← પદ-૧૦૧ રસિકવલ્લભ
પદ-૧૦૨
દયારામ
પદ-૧૦૩ →


પદ ૧૦૧ મું

વણ સમજ્યા ને સંશય થાયજી, હરિગુણ અચલિત ક્યમ ગવાયજી;
દેહાધ્યાસ સૌ ક્યમ કરી છૂટેજી ? બાધ કરે ત્યાં ત્યાં તો ત્રૂટેજી ?
પણ છે સમજણ એની બીજીજી, સુણ કહું જેથી રીઝે શ્રીજીજી.
પ્રભુ કરે છે સહુ મુજ રૂડુંજી, કદાપિ ન કરે નિજ જનકુડુંજી.

ઢાળ

કુડું કદિક ભાસે તુરત ધ્રુવ તેમાં પણ હિત હોય;
સુખ ગુપ્ત જ્યમ પિતુ દુઃખદ શિક્ષા, શિશુ ન સમજે કોય.
એમ વિચારી મન શુદ્ધ માને, ભલુ વચને ગાય;
કદિ દોષ નાવે તે અચલ ગુણ ગાન હરિ કહેવાય.
સમજણ એ વિધિ રાખતાં, શ્રીકૃષ્ણ થાય પ્રસન્ન;
તે સમય અવળું સર્વ સવળું, થાય વેદ વચન.
અરિ મિત્ર હોય, વિષ પથ્ય, અધર્મ સહુ ધર્મ થઈ જાય;
દુઃખ થવાનું તે મટાડે, સુખ ના થવાનું થાય.
શ્રીકૃષ્ણ ઈશ્વર પૂર્ણ નહિ વશ, યજ્ઞ, તપ શ્રુતિ મંત્ર;
"કર્તુમ્‌ , અકર્તુમ્‌ , અન્યથાકર્તુમ્" સમર્થ સ્વતંત્ર.

ઉદાહરણ ઇતિહાસ ત્રણે સુણ કહું લઘુ ગીત;
જન દયાપ્રીતમ કૃષ્ણ બલ, અકથિત અતિ અકળિત.