રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/અહલ્યાબાઈ
← બહુબેગમ | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો અહલ્યાબાઈ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
મુક્તાબાઈ → |
६१-अहल्याबाई
મરાઠા રાજ્યમાં જ્યારે પેશ્વાઓ શક્તિશાળી થયા હતા, ત્યારે ગુજરાતથી ઉડ્ડિસા પર્યંત સમસ્ત મધ્યભારતમાં મરાઠા રાજ્ય વિસ્તાર પામ્યું હતું, એ વાત અમે આગળ જણાવી ગયા છીએ. એ રાજ્યની પશ્ચિમ સીમાએ, આપણા ગુજરાત પ્રાંતમાં વડોદરામાં પિલાજી ગાયકવાડે અને પૂર્વ દિશામાં મધ્ય પ્રાંતમાં આવેલા નાગપુર જિલ્લામાં રાણોજી ભોંસલેએ પોતપોતાનાં જુદાં રાજ્ય સ્થાપ્યાં હતાં. એ બે પ્રબળ મરાઠા સરદારો પ્રથમ તો પેશ્વાના હરીફ હતા, પણ પછીથી એમને પેશ્વાનું ઉપરીપણું સ્વીકારવું પડ્યું હતું.
વડોદરા અને નાગપુરની વચમાંના પ્રદેશમાં બીજો પેશ્વા બાજીરાવ રાજ્ય કરતો હતો. મલ્હારરાવ હોલ્કર અને રાણોજી સિંધિયા નામના તેના બે વિશ્વાસુ સેનાપતિ હતા. બાજીરાવે પોતાના અધિકારમાંના વિશાળ રાજ્યમાં પશ્ચિમ ભાગ-ઈંદો૨નો પ્રદેશ મલ્હારરાવ હોલ્કરને અને પૂર્વ ભાગ-ગ્વાલિયરનો પ્રદેશ રાણોજી સિંધિયાને બક્ષિસ આપ્યા. બાજીરાવના તાબામાં રહીને એ બે સરદારો પોત પોતાના પ્રદેશ ઉપર રાજ્ય કરવા લાગ્યા અને એ રાજ્યની આવકમાંથીજ પોતાના સૈન્યનું ખર્ચ પણ નિભાવવા લાગ્યા.
આથી હવે મરાઠા રાજ્યના પાંચ ભાગ થઈ ગયા. દક્ષિણ ભારતના પશ્ચિમી અખાતવાળો આદિ મરાઠા દેશ પેશ્વાના હાથમાં રહ્યો. કેવળ કોલ્હાપુર અને સતારા શિવાજી મહારાજના બે વંશજોના હાથમાં હતાં અને ગુજરાતથી ઉડ્ડિસા સુધીનો મુલક વડોદરા, ઇંદોર, ગ્વાલિયર અને નાગપુર એ પ્રમાણે ચાર રાજ્યમાં વહેચાઈ ગયો હતો.
પેશ્વા બાજીરાવ અને બાલાજી બાજીરાવની સત્તા દરમિયાન વડોદરામાં દામાજીરાવ ગાયકવાડ, ઇંદોરમાં મલ્હારરાવ હોલ્કર, ગ્વાલિયરમાં રાણોજી સિંધિયા અને નાગપુરમાં રાઘોજી ભોંસલે રાજ્ય કરતા હતા. એ સઘળા પેશ્વાને સર્વોપરી માનતા હતા ખરા, પણ સૌ પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર રાજા પેઠે રાજ્ય કરતા. બધાની પાસે જંગી સૈન્ય હતું. એ સૈન્ય લઈને બધા રાજય પોતપોતાની મરજી પ્રમાણે જરૂર પડ્યે યુદ્ધ કરતા.
મોગલ સામ્રાજ્ય શક્તિહીન થતું જતું હતું. તેને તોડી નાખીને તેને સ્થાને ભારતવર્ષમાં મરાઠા રાજ્યની સ્થાપના કરવાનો ઉચ્ચ સંકલ્પ બાજીરાવના મનમાં ઉત્પન્ન થયો હતો. આથી એ સંકલ્પની સિદ્ધિને માટે, તેણે પોતાના સેનાપતિઓને ચારે તરફ વિજય કરવા માટે મોકલવાનો આરંભ કર્યો. મધ્યભારત મરાઠાઓના કબજામાં આવ્યું અને ઉત્તર ભારતના ઘણા રાજાઓ મરાઠાને ખંડણી આપવા લાગ્યા. બાજીરાવના મૃત્યુ પછી તેનો પુત્ર ત્રીજો પેશ્વા બાલાજી બાજીરાવ પણ પિતાના બતાવેલા માર્ગે ચાલ્યો. મરાઠા રાજાઓ અને સેનાપતિઓ આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયા. પેશ્વાના ભાઈ રાઘોજીએ એક વખત દિલ્હી સુધી પોતાનો અધિકાર જમાવીને બાદશાહને પોતાની ઈચ્છા મુજબ રાજ્ય કરવાની ફરજ પાડી અને પંજાબ જીતી લઈને ત્યાં એક મરાઠા શાસનકર્તા નીમ્યો.
આ બે વર્ષમાં પેશ્વાના પિતરાઈ ભાઈ અને મુખ્ય સેનાપતિ સદાશિવરાવ ભાઉએ પેશ્વાના પુત્ર વિશ્વાસ રાવને લઈને દિલ્હીનો કબજો લીધો તેમજ એ શહેરને લૂંટ્યું. વિશ્વાસરાવને ભારતનો શહેનશાહ બનાવવાનો તેણે મનમાં વિચાર કર્યો હતો, પણ તેની વિરુદ્ધમાં એક પ્રબળ શત્રુ હતો. આથી તેનું દમન કર્યા વગર, એને રાજા તરીકે બહાર પાડવાનું કામ એણે મુલતવી રાખ્યું.
એ પ્રબળ શત્રુ બીજો કઈ નહિ પણુ અફઘાનરાજ અહમદશાહ દુરાની હતો. એ અતિશય પરાક્રમી હતો અને છ વખત હિંદુસ્તાન ઉપર ચડાઈ કરીને તેણે દિલ્હી અને આસપાસના પ્રદેશ લૂંટ્યો હતો. મરાઠાઓની સાથે પણ કદી કદી એને ખટપટ થતી.
મોગલ સામ્રાજ્યમાં તો એ વખતે કાંઈ પાણી નહોતું, એમ કહીએ તો ચાલે. તેના તાબાના જુદા જુદા પ્રાંતના સૂબાઓ પોતપોતાના પ્રાંતના રાજા થઈ પડ્યા હતા. હિંદુસ્તાનના મુસલમાન સૂબાઓ અને રાજાઓ મરાઠાના ભયથી અત્યંત બીતા હતા. એ લોકો જોતા હતા કે, ભારતમાં મુસલમાન કે મોગલોના રાજ્યને ઠેકાણે મરાઠાઓનું રાજ્ય સ્થપાતું જાય છે.
હમણાં તો તેઓ મરાઠાઓને ફક્ત ખંડણીજ ભરતા હતા; પણ તેઓ જો દિલ્હીનું સામ્રાજ્ય પોતાના હાથમાં લે, તો પછી એ લોકોને સર્વ પ્રકારે એમના તાબેદા૨ થઈને રહેવું પડશે, એ ભયથી મરાઠાઓની શક્તિ તોડી પાડવા માટે, એ લોકો બધા સંપ કરીને પરાક્રમી અહમદશાહ દુરાનીને મળી ગયા.
ઈ. સ. ૧૭૫૧ માં દિલ્હીની પાસે પાણીપતના મેદાનમાં મરાઠા અને મુસલમાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં મરાઠાઓની હાર થઈ. સદાશિવ અને વિશ્વાસરાવ માર્યા ગયા.
ત્યાર પછી મરાઠાઓની શક્તિ ઘણી દુર્બળ થઈ ગઈ. પેશ્વા બાલાજી બાજીરાવે નિરાશ હૃદયે પ્રાણત્યાગ કર્યો. બીજા મરાઠા રાજાઓ ઉપર પેશ્વાનું ઉપરીપણું નામનુંજ રહી ગયું. મરાઠા સામ્રાજ્ય પાંચ જુદાં જુદાં રાજ્યમાં વહેંચાઈ ગયું.
એ યુદ્ધ પછી મુસલમાનોનો સંપ પાછો ઢીલો પડી ગયો. ઉત્તર હિંદુસ્તાનમાં પણ ભિન્ન ભિન્ન રાજ્ય સ્થપાયાં. દિલ્હીના બાદશાહનું ઉપરીપણું ફક્ત નામનું જ રહી ગયું.
ઇંદોરના રાજા મલ્હારરાવ હોલ્કરની કથા આગળ કહી ગયા છીએ. એ હોલ નામના એક નાના ગામના સાધારણ ભરવાડ હતા. હોલ ગામના નામ ઉપરથી એ હોલ્કર કહેવાય છે.
મલ્હારરાવની ચારપાંચ વર્ષની ઉંમરમાં એમના પિતા કુંદજીનું મૃત્યુ થયું. એમના મૃત્યુ પછી એમનાં સગાંવહાલાંએ એમની નિરાધાર વિધવાને ઘણું દુઃખ દેવા માંડ્યું. એ એકલી પોતાના બાળકને લઈને પોતાના ભાઈ નારાયણજીની પાસે ચાલી ગઈ. એ વખતે નારાયણજી ખાનદેશમાં ટાલાંદા નામના એક ગામમાં રહેતા હતા. ત્યાં એમની થોડીક જમીન હતી અને કોઈ મરાઠા સરદારને ત્યાં ઘોડેસવારના નાયકનું કામ કરતા હતા. પોતાની જાતિના રિવાજ મુજબ એમણે ભાણેજને પશુઓને ચરાવવાના કામમાં નિયુક્ત કર્યો.
દંતકથા એવી છે કે, એક સમયે બાળક મલ્હારરાવ એક વૃક્ષ નીચે સૂઈ રહ્યા હતા. સૂર્યનાં કિરણો તેના ઉપર પ્રકાશ નાખી રહ્યાં હતાં. એવામાં એક ઝેરી સાપ ત્યાં આવ્યો અને પોતાની ફણાની છાયા બાળકના મોં ઉપર કરવા લાગ્યો. મલ્હારરાવની આંખ ઊઘડી, એટલે એ સાપ કાંઈ પણ અનિષ્ટ કર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. આ વાત ધીમે ધીમે તેના મામા નારાયણજીને કાને પહોંચી, એટલે એમણે બાળકને ભાગ્યશાળી ગણીને ઢોર ચરાવવાના કામમાંથી એને છોડાવીને પોતાની સાથે સવારોમાં દાખલ કરાવ્યો. મામાની સાથે રહ્યા પછી, થોડાજ સમયમાં આ ભાગ્યશાળી બાળકના ભાગ્યરૂપી સૂર્યનાં કિરણો રોજ નવીન પ્રકાશથી પ્રકાશવા લાગ્યાં. મલ્હારરાવ રોજ નવીન ઉત્સાહ અને ખંતથી પોતાનું કામ કરવા લાગ્યા અને સહનશીલતા, શૌર્ય વગેરે ગુણોનો પણ એમનામાં સંચાર થયો. એમનાં આ લક્ષણો જોઈને મામાને ખાતરી થઈ કે, આ બાળક ભવિષ્યમાં જરૂર નામ કાઢશે; તેથી એ મલ્હારરાવની ઉન્નતિને માટે યથાસાધ્ય પ્રયત્ન કરવા લાગ્યા. એ વખતે ભારતવર્ષમાં આજકાલની પેઠે શાંતિનું રાજ્ય નહોતું. હમેશાં કંઈ ને કંઈ લડાઈ થયા કરતી હતી અને તેને લીધે બળવાન અને યુદ્ધકુશળ પુરુષોની સદા જરૂર રહેતી હતી. કોઈ એક યુદ્ધમાં મલ્હારરાવે નિઝામ-ઉલ્-મુલ્કના સુપ્રસિદ્ધ વીર સેનાપતિ અને રાજનીતિમાં કુશળ, નાગર બ્રાહ્મણ ગિરધર બહાદુરને રણમાં હરાવીને ઠા૨ કર્યો, તેથી એમની વીરતાની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. મરાઠાઓમાં પોતાના સગા ભાણેજને પોતાની કન્યા પરણાવવાનો ચાલ છે. એ ચાલ મુજબ નારાયણદાસે પોતાની કન્યાનું લગ્ન મલ્હારરાવ સાથે કરી દીધું અને પોતાની મિલકતના વારસ પણ એમનેજ બનાવ્યા. એમની બહાદુરીની પ્રશંસા સાંભળીને બાજીરાવ પેશ્વાએ તેમને ઘણા આદરસત્કાર સાથે પોતાને ત્યાં બોલાવ્યા અને પાંચસો સવારોના નાયકની જગ્યા ઉપર તેમની નિમણુંક કરી. પછી તો દિનપ્રતિદિન બળ, છળ અને રાજનીતિની ચતુરાઈ બતાવીને મલ્હારરાવ ઊંચા ને ઊંચા હોદ્દા પામતા ગયા. ઈ૦ સ૦ ૧૭૨૮ માં પેશ્વાએ નર્મદાના ઉત્તર કિનારાનાં બાર ગામ મલ્હારરાવને આપી દીધાં અને પછી ઈ૦સ૦ ૧૭૩૧ માં બીજા પણ સિત્તેર ગામ આપ્યાં. એ સમયમાં માળવામાં મરાઠા અને મુસલમાનો વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. એ યુદ્ધમાં મલ્હારરાવે એવું યુદ્ધકૌશલ્ય બતાવ્યું કે, પેશ્વાએ તેમને માળવા પ્રાંતના પૂર્ણ અધિકારી બનાવી દીધા. મુસલમાનો ઉપર વિજય મેળવ્યા પછી પેશ્વા બાજીરાવે લશ્કરી ખર્ચના નિર્વાહને સારૂ મહારરાવને ઈદોરનું રાજ્ય જાગીરમાં આવ્યું, ત્યારથીજ ઈદોર હોલ્કરની રાજધાની બન્યું.
જે બાળક એક સમયે બકરાંમેઢાં ચરાવતો હતો અને જેઠનો તાપ તથા શ્રાવણભાદરવાનો મુશળધાર વરસાદ પોતાના માથા ઉપર ઝીલતો હતો, તેજ બાળકના મસ્તક ઉપર આજ રાજછત્ર અને ચામર ઢોળવા લાગ્યાં. ઈશ્વર ! તારો મહિમા અપરંપાર છે ! તું ચાહે તો પરમાણુનો પર્વત અને પર્વતને પરમાણુ બનાવી શકે છે.
ઘણા ગરીબ અને સામાન્ય કુટુંબમાં જન્મ લેવા છતાં પણ, પોતાના બાહુબળને પ્રતાપે મલ્હારરાવે ભારતવર્ષના મુખ્ય વીરપુરુષોમાં પોતાની ગણતરી કરાવીને, પૂર્ણ રાજ્યસુખ ભોગવીને, ૭૬ વર્ષની ઉંમરમાં આ સંસાર છોડીને પરલોક–યાત્રા કરી. મલ્હારરાવની વાર્ષિક આવક ૭૬ લાખ રૂપિયાની હતી તથા ૭૬ કરોડ રૂપિયા એમના મૃત્યુ સમયે ખજાનામાં રોકડા હતા.
મલ્હારરાવની સ્ત્રીનું નામ ગૌતમાબાઈ હતું. એ ગૌતમાબાઈને પેટે મલ્હારરાવના પુત્ર ખંડેરાવનો જન્મ (ઈ. સ. ૧૭૨૫ માં) થયો હતો.
પાંચ વર્ષની ઉંમરથી જ ખંડેરાવનો સ્વભાવ ઘણો ચીડિયો અને હઠીલો જણાયો હતો. રમતગમત સિવાય બીજી કોઈ સારી વાતમાં એનું ચિત્ત ચોટતું નહોતું. મલ્હારરાવે એને ભણાવવાના ઘણાએ ઉપાય કર્યા, પણ કાંઈ વળ્યું નહિ. મોટી વયના થયા પછી પણ કુમાર ખંડેરાવની રુચિ નાચતમાશા તથા દુર્વ્યસન તરફ વધારે જોવામાં આવતી. આથી એના પિતાનો જીવ ઘણો ચિંતાતુર રહેતો. એને સુધારવાના અનેક ઉપાય નિષ્ફળ નીવડ્યા, ત્યારે મલ્હારરાવે એવો વિચાર કર્યો કે, એને કોઈ સુશીલ કન્યા સાથે પરણાવી દેવામાં આવે, તો સંભવ છે કે એ સુધરશે. એ વિચારથી એ કન્યાની શોધ કરવા લાગ્યા.
માળવા અને ગુજરાત પ્રાંતમાં બળવા સમાવીને, મલ્હારરાવ વિજયી સૈન્ય સાથે પોતાના સ્વામી પેશ્વાને મળવા જતા હતા, એવામાં માર્ગમાં તેમને સમાચાર મળ્યા કે, ઔરંગાબાદ જિ૯લાના બીડ તાલુકામાં ચોંટ નામના ગામમાં માનકોજી સિંદે નામના ગૃહસ્થને ત્યાં અહલ્યા નામની એક સુયોગ્ય કન્યા છે. એ કન્યાના જન્મ સંબધી એવી દંતકથા ચાલતી હતી કે, માનકોજીને ઘણા દિવસ સુધી કોઈ સંતાન નહોતું. આખરે સંતાનની ઈચ્છાથી એ કોલ્હાપુર ગયા અને જગદંબાની આરાધના કરી. જગદંબાએ સ્વપ્નમાં તેમને દર્શન દઈને કહ્યું કે, “હું તારે ઘેર કન્યા થઈને જમીશ.” માનકોજીની પત્નીએ પણ સ્વપ્ન જોયું કે, કોઈ દેવીએ તેના કપાળમાં સિંદૂરનો ચાંલ્લો કરીને તેના ખોળામાં એક કન્યા આપી. ત્યાર પછી અહલ્યાનો જન્મ થયો, અહલ્યા એ ગામમાં ભગવતીના અંશરૂપજ મનાતી.
અહલ્યાબાઈનો જન્મ ઇ. સ. ૧૭૨૩ માં થયો હતો. રૂ૫માં એ ઘણાં સુંદર નહોતાં. એમના શરીરનો રંગ શ્યામળો અને કદ મધ્યમ હતું; પરંતુ શરીર ઘાટદાર હતું અને એમના કમળસદૃશ મુખ ઉપર એક એવી તેજોમય જ્યોતિ ઝગમગતી કે, એ ઉપ૨થી એમના હૃદયના ઉચ્ચ ગુણોનો પરિચય જોનારને મળતો. એ સમયમાં મહારાષ્ટ્રમાં ઝાઝું ભણવાનો રિવાજ નહોતો, છતાં અહલ્યાબાઈના પિતાએ એમને ભણાવ્યાં હતાં. બાલ્યાવસ્થાથીજ એ પાપથી બીતાં હતાં અને પુણ્યમાં મનને પરોવતાં હતાં. એમની નાની વયમાં એમનામાં એક બીજો ગુણ એ હતો કે, પૂજા અને પુરાણ શ્રવણ કર્યા વગર એ કદી ભોજન ક૨તાં નહોતાં.
મલ્હારરાવે બાલિકા અહલ્યાને જોઈ અને તેમને ખાતરી થઈ કે, પોતાની પુત્રવધૂ થવાને એજ કન્યા યોગ્ય છે. એમણે અહલ્યાના પિતા સાથે સગાઈની વાતચીત કરી અને ઈ.સ. ૧૭૩૫ માં ઘણી ધામધૂમ સહિત અહલ્યાનું લગ્ન ખંડેરાવ સાથે થઈ ગયું.
અહલ્યાબાઈ સાસરે ગયાં, ત્યારે તેમનાં મિષ્ટ ભાષણ, આચારવિચાર અને ધર્મપરાયણતાથી તેમનાં સાસુ ગૌતમાબાઈ ને સસરા મલ્હારરાવ ઘણાંજ પ્રસન્ન થયાં અને બાલવધૂ ઉપર તેમનો પ્રેમ દિનપ્રતિદિન વધવા લાગ્યો. અહલ્યાને પણ એમની કૃપા જોઈને ઘણો આનંદ થયો. એ પ્રસન્ન ચિત્તથી એમની સેવા કરવા લાગ્યાં તથા તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવા લાગ્યાં. ઘરનું કામકાજ એ ઘણી ચતુરાઈ અને સુઘડતાથી ચિત્ત પરોવીને કરતા હતાં. ખંડેરાવનો સ્વભાવ ઉગ્ર અને હઠીલો તો પહેલેથીજ હતો. વળી હાલમાં એ ઘણો ઉડાઉ થઈ ગયો હતો. સ્વામીની એવી દશા જોઈને અહલ્યાબાઈ મનમાં ને મનમાં ઘણો સંતાપ કરતાં; પણ એમની પતિભક્તિમાં એથી જરા પણ ફેરફાર પડ્યો નહોતો. તેઓ તો સ્વામીને શ્રદ્ધા, આદર પ્રેમ તથા ભક્તિ ભાવથી જોતાં.
મલ્હારરાવનો પણ પુત્રવધૂ ઉપર એટલો બધો વાત્સલ્યભાવ હતો કે, ગમે તેટલા રાજકાજમાં ગુંથાયલા હોય અને ગમે તેટલા ગુસ્સે થયેલા હોય, ભલભલા સરદારો અને અમલદારો પણ જે સમયે એમની સમક્ષ જવાની હિંમત ન ધરતા હોય, તે સમયે પણ અહલ્યાબાઈ કાંઈ સંદેશો કહાવે, તો તરતજ મલ્હારરાવ એમનું કામ પ્રસન્નચિત્તે કરતા. અહલ્યાબાઈ આખો દિવસ અને પહોર રાત સુધી સાસુસસરાની સેવા અને ઘરકામની દેખરેખમાં ગાળીને રાત્રે શયનગૃહમાં પતિસેવામાં દૃઢચિત્ત થતાં. પ્રાતઃકાળે પોહ ફાટતાંજ શય્યામાંથી ઊઠીને, શૌચાદિ નિત્યકર્મથી પરવારીને ઈશ્વરપૂજનમાં પ્રવૃત્ત થતાં. ત્યાર પછી કથા સાંભળીને દાનધર્મ કરતાં અને પાછા ઘરકામમાં ગૂંથાતાં. એમણે પોતાના યૌવનકાળને ભોગવિલાસમાં કદી પણ ગુમાવ્યો નહોતો. પરમાત્માની કૃપાથી ઈ. સ. ૧૭૪૫ માં દેપાલપુર ગામમાં દેવી અહલ્યાને એક પુત્ર અવતર્યો. એનું નામ માલેરાવ પાડ્યું. ત્રણ વર્ષ પછી એમને એક પુત્રી સાંપડી, જેનું નામ મુક્તાબાઈ હતું.
મલ્હારરાવે જ્યારે જોયું કે, પુત્રવધૂએ પોતાના કુળના આચારવિચા૨ બરોબર ગ્રહણ કરી લીધા છે અને ઘરસંસારનું બધું કામકાજ ઉમંગથી દક્ષતાપૂર્વક કરી રહ્યાં છે; ત્યારે એમના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ અને તેઓ પણ પ્રસન્નતાપૂર્વક રાજમહેલનાં અનેક કાર્યો એમને સોંપવા લાગ્યાં. પત્નીની સેવા, પ્રેમ તથા ગૃહ–કાર્યકુશળતા જોઈને ખંડેરાવ પણ ઘણો પ્રસન્ન થયો અને પત્નીને માટે તેને લાગણી તથા સન્માન વૃત્તિ ઉત્પન્ન થઈ. અહલ્યાબાઈએ એ અનુકૂળતાનો લાભ લઈને, પતિને પુરાણની કથાઓ તથા લૌકિક દૃષ્ટાંતો દ્વારા નીતિની વાતો સમજાવવાનું શરૂ કર્યું. એનો પ્રભાવ ધીમે ધીમે એવો પડ્યો કે, ખંડેરાવના અનેક દુર્ગુણ ચાલ્યા ગયા અને એ પોતાના પૂજ્ય પિતાની આજ્ઞાપાલનમાં દૃઢતા બતાવવા લાગ્યો. એણે ધીમે ધીમે રાજકાજમાં પણ ભાગ લેવા માંડ્યો. મલ્હારરાવને લાગ્યું કે, પુત્રને અહલ્યા સાથે પરણાવવાનો પોતાનો શુભ ઉદ્દેશ આજે સફળ થયો છે. એ અહલ્યાબાઈની ઘણીજ પ્રશંસા કરવા લાગ્યા તથા એમને સૂચવ્યું કે, “ખંડેરાવ રાજકાજમાં તો ધ્યાન આપતો થઈ ગયો છે, પણ હવે યુદ્ધકળામાં પણ રસ લે, તો અમે બંને જણા આ પ્રાંતની ઉન્નતિ કરવાનું અને રાજ્યનો વિસ્તાર કરવાનું કામ હાથમાં લઈએ.” અહલ્યાબાઈએ વિનયપૂર્વક પતિને સસરાની ઈચ્છા જણાવી. પરિણામ એ આવ્યું કે, ખંડેરાવે યુદ્ધકળા શીખવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં સારી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. ફુરસદના વખતમાં પિતાની સાથે યુદ્ધમાં જવાનું પણ તેણે શરૂ કરી દીધું.
મલ્હારરાવે જોયું કે, પુત્ર યુદ્ધવિદ્યામાં અને પુત્રવધૂ રાજકાર્યમાં હવે નિપુણ થઈ ગયાં છે, ત્યારે એમણે યુદ્ધમાં પુત્રને સાથે લઈ જવાનો અને પોતાની ગેરહાજરીમાં રાજનો બધો કારભાર અહલ્યાને સોંપવાનો નિયમ કર્યો. અહલ્યાબાઈએ રાજપ્રબંધનું કામ પણ કુશળતાથી ચલાવ્યું. એ સંબંધમાં સર જોન માલકમ નામના ઈતિહાસવેત્તા લખે છે કે, “જૂનાં દફતરો તપાસતાં એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, મલ્હારરાવ જ્યારે જ્યારે પોતાના રાજ્યથી દૂર જતા, ત્યારે ત્યારે રાજ્યકાર્યનો સંપૂર્ણ ભાર પોતાની પુત્રવધૂ અહલ્યાબાઈને સોંપી જતા હતા. ખરૂં જોતાં અહલ્યાબાઈએ રાજકાજને સારી રીતે ચલાવવાનો અનુભવ એવા પ્રસંગોથીજ પ્રાપ્ત કર્યો હતો.”
અમે ઉપર જણાવી ગયા છીએ તેમ, પુરાણકથા આદિ શ્રવણ કરવામાં અહલ્યાબાઇની અધિક રુચિ હતી. રામાયણ અને મહાભારતની કથાઓ એ ઘણીજ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં અને એમાં સ્ત્રી જાતિના તથા રાજ પરિવારની મહિલાઓનાં જે કર્તવ્ય કહ્યાં છે, તેનું યથાવિધિ પાલન કરતાં ને વિદ્વાન બ્રાહ્મણોને હાથે પુણ્યકર્મ પણ કરાવતાં. ભગવદ્ભક્તિ તથા શાસ્ત્રના શ્રવણને લીધે એમનું ચિત્ત સદા નિર્મળ રહેતું હતું. એજ ગુણોને લીધે એક વિશાળ રાજ્યનો પ્રબંધ એમણે ઘણી યોગ્યતાપૂર્વક ચલાવીને લોકોમાં વિખ્યાતિ મેળવી હતી.
સંસારમાં સુખ અનિત્ય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ ચક્ર ફર્યા જ કરે છે. દેવી અહલ્યાબાઇનું સુખ પણ અલ્પ કાળનું જ નીવડ્યું. ઈ. સ. ૧૭૭૪માં મલ્હારરાવ પુત્રને સાથે લઈને રજપૂતાનાનાં રાજ્યોમાં ચોથ ઉઘરાવવા ગયો અને ભરતપુર રાજ્યના ડીગની પાસે કુંભેરના કિલ્લા ઉપર ચડાઈ કરી. તે યુદ્ધમાં વીર ખંડેરાવનું મૃત્યુ થયું. અહલ્યાબાઈની વય એ સમયે કેવળ ૧૮ વર્ષની હતી. સ્વામીના મૃત્યુના સમાચાર તેમણે સાંભળ્યા, ત્યારે એમને વજ્રાઘાત થયો હોય એમ લાગ્યું. પતિએ પ્રાણનો પરિત્યાગ કર્યો, તો હવે પોતાને જીવન ધારણ કરવાનું કાંઈ પ્રયોજન નથી, એવું વિચારીને તેમણે ચિતામાં આત્મવિસર્જન કરી પતિની પાછળ જવાનો નિશ્ચય કર્યો.
પણ મલ્હારરાવે બાળકની માફક અહલ્યાબાઈના ખેાળામાં માથું મૂકીને કહ્યું કે, “બેટા ! તું મારી છોકરી છે. મને મૂકીને ક્યાં જાય છે ? મારો ખંડુ ગયો, હવે તું એની જગ્યાએ છે. મારે મનથી તો તું એના કરતાં કોઈ રીતે ઓછી નથી. આજ તારા સામું જોઈને ખંડુનું દુઃખ વીસરી જઈશ. ખંડુ તો ચાલ્યો ગયો, પણ મારા સૂના ઘરની લક્ષ્મી સ્વરૂપ તને મૂકતો ગયો છે. મારા ઘરની કર્તાહર્તા તુંજ છે. તુંજ મને રાજ્ય કરવામાં મદદ આપ, આ દુઃખસાગરમાં મને એકલો મૂકીને ચાલી ન જઈશ.”
સસરાનો આ પ્રમાણેનો દયા ઉપજાવે એવો વિલાપ સાંભળીને અહલ્યાબાઈ જેવા કુળવધૂ તેમની અવગણના કરી શક્યા નહિ. સસરાને પ્રણામ કરીને તેમણે કહ્યું: “આ૫ મારા ઈષ્ટદેવતા સ્વરૂપ છો. આપની ખાત૨ જિંદગી સુધી વૈધવ્યનું દુઃખ સહન કરીશ; પણ આપની આજ્ઞાનું અપમાન કરીશ નહિ. સ્વામીસેવાથી વંચિત થઈ છું, પણ હવે આપની અને સાસુજીની સેવા કરીને વૈધવ્ય–જીવનનું સાર્થક કરીશ.”
અહલ્યાબાઈએ પતિની પાછળ સતી થવાનો વિચાર છોડી દીધો. સ્વામીની પુણ્યસ્મૃતિ હૃદયમાં કાયમ રાખીને સંસારનો કાર્યભાર માથે ઉઠાવવાનો તેમણે સંકલ્પ કર્યો. સસરાએ પણ પોતાનું વચન રાખ્યું. રાજકાજમાં એ અહલ્યાની સલાહ લેવા લાગ્યા અને ઉંમરલાયક રાજકુમારને જેમ રાજા હમેશાં સાથે રાખે છે, તેમ અહલ્યાને સદા પોતાની સાથે રાખીને રાજ્યના કામકાજની કેળવણી આપવા લાગ્યા. રાજ્યના આવક–ખર્ચની વ્યવસ્થા તથા બીજી કેટલીક આંતરિક વ્યવસ્થા તેમણે અહલ્યાબાઈના હાથમાં સોંપી. અહલ્યાબાઈ એવી દક્ષતાપૂર્વક કામ ચલાવવા લાગ્યાં કે, તેમની રાજનીતિકુશળતા તથા રાજ્યશાસન–શક્તિ માટે મલ્હારરાવને સંપૂર્ણ વિશ્વાસ બેઠો; વળી પોતે જ્યારે પાણીપતના યુદ્ધમાં ગયા, ત્યારે રાજ્યનો સંપૂર્ણ કારભાર અહલ્યાબાઈને સોંપી ગયા હતા. પાછા આવીને તેમણે જોયું કે, એવા સંકટના સમયમાં પણ અહલ્યાબાઈએ રાજ્ય એવી સારી રીતે ચલાવ્યું હતું કે, મલ્હારરાવ પોતે પણ એ બંદોબસ્ત રાખી શકત કે કેમ એ સંદેહ છે. અહલ્યાબાઈને લીધે ખંડેરાવની ખોટ મલ્હારરાવને સાલી નહિ.
ત્યાર પછી ચારપાંચ વર્ષ મલ્હારરાવ જીવતા રહ્યા. અહલ્યાબાઇના ઉપદેશ અને સલાહ વગર, એ કોઈ કામ કરતા નહિ. મલ્હારરાવ ઘણા મિજાજી અને ક્રોધી સ્વભાવના હતા; પણ અહલ્યાબાઈ ઉપર તેમને એટલી બધી શ્રદ્ધા હતી કે કોઇના ઉપર ગમે તેટલા ગુસ્સે થયા હોય, તો પણ અહલ્યાબાઈ જરા સમજાવે એટલે તરત શાંત થઈ જતા. મલ્હાર૨ાવના જીવનના છેલ્લા ભાગમાં રાજ્યની અંદરખાનાની વ્યવસ્થા બધી અહલ્યાબાઈના જ હાથમાં આવી હતી.
ઈ. સ. ૧૭૬૫ માં મલ્હારરાવનું મૃત્યુ થયા પછી અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ ગાદીનો વારસ થયો. માલેરાવ ઘણોજ ઉચ્છ્ર્ંખલ સ્વભાવનો યુવક હતો તેની ઉચ્છ્ર્ંખલતા અને દુશ્ચરિત્રતા એટલાં બધાં વધારે હતાં, કે એના તોફાનની સંપૂર્ણ વાત સાંભળ્યા પછી એને મનુષ્ય નહિ પણ પશુ કહેવાનું મન થાય, વળી તેને દારૂ પીવાની લત લાગેલી હોવાથી હિતાહિતનું જ્ઞાન તેને મુદ્દલ નહોતું.
મદ્ય પીને એ મોટા અમલદારને સોટીએ સોટીએ મારતો. કોઈ સગુંવહાલું તેને સલાહ આપવા જાય, તો ચાકરો પાસે તેને ધક્કા મરાવીને કઢાવી મૂકતો. દેવસેવા અને બ્રાહ્મણસેવા અહલ્યાબાઇનાં મુખ્ય કર્મ હતાં; પણ માલેરાવ એ નિમંત્રિત બ્રાહ્મણને ઘણા તિરસ્કારપૂર્વક, બહુજ ઘાતકી વર્તણુંક ચલાવીને પાછા મોકલતો. વસ્ત્રોમાં તથા જોડાઓમાં વીંછીઓ મૂકી દઈને, એ વસ્ત્રો તથા જોડાઓનું બ્રાહ્મણોને દાન કરતો. કોઈ કોઈ વખત એક મોટા કળશમાં ઝેરી સાપ ભરીને, એમાંથી મરજીમાં આવે એટલા રૂપિયા કાઢી લેવા બ્રાહ્મણને કહેતો અને જ્યારે એમને એ ઝેરી જાનવરો ડંખ દેતાં, ત્યારે પોતે ઘણું મલકાતો. આવો એ નિર્દય નીવડ્યો.
સસરાના વખતમાં અહલ્યાબાઈએ જેટલા સુખ અને આનંદમાં દિવસ ગાળ્યા હતા, તેટલાજ દુઃખમાં હવે એનું આયુષ્ય વીતવા લાગ્યું. પુત્ર રાજ્યનો માલિક હતો. એને રોકવાનો હવે તેને કોઈ અધિકાર નહોતો. હવે શું કરવું ? આવો ઘાતકી પુત્ર મરી જાય, તો પણ સારૂં એમ તેને થવા લાગ્યું.
માલેરાવનો પાપનો ઘડો પણ ભરાઈ ચૂક્યો હતો. ખોટો શક લાવીને રાજમહેલના એક કારીગરને તેણે મારી નાખ્યો. પછી જ્યારે એને ખબર પડી કે, એ નિર્દોષ હતો, ત્યારે એના હૃદયમાં અત્યંત પશ્ચાત્તાપ થવા લાગ્યો. માલેરાવ જેવા માણસને નરહત્યા માટે આટલો પશ્ચાત્તાપ થવો, એ ઘણું જ આશ્ચર્યકારક હતું; પણ વિધાતાની ઈચ્છા શી હશે, તે મનુષ્યથી કળી શકાતું નથી. એ પશ્ચાત્તાપને લીધે માલેરાવને સદા એવો ભ્રમ થયા કરતો કે, એ મરી ગયેલા કારીગરનો પ્રેતાત્મા તેને મારવા આવે છે. એ ભ્રમને લીધે માલેરાવ જે કાંઈ બોલતો, તે તેના શરીરમાં આવેલો પ્રેતાત્મા બોલે છે, એમ બધાને લાગતું.
પુત્ર ગમે તેવો દુષ્ટ, અકર્મી કે ઘાતકી હોય, પણ માતા બિલકુલ સ્નેહશૂન્ય થઈ શકતી નથી. પુત્રનાં રાક્ષસી કામો જોઈને અહલ્યાબાઈને કેટલીક વખત એમ થઈ આવતું, કે આના કરતાં તો એ મરી જાય તો પણ સારૂં; પરંતુ પુત્રની વેદના પોતાની આંખે જોયા પછી અહલ્યાબાઈથી એ દુઃખ સહન થઈ શક્યું નહિ. રાતદિવસ એ પુત્રની પથારી આગળ બેસીને, દેવીની માનતા માન્યા કરતાં અને બ્રાહ્મણો પાસે ઘણી જાતનાં ધર્મનાં અનુષ્ઠાન કરાવ્યા કરતાં. પ્રેતાત્માને સંતુષ્ટ કરવા માટે ઘણી માનતા માન્યા છતાં પણ કશાથી કાંઈ વળ્યું નહિ. માલેરાવની પીડા દિનપ્રતિદિન વધતી જ ગઈ અને આખરે તેનું મૃત્યુ થયું. સિંહાસન પર બેઠા પછી, કેવળ છ મહિના સુધી માલેરાવ જીવ્યો.
સહૃદય વાચક ! એકના એક પુત્રના મૃત્યુથી અહલ્યાબાઈને કેટલું દુઃખ થયું હશે, તેની કલ્પના તમે પોતેજ કરી શકશો. પ્રથમ તો પતિ ખંડેરાવના મૃત્યુથી જ તેમનું મન સાંસારિક સુખથી વિરક્ત થઈ ગયું હતું, તેમાં વળી સસરા મલ્હારરાવના મૃત્યુથી એ વધારે નિરાધાર બની ગયાં હતાં. કેવળ એક પુત્રનો આધાર હતો, તે પણ કપૂત નીકળીને અકાળ મોતે મર્યો. આ બધા ઉપરાઉપરી બનેલા બનાવોએ અનાથ અબળા અહલ્યાબાઈના હૃદયને ઘણોજ મોટો ઘા પહોંચાડ્યો. સંસારમાં સ્ત્રીઓને માટે પુત્રવિયોગનું દુઃખ સૌથી મોટું છે. એ શોક ભલભલા જ્ઞાની માણસોના હૃદયને પણ બાળી નાખે છે, પરંતુ ધન્ય છે અહલ્યાબાઈને ! રાજ્ય અને પ્રજાના હિતની ખાતર, પોતાનું સર્વ દુઃખ વીસરીને તેમણે રાજકાર્યમાં મન પરોવ્યું.
માલેરાવના મૃત્યુ પછી ઈ૦ સ૦ ૧૭૬૬ માં અહલ્યાબાઈએ રાજ્યનો સઘળો કારભાર પોતાના હાથમાં લીધો.
મલ્હારરાવ હોલ્કર યુદ્ધવિગ્રહને લીધે ઘણુંખરૂં બહાર રહેતા હતા, તેથી તેમણે બાજીરાવ પેશ્વાની સિફારસથી ગંગાધર જસવંત નામે એક ગૃહસ્થને પોતાનો દીવાન બનાવ્યો હતો. ગંગાધર સ્વાર્થી અને કુટિલ સ્વભાવનો મનુષ્ય હતો. એણે વિચાર્યું કે, “અહલ્યાબાઈ જેવી ચતુર અને રાજનીતિમાં નિપુણ સ્ત્રી રાજ્યનો બધો કારોબાર પોતાના હાથમાં રાખશે, તો મારો સ્વાર્થ સાધવામાં મોટી આડખીલીરૂપ થઈ પડશે અને તેની આગળ મારી એક પણ યુક્તિ નહિ ચાલે.” આથી એણે વિચાર્યું કે, અહલ્યાબાઈને કોઈ નાદાન બાળકને દત્તક લે, તો રાજ્યની સઘળી લગામ પાછી પોતાના હાથમાં રહે. આવા ઈરાદાથી એણે અહલ્યાબાઈને સમજાવ્યું કે, “આ૫ સ્ત્રી છો. આપને રાજકાજની જાતે સંભાળ રાખવા જતાં ઘણી અડચણ નડશે. વળી એથી કરીને આપની પાઠપૂજા અને ઈશ્વરભજનમાં પણ વિઘ્ન પડશે; માટે આપ આપના કુટુંબમાંથી કોઈ છોકરાને ખોળે લઈ લો, તો ઘણું સારૂં. પછી રાજ્ય સંભાળવાની ફિકર રહી, પણ એ તો હું કરીજ રહ્યો છું. આપ આ પ્રમાણે નહિ કરો, તો મલ્હારરાવે ખરા પરસેવાથી મેળવેલું આ રાજ્ય સાચવવું ઘણું મુશ્કેલ થઈ પડશે. ચારે તરફથી શત્રુઓ ઊભા થશે અને પાછલું વેર લેવામાં કસર નહિ રાખે.” આ પ્રમાણે ઘણી યુક્તિ વાપરીને દત્તક લેવાનો તેણે આગ્રહ કર્યો.
રાજનીતિમાં પ્રવીણ અહલ્યાબાઈ એની કુટિલતાની મતલબ સમજી ગઈ, તેથી તેણે વિનયપૂર્વક ઉત્તર આપ્યો “હું પણ એક રાજાની સ્ત્રી છું અને બીજા રાજાની માતા છું, તો પછી મારી હયાતીમાં ત્રીજા કોને ગાદી ઉપર બેસાડું ? હું પોતેજ ગાદી ઉપર બેસીશ.”
એ સમયે પેશ્વાની ગાદી ઉપર માધવરાવ નામનો યુવક હતો. એ પોતે તો ઘણો ધર્મપરાયણ હતો, પણ એના વખતમાં એના કાકા રઘુનાથરાવનું ઘણું ચાલતું હતું. એ ઘણો દુષ્ટ સ્વભાવનો મનુષ્ય હતો. તેની દુરાકાંક્ષા હદ ઉપરાંતની હતી. પોતાની દુષ્ટ વાસના પાર પાડવાને માટે એ કોઈ પણ પ્રકારનું પા૫ કરતાં ચૂકે એમ નહોતો. ગંગાધર યશવંતે આ રઘુનાથ રાવને ખાનગી રીતે કહેવરાવી કહ્યું કે, “તમારે સૈન્ય લઈને ઈંદોર ઉપર ચડી આવવું અને અહલ્યાબાઈને પદભ્રષ્ટ કરીને હોલ્કર વંશના કોઈ બાળકને ગાદી અપાવવી.”
રઘુનાથરાવે મનમાં વિચાર કર્યો: “વાત તો ખરી છે, મલ્હારરાવ કે તેનો પુત્ર હવે હયાત નથી. અહલ્યાબાઈ અબળા છે. આવો સરસ લાગ ફરી ફરીને નહિ મળે. હમણાં ઘણી સહેલાઈથી ઈંદોર જીતી શકાશે.” આવા વિચારથી એણે ગંગાધર યશવંતની સલાહ માન્ય રાખી.
અહલ્યાબાઈને પોતાના ગુપ્તચરોદ્વારા ગંગાધરના એ પ્રપંચની ખબર પડી, ત્યારે તેમણે રાઘોબા દાદાને પત્ર લખ્યો કે, “આખું રાજ્ય મારા સસરાજીનું સ્થાપેલું છે. એમના પછી એ રાજ્યના અધિકારી મારા પતિ હતા, પણ એ તો પિતાની પૂર્વેજ સ્વર્ગવાસી થયા. ત્યાર પછી મારો પુત્ર ગાદીનો હકદાર હતો; એ પણ સ્વર્ગવાસી થયો. હવે એ રાજ્ય ઉપર મારો સંપૂર્ણ અધિકાર છે. કોઈ યોગ્ય બાળકને દત્તક લેવો કે ન લેવો, એ મારી મરજીની વાત છે. આ૫ બુદ્ધિમાન છો. આપની ફરજ છે કે, મને અબળાને કોઈ પણ પ્રકારનો અન્યાય ન કરો અને નાહક મને દબાવવી નહિ. આપ વિચારવાન છો. આ રાજ્ય આપનું જ આપેલું છે, પણ એને પાછું લેવાથી આ૫ના ગૌરવમાં ખામી આવશે. સંભવ છે કે, આપની દ્વારા ચડાઈ કરાવીને કોઈ લોભી અને પ્રપંચી માણસે પોતાનો સ્વાર્થ સાધવાની આ યુક્તિ રચી હશે; પરંતુ એવા પ્રપંચો ઉપર ધ્યાન ન આપવું, એજ આપને માટે લાભકારક છે. એમ છતાં જો આપ નીતિને તિલાંજલિ આપીને અન્યાયી પક્ષનો સ્વીકાર કરવા તૈયાર થશો, તો એનું ઉચિત ફળ ભોગવ્યા વગર રહેશો નહિ.”
પેલી તરફ ગંગાધરરાવે અહલ્યાબાઈ ઉપર એવો અપવાદ મૂક્યો કે રાજ્યલોભને વશ થઈને અહલ્યાબાઈએ પોતેજ પુત્ર માલેરાવનો વધ કરાવ્યો છે. એ દુષ્ટે અહલ્યાબાઈ જેવી પરમ પવિત્ર અને નિષ્કલંક સન્નારી ઉપર દોષારોપણ કરતાં જરાયે સંકેચ ન આણ્યો. અહલ્યાબાઈ જેવી ન્યાયપરાયણ અને પુત્રવત્સલ નારીને એ અધમ આરોપની વાત સાંભળીને ઘણુંજ ખોટું લાગ્યું. એમની આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડ્યાં. એ વિચારવા લાગ્યાં: “શું પુરુષો આટલા બધા સ્વાર્થી, જૂઠા અને અધમ હશે ? આખરે ધૈર્ય અને હિંમત ધરીને ઈશ્વ૨નું ધ્યાન ધર્યું અને પોતાને માથે આવી પડેલ ૨ાજકારભારનું કામ પૂર્ણ દક્ષતાથી કરવામાં તે એકચિત્ત થયાં.
અહલ્યાબાઈ દોષિત હતાં કે નિર્દોષ, એ સંબંધમાં ઈતિહાસવેત્તા માલકમ સાહેબનો અભિપ્રાય વાંચ્યાથી ખાતરી થશે. એ વિદ્વાન ગ્રંથકાર લખે છે કે, “માલેરાવના મૃત્યુના સમાચાર કેટલાક યૂરોપિયન ગૃહસ્થોને પણ મળ્યા હતા અને તેમને એમ લાગ્યું હતું કે, માલેરાવના મૃત્યુનું ખરૂં કારણ અહલ્યાબાઈ પોતેજ હતી; પરંતુ એ બધી વાતને અહલ્યાબાઇની કીર્તિની સાથે થોડો સંબંધ હોવાથી, મેં જાતે જઈને એની પૂરેપૂરી તપાસ કરી. મારી એ તપાસનું છેવટનું પરિણામ એ નિવડ્યું કે, અહલ્યાબાઈ પૂર્ણ રીતે નિર્દોષ સાબિત થઈ.”
માલેરાવના મૃત્યુ પછી રાજ્યમાં ચોર, લૂંટારા અને ધાડપાડુઓએ પ્રજાને અનેક રીતે પીડવાનું શરૂ કર્યું જેથી અહલ્યાબાઈને ઘણું દુઃખ થયું અને એ દુષ્ટોને દબાવવા માટે તેમણે અનેક પ્રયત્ન કર્યો. યશવંતરાવ નામના એક વીર મરાઠા યુવકને પોતાની પુત્રી આપીને, તેની સહાયતાથી એમણે એ અત્યાચારીની જડ પોતાના રાજ્યમાંથી ઉખાડી નાખી હતી.
એ કાર્ય પૂરૂં થયું, એટલામાં રઘુનાથ દાદાસાહેબ સૈન્ય લઈને ઈંદોર તરફ ચાલ્યા. એમણે એવું જાહેર કર્યું કે, “મલ્હારરાવની પુત્રવધૂ અમારા કહ્યા પ્રમાણે ગંગાધરરાવની સલાહ અનુસાર દત્તકપુત્ર લેવાનું કબૂલ નથી કરતી, માટે એને ઠેકાણે આણવા સારૂ હું માળવા જાઉં છું.” પણ અંદરખાનેથી એની દાનત ઈંદોરનું રાજ્ય સ્વાહા કરી જવાની હતી. પેશ્વા સરકાર એના ભત્રીજા હતા. એમને એ કાર્ય પસંદ નહોતું, આથી એમણે રઘુનાથ દાદાને ચડાઈ કરવાની સંમતિ આપી નહિ; એટલુંજ નહિ પણ સ્પષ્ટ જણાવ્યું કે, “તમે મોટી ભૂલ કરી રહ્યા છો. તમારે આ કામમાં જરા પણ માથું મારવું જોઈએ નહિ.”
અહલ્યાબાઈને આ પ્રપંચની ખબર પડી, તેજસ્વી રાણીએ તરતજ પોતાના મુખ્ય અમલદારોને બોલાવીને કહ્યું: “આ રાજ્ય મારા સસરાજીએ પોતાની શક્તિથી મેળવ્યું છે અને પોતાના જ બાહુબળથી તેનું રક્ષણ કર્યું છે. પેશ્વાએ જેમ કોઇ વગર મહેનતે બ્રાહ્મણને દાન આપી દે, તેમ કાંઈ મારા સસરાને દાનમાં આપ્યું નથી. મારા સસરા પેશ્વાને પોતાના માલિક માનતા અને હું પણ તેમને એવુંજ માન આપવા તૈયાર છું; પણ એટલા સારૂ કાંઈ મારા હાથમાંથી આ રાજ્ય છીનવી લેવાનો અધિકાર તેમને નથી. હું દુર્બળ સ્ત્રી છું, એમ ધારીને મારા પ્રપંચી, કૃતઘ્ની નોકરની મદદથી રઘુનાથરાવ મારૂં રાજ્ય છીનવી લેવાની ઈચ્છા રાખે છે, પણ એમણે પોતાના મનમાં સારી પેઠે સમજી રાખવું જોઈએ કે, અહલ્યાબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી. હું મલ્હારરાવની પુત્રવધૂ અને ઈંદોરની રાણી છું. પોતાની શક્તિથી ઇંદોરના રાજ્યનું રક્ષણ ન કરી શકું, તો મલ્હારરાવ જેવા પ્રવીણ રાજા પાસે રાજ્યશાસનનું જે શિક્ષણ મેં મેળવ્યું છે તે મિથ્યા જાય. એમના આ રાજ્યસિંહાસન ઉપર મારૂં બેસવું મિથ્યા થાય. આ રાજ્યનું રક્ષણ કરવું, એ તો ઘણી સહેલી વાત છે. હું હાથમાં હથિયાર લઈને યુદ્ધ કરવા નીકળીશ, તો પેશ્વાના રાજ્યસિંહાસનને પણ કંપાવી નાખીશ. તમે લોકો આવા પ્રપંચથી જરા પણ બીશો નહિ. સાહસ અને ઉત્સાહપૂર્વક બધા મને મદદ કરજો. ખુદ બાજીરાવ મહારાજ પણ ઇંદોરનું અપમાન નહોતા કરી શકતા, તો આ રઘુનાથરાવ તે મારે શા હિસાબમાં ?”
અમલદારોએ એક અવાજે પ્રતિજ્ઞા લીધી કે, “અમે તમારા તરફથી પેશ્વાની સામે લડીશું.”
પરંતુ બુદ્ધિમતી અહલ્યા, ફક્ત પોતાના સૈન્યને ભરોસેજ રહી નહિ. એણે વડોદરાના ગાયકવાડ, નાગપુરના ભોંસલે અને બીજા મરાઠા સામંતો તથા સરદારોની પાસે મદદ માગી. તેમના ઉપર તેમણે પત્ર લખ્યો:—
“પેશ્વાની સાથે આપણા બધાને એક સરખો સંબંધ છે, આપણે તેમને તાબે છીએ ખરા, પણ અન્યાયપૂર્વક આપણું રાજ્ય છીનવી લેવાનો તેમને અધિકાર નથી. આજે મારા ઉપર જે આફત આવી પડી છે, તે કાલે તમારા પર પણ આવી પડે. આ પ્રસંગે પરસ્પર સહાય કરીને, આપણો વાજબી હક્ક સાચવી રાખવો, એ આપણે બધાની ફરજ છે. આશા છે કે, આ બાબત લક્ષમાં લઈને આ૫ આ વિપત્તિના પ્રસંગમાં મને સહાયતા આપવાનું ચૂકશો નહિ.”
અહલ્યાબાઇની દલીલની સાર્થકતા સમજીને તથા મલ્હારરાવનો ઉપકાર સંભારીને બધા અહલ્યાબાઇની મદદ માટે સૈન્ય લઈને ઈંદોર તરફ ચાલ્યા.
હવે અહલ્યાબાઈને પોતાના સૈન્યને માટે એક કાબેલ સેનાપતિની જરૂર હતી. તુકોજી હોલ્કર નામનો એક સરદાર, મલ્હારરાવનો પાસેનો સગો હતો. અહલ્યાબાઈએ તેને બોલાવીને શાસ્ત્રવિધિ પ્રમાણે પોતાના સૈન્યનો સેનાપતિ અને મુખ્ય અમલદાર નીમ્યો. તુકોજી પણ એ દિવસથી અહલ્યાબાઈને “મા” કહીને સંબોધવા લાગ્યો.
રાજ્યના રક્ષણને માટે જેટલી તૈયારી અહલ્યાબાઈએ કરી હતી, તે જોતાં બધાને દૃઢ વિશ્વાસ હતો કે, જય એનોજ થશે; પણ કોમળ હૃદયનાં અહલ્યાબાઈ મૂળથીજ નકામું લોહી વરસાવવાની વિરુદ્ધ હતાં. રક્તપાત કર્યા વગર, રાજ્યનું રક્ષણ થાય તો ઘણું સારૂં, એવી તેમની અંતરંગ ઇચ્છા હતી. એ જાણતાં હતાં કે, પેશ્વા માધવરાવ ધર્મપરાયણ યુવક છે. તેમની મરજીથી અને તેમની મંજૂરીથી રઘુનાથરાવ ચડી આવતો હોય, એ બનવાજોગ નથી. એ બધો વિચાર કરીને એણે પેશ્વાને એક પત્ર લખ્યો.
સાથે રઘુનાથરાવને પણ પત્ર લખ્યો કે, “આપ મારૂં રાજ્ય છીનવી લેવા આવો છો. હું પણ રાજ્યનું રક્ષણ કરવા માટે યુદ્ધની તૈયારી કરૂં છું. આપનો વંશ મૂળથીજ અમારે માટે પૂજ્ય છે, પણ આ૫ હથિયાર ધારણ કરીને મારા રાજ્યમાં આવશો, તો હથિયારથી જ આપનો સત્કાર કરવામાં આવશે, છતાં પણ એક વાતનું આપને સ્મરણ કરાવવા માગું છું. આપ વીર પુરુષ છો, હું અબળા છું. યુદ્ધમાં હારી જઈશ, તો પણ મારૂં અપમાન થવાનું નથી, પરંતુ આપ જો જીતશો તો એ ગૌરવની વાત નથી અને હારશો તો શરમ અને અપમાન જરૂર ભોગવવા પડશે. એવી અવસ્થામાં આપને યુદ્ધ કરવાથી શું લાભ છે તે હું જાણતી નથી. ટૂંકામાં એજ કે પૂરો વિચાર કરીને આગળ પગલું ભરજો.”
કામ પડ્યે પોતાના બરોબરિયા અથવા પોતાનાથી વધારે બળવાન શત્રુ સાથે લડવા જેટલી તૈયારી કરી રાખવી, છતાં બને ત્યાંસુધી યુદ્ધ રોકવાનો યત્ન કરવો, એજ ઊંચા પ્રકારની રાજનીતિ–કુશળતા છે. પશ્ચિમની સભ્ય અને બળવાન પ્રજાઓ આજે એ યુક્તિને લીધે, ઘણી વાર માંહોમાંહે લોહીની નદીઓ વહેવરાવતાં રોકે છે. આપણા દેશમાં, ઘણાં વર્ષો પૂર્વે રાજનીતિજ્ઞ અહલ્યાબાઈએ એજ યુક્તિ વાપરીને હજારો સૈનિકોના પ્રાણ બચાવ્યા હતા.
અહલ્યાબાઈ પત્ર મોકલીને જવાબની વાટ જોવા લાગી. એ જાણતી હતી કે, રઘુનાથરાવને જ્યાં સુધી એને ખાતરી નહિ થાય કે સામા પક્ષના લશ્કરની સંખ્યા આગળ આપણું કાંઈ વળે એમ નથી, ત્યાં સુધી એ પોતાનો મનસૂબો ફેરવશે નહિ. અહલ્યાબાઈ પણ ઘણા ઉત્સાહપૂર્વક લશ્કર એકઠું કરવા લાગી.
થોડા દિવસ પછી પેશ્વાનો જવાબ આવ્યો કે, “રઘુનાથરાવના આ ગેરવાજબી યુદ્ધમાં અમારી મંજૂરી નથી. અહલ્યાબાઈએ મલ્હારરાવની ગાદી સંભાળી લીધી છે, તેમાં અમારે કોઈ જાતનો વાંધો નથી; એટલે અમે કદી પણ અહલ્યાબાઈનું રાજ્ય છીનવી લેવાનો વિચાર રાખતા નથી. જે કોઇ અન્યાયપૂર્વક અહલ્યાબાઈનું રાજય છીનવી લેવા તૈયાર થાય, તેને અહલ્યાબાઈ મરજી મુજબ સજા કરી શકે એમ છે. પેશ્વાને એથી જરા પણ માઠું લાગશે નહિ.”
પેશ્વા તરફથી આવો ઉત્તર આવ્યાથી, અહલ્યાબાઈનો ઉત્સાહ સોગણો વધી ગયો. અમલદારો પણ સમજ્યા કે, આ યુદ્ધમાં પેશ્વા મહારાજનો બિલકુલ હાથ નથી, એટલે તેઓ પણ વગર સંકોચે, સંપૂર્ણ ઈચ્છાથી અહલ્યાબાઈને મદદ કરવા તૈયાર થયા.
તુકોજીની સરદારી નીચે અહલ્યાબાઇનું સઘળું લશ્કર સજ્જ થઈ ગયું. અહલ્યાબાઈ પોતે ૫ણ યુદ્ધનો પોશાક સજીને, કોમળ કરકમળમાં તલવાર લઈને, હાથી ઉપર સવાર થઈ અને સૈન્યની સાથે ચાલી.
સૈન્ય સાથે અહલ્યાબાઈ અને તુકોજીએ ક્ષીપ્રા નદીની પાસે આવીને છાવણી નાખી. અહલ્યાબાઈને મદદ કરવા સારૂ બીજા રાજાઓ પણ પોતપોતાનાં લશ્કર લઈને આવ્યા.
રઘુનાથરાવ ક્ષીપ્રા નદીને સામે કિનારે, અહલ્યાબાઈની યુદ્ધ માટેની આવી ગંજાવર તૈયારી જોઈને સ્તંભિત થઈ ગયો. અત્યાર સુધી તો એ અહલ્યાબાઈના પત્રને ખાલી આડંબર અને ધમકીરૂપ સમજતો હતો. આટલા થોડા સમયમાં, આટલા બધા લશ્કર સાથે અહલ્યાબાઈ એની સાથે લડવા આવશે, એવો એને સ્વપ્ને પણ વિચાર નહોતો આવ્યો.
પરાજયની શંકામાં તેને પોતાની સઘળી દુરાશાઓ છોડી દેવાની ફરજ પડી. તુકોજીને તેણે ખબર મોકલી કે, “હું યુદ્ધ કરવા માટે આવ્યો નથી. પુત્ર–શોકાતુર અહલ્યાબાઈને દિલાસો આપવા આવ્યો છું. તમે આટલું બધું સૈન્ય શું કામ નાહક સજાવી રાખ્યું છે ?”
તુકોજીએ ઉત્તર મોકલ્યો: “માતાજી પ્રત્યે આપની આટલી બધી કૃપા છે, તેને માટે અમે ઉપકૃત છીએ, પણ દિલાસો આપવા આપ પધાર્યા છો, તો સાથે આટલું મોટું સૈન્ય લાવવાની આપને શી જરૂર હતી ?”
પોતાના સૈન્ય સામંતોને ઉજ્જયિની શહેરમાં રવાના કરી દઈને, દસબાર નોકરો સાથે રધુનાથરાવ તુકોજીના તંબૂમાં ગયા. તુકોજીએ પણ તેમને માનપૂર્વક પ્રણામ કરીને યોગ્ય રીતે આદરસત્કાર કર્યો.
અહલ્યાબાઈના પુત્ર માલેરાવની વાત કાઢીને રઘુનાથરાવ ઘણું રોયો. સાથે સાથે તુકોજીએ પણ આંસુ પાડ્યાં.
પેશ્વાના કાકા રઘુનાથરાવને પરમ સન્માન યોગ્ય અતિથિ ગણીને, અહલ્યાબાઈ આદરપૂર્વક નિમંત્રણ આપીને ઈંદોર લઈ આવ્યાં. રાજમહેલની પાસે સુસજ્જિત મહેલમાં તેને ઉતારો આપ્યો. એક મહિના સુધી રજવાડી ઠાઠ સાથે અહલ્યાબાઈએ તેનો ઘણોજ આદરસત્કાર કર્યો. જે લોકો પોતાની મદદે આવ્યા હતા, તેમનો વિનયપૂર્વક ઉપકાર માનીને તથા કિંમતી ભેટો આપીને અહલ્યાબાઈએ વિદાય કર્યા.
બળથી તો રઘુનાથરાવ અહલ્યાબાઈનું રાજ્ય લઇ શકયો નહિ. હવે એ છળપ્રપંચ અજમાવવા લાગ્યો.
પેશ્વા તરફ પેશ્વાનાં તાબાનાં રાજ્યોની શી ફરજ છે, તે તેણે સમજાવી; પણ એ કોઈ પણ દલીલથી અહલ્યાબાઈને ખાતરી કરી શક્યો નહિ કે, સંપૂર્ણપણે પેશ્વાને તાબે રહીને એ નચાવે એમ નાચવું ધર્મસંગત છે.
હવે એણે અહલ્યાબાઈને દત્તકપુત્ર લેવાની સલાહ આપી, પણ અહલ્યાબાઈએ તેની સઘળી દલીલોનું ખંડન કરીને કહ્યું: “મારા પુત્ર માલેરાવને કોઈ બાળકપુત્ર હોત, તો એજ રાજ્યનો રાજા થાત એમાં કાંઈ સંદેહ છેજ નહિ; પણ કોઈ નવા બાળકને દત્તક બનાવ્યાથી એ મોટો થયા પછી કેવી ચાલચલણનો નીવડે તે કહી શકાય નહિ, એટલા માટે દત્તક લઈને ભવિષ્યમાં રાજ્યને માથે હું શું કામ આપદા વહોરી લઉં ? એના કરતાં તો મારા મૃત્યુ સમયે હોલ્કર વંશના કોઈ પુરુષના હાથમાં રાજ્ય સોંપી જઈશ, એજ સારૂં છે. એવા કોઈ માણસને પસંદ કરીને રાજકાજમાં મારી સાથે રાખીને, એને કેળવવાની મારી ઇચ્છા છે અને હું ધારૂં છું કે, રાજ્યના ભાવિ કલ્યાણને માટે એજ શ્રેષ્ઠ ઉપાય છે.”
રઘુનાથરાવ સમજી ગયો કે, અહલ્યાબાઈ આપણાથી છેતરાય એમ નથી. એ ખામોશ ખાઈ ગયો.
અહલ્યાબાઈએ અગાઉથી જ પોતાનો ભવિષ્યનો વારસ પસંદ કરી રાખ્યો હતો. તુકોજી તેના સસરાનો પાસેનો સગો અને રાજ્ય ચલાવવાને સર્વ રીતે યોગ્ય હતો.
યુદ્ધની અગાઉથીજ તુકોજી અહલ્યાબાઈના પુત્ર સમાન થઈ રહ્યો હતો. હવે અહલ્યાબાઈએ એને પોતાના ભવિષ્યના ઉત્તરાધિકારી તરીકે રાજ્યશાસનમાં પોતાનો સાથી બનાવ્યો અને ગંગાધર યશવંતને પણ માફી બક્ષીને, પરમ ક્ષમાશીલ અહલ્યાબાઈએ ફરીથી કોઈ સારા હોદ્દા ઉપર નીમ્યો.
આ બનાવથી રાજસ્થાન અને ભારતવર્ષના બીજા બધા રાજાઓ સમજી ગયા કે, અહલ્યાબાઈ કેટલાં બાહોશ અને કુશળ હતાં ! અહલ્યાબાઈ ઉપર બધાની શ્રદ્ધા વધી ગઈ. ઘણા તેમની સાથે મિત્રતા બાંધવા તત્પર થયા અને ઘણાઓએ તેમણે રાજ્ય પોતાના અધિકારમાં લીધું, તેથી પ્રસન્ન થઈને કિંમતી ભેટ સાથે પોતાના રાજદૂત મોકલ્યા. અહલ્યાબાઈએ ઘણાજ વિનયપૂર્વક એ રાજદૂતોનો સત્કાર કર્યો અને તેમનો ઉપકાર માનીને એ સર્વે રાજાઓ ઉપર મૂલ્યવાન ઉપહાર મોકલ્યા. આ પ્રમાણે ભારતવર્ષમાં ચોમેર અહલ્યાબાઈની કીર્તિ ફેલાવા લાગી.
રાજ્યગાદીએ બેસીને રાજ્ય ચલાવવાનું ગૌરવ પ્રાપ્ત કરવાનો લોભ બધાને થાય છે. એ લોભને વશ થઈને કેટલાએ રાજાઓએ કેટલાં બધાં ખૂન, કેટલી વિશ્વાસઘાતકતા અને કેટલા બધા અનાચારથી પૃથ્વીને કલંકિત કરી છે, તેનું ઠેકાણું નથી, પણ રાજ્યગાદીએ બેઠેલાં અહલ્યાબાઈ કોઈ દિવસ એવા લોભને વશ થયાં નથી. હિંદુ રમણી તરીકે પૂજા–અર્ચના, અતિથિ અને બ્રાહ્મણસેવા, પ્રજાને ધર્મ સાધવામાં સહાયતા, દુઃખીઓનાં દુઃખમોચન આદિ પરોપકારી કાર્યો કરવાં તથા રાણી તરીકે પ્રજાના અભાવ દૂર કરવા અને સર્વ પ્રકારે તેમને સુખશાંતિમાં રાખીને તેની ઉન્નતિ કરવી, એજ અહલ્યાબાઈના હૃદયની મુખ્ય ઈચ્છા હતી. રાજ્યના કલ્યાણને માટે તથા પોતાના કુળનો માનમરતબો સાચવવા માટે રાજ્ય ચલાવવામાં જેટલી ખટપટ કરવી પડતી, તેથી વધારે ખટપટમાં એ કદી પડતાં નહિ.
નારી તરીકે તથા રાણી તરીકે જે જે કામો તેમને કરવા યોગ્ય લાગ્યાં હતાં, તે તે કામો પાર પાડવાને માટે તેમને વધારે ફુરસદની જરૂર હતી. ત્યારે એમને ખાતરી થઈ કે, તુકોજી રાજ્ય કામનો ઘણો બોજો ઉપાડી લેવાને યોગ્ય અને વિશ્વાસપાત્ર છે, ત્યારે તેના હાથમાં યુદ્ધ–વિગ્રહ અને રાજ્યની અંદરની વ્યવસ્થાનું કામ સોંપ્યું.
અહલ્યાબાઈએ બતાવેલી રાજનીતિ પ્રમાણે તથા તેના પ્રતિનિધિ તરીકે તુકોજી રાજ્યની વ્યવ્સથા કરવા લાગ્યો. એક અમેરિકન સન્નારીના શબ્દોમાં કહીએ તો “અહલ્યાબાઈ વિચારશીલ મગજરૂપ હતી અને તુકોજી સેવાપરાયણ હસ્તરૂપ હતો.”
એ સમયે આખા રાજ્યના ત્રણ ભાગ પાડવામાં આવ્યાં હતા. પહેલો ભાગ સાતપૂડાની પેલી પાર દક્ષિણ તરફ, બીજો સાતપૂડાની ઉત્તર તરફ અને ત્રીજો મહેશ્વરની પેલી તરફ રજપૂતાના સુધી હતો. એ ત્રીજા ભાગમાં હોલ્કર સરકારને ચોથ ભરનારાં રાજ હતાં. જે સમયે તુકોજી દક્ષિણ ભાગની વ્યવસ્થા કરતો, તે સમયે અહલ્યાબાઈ ઉત્તરની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતાં અને એ જ્યારે ઉત્તરની વ્યવસ્થા કરતો, ત્યારે પોતે દક્ષિણનો પ્રબંધ પોતાનાજ હાથમાં લેતાં.
આખા રાજ્યના ખજાનાની વ્યવસ્થા તેમણે પોતાનાજ હાથમાં રાખી હતી. આવકજાવકનો હિસાબ બહુ સારી રીતે રાખતાં હતાં, એમનો પ્રભાવ રાજ્યના અમલદારો ઉપર બહુ સારો પડ્યો હતો. એમની આગળ હસીને બોલવાની કે અસત્ય ભાષણ કરવાની હિંમત કોઈની ચાલતી નહિ. તુકોજીરાવ ઉપર અહલ્યાબાઈની અધિક શ્રદ્ધા અને પ્રીતિ જોઈને, સ્વાર્થી લોકોએ બાઈના કાન ભંભેરીને બંનેનાં મન ઊચાં કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ બાઈ કાનનાં કાચાં નહિ હોવાથી, એ લોકોને સફળતા મળતી નહિ.
તુકોજીરાવ યુદ્ધવિદ્યામાં ઘણા કુશળ અને સાહસિક હતો, પણ રાજકાર્યોમાં એ એટલો નિપુણ નહોતો; એથી કરીને રાજકાજમાં અહલ્યાબાઈ એને ઉપદેશ આપતાં હતાં. તુકોજીરાવે એમની પાસેથી એવી રીતે ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. વળી તુકોજીરાવ અહલ્યાબાઈનો આજ્ઞાકારી સાચો સેવક હતો. ઉંમરમાં અહલ્યાબાઈથી માટો હોવા છતાં, સદા એ એમને માતુશ્રી કહીને સંબોધન કરતો. તુકોજીરાવ જેમ જેમ રાજકાર્યમાં પાવરધો થતો ગયો, તેમ તેમ અહલ્યાબાઈ તેમને વધારે ને વધારે અધિકાર સોંપતાં ગયાં.
અહલ્યાબાઈ સાધારણ રીતે તુકોજીના કામ ઉપર દેખરેખ રાખતાં અને બાકીનો વખત ધર્માનુષ્ઠાન અને પ્રજાને સુખ તથા શાંતિ આપે એવા ઉપાયો જવામાં ગાળતાં. ત્રીસ વર્ષ સુધી અહલ્યાબાઈએ ૨ાજ્ય કર્યું. એ ત્રીસ વર્ષના અરસામાં કદી રાજગૌરવથી ગૌરવાન્વિત થયેલી શક્તિશાળી તેજસ્વી રાણીરૂપે, તો કદી પ્રજાની સ્નેહાળ માતા અને કરુણામયી દેવીરૂપે; કદી વિપુલ ઐશ્વર્યની અધિકારિણી ધર્મપરાયણા અને હિંદુ રમણી તરીકે અને એ બધી અવસ્થામાં એ બધાં ભિન્નભિન્ન કર્તવ્યોમાં કઠો૨ વ્રતધારિણી હિંદુ વિધવારૂપે, તેમણે જે મહત્ત્વ બતાવ્યું છે, તેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ટૂંકા લેખમાં થઈ શકે એમ નથી.
સ્ત્રીઓમાં દુર્લભ એવા અસંખ્ય ગુણોને લીધે અહલ્યાબાઈ ભારતવર્ષમાં યશસ્વિની અને ભારતના હિંદુ–મુસલમાન રાજાઓની ખાસ શ્રદ્ધાને પાત્ર બન્યા હતાં. એ વખતે રાજ્યમાં હંમેશાં પરસ્પર લડાઈઓ ચાલ્યા કરતી; પરંતુ અહલ્યાબાઈના ઉપ૨ સર્વ રાજાઓની એટલી બધી ભક્તિ હતી કે, એના એવડા મોટા રાજ્ય ઉપર, કોઈએ ચડાઈ કરી નહિ; ઊલટું બીજા શત્રુઓથી તેનો બચાવ કરવાને સૌ કોઈ તૈયાર રહેતા. અહલ્યાબાઈ તરફનો પોતાનો બંધુભાવ પ્રગટ કરવાનો પ્રસંગ મળતો, ત્યારે બધા પોતાને ધન્ય ધન્ય સમજતા. બધાના મનમાં અહલ્યાબાઇના કલ્યાણની તથા તેના દીર્ઘાયુષ્યની ઈચ્છા રહેતી.
ભારતવર્ષમાં એ વખતે સુલેહશાંતિનો જમાનો નહોતો. વારંવાર થતા યુદ્ધવિગ્રહને લીધે, કોઈ પણ રાજ્યની શાંતિ સચવાતી નહિ અને શાંતિના અભાવે લુંટારાનો ઉપદ્રવ, અમલદારોનો ત્રાસ, રાજાઓને પોતાના રાજ્યના રક્ષણ માટે જોઈતી કુ૨સદનો અભાવ, વગેરે કારણોને લીધે પ્રજા પણ ઘણોજ ત્રાસ પામતી. એ વખતમાં બધાં રાજ્યો ઉન્નતિ કરવાને બદલે ઊલટાં અધોગતિને પામતાં જતાં હતાં, પણ અહલ્યાબાઈની રાજનીતિને લીધે, પ્રજા ઉપર માતાના જેવા સ્નેહને લીધે તથા પ્રજાના કલ્યાણને માટે તેમણે કરેલાં અનેક સારાં કામોને લીધે, ચારે તરફ અંધાધૂંધી હોવા છતાં પણ, અહલ્યાબાઈના રાજ્યમાં સુખશાંતિ અને સમૃદ્ધિની રેલમછેલ હતી; એટલા માટે જ આદર્શરાણી અને આદર્શ હિંદુ સ્ત્રી અહલ્યાબાઈ અપૂર્વ મહત્ત્વવાળી દેવીરૂપ ભારતવર્ષમાં પૂજાયાં છે, હજુ પણ પૂજાય છે અને અનંતકાળ સુધી પૂજાશે,
અહલ્યાબાઈ જરા પણ સમય નકામાં ટોળટપ્પામાં ગુમાવતાં નહિ. રોજનું કામ એ રોજ નિયમપૂર્વક કરતાં. ત્રીસ વર્ષ સુધી એમણે પોતે નક્કી કરેલા નિયમ પ્રમાણે, રાજ્ય ચલાવ્યું હતું. સૂર્યોદય થતા પહેલાં ઊઠીને, સ્નાનસંધ્યા કરીને રામાયણ અને મહાભારતની કથા સાંભળતાં. ત્યાર પછી એ પોતાને હાથે ભિક્ષુકોને ભિક્ષા આપતાં. ત્યાર પછી બ્રાહ્મણો, પંડિતો અને અતિથિઓને પોતાની સામે બેસાડીને જમાડતાં અને ત્યાર પછી પોતે ઘણું સાદુ ભેજન કરતાં. ત્યાર પછી થોડોક સમય વિશ્રામ લઇને રાજસભામાં જતાં, સંધ્યાકાળ સુધી ત્યાં બેસીને પ્રજાની અરજીઓ સાંભળતાં, મુકદ્દમાના ફેંસલા કરતાં અને રાજકારભારને લગતાં બીજાં કામકાજ કરતાં. આ વખતે ગરીબ નિરાધાર રૈયત પણ તેમની આગળ આવીને રૂબરૂ પોતાનાં દુઃખ ૨ડતી.
સંધ્યાકાળે સભા બરખાસ્ત થયા પછી, ત્રણ કલાક સુધી અહલ્યાબાઈ પૂજાપાઠ કરતાં. ત્યાર બાદ રાજ્યને લગતા જરૂરનાં કામોનો વિચા૨ કરતાં. આ પ્રમાણે તેમનો દિવસ પૂરો થતો. મોડી રાત્રે એ શયન કરવા જતાં.
ઘણાઓ એમ કહે છે કે, રાજાઓ પૂજાપાઠ અને ધર્મના કામકાજમાં વધારે ધ્યાન આપે, તો રાજ્ય ચલાવવામાં વિઘ્ન આવે, પણ અહલ્યાબાઈના પ્રસંગમાં એવું બન્યું નથી. દરરોજ સવારસાંજ મળીને છ કલાક એ ધાર્મિક અનુષ્ઠાનમાં ગાળતાં, આઠનવ કલાક કામ કરતાં અને બાકીનો સમય ભોજન તથા વિશ્રામમાં ગાળતાં.
જેમને ખંતપૂર્વક કામ કરવાની ટેવ છે, જે લોકો નિયમપૂર્વક કામ કરી શકે છે, તેમનાં જીવનનાં બધાં કામો સારી રીતે થઈ શકે છે. આ બાબતમાં અહલ્યાબાઈનું જીવનચરિત્ર આપણ સર્વને માટે અનુકરણ કરવા યોગ્ય છે.
પ્રજા તરફ રાજાનો જે ધર્મ છે, તેનાં બે મુખ્ય અંગ દયા તથા ન્યાય છે. આદર્શ રમણી અહલ્યાબાઈમાં આ બંને સદ્ગુણો પૂર્ણપણે હતા. તે હમેશાં કહ્યા કરતાં કે, “દેવતાએ મારા હાથમાં જે રાજસત્તા આપી છે, તે સત્તાનો ઉપયોગ પ્રજાના કલ્યાણને માટે કરવાને હું પ્રભુ આગળ બંધાયલી છું.”
પ્રજા તરફની જવાબદારીનો આ ભાવ તેમના દરેક કાર્યમાં પ્રત્યક્ષ જણાઈ આવે છે.
એ દેશમાં મરાઠાઓનું રાજ્ય થયે ઝાઝો સમય થયો નહોતો. જમીનની માપણી કે જમાબંદીના નિયમો નક્કી કરવાની ફુરસદ આગલા રાજાઓને મળી નહોતી; એથી પ્રજાને ઘણું દુઃખ પડતું. અહલ્યાબાઈએ રાણી થયા પછી થોડા વખતમાંજ રાજ્યની માપણી કરાવી અને જમાબંદીના ઉત્તમ નિયમો બાંધીને પ્રજાના હક્કનું પણ સારી રીતે રક્ષણ કર્યું. નિયમિત રીતે વેરો ઉઘરાવવાની ગોઠવણ કર્યા પછી પ્રજા સુખી રહે, પ્રજા ધનવાન અને વૈભવશાળી બને, તેમના ઉપર કોઈ અમલદાર જુલમ ન કરે, એ બાબતો ઉપર અહલ્યાબાઇનું ધ્યાન ઘણુ રહેતું. પ્રજા તરફથી વેરો ઉઘરાવવામાં એક અમલદાર ઘણો જુલમ કરે છે, એવી ખબર મળતાં તેમણે લખ્યું કે, “તમે મહેસૂલ વધારી નહિ શકો તેની ફિકર નહિ; પણ તમારા હાથ નીચેની રૈયત સુખી અને સંતુષ્ટ છે એ જાણી હું ઘણી પ્રસન્ન થઇશ.”
પ્રજાપાલન કરતી વખતે દયા, ન્યાય, અને ધર્મ તરફ તેમનું કેટલું ધ્યાન રહેતું તે નીચેના બનાવો ઉપરથી જણાઈ આવશે.
એક વખત એક ધનવાન શાહુકા૨નું મૃત્યુ થયું. તેને કોઈ સંતાન નહોતું. તુકોજીએ એની બધી મિલકત રાજ્યમાં લઈ લેવાનો વિચાર કર્યો. બિનવારસી મિલકત રાજ્યમાં સોંપવાનો રિવાજ કાંઈ એ વખતે નવો નહોતો, પણ એ શાહુકારની સ્ત્રીએ અહલ્યાબાઈ પાસે જઈને પતિની મિલકત પોતાને મળવા માટે પ્રાર્થના કરી. એની પ્રાર્થના કાંઈ ગેરવાજબી નહોતી, તેમજ તુકોજીની વર્તણૂંક પણ એ વખતના રિવાજ મુજબ ગેરવાજબી નહોતી; તોપણ શાસ્ત્રોમાં કહેલા રાજધર્મની તો વિરુદ્ધજ હતી, એટલા માટે અહલ્યાબાઈએ તુકોજીને લખી દીધું કે, “આવી નિર્દયતા અને કઠોરતાને મારા રાજ્યમાં સ્થાન મળવું ન જોઇએ.” આ આજ્ઞા મળતાંવા૨જ તુકોજીએ લાચાર થઈને શાહુકારની મિલકત તેની સ્ત્રીના કબજામાં સોંપી. અહલ્યાબાઈની આ ઉદારતાથી ઈંદોરની બધી પ્રજા ધન્યવાદ આપવા લાગી.
એક સમયે તેના રાજ્યમાં બે ઘણા ધનવાન શેઠ મરી ગયા. તેમની બે વિધવાઓ સિવાય બીજું કોઈ વારસ નહોતું. એ વિધવાઓને કોઈ દત્તક પુત્ર લેવાની ઈચ્છા પણ નહોતી. તેમની ઈચ્છા પોતાની બધી સંપત્તિ અહલ્યાબાઈને સોંપી દેવાની હતી. એ સંપત્તિનો સ્વીકાર કરવાથી અહલ્યાબાઈ દોષમાં પડે એમ નહોતું; પણ એમણે એ ધન સ્વીકારવાની સાફ ના પાડીને કહ્યું કે, “તમારા સ્વામીની મિલકત છે તે તમે ભોગવો. હું એને લઈને શું કરૂં ?” વિધવાઓએ કહ્યું: “માજી ! અમે વિધવા છીએ. અમારી ભોગવિલાસની ઈચ્છા નષ્ટ થઈ ગઈ છે. સ્વામી છતાં ઘણુંએ સુખ ભોગવ્યું. હવે અમારે તો મોજશોખ શા ? આ મિલકત લઈને અમે શું કરીશું ? પારકા છોકરાઓને દત્તક લઈશું તો તેઓ આ સકમાઈની દોલતને ગમે તેમ ઉડાવી દેશે, એટલા માટે કોઈને દત્તક લેવાની અમારી ઈચ્છા નથી. આ૫ રાણી છો, આપને હાથે ઘણાં સત્કર્મો થાય છે, માટે આ મિલકત લઈને તેનો કોઈ પણ સારા કામમાં ઉપયોગ કરજો.”
અહલ્યાબાઈએ ઉત્તર આપ્યો “હું રાણી છું એટલે આખા રાજ્યમાં સત્કાર્ય અને પુણ્યદાન કરવાની હું એકલીજ અધિકારી છું, એવું તો નથી; તમે પણ ઘણાં સત્કાર્યો કરી શકો છો. મારે પોતાને પુણ્ય કરવા માટે મારી પાસે પુષ્કળ ધન છે. તમારૂં ધન મારે શા માટે લેવું જોઈએ ? તમારા સ્વામીનાં મરણ નીપજ્યાથી એ સંપત્તિ ઉપર હવે તમારો અધિકાર છે. તમારે મોજમજા અને ભોગવિલાસ નથી કરવા એ ઘણી સારી વાત છે. તમે સારાં પરોપકારનાં કામોમાં આ ધનને ખરચી નાખો અને એમ કરીને તમારા પૈસાથી તમે પુણ્ય મેળવો.”
અહલ્યાબાઈનો ઉપદેશ માનીને એ બે સ્ત્રીઓએ ઘણી જાતના પરોપકારમાં પોતાનો પૈસો ખરચ્યો.
એવી જ રીતે એક બીજો ધનવાન નિઃસંતાન મરી ગયો. તેની વિધવાએ દત્તકપુત્ર લેવાની રજા માગી અને એના બદલામાં રાજ્યને ઘણું નજરાણું આપવાનું કહ્યું. પ્રધાને સલાહ આપી કે એવું નજરાણું લેવામાં કાંઈ પાપ નથી, પણ અહલ્યાબાઈએ ઉત્તર આપ્યો કે, “શાસ્ત્ર પ્રમાણે એ વિધવાને દત્તકપુત્ર લેવાનો પૂરો અધિકાર છે. એ પોતાનો વાજબી અધિકાર ભોગવે તેમાં મારી મંજૂરીની શી જરૂર છે ? અને મંજૂરીની પણ જરૂર હોય તો પણ તેને માટે નજરાણું લેવાનો મને કોઈ હક્ક નથી. વિધવા એની મરજીમાં આવે તેને દત્તક લે. હું નજરાણું લઈશ નહિ.”
હાય ! અહલ્યાબાઈ જેવી ન્યાયપરાયણ રાણીઓ કેટલી થોડી થઈ છે ?
રાજ્યની ઉન્નતિ માટે, લોકોની સગવડને માટે, દીનદુઃખીઓનાં સંકટ નિવારણ કરવા માટે અને દેવસેવા માટે તેમણે કેટલું બધું ધન ખરચ્યું હતું તથા કેટલા બધા સારા નિયમો બાંધ્યા હતા. તેની ગણતરી આ ટૂંકા લેખમાં થાય એમ નથી.
રાજ્યમાં ઘણી જગ્યાએ તેમણે નવા કિલ્લાઓ બંધાવ્યા હતા. લોકોના અવરજવરમાં સગવડ કરવા સારૂ ઘણી સડકો બંધાવી હતી તથા નદીઓ ઉપર સુંદર ઘાટ બંધાવ્યા હતા. ઊંચા વિંધ્યાચળ ઉપર ચડીને લોકોને જવું ઘણું અઘરૂં લાગતું હતું; તેટલા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને પર્વત ઉપર એક સારો રસ્તો બનાવ્યો. લોકોનું પાણીનું કષ્ટ નિવારણ કરવા સારૂ રાજ્યમાં હજારો તળાવ તથા કૂવા ખોદાવ્યા, વટેમાર્ગુઓનું દુઃખ નિવારણ કરવા સારૂ રસ્તામાં વિસામા બનાવ્યા. પક્ષીઓ માળા બાંધીને સુખેથી રહે તથા વટેમાર્ગુઓ છાયામાં બેસીને થાક ઉતારે અને ફળ ખાય એટલા સારૂ રસ્તાની બે બાજુએ ફળનાં ઝાડ રોપાવ્યાં. દેવસેવાને માટે દેશમાં ઠેકાણે ઠેકાણે મંદિરોની સ્થાપના કરી. ગરમીની મોસમમાં, રસ્તાઓ ઉપર તથા ખેતરની પાસે તૃષાતુર મુસાફરો અને ખેડૂતોને માટે પાણીની પરબો બેસાડી. દુકાળના સમયમાં દેશપરદેશમાં અન્નક્ષેત્ર ઉઘાડ્યાં. દયામયી અહલ્યાબાઈનું દિલ કેવળ મનુષ્યોના દુઃખથી જ કાંપતું નહિ, પશુપક્ષીઓનું દુઃખ જોઈને પણ તેમનું હૃદય ખેદ પામતું. ઉનાળાના દહાડામાં, ખેતરમાં ચરતાં પશુઓને પાણી પિવરાવવા સારૂ અહલ્યાબાઈનાં માણસો પાણીના ઘડા લઈને ખેતરોમાં ફરતાં, માછલાંઓને ખાવા માટે નર્મદા નદીમાં લોટની ગોળીઓ નખાવતાં. પંખીઓને ખાવા માટે અનાજનાં અમુક અમુક ખેતરો જુદાં રાખ્યાં હતાં. થાક્યોપાક્યો માણસ, પશુપક્ષી, માછલાં બધાં અહલ્યાબાઈના દાનથી તૃપ્ત થતાં. બધાંનો જીવ તૃપ્ત થયાથી તેઓ પણ ખરા અંતઃકરણથી અહલ્યાબાઈના આલોક અને પરલોકના કલ્યાણ માટે ભગવાન પાસે પ્રાર્થના કરતાં.
અહલ્યાબાઈનું દાન કેવળ પોતાના રાજ્યની સીમામાંજ બંધાઈ રહ્યું હતું એમ નહોતું. ભારતવર્ષમાં એવું કોઈ તીર્થ નથી કે જ્યાં દેવસેવા માટે અહલ્યાબાઈએ કોઈ નવું મંદિર ન બંધાવ્યું હોય અથવા કોઈ જૂના મંદિરનો પુનરુદ્ધાર ન કર્યો હોય; અથવા તો એકાદ અન્નક્ષેત્ર કે જળાશય ન બંધાવ્યું હોય. ધર્મને માટે તો એ વગર સંકોચે ધન ખર્ચતાં. દક્ષિણભારતમાં ઘણાં તીર્થોમાં તો દરરોજ મંદિર ધોવા માટે અને દેવમૂર્તિને સ્નાન કરાવવા માટે, સેંકડો ગાઉથી અહલ્યાબાઈનાં માણસો ગંગાજળ લઈ જતાં. ગયાનું વિષ્ણુપદ મંદિર તથા કાશીનું વિશ્વેશ્વરનું મંદિર એ બે અહલ્યાબાઈએ સુધરાવ્યાં છે. અહલ્યાબાઈને બંધાવેલો એક ઘાટ પણ કાશીમાં છે. હિમાલયમાં દુર્ગમ કેદારનાથ તીર્થમાં તેમણે એક ધર્મશાળા બનાવી છે તથા એક કુંડ ખોદાવ્યો છે. અહલ્યાબાઇની કીર્તિ હજુ પણ ઘણાં તીર્થોમાં જોવામાં આવે છે. અહલ્યાબાઈનું નામ સાંભળ્યું ન હોય તથા અહલ્યાબાઈનાં કીર્તિસ્વરૂપ કામને કોઈ ને કોઈ તીર્થમાં દેખ્યાં ન હોય એવો ભાગ્યેજ કોઇ હિંદુ યાત્રાળુ હશે.
ઘેર પણ નિત્ય દેવસેવા, અતિથિસત્કા૨, બ્રાહ્મણો અને કંગાલોને ભોજન તથા દાન આદિ ધર્મનાં કાર્યો સદા તેઓ કરતાં હતાં. હિંદુ સ્ત્રીઓએ કરવા યોગ્ય બધાં વ્રત અને ઉપવાસ એ કરતાં. એ વ્રતના દિવસોએ હજારો ગરીબોને ભોજન તથા દાનથી સંતુષ્ટ કરવામાં આવતાં.
ધર્મ તરફ તેમનો પ્રેમ બેશુમાર હતો. ધર્મના કામોમાં એ વગર સંકોચે ખર્ચ કરતાં, પણ ધર્મ સંબંધમાં તેમના વિચારો સાંકડા થઈ ગયા નહોતા. પ્રજાને પોતાની મરજી મુજબ ધર્મ માનવામાં એ કોઈ પણ પ્રકારનો વાંધો લેતાં નહિ. બધા ધર્મના લોકો, કોઈ પણ જાતની પીડા કે ત્રાસ ભોગવ્યા વગર, સમાન સુખથી તેમના રાજ્યમાં રહીને પોતપોતાના ધર્મ પાળતા હતા.
અહલ્યાબાઈ જાતે ઘણાં સાદાં હતાં. તેમના જીવનમાં કોઈ પ્રકારનો આડંબર નહોતો. તેમને કોઈ જાતના ભોગવિલાસની લાલસા નહોતી. વિધવા થયા પછી કઠણ બ્રહ્મચર્યવ્રત પાળતાં. કોઈ મીઠાઈ એમણે કદી ખાધી નથી. રાજદરબારના કામ સિવાય કોઈ દિવસ કિંમતી વસ્ત્રાલંકાર પહેરતાં નહિ, સારા બિછાના ઉપર કદી સૂતાં નહિ અને વિલાસની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરતાં નહિ.
તે એટલાં બધાં વિનયી તથા નિરભિમાની હતાં કે, પોતાનાં વખાણ એમને કદી ગમતાં નહિ. પોતાની ખુશામત કરનારાઓને એ કદી આશ્રય આપતાં નહિ. એ સંબધે બેએક સુંદર દંતકથાઓ પ્રચલિત છે.
કોઈ બ્રાહ્મણે દક્ષિણાની લાલચમાં અહલ્યાબાઈની સ્તુતિમાં એક પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં ઠેકાણે ઠેકાણે અહલ્યાબાઈનાં વખાણ હતાં. બ્રાહ્મણ એ પુસ્તક અહલ્યાબાઈને વાંચી સંભળાવવા આવ્યો હતો. અહલ્યાબાઈએ ઘણા કષ્ટપૂર્વક એ પુસ્તક સાંભળ્યા પછી કહ્યું: “આપે નાહક આટલો બધો પરિશ્રમ કર્યો. હું તો ઘણી પાપી છું, આ બધાં વખાણ મને છાજતાં નથી.” એમ કહીને અહલ્યાબાઈએ એ પુસ્તકને નર્મદામાં ફેંકાવી દીધું અને બ્રાહ્મણને દક્ષિણા આપ્યા વગર વિદાય કર્યો.
રાજાઓએ જેવી રીતે દયા અને ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવું જોઈએ, તેવીજ રીતે રુદ્રરૂપ ધારણ કરીને દુષ્ટનું દમન કરવું જોઈએ અને એ પ્રમાણે પાપી અને અત્યાચારીઓને સજા પમાડીને પ્રજામાં શાંતિ ફેલાવવી જોઈએ. પ્રાચીન ધર્મશાસ્ત્રકારોએ ખરા રાજાનાં એજ લક્ષણો કહ્યાં છે. અહલ્યાબાઈમાં આ બંને ગુણો પૂર્ણરૂપે હતા.
અહલ્યાબાઈ કેટલી કોમળ પ્રકૃતિની સ્ત્રી હતી તેનો પરિચય વાચકોને આગળ મળી ચૂક્યો છે. જે પ્રમાણે એ માતાના જેવા સ્નેહથી પ્રજાનું રક્ષણ કરતાં હતાં, તેમના વાજબી હક્ક સાચવતાં હતાં, તેજ પ્રમાણે દુષ્ટોનું દમન કરવાનો પ્રસંગ આવતાં તેજસ્વિતા અને દૃઢતાનો પરિચય આપવાનું એ ચૂકતાં નહિ
મધ્ય હિંદુસ્તાન અને રજપૂતાનામાં ભીલ નામની અસભ્ય જંગલી પહાડી જાતિ છે. એ લોકો ઘણા તોફાની હોય છે. એ લોકોને પોતાના કાબૂ તળે લાવવા એ ઘણું મુશ્કેલ કામ છે. ભીલ લોકોના ગામમાંથી જે લોકો આવજા કરે તેમની પાસેથી તેઓ એક વેરો ઉઘરાવતા હતા. એને “ભીલકોડી” કહેતા. ઘણાં વર્ષોથી ભીલકોડીનો રિવાજ ચાલ્યો આવતો હતો, એટલે અહલ્યાબાઈએ એમાં કાંઈ વાંધો લીધો નહિ, પણ ભીલો આ મનમાન્યો વેરો ઉઘરાવીને બેસી રહેતા નહિ. તેઓ મુસાફરોને લૂંટી લેતા અને ગરીબ નિર્દોષ રૈયતને ઘણું સતાવતા. આ બધો અત્યાચાર અહલ્યાબાઈથી સહન થયો નહિ. ભીલોને હરાવીને પ્રજાનું સંરક્ષણ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો. પહેલાં તો એમણે દયા આણીને, સ્નેહપૂર્વક તેમને સમજાવીને ઠેકાણે લાવવા માટે ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ; એટલે અહલ્યાબાઈએ એ ભીલ લોકોને સખ્ત સજા કરીને શાંત કરવાનો ઉપાય અજમાવ્યો. ઘણા ભીલોને દેહાંતદંડની સજા થઈ. ભીલોનાં ગામો ઉજ્જડ કરી નખાવ્યાં, એટલે ભીલ લોકો નરમ પડ્યા અને અહલ્યાબાઈ પાસે માફી માગવા લાગ્યા. અહલ્યાબાઈએ કાયદો કર્યો કે ભીલ લોકોએ આપણા જૂના રિવાજ પ્રમાણે “ભીલકોડી” ઉઘરાવવી, પણ લૂંટફાટ ન કરવી. ખેતી અને મજૂરી કરીને પોતાનો નિર્વાહ કરવો. એણે ભીલ લોકોને એ પણ કહી દીધું કે, “તમારા ગામમાં કોઈ મુસાફર લૂંટાશે તો તેની જવાબદારી તમારે માથે છે.” ભીલ લોકો ત્યારથી અહત્યાબાઈના તાબેદાર થઈને રહ્યા.
અહલ્યાબાઈ નારી હોવા છતાં પણ, અત્યાચારી અમલદારોને વાજબી સજા કરતાં જરા પણ બીતાં નહિ. જે શક્તિશાળી મોટા અમલદારો તેમને રાજ્યના કામમાં મદદ આપતા તેમના ઉપર એ પ્રસન્ન રહેતાં, પરંતુ તેમને હાથે પણ જો કોઈ જુલમ થાય તો એમને સજા કરવાનું ચૂકતાં નહિ; એટલે સુધી કે તુકોજી કે જે તેમને પુત્ર સમાન પ્રિય હતો અને જે તેમની ગાદીનો ભવિષ્યનો વારસ હતો, તેના તરફંથી પણ કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય તો અહલ્યાબાઈ તે સહન કરી શકતાં નહિ.
શિવાજી ગોપાળ નામનો એક અમલદાર અહલ્યાબાઈના તરફથી પેશ્વાના દરબારમાં એલચી તરીકે રહેતો હતો. તેના ગુણ અને કામકાજથી પ્રસન્ન થઈને પેશ્વાએ તેને પોતાની નોકરીમાં રાખવા માગ્યો. તુકોજીએ પણ એ વાતને ટેકો આપ્યો; પણ બેમાંથી કોઈએ અહલ્યાબાઈને એ બાબતની ખબર આપી નહિ. અહલ્યાબાઈનો હુકમ મેળવ્યા વગર શિવાજી ગોપાળ અહલ્યાબાઇનું કામ છોડી દઈને પેશ્વાની નોકરીમાં જોડાયો. અહલ્યાબાઈએ આ ખબર સાંભળતાંવારજ તુકોજીને બોલાવીને ખૂબ ધમકાવ્યો. તકોજીએ અહલ્યાબાઈને પગે પડીને ક્ષમા માગી. ત્યાર પછી કોઈ દિવસ એ અહલ્યાબાઈની સલાહ વગર મોટું કામ કરવાનું સાહસ કરતો નહિ.
રાજા તરીકેની પોતાની પ્રતિષ્ઠા સંબંધી આટલી કાળજી ન હોય તો અમલદારોની રાજા ઉપરની ભક્તિ તથા રાજાનો ડ૨ ઓછાં થઈ જાય છે અને આ પ્રમાણે ભય તથા ભક્તિ ઓછી થઈ જવાથી ધીમે ધીમે અમલદાર સ્વેચ્છાચારી થઈ જાય છે, એથી રાજ્યનો પ્રબંધ બગડે છે અને પ્રજાની સુખશાંતિમાં ઘણી ખલેલ પહોંચે છે.
સૂક્ષ્મ રાજનીતિ જાણનારી અહલ્યાબાઈ આ બધું સારી પેઠે સમજતાં હતાં; એટલા માટે જ પોતાનું રાજગૌરવ સાચવી રાખવા એ હંમેશાં પ્રયત્ન કરતાં. બીજા રાજાઓ આગળ પોતાના રાજ્યનો મોભો સાચવી રાખવાને માટે પણ એવોજ પ્રયત્ન કરતાં. એ પ્રસંગે એમનામાં તેજસ્વિતા વધુ જણાતી.
પોતાના રાજ્યના પ્રથમ ભાગમાં રઘુનાથરાવ ચડી આવ્યો, તે વખતે અહલ્યાબાઈએ કેવી નિર્ભયતા અને ઊંડી બુદ્ધિ બતાવી હતી, તે આપણે જોઈ ગયા છીએ. પાછલી વયમાં પોતાના રાજ્યના છેલ્લા અરસામાં એક યુદ્ધમાં તેમણે એવું પરાક્રમ બતાવ્યું હતું કે, તેને લીધે તે બધા રાજાઓની શ્રદ્ધા અને ભક્તિને પાત્ર બન્યાં હતાં.
રજપૂતાનાના જયપુરના રાજા પહેલાં મલ્હારરાવને અને પછીથી અહલ્યાબાઈને ખંડણી આપતા હતા. અહલ્યાબાઈના રાજ્યના પાછલા ભાગમાં ચારપાંચ લાખ રૂપિયા ખંડણીના બાકી નીકળતા હતા; પરંતુ તુકોજીએ જ્યારે એ રૂપિયા માટે ઉઘરાણી કરી, ત્યારે તુકોજીના શત્રુ સિંધિયાના સેનાપતિએ છાનામાના જઈને જયપુરના રાજાને ખંડણી ન આપવાની સલાહ આપી અને કહ્યું કે, “ખંડણીને માટે યુદ્ધ થશે, તો હું તમને મદદ કરીશ.” એની સલાહ મુજબ જયપુરના મહારાજાએ તુકોજીને કહેવરાવ્યું કે, “આપની માફક સિંધિયા મહારાજાની ખંડણી પણ અમારે આપવી બાકી છે, તેઓ પણ ઉતાવળ કરી રહ્યા છે; માટે તમારા બે માંથી વધારે જોરાવરને હું ખંડણી આપીશ.”
જયપુરના મહારાજાનો આ ઉત્તર સાંભળીને તુકોજીએ યુદ્ધની તૈયારી કરી; પણ એવામાં સિંધિયાના સેનાપતિએ ઓચિંતો હમલો કર્યાથી તુકોજીની હાર થઈ. તુકોજી એક ગઢમાં ભરાઈ ગયો અને વધારે ધન અને સૈન્ય મોકલવા માટે અહલ્યાબાઈને સમાચાર મોકલ્યા.
તુકોજીના પરાજયના સમાચાર સાંભળીને ક્રોધ અને ક્ષોભપૂર્વક અહલ્યાબાઈએ કહ્યું: “ધિક્કાર છે ! વીરપુરુષ થઈને તુકોજીએ હોલ્ક૨ના રાજ્યને કલંક લગાડ્યું. તુકોજી મને પુત્ર સમાન વહાલો છે, પણ આજે તેના પરાજયના સમાચાર સાંભળ્યા તેના કરતાં, યુદ્ધમાં તેના મૃત્યુના ખબર સાંભળ્યા હોત, તો હું વધારે ખુશી થાત.” તેણે શાંત થઈને તુકોજીને કહેવરાવ્યું કે, “હશે, થનાર હતું તે તો થઈ ચૂક્યું. તું ડરી જઈને નિરાશ થઈશ નહિ. જેટલું ખર્ચ થાય તેટલું કરજે, પણ હોલ્કરનું નામ રાખજે. હવે તું વૃદ્ધ થતો જાય છે. તારામાં જો યુદ્ધ કરવાની શક્તિ ન હોય, તો મને લખજે. હું વગર વિલંબે હથિયાર સજીને યુદ્ધમાં જઈશ. હું પણ વૃદ્ધ થઈ ગઈ છું, એ વાત ખરી; પણ હજુએ મારામાં શક્તિ છે. શક્તિ હોવાથીજ હજુ પણ રાજ્ય ચલાવું છું.” એમણે તુકાજીની મદદે ૧૮૦૦ સૈનિકો મોકલ્યા એ સેનાની મદદથી તકોજીરાવે ફરીથી યુદ્ધ જાહેર કર્યું.
અહલ્યાબાઈને ઉત્તેજનથી તથા તેમણે મોકલેલા વીર સૈન્યની મદદથી તકોજીએ સિંધિયાના લશ્કરને હરાવ્યું, જયપુરના રાજાએ ખંડણી આપવામાં આનાકાની કરી નહિ. અહલ્યાબાઈનું રાજ્યગૌરવ અખંડિત રહ્યું. વિજયી તકોજીએ આવીને અહલ્યાબાઈને પ્રણામ કર્યા.
અહલ્યાબાઈની રાજનૈતિક ચતુરતા અને કુશળતા સંબંધી પણ એક સુંદર વાત કહેવાય છે. ઇંદોરના ખજાનામાં મલ્હારરાવના સમયથી ઘણું ધન સંઘરી રાખવામાં આવ્યું હતું. એ સંચિત ધનને અહલ્યાબાઈએ દેવસેવા અને પરોપકારના કામમાં ખર્ચવાને સંકલ્પ કરી રાખ્યો હતો. રઘુનાથરાવ અહલ્યાબાઈ પાસેથી રાજ્ય છીનવી લેવામાં કેવી રીતે નિષ્ફળ નિવડ્યો, એ તો વાચકો ઉપર જોઈ ગયા છે. હવે અહલ્યાબાઈના સંચિત ખજાનાની વાત સાંભળીને ફરીથી રઘુનાથરાવને લોભ થયો. કોઇ એક યુદ્ધના ખર્ચ નિમત્તે રઘુનાથરાવે અહલ્યાબાઈ પાસેથી નાણાં માગ્યાં. ઇંદોર પેશ્વાના તાબાનું રાજ્ય હોવાથી રઘુનાથરાવને આ દાવો કાંઈ ગેરવાજબી પણ નહોતો.
પણ દેવસેવા અને લોકસેવાને માટે સમર્પણ કરી દીધેલા ધનમાંથી રઘુનાથરાવના સ્વેચ્છાચારી યુદ્ધ માટે કાંઈ પણ આપવાની અહલ્યાબાઈને ઈચ્છા થઈ નહિ. તેમણે કહેવરાવી દીધું કે, ખજાનામાંનું બધું ધન દાન–ધર્મને માટે સમર્પણ કરી ચૂકી છું. આપને જો પૈસાની તાણ હોય, તો આપ પણ બ્રાહ્મણ છો; યથા વિધિ તુલસીપત્ર અને ગંગાજળ મૂકીને, મંત્ર ભણીને માગણી કરશો તો જોઈએ એટલા ધનનું દાન કરવા હું તૈયાર છું.”
રઘુનાથરાવને ઘણો ગુસ્સો થયો. ઇંદોરની રાણી અહલ્યાબાઈ પેશ્વાને તાબે હતી, એ હક્કને લીધે એણે નાણાં માગ્યાં હતાં. પેશ્વા બ્રાહ્મણ હતા એ વાત ખરી, પણ એ કાંઈ ભિક્ષુક બ્રાહ્મણ નહોતા. ભિક્ષક તરીકે શૂદ્રાણી અહલ્યાબાઈ પાસેથી રઘુનાથરાવ દાન ગ્રહણ કરે ? તેણે યુદ્ધને માટે તૈયાર થવાનું અહલ્યાબાઈને કહેવરાવી દીધું. અહલ્યાબાઈએ પણ જવાબ મોકલ્યો કે, “યુદ્ધમાં પ્રાણ જાય, રાજ્ય જાય, સર્વસ્વ જાય તો ભલે. એ બધું ભોગવવા હું તૈયાર છું; પણ ઈચ્છા કરીને પોતાને હાથે દેવસેવા અને પરોપકારને માટે સંઘરી રાખેલા ધનમાંથી એક કોડી પણ નહિ આપું.”
યુદ્ધ કર્યા વગર કાર્ય સિદ્ધ થતું હોય, ત્યાં સુધી નકામી લોહીની નદીઓ વહેવરાવવી નહિ, એવી અહલ્યાબાઇની મૂળથીજ નીતિ હતી. આ વખતે પણ કુશળતા વાપરીને યુદ્ધ રોકવાની તેમણે યુક્તિ રચી. રઘુનાથરાવ સૈન્ય સાથે આવી પહોંચ્યો. અહલ્યાબાઈ પણ વીરવેશમાં સજ્જિત થઈને ઘોડા ઉપર બેઠાં. સાથે પાંચસો દાસીઓને પણ ઘોડેસવાર બનાવી. આ પ્રમાણે એ બધી વીર નારીઓ યુદ્ધક્ષેત્રમાં આવી પહોંચી; પરંતુ રઘુનાથ૨ાવના હુકમ મળ્યા છતાં પણ મરાઠા સરદારોએ સ્ત્રીઓની સાથે યુદ્ધ કરવાની ના કહી. અહલ્યાબાઈ જાણતાં હતાં કે, એવું થવાનું છે અને તેટલા સારૂજ એમણે આવો ભાવ ભજવ્યો હતો. રઘુનાથરાવે ગુસ્સે થઈને પૂછ્યું: “તમારૂં લશ્કર ક્યાં છે ?”
અહલ્યાબાઈએ જવાબ આપ્યો : “પેશ્વા સરકાર મારા માલિક છે. તેમની સાથે યુદ્ધ કરીને હું રાજદ્રોહી થવા માગતી નથી; પણ હોલ્કરના ખજાનામાં ધર્મનાં કામો માટે જે ધન સંઘરી રાખવામાં આવ્યું છે, તે હું આપી શકું એમ નથી. કોઈ લેવા આવશે તો જીવસાટે પણ તેનું રક્ષણ કરીશ. આપની એ ધન લેવાની ઈચ્છા હોય, તો મારી અને આ દાસીઓની હત્યા કરીને સુખેથી ધન લઈ જાઓ.”
રઘુનાથરાવ લાચાર બનીને થોડી વાર સુધી ચુપચાપ ઊભો રહ્યો. પછીથી એ મનમાં સમજી ગયો કે, અહલ્યાબાઈની યુક્તિ આગળ તેનું કાંઈ ચાલે તેમ નથી. આખરે પોતાના કામ માટે પસ્તાવો કરીને તથા મીઠાં વચનોથી અહલ્યાબાઈને સતોષ આપીને એ પાછો ફર્યો.
હવે અમે અહલ્યાબાઈનાં સ્વરૂપ તથા તેમની દિનચર્યાનું થોડુંક વિવેચન કરીશું.
ઊંચાઈમાં મધ્યમ અને દેહ સાધારણ બહુ પાતળો પણ નહિ અને બહુ સ્થૂલ પણ નહિ એવો હતો. રંગ શામળો હોવા છતાં, પણ મુખ ઉપર એક એવી તેજસ્વી પ્રભા વિરાજી રહી હતી, કે એમના મુખ સામું એકીટશે જોઈ શકાતું નહિ.
એમનો પહેરવેશ ઉત્તમ, સાદો અને ધોળા રંગનો હતો. વિધવા થયાં ત્યારથી જ એમણે રંગબેરંગી વસ્ત્ર પહેરવાં છોડી દીધાં હતાં. અલંકારમાં ફક્ત એક માળા ધારણ કરતાં. મરાઠાઓમાં મદ્યમાંસનો નિષેધ નથી, છતાં રાણી અહલ્યાબાઈએ એવા પદાર્થોનો સદાને માટે ત્યાગ કર્યો હતો. એમના ભોજનમાં સાત્ત્વિક પદાર્થો અધિક ભાગે જોવામાં આવતા. રાજસી અને તામસી વિચાર ઉત્પન્ન કરે એવા પદાર્થ તરફ એમને બહુ ઓછી રુચિ થતી. જૂઠું બાલવાથી એ તરતજ અસંતુષ્ટ થતાં. એમનું ચિત્ત સદા શાંત અને પ્રકુલ્લિત રહેતું. પોતાના શરીરને વસ્ત્રભૂષણથી અલંકૃત કરવાને બદલે પોતાના અંતઃકરણને વિવેક વિચાર અને ઉદાર રાજનીતિથી વિભૂષિત રાખતાં.
અહલ્યાબાઈના ધર્માત્મા હોવાની સાક્ષી તો એમણે બંધાવેલ અનેક મંદિરો તથા ધર્મશાળાઓ ભારતવર્ષના ચારે ખૂણામાં પૂરી રહ્યાં છે. તુકોજીએ એક વાર આગ્રહ કરીને જયપુરના કારીગ૨ પાસે અહલ્યાબાઈની મૂર્તિઓ બનાવી હતી, એ સંબંધમાં માલકમ સાહેબ લખે છે: “પ્રાચીન કાળની ઐતિહાસિક સ્ત્રીઓની પેઠે અહલ્યાબાઈમાં પણ અદ્વિતીય અને ઉત્તમ ગુણો વિદ્યમાન હતા. ઈંદો૨, હિમાલય, સેતુબંધ, રામેશ્વર, ગયા, કાશી આદિ સ્થાનમાં વિશાળ અને અનુપમ દેવસ્થાનો બનાવી એમણે પોતાનું નામ અમર કર્યું છે. નાથમંદિર અને ગયાજીનું દેવાલય જે વિષ્ણુપદના નામથી પ્રખ્યાત છે, તેનું શિલ્પકાર્ય એવું સુંદર અને રમણીય છે કે, જોતાં જોતાં આંખ ધરાતીજ નથી. અહીંયા શ્રી રામચંદ્ર અને જાનકીજીની સુંદર મૂર્તિઓ પધરાવેલી છે અને સામે સાચી ભક્ત અહલ્યાબાઈની મૂર્તિ ઊભી છે — જાણે કે સાક્ષાત્ બાઈજ ભગવાનનું પૂજન ન કરતાં હોય ! ગયાજીમાં એ મૂર્તિ જોઈને હિંદુ યાત્રાળુઓના અંતઃકરણમાં એકદમ ભક્તિ અને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે.”
મહેશ્વર દરબારના દફતરમાંથી એમના સંબંધી અનેક પત્ર મળી આવ્યા છે, એ ઉપરથી એમના સંયમ તથા દયાધર્મનો વિશેષ વૃત્તાંત મળી આવે છે. થોડાક નમૂના નીચે આપીએ છીએ:–
“આજ પ્રાતઃકાળથી બાઈને ઝાડાનો ઉપદ્રવ થયો છે. દિવસમાં ત્રીસ ચાલીસ વાર શૌચ જવું પડ્યું, પરંતુ અમાવાસ્યા હોવાથી દવા નજ પીધી.”
“અહીંયાં આજકાલ શ્રાવણ માસનો ઉત્સવ છે. દરરોજ અઢીથી ત્રણ હજાર બ્રાહ્મણો ભોજન કરે છે. x x x x ભોજન પછી દરરોજ એમને બબ્બે ત્રણ ત્રણ પૈસા દક્ષિણા આપવામાં આવે છે અને જન્માષ્ટમીને દિવસે પ્રત્યેક બ્રાહ્મણને એક એક રૂપિયો આપવામાં આવે છે. લિંગ ઉપર અનુષ્ઠાન કરનારા બ્રાહ્મણને રોજના આઠ રૂપિયા, જપ કરનારાને પાંચ પાંચ રૂપિયા, કવચ ભણનારાને આઠનવ રૂપિયા અને નમસ્કાર ભણનારાઓને નવદસ રૂપિયા આપવાનો રિવાજ છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ચાર ઘડી દિવસ બાકી રહે, ત્યારે બાઈ સ્નાન કરીને ભોજન કરે છે.”
“૬૯ વર્ષની વય સુધી બાઈનો પૂજા પાઠ તથા વ્રત નિયમાદિ ઠીક ચાલ્યાં હતાં. શકુનની વિદ્યામાં પણ એ વિશેષ પ્રવીણ હતાં. દરેક કામ શકુન જોઈને કરતાં.”
અહલ્યાબાઈએ જે જે ધર્માદા સંસ્થાઓ સ્થાપી જે જે મંદિરો બંધાવ્યાં તેની પૂરી યાદી ઈંદોર રાજ્યના દફતરમાંથી પણ મળી આવતી નથી. એનું એક કારણ એ છે કે, એ સંસ્થાના નિભાવ અર્થે તેમણે દૂરદેશાવરના એ સ્થાનોની આસપાસની જમીન તથા ગામ વગેરે ખરીદીને દાન કર્યાં છે. આ સંસ્થાએાના વ્યવસ્થાપકોને ઇંદોર સુધી ખર્ચની રકમ લેવા આવવું પડે એવું રાખ્યુંજ નથી.
મલ્હારરાવના મૃત્યુ પછી દેવી અહલ્યાબાઈએ મહેશ્વર સ્થાનને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એ ગામ નર્મદા નદીને કિનારે વસ્યું છે અને ત્યાં મોટા પ્રચંડ ઘાટ છે. બાઈનો મહેલ નદીને કિનારેજ હતો. મહેશ્વરની ઉન્નતિ સારૂ બાઈએ તનમનધનથી પ્રયત્ન કર્યો હતો. ઘાટની પાસે બાઇની એક અતિ ઉત્તમ અને જોવાલાયક છત્રી છે, એમાં એક શિવલિગ અને સામે અહલ્યાબાઇની મૂર્તિ સ્થાપિત છે. એ ઘાટ અને છત્રી અહલ્યાબાઈના સ્મરણાર્થે યશવંતરાવ હોલ્કરે બંધાવેલા છે. એને બંધાતાં ૩૪ વર્ષ લાગ્યાં હતાં અને એમાં લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચ થયું છે. એ છત્રીને કેટલાક લોકો મધ્યહિંદુસ્તાનના તાજમહેલની ઉપમા આપે છે.
મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી પોતાના ઇતિહાસમાં લખે છે કે, “અહલ્યાબાઈએ કાશીમાં વિશ્વેશ્વર અને ગયામાં વિષ્ણુપદના મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને કલકત્તાથી કાશી સુધી એક ઉત્તમ સડક બંધાવી હતી. એ ઉપરાંત ગ્રીષ્મ ઋતુમાં ઠેકાણે ઠેકાણે પરબો મંડાતી અને શિયાળામાં અનાથોને કામળીઓ વહેંચવામાં આવતી.”
અહલ્યાબાઇની કીર્તિ એટલી બધી હતી કે, એમના સમકાલીન હૈદર, ટીપુ, નિઝામ, અયોધ્યાના નવાબ વગેરે મુસલમાનો પણ એમની ઘણી પ્રશંસા કરતા.
અહલ્યાબાઈના જીવનનું અવલોકન કરતાં સર જોન માલ્કમ લખે છે: “એ ચરિત્ર અત્યંત અલૌકિક છે. સ્ત્રી હોવા છતાં પણ બાઈને લેશમાત્ર અભિમાન નહોતું. એમને ધર્મની વિલક્ષણ ધૂન હતી અને એમ છતાં પણ, પરધર્મ તરફ સહિષ્ણુતા પણ પુષ્કળ હતી. એમનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું, પણ પોતાની પ્રજા અને આશ્રિતોને કેવી રીતે સુખ મળે, એમનો વૈભવ કેવી રીતે વધે એ સિવાય બીજા વિચારજ એમને નહોતા આવતા. બાઈએ પોતાને મળેલી સ્વતંત્ર સત્તાનો ઉપયોગ દક્ષતા અને વિચારપૂર્વક કર્યો હતો, એથી એમની મનોવૃત્તિ સ્થિર થઈ ગઈ હતી અને એમના નોકરો તથા પ્રજાએ તનમનથી એમની આજ્ઞાનું પાલન કર્યું હતું.”
ધીમે ધીમે મહાન રાણી અહલ્યાબાઈનું આયુષ્ય ખૂટવા લાગ્યું. આદર્શ રમણી અને આદર્શ રાણી હોવા છતાં પણ, અહલ્યાબાઈનું સાંસારિક જીવન ઘણું સુખી નીવડ્યું નહોતું. એક પુત્ર અને એક કન્યાને જન્મ આપ્યા પછી, અઢાર વર્ષની કુમળી વયે એ વિધવા થયાં હતાં. પુત્ર માલેરાવ કેવો દુષ્ટ નીકળ્યો હતો, તે આપણે જોયું. એવા ગાંડા ઘેલા પુત્રના અકાલ મૃત્યુથી પણ તેમને બેહદ દુઃખ થયું. કન્યા મુક્તાબાઈને એક પુત્ર હતો. તેને પાસે રાખીને અહલ્યાબાઈ તેનું પાલનપોષણ કરવા લાગ્યાં.
પરંતુ સંસારનું આટલું સુખ પણ તેમને છાજ્યું નહિ. સંસારમાં સ્નેહના મુખ્ય બંધનરૂપ એ એકનો એક દોહિત્ર પણ અહલ્યાબાઈને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. એના મૃત્યુ પછી એક વર્ષે મુક્તાબાઈ વિધવા થઈને સતી થઈ.
શોક, દુઃખ અને રાજકારભારના તથા કઠોર વ્રત અને ઉપવાસને લીધે, ધીમે ધીમે અહલ્યાબાઈનું શરીર ક્ષીણ થઈ ગયું.
મૃત્યુને પાસે આવતું જોઈને એમણે દરરોજ એક હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાની તથા ગરીબ, દુઃખી અને આંધળા પાંગળાને અન્નવસ્ત્ર આપવાની વ્યવસ્થા કરી. મૃત્યુને દિવસે બા૨ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનો હુકમ આપ્યો. સંસારમાં પોતાને માટે નિર્માણ થયેલું કાર્ય સફળતાપૂર્વક કરીને સંવત ૧૮૫૩ (ઈ○ સ○ ૧૭૮૬) માં દેવી અહલ્યાબાઈએ ૭૦ વર્ષની વચે સ્વર્ગવાસ કર્યો. એમનાં સત્કૃત્યોને લીધે આખા ભારતવર્ષમાં એમના મૃત્યુના સમાચારથી શોક ફેલાયો; લોકો એમની પુણ્યકીર્તિ ગાઈને એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવા લાગ્યા. એક અંગ્રેજ કવયિત્રીના કથનનો સારાંશ કહીએ તો “એના ત્રીસ વર્ષના શાંતિમય રાજ્યમાં દેશમાં સુખસમૃદ્ધિ વધ્યાં હતાં અને આબાલવૃદ્ધ, કઠોર અને કોમળ દરેકના મુખમાંથી તેને માટે આશીર્વચનો નીકળતાં હતાં. પર્વતોમાં, ટેકરીઓ ઉપર કે સમતલ ભૂમિમાં પ્રવાસી અનેક સ્થળે શોકપૂર્વક ઊભો રહીને કહે છે કે, ‘હાય ! આ ઈમારત અહલ્યાબાઈની બનાવેલી છે !’ ભૂત અને ભવિષ્યનો વિચાર કરતાં વિદ્વાન સાધુના મનમાં અનેક વિચારો ઉદ્ભવે છે અને તે મનમાંજ કહે છે કે, ‘હાય ! આપણા ખટપટિયા રાજાઓ એ વીર નારીની પેઠે શાસન ચલાવતા હોય, તો કેવું સારૂં ?”
અહલ્યાબાઈએ સાહિત્યમાં પણ પોતાની પાછળ એક સ્મા૨ક મૂક્યું છે. તેનું નામ ‘અહલ્યાબાઈ કામધેનુ’ છે.
એમણે એમના રાજ્યમાં વસનારા તથા બહારથી આવેલા વિદ્વાન પંડિતોને એકઠા કરીને આજ્ઞા આપી હતી કે, “તમે લોકો સભા મેળવીને શોધખોળ કરીને ધર્મશાસ્ત્રનો એક મોટો ગ્રંથ લખો.” એ ગ્રંથ સારૂ એમણે દેશદેશાવરમાં તપાસ કરાવીને કિંમતી પુસ્તકો મંગાવ્યાં હતાં. એ પુસ્તકોને આધારે પંડિતોએ “અહલ્યા કામધેનુ” નામનો એક મોટો ગ્રંથ રચ્યો. તેમાં ધર્મશાસ્ત્રની મુખ્ય મુખ્ય બધી વાતો સમાવવામાં આવી છે. એ ગ્રંથથી અહલ્યાબાઈનું નામ સંસ્કૃત સાહિત્યમાં અમર છે.
આપણા મહાન પૂવેજોની જયંતી ઊજવવાની પ્રથા વીસમી સદીમાં પાછી તાજી થઈ છે, એ આપણાં સદ્ભાગ્યની વાત છે. અહલ્યાબાઈનું મરણ તાજું રાખવા થોડાંક વર્ષથી ઇંદોર રાજ્યમાં ‘અહલ્યા–ઉત્સવ’ ઉજવાય છે. આખા શહેરના લોકો એમાં ભાગ લે છે. ગરીબ અને ફકીરોને ભોજન વહેંચવામાં આવે છે. એ દિવસે મહારાણી અહલ્યાબાઈની સવારી ઘણી ધામધૂમ અને આનંદથી કાઢવામાં આવે છે. એ દિવસે આખા શહેરમાં ઉમંગ વ્યાપી રહે છે. ફૂલોથી શણગારેલી પાલખીમાં એમની છબીનાં દર્શન કરીને બધાં પોતાના જન્મનું સાર્થક સમજે છે.
એમની પાલખીની આગળ ૩૦ સ્ત્રીઓ નાગી તલવાર લઈને ઘોડેસવાર થઈને ચાલે છે. પાછળ પણ હથિયારબંધ સ્ત્રીઓનું એક એવુંજ લશ્કર હોય છે. ગંગાધરરાવ દીવાનની શિખવણીથી રાઘોબાદાદાએ એમના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી, તે વખતે દેવી અહલ્યાબાઈ ૫૦૦ સ્ત્રી સૈનિકોને સાથે લઈને તેમની સામે લડવા ગયાં હતાં. એ સ્ત્રીઓને લીધેજ રાણી અહલ્યાબાઈની લાજ રહી હતી. એ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં ઈંદોરની પ્રતિષ્ઠિત કુટુંબની સન્નારીઓ એ ઉત્સવમાં વીરાંગનાઓના વેશમાં અહલ્યાબાઇની પાલખીની સાથે નીકળે છે અને પુણ્યશીલા દેવી અહલ્યાબાઈ તથા નારીજાતિના ગૌરવનું સ્મરણ કરાવે છે.
દેવી અહલ્યાબાઇનું જ સ્મરણ કરાવે એવી ધર્માત્મા, દાનશીલ, ન્યાયી અને રાજનીતિકુશલ રાણી આપણું ગુજરાતમાં, સિદ્ધરાજની માતા મયણલ્લા થઈ ગઈ છે; જેમનું સંક્ષિપ્ત ચરિત્ર બીજા ભાગમાં અમે આપી ગયા છીએ. રોચક નવલકથા લખવાના શોખમાં એ પવિત્ર સન્નારીના નામને લગાડવામાં આવેલું કલંક અમારા મિત્ર રા૦રા૦ નારાયણદાસ વિસનજી ઠક્કરે ધોઇ નાખ્યું છે, એ જોઈ અમને હર્ષ થાય છે.
ઈંદોરવાસીઓ જે પ્રમાણે અહલ્યા–ઉત્સવ ઊજવે છે, તે પ્રમાણે પાટણ અને અમદાવાદમાં “મયણલ્લા–ઉત્સવ” ઉજવવાનો પ્રયાસ થવો ઉચિત છે.