રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નંદયંતી

← રતિસુંદરી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નંદયંતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રોહિણી →


१५–नंदयंती

સતીનો જન્મ સોપારપુર નગરમાં થયો હતો. તે નાગદત્તની કન્યા અને પોતનપુર નગરના સાગરપોત વણિકના પુત્ર સમુદ્રદત્તની પત્ની હતી. બચપણથી જ તેને માતપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું, એટલે પતિ સાથે તેનો સંસાર ઘણો સુખી હતો. સમુદ્રદત્ત પણ વિદ્વાન અને વેપારરોજગારમાં એક કુશળ યુવક હતો. એક દિવસ એને મનમાં તરંગ આવ્યો કે, “મારે પિતાજીની કમાઈમાંથી ક્યાંસુધી તાગડધિન્ના કરવા ? હવે હું મોટો થયો, મારે જાતે કમાઈ કરવી જોઈએ.” આવા વિચારથી તેણે પોતાના પિતા પાસે દેશાવરમાં વેપાર કરવા જવાની રજા માગી; પરંતુ એ એકનો એક પુત્ર હોવાથી સ્નેહાળ પિતાએ જણાવ્યું કે, “બેટા ! આપણે ધનની ક્યાં ખોટ છે કે, તું દેશાવર ખેડવા જાય છે ? તારા વૈભવને માટે તો ઘેર બેઠેજ પુષ્કળ ધનસામગ્રી છે.” પરંતુ સમુદ્રદત્તના મનમાં એ વાત ઊતરી નહિ. તેણે પિતાને ઘણી રીતે સમજાવ્યું કે, “પુત્રે તો આપકમાઈ કરવી જોઈએ. દેશાવરમાં ગયાથી અનુભવ અને હોશિયારી વધે છે. ઘેર બેઠે બેઠે મન સાંકડું થઈ જાય છે” વગેરે ઘણી દલીલ કરી, પરંતુ પુત્રવત્સલ પિતાએ કોઈ પણ ઉપાયે પુત્રને જવાની રજા ન આપી. આખરે સમુદ્રદત્તે છાનામાના નાસી જવાનો નિશ્ચય કર્યો. એક દિવસ મધરાત્રે સૌ કોઈ ભરનિદ્રામાં હતાં, ત્યારે એ ઘરની બહાર નીકળ્યો. થોડે દૂર ગયા પછી તેને વિચાર આવ્યો કે હું માતપિતાને મળ્યા વગર આ એ તો ઠીક કર્યું, પણ સ્નેહાળ પત્નીની પાસે છેવટની વિદાય માગવા ન ગયો એ ઠીક ન કર્યું ? એ વિચારથી એ પાછો પોતાને ઘેર ગયો અને બહાર ઊભા રહીને કમાડના છિદ્રમાંથી નંદયંતીને જોવા લાગ્યો. એ વખતે નદયંતી જાગી ઊઠી હતી અને પતિને પોતાની પાસે  સૂતેલો નહિ જોવાથી, ચોધાર આંસુએ રુદન કરી રહી હતી અને પતિનો વિયોગ અસહ્ય હોવાથી તેણે ગળે ફાંસો ખાઈને મરી જવાનો નિશ્ચય કર્યો હતો. એવામાં સમુદ્રદત્ત બારણાં ઉઘાડીને અંદર આવ્યો અને પ્રેમપૂર્વક પત્નીને આલિંગન દઈને, પોતાના પરદેશગમનનું કારણ જણાવ્યું. નંદયંતી સમજુ સ્ત્રી હતી, એટલે એણે પતિના શ્રેયમાંજ પોતાનું શ્રેય માનીને, વિરહ વેદનાને મનમાં સમાવીને પ્રસન્ન વદને પતિને દેશાવર જવાની રજા આપી.

સમુદ્રદત્તના ગયા પછી ત્રણ મહિને નંદયંતીને ગર્ભનાં ચિહ્‌ન જણાવા માંડ્યાં. આ ઉપરથી તેના સાસુસસરાને શંકા આવી કે, છોકરો તો દેશાવર ગયો છે અને વહુ સગર્ભા છે, માટે આમાં કાંઇક ગોટાળો છે. તેમને નિર્દોષ નંદયંતીના શુદ્ધ ચરિત્ર માટે શંકા ઉત્પન્ન થઈ અને તેથી તેણે નિષ્કરુણ નામના એક સેવક મારફતે નંદયતીને જંગલમાં મોકલાવી દીધી. ત્યાં ગયા પછી નંદયંતીને જ્યારે પોતાને કાઢી મૂકવાનું કારણ જણાવ્યું, ત્યારે તે ઘણું કલ્પાંત કરવા લાગી અને ઉગ્ર સ્વરે કહેવા લાગી કે, “હું નિર્દોષ છું. મારે તો મારા સ્વામી વગર બધા પુરુષો ભાઈ અને બાપ સમાન છે.” પરંતુ દુષ્ટ નોકર તેને જંગલમાં મૂકીને ચાલ્યો ગયો. એટલામાં મૃગપુરનો રાજા પદ્મરાજ ત્યાં એકાએક આવી ચડ્યો. નંદયંતીનો વિલાપ સાંભળીને તે તેની પાસે ગયો અને મૃદુ વચનમાં તેને બધી હકીકત પૂછી. તેનો ઇતિહાસ સાંભળીને રાજાને ઘણી દયા ઊપજી, તેથી એ નંદયંતીને દિલાસો આપીને પોતાની બહેન તરીકે ગણીને પોતાની સાથે મૃગપુરમાં લઈ ગયો. ત્યાં આગળ તે રાજાની ઇચ્છા મુજબ પુષ્કળ પુણ્યદાન કરતી, વ્રતનિયમ પાળતી અને રાતદિવસ પતિનું સ્મરણ કર્યા કરતી. યથાસમયે તેને એક પુત્ર અવતર્યો અને રાજા તેનું પુત્ર પ્રમાણે પાલન કરવા લાગ્યો.

થોડાંક વર્ષ પછી નંદયંતીનો પતિ સમુદ્રદત્ત વેપારમાં પુષ્કળ ધન ઉપાર્જન કરીને ઘેર પાછો આવ્યો. ઘેર આવ્યા પછી તેણે પત્નીની આવી દુર્દશાના સમાચાર સાંભળ્યા, ત્યારે તેને ઘણો ખેદ થયો. તેણે માતાપિતાને જણાવ્યું કે, “તમે ઘણીજ ગંભીર ભૂલ કરી છે. નંદયંતી બિલકુલ નિર્દોષ છે. તેને જે ગર્ભ હતો, તે મારો જ હતો. આથી બધાને ઘણો પશ્ચાત્તાપ થયો. પત્નીના વિયોગથી વ્યાકુળ થઈને સમુદ્રદત્ત તેની શોધમાં નીકળ્યો. તે ફરતો ફરતો જે નગરમાં નંદયંતી હતી, ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આગળ નંદયતી રાજાની આજ્ઞાથી સર્વદા પુણ્યદાન કર્યા કરતી હતી. તેણે એક મોટું સદાવ્રત ખોલ્યું હતું. પોતે પણ પાસેના એક મકાનમાં રહીને ગરીબ અને દુઃખીનું દુઃખ નિવારણ કરતી હતી.

દૈવસંયોગે સમુદ્રદત્ત પણ એ નગરમાં પેઠો. તે વખતે ઘણો ભૂખ્યો તરસ્યો થયો હતો. તેણે પણ એ અન્નક્ષેત્રમાં જઈને પોતાની ક્ષુધા નિવારણ કરી. તેણે દૂરથી નંદયંતીને ઓળખી તો લીધી, પણ આટલાં બધાં વર્ષ એકલી રહેવાથી તેનામાં કાંઈ ફરક પડ્યો છે કે કેમ, તે જાણવા સારૂ તેણે તેના શિયળની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. તેણે ગામમાંથી એક દૂતીને નંદયંતીની પાસે એ કામ સારૂ મોકલી. તેણે નંદયંતીની પાસે જઈને કહ્યું કે, “હે સુંદરિ ! તારું જીવન આમ એળે શા સારૂ કાઢે છે ? અહીંયાં એક દેવકુમાર જેવો વણિકપુત્ર આવ્યો છે અને તે તારા ઉપર ઘણો મોહિત થઈ ગયેલ છે. તે પુષ્કળ ધનવાન છે. તારી ઈચ્છા હોય, તો હું એની સાથે તારૂં ચોકઠું બેસાડી આપું.”

દૂતીનાં આ વચન સાંભળીને નંદયંતી એ કહ્યું કે, “હે મૂર્ખ સ્ત્રી ! આજે તો તું આવું બોલી છે, પણ ફરીથી કોઈ દિવસ મારી આગળ આવાં વેણ ઉચ્ચારીશ નહિ. સતીનું તેજ કેટલું હોય છે, તેની તને હજુ ખબર નથી. તું વધારે આગ્રહ કરીશ, તો હું આત્મહત્યા કરીશ અને તેનું પાપ તારે શિર ચોંટશે.” તે દૂતીએ આવીને સમુદ્રદત્તને બધી વાત જણાવી. સમુદ્રદત્ત પત્નીનું પાતિવ્રત્ય ઈને ઘણોજ પ્રસન્ન થયો અને એ પોતાનો ખરો વેશ ધારણ કરીને નંદયંતીને જઈને મળ્યો. આ અણધાર્યા મિલનને લીધે તેમની આંખમાંથી ચોધાર આનંદાશ્રુ નીકળવા લાગ્યાં. બન્નેએ લાંબા વખત સુધી સુખદુઃખની વાતો કરીને પોતાના જીવને શાંત કર્યા. મૃગપુરના રાજાને આ શુભ સમાચાર મળ્યા, એટલે એ પણ ઘણો પ્રસન્ન થયો અને તેણે ધામધૂમ સાથે નંદયંતી અને તેના પતિને વિદાય કર્યા. સતી નંદયંતી અને સમુદ્રદતે ઘણાં વર્ષો સુધી સુખપૂર્વક ગૃહસંસાર ચલાવ્યો. જૈન શાસ્ત્રકારો કહે છે કે, પૂર્વજન્મમાં ભિક્ષા માગવા આવેલા કોઈ સાધુની ઉપેક્ષા કરવાના પાપને લીધે, સતી નંદયંતીને પતિવિયોગનું આવું દારુણ દુઃખ આટલાં વર્ષ સુધી ભોગવવું પડ્યું હતું.