સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/અમદાવાદની કૉંગ્રેસ — ૧૯૨૧
← મ્યુનિસિપાલિટી મારફત અસહકાર | સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો અમદાવાદની કૉંગ્રેસ — ૧૯૨૧ નરહરિ પરીખ |
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી → |
.
નાગપુર કૉંગ્રેસ વખતે જ ગુજરાત તરફથી કૉંગ્રેસના અધિવેશન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ સ્વીકારાયું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિએ અમદાવાદમાં કૉંગ્રેસ ભરવાનું નક્કી કર્યું. અમદાવાદમાં પહેલાં ૧૯૦૨માં કૉંગ્રેસ ભરાયેલી, એટલે ઘણે વર્ષે અમદાવાદમાં આ કૉંગ્રેસ ભરાતી હતી. તેને લીધે અમદાવાદ શહેરનો એ વિષે ખૂબ ઉત્સાહ હતો. પણ ઉત્સાહનું મોટું કારણ તો આ વર્ષ સ્વરાજ્યનું ગણાતું હતું તે હતું. જેમાં એવી આશા પ્રગટેલી હતી કે અમદાવાદની કૉંગ્રેસમાં આપણે સ્વરાજ્યનો ઉત્સવ ઊજવવા એકઠા થવાનું હશે. એ ઉત્સાહની સાથે વિશાળ પાયા ઉપર સુંદર રચના કરવાની કુદરતી શક્તિ અને કુનેહવાળા સરદાર સ્વાગત પ્રમુખ તરીકે અને દરેક કામની ઝીણી વિગતો ઉપર બરાબર ધ્યાન આપી તેની વ્યવસ્થિત ગોઠવણી કરવાની ટેવવાળા દાદાસાહેબ માવળંકર સ્વાગતમંત્રી તરીકે મળ્યા. અને બધી તૈયારીમાં નવી દ્રષ્ટિ અને નવી પ્રેરણા આપનારા ગાંધીજી તો બેઠા જ હતા.
નવા બંધારણ મુજબની આ પહેલી જ કૉંગ્રેસ હતી. એટલે પ્રતિનિધિઓની સંખ્યા મર્યાદિત — લગભગ છ હજારની હતી. પ્રતિનિધિ તરીકે જેઓ ન આવી શકે તેવાઓને કૉંગ્રેસના અધિવેશનનો લાભ લેવો હોય તો તેમને પ્રેક્ષક તરીકે આવવાની વ્યવસ્થા રાખેલી હતી. લિબરલ પક્ષના તથા બીજા સ્વતંત્ર પક્ષના નેતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીની કૉંગ્રેસમાં નેતાઓ માટે સારી વ્યવસ્થા થતી હશે પણ સામાન્ય પ્રતિનિધિઓ માટે વધારે ખર્ચ કરતાં પણ ખાવાપીવાની વ્યવસ્થા રેઢિયાળ રહેતી અને જાજરૂ, પેશાબખાનાં તથા સામાન્ય સફાઈ વિષે તો મૌન રાખવામાં જ માલ છે. સરદારનો સંકલ્પ હતો કે પ્રતિનિધિઓ, પ્રેક્ષક વગેરે પરોણાની રહેવાની, ખાવાપીવાની નાહવા-ધોવાની તથા શૌચ વગેરેની વ્યવસ્થામાં કશી મણા ન રહેવી જોઈએ. ગાંધીજીનો આગ્રહ સાદાઈનો હતો. પણ એમની સાદાઈમાં સફાઈ ઊલટી વધારે હોય, કચરા તથા મેલાની શાસ્ત્રીય વ્યવસ્થા હોય, મેલાને ગમે તેમ ઢાંકવાની વાત ન હોય. એટલે પાયખાનાં, પેશાબખાનાં તથા કચરાપેટીઓની સંખ્યા ઘણી મોટી રાખવામાં આવી અને તેની સફાઈ માટે કેવળ ભંગીઓ ઉપર આધાર ન રાખતાં હરિજન સેવામાં જૂના જોગી મામા સાહેબ ફડકેની સરદારી નીચે સફાઈ સ્વયંસેવકોની મોટી ટુકડી રાખવામાં આવી. પાયખાનાં તથા પિશાબખાનાં કેમ વાપરવાં તથા સામાન્ય સફાઈ માટે કેવી કાળજી રાખવી તેની ખુદ ગાંધીજીએ ઘડી આપેલી સૂચનાઓ અગાઉથી વર્તમાનપત્રોમાં આપવામાં આવી હતી. તે ઉપરાંત ઉર્દૂ, હિંદી તથા ગુજરાતીમાં છાપેલી પત્રિકાઓ પ્રતિનિધિઓમાં છૂટથી વહેંચવામાં આવી.
પીવાના તથા નાહવાના પાણી માટે અલગ વોટરવર્ક્સ ઊભું કરવામા આવ્યું હતું. કૉંગ્રેસનું સ્થળ નદીને કિનારે જ હોઈ ત્યાં નાહવાધોવાની સગવડ હતી જ. તે ઉપરાંત પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોના ઉતારાની પાસે સ્થળે સ્થળે નાહવાધોવાની પાકી વિશાળ ચોકડીઓ બાંધવામાં આવી હતી. ત્યાં જેને જોઈએ તેને ગરમ પાણી પૂરું પાડવામાં આવતું. બહેનો તથા નબળી તબિયતવાળાંને નાહવાને માટે ઓરડીઓ પણ બાંધવામાં આવી હતી. નાગપુરમાં જોવામાં આવ્યું હતું કે ઢોળાતા પાણીના નિકાસનો પૂરતો બંદોબસ્ત નહીં હોવાથી જ્યાં ત્યાં પાણીનાં તળાવડાં ભરાતાં હતાં. તે અહીં ન થવા પામે માટે ગટરની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ આ બધી વ્યવસ્થા કરવામાં પોતાથી થઈ શકે તે બધી જ મદદ કરી હતી. જમવાની સગવડથી પણ પ્રતિનિધિઓ અને પ્રેક્ષકો ખુશ થયા હતા. અત્યાર સુધીની કૉંગ્રેસમાં દેશી ઢબની અને વિલાયતી ઢબની એમ બે જાતની વ્યવસ્થા રાખવામાં આવતી. પણ અમદાવાદમાં એકલી દેશી ઢબની વ્યવસ્થા જ રાખવામાં આવી હતી. જેમને વિલાયતી ઢબની સગવડ જોઈતી હોય તેવાઓને અગાઉથી ખબર આપવાનું કહેવામાં આવ્યું હતું અને જેમના તરફથી ખબર મળી તેમની વ્યવસ્થા બારોબાર એ ઢબની હોટેલમાં કરવામાં આવી હતી. એવી હોટેલનાં નામઠામ, દરો વગેરે પણ સ્વાગત સમિતિ તરફથી વર્તમાનપત્રોમાં આપવામાં આવ્યાં હતાં. સ્વાગત સમિતિ તરફથી એક સામાન્ય રસોડું ચાલતું તેમાં ઠરાવેલા દરે સ્વચ્છ અને સારી રસોઈ મળતી. પણ કોઈ પ્રાંતવાળાને પોતાની ઢબની રસોઈ કરવી હોય તે જો પોતાનું રસોડું ચલાવવાની બધી જવાબદારી લેવા ખુશી હોય તો તેમને રસોડાની તથા વાસણકૂસણની સગવડ મફત આપવામાં આવી હતી અને સામાન્ય કોઠારમાંથી સીધું સામાન પડતર ભાવે પૂરું પાડવામાં આવ્યું હતું. થોડા ખર્ચે કૉંગ્રેસ જોવા આવવા ઈચ્છતા પ્રેક્ષકો માટે એક વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ રહે અને બેસે સૂએ. ત્યાં પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી અને ખાવાને માટે પૂરી શાક વગેરેની દુકાનની ગોઠવણ કરવામાં આવી હતી.
પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોને રહેવા માટે ઝૂંપડીઓ ખાદીની જ બનાવી હતી. ખાદીની ઝૂંપડીઓના એ નગરને ખાદીનગર એવું સાર્થ નામ આપ્યું હતું. તેની રચના કોઈ નમૂનેદાર નગરની રચના જેવી હતી. અનેક રસ્તા અને ઉપરસ્તા તથા વચમાં વિશાળ ચોક, રસ્તા ઉપર વીજળીના દીવા, દરેક ઝૂંપડીમાં પણ વીજળીની બત્તી, એ બધાથી આખી નગરી રાતે ઝગમગી ઊઠતી હતી. તે દિવસો પૂર્ણિમાની આસપાસના હતા. એટલે રાતની દૂધ જેવી ચાંદનીમાં દૂધ જેવી ખાદીની શોભા હરકોઈના હૃદયમાં નવીન આશા અને ઉત્સાહનો સંચાર કરતી. કૉંગ્રેસની સાથે ખિલાફત પરિષદ તથા મુસ્લિમ લીગની બેઠકો હતી. તેમણે પોતાના પ્રતિનિધિઓ માટે મુસ્લિમ નગરની રચના કરી હતી. ગાંધીજીની ખાદીની ઝૂંપડી ખાદીનગર, મુસ્લિમ નગર તેમ જ કૉંગ્રેસના મંડપને બને તેટલી નજીક પડે એ રીતે એક નાના સરખા ચોકમાં રાખવામાં આવી હતી.
કૉંગ્રેસના સભામંડપની રચના પણ અદ્ભુત હતી. કૉંગ્રેસના મંડપમાંથી પહેલી જ વાર ખુરશીઓને દેશવટો દેવામાં આવ્યો હતો. સભા માટે કોઈ જગ્યાએ ખોદીને તો કોઈ જગ્યાએ પૂરણી કરીને એકસરખા ઢાળવાળી જમીન બનાવવામાં આવી હતી, અને તેની ઉપર નદીની સ્વચ્છ રેતી પાથરી દેવામાં આવી હતી. પ્રમુખ તથા સ્વાગત મંડળના સભ્યોને સારુ સામેને છેડે પૂરણી કરીને વિશાળ ઓટલો બનાવી દીધો હતો. વ્યાસપીઠની રચના એ બેની વચ્ચે કરવામાં આવી હતી. સ્વ. ડૉ. હરિપ્રસાદે ગાંધીજી સાથે મીઠો ઝઘડો કરીને મંડપમાં ફૂલપાંદડાંનો શણગાર કરવાની રજા મેળવી હતી અને ફૂલ તથા પાંદડાંથી મંડપને કળામય રીતે શણગારવામાં આવ્યો હતો.
મંડપમાં ખુરશીઓ કાઢી નાખી હતી એટલે જોડા પહેર્યા વિના સઘળા જાય એવો નિયમ રાખ્યો હતો. સવાલ એ ઊભો થયો કે હજારો માણસોના જોડા બહાર સચવાય શી રીતે ? જુદે જુદે દરવાજે બહાર જોડા સાચવનારા રાખવા તેઓ અમુક નંબરની ચિઠ્ઠી જોડાના માલિકને આપે અને એ જ નંબરની ચિઠ્ઠી જોડામાં મૂકી રાખે, જે ઉપરથી માણસ બહાર નીકળે ત્યારે એના જ જોડા એને પાછા આપી શકાય એવી એક સૂચના આવી. પણ હજારો જોડાની આવી વ્યવસ્થા કરવી મુશ્કેલ લાગી અને ચિઠ્ઠી ઉપરથી જોડા ઓળખી પાછા સોંપવામાં બહુ વખત જાય એમ લાગ્યું. બહાર કાગળની કોથળીઓ વેચાતી મળે અને તેમાં મૂકીને દરેક માણસ પોતાના જોડા પોતાની સાથે અંદર લઈ જાય એવી સૂચના આવી. પણ એ કાગળની કોથળી એક જ વપરાશમાં ફાટી જાય. એટલે છેવટે બહાર ખાદીની થેલીઓ ચાર ચાર આને વેચવાની વ્યવસ્થા રાખી, જેમાં જોડા રાખીને અંદર લઈ જઈ શકાય. આ વ્યવસ્થા સફળ થઈ અને હજારો થેલીઓ ત્યાં ખપી.
કૉંગ્રેસના મંડપની પાસે જ એક ખુલ્લો વ્યાખ્યાન મંડપ રાખવામાં આવ્યો હતો. કૉંગ્રેસની બેઠકમાં ચાલતા કામ વિષે તથા અન્ય વિષય ઉપર પ્રસિદ્ધ નેતાઓ ત્યાં આવીને આમજનતા સમક્ષ ભાષણ આપતા. કૉંગ્રેસની સાથે એક સુંદર સ્વદેશી પ્રદર્શન ગોઠવ્યું હતું. તેમાં કાપડમાં હાથકંતામણ અને હાથવણાટની ખાદી જ રાખવામાં આવી હતી. તે વખતે ખાદી નવી નવી હતી એટલે પ્રદર્શનનો પ્રયોગવિભાગ જેમાં કપાસમાંથી ખાદી બનાવવા સુધીની બધી ક્રિયાઓ — ખાસ કરીને આંધ્રની બારીક ખાદીની ક્રિયાઓ — બતાવવામાં આવતી તે ખૂબ ધ્યાન ખેંચતી હતી. સાથે એક સંગીત પરિષદ પણ રાખી હતી. એના તરફથી પ્રસિદ્ધ સંગીતાચાર્યો અને ઉસ્તાદોના સંગીતના જલસા દરરોજ થતા. આમ લાખો લોકો ત્યાં આવે તેઓ ભલે કૉંગ્રેસની બેઠકમાં ભાગ ન લઈ શકે પણ વિવિધ જ્ઞાનદાયી મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે તથા દેશનેતાઓનાં ભાષણ સાંભળી રાષ્ટ્રીયતાનું પાન કરી શકે એવી વ્યવસ્થા રાખી હતી.
પ્રદર્શનની બધી વ્યવસ્થા શ્રી લક્ષ્મીદાસ આસરે અને સંગીત વિભાગની બધી વ્યવસ્થા સંગીતશાસ્ત્રી ખરેએ કરી હતી. પ્રદર્શનમાં ચિત્રકળા વિભાગ બહુ સમૃદ્ધ હતો. તે સજાવવામાં શ્રી રવિશંકર રાવળ તથા શ્રી કાકાસાહેબે પુષ્કળ શ્રમ લીધો હતો.
આ કૉંગ્રેસને વિષે લોકોમાં ઉત્સાહ એટલો બધો હતો કે તેમાં ઘણી વાર વિવેકની મર્યાદા રહેતી નહીં અને લોકોમાં તરેહવાર અફવાઓ ચાલતી. એક જોરદાર અફવા એવી હતી કે કૉંગ્રેસને પહેલે જ દિવસે મંડપ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને તે જ વખતે ગાંધીજી, સરદાર અને બીજા નેતાઓ દેશની સ્વતંત્રતા જાહેર કરશે અને સરકાર કૉંગ્રેસની બેઠક ઉપર ગોળીબાર કરશે. તે માટે ઈડરના રાણા કર્નલ પ્રતાપસિંહ પોતાના લશ્કર સાથે ખાસ આવવાના છે. એમના લશ્કરને રાખવા માટે કૉંગ્રેસના સ્થળની નજીક આવેલું અમદાવાદનું કોચરબ નામનું પરું તથા ગુજરાત કૉલેજનાં મકાન ખાલી કરાવવામાં આવનાર છે. આ અફવા એટલી જોરદાર થઈ અને તેણે અજ્ઞાન અને ભોળા લોકોમાં ગભરાટ પણ ફેલાવા માંડ્યો કે ગાંધીજીને ‘નવજીવન’ માં ‘પધારો કર્નલ પ્રતાપસિંહજી’ એ નામની નોંધ લખવી પડી.
સરદારે પણ ‘ખોટી અફવા’ એ મથાળાથી ખુલાસો બહાર પાડ્યો કે :
- “લશ્કર આણવાની અને ગોળીબાર કરવાની બધી અફવાઓ તદ્દન ખોટી છે. તોફાની અને ડરપોક માણસોએ તે ચલાવેલી છે. આજે જ અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ મને મળ્યા હતા. તેમણે પોતે મને કહ્યું કે કૉંગ્રેસના અઠવાડિયામાં તેઓ એક પણ લશ્કરી સિપાઈ કે હથિયારબંધ પોલીસનો વધારાનો સિપાઈ અમદાવાદમાં લાવવાનો નથી. અને કૉંગ્રેસના મંડપ કે નગર તરફ એ દિવસોમાં પોલીસ નજર સરખી પણ કરવાની નથી.”
અને સાચે જ તેઓ એ પ્રમાણે વર્ત્યા. ખાદીનગરમાં, પ્રદર્શનમાં તથા કૉંગ્રેસના મંડપમાં તો કૉંગ્રેસના સ્વયંસેવકો સઘળી વ્યવસ્થા રાખે જ પણ એલિસબ્રિજની પાર સરિયામ રસ્તા ઉપર મોટરની, ઘોડાગાડીઓની તથા લોકોની અવરજવરની તમામ વ્યવસ્થા પણ પોલીસે સ્વયં સેવકોને કરવા દીધી. સ્વયંસેવક દળના કૅપ્ટન શ્રી જીવણલાલ દીવાન હતા. તેમની દેખરેખ નીચે સ્વયંસેવકોને સુંદર તાલીમ આપવામાં આવી હતી. નાનામોટા સૌની સાથે વિનયથી અને અદબથી વર્તવાની અને મદદ કરવા તત્પર રહેવાની તથા કૉંગ્રેસ જોવા આવનારાં સહકારી ભાઈબહેન પ્રત્યે ખાસ વિનય જાળવવાની તેમ જ પોલીસના હુકમનું પાલન કરવાની સૂચનાઓ ગાંધીજીએ સ્વયંસેવકોને વખતોવખત આપી હતી.
અમદાવાદમાં જે વખતે કૉંગ્રેસની તડામાર તૈયારીઓ ચાલતી હતી તે વખતે ઉત્તર હિંદુસ્તાનમાં યુવરાજનો પ્રવાસ ચાલતો હતો. જે જે શહેરમાં તે જતા ત્યાં તેમના સ્વાગતનો સખત બહિષ્કાર થતો હતો. તે ન થઈ શકે તેટલા માટે સ્વયંસેવકોની તથા નેતાઓની સરકાર અગાઉથી ધરપકડ કરી લેતી હતી. એ કાર્યક્રમ પ્રમાણે દેશબંધુ દાસ જે કૉંગ્રેસના વરાયેલા પ્રમુખ હતા તેમની બંગાળ સરકારે કલકત્તામાં ધરપકડ કરી. ગાંધીજીએ તરત ‘નવજીવન’માં નોંધ લખી :
- “આપણા પ્રમુખ પકડાયા તેથી આપણે જરાયે હડબડવું ન જોઈએ. આપણી કૉંગ્રેસમાં તેમનો આત્મા બિરાજતો હશે. . . . આપણી કૉંગ્રેસ મળે ત્યાં સુધીમાં આપણામાંના જે કોઈ જેલ બહાર રહ્યા હોઈએ તેમણે કોઈ એકને પ્રમુખનું કામ ચલાવવાને સારુ ચૂંટી કાઢવો રહ્યો. આથી વધારે શુભ અને મંગળ સંજોગોમાં આજ સુધી કોઈ કૉંગ્રેસની બેઠક મળી નથી. . . . આપણામાંના ઘણાખરા અગ્રેસરો જેલમાં હોય એ જ સ્વરાજ છે.
- “અને આ બધી ખટપટ મૂકી જો સરકાર એકેએક અસહકારીને તા. ૨૬મી ડિસેમ્બર પહેલાં નજીકમાં નજીકના પોલીસ ચોકી ઉપર જઈને પકડાવાને સારુ હાજર થવાનો એક જ સામટો હુકમ કાઢે તે તો વળી હું સંપૂર્ણ સ્વરાજ્ય મળ્યું સમજું. એ શરતે તે, શ્રી વલ્લભભાઈ અને તેમની બહાદુર ટોળીએ આજે મહિનાઓથી રાતના દિવસ કરીને કૉંગ્રેસના પ્રતિનિધિઓ તેમ જ પ્રેક્ષકોને માટે ગુજરાતના પાટનગરને છાજે એ આવકાર આપવાને ચાહે તેવી ભારે તૈયારીઓ ભલે કરી હોય તો પણ કૉંગ્રેસની બેઠકને હું જતી કરું.…”
પણ એ સદ્ભાગ્ય અમદાવાદની કૉંગ્રેસને ન સાંપડ્યું અને નક્કી કરેલા દિવસે કૉંગ્રેસની બેઠક મળી. દેશબંધુ દાસે પોતાનું ભાષણ લખી મોકલ્યું હતું. કૉંગ્રેસની બેઠકનું કામ ચલાવવા માટે દિલ્હીના હકીમ સાહેબ અજમલખાનજીને પ્રમુખ નીમવામાં આવ્યા. સરદારે સ્વાગતપ્રમુખ તરીકે બહુ જ ટૂંકુ ભાષણ કર્યું. આ અધિવેશન માટે કરેલી વિશેષ તૈયારીઓનો ખુલાસો આપતાં તેમણે કહ્યું :
- “અમે આશા રાખી હતી કે આપણે સ્વરાજ્યની સ્થાપનાનો ઉત્સવ ઊજવવા ભેગા મળીશું અને તેથી તેવા પ્રસંગને છાજે એવા પ્રકારનું સ્વાગત કરવા અમે પ્રયત્ન કર્યો છે. એ શુભ અવસર ઊજવવાનું બની શક્યું નથી. દયાનિધિ પરમાત્માએ આપણી કસોટી કરવા અને આવા મોંઘા દાનને લાયક થવા આપણે માટે કષ્ટ મોકલ્યું છે. કેદના, શારીરિક હુમલાના, જબરાઈથી જડતીના, આપણાં કાર્યાલયો તથા શાળાઓનાં તાળાં તોડવાનાં - એ બધા પ્રસંગોને પાસે આવતા સ્વરાજ્યનાં ચોક્કસ ચિહ્નો માની લઈ તથા આપણા મુસલમાન ભાઈઓને તેમ જ પંજાબીઓને થયેલા જખમ ઉપર ઠંડા મલમ રૂપ ગણી લઈ આપના સ્વાગતને માટે કરેલા અમારા શણગારમાં, સંગીતના જલસામાં કે બીજા આનંદના કાર્યક્રમમાં અમે કોઈ રીતનો ફેરફાર કે ઘટાડો કર્યો નથી."
ખાદીનગર તથા મંડપોની રચના મુખ્યત્વે ગુજરાતમાં તૈયાર થયેલી ખાદીથી કરવામાં આવી હતી તે જણાવતાં કહ્યું :
- “અત્યાર સુધીમાં આશરે બે લાખ રતલ ખાદી અમે તૈયાર કરી છે. . . . . આ બધા મંડપો તથા ખાદીનગર બાંધવામાં કરેલ ખાદીનો ઉપયોગ એ સ્વદેશીની બાબતમાં અમે શું કરી શક્યા છીએ તેનો પ્રત્યક્ષ પુરાવો છે.”
પછી ગુજરાતને દમનનો લાભ હજી મળ્યો નથી એ વિષે કહ્યું :
- “બંગાળ, પંજાબ, સંયુક્ત પ્રાંત તથા બીજા પ્રાંતો જે અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે તેમાંથી અમે પસાર નથી થયા એ હું જાણું છું. હું આશા રાખું છું કે અમારી જે અહિંસાનો મેં કંઈક ગર્વથી ઉલ્લેખ કર્યો છે તે અહિંસા અશક્તિની નથી પરંતુ અમે સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા સંયમનું પરિણામ છે.”
પછી ગુજરાતની લડત માટેની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો :
- "સુરત અને નડિયાદની મ્યુનિસિપાલિટીઓ પાસેથી રાષ્ટ્રીય શાળાઓનો જબરદસ્તીથી કબજો લઈ ને સરકારે અમને અમારી શક્તિ બતાવવાની તક આપી છે. અમદાવાદને પણ એ જ પ્રશ્ન ઉકેલવાનો છે. એ પ્રશ્ન છેવટે તો માત્ર કાયદાના સવિનય ભંગથી જ ઊકલશે. સામુદાયિક સવિનય કાયદાભંગને માટે બારડોલી તથા આણંદ તાલુકા ભારે તૈયારી કરી રહ્યા છે. આ કૉંગ્રેસની પ્રાર્થના હું ઉચ્ચારું છું કે ઈશ્વર અમને એ કષ્ટ સહનની કસોટીમાંથી પાર ઊતરવા જેટલું અને બીજા પ્રાંતોની હારમાં ઊભા રહેવા જેટલું બળ આપે.”
આ કૉંગ્રેસમાં મુખ્ય ઠરાવ તો સામુદાયિક સવિનય ભંગને લગતો હતો. એ ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો અને શ્રી વિઠ્ઠલભાઈ પટેલે તેને ટેકો આપ્યો. ઠરાવ બહુ વિગતવાર અને લાંબો હતો. તેમાં મુદ્દાની વાત એ હતી કે કોઈ પણ સત્તાને આપખુદ, જુલ્મી અને મર્દાની હરી લેનારો ઉપયોગ અટકાવવા સારુ બીજા બધા ઉપાય અજમાવી લીધા પછી હથિયારબંધ બળવાની અવેજીમાં સવિનય કાયદા ભંગ એ જ એકમાત્ર સુધરેલો અને અસરકારક ઉપાય છે. માટે ચાલુ સરકારને હિંદુસ્તાનના લોકો પ્રત્યેના કેવળ બિનજવાબદાર સ્થાનેથી ઉતારી પાડવા માટે લોકો એ વ્યક્તિગત અને જ્યાં તે માટે પૂરતી તૈયારી હોય ત્યાં સામુદાયિક સવિનય કાયદાભંગ પણ આદરવો. તે યોગ્ય સાવચેતી રાખીને તથા કારોબારી સમિતિ અથવા પોતાની પ્રાંતિક સમિતિ વખતોવખત જે સૂચનાઓ કાઢે તેને અનુસરીને ઉપાડવામાં આવે. આ માટે ગાંધીજીને કૉંગ્રેસના સરમુખત્યાર નીમવામાં આવ્યા. ગાંધીજીએ આ ઠરાવ રજૂ કરતાં જે ટૂંકું પણ ભવ્ય ભાષણ કર્યું તેમાંનાં નીચેનાં વાક્યો તેમની તીવ્ર વેદનાનાં દ્યોતક છે :
- “આ ઠરાવમાં આપણે ઉદ્ધત બનીને યુદ્ધ માગી લેતા નથી. પરંતુ જે સત્તા ઉદ્ધતાઈ ઉપર આરૂઢ થયેલી છે તેને આપણે જરૂર પડકાર આપીએ છીએ. જે સત્તા પોતાનું રક્ષણ કરવા ખાતર વાણીનું અને મંડળો બાંધવાનું સ્વાતંત્ર્ય કચડી નાખવા ઇચ્છે છે — પ્રજાનાં આ બે ફેફસાંને દબાવી દઈને તેને પ્રાણવાયુથી વંચિત કરે છે, તેને તમારી તરફથી હું નમ્ર છતાં અફર પડકાર આપું છું. જો એવી કોઈ સત્તા આ દેશમાં ચાલુ રહેવા ઇચ્છતી હોય તો તેને હું તમારી તરફથી સંભળાવી દઉં છું કે કાં તો તે જમીનદોસ્ત થઈ જશે, કાં તો એ મહાન કાર્ય બજાવતાં હિંદુસ્તાનમાંનાં હરેક નરનારી આ પૃથ્વીના પડ ઉપરથી નાબૂદ થઈ જશે ત્યાં સુધી જંપીને બેસશે નહીં.
- “આ ઠરાવમાં દૃઢતા, નમ્રતા અને નિ:શ્ચય એ ત્રણે રહેલ છે. સમાધાનીની મસલતમાં ભાગ લેવાની સલાહ જો હું આપી શકત તો જરૂર એ સલાહ આપત. એક મારો પ્રભુ જાણે છે કે સમાધાની અને શાંતિ મને કેટલી પ્રિય છે. પરંતુ હું ગમે તે ભોગે એ મેળવવા નથી ઇચ્છતો. સ્વમાનને ભોગે હું સમાધાની ન ઇચ્છું. પથ્થરની શાંતિ હું ન માગું. મારે કબ્રસ્તાનની શાંતિ નથી જોઈતી. આખી દુનિયાનાં બાણના વરસાદની સામે ખુલ્લી છાતીએ એકમાત્ર ઈશ્વરને આશરે ફરનારા મનુષ્યના હૈયામાં વસતી શાંતિ મારે જોઈએ છે.”
આ કૉગ્રેસ સારી પેઠે ગરમાગરમ વાતાવરણમાં ભરાઈ હતી. એથી વધુ ગરમ વાતાવરણમાં એ વિખરાઈ એ વિષે ગાંધીજીએ ‘નવજીવન’માં લખ્યું :
- "ગુજરાતે શોભાવ્યું એમ કહી શકાય. સાડાત્રણ લાખ રૂપિયાની ખાદીના તંબુ તાણ્યા, મંડપ બનાવ્યા, વીજળીની બત્તીઓ કરી, સુંદર પ્રદર્શન ભર્યું, ભજનકીર્તન કર્યા, હિંદુસ્તાનના સંગીતનો મહિમા બતાવ્યો, હિંદુ મુસલમાન સાથે જ ઘર કરી રહ્યા, કોઈએ એક શબ્દ ઊંચે સાદે એકબીજાને ન કહ્યો. ગુજરાતની બાળાઓ સ્વયંસેવિકાઓ બની, ગુજરાતના જુવાનો એ ભંગીનું પણ કામ કરીને પ્રતિનિધિઓની સેવા કરી, ઓરતોની જંગી સભા થઈ, વ્યાખ્યાનો થયાં; મહાસભાના મંડપમાં કરકસરના નિયમો જાળવી સૌ કોઈ જોઈતું જ બોલ્યા. લાંબાં ભાષણ કોઈએ ન કર્યા, ને સરકારે શરૂ કરેલી દમનનીતિનો જવાબ આપનારો, સરકારને ચમકાવનારો, સચોટ પણ મર્યાદામય ઠરાવ પસાર કર્યો.”
એ ઠરાવને અનુસરી સામુદાયિક સત્યાગ્રહ માટે બારડોલી તાલુકાને પસંદ કરવામાં આવ્યો.
જ્યાં કૉંગ્રેસનો મંડપ બાંધવામાં આવ્યો હતો તે જગ્યા સરકાર મારફતે મેળવીને (એક્વાયર કરાવીને) ત્યાં ગોખલેના ભારત સેવક સમાજ જેવો ગુજરાત સેવક સમાજ સ્થાપી તેનાં મકાનો બાંધવાં એવી સરદારની ઈચ્છા હતી. પણ તેની કિંમત પાંચ લાખ રૂપિયા માગવામાં આવી. સરદાર ચાર લાખ રૂપિયા આપવા સુધી તૈયાર થયા હતા, પણ એ વાત પડી ભાંગી. પછી ભાવ ઊતરી જવાથી એ જમીન મ્યુનિસિપાલિટીને દોઢ લાખ રૂપિયામાં મળી. અને આજે ત્યાં શેઠ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલનાં મકાનો છે. હૉસ્પિટલના મુખ્ય મકાનની સામે જે ફુવારો છે તે તો કોંગ્રેસના વખતનો જ છે. આ કૉંગ્રેસનું તમામ ખર્ચ જતાં જે પૈસા બચ્યા તેમાંથી અમદાવાદનું કૉંગ્રેસ હાઉસ બાંધવામાં આવ્યું છે.