← રૂપૈયાની આત્મકથા રસબિંદુ
ટેલિફોનનું ભૂત
રમણલાલ દેસાઈ
૧૯૫૭
ગાડીવાન →


રાખી સરકારી નોકરી એ બે કેમ માટે અનામત રાખે છે. એટલે હિંદુ જન્મવાના અકસ્માતે મને સરકારી નોકરી ન મળી, જેનો મોહ હું નાનપણથી કેળવી રહ્યો હતો !

દેશી રાજ્યોમાં પણ બહુ શોધખોળ કર્યા છતાં હું નોકરી ન જ મેળવી શક્યો. રાજકુટુંબો અને તેમનાં સગાંવહાલાં તથા તેમનાં કોમી બિરાદરોની સંખ્યા દરેક રજવાડામાં એટલી વધી ગઈ છે – અને રાજવંશીઓએ છબી પડાવવા પૂરતું જ લશ્કરી શિક્ષણ લીધું હોઈ યુદ્ધમાં તેમનો ખપ ન હોવાથી તેમ જ આરોગ્યરક્ષણની આપોઆપ તેમને મળતી સગવડને લીધે તેમની કુશળતા અને ક્ષેમ એવાં નિર્ભર રહે છે કે સિપાઈથી માંડી પ્રધાન સુધીની બધી જ જગાઓ તેમના કુટુંબીઓથી જ ભરાઈ જવા છતાં કેટલાંક ફાલતુ રાજસગાં બાકી રહેતાં હતાં. એટલે એકાદ સૈકા સુધીની વ્યવસ્થા તો થઈ ચૂકેલી હોવાથી અને મારી ચેાથી પાંચમી પેઢીના વંશજની ઉમેદવારી નોંધાવા હું જરા ય આતુર ન હોવાથી હું ઘણું ભણ્યો એમ કહેવા કરતાં ઘણા સમય સુધી હું બેકાર રહ્યો એમ કહેવું વધારે સાચું છે.

સારું થયું કે હું પરણ્યો ન હતો. નહિ તો મારા પ્રેમપ્રયોગે મારી બેકારી ઉપર અનેરા રંગ ચીતર્યા હોત ! માતાપિતા માયાળુ હોવાથી ફૂટપાથ ઉપર સૂઈ રહેવાનો પ્રસંગ આવ્યો ન હતો.

બેકારીમાં માનવી ક્યાં સુધી પ્રામાણિક રહી શકે એ પ્રશ્નમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. પરંતુ હું બહુ લાંબા સમય સુધી પ્રામાણિક રહી શક્યો એનું મુખ્ય કારણ મારા નૈતિક સિદ્ધાંત હતા, જેને જોરે હુ ચોરી કે લૂંટ કે છેતરપિંડીની હિંમત જ કરી શક્યો નહિ.

એકાએક પ્રભુ પ્રસન્ન થયા અને મને એક ધનિક ગૃહસ્થને ઘેર નોકરી મળી. એ ધનિક ગૃહસ્થને એટલું બધું કામ હતું કે એમના પત્રો વાંચવા, લખવા, વર્તમાનપત્રોની હકીકત કહી જવી, અઠવાડિયે એકાદ ભાષણ લખી આપવું અને તેમનાં સત્કાર્યો અને તેમના સુસ્વભાવની કાલ્પનિક, ટૂંકી ટૂંકી પણ રસપ્રદ નવલિકાઓ વખતોવખત પ્રગટ કરવી, એ કામ મારે કરવાનું હતું, એને તેઓ ‘સેક્રેટરી’ ને નામે ઓળખાવતા.

ઘણા સમયની બેકારી દરેક કામમાં માનવીને પાવરધો બનાવે છે. આ કાર્ય કરવાનું મેં બીડું ઝડપ્યું. પૂરી સમજણ ન પાડવા છતાં અઠવાડિયા સુધી મેં તનતોડ કામ કર્યું અને અઠવાડિયું વીતતાં મને શેઠસાહેબે પોતાના ખાનગી અભ્યાસગૃહ – study કે studio – માં બપોરના ચાર વાગે બોલાવી સામે બેસાડ્યો.

‘જુઓ, આ મારો ફોટોગ્રાફ.’ તેમણે મને ફોટોગ્રાફ આપ્યો. તેમના દેખાવ પ્રત્યે મને મોહ, મમતા કે માન ઊપજ્યાં ન હતાં. મને મારા સિવાય બીજા કોઈનો ફોટોગ્રાફ હજી ગમ્યો ન હતો, એટલે આ આજ્ઞા પાછળનું રહસ્ય હું સમજી શક્યો નહિ. છતાં આજ્ઞા પાળી છબી હાથમાં લઈ આશ્ચર્યચક્તિ બન્યાનો ભાવ મુખ ઉપર લાવી મેં કહ્યું : ‘જી.’

‘એની સાથે મારું એક રેખાચિત્ર મોકલવાનું છે.’

મને સમજ ન પડી. છબી ઉપરાંત પાછું આ કયું ચિત્ર ?

મને સમજ ન પડી. છબી ઉપરાંત આ કયું ચિત્ર ! ન સમજાય ત્યાં ‘જી’ કહી બેસી રહેવું એવો પ્રત્યેક નોકરિયાતનો ધર્મ મેં બજાવ્યો.

‘પણ એ તમારે આજે જ બે કલાકમાં લખી નાખવું પડશે.’ તેમણે મને કહ્યું.

બે કલાકમાં બસો માણસોનાં ખૂન કરી શકાય તો એકાદ ભાગ્યશાળીનું જીવનચરિત્ર લખવામાં શું વાંધો આવે ? મેં ખૂનીની હિંમતથી કહ્યું : ‘હા જી; હરકત નહિ આવે.’

‘ખાસ કરીને મારા મનગમતા શૉખ, કસરતી દેખાવ અને નીડર સ્વભાવ ઉપર ભાર મૂકજો.’

‘આપને કઈ કઈ રમતો આવડે છે ?’

‘બધી જ, જે તમે જાણતા હો તે બધી જ એમાં મૂકોને, ક્યાં પરીક્ષા આપવાની છે?’

એ પછી મેં તેમને પૂછ્યું નહિ કે તેઓ કસરત ક્યારે કરે છે અને તેમની નીડરતા ક્યા ક્યા પ્રસંગો ઉપર પ્રગટ થઈ હતી દૃષ્ટાંતો ઊભા કરવાની મને છૂટ મળતી હતી એમ મેં માન્યું.

‘દસ પાન કરતાં વધે નહિ. આ ટૂંકી નોંધ ધ્યાનમાં રાખજો અને આજ ને આજ સાત વાગે મારી પાસે બધું જ લખાણ પસંદ કરાવીને તમારે ‘પુષ્પપરાગ’ નામના પત્રની ઑફિસમાં પહોંચાડી આવવાનું. રૂપિયા પાંચસો સાથે રાખજો.’ મારા માલિકે મને આજ્ઞા આપી. પગાર આપે એ માલિક બની જાય છે એમાં જરા ય શક નથી. પગારની આશા આપનાર પણ માલિક બને છે.

‘એ રૂપિયા કોને આપવાના ?’ મેં પૂછ્યું.

‘પુષ્પપરાગ’ ના અધિપતિને વળી !... હજી ફોન ન સંભળાયો, ખરું ?'

‘ના જી. આપની પાસે જ છે. પરંતુ “રીંગ” થયો જાણ્યો નથી.’ મેં કહ્યું.

‘સમયની આપણા લોકને કિંમત જ નથી.’ તેમણે કહ્યું.

એ અભિપ્રાય સાથે સંમત થવામાં મને કશું જોખમ લાગ્યું નહિ. એટલે મને જાણે સમયની ભારે કિંમત હેય એમ દેખાવ કરી મેં કહ્યું : ‘તો, સાહેબ! હું મારા મેજ ઉપર બેસી રેખાચિત્ર ઘસડી... તૈયાર કરી નાખું.’

‘હા...હજી ફોન નથી આવ્યો, ખરું ?’

‘ના જી.’ કહી હું ઊભો થયો અને એટલામાં ટેલિફોન રણક્યો. હું સમજ્યો અને જરા ઊભો રહ્યો. મારા સાહેબ ‘ફોન’ ઉપર વાત કરતા સંભળાયા. તેમના મુખ ઉપર અધીરાઈ તરી આવતી હતી.

‘કિશોરીલાલ...ઠીક... હા પાડે છે?...આભાર... હમણાં જ આવે છે ?... હરકત નથી... બધી જ રકમ તો કેમ...અર્ધી તૈયાર છે. આવે એટલી વાર.. એમ?... ફોનમાં વાત કરશે ?....બ.... હુ સારું...થેં... ક્સ... હા... હા...'

વાત ‘પૂરી થઈ એટલામાં જ હું ધીમે ધીમે બારણાં પાસે પહોંચી ગયો. મારા શેઠનું નામ કિશારીલાલ હતું અને રકમ આપવા માટે તેઓ તૈયાર છે એટલું મને સમજાયું. પરંતુ તે કોને ? શા માટે ? ફોનમાં કોણ શી બાબતની વાત કરશે ? એ બધા ટુકડા હું સાંધી શક્યો નહિ. મારી એ ફરજ પણ ન હતી. જેની નોકરી કરવી તેના ઓરડા તરફ નજરે ન કરવી અને તેની ફોન ઉપરની વાતચીતને સમજવા મંથન ન કરવું એ નોકરીની પહેલી કલમ હોવી જોઈએ. ઉત્સુક મનને વારી મેં બારણું ઉઘાડ્યું.

‘મિ. કુંજ ! તમે જશો નહિ. અહીં જ બેસીને લખો. હું દસેક મિનિટમાં મારા મિત્રોને મળી આવું છું. કોઈનો ફોન આવે તો મને તરત ખબર આપજો.’ માલિકનો હુકમ થયો. મારું નામ કુંજવિહારી હતું. પરંતુ સમયનો વ્યય એ નામોચ્ચારમાં વધારે થતો એટલે આજની ઉતાવળી દુનિયા મને મોટે ભાગે ‘કુંજ’ કહીને જ બોલાવતી. અને..... વિહાર માટે સગવડ ન હતી એ સાચી વાત પણ એ ટૂંકા નામમાં સમજાઈ જતી.

હું પાછો આવી મારી અસલ જગાએ બેઠો, અને મારા શેઠ કિશોરીલાલ ખંડની બહાર ગયા

મેં રેખાચિત્ર શરૂ કર્યું. છબી અને નોંધ મેં મારી સામે મૂકી સરસ્વતી અને ગણેશની સ્તુતિ કરી પ્રેરણા માગી. પ્રેરણાના પહેલા પ્રકાશ રૂપે નીચેની કડીઓ યાદ આવી :

‘શું જુઓ તનની છબી ? એમાં નથી નવાઈ;
દેખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ !’

પરંતુ એમાં તો છબી ઉપર ભાર મૂકવાનો હતું. આવી કડી ન ચાલે. કલાપીની ‘મૃત પુત્રી લાલાંની છબી જોતાંને’ કવિતા યાદ આવી પરંતુ એમાં તો કરુણ રસ હતો. સુંદરમ્‌ની ‘બાની છબી’ યાદ કરી જોઈ.

છતાં લેખની શરૂઆત થઈ નહિ. વચમાં કિશોરીલાલ આવીને પૂછી પણ ગયા કે કોઈનો ફોન આવ્યો હતો કે કેમ? પરંતુ ‘ના’ની નિરાશા સાથે તેઓ પાછા ગયા, લેખની શરૂઆત થતી ન હતી. કિશોરીલાલ મહાપુરુષ હતા ? એ મને ખબર ન હતી, પરંતુ એ તો મારે પુરવાર કરવાનું હતું. એ પૈસાદાર હતા અને તેમાંથી મારે તેમને મહાન બનાવવાના હતા. કેવી રીતે શરૂઆત કરું ? લક્ષ્મી અને સરસ્વતીનો વિરલ સંયોગ... કિશોરીલાલે કૉલેજ પણ દીઠી ન હતી. અકબર અને શિવાજીને અક્ષરજ્ઞાન ન હતું એમ કહેવાય છે. આ રેખાચિત્રના નાયકે ભલે ડિગ્રીઓ ન મેળવી..એ ઈન્કમટેક્સ અને સુપરટેક્સ માટે ધનિકપણાનો કંઈક ભાગ છુપાવતા હશે એમ મને એક વખત લાગ્યું એટલે એ બાબત પણ શરૂઆતમાં ન લેવી. તો...? દૂધ જેવું નિર્મળ જીવન....

ટન, ટન, ટનનનન...

એકાંત ઓરડામાં ટેલિફોન ગાજી રહ્યો અને હું ચમકી ઊઠ્યો. કેવો સરસ વિચાર આવતો અટકી ગયો ? આ ભૂતખાનાં બંધ થાય તો કેવું સારું?

ટન, ટન...

હુ દાઝ્યો હોઉં એમ રિસીવર ઉપાડી મેં કાનને અજાણ સૃષ્ટિમાં રમતો મૂકી દીધો.

‘એ તો હું છું-કાન્તા.’ અડધો રડતો સ્ત્રીઅવાજ સંભળાયો. સૂરસૃષ્ટિમાં પણ આ ભેદ પરખાઈ આવે છે. પરંતુ કનક અને કાન્તા બેમાંથી એકેયને હું ઓળખતા ન હતો.

‘કોનું કામ છે?’

‘આપનું.’

‘મારું ? કાંઈ ભૂલ થાય છે. મારો નંબર બે હજાર આઠ છે. ટુ-નોટ-નોટ-એઈટ’

‘એ જ નંબર જોઈએ. મને મારો યા બચાવો; બધું આપના હાથમાં છે.’

‘નાટકમાં એક વખત હું આવું બોલ્યો હતો. તેને ઘણાં વર્ષો થઈ ગયાં. પરંતુ હું આપને ખાતરી આપું છું કે હું અહિંસક છું એટલે કોઈને પણ....’ ‘તમારું નામ ?’

‘કુંજ ! હું ધારું છું આપને કિશોરીલાલનું....’

‘એનું નામ્ બાળો. મિ. કુંજ ! તમે અદ્ભૂત પુરુષ લાગો છો.’

‘મને જુઓ, મને મળો, તે સિવાય અભિપ્રાય બાંધી શકાય નહિ.’

‘કબૂલ. ક્યારે મળશો ? ક્યાં મળશો ?’

‘મારે ઘેર તો નહિ જ. અને મળીને શું કામ છે ?’

‘આપની સહાય માગું છું.’

‘એ તો નાટકમાં બને...ખરી સહાય...’

‘આપણે નાટક કરવું છે.’

‘હવે એ શોખ રહ્યો નથી. જુઓ, હું તો એક સાધારણ ગરીબ....’

‘ગરીબ ? ગરીબમાંથી હું તમને ગિરિધર બનાવીશ. જુઓ, ઉતાવળ કરો. પહેલી તકે મને મળો.’

‘વહેલામાં વહેલો હું સાત વાગ્યે પુષ્પપરાગ"ની ઑફિસમાં હોઈશ. ત્યાર પછી મને સમય મળે.’

‘હું તે જ વખતે ઑફિસ બહાર ઊભી રહીશ.’

‘પણ શા માટે ? વળી આપણે એકબીજાંને ઓળખતાં પણ નથી....લો કિશોરીલાલ જ આવે છે.’

‘ભૂલશો નહિ મળવાનું. કિશોરીલાલને આવવા દો. એમને ફોન આપી દો....’ મેં ઉતાવળા બનેલા કિશોરીલાલના હાથમાં ફોન મૂકી દીધો. આ બધો અજાણ સૃષ્ટિમાં થયેલો ગોટાળો કયે માર્ગે મને લઈ જતો હતો તેની મને ખબર ન હતી. મારે ફોન આવતાં બરોબર કિશોરલાલને ખબર આપવાની હતી તેને બદલે મેં વાત લંબાવી એ ભૂલ કે ગુનો ક્યાં બદલ શું પરિણામ આવશે તેની મને ખબર ન હતી, નોકરી જવાની બીક ભારે હતી. પરંતુ કિશોરીલોલના મુખ ઉપરનો આનંદ જોઈ મારો ભય સહજ ઓછો થયો. તેમની વાતચીત મેં સાંભળી.

'કાન્તા કે ?... એમ ?.... બધું નક્કી ? .... પરમ દિવસે ?...., નારાજી જતી રહી ?... ૨કમ હમણા જ આપીને આવ્યો... કહે તો બધી જ આપું... પછી તારી જ મિલકત...હો...હા....હા...’

કિશોરીલાલે અત્યંત આનંદાવેશમાં આવી જઈ અંગ્રેજી ઢબે નાચનાં બે પાંચ ડગલાં ભરી મને કહ્યું: ‘હવે મને તમારે લેખ બતાવવાની જરૂર નથી, તમે લખી તપાસીને ‘પુષ્પપરાગ’માં આપી આવજો. બેસો તમારી ઓરડીમાં.’

માલિકને નાચતા જોવામાં મઝા પડે છે ખરી. તેમાં યે અતિ ધનિક માલિકો પોતાના ધનની વિપુલતા પોતાના દેહમાં પણ પ્રતિબિંબિત કરતા હોય ત્યારે વધારે મજા પડે. અને પિસતાળીશ પચાસ વર્ષની વય બહુ સંભાળવા છતાં મુખ ઉપર ઝૂકી રહેતી હોય એવા દેહના દેહીને નૃત્યમાં ઊતરતો નિહાળવો એ લહાવો જોનારની જિંદગીનું મહા ધન છે.

મેં કિશોરીલાલનો ખાનગી ખંડ છોડ્યો અને હું મારી નાનકડી ઓરડીમાં આવીને બેઠો. લેખ શરૂ કર્યો, છતાં મને તો ટેલીફોનના ભણકારા વાગ્યા જ કરતા. આ વળી કાન્તા કોણ હશે ? મારી મજાક કરી હોય તો? કિશોરીલાલ કેમ ખુશ થયા ? બંને વચ્ચે મૈત્રી હશે તો ? મારી નોકરી ચોક્કસ જવાની.

આવા આવા વિચારોની વચ્ચે લેખ ઝપાટાબંધ લખાઈ ગયો અને છબી, રૂપિયા તથા લેખ લઈ હું ‘પુષ્પપરાગ’ની ઑફિસે ગયો. તંત્રીએ મને માનપૂર્વક બોલાવ્યો, અને લેખ તથા છબી સાથે પૈસા પણ પૂરા લાવ્યો છું એવી ખાતરી થતાં તેનું માન અને તેના સદ્ભાવ મારે માટે વધી ગયાં. ચા, કોફી, સોડા, લેમન-કાંઈ પણ મારે લેવું જોઈએ એવો તેમણે આગ્રહ પણ કર્યો અને આગ્રહને વશ થવામાં સાંજના સાડાસાત વાગી ગયા. જરૂરી કામનું બહાનું બતાવી ને બહાર નીકળ્યો. મને એક બાજુએથી ખાતરી હતી કે પેલી કાન્તાનો ફોન મશ્કરી રૂપે જ હશે; બીજી બાજુએથી ભય પણ લાગતો હતો કે વખતે ફોનમાંની ઊડી તે આવી વળગશે તો ?

અને ખરેખર મારો એ ભય સાચો પડ્યો, ‘પુષ્પપરાગ’ના દ્વાર પાસે જ એક મોટરકારને પગથિયે પગ મૂકી પરી સરખી એક સદર યુવતી ઊભી રહી દ્વારનું નિરીક્ષણ કરતી હતી. મને બહાર નીકળતાં બરોબર તેણે પૂછ્યું : ‘કુંજ તમારુ જ નામ ?’

‘હા જી, આપ જ કાન્તાકુમારી કે ?’

‘વિવેકી લાગો છો પણ કેટલી રાહ જોવડાવી ? જે બહાર આવે તેને ‘તમે કુંજ છો ?’ એમ પૂછી પૂછીને હું થાકી ગઈ | એક વખત તો પ્રેસના પટાવાળાને પણ પૂછ્યું કે એનું નામ કુંજ ખરું કે નહિ. લોકોએ મને ઘેલી ધારી હશે.’ સહજ હસીને કાન્તાએ જવાબ આપ્યો.

હુ સ્વપ્નમાં પ્રવેશ કરતો હતો. મારી આસપાસની સૃષ્ટિ સંધ્યાકાળને લીધે અસ્પષ્ટ બનતી જતી હતી. હવે મારે શું બોલવું તેનો વિચાર હું કરવા જતો હતો એટલામાં એણે મને કહ્યું :

‘કેમ, બહુ વિચારમાં પડી ગયા?’

‘ઘણું ખરું હું વિચારમાં જ પડેલો હોઉં છું.’

‘ચાલો, હું તમને તમારે ઘેર પહોંચાડી દઉં.’

‘મારા ઘરની પાસે પણ તમને લઈ જવાય એમ નથી.’

‘મારા અને તમારા બંનેના ઘરથી આપણે દૂર ચાલ્યાં જઈએ. આ સીટ ઉપર બેસી જાઓ. હું કાર ચલાવું.’

આ મનુષ્યહરણ થતું હતું ! આ કામરુ દેશની કિશોરી મને ક્યાં ખેંચી જતી હતી ? પરંતુ પ્રથમ પ્રશ્ન તો એ જ કે હું શા માટે ખેંચાતો જતો હતો? મારામાં ના કહેવાની તાકાત કેમ વિકસતી ન હતી? એની આજ્ઞા પ્રમાણે હું શા માટે તુરત ગાડીમાં બેસી ગયો?

એને કાર ચલાવતાં આવડતી હતી. અને હું કારમાં ભાગ્યે અર્ધો ડઝન વાર બેઠો હોઈશ.

‘બીતા તો નથી ને ?’

‘પૈસા બિલકુલ નથી એટલે લૂંટ કે ચોરીનો ભય રહ્યો જ નથી.’ મેં જવાબ આપ્યો.

‘કેટલા વાગતાં સુધી તમે ધર બહાર રહી શકશો ?’

‘ગમે ત્યાં સુધી. ઊંઘ આવે ત્યારે ઘર સાંભરે ખરું.’

‘એમ ? ઘેર કોણ છે ?’ મારા તરફ ઝીણી નજર કરી કાન્તાએ પૂછ્યું.

‘આ કારના અકસમાતમાંથી બચું તો હું જાતે મારે ઘેર હોઉં. બાકી તો કોઈ ઘેર નથી.’

‘દેશમાં બધાં હશે.’

‘હા.’

‘કોણ કોણ હશે ?’

‘પત્ની સિવાય બધાં જ છે.’

‘પરણેલા તો છો ને?’

‘ના જી. હજી સુધી મને પરણાવવાની કોઈએ ભૂલ કરી નથી.’

કાન્તાએ શ્વાસ નીચે મૂક્યો અને બેઠકે અઢેલી તે બેસી ગઈ. મને ડર લાગ્યો કે તે વ્હીલ ઉપરથી પણ હાથ ઉઠાવી લેશે કે શું ?

એકાએક ગાડી ઊભી રહી. સ્થળ નિર્જન હતું. એક તળાવને કિનારે અમે બંને જણ આવી ચડ્યાં હતાં. દૂર દીવા દેખાતા હતા અને અંધારું એટલું ગાઢ ન હતું કે જેથી સૃષ્ટિસૌદર્ય દેખાય નહિ.

‘તમને હરકત ન હોય તો આપણે તળાવની પાળ ઉપર બેસીએ.’ કાન્તાએ કહ્યું.

‘હરકત હોય તો ય મારું આજ કશું ચાલે એમ નથી. એટલે તમે કહેશો તેમ કરવા હું બંધાયેલ છું.’

કાન્તા હસી અને અમે બંનેએ નીચે ઊતરી તળાવની પાળ ઉપર પગ માંડ્યા. એકાએક ઝાડમાંથી ચીબરી બોલી ઊઠી અને મને ભયકંપ થયો. મારે માથે શી આફત તૂટી પડવાની છે તે હું જાણતો ન હતો. પરંતુ દેવ કોઈ ગંભીર કાવતરું મારી વિરુદ્ધ કરી રહ્યો હતો એની મને ખાતરી થઈ.

‘સરસ જગા છે, નહિ ?’ કાન્તાએ કહ્યું.

‘એકાંત ભયભર્યું છે અને હું સ્ત્રીઓથી ટેવાયેલો નથી.’ ‘ભય અને સ્ત્રી બંનેથી હવે ટેવાવું પડશે. એ વગર બહાદુરી આવતી નથી.’

‘મેં બહાદુર બનવાનો આદર્શ સેવ્યો જ નથી.’

‘કોઈને પણ ઉપયોગી થઈ પડવાનો આદર્શ રાખ્યો છે કે નહિ?’ જરા કડક ભાવથી કાન્તાએ પૂછ્યું.

‘આદર્શ તો નહિ જ, પણ હા, મને ખાસ હરકત ન પડે તો કોઈને ઉપયોગી બનવા મથું ખરો.’

‘મને તમે વગર હરકતે ઉપયોગી થઈ પડો એમ છો.’

‘કહો, શી રીતે ?’

‘મારી સાથે લગ્ન કરીને !’

મને લાગ્યું કે સરોવરે ઊછળી મને ડુબાવી દીધો ! એટલું જ નહિ પણ મને ડૂબતાને એક મગરે પોતાની દાઢમાં પણ લીધો.

મારું ધડકતું હૃદય મને પૂછવા માંડ્યું: ‘લગ્ન કરીને કંઈ કોઈને ઉપયોગી થઈ શક્યું છે ખરું?’

‘તમે આજના યુવકો લગ્નથી ડરો છો, કેમ?’ કાન્તાનો અવાજ સંભળાયો. જાણે ટેલીફેનમાં તે બોલતી ન હોય !

પ્રથમ તો આજના યુવકો યુવકો છે ખરા ? અને આજની યુવતીને જોતાં તેમને ડર લાગે છે એમ ન માનવાનું કાંઈ કારણ?

પરંતુ યુવતીઓને કોણ ખોટું લગાડે ? મેં ખરું કારણ ન આપતાં કહ્યું : ‘જુઓ ને, કાન્તાકુમારી ! તમને અને તમારી કારને બંનેને રાખવાનું ઘર પણ મારી પાસે નથી.’

‘કારને આ તળાવમાં હડસેલી દઈશ. પછી કાંઈ?’ કાન્તાએ કહ્યું. અલબત્ત અમે શહેરથી યે એટલે દૂર આવ્યાં હતાં કે કાર વગર પાછા જવાની કલ્પનાએ મને ભયભીત તો કર્યો જ.

‘પછી ઘણું ઘણું વિચારવાનું રહે છે.’

‘કહો તે ખરાં ?’

‘મારા માતપિતા...’

‘જગતનાં કોઈ પણ માતાપિતા મને જોઈને રીઝ્યા વગર નહિ રહે.’

‘જોઈને રીઝવાની વાત જુદી છે. આ તો તમને કુટુંબભેગા કરવાની વાત છે.’

‘તમે બહુ કુળવાન છે ?’

‘પરદેશી સત્તા સ્વીકાર્યા પછી કોઈનાં યે કૂળ કે મૂળ જોવાની જરૂર નથી. પણ આ તમારો ખર્ચ...’

‘તમારો યે ખર્ચ હું ઉપાડી લઉં તો ?’

‘મારા પુરુષપણાને લાંછન લાગે.’

‘લાંછન લાગે કે ન લાગે ! તમારે આવતી કાલે મારી સાથે લગ્ન કરવાના છે એ વાત સો ટકા સિદ્ધ માનજો.’

‘આ મહા કૃપાનું કોઈ કારણ? મેં એ માટે તપશ્ચર્યા કરી નથી...’

‘પણ મેં તપશ્ચર્યા કરી છે ને !’ હસીને કાન્તાએ કહ્યું.

‘મારા જેવો પતિ મેળવવા? વરદાનને બદલે પ્રભુએ તમને શાપ આપ્યો લાગે છે.’

‘શાપ જેવું લાગશે તો આપણે છુટ્ટા થઈ જઈશું.’

આ વળી નવું વજ્ર વાગ્યું ! છુટ્ટાં થવાની સગવડ સાથેનાં લગ્ન આવકારદાયક છે એમ ઘણાં યુગલોને લાગશે. પરંતુ હજી હું પરણવાના વિચારને જ અનુકૂળ થતો ન હતો ત્યાં જુદાં થવાનો તો વિચાર પણ કેમ આવે? હું સ્વપ્નમાં તો નહિ હોઉં ?

મેં મારા ગાલ ઉપર એક ચુંટી ભરી.

‘શું કરો છે?’ કાન્તાએ પૂછ્યું.

‘હું જાગ્રત છું કે સ્વપ્નમાં તેની ખાતરી કરું છું.’

‘તમે શા માટે તસ્દી લો છો ? હું ખાતરી કરી આપું.’ કહી કાન્તાએ નખ વડે મારા ગાલ ઉપર એવી જબરદસ્ત ચુંટી ભરી કે હું જાગતો હઈશ તો સ્વપ્નમાં પડ્યો અને સ્વપ્નમાં હોઈશ તો જાગ્રત બની ગયો !

ચૂંટી ભરવાની કળામાં આ બાઈ અજોડ લાગી ! ભારે મહાવરા વગર આવી આવડત આવે નહિ ! અને એની સાથે મારે લગન કરવાનું હતું !

સિસકારા સાથે મેં બિનશરતી સુલેહ માગી લીધી. મને પેલો દુહો યાદ આવ્યો :

‘નહિ પુરુષ બલવાન.’

અને ખૂબ આનંદમાં આવી તેણે મારો હાથ પકડી કહ્યું : ‘ચાલો હવે પાછા. ઘેર જવાની ઉતાવળ તો નથી?’

‘મારું ઘરબાર સઘળું હવે તમે જ છો.’ મેં કાન્તાને પગે પડી કહ્યું.

‘તમે અભિનય સરસ કરી શકો છો,’

‘જે કહેશો એ મારે કબૂલ છે.’

‘ત્યારે તો આપણાં લગ્ન થઈ જાય ત્યાં સુધી તમારે મારી આંખ સામે જ રહેવું.’

‘હું ના કહું એવી સ્થિતિમાં જ નથી, તમારું ભરાવ્યું ડગલું ભરીશ.’

‘તમે પતિ તરીકે બહુ સારા નીવડશો એમ મને લાગે છે.’

‘તમારું પ્રમાણપત્ર હું સોને મઢીશ અને જ્યારે જ્યારે લગ્નનો પ્રસંગ આવશે ત્યારે ત્યારે.…’

‘શું ? શું બેલ્યા ! લગ્નના કેટલા પ્રસંગો તમારે જોઈએ ?’

‘મારે તો એ કે ય નહોતો જોઈતો. પરંતુ પ્રભુ જે માથે નાખે તે ઉપાડવું.’

‘આજ તો હું તમને ઉપાડી જાઉં છું.’ કહી કાન્તાએ મને પાછો કારમાં બેસાડ્યો અને એણે કાર પાછી વાળી. બીજા દિવસના બપોર સુધી હું એના વશીકરણની અસરમાં રહ્યો. ખરેખર, એ પરિસ્થિતિ સામાન્ય ન હતી. જાદુ સિવાય એ બને જ નહિ. હું જગતના સર્વ પુરુષોને આહ્વાન કરું છું કે જીવનમાં એક વાર પણ તેઓ સ્ત્રીના મોહનામંત્રથી ભાન ભૂલ્યા નથી એમ પુરવાર કરે ! એમ થાય તો મારે તેમનું મંદિર બંધાવી પૂજા કરવી.

બિલાડીના પંજામાં ઉંદર રમે તેમ કાન્તાની જાળમાં રમતો હું સ્થળ, સમય અને સ્થિતિનું ભાન ભૂલી જ ગયો હતો ! કયાં રહ્યો, ક્યાં જમ્યો, તેનું મને ભાન પણ રહ્યું નથી.

બીજે દિવસે કાન્તાએ મને હુકમ કર્યો : ‘ચાલો; કચેરીમાં જવાનું છે.’

ત્યારે મારા પગ ધ્રૂજી ઊઠ્યા.

‘મારે કયા ગુના માટે કચેરીમાં જવાનું છે?’ મેં પૂછ્યું.

‘કેમ? લગ્ન નોંધાવવું પડશે ને?’

‘નોંધાવવાનું ? હું તો હિંદુ છું.’

‘જે હો તે. અત્યારે તો આપણે એકે ય ધર્મ પાળતાં નથી એમ કહી ઐહિક લગ્ન નોંધાવવાનું છે. તમે યોગ્ય પુરવાર થશો તો પછી આપણે ધર્મવિધિથી પરણશું.’

‘અરે, પણ મને એક વખત કહો તો ખરાં કે આ શાની સતામણી તમે માંડી છે ?’

‘આવો; કારમાં હું તમને બધી હકીકત સમજાવું. તમને ખાતરી થશે. કે એક ભયંકર સતામણીમાંથી ઊગરવા હું આ બધું કરી રહી છું.’

કારમાં તેણે જે વાત કહી તેનાથી હું ચોંકી ગયો. માત્ર એણે વાતનાં પાત્રોનાં નામ કહ્યાં. વર્તમાન જગતનાં રાજ્યો કાયદાની સત્તા વિષે વાત કરી અભિમાન લે છે; પરંતુ રાજ્ય સત્તા અને કાયદા ઉપર ધનની ચૂડ કેટલી જબરદસ્ત વળગેલી છે તેનો ખ્યાલ આજ સુધી મને આવ્યો ન હતો.

કચેરી આવતાં કાન્તાએ વાત પૂરી કરી અને ગાડી થોભાવી. એણે કહેલી વાત પરથી મને લાગ્યું કે ભોમાસુરના કેદખાનામાં સપડાયલી સોળ હજાર યુવતીઓને છોડાવી પરણી જવામાં કૃષ્ણે એક મહાન કાર્ય કર્યું હતું !

મેં વીરત્વના આવેશમાં કાન્તાને કહ્યું પણ ખરું કે, ‘આવાં બીજાં વીતકો કોઈને હોય તો મને જણાવજે. હું ફાવે તેટલાં લગ્ન કરવા તૈયાર છું.’

‘લુચ્ચા !’ કહી કાન્તાએ મારા બીજા ગાલમાં ચુંટી ખણી અને મારું વીરત્વ ઓસરી ગયું. મને ખાતરી થઈ કે એક લગ્ન થયા પહેલાં પણ પૂરતું છે.

કાન્તાએ સાક્ષીઓ પણ હાજર રાખ્યા હતા, અને કાન્તાના દેખાવ તથા છટાને લઈને અમલદારે અમારાં લગ્ન ઝડપથી નોંધી પણ આપ્યાં. માત્ર અમલદાર તથા સાક્ષીઓએ સહજ નિરાશા અનુભવી હોય એમ મને વચમાં વચમાં દેખાયું. કાન્તા જેવી યુવતી સાથે મારા જેવાનાં લગ્ન શક્ય થાય એવા જગતમાં કાંઈ કમનસીબ બનાવ બનતા ન હોય એવી તેમની માન્યતા તેમના મુખ ઉપરથી હું પરખી શક્યો. મારા કરતાં તેઓ કાન્તા માટે પોતાને વધારે લાયક માનતા હોવા જોઈએ. મારે એમાં તકરાર ન હતી.

સાક્ષીઓની સાથે મળી અમે એક સારી હોટલમાં નિરામિષ ખાણું પણ ખાધું, અને મને છરીકાંટા વાપરતાં આવડતા ન હોવાથી મારી મશ્કરી પણ બહુ જ કરવામાં આવી. હુ ઓછામાં ઓછું બોલ્યો. પરંતુ મારા બોલથી કાન્તા હસતી હતી અને અમારા લગ્નસાહેદો જરા ઝાંખા પડતા હતા એટલે મને લાગ્યું કે હું ધારતો હતો એટલું બધું જગત હોંશિયાર ન હતું – અગર હું મને માનતો હતા એટલો બધા બબુચક ન હતો. મને એ બાબતની પણ તકરાર નથી.

કિશોરલાલને ત્યાં મને કાન્તા પહોંચાડી પણ ગઈ, અને સાથે સાથે મને સૂચના પણ આપતી ગઈ કે મારે લગ્નની વાત તદ્દન ગુપ્ત રાખવી.

કિશોરીલાલ આજ ખૂબ આનંદમાં હતા. હું સવારે હાજરી આપી શક્યો ન હતો તે કસૂર તેમણે જોત જોતામાં માફ કરી, અને બીજે દિવસે પણ મારે ન આવતાં એક દિવસ આનંદ કરો એમ તેમણે એકદમ ખુશમિજાજમાં સૂચવ્યું. મારાં લગ્નની એમને ખબર પડી હશે શું ? મને લગ્નનો આનંદ ભોગવવા દેવા માટે તેમનો આભાર માનવો કે નહિ ? કાન્તાને તો તેઓ ઓળખતા હતા અને તેની સાથે વાત કર્યા પછી તેઓ નાચી ઊઠ્યા હતા, એટલે કદાચ અમારાં જાદુઈ લગ્નની તેમને ખબર હોય પણ ખરી !

પરંતુ કારણ બતાવ્યા વગર જ તેમનો આભાર માનવાનું મેં સલામત માન્યું. આપણી કેટલી યે વાતોમાં આપણા સાહેબો અને માલિકોને રસ નથી હોતો !

પણ મારી માન્યતા ખોટી પડી એમ હું ત્રીજે દિવસે તેમની તહેનાતમાં હાજર થઈ ગયો ત્યારે મને સમજાયું. મારી એક વાતમાં તો અત્યારે તેમને ભયંકર રસ રહ્યો હતો એમ હવે મને લાગ્યું; અને તે વાત એટલે મારા લગ્નની વાત. તેમાં પણ મારું કાન્તા સાથે થયેલું. લગ્ન તેમને સંપૂર્ણ રીતે વાંધાભરેલું લાગ્યું !

કારણ ?

હું તેમની હાજરીમાં ઊભો રહ્યો કે એકદમ કિશોરલાલ ઘૂરક્યા : ‘તમને અહીં આવતાં શરમ નથી આવતી ?’

‘સાહેબ ! મેં એવું કશું જ કર્યું નથી કે…’

‘તમને નોકરી મળતી ન હતી, તે મેં આપી ! તેનો આ બદલો ? નિમકહરામ ?’

‘નોકરી માટે હું આભાર માનું છું અને પ્રભુના આશીર્વાદ તમારા ઉપર ઊતરે એવી પ્રાર્થના કરું છું. બાકી પગાર હજી આપે આપ્યો નથી એટલે આપના પૈસાનું નિમક તો લાવી શક્યો નથી...’

‘ચૂપ ! મારા લાખ રૂપિયા ખોવરાવ્યા...’

‘આ તદ્દન ખોટા આરોપ છે, સાહેબ ! પેલા ‘પુષ્પપરાગ’ વાળા પાંચસો સિવાય બીજી એકે ય રકમને હું અડ્યો પણ નથી.’

‘તમે કાન્તાની સાથે લગ્ન કર્યું એ વાત ખરી છે કે નહિ.’

‘તદ્દન ખરી. પરંતુ મારી મરજી વિરુદ્ધ. હું તો એને હજી પણ ઓળખતો નથી.’

‘તમારા કાવતરા વિશે હું બરાબર પગલાં લેવાનો છું...’

‘પણ સાહેબ ! મેં તો પુણ્યનું કાર્ય કર્યું છે.’

‘જેની સાથે મારું લગ્ન થવાનું હતું તેની સાથે તમે લગ્ન કરી દીધાં એ પુણ્યનું એક કાર્ય !’

‘એમ ?... સાહેબ ! મને શી, ખબર ?’

‘અને એ લગ્નની શરત ઉપર મેં પહેલેથી લાખ રૂપિયા એના ભાઈને ધીર્યા તે ગયા એ બીજું પુણ્ય !’

હું આભો બની ગયો... એક વાર પછી મને કાન્તાએ કહેલી ટૂંકી હકીકત યાદ આવી. કોઈનાં નામ તેણે દીધાં ન હતાં એટલે હું સમજી શકેલો નહિ કે કિશોરલાલ જ પોતાના ધનને જોરે કાન્તા સાથે લગ્ન કરવા માગવા હતા.

કાન્તા અને તેના ભાઈએ મળી એક ફિલ્મ ઉતારી હતી અને તેમાં કાન્તાએ મુખ્ય સ્ત્રીપાત્રનું કામ કર્યું હતું.

ધાર્યા કરતાં સિનેમા ફિલ્મોમાં ખર્ચ વધારે જ થાય છે, તેમ એમને પણ થયો. જેમણે પૈસા ધીર્યા હતા તેમણે પૂરી રકમ આપવા આગ્રહ કરી ફિલ્મનો કબજો લીધો. કિશોરલાલ પણ સ્ત્રીઓના સંગ્રહસ્થાન સરખી સિનેમા દુનિયામાં ધીરધાર કરતા હતા અને કાન્તા તથા તેના ભાઈને ઓળખતા હતા. તેમણે કાન્તાનું લગ્ન પોતાની સાથે થાય તો વગર વ્યાજે લાખ રૂપિયા ધીરવાની ઉદારતા દાખવી – નહિ તો અસલ ધીરનાર શેઠ કાન્તાને ફિલ્મના બદલામાં અમેરિકા પોતાની સાથે લઈ જવા માગતો હતો !’

આ બંનેમાંથી એક પણ શરત કાન્તા કે તેના ભાઈને રુચિ નહિ. પરંતુ ભાઈની નાણાકીય મૂંઝવણ ભાઈના આત્મઘાતમાં પરિણામ પામશે એવો ભય લાગતાં કાન્તાએ કિશોરલાલ સાથે લગ્ન કરવાની અણગમા સહ હા પાડી, અને લગ્નનો દિવસ પણ નક્કી કર્યો.

ફોનમાં છેલ્લી કબૂલત કરવાની હતી અને વચ્ચે હું આવી ગયો !

મને ખરેખર ખબર નહિ કે હું મારા શેઠની વિરુદ્ધ રમી રહ્યો છું મગર મને કાન્તા રમત રમાડી રહી છે !

ઈશ્વરને માથે રાખીને – ઘણુંખરું ઈશ્વર આપણે માથે જ ચઢી વાગેલો હોય છે – હું કહું કે મારા મનમાં તલપૂર પણ પાપ ન હતું. દુઃખી યુવતીને સહાય કરવાની યુવાની મહા ફરજ તરીકે જ મેં આ જોખમ ખેડ્યું હતું. કિશોરીલાલને આમાં સંબંધ છે એમ મેં જાણ્યું હોત તો હું જરૂર આઘો ખસી ગયો હોત !… પણ કાન્તાને જોયા પછી – કાન્તાની સાથે કલાક ગાળ્યા પછી આઘા ખસવાનું કાર્ય મારા જેવા સ્ત્રીભીરુ માટે પણ અશક્ય થઈ પડ્યું.

છતાં નિમકહલાલીને બટ્ટો ન જ આવવો જોઈએ !

મેં કિશારીલાલને કહ્યું : ‘જે બન્યું તે મારી જાણ બહાર બન્યું છે, પરંતુ હું એ પરિસ્થિતિ સુધારી આપું તો ?’

‘સુધારી તમે હવે ! કૃપા કરી મારું ઘર છોડી ચાલ્યા જાઓ એટલે બસ !’

‘નહિ, નહિ; હજી માર્ગ રહ્યો છે. અને એ માર્ગ સફળ નીવડશે જ. આપને માટે કાન્તાને છૂટી રાખવા…’

એકાએક ઘંટડી વાગી અને એક શીખ પહેરેગીર અંદર આવ્યો. કિશોરીલાલે તેને હુકમ કર્યો : ‘આ આદમીને કમ્પાઉન્ડ બહાર કરો. મારી નોકરીમાંથી એ અત્યાર છૂટો થયો છે, અને એને સજાએ પહોંચાડવા…’

કિશોરીલાલ વાક્ય પૂરું કરે અને શીખ મારું બાવડું ઝાલે તે પહેલાં હું ઓરડામાંથી કમ્પાઉન્ડમાં અને કમ્પાઉન્ડમાંથી સડક ઉપર આવી ગયો !

કાન્તા અને એની કાર ઝાંપે ઊભાં હતાં !

હું ત્યાં પહોંચ્યો અને કાન્તાએ સ્મિત કરી કહ્યું : ‘કેમ નોકરી ખોઈ ને ?’

‘બીજું શું થાય ? પણ વધારામાં એ કે હું પાપમાં પડું એમ છું.’

‘તું અંદર બેસી જા; પછી મને સમજાવ.’

હું ગાડીમાં બેસી ગયો અને મેં કાન્તાને કૃતઘ્નતા ઉપર લાંબું ભાષણ આપ્યું. મને એક વાત સમજાતી ન હતી તે પણ મેં એને પૂછી : ‘પણ કાન્તા... તારા આટલા બધા મિત્રો, વખાણનારાઓ અને ઓળખીતા : એ સહુને મૂકી તે મને ક્યાં ફસાવ્યો ?’

‘તારા જેવું મૂર્ખ બીજું કોણ મળે ? સહુ કોઈ જાણે છે કે કિશોરીલાલને ગવર્નર ઓળખે છે, સરન્યાયાધીશ ઓળખે છે, પોલીસ કમિશ્નર ઓળખે છે અને એની પાસે ધનનો અખૂટ ભંડાર છે. તારા વગર કોણ આવી હિંમત કરે ?’

‘પણ મને ફસાવવાની યોજના કરી ક્યારે ?’

‘ફોનમાં વાત કરતાં કરતાં. તારા કંઠમાં મને લાગ્યું કે તું મારો તારણહાર છે !’ કાન્તાએ હસીને કહ્યું.

‘પણ એ કશું ચાલવાનું નથી. અપ્રામાણિકપણું એમાં થયું છે; એટલું જ નહિ પણ મારા ઉપર દગલબાજીનો આરોપ મુકાય છે.’ મેં કહ્યું.

‘છો મુકાય. કૉર્ટમાં જવાબ અપાશે.’

‘કોર્ટનો પ્રશ્ન જ નથી. હું નીતિનો પૂરો હિમાયતી…’ મારી જાંઘ ઉપર ઝીણો પરંતુ મને કારમાં ઊભો કરી દેતો એક ડંખ વાગ્યો, અને સિસકારી બોલાવી વાક્ય મેં અધૂરું રાખ્યું.

‘નીતિ ? કહે, શો વિચાર છે ?’ કાન્તાએ કહ્યું.

‘તું આમ ચૂંટી ખણે તો મારે કાંઈ જ કહેવું નથી.’ નીતિ કરતાં મને કાન્તાની એ આવડતનો ભારે ભય લાગી ગયો.

‘અને જો છૂટાછેડાની વાત કરી છે તો જવાબમાં ચૂંટી સિવાય બીજું કાંઈ જ મળવાનું નથી !’ કાન્તાએ કહ્યું.

‘ચેતવણી આપ્યા વગર આમ હુમલો… નહિ; તું કહે તે મારે કબૂલ છે.’ મેં મારી નીતિની ભાવના કાન્તાને ચરણે મૂકી દીધી.

થોડી વારે તેણે મને કહ્યું : ‘કુંજ ! તું બેકાર થયો એમ માને છે ?’

‘તું માત્ર હુકમ જ કર; પ્રશ્ન ન પૂછીશ. કદાચ તને જવાબ ન ફાવ્યો અને તારું તીણું અસ્ત્ર તું વાપરે તો જોતજોતામાં સરકાર મને વિક્ટોરિયા ક્રૉસ આપી દેશે.’

‘આપણે આપણી જ બનેલી વાતને ફિલ્મમાં ગોઠવી દઈએ.’

‘અને તું બીજાઓ સાથે ભવાઈ કરે, એમ ?’ મેં જરા સખ્તીથી કહ્યું.

‘નહિ. નહિં. નાયક તને જ બનાવવાનો. ભલો, ભોળો, અણસમજું...’

‘પણ મને તો અભિનય આવડતો જ નથી.’

‘શીખવીશ હું.’

અને આમ હું અભિનયક્ષેત્રમાં એક જાણીતો ‘તારો’ બની ગયો છું !

ઘણા પત્રકારો મારી મુલાકાત લઈ મને પૂછે છે કે આવું સરસ કલાવિધાન હું કેમ શીખ્યો ?

હું તેમને કહું છું કે ટેલિફોનનું એક ભૂત મારા જીવનમાં જાગ્યું અને હું જે ન હતો તે આજે બની ગયો !

પરંતુ એ ટેલિફોનનું ભૂત મારી પાસે આવે છે ત્યારે મને પરી સરખું લાગે છે ! જોકે હજી ટેલિફોનની ઘંટડી સાંભળતાં તો હું ચમકી જ ઊઠું છું.

ટેલિફોન એ વર્તમાન યુગની ભયંકર આફત છે ! મને શું શું વીત્યું નહિ હોય ? પરંતુ યુગબળ આપણને ઘસડે જ જાય છે. મારું કે તમારું એમાં શું ચાલે ?