રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૬ ઠ્ઠો

←  અંક સાતમો: પ્રવેશ ૫ રાઈનો પર્વત
અંક સાતમો: પ્રવેશ ૬
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
પરિશિષ્ટ →


પ્રવેશ ૬ ઠ્ઠો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી

[કચેરીમાં વાદ્ય કે સંગીત થતું નથી, તેમ જ કાંઈ શોભા કરેલી નથી. ફરસબંધી ઉપર તેમજ સિંહાસનની બેઠક ઉપર અને છત્રી ઉપર ધોળી કોરવાળાં કાળાં વસ્ત્ર અને કાળી કોરવાળા ધોળાં વસ્ત્ર પાથરેલાં છે. જગદીપ અને તેની જમણી તરફ વીણાવતી સિંહાસને બેઠેલાં છે. વીણાવતીની જમણી તરફ સાવિત્રી, કમલા અને બીજી સ્ત્રીઓ બેઠેલી છે, અને જગદીપની ડાબી તરફ કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા પુરુષો બેઠેલા છે; એવો પ્રવેશ થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્‌ પરમભટ્ટાર્ક પરમમાહેશ્વર પરમભાગવત, સમધીગતપંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રીજગદીપદેવ મહારાજાધિરાજનો જય ! શ્રીમતી મહારાણી વીણાવતી દેવીનો જય ! મહારાજ અને માહારાજ્ઞી સભામાં સર્વનું સ્વાગત કરે છે.
જગદીપ : પ્રતિહાર ! સર્વને જાહેર કરો કે આજની કચેરીમાં ઉત્સવ અને અભિનન્દન બંધ છે.
પ્રતિહાર : (નમન કરીને) જેવો ધરણીધરનો હુકમ. ( દરબારમંડળ તરફ ફરીને મોટેથી) આજની કચેરીમાં ઉત્સવ અને અભિનંદન બંધ છે.
કલ્યાણકામ : મહારાજ ! આવે મંગલ પ્રસંગે આ બધો શોક ન ઘટે.
જગદીપ : ભગવન્ત ! અમારી બે માતાઓની ચિતાભૂમિ હજી ઉની છે તેટલામાં લગ્ન અને રાજ્યાભિષેકની ક્રિયાઓ કરી અમે સ્નેહનો વિચ્છેદ કર્યો છે તેનો તો અમને સાક્ષાત્કાર થવા દો.
કલ્યાણકામ : એ બંને ક્રિયાઓ કરવામાં મહારાજ અને દેવી કર્તવ્ય પારાયણ થયાં છો, અને કર્તવ્ય કરવામાં હર્ષશોકના અન્તરાય લેખાતા નથી. વળી, સંસારની તો એ જ ઘટના છે, કે–

ચિતા માતાપિતા કેરી સ્વહસ્તે સળગાવિને,
સંતાનો એ જ જ્વાલામાં ચેતાવે આત્મદીપને. ૯૯

આપની ઈચ્છાનુસાર આજે ઉત્સવ અને અભિનન્દન બંધ કર્યાં છે, પણ રાજકાર્યો બંધ થઈ શકતાં નથી. એક રાજકાર્ય ત્વરાથી કરવાનું છે, તે રજૂ કરવાની રજા લઉં છું.
જગદીપ : આપણે યોગ્ય લાગે તે યોગ્ય હોવું જ જોઈએ, અને તે થવું જ જોઈએ.
કલ્યાણકામ : પ્રતિહાર ! બહાર બે અપરાધીઓ છે તેમને અંદર લાવો.
પ્રતિહાર : જેવો હુકમ.
[પ્રતિહાર બહાર જઈ શીતલસિંહને અને મંજરીને લઈ આવે છે.]
 
કલ્યાણકામ : મહારાજ , આ બંનેનો ન્યાય એમને કહી સંભળાવવા કૃપાવન્ત થશો.
જગદીપ : શીતલસિંહ ! મંજરી ! ભગવન્ત પ્રધાનજીની સલાહ લઈ અમે એ નિર્ણય કર્યો છે કે તમને ક્ષમા કરવી. પુરોહિત મહારાજ પરરાજ્યથી પરોણા આવેલા હતા, માટે તેમને કચેરીમાં આણવા જેટલી પણ શિક્ષા ન કરતાં અમે તેમને પોતાને દેશ મોકલી દીધાં છે. તમે રાજદ્રોહ કર્યો છે, તેની સાથે દેશદ્રોહ કર્યો છે. તમારા સ્વાર્થને માટે પ્રજાને પીડી એક કરોડ દામ ઉઘરાવવા અને દેશમાંથી એક આખું મંડળ કાપી નાખી પરરાજયને આપી દેવા તમે તૈયાર થયાં હતાં. એ મહાઅપરાધ માટે તમને ભારે શિક્ષા ઘટે છે, પણ ઘણા વખત સુધી તમો શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજની કૃપા હતી, અને તમો મંજરી પર લીલાવતી રાણીની કૃપા હતી તે લક્ષમાં લઈ અમે
તમને શિક્ષા કરતા નથી. પ્રજામાં તમારી અપકીર્તિ થઈ છે, એ જ શિક્ષા હાલ તમને બસ છે. અને તમે ફરી દ્રોહમાં પ્રવૃત્ત નહિ થાઓ તો તમને બીજી કંઈ શિક્ષા કરવામાં આવશે નહિ. રાજ્યમાં રહેવાની તમને છૂટ છે.
શીતલસિંહ : મહારાજ, આપે કૃપાવન્ત થઈ મારા અપરાધ ક્ષમા કર્યા છે તો વફાદારીની પ્રતિજ્ઞા લેવાની મને રાજા આપશો.
જગદીપ : શીતલસિંહ, તમે પ્રથમ એ પ્રતિજ્ઞા લીધેલી છે તે સાંભરતું હશે.
શીતલસિંહ : (નીચું જોઈને) તે પળાઈ નથી માટે ફરી પ્રતિજ્ઞા લેવા ઇચ્છું છું.
જગદીપ : હવે વફાદાર થવાની દૃઢતા પ્રાપ્ત થાય તે પછી પ્રતિજ્ઞા લેજો.
શીતલસિંહ : મહારાજ, આપ ન્યાયી છો તેથી એક બીજી યાચના કરું છું. પુરોહિત અને મંજરીના હાથમાં મારી બધી દોલત ચાલી ગઈ છે. તેમણે મોંમાગ્યા દામ આપતાં મારી જાગીર પણ ડૂબી ગઈ છે.
જગદીપ : તેઓ કાંઈ પાછું આપે તો તે લેવાની તમને છૂટ છે.
દુર્ગેશ : અને દીકરા-દીકરી પરણાવવાનો તમારો સંકેત પાળવો હોય તો તે પાળવાની તમને છૂટ છે.
શીતલસિંહ : હું ગમે તેવો પણ ગુર્જરરાજનો સામન્ત. તેનો દીકરો તે દાસીની છોકરી સાથે પરણે ! અને, દાસીમાં પણ આવી કુપાત્ર કૃતઘ્ની સ્ત્રીની છોકરી સાથે !
મંજરી : અને, આવા બાયલા અને હિચકારાનો છોકરો તે કેવો નીવડવાનો હતો તે મારી દીકરી એને પરણીને સુખી થાય !
કલ્યાણકામ : સભા વચ્ચે તમારે આવો પરસ્પર દ્વેષ કરવો ન જોઈએ. એક બીજાનો ઇન્સાફ તમારે કરવાનો નથી. તમારા
અપુણ્ય સંકેતમાંથી તમે છૂટ્યાં છો એટલું બસ છે.
જગદીપ : શીતલસિંહ ! ભવિષ્યમાં તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે, પરંતુ મારો સિદ્ધાન્ત તમને ઉપયોગી થતો હોય તો હું તે દર્શાવું. તમને યાદ હશે કે તે રાત્રે કિસલવાડીમાં મારો ખરો વૃત્તાન્ત મેં તમને જણાવ્યો ત્યારે મેં એક દોહરો કહ્યો હતો.
શીતલસિંહ : હા મહારાજ ! મને તે દોહરો યાદ છે.

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;
રાઈનો પર્વત કરે, પરવતનો વળિ રાઈ. ૧૦૦

જગદીપ : પ્રભુના વિધાનને અનુસરતાં હું રાઈનો પર્વત થયેલો બચ્યો અને પાછો રાઈ થયો, તો આજે રાઈનો જગદીપ થયો છું. મારા પિતાની ગાદીએ બેઠો છું, અને દીવ્ય પ્રેમથી મને પાવન કરનારી આ પત્ની પામ્યો છું. ભગવન્ત ! હવે આપના આશીર્વાદનું એક વચન સાંભળી આ સભા વિસર્જન કરીશું.
કલ્યાણકામ : રાજન ! તમારી ઊચ્ચ નીતિ એ જ પરમ આશીર્વાદ રૂપ છે. તો બીજું શું કહું ?

રહેજો સદા સ્મરણમાં પ્રભુનાં વિધાન,
લોકો ગ્રહો પથ ઉંચા અભિલાષવાન;
રાજા પ્રજા ઊભયનાં ઉર એક થાજો,
ને નીતિકીર્તિ તુજ દેશવિદેશ જાજો. ૧૦૧

[પડદો પડે છે.]