સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/વિદ્યાભ્યાસ

← માતાપિતા સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
વિદ્યાભ્યાસ
નરહરિ પરીખ
વકીલાત →


.


વિદ્યાભ્યાસ

સરદાર ખેડૂત કુટુંબમાં જન્મેલા હોઈ ઘરમાં વિદ્યાવ્યાસંગનું કશું વાતાવરણ હતું જ નહીં. પોતાની જન્મતિથિની પણ એમને ખબર નથી. માતુશ્રીને કદાચ તિથિ ખબર હશે પણ તેય સાલ કે તારીખ જાણતાં નહીં. અત્યારે ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫, એમની જન્મતારીખ ગણાય છે તે મૅટ્રિકના એમના સર્ટિફિકેટમાંથી મળેલી છે. એ ખરી છે કે ખોટી તેની બહુ ખાતરી તો નથી. સરદાર તો હસતાં હસતાં કહે છે કે મનમાં આવ્યા પ્રમાણે પરીક્ષાના મંડપમાં મેં ભરી દીધી હશે. ૧૯૩૭ની ચૂંટણી, જેમાં કૉંગ્રેસે પૂરેપૂરો ભાગ લીધેલો, તે વખતે જન્મતારીખની જરૂર પડી. સરદારને યાદ નહોતી. શ્રી મુનશી તે વખતે હાજર હતા. તેમણે એક રૂપિયો ભરીને તેમનું મૅટ્રિકનું સર્ટિફિકેટ કઢાવ્યું અને તેમાંથી જન્મતારીખ લીધી. પ્રાથમિક નિશાળમાં ભણતા ત્યારે ભણવાની ચોપડીઓ કરતાં આસપાસનાં ખેતરોનું અને ગામડાંઓનું એમને વધારે જ્ઞાન હશે. છતાં સરદાર કહે છે કે, “મારા પિતાને મને ભણાવવાનો શોખ બહુ. રોજ સવારના પહોરમાં ખેતરે લઈ જાય, ખેતરમાં કામ કરવા નહીં, પણ આવતાં જતાં રસ્તે પાડા બોલાવવા અને પલાખાં ગોખાવવા.” સરદાર સત્તર અરાઢ વર્ષના થયા ત્યાં સુધી કરમસદમાં જ રહેલા છે એટલે ખેતરમાં કામ કરવાનું તો આવેલું જ. સરદાર કહે છે કે, “અમે બધા ભાઈઓએ ખેતરમાં કામ કરેલું, એકલા વિઠ્ઠલભાઈ એ કદાચ નહીંં કર્યું હોય, કારણ પહેલી અંગ્રેજીથી જ તેઓ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળમાં રહેલા.” સરદારે ગુજરાતી સાત ચોપડીનું ભણતર કરમસદમાં જ પૂરું કર્યું. તે સમયનાં બીજાં કશાં સંસ્મરણો તેઓ પાસેથી મળતાં નથી. પણું એક બહુ મહત્ત્વની વાત તેઓ કહે છે. બાળપણના તેમના એક શિક્ષક એવા હતા જેમને કશું પૂછવા જઈએ તો ગાળ દઈ ને કહેતા : “મને શું પૂછો છો ? માંય માંય ભણો.” અને આ સૂત્ર એમના જીવનની જાણે ગુરુકિલ્લી છે. પોતાનું બધું ભણતર તેમણે ‘માંય માંય ભણીને’ જ કરેલું. એમાં કોઈ શિક્ષકનો કશો ફાળો હોય એમ જણાતું નથી. અને ગાંધીજી શિક્ષક મળ્યા ત્યાં સુધીનું પોતાના જીવનનું ઘડતર પણ એમણે આપમેળે જ કોઈની મદદ કે ઓથ વિના કરેલું છે. ગાંધીજીને શિક્ષક તરીકે સ્વીકાર્યા તે પણ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખીને. મહાદેવભાઈ કહે છે કે, “ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે તે પોતાને અને ગાંધીજીને બંનેને લજવે.” સૌ જાણે છે કે સરદારે ગાંધીજીને લજ્જા પામવાનું જરાયે કારણ આપ્યું નથી, એટલું જ નહીં પણ પોતાના શિષ્યત્વને શોભાવ્યું છે.

કરમસદની શાળાના મહેતાજીને પોતાના જે વિદ્યાર્થીઓ સાત ચોપડી પાસ થાય તે બધાને સીનિયર ટ્રેન્ડ માસ્તર બનાવવાની ભારે હોંશ હતી. પણ સરદારમાં નાનપણથી જ, જોકે કોઈનું પણ પ્રોત્સાહન કે પ્રેરણા નહોતી છતાં, મોટા માણસ થવાની ભારે મહત્ત્વાકાંક્ષા હતી. અને તે વખતે મોટા માણસ થવું એટલે વકીલ કે બૅરિસ્ટર થવું. સાત ચોપડી ભણી રહ્યા તે વખતે વકીલ કે બૅરિસ્ટર થવાનો સ્પષ્ટ ખ્યાલ તેમના દિલમાં ઉદય ન પણ પામ્યો હોય. પણ કોઈ પણ રીતે આગળ અંગ્રેજી ભણવું એ તો મનમાં નક્કી હતું. ગામમાં અંગ્રેજી નિશાળ નહોતી. વિઠ્ઠલભાઈ અંગ્રેજી ભણવા મોસાળમાં નડિયાદ રહેતા જ. બીજા છોકરાને પણ મોસાળ મોકલવો એ પિતાશ્રીને ઠીક નહીં લાગ્યું હોય. એટલે અંગ્રેજી ભણવાનો મનસૂબો શી રીતે પાર પાડવો એના વિચારમાં ને વિચારમાં સરદાર કરમસદમાં ચાર છ મહિના રખડવા લાગે છે. એટલામાં ત્યાં ત્રણ ધોરણ સુધીની એક ખાનગી અંગ્રેજી નિશાળ નીકળી, તેમાં દાખલ થયા અને ત્રણ અંગ્રેજી ત્યાં ભણ્યા. તે વખતે એમની ઉમર સત્તર વર્ષની હશે.

પછી આગળ ભણવા માટે પેટલાદમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીની નિશાળ હતી તેમાં દાખલ થયા. ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ ક્લબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવતો અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમતા.

પોતાના વિદ્યાભ્યાસનો કાળ કેવો ગરીબાઈમાં અને સાદાઈમાં ગાળ્યો છે તેનો એક દાખલો અહીં જ આપી દઉં. નડિયાદમાં એક વખત એમની સાથે મારે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં જવાનું થયેલું. આખો દિવસ વાતોચીતો અને ચર્ચાઓમાં ગાળ્યો. સાંજે મને કહે, ચાલ ફરવા, વાળુની થોડી વાર હતી અને ફર્યા વિના તો એમને ચેન ન પડે. બહાર ન જવાનું હોય તો ઘરમાં આંટા માર્યા જ કરે એ એમની ટેવ છે. વિદ્યાલયની આગળના નેળિયામાંથી વાતો કરતા ચાલતા ચાલતા રેલવે ક્રૉસિંગ આગળ અમે પહોંચ્યા ત્યારે મને કહે: “હું નડિયાદમાં જ્યારે મોસાળમાં રહેતો ત્યારે કોઈ વાર કરમસદમાં જાઉં ત્યારે મારાં દાદીમા મને અહીં સુધી મૂકવા ઓવતાં. નડિયાદથી આણંદ રેલવે હતી પણ કરમસદ જવામાં અમે કદી રેલગાડીનો ઉપયોગ ન કરતા. ઘેરથી નીકળું ત્યારે ખાવાનું લેવા માટે બે ચાર આના આપે પણ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ એટલા માટે દાદીમા અહીં સુધી મૂકી જતાં.” અંગ્રેજી ચોથી અને પાંચમી પેટલાદમાં પૂરી કરી. પેટલાદના જ વતની તેમના એક સહાધ્યાયી કહે છે કે, શિક્ષકોના ચાળા પાડવામાં અને ટીખળ કરવામાં તથા શિક્ષકોનાં નામ પાડવામાં તે આગળપડતો ભાગ લેતા. તે ઉપરાંત પેટલાદનાં બે વરસમાં કોઈ નોંધવા જેવી હકીકત મળી નથી.

પેટલાદથી છઠ્ઠા ધોરણમાં નડિયાદ ગયા. મૅટ્રિકમાં એક વરસ નપાસ થયેલા એટલે મેટ્રિક થતાં સુધી ત્રણ વરસ થયેલાં. વચમાં મૅટ્રિક ક્લાસમાં હતા ત્યારે બેએક મહિના વડોદરા હાઈસ્કૂલમાં જઈ આવેલા. સને ૧૮૯૭માં લગભગ બાવીસ વરસની ઉંમરે મેટ્રિક પાસ થયા.

નડિયાદમાં મોસાળ હતું છતાં સ્વતંત્ર રહેવાની ખાતર તેમણે એક બોર્ડિંગ કાઢેલી અને તેમાં રહેતા. નડિયાદની હાઈસ્કૂલમાં એમનું અંગ્રેજી સારું ગણાતું. અંગ્રેજી ચોપડીઓ વાંચવાનો અને તેમાંથી ફકરા મોઢે કરવાનો પણ શોખ હતો. અને વિદ્યાર્થીઓની સભાઓ કરી તેમાં અંગ્રેજીમાં ભાષણ કરતા એમ એમના સહાધ્યાયીઓ કહે છે. નડિયાદથી વડોદરા જવાનું મુખ્ય કારણ ત્યાં અંગ્રેજી વધારે સારું શીખવાય છે એમ સાંભળેલું, એ હતું. આમ હાઈસ્કૂલમાં હતા ત્યારે અંગ્રેજીનો શોખ હોય એમ દેખાય છે પણ કામ પૂરતો અંગ્રેજીનો ઉપયોગ કરવા ઉપરાંત તેમણે કોઈ દિવસ પોતાની અંગ્રેજી ભાષા કેળવવા વિશેષ પ્રયત્ન પાછળથી કર્યો નથી.

નડિયાદ અને વડોદરાનાં આ ત્રણ વર્ષો વિદ્યાર્થીને માટે યાદગાર કહેવાય એવી ઘટનાઓથી ભરેલાં છે. એ ઘટનાઓ આપણને ભાવિ વીર યોદ્ધાનાં દર્શન કરાવે છે.

નડિયાદની હાઈસ્કૂલમાં સરદાર વિદ્યાર્થીઓના સેનાપતિ બનેલા. છઠ્ઠા ધોરણમાં એક પારસી માસ્તર બહુ કડક હતા. નેતરની સોટીનો છુટથી ઉપયોગ કરતા. એક દિવસ એક છોકરાને દંડ કર્યો અને એ દંડ ન લાવ્યો એટલે એને વર્ગ બહાર કાઢ્યો. વિદ્યાર્થી વલ્લભભાઈને થયું કે આનો કાંઈ ઇલાજ કરવો જ જોઈએ. પોતાનો વર્ગ તો તેમણે તરત ખાલી કરાવ્યો જ પણ બપોરની રજામાં આખી શાળાના છોકરાઓને એકઠા કરી હડતાલ પડાવી અને કોઈ વિદ્યાર્થી શાળામાં ન જાય એટલા માટે બરાબર ચોકી ગોઠવી. વિદ્યાર્થીઓને બેસવા માટે એક ધર્મશાળામાં ગોઠવણ કરી, ત્યાં પીવાના પાણી વગેરેની વ્યવસ્થા રાખી. હડતાલ ત્રણ દિવસ ચાલી. શાળાના હેડમાસ્તર બહુ કુનેહવાળા હતા. તેમણે સરદારને બેસાડીને સમજાવ્યા અને કોઈ વિદ્યાર્થીને ખાટી રીતે અથવા વધારે પડતી સજા ભવિષ્યમાં નહીં થાય એમ કહી સમાધાન કરાવ્યું.

એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતી ચોપડીઓનો તથા વિદ્યાર્થીઓએ વાપરવાના કાગળ, પેન્સિલ, નોટબુક વગેરે સાહિત્યનો વેપાર કરતા અને પોતાની પાસેથી જ એ બધું ખરીદવાની વર્ગના વિદ્યાર્થીઓને ફરજ પાડતા. સરદાર પાસે આ ફરિયાદ આવતાં તેમણે વિદ્યાર્થીઓ પાસે એ શિક્ષકનો એવો બહિષ્કાર કરાવ્યો કે આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડી દઈને નમવું પડ્યું.

આવી લડાઈઓ ઉપરાંત સાર્વજનિક સ્વરૂપની કહેવાય એવી પ્રવૃત્તિમાં પણ તેઓ ભાગ લેતા. મ્યુનિસિપલ ચૂંટણીમાં શાળાના એક મહાનંદ નામના માસ્તર ઉમેદવાર તરીકે ઊભા થયેલા. મહાનંદ માસ્તરના પક્ષે કામ કરવા શાળાના બધા છોકરાઓને સરદારે તૈયાર કર્યા. સામે નડિયાદના દેસાઈ કુટુંબના એક ભાઈ હતા. તે બોલી ગયેલા કે આ માસ્તરની સામે હું હારું તો મૂછ મૂંડાવી નાખું, સરદારે વિદ્યાર્થીઓની મદદથી મતદારોમાં એવું સજ્જડ કામ કર્યુ કે મહાનંદ માસ્તરની બહુ મોટી બહુમતીથી જીત થઈ. તરત જ સરદાર તો પચાસેક છોકરાના ટોળા સાથે એક હજામને લઈને દેસાઈને મૂછ મૂંડાવાનું કહેવા ઊપડ્યા !

વડોદરાનું એક પરાક્રમ તો બહુ રમૂજી છે. ઉપર કહેવાઈ ગયું છે કે મૅટ્રિકમાં હતા ત્યારે વડોદરા હાઈસ્કૂલમાં સરદાર ગયેલા. સંસ્કૃતમાં બહુ રસ નહીં પડવાથી તેમણે મૅટ્રિકમાં સંસ્કૃત છોડી ગુજરાતી લીધેલું. શ્રેય:સાધક અધિકારી વર્ગના પ્રસિદ્ધ છોટાલાલ માસ્તર તે વખતે ત્યાં ગુજરાતી શીખવતા હતા. તેઓ ગુજરાતી શીખવતા પણ દેવભાષા છોડીને ગુજરાતી શીખવા આવનાર પ્રત્યે તેમને સહેજે અણગમો રહેતો. સરદાર તેમના વર્ગમાં દાખલ થયા કે તરત છોટાલાલ માસ્તરે તેમને કહ્યું કે, “આવો મહાપુરુષ ! ક્યાંથી આવ્યા ? સંસ્કૃત છોડી ગુજરાતી લો છો. પણ સંસ્કૃત વિના ગુજરાતી આવડે જ નહીં એ ખબર છે ?” એમ કહીને સંસ્કૃતના ઘણા લાભો ગણાવ્યા. એટલે વિદ્યાર્થી વલ્લભભાઈ કહે : “પણ સાહેબ, અમે બધા સંસ્કૃતમાં જ રહેત તો પછી તમે શીખવત કોને ?” શિક્ષક ખિજાયા અને હુકમ કર્યો : “મહાપુરુષ ! જાઓ, એક એકથી દસ એકા સુધીના પાડા લખી લાવજો.” એક દિવસ થયો, બે દિવસ થયા, મહાપુરુષ શેના લખી લાવે ? માસ્તર સાહેબ જ ચિડાતા જાય અને રોજ સજા વધારતા જાય. “જાઓ, કાલે બે વાર લખી લાવજો,” “ કાલે ચાર વાર,” “કાલે આઠ વાર,” એમ વધતાં વધતાં બસો પાડા લખવાનો હુકમ થયો. પણ ‘મહાપુરુષ’ ઉપર કશી અસર ન થઈ. શિક્ષક શિક્ષા વધારતા ગયા અને શિષ્ય એ શિક્ષા મૂંગે મોઢે સાંભળતા ગયા. પછી તો છોટાલાલ માસ્તરે પૂછ્યું: “કેમ, લખી લાવવા છે કે નહીં ? કે બીજી શિક્ષાનો વિચાર કરું ?” શિષ્યે જવાબ આપ્યો “બસો પાડા તો લાવ્યો હતો, પણ તેમાંથી એક મારકણો નીકળ્યો તેનાથી ભડકીને બધા દરવાજા આગળથી નાસી ગયા. એટલે એક્કે પાડો ન રહ્યો !” પોતાના વિદ્યાર્થીનો આવો મસ્ત વિનોદ સમજવાને અને સહન કરવાને માટે તો શિક્ષકમાં પણ એવી મસ્તી જોઈએને ! છોટાલાલ માસ્તર એ સાંખી ન શક્યા અને ધમકાવીને તાકીદ આપી. બીજા દિવસે પાછું પૂછવામાં આવ્યું. જરાય ગભરાયા વિના વિદ્યાર્થીએ વિનોદ આગળ ચલાવ્યો : “હા સાહેબ, લખી લાવ્યો છું.” એમ કહીને એક કાગળ બતાવ્યું. તેમાં લખ્યું હતું : “બસેં પાડા.” મહાદેવભાઈ લખે છે કે, “છોટાલાલ માસ્તરની અહિંસાને ધન્ય છે કે તેમણે આ અપમાનનો સ્થળ પ્રહારથી જવાબ ન આપતાં આ ન સુધરી શકે એવા નઠોર છોકરાને મુખ્ય શિક્ષક નરવણે પાસે મોકલ્યો.” સરદારનો આ ધન્યવાદની સામે વાંધો છે. તેઓ કહે છે : “સ્થૂળ પ્રહાર શેનો કરે ? કોઈ પણ શિક્ષક મને મારતાં ડરે એવો હું હતો.” આ મુખ્ય શિક્ષકની આગળ વિદ્યાર્થીએ નિવેદન કર્યું : “આવી તે સજા હોતી હશે? કાંઈ અમારા અભ્યાસમાંથી લખાવતા હોય તો મને ફાયદો પણ થાય. પહેલી ચોપડીના એકાના પાડાથી તો કોઈને ફાયદો ન થાય. ઊલટા એ લખતો જોઈ ને મને સૌ મૂરખ કહે.” મુખ્ય શિક્ષકે મનમાં આ દલીલની કદર કરી અને વિદ્યાર્થીને શાંતિથી સમજાવ્યો.

છોટાલાલ માસ્તર તો પોતાના વિદ્યાર્થીને મહાપુરુષ થયેલો જોવાને ન જીવ્યા. પણ નરવણે માસ્તરને એ સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયેલું. તેઓ ગર્વથી કહેતા : “વલ્લભભાઈ મારા હાથ નીચે શીખેલા.”

આ પ્રસંગ પછી સરદાર વધુ વખત વડોદરા નહીં રહેલા. બીજા એક શિક્ષકની સાથે ઝઘડો કરીને બે જ મહિનામાં ત્યાંથી નડિયાદ આવતા રહેલા. નડિયાદમાં મામાએ પૂછ્યું, “કેમ પાછો આવ્યો ?” તો કહે કે, “ત્યાં કોઈ માસ્તરને ભણાવતાં આવડતું નથી.”

છેવટે મૅટ્રિક નડિયાદ હાઈસ્કૂલમાંથી સને ૧૮૯૭માં થયા. તે વખતે એમની ઉંમર લગભગ બાવીસ વર્ષની હતી.

મૅટ્રિક પાસ થયા પછી શું કરવું એ પ્રશ્ન સામે આવીને ઊભો. ગુજરાતી સાત ચોપડી પાસ થયા પછી જેમ સીનિયર ટ્રેન્ડ માસ્તર થવાની સલાહ મળી હતી, તેમ આ વખતે પણ ઘરની સ્થિતિ સાધારણ છે અને કાંઈ નોકરી ધંધો લાગી જાય તો સારું એમ વિચારી મામા ડુંગરભાઈ જેઓ એલ. સી. ઈ. પાસ થયેલા હોઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુખ્ય ઇજનેર હતા અને મ્યુનિસિપાલિટી તથા શહેરમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા તેમણે કહ્યું કે, અમદાવાદ આવે તો મ્યુનિસિપાલિટીમાં મુકાદમની જગા અપાવું. જેમ કામ શીખીશ તેમ આગળ વધવાની સાથે ચાન્સ મળશે. પણ આવી નોકરીબોકરીથી સ્વતંત્ર ખવાસના આ સાહસિક યુવાનને સંતોષ થાય એમ ન હતું. એના મગજમાં બાળપણથી જ ભારે ભારે મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી. પણ ગુજરાતી સાત ચોપડી પાસ કરી ત્યાં સુધી કરમસદ, આણંદ અને વડતાલ ઉપરાંત બહારની દુનિયા બહુ જોઈ ન હતી એટલે નિશાળના માસ્તર નથી થવું એ ઉપરાંત એ મહત્ત્વાકાંક્ષાઓએ કશું ચોક્કસ રૂપ નહોતું પકડ્યું. આ વખતે તો નડિયાદ અને વડોદરામાં વકીલને જોયા હશે, કોઈ બૅરિસ્ટરનું નામ પણ સાંભળ્યું હશે. એટલે જુવાન મગજમાં જાતજાતનાં સ્વપ્નાં ઉભરાતાં હશે. આ કાળના પોતાના મનોરાજ્યમાં આપણને સરદારે પોતે જ ૧૯૨૧ના સ્વરાજ્યના જુવાળના દિવસોમાં અસહકાર વિષે મોડાસામાં એક હૃદયસ્પર્શી ભાષણ આપતાં ડોકિયું કરાવ્યું છે :

“ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે હું પહેલાં અંગ્રેજની આબેહૂબ નકલ કરતો હતો, તે સત્ય છે. વળી હું નવરાશનો વખત રમતગમતમાં ગાળતો એ વાત પણ ખરી છે. મારી માન્યતા તે વખતે એવી હતી કે આ અભાગી દેશમાં પરદેશીની નકલ કરવી એ જ ઉત્તમ કાર્ય છે. મને શિક્ષણ પણ એવું જ આપવામાં આવ્યું હતું કે આ દેશના માણસો હલકા અને નાલાયક છે અને આપણા ઉપર રાજ્ય કરનાર પરદેશી માણસો જ સારા અને આપણો ઉદ્ધાર કરવા સમર્થ છે; આ દેશના માણસો તો ગુલામગીરીને જ લાયક છે. આવું ઝેર આ દેશનાં તમામ બાળકોને પિવડાવવામાં આવે છે. હું નાનપણથી જ જે લોકો સાત હજાર માઈલ દૂર પરદેશથી રાજ્ય કરવા આવે છે તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવાને તરફડિયાં મારતો હતો. હું તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું. મને માલુમ પડ્યું કે દસ પંદર હજાર રૂપિયા મળે તો વિલાયત જવાય. મને કોઈ એટલા રૂપિયા આપે એમ ન હતું. મારા એક મિત્રે કહ્યું કે, ઈડર સ્ટેટમાં દરબાર પાસેથી રૂપિયા વ્યાજે મળે એવો સંભવ છે. એ મિત્રના કાકા ઈડરમાં રહેતા. તે ઉપરથી એ મારો મિત્ર અને હું બંને ઈડર ગયા અને શેખચલ્લીના વિચાર કરી ગામની પ્રદક્ષિણા કરી પાછા આવ્યા. છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું. પછી વકીલાતનો અભ્યાસ કર્યો ને વકીલાતનો ધંધો કરી ખર્ચ જેટલી કમાણી કરી વિલાયત જવાનો નિશ્ચય કર્યો.”

એક વાર સરદારે જ ઉચ્ચારેલા શબ્દોમાં કહું તો ‘સસ્તું ભણવાનું અને સહેલાઈથી રળવાનો ધંધો” કયો તે વિચારી વકીલાતનો વિચાર કર્યો. તેય એલએલ. બી. થવાને નહી પણ ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર’ થવાને. કૉલેજમાં જઈ સાક્ષરી કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. પણ મોટું કારણ તો એલ એલ. બી. થતાં છ વર્ષ લાગે એ જ હતું. અભ્યાસમાં એટલાં બધાં વર્ષ ગાળવાનું એમને વાજબી ન લાગ્યું. ઉંમર મોટી થઈ હતી અને શક્ય એટલા વહેલા વકીલ થઈ, પૈસા કમાઈ વિલાયત જવું હતું. ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટે તો ઘેર રહીને વાંચી શકાય અને ખર્ચ કંઈ જ ન થાય એ પણ એની પસંદગીનું એક કારણ ખરું. વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માગી લાવી ત્રણ વર્ષ અભ્યાસમાં ગાળ્યાં અને ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા સને ૧૯૦૦ માં પસાર કરી.

વકીલાતના અભ્યાસ દરમ્યાન મોટે ભાગે નડિયાદમાં એમના મિત્ર કાશીભાઈ શામળભાઈ ને ત્યાં રહેતા. અહીં બનેલા એક પ્રસંગમાં, સરદારની ખૂબ નજીક રહેલા પણ બહુ ઓછા માણસો જે પારખી શક્યા છે એવી એમના જીવનની એક બાજુ પ્રગટ થાય છે. કાશીભાઈના પિતાના મિત્ર એક ડુંગરભાઈ મૂળજીભાઈ કરીને નડિયાદના પ્રખ્યાત વકીલ હતા. કાશીભાઈના પિતા ગુજરી ગયા ત્યારે આ ડુંગરભાઈએ કાશીભાઈના કુટુંબની સઘળી સારસંભાળ રાખેલી. જે વખતે સરદાર કાશીભાઈને ઘેર રહેતા હતા તે વખતે ડુંગરભાઈનાં પત્ની છએક મહિનાનો એકનો એક છોકરો મૂકીને ગુજરી ગયાં. એટલે કાશીભાઈનાં માતુશ્રી એને ઉછેરવા માટે પોતાને ઘેર લઈ આવ્યાં. કાશીભાઈ અને સરદાર ખડકીની મેડી ઉપર વાંચતા તથા સૂવા બેસવાનું રાખતા. એમણે બંનેએ છોકરાને માની જેમ ઉછેરી મોટો કર્યો. સરદાર તો છોકરાને પોતાને પડખે જ સુવાડતા અને રાત્રે ઊઠીને એને બે ત્રણ વાર દૂધ પાતા. રાતે છોકરો ઝાડો પેશાબ કરે તો એનાં બાળોતિયાં બદલાવતા અને બધું સાફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા. આ છોકરાને ત્રણેક વર્ષનો થયો ત્યાં સુધી ઉછેરીને મોટો કરવામાં સરદારે ખૂબ જ પરિશ્રમ ઉઠાવેલો. સરદારમાં આ જાતની માતૃવૃત્તિ નૈસર્ગિક છે. પણ એમના કડક દેખાવ અને ઓછાબોલાપણાને લીધે એ બીજાઓને દેખાતી નથી. યરવડા જેલમાં ’૩૨–’૩૩માં એ ગાંધીજીની સાથે રહ્યા ત્યારે ગાંધીજીએ એ બરાબર પારખી હતી અને સરદાર અહીં ‘મારી મા’ બન્યા છે એવું ગાંધીજીએ અનેક વાર કહેલું. મહાદેવભાઈ એ પોતાની ડાયરીમાં નોંધ્યું છે. ભાવતી વસ્તુ હેતપૂર્વક આગ્રહ કરીને ખવરાવવાની એમની ટેવનો પરિચય તો એમની સાથે રહેલા મિત્રોને અને સાથીઓને ઘણી વાર થયો છે. યરવડામાંથી ગાંધીજીના ઉપવાસ દરમ્યાન એમને નાસિક જેલમાં ખસેડ્યા ત્યારે ’૩૩–’૩૪ માં ત્યાંના અને ’૪૧ ની જેલ દરમ્યાન ત્યાંના એમના સાથીઓને એમના આ સ્વભાવનું દર્શન પહેલી જ વાર થયું તે એમણે કહી સંભળાવેલું. ઘણાએ સાનંદાર્શ્ચય સાંભળ્યું હશે. જેલમાં બધાને માટે બે વખત ચા સરદાર જાતે જ બનાવે. કોઈએ માત્ર એક પ્યાલો તો પીવાનો જ નહીં, ફરી વધારે ચા લેવી જ પડે. નાસ્તામાં જુદી જુદી વાનીઓ મંગાવીને અથવા તૈયાર .



પૃ. ૧૮
ગોધરામાં વકીલ

કરીને જાતે જ પીરસે અને આગ્રહ કરી કરીને ખવડાવે. રસોડા ઉપર જાતે જ દેખરેખ રાખે, એ બધી વાતો હવે ઘણા જાણે છે.

આપણા હિંદુ સમાજમાં અને તે જમાનામાં વિદ્યાભ્યાસના કાળ દરમ્યાન જ છોકરાનાં લગ્ન થઈ જાય એમાં કશી નવાઈ નહોતી. સરદારનાં લગ્ન એમની અઢાર વર્ષની ઉંમરે થયેલાં. એ તો કાંઈક મોટી ઉંમરે થયાં ગણાય. એમનાં પત્ની ઝવેરબાની ઉંમર તે વખતે બાર તેર વર્ષની હશે. એ નજીકના જ ગાના ગામનાં હતાં. તે વખતે પરણ્યા પછી પાંચ સાત વર્ષે સ્ત્રીઓ સાસરે આવે એવો રિવાજ હતો. એટલે સરદારનો ગૃહસ્થાશ્રમ વકીલ થયા પછી અથવા થોડા વખત પહેલાં શરૂ થયો.

સમજણા થયા ત્યારથી જ પાટીદાર ન્યાતના પહેરામણી વગેરે રિવાજો પ્રત્યે એમને તિરસ્કાર હતો. પણ પોતાનો તિરસ્કાર સુધારાનો ઉપદેશ આપીને કે સુધારાનાં ભાષણ કરીને તેઓ વ્યક્ત કરતા નહીં. ભાષણ કે ઉપદેશ કરતાં હાડોહાડ લાગી જાય એવાં તીખાં કટાક્ષ અને માર્મિક ટીખળથી અસર પાડવાની તેમની પદ્ધતિ આજે પણ છે. કોઈની પહેરામણી લીધાની વાત સાંભળે ત્યારે પૂછે કે, “આખલાના પાંચ હજાર ઊપજ્યા કે સાત હજાર ?” પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ કરતી વખતે પહેરામણીની રકમ ઠરાવવાની વાટાઘાટો ચાલતી હતી ત્યારે કહે કે, “આ બધી ભાંજગડ છોડીને એ છોકરાને શુક્કરવારીમાં જ મૂકો ને !”

ભાષાના આવા પ્રયોગો કોઈ શિક્ષક પાસેથી કે ચોપડીમાંથી ક્યાંથી શિખાય ? મેં આ પ્રકરણનું મથાળું વિદ્યાભ્યાસ એવું કર્યું છે પણ પ્રકરણ વાંચ્યા પછી સહેજે જણાશે કે શાળાના ભણતરે અથવા તો શાળાના કોઈ શિક્ષકે એમના ઘડતરમાં ખાસ કશો ફાળો આપ્યો નથી; આપ્યો હોય તો પણ જૂજ, નજીવો. એમણે તો જે કોઈ મેળવ્યું તે અગાઉ કહ્યું તેમ ‘માંય માંય ભણીને’, જાતે જ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને મેળવ્યું છે. તેઓ પોતે એને ‘કોઠા વિદ્યા’ કહે છે. અનુભવથી મેળવેલી અને કોઠે જરેલી એટલે કે બરાબર પચાવેલી હોય તે જ ખરી વિદ્યા. એવી વિદ્યા તેઓ બાળપણથી જ ભણતા આવ્યા છે અને હજી પણ ભણતા જ રહે છે. એ વિદ્યાનો અભ્યાસ કરતાં જેને આવડે છે, તેનો વિદ્યાભ્યાસ કદી પૂરો થતો જ નથી.