રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/મુક્તાબાઈ
← અહલ્યાબાઈ | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો મુક્તાબાઈ શિવપ્રસાદ દલપતરામ પંડિત |
६२–मुक्ताबाई
એ સન્નારી પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈની પુત્રી હતી. અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ જેટલો દુરાચારી અને ઉદ્ધત હતો, તેટલી જ બાલિકા મુક્તા સુશીલ, વિદુષી અને ચતુર હતી. માતાએ તેને સારી કેળવણી આપી હતી તથા ગૃહકાર્યમાં નિપુણ બનાવી હતી. બાલ્યાવસ્થાથીજ એ માતાના દુઃખમાં ભાગ પડાવતાં શીખી હતી. માલેરાવના મંદવાડ વખતે એણે સતત માતાની સાથે રહીને, ભાઈની ઘણી સેવાસુશ્રૂષા કરી હતી. માલેરાવનું મૃત્યુ થયું ત્યારે દેવી અહલ્યાબાઈને આ નાની સરખી બાળાએ આશ્વાસન આપ્યું હતું. એ શોકાતુર વિધવાનાં આંસુ તેના માયાળુ કરકમળે લૂછ્યાં હતાં. મુક્તાબાઈ જેવી સ્નેહાળ કન્યાને જોઈને માતાએ પુત્રશોકને વિસારે પાડ્યો હતો.
એવી કન્યાને માટે યોગ્ય વર શોધવાની ચિંતામાં દેવી અહલ્યાબાઈ રાતદિવસ રહેતાં હતાં; પરંતુ ત્યાર પછી એવા સંયોગો ઉત્પન્ન થયા કે, જેથી એક નવીજ રીતે મુક્તાબાઈનું કન્યાદાન દેવાનું નક્કી થયું.
રાજકુમાર માલેરાવના મૃત્યુ પછી અહલ્યાબાઈને અબળા સમજીને રાજ્યમાં ચોર, લૂંટારાઓએ ત્રાસ વરતાવવા માંડ્યો. અહલ્યાબાઈએ પોતાની પ્યારી પ્રજાને એ દુષ્ટોના અત્યાચારથી બચાવવા સારૂ સરદારો તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોની એક સભા ભરી અને જણાવ્યું કે, “જે કોઈ મારી પ્રાણથી પણ અધિક પ્રિય પ્રજાને આ કષ્ટોથી છોડાવવાનો ઉત્તમ પ્રબંધ કરશે તથા મારી એ રાંક પ્રજા સુખચેનપૂર્વક જીવન ગાળે, એવો બંદોબસ્ત કરશે, તે વીરને હું મારી એકની એક લાડકી કન્યાનું દાન કરીશ.” એ પ્રસ્તાવ સાંભળતાં થોડી વાર સુધી તો આખા દરબારમાં નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ. આખરે દરબારીઓમાંથી એક નવયુવક મરાઠા વીર ઊભો થઈને સામે આવ્યો અને વિનયપૂર્વક બોલ્યો: “માતુશ્રીની કૃપા અને પ્રભુના આશીર્વાદથી હું એ કાર્ય સાધવાનું બીડું ઝડપું છું. હું પૂરૂં ધ્યાન દઈને ચોરલૂંટારાઓને દબાવી દઈશ તથા ઈંદોર રાજ્યની પ્રજાને સુખ અને શાંતિમય જીવન ગાળવાની સગવડ કરી આપીશ. એ કામ સારૂ રાજ્ય તરફથી દ્રવ્ય તથા સિપાઈઓની મદદ મને મળવી જોઈએ.”
યુવકનાં એ ઉમંગભર્યા વચનો સાંભળીને અહલ્યાબાઈ ઘણાં પ્રસન્ન થયાં. એના આખા શરીર ઉપર વીરતા ઝળકી રહી હતી. એ સાહસિક વીર પોતાનીજ જાતિનો છે, એ જાણતાં એમના હર્ષમાં વધારો થયો. એમના અંતઃકરણે સાક્ષી પૂરી કે, “આ મરાઠા યુવક મુક્તાબાઈને યોગ્ય વર છે.” એમણે તરતજ પોતાના અમલદારોને આજ્ઞા આપી કે, “આ યુવકને ખજાનામાંથી જેટલું ધન જોઈએ તેટલું આપો.” સેનાધ્યક્ષને આજ્ઞા આપી કે, “એને જેટલા સિપાઈઓની જરૂર પડે, તેટલા સિપાઈઓ તરતજ આપવા.” દરબાર બરખાસ્ત થયો. આવેલા સરદારો અને મહેમાનોને રાણીએ ભોજન કરાવીને વિદાય કર્યા. પેલા મરાઠા યુવકનું નામ યશવંતરાવ ફાણશે હતું. રાણીએ એક દિવસ તેને પોતાની પાસે રાખી એના કાર્યને લગતી સૂચનાઓ આપી હર્ષપૂર્વક વિદાય કર્યો.
યશવંતરાવે બે વર્ષમાં રાજ્યમાં એવો બંદોબસ્ત કર્યો કે, પ્રજાનાં દુઃખ દૂર થઈ ગયાં. ચોરલૂંટારા કાબૂમાં આવ્યા અને લોકો સુખશાંતિમાં જીવન ગાળવા લાગ્યા. અહલ્યાબાઈને ખાતરી થઈ ગઈ કે, યશવંતરાવે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. હવે એમણે એની સાથે પુત્રી મુક્તાબાઈનું લગ્ન કરવાની તૈયારી કરી.
રાજ્યના સરદારો, શેઠશાહુકારો અને સામંતોને આમંત્રણ મોકલવામાં આવ્યાં અને ઘણા ઠાઠથી મુક્તાબાઈનું લગ્ન વીર યશવંતરાવની સાથે કરવામાં આવ્યું. આખા રાજ્યના બ્રાહ્મણનો એ શુભ પ્રસંગે ભોજન કરાવવામાં આવ્યું તથા વસ્ત્રનું દાન કરવામાં આવ્યું. જમાઈ તથા તેનાં સગાંઓને પુષ્કળ પહેરામણી આપી. પુત્રીને પણ કિંમતી ‘દહેજ’ તથા તરાણા પરગણું લગ્ન પ્રસંગે કન્યાદાનમાં આપ્યું.
જમાઈ તથા કન્યાને વળાવતી વખતે દેવી અહલ્યાબાઇનું હૈયું ભરાઈ આવ્યું અને તે ગદ્ગદ કંઠે કહેવા લાગ્યાં: “બેટા યશવંતરાવ ! હવે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો છો. એ સંસાર ઘણો વસમો છે. બહુ સાવચેતીથી ચાલજો અને તમારે આશ્રયે આવેલી આ કોમળ મંજરીનું સદા રક્ષણ કરજો. પડછાયાની પેઠે એને સદા તમારી સાથેજ રાખજો. વિધાતાએ ઉત્પન્ન કરેલી સુંદરતાના નમૂનારૂપ ગણીને એને ચાહજો. ઘરસંસારની આંટીઘૂંટી એ હજુ જાણતી નથી, હજુ એ હલેતી છે, તમે વ્યવહારકુશળ છો. એને એવું શિક્ષણ આપજો, કે જેથી ભવિષ્યમાં એ સ્ત્રીસમાજની શિરોમણિ ગણાય અને બધા એને આદરની દૃષ્ટિથી જુએ. મારી આ સલાહને મંત્રરૂપ ગણીને, સદા સ્મરણમાં રાખજો. એ ઉપદેશનું પાલન કર્યાથી તમને જિંદગી સુધી સુખ મળશે.
“સ્ત્રીને સદા સુખી રાખવી તથા સન્માર્ગે ચલાવવી એ પતિનાજ હાથમાં છે. સ્વામીના ગુણોને જોઈને સ્ત્રી પણ ગુણવાન બને છે. સ્ત્રી જાતિ સ્વામીના મનના વિચાર જાણવામાં કુશળ હોય છે. ઘોડો પોતાના સવારની રાંગને ઓળખી જાય છે અને તે કાચોપોચો હોય તો એને પાડી નાખવા પ્રયત્ન કરે છે અને સવારને સવારીમાં પૂર્ણ કાબૂવાળો જુએ છે, તો એના કહ્યા પ્રમાણે ચાલે છે. સ્ત્રી પણ એવી જ રીતે પતિની રહેણીકરણી અને પોતાના જીવનને ઘડે છે અને સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે. કોઈ રીતે મારી મુક્તાની સાથે ક્રૂરતાનો વ્યવહાર ન કરશો. એનો જીવ દુભાય એવું આચરણ ભૂલેચૂકેય ન કરશો. ક્રોધ આવે તોપણ એને મનમાં સમાવજો. અપ્રસન્ન થઈને, ક્રોધ કરીને મારી ચમેલીસમ સુકુમાર મુક્તાને કરમાવશો નહિ. સ્ત્રીજાતિનું ગૌરવ શાસ્ત્રોમાં ઘણું ગવાયું છે, તે સદા ધ્યાનમાં રાખજો. યાદ રાખજો કે, સ્ત્રી એ પતિની અમોઘ શક્તિ છે, શાંતિની ખાણ છે, સુખ અને આનંદની મૂર્તિ છે. બહાર તમને ગમે તેટલું દુઃખ પડ્યું હોય, પણ ઘેર આવતાંવારજ પત્ની હસતે મુખે કુશળ વાર્તા પૂછે, મીઠી વાતો કરે, તો બધું દુઃખ વીસરી જશો. સ્ત્રીઓજ ગૃહને નંદનવન બનાવી દે છે. પ્રિય પુત્ર ! તમને વધારે શું કહું ! તમે પોતે સમજુ છો. મારી મુક્તાના ગુણોથી જાણીતા છો. એની પૂરેપૂરી કદર કરી, મારા દુઃખી જીવનમાં શાંતિ રેડો, ઈશ્વર તમારૂં કલ્યાણ કરે. તમારૂં દાંપત્ય જીવન સુખી થાઓ અને તમે દીર્ઘાયુષ્ય ભોગવો, એજ મારો આશીર્વાદ છે.”
જમાઈને ઉપદેશ આપ્યા પછી પુત્રી મુક્તાબાઈને શિખામણ આપી કે, “પ્રાણાધાર મુક્તા ! આજ આ અભાગણીને તને વિદાય કરતાં ઘણું દુઃખ થાય છે. તારા ગયાથી મને મહેલમાં સૂનું સૂનું લાગશે, પણ તારા હિતની ખાતર એ હું શાંતિથી સહન કરીશ. વિદાય વખતે હું તને જે શિખામણ આપું છું, તે ગાંઠે બાંધજે. તું હવે છેક નાદાન નથી; પરમાત્માએ તને સારૂંંખોટું સમજવા જેટલી બુદ્ધિ આપી છે. મેં તને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પણ અપાવ્યું છે, એનો સદુ૫ચોગ કરજે. સ્વામીનેજ પોતાનો આરાધ્ય દેવ માનજે. સર્વદા એનો આદરસત્કાર તથા સેવાસુશ્રૂષા કરજે. સ્ત્રીને માટે સ્વામી ઈશ્વર સમાન છે; માટે એની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય ન કરીશ. સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજે, ભેગવિલાસની ઈચ્છા ન કરતી. ધર્મનો ભય રાખીને ઈશ્વરભક્તિમાં લીન રહીને સદા પતિસેવામાં જીવન ગાળજે. પતિ ઘેર આવે, ત્યારે એની સાથે હસીને વાત કરજે. પતિથી કોઈ વાત છુપાવીશ નહિ. એની આગળ કદી જૂઠું તો બોલીશ જ નહિ. ભૂલ થઈ જાય, તો કારણ બતાવી તરતજ ક્ષમા માગજે અને ફરીથી એવી ભૂલ ન થાય તેને માટે સાવધાન રહેજે.
“પતિવ્રતાનો ધર્મ પાળવામાં સાવિત્રી, દમયંતી અને સીતાજીનું અનુકરણ કરજે. બહારથી જોતાં તમે બન્ને જુદાં જણાઓ છો, પણ આ લગ્ને તમને એક બનાવ્યાં છે. હવે બન્ને એક તન, મન અને પ્રાણ બની જશો. કલહને કદી તારા ઘરમાં પ્રવેશ પણ ન પામવા દેતી. કજિયો એ સર્વ દુઃખનું મૂળ છે. શાંતિનો તો એનાં પગલાં થતાંજ નાશ પામે છે, માટે સર્વદા તમે બન્ને પરસ્પર પ્રેમથી વર્તજો અને અખંડ સુખ ભોગવજે.” એમ કહીને પ્રેમપૂર્વક પુત્રીને છાતીસરસી ચાંપીને આશીર્વાદ દઈને વરકન્યાને વિદાય કર્યાં.
યશવંતરાવ અને મુક્તાબાઈનો સંસાર સુખમય નીવડ્યો. બન્નેનો એકબીજા ઉપર અસીમ પ્રેમ હતો. એ પ્રેમબંધનને દૃઢ કરનાર એક સુંદર પુત્ર પણ મુક્તાબાઈને જન્મ્યો. લાડમાં એ છોકરાનું નામ નત્યોબા પાડવામાં આવ્યું. અહલ્યાબાઇનો એ બાળક ઉપર વિશેષ સ્નેહ હતો. એને એ પોતાના પુત્ર સમાન ગણીને, લાડમાં ઉછેરતાં હતાં. છોકરો ઘણુંખરૂં ઇંદોર રહેતો હતો અને વચમાં થોડો વખત મહેશ્વરમાં માતાપિતાને મળવા જઈ આવતો હતો. એ પ્રમાણે એક સમયે મુક્તાબાઈએ પુત્રને ઈંદોરથી બોલાવી મંગાવ્યો હતો. થોડા દિવસ એ આનંદમાં માતપિતાની સાથે રહ્યો, ત્યાંજ એને તાવ આવ્યો અને એમાંથી મૂંઝારો થતાં એ યુવક ૧૮ વર્ષની કુમળી વયે સંસાર ત્યજીને પરલોક ચાલ્યો ગયો. એકદમ પુત્રનું ભરયુવાવસ્થાના આરંભમાં મૃત્યુ થવાથી, મુક્તાબાઈ તથા યશવંતરાવના શોકનો પાર રહ્યો નહિ. બન્નેએ હૃદય ચીરી નાખે એવો વિલાપ કર્યો. અહલ્યાબાઈએ શોકસમાચાર સાંભળ્યા, ત્યારે એમના દુઃખનો પણ પાર રહ્યો નહિ. વીર યશવંતરાવના હૃદય ઉપર પુત્રવિયોગનો ઘા બહુજ સખ્ત વાગ્યો. સંસાર એમને દુઃખરૂપ લાગ્યો. રાતદિવસ શોકાતુર રહેવા લાગ્યો. એથી એમનું શરીર લથડ્યું અને ઈ૦ સ૦ ૧૭૯૧ માં એમણે પણ પુત્રની પાછળ પ્રાણ છોડ્યો. પતિના મંદવાડમાં મુક્તાબાઈએ તેની ઘણી સેવાચાકરી કરી પણ વિધાતાએ સહાયતા ન આપી. એ પતિપરાયણ સાધ્વીની સેવા સફળ ન થઈ. પતિનો દેહત્યાગ થતાંજ, એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને છાતી ફાડી નાખે એવા સાદે એ વિલાપ કરવા લાગી: “પ્રાણેશ્વર ! જન્મજન્માંતરની મારી તપસ્યાના ફળરૂપ તમે હતા. શું ખરેખર તમે મને એકલી મૂકીને સ્વર્ગે સિધાવ્યા ? તમે તો ઘડીભર મને વીલી મૂકતા નહોતા તો આજ આટલા, નિર્દય કેમ થયા ? તમારી નિરાધાર પત્નીને એકલા મૂકીને ચાલ્યા જવું તમને ઠીક લાગ્યું ?” વગેરે વગેરે હૃદયદ્રાવક શબ્દોમાં મુક્તાબાઈએ ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી અત્યંત પ્રેમવશ થઈને એણે પતિના દેહની સાથે સતી થવાનો નિશ્ચય કર્યો. એની વૃદ્ધ દુઃખી માતા ત્યાંજ હતી. એની પાસે રજા માગી. અહલ્યાબાઈને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. પતિ, પુત્ર, સસરા બધાં મરી પરવાર્યા હતાં. આ સંસારમાં જેને પોતાનું કહી શકાય, એવુ કોઈ સગું એમને નહોતું રહ્યું. જીવનનો એકમાત્ર આધાર, સુખદુઃખનો વિસામો પુત્રી મુક્તાબાઈ પતિની સાથે સતી થઈ પરલોક સિધાવે, તો પછી એમના દુઃખનો પાર ન રહે, એ વિચારથી એમણે પુત્રીને સતી થતાં રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. પ્રેમપૂર્વક સમજાવ્યું કે, “દીકરિ ! મારા ઘડપણ સામું જો. તારી જરા પણ ભક્તિ મારા ઉપર હોય, તો આ ભવસાગરમાં મને એકલી નિરાધાર અને દુઃખી છેાડી ન દે. તારા વગર મારાથી સંસારમાં ક્ષણભર પણ રહેવાવાનું નથી.”
મુક્તાબાઈએ માતાનો ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળ્યો. પિતાના મૃત્યુ સમયે માતાને પણ એવોજ પ્રસંગ પ્રાપ્ત થયો હતો, પણ મહારરાવના આગ્રહથી, સગીર બાળકના વાલી તરીકે રાજ્યનો ભાર ઉપાડી લેવા ખાતર એમને સતી થવાનો વિચાર માંડી વાળવો પડ્યો હતો. પણ મુક્તાબાઈ કોની ખાતર જીવન ધારણ કરે ? એનો તો પુત્ર પણ આગળ ચાલ્યો ગયો હતો. દેવતુલ્ય પતિના દેહની સાથે સતી થવાથી સ્વર્ગલોકમાં એનો મેળાપ થશે, એવો એને હિંદુબાળા તરીકે વિશ્વાસ હતો. આ સંસારમાં થોડાં વરસ જીવવાની લાલચે શા સારૂ એ સુખને તિલાંજલિ આપે ? તેણે સતી થવાનોજ નિશ્ચય કરીને માતાને જણાવ્યું: “મા ! મારે હવે આ સંસારમાં રહેવું યોગ્ય નથી. જેનાં દર્શન વગર હું પળભર પણ રહી શકતી નહોતી, તે સ્વર્ગમાં મારી રાહ જોતા હશે. મારૂં શરીર અહીંયાં છે, પણ મારો જીવ એમની પાસે છે. તમે મારા આ શુભ સંકલ્પમાં વિઘ્ન ન નાખો. તમે જલદીથી મારે માટે સતી થવાની તૈયારી કરો.”
આ હૃદયદ્રાવક શબ્દો સાંભળતાં અહલ્યાબાઈ ગાંડા જેવા થઈ ગયા. થોડી વાર પછી માતા અને મહારાણી, બંને તરીકે એને સમજાવવા માંડ્યું: “મુકતા ! તું મને છોડીને સતી ન થા, તું તારા વિચારને ફેરવ. મારા ઉપર કેટલા બધા ઘા પડ્યા છે ? એ બધા ઘા મારાથી કેમ સહન થશે ? દીકરિ ! મારું કહ્યું માન અને સતી થવાનો વિચાર માંડી વાળ.”
એ સાંભળીને મુક્તાબાઈએ કહ્યું: “મા ! તમારી વૃદ્ધાવસ્થા થઈ ચૂકી છે. દુઃખના ડુંગર તમારા ઉપર તૂટી પડ્યા છે, એમાં શક નથી અને એ દુઃખને લીધે થોડા જ સમયમાં તમે સ્વર્ગ સિધાવશો. એ વખતે હું નિરાધાર વિધવા કોનું શરણ લઈશ ? કોના આધારે મારૂં જીવન ધારણ કરીશ ? મને આ જગતમાં જવાની ક્યાંય પણ જગ્યા નહિ મળે. અત્યારે તો પ્રાણનાથની સાથે જઈશ, તો મારા જીવનનું સાર્થક થશે; પછી મરીશ તો મારી અવગતિ થશે. આ જગતની માયાજાળમાં વ્યર્થ ફસાઈને અધિક દુઃખ ન કરવું જોઈએ. માણસ જેટલો સ્નેહ વધારે છે, તેટલો વધે છે, માટે બહુ મમતા ન રાખવી જોઈએ. જન્મ્યાં છે, તે એક દિવસ જરૂર મરવાનાં છે, માટે મોહજાળને કાપીને મારા કલ્યાણની ખાતર મને સતી થવાની રજા આપો કે જેથી હું ચિરકાળને માટે સતી–લોકમાં જઈને વસું.”
અહલ્યાબાઈએ જ્યારે જોયું કે, મુક્તા કોઈ પણ રીતે પોતાની પ્રતિજ્ઞાથી વિચલિત નથી થવાની, ત્યારે એમણે લાચાર થઈને કઠણ હૃદય કરીને, પુત્રીને સતી થવાની રજા આપી. આજ્ઞા મળતાં જ બધી સામગ્રી તૈયાર થવા લાગી. યશવંતરાવની અંત્યેષ્ટિક્રિયાનું વર્ણન એક અમેરિકન મહિલાએ અસરકારક શબ્દોમાં કર્યું છે, તેનો હિંદી અનુવાદ અમે નીચે ઉતારીએ છીએ:
યશવંતરાવની એ શબવાહિનીની પાછળ તરુણ વિધવા ચાલી રહી હતી. તેને જોઈને પથ્થરનાં હૃદય પણ ફાટી જતાં હતાં. હાય ! આજ આ કુસુમકળી ભસ્મમાં બળીને રાખ થઈ જશે ! એની પાછળ ઈંદોરની વૃદ્ધ મહારાણી અહલ્યાબાઈ પોતે આ હૃદયવિદારક દૃશ્ય નિહાળવા આવી રહ્યાં હતાં. એમને જોતાંવાર તો દર્શકોની કરુણાનો સમુદ્ર ઉભરાઈ આવતો. અનેક બ્રાહ્મણો તેમની સાથે હતા. દર્શકોની તો એટલી બધી ભીડ જામી હતી કે ઈંદોરનું શ્મશાન એક ઊભરાયેલા શોકસમુદ્ર સમું થઈ પડ્યું હતું. દર્શકો ચારે તરફથી કરુણાજનક વિલાપ કરી રહૃાા હતા અને તેમની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. રાજવંશીનો અગ્નિસંસ્કાર હોવાથી અનેક વાજિંત્રો પણ શોકધ્વનિ કાઢી રહ્યાં હતાં.
અંતે જ્યારે એ લોકો શ્મશાનભૂમિમાં પહોંચ્યાં ત્યારે એક ઊંડી અને ગંભીર શાંતિ છવાઈ ગઈ. અહીંઆં અહલ્યાબાઈએ પુત્રી સાથે છેલ્લો મેળાપ કરી લીધો, હાય ! એ મેળાપને લેખક કયા શબ્દમાં વર્ણવે ? માતાપુત્રીને એકબીજાને વિદાય માગવાના ઘણાએ પ્રસંગો આવે છે અને એ દરેક પ્રસંગે શોક તો થાય છે જ, પણ આજની આ અંતિમ વિદાય તો હૃદયદ્રાવક જ હતી.
“વાંકો અંતિમ મિલન, કહો કૈસે દરસાઉં ?
શોકસિંધુ કી થાહ, કહા કર શો સમઝાઉં.
હૈ યહ નહિ સો વિદા, સુતા જબ પતિ ઘર જાતી;
અંક ભરત હી જબૈ, માત કી ભરતી છાતી.
હૈ યહ એસી વિદા, ફેરી મિલનો નહિ હવૈ હૈ:
કાલસિંધુમેં બૂડિ, ફેરી કો ઉપર ઐહે,
પરમ કઠિન યહ દૃશ્ય, પહુંચ બાનીકી નાહીં;
જો તુમ સો બનિ પરે, કરો અનુભવ મનમાંહી.”
હાય ! આ તો છેવટની વિદાય છે. હવે પછી માતાપુત્રી કદી મળનાર નથી. પુત્રી કાળાસમુદ્રમાં ડૂબી જનાર છે, જ્યાંથી કઈ પાછું ફરતું નથી.
ત્યારપછી વિધવા મુક્તાબાઈએ પતિના દેહને હૃદય સાથે ચાંપીને ભયભીત અને કાંપતા હાથે પોતાના ખોળામાં મૂક્યો અને પોતે ચિતા ઉપ૨ બિરાજમાન થઈ પછી અત્યંત સુવાસિત સામગ્રીઓથી રચાયેલી એ ચિતામાં સળગતી આગ મૂકવામાં આવી. જોતજોતામાં યશવંતરાવનો મૃત તથા દેવી મુક્તાનો સજીવ દેહ બંને ભસ્મીભૂત થઈ ગયા.
બ્રાહ્મણોએ પકડી રાખેલાં અહલ્યાબાઈ એમના હાથમાંથી છુટીને છાતી–માથાં ફૂટી રહ્યાં હતાં. ઘણી વાર તો એમણે સળગતી ચિતામાં કૂદવાનો પ્રયત્ન કર્યો, પણ બ્રાહ્મણોએ પકડી લઈને તેમનો જીવ બચાવ્યો અને બેહોશ અવસ્થામાં એમને ઘેર પાછાં લઈ જવામાં આવ્યાં.
અહલ્યાબાઈએ પુત્રી તથા જમાઈના પુણ્યાર્થે એક સુંદર સ્મારક બંધાવ્યું.