સમરાંગણ/સમરાંગણ સોરઠી ઇતિહાસની ખમીરવંતી કથા

← નિવેદન સમરાંગણ
સમરાંગણ સોરઠી ઇતિહાસની ખમીરવંતી કથા
ઝવેરચંદ મેઘાણી
‘જોરારનો’ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


તાજેતરમાં જ લખવા ધારેલી એક સોરઠી ઇતિહાસ-કથાના આધારો શોધવા હું રાજકોટના લેન્ગ પુસ્તકાલયમાં ગયો હતો...

જે ઐતિહાસિક નવલ હું દોરી રહ્યો છું તેનું ‘એપિક’ ઘટનાસ્થળ રાજકોટથી સોળ જ કોસને અંતરે પડેલું છે. સંવત 1648 [સન 1592] શ્રાવણ વદ સાતમ ને બુધવારનો એ યાદગાર બનાવ ધ્રોળના પાદરના એક સ્થળ પર અંકિત થયો છે. એ જો કેવળ સંહારભૂમિ હોત તો ઝાઝો રસ ન પડત. પણ ‘ભૂચર મોરી’નું એ પ્રેત-સ્થાન માનવતાના રંગમય સદ્-અસદ્ આવેશોની લીલાભૂમિ છે. એનો પહોળો ખોળો ખૂંદતી કલ્પના તત્કાલીન વાતાવરણ પકડી પાડે તેવા ત્યાં અવશેષો છે.

‘ભૂચર મોરી’નું રણમેદાન એટલે તો એકચક્રી અકબર-શાસનનો સૌરાષ્ટ્રમાં સહુ પહેલો પંજો ઝીલનાર સ્થાન. ત્યાં મેં કદી પૂર્વે ન દીઠેલી તેવી એક ખાંભી દીઠી. લાંબી શિલા પરનો એ અશ્વ હમણાં જાણે હાવળ દેશે તેવો બંકો: એની લગામના બારીક વળ પણ ચોખ્ખા છે. એનો અસ્વા૨ નગ્નદેહી છે. અણઢાંકી એ વૃદ્ધ કાયામાં ફાટફાટ[]  તંદુરસ્તી અને કસરતી કૌવત છે. એના કંઠમાં માળા છે. એની કમ્મરમાં ફક્ત કટાર છે. એના હાથમાં તલવાર છે. એ છે એક ખાખી નાગડા બાવાની ખાંભી. નાગડાઓની પલટને એ યુદ્ધમાં રાજપૂત પક્ષે યુદ્ધ કર્યું હોવાની એ નિશાની છે.

અને અચરજ તો એ છે કે અસવારની માથે બે પક્ષીઓ સામસામાં ઘૂઘવતાં કંડારેલ છે. આ હિન્દુઓની સમાધિઓથી થોડે દૂર એક હજીરો છે. તેના પર સાત મુસ્લિમ કબરો છે.

‘ભૂચર મોરી’નાં એ સ્મારકો સળગતાં વેરાન વચ્ચે ઊભાં છે. આજે પણ એ રણસ્થળ જ ભાસે છે. આવા મહત્ત્વના ઇતિહાસ-ચિહ્ન આપણાં ઐતિહાસિક સંગ્રહાલયો પોતાની પાસે તસ્વીરરૂપે, અરે નોંધરૂપે પણ સાચવે છે? નહિ. એને બાઝેલી લોકકથાઓ લુપ્ત થઈ છે. ત્યાંનાં વાસીઓ પણ પૂરી વાત કહી શકતાં નથી.

જો આપણે ભૂતકાલીન ઇતિહાસ ઉપર ચોકડી મારી નાખી હોય તો તો કશું કહેવાનું જ ન હોય. પણ એક તરફથી આપણે ઇતિહાસના અવશેષોને સંઘરવાની અને ઉકેલવાની જરૂરત સ્વીકારીએ છીએ, સંસ્થાઓ ખોલીએ છીએ. તવારીખનાં આ ઊડી જતાં પાનાં, બીજી બાજુ, અનાદર પામે છે. અર્થ એ છે કે ઇતિહાસ પ્રત્યે આપણું વલણ કાં તો ખોટી આપવડાઈનું છે. અથવા તો બનાવટી છે. ભૂતકાળ જોડેની કડી સ્પષ્ટપણે નિર્દયતાપૂર્વક તોડી નાંખી શકતાં નથી, તેમ નથી એ કેડીને યોગ્ય સ્થાને મૂકી શકતાં. આપણે ઇતિહાસને પૂંછડે બંધાયેલાં ચીંથરાં જેવી સ્થિતિ ભોગવીએ છીએ.

['જન્મભૂમિ', 23-2-1938]
 
*

[ટાંચણપોથી]નું એક પાનું ઊઘડી પડે છે. લખ્યું છેઃ ‘ભૂચર મોરી’. મારી ‘સમરાંગણ' નામની મોટી વાર્તાનો જે મધપૂડો રચાયો તેનું પ્રથમ મધુબિંદુ મૂકનાર એ કોણ હતું? નામ નથી. મિતિ કે ઠામ નથી. યાદ આવે છે. યાદ આવે છે – જીજી બારોટ. એને લઈને છેક બરડા પ્રદેશથી તે કાળના અમલદાર મિત્ર ભાઈશ્રી મોહનલાલ રૂપાણી આવેલા. યાદ આવે  છે મીઠું મોં, મીઠાભરી બારોટ-જબાન. હસમુખો ચહેરો. ટાંચણ આમ છે:

જેસા વજીરની વહુઃ થાન લબડેઃ લૂગડાં ધોવામાં અડચણ :
થાન ખંભે નાખેલ: નાગડો ધાવે પાછળ ઊભો ઊભો.
જામ: જેસા ડાડા! હી જોરાર કીંજે ઘરજી હુંદી !
[તૂટેલ આઉવાળી ભેંસ-ગાય 'જોરાર’ કહેવાય.]
જેસો: અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.
[એના જે ઘા થાય તે આગળ નિહાળજો.]

પછી તો દુહા ટાંકેલ છે. ઉપલું ટાંચણ જે માર્મિકતાથી ભરેલ છે તેને વાચકો નહિ સમજે, પણ મારી નજરે તો એ બનાવ હજી એ બની રહેલો, ચાલુ સ્થિતિમાં, એક સોરઠી નદીને આરે, દેખાયા કરે છે. મારી ‘સમરાંગણ’ની આખીય વાર્તામાં એ એક જ પ્રસંગે બળ પૂર્યું. સૌરાષ્ટ્રમાં શહેનશાહ અકબરશાહની મોકલેલ સૌ પહેલી ચઢાઈ; અને અમદાવાદના અકબર-શત્રુ શાહ મુઝફ્ફર નહનૂના આશ્રયદાતા સોરઠી ઠાકોરો સાથે એ અકબર-ફોજના ભયાનક જુદ્ધનું નામ ભૂચર મોરીની લડાઈ. ભૂચર મોરી : કોઈ મહાકાવ્ય – મહાગાથાને દીપાવે તેવો મામલો અને એમાં નાયકપદે મૂકી શકાય તેવા સુરાપુરા લાડકપુત્ર નાગડા વજીર નામના જે જુવાન પાત્રની માવજત મેં ‘સમરાંગણ’માં ઊઘડતા પાનાથી માંડીને કરી છે. તે પાત્રનું પ્રથમ બીજારોપણ મારી કલ્પનામાં ઉપલા કચ્છી શબ્દો વડે મૂકીને જીજી બારોટ ચાલ્યા ગયા...

*

ત્રીજીવાર મને ભૂચર મોરીના રણાંગણમાં મૂકનાર જેઠો રાવળ હતો. ત્રીજી વારની આ નોંધ એની કરાવેલી છે:

સવાશેર પાણી રૂધિરમાં તણાય એવી લડાઈ ચાલશે.
જેસા વજીરની ઘરવાળી જોમાબાઈ: એનો દીકરો નાગડો:
પવર (પયોધર) વાંસે નાખ્યાં’તાં: વાંસે ઊભો ઊભો ધાવે.
આ જોળાળીનો – ગાડરના પેટનો – ઊભો ઊભો ધાવે છે
તે કેવોક થાશે? એની આગળ ખબર.
*

નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં.
નાગડો પડેલો: હાથીનાં પેટમાં હાથ. ‘આ કોણ ?’
જોળાળીનો! બીજાનાં ઘાનાં સાંધા મળે,
એના સાંધા ન મળે.

જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાના બે સમતોલ પલ્લાં છે: પહેલો પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એનાં બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલ-ફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબનજોધ દેહની દશા દેખાડતો: એ દેહ પડ્યો હતો: એના કાંડાં-વિહોણા હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણ કે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણવા હતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ટૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા – પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે ને હાથીના ક્લેવરને હાથના કાંડાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે. ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો’. રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પળે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં, એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો.

‘સમરાંગણ’! તને હું નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ.

[‘પરકમ્મા’માં]
 
*


[‘સમગંગણ’] એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી ચોપડી છે. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી એક કવિતા જેવી હતી.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 4-7-’38]
 

‘સમરાંગણ’ને હું મારી એક અતિ પ્રિય કૃતિ સમજું છું.

[ધનસુખલાલ મહેતા પરના પત્રમાંઃ 8-4-’44]
 
  1. [‘ભૂચર મોરી’ના સ્થાનકમાં ઉભેલા એક જોગીના પાળિયાના મેં તાણેલા લીંટા પરથી શ્રી સોમાલાલ શાહે દોરેલું આ ચિત્ર છે. ચિત્રમાં સંવત 1647 વરસ છે, એ ભૂલ લાગે છે, કારણ કે પાના 159 પરના દુહામાં 'સંવત સોલ અડતાલીસે' છે]