રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/રોહિણી

← નંદયંતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
રોહિણી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નાગિલા →


१६–रोहिणी

તી રોહિણીનું લગ્ન પાટલીપુત્ર નગરના એક ધનાવહ નામના શેઠની સાથે થયું હતું. એ ઘણી સદાચારી અને પતિભક્ત હતી.

તેનો ધણી એક સાહસિક વેપારી હતો. એક વખત એ વેપારઅર્થે દૂર દેશાવરમાં પ્રવાસે નીકળ્યો હતો. સતી રોહિણી પતિની ગેરહાજરીમાં રાતદિવસ તેનું ધ્યાન ધરીને, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતી હતી અને સરળતાથી પોતાનું જીવન નિર્ગમન કરતી હતી.

એક વખતે ગ્રીષ્મ ઋતુમાં સતી રોહિણી પોતાના ઘરના છજામાં બેઠી હતી, તે વખતે પાટલી પુત્ર નગરના રાજા નંદ ક્રીડાને અર્થે બગીચામાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેની નજર છજામાં બેઠેલી સતી રોહિણી ઉપર પડી. રાજા નંદ બીજી રીતે ઘણો સદુગુણી હોવા છતાં, ઘણો કામાંધ હતો. રોહિણીનું અપૂર્વ સોંદર્ય જોઈને તે અત્યંત કામવિહ્‌વળ થયો અને રોહિણીની સાથે ક્રીડા કરવાને તેનું મન તલપાપડ થઈ ગયું.

આથી રાજાએ ઘેર જઈને પોતાની એક દૂતીને સતી રોહિણી પાસે મોકલી. દૂતીએ પોતાના સ્વભાવ પ્રમાણે સતી રોહિણીને ઘણા મીઠા શબ્દોમાં લલચાવી, પરંતુ તે કાંઈ ભોળવાઈ જાય એવી સ્ત્રી નહોતી. એ સમજી ગઈ કે, રાજાનું મન મારૂં શિયળ ભંગ કરવાનું છે. હમણાં હું ના કહીશ, તો એ જબરજસ્તી કરીને મારૂં હરણ કરશે, માટે કોઈ બીજી યુક્તિ શોધવી જોઈએ. વિચાર કરીને તેણે દૂતીને જણાવ્યું કે, “રાજાએ મને મળવું જ હોય, તો કોઈ ન જાણે એ રીતે રાત્રીને સમયે મારે ઘેર આવવું.” એમ કહીને સતી રોહિણીએ રાજાએ દૂતીની સાથે મોકલેલી ભેટ સ્વીકારી લીધી.

 દૂતીએ જઈને રોહિણીને સંદેશો રાજાને કહ્યો. રાજા એના ઉત્તરથી ઘણો પ્રસન્ન થઈ ગયો અને રાતને વખતે એ સુંદર વસ્ત્રાભૂષણ સજીને રોહિણીના ઘરમાં ગયો. રોહિણીએ રાજાને માનપૂર્વક બેઠક આપી. સતી રોહિણી ભોંય સામી નજર રાખીને રાજાની સામે બેઠી. પછીથી તેણે પોતાની સખીઓને સ્વાદિષ્ટ રસોઈ બનાવવા કહ્યું તથા બીજી દાસી પાસે એક કિંમતી થાળમાં ફળફળાદિ મંગાવ્યાં. રાજા એ ફળ ખાઈને ઘણો પ્રસન્ન થયો. પછી રોહિણી તેને મહેલ ઉપરની ચંદ્રશાળામાં લઈ ગઈ. ત્યાં આગળ ચંદ્રની શીતળ જ્યોત્સ્નામાં રાજાની આંખ મળી ગઈ. થોડી વાર પછી તેની ઊંઘ ઊડી અને તેણે પીવાનું પાણી માંગ્યું. રોહિણીએ પાણી લાવી આપ્યું અને જાતજાતની વાનીઓનું ભોજન કરાવ્યું.

ભોજન કરી રહ્યા પછી રાજાએ પૂછ્યું: “રોહિણિ ! આ રસોઈમાં કેટલીક વાનીઓ સ્વાદિષ્ટ છે અને કેટલીક ફિક્કી છે, તેનું શું કારણ ?”

રોહિણીએ જવાબ આપ્યો કે, “મહારાજ એનો વિવેક તમારે સમજવા જેવો છે.જેમ આ વસ્તુઓને વિષે સ્વાદિષ્ટપણું અને બેસ્વાદપણું છે, તેમ સ્ત્રીઓને વિષે પણ સરસપણું અને વિરસપણું છે. સુંદર સ્ત્રીને જોઈને પુરુષ ભ્રમમાં પડી જાય છે, પણ અંતે એ પણ નીરસ છે. કામાતુર પુરુષો મૂર્ખતાને લીધે સુંદર સ્ત્રીઓને જોઈને વિકારી થાય છે. હે મહારાજ ! આપ તો સર્વ પ્રજાના પિતા છો અને અનીતિને માર્ગે પ્રવર્તવું એ રાજાને માટે મોટું કલંક છે. તેથી આપે એ માર્ગનું ઉલ્લંઘન કરવું ન જોઈએ.”

સતી રોહિણીનાં વચનો સાંભળીને રાજાનું હૃદય પીગળી ગયું. પોતાની ખરાબ દાનત માટે તેના હૃદયમાં ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેણે ઊભા થઈને ઘણાજ વિનયપૂર્વક રોહિણીની ક્ષમા માગી અને તેની પ્રશંસા કરતો કરતો પોતાને મહેલે ગયો.

થોડા દિવસ પછી રોહિણીનો પતિ ધનાવહ શેઠ દેશાવરમાંથી ઘણું ધન કમાઈને દેશમાં પાછો આવ્યો, ત્યારે રોહિણીએ તેને આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એથી ધનાવહ શેઠના મનમાં રોહિણીને માટે શંકા ઉપજી. તેણે આ વૃત્તાંત ઉપરથી ધારી લીધું કે, પોતાની ગેરહાજરીમાં એણે જરૂર રાજા સાથે વિષયભોગ કર્યો હશે. આવી ખોટી શંકા આણીને તે પત્નીનો ત્યાગ કરવાનો મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો.

એટલામાં જ આકાશમાં વાદળાં ચઢી આવ્યાં અને તોફાન સાથે મુશળધાર વરસાદ પડ્યો. એ વરસાદથી નદીનાળાં ઊભરાઈ આવ્યાં. તે વખતે પાટલીપુત્ર નગરની પાસેની નદીમાં પણ જોસભેર પૂર આવ્યું અને પાણી શહેર તરફ આવવા માંડ્યું. આખું શહેર જળમાં ડૂબી જવાનો સમય આવી પહોંચ્યો. આવે વખતે રાજાને સતી રોહિણીનું સ્મરણ થઈ આવ્યું. આથી તેણે તેને બોલાવીને કહ્યું કે, “બહેન ! આ પૂરને પાછું વાળ.”

રાજાની આજ્ઞા મળતાવાર રોહિણીએ હાથમાં જળ લઈને કહ્યું: “જો મેં આ જન્મમાં સાચુ પાતિવ્રત્ય પાળ્યું હોય તો જળનો વેગ શમી જજો.” સતીના શબ્દો નીકળતાં વાર નદીનું પાણી આગળ વધતું બંધ થયું. આથી આખા નગરના લોકો તેના સતીત્વનાં વખાણ કરવા લાગ્યા અને ધનાવહ શેઠના મનમાં પણ પત્નીના શિયળ માટેની શંકા દૂર થઈ ગઈ.

ત્યારપછી સતી રોહિણીએ પતિસેવા, વ્રત, ઉપવાસ, ધર્માનુષ્ઠાન, સત્સંગ અને પરોપકારમાં બાકીનું જીવન ગાળ્યુ. ધન્ય છે એવી સતીને ![]

  1. ❋ આ ચરિત્ર “જૈન સતીમંડળ” નામના ઉત્તમ પુસ્તક ઉપરથી લેવામાં આવ્યું છે. – પ્રયોજક