← પ્રસ્તાવના સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
માતાપિતા
નરહરિ પરીખ
વિદ્યાભ્યાસ →


.


માતાપિતા

પોતાની ઑફિસમાં ત્રીસેક વર્ષની વયના વકીલ વલ્લભભાઈ આરામ ખુરશીમાં પડ્યા પડ્યા બાજુમાં પડેલો રબરની લાંબી નેહવાળો હુક્કો ગગડાવી રહ્યા હતા. બોરસદ, તાલુકાનું મુખ્ય ગામ પણ મુંબઈ કે અમદાવાદ જેવાં મોટાં શહેરોને મુકાબલે ગામડા જેવું ગણાય. ઑફિસનું બધું ફર્નિચર ફેશનેબલ કે ફેન્સી નહોતું પણ બોરસદના પ્રમાણમાં સારું હતું, અને સુઘડ રીતે ટાપટીપથી ગોઠવેલું હતું. આખો ઓરડો ઢંકાય એવી જાજમ સાફ અને જરા પણ કરચલી વિનાની પાથરેલી હતી. વકીલસાહેબના ટેબલની સામે છેડે ખુરશીઓ ગોઠવેલી હતી. તે ઉપરાંત ગાદીતકિયાની પણ બેઠક હતી. ગાદીની ચાદર અને તકિયાના ગલેફ બગલાની પાંખ જેવાં સફેદ હતાં. ટેબલ તથા બધી ખુરશીઓ પોલિશ્ડ અને સ્વચ્છ હતાં. કબાટમાં ચોપડીઓ અને ફાઈલો બરાબર ગોઠવીને મૂકેલાં હતાં. આખા ઓરડામાં ખૂણેખાંચરે ક્યાંય પણ ધૂળ કે કચરાનું નામ ન હતું. બારીબારણાં બધું સાફ ઝાપટેલું હતું. તમામ વસ્તુઓ સાફ અને ચળકતી હતી. ઑફિસમાં કશું ભભકાવાળું ન હતું પણ જે કાંઈ હતું તે બધું પોતાને સ્થાને બરાબર ગોઠવેલું હતું.

એક વૃદ્ધ પણ તંદુરસ્ત અને કસાયેલા શરીરવાળા ટટ્ટાર પુરુષ દાદર ચઢીને ઉપર આવ્યા. તદ્દન સફેદ. પોશાક તેમણે પહેરેલો હતો. ધોતિયું, પહેરણ, ખેસ અને પાઘડી પણ સફેદ. બધાં જ કપડાં ઊજળાં દૂધ જેવાં હતાં.

એમને જોતાં જ મોંમાંથી હુક્કાની નેહ કાઢી નાખી વલ્લભભાઈ ઊભા થઈ ગયા અને બોલ્યા : “મોટાકાકા, તમે ક્યાંથી ?”

“ભાઈ, તારું કામ પડ્યું છે તેથી જ આવ્યો ને.”

“પણ મને કહેવડાવવું હતું ને? હું કરમસદ આવી જાત, લાડબાઈ ને પણ મળાત.”

“પણ કામ બોરસદમાં છે એટલે તને ત્યાં બોલાવીને શું કરું ?”

“એવું શું કામ છે ?”

“આખા જિલ્લામાં તારી હાક વાગે અને આપણા મહારાજ ઉપર વારંટ નીકળે એ કાંઈ ઠીક કહેવાય ? તું બેઠા છતાં મહારાજને પોલીસ પકડી શકે ?”

“મહારાજ ઉપર વળી વારંટ કેવું ? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?”

“અત્યારે તારું આ ટીખળ જવા દે. મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વારંટ નીકળ્યું છે. તારે એ વારંટ રદ્દ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય.”

“આબરૂ શું કામ આપણી જાય ? એવાં કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વારંટ શેનાં નીકળે છે ? મારાથી થઈ શકે તે બધું કરીશ.”

પછી જરા ગંભીર થઈને પણ નમ્રતાથી પિતાશ્રીને જણાવ્યું : “તમે હવે છોડો આ સાધુઓને. જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચડે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શકતા નથી તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા અને આપણો શો ઉદ્ધાર કરવાના હતા ?”

“એ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે મહારાજ ઉપર વારંટ નીકળ્યું હોય તો એ રદ્દ થવું જ જોઈએ.” એમ કહી પિતાશ્રી ઑફિસમાંથી ચાલ્યા ગયા.

પિતાશ્રી સ્વામીનારાયણના મહા ભક્ત હતા. પાછલી અવસ્થામાં તો સૂવા બેસવાનું પણ ગામના સ્વામીનારાયણના મંદિરમાં જ રાખ્યું હતું. એક વેળા જમતા અને જમવા માટે જ ઘેર આવતા. તેઓ ૧૯૧૪ના માર્ચ માસમાં લગભગ પંચાશી વર્ષની વયે ગુજરી ગયા ત્યાં સુધી દર પૂનમે વડતાલ જવાનું એક્કે વાર ચૂક્યા નથી. સરદાર પણ અનેક વાર વડતાલ ગયેલા. સત્તર વર્ષના થયા ત્યાં સુધી પિતાશ્રી પાસે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિરાહારી અને કોઈ કોઈ વાર નિર્જળા એકાદશી વિનાની ભાગ્યે જ કોઈ એકાદશી ગઈ હશે. આમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઊછરેલા હોવા છતાં એ સંપ્રદાય તરફ એમણે ખાસ શ્રદ્ધા સેવી નથી. આગળ ભણવા માટે કરમસદ છોડ્યું તેની જ સાથે એનાં વ્રતયાત્રાદિ પણ છોડ્યાં. સહજાનંદ સ્વામી અને એમના સંપ્રદાય વિષે વાત કરતાં અગાઉના સાધુઓના પવિત્ર જીવનની સરદાર બહુ તારીફ કરે છે અને ઘણાં સામાન્ય માણસોનાં — પછાત કોમનાં બિનકેળવાયેલા માણસોનાં — જીવન સુધારવામાં સંપ્રદાયે સારો ફાળો આપ્યો એમ પણ તેઓ સ્વીકારે છે. પણ પાછળથી એ સંપ્રદાયમાં સ્વાર્થ અને લોભે પ્રવેશ કર્યો અને સંપ્રદાયનો સુધારક જુસ્સો જતો રહ્યો એમ તેઓ જણાવે છે.

ઉપર વર્ણવેલા પ્રસંગની હકીકત એવી છે કે એક યજ્ઞપુરુષોત્તમદાસજી નામના સાધુ, જે વિદ્વાન બ્રાહ્મણ હોઈ શાસ્ત્રીજી કહેવાતા તેમણે વડતાલની ગાદીથી જુદા પડી બોચાસણમાં ગાદી સ્થાપેલી અને ત્યાં એક મોટું શિખરબંધી મંદિર બંધાવવા માંડેલું. સરદારના પિતાશ્રી આ બોચાસણવાળાના નવા પંથમાં ભળ્યા હતા અને શાસ્ત્રીજીના અનુયાયી થયા હતા. આ શાસ્ત્રીજી બળવો કરી વડતાલથી જુદા પડ્યા ત્યારે તેમની સાથે કેટલાક સાધુઓ અને પાળાઓ પણ ભળ્યા અને એ સુધારક ટોળીએ વડતાલના મંદિરના તાબાનાં જે મંદિરો ગામેગામ હતાં તેમનો કબજો લેવા માંડ્યો. એ કબજો લેવા જતાં, વડતાલના અસલ પક્ષના સાધુઓ અને પાળાઓ જેમના કબજામાં એ મંદિરો હતાં તેમની સાથે મારામારી થતી. આમ ગામેગામ બળજબરીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં સુલેહનો ભંગ થવા લાગ્યો. એટલે બન્ને પક્ષના સાધુઓ અને પાળાઓ ઉપર સુલેહનો ભંગ ન કરવા બદ્દલ જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા. આવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર પેલા શાસ્ત્રીજી હતા અને તેમની સાથે તેમના પક્ષના બીજા દસ બાર સાધુઓ અને પાળાઓ હતા. આ કેસ બોરસદના રેસિડેન્સી મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો. પિતાશ્રીના આગ્રહને લીધે સરદારે એ કેસ હાથમાં લીધેલો અને કેસની માંડવાળ કરાવી બેઉ પક્ષના તહોમતદારોને છોડાવેલા.

એમ કહેવાય છે કે પંજાબમાંથી અમુક લેઉવા પાટીદારો ગુજરાતમાં આવેલા અને તેમણે નડિયાદ, વસો, કરમસદ, ભાદરણ, ધર્મજ, સોજિત્રા વગેરે બાર ગામો વસાવેલાં. તેમાં આ છ ગામ મોટાં અને વિશેષ કુળવાન ગણાય છે. કરમસદ ગામ વસાવનાર મૂળ એક જ પુરુષ હતા. એટલે કરમસદમાં રહેનાર બધા પાટીદારો મૂળ એક જ કુટુંબની પ્રજા ગણાય. એ કુટુંબની શાખાઓ અને ઉપશાખાઓ ગામની જુદી જુદી ખડકીઓમાં વસેલી છે. ઝવેરભાઈવાળી ખડકીમાં વસ્તી કાંઈક વધારે એટલે ઝવેરભાઈ પાસે દસેક વીધાં જ જમીન આવેલી. વળી ઝવેરભાઈનું ખેતીમાં જરાય ધ્યાન નહી એટલે સ્થિતિ ગરીબ રહેલી. પણ એ બહુ સ્વતંત્ર મિજાજના અને કડક સ્વભાવના હતા. કોઈ પણ બાબતમાં કોઈથી દબાય તો શાના જ ? પહેલેથી ધર્મપરાયણ વૃત્તિના અને મંદિરમાં વધારે વખત ગાળતા. સરદાર ઘરમાં હોય ત્યારે બેસતા નથી, પણ આંટા મારવાની એમને ટેવ છે તે પિતાશ્રી તરફથી વારસામાં મળેલી છે. ઝવેરભાઈ મંદિરમાં કદી બેસી રહેતા નહીં. માળા ફેરવતા ફેરવતા અથવા ભજન ગણગણતા આંટા માર્યા કરવાની એમને ટેવ હતી. ગામની પંચાતમાં તે કદી ભાગ લેતા જ નહીં. પણ ભગવતી પુરુષ તરીકે ગામમાં એમનું માન સારું ગણાતું. સૌ એમની આમન્યા રાખતું અને કોઈનો વાંક હોય અને એ બે શબ્દ કહે તો સૌને સાંભળવા પડતા. વિઠ્ઠલભાઈ, સરદાર વગેરે ભાઈઓ એમને મોટાકાકા કહેતા. પણ ગામમાં સૌ એમને રાજભા કહેતું. શા ઉપરથી એમ કહેવાતા હશે તે મને ખબર આપનાર કહી શકતા નથી.

મહાદેવભાઈએ ‘વીર વલ્લભભાઈ’માં નોંધ્યું છે કે, “પિતાશ્રીએ નાનપણમાં ’૫૭ના બળવામાં ઝાંસીની રાણીના પ્રદેશમાં ભાગ લીધેલો. બે ત્રણ વર્ષ સુધી ઘેર એમનો પત્તો જ નહોતો લાગ્યો. મલ્હારરાવ હોલકરે એમને કેદ કર્યા હતા. કેદ કરી પોતાની સામે બાંધી રાખી એક વાર મલ્હારરાવ શેતરંજ રમતા હતા. શેતરંજમાં રાજા ખોટી ચાલ ચાલતા જાય ત્યાં ઝવેરભાઈ કહેતા જાય : ‘રાજા, ફલાણું મહોરું આમ ચલાવો.’ મલ્હારરાવ ચકિત થઈ ગયેલા અને કેદીને છોડી મિત્ર કરેલા.” બોરસદ તથા નડિયાદમાં હું સરદારના કેટલાક સમવયસ્કોને મળેલો. તેમણે મને કહ્યું કે અમને આ વાતનું સ્મરણ નથી. પણ એ અરસામાં તેઓ કરમસદ છોડીને બહારગામ ઘણું કરીને ઈન્દોર તરફ કોઈને કહ્યા વિના ચાલ્યા ગયેલા ખરા. એટલે મહાદેવભાઈની વાત બરાબર હોવાનો સંભવ છે.

સરદારનું મોસાળ નડિયાદમાં દેસાઈ વગામાં છે. તેમનો જન્મ પણ ત્યાં જ થયેલો. એમના આજા — માના બાપ — નું નામ જીજીભાઈ વસ્તાભાઈ દેસાઈ અને મામાનું નામ ડુંગરભાઈ. એમની આર્થિક સ્થિતિ ઝવેરભાઈના પ્રમાણમાં સારી હતી. વિઠ્ઠલભાઈનો અંગ્રેજી વિદ્યાભ્યાસ બધો મેસાળમાં જ થયેલો અને સરદાર પણ હાઈસ્કૂલનાં ત્રણેક વર્ષ નડિયાદ રહેલા. પણ તે મોસાળમાં ન રહેતાં, પોતાના વિદ્યાર્થી મિત્રોની એક અલગ ક્લબ કાઢીને તેમાં રહેલા. માતુશ્રી લાડબાઈ નરમ અને સુશીલ સ્વભાવનાં હતાં. ઘર ચલાવવામાં બહુ કુશળ હતાં. સ્થિતિ ગરીબ હતી છતાં મહેમાન પરોણા સારી રીતે સાચવતાં. કોઈ સાથે તકરારમાં ઊતરવાનું તો એમના સ્વભાવમાં જ નહોતું. સેવાભાવી વૃત્તિનાં હતાં. પાડોશીનું પણ કામ કરી છૂટે. આસપાસનાં સૌનો પ્રેમ સંપાદન કરવાની શક્તિ એમનામાં સહજ હતી. વહુઓને પણ બહુ સારી રીતે રાખતાં. નાના દીકરા કાશીભાઈ વિધુર થયા પછી એમનું ઘર સંભાળતાં, અને છોકરાંને સાચવતાં. લગભગ પંચાશી વર્ષની ઉંમરે સને ૧૯૩૨માં ગુજરી ગયાં ત્યાં સુધી કાશીભાઈ બધું તૈયાર કરી આપે અને એ બેઠાં બેઠાં રાંધી જમાડે, એ પ્રમાણે ઘરનું કામ કર્યું. ગાંધીજીએ રેંટિયો કાઢ્યો ત્યાર પછી તો નવરાશ મળે કે તરત રેંટિયો લઈને બેસતાં. પિતાશ્રી પણ પંચાશી વર્ષની જ ઉંમરે સને ૧૯૧૪માં ગુજરી ગયેલા. આમ માતાપિતા વચ્ચે ઉંમરમાં અઢાર વર્ષનું અંતર હતું. આનું કારણ એ છે કે પિતાશ્રીનું પહેલું લગ્ન સુણાવ ગામમાં થયેલું. પણ પહેલાં પત્ની નિઃસંતાન ગુજરી ગયેલાં. માતુશ્રી લાડબાઈ બીજી વારનાં હતાં.

સરદાર ભાંડુમાં પાંચ ભાઈ અને એક બહેન. બુદ્ધિપ્રભાવ અને સ્વભાવ ઉપરથી જોતાં એમ કહી શકાય કે સૌથી મોટા સોમાભાઈ અને સૌથી નાના કાશીભાઈમાં માના ગુણ વધારે ઊતર્યા હશે અને બીજા, ત્રીજા અને ચોથા નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ અને સરદાર, એમનામાં બાપના ગુણ વધારે ઊતર્યા હશે. નરસિંહભાઈ અંગ્રેજી ભણ્યા ન હતા. તેમણે કરમસદમાં ખેડૂત તરીકે જ જીવન પૂરું કર્યું. તેમને વિષે સરદાર ઘણી વાર કહે છે કે, એ અંગ્રેજી ભણ્યા નહીં અને ગામ બહાર નીકળ્યા નહીં એટલે પ્રસિદ્ધિમાં આવ્યા નહીં; બાકી બુદ્ધિપ્રભાવ અને વ્યવહાર કુશળતામાં વિઠ્ઠલભાઈને અને મને તે ક્યાંય ટપી જાય એવા હતા. બહેન ડાહીબા સૌથી નાનાં. તેઓ નામ પ્રમાણે જ બહુ ડાહ્યાં, ઠરેલ અને વિવેકી હતાં. સઘળા ભાઈઓનાં એ બહુ લાડકાં હતાં. સરદારનો એમની ઉપર સવિશેષ પ્રેમ હતો. એ સને ૧૯૧૬ના ફેબ્રુઆરીમાં ગુજરી ગયાં.

માતાપિતાનાં ધર્મપરાયણ અને સંયમમય જીવનનો વારસો સરદારને પૂરતા પ્રમાણમાં મળ્યો છે. સાધારણ પ્રચલિત અર્થમાં સરદારને ભાગ્યે જ કોઈ ધાર્મિક માણસ કહે. પણ એમની અનન્ય શ્રદ્ધા કે જે કાળે અને જે સ્થળે ઈશ્વર આપણને ઉપાડી લેવા ઈચ્છતો હોય છે તેમાં માણસ ગમે તેટલા ધમપછાડા કરે છતાં મીનમેખ ફેરફાર થઈ શકતો નથી અને તેથી મૃત્યુનો જરા પણ ડર નહીં એટલું જ નહીં પણ પ્રાપ્ત સંજોગોમાં શરીર સાચવવા માટે શક્ય તેટલી કાળજી લીધા પછી માંદગી કે મૃત્યુ વિષે બેપરવાઈ; જે કામ હાથમાં લીધું હોય તે પાર પાડવા તનતોડ પ્રયત્ન કર્યા પછી પરિણામ વિષે નિશ્ચિંતતા; જે સાથીઓ ઉપર વિશ્વાસ મૂકો, પછી તે પોતાથી મોટા હોય કે નાના હોય, તેમના ખોળામાં માથું મૂકી દેવાની પૂરેપૂરી તત્પરતા; એ બધું ધર્મપરાયણતામાં ગણાતું હોય તો એવી ધર્મપરાયણતા એમનામાં પૂરેપૂરી છે. ધાર્મિક વૃત્તિના માણસમાં જે સંયમ હોય છે, એનું જે તિતિક્ષામય અને તપોમય જીવન હોય છે એની સરદાર કદી ધાલાવેલી દેખાડતા નથી. છતાં એવા જીવન માટે પ્રયત્ન કરનારા, તે માટે પ્રાર્થના કરનારા અને વિવિધ વ્રતો આચરનારા કરતાં અનાયાસે જ એમનું જીવન ઓછું સંયમમય, તિતિક્ષામય કે તપોમય નથી. આ વસ્તુને હું માતાપિતા તરફથી મળેલો ધાર્મિક વારસો ગણું છું. બહાર દેખાય કે નહીં પણ જીવનમાં ઊંડે ઊંડે ધાર્મિકતા અથવા કોઈ મંગળ સ્વરૂપ એવી અદૃષ્ટ શક્તિ વિષે શ્રદ્ધા, એનો ઝરો વહેતો હોય તો જ નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને કશી ગણતરી કર્યા વિના શરીરને ઘસી નાખવાની ઉદારતા આવે છે. હા, સરદારની ધાર્મિકતા પ્રચલિત કરતાં જુદા પ્રકારની વિશિષ્ટ સ્વરૂપની ગણાય. પૌરાણિક પરિભાષા વાપરીએ તો એમ કહી શકાય કે સરદાર બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ છે. એમની ધાર્મિકતા, એમનો સંયમ, એમનો ત્યાગ, એમની તિતિક્ષા સાધુ સંતોનાં નહીં પણ ક્ષત્રિય વીરનાં છે. એમનું વર્ણન એક જ શબ્દમાં કરવું હોય તો એમ જ કહેવું જોઈએ કે તે મહા યોદ્ધા છે, વીર સુભટ છે. તેથી જ લોકહૃદયે એમને સરદાર તરીકે અપનાવ્યા છે. આગ્રહ, દૃઢતા, હસતે મોંએ શારીરિક દુઃખો સહન કરવાની અપાર શક્તિ, સંપૂર્ણ નિર્ભયતા, એ બધા મહા યોદ્ધાના ગુણો જે સરદારમાં પરાકાષ્ઠાએ જોવામાં આવે છે તે પોતાના સંયમમય અને આગ્રહી જીવનનો જ વારસો છે. એ ગુણો પિતાશ્રીમાં બીજ રૂપે હશે તે એમનામાં વિકસીને ઉત્કર્ષ પામ્યા. આ ઉપરાંત મોટાં તંત્ર અથવા સંગઠન રચવાની અને ચલાવવાની શક્તિ પણ એમનામાં જન્મજાત છે. અત્યારે આપણા સ્વરાજનું તંત્ર ચલાવવામાં જે મુત્સદ્દીગીરીનો જગતને પરિચય આપી રહ્યા છે તે એમનામાં જન્મજાત છે એમ કહેવું મુશ્કેલ છે. પણ ચરોતરમાં ઘણા મુત્સદ્દીઓ પાક્યા છે. તેમનામાં એક વિશિષ્ટ પ્રકારની, બહાદુરીવાળી મુત્સદ્દીગીરી જોવામાં આવે છે તે સરદારમાં પણ ઉતરી આવી છે એમ કહી શકાય. સરદારને જેમ જેમ પ્રસંગો મળતા ગયા અને એમનું પ્રવૃત્તિક્ષેત્ર જેમ જેમ વિશાળ થતું ગયું તેમ તેમ એ ગુણ અથવા શક્તિ ખીલતી ગઈ છે. એ બધા ગુણોનાં દર્શન તો વાચક જેમ જેમ આ જીવનચરિત્ર વાંચતો જશે તેમ તેમ એને થશે.

સરદારને શારીરિક સહનશક્તિ અથવા તિતિક્ષા પણ વારસામાં મળેલી છે. વકીલાતનો અભ્યાસ કરતા ત્યારે પોતાના એક મિત્રની સાથે વાંચવા માટે બે મહિના બાકરોલ રહેલા. ત્યાં એમને કાખબિલાડી થઈ. ગામડામાં બીજા ઉપાયો તો શેના જડે ? કોઈકે કહ્યું કે ગામમાં અમુક વાળંદ છે તે નસ્તર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે તેને બોલાવો. વાળંદને બોલાવ્યો. તેણે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કરીને કાખબિલાડીને લગાડગ્યો પણ અંદરથી પરુનો બધો રોષ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી. સરદારે તેને કહ્યું : “આમ જોયા શું કરે છે ? લાવ, તારાથી ન થાય તો હું કરું.” એમ કહીને સળિયો હાથમાં લઈ તરત અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરુ કાઢી નાખ્યું.

વિલાયતમાં ઘરમાલિક એક બાઈને ત્યાં તેઓ રહેતા. સને ૧૯૧૧ના મે મહિનામાં એક દિવસ નહાતી વેળાએ ચક્કર ખાઈને પડ્યા. પછી તો ખૂબ તાવ ચઢ્યો અને પગમાં વાળાનું દરદ માલુમ પડ્યું. ડૉ. પી. ટી. પટેલ, જેઓ પાછળથી મુંબઈ કૉર્પોરેશનમાં હતા તેઓ તે વખતે ત્યાં ભણતા હતા. તેમની સલાહથી એક નર્સિંગ હોમમાં દાખલ થયા. ત્યાં ઓપરેશન કર્યું. પણ સર્જનને આ દરદની બરાબર ખબર નહીં એટલે વાળો પૂરેપૂરો બહાર ન નીકળ્યો. એણે .




પૃ. ૧૨
નડિયાદમાં વિદ્યાર્થી

બીજી વાર ઑપરેશન કર્યું. તેથી તો ઊલટું દરદ વધ્યું અને ધનુર ધાયું. સ્થિતિ ગંભીર થઈ પડી. પેલા સર્જને કહ્યું કે જીવ બચાવવો હોય તો પગ તરત કાપી નાખવો પડશે. હિંદુસ્તાન પાછા આવીને બૅરિસ્ટરી કરવી હતી તે લંગડા પગે કરવાની કાંઈ શોભે ? એટલે એ સર્જનને છોડ્યો. ડૉ. પી. ટી. પટેલના એક પ્રોફેસરે તપાસીને ફરી ઓપરેશન કરવાનો ચાન્સ લીધો, પણ ક્લૉરોફોર્મ ન લો તો સારા થવાનો વધારે સંભવ છે એમ તેણે કહ્યું. સરદારે કહ્યું કે, “મારે તો ક્લૉરોફોર્મ લેવાની જરૂર જ નથી. ગમે તેટલી પીડા કે દુ:ખ થાય તે હું સહન કરી શકું એમ છું.” અને ખૂબી એ થઈ કે ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી એક ઊંહકાર સરખો તેમણે ન કાઢ્યો. સર્જન અને એના મદદનીશ તાજુબ થયા અને બોલ્યા કે : “આવો દરદી અમને પહેલી જ વાર મળ્યો છે.”

સરદારને સ્વચ્છતા અને સુઘડપણાની ટેવ પણ માતાપિતા તરફથી જ વારસામાં મળેલી છે. કેવળ અંગત સ્વચ્છતા જ નહીં, પણ આસપાસની વસ્તુઓ, આંગણું, ફળિયું અને અત્યારે દિલ્હીમાં જે બંગલામાં રહે છે ત્યાંના કમ્પાઉંડનો ખૂણોખાંચરો તમામ સ્વચ્છ રાખવાનો તેમનો આગ્રહ હોય છે. એમની સાથે ઘણી સંસ્થાઓમાં હું ફર્યો છું. ત્યાંનાં મકાનો તથા કમ્પાઉંડમાં કાંઈ પણ ભાંગેલુંતૂટેલું કે અવ્યવસ્થિત હોય, એના પ્લાન કે રચનામાં કાંઈ ખામી હોય તો તે તરફ એમનું ધ્યાન ગયા વિના રહે નહીં; તેમ બધું બરાબર હોય તો એની કદર કરવાની પણ સહેજે વૃત્તિ થઈ આવે. આ વસ્તુ એમના આખા કુટુંબમાં છે. કરમસદનું એમનું ઘર જેમાં અત્યારે એમના નાના ભાઈ કાશીભાઈ રહે છે તે આમ ભભકાવાળું નથી, પણ બહારથી અને અંદરથી સુઘડ છે. અંદર બધી વસ્તુઓ હમેશ તમે વ્યવસ્થિત ગોઠવેલી જુઓ. ઘરની આગળ થોડી છૂટી જમીન છે તે પણ સ્વચ્છ. તેમાં એકાદ ઝાડ અને થોડા ફૂલછોડ છે. એમનો બારડોલીનો આશ્રમ જુઓ તો ત્યાં પણ નમૂનેદાર સ્વચ્છતા અને સુઘડપણું દેખાશે. સરદારમાં જે ઊંચા પ્રકારની મ્યુનિસિપલ દૃષ્ટિ છે તેનાં બીજ એમના આખા કુટુંબમાં છે અને અત્યારે એમના સંબંધવાળી દરેક વસ્તુમાં જોવા મળે છે.