટલા બધા મુસાફરોને ચડઊતર કરવી પડે એ દર્શાવી આપે છે કે દુનિયા આળસુ નહિ પણ ઉદ્યોગી બની ગઈ છે. જેટલાં યુદ્ધ અંગ્રેજે લડે એટલાં યુદ્ધ હિંદે પોતાનાં જ માનવાં જોઈએ એવાં ભાષણો, લખાણો અને વાતચીતને પરિણામે હિંદમાં કેટલા ઉદ્યોગ વધ્યા એનો હિસાબ યુદ્ધ પૂરું થયા પછી આપણે નિરાંતે કાઢી શકીશું. પરંતુ મધરાતની મુસાફરી કરવા જેટલી જાગૃતિ હિંદુસ્તાનમાં આવી હતી એની કોઈ ના પાડી શકે એમ નથી. અલબત્ત, હજી કાંઈ ગમતાં અણગમતાં ફાળો આપ્યો ઉપરાંત યુદ્ધનો મને વધારે સંસર્ગ હતો નહિ; છતાં યુરોપ-અમેરિકામાં નવું જગત રચાય છે એ સાંભળીને હું ઉત્સાહમાં તો આવી જતો !

વીસ વર્ષ ઉપર જેટલા પૈસા મારી પાસે હતા એના કરતાં આજ ઈશ્વરકૃપાએ મારી પાસે વધારે પૈસા છે. પરંતુ તે કાળે જેટલી સહેલાઈથી સેકન્ડ ક્લાસમાં હું મુસાફરી કરી શકતો તેટલી સહેલાઈથી આજ હું સેકન્ડ ક્લાસની ટિકિટ ખરીદવા હિંમત કરી શકતો નથી. મારી આબાદી વધવા સાથે હું કદાચ કંજૂસ થયો હોઉં ! અગર... અગર એ વધેલી સમૃદ્ધિ મૃગજળ જેવી કેમ લાગ્યા કરતી હતી ? એ હિંદનું મૃગજળ કદાચ યુરોપ અને અમેરિકાની નવજગતરચનાનો ભાગ પણ હોય !

પરંતુ એ શોધી કાઢવા માટે હિંદુસ્તાનને હજી ઘણો અવકાશ છે. આપણે કશામાં ય ક્યાં ઉતાવળ હોય છે ?

સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસના ઉતારુઓને જવા–આવવા માટે દરવાજા પણ જુદા હોય છે. કેમ ન હોય ? સાચામાં સાચો વગર ભેદ પૈસાનો કે ધર્મનો ? ધર્મભેદ એ સાચી વસ્તુ હોય તો હિંદુ પાણી અને મુસલમાન પાણીની માફક હિંદુ ક્લાસ, મુસ્લિમ થર્ડ-ક્લાસ તથા જંગલી – animist – થર્ડ ક્લાસના ડબ્બા જ નહિ પણ દરવાજા સુધ્ધાં રાખવામાં હરકત આવે એમ નથી. દેશાભિમાની, હિંદુઓએ સ્વરાજ્ય લેવું હોય અગર માદરે વતનની ઝંખનાવાળા મુસ્લિમોએ પાકિસ્તાન રચવું હોય તો છરાલાઠીથી સજ્જ અને સુશોભિત ધર્મને હજી વધારે ઉગ્રતાથી પાળવો પડશે. ધર્મ સાચો પળાય તો સ્વર્ગ મળે; સ્વરાજ્ય અને પાકિસ્તાન તો સ્વર્ગનાં બચ્ચાં કહેવાય. એને માટે ખંભ ઠોકનાર શૂરવીરો ઊભા થાય તો રેલ્વેના હિંદુ ડબ્બા તથા મુસ્લિમ ડબ્બા ઊભા કરવામાં વાર કેટલી ? અને સ્ટેશનના દરવાજા તો જોતજોતામાં વધી જાય અને દરેક ઉપર કાં તો ‘હિંદુ દરવાજો’ કે ‘મુસ્લિમ દરવાજો’ એ નામ વાંચવાનું સદ્‌ભાગ્ય આ ભાગ્યશાળી હિંદી પ્રજાને પ્રાપ્ત થાય !

હિંદુ-મુસ્લિમ સમીકરણના ઘેનમાં હું દરવાજા બહાર નીકળ્યો. ગાડીઓ સારા પ્રમાણમાં ઊભી હતી તે એકે એક અદૃશ્ય થઈ ગઈ. માણસોમાં પણ હું લગભગ એકલો જ રહી ગયો. ગાડીઓની સાથે મોટરબસો પણ ભરાઈને ચાલી. હું એકલતા અનુભવી રહ્યો. ઘેર કેમ પહોંચવું તેના વિચારમાં પડ્યો. સાથે સરસામાન તો વધારે ન હતો એટલે માત્ર દેહને જ ઊંચકવાનો પ્રશ્ન હતો. વીસ વર્ષ પૂર્વે તો જરૂર મેં ચાલી નાખ્યું હોત !...અગર મળેલી પહેલી ગાડીમાં ભાવ ઠેરવ્યા વગર સફાઈથી બેસી ગાડીવાળાને મેં હુકમ આપ્યો હોત : ‘ચલાવ.’

પરંતુ વીસ વર્ષની કમાણી પછી પગે ચાલવાની શક્તિ હું ખોઈ બેઠો હતો; એટલું જ નહિ પરંતુ આખી ગાડી કરી લેવાની હિંમત પણ હું હારી બેઠો હતો. લગભગ મારા દેહ ઉપર ઘોડો નાખી, રહ્યાસહ્યા એક ગાડીવાળાએ મને પૂછ્યું :

‘ચાલો, સાહેબ.’

‘શું લઈશ ?’ મેં પૂછ્યું.

‘આપની સાથે ભાવ ઠરાવવાનો હોય ? - આપ આપશો તે હું ખુશીથી લઈશ.’

‘પરંતુ આપણને તકરાર પાલવે નહિ. પહેલેથી ભાડું નક્કી કરી દે.’

‘ક્યાં હાથીઘોડા માગીએ છીએ, સાહેબ ? મહેનત જોઈને આપજો, આપને તો કંઈક વખત હું પહેલા લઈ જતો.’

ખરે, એ મુસ્લિમ ગાડીવાળો અંશત: મારો પરિચિત હતો. હિંદુથી મુસ્લિમ ગાડીમાં બેસાય ? કે ગાડીવાળામાં હિંદુ બહુમતી આ પ્રાંતમાં સ્થાપી શકાય ? પરંતુ ઘોડાઓમાં હિંદુ મુસ્લિમનાં ભેદ પડે કે નહિ ? ભાવિ એ પ્રશ્નનો ઉકેલ આપી રહ્યું છે. હાથી અને ઘોડા બન્ને કરતાં આજકાલ મોટરો વધારે અનુકૂળ પડે છે. એટલે શક્તિ હોત તો હાથી અને ઘોડા જેવા નિરુપયોગી પ્રાણીને બદલે ક્ષણવારમાં વીજળીવેગે ઘેર પહોંચાડનાર એ વાહનનો જ હું ઉપયોગ કેમ ન કરત ? મોટર તો ખ્રિસ્તી ધર્મ પાળે છે એટલે એને માટે મને વાંધો હોય જ નહિ.

અને ખરેખર અંધારામાં ઊભી રહેલી એક મોટરબસ બહાર નીકળી આવી અને તેના કન્ડક્ટરે ‘આવવું છે ? આવવું છે’ની ભયંકર ચીસો પાડી મારું ધ્યાન ખેંચ્યું. કન્ડક્ટરની ચીસોમાં મને ઉચ્ચારમાર્ગ મળ્યો એટલે મેં પૂછ્યું :

‘ક્યારે ઊપડે છે ?’

‘હમણાં જ.’ તેણે ‘આવવું છે’ના કકળાટને ચાલુ રાખતા જવાબ આપ્યો.

જોતજોતામાં આખી બસ મારા પર ધસી આવી અને મેં ઘોડાના મુખ નીચે આશ્રય લીધો,

‘અરે, સાહેબ ! ઠીક કહું છું. ચાલો. મરજી ફાવે તે આપજો.’ કહી ગાડીવાળાએ પ્રલોભન શરૂ કર્યું.

તપ કરનારને સિદ્ધિઓ આવીને લોભાવે એ પ્રમાણે ગાડીવાળાએ અને બસવાળાએ મને લોભાવવા માંડ્યો.

‘બેસો એટલી વાર; જોતજોતામાં લઈ જાઉં.’ બસવાળાએ કહ્યું.

‘પણ તું લઈશ કેટલું ?’ મેં બસવાળાને પૂછ્યું.

સુપરટૅક્સ નાખવો કે નહિ એની વિચારણા જેમ હિંદી ખજાનચીને મૂંઝવે તેમ ભાડાનો પ્રશ્ન મારા હૃદયમાં રહેલા મારા આંતર ખજાનચીને મુંઝવતો હતો – નહિ, નહિ; હિંદી ખજાનચીને હિંદ ઉપર કોઈ પણ કર નાખતાં મૂંઝવણ થતી જ નથી.

‘જે ભાવ છે તે. એક આના કરતાં બીજું શું તમે વધારે આપવાના છો ?’

આ વાક્યને અપમાન ગણવું કે આમંત્રણ ગણવું એનો નિર્ણય કરતાં પહેલાં ગાડીવાળાએ મને કહ્યું : ‘અરે, સાહેબ ! એવા ખટારામાં તે આપ બેસો ખરા ?’

ગાડીવાળાને ભાગ્યે જ ખબર હશે કે મફત જવાતું હોય તો સાહેબે એથી પણ વધારે ખરાબ ખટારામાં બેસવાની તૈયારી રાખે એવા હોય છે !

મેં કહ્યું : ‘તું એક આને લઈ જાય છે ?’

‘અરે, શું સાહેબ આનાની વાત કરો છો ? ગાડીની મૉજ તે આનામાં મળે ?’

‘આવવું છે ?’ ‘આવવું છે ?’ના વિચિત્ર સૂરે મધ્યરાત્રિના વાતાવરણને ભેદી નાખ્યું. બસવાળાનું આમંત્રણ બબ્બે માઈલ સુધી પહોંચતું હતું. સોંઘવારીના આકર્ષણે હું બસ તરફ વળ્યો, એટલે ફરી ગાડીવાળાએ કહ્યું :

‘ચાલો, સાહેબ ! આનો તો આનો.’

પરંતુ બસવાળાએ ગાડીના આકર્ષણને અટકાવી દીધું. તેણે કહ્યું : ‘બેસો, તરત ઉપાડું. ગાડીમાં ક્યારે પાર આવશે ?’

અને હું એકદમ બસમાં જઈને બેઠો. ગાડીવાળો શું બબડ્યો તે મેં સાંભળ્યું નહિ. તેણે ચાબુકનો એક સટાકો લગાવી ગાડી ઉપાડી.

અમારી બસ પણ ઘર્‌ર્‌ અવાજ સાથે ઊપડી, અને ઝડપથી આગળ દોડતી ગાડીને તેણે પકડી પાડી; એટલું જ નહિ. એ ગાડીને તેણે પાછળ મૂકી દીધી. ગાડી આગળથી પસાર થતાં થતાં મેં જોયું કે ગાડીવાળો ઘોડાને ઉપરાછાપરી ચાબુક લગાવ્યે જતો હતો. ચાબુકના ફટકા અને મોટરબસના ઘર્‌ર્‌ અવાજમાં ઘોડાગાડીવાળાની વાણી પણ મેં સાંભળી : ‘કમબખ્ત ! લે આ ચંદી, તારા નસીબમાં આજ ભૂખે મરવાનું જ છે !’

ચાબુકના ફટકા અને ગાડીવાળાની વાણી એ પણ સૂચવતી હતી કે માત્ર ઘોડો જ નહિ પરંતુ ઘોડાનો માલિક સુધ્ધાં આજની રાત ભૂખે સૂવાની જ કમબખ્તી ધરાવતો હતો.

એકાએક પ્રશ્ન મારા હૃદયમાં ઊઠ્યો—

ઘોડાને વાગતી ચાબુક શું એ ગાડીવાન ખરેખર ઘોડાને મારતો હતો ? મને લાગ્યું કે એ ચાબુકના ફટકા ઘોડાને નહિ પણ મને મારતો હતો. જૂનું ઓળખાણ; ઓછામાં ઓછો ભાવ; ઘેર જઈ સૂવા ઉપરાંત કશું જ વધારે મહત્ત્વનું કાર્ય નહિ ! છતાં બસની ઉતાવળમાં એ સર્વને ભોગ આપી ગાડીવાળાને ભૂખે મારવાનું પાપ વહોરનારને જો ગાડીવાન ચાબુકે ન મારે તો બીજું શું કરે ?

મારી સાથે ગાડીવાળાના ધંધાને ટકરાવતા બસના માલિકને પણ એમાંની કેટલીક ચાબુકો પડતી હતી !

અને જે સમાજવ્યવસ્થા ગાડીવાળાને તથા ઘોડાને ભૂખે મારતાં શરમાતી ન હતી, એ સમાજવ્યવસ્થાને પણ ઘોડા ઉપર પડેલી ચાબુકો વાગતી હતી.

પરંતુ ઘોડા ઉપર ચાબુક ફટકારતા ગાડીવાનને મૂકી હું, મારી બસ તથા સમાજની વ્યવસ્થા સડસડાટ વધ્યે ગયાં.

ગાડીવાળો અને બસવાળો બંને મુસ્લિમ હતા !

શું સાચું, વર્ગભેદ કે ધર્મભેદ ?