રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૨ જો
← અંક બીજો: પ્રવેશ ૧ | રાઈનો પર્વત અંક બીજો:પ્રવેશ ૨ રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
અંક બીજો: પ્રવેશ ૩ → |
પ્રવેશ ૨ જો
સ્થળ : કલ્યાણકામની હવેલી.
[કલ્યાણકામ અને સાવિત્રી બેઠેલાં પ્રવેશ કરે છે.]
કલ્યાણકામઃ | રાણીસાહેબનું ઝવેરાત જોઇ તમને થોડુંઘણું એવું ખરીદવાની ઇચ્છા ન થઇ? |
સાવિત્રીઃ | રાણીસાહેબ તો મહારાજ પર્વતરાય જુવાન થઇને આવે ત્યારે તેમને પ્રસન્ન કરવાની ઉત્કંઠાથી આ બધી તૈયારી કરે છે. અને, હું તો તમને પ્રસન્ન કરી ચૂકી છું. |
કલ્યાણકામઃ | તમે કહેતાં હતાં કે પોતાના મનની તૃપ્તિ ખાતર સ્ત્રીઓ અલંકાર પહેરે છે. |
સાવિત્રીઃ | અતૃપ્ત મન તૃપ્તિનાં અનેક સાધન શોધે છે. પરંતુ, મારી તૃપ્તિમાં એવી ન્યૂનતા જ નથી. આપણા લગ્ન પહેલાં અલંકારોથી મને બહુ ઉલ્લાસ થતો, અને આપણા અનુરાગમાં ન્યૂનતા હોત તો અલંકારોથી સંતોષ મેળવવાનો પ્રયત્ન કરત. |
કલ્યાણકામઃ | એમ નહિ તો, મારાં નયનોના અનુરંજન ખાતર તમે થોડાં રત્ન ન પહેરો. |
સાવિત્રીઃ | તમારાં નયનનું એથી અનુરંજન થતું હોય, તો હું થોડાં નહિ, ઘણાં રત્ન પહેરું. પણ, તમારા હૃદયથી જુદા પ્રકારે પ્રસન્નતા મેળવવાની તમારાં નયનોને ઉત્સુકતા હોય એમ હું માનતી નથી. |
કલ્યાણકામઃ | મારા હૃદયની તમારી એ કદર કાયમ છે તે જાણું છું. મને બહુ નિવૃત્તિ થઇ. આજ પુષ્પસેન મને કહેતા હતા કે રાજકાર્યો કરતાં મારું હૃદય એવું કઠણ થઇ ગયું છે કે સ્ત્રી જાતિની મૃદુતા તરફ મને અવજ્ઞા થઇ છે. |
સાવિત્રીઃ | પુષ્પસેનને ઠેકાણે હું હોઉં તો હું પણ એમ ધારું. તમે બે પ્રકારના જીવનસ્વરૂપ ધારણ કરો છો. બહારથી તમને જોનારને તમારી દૃઢતાનું જ દર્શન થાય છે. એ દૃઢતાનાં પડની અંદર રહેલી કોમલતા લોકોને દેખાતી નથી.
રસ મિષ્ટ ભરિયું ફલ જે, |
કલ્યાણકામઃ | મહારાજ પાસે આવેલા વૈદ્યરાજને બોલાવી આપણે પણ જુવાન બનીએ તો બહારથી પણ રસિક રૂપ આપણને પ્રાપ્ત ન થાય? તમારી સુંદરતા તો અખંડિત છે, પણ, વય ઘટાડી આપણે બન્ને બહારની રસિકતા ધારણ ન કરી શકીએ? |
સાવિત્રીઃ | એવા બહારના આભાસથી આપણી પરસ્પરની કદરમાં શો ફેરફાર થાય? લગ્નને દિવસે આપણા સ્નેહની જે |
ગાઢતા હતી તેમાં તલમાત્ર ફેર નથી પડ્યો. ઊછળતો ધોધ નીચે પડીને આજે સરોવર ભરાયું છે, પણ, જળ તો તેનું તે જ છે. | |
કલ્યાણકામઃ | હૃદયદેવી! પતિપત્ની થતાં આપણે પ્રેમી મટી ગયાં નથી. એ ધન્ય સુખથી મળતા બળવડે જ હું રાજકાર્યોના ભારને મારા હૃદયનો સ્પર્શ કરતાં અટકાવી શકું છું, અને, ચિંતાઓને બહારની બહાર રાખી શકું છું. ચિંતાઓને મારા હૃદયમાં દાખલ કરી અને મારા હૃદયભાવને બહાર કાઢી તે સર્વને એકાકાર કરી મારું જીવન એકવડા જ સ્વરૂપનું કરું તો જગતના કંટકો આગળ મારું હૃદય કેમ આખું રહે? |
સાવિત્રીઃ | તમારા જીવનનુ બેવડું સ્વરૂપ ન સમજનાર તમને સખત ધારે તે સ્વાભાવિક છે. પુષપસેને કરેલો જખમ રુઝવવા તમે ઝવેરાતનો પ્રસંગ કાઢ્યો, એ હું જ આટલી વારે સમજું છુ; તો તમારી સાથે ઉપર ઉપરના પરિચયવાળાં મનુષ્યો તમારા દીર્ધદ્રષ્ટિવાળા મંત્રોનો મર્મ શી રીતે ગ્રહણ કરે?
[બહાર કોલાહલ થાય છે.] |
કલ્યાણકામ: | (બારણું ઉઘાડીને) અરે કોઇ છે કે?
[નોકર પ્રવેશે છે.] |
નોકરઃ | જી, હુકમ? |
કલ્યાણકામ : | બહાર આટલી બધી ગરબડ શાની થાય છે? |
નોકરઃ | કોઇ સવારનો ઘોડો કાબૂમાં ન રહ્યો તે બજારમાં બહુ દોડ્યો અને, આખરે આપણા દરવાજા આગળ આવતાં સવાર ફસડાઇ પડ્યો. તેથી તેને બહુ વાગ્યું છે, અને, લોકો ભરાયા છે. |
સાવિત્રીઃ | તું ને બીજા નોકરો મળીને એ માણસને ઘરમાં લાવી સુવાડો અને પછી મને ખબર આપો. |
નોકર: | જી, બહુ સારું.
[નોકર જાય છે.]
|
કલ્યાણકામઃ | તમે એની સારવાર કરવા માંડો, એટલે હું ઉત્તરમંડળેશ્વર તરફ મોકલવાનો પત્ર લખીને આવી પહોંચું છું. [બન્ને જાય છે.]
|