રાસચંદ્રિકા/રૂપ
← ગૃહદ્વારનાં બેલડિયાં | રાસચંદ્રિકા રૂપ અરદેશર ખબરદાર |
અબોલા → |
રૂપ
♦ શ્યામ સમીપે ન જાવું ♦
આવડા રૂપાળા કોણે કીધા ?
કહોની, શ્યામ મારા !
આવડા રૂપાળા કોણે કીધા ? —
જોઈ જોઈ આંખ ઠરે એક જ સ્વરૂપમાં,
આંજતા પ્રકાશ આવે સીધા:
કહોની, શ્યામ મારા ! ૧
સૂર્યને વલોવિયા કે ચંદ્રને નિચોવિયા?
લાખ લાખ તારા ઢોળી લીધા ?
કહોની, શ્યામ મારા ! ૨
સંધ્યાને ઉષાના રંગ રંગ ચોળ્યા અંગમાં,
અમૃતના સાગર શું પીધા?
કહોની, શ્યામ મારા ! ૩
પ્રેમીઓનાં કાળજાંને વેંધી વીંધી મારે,
એવા યે કંદર્પને શું વીંધ્યા ?
કહોની, શ્યામ મારા ! ૪
જાણતા કળા તે બધી એકમાં સમાવી:
ભૂલું કદી એમ વિધે બીધા ?
કહોની, શ્યામ મારા ! ૫
અદ્દલ છો રૂપાળા તેવા થાશો ના નમેરા !
રૂપે તો ઘા છે જ દિલે દીધા !
કહોની, શ્યામ મારા !
આવડા રૂપાળા કોણે કીધા?૬