રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૧ લો
← અંક પહેલો: પ્રવેશ ૫ | રાઈનો પર્વત અંક બીજો:પ્રવેશ ૧ રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
અંક બીજો: પ્રવેશ ૨ → |
પ્રવેશ ૧ લો
સ્થળ : કનક્પુરની કચેરી
[કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.]
કલ્યાણકામ: | પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું? |
પુષ્પસેન: | કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ. |
કલ્યાણકામઃ | આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો. |
પુષ્પસેનઃ | હું સૈન્ય લઇ જઇ પહોંચ્યો ત્યારે સ્થિતિ બહુ વિષમ હતી, અને એની ચિંતા સકારણ હતી એ ખરું. પરંતુ દોરી એના હાથમાંથી ખસી ગઇ હતી, તેથી એને ભય અને ચિંતા થયાં હતાં. શરૂઆતમાં તો દંગો કરનાર લોકોને એણે નાણાં આપેલાં અને હથિયાર આપેલાં એ હકીકત ચોખ્ખી રીતે મને માલમ પડી, અને લોકોને બેદિલ કરવા સારુ એણે કર ઉઘરાવનારાઓના જુલમ |
વિશેની ફરિયાદો ગણકારેલી નહિ. એટલું જ નહિ, પણ તેઓ જુલમ કરી શકે એવા નવા ધારા એણે કાઢેલા. | |
કલ્યાણકામ : | એ બધામાં એનો હેતુ શો? |
પુષ્પસેન : | પર્વતરાય મહારાજ હાલ એકાંતમાં છે અને દેશને માથે રાજા નથી, તેવે સમયે દંગો કરાવીને ઉત્તર મંડળમાંના સૈન્યને પોતાના કાબૂમાં લઇ સૈનિકોને લૂંટફાટ કરવા દઇ, રાજૂ કરી આખરે તેમની મદદથી ઉત્તર મંડળના સ્વતંત્ર ઘણી થઇ બેસવું, એવો એનો ઉદ્દેશ હતો. આપે એની મહાત્વાકાંક્ષી લોભની પરીક્ષા કરી છે, તે યથાર્થ છે. |
કલ્યાણકામ : | એની એ યોજના કેટલેથી ભાંગી પડી? |
પુષ્પસેન : | દંગો તો એ જગાવી શક્યો, પણ પછી દંગાખોરો વશ રહ્યા નહિ. દુર્ગેશના મદદગારો ઉપર તેમણે હલ્લા કર્યા અને દંગાખોરો તથા સૈનિકોએ એવી અતંત્ર લૂંટફાટ ચલાવી કે આખું મંડળ ત્રાહિ ત્રાહિ કરવા લાગ્યું. પછી, લૂંટની વહેંચણી બાબત દંગાખોરો અને સૈનિકો વચ્ચે લડાઇઓ ચાલી, અને, તેઓ એક બીજાની કાપાકાપી કરવા લાગ્યા. દુર્ગેશ એક્નો પક્ષ લે તો બીજા ક્રોધાયમાન થાય, એમ બનવા લાગ્યું, અને, ન ટકાયું ત્યારે આપની પાસે મદદ મંગાવી. |
કલ્યાણકામ : |
દુર્વૃત્તિઓ જે જગવે જનોની, |
કડવા અનુભવથી દુર્ગેશને શિખામણ તો મળી; પણ ઉત્તરમંડળનું અધિપતિપણું એના હાથમાં હવે રહેવા |
દેવું હિતકર છે? | |
પુષ્પસેન : | દંગો બેસાડી દેવામાં તો એણે મને ખરા અંતઃકરણથી મદદ કરી હતી, અને, એ મંડળમાં હવે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે. પણ ચિત્તમાં એક્વાર પેઠેલું રાજદ્રોહનું વિષ પૂરેપૂરૂં નીકળી જવું બહુ કઠણ છે. અને, રાજ્યલોભનો કીડો એવો છે કે નરમ પડી ગયા પછી તે પાછો ફરી ફરી ચળવા આવે છે અને ચિત્તને કોરે છે. આપની મના ન હોત તો હું એનો શિરચ્છેદ કરત અથવા એને બંદીવાન કરત. |
કલ્યાણકામ : | દુર્ગેશનો પૂરેપૂરો વિશ્વાસ ન થાય એ ખરું છે, પણ એને હાલ સંકટમાં ઘેરીએ તો એની નિષ્ફળતાથી અસંતુષ્ટ થયેલા એના મિત્રો અને મદદગારો પાછા એને જઇ મળે. વળી એવા યુવકની ઉત્કૃષ્ટ બુધ્ધિશક્તિ રાજયના ઉપયોગમાં કદી પણ ન આવે એમ સદાને માટે રદ કરવી, એ પણ ઉચિત નથી. એને કનકપુરમાં ઉપમંત્રીને પદે બોલાવીશું તો અત્યારે તે ઉત્તર મંડળ છોડીને અહીં ખુશીથી આવશે. રાજ્યને ત્યાંનું ભયકારણ દૂર થશે, અને, પાટનગરમાં એ અંકુશમાં રહેશે.
[દ્વારપાળ પ્રવેશે કરે છે.] |
દ્વારપાળ : | (નમન કરીને) ભગવન્ત! રાણી સાહેબ તરફથી દાસી મંજરી સંદેશો લઇ ને આવી છે. |
કલ્યાણકામ : | આવવા દે.
[દ્વારપાળ જાય છે.] |
પુષપસેન : | પ્રધાનજી, ત્યારે હું રજા લઇશ. |
કલ્યાણકામ : | બેસો પુષ્પસેનજી, આપની સલાહની જરૂર પડશે.
[મંજરી પ્રવેશ કરે છે.] |
મંજરી : | (ઓવારણાં લઇને) સૌભાગ્યવંતા રાણીસાહેબે ભગવન્ત પ્રધાનજીને નમસ્કાર કહ્યાં છે, અને, કહેવડાવ્યું છે કે |
દક્ષિણથી ઝવેરી આવ્યો છે. તેની પાસેથી હીરા અને મોતી લીધાં છે. તેના એક લાખ દામ આપવા કોશાધીશને આજ્ઞા કરશો. | |
કલ્યાણકામ : | ગયા માસમાં રણીસાહેબને એક લાખ દામ મોકલ્યા હતા. |
મંજરી : | તે તો ઘણે ભાગે કાશીથી આવેલાં કસબનાં લૂગડાં લેવામાં ખરચાઇ ગયા, અને થોડા વધ્યા તે કોઠાર ખર્ચમાં વપરાયા. ઝવેરાત મંગાવી આપવાનું આપને રાણી સાહેબે પ્રથમ કહેવડાવ્યું હતું, પણ આપે ઉત્તર મોકલેલો કે દંગો વખતે લાંબો ચાલે તો નાણાંની જરૂર પડે, તેથી હાલ ઝવેરાત માટે ખરચ થાય તેમ નથી. પણ હવે તો દંગો શમી ગયો છે, અને ઝવેરી સારો માલ લઇ આવી પહોંચ્યો, તેથી રાણીસાહેબે ઝવેરાત ખરીદ કર્યું છે. |
કલ્યાણકામ : | પુષપસેનજી! દંગા સંબંધીનો બધો હિસાબ ચૂકી ગયો છે? |
પુષ્પસેન : | ઉત્તર મંડળમાં ચતુરંગ સેના માટે લીધેલા ધાન્ય અને ઘાસના બે લાખ દામ વેપારીઓને હજી આપવાના બાકી છે. વળી, સૈનિકો માટે લીધેલા ઘોડા અને શસ્ત્રના ત્રણ લાખ દામ આપવાના બાકી છે. |
મંજરી : | રાજ્ય હોય ત્યાં ખરચ તો ચાલ્યાજ જાય. મહારાજ એકાન્તવાસમાં હોવાથી રાણી સાહેબને આમ નાણાં માટે સંદેશા મોકલવા પડે છે, તેથી એમને બહુ ઓછું આવે છે. ભગવન્તે ઝવેરાત મંગાવવાની ના કહી ત્યારે રાણી સાહેબ રોયાં હતાં. |
કલ્યાણકામ : | રાણી સાહેબને અમારા નમસ્કાર કહેજો, અને ઝવેરીને અમારી પાસે મોકલી આપવા વિનંતિ કરજો. એને નાણાં ચુકાવી આપીશું.
[મંજરી નમન કરીને જાય છે.] |
પુષ્પસેન : | કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે. |
કલ્યાણકામ : | મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.
સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા, |
પુષ્પસેન : | રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.
મૃદુતા લલનાહૃદયે વસતી, [દ્વારપાળ પ્રવેશ કરે છે.] |
દ્વારપાળ : | (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે. |
કલ્યાણકામ : | એકલા છે? |
દ્વારપાલ : | સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે. |
કલ્યાણકામ : | સહુને અંદર આવવા દે.
[દ્વારપાળ જાય છે.] [કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.] |
કોટવાળ : | ભગવન્તને નમસ્કાર કરું છું. |
કલ્યાણકામ : | કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે? |
કોટવાળ : | આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને |
મારામારી કરતા હતા. તેમની મદદે તેમના પક્ષનાં માણસો આવ્યાં અને રસ્તામાં બહુ તોફાન થયું. સિપાઈઓએ તેમને રોક્યા પણ માન્યું નહિ, અને ઊલટા તેઓ સિપાઈઓને મારવા ધસ્યા. | |
કલ્યાણકામ : | (પકડાયેલા માણસોને) તમને ઘેર અણગમો થતો હોય, તોપણ તુરંગમાં જવા શા માટે આતુર થાઓ છો? જાત્રાએ જાઓ. |
પહેલો માણસ : | ભગવન્ત! તુરંગમાં જવા જેવું કાંઇ કૃત્ય કર્યું નથી. |
બીજો માણસ : | ભગવન્ત! એ તુરંગમં જવાને પાત્ર છે. હું નિર્દોષ છું. |
કલ્યાણકામ : | જે નિર્દોષતા રાજદરબારમાં આવી ધારણ કરો છો તે ઘેર ધારણ કરી હોત તો કોટવાલજીને આટલી મહેનત પડત નહિ. તમારા વચ્ચે કલહ શાથી થયો? |
બીજો માણસ: | ભગવન્ત! આ મારો ગોર છે, હું એનો જજમાન છું. મારી દીકરી માટે સારો વર ખોળી લાવવા મેં એને પરગામ મોકલ્યો હતો. એ મારો વંશ પરંપરાનો ગોર છે. મારા તરફથી સારી રીતે દાનદક્ષિણા એને મળે છે. તે છતાં, મારી નવ વરસની બાળકીનું વેવિશાળ એંસી વર્ષના ઘરડા ડોસા સાથે એ કરી આવ્યો છે. ડોસાના પૈસા ખાઇને મારી દીકરીનો ભવ બગાડ્યો છે. |
કલ્યાણકામ: | ભવ બગાડ્યો શાનો? તું વેવિશાળ રદ કર. |
બીજો માણસ: | ગોર ચાંલ્લો કરી આવ્યા પછી વેવિશાળ કંઇ તોડાય? |
કલ્યાણકામ: | અન્યાયનાં બંધન છોડી ન નંખાય? |
બીજો માણસ: | ભગવન્ત! નાતની રૂઢિ પડી, તે શું કરીએ? અમારી નાતમાં વેવિશાળ કોઇ કારણથી તોડાતાં નથી. કોઇ તોડે તો નાતવાળા નાતબહાર મૂકે, અને કન્યાને બીજું કોઇ લે નહિ. |
કલ્યાણકામ: | યોગ્ય-અયોગ્યનો નાત વિચાર નહિ કરે? |
બીજો માણસ: | નાત તે વળી એવો વિચાર કરે ભગવન્ત? |
કલ્યાણકામ: | નાત સત્ - અસત્ પણ જુએ નહિ? |
બીજો માણસ: | શી રીતે જુએ? |
કલ્યાણકામ: | (પહેલા માણસને) ભૂદેવ! તમે કન્યાના પિતાતુલ્ય છો અને બિચારી કન્યાને કૂવામાં કેમ નાખી આવ્યા? |
પહેલો માણસ: | ભગવન્ત! કૂવામાં નથી નાખી. વર તો શ્રીમંત છે. બીજવર છે એટલે ઉમર તો સહેજ વધારે હોય. પણ કન્યા બેઠી બેઠી રોટલો ખાશે. અને, પરદેશી વૈદ્યરાજ આવ્યા છે તે મહારાજ પર્વતરાજનો ઉપચાર કરી રહે એ પછી એ વૈદ્યને રાખીને એ જ ઉપચાર આ વર કરશે, તો એ પણ જુવાન થઇ જશે. |
બીજો માણસ: | ભગવન્ત! આ ગોરે એવું કહ્યું તેથી જ લઢાઇ થઇ.મેં ગોરને કહ્યું કે તમને ડોસાએ પૈસા આપ્યા છે, તેના ચાર ભાગ કરો. એક ભાગ તમે રાખો, અને ત્રણ ભાગ મને આપો કે તેમાંથી એક ભાગ ડોસાને જુવાન કરવામાં ખરચીએ, અને બાકીના બે ભાગ મારે ઘડપણમાં ગુજરાન માટે ચાલે. મેં પૈસા માગ્યા ત્યારે ગોર સામી ગાળો દેવા લાગ્યા અને મારવા આવ્યા. એથી લોકો ભરાઇ ગયા અને હોહો થઈ ગઈ. |
પહેલો માણસ: | ભગવન્ત! મારા પૈસામાંથી હુ શેનો ભાગ આપું? મેં તો કામ જ કરી આપ્યું. વરને જુવાન થવું હોય તો વર પૈસા ખરચે, અને, કન્યાના બાપને નાણાં જોઇતાં હોય તો વર પાસે કઢાવે. |
બીજો માણસ : | ડોસાની પહેલી વારની બાયડીના છોકરા છે, તે હવે એક બદામ આપવા દે તેમ નથી. |
કલ્યાણકામ : | કોટવાલજી! અત્યારે અમારા ચિત્તને બહુ ક્ષોભ થયો છે. કાલે આ માણસોને હાજર કરજો. એમનાં બંધન કાઢી નાખજો. એમના દુરાચરણે એમને બાંધ્યા છે તે બસ છે. |
કોટવાળઃ | જેવી આજ્ઞા.
[કોટવાળ, સિપાઇઓ અને બન્ને માણસો જાય છે.] |
પુષ્પસેનઃ | મંત્રીશ્વર! નિત્યની આવી વસમી માથાઝીક આપને બહુ વ્યગ્ર કરતી હશે. અમારો તરવાર ફેરવવાનો ધંધો સહેલો અને ટૂંકો. |
કલ્યાણકામઃ | આવા આચારથી દેશની દુર્દશા થવા બેઠી છે, તે તરવાર ફેરવવાથી મટે તેમ નથી. મહારાજે ઘડપણમાં લગ્ન કર્યું ત્યાં પ્રજાજનનો એવા કૃત્ય માટે શી રીતે દોષ કઢાય? અને વૃધ્ધત્વ માટે માડેલા ઉપચારથી તો હજું જોણ જાણે કેટલાએ ફણગા ફૂટશે! હવે અત્યારે તો કચેરી બરખાસ્ત કરીશું.
[બન્ને જાય છે.] |