← ૧૮. નહીં છોડું વેવિશાળ
૧૯. લીનાને ઘેર
ઝવેરચંદ મેઘાણી
૨૦. ઉલ્કાપાત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


19

લીનાને ઘેર

બારણાં બીડીને અંદર એકલી પડેલી લીનાને જો એ સાંજે કોઈ છૂપી આંખો જોઈ શકી હોત, તો એની એ લીના જ છે એમ માની ન શકાત ! જગતજનની મેરીની મૂર્તિ આગળ મૂકેલ તસવીર પરથી એણે ઢાંકણું ઉઠાવી લીધું હતું. તસવીરને પોતે આંખે ચાંપતી હતી. પંદર વર્ષના એક છોકરાની એ છબી હતી. લીના બોલતી હતી કે, " આજે તું આના જેવડો હોત. આ છોકરાને કમાવું છે, કેમ કે એને પરણવું છે, તુંયે આજે પરણવા જેવડો હોત. ના, ના, તારે હજી બે વર્ષની વાર હોત. આ છોકરાની વહુ કાયમ એનાં માબાપના ઘરમાં રહેશે, એનાં ભાઈ ભાંડુઓનીય સેવા કરશે. તું પરાણત તો મને એકલી જ છોડી દેત, ખરું ને ? હું માંદી પડત તો ઇસ્પિતાલે જ નાખત, ને અશક્ત કે અપંગ બનત તો તો 'એસાયલમ'માં મારું સ્થાન હોત, ખરું ને ડાર્લિંગ? પણ તું અશક્ત - અપંગ બન્યો હોત, તો હું તને રજળતો મૂકત કંઈ? તારી સ્ત્રીની સુવાવડ આવત તો તો હું જ દોટ કાઢતી આવત. હું બુઢ્ઢી બુઢ્ઢી ને અશક્ત છતાં તારા બાળકની સારવાર કરત. પણ આવું કશું જ જોવા તું ન રહ્યો. હું તો મારું હરેક વર્તન, બેટા, એમ સમજતી સમજતી જ કરું છું કે તું માતા મેરીને ખોળે બેઠો બેઠો જોતો હઈશ, ને તને એ ગમતું થશે. આ વાસણો વેચતા છોકરાને મેં બોણી કરાવી. મારે વાસણોની થોડી જરૂર હતી? પણ તું એના જેવો જ નિરાધાર રઝળતો હો, તે દિવસે તનેય કોઈક માતા એવો આધાર આપે, એવી આશાએ મેં કર્યું. સારું થયું કે એ વખત સર આવ્યો - કેમ જાણે એ તારો જ મોકલ્યો આવ્યો ! એ રૂપિયા દસ લઈને હું 'ઑપેરા' જોવા જતી હતી. મને આજે કોરનેલિયા હોટેલમાં જઈને ખાવાનું ખૂબ મન હતું. ત્યાં તો સુંદર સુયોગ બની ગયો. હું શાંતિ પામી છું, હું જાણે તારી બુઢ્ઢી મા છું. મને કોણ કહે છે કે હું જુવાન છું ? નહીં રે, મને તો બુઢ્ઢાં રહેવું જ ગમે છે- પણ છાનાંમાનાં હો! હજુ પ્રકટ પણે બુઢાપો બતાવવાની હિંમત નથી. બુઢ્ઢાંને જલદી નોકરી મળતી નથી. તું જાણે છે ને, મારે મારી ખોટી ઉમ્મર નોંધાવવી પડે છે. તને એ નહીં ગમતું હોય. જૂઠાણું તો તને કેમ ગમે? અરે, જીવતો હતો ત્યારે જ નહોતું ગમતું ને હવે કાંઈ મેરી માતાને ખોળે થોડું જ ગમે? પણ તું હોત, તારી વહુ હોત ને આ હિંદુ-મુસ્લિમોની માફક મને માને ભેળી રાખતાં હોત તો મારે શીદ જૂઠું બોલવું પડત? હું શીદને આ વેશ પહેરત?"

એમ કહેતી કહેતી ગદ્ગદિત લીનાએ પોતાના મોંમાંથી બનાવટી દાંતની બત્રીશી ખેંચી હાથમાં ધરી રાખી. એના ગાલમાં ગર્તો પડ્યા. એને કોઈએ ન ઓળખી હોત.

એનાં દાંત બેશક બુઢાપાથી નહીં, બીજાં કારણોથી પડી ગયેલા; છતાં એ ફૂટડી ને જુવાન બની ઇસ્પિતાલે ફરતી લીના ચાલીશ વર્ષની નજીક તો ચોક્કસ હતી, તેવી ચાડી એ દાંત વગરનો ચહેરો ખાતો હતો.

ત્રણ દિવસ પછી એ જ સમયે અવાજ સંભળાયો : 'યુટેન્સિલ્સ ! ઍલ્યુમિનિયમ યુટેન્સિલ્સ ! ડ્યુરેબલ ઍન્ડ ડીસન્ટ યુટેન્સિલ્સ!'

અવાજ અણઘડ હતો, છતાં હળવો ને મીઠો હતો.

ગૅલરીમાં આવીને લીનાએ ડોકું કાઢ્યું; વાસણો ઉપાડનાર હેલકરી સાથે સુખલાલને જોયો. લીનાએ મોં આડે હાથ ઢાંકી દીધો, 'યુ-ટે-ન...' એ ફરી વારનો ટૌકો લીનાને જોતાં શરમથી અધૂરો જ અટકી ગયો. સાકરનાં પતાસાં પેઠે એ સ્વર ગળાના પાણીમાં ઓગળી સમાઈ ગયો.

શાંતિના ચિરધામ સમા આ લત્તાઓ બોલનારને પણ શાંતિ પ્રેરે છે. સુખલાલના ફેરિયા-સ્વરો આપોઆપ શાંતિ શીખ્યા હતા. એ શાંતિએ સુખલાલની આકૃતિને આછા કોઈ શીતળ રંગોની ફ્રેમમાં મઢી લીધી હતી.

"ઉપર આવ, સ્માર્ટી!" કહેતી લીના ઘરમાં ગઈ. દાંતની બત્રીસી એકદમ પહેરી લીધી. 'સંભારતાં જ તું જાણે આવ્યો!' એવું કહીને પેલી છબી પર એણે પરદો પાડી દીધો. આ ખ્રિસ્તી લોકો હિંદુઓ કરતાં જરીકે ઓછા 'વહેમી' નથી હોતા. મૃત્યુના સંબંધમાં તેમની 'વહેમી' માન્યતાઓ હિંદુઓને પણ ટપી જાય છે.

સુખલાલ હેલકરીને નીચે રાખીને એકલો જ ઉપર ચાલ્યો. જે કહેવાનું છે તેની શરૂઆત કેમ કરવી તેની એ મનમાં ને મનમાં ગોઠવણ કરતો ગયો, ત્યાં તો - "તું આટલો બડો પક્કો છે, આટલો મોટો પાજી છે, એ તો મને તેં દવાખાનામાં આટલા બધા દિવસ રહ્યા છતાંય કળવા ન દીધું ! હું તારા પર ગુસ્સે થઈ છું," એવા લીનાના ઓચિંતા તૂટી પડેલા શબ્દોએ સુખલાલને ખસિયાણો પાડ્યો. કઈ પક્કાઈ, ક્યું પાજીપણું, કઈ મેલી ચાતુરી મારા ઇસ્પિતાલ ખાતેના વર્તનામાં મે દાખવેલ ? પોતે યાદ કરવા લાગ્યો.

"તેં મને કેમ નહોતું જણાવા દીધું?"

"શું, નર્સ બાબા?"

"તારું તરકટ."

બોલતી લીના સખ્ત હતી. સુખલાલને એ સ્વરૂપ ડરામણું લાગ્યું. શું મને અપમાનિત કરી પાછો કાઢવા ઉપર બોલાવ્યો હશે? આવા જીવન-પ્રદેશનો અણમાહિતગાર એ જુવાન આંહીં આવવાની ધૃષ્ટતા માટે પસ્તાયો, ને છુટકારાની પળ માટે પ્રાર્થના કરવા લાગ્યો."

"મેં તને ઠરાવી ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે, કે સ્માર્ટી, તું કેમ રડતો હતો ? પેલી બાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા મંડી ગયો હતો ? તેં બનાવટી જવાબ વાળેલો કે દરદ ઊપડ્યું હતું. તેં મને ખબર જ ન પડવા દીધી એ આવનાર ઓરત કોણ હતી, તારે શું થાતી હતી!"

સુખલાલ વધુ ગૂંચવાયો. જે વાત પોતે પૂછવા ને પ્રગટ કરવા આવ્યો હતો તે વાત તો આંહીં એના કોણ જાણે કેવાય ડરામણા સ્વરૂપે ક્યારની રંધાઈ ચૂકી હતી.

"સાચી ખબર તો મને કાલે પડી. કાલે એ છોરી ફરી વાર ઇસ્પિતાલે આવી હતી. એ તારી 'ફીઆન્સી' - તારી ભવિષ્યની પત્ની છે. મને માફ કરજે, બેટા!" આંહીં એનો સ્વર નરમ બન્યો : "મેં તને એનો નોકર માનેલો. મેં તને એની સાથે શબ્દ પણ બોલવા નહોતો દીધો. પણ તું એને તારા ખબર કેમ નથી આપતો? એ મને જ શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે ? હું તારી કોણ સગી છું કે એ મને જ ચિડાઈ છિડાઈ પૂછે છે? મેં શું તને છુપાવ્યો છે ? બેસ, નિરાંતે બેસ. મને વાત કર. તું શું એનાથી રિસાયો છે? તને શું એ ગમતી નથી? એ એમ કહેતી હતી કે, હું શાહુકારની પુત્રી છું એ જ મારું દુર્ભાગ્ય છે? એ કાલે કેમ ઉશ્કેરાયેલી હતી? એ કેટલી બધી વેદનાભરી લાગતી હતી!"

સુખલાલને આ વાત જો કોઈ બીજાએ કરી હોત તો એને મશ્કરી લાગત,બનાવટ લાગત. દરિયામાં તરફડિયાં મારતો માણસ પોતાના પગ હેઠળ ઓચિંતી મળતી ભૂમિને ઘડીભર મગરમચ્છની પીઠ માનીને વધુ ભયભીત બને તેવી ભયભરી મનોદશા સુખલાલે પણ અનુભવી.

"તમે એને મારી વાત કહી?" એને ડરતાં ડરતાં પૂછ્યું. મનમાં થયું કે કહ્યું ન હોય તો પાડ પ્રભુનો! મને વાસણોની ફેરી કરતો સાંભળીને રખે ક્યાંક સુશીલાનું દિલ બદલાઈ ગયું હોય.

"મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલદી પરણવું છે તે માટે તો તું તનતોડ ઉદ્યમ કરી કમાવા નીકળ્યો છે. એણે તો એ સાંભળીને ફાળ ખાધી. એ થોડી વાર તો વિચારમાં પડી ગઈ. એણે મને અચકાતાં અચકાતાં પૂછ્યું કે, 'પરણવા માટે પૈસા ભેગા કરે છે ? કોને પરણવા માટે ? કોઈ બીજે ઠેકાણે પરણવાનો છે?' હું શો જવાબ આપું ? તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજ વાત તું મને કરી જતો હો ! શી બેવકૂફી ! શી વિચિત્રતા ! કોણ તું ! કોણ હું !

"હું ધંધે ચડ્યો છું એ એને ગમ્યું કે ન ગમ્યું?" સુખલાલનો આ સવાલ સંગીતની મીંડ સમો નીકળ્યો.

"એ પૂછતી હતી કે, વેચતાં આવડે છે? મેં કહ્યું કે નથી આવડતું, પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ઘરાકનું જ દિલ નહીં ચાલે એવો એ પરાણે વહાલો થઈ પડશે."

સુખલાલ નીચું જોઈ ગયો. થોડી વારે એ બોલ્યો : " એ ક્યાં મળે?"

"બીજે ક્યાં વળી ? એ જ્યાં રહેતી હોય ત્યાં !"

"તમે એને મળવાનાં છો?"

"કદાચ એ માંદી પડે ને મને તેડાવે તો. પણ હું નર્સ તરીકે ઘણી લાગણીહિન ને કડક છું, એટલે મને તો એ શાની જ તેડાવે ? અરે ભાઈ, એવી લાલઘૂમ છોકરી માંદી જ ક્યાંથી પડે?"

સુખલાલ જોઈ શક્યો કે લીના ટીખળે ચડી હતી.

"પડે પણ ખરી," લીના તુર્ત જ બોલી પડી : "તાવ તો ઘણી જાતના થાય છે. અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે. તું થોડો વખત એનાથી દૂર જ રહે, ને હું એને કહું કે તું તો બીજીને પરણવાનો છે, તો એની માંદગીનો ચાન્સ મને મળે. તો કદાચ થોડા રૂપિયા તેં મને કમાવી આપ્યા કહેવાય. બદલામાં હું તને તારાં વાસનો ખપાવીને રળાવી દઈશ. છે સાટું કબૂલ?"

આ ટીખળનો રસાસ્વાદ લેવાની લાગણીને સુખલાલના અંતરમાં અત્યારે સ્થાન નહોતું. એના વિચાર-ઘોડલા એ ઘડીએ ફક્ત એક જ બિંદુ પર ધસતા હતા, કે આ બધો શો ગોટાળો મચ્યો છે? સુશીલા પોતેજ મને તજનાર છે, કે હું એનો ત્યાગ કરું છું ? મારા પિતાની ને એના બાપુજીની વચ્ચે થયેલી ફારગતીથી શું સુશીલા અજાણ છે! કે શું એ મારા પિતાને દોષિત માની બેઠી છે? શું એના બાપુજીએ જ એનામાં આ ગેરસમજનું ઝેર રેડી દીધું હશે ? આ ચોખવટ કરવા હું ને એ ક્યાં મળીએ?

'અમને બેઉને તમારા જ આશ્રયસ્થાનમાં મેળવી આપશો?' એ પ્રશ્ન લીનાને પૂછવા માટે છેક સુખલાલના હોઠ સુધી ફફડી કરીને પાછો ગળામાં ઊતરી ગયો. નહીં રે નહીં ! એવું એને કેમ પુછાય? ને એવી છૂપી મુલાકાત એક ખાનદાન સ્ત્રીના આશ્રયે મેળવવાથી એની આબરુ શી રહે? એને કોઈ જાણી જનારાં શું કહે?

તો પછી એની મારફત સુશીલાને મુલાકાત માટેનો સંદેશો પહોંચાડું? વળતી જ પળે એ વિચારને પણ એણે તજ્યો.

છૂપા સંદેશા, છૂપી મુલાકાત, છૂપી મસલતો, એ સંસ્કાર કેટલાક માણસોના લોહીમાં જ નથી હોતા. છૂપું રાખીને કાંઈક કરી લેવું એ એને તરકટ કે કરસ્તાન સમાન લાગે છે. સુખલાલના લોહીમાં 'છૂપા' પ્રત્યે આવી એક કુદરતી ધૃણા હતી. એ તિરસ્કારના સંસ્કારે જ સુખલાલને નર્સ લીના પ્રત્યે અદબ ભર્યો રાખ્યો. લીનાને વિશે એ હલકો વિચાર સેવી જ ન શક્યો. જો લીના અમારા આવા છૂપા મિલનને ચાહતી હોત તો એ સૂચન લીના તરફથી જ ન આવ્યું હોત ? - એવી દલીલ પોતાના દિલ સાથે કરનારો એ યુવાન વિશુદ્ધિનું એક પગથિયું ઓળંગી ગયો.

"શું વિચાર કરે છે, સ્માર્ટી? તારા કપાળની નસો આટલી ઊપસી કેમ આવી છે, ડાર્લિંગ ?" લીનાએ એને પૂછ્યું.

"મારે એને મળવું છે."

"ક્યાં મળશે?"

"તમે જ બતાવ્યું ને ? - એને ઘેર."

"બ્રેવો, માઈ બૉય - શાબાશ, મારા દીકરા!"

આભાર માનવા વગેરેથી વિધિ કર્યા વગર સુખલાલ વિદાય લેવા ઊઠ્યો. લીનાએ રોક્યો નહીં. પણ એ બહાર નીકળી ગયો ત્યારે ઉપરથી લીનાએ કહ્યું : " આજે વાસણો વેચ્યાં નથી લાગતાં?"

"ના. એક વાર વેચીને બીજી વાર ફેરી કરવા નીકળ્યો છું."

"ચાલ તને મારા પાડોશીમાં લઈ જાઊં!"

"આજે નહીં."

"ઊભો રહે. મને થોડાં વાસણો આપતો જા. તે દિવસે મેં લીધા તે તો ઓળખીતાંઓ આવીને ખરીદી ગયાં."

સુખલાલને એના કહેવામાં વિશ્વાસ ન બેઠો, કહ્યું : "કાલે આવીશ."

"કાલે હું નહીં હોઉં; કાલથી દિવસની નોકરી છે - દેતો જા!"

સુખલાલ ખચકાયો.

"યુ ઈડિયટ ! બેફકૂફ ! વેપારીનું જિગર જ ન મળે ! પેલો તારો સંગાથી પક્કો વેપારી હતો. સામે ચાલી યુક્તિ-પ્રયુક્તિ કરી કરી વાસણો વળગાડતો ને તું ઘરાકના માગવા છતાં મૂંઝાય છે- લાવ!"

એમ કહીને પોતે કટ કટ દાદરો ઊતરી. બેત્રણ વાસણોને એણે ત્યાં મૂક્યાં, કહ્યું : "બિલ બનાવ ત્યાં હું પૈસા લાવું છું."

સુખલાલે બિલ કાઢી લખવા માંડ્યું. લીના ઉપર લેવા ગઈ. એટલામાં સુખલાલે હેલકરીને કહ્યું : " ચાલતો થા" એને રવાના કરી પોતે પણ લીનાના આવી પહોંચ્યા પહેલાં જ ચાલી નીકળ્યો. લીનાએ પસંદ કરેલા વાસણો પોતે ત્યાં જ રહેવા દીધા; એની અંદર કૅશમેમો મૂક્યો હતો, તેમાં રકમ-બકમ લખવાને બદલે લખ્યું કે 'વિથ પ્રણામ ફ્રોમ યૉર હમ્બલ સમાર્ટી : આપના દીન સ્માર્ટીના પ્રણામ સાથે.' તેજપુરની નિશાળમાં ચાર-પાંચ અંગ્રેજી ચોપડી ભણેલાને વધુ તો શું આવડ્યું હોય?

થોડી વારે લીના નીચે આવી ત્યારે એના મગજમાં સૌથી મોટો ગૂંચવાડો એ 'પ્રણામ' શબ્દે ઊભો કર્યો.