રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/રતિસુંદરી
← સુંદરી | રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો રતિસુંદરી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
નંદયંતી → |
१४–रतिसुंदरी
આ સતીનો જન્મ સાકેતપુરનગરમાં કેસરી રાજાને ત્યાં રાણી કમળસુંદરીને પેટે થયો હતો. કમળસુંદરી પોતે સદ્ગુણી, પતિવ્રતા અને ભણેલીગણેલી સ્ત્રી હતી. તેણે પોતાની કન્યાને પણ સારૂં શિક્ષણ આપીને એ બધા સદ્ગુણોથી વિભૂષિત કરી હતી. રાજકુમારી રતિસુંદરી સદા ધર્મકાર્યમાં તથા ધર્મગ્રંથોના અભ્યાસમાં તલ્લીન રહેતી હતી.
જૈનમાર્ગી સાધ્વીઓ પાસેથી તેણે જૈનધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવ્યું હતું અને તેમના ઉપદેશથી પાતિવ્રત્ય ધર્મનો મહિમા તેના કોમળ હૃદયમાં સારી પેઠે ઠસી ગયો હતો.
રાજકુમારી રતિસુંદરી જ્યારે પુખ્ત ઉમરની થઈ ત્યારે તેનાં માતપિતાએ તેની સંમતિથી તેનો વિવાહ નંદનનગરના ચંદ્ર રાજા સાથે કરી દીધો. રતિસુંદરીનું અદ્ભુત સૌંદર્ય, લાવણ્ય અને વિદ્વત્તા જોઈને રાજ ચંદ્ર ઘણોજ મુગ્ધ થઈ ગયો અને એવી સતી તથા વિદુષી સ્ત્રીના સમાગમથી પોતાના હૃદયને પણ ધાર્મિક બનાવીને સંપૂર્ણ સુખવૈભવમાં દિવસ નિર્ગમન કરવા લાગ્યો.
એ દિવસોમાં કુરુ દેશનો રાજા મહેંદ્રસિંહ ઘણો બળવાન અને પરાક્રમી ગણાતો હતો. તેના દરબારમાં જઈને કોઈએ રતિસુંદરીના સૌંદર્યની ઘણી પ્રશંસા કરી કે, એવી ખૂબસૂરત સ્ત્રી આજકાલ ભારતવર્ષના કોઈ રાજાના અંતઃપુરમાં નથી.
રતિસુંદરીના રૂપની એટલી બધી પ્રશંસા સાંભળીને રાજા મહેંદ્રસિંહ કામવિહ્વળ થઈ ગયો અને રતિસુંદરીને પોતાની પત્ની બનાવવાના સંકલ્પથી પોતાના એક દૂતને રાજા ચંદ્ર પાસે મોકલ્યો. રાજા મહેન્દ્રસિંહના દૂતે નંદનનગરમાં જઈને રાજા ચંદ્રને પોતાના સ્વામીનો સંદેશો કહ્યો અને રાણી રતિસુંદરી સોંપી દેવાને ઘણી રીતે સમજાવીને આગ્રહ કર્યો; પણ રાજા ચંદ્રે એ દૂતનો ઘણો તિરસ્કાર કરીને ત્યાંથી કાઢી મૂક્યો તથા પારકી સ્ત્રી માગવાનો અવિવેક દેખાડવા માટે તેના રાજા માટે પણ ઘણાં કડવાં વેણ કહ્યાં.
દૂતે જઈને રાજા મહેંદ્રસિંહને બધા સમાચાર કહ્યા. રાજા મહેદ્રસિંહે ક્રોધાવેશમાં આવી જઈને ચંદ્ર રાજાના નગર ઉપર મોટું સૈન્ય લઈને ચડી આવ્યો. ચંદ્ર રાજા પણ લડવા માટે સામે ગયો. બન્ને પક્ષ વચ્ચે દારુણ સંગ્રામ મચી રહ્યો, પણ રાજા મહેદ્રસિંહનું લશ્કર વધારે હોવાથી રાજા ચંદ્રનો આ યુદ્ધમાં પરાજય થયો અને મહેન્દ્રસિંહે તેને જીવતો પકડીને કેદ કર્યો. રાજા કેદ પકડાયાથી તેનું સૈન્ય પણ અસ્તવ્યસ્ત થઈ ગયું, એટલે મહેદ્રસિંહે રાજા ચંદ્રના મહેલમાં પ્રવેશ કરીને રાણી રતિસુંદરીનું હરણ કર્યું અને રાજા ચંદ્રને પોતાની સાથે પોતાના રાજ્યમાં પકડી જઈ છોડી મૂક્યો.
રાણી રતિસુંદરી આ પ્રમાણે પતિથી એકાએક વિખૂટી પડવાને લીધે ઘણી શોકાતુર થઈ. તેનું ચિત્ત રાતદિવસ પતિમાંજ હતું. ગમે તે થાય તો પણ પોતાનું શિયળ સાચવી રાખવાનો તેણે સંકલ્પ કર્યો હતો.
રાજા મહેંદ્રસિંહે રતિસુંદરીને એક ભવ્ય રાજમહેલમાં ઉતારો આપ્યો હતો. એક વખત કામાતુર રાજા મહેદ્રસિંહ રતિસુંદરીના મહેલમાં પહોંચ્યો અને તેને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો: “હે નાજુક સુંદરિ! તું જાણે છે કે મેં આ યુદ્ધનો પરિશ્રમ કોને માટે કર્યો હતો ? આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. તું મને પ્રાપ્ત થઈ છે. હવે તું મારી રાણી બન અને મારી ઈચ્છા પૂર્ણ કરીને, તારા અને મારા જીવનને સફળ કર.” રાજાનાં આ વચન સાંભળીને રતિસુંદરીને તેને માટે મનમાં ને મનમાં ઘણોજ તિરસ્કાર ઊપજ્યો, જે સૌંદર્યને લીધે પોતાની આ દશા થઇ તે સૌંદર્યને એ મનમાં ને મનમાં હજારો શાપ દેવા લાગી. તેણે આત્મહત્યા કરવા વિચાર કર્યો, પણ પછીથી સાંભરી આવ્યું કે એમ કર્યાથી આ જન્મમાં પતિદેવની સાથે ફરીથી મેળાપ થવાની તો કોઈ પણ આશા નહિ રહે, માટે કોઈ એવી યુક્તિ રચવી જોઈએ કે જેથી મારૂં સતીત્વ પણ અખંડિત રહે અને ભવિષ્યમાં કોઈ દિવસ પ્રાણથી પણ અધિક પ્યારા સ્વામીનાથનાં દર્શન થાય. આવા વિચારથી દૂરઅંદેશ રાણીએ એક યુક્તિ શોધી કાઢી. પોતાના અંતઃકરણનો શોક અને તિરસ્કાર અંદરજ સમાવીને તેણે સ્મિતપૂર્વક રાજા મહેંદ્રસિંહને કહ્યું કે, “તમે મારા ઉપર આટલા બધા પ્રસન્ન થયા છો તો મારે તમારી પાસે કાંઈક માગી લેવાની ઈચ્છા છે, તે આપશો ?” રતિસુંદરીના મુખમાંથી આટલા શબ્દો નીકળવાથી તો રાજાના હર્ષનો પારજ રહ્યો નહિ. તેણે હર્ષપૂર્વક કહ્યું: “સુંદરિ ! તારે શું માગવું છે તે ખુશીથી જણાવ. આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે હું તને સમર્પણ ન કરી શકું ? હું મારૂં આખું રાજ્ય તારા ઉપર ન્યોછાવર કરવા તૈયાર છું, માટે તારે જે કાંઇ ઈચ્છા હોય તે માગી લે.” રતિસુંદરીએ કહ્યું કે, “હે મહારાજ ! મારી એવી ઈચ્છા છે કે આપણે હમણાં કેવળ શબ્દોથી જ વ્યવહાર રાખીએ. મારી ઈચ્છા ચાર મહિના સુધી બ્રહ્મચર્યવ્રત પાળવાની છે, માટે એ ચાર મહિના સુધી આપે મારા બ્રહ્મચર્યનો ભંગ કરવો નહિ.”
કામાંધ રાજાને ચાર મહિનાનો વિલંબ ઘણો અસહ્ય તો લાગ્યો, પણ જરાસરખી વાત માટે રતિસુંદરીને અપ્રસન્ન નહિ કરવાના વિચારથી તેણે એ બાબત વચન આપ્યું.
સતી રતિસુંદરીએ તે દિવસથી જૈનશાસ્ત્રોમાં લખેલા “આંબેલ” તપનો આરંભ કર્યો. સુંદર વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરીને, કઠોર તપશ્ચર્યામાં તે લીન થઈ ગઈ. તપશ્ચર્યાને લીધે એ દિવસે દિવસે વધારે દુર્બળ થવા લાગી.
એક દિવસ રાજા મહેન્દ્રસિંહ તેની પાસે ગયો અને તેને એવી દુબળી પાતળી થઈ ગયેલી જોઈને ઘણુંજ આશ્ચર્ય પામ્યો. તેણે પ્રેમપૂર્વક તેની ખબરઅંતર પૂછી, ત્યારે રતિસુંદરીએ જણાવ્યું કે, “મને હવે સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો છે. મારે ચાર માસ સુધી આંબેલવ્રતનું તપ કરવું છે. તમે મારા બ્રહ્મચર્યનો ભંગ કરવા યત્ન કરશો, તો આપણે બન્નેને નરકમાં પડવું પડશે.” પરંતુ રતિસુંદરીને આ પ્રમાણે વૈરાગ્ય ઊપજેલો જોઈને રાજાએ ઘણું આશ્ચર્ય બતાવ્યું, ત્યારે સતી રતિસુંદરીએ તેને જ્ઞાનમાર્ગનો ઘણો ઉપદેશ આપ્યો અને સમજાવ્યું કે, “જે દેહના સૌંદર્ય ઉપર તમે મુગ્ધ થઈ ગયા છે તે દેહ તો મળમૂત્ર વગેરે ગંદી દુર્ગંધીવાળી વસ્તુઓથી ભરપૂર છે. તેના ઉપર મોહ રાખવો એ મૂર્ખતા છે.” પરંતુ કામાંધ થયેલા મતિ ભ્રષ્ટ રાજા મહેદ્રસિંહના હદય ઉપર આવા ઉત્તમ ઉપદેશની કાંઈ પણ અસર થઈ નહિ. તેમણે તે રતિસુંદરીની ચાર મહિનાની અવધિ પૂરી થયા પછી, તેની સાથે રતિવિલાસ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો.
ધીમે ધીમે ચાર માસની અવધિ પૂરી થવા આવી અને રતિસુંદરીએ જોયું કે, રાજાની મતિ જરા પણ સુધરી નથી અને હવે એ અવશ્ય મારાં પાતિવ્રત્યનો ભંગ કરશે. એ વખતે એણે પૂર્ણ એકાગ્રચિત્તે શાસનદેવીનું સ્મરણ કર્યું અને આવી મોટી આપત્તિમાંથી પોતાના સતીધર્મનું રક્ષણ કરવાને પ્રાર્થના કરી. દેવીએ તેની પતિભક્તિ ધ્યાનમાં લઈને, તેના શિયળના રક્ષણ સારૂ, તેનું બધું સૌંદર્ય હરી લીધું. એ દિવસથી સુંદરી રતિસુંદરી ઘણીજ કદ્રૂપી થઈ ગઈ અને તેને કોઢ અને રક્તપિત્ત વગેરે ગંદા રોગ લાગુ પડ્યા. બીજે દિવસે રાજા જ્યારે સતીની પાસે ગયો, ત્યારે તેને આવા ગંદા રોગથી ભરેલી અને કદ્રૂપી જોઈને ઘણો આશ્ચર્ય પામ્યા. એવી કદ્રપી સ્ત્રીનું હરણ કરવા માટે તેને પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેના મનમાં ધીમે ધીમે વૈરાગ્યનો સંચાર થયો અને તેણે રતિસુંદરીને તેના પતિ રાજા ચંદ્રને ઘેર સહીસલામત મોકલી આપી. પતિને ઘેર પહોંચતાં વારજ રતિસુંદરી દેવીના આશીર્વાદથી ફરીથી પહેલાંનાજ જેવી સુંદર બની ગઈ. રાજા ચંદ્ર તેની દૃઢતા અને પતિભક્તિ જોઇને ઘણો પ્રસન્ન થયો. બન્ને જણાંએ ઘણાં વર્ષો સુધી પૂર્ણ સુખમાં દાંપત્યજીવન ગાળ્યું. સતી રતિસુંદરીની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ