← પદ-૬૬ રસિકવલ્લભ
પદ-૬૭
દયારામ
પદ-૬૮ →


પદ ૬૬ મું

અતિ દુર્લભ છે એવી ભક્તિજી, જેની દાસી ચારે મુક્તિજી;
આચરણ, વય, વિદ્યારૂપ કોયજી, ધન, જાતિ,બલ હરિ નવ જોયજી.
રાધાવર ભક્તિ દસ ભીંજેજી, નિર્મળ પતિ પાખ્યે નવ રીઝેજી;
પારધિ ક્યાં આચરણ પ્રતિપાલજી, વય ક્યાં હતું ધ્રુવજી બાળજી.

ઢાળ

ધ્રુવ બાલ, ગજ વિદ્યા કશી? કુબ્જા હતું ક્યાં રૂપ?
ધન સુદામાને ક્યાં હતું ? વિદુર શી જાતિ અનુપ?
પુરુષાર્થ શું ઉગ્રસેનમાં ? નિરખિયો નંદકિશોર;
રિઝિયા કોલ ભક્તિથી, એક એ જ હરિ ચિત્તચોર.

હરિ ભજનમાં પ્રતિકૂલ હોય, તેને ત્યજે દોષ ન કોય;
જનનિ જનક સુત ભ્રાત ભર્તા, ગુરુ આદિક કદિ હોય.
માતા ભરત, પ્રહ્લાદ પિતુ તજ્યો ઉગ્રસુત મતિવક્ર
બંધુ, વિભીષણ, કાંત, ઋષિપત્નિઓ, બલિ, ગુરુ શુક્ર.
તે પરમ પ્રિય પ્રમાણવા, જે ભજાવે ભગવંત;
શત્રુ સમ તે સમજવા પ્રભુથી ચળાવે ચંત.
ચુલમાં પડી ચતુરાઈ સૌ, અવગુણ સમજ ગુણ જેહ;
જન દયાપ્રીતમ કૃષ્ણ શું જો નથી સાચો સ્નેહ.