← પદ-૮૪ રસિકવલ્લભ
પદ-૮૫
દયારામ
પદ-૮૬ →


પદ ૮૪ મું

નામનિવેદન એ કુલદ્વારાજી, કરી હરિ ભજવા ભાવે દારાજી;
પુષ્ટ ભક્તનો કરવો સંગજી, પ્રતિપલ વાધે પિયુસું રંગજી.
સ્નેહ રાખવો પ્રભુપતિ જારજી, વાત્સલ્યતા તો બાલ પ્રકારજી;
ભય પણ ધરવો ભૂપ સમાનજી, નિશદિન કરવું હરિ ગુણગાનજી.

ઢાળ

ગુણ ગાન ગુરુ ગોવિંદનું, ધરવો વૈષ્ણવ વેશ;
હરિચંદન ભાલ સુભાગ્ય, ઊર્ધ્વપુંડ્ર વક્ર ન લેશ.
તે મધ્ય મુદ્રા ગોપીચંદન, ઉચિત દ્રાદશ અંગ;
શુભ કંઠ માલા તુલસીકાષ્ઠ, પવિત્ર અચલ પ્રસંગ
શ્રીગુરુ ગોવિન્દચરણામૃત, નિત્ય મહાપ્રસાદસું નેમ;

અતુલિત માહાત્મય સુભાગ્ય માની, સેવીએ સહપ્રેમ.
શ્રીભાગવત શ્રી ભગવદ્ગીતા, વલ્લભીમાર્ગ ગ્રંથ;
નિત્ય પઠન શ્રવણ સ્વમાર્ગીમુખ ટેક પુષ્ટિ પંથ.
ચિંતા ન કશી પણ રાખવી, વિશ્ર્વાસ દઢ નિજસ્વામી;
મારું ભલું પ્રભુ સઘળું કરશે, ઈશ અંતર્યામી.
ભર ભરોંસે ગુરુ સંત શ્રીજી, ભજે તે વર ભક્ત;
જન દયાપ્રીતમ કૃષ્ણવલ્લભ સહજ સદા મતિ રકત.