લીલુડી ધરતી - ૨/તમાશો
← ખાલી ખોળો | લીલુડી ધરતી - ૨ તમાશો ચુનીલાલ મડિયા |
ક્યાં ગઈ મારી ચમેલી ? → |
સંતુ ડેલી બહાર ગઈ કે તુરત ઊજમ એની પાછળ જવા ઊભી થઈ, હરખ પણ હેબતાઈ જઈને પુત્રીને પાછી પકડી લાવવા ખડકીના બારણાં તરફ દોડી.
‘આ એકલી શેરીમાં નીકળી છ, ને ક્યાંક આડીઅવળી ભાગી જાશે તો ?’
‘ગાંડા માણસને શું ગમ હોય ? ઈ તો કૂવા – અવેડામાં ય પગ મેલી દિએ, ને પછી થ્યું – અણથ્યું થોડું થાય છે કાંઈ ?’
ખડકી બહાર નીકળીને વખતી એ ઊજમને સમજાવ્યું.
‘સંતુને લોંઠાએ પાછી ઘરમાં ન ઘાલતાં એને ભચડાની રમત્ય જોવી હોય તો જોવા દેજો—’
ઊજમે કહ્યું : ‘આવડી સાંઢડા જેવડી બાઈ ઊઠીને રીંછ–વાંદરાની રમત્ય જોતી હશે ? સાંભળનારા ઠેકડી જ કરે કે બીજુ કાંઈ ?’
‘ભલે ઠેકડી કરે. અટાણે સંતુ પણ નાનકાં છોકરાં જેવી જ છે. મર રીંછ–વાંદરાનો ખેલ જુવે. એનો જીવ ખુલાસામાં રિયે એમ કરો.’ વખતીએ સૂચના આપી. ‘સાટે એમ હોય તો તમે બે ય જણિયું એની પડખે ઊભીને વે’મ રાખજો.’
‘આ હું ગલઢી આખી આવાં રમત્યરોડાં જોવા ઊભી રહું તો ભૂંડી ન લાગું ?’
‘ઊભવું ય પડે. શું થાય ? અટાણે સંતુના જીવને સખ વળે એમ કરવાની જરૂર છે.’ કહીને વખતીએ ઉમેર્યું : ‘લે, તું શરમાતી હો તો હું પંડ્યે ય તારી પડખે ઊભી રૈશ ને સંતુનો વે’મ રાખીશ. હવે છે કાંઈ ?’
શેરીને નાકે ભચડો વાદી પડ બાંધીને હાથચાલાકી, અંગકસરત ને નજરબંધીના પ્રયોગોની પૂર્વતૈયારીઓ કરી રહ્યો હતો. એની આજુબાજુ ગામ આખાનાં ટાબરિયાંઓનું વર્તુળાકાર ટોળું જમી ગયું હતું.
ટાબરિયાંઓ કરતાં ય વિશેષ કુતૂહલથી અને એથી ય વિશેષ ઝડપથી ચમેલી–રતનિયાને નિહાળવા દોડી ગયેલી સંતુ તો નાનકડાં ભૂલકાંઓની પંગતમાં એ ભૂલકાંઓ જેટલી જ ભોળા ભાવે ગોઠવાઈ ગઈ હતી. એ જોઈને ઊજમના હૃદયમાંથી સ્વાભાવિક જ નિ:શ્વાસ નીકળી ગયો : ‘અરેરે ! આવી ડાહીડમરી સંતુનો અવતાર બળી ગ્યો !’
‘ભૂખે ય અવતાર નથી બળી ગ્યો.’ વખતીએ આશ્વાસન આપ્યું. ‘આવું તો માણસ જાત્યની જિંદગીમાં હાલ્યા જ કરે. અટાણે ઈ બચાડીને માથે દખનાં ઝાડ ઊગ્યાં છે, એટલે આવાં છોકરવેડાં કરે છે. કાલ્ય સવારે સુખનો સૂરજ ઊગશે ને હંધાં ય સારાં વાનાં થઈ રેશે—’
‘સારાં વાનાં થઈ રે’શે ?’ ઊજમે વખતીની ઉક્તિનું વ્યંગમાં પુનરુચ્ચારણ કરીને કહ્યું, ‘આમાં સુખનો સૂરજ ઊગવાનાં કાંઈ એંધાણ તો કળાતાં નથી. દિન પે દિન ગાંડપણ વધતું જાય છે—’
ભચડાએ જોસભેર ડુગડુગી વગાડીને પોતાના પ્રેક્ષકવૃંદમાંની પરિચિત વ્યક્તિઓને જાણે કે આવકાર આપવા માંડ્યો :
‘આવી પૂગી ને મારી સંતીબેન !’
સાંભળીને કેટલાંક છોકરાંઓ સંતુ તરફ જોઈને ખડખડાટ હસી પડ્યાં.
ભચડાને હજી ખબર નહોતી કે સંતુનું મગજ અસ્થિર થઈ ગયું છે. કેટલાંક બાળકો સંતુ તરફ તાકીને માંહેમાંહે ગુસપુસ કરી રહ્યાં : ‘આયહાય ! આવડી મોટી ઢાંગળી થઈને આપણા ભેગી ખેલ જોવા બેઠી છે ?’
એક ટીખળી છોકરાએ તો અહીં સંતુની હાજરી વિષે ધીમે સાદે ટિપ્પણ કરતાં અપદ્યાગદ્ય જેવા લયમાં ગણગણવા પણ માંડ્યું :
‘છોકરા ભેગી છોકરી...
એની મા બોકડી...’
તરત એના વાંસામાં ધડિમ્ કરતોકને ઢીંકો પડ્યો અને અવાજ સંભળાયો :
'‘મૂવા, જીભડો બવ વધ્યો હોય તો ટપુડા વાણંદ પાંહે જઈને વઢાવી આવ્ય !’
એ ટીકાકાર ગાયકને બિચારાને ખબર નહિ કે પોતે જેને ‘બોકડી’ કહીને બિરદાવી રહ્યો હતો એ સંતુની મા હરખ પોતાની પછવાડે જ ઊભી હતી.
ડુગડુગી વગાડીને વચ્ચે વિરામ લેતાં ભચડાએ વખતીને ઉદ્દેશીને આવકાર આપ્યો :
‘આવી પૂગ્યાં ને વખતી ફુઈ ! ભલે આવ્યાં, ફુઈ ! ભલે આવ્યાં.’
ભચડાનો બાપ જીંથરો મૂળ પડખેના ગામ વાટોદડનો રહેવાસી હતો વખતીનાં માવતર પણ વાટોદડ. એ નાતે ભચડો વખતીને ફુઈ કહીને સંબોધતો.
‘અમે તો આવી પૂગ્યાં પણ તું આ દકાળ વરહમાં પરસોતમ મૈના જેવો રોટલા માગવા શું કામે આવી પૂગ્યો ?’
‘દકાળ વરહ છે ઈ તો હું ય સમજું ; પણ મારે ય આ ચાર જીવનાં હોજરાં તો ભરવાં ને ?’ ભચડાએ પોતે, પોતાની બાળકી, રીંછ અને વાંદરાના ઉદરનિર્વાહનો ઉલ્લેખ કરીને કહ્યું, ‘ને રોટલા ઢીબનારી આ ચમેલીની માનું ગામતરું થ્યા કેડ્યે, તો હવે મારે આ રતનિયાને નચવી નચવીને વાસી શિરામણ જ ઉઘરાવવાં ને ?’
અને પછી જાણે કે પોતાના જ મનમાં રમી રહેલ કાંઈક અપરાધી વૃત્તિનું સમાધાન કરવા ખાતર વખતી સમક્ષ વણમાગ્યો ખુલાસો રજૂ કર્યો :
‘ઓલ્યા ડોકામરડીવાળા રાફડામાંથી ટીલાળા નાગને એની નાગણીથી નોખો પાડીને કરંડિયે પૂર્યા કેડ્યે પંદર જ જમણમાં આ ચમેલીની મા પાછી થઈ, એટલે મેં સરપ પકડવાનું મેલી દીધું.... ઈ રાફડે રમતું જોડકું મેં ભાંગ્યું, એમાં નાગબાપાનો મને શરાપ લાગી ગ્યો... ઈ નાગનાગણીમાં વિજોગ કરાવ્યા, એમાં મારે વિજોગ થઈ ગ્યાં, એટલે મોરલી ને કરંડિયો મેલ્યાં પડતાં અને હવે આ રતનિયા–ચમેલીને જ રમાડ્યા કરું છું—’
વખતીએ આ વાદી પ્રત્યે હમદર્દી દાખવતાં કહ્યું :
‘કોઈનાં વા’લામાં વિજોગ પડવવા જેવું પાપ બીજું કોઈ નથી, ભચડા !’ અને પછી ભચડાના ભાવિ અંગે સૂચન કર્યું : ‘થાવાકાળ થઈ ગયું. પણ હવે આછુંપાતળું બીજું કોઈ ગોતી લે, ને પગ વાળીને બેશ્ય !’
‘ના રે ફુઈ ! મને તો ઓલ્યા નાગબાપાના નિહાકા એવા તો આકરા લાગ્યા છે કે હવે ફરી દાણ આછુંપાતળું ઘર કરું ને, તો ય સુખી ન થાઉં. માડી ! મેં તો વા’લામાં વિજોગ કરાવ્યા, વા’લામાં વિજોગ... મને વે’મ નંઈ કે રાફડામાં નાગણી સંતાણી છે. મેં તો એકલા નાગને જ મૂઠ મારીને કરંડિયે પૂરી દીધો, ને નાગણી મારી ઘરવાળીને ભરખી ગઈ...’
અને પોતાના ‘ખેલ’નો આરંભ કરતાં પહેલાં છેલ્લી વારની ડુગડુગી છટાપૂર્વક વગાડી લેતાં ઉમેર્યું :
‘તો હવે મારે ભવોભવના વિજોગ, માડી ! ભવોભવના વિજોગ. રતનિયા ! આ ડાયરાને સલામ ભર્ય !’
અને ચાવી આપી રાખેલા પૂતળાની જેમ રતનિયો બે પગે ઊભો થયો અને આગલા બન્ને પગને હાથ તરીકે ઊંચા કરીને ચારે તરફ ફરતો ફરતો આ સંભાવિત પ્રેક્ષકોને સલામ કરી રહ્યો.
નાનાં છોકરાંઓએ આનંદના પોકારો કર્યા.
સંતુએ તો રોમાંચક આનંદની ચિચિયારી જ પાડી.
‘ગામનાં મા’જનને સલામ... મુખીને સલામ... વાણિયા–વેપારીને સલામ... વેઠિયાં—વહવાયાંને સલામ...’
ભચડો પ્રણાલિગત નામો ઉચ્ચારતો રહ્યો અને એનું પાળેલું પશુ બે પગ ઉપર ચકરચકર ફરતું સહુને સલામો ભરતું રહ્યું.
સંતુને મન રતનિયો માત્ર રીંછ નહિ પણ કોઈક અલૌકિક સૃષ્ટિની સરજત બની રહ્યો.
ભચડો પડ બાંધીને એક પછી એક ખેલ કરવા લાગ્યો. પ્રેક્ષકોની ભીડ પણ વધી. અડખેપડખેની ખડકીનાં બારણાંમાં કેટલાંક મોટેરાં પણ આવી ઊભાં રહ્યાં.
પ્રેક્ષકોને અત્યારે બેવડું જોણું જોવાનું હતું : વાદીની રમત અને બાળકો જોડે બાળક બનીને બેસી ગયેલી સંતુ.
‘અરરર ! આ છોકરીનો તો સાવ ઓટલો વળી ગ્યો. જરા ય ભાન છે ? આ ઝીણકાં ઝીણકાં છોકરાંવની ભેગી બેહી ગઈ છે...’
‘માથે રથ ફરી ગ્યા કેડ્યે હવે એને કાંઈ ભાન થોડું હોય ? સંતુને તો હવે ઓલ્યા ઓઘડિયાની ઘોડ્ય બીજું બાળપણ—’
અને કેમ જાણે એના નામોચ્ચારથી જ હાજર થતો હોય એમ ઓઘડિયો બીડીનાં ઠૂંઠાં વીણતો વીણતો આવી પહોંચ્યો અને—
‘લ્યો, આ સંભારતાં જ હાજર. સો વરહ જીવહે મુવો !’
‘તો તો ભૂંડે હાલ રખડી રઝળીને મરશે ! આવાં દખિયાં માણહનાં આયખાં ય કેમે ય કર્યાં ખૂટે નહિ. દુનિયાનું અચરજ તો જુવો, ગોબર જેવા જીવ ઊગ્યા ભેગા જ આથમી જાય, અને આ ઓઘડિયા જેવા કેમે ય કર્યા મરે જ નહિ—’
ઓઘડે તો આવતાંની વાર રતનિયા અને ચમેલી જોડે અટકચાળા કરવા માંડ્યા. એણે વાંદરીના હાથમાં બીડીનું ઠુંઠું મૂક્યું અને વાંદરીએ મોઢામાં મૂકીને થૂંકી નાખ્યું, એ જોઈને પ્રેક્ષકો ખડખડાટ હસ્યાં.
વાદીની રમત જોવા આવેલાંઓમાં એકને બદલે બબ્બે ગાંડાં માણસની ઉપસ્થિતિને પરિણામે આખી રમતનો રંગ બદલાઈ ગયો.
ચમેલીએ ફેંકી દીધેલું બીડીનું ઠૂઠું પાછું ઊંચકી લઈને ઓઘડે પોતાના બોખલા મોઢામાં મૂકી દીધું અને બેધડક ચાવી ગયો; એ જોઈને ભારે રમૂજ ફેલાઈ ગઈ. ખુદ સંતુ પણ ઓઘડનું આ ગાંડપણ જોઈને હસી રહી એથી પ્રેક્ષકોને બમણું હસવું આવ્યું.
સંતુની આમ છડેચોક હાંસી થઈ રહી છે એ જોઈને હરખને ક્ષોભ થયો, ઊજમને પણ આમાં હીણપત જેવું લાગ્યું. પણ હવે ખરી રંગત જામી હતી ત્યારે સંતુને અહીથી ઘેરે લઈ જવાનું મુશ્કેલ હતું, તેથી એણે ભચડાને વિનંતિ કરી :
‘એલા હવે ઝટ રમત્ય પૂરી કર્ય ની, અમારે અહૂરું થાય છે.’
‘હજી ખરાખરીના ખેલ તો બાકી છે, ઊજમભાભી !’ ભચડાએ કહ્યું. ‘હજી તો રતનિયો પૂરું નાચ્યો છે જ ક્યાં ? પછી ચમેલી નાચશે, ને એના પછી આ મારી છોકરી ચમેલી પેટીમાં પુરાશે—’
‘ઈ હધું ય ઝટ પતાવ્ય, મારા ભાઈ !’
ભચડે હવે ડુગડુગી બાળકીના હાથમાં આપી અને પોતે રીંછ જોડે ઝપાઝપીમાં ઊતર્યો.
કોઈ કોઈ ક્ષણે ભચડો જીવસટોસટ ખેલ કરતો હતો. પ્રેક્ષકોના શ્વાસ જાણે કે થંભી જતા હતા. માત્ર સંતુને અને ઓઘડને આવી ક્ષણોએ આહ્લાદક અનુભવ થતો હતો અને તેઓ અવાક્ બની જવાને બદલે બેફામ હસતાં હતાં. એવી ક્ષણોએ આ બન્ને જણાંનાં બેફામ અટ્ટહાસ્ય સાંભળીને ખુદ ખેલંદાને આશ્ચર્ય થતું હતું. ભચડો વિચારતો હતો : મને પોતાને બીક લાગે છે કે રતનિયો અબઘડીએ મને ફાડી ખાશે, કે એના ભાલા જેવા નહોર ભરાવીને મને પીંખી નાખશે, ને આ બે જણાંને જરા ય બીક કેમ નથી લાગતી ?
બાળકી ડુગડુગી બજવતી રહી, ભચડો રીંછને નચાવતો રહ્યો. છોકરાઓ તાળીઓ પાડતાં રહ્યાં અને સંતુ ઉન્માદભર્યા આનંદની ચિચિયારીઓ કરતી રહી.
અને પછી તો એવું બન્યું કે રતનિયો કે ચમેલીની રમતો કરતાં સંતુની આ હર્ષોન્માદભરી કિકિયારીઓ જ વધારે પ્રેરણીય બની રહી.
હરખે ઊજમને સૂચવ્યું: ‘સંતુને ઝટ ઘરભેગી કરીને ખડકીમાં પૂરી દઈએ. આમાં તો એનું ગાંડપણ વધી જાશે––’
‘એમ લોંઠાએ ઘરભેગી નહિ થાય.’ ઊજમે કહ્યું, ‘હવે આમે ય જોવા બેઠી, ને આમે ય બેઠી. હવે તો ભચડો એનાં જનાવર લઈને આઘો જાય તો જ સંતુ ઊભી થાય—’
વખતી ઊભી ઊભી વ્યગ્રચિત્તે સંતુ તરફ તાકી રહી હતી. મનમાં વિચારવહેણ કાંઈક આ રીતે વહેતું : આ ઉન્માદનો હવે ઉપાય શો ? આવા ગાંડપણમાં એ જીવતર શી રીતે પૂરું કરશે ? સંતુની આ ઉન્માદાવસ્થા એક ભયંકર સંશયમાંથી જન્મી છે. છેક પ્રસવની ઘડી સુધી પેલા કારમા કલંકારોપણનો કીડો એના અંતરને કોરી ખાતો હતો. એમાંથી જ ભયની લાગણી જન્મેલી. મારું સંતાન પણ કલંકિત ઠરશે, મારું સંતાન આ સમાજમાં અણગમતું છે, અસ્વીકાર્ય છે. આ લાગણીમાંથી જ પેલો દારુણ સંશય એના મનમાં જન્મ્યો. મારા બાળકને કોઈએ હાથે કરીને મારી નાખ્યું છે, અથવા મારાથી છુપાવી રાખ્યું છે. એ અળખામણા આગંતુકને કોઈએ ગળાટૂંપો દઈ દીધો છે... એ સંશયાત્માને કોણ સમજાવે કે તું મૃતવત્સા છે ને તારું સંતાન મરેલું જ અવતર્યું છે ?
હા, જુઓ ને, સંતુની નજર અત્યારે રીંછ કે વાંદરાને બદલે આ બાળકી ઉપર જ કેવી વેધક રીતે નોંધાયેલી છે ! અરે, આ વાદીની છોકરીમાં એવું તે શું કામણ બળ્યું છે કે સંતુ એને ટીકીટીકીને જોઈ રહી છે ?
પિતાની આજ્ઞા મુજબ થોડી થોડી વારે ડુગડુગી વગાડી રહેલી એ અબુધ બાળકીને ઉદ્દેશીને સંતું વારે વારે કહ્યા કરે છે: ‘ચમેલી ! આમ આવ્ય, ચમેલી ! આમ આવ્ય.’
જોનારાઓને તો એકને બદલે બબ્બે તમાશા જોવા મળ્યા.