રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૫ મો

←  અંક બીજો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક બીજો:પ્રવેશ ૫
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ત્રીજો: પ્રવેશ ૧ →



પ્રવેશ ૫ મો
સ્થળ : કલ્યાણકામની હવેલી અંદરનો બાગ
[કલ્યાણકામ અને સાવિત્રી બાગમાં ફરતા પ્રવેશ કરે છે]
 
સાવિત્રી : આ બધાં ફૂલમાં સહુથી વધારે સુખી ચંપો છે એને મધમાખીઓ છેડતી નથી.
કલ્યાણકામ : અને, એ કારણથી કવિઓએ પણ ચંપાને બહુ છેડ્યો નથી. તેથી ચંપાને નિવૃત્તિ છે.
સાવિત્રી : કવિઓના વ્યવહારથી પુષ્પોને સંતાપ થતો નથી. કવિઓ તો પુષ્પોની કીર્તિનો પ્રચાર કરે છે.
કલ્યાણકામ : કવિઓ સિવાય બીજા કોઈ પુષ્પો ઉપર વાગ્બાણ ફેંકે નહિ, એવી આજ્ઞા થઈ શકતી હોત તો પુષ્પોને સંતાપનું કારણ ન થાત. કવિઓ પુષ્પોમાં રસસ્થાન જોઈ ને તે તરફ રસભર્યાં વાગ્બાણ પ્રેરી પુષ્પોના સૌંદર્યનું પોષણ કરે છે. પરંતુ તે જોઈ અનેક કવિઓ, જેમને રસસ્થાન દેખાતાં નથી અને જેઓ વાચામાં રસ ભરી શકતા નથી તેઓ, શુષ્ક અને જડ વાગ્બાણ છોડી પુષ્પોને વિના કારણ વ્યથા કરે છે. જેમણે કમલનું સૌંદર્ય પારખ્યું ન હોય તેમણે કમલ વિશે કવિતા કરવાનો કદી પ્રયત્ન કરવો ન જોઈએ. પણ, દુર્ભાગ્યે તેમને અટકાવી શકાતા નથી અને, જન્મારામાં કદી કમલ ને ભ્રમરનો યોગ જોયા વિના અનેક જનો ઘરમાં બેઠા બેઠા કમલ ને ભ્રમરનાં વાગ્જાળ વણી કાઢે છે.
સાવિત્રી : સાર એ કે, ચંપા સરખી નિવૃત્તિ ઇચ્છનારે કમલ સરખો રસકોશ ધારણ કરવો નહિ. ચંપાની સુગંધમાં રહેલા અદૃશ્ય અને અસ્પૃશ્ય રસનું જેને જ્ઞાન હશે તે જ ચંપાની સમીપ આવશે.
કલ્યાણકામ : રાજકાર્યોના સંતાપ એ પ્રકારે હું કેમ ઓછા કરી શકું ?
મારી પ્રવૃત્તિ ઘટાડવા અને નિવૃત્તિ વધારવા તમે આમ વારંવાર આગ્રહ કરો છો, પરંતુ હું માત્ર રાજ્યનો સલાહકાર થઈ રહું એ કેમ બની શકે? મંત્રને અમલમાં મૂકવાનો તંત્ર હાથમાં ન રાખું તો અનીતિજ્ઞો સાથેના પ્રસંગ ઓછા થઈ જાય અને રાજકાર્યોના સંઘર્ષણથી ઉત્પન્ન થતી કર્કશતા વેઠવી ન પડે એ ખરું , પણ એમ વિસારે મૂકેલા દેશનું શું થાય ? હું યુદ્ધ કરવું મૂકી દઈ આચાર્ય બનું તો બીજો કોઈ યુદ્ધમાં ઝૂઝનાર છે ?
સાવિત્રી : એ સહુ ચિંતા પરમેશ્વરને છે.
કલ્યાણકામ : પરમેશ્વર પોતાની ચિંતાઓના ઉપાય મનુષ્યો દ્વારા જ કરે છે, તો જેને માથે ભાર આવ્યો તેનાથી તે ફેંકી કેમ દેવાય?
સાવિત્રી : મહારાજ પર્વતરાય વૃદ્ધત્ત્વમાંથી નીકળી યૌવનમાં આવશે ત્યારે તેઓ સર્વ ભાર વહન કરવા સમર્થ થશે.
કલ્યાણકામ : કોણ જાણે શાથી મારું ચિત્ત એ સ્થિતિની વાસ્તવિકતાનો સાક્ષાતકાર જ કરી શકતું નથી, પરંતુ એ ઉદય તો થશે ત્યારે જોઈશું. હાલતો, પણે પશ્ચિમમાં થતા સૂર્યાસ્ત સરખો આજ જ આપણે માથે છે.
સાવિત્રી : સૂર્યાસ્ત કેવો હૃદયવેધક દેખાય છે !
કલ્યાણકામ :

ઢંકાયો સૂર્ય રાતી ગગનદૃવસમી મેઘમાળાનિ પૂંઠે,
નીચે જેવું ભરે એ ડગલું અણદિઠું માળ એ દીપિ ઊઠે;
આકાશે વાદળીઓ છુટી છુટી તરતી રંગ એ ઝીલી લેતી,
છૂપો એ ડૂબતો તે, ક્ષણ ક્ષણ બદલી વર્ણ દર્શાવિ દેતી. ૨૮

સાવિત્રી : તમારી દૃષ્ટિ ઊંચે છે, પણ આ જગાએ સંભાળી ફરવાનું છે, એ તો તે જ સ્થળ –
[એટલું બોલીને અટકી નીચે જુએ છે.]
 
કલ્યાણકામ : (આસપાસ જોઈને) અહો ! આ તો તે જ સ્થળ છે જ્યાં ફરતાં અજાણતાં હું સર્પ પર પગ મૂકવાની તૈયારીમાં હતો. તે વેળા એ ભયનું તત્કાળ નિવારણ બીજી રીતે શક્ય ન હોવાથી તમે તમારો પગ એકદમ સર્પ પર મૂકી સર્પને મારો સ્પર્શ કરતો અટકાવેલો અને તમારે પગે સર્પનો દંશ વહોરી લીધેલો. સુભાગ્યે સર્પ ઝેરી ન નીકળ્યો. નહિ તો આજે આ બાગમાં કે કલ્યાણકામના હૃદયમાં એકે પુષ્પ કે પર્ણ હોત નહિ ! એ વૃતાંત ગુપ્ત રાખી તમે જગતમાંના પુણ્ય-પ્રવાહને અપુષ્ટ રાખો છો.
સાવિત્રી : ઢંઢેરો ફેરવવાથી એથી વધારે અપુષ્ટિ થાય તેમ છે.
કલ્યાણકામ : આપણા સંતાને તો જાણવું જોઈએ કે કેવી માતાની કીર્તિ તેમને જાળવવાની છે !
સાવિત્રી : બાળકો માતાને માત્ર એ એક પ્રસંગથી જ ઓળખશે ?
કલ્યાણકામ : બીજા પ્રસંગોમાં આવો ઉજ્જ્વલ પ્રસંગ તેમનાથી ગુપ્ત શા માટે રહેવો જોઈએ.
સાવિત્રી : ગુપ્તતાનો ભંગ કરવાનો સમય ઈશ્વર નક્કી કરે છે.
[નોકર પ્રવેશ કરે છે.]
 
નોકર : (નમન કરીને) ભગવન્ત ! પુષ્પસેનજી પધાર્યા છે.
કલ્યાણકામ : એમને અહીં લઈ આવ.
[નોકર જાય છે.]
 
કલ્યાણકામ : અત્યારે આવવાનું કારણ જાણવામાં નથી.
[પુષ્પસેન પ્રવેશ કરે છે.]
 
કલ્યાણકામ : પધારો પુષ્પસેનજી. પૂર્વની સરહદે શત્રુઓ પરાભવ પામી નિર્મૂલ થયા પછી તો આપને કાંઈ વિશ્રાંતીનો સમય આવ્યો છે એમ હું ધારતો હતો, પણ આપની મુખરેખા એમ સૂચવતી નથી.
પુષ્પસેન : આપ મને સૈન્ય લઈ લડાઈ પર મોકલવાના હો તો હું હાલ મહેતલ માગું, પરંતુ બે સૈન્ય મેળાવવા સારુ મારે મજલ કરવાની જરૂર પડે તેમ નથી. મારા હ્રદયમાં જ
રણસંગ્રામ જામ્યો છે, અને તે માટે આપની અએ શ્રીમતી સાવિત્રીદેવીની સહાયતા માગવા આવ્યો છું.
સાવિત્રી : આપ જરા સ્વસ્થ થાઓ. આ બોરસલ્લીના થાળ ઉપર સહુ બેસીએ.
[ત્રણે જણાં થાળ ઉપર બેસે છે.]
 
કલ્યાણકામ : હવે કહો અનેક શત્રુઓનાં હ્રાદય વિદારણ કરનારના હ્રદયને વ્યથા કરનાર કોણ છે ?
પુષ્પસેન : કોઈ શત્રુ નથી. મારી પ્રિયતમ પુત્રી છે.
સાવિત્રી : કમલાને શો અપરાધ થયો છે ? એની માતાના સ્વર્ગવાસ પછી આપના ઘરનો ભાર એણે ઉપાડી લીધો છે. અને, એની સુશીલતાએ આપના હ્રદયને ટકાવી રાખ્યું છે.
પુષ્પસેન : તે જ એનો દુરાગ્રહ મને વિશેષ દુઃખિત કરે છે, એને માટે યોગ્ય વરની શોધમાં છું, તે મેં આપને કહ્યું હતું. પરંતુ હમણાં બે દિવસથી દુર્ગેશ સાથે લગ્ન કરવાની હઠ લઈ બેઠી છે.
કલ્યાણકામ : દુર્ગેશ સાથે ? {{ps2|પુષ્પસેન :

રોષથી હું તો સજ્જ છેદવા શીર્ષ જેહનું,
પુત્રી મારી વરે તેને દમે તે દંશના સમું. ૨૯

સાવિત્રી : દુર્ગેશ તરફ એનું ચિત્ત શી રીતે આકર્ષાયું ?
પુષ્પસેન : દુરગેશને એણે એક જ વાર જોયો છે, અને તે મારે ઘેર અને મારી સમક્ષ. દુર્ગેશ મને મળાવા આવ્યો હતો. એની મુખમુદ્રા અને એની છટા મને પણ રુચિકર લાગેલાં, પરંતુ કમલા તત્કાળ મોહિત કેમ થઈ ગઈ એ મને અગમ્ય લાગે છે.
સાવિત્રી : એ વસ્તુ દુનિયામાં કોઈને પણ સુગમ થઈ છે?

જાગે સ્વયંભૂ ઉરમાંહિ મન્મથ,
તેના નથી કો નિયમો, ન કારણ;
સામ્રાજ્ય તેનું રહ્યું આતમ્વૃત્તિમાં,
અનન્ય તેનું પદ સર્વ સૃષ્ટિમાં. ૩૦

કલ્યાણકામ : દુર્ગેશની એ વિષે કેવી વૃત્તિ છે ?
પુષ્પસેન : કમલા કહે છે કે એ પણ એ જ ક્ષણથી આસક્ત થયો છે અને કમલા સાથે લગ્ન કરવા બહુ ઉત્કંઠિત બન્યો છે. પરંતુ, એ માત્ર એની ધૃષ્ટતા છે. કમલા સાદા દિલની છે અને એનું ચિત્ત ઝટ ખેંચાઈ જાય એવું છે. દુર્ગેશના કોઈ વશીકરણમાં એ સપડાઈ ગઈ છે.
કલ્યાણકામ : દુર્ગેશના સંબંધીઓ એથી ઊલટું ધારતા હશે.
પુષ્પસેન : શા માટે ધારે ? દેવકન્યાની પ્રાપ્તિ તેમને તો ધન્યભાગ્ય. પણ, મારું એકનું એક સંતાન, મારી પ્રાણધાર પુત્રી, જેનેમેં મારા હ્રદયના સમસ્ત રસથી ઉછેરી, જેના શ્રેય માટે મેં મોટી મોટી ઉમેદો બાંધી, તેનું જીવતર દુર્ગેશના અજ્ઞાત ભવિષ્ય સાથે જોડાવાનું ?
કલ્યાણકામ : વ્યગ્ર થનારથી ઉપાય થઈ શકતા નથી. શાંતિથી કરેલું મનન જ માર્ગ દર્શાવી શકે છે.
સાવિત્રી : હું કમલાને બોલાવી તેની જોડે વાત કરીશ.
કલ્યાણકામ : અને, હું દુર્ગેશને બોલાવી તેની જોડે વિચાર કરીશ.
પુષ્પસેન : આપ બન્ને મળી એમના વિચારો ફેરવો એટલે હું કૃતાર્થ થાઉં.
કલ્યાણકામ : એમના વિચાર ફેરવવા કે આપના વિચાર ફેરવવા એ બેમાંથી કયું ઇષ્ટ છે અને કયું શક્ય છે એ જ શોધી કાઢવાનું છે. હવે , આપ કમલા સાથે કલહ ન કરશો.
પુષ્પસેન : મારી પ્રતીતિ છે કે આપ અને શ્રીમતી જે પ્રશસ્ય હશે
તે જ કરશો. આપે કે શ્રીમતીએ કરેલા અનુશાસનનું મેં કદી ઉલ્લંઘન કર્યું નથી. હવે હું રજા લઉં છું.
કલ્યાણકામ : અમે પણ બાગમાં આવતી અંધકારની છાયાને ઉઘડેલા હ્રદયપટ સાથે સ્પર્શ થવા નહિ દઈએ.
[સર્વ જાય છે.]