લક્ષ્મી નાટક/સ્વાંગ ૧લો
← પ્રસ્તાવના | લક્ષ્મી નાટક સ્વાંગ ૧લો દલપતરામ |
સ્વાંગ ૨ જો → |
લક્ષ્મી નાટક
ભવાસ ભીમડો: અરે મહાદેવ તમે આ શું કર્યું છે કે અમારો રાજા તમને કાંઈ વિચાર પુછવા આવ્યો હતો ત્યારે તમે એટલી જ આજ્ઞા કરી કે તમારે આ આંધળી ડોશીની કેડે જવું, એ વાત ન્યાયથી પણ ઘણી ઉલટી છે. કેમ કે દેખતું માણસ આંધળાને સદાય માર્ગે ચઢાવે છે પણ અમને એ આંધળી ડોશી માર્ગ શો દેખાડશે ?
હે રાજા મારાથી બોલ્યા વિના રહેવાશે નહીં અને તેથી તમે મારા ઉપર રીસ કરશો નહીં કેમકે હું તિર્થવાસી છું અને આ કાવડ મારી પાસે છે માટે મારા ઉપર રીસ કરશો તો તમને પાપ લાગશે.
ધીરસિંહજી: અરે રામ મારા સાથે વાદ કરીશ તો મને રીસ તો ચઢશે અને તારી કાવડ તોડી નાંખીશ વળી તને સારી પેઠે મારીશ.
ભીમડો: એ વાત કાંઈ હોય નહીં. અને એ આંધળી ડોશી કોણ છે, જેને વિશ્વાસે તમે ચાલો છો ? તે મને બતાવશો નહીં, ત્યાં સુધી હું બોલીશ. કેમ જે તમારૂ કલ્યાણ ઇચ્છનાર હું છું.
ધીર૦: ત્યારે ઠીક હું તારાથી કાંઈ છાની વાત રાખનાર નથી શાથી કે મને તારો વિશ્વાસ છે કે તું મારો ચાકર ઘણો ડાહ્યો છું.
આ હું ધર્મવાળો તથા મોટા કુળનો છું પણ આ સમે મારી પાસે પૈસો મુદ્દલ નથી, અને ઘરનું ખરચ ચલાવવું પણ કઠણ પડે છે.
ભીમ૦: હા ઠાકોર એ તો હું જાણું છું.
ધીર૦: અને બીજા અધર્મવાળા ચાડિયા, ફિતુરી, વળી સર્વે દુષ્ટ માણસો પાસે ધન વધતું થાય છે.
ભીમ૦: એ તો સાચું જ કહો છો.
ધીર૦: એટલા સારૂં જ હું મહાદેવજી પાસે ગયો હતો. અને વળી હું જાતે વૃદ્ધ છું ને મારે દીકરો એક જ છે તે પણ સારી રીતે ચાલે છે, તે સારૂં મેં મહાદેવજીને પુછ્યું કે મારા દીકરાને તે હું સારે માર્ગે ચઢાવું કે આ સમા પ્રમાણે અન્યાયને માર્ગે ચઢાવું તો તેનું કલ્યાણ થાય.
ભીમ૦: પછી બળદ ઉપર બેસનાર માધેવડે શો ઉત્તર આપ્યો ?
ધીર૦: હે ભાઈ તે વાત હું તને કહું છું. શિવજીએ મને આજ્ઞા આપી છે કે જ્યારે તમે આ મંદિરમાંથી બહાર નિસરો ત્યારે પેહેલું જે માણસ નજરે આવે તેનો તમે કેડ મુકશો નહીં. જરૂર તેને તમારે ઘેર તેડી જજો.
ભીમ૦: પછી તમારી નજરે પેહેલું કોણ આવ્યું ? ધીર૦: આ ડોશી.
ભીમડો: અરે ભોળા ઠાકોર તમને એટલી સમજણ નથી કે દેવે તો એમ કહ્યું કે જગતની ચાલ પ્રમાણે તમારા દીકરાને ચલાવવો.
ધીર૦: એ વાત તું શા ઉપરથી કેહે છે ?
ભીમડો: હે ઘેલા રાજા એમાં શું એ તો પ્રગટ છે, તે આંધળા માણસને પણ દેખાય કે, આ સમામાં કાંઈ પુન્ય કરવાનું ફળ નથી.
ધીર૦: ના, ના, એમતો નહીં હોય કાંઈક વાત તો ઊંડી હશે પણ આ ડોશીને આપણે ઓળખીએ કે એ કોણ છે અને શા માટે અહિં આવી હશે, ત્યારે દેવનો મરમ સમજાશે.
ભીમડો: અલી આંધળી ડોશી તું કોણ છું અને શો વિચાર કરે છે, ને શા સારૂં અહિ આવી છું ? તુરત બોલ નહીં તો માર ખાઈશ.
ડોશી: અરે ચંડાળ એ તું શું બોલે છે ?
ભીમડો: હે રાજા એ આંધળી ડોશી તમને શું કેહે છે ?
રાજા: મને નથી કેહેતી એ તો તને કેહે છે કેમ કે તેં નિર્લજની રીતે એને પુછ્યું તે સારૂ.
રાજા: હે ડોશીમા તમારી ધર્મવાળા ઉપર સારી દૃષ્ટિ હશે. તે માટે કૃપા કરીને મને ઉત્તર આપો.
ડોશી: તને શું ફાંસીએ દેવો છે ?
ભીમડો: હે રાજા એ માધેવડો તથા આંધળી ડોશી બંને તમને સોંપ્યા મારે એકેનું કામ નથી.
રાજા: અરે ડોશી તમને શિક્ષા થયા વિના અમારી પાસેથી તમો છૂટનાર નથી.
ભીમડો: એ વાત સાચી છે જો ઉત્તર આપીશ નહીં તો ચાંચડની પેઠે ચોળી નાખીશ.
ડોશી: અરે ભલા માણસો મને જવા દો.
રાજા: હા જરૂર એમ જ કરવું છે.
ભીમડો: હે રાજા હું કહું તે સાંભળો. આ આંધળીને હું ભુંડા હાલથી મારીશ, તે એવી રીતે કે શેહેરના કોટ ઉપર લેઈ જઈને ઉભી રાખીશ. ત્યાંથી પછડાઈને મરી જશે.
રાજા: ઠીક ઠીક, એમ જ કરો.
ડોશી: ના ના ભાઈસાહેબે મને મારશો નહીં.
રાજા: ત્યારે કહીશ ?
ડોશી: હું જાણું છું કે તમે મને ઓળખશો ત્યાર પછી છોડનાર નથી. કાંઈ દુખ દેશો. રાજા: તારા સમ જો તને ઝાલી રાખવાતો.
ડોશી: ત્યારે તમારા હાથ કોરે લ્યો.
રાજા: લે ત્યારે (એમ કહીને હાથ કોરે લે છે.)
ડોશી: સાંભળો જે વાત નથી કહેવાની તે કહેવી પડે છે. હું તો લક્ષ્મી છું.
રાજા: અરે માતાજી તમે જ લક્ષ્મી છો ? ત્યારે ત્યારનાં બોલતાં શું નથી.
ભીમ૦: ભુંડી તું જ લક્ષ્મી છું. ત્યારે તારા આવા હાલ કેમ છે ?
રાજા: અરે રામક્રષ્ણ હરિહર તમે જ લક્ષ્મી છો ?
લક્ષ્મી: હા.
રાજા: તમો આપે જ લક્ષ્મી ?
લક્ષ્મી: હા, હું આપે જ લક્ષ્મી.
રાજા: ત્યારે તમે અહિ ક્યાંથી પધાર્યાં અને આવાં મેલાં કેમ છો ?
લક્ષ્મી: શ્રાવકલોકોના ઘરમાં રહું છું અને ત્યાંથી આવી.
રાજા: અરે તમારી એવી અવસ્થા કેમ ?
લક્ષ્મી: મેં બાળપણામાં નિશ્ચે કરયો હતો કે હું સારાં માણસોને ઘેર જ જઈશ પણ તે સારા માણસો ઉપર ઇંન્દ્રની [૧] કૃપા નહોતી તેથી મારી આંખ્યો ઇંન્દ્રે ફોડી નાંખી એટલે હવે સારાં માણસો કે નરસાં માણસોની વિગત પડતી નથી એ ઇંન્દ્રની ભૂલ છે.
રાજા: ત્યારે એમ કેમ હશે કે સારાં માણસો ઇંન્દ્રની પૂજા કરે છે પણ દુષ્ટ માણસો તો કાંઈ કરતા નથી.
લક્ષ્મી: ભાઈ એ વાત મોટી વિચારવા જેવી છે.
રાજા: વારૂં તમારી આંખ્યો સારી થાય તો પછી દુષ્ટ માણસથી દૂર રેહેશો ?
લક્ષ્મી: ભાઈ મારે તો એવો વિચાર ઘણો જ છે.
રાજા: પછી સારાં માણસોનો જ પ્રસંગ કરશો ?
લક્ષ્મી: હા ભાઈ એમ જ કરીશ, સારાં માણસો ઘણા દહાડા થયાં, મારા જોવામાં આવ્યાં નથી; હું જેને ઘેર જાઊં છું; તે દુષ્ટ માણસ હોય છે.
રાજા: એમાં શું અચરત છે, અમે પણ ઘણા દહાડા થયા સારા લોકો દીઠા જ નથી.
લક્ષ્મી: હવે મને જવા દો, મેં તમને સર્વે વાત કહી.
રાજા: અરે દૈવ હવે જવા કેમ દેવાય, હવે તો રાખવાં પડશે.
લક્ષ્મી: ભાઈ હું તમને કેહેતી હતી, કે તમે મને ઓળખશો તો પછી નહીં છોડો.
રાજા: હું તમને પગે લાગીને કહું છું, કે તમારે મારે ઘેર રેહેવું જગતમાં મારા જેવો ધર્મવાળો કોઈ નથી. લક્ષ્મી: એ તો સર્વે લોકો એમ જ બોલે છે, પણ હું જ્યારે કોઈના ઘરમાં રહું છું ત્યારે તે ધનવંત પણાના મદથી તુરત ધર્મની ચાલ છોડી મુકે છે.
રાજા: માતાજી તમે કોહો છો તે ખરૂં. પણ સર્વે લોકો સરખા ન હોય.
લક્ષ્મી: સૌ સરખા જ છે, કોઈ જગતમાં સારૂં માણસ નથી.
ભીમ૦: ઉભી રહે ભુંડી સૌ લોકોને સરખા કેહે છે, હમણાં એક સોટી લગાવું છું.
રાજા: ચુપ એવું બોલ માં.
રાજા: માતાજી મારે ઘેર રહેવામાં તમારે મોટો લાભ થશે, તમારી આંખ્યો હું સારી કરાવીશ, તે જરૂર કરાવીશ.
લક્ષ્મી: મારે સારી આંખ્યો થવામાં કાંઈ લાભ નથી.
રાજા: એ શું બોલ્યાં ?
ભીમ૦: એના કરમમાં જ દૈવે અંધાપો લખેલો.
લક્ષ્મી: ભાઈ હું સારી આંખ્યો થવાની આશા રાખું તો ઇંન્દ્ર મને આથી પણ કાંઈ બીજું મોટું દુખ આપે.
રાજા: આથી પછી ઇંન્દ્ર શું મોટું દુખ આપશે ? જે પડતાં આખડતાં માંડ ચાલો છો.
લક્ષ્મી: એ તો હું જાણતી નથી, પણ મને એની બીક બહુ લાગે છે.
રાજા: એમ કેમ તમે સર્વ દેવોમાં કાયર છો, પણ તમે જાણતાં નથી કે તમારી આંખ્યો સારી થાય ત્યારે ઇંન્દ્ર કે ઇંન્દ્રના વજરની ચૌટામાં એક કોડીની પણ કિંમત નથી.
લક્ષ્મી: અરે બોલોમાં ઇંન્દ્ર સાંભળશે.
રાજા: અમારે તો બોલવું છે, કેમ જે હું નક્કી કરી આપીશ કે ઇંન્દ્રથી તમારૂ બળ ઘણું જ વધતું છે.
લક્ષ્મી: મારૂં બળ કહો છો ?
રાજા: હા તે વાતના સમ ખાઉ છું. જુવો એક વાર ઇંન્દ્ર કેની સહાયતાથી દેવ લોકનું રાજ કરે છે.
ભીમ૦: પૈસાથી, કેમકે એની પાસે પૈસા ગદબદ છે.
રાજા: વારૂં એને પૈસા કોણ આપે છે ?
ભીમ૦: આ આંધળી ડોશી.
રાજા: ત્યારે ઇંન્દ્રનો જગન કરે છે તે શા માટે, લક્ષ્મી સારૂં કે બીજા સારૂં ?
ભીમ૦: એ જ સારૂં સૌ પૈસાને ચહાય છે, એ વાત કાંઈ છાની નથી.
રાજા: ત્યારે એ જગન કરાવનારી લક્ષ્મી જ કે. બીજું કોઈ ? લક્ષ્મી: ભાઈસાહેબ એવું શું બોલો છો ?
રાજા: સૌ જાણે છે કે, લક્ષ્મી વિના જગનનો સામાન ક્યાંથી મળે ?
લક્ષ્મી: કેમ ?
રાજા: કેમ શું, જુઓને પૈસા વિના કાંઈ વસ્તુ મળતી નથી, ત્યારે તમારે ને ઇંન્દ્રને ટંટો હોય, ત્યારે એનું જોર કેટલુંક છે ?
લક્ષ્મી: શું કહો છો ! મારી સહાયતાથી જગન થાય છે, એ વાત ખરી છે ?
રાજા: ખરી જ છે તો, અને વળી જગતમાં કાંઈ સારી વસ્તુ કે સભામાં સનમાન તે પણ લક્ષ્મીથી જ મળે છે કે નહીં ? કહ્યું છે કે,
માટે સર્વે ગુણ લક્ષ્મીમાં રહ્યા છે.
ભીમ૦: હા. ઠાકોર તમને પણ સાંભરતું હશે, તમે મને થોડા પૈસામાં વેચાતો લીધો છે, તે દહાડે હું તમારાથી પણ ગરીબ હતો.
રાજા: વળી અમે સાંભળ્યું છે કે, ગુણકાને ઘેર કોઈ ગરીબ માણસ જાય છે, તેને તુરત કહાડી મેલે છે, અને કોઈ પૈસાવાળો જાય છે, તેનું સનમાન કરે છે.
ભીમ૦: વળી જુઓ કે, પૈસા વિના કેટલાએક વડનગરા નાગર વાંઢા મરી જાય છે, તેનું એક ભજન બોલું છું.
સામી વળગણિયે સાલ્લો ન ભાળ્યો રાતીરે ભાતે.
રાજા: આપણા જાડેજા રજપુત દીકરિયોને જન્મતાં જ કશુંબો પાઇ દે છે. તે લક્ષ્મીની જ કસરથી કે નહીં ?
ભીમ૦: હા, ઠાકોર આપણાં ઠકરાળાંને કેવળ પીતળનાં ઘરેણાં કરાવીને ઉપર સોનાનો ગલેફ લગાવવો પડે છે તે પણ એટલા જ સારૂ.
રાજા: વળી લક્ષ્મી જ સારૂં દરજી તથા વણકર લુગડાં બનાવે છે, અને ખેડુત ખેડ કરે છે. સુતાર, મોચી, ઘાંચી, સૌ પોત પોતાનો ધંધો કરે છે; અને માતાજી તમારી જ સહાયતા ન હોય તો સૌ લોકો નાગા ભુખ્યા રહે.
ભીમ૦: એ વાત ખરી છે; તારા સારૂં જ ચોર વાટ પાડે છે ખાતર પાડે છે. અને કેટલા એક વ્યાજ ખોર લોકો બમણું વ્યાજ ખાય છે, ગાંમડાં ઉપર રૂપીઆ ધીરીને રાજાઓને ભીખ માગતા કરે છે, સોલ પંચાં બ્યાંશી અને બે છુટના એટલે એશી રૂપીયા ખાતે માંડે છે.
લક્ષ્મી: મને બીચારીને આટલી ખબર નોહોતી કે, મારૂં આટલું સામર્થ્ય છે. ભીમ૦: આ ગાયકવાડ શિવાજી મહારાજનો દીકરો પંડિતોનું દરિદ્ર કાપવાના અભિમાનમાં ચાલે છે; એ તારૂં જ કામ છે તો.
રાજા: માતાજી તમારી જ પ્રસન્નતાથી સરકાર ફોજ રાખી શકે છે.
ભીમ૦: આ કારભારી લોકો સરકારને ડંડ ભરવાની કાંઈ ફિકર રાખતા નથી, એ પણ તારૂં જ કામ છે.
લક્ષ્મી: એમ હશે ?
ભીમ૦: વળી અમદાવાદમાં ઇંન્ન્જનેર સાહેબે ઘડિયાળ સારૂં મોટો બુરજો બનાવ્યો તે તારી જ મદદથી.
રાજા: તે તારા ઊપર પડે તો ઠીક.
ભીમ૦: આ સરકારમાં પૈસાવાળા કજીઓ જીતે છે, અને ગરીબ લોકો માર્યા જાય છે; તે પણ તારૂં જ કામ છે, અને આ પાળીતાણા ઉપર પારસનાથનાં મોટાં દેરાં બંધાયાં છે તે તારી જ સહાયતાથી, નહીં તો પારસનાથને પેહેરવા લુગડાં પણ ક્યાં મળે છે ?
લક્ષ્મી: એ કાંઈ હોય કે, હું એકલી જ એટલાં કામ કરી શકું ?
રાજા: હોવે. એમ જ છે, અને વળી તમારાં કામ તો એથી પણ મોટાં છે, જુઓ જગતમાં લક્ષ્મીથી તૃપ્ત કોઈ થતું નથી, બીજી સર્વે વસ્તુથી થાય છે. જુવો મિત્રપણાથી ધરાઈ જાય છે.
ભીમ૦: રોટલાથી.
રાજા: કવિતાથી.
ભીમ૦: ગાંઠિયાથી.
રાજા: ટેકથી.
ભીમ૦: દાળીઆથી.
રાજા: પુન્યથી.
ભીમ૦: ડુંગળીથી.
રાજા: મોટપણાથી.
ભીમ૦: દુધપાકથી.
રાજા: શુરવીરપણાથી.
ભીમ૦: તાંદલજાની ભાજીથી.
રાજા: માતાજી તમારાથી કોઈ આજ સુધી તૃપ્ત થયો નથી. દશ મળે તો વીશને ચહાય છે અને વીશ મળે તો ચાળીશને ઇચ્છે છે. અને ન મળે તો મરવા તૈયાર થાય છે.
લક્ષ્મી: ઠીક ભાઈ તમે મને સારી શિખામણ આપો છો પણ મારા મનમાં એક વાતની બીક રહે છે.
રાજા: તે શી બીક મને કહો.
લક્ષ્મી: મારી આંખ્યો હવે સારી થાય એવો મને વિશ્વાસ આવતો નથી.
રાજા: અરે રામ રામ આ શું બોલો છો ? લોકો મને કેતાજ હતા કે લક્ષ્મી મોટી કાયર છે.
લક્ષ્મી: ના ના એમ તો કાંઈ નથી પણ એક ચોર મારા ઘરમાં ખાતર પાડીને પેઠો હતો પણ મેં ઠાઊંકું મેલ્યું હતું તેથી એના હાથમાં કાંઈ આવ્યું નહીં માટે તેણે મારા ઊપર એવું તુત નાંખ્યું છે.
રાજા: તમે કાંઈ ચિંતા રાખશો નહીં, તમારી આંખ્યો હું દીવા જેવી કરાવીશ.
લક્ષ્મી: તમે માણસ છો ને એવું કામ શી રીતે કરી સકશો ?
રાજા: અમારા ઉપર મહાદેવજી પ્રસન્ન છે તેથી આશા છે કે જરૂર આંખ્યો સારી કરીશું.
ભીમ૦: નહીં તો પેલા નથુડા હજામ પાસે લેઈ જઈને ખોતરાવીશું એટલે આંખ્યો સારી થશે કોડા જેવી.
લક્ષ્મી: મહાદેવે તમને એ વાતનો કાંઈ અભિપ્રાય આપ્યો છે ?
ભીમડો: અરે માંહી મરચાં ભરશું, એટલે તરત સારી થશે.
રાજા: તમારે તેનું શું કામ છે, તમારે આંખ્યોનું કામ છે કે બીજું કાંઈ ?
લક્ષ્મી: સાંભળો ત્યારે.
રાજા: અરે માજી તમારે એ વાતની કાંઈ ચિંતા રાખવી નહીં એ કામ કરવું અમારા માથાસાટે છે.
ભીમડો: કહેશો તો હું પણ એ કામમાં કાંઈ કરવા લાગીશ. અને આંખ્યો કરાવીશું રૂપાળી ઘુડના જેવી.
રાજા: વળી જગતમાં અન્યાયની કમાણી ન કરનારા દરિદ્રી થયા છે તે લોકો પણ સૌ સહાય કરશે.
લક્ષ્મી: એ બિચારા શી સહાય કરશે ?
રાજા: તે લોકોને ધન મળશે, એટલે ગરીબે છે, તે તુરત મોટા થશે, અરે ભીમડા તું ઊતાવળો જા.
ભીમડો: શું કરવા સારૂં ?
રાજા: દાજીભાઈ મુખીને બોલાવ એને પણ હમણાં દીકરો પરણાવા સારૂ ઘર ફુલચંદશેઠને ઘેર ડુલ થાય છે માટે તેને પણ દયાળુ માતાજી ભાગ આપશે.
ભીમડો: હું જાઊં છું ત્યારે તમે અને એ ડોશી મારો આ રોટલો ઝાલી રાખજો.
રાજા: સારૂં જા. પણ દોડતો જજે (પછી ભીમડો ગયો.) રાજા: માતાજી તમો ભલાં થઈને આપણા ઘરમાં પધારો, આજ આ ઘરમાં ગમે તેમ કરીને પણ ધન મેળવવું છે.
લક્ષ્મી: હે દૈવ મારા કરમનો કાંઈ પાર આવ્યો નહીં, મારે પારકા ઘરમાં જઈને રેહેવું પડે છે, વળી કોઈ લોભિયાને ઘેર જાઊં છું ત્યારે મને પ્રથ્વીમાં ખોદી ઘાલે છે; ને તેને ઘેર કોઈ સજ્જન લોક માગવા આવે તો કેહેશે કે અમે તો કોઈ દહાડે લક્ષ્મી નજરે દેખતા નથી, અને હું કોઈ દેવાળિયાને ઘેર જઊં છું તો મને કશબણને ઘેર સુંપે છે અથવા જુગટું રમવામાં નાંખી દે છે.
રાજા: પણ માતાજી તમે અમ જેવા લોકોને ઘેર આજ સુધી ગયાં નથી, અમે તમને કશબણને ઘેર આપનાર નહીં પ્રથ્વીમાં ડાટનાર નહીં, અમે તો સારે માર્ગે વાવરનારા, હમણાં ચાલો અમારા ઠકરાલાંને તથા કુંવરજીને તમે મળો, પ્રથમ અમારાં વાલેશરી તમે છો, અને પછી તે છે.
લક્ષ્મી: તે હશે.
રાજા: હશે નહીતો અહિ જુઠું બોલવામાં શો લાભ છે.
લક્ષ્મી: હું જાણું છું કે, લાભ વિના તમે જરૂર જુઠું નહીં બોલો.
❄❄❄
- ↑ (અહીં પુસ્તકમાં જોડણી "ઇંન્ન્દ્ર" કે "ઇંન્ન્દ્ર" એવી છે જે યુનિકોડમાં કરવી શક્ય ન હોય બધે જ ’ઇંન્દ્ર’ રાખ્યું છે.)