રાસતરંગિણી/વાત્સલ્ય
← સીમન્ત | રાસતરંગિણી વાત્સલ્ય દામોદર બોટાદકર |
બાપુ → |
વાત્સલ્ય
( લીલો લીમડિ રે લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે પ્રબુજી દાતણ કરતા જાવ-એ ઢાળ.)
શરદ સુધાભરી રે શોભે રઢિયાળી શી રાત,
અાભ ઉજાળતો રે વરસે નેહ નિશાનો નાથ;
સહિયર સૌ મળી રે રમતી રંગભર્યો કૈં રાસ, ઘેરા ગાનથી રે ગાજે અવની ને આકાશ.
રસને રેડતી રે ભૂલી ભામિનીઓ ઉરભાન, પડઘા પાડતી રે ગાતી દશ દિશા સંગે ગાન; રંગે રીઝતો રે ચૂક્યો ચાંદલિયો નભચાલ. થંભ્યા તારલા રે થાંભ્યા ડેાલતા દિક્પાલ.
વનના વાયરા રે ય બન્યા નદીઓ કેરાં નીર, કર સંકોરતાં રે થંભ્યાં તરુવર તેને નીર; આ શું એકલી રે સહિયર છોડી સહુનો સંગ, ચાલી ચોંપથી રે રૂડા રંગ તણો કરી ભંગ.
આવ્યો આકરો રે શું કૈં સાસુને સંદેશ ? ગાણું ના ગમ્યું રે રમતાં રીસ ચડી ગઈ છેક ? ફરતાં ફુદડી રે આવી અંતરમાંહિ ઉછાળ ? કાયા કોમળી રે વેઠી ન શકે ઝાઝી વાર.
આવ્યો આકરો રે ના કૈં સાસુને સન્દેશ, નહિ-નહિ રૂસણાં રે લાગ્યો થાક નહિ લવલેશ; પોઢયા પારણે રે આવ્યા બાળકુંવર કૈં યાદ, રસભર રાસની રે એથી તૂટી મન મરજાદ.
અંતર ઊછળ્યાં રે વધતાં પ્રેમ તણાં કૈં પૂર, કંઠે કા૨મા રે અટકી રેાકયા સહેજે સૂર; સરવરતીરને રે તોડી જળલહરી વહી જાય,
છોડી સંચરી રે એવો સહિયરને સમુદાય.
કાંટા કાંકરા રે એને એક અડકે નહિ, પગખાંય,
ચરણે ચાલતી રે જાણે પંખણી ઊડી જાય !
નિરખે નેણથી રે એને દુનિયા નહિ દેખાય,
વચ્છવિજોગણી રે જાણે ધેન ઉમળકે ધાય.
મનહર મોઢડાં રે જોતાં હૈયું ઉચરે 'હાશ';
અડતાં અંગને રે ઉપજે અણમૂલો ઉલ્લાસ;
ઉર આલિંગને રે લેતી દેહભવની લહાણ,
ચારુ ચુંબને રે મળતી મોક્ષ તણી કૈં માણ્ય.
એ છબી આગળે રે ઝાંખા કોટિક શશિયર સૂર,
એ સુરભિ કને રે ફીકી ફુલડાંની કૈં કે ફોર;
એ રસ આગળે રે ઓછો રાસતણો રસરંગ,
એ પળ આગળે રે સૂકા ભવના ભવ્ય પ્રસંગ.