લીલુડી ધરતી - ૨/ક્યાં ગઈ મારી ચમેલી ?

← તમાશો લીલુડી ધરતી - ૨
ક્યાં ગઈ મારી ચમેલી ?
ચુનીલાલ મડિયા
આશાતંતુ  →




પ્રકરણ એકત્રીસમું
ક્યાં ગઈ મારી ચમેલી ?

ડુગડુગીનો અવાજ સાંભળીને ગિરજાપ્રસાદે આ તમાશો જોવાનું વેન લીધું, તેથી અમથી સુથારણ પણ પોતાના પુત્રને તેડીને તમાશો જોવા આવી પહોંચી.

‘લ્યો, આ ભચડાએ તો ભૂંગળ વગાડ્યા વિના જ ગામ આખું ભેગું કરી દીધું ને શું !’

થોડી વારમાં ટપુડો વાણંદ પોતાના બાંધેલા ઘરાકોનાં વતાં કરીને નીકળ્યો, એ આ ખેલ જોવા ઊભો રહ્યો. ભાણો ખોજો દાળિયા શેકવાનું મુલતવી રાખીને આ રતનિયા–ચમેલીને નિહાળવા આવી પહોંચ્યો. બીજા દુકાનદારો તથા ખેડૂતો પણ આમાં ભળ્યા.

ભચડાને લાગ્યું કે હવે ખરેખરી ઠઠ્ઠ જામી છે અને ચમેલીને નામે રોટલા તથા પૈસા ઉઘરાવવાનો ખરેખર મોકો આવ્યો છે. એમ સમજીને એણે આખી રમતની પરાકાષ્ટાસમો નજરબંધીનો ખેલ શરૂ કર્યો.

અત્યાર સુધીમાં એ હાથચાલાકી અને નજરબંધીના નાના પ્રકારના તો ઘણા પ્રયોગો કરી ચૂક્યો હતો. રૂપિયાનો સિક્કો હાથની મુઠ્ઠીમાંથી મોઢામાં અને મોઢામાંથી એના પહેરણની પહોળી બાંયમાં ગાયબ કરીને જોનારાઓને હેરત પમાડી ચૂક્યો હતો. પણ હવે જે પ્રયોગ થનાર હતો એ તો આ ખેલંદાનું હુકમનું પાનું ગણાતું હતું.

અમથી અને ગિરજાપ્રસાદ સંતુની બરોબર સમ્મુખ ઊભાં હતાં. સંતુ વારેવારે અમથી તરફ તાકી રહેતી હતી અને મનમાં વિચારી રહેતી હતી : એલી અમથી ! તને તારો ખોવાયેલો છોકરો જડી આવ્યો, એમ મને કેમ જડતો નથી ? બોલ્ય ની, તને ક્યા દેવ ફળ્યા છે ? તેં કોની માનતા માની હતી ? શી માનતા માની હતી ? તને સતીમા ફળ્યાં છે ? સતીમાની માનતા તો મેં ય માની હતી – છત્તર ચડાવવાનું તો મેં ય મનમાં નક્કી કરી રાખ્યું હતું, તો ય મને મારો ગિરજો કાં નથી જડતો ?

સંતુની આ પૃચ્છક નજરને વખતી ઝીણવટથી અવલોકી રહી. સંતુની આંખમાં શો પ્રશ્ન રહેલો છે એ વખતીની અનુભવી આંખને ઓળખતાં વાર ન લાગી. એણે પોતાની લાંબી આવરદામાં આવા અનેક કિસ્સાઓ જોયા હતા. પોતાના વિશિષ્ટ વ્યવસાયને કારણે એ અસંખ્ય માતાઓના પરિચયમાં આવી હતી. માતૃત્વ ઝંખતી માતાઓ, માતૃત્વથી ત્રાસી ગયેલી માતાઓ, મૃતવત્સાઓ, ઈર્ષાળુ સ્ત્રીઓ, પોતાનાં સંતાનો ઉપર ન્યોછાવર કરી જનારી માતાઓ, પોતાના સંતાનોને તિરસ્કારનારી અને પારકાં જણ્યાંઓ પર પ્રેમ વરસાવનારી માતાઓ, પારકાં સંતાનોને ચોરી જનારી કે એકબીજાનાં સંતાનોના સાટાપાટા કરી નાખનારી માતાઓ... વખતીએ માનસશાસ્ત્ર કે મનોવિશ્લેષણનો કશો વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો, પણ એનો વ્યવસાય જ મોટી શિક્ષણશાળા બની રહેલો. માતા અને સંતાન સબંધના અપરંપાર કિસ્સાઓ એની અનુભવી આંખ તળેથી પસાર થઈ ગયા હતા.

અલબત્ત, આ લાંબા વ્યવસાયને પરિણામે વખતીના હૃદયની સૂક્ષ્મ લાગણીઓ જરા બુઠ્ઠી થઈ ગઈ હતી. વ્યવસાયી તબીબની જેમ એનામાં પણ થોડી પરલક્ષિતા અને દરદીના સુખદુઃખથી અલિપ્તતા આવી ગઈ હતી. લાંબી કારકિર્દીની કામગીરીએ આ વૃદ્ધામાં લાગણની થોડી નીંભરતા પણ સરજી હતી, પ્રસૂતિના કોઈ કરુણ પ્રસંગે કારમી રોકકળ મચી જાય ત્યારે પણ વખતીનું તો રુવાંડું યે ન ફરકે. તેથી જ એનો સ્વભાવ ઉગ્ર અને આખા-બોલો હતો. એની જીભ દાતરડા જેવી ગણાતી. તડ ને ફડ બોલી નાખનારી આ ડોસી ગુંદાસરમાં ‘રોકડિયા હડમાન’નું બિરુદ પામી હતી. વખતીને મન ગામનાં માણસોનું મહત્ત્વ વકીલને મન અસીલનું જે મહત્ત્વ હોય એથી વિશેષ જરા ય નહોતું. પણ કોણ જાણે કેમ, સંતુના કિસ્સામાં એણે જુદું જ વલણ અખત્યાર કર્યું હતું. આ યુવતીની યાતનાઓ જોઈને એનું અંતર રડતું હતું. ઘણી વાર તો વખતીને પોતાને ય નવાઈ લાગતી કે આ પારકી જણી સાથે મારે નહિ સ્નાનસૂતકનો સંબંધ, નહિ કાંઈ લોહીની સગાઈ, છતાં શું કામે મને એનું આટલું બધું દાઝે છે ! ભૂતકાળમાં એકબે વાર તો, એણે સંતુને દૂભવી પણ હતી. માંડણની વહુ જીવતી જ્યારે બળી મરી, અને પાણીશેરડે સંતુએ માંડણિયા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરેલી, ત્યારે વખતીએ એને ટોણો મારેલો : ‘માંડણિયાનું બવ પેટમાં બળતું હોય તો એનું ઘર માંડજે !...’ વખતી અત્યારે જાણે કે આ ગત અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરી રહી હોય એમ સંતુનાં દુઃખે પોતે દુ:ખી થઈ રહી હતી.

બજારમાં આંટો મારવા નીકળેલા મુખી પાછા ફરતાં આ ખેલ જોવા ઊભા રહ્યા તેથી તો ભચડો બમણો ઉત્સાહિત થયો. ભવાનદા ચાલ્યા જાય એ પહેલાં નજરબંધીનો મુખ્ય ખેલ પતાવી નાખવા — અને એ રીતે મુખીને રીઝવીને એમના ગજવામાંથી ય પાઈ પૈસો ખંખેરવા — એણે પોતાની બાળકી ચમેલીને ઝટઝટ એક નેતરની પેટીમાં સુવડાવી દીધી ને માથે જાળીવાળું ઢાંકણું ઢાંકી દીધું.

‘એલા ભચડા !’ મુખીએ ઠપકો આપ્યો, ‘આ મા વન્યાની છોકરીને બચાડીને શું કામે ને આવા કહટ કરાવશ ?’

‘શું કરું? મુખીબાપા ! છોકરી મા વન્યાની છે ઈ તો હું ય જાણું છું, ને આ રમત્યમાં એને ભારી કહટ પડે છે ઈય સમજું છું. પણ આ પાપિયું પેટ આવા ધંધા કરાવે છે !’

‘એલા, રીંછડાં–વાંદરાને રમાડાય ત્યાં લગણ તો ઠીક છે, પણ તારી આ પહુ જેવી નાનકડી ચમેલીને ય આ ચોપગાળી ચમેલી જેવી ગણછ ?’

‘શું કરું બાપા ! ભગવાને ધંધો જ એવો દીધો છે... મૂંગા જીવના નેહાહા જ લેવાનો ધંધો. પેટ કરાવે વેઠ, મારા માવતર !’ કહીને ભચડે રાષ્ટ્રઝબાનમાં આ રમતના તકિયાકલામ જેવાં ગણાતાં બેચાર વાક્યો યંત્રવત ઉચ્ચારી નાખ્યાં, અને હાથમાં એક અણિયાળો ખીલો લઈને પેલી નેતરની પેટીના બાકોરામાં ભોંક્યો.

પ્રેક્ષકો તો ફાટી આંખે જોઈ જ રહ્યાં.

સ્ત્રીઓ અને બાળકોનાં મોઢાંમાંથી આછી સિસકારી નીકળી ગઈ.

ભદ્રિક ભવાનદા બોલી રહ્યા : ‘એલા, શું કામે ને આવા અઘોરી જેવા ધંધા કરીને પાપનાં પોટલાં બાંધશ ?’

પણ હવે નજરબંધીમાં એકચિત્ત બની ગયેલા ભચડાને મુખીની ટીકાનો ઉત્તર આપવાનો અવકાશ નહોતો. એણે તો, નેતરની પેટીના બાકોરામાં ભચ કરતોકને બીજો ખીલો ભોંક્યો.

સંતુના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

ઓઘડિયાએ અટ્ટહાસ્ય વેર્યું.

પ્રેક્ષકોના જીવ તાળવે ચોંટ્યા.

પેટીમાં પુરાયેલી ચમેલી આ અણિયાળા સોયાઓ વડે આરપાર, વીંધાઈ ગઈ કે શું ?

વખતી ડોસી વ્યગ્ર બની ગઈ. ઊજમને અને હરખને પણ મનમાં ઉચાટ થયો. એમણે વિચાર્યું કે સંતુ આ ઘોર તમાશો ન નિહાળે તો સારું, અથવા ભચડે આવો કમ્પાવી મૂકનારો પ્રયોગ માંડી વાળે તો સારું. પણ હવે એમાંનું એકે ય શક્ય નહોતું.

‘એલા ભચડા !’ મુખીએ ફરી વાર વાદીને પડકાર્યો. ‘આ ગામનાં છોકરાંને બિવરાવી મૂકનારા ખેલ કરીશ તો ફરી દાણ ઝાંપામાં પગ નહિ મેલવા દઉં, હો !’

‘હવે નહિ કરું, બાપા ! હવે નહિ કરું. આજુની ફેરી આ  હેમખેમ પૂરું થઈ જાવા દિયો, તો તમારો પા’ડ’ કહીને ભચડાએ બેધડક ત્રીજો ખીલો પેટીમાં ભોંકી દીધો.

જોનારાંઓ ફરી કમ્પારી અનુભવી રહ્યાં, છતાં એમને આ દિલ ધડકાવનારો પ્રયોગ જોવો તો ગમતો હતો.

ચોથો ખીલો ભોંકાયો અને ફરી ચારે બાજુથી ભયસૂચક સિસકારી ઊઠી.

પાંચમો, છઠ્ઠો, સાતમો.....

પ્રેક્ષકો ફાટી આંખે નિહાળી રહ્યા. ક્યારના ભચડાને ઠપકો આપી રહેલા મુખી પણ હવે મૂંગા થઈ ગયા.

સંતુની ભેદી ચિચિયારીઓ વધતી રહી; ઊજમના મનમાં ઉચાટ વધતો રહ્યો; વખતીની વ્યગ્રતા વધતી રહી.

બાળકી જે પેટીમાં પુરાયેલી હતી, એ પેટી લગભગ આખી જ ખીલાઓ વડે વિંધાઈ ગઈ હતી. શું થયું હશે ચમેલીનું ? એ નિર્દોષ છોકરી પણ વીંધાઈ ગઈ હશે કે શું ? આ તીક્ષ્ણ ખીલાઓ ખાઈને એ કુમળી બાલિકા ચાળણીની જેમ ચળાઈ ગઈ હશે ? ભચડો એના જાદુમંતરથી મૃત પુત્રીને સજીવન કરશે ? કે પછી એણે નજરબંધી વડે ચમેલીને તો ક્યાંક અલોપ જ કરી દીધી હશે ને પેટી સાવ ખાલી જ રાખી હશે ?

આ રોમાંચક દૃશ્ય જોઈને સંતુને હૃદયના ધબકારા વધી ગયા હતા; એની આંખો ડઘાઈ ગઈ હતી.

ભચડાએ આઠમો ખીલો ઉપાડીને યંત્રવત્ પેટીમાં ભોંક્યો અને સંતુ એક તીણી ચીસ સાથે જમીન પર ઢળી પડી.

રંગમાં ભંગ પડ્યો. પ્રેક્ષકોની નજર પેલી નેતરની પેટી પરથી પાછી ફરી સંતુ તરફ વળી.

હરખે ચોંપભેર સંતુને બેઠી કરી; એણે તો ફરી માથું ઢાળી દીધું, તેથી રસ્તા વચ્ચે જ હરખે પુત્રીને પોતાના ખોળામાં લીધી.

‘પાણી છાંટો, પાણી છાંટો !’ ના પોકારો થઈ રહ્યા.  વાદી મૂંઝાઈ ગયો. રોટલા અને રોકડનું ઊઘરાણું કરવાને સમયે જ આ વિઘ્ન કયાંથી આવી પડ્યું ? તરત એણે સમયસુચકતા વાપરી અને ખેલ અરધેથી જ આટોપી લીધો.

જોસભેર ડુગડુગી વગાડીને ભચડાએ પ્રેક્ષકોનું ધ્યાન સંતુની દિશામાંથી ચમેલીવાળી પેટી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. ફરી, અદકા જોસભેર ડુગડુગી વગાડીને એ પેટીના ઢાંકણા નજીક મોં લઈ જઈને બોલી રહ્યો : ‘ચમેલી | ચમેલી !’

અંદરથી અવાજ આવ્યો : ‘બોલ રતનિયા ! બોલ રતનિયા !’

વાદીએ પૂછ્યું : ‘તું જીવતી છો કે મરી ગઈ ?’

‘જીવું છું; જીવું છું !’

પણ આ સંવાદ સાંભળવા માટે સંતુ એની મૂર્છામાંથી હજી જાગી નહોતી; એ તો હજી પણ બેભાન બનીને હરખના ખોળામાં સૂતી હતી. ઊજમ પોતાના સાડલાના છેડા વડે એને હવા નાખતી હતી, અને વખતી નજીકની એક ખડકીમાંથી પાણીનો કળશો ભરવા ગઈ હતી.

મુખી ફરી ભચડાને ધમકાવવા લાગ્યા હતા : ‘ખબરદાર, હવે ગામમાં આવીને આવી બીકાળવી રમત રમ્યો છો તો ! ઝાંપામાં પગ નહિ મેલવા દઉં—’

આ અણધારી ઘટનાથી અને મુખીના ઠપકાથી ગભરાઈ ગયેલા ભચડાએ જેમતેમ બોદી ડુગડુગી વગાડીને પેટીનું ઢાંકણું ઊંચક્યું અને અંદરથી હસતી ચમેલી ઠેકડો મારીને બહાર કૂદી પડી.

આ ક્ષણે તાળીઓના પ્રચણ્ડ ગગડાટ થવા જોઈએ, એને બદલે પ્રેક્ષકો ફરી સંતુ તરફ તાકીને શાંત ઊભાં રહ્યાં, તેથી ભચડાનો રહ્યોસહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયો. એને આ પરાકાષ્ઠાની યાદ આપવી પડી : ‘લડકે, તાલિયા બજાવ !’ ત્યારે જ આજ્ઞાંકિત જેવાં ટાબરિયાંઓએ સાવ બોદી તાળીઓ પાડી. પણ સંતુ તો, પેટીમાંથી હેમખેમ નીકળેલી અને હવે નાચતી–કૂદતી પોતાના મેલા ઘાણ  પહેરણની જાળમાં પાઈ પૈસા ઉઘરાવી રહેલી ચમેલીને નિહાળવા ય જાગી નહોતી.

મોટેરાંઓ પાસેથી રોકડ નાણું ઊઘરાવાઈ રહ્યું એટલે નાનાં બાળકોને ભચડાએ હુકમ કર્યો : ‘છોકરાવ | ઘેરે જઈને રોટલો ન લઈ આવે એને એની માના સમ !’

અને આવી ઘોર ધમકી સાંભળીને છોકરાઓનું ટોળું જાણે કે ફરરર કરતુંક ને પોતપોતાનાં ઘર ભણી ઊડ્યું.

સંતુ શુદ્ધિમાં આવી અને આંખ ઉઘાડી ત્યારે ભચડો એના ગુણપાટના કોથળામાં રોટલાના ટુકડા ભરી રહ્યો હતો.

‘ક્યાં ગઈ મારી ચમેલી !’ સંતુએ ચીસ પાડીને પૂછ્યું.

‘આ ઊભી !’ વાદીએ કહ્યું. ‘આ ઊભી તમારી નજર સામે જ, સાજી ને નરવી...’

‘ઈ નઈં...ઈ નઈં...’ સંતુ કરગરી રહી. ‘સાચું બોલ્ય ની, ક્યાં ગઈ મારી ચમેલી ?’

ભચડો આ ગાંડપણ સમજી શક્યો નહિ. પણ સંતુને ઓળખનારાંઓ આ લવરી સાંભળીને હસી પડ્યાં.

‘ઉઘાડ્ય ઓલી પેટી !’ સંતુએ હુકમ કર્યો.

વાદીએ ઢાંકણું ઉઘાડ્યું અને પેટી ખાલીખમ દેખાઈ, એટલે સંતુ અત્યંત અસહાય અને આર્ત અવાજે ૨ડી પડી ને કરુણ વદને માત્ર ભચડાને જ નહિ પણ હાજર રહેલા એકેએક માનવીને, સમગ્ર સમાજને, જાણે પૂછી રહી :

‘કોઈ કિયોની મને, ક્યાં ગઈ મારી ચમેલી ?’

*