← નિવેદન સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
પ્રસ્તાવના
નરહરિ પરીખ
માતાપિતા →


.


પ્રસ્તાવના

સરદાર એક વખત બોલેલા : “મેં તો ધારેલું કે બાપુના જીવનચરિત્રની સાથે મહાદેવ આપણું પણ જીવનચરિત્ર લખશે. તેણે બધી નોંધો કરી રાખેલી છે અને બધા પ્રસંગોમાં તે હાજર અને ઓતપ્રેત હોવાથી તેની પાસે રજેરજ વિગતની માહિતી છે. પણ ઈશ્વરની કળા અકળ છે.” આ જીવનચરિત્ર લખવાની પરિપૂર્ણ યોગ્યતા મહાદેવભાઈની જ હતી. તેઓનું અધૂરું છોડેલું કામ મારાથી થઈ શકે તેવું હોય તો યથાશક્તિ આગળ ચલાવવું એ લાગણીથી આ કામ હાથમાં લેવાનું મેં સાહસ કર્યું છે. પણ તેમની અદ્‌ભુત સાહિત્યિક કળા અને મૌલિક શૈલી હું ક્યાંથી લાવું ? મારામાં એ વસ્તુ નથી એની મને બરાબર ખબર છે. તેથી જ, જેને જીવનચરિત્ર કહી શકાય, જેમાં ચરિત્રનાયકના જીવનનું, ચાલુ જમાના ઉપર પડેલી અને ભવિષ્યના જમાના ઉપર પડનારી તેની અસરનું યોગ્ય મૂલ્યાંકન કરેલું હોય, એવું કશું કરવાનો મેં પ્રયત્ન નથી કર્યો. મેં તો સરદારના જીવનચરિત્ર માટે જે સામગ્રી મને મળી તે મને આવડી તેવી રીતે ગોઠવીને રજૂ કરી છે અને એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું વર્ણન કર્યું છે. મારો આ સંગ્રહ સાહિત્યિક શક્તિવાળા સમર્થ ચરિત્રકારને કામમાં આવે તો મારા પ્રયત્નને હું સાર્થક માનીશ.

અને આવું કામ કરવાનો પણ મને ખ્યાલ નહીં આવેલો. પણ ૧૯૪પમાં જેલમાંથી બહાર આવ્યા પછી મણિબહેન મને કહ્યા જ કરતાં હતાં કે બાપુ (સરદાર) નું જીવનચરિત્ર કોણ લખશે ? તમારે જ એ કામ કરવું જોઈએ. મહાદેવભાઈ હોત તો તો એ કરત. પણ એ તો ગયા. હું કહેતો કે એવું લખવાની મારામાં કળા ક્યાં છે ? તેના જવાબમાં એ કહેતાં કે જેવું લખી શકો એવું પણ તમારે જ લખવું જોઈએ. મારી પાસે બધી ફાઈલો પડેલી છે પણ આપણા અંગત મંડળના પૂરેપૂરા વિશ્વાસુ માણસ સિવાય એ હું કોને આપું ? આમ તેમના લાગટ આગ્રહને વશ થઈ મેં હા પાડી. અને મણિબહેને પોતાની પાસે જેટલી સામગ્રી હતી તે બધી મને સોંપી દીધી, એટલે સુધી કે પોતાની ડાયરીઓ જેમાં તેમની અંગત અને ખાનગી ગણાય એવી બાબતો લખેલી છે તે પણ મારા માગ્યા વિના મને આપી. આ કામ હાથ ધરવામાં મને વધારેમાં વધારે આગ્રહ અને મોટામાં મોટી પ્રેરણા મણિબહેનની છે.

સરદારનો મારી ઉપરનો વિશ્વાસ અને પ્રેમ એ પણ આ પુસ્તક લખવાનું સ્વીકારવામાં મોટું કારણ છે. સરદાર મને એ વખતે ન ઓળખતા હોય પણ હું એમને ૧૯૧૪થી ઓળખતો. ત્યાર પછી વકીલાતના કામને અંગે બેએક વાર એમના પ્રસંગમાં આવવાનું બનેલું. પછી ૧૯૧૭માં હું આશ્રમમાં દાખલ થયો અને એ પણ ગાંધીજીના સમાગમમાં આવ્યા ત્યારથી તેઓ હમેશાં મને એક નાના ભાઈ તરીકે ગણતા આવ્યા છે. આ તેત્રીસ વરસના તેમના નિકટ પરિચયમાં તેમના એક વિશ્વાસુ સાથી તરીકે કામ કરવાનો લહાવો મને બહુ મળ્યો છે. તેમાં કોઈ કોઈ વાર તેમને દૂભવ્યાના પણ પ્રસંગો બન્યા છે. તેમની વાત હું બરાબર ન સમજી શક્યો હોઉં તે કારણે, અથવા મારી ભિન્ન માન્યતાને લીધે ન સ્વીકારી શક્યો હોઉં તે કારણે તેમનું કહ્યું મેં નથી માન્યું એવું કોઈ કોાઈ વાર બન્યું છે. પણ તેથી મારા પ્રત્યેના મમત્વમાં અને પ્રેમભાવમાં તેમણે રજ પણ ન્યૂનતા આણી નથી. એમને બરાબર ન ઓળખી શક્યા હોય એવા માણસોમાં એવી એક માન્યતા પ્રચલિત છે કે જે એમનો વિરોધ કરે એને જડમૂળથી ઉખેડી નાખવાનો એમનો સ્વભાવ છે. મને એમ જણાયું છે કે કોઈ માણસ દેશને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતો હોય અથવા સેવાને નામે પોતાનો સ્વાર્થ સાધવાની પેરવી કરતો હોય તો તેનું તેઓ ચાલવા ન દે અથવા તેને ફાવવા પણ ન દે એ ખરું; પણ કોઈ માણસ પ્રમાણિકપણે એમનાથી ભિન્ન મત ધરાવે અને તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિ ચલાવે, એની કશી હાડછેડ તેઓ કરતા નથી પણ તેની કદર કરે છે.

સરદાર લોખંડી પુરુષ કહેવાય છે. જાહેર કામકાજમાં પોતાના વિરોધી અથવા તો પોતાના પક્ષમાં પેસી ગયેલા ખોટ્ટા માણસોને માટે એ લોખંડી પુરુષ કદાચ ગણાય, પણ અંગત સંબંધો અને વ્યવહારમાં તો મેં એમને એટલી નરમાશવાળા અને ‘હશે, જતું કરો’ એવી ઉપેક્ષાવૃત્તિવાળા જોયા છે કે એમના લોખંડીપણા વિષે શંકા ઉત્પન્ન થાય. જાહેર જીવનમાં એ વજ્રથી પણ કઠોર થઈ શકે છે, પણ અંગત અથવા ખાનગી સંબંધમાં તે કુસુમ કરતાં પણ મૃદુ છે. માત્ર પોતાની અંદર રહેલા મૃદુપણાનો બાહ્ય દેખાડો તેઓ નથી કરતા તેને લીધે ઉપલક જોનાર માણસો એ પારખી ન શકે એવું બને છે ખરું.

જેને પોતાનો ગણ્યો એના પ્રત્યે એમની મમત્વની લાગણી બહુ ભારે છે. તેના સુખદુ:ખમાં ભાગ લેવા અને એની મુશ્કેલીઓમાં મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે. માણસને તેના પગલા ઉપરથી તેઓ પારખી લે છે, ખોટા માણસને ચાળી કાઢે છે, પણ પસંદ કરેલા માણસોમાંથી કોને કયું કામ સોંપી શકાય એ તેઓ બરાબર જાણે છે, અને એ પ્રમાણે તેની પાસેથી કામ લે છે. માણસની પસંદગી કરતી વખતે તેઓ પાકો વિચાર કરી લે છે, પણ એક વાર કામ સોંપ્યા પછી તેના ઉપર પૂરો ભરોસો મૂકે છે, તેના કામમાં કશી દખલ કરતા નથી અને તેને જેટલી જોઈ એ તેટલી મદદ મોકળે મને અને છૂટે હાથે આપે છે, એ હું સ્વાનુભવ ઉપરથી કહું છું. આને લીધે આખા દેશમાં એક ગાંધીજીને બાદ કરીએ તો બીજા કોઈ પણ નેતા કરતાં તેમની પાસે વફાદાર કાર્યકર્તાઓ અને સાથીઓનું મોટામાં મોટું જૂથ છે. ગાંધીજી સેનાપતિ હોવા ઉપરાંત સ્વભાવે આદર્શ શિક્ષક હોઈ તેઓ જ્યાં ગયા ત્યાં તેમણે સાથીઓને ઘડીને તૈયાર કર્યા છે. જ્યારે સરદાર શિક્ષક નથી, કેવળ સેનાપતિ છે. પોતાના લશ્કર માટે તેમણે નવા માણસોને ઘડીને તૈયાર કર્યા નથી અથવા જે મળ્યા તેમને વિશેષ ઘડવાનો પ્રયત્ન કર્યો નથી, પણ માણસમાં જેટલી શક્તિ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. હા, માણસને પોતાની મેળે આગળ વધવું હોય અને તેનામાં શક્તિ હોય તો સરદારની પાસે બધી છૂટો, તકો અને મદદ તેને મળે છે. પોતાની આસપાસ ખડા સૈનિકોનું જૂથ જમાવવાની અને દરેકની યોગ્યતા પ્રમાણે તેની પાસેથી કામ લેવાની અજબ કુનેહને લીધે નાગપુર, બોરસદ તથા બારડોલીની સત્યાગ્રહની લડતમાં તથા ૧૯ર૭ના રેલસંકટના કાર્યમાં સરદારને કાર્યકર્તાઓની ખોટ ન પડી અને સારો યશ મળ્યો. એમના સાફલ્યની મુખ્ય ચાવી જ એ છે કે અણીને વખતે તત્કાલ તેઓ ખરો નિર્ણય લે છે અને તેના અમલ માટે પોતાની મદદમાં ખરા માણસોને પસંદ કરે છે.

આ પુસ્તકમાં હકીકતની કોઈ ભૂલ ન રહી જાય એ દૃષ્ટિએ શ્રી દાદા સાહેબ માવળંકર આખું હસ્તલિખિત વાંચી ગયા છે અને તેમણે કેટલાક બહુ ઉપયોગી સુધારા કરાવ્યા છે. મારી પાસે પૂરતી માહિતી ન હોય અથવા વિગતો વિષે શંકા હોય એવાં કેટલાંક પ્રકરણો સરદાર પાસે પણ મેં વંચાવ્યાં છે. કેટલાંકમાં તેમણે બહુ મહત્ત્વના વધારા કરાવ્યા છે. એટલે આ પુસ્તકમાંની બધી હકીકતો સાધાર અને ચોક્કસ છે એમ કહેવાની સ્થિતિમાં હું છું.

સરદારના પૂર્વજીવનની કેટલીક ઉપયોગી હકીકતો નડિયાદના સરદારના ગાઢ મિત્ર સ્વ. કાશીભાઈ શામળભાઈનાં પત્ની પાસેથી મને મળી છે. તેઓ બોરસદમાં રહ્યા તે વખતની કેટલીક હકીકત બોરસદના બહુ જૂના વકીલ શ્રી ફૂલાભાઈ નરસીભાઈ પાસેથી મળી છે. સરદારના નાના ભાઈ શ્રી કાશીભાઈએ કુટુંબની જૂની હકીકત મેળવવામાં સારી મદદ કરી છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની હકીકત તેના માજી પ્રમુખ શ્રી મણિભાઈ ચતુરભાઈ શાહે પૂરી પાડી છે. તે જ પ્રમાણે સુરત મ્યુનિસિપાલિટીના પ્રમુખ ડૉ. ધિયાએ તથા નડિયાદ મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ દેસાઈએ તે તે મ્યુનિસિપાલિટીના દફતરમાંથી હકીકત મેળવી આપી છે. ખેડા સત્યાગ્રહની વિગતો મારા મોટાભાઈ શ્રી શંકરલાલ પરીખ કૃત ‘ખેડાની લડત’ એ પુસ્તકમાંથી લીધી છે. બોરસદની લડતની કેટલીક હકીકત બોરસદના વકીલ શ્રી રામભાઈ પટેલ પાસેથી મળી છે. સરદારના કેટલાક જૂના સહાધ્યાયીઓ પાસેથી મણિબહેને પત્ર દ્વારા માહિતી મેળવી છે. જે જે ભાઈઓ તથા બહેનો પાસેથી મદદ મળી છે તે સૌનો આભાર માનું છું.

પણ વધારેમાં વધારે વિગતો તો મહાદેવભાઈની ‘વીર વલ્લભભાઈ’ અને ‘એક ધર્મયુદ્ધ’ એ પુસ્તિકાઓમાંથી, ‘નવજીવન’માંના તેમના લેખોમાંથી, ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ એ પુસ્તકમાંથી તથા તેમના છૂટાછવાયા કાગળોમાંથી મને મળી છે. ખરી રીતે તો જે સામગ્રીનો ભંડાર તેઓ મૂકી ગયા છે તેને કાંઈક ગોઠવીને રજૂ કરવાનું કામ જ મેં કર્યું છે.

આ ભાગમાં સરદારનું જીવનચરિત્ર ૧૯૨૯ના ડિસેમ્બરની લાહોર કૉંગ્રેસ સુધી આવે છે. તેમાં આલેખાયેલું મોટા ભાગનું જીવન ગુજરાતના રાજકીય ઘડતર સાથે સંકળાયેલું છે. એમ કહીએ તો પણ ચાલે કે છેલ્લાં બત્રીસ વર્ષનું ગુજરાતનું રાજકીય જીવન સરદારે જ ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને ઘડ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ એ ઘડતરાનો ઇતિહાસ આ પુસ્તકમાં આવી જાય છે. એમાંથી ગુજરાતનાં યુવકયુવતીઓને પ્રેરણા મળશે અને એ રીતે મારાથી કાંઈક તેમની સેવા થશે એ લાગણી આ પુસ્તક લખતી વખતે સદા મારા દિલમાં રહી છે અને મેં ધન્યતા અનુભવી છે.

હરિજન આશ્રમ,
સાબરમતી,
તા. ૩૦–૯–’૫૦