રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૫ મો

←  અંક સાતમો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક સાતમો: પ્રવેશ ૫
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૬ →


પ્રવેશ ૫ મો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાં બેઠકનો ખંડ

[આરામાસન ઉપર અઢેલીને બેઠેલી રાણી લીલાવતી અને તેની પાસે ઊભેલી મંજરી તથા બીજી દાસી પ્રવેશ કરે છે. તે પછી પુરોહિત અને શીતલસિંહ પ્રવેશ કરે છે, અને આઘેથી નમન કરે છે.]

પુરોહિત : રાણી સાહેબ ! આપે કૃપાવાન્ત થઈ અનુજ્ઞા આપી તેથી શીતલસિંહને આપની સમક્ષ લાવ્યો છું.
શીતલસિંહ : (લીલાવતીની વધારે પાસે આવી નમન કરીને ) હું મહારાજનો અને આપનો હમેંશા વફાદાર સામંત છું.
લીલાવતી : તમારી વફાદારી મારા જાણવામાં છે. તમારે જે કાંઈ નિવેદન કરવું હોય તે જલદી કહી દો. મારી પ્રકૃતિ ઘણી અસ્વસ્થ છે. માત્ર ભગવન્તના આગ્રહથી આ મુલાકાત મેં કબૂલ કરી છે.
શીતલસિંહ : રાણીસાહેબ ! બહુ જરૂરની વાત કહેવાની છે, માટે જ ન છૂટકે હું આપને શ્રમ આપવા આવ્યો છું. હું જાણું છું કે આપનું શરીર બેચેન છે.
લીલાવતી : મારું શરીર બેચેન છે ને મન પણ બેચેન છે. માટે જ કહું છું કે પ્રસ્તાવનું લંબાણ ન કરતાં વક્તવ્ય હોય તેનો ઉદ્‌ગાર કરી નાંખો.
શીતલસિંહ : રાજના સામંત તરીકે મારી ફરજ છે...
લીલાવતી : તમારી ફરજો તો ઘણી છે, પણ તેનો હિસાબ અત્યારે ક્યાં લેવા બેસીએ?
શીતલસિંહ : હું એમ કહેવા જતો હતો કે જગદીપ ગાદીએ બેસે એમ કદી બનવું ન જોઈએ.
લીલાવતી : શા માટે? તમારા પુત્ર કરતાં તો તે ગાદી માટે લાખ ગણો વધારે લાયક છે.
શીતલસિંહ : તે તો – તે તો રાણીસાહેબની મુખત્યારીની વાત છે. મારો પુત્ર તો આખરે રાજના સામંતનો પુત્ર છે, અને જગદીપ જાલકાનો પુત્ર છે.
લીલાવતી : તેથી શું ?
શીતલસિંહ : જે જાલકાએ આપના તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા ધારેલો તેનો પુત્ર આપના પતિની ગાદીએ બેસશે ?
લીલાવતી : એમાં તો તમે અને જાલકા એક ત્રાજવે તોળાઓ એવાં છો. જે શીતલસિંહે મારા પતિને જાલકાની જાળમાં ઉતાર્યા, જે શીતલસિંહે મારા પતિનું અવસાન ગુપ્ત રાખ્યું, જે શીતલસિંહે પર પુરુષને મારો પતિ બનાવવાની અને મારા પતિને નામે ગુજરાતનો રાજા બનાવવાની દુષ્ટ ચલમય યોજનાનો અમલ કર્યો, તે શીતલસિંહનો પુત્ર મારા પતિની ગાદીએ બેસશે, અને તે મારી જ પસંદગીથી ?
શીતલસિંહ : જાલકાની શીખવણીને હું વશ થયો એટલી મારા મનની નિર્બળતા. બાકી, હું નિર્દોષ છું.
લીલાવતી : નિર્બળ મનના મનુષ્યો પ્રબળ મનના મનુષ્યો કરતાં ઘણા વધારે ભયંકર હોય છે. પ્રબળ મનનો મનુષ્ય દુષ્ટ થાય છે ત્યારે માત્ર પોતાની ધારણા જેટલું જ અહિત કરી શકે છે, પણ નિર્બળ મનનો દુષ્ટ મનુષ્ય તો અનેક દુષ્ટોની ધારણાઓનો સાધનભૂત બને છે.
પુરોહિત : રાણીસાહેબ  ! આપ કહો છો તે યથાર્થ છે. શીતલસિંહ તો માત્ર પોતાના સ્વાર્થની વાત કરે છે, પરંતુ આપની રાજા હોય તો દત્તકની વાત બાજુએ રાખતાં બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે તે વિશે કહું.
લીલાવતી : કહો. આ વેળા મન ઉકાળવા હું સજ્જ થઈ બેઠી છું.
પુરોહિત : આપ અશાંત થાઓ એવી સ્વાર્થની વાત હું કહેવાનો નથી. હું તો ધર્મનો વિષય લઈ ને કહું છું કે વીણાવતી
અને જગદીપે લગ્ન કરવા ધાર્યું છે. તે સંકલ્પથી તેઓ કોઈ કારણથી અટકે તેમ નથી. વિધવાનો પુનર્વિવાહ તો શાસ્ત્રવિરુદ્ધ અને અધર્મ્ય છે.
લીલાવતી : અમારા પ્રધાનજી કહે છે કે શાસ્ત્રોમાં વિધવાના પુનર્વિવાહની અનુજ્ઞા છે, અને હાલ તેની રૂઢિ નથી, પણ રાજા રૂઢિ બદલી શકે છે.
પુરોહિત : આપના પ્રધાનજી કહેતા હશે, પણ તે યથાર્થ નથી.
લીલાવતી : ગુજરાતમાં તો ગુજરાતનાં પ્રધાનની જ સલાહ માન્ય થાય. અને, ભગવન્તની શાસ્ત્ર નિપુણતા સુપ્રસિદ્ધ છે.
પુરોહિત : એ લગ્ન થતું ન અટકાવાય તોપણ જે કાર્યથી ક્ષત્રિયમાં અનર્થ થયો ગણાય અને ગુજરાતના રાજકુટુંબને કલંક લાગેલું ગણાય, તે કાર્ય કરનાર જગદીપ પર્વતરાય મહારાજની ગાદીએ બેસે એ કેમ થવા દેવાય?
લીલાવતી : એ અનર્થ નથી અને કલંક નથી એમ મારી પ્રતીતિ થઈ છે. એ બેનો ઉચ્ચ પ્રેમ જ વિશુદ્ધતાની સાક્ષી પૂરે છે. વીણાવતી ફરી સૌભાગ્યથી સુખી થઈ શકે તેમ છે, તો શા માટે તેનું જીવન નાખી દેવું ? અને, જગદીપ ગાદીએ બેસશે તો મારા પતિની પુત્રીનો વંશ ગાદીએ રહેશે. શીતલસિંહના વંશમાં ગાદી જાય એ શી રીતે વધારે સારું છે?
પુરોહિત : પણ, જગદીપ તો આપના પતિનો શત્રુનો પુત્ર !
શીતલસિંહ : શત્રુ છતાં પણ તે એક વાર ગુજરાતનો રાજા હતો. વળી જગદીપ ગાદીએ બેસે એવી સમસ્ત પ્રજાની ઇચ્છા છે. તેની અવગણના કરવી યોગ્ય છે.

રાજ્યનાં હિતકાર્યોમાં લોકેચ્છા માનવી ઘટે,
અનાદર પ્રજાનો જ્યાં રાજલક્ષ્મી ન ત્યાં વસે. ૯૯

પુરોહિત : આપને પ્રધાનજીએ આ સિદ્ધાન્ત કહ્યા હશે !
લીલાવતી : જે મંત્રીશ્વર પોતે આવા ઉચ્ચ સિદ્ધાંત ગ્રહણ કરી શકે છે અને મારી પાસે ગ્રહણ કરાવી શકે છે તેમનો મહિમા કંઈ સાધારણ છે ?
પુરોહિત : પ્રધાનજીનો બુદ્ધિપ્રભાવ વિશાળ છે, પરંતુ જે માણસના બાણથી પર્વતરાય મહારાજના પ્રાણ ગયા તેને જ તેમનો વારસ થવા દેવો એ મારી અલ્પ બુદ્ધિને તો ઉચિત લાગતું નથી.
લીલાવતી : એ અકસ્માત હતો અને તેમાં જગદીપનો દોષ લેશમાત્ર નહોતો. એ જગદીપને ઉદાત્તતાને લીધે જ રાજદરબાર કપટમાં ઘેરાતો બચ્યો અને મારા શિયળનું રક્ષણ થયું છે, તે માટે ઉપકારવૃત્તિ ઘટતી નથી ? અને આ અવસ્થાએ આવ્યા પછી, અત્યારે જગદીપને ગાદીએ બેસતો અટકાવી ગુજરાતને કલહમાંથી અને પરરાજ્યોના હુમલામાંથી બચાવવાનો કોઈ માર્ગ સૂચવો છો ? આપ વૃદ્ધ છો અને અનુભવી છો.
પુરોહિત : આપ કૃપાવન્ત થઈ પૂછો છો, માટે કહું છું કે આપ કોઇને દત્તક લઈ ગાદીએ બેસાડો એ જ માર્ગ છે.
લીલાવતી : કોને દત્તક લેવાની આપ સલાહ આપો છો?
પુરોહિત : હું તો તટસ્થ છું, મારે કંઈ લાભાલાભ નથી, પણ અહીં આવ્યા પછી મેં અહીંના સામન્તો અને ક્ષત્રિયો સાથે પ્રસંગ પાડ્યો છે. નિષ્પક્ષપાત વૃત્તિથી જોતાં મને તો લાગે છે કે શીતલસિંહનો પુત્ર દત્તક લેવા માટે સહુથી વધારે યોગ્ય છે.
લીલાવતી : એનામાં શા વિશેષ ગુણ છે ?
પુરોહિત : વિશેષ ગુણ તો શું, પણ શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજને સંપૂર્ણ વિશ્વાસ હતો, અને એ બધી રીતે વફાદાર છે ને વફાદાર રહેશે.
લીલાવતી : મંજરી ! તારો શો મત છે ?
મંજરી : બા સાહેબ ! રાજકાજમાં મારી શી અક્કલ ચાલે ! પણ, પુરોહિત મહારાજ આપના પિયેરના છે એટલે અંગનું માણસ છે, અને સારી સલાહ જ આપે. (સ્વગત) આ તો બાજી કાંઈ ઠીક થતી જણાય છે. છેવટ ઉપાય પર નહિ જવું પડે.
લીલાવતી : શીતલસિંહ ! તમે પણ આ સલાહ આપો છો તે માત્ર મારા અને રાજના હિત માટે ?
શીતલસિંહ : રાણીસાહેબ ! મારો બીજો શો હેતુ હોય ? (સ્વગત) આખરે આપણું કામ પાર પડવા આવ્યું ખરું !
લીલાવતી : બસ ! તમારા ત્રણેના દંભની નિર્લજ્જતા હવે હું વધારે વાર સહન કરી શકું તેમ નથી. 'નિર્દોષ', 'નિઃસ્વાર્થ', નિષ્પક્ષપાત,' એ શબ્દો તમારા મુખમાંથી નીકળતાં કલુષિત થાય છે. તમે શું એમ માનો છો કે તમારા ત્રણેની ખટપટથી હું અજાણી છું ? મારા રાજ્યના મંત્રીઓ શું એવા નિર્માલ્ય છે કે કાવતરાં તેમની ભૂલમાં ચાલ્યાં જાય ? તમારી એવી ધારણા હતી કે છેવટે મારો એકાએક વધ કરી મારા શબને ત્વરાથી બાળી મૂકવું અને એવી વાત ચલાવવી કે મેં ગુપ્ત રીતે આ પુરોહિત સમક્ષ શીતલસિંહના પુત્રને દત્તક લીધો અને પછી હું મારા પતિ પછાડી સતી થઈ - એ તમારો સંકેત પણ મારા કુશલ મંત્રીશ્વરથી અજાણ્યો નથી રહ્યો. એમની સાવધાનતા તમારી કલ્પનામાં નથી. દાસી ! બહારના ખંડમાં ભગવન્ત બેઠા છે. તેમને બોલાવી લાવ.
દાસી : જેવી આજ્ઞા.
[દાસી જાય છે.]
 
શીતલસિંહ : (આશ્ચર્યથી) ભગવન્ત અત્યારે અહીં !
લીલાવતી : સર્પને સમીપ આવવા દેતાં સર્પના પ્રતિકારને સમીપ
રાખ્યા વિના ચાલે ?
[કલ્યાણકામ અને દાસી પ્રવેશ કરે છે. કલ્યાણકામ નમન કરે છે.]
 

(ઉશ્કેરાઈને) ભગવન્ત ! આ ત્રણે અપરાધીઓને શી શિક્ષા કરશો ?

કલ્યાણકામ : રાણીસાહેબ ! શાન્ત થાઓ. આપની અસ્વસ્થ પ્રકૃતિને આ આવેશથી હાનિ થાય છે.
લીલાવતી : એ હાનિ કરનારઓને જ દંડ કરવાનું કહું છું.
કલ્યાણકામ : અત્યારે કાંઈ ન્યાયાસન ભરીને બેઠા છીએ ? એમને કાંઈ કહેવાનું હોય તે શાન્ત થઈ સાંભળવું પડે.
લીલાવતી : શીતલસિંહ સાચું કહો. કાલ રાત્રે તમારે ઘેર મંજરી અને પુરોહિત અત્તર વેચનારને વેશે આવેલા અને ત્યાં જ મારા વધની યોજના નક્કી કરી, અને હું ઉંઘતી હોઉં ત્યારે મંજરીએ મારી છાતીમાં બરછી ભોંકવી એમ ઠરાવ્યું, એ વાત ખરી કે નહિ ?
શીતલસિંહ : (ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને) રાણીસાહેબ ! મેં તો એ વાતની ઘણી ના કહી, પણ આ મંજરીએ અને પુરોહિત મહારાજે મારી પાસે પરાણે હા કહેવડાવી.
મંજરી : (સ્વગત) બાયલાની મદદે જાય તેને માથું તો કપાવવું પડે પણ નાકેય કપાવવું પડે.
લીલાવતી : કહો ભગવન્ત ! હવે, એમનું શું સાંભળવાનું રહ્યું !
કલ્યાણકામ : ન્યાય ઉતાવળમાં થતો નથી
લીલાવતી : ભલે, તમને એમ ઠીક લાગે છે તો પછી એમનો ન્યાય કરજો. હું એમની સાથેનો પ્રસંગ વધારે લંબાવવા ઇચ્છતી નથી, પણ જાલકાને અહીં બોલાવો. મેં એને કહેલાં શાપવચનો આ સર્વનાં દેખતાં મારે પાછાં ખેંચી લેવા છે. એણે મારું હ્રદય ભાંગ્યું, પણ મારે એનું હ્રદય
ભાંગવું જોઈતું નહોતું. ભગવન્ત ! કેમ મારી સામું જોઈ રહ્યા છો ? જાલકાને બોલાવવા મોકલો.
મંજરી : જાલકા તો મરી ગઈ !
લીલાવતી : (ચમકીને) મરી ગઈ ! જાલકા મરી ગઈ !
મંજરી : તે દિવસે અહીંથી ગયા પછી એ મંદવાડમાંથી ઊઠી જ નથી. દુઃખે રિબાતી મરી ગઈ.
લીલાવતી : ખરે ! હું એને ક્ષમા કરું તે પહેલાં જાલકા મરી ગઈ ! મંજરી ! આખરે તું બરછી ભોંક્યા વિના ન રહી !
[બેભાન થઈ જાય છે.]
 
કલ્યાણકામ : રાણીસાહેબ ! જાગ્રત થાઓ ! દાસી ! એમનાં મોં પર પાણી છાંટો ને પંખો નાંખો !

[દાસી લીલાવતીના મોં ઉપર પાણી છાંટીને અને પંખો નાંખીને તેવું આશ્વાસન કરે છે.]

લીલાવતી : (જાગ્રત થઈને) જાલકાનું સાંત્વન કરી સંતોષ પામવાની મારા હ્રદયમાં આશા હતી, તે પણ આ સમાચારથી ભાંગી પડી. તે દુર્ભાગ્ય-દિવસે મેં એને શાપવચનો કહ્યાં તે પછી એ વચનોના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે છે. પણ અંત દૂર નથી. પરંતુ, હજી એક ઇચ્છા રહી છે તે પૂર્ણ કરું. ભગવન્ત, મેં તમને કહ્યું હતું તે કામના વ્યવસાયમાં તમને કદાચ યાદ નહિ રહ્યું હોય. મારી સમક્ષ જગદીપ અને વીણાવતીને લાવો.
કલ્યાણકામ : એ બન્ને બહારના ખંડમાં આવેલાં જ છે. દાસી !
દાસી : જેવી આજ્ઞા.
[દાસી જાય છે.]
 
કલ્યાણકામ : જગદીપ અને વીણાવતી આપનો આશીર્વાદ લેવા ઉત્કંઠિત છે.
લીલાવતી : અને, હું એમને આશીર્વાદ દેવા ઉત્કંઠિત છું.

[જગદીપ, વીણાવતી અને દાસી પ્રવેશ કરે છે. જગદીપ અને વીણાવતી બન્ને પાસે આવી લીલાવતીને પગે પડે છે. લીલાવતી તેમને ઉઠાડે છે.]

જગદીપદેવ-નહિ, હજી જગદીપ ! તે દિવસે તેં મને તારી માતા બનાવી છે, તેથી માતા તરીકે આશીર્વાદ દઉં છું કે વીણાવતીને અને ગુર્જરભૂમિને સુખી કરી તું સુખી થજે. મારે દત્તક લેવો હોત તો તને જ લેત, પણ તારા પિતાના પુત્ર તરીકે ગાદીએ આવવા તું હકદાર છે. વીણાવતી ! આજ સુધી તારા સુખ માટે મેં કશી પ્રવૃત્તિ કરી નથી, પણ માતાની આશિષ જો કલ્યાણ કરતી હોય તો હું આશિષ દઉં છું કે તું સૌભાગ્ય પામી ઘણું ઘણું સુખ જોજે. (અટકીને) મારાથી બહુ બોલાશે નહિ એમ મને લાગે છે, પણ એક વચન છેવટ કહું છું કે ગુર્જરરાજની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય. (અટકીને) મારી છાતીમાં કેમ ગભરામણ થાય છે ? મને જરા પાણી પાઓ. (દાસી પાણી ધરે છે. તે પીએ છે) મારાં આ વચનથી દેશમાં એક દુઃખી સ્ત્રીનું દુઃખ મટશે તો મારા પતિની પ્રજામાં એટલું સુખ વધશે અને ઈશ્વરના ધામમાં મને નિવૃત્તિ થશે. પણ, અલોકમાં તો....

[બેભાન થઈ જાય છે.]
 
કલ્યાણકામ : દાસી ! તમે અને બીજા સેવકો રાણીસાહેબને લઈ જઈને પથારીમાં સુવાડો. (બીજાંઓને) આપણ સર્વ અહીંથી ચાલો.

[લીલાવતી અને દાસી સિવાય સહુ જાય છે, અને પડદો પડે છે.]