રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૪ થો

←  અંક બીજો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક બીજો: પ્રવેશ ૪
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો: પ્રવેશ ૫ →


પ્રવેશ ૪ થો.


સ્થળ:રુદ્રનાથનું મંદિર
[જાલકા અને રાઈ પ્રવેશ કરે છે.]
 
જાલકા: શીતલસિંહ પાસે મંગાવેલા કાગળો દ્વારા તને રાજ્યનાં કાર્યોની માહિતી મળી છે, અને, હવે તારે ગુપ્ત રીતે નગરમાં ફરીને નગરનાં માણસો અને સ્થાનોથી વાકેફગાર થવાનું છે. કલ્યાણકામને તેં તારું નામ અને ઠેકાણું કહ્યાં તેથી એ કાર્ય બહુ મુશ્કેલીભર્યું થયું છે, અને, બહુ સંભાળથી કરવું પડશે. તને વાગ્યું ત્યારે તારા જખમો અને પાટાને લીધે તું ઓળખાય તેવો નહોતો. પણ તું રાઈ તરીકે કલ્યાણકામને પરિચિત થાય તો આગળ જતાં એ તને પર્વતરાય તરીકે શી રીતે સ્વીકારે?
રાઈ : મારા મેળાપની કલ્યાણકામને થોડા વખતમાં વિસ્મૃતિ થશે.

જાલકા : કલ્યાણકામને કશાની વિસ્મૃતિ થતી જ નથી. થોડા દિવસ પછી કિસલવાડીમાં તારી ખબર કાઢવા કલ્યાણકામે માણાસ મોકલ્યો હતો. પણ, મેં તેને કહ્યું કે 'રાઈ કરીને એક માળી અહીં હતો ખરો, તે ક્યાંય પરદેશ ચાલ્યો ગયો છે અને પાછો આવે એવો સંભવ નથી.' એમ કહી મેં એના માણસને પાછો વાળ્યો. {{ps2|રાઈ :|

એક અસત્યથી જન્મે અસત્યો બહુ જૂજવાં;
રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં' ૨૬

જાલકા : તેં કલ્યાણકામને તારે પોતાને વિષે અસત્ય કહ્યું હોત તો મારે તારે વિશે આ અસ્ત્ય કહેવું ન પડત.
રાઈ : હું શું કામ અસત્ય બોલું ?
જાલકા : જેને રાજ્ય કરવું હોય તેને અસત્ય વિના ચાલે જ નહિ. {{ps2|રાઈ :|

જગત્ આખા તણું રાજ્ય ચલાવે પ્રભુ સત્યથી;
એવું માત્ર હશે કોઈ પુસ્તકોમાં લખ્યું કદી. ૨૭

[મંદિરના કોટનું બારણું કોઈએ ખખડાવ્યાનો અવાજ સંભળાય છે.]

જાલકા : જા, તું રંગમંડપની જોડેની કોટડીમાં બેસ. હું બારણું ઉઘાડું છું. એ માણસ દર્શન કરીને પાછો જાય, પછી તું બહાર આવજે.

[રાઈ કોટડીમાં જાય છે. જાલકા જઈને કોટનું બારણું ઉઘાડે છે. બારણેથી દુર્ગેશ પ્રવેશ કરે છે.]

જાલકા : પધારો. રુદ્રનાથમાં પહેલી જ વાર દર્શન કરવા આવો છો.
દુર્ગેશ : તમે મને ઓળખો છો એ હું જાણતો નહોતો.

જાલકા : ઉપમંત્રી દુર્ગેશને ન ઓળખનારું કનકપુરમાં કોણ હોય ?
દુર્ગેશ : પણ, કનકપુરમાં એવા ઘણા છે કે જેમને હું ઓળખતો નથી મારે તો તમે કોણ છો તે પૂછવું પડશે.
જાલકા : હું આ મંદિરની પૂજારણ છું.
દુર્ગેશ : એમ છે તો મારે તમારું જ કામ હતું.
જાલકા : આપને જ્યારે પૂજા કરાવવી હશે ત્યારે ગોઠવણ થઈ શકશે.
દુર્ગેશ : પૂજા માટે મારાથી જાતે આટલે આઘે આવીને ખોટી થવાય તેમ નથી. તમે અનુકૂળતાયે મારી તરફથી પૂજા કરજો અને તેનું જે ખરચ થાય તે મારી પાસેથી મંગાવી લેજો. હું આવ્યો છું તે બીજા કામ માટે.
જાલકા : હું પૂજારણ બીજું શું કરી શકું ?
દુર્ગેશ : પર્વતરાય મહારાજ આ મંદિરના ભોંયરામાં નિવાસ કરે છે. અને, તેમની અજ્ઞાઅનુસાર બહારની અહીંની વ્યવસ્થા તમારો હસ્તક છે. મહારાજનો ઉપચાર કરનાર વૈદ્યરાજ કદી બહાર આવતા હોય તો મારો એમની સાથે મેળાપ થઈ શકે ?
જાલકા : પ્રધાનજી સિવાય કોઈને એ ભોંયરાની જગા પણ બતાવવી નહિ, એવી આજ્ઞા છે. ભગવન્ત પણ એક જ વાર અહીં આવી ભોંયરું બહારથી જોઇ ચાલ્યા ગયા છે.
દુર્ગેશ : મહારાજની આજ્ઞા વિરુદ્ધ હુ ભોંયરા વિશે કે મહારાજ વિશે કુતૂહલ ધરાવતો નથી. માત્ર વૈદ્યરાજનું કદી દર્શન તઈ શકે કે કેમ એ જાણવા ઉત્સુક છું.
જાલકા : એટલું પણ મારાથી કહેવાય કે કેમ તે તમે મને ખબર નથી. હું તો આ મંદિરમાં પૂજા કરી જાણું છું.
દુર્ગેશ : વૈદ્યરાજના આવ્યા ગયાની હકીકત કહેવામાં મહારાજના ઉપચાર વિધિની ગુપ્તતાનો કોઈ રીતે ભંગ થતો નથી.

જાલકા : આપ ઉપમંત્રી છો અને ભગવન્ત કલ્યાણકામનો આપના ઉપર ભરોંસો છે તેથી, આ વાત કહેવાય એવી છે એમ હું આપના કહ્યાથી માનું છું. અને તે ઉપરથી કહું છું કે વૈદ્યરાજ કદી બહાર આવતા જ નથી. એટલું જ કહી દીધા માટે અમારો વાંક નીકળે તો તમારે મને બચાવવી પડશે. હું તો ગરીબ માણસ છું. અને, જન્મારામાં પૂજા સિવાય બીજું કશું કામ કર્યું નથી.
દુર્ગેશ : અહીં બનેલી હકીકત હું કોઈને કહેવાનો જ નથી, એટલે તમારો વાંક નીકળે એવો સંભવ જ નથી. વૈદ્યરાજ હાલ બહાર આવતા ન હોય તો, જ્યારે મહારાજ સાથે તેમને બહાર આવવાનો વખત થાય ત્યારે તેમને નીકળવાની વેળાની ખબર મને મોકલશો કે તે સમયે તેમની સાથે મેળાપ કરવા હું આવી શકું.
જાલકા : વૌદ્યરાજને મળવા આટલી બધી આતુરતા હોવાનું શું કારણ ? તમારે જુવાની આણવી પડે તેમ નથી. શું કોઈ તરુણી જુવાની હમેશ કાયમ રાખવાની શરત કરે છે ?
દુર્ગેશ : (હસીને) એવી શરત કરનાર કોઈ તરુણી હજી મને મળી નથી; અને, મળે તોપણ જેને હું જેવો છું તેવા મારા પંડથી સંતોષ ન હોય તેની ખાતર હું શું કરવા એવા પ્રયાસ કરું ? હું તો વૈદ્યરાજ મને મહારાજનો કૃપાપાત્ર કરી આપ્યો તે માટે તેમને મળાવા ઈચ્છું છું. વખતે કોઈ મહારાજને, મારા પર અપ્રસન્નતા ઉત્પન્ન કરાવે તેની પાળ બાંધી શકાય માટે વૌદ્યરાજ નીકળે તે જ વેળા હું તેમને મળી શકું એવી મારી ઉત્કંઠા છે.
જાલકા : મહારાજ ક્યારે નીકળવાના છે તે હું કાંઈ જાણતી નથી. અને, એવી વાત મને પૂજારણને કહે પણ કોણ ? પણ, તમે કહેતા હો તો પ્રધાનજી કોઈ વખતે અહીં આવે ત્યારે તેમને તમારી તરફથી પૂછી મૂકું.
દુર્ગેશ : કલ્યાણકામને તો આ સંબંધી કાંઈ જ કહેવાનું જ નથી. હું
અહીં આવ્યો હતો અને પૂછતો હતો એટલું પણ તેમને કાને જવું ન જોઈએ. વૈદ્યરાજ બહર ક્યારે આવશે એ ખબર તમને કોઈ રીતે મળે તો મને કહેવડાવશો તો બસ છે.
જાલકા : એટલું તો મારાથી થાય. પણ, તમે મોટા માણસ. કામ થયું એટલે અમારાં જેવાં ગરીબ વિસારે પડી જાય.
દુર્ગેશ : દુર્ગેશના બીજા દોષ હશે, પણ, દુર્ગેશ અકૃતજ્ઞ નથી. તમે અનૂકુળાતા કરી આપવાનું કબૂલ કર્યું છે, તે હું કદી નહિ ભૂલું અને, મારું કામ તો થાય કે ન થાય, પણ તમારે જે મદદ જોઈતી હશે તે અડધી રાતે પણ આવીને આપીશ, એવું મારું વચન છે. હાલ મારે બીજું કાંઈ જોઈતું નથી.

[દુર્ગેશ જાય છે. જાલકા દુર્ગેશ પાછળ જઈ બારણું બંધ કરે છે. રાઈ કોટડીમાંથી બહાર આવે છે.]

રાઈ : જાલકા ! તેં વેશ બરાબર ભજવ્યો. માણસનો વેશ ભજવ્યો. જાદુગરણનો વેશ ભજવ્યો અને પૂજારણનઓ વેશ ભજવ્યો. હવે કેટલા વેશ ભજવવા છે ?
જાલકા : મેં આ સહુ પહેલા રાણીનો વેશ ભજવ્યો છે, અને હવે, આ સહુ પછી મારે રાજમાતાનો વેશ ભજવવો છે.
રાઈ : પડદાની કરામત કરતાં પણ તારા આ બધા જાદુમાં વધારે અદ્ભુતતા છે. પણ, એ બિચારા દુર્ગેશને તેં એટલો બધો ફગવ્યો શું કામ? એની મુખમુદ્રાની આકર્ષકતા પરથી પણ તને એના પર સમભાવ વૃત્તિ ન થઈ ?
જાલકા : એ ધારતો હતો કે પૂજારણ રાજદ્વારી બાબતો સમજે નહિ, તેથી જેમ કહીશું તેમ કરશે. મેં એની એ સમજણને પુષ્ટિ આપી, અને, આપણા આભાર તળે લીધો કે કોઈ દહાડો જરૂર પડે તો કામ આવે. અને, મને ખબર મળે તો મારે કહેવાનું છે, તેથી વિશેષ મારે કરવાનું કાંઈ નથી.

રાઈ : એવો વ્યવહાર ન્યાયયુક્ત નથી. પરંતુ, દુર્ગેશ સાથે ન્યાયથી વર્તવાના ઘણા પ્રસંગ આવશે. એની આકૃતિ અને ગતિનો પ્રતાપ એવો છે કે શીતલસિંહને બદલે એની સાથે ફરીને કનકપુરની ચર્યા જોવાની હોય તો હું બહુ પ્રસન્ન થાઉં.
જાલકા : એનો વિશ્વાસ કેમ થાય ? એનો મહત્ત્વલોભ જોયો ? એને કલ્યાણકામ કરતાં વધારે રાજપ્રિય થવું છે !
રાઈ : મહત્ત્વકાંક્ષા સન્માર્ગે વળે તો તે પરથી લોભનો બોજ જતો રહે, અને તેને ઉત્કર્ષની પાંખો આવે. કલ્યાણકામની સ્વસ્થતા સાથે દુર્ગેશની ચંચલતાનો યોગ થાય તો તે બહુ સિદ્ધિકારક નીવડે.
જાલકા : તને રાજ્યાભિષેક થયા પછી મંત્રીમંડળમાં જોઈએ તેવી ઘટના થઈ શકશે, પણ હાલ તો, જે માણસ વધારે બુદ્ધિમાન તે વધારે આઘો રાખવા જેવો - એ નિયમ બહુ સખત રીતે પાળવો પડશે. છ માસની મુદ્દત પૂરી થવાનો સમય જેમ પાસે આવતો જાય છે તેમ મારે આ ભોંયરાની ગુપ્તતા જાળવવાના ઉપાય વધારવાની જરૂર થતી જાય છે. વધારે અદ્રશ્ય રહેવા સારુ તારે હવે કિસલવાડીમાં રહેવું પડશે. પર્વતરાય કિસલવાડીમાં આવ્યા હતા એ કોઈના જાણવામાં નથી, તેથી કુતૂહલ ખાતર કોઈ ત્યાં આવે તેમ નથી. અને વળી, જમીનમાં શબના નિશાન માલમ પડે એવું હોય ત્યાં સુધી કોઈનો પગસંચાર ઈષ્ટ નથી, માટે, એ વાડીની બહુ સાવધાનીથી રક્ષા કરવાની છે. મને વખતોવખત મળીને ખબર તો દેજે. આરતીનો વખત થયો છે અને વખતે કોઈ લોકો આવે માટે હું પૂજારણનો ઠાઠ લઈ બેસું છું અને તું જા.
[બન્ને જાય છે.]