રાસચંદ્રિકા/ગૃહદ્વારનાં બેલડિયાં
← નથનું મોતી | રાસચંદ્રિકા ગૃહદ્વારનાં બેલડિયાં અરદેશર ખબરદાર |
રૂપ → |
ગૃહદ્વારનાં બેલડિયાં
♦ ગુણવંતી ગુજરાત . ♦
આછા ઘૂંટ ઉઘાડ,
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !
ઉર સૌંદર્ય ચખાડ,
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ !
રસરંગીલી ચંદા મધુરી વેરે રૂપાફૂલ;
વાદળવન મુખેથી ખસેડી કરતી દુનિયા ડૂલ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૧
સરવર સલિલે કુમુદિની નાચે અનિલે અનિલે પૂર;
મુખવલ્લરી ખીલવે પાંખડીમામ્ ઝીલવા ચંદાઉર:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૨
નહીં ઝીલે તો નહીં ખીલે એ, વીલે મુખ કરમાય;
ઉરસંવાદ પ્રફુલ્લ વસે ત્યાં રસજોડી વિકસાય:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૩
અંતર તુજ આત્મા ગુંજે ને નયને વહે સંદેશ;
ઘૂંઘટ ઉઘાડ, અહો રસરાણી ! કરી દે સ્વપ્ન ઉજેશ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૪
પટ ખોલે નભ લક્ષ્મી ઉષા તો સૂર્ય ઝરે રસનેહ;
સંધ્યાને મુખ ઘૂંઘટ પડે ત્યાં અંધ બને જગદેહ!
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૫
ગ્રહદ્વારે બેલડિયાં વંદે વંદન વદનઉદાર;
સમરસકલા ખીલી પ્રગટે ત્યાં ઉરસૌભાગ્ય અપાર:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૬
તુજ સ્નેહની પ્રતિમા શું બોલે, લોલે ચેતન કેમ?
એકલઉર કલાપી ન ખોલે પ્રાણકલા પૂરી એમ:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૭
રસ ન ઝરે, પ્રભુતા ન સ્ફુરે, શું આ તુજ એવી અમાસ ?
ઘૂંઘટ ઉઘાડ, ખિલાવ કલા, સખી ! વેરી દે તુજ હાસ !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૮
જળથળ વિલસે, રજની વિલસે, વિલસે દિશ દિશ વ્યોમ;
ઘૂંઘટ ઉઘાડ, જીવનભાગી સખી ! પૂર્ણકલા ઝર સોમ:
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૯
નયનો ઝરશે, પ્રભુતા વરશે, સરશે આત્માભાર
સખીરી !તારું હૃદય વિકસતાં સ્વર્ગ બને સંસાર !
સખીરી ! તારા આછા ઘૂંઘટ ઉઘાડ ! ૧૦