રામ અને કૃષ્ણ/રામ/સુન્દરકાણ્ડ

← કિષ્કિન્ધાકાણ્ડ રામ અને કૃષ્ણ
સુન્દરકાણ્ડ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
યુદ્ધકાણ્ડ →





સુન્દરકાણ્ડ

સીતાની શોધ
ભારે સાહસ ખેડતો હનુમાન દરીયો ઓળંગી લંકામાં જઈ પહોંચ્યો. રાવણની રાજ્યધાનીમાં જઇ એણે ઠેકાણે ઠેકાણે સીતાની શોધ કરી. એ રાવણનું અન્ત:પુર પણ શોધી વળ્યો, પરંતુ કોઈ પણ ઠેકાણે સીતાનો પતો લાગ્યો નહિ. છેવટે તે અશોકવનમાં આવી ચઢ્યો. ત્યાં ભયંકર રાક્ષસીઓથી રક્ષિત એક મકાનમાં એણે સીતાને જોઈ. એની સ્થિતિ દયામણી હતી. એણે એક પીળું મલિન વસ્ત્ર પહેર્યું હતું; અપવાસથી એનાં ગાત્રો કૃષ થઈ ગયાં હતાં; એના હ્રદયમાંથી વારંવાર નિસાસા નીકળતા હતા; એના શરીર ઉપર સૌભાગ્યનો એક પણ અલંકાર રહ્યો ન હતો; એના કેશ છૂટા અને અવ્યવસ્થિતપણે લટકતા હતા; વાઘણોના ટોળામાં બેઠેલી હરિણીના જેવી તે ત્રાસ પામેલી જણાતી હતી; ખુલ્લી જમીન ઉપર ઉદાસ ચ્હેરે તે બેઠેલી હતી. સાધ્વીની આવી દશા જોઈ વીર છતાં દયાળુ હનુમાનની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં.

પણ તરત ઉઘાડા થવાનો અવસર નથી એમ વિચારી તે એક વૃક્ષ પર સંતાઈ શું થાય છે તે જોતો બેઠો. એટલામાં રાવણ ત્યાં આવી પહોંચ્યો. તે વળી સીતાને લલચાવવા અને ધમકાવવા લાગ્યો. સીતાએ એને ધર્મમાર્ગે ચાલવા ઘણી રીતે બોધ આપ્યો, પણ એ તો ઉલટો ક્રોધ કરી રાક્ષસીઓને સીતા ઉપર ખૂબ સખ્તાઈ ગુજારવા હુકમ આપી ચાલ્યો ગયો. રાક્ષસીઓ પણ સીતાને ત્રાસ આપવામાં બાકી રાખે એવી ન હતી; પણ એક ત્રિજટા નામે રાક્ષસીમાં કાંઈક માણસાઈ હતી. એ સીતાના દુઃખ માં સમભાવ ધરાવતી, એટલું જ નહિ પણ બીજી રાક્ષસીઓને પણ જુલમ કરતાં વારતી. કેટલાયે મહિના થયા છતાં રામ તરફના કશા સમાચાર ન આવવાથી સીતા હવે નિરાશ થઈ ગઈ અને રાવણ જોડેના આજના બનાવ પછી એ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી. આથી મારુતિને લાગ્યું કે સીતાના ચરણમાં પડવાનો આથી વધારે અનુકૂળ પ્રસંગ ન હોઇ શકે. પણ ઓચિંતા સામા જવાથી સીતા ગભરાઇ જશે એમ ધારી એણે પહેલાં ઝાડ ઉપરથી જ રામનું સંક્ષિપ્ત ચરિત્ર ગાવા માંડ્યું. અવાજ સાંભળી સીતા ચકિત થઇ આમતેમ જોવા લાગી. પણ કોઈ ન દેખાયાથી, બીકની મારી 'હે રામ' કરતી જમીન પર પડી ગઈ. એટલામાં હનુમાન ઝાડ પરથી ઉતરી કરુણામય મુદ્રાથી વિનયપૂર્વક નમસ્કાર કરી સીતા આગળ ઉભા રહ્યા, અને રામ તથા લક્ષ્મણના અનુચર તરીકે ઓળખાણ આપી સમાચાર કહ્યા. અનેક નિશાનીઓ મળતી આવવાથી તથા રામની મુદ્રા જોવાથી જ્યારે સીતાની ખાત્રી થઇ કે હનુમાન કોઇ માયાવી રાક્ષસ નહિ પણ રામના દૂત જ છે, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. સીતા અને હનુમાન વચ્ચે પેટ ભરીને વાતો થઈ. સીતાને છોડાવવા રામ કેવા પ્રકારનો પ્રયત્ન કરશે તે હનુમાને કહ્યું, અને જેમ બને તેમ ઓછો વિલંબ કરવા સીતાએ આજીજી કરી રામને સન્દેશો મોકલ્યો.

સીતાની ભાળ તો લાગી, પણ પાછા ફર્યા પહેલાં રાવનને પણ કાંઇક પોતાના પરાક્રમનો સ્વાદ ચખાડવો એવો હનુમાનને વિચાર થયો. સીતાની રજા લઇ એણે અશોકવાટિકાનાં ઝાડો ઉખેડી એને ઉજ્જડ કરવા માંડી. આ જોઈ રક્ષસીઓ ગભરાતી ગભરાતી રાવણ પાસે દોડી. પોતાની આજ્ઞા સિવાય સીતા સાથે ભાષણ કરવાની અને પોતાનું ઉપવન નાશ કરવાની હિમ્મત ધરાવે એવો કોઇ ધૃષ્ટ વાનર આવ્યો છે એમ જાણી રાવણને ખૂબ ક્રોધ ચઢ્યો. હનુમાનને પકડી લાવવા એણે રાક્ષસોને હુકમ કર્યો. રાક્ષસો વાનર પર ધસ્યા, પણ હનુમાને પોતાની પુંછડીના મારથી જ કેટલાક રક્ષસોને માર્યા, અને પછી એક રાક્ષસનું આયુધ લઇને એ વડે જ રાક્ષસોનો સંહાર કરવા માંડ્યો. જોતજોતામાં ભયંકર રમખાણ મચી ગયું. રાવણના અક્ષય વગેરે કુંવરો તથા એના સેનાપતિનો પુત્ર વગેરે કેટલાયે રાક્ષસ યોદ્ધાઓ યમપુરીએ સીધાવ્યા. છેવટે યુવરાજ ઇન્દ્રજિત પણ હનુમાન સામે લડવા આવ્યો. બેનું યુદ્ધ જામ્યું. તેમાં આખરે ઇન્દ્રજિતે હનુમાનને બાંધ્યો. એને પકડીને રાવણ પાસે લઇ ગયા. સીતાને છોડવા અને પોતે કરેલા અધર્મ તથા અન્યાય માટે પશ્ચાતાપ કરવા હનુમાને રાવણને સમજાવ્યો. પણ એથી તો રાવણ વધારે ને વધારે છંછેડાયો, અને હનુમાનનો વધ કરવા આજ્ઞા કરી. પણ દૂતનો વધ નિષિદ્ધ છે એમ વિભીષણે વાંધો કાઢ્યાથી રાવણે એનું પુંછડું બાલી નાંખવાની આજ્ઞા કરી. એને પુંછડે ચીંથરાં વીંટાળી તે ઉપર તેલ નાંખવામાં આવ્યું, પછી એને સળગાવ્યું.
લંકાદહન
પુછડું બળવા માંડતા જ હનુમાને એક કુદકો માર્યો, અને આજુબાજુ ઉભેલા રાક્ષસોનાં કપડાં સળગાવી મુક્યાં. પછી તેને ઘરનાં છાપરાં ઉપર છલંગ મારી ઘરોને સળગાવ્યાં. થોડા વખતમાં તો ચીચીયારીઓ પાડતો તે હજારો ઘરો ઉપર ફરી વળ્યો અને આખી રાજધાનીમાં આગ લગાડી દીધી. પછી ઝપાટાબંધ સમુદ્ર કિનારે આવી પોતાનું પુચ્છ સમુદ્રમાં હોલવી નાંખ્યું, અને પાછો સમુદ્ર ઓળંગી જઇ સામે કિનારે અંગદ, જામ્બુવાન વગેરેને જઇ મળ્યો.

થોડી વારમાં સર્વે સાથીઓને હનુમાને મેળવેલા યશની ખબર પડી ગઈ. વાનરોનો હર્ષ તો માય નહિ. રામ અને સુગ્રીવને આ ખુશખબર કહેવા સર્વે ટોળું ઉપડ્યું. આનંદમાં ને આનંદમાં એમણે રસ્તામાં


સુગ્રીવનાં અને ફળઝાડોનો નાશ કર્યો; પણ જે ભારે કામગિરી હનુમાને બજાવી હતી તેના પ્રમાણમાં આ નુકસાન કશું જ નથી, એમ કહી સુગ્રીવે ઉલટું ઉત્તેજન આપ્યું. રામ પણ હનુમાનને ભેટી પડ્યા. એમણે કહ્યું : "તારા કામનો હું કેવી રીતે બદલો વાળું ? મારા હૃદયપ્રદેશ સિવાય બીજી કોઈ પણ વસ્તુ તારા કામ માટે પૂર્ણ બક્ષિસ નથી; તેથી આ મારૂં હૃદય તને આજથી અર્પણ કરૂં છું."