સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/મ્યુનિસિપાલિટી મારફત અસહકાર

← અસહકાર સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર
નરહરિ પરીખ
અમદાવાદની કૉંગ્રેસ — ૧૯૨૧ →


.


૧૫

મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


૧૯૨૦ની નાગપુર કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયા પછી અને સરકારી કેળવણી, સરકારી અદાલતો, સરકારી ધારાસભાઓ અને પરદેશી કાપડ, એનો બહિષ્કાર એ ચતુર્વિધ કાર્યક્રમનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો એક વરસમાં સ્વરાજ્ય આપણા ખોળામાં આવીને પડે એવી ગાંધીજીએ ઘોષણા કર્યા પછી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પણ પોતાની મર્યાદામાં રહી એ લડતમાં પોતાનો હિસ્સો આપવો એવા ઘણા કાઉન્સિલરોનો વિચાર થયો. તે માટે મ્યુનિસિપાલિટીને હસ્તક જેટલી કેળવણી હતી અને જે કેળવણીનો પ્રબંધ કરવાની તેની ફરજ ગણાતી હતી તે કેળવણી માટે સરકારની મદદ બિલકુલ ન લેવી અને સરકારનો તેના ઉપર કોઈ જાતનો અંકુશ ન સ્વીકારવો એ વિચાર ઉપર તેઓ આવ્યા. તેની પાછળ કઈ વિચારસરણી હતી તે ગાંધીજીએ આગળ ઉપર ‘નવજીવન’માં લખીને સ્પષ્ટ કર્યું હતું. તેમના જ શબ્દો અહીં આપું છું:

“તકરાર તો કેળવણીની હતી. દીવાબત્તી, પાયખાનાં, પાણી વગેરેમાં મ્યુનિસિપાલિટી સરકારને અનુકૂળ થવા જ ઈચ્છતી હતી. રસ્તાના દીવા સરકાર કરે તેથી આપણને ભારે નુકસાન ન હતું. આપણાં બાળકોનાં હૃદય-મંદિરમાં સરકાર જ્યોતિ પ્રગટાવે અથવા તેમનાં મગજને સરકાર ઘોળે એ આપણને અસહ્ય હતું. એ જ્યોતિ અને ઘોળ સ્વાભાવિક ન હતાં. તેથી આપણે કેળવણીને રાષ્ટ્રીય બનાવી. આ જ વિષય ઉપર ‘હા’ ને ‘ના’ ને વેર થયું. આમાં શહેરીઓ સર્વોપરી રહી શકે છે. રસ્તા સરકાર સાફ કરે તો ભલે કરે. રસ્તા કંઈ આપણે સાફ કરવા એને ત્યાં મોકલતા નથી. પણ બાળકોને તો આપણે મરજીથી નિશાળોમાં મોકલીએ ત્યારે જ સરકાર તેઓને ભણાવે. એટલે કેળવણીની બાબતમાં શહેરીઓ વિચાર માત્ર કરે તો તેની સ્વતંત્રતા પૂરી રીતે જાળવી શકે છે.”

કલકત્તાની કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ થયા પછી, મ્યુનિસિપાલિટીના સભ્યોમાંથી કેટલા અસહકારમાં સાથ આપી શકે એમ છે એ ચોક્કસ જાણી લેવા માટે ૧૯૨૦ના ઑકટોબરમાં સરદારે બે શિક્ષકો પાસે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીને કાગળ લખાવ્યો કે અમે કૉંગ્રેસના અસહકારના ઠરાવનું પાલન કરવા ઈચ્છીએ છીએ, જો મ્યુનિસિપલ સ્કૂલ કમિટી પણ શાળાઓને અસહકારી બનાવવા ઇચ્છતી હોય તો અમને બહુ આનંદ થશે અને તેમ ન ઈચ્છતી હોય તો આને અમારું રાજીનામું ગણશો અને અમને નોકરીમાંથી છૂટા કરશો. મ્યુનિસિપલ બોર્ડમાં આ કાગળ ઉપર સારી પેઠે ચર્ચા થઈ. તેમાં કેટલા સભ્ય અસહકાર કરવાના ઉત્સાહવાળા, કેટલા પોતાના મતદારોના અભિપ્રાય જાણી લઈ જે તે પગલું ભરવું એવા વિચારવાળા અને કેટલા અસહકારનો વિરોધ કરનારા હતા એ જણાઈ આવ્યું. પણ પોતાના મતદારોનો અભિપ્રાય લેવાની સભાસદોને તક મળે તે માટે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો. ત્યાર બાદ નાગપુર કૉંગ્રેસ પછી શહેરીઓની રૂખ એકંદરે કેવી છે તે જાણી લઈને તા. ૩-ર-’૨૧ની જનરલ બોર્ડની મીટિંગમાં સરદાર નીચે પ્રમાણે ઠરાવ લાવ્યા:

“નાગપુરની કૉંગ્રેસમાં સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રના આદેશને માન આપી, આ બોર્ડ એવું ઠરાવે છે કે મ્યુનિસિપલ શાળાઓમાં, પ્રાથમિક કેળવણી ઉપર સરકારનો જે અંકુશ છે તે ફગાવી દેવાની દૃષ્ટિએ હવેથી સરકારની કેળવણીગ્રાન્ટ બિલકુલ લેવી નહીં.
“આ ઠરાવની નકલ સરકારને મોકલી આપવી.”’

એના ઉપર બે કાનૂની વાંધા ઉઠાવવામાં આવ્યા:

૧. ઠરાવમાં કૉંગ્રેસનો ઉલ્લેખ આવે છે તે બરાબર છે કે કેમ?
૨. ‘મ્યુનિસિપલ શાળાઓમાં પ્રાથમિક કેળવણી ઉપર સરકારનો જે અંકુશ છે તે ફગાવી દેવાની દષ્ટિએ’ એ શબ્દો ઠરાવમાં છે તે બરાબર છે કે કેમ?

પ્રમુખે નિર્ણય આપ્યો કે, કૉંગ્રેસના અથવા તો બીજી કોઈ બહારની સંસ્થાના નિર્ણયો અનુસાર મ્યુનિસિપાલિટી ચાલે નહીં, છતાં તેનો ઉલ્લેખ કાનૂન બહાર નથી, કેમ કે તેથી આ ઠરાવ લાવવાનું કારણ જ સૂચવાય છે. પણ મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાઓ ઉપર સરકાર કાયદાની રૂએ અમુક અંકુશ ધરાવે છે માટે ‘સરકારનો અંકુશ ફગાવી દેવાની દષ્ટિએ’ એ શબ્દો કાનૂન બહાર છે અને એ આ ઠરાવમાંથી કાઢી નાખવાનું હું ઠરાવું છું. એટલે ઠરાવમાંથી એટલા શબ્દો કાઢી નાખવામાં આવ્યા. એ શબ્દો વિનાના ઠરાવ ઉપર ઘણા સુધારા સૂચવાયા અને બહુ ચૂંથણાં થયાં હતાં છેવટે સરદારનો ઠરાવ ભારે બહુમતીથી પસાર થયો.

પણ આ ઠરાવ લાવવામાં મુખ્ય ઉદ્દેશ સરકારનો અંકુશ ફગાવી દેવાનો હતો જ, એટલે સ્કૂલ્સ કમિટીએ તા. ૧૧-ર-’૨૧ના રોજ ઠરાવ કર્યો કે:

“જનરલ બોર્ડના તા. ૩-ર-’૨૧ના ઠરાવની દૃષ્ટિએ સ્કૂલ્સ કમિટી એવા અભિપ્રાયની છે કે મ્યુનિસિપલ શાળાઓની વાર્ષિક પરીક્ષા નિરીક્ષણ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અથવા તેના મદદનીશાએ કરવું જોઈ એ નહીં.”

એ ઠરાવ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને એની જાણ માટે મોકલવામાં આવ્યો અને તેની સાથે કાગળ લખ્યો કે, વાર્ષિક પરીક્ષાઓ માટે તમારે આવવું નહીં અને તમારા મદદનીશોને પણ ન આવવાની સૂચના આપી દેવી. બીજી તરફથી સ્કૂલ્સ કમિટીએ પોતાના સુપરવાઈઝરોને પરીક્ષાઓનું કામ ઉકેલી નાખવાની સૂચના આપી.

એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટરે મ્યુનિસિપાલિટીના પ્રમુખને તા. ૧૪-૨-’૨૧ના રોજ કાગળ લખ્યો કે, સ્કૂલ્સ કમિટીનો ઠરાવ કાયદાથી વિરુદ્ધ છે માટે તમારે સ્કૂલ્સ કમિટીને સૂચના આપવી કે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અને તેમના મદદનીશોને પરીક્ષાઓનું અને નિરીક્ષણનું કામ કરવા દે.

પ્રમુખે સ્કૂલ્સ કમિટીના ચેરમેનને લાંબો કાગળ લખીને જણાવ્યું કે, તમારો ઠરાવ કાયદાથી વિરુદ્ધ છે માટે એ ઠરાવને હું સસ્પેન્ડ કરું છું અને આ પ્રશ્ન જનરલ બોર્ડમાં મૂકવાની ગોઠવણ કરું છું. એ મુજબ તા. ૨૮-૨-’૨૧ની જનરલ બોર્ડની મીટિંગમાં આ પ્રશ્ન રજૂ થયો. પ્રમુખે દરખાસ્ત મૂકી કે, સરકારના કેળવણી ખાતાને કાયદા પ્રમાણે આપણી નિશાળની પરીક્ષાઓ લેવાનો તથા નિરીક્ષણ કરવાનો અધિકાર છે, માટે એને લગતા નિયમનું પાલન કરવું. સરદારે ડૉ. કાનુગાના ટેકાથી સુધારો મૂક્યો કે, જનરલ બોર્ડના તા. ૩-ર-’૨૧ના ઠરાવનો સ્કૂલ્સ કમિટીએ જે અર્થ કર્યો છે તે આ બોર્ડ માન્ય રાખે છે અને ઠરાવે છે કે કાગળો દફતરે કરવા. પ્રમુખે નિર્ણય આપ્યો કે, આ સુધારામાં કાયદાનો ભંગ અભિપ્રેત છે, માટે તેને હું કાનૂન બહાર ઠરાવું છું. એટલે કૃષ્ણલાલ નરસીલાલે કાળિદાસ ઝવેરીના ટેકાથી બીજો સુધારો મૂક્યો કે, પ્રમુખના સ્કૂલ્સ કમિટી ઉપરના તા. ૧૫-૨-’૨૧ના કાગળથી માંડીને બધા કાગળો દફતરે કરવા. આના ઉપર ઘણા સુધારા રજૂ થયા, તે બધા ઊડી ગયા. છેવટે પ્રમુખના ઠરાવ અને કૃષ્ણલાલના સુધારા પર મત લેવાતાં કૃષ્ણલાલનો સુધારો બહુમતીથી પસાર થયો.

આમ સામસામે પેંતરા રચાવા માંડ્યા. ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે તા. ૧૧-૩-’૨૧ના રોજ પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે, કેળવણી ખાતાને સત્તા છે એ રૂએ હું આવતી કાલે નિશાળની પરીક્ષા લઈશ. પ્રમુખે આ કાગળ સ્કૂલ્સ કમિટીના ચેરમૅનને મોકલ્યો. તેમણે તરત જ પ્રમુખને જવાબ આપ્યો કે, પરીક્ષાઓ તો લેવાઈ ચૂકી છે. માટે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને જણાવવા કૃપા કરશો કે તેઓ ફરી પરીક્ષા લઈ શકે નહીં. ત્યાર બાદ એજ્યુકેશનલ ઇન્સપેકટરે પ્રમુખને કાગળ લખીને જણાવ્યું કે, તમે સ્કૂલ્સ કમિટીને જણાવો કે ચોથા ધોરણની પરીક્ષા અમારા નિયમ પ્રમાણે નહીં લેવાય તો એ વિદ્યાર્થિઓ સરકારી અથવા બીજી સરકારમાન્ય શાળામાં દાખલ થવાને યોગ્ય નહીં ગણાય.

આમ ખેંચાખેંચી ચાલતી હતી. દરમ્યાન તા. ૩-૩-’૨૧ના રોજ કલેક્ટરે પોતાની સત્તાની રૂએ હુકમ કાઢ્યો કે, સ્કૂલ્સ કમિટીનો તા. ૧૧-૨-’૨૧નો ઠરાવ ગેરકાયદે છે. માટે એ ઠરાવનો અમલ પોતે મોકૂફ રખાવે છે અને એ ઠરાવને અનુસરીને કાંઈ પણ કામ કરવાની મ્યુનિસિપાલિટીને મના કરે છે. આ હુકમને પોતાના તા. ૧૮-૩-’૨૧ના હુકમથી કમિશનરે બહાલી આપી.

તા. ૩-૩-’૨૧ના કલેક્ટરના હુકમ ઉપર વિચાર કરવા પ્રમુખે તા. ૧૭-૩-’૨૧ના રોજ જનરલ બોર્ડની ખાસ સભા બોલાવી. તેમાં શ્રી ચાહેવાળા એવો ઠરાવ લાવ્યા કે, કલેક્ટરના હુકમની નોંધ લેવી અને એ હુકમ જાણ માટે અને દોરવણી માટે સ્કૂલ્સ કમિટીને મોકલી આપવો.

આના ઉપર સરદાર સુધારો લાવ્યા કે, કાગળો દફતરે કરવા અને કલેક્ટરને જણાવવું કે:

૧. મ્યુનિસિપલ શાળાઓની પરીક્ષા ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર અથવા તેના મદદનીશના અંકુશ વિના સ્વતંત્ર રીતે લેવાઈ ચૂકી છે.

૨. કલેક્ટરના હુકમમાં સ્કૂલ્સ કમિટીના જે ઠરાવનો ઉલ્લેખ છે તે ઠરાવ જનરલ બોર્ડે ગંભીર વિચારણા પછી નક્કી કરેલી નીતિનું આવશ્યક પરિણામ છે.

૩. ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટની કલમ ૫૪માં જે કામો મ્યુનિસિપાલિટીએ ફરજિયાત કરવાં જ જોઈએ એમ જણાવેલું છે એ કામો કર ભરનારા શહેરીઓની ઈચ્છાને અનુસરીને જ મ્યુનિસિપાલિટી કરી શકે.

૪. શહેરીઓની ઈચ્છાને અનુસરીને મ્યુનિસિપાલિટીએ પોતાની નીતિ નક્કી કરેલી હોવાથી, જો મ્યુનિસિપાલિટીને શહેરીઓની ઈચ્છા વિરુદ્ધ જવાનો જબરદસ્તીથી પ્રયત્ન કરવામાં આવશે તો મ્યુનિસિપાલિટી પાસે શાળાઓ બંધ કરવા સિવાય બીજે કશો વિકલ્પ રહેશે નહીં. જરૂર પડ્યે તેમ કરવાની સ્કૂલ્સ કમિટીને સૂચના આપી દેવામાં આવી છે.

આ સુધારો બહુમતીથી પસાર થયો અને મૂળ ઠરાવ ઊડી ગયો.

પછી તા. ૨૬-૪-’૨૧ના રોજ આસિસ્ટન્ટ ડેપ્યુટી એજયુકેશનલ ઈન્સ્પેક્ટરે સ્કૂલ્સ કમિટીને કાગળ લખીને જણાવ્યું કે, અમે તમારા હિસાબ તપાસવા આવીશું. એનો તે જ દિવસે સ્કૂલ્સ કમિટીના ચૅરમૅને જવાબ આપ્યો કે, અમે સરકારી ગ્રાન્ટ નહીં લેવાનો ઠરાવ કર્યો છે અને તે મુજબ ગ્રાન્ટ લેવાનું બંધ પણ કર્યું છે. એટલે તમારા ખાતાએ હિસાબ તપાસવા આવવાનું કશું કારણ નથી અને મ્યુનિસિપાલિટી સરકારના નિરીક્ષકોને હિસાબ તપાસવા દેવા રાજી નથી.

હજી કેળવણી ખાતાનો વિચાર મ્યુનિસિપાલિટીને વધુ ચકાસી જોવાનો હતો, એટલે એણે ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર પાસે તા. ૧૧-૬–’ર૧ના રોજ મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપર કાગળ લખાવ્યો કે, શહેરની મ્યુનિસિપલ શાળાઓનું નિરીક્ષણ આવતા મહિનામાં હું અને મારા મદદનીશો કરવા આવવાના છીએ તેનો કાર્યક્રમ આ સાથે મોકલું છું. અને તેની મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકોને ખબર આપશો. આમાં યુક્તિ એ હતી કે શાળાના શિક્ષકોને ખબર આપવાની વિનંતી સ્કૂલ્સ કમિટીના ચૅરમૅનને ન કરતાં સીધી મ્યુનિસિપાલિટીના પ્રમુખને કરી હતી. પ્રમુખે કાગળ સ્કૂલ્સ કમિટીના ચેરમેન તરફ રવાના કર્યો. તેમણે એના ઉપર કમિટીમાં ઠરાવ કરાવીને ડેપ્યુટી એજ્યુકેશનલ ઈસ્પેકટરને તા. ૨૯-૬-’૨૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે, અમારી નીતિ અમે ચોક્કસ ઠરાવી દીધી છે અને તેની તમારા ખાતાને સ્પષ્ટ જાણ પણ કરી છે. છતાં તમે નિરીક્ષણ માટે આવવાનું પ્રમુખ સાહેબને લખો છો તેથી મને આશ્ચર્ય થાય છે. અમે તમને નિરીક્ષણ કરવા દેવાના નથી એ જાણશો. આની સાથે જ શિક્ષકોને સર્ક્યુલરથી ખબર આપી કે:

“સરકારી અધિકારીઓ પૈકી કોઈ તમારી શાળાનું ઇન્સ્પેકશન કરવા આવે તો તેને ઇન્સ્પેક્શન કરવા દેવું નહીં, છતાં એ આગ્રહ કરે તો તમારે શાળા બંધ કરી સ્કૂલ્સ કમિટીના ચૅરમૅનને તાત્કાલિક રિપોર્ટ કરવો.”

આમ છતાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને સરસપુરની શાળામાં નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. શાળાના મહેતાજીએ નિરીક્ષણ ન કરવા દીધું અને સ્કૂલ્સ કમિટીના ચૅરમૅન શ્રી બલુભાઈને ખબર આપી. તેઓ શાળામાં ગયા અને પેલા ભાઈને કાગળ લખીને આપ્યો કે:

“હું દિલગીર છું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઠરાવની રૂએ હું આપને શાળાનું ઇન્સ્પેકશન કરવા દઈ શક્તો નથી. મ્યુનિસિપાલિટીનો નિર્ણય લેખી શબ્દોમાં પોતાની પાસે હોવા છતાં મહે○ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબે આપને અત્રે આવવાની ફરજ પાડી છે એ જોઈ હું દિલગીર થાઉં છું. મારી વિશેષ દિલગીરી તો એ માટે છે કે શિષ્ટાચારનો ભંગ થાય અને શિક્ષકો તેમ જ અધિકારીઓની પ્રતિષ્ઠા જનસમાજમાં હલકી પડે તેવો માર્ગ ગ્રહણ કરવાનો હુકમ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબ જેવા જવાબદાર અધિકારી તરફથી કરવામાં આવ્યા છે.”

આ બનાવ બન્યા પછી તરત એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને કાગળ લખીને જણાવ્યું કે, અમે સરકારના કેળવણી ખાતા સાથે કશો સંબંધ રાખવા માગતા નથી. માટે તમારા સઘળા શિક્ષકોને તમારે પાછા બોલાવી લેવા. શિક્ષકોની સંખ્યા ત્રણસો ઉપરની હતી. તેમને પાછા બોલાવી લે તો ક્યાં કામ આપવું એ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આગળ મોટો પ્રશ્ન હતો. અમદાવાદમાં સરકારની કોઈ શાળા નહતી. એટલે એ ગભરાયો. કેળવણી ખાતાના ડાયરેક્ટરની સલાહ લઈને તેણે જણાવ્યું કે, શિક્ષકોને હાલ તુરત પાછા નહીં લઈ શકાય. જવાબમાં મ્યુનિસિપાલિટીએ જણાવ્યું કે, હવે જો શિક્ષકોની માગણી કરશો તો અમારી સગવડે છૂટા કરી શકાશે. પરંતુ એક જ મહિના પછી તા. ૧૬-૨-’૩૧ના રોજ ડી. પી. આઈ.એ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને કાગળ લખીને જણાવ્યું કે, “અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્કૂલ્સ કમિટી કાયદાની વિરુદ્ધ થઈને કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરને પરીક્ષા નથી લેવા દેતી તથા નિરીક્ષણ નથી કરવા દેતી તેથી મ્યુનિસિપાલિટીની નોકરીમાં અત્યારે કામ કરતા શિક્ષકો, જેમની નિયમ પ્રમાણે સરકારી અથવા તો લોકલબૉર્ડની સ્કૂલમાં બદલી કરી શકાય એમ છે તેમને મ્યુનિસિપલ શાળાઓમાં રહેવા દેવાનું શક્ય નથી. માટે આવા શિક્ષકને તમે સીધું જણાવી દેશો કે તેઓ અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર આગળ હાજર થાય. મ્યુનિસિપલ પ્રમુખને પણ જણાવશો કે મ્યુનિસિપલ પ્રાયમરી શાળાઓમાં કામ કરતા તમામ શિક્ષકોને ખબર આપો કે મ્યુનિસિપલ પ્રમુખને આ કાગળ મળેથી દસ દિવસની અંદર ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સમક્ષ હાજર થવામાં જે શિક્ષકો ચૂક કરશે તેઓ સરકારમાંથી પેન્શન મેળવવાનો હક ખોઈ બેસશે અને સરકાર તરફથી ચાલતી, મદદ મેળવતી અથવા માન્ય થયેલી કોઈ પણ શાળામાં કદી પણ નોકરીને માટે લાયક ગણવામાં આવશે નહીં.” શિક્ષકને પોતે કામ આપી શકશે નહીં એમ જાણવા છતાં મ્યુનિસિપાલિટીને નમાવવા અને ધમકીથી શિક્ષકોને પાછા લેવા માટે આ લખાણ કરવામાં આવ્યું હતું.

આ કાગળ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરફથી મ્યુનિસિપલ પ્રમુખને અને મ્યુનિસિપલ પ્રમુખ તરફથી સ્કૂલ્સ કમિટીના ચેરમૅનને પહોંચાડવામાં આવ્યો. સ્કૂલ્સ કમિટીએ તો એક સર્ક્યુલર કાઢીને પગાર પેશનનો પૂરેપૂરો સધિયારો બધા શિક્ષકોને આપ્યો હતો અને જેમને ડર લાગતો હોય તેમને વેળાસર ચાલ્યા જવાની ચેતવણી પણ આપી હતી. છતાં આ કાગળ મળ્યો એટલે સર્ક્યુલર કાઢી તમામ શિક્ષકોને ખબર આપી કે :

"અમદાવાદ મ્યુનિસિપાલિટીની જનરલ બોર્ડની મીટિંગે ગઈ તા. ૧૭-૮-’૨૧ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષકોને સિવિલ સર્વિસ રેગ્યુલેશનના નિયમ મુજબ પેન્શન આપવાનો અને તેમના પગારનો દર સરકારનું કેળવણી ખાતું વખતોવખત મુકરર કરે તેનાથી ઓછો નહીં રાખવાનો ઠરાવ પસાર કર્યો છે.
“છતાં જે શિક્ષકો એ મ્યુનિસિપાલિટીની નોકરીમાં રહેવા ખુશી બતાવી છે તેમાંના કોઈનો પણ વિચાર ફર્યો હોય અને તેમને લોકલબૉર્ડની નોકરીમાં જવાની ઇચ્છા થઈ હોય તો તેમણે તે બાબતની લેખી ખબર તા. ૨૪-૮-’૨૧ને બુધવારની સાંજના પાંચ વાગ્યા સુધીમાં મ્યુનિસિપલ સ્કૂલેાના મહે○

સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને આપી જવી. જેથી તેમને મહે○ ડિરેક્ટર સાહેબે નક્કી કરેલી મુદત દરમિયાન છૂટા કરી મોકલી આપવાની ગોઠવણ કરવામાં આવશે.”

આના જવાબમાં મ્યુનિસિપાલિટીના ત્રણસો ઉપર શિક્ષકોમાંથી માત્ર અગિયાર જ જવા તૈયાર થયા.

કેળવણી ખાતાના ડિરેક્ટરનો કાગળ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટને તા. ૧૮-૮-’૨૧ના રોજ મળ્યો હતો અને તેમાં લખ્યા પ્રમાણે ત્યારથી દસ દિવસ સુધીમાં એટલે તા. ૨૭મી સુધીમાં જે શિક્ષકો મ્યુનિસિપલ નોકરી ન છોડે તેઓને કદી પણ સરકાર સાથે સંબંધ ધરાવતી કોઈ પણ શાળામાં લેવાના ન હતા. છતાં તેમનો ઘા નકામો ગયો એટલે તા. ૨૮-૮-'ર૧ના અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરે ‘ગુજરાતી પંચ’ પત્રમાં નીચે પ્રમાણે જાહેરખબર આપી :

નવી સરકારી પ્રાથમિક શાળાઓ
સરકાર તરફથી કેટલીક પ્રાથમિક શાળાઓ અમદાવાદ શહેરમાં ઉઘાડવાની છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી સરકારી નોકરીમાં પાછા આવનાર શિક્ષકોને જગ્યા આપવામાં આવશે. જે શિક્ષકો સરકારી પેન્શનનો હક અને પાછલી નોકરીનો લાભ ખોવા ઇચ્છતા ન હોય તેમણે મહે○ ડિરેક્ટર સાહેબ બહાદુરના ઠરાવ મુજબ દસ દિવસની અંદર અમને આવીને મળવું.

આ જાહેરખબર તા. ૪થી સપ્ટેમ્બરના અંકમાં ફરી આપવામાં આવી એટલે પેલી ‘પછી કદી પણ નહીં લેવામાં આવે’વાળી ધમકી તો હવામાં ઊડી ગઈ. પછી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરે પોતાની જાહેરખબર મુજબ કેટલીક સરકારી શાળાઓ ખોલી અને વિદ્યાર્થીઓના વાલીઓ ડરીને પોતે ખોલેલી શાળાઓમાં બાળકોને મોકલે એ હેતુથી ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેક્ટરે નીચે મુજબની જાહેરખબર કાઢી :

જાહેરખબર
અમદાવાદ, નડિયાદ અને સુરતની મ્યુનિસિપાલિટીઓએ પોતાના તાબાની શાળાઓને સરકારી અંકુશ અને દેખરેખથી સ્વતંત્ર બનાવવા ઇચ્છા જાહેર કરી છે. તેથી કેળવણી ખાતાના મહે○ ડિરેક્ટર સાહેબના નં. સા. ૧૮ તા. ૩૧-૮-૨૧થી સદરહુ શાળાઓને સરકારે મંજૂર રાખેલી શાળાઓની યાદીમાંથી કાઢી નાખવામાં આવી છે. હવે પછી આ શાળાઓએ આપેલાં લીવિંગ સર્ટિફિકેટો ખાતાએ સ્વીકારેલી કોઈ પણ શાળા સ્વીકારશે નહીં.
૩-૯-'૨૧

પણ સરકારી શાળાઓમાં કોઈ ચકલુંયે ફરક્યું નહીં. પણ આટલેથી અધિકારીઓ અટક્યા નહીં. પોતાના આસિસ્ટન્ટો મારફત લાલચ, ભય, વગેરેનો પ્રચાર કરી શિક્ષકોને ફોડવાના પ્રયત્નો આદર્યા. છતાં માંડ બીજા સાત શિક્ષકો તેમને મળ્યા. સ્કૂલ્સ કમિટીના ચૅરમૅન તરીકે શ્રી બલુભાઈએ ડિરેક્ટરનું ધ્યાન ખેંચ્યું કે, “તમે મારે ત્યાંથી દસ-બાર શિક્ષકો લઈ જાઓ તેનું મને દુઃખ નથી, પણ તમે બાંધેલી મુદતને તમે જ વળગી રહેતા નથી અને તમારા આસિસ્ટન્ટ ખટપટ કરે છે તેથી કેળવણીના ક્ષેત્રમાં શિસ્તનું જે ઊંચા પ્રકારનું ધોરણ હોવું જોઈએ તેને હલકું પાડવામાં આવે છે તે તરફ તમારું ધ્યાન ખેંચું છું.” આનો જવાબ ડિરેક્ટરે મ્યુનિસિપલ પ્રમુખ મારફત આપ્યો કે, “અમારા જે શિક્ષકો અવમાન્ય કરેલી શાળાઓમાં નોકરી કરે છે તેમાંના કોઈને પણ કોઈ પણ વખતે પાછા લેવાનો હક અમે અનામત રાખીએ છીએ.”

મ્યુનિસિપાલિટીને વળગી રહેલા શિક્ષકોને ડરાવવા માટે ખાતાએ સાથે સાથે એક બીજો દાવ પણ ફેંક્યો. ટ્રેનિંગ કૉલેજમાં તાલીમ માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી તરફથી મોકલાયેલા શિક્ષકોને ટ્રેનિંગ કૉલેજમાંથી તા. ૩-૯-’૨૧ના રોજ કાઢી મૂકવામાં આવ્યા. તેની પણ એ શિક્ષકો ઉપર કે બીજા શિક્ષકો ઉપર કશી અસર થઈ નહીં. ઊલટું મ્યુનિસિપાલિટીને પોતાની શિક્ષક સંખ્યામાં એટલો ઉમેરો થયો. ખાતાના ભારે પ્રયત્નો પછી કુલ અઢાર જ શિક્ષકોએ મ્યુનિસિપલ નોકરી છોડી હતી. તેને બદલે મ્યુનિસિપાલિટીને ટ્રેનિંગ કૉલેજમાંથી પાછા ફરેલા ઓગણીસ શિક્ષકો મળ્યા.

મ્યુનિસિપાલિટીને અગવડમાં મૂકવા વળી એક ત્રીજો દાવ કેળવણી ખાતાએ ખેલ્યો. મ્યુનિસિપલ શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પ્રાણલાલ કિરપારામ દેસાઈની નોકરી સરકારે ઉછીની આપેલી હતી. સરકારે તેમને પાછા સરકારી નોકરીમાં આવી જવાનું લખ્યું. સરદાર તથા શ્રી બલુભાઈની સલાહથી શ્રી પ્રાણલાલ દેસાઈએ પોતાની સરકારી નોકરીનું રાજીનામું આપી દીધું અને મ્યુનિસિપલ નોકરીમાં જ રહ્યા. મ્યુનિસિપાલિટીએ રૂ. ૨૦૦થી ૪૦૦ના ગ્રેડમાં તેમની કાયમી નિમણુક કરી. આ નિમણૂકને ઉત્તર વિભાગના કમિશનરની મંજૂરી જોઈએ, તે એણે ન આપી. આમ પોતાના પ્રમોશનનું તદ્દન અનિશ્ચિત થઈ ગયું. છતાં એ જોખમ ખેડીને શ્રી પ્રાણલાલ મ્યુનિસિપાલિટીને વળગી રહ્યા તેની અસર કેળવણી ખાતા ઉપર ઘણી પડી અને તે ગભરાટમાં પડ્યું. આ ઉપરાંત કેળવણી સિવાયની બીજી બાબતમાં પણ મ્યુનિસિપાલિટીને તંગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા.

શહેરમાં રસ્તા પહોળા કરવા માટે તથા બીજાં કેટલાંક કામ માટે મકાનો તથા જમીન ‘એક્વાયર’ કરવાની (સરકાર મારફત ઠરાવેલી કિંમતે વેચવાની માલિકને ફરજ પાડવાની ) જરૂર હતી. સરકારે એ એક્વાયર કરી આપવાની ના પાડી, એમ ચોખ્ખું કહીને કે તમે અસહકાર કરો છો પછી સરકારે તમને શું કામ મદદ કરવી જોઈએ ? પણ મ્યુનિસિપાલિટીને લોકોનો સહકાર અને સાથ એવાં હતાં કે મકાનો અને જમીનના માલિક સાથે વાટાઘાટો કરીને સરકારની દરમ્યાનગીરી વિના મ્યુનિસિપાલિટીને એ મકાનો અને જમીનો મળ્યાં અને શહેરના સુધારાની નક્કી કરેલી યોજના પ્રમાણે મ્યુનિસિપાલિટીનું કામ જરાયે અટક્યા વિના ચાલી શક્યું.

મ્યુનિસિપાલિટીના ટેક્સનો આંકડો નક્કી કરવા માટે ઘરનાં ભાડાંની આંકણી કરવામાં આવે છે અને તેની સામે જેને વાંધો હોય તેમની અપીલ સાંભળવા માટે ખાસ અમલદારો નીમવામાં આવે છે. સરકારને આવા અમલદારો નીમવાનો અધિકાર હોય છે. પણ સરકારે ઉપરના જેવું જ કારણ આપીને અધિકારીઓની નિમણૂક કરવાની ના પાડી. પણ તેથીયે મ્યુનિસિપાલિટીનું કામ અટક્યું નહીં. મ્યુનિસિપલ ઍક્ટ મુજબ ઘરનાં ભાડાંની આંકણી સામેની અપીલો સાંભળવા માટે સરકારે નીમેલા ખાસ અમલદારને બદલે મ્યુનિસિપલ બોર્ડ પોતાના સભ્યોમાંથી ખાસ કમિટીઓ નીમી શકે છે. એટલે એવી કમિટીઓ નીમવામાં આવી. શ્રી દાદાસાહેબ માવળંકર કહે છે કે કમિટીઓમાં નિમાયેલા અમારે આશરે ત્રણ મહિના સુધી રોજ સવારમાં ત્રણ ત્રણ કલાક શહેરમાં આ કામ માટે રખડવું પડેલું, પણ તેથી લોકોને ઊલટો વધારે સંતોષ થયેલો.

આમ સરકારના સઘળા પાસા અવળા પડ્યા અને સરકારના અંકુશ ફગાવી દીધા છતાં અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓને ન તો વિદ્યાર્થીઓની તંગી પડી, ન તો શિક્ષકોની તંગી પડી અને સ્કૂલ્સ કમિટીના ચેરમેન શ્રી બલુભાઈ અને શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી પ્રાણલાલ કિરપારામ દેસાઈ, એ બંનેની બાહોશીને લીધે તથા તમામ શિક્ષકોની હોંશ, ઉત્સાહ અને વફાદારીને લીધે શાળાઓમાં કાર્યદક્ષતાનું ધોરણ બહુ ઊંચું રહ્યું. છેવટે મુંબઈ સરકાર જાતે મેદાનમાં ઊતરી. અત્યાર સુધી ઉત્તર વિભાગના કમિશનર મિ. ઘોષલ હતા. પણ તાજેતરમાં જ તેમની બદલી થઈ હતી અને તેમની જગ્યાએ, પહેલાં ૧૯૧૭માં સરદાર સાથે મલ્લકુસ્તીમાં ઊતરી એમની પહેલવાનીનો સ્વાદ જેઓ ચાખી ચૂકેલા હતા અને ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહની લડતમાં જેમનો અમલદારી તોર કાંઈક ખંડિત થયો હતો, તે મિ. પ્રેટ આવ્યા હતા. પોતાના મનથી પોતે ખોયેલી આબરૂ પાછી મેળવવા તેમણે મ્યુનિસિપાલિટીને ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું.

પ્રથમ તો મ્યુનિસિપાલિટીની સામે જેટલાં તત્ત્વોને ઉશ્કેરી શકાય તેટલાંને ઉશ્કેરનાર અને મ્યુનિસિપલ કાઉન્સિલરી કેટલી અંગત જોખમદારી ખેડી રહ્યા છે તેનું સૂચન કરી તેમને ઢીલા પાડવાના પ્રયત્નો કરનાર એક ઠરાવ તા. ૨૩-૯-’૨૧ના રોજ સરકારે બહાર પાડ્યો :

૧. સરકારની કેળવણી ખાતાને લગતા તા. ૫–૪–’૨૧નો હુકમ નં. ૧૮૩૩ જેની તે વખતે પુષ્કળ જાહેરાત કરવામાં આવી હતી તેનાથી મુંબઈ સરકારે, નડિયાદની મ્યુનિસિપાલિટીએ સરકારી મદદ લેવાને ઇન્કાર કરવાનું તથા પ્રાથમિક કેળવણી ઉપરનો સરકારનો અંકુશ ફગાવી દેવાનું જે કૃત્ય કર્યું હતું તે વિષે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદની અને સુરતની મ્યુનિસિપાલિટીઓએ એ જ જાતના ઠરાવે પસાર કર્યા છે. તેથી મ્યુનિસિપલ કાઉન્સિલરના, કર ભરનારા શહેરીએાના, તેમ જ આમજનતાના હિતાર્થે, આમ કરવાનાં કેટલાંક પરિણામો જે બહુ ઉઘાડાં છે, તે કેવાં આવે અને તેમાંથી કેવી સ્થિતિ ઊભી થાય તે સ્પષ્ટ કરવું જરૂરનું છે.
૨. પહેલો સવાલ તો એ ઊભો થાય છે કે મ્યુનિસિપાલિટીની સત્તા કેટલી બાબતમાં તદ્દન સ્વતંત્ર છે ? આ સંસ્થાઓ મોટાં નગરો તથા મુફસિલ શહેરોમાં મ્યુનિસિપલ કામકાજનો વધારે સારો વહીવટ થાય તે માટે સરકારે કાયદાથી સ્થાપેલી છે. કાયદેસર તેઓ એટલી જ સત્તા ભોગવી શકે જેટલી બૉમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની રૂએ સરકારે તેમને આપેલી હોય. એની મર્યાદામાં રહીને પોતાને મળેલી સત્તાઓ ભોગવવાની તેમને છૂટ છે. પરંતુ સરકાર પાસેથી જે સત્તા તેમને મળી હોય તે ઉપરાંત તેમને કશી સત્તા નથી. જો તેમને એમ લાગતું હોય કે તેમની સત્તાઓ વધારવી જોઈએ તો તે માટે બંધારણીય માર્ગ તો એ છે કે પેાતાના પ્રાંતની ધારાસભા સમક્ષ એને લગતી પોતાની જે દરખાસ્તો હોય તે તેમણે લાવવી. પણ અત્યારે જ જે સત્તાઓ તેઓ ધરાવે છે તેનો દુરુપયેાગ કરવાનું વલણ અખત્યાર કરવાની તેઓ જક પકડી બેઠા છે; તો છે તેથીયે વિશાળ સત્તાઓ માગવાનો તેમનો કેસ મજબૂત થાય છે કે કેમ તે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વિચારવા જેવું છે. છતાં એ વિચાર બાજુએ રાખીએ તોપણ એટલું તો નક્કી છે કે અત્યારે જે સત્તા તેઓ ધરાવે છે અથવા ભવિષ્યમાં ધરાવતા થશે તે સરકારે જ તેમને આપેલી હશે. જે મ્યુનિસિપાલિટી સરકાર સાથેનો સંબંધ ખરેખર કાપી નાખે છે તે શરીરમાંથી કાપીને છૂટા પાડી નાખેલા માણસના હાથ જેવી છે. એટલે કે તે મરી ગયેલી છે.
૩. મ્યુનિસિપલ ઍક્ટની રૂએ કેટલાક નિયમો ઘડવામાં આવેલા છે. એ નિયમો ખુદ કાયદાની કલમો જેટલા જ બંધનકર્તા છે. બધી મ્યુનિસિપાલિટીઓ જાણે છે કે મ્યુનિસિપલ એક્ટની પ૮મી ફલમની રૂએ કારોબારી સરકારે ઘડેલા નિયમથી, સાર્વજનિક કેળવણીની બાબતમાં મ્યુનિસિપાલિટીઓની સ્વતંત્ર સત્તા કેટલી છે તેની મર્યાદા આંકવામાં આવેલી છે. જે કોઈ મ્યુનિસિપાલિટી એ નિયમોનું અતિક્રમણ કરે છે તે તેટલે દરજ્જે પોતાની સત્તાની બહાર જાય છે અને મ્યુનિસિપલ ઍક્ટે તેમના ઉપર મૂકેલી ફરજ અદા કરવામાં ચૂકે છે અને તેથી મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮ તથા ૧૩૯માં જણાવેલા ઉપાયને પાત્ર થાય છે. જો કે સરકારની ઇચ્છા હાલને તબક્કે એ ઉપાયોનો અમલ કરવાની નથી. એને બદલે મ્યુનિસિપાલિટીના કર ભરનારા શહેરીઓ તથા જનતાની સમજદારી ઉપર ભરોસો રાખવાનું એ વધુ પસંદ કરે છે.
૪. મ્યુનિસિપલ વિસ્તારમાં પ્રાથમિક કેળવણીનો ફેલાવો થાય તે માટે મ્યુનિસિપાલિટીની હદમાં રહેનારાઓ સરકારને કર ભરે છે તેમ જ મ્યુનિસિપાલિટીના વેરા પણ ભરે છે. મ્યુનિસિપાલિટી પ્રાથમિક કેળવણી પાછળ જેટલું ખર્ચ કરે તેની અડધી રકમની મદદ સાધારણ રીતે સરકાર આપે છે. એટલે કે એક વર્ષ માં જો એક લાખ રૂપિયા ખર્ચવામાં આવે તો પચાસ હજાર રૂપિયા સરકાર આપે છે અને પચાસ હજાર રૂપિયા મ્યુનિસિપાલિટી આપે છે. જે પચાસ હજાર રૂપિયા સરકાર આપે છે તે ત્યાંના રહીશોએ સરકારને જે કર ભર્યો હોય છે તેમાંથી જ આવે છે. એટલે જો મ્યુનિસિપાલિટી એ પચાસ હજાર લેવાનો ઇન્કાર કરે તો તેણે પ્રાથમિક કેળવણી પાછળ એટલી રકમ ઓછી ખર્ચવી જોઈએ અને એટલે દરજ્જે શહેરીએાનાં બાળકોની કેળવણી રખડાવવી જોઈએ અથવા શહેરીઓ પાસેથી એટલા રૂપિયા ઉઘરાવવા જોઈએ અને એટલે દરજ્જે શહેરીઓના ઉપર બેવડો બોજો નાખવો જોઈએ. આવી નીતિને પસંદ કરવી કે કેમ તે અમદાવાદ, સુરત અને નડિયાદના શહેરીએએ વિચારવું જોઈએ. તેમણે કાં તો પોતાનાં બાળકોની કેળવણી રખડવા દેવી રહી, કાં તો બાળકની કેળવણી માટે બેવડું ખર્ચ આપવું રહ્યું. જો આવી નીતિ તેમને પસંદ ન હોય તો પોતાની ના પસંદગી મ્યુનિસિપલ કાઉન્સિલરોને તેમણે જણાવી દેવી જોઈએ.
૫. ઉપર જણાવેલી ત્રણે મ્યુનિસિપાલિટીઓ બીજો એક અગત્યનો મુદ્દો એ વીસરી ગઈ લાગે છે કે બૉમ્બે ડિસ્ટ્રિકટ મ્યુનિસિપલ એક્ટમાં દર્શાવેલાં કામ માટે જ અને તેમાં જણાવેલી શરતોને આધીન રહીને જ કાયદા પ્રમાણે તેને ખર્ચ કરવાની સત્તા છે, બીજી રીતે નહીં. એટલે ઐક્ની કલમ ૫૮ની રૂએ જે નિયમો ઘડવામાં આવેલા છે તે નિયમોને વેગળા મૂકીને ચલાવેલી શાળાઓ પાછળ તેમણે જે ખર્ચ કર્યું હશે તે રકમ એક્ટની ૪૨મી કલમ પ્રમાણે તેમણે ખોટી રીતે વાપરેલી (misapplied) ગણાશે. દરેક કાઉન્સિલર જેણે આવું ખર્ચ કરવામાં હિસ્સો લીધો હશે તે એ રકમને માટે એ કલમમાં જણાવ્યા પ્રમાણે અંગત રીતે જવાબદાર થશે. જે કાઉન્સિલરોએ સરકારના અંકુશો ફગાવી દેવાની તરફેણમાં મત આપે છે તેઓ, જે કાંઈ ખર્ચ અધિકાર બહાર કરવામાં આવ્યું હશે તેમાં હિસ્સેદાર બન્યા છે. તેમણે વિચારી લેવું રહ્યું કે એક્ટની કલમ ૪૨ અનુસાર પેાતાની અંગત જવાબદારી વધાર્યો જવા દેવી કે કેમ ? આ ઉપરાંત તેમના ઉપર દાવો કરવામાં આવશે તો તેના ખર્ચ માટે પણ તેઓ જવાબદાર થશે. માટે પોતાની ઉપર દરરોજ વધતી જતી જવાબદારી આવી પડે એવા ઠરાવને રદ કરીને પોતાની સ્થિતિ કાયદેસર બનાવી લેવાને પગલાં લેવાનો તેમણે વિચાર કરવો જોઈએ.

૬. બધા પક્ષોને પોતાની સ્થિતિ વિચારી લેવાનો વાજબી વખત મળે એ હેતુથી સરકારે એવો વિચાર રાખ્યો છે કે આગળ કાંઈ પણ પગલાં ભરતાં પહેલાં આ ત્રણે મ્યુનિસિપાલિટી પાસેથી ઑક્ટોબરની આખરે પરિસ્થિતિનો રિપોર્ટ મંગાવવો. પણ ત્યાં સુધીમાં મ્યુનિસિપાલિટીના કર ભરનારા શહેરીઓમાંથી કોઈને પણ જો એવી સલાહ મળે તો તેને કોઈ પણ જવાબદાર કાઉન્સિલર ઉપર દીવાની દાવો લાવવાની કશી રુકાવટ નથી.”

આ ઠરાવ બહાર પડ્યા પછી મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપર દાવો કરાવવાના પ્રયાસ સરકાર તરફથી શરૂ થયા. તેમાં નડિયાદ અને સુરતમાં તો ફાવ્યા નહીં, પરંતુ અમદાવાદમાં એક સરકાનિયુક્ત મ્યુનિસિપલ કાઉન્સિલર પાસે દાવો કરાવવામાં સફળતા મળી. આપણે આગળ જોઈશું કે સરકારે પોતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સત્તર કાઉન્સિલરો ઉપર દાવો કરેલો તે ખર્ચ સાથે નીકળી ગયો તેની સાથે જ આ દાવો પણ નીકળી ગયેલો. અંગત જવાબદારી આવી પડવાના ભયથી અસહકારી કાઉન્સિલરો ડરી જશે અને મ્યુનિસિપાલિટીમાં તેમની બહુમતી તૂટી જશે એવી સરકારે ઉમેદ રાખેલી. પણ તેમાંનું કશું બનવાને બદલે તા. ૨૪-૧૦-’૨૧ની મ્યુનિસિપલ જનરલ બોર્ડની મીટિંગમાં સરદારે શ્રી બલુભાઈના ટેકાથી નીચેની દરખાસ્ત મૂકી તે ભારે બહુમતીથી પસાર થઈ :

“ઠરાવવામાં આવે છે કે તા. ૨૩-૯-’૨૧ના સરકારી ઠરાવની જોહુકમી ભરેલી ભાષાથી અને તેમાં આપેલી સલાહ, જે કર ભરનારા શહેરીઓની ઉશ્કેરણી કરનારી છે અને જે કર ભરનારાઓ પ્રત્યે અમારી ફરજ બજાવવામાં દખલ કરે એવી છે, તેથી આ બોર્ડને દિલગીરી થાય છે.
“આ બોર્ડનો દાવો એવો છે કે કર ભરનારાઓની કેળવણીવિષયક જરૂરિયાતો વિષે સરકાર કરતાં અમે વધારે સમજીએ છીએ અને અમે એમ કહેવા ઇચ્છીએ છીએ કે કર ભરનારાઓની ઇચ્છા સ્પષ્ટ જાણી લઈને તેનો જ માત્ર અમે અમલ કર્યો છે.”

મ્યુનિસિપલ કાઉન્સિલરોને સમજાવી કાંઈ સમાધાન થઈ શકે તો કરવાના હેતુથી સ્થાનિક સ્વરાજ્ય ખાતું જે લોકનિયુક્ત સભ્યોને સોંપાયેલું (transferred subject) હતું તેના પ્રધાન સર રઘુનાથ પરાંજપે અમદાવાદ આવ્યા. તેઓ શેઠ અંબાલાલ સારાભાઈને બંગલે ઊતર્યા હતા. મ્યુનિસિપાલિટીના સહકારી સભ્યો એમને મળવા ગયા પણ સરદાર ન ગયા અને પ્રધાનને મુખ્ય તો એમને જ મળવું હતું. એટલે પરાંજપે સાહેબના કહેવાથી અંબાલાલભાઈએ એમને ચા માટે બોલાવ્યા. વાતચીતમાં સરદારે તો પ્રધાનને ચોખ્ખું પૂછ્યું કે આપણે સમાધાન કરીએ પણ ગવર્નર સાહેબ એ નામંજૂર કરે તો તમે શું કરશો ? સર રઘુનાથ આ પ્રશ્નને માટે તૈયાર નહોતા. સરદારની તો ગળાસુધી ખાતરી હતી કે મ્યુનિસિપાલિટી ભલે કાયદાની હદમાં રહીને લડત ચલાવતી હોય પણ મ્યુનિસિપાલિટીનું પગલું અસહકારની મહાન લડતના એક ભાગરૂપે હતું એ વિષે કોઈ ને શંકા નહોતી. સિવિલિયન નોકરશાહી એ રીતે જ એને ગણતી હતી અને તેની ઉપરવટ થઈને ગવર્નર એક લોકનિયુક્ત ખાતાના પ્રધાનની વાત માને એવી જરાયે આશા નહોતી. સરદારે સર રઘુનાથ સાથે બિલકુલ સમાનતાના નાતાથી વાત કરેલી. મ્યુનિસિપાલિટીના એક પક્ષના નેતા આવી સાફ સાફ વાત પોતાને સંભળાવીને સરકારમાં પોતાનું સ્થાન ક્યાં છે એનું પ્રધાન સાહેબને ભાન કરાવે એ પણ એમને કઠેલું. સરદારના ગયા પછી તેઓ બોલેલા કે, મને આવો સવાલ પૂછવાની એ માણસની ધૃષ્ટતા તો જુઓ ! (Look at the cheek of that man!)

આમ મ્યુનિસિપાલિટી મક્કમ રહી અને તેની શાળાઓ ધમધોકાર ચાલ્યાં કરી એટલે સરકારે છેવટનું પગલું લેવાનો નિશ્ચય કર્યો. તેણે તા. ૭-૧૨-’૨૧ના રોજ નીચેનો ઠરાવ બહાર પાડ્યો :

“મુંબઈ સરકારને ખબર મળી છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ, સને ૧૯૦૧ના બૉમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ની રૂએ સરકારે ઘડેલા નિયમો પૈકી નિયમ નં. ૩ની વિરુદ્ધ જઈ ને, તા. ૨૦-૬-’૨૧ના પોતાના ઠરાવ નં. ૧૮૧થી એવું નક્કી કર્યું છે કે સરકારના ઇન્સ્પેકટરને મ્યુનિસિપલ શાળાઓની પરીક્ષા લેવા દેવી નહીં. મજકૂર ઠરાવને તેમણે અમલમાં પણ મૂક્યો છે. અને તેમ કરીને સદરહુ ઍક્ટની સદરહુ કલમની રૂએ ઘડેલા નિયમોને અધીન રહીને તે નિયમ મુજબ પ્રાથમિક શાળાઓ સદરહુ કાયદા પ્રમાણે ચલાવવાની તેમના ઉપર નાખેલી ફરજ બજાવવામાં કસૂર કરી છે.
“વળી મુંબઈ સરકારને યોગ્ય તપાસ પછી સંતોષપૂર્વક ખાતરી થઈ છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી સદરહુ કસૂર માટે ગુનેગાર છે અને એનો ગુનો ચાલુ જ છે.
“તેથી, સદરહુ કાયદાની કલમ ૧૭૮ પ્રમાણે પોતાને જે સત્તાઓ આપવામાં આવેલી છે તે સત્તાની રૂએ મુંબઈ સરકાર ઉત્તર વિભાગના કમિશનરને ફરમાશ કરે છે કે સદરહુ ફરજો અમદાવાદ મ્યુનિસિપાલિટી બજાવતી થાય તે માટે ચોક્કસ મુદત બાંધવી.”

આ ઠરાવ અનુસાર કમિશનર મિ. પ્રેટે મ્યુનિસિપલ પ્રમુખને તા. ૮-૧ર-’ર૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે, મ્યુનિસિપાલિટીએ કાયદાની રૂએ પોતાની ફરજ બજાવતા થઈ જવાની મુદત તા. ૧૭–૧૨–’૨૧ના રોજ સાંજના પાંચ વાગ્યાની પોતે ઠરાવે છે. તેમણે એમ પણ સૂચવ્યું કે મ્યુનિસિપલ બોર્ડ પાસે આનો વિચાર કરાવવા તમારે જનરલ મીટિંગ તાબડતોબ બોલાવવી.

તા. ૧૨-૧૨-’૨૧ના રોજ મ્યુનિસિપલ બોર્ડની ખાસ મીટિંગ બોલાવવામાં આવી. તેમાં સરકાર અને અસહકારી પક્ષ વચ્ચે સમાધાન કરાવવાના ઉદ્દેશથી દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે :

“અત્યારે પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ તથા નિરીક્ષણને લગતા જે નિયમો કાયદાની રૂએ ઘડવામાં આવેલા છે, તેમાં ગૃહીત કરી લેવામાં આવેલું છે કે બધી મ્યુનિસિપાલિટીઓ પોતાની પ્રાથમિક શાળાઓના નિભાવને અર્થે સરકારી મદદ લેવાની જ; પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ઉત્તરોત્તર વધુ સ્વતંત્રતા આપવાનો સરકારનો અસલ ઉદ્દેશ હોવાથી જે મ્યુનિસિપાલિટીઓ પોતાના જ ફંડમાંથી પ્રાથમિક શાળાઓ ચલાવવા ઇચ્છે તેમને માટે અમુક પ્રકારના નિયમો ઘડવામાં આવે અને જે મ્યુનિસિપાલિટીઓ મદદ લેતી હોય તેમને માટે જુદા પ્રકારના નિયમો ઘડવામાં આવે. આમ કરવાથી જેઓ વધુ જવાબદારી ઉપાડવા અને વધુ સ્વતંત્રતા ભોગવવા ઇચ્છતી હશે તેમને વધુ સત્તા આપી શકાશે અને અત્યારે ઊભું થયેલું ઘર્ષણ દૂર કરી શકાશે.
“આ બાબતનો સત્વર નિર્ણય થવાની જરૂર છે. માટે પ્રમુખને વિનંતી કરવામાં આવે છે કે આ ઠરાવ સીધો સ્થાનિક સ્વરાજ્ય ખાતાના પ્રધાનને મોકલી આપો.”

સરકારને સમાધાન કરવાની તક આપવાના હેતુથી સરદાર અને બીજા કેટલાક ચુસ્ત અસહકારીઓએ તટસ્થ રહી એકે તરફ વોટ આપ્યા નહીં. મ્યુનિસિપાલિટી ગ્રાન્ટ લે કે ન લે પણ સઘળી મ્યુનિસિપાલિટીઓ ઉપર સરકારનો સરખો જ અંકુશ હોવો જોઈએ એવા ચુસ્ત સહકારીઓએ પણ વોટ ન આપ્યા.

એટલે કોઈના વિરોધ વિના દી○ બ○ હરિલાલભાઈનો ઠરાવ પસાર થયો.વળી પાછી તા. ૧૪–૧૨–’૨૧ના રોજ મ્યુનિસિપાલિટીની ખાસ જનરલ મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈનો ઠરાવ પસાર થયો કે, જુદી જાતના નિયમો ઘડવાનું સરકારને સૂચન કરનાર ઠરાવ મ્યુનિસિપાલિટીએ પસાર કર્યો છે, તેથી કમિશનરે સરકારી ઠરાવનો અમલ કરવા માટે તા. ૧૭–૧૨-’૩૧ સુધીની મુદત આપી છે, તે લંબાવવા એમને વિનંતી કરવી.

આ ઠરાવનો કશો જવાબ ન આપતાં ઉત્તર વિભાગના કમિશનરે તા. ૧૭મીના રોજ અમદાવાદના કલેક્ટર મારફત મ્યુનિસિપલ પ્રમુખને હુકમ મોકલાવ્યો કે આજે સાંજના પાંચ વાગ્યાથી સ્કૂલ્સ કમિટીને પ્રાથમિક શાળાઓ ઉપરની તમામ સત્તા અને જવાબદારીઓથી ફારગ કરવામાં આવે છે અને તેણે તેના વહીવટમાં હવે કશી દખલ કરવી નહીં. મ્યુનિસિપલ પ્રમુખને વિનંતી કરવામાં આવે છે કે સઘળી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને તથા સ્કૂલ્સ કમિટીની ઑફિસનો ‘ચાર્જ’ અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરને સોંપી દેવો તથા એ શાળાના ખર્ચ માટે આજથી સાત દિવસની અંદર રૂા. ૭૨,૦૦૦ની રકમ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને હવાલે કરવી.

મ્યુનિસિપલ પ્રમુખે આ હુકમ તા. ૨૩-૧૨-’૩૧ની જનરલ બોર્ડની ખાસ મીટિંગમાં મૂકો એમ શેરો કર્યો. ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તો તા. ૧૮ મીએ શાળાઓ ખૂલે તેવો જ એનો કબજો લેવાના હતા. તેઓ એમ ન કરી શકે માટે તથા કૉંગ્રેસનું અધિવેશન માસની આખરે અમદાવાદમાં ભરાવાનું હોઈ સઘળા કાર્યકર્તાઓ તેમાં રોકાયેલા હતા તેથી સ્કૂલ્સ કમિટીએ સર્ક્યુલર કાઢીને સઘળી શાળાઓમાં એક મહિનાની રજા પાડી દીધી અને તા. ૧૮મીએ સવારે અમદાવાદની પ્રજાને અપીલ કરતી નીચેની પત્રિકા સત્તર મ્યુનિસિપલ કાઉન્સિલરોની સહીથી બહાર પાડી :

“મ્યુનિસિપલ શાળાઓમાં આપનાં બાળકોને પ્રજાકીય કેળવણી મળી શકે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે નીચે સહી કરનારાઓએ આજ સુધી અમારાથી બનતું કર્યું છે. અમારો ચોક્કસ અભિપ્રાય છે કે તેથી બાળકોમાં નવું ચેતન આવ્યું છે. સરકારને એ વાત રુચી નથી. તેથી તેણે સખ્તાઈના ઉપાય લેવાનું શરૂ ક્યું છે. અમદાવાદ, સુરત અને નડિયાદ ત્રણે મ્યુનિસિપાલિટીઓ ઉપર ધાડ આવી છે. સુરત અને નડિયાદ મ્યુનિસિપાલિટીએ સરકારનો આ ઇરાદો જાણી પેાતાની શાળાઓ સ્થાનિક કેળવણી મંડળને સ્વાધીન કરી, છતાં સરકારે તાળાં તોડી જબરદસ્તીથી શાળાઓનો કબજો લીધો છે. અમદાવાદમાં આપણે કૉંગ્રેસને આમંત્રણ કરેલું હોવાથી આખા હિંદુસ્તાનના આગેવાનો આપણે આંગણે પધારવાના છે. ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રેટ ગુજરાતની કેળવણી બાબતમાં અસહકારની પ્રવૃત્તિ જોસભેર ચાલતી જોઈ ગભરાયા છે. તેમનો ઇરાદો કૉંગ્રેસ અને લીગની બેઠકો પહેલાં તે ચળવળને દાબી દેવાનો હોય એમ ચોક્કસ જણાય છે. કૉંગ્રેસના અધિવેશનમાં અંતરાય ઊભું કરવાનું કોઈ પણ બહાનું ન મળે તે માટે અમે તા. ૧૭મીથી એક માસને માટે મ્યુનિસિપલ શાળાઓ બંધ રાખવાનો ઠરાવ કર્યો છે. કમિશનર સાહેબના હુકમથી કેળવણી ખાતાવાળાઓ સ્કૂલ્સ કમિટીની ઑફિસનો કબજો ગઈ કાલે સાંજરે લઈ લીધો છે. અને તેમનો ઇરાદો શાળાઓ ખોલી નાખી શાળાએાનો વહીવટ પોતાના હાથમાં લઈ સરકારી ધોરણસર કેળવણી આપવાનો છે. અમે બધા કૉંગ્રેસના કામમાં રોકાયેલા છીએ તે પ્રસંગનો લાભ લઈ આ પગલું ભરવામાં આવ્યું હોય એમ અમારું માનવું છે. આજ સુધી અમે પ્રજાની ઇચ્છા મુજબ અમારાથી બની તેટલી સેવા કરી છે. અમે આશા રાખીએ છીએ કે કેળવણી ખાતા તરફથી ગમે તેવાં જાહેરનામાં બહાર પાડવામાં આવે તોપણ માબાપ છોકરાંઓને એક મહિનાની રજા દરમિયાન શાળાઓમાં મોકલશે નહીં. અમે કૉંગ્રેસના કામમાંથી છૂટા થયા પછી આ બાબતમાં યોગ્ય ઉપાયો લેવા ચૂકીશું નહીં. જે વખતે દેશના મહાન આગેવાનો કારાગૃહમાં પડેલા છે તે વખતે આપણાં બાળકોની કેળવણી થોડા દિવસ મોકૂફ રહે છે તેથી આપણે કાંઈ ગુમાવવાનું નથી. પ્રજામતની પરીક્ષાનો આ સમય છે. અને તેનો સચોટ જવાબ અમદાવાદની પ્રજા આપશે એવી અમારી ઉમેદ છે.”

તા. ૧૯-૧ર-’ર૧ના રોજ સ્કૂલ્સ કમિટિએ ઠરાવ કર્યો કે,

“ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની ૫૪ કલમમાં દર્શાવેલી ફરજો અમે બરાબર બજવતા રહેલા હોઈ સદરહુ ઍક્ટની કલમ ૧૭૮માં જણાવી છે એવી કોઈ કસૂર અમોએ કરી નથી. તેથી કમિશનરનો હુકમ ગેરકાયદે છે. અમારો એ દૃઢ અભિપ્રાય છે કે મ્યુનિસિપલ પ્રમુખે સ્કૂલ્સ કમિટી અથવા તો ચૅરમેનને પૂછ્યા વિના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને શાળાઓનો વહીવટ સોંપવો જોઈતો ન હતો. વળી આ કમિટી જનરલ બોર્ડને વિનંતી કરે છે કે કમિશનરના હુકમ પ્રમાણે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેકટરને રૂ. ૭૨,૦૦૦ની ૨કમ સોંપવી નહીં.”

મ્યુનિસિપલ પ્રમુખે ઠરાવ્યા પ્રમાણે તા. ૨૩-૧૨-’૨૧ના રોજ જનરલ બોર્ડની મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે,

"એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને તો માત્ર પરીક્ષા લેવાનો અને નિરીક્ષણ કરવાનો અધિકાર છે અને સ્કૂલ્સ કમિટીની કાંઈ કસૂર હોય તો એટલો જ છે કે તેણે એ કરવા ન દીધું. તે સુધારી લેવા કમિશનર વચ્ચે પડી શકે. પણ તેથી સ્કૂલ્સ કમિટી પેાતાની સત્તાઓથી વંચિત થતી નથી. વળી પરીક્ષાઓ તથા નિરીક્ષણ માટે અત્યાર સુધી ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે મ્યુનિસિપાલિટી માટે કાંઈ ખર્ચ લેવાનો શિરસ્તો નથી. માટે રૂા. ૭૨,૦૦૦ની રકમ તેને આપવાની જરૂર નથી ”

આ વખતે અમદાવાદમાં કૉંગ્રેસ ભરાવાની હતી, તેની તડામાર તૈયારીઓ ચાલતી હતી. તેમાં બધા રોકાયેલા હતા અને કાયદાની આંટીઘૂંટીઓની ચર્ચા કરવાની કોઈને ફુરસદ નહોતી. એટલે સરદારે દરખાસ્ત મૂકી કે આ મીટિંગ તા. ૬-૧-’૨૨ સુધી મુલતવી રાખવામાં આવે. એ દરખાસ્ત પસાર થઈ ગઈ.

દરમિયાન, સ્કૂલ્સ કમિટીના સર્ક્યુલરથી શાળાઓ એક માસ માટે બંધ થયેલી હતી તે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરે પોતાના કેટલાક શિક્ષક મારફત ઉઘાડવાનો અને તેનો વહીવટ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજર થયા નહીં. બીજી તરફથી કમિશનરની નાણાંની માગણી ઉપર વિચાર કરી જનરલ બોર્ડ ઠરાવ કરે અને મ્યુનિસિપાલિટી તરફથી જવાબ આપવામાં આવે તે પહેલાં, પોતે ઠરાવેલી મુદત પૂરી થતાં, મ્યુનિસિપાલિટીને ખબર આપ્યા સિવાય ઈમ્પીરિયલ બેંકના મ્યુનિસિપાલિટીના ખાતામાંથી રૂા. ૭૨,૦૦૦ કમિશનરે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરને નામે ચઢાવરાવી દીધા. આ રૂપિયામાંથી રૂપિયા દસ હજાર લઈને પેલા ભાઈ તા. ૫મી જાન્યુઆરીએ મ્યુનિસિપલ શિક્ષકોને પગાર આપવા સારુ ઑફિસમાં ગયા. પરંતુ મ્યુનિસિપલ શિક્ષકોએ તેમની પાસેથી પગાર લેવાની ના પાડી.

પછી તા. ૬-૧-’રરના રોજ જનરલ બોર્ડની મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈ તા. ૨૩-૧૨-’૧ના રોજ જે ઠરાવ લાવેલા તેમાં બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરીને પોતાનો ઠરાવ લાવ્યા. તેમાં દર્શાવ્યું કે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેક્ટરને માત્ર પરીક્ષા લેવાનો અને નિરીક્ષણ કરવાનો જ અધિકાર છે. તેથી સ્કૂલ્સ કમિટી શાળાઓનો કબજો અને વહીવટ ચાલુ રાખશે. વળી બૅન્કમાંથી રૂપિયા ઉપાડવાનું કમિશનરનું કૃત્ય ગેરકાયદે છે. તેથી ઈમ્પીરિયલ બૅન્કને નોટિસ આપવી કે સદરહુ રકમ મ્યુનિસિપાલિટીના ખાતામાં પહેલાં હતી તેમ તેણે ફેરવી નાખવી અને તેમ ન કરે તો તેના ઉપર દાવો માંડવો. આ ઠરાવ ભારે બહુમતીથી પસાર થયો.

કમિશનરને ખાતરી જ હતી કે અસહકારી સભ્યો, એમને સરદાર જેવા આગેવાન મળ્યા હતા એટલે, પોતાના હુકમને ગાંઠવાના નથી અને શાળાઓનો કબજો છોડવાના નથી. વળી એના મનસ્વી અને કાયદાવિરુદ્ધ વર્તનને લીધે દી○ બ○ હરિલાલભાઈ જેવા બિનઅસહકારી સભ્ય પણ ગુસ્સે થયા હતા અને છેવટ છેવટના ભાગમાં તો આ લડતમાં આગેવાનીભર્યો ભાગ તે જ લેતા હતા. જનરલ બોર્ડ જે ઠરાવ કરે તેની નકલ તરત જ પોતાને મોક્લી આપવાનું કમિશનરે મ્યુનિસિપલ પ્રમુખને કહી રાખ્યું હતું. તે મુજબ ચીફ ઑફિસર તેની પાસે તે દિવસે રાતે જ નકલ લઈને ગયા. એણે કલેક્ટર સાથે મસલત કરી તેની પાસે નીચે પ્રમાણે હુકમ કઢાવ્યો. તેના ઉપર તારીખ ૭મીની હતી છતાં છઠ્ઠીએ રાતે જ – લગભગ મધરાતે – મ્યુનિસિપલ પ્રમુખને એ પહોંચાડ્યો :

“અમદાવાદ મ્યુનિસિપાલિટીની તા. ૬-૧-’૨૨ના રોજ મળેલી જનરલ મીટિંગનાં પ્રોસીડિંગ્સ વાંચીને કલેક્ટરનો એ અભિપ્રાય છે કે પ્રાથમિક શાળાઓ વિષે જનરલ બોર્ડના ઠરાવનો નીચેનો ભાગ કે ‘ઉત્તર વિભાગના કમિશનરને જણાવવું કે સ્કૂલ્સ કમિટી શાળાઓ નિભાવવાનું અને તેને વહીવટ કરવાનું ચાલુ રાખશે અને અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને નિરીક્ષણ કરવાની તેની કહેવાતી ફરજ બજાવવા ઉપરાંત બીજી દરમિયાનગીરી કરવાની કશી સત્તા રહેશે નહીં.’ એ ગેરકાયદે છે, કારણ તેથી ઉત્તર વિભાગના કમિશનરે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૮ (૨) અને (3) મુજબ કાઢેલો હુકમ અસરકારક રહેતો નથી.
“તેથી કલેક્ટર કલમ ૧૭૪ (૧) મુજબ સદરહુ ઠરાવના ઉપર જણાવેલા ભાગનો અમલ કરવાની અટકાયત કરે છે. અને મ્યુનિસિપલ પ્રમુખને હુકમ કરે છે કે, તેમણે એનો અમલ કરવો નહીં.”

છઠ્ઠીએ રાતે કલેક્ટર અને કમિશનરને બંગલે કેવી દોડાદોડી થઈ અને શા શા તાગડા રચાયા તેની બધી ખબર સરદારને પોતાના માણસો મારફત રાતે જ પડી ગઈ હતી. શિરસ્તા પ્રમાણે તો આ હુકમ મ્યુનિસિપલ ઑફિસમાં ચીફ ઑફિસર બારેક વાગ્યે આવે ત્યારે મ્યુનિસિપલ પ્રમુખ તેમને પહોંચાડે. તે પહેલાં સાતમીએ સવારે સરદારે સ્કૂલ્સ કમિટીની મીટિંગ બોલાવરાવી અને શિક્ષકોને પગાર મ્યુનિસિપલ ટ્રેઝરીમાંથી ચૂકવી દેવાનો ઠરાવ કરાવ્યો. ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટંટને ચેક ઉપર સહી કરવાની સત્તા હોય છે એટલે એને બોલાવી પગારની રકમનો ચેક લખાવી દસ વાગ્યે બૅન્ક ઊઘડે કે તરત ચેકનાં નાણાં મંગાવી સ્કૂલ્સ કમિટીના ચેરમૅને શિક્ષકનો પગાર વહેંચી દીધો. ચીફ ઓફિસર બાર વાગ્યે ઓફિસમાં આવ્યા. રાતની બધી વાતમાં પોતે શામેલ હતા એટલે કલેક્ટરના હુકમની એમને ખબર તો હતી જ. છતાં મ્યુનિસિપલ પ્રમુખ મારફત એ હુકમની નકલ પોતે આવ્યા ત્યારે મળી અને તે સ્કૂલ્સ કમિટીને પહોંચાડે તથા એનો અમલ કરે તે પહેલાં તો શિક્ષકોનો પગાર વહેંચાઈ પણ ગયો હતો.

ચીફ ઑફિસરના આવ્યા પછી કલેક્ટરના હુકમની નકલ મેનેજિંગ કમિટીના ચૅરમૅન તરીકે સરદારને શિરસ્તા પ્રમાણે મળી. સરદારે તરત ચીફ ઑફિસરને યાદી લખી કે, “ગઈ કાલની મીટિંગ થયા પછી તરત પ્રોસીડિંગ્સની નકલ કલેક્ટરને શી રીતે મળી તે જણાવો.” ચીફ ઑફિસરે જવાબ આપ્યો કે, કલેક્ટરે મોઢે હુકમ આપ્યો હતો તેથી તે જ રાતે પ્રમુખ સાહેબની સહી લઈને એ તેમને પહોંચાડવામાં આવી હતી.” સરદારે તુરત જ મૅનેજિંગ કમિટીની મીટિંગ બોલાવી નીચે પ્રમાણે ઠરાવ પસાર કરાવ્યો :

“આ કમિટીને એ જોઈ ને બહુ દુ:ખ થાય છે કે મ્યુનિસિપાલિટી સાથે સંબંધ ધરાવતા જવાબદાર માણસોએ મ્યુનિસિપાલિટીને તકલીફમાં ઉતારવાના ચેાખ્ખા ઇરાદાથી બોર્ડનો ઠરાવ સ્થગિત રખાવવા માટે કલેક્ટરને બંગલે રાતોરાત દોડાદોડી કરવાની કારવાઈમાં ભાગ લીધો છે. ઠરાવ પસાર થાય તે જ રાતે તેની નકલ મેળવવા કલેક્ટર આતુર છે એમ પ્રમુખ સાહેબે અથવા ચીફ ઑફિસરે મ્યુનિસિપલ મેમ્બરને જણાવવાનું ઉચિત ન માન્યું એ દુઃખની વાત છે. એ ઉઘાડું દેખાય છે કે ઠરાવના અમુક ભાગને સ્થગિત કરનારો હુકમ છઠ્ઠીએ રાતે જ પસાર કરેલો હોવો જોઈએ અને તા. ૭મીએ ઑફિસ વખતની બહુ અગાઉ પ્રમુખ સાહેબ અથવા ચીફ ઑફિસરને મળી ગયેલો હોવો જોઈએ. આ કમિટીનો એવો અભિપ્રાય છે કે મ્યુનિસિપલ પ્રોસીડિંગ્સની નકલો કોઈ પણ સરકારી અમલદારને ઑફિસના ચાલુ શિરસ્તાની બહાર જઈને મૅનેજિંગ કમિટીની પરવાનગી સિવાય આપવી જોઈએ નહીં. સ્થગિત કરવાના હુકમની બાબતમાં કમિટી જણાવે છે કે, ઠરાવનો સ્થગિત કરેલો ભાગ અમલી સ્વરૂપનો નહીં હોવાથી સ્થગિત કરવાનો હુકમ નિરર્થક છે. સ્કૂલ્સ કમિટીને મ્યુનિસિપલ શાળાઓ નિભાવવાની તથા તેનો વહીવટ કરવાની જે સત્તા છે તે કાંઈ કલેક્ટરે સ્થગિત કરેલા ઠરાવથી મળેલી નથી. તેથી સ્કૂલ્સ કમિટીની મજકૂર સત્તા જે એને કાયદાથી મળેલી છે તેને કલેક્ટરના સ્થગિત કરવાના હુકમથી કશો બાધ આવતો નથી. સ્થગિત કરવાના હુકમનો અર્થ તો એટલો જ થાય છે કે સ્કૂલ્સ કમિટીના અધિકાર અને સત્તા ચાલુ જ રહે છે એની કમિશનરને ખબર આપવી નહીં પણ એમ જણાય છે કે પોતે જે પગલું લીધું છે તેની કમિશનરને જાણ કરીને કલેક્ટરે એને ખબર આપી જ દીધી છે. તેથી આ કમિટી ભલામણ કરે છે કે કલેક્ટરનો હુકમ ફાઇલ કરવો. કાગળો સ્કૂલ્સ કમિટી મારફત જનરલ બોર્ડ તરફ રવાના કરવા.”

કલેક્ટરના હુકમમાં રહી ગયેલી ગંભીર ખામી મૅનેજિંગ કમિટીએ પોતાના ઉપરના ઠરાવમાં બહાર પાડી તે હકીકતની જાણ કમિશનરને તુરતાતુરત મ્યુનિસિપાલિટીના કોઈ અમલદારે કરી હોવી જોઈએ. એટલે કમિશનરે તે જ દિવસે મ્યુનિસિપાલિટીને પોતાનો સુધારેલો હુકમ પહોંચાડ્યો :

“વસ્તુરિથતિ તદ્દન સ્પષ્ટ થાય તે ખાતર કલેક્ટરના હુકમમાં હું ફેરફાર કરું છું અને નીચેનો હુકમ મોકલી આપું છું :
“મ્યુનિસિપાલિટીના તા. ૬-૧-’૧૨ના ઠરાવ ઉપરથી જણાય છે કે કમિશનરના કલમ ૧૭૮ (૨) મુજબના તા. ૨૭–૧૨–’૨૧ના રોજના હુકમનું મ્યુનિસિપાલિટી ગેરકાયદે રીતે ઉલ્લંધન કરવાનો ઇરાદો રાખે છે અને સ્કૂલ્સ કમિટી મારફત જ પોતાની શાળાઓ નિભાવવાનું અને તેનો વહીવટ કરવાનું ચાલુ રાખવાનો ઇરાદો રાખે છે. તેથી ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૪ અનુસાર આપવામાં આવેલી સત્તાની રૂએ હું મ્યુનિસિપાલિટીને મનાઈ ફરમાવું છું કે જ્યાં સુધી ઉપર જણાવેલ કમિશનરનો હુકમ ઊભો છે ત્યાં સુધી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને નિભાવવાનું તથા તેનો વહીવટ કરવાનું કામ મ્યુનિસિપાલિટીએ કરવું નહીં.”

આમ સાતમી તારીખે આખો દિવસ તડાતડી ચાલી. પગાર માટે ચેક કાઢ્યો તે બાબત ઑડિટરે વાંધો ઉઠાવેલો. પણ મૅનેજિંગ કમિટીએ તેનો વાંધો ઉડાવી દીધો એટલે એ પણ ગભરાટમાં પડ્યો. કલેક્ટરનો હુકમ બાજુએ રહી ગયો અને શિક્ષકોનો પગાર વહેંચાયો. પર્સનલ આસિસ્ટંટ જેણે ચેક ઉપર સહી કરેલી તેને પણ ચીફ ઑફિસરે ગભરાવેલો કે તમારે સ્કૂલ્સ કમિટીનાં બિલ કે ચેક ઉપર સહી ન કરવી જોઈએ. એટલે એણે મૅનેજિંગ કમિટીને લેખી સવાલ પૂછ્યો કે, આવા પરસ્પર વિરોધી હુકમ હોય ત્યાં મારે શું કરવું ? કલેક્ટર અને કમિશનરનો હુકમો મ્યુનિસિપલ નોકરોને મ્યુનિસિપલ બોર્ડના હુકમનો અમલ કરતાં રોકે છે કે કેમ ?

આના ઉપર સરદારે મૅનેજિંગ કમિટી પાસે તા. ૯-૧-’૨૨ના રોજ નીચે પ્રમાણે ઠરાવ કરાવ્યો :

“કમિટીનો એ અભિપ્રાય છે કે કલેક્ટર અથવા કમિશનરના હુકમને લીધે મ્યુનિસિપલ બોર્ડના સ્પષ્ટ ઠરાવનો જાણીજોઈ ને અનાદર કરવાનું કોઈ પણ મ્યુનિસિપલ નોકરને કારણ મળતું નથી. કલેક્ટર અને કમિશનરના હુકમો મ્યુનિસિપાલિટી પ્રત્યે હોય છે, મ્યુનિસિપાલિટીના અમલદારો પ્રત્યે હોતા નથી. વળી આ કમિટીનો અભિપ્રાય છે કે એ હુકમો તેમના અધિકાર બહારના અને ગેરકાયદે છે. આવા હુકમનું કાયદેસરપણું તથા લાગુ પડવાપણું, એનો વિચાર બોર્ડે કરવાનો છે. બોર્ડના નિર્ણયોના ખરાપણા વિષે પ્રશ્ન ઉઠાવવાનો મ્યુનિસિપલ અમલદારોને અધિકાર નથી. કલેક્ટર તથા કમિશનરના મ્યુનિસિપાલિટી ઉપરના હુકમોના વાજબીપણા કે ગેરવાજબીપણાનો વિચાર કરવાનો તથા તે માનવાલાયક છે કે કેમ તેનો છેવટનો નિર્ણય કરવાનો અધિકાર બોર્ડને છે. એટલે જ્યાં સુધી કલેક્ટર કે કમિશનરના હુકમને અનુસરીને બોર્ડે પોતાનો નિર્ણય ન ફેરવ્યો હોય ત્યાં સુધી પર્સનલ આસિસ્ટન્ટ તથા મ્યુનિસિપલ તિજોરી અમલદાર, જેઓ મ્યુનિસિપાલિટીના નોકરો છે, તેઓ બોર્ડના નિર્ણયને માનવાને બંધાયેલા છે. શિસ્ત જળવાય તે ખાતર જો જરૂર પડશે તે બોર્ડના નિર્ણયનો અમલ કરાવવા માટે કમિટીને બંદોબસ્ત સાચવવાની પોતાની સત્તાઓ વાપરવાની દુ:ખદાયક ફરજ બજાવવી પડશે. ગમે તેવા ઊંચા હોદ્દાના અમલદાર પણ જો આજ્ઞાભંગ કરશે તો આ કમિટી તે સાંખી લેશે નહીં. ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટંટ આ ઠરાવની નોંધ લે અને ઑડિટર તથા બીજા તિજોરી અમલદારોને તેની જાણ કરે. મૅનેજિંગ કમિટી ફરમાવે છે કે સ્કૂલ્સ કમિટીએ રજૂ કરેલા ચેકોનાં નાણાં તત્કાળ ચૂકવાવાં જોઈએ.”

ચીફ ઑફિસર અને ઑડિટર જેઓ તા. ૭મીએ શિક્ષકોનો પગાર ચૂકવાયો તે સંબંધમાં ઊંચાનીચા થયા હતા અને મ્યુનિસિપલ નોકર હોવા છતાં જેમની વફાદારી સરકાર તરફ ઢળતી હતી તેઓ આ ઠરાવ વાંચીને ઠંડાગાર થઈ ગયા. એમણે જોયું કે અહીં રહેવામાં પોતાની ખેરિયત નથી એટલે તે ને તે દિવસે રજા ઉપર ઉતરી ગયા.

પછી તા. ૧૬–૧–’૨રના રોજ મ્યુનિસિપલ બોર્ડની ખાસ જનરલ મીટિંગ થઈ. એમાં તા. ૬ઠ્ઠીએ રાતે શા માટે મ્યુનિસિપલ બોર્ડનો ઠરાવ કલેક્ટરને પહોંચાડવામાં આવ્યો, કયા મ્યુનિસિપલ અમલદારો કે કાઉન્સિલરો કલેક્ટરને બંગલે ગયા હતા અને મ્યુનિસિપલ શિક્ષકોને પગાર આપતાં સ્કૂલ્સ કમિટીને અટકાવવા માટે ત્યાં કેવી મસલત થઈ હતી વગેરે સવાલો પ્રમુખને સરદારે પુછ્યા. પછી દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે :

“કલેક્ટરના હુકમથી તો બોર્ડના ઠરાવનો, સ્કૂલ્સ કમિટી શાળાઓને વહીવટ ચાલુ રાખશે વગેરે બાબતોની મ્યુનિસિપાલિટીએ કમિશનરને ખબર આપવા બાબતનો જ ભાગ સ્થગિત થાય છે. એટલે એ હુકમનો કશો અર્થ નથી. તમે કહો છો કે ખબર ન આપવી તો અમે ખબર નહી આપીએ. પછી કમિશનરે બીજો હુકમ મોકલ્યો છે પણ એ એના અધિકારની બહારનો છે. મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૧૭૪ (૨) અનુસાર એને કલેક્ટરનો હુકમ રદ કરવાની અથવા કશા પણ ફેરફાર કર્યા વિના ચાલુ રાખવાની જ સત્તા છે. તેને બદલે તે તો બીજો નવો જ હુકમ મોકલે છે. વળી એ હુકમ પણ ગેરકાયદે છે, કારણ પ્રાથમિક શાળાઓ ચલાવવાની મ્યુનિસિપાલિટીને જે સત્તા છે તે સત્તાનો ઉપયેાગ કરતાં કોઈ તેને રોકી શકતું નથી. માટે બધા કાગળો દફતરે કરવા. સ્કૂલ્સ કમિટી તથા મૅનેજિંગ કમિટીએ મ્યુનિસિપલ તિજોરીમાંથી શિક્ષકોને પગાર આપ્યો છે તેને આ બોર્ડ મંજૂરી આપે છે.”

આ ઠરાવ બહુમતીથી પસાર થયો. આ ઠરાવની નકલ સ્થાનિક સ્વરાજ્ય ખાતાના પ્રધાન ઉપર મોકલી તેમને વચ્ચે પડવાની વિનંતી કરવામાં આવી. તેમના તરફથી જવાબ આવ્યો કે, “ઠરાવ ગવર્નર-ઇન-કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.” પણ તેને જવાબ આપવો ભારે થઈ પડ્યો હશે અને કમિશનર સાહેબને ખાતરી થઈ જ ગઈ હતી કે કોઈ રીતે મ્યુનિસિપાલિટીને નમાવી શકાય એમ નથી, એટલે છેવટે ૯-૨-’૨૨ના રોજ મ્યુનિસિપલ બોર્ડને સરકારી હુકમથી બરતરફ કરવામાં આવ્યું.

શાળાઓના કબજાની અને વહીવટની લડત ચાલતી હતી તે દરમિયાન મ્યુનિસિપાલિટીને બીજી રીતે હેરાન કરવાના પ્રયત્ન કમિશનર સાહેબે ઓછા નહોતા કર્યા તે આપણે ઉપર જોઈ ગયા છીએ. આ બધી તડાતડી થઈ ત્યાર પછી ‘નવજીવન’ના પ્રતિનિધિએ સરદારની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ બોર્ડમાં અસહકાર પક્ષનું કેટલું બળ છે એ સવાલના જવાબમાં સરદારે આપેલો જવાબ નોંધવા જેવો છે :

“હાલના બોર્ડની મુદત પૂરી થવા આવી છે. ફક્ત બે જ માસ ખૂટે છે. હાલના બોર્ડમાં અમારી બહુમતી ઘણી થોડી છે. પરંતુ કમિશનર સાહેબની આપખુદીથી તેમ જ મ્યુનિસિપાલિટીને સતાવવામાં તેમણે વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરેલું હોવાથી કેટલાક ચુસ્ત સહકારી સભ્યો પણ હાલની લડાઈમાં અમારી સાથે સંપૂર્ણ રીતે સામેલ છે. ખરી રીતે અત્યારે મ્યુનિસિપાલિટી અને કમિશનર વચ્ચે ચાલતી લડતમાં આગેવાનીભર્યો ભાગ કેટલાક સહકારી ભાઈઓ એ જ લીધો છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સહકારી અને અસહકારી સભ્યો વચ્ચે કાંઈ કડવાશની લાગણી નથી એટલું જ નહીં, પરંતુ અસહકાર શરૂ થતાં પહેલાં અમારે એકબીજા સાથે જેટલી મિત્રાચારી હતી તેટલી જ અમે જાળવી રહ્યા છીએ. અને એકબીજાની લાગણી કોઈ પણ રીતે દુભાય નહીં તે સારુ બન્ને પક્ષ હમેશાં ઇંતેજાર રહ્યા છે.”

મ્યુનિસિપાલિટીને બરતરફ કર્યા પછી સરદારે એ વિષે તા. ૧૯-ર-’૨રના ‘નવજીવન' માં એક લેખ લખી સરકારના હુકમો કેવા ગેરકાયદે હતા તે બતાવ્યું. વળી બરતરફીનો ઠરાવ પણ હિંદી સરકારની નીતિથી કેવો વિરુદ્ધ હતો તે પણ બહુ સચોટ રીતે દર્શાવ્યું. એ ભાગ નીચે ઉતાર્યો છે:

“મૉન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા બહાર પડ્યા પછી સને ૧૯૧૮ના મે માસમાં સ્થાનિક સ્વરાજ્યની નીતિ ઉપર હિંદી સરકારે એક ઠરાવ બહાર પાડ્યો હતો. . . . સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભૂલો કરવા તેમ જ તે ભૂલોને અનુભવથી સુધારવાની જેમ બને તેમ પૂરતી તક આપવી અને સરકારી અમલદારોએ તેમના વહીવટમાં દખલગીરી કરવી નહીં, એ વાત સદરહુ ઠરાવમાં મુખ્ય સિદ્ધાંતરૂપે સ્વીકારવામાં આવી છે. ઠરાવમાં કહ્યું છે :
“‘આ ઠરાવના આરંભમાં જ જણાવ્યું છે તેમ હિંદ સરકારનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ખાસ ગંભીર ગેરવહીવટવાળા દાખલાઓ સિવાય બીજે બધે જ સ્થાનિક મંડળો ભૂલો કરે છે તેવી ભૂલો કરવા દઈને પણ એવી ભૂલોથી જ એમને શીખવા દેવાનું અને તેમની વ્યવસ્થામાં અંદરથી કે બહારથી દખલ ન કરવાનું ધોરણ રાખવું. આથી ઉપર જણાવ્યા મુજબના ક્વચિત અપવાદ સિવાય એવી દખલગીરીની કશી જ સંગીન સત્તા સરકારી અમલદારોને આપવાની હિંદી સરકારની ધારણા નથી અને તેને ઉમેદ છે કે આમ કાયદાથી મળતી વધુ વિશાળ સત્તાનો ઉપયોગ કરવામાં ઉપર જણાવેલા સિદ્ધાંતને નજર સામે રાખવામાં આવશે. વળી કોઈ પ્રસંગે કાયદાથી મળતા આકરા ઇલાજો લેવાની સત્તા ચલાવતાં પહેલાં પ્રાંતિક સરકારે મ્યુનિસિપલ અગર સ્થાનિક મંડળોને ફારગ કરી નાખી નવેસર ચૂંટણી કરવાનો હુકમ કાઢવાનું પગલું લેવું અને મ્યુનિસિપાલિટીને સીધી સજા કરવાનું પગલું ટાળવું.”
“અમદાવાદ જેવી સરકારી અહેવાલમાં પણ કાબેલ તરીકે પંકાયેલી મ્યુનિસિપાલિટીના વહીવટમાં પણ વારંવાર દખલ કરીને સ્થાનિક અમલદારોએ હિંદ સરકારના આ ઠરાવનું હડહડતું ઉલ્લંધન કર્યું છે. તેને મુંબઈ સરકારે આ બરતરફીનો હુકમ કરી બહાલી આપી છે. . . .હિંદ સરકારના ઠરાવમાં આગળ કહ્યું છે કે :
“‘વળી આ ઠરાવની ઘણીખરી સૂચનાઓનો અમલ, કાયદામાં ફેરફાર કરવાની રાહ જોયા વગર જ કરી શકાય તેમ છે અને તેથી જ્યાં તેમ થઈ શકે તેમ હોય ત્યાં વગર ઢીલે તેવો અમલ કરવો.”
“અમદાવાદ મ્યુનિસિપાલિટીની બાબતમાં તો મ્યુનિસિપલ ઍક્ટમાં કશા ફેરફાર કર્યા વગર જ મુંબઈ સરકાર વડી સરકારની ઉપલી ભલામણનો અમલ કરી શકે તેમ હતું, કારણ નવી ચૂંટણીનો સમય છેક નજીક આવી પહોંચ્યો હતો. ચૂંટણીની તારીખો સુદ્ધાં મુકરર થઈ ચૂકી હતી અને મિલમાલેકો તરફના પ્રતિનિધિની ચૂંટણી તો થઈ પણ ગઈ હતી. આટલું છતાંયે બધા રીતસરના રસ્તા વીંટાળી મૂકી એકે સ૫ાટે મ્યુનિસિપાલિટીને બરતરફ કરીને મુંબઈ સરકારે હિંદ સરકારની ભલામણનો ચોખ્ખો અનાદર કર્યો છે.”