સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો/રોલૅટ કાયદા સામેનું આંદોલન
← સૈન્યભરતી | સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો રોલૅટ કાયદા સામેનું આંદોલન નરહરિ પરીખ |
અસહકાર → |
.
૧3
રોલૅટ કાયદા સામેનું આંદોલન
બ્રિટિશ અમલમાં હિંદુસ્તાને રાજકીય હક્કો ક્રમે ક્રમે પ્રાપ્ત કર્યા અને છેવટે આઝાદી મેળવી, તેના છેલ્લા ચાર તબક્કાનો ઇતિહાસ એવો છે કે દરેક સુધારા દાખલ થયા તે પહેલાં ભારે દમનચક્રમાંથી દેશને પસાર થવું પડ્યું છે. એક તરફથી રાજદ્વારી સુધારા દાખલ કરી લોકોને વધારે હક્કો આપવાની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે બીજી તરફથી લોકોના નાગરિક સ્વાતંત્ર્યને કચડી નાખનારા કાયદા પસાર કરીને સેંકડો માણસોને જેલમાં ધકેલવામાં આવે છે તથા દેશપાર કરવામાં આવે છે. ૧૯૧૧માં મોરલી-મિન્ટો સુધારા દાખલ કરી ધારાસભાઓમાં લોકપ્રતિનિધિઓની સંખ્યા વધારવામાં આવી ત્યારે તેની અગાઉ ૧૯૦૮નો રાજદ્રોહી સભાઓને લગતો કાયદો (સીડિશ્યસ મીટિંગ્સ ઍક્ટ) તથા ૧૯૧૦નો ફોજદારી કાયદામાં સુધારો કરનાર કાયદો (ક્રિમિનલ લૉ ઍમેન્ડમેન્ટ ઍક્ટ) પસાર કરીને સેંકડો માણસોને જેલની તથા કાળા પાણીની સજા કરવામાં આવી હતી. સૈકાજૂનો એક ધારો, સને ૧૮૧૮નો રેગ્યુલેશન ત્રીજો, એનો ઉપયોગ કરીને કેટલાક દેશભક્તોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. લોકમાન્ય તિલક મહારાજને રાજદ્રોહના આરોપસર ૧૯૦૮માં છ વરસની સજા કરવામાં આવી હતી. આમ જે વખતે નવી ધારાસભાઓ બેઠી તે વખતે લગભગ ૧૮૦૦ રાજદ્વારી કેદીઓ જેલના સળિયા પાછળ હતા.
મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા વખતનો ઇતિહાસ પણ આવો જ છે. જે વખતે સુધારાની ચર્ચાઓ અને તૈયારીઓ ચાલતી હતી તે જ વખતે પોલીસને અમર્યાદ સત્તાઓ આપી નાગરિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારનારા રોલૅટ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. તેની વિરુદ્ધ જે આંદોલન ઊપડ્યું અને તેમાંથી અસહકારની લડત ચાલી તેને અંગે, જ્યારે નવા સુધારા અમલમાં મુકાયા તે વખતે ઓછામાં ઓછા વીસ હજાર માણસો, જેમાં દેશના મોટામાં મોટા નેતાઓ પણ હતા તે બધા જેલના સળિયા પાછળ હતા.
તેવી જ રીતે હિંદુસ્તાનને પ્રાંતિક સ્વરાજ્ય આપવા માટેના બંધારણીય સુધારા સંબંધી મસલત કરવા ઇંંગ્લંડમાં સને ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદો ચાલતી હતી ત્યારે લોકોનું સાચું પ્રતિનિધિત્વ ધરાવતી અને જેના સહકાર વિના કોઈ પણ સુધારાને અમલ થઈ શકે એમ ન હતું એ રાષ્ટ્રીય કૉંગ્રેસ તેના લગભગ એક લાખ સ્વયંસેવકો સાથે જેલમાં હતી. ત્યાર પછી ૧૯૪૨થી ’૪૫ સુધી કૉંગ્રેસના આદેશને માન આપી દેશે બ્રિટિશ સલ્તનત સામે બંડ પોકાર્યું અને પારાવાર દુઃખો વેઠ્યા પછી આઝાદી મળી.
અત્યારે તો આપણે રોલૅટ કાયદા, જે તે વખતે કાળા કાયદા કહેવાતા હતા તેનો જ વિચાર કરીશું. જોકે ૧૯૩૦ તથા ૧૯૩૨માં અને ૧૯૪૨માં જે કાયદા અને ઑર્ડિનન્સો (ફતવા)નો અમલ થયેલો તેની આગળ તો રોલૅટ કાયદા બહુ મોળા હતા. છતાં આ જાતના એ પહેલા જ કાયદા હોઈ તે કાળા કાયદા કહેવાયા અને દેશના એકેએક પક્ષે તેની સામે ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભામાં પણ તેની સામે સખત ભાષણો થયાં. છતાં એ કાયદા સરકારપક્ષની બહુમતીવાળી ધારાસભામાં પસાર થયા.
ગાંધીજી તે વખતે ગંભીર બીમારીમાંથી માંડ માંડ ઊઠ્યા હતા અને અશક્ત હતા. છતાં આ રોલૅટ કાયદાની વાત વાંચીને તેઓનો પુણ્યપ્રકોપ સળગી ઊઠ્યો. સરદાર લગભગ રોજ એમને આશ્રમમાં જોવા આવતા. તેમને ગાંધીજીએ કહ્યું: “આ વિષે કાંઈ થવું જોઈએ.” સરદારે પૂછ્યું : “શું થાય?” ગાંધીજીએ કહ્યું: “થોડા માણસો પણ તૈયાર થાય તો ધારાસભામાં કાયદા પસાર થાય એટલે આપણે સત્યાગ્રહ કરવો જોઈએ. પથારીવશ ન હોઉં તો હું એકલો પણ ઝૂઝું અને બીજાઓ મળી રહેવાની પછી આશા રાખું. પણ મારી લાચાર સ્થિતિમાં એકલા ઝૂઝવાની મારી શક્તિ મુદ્દલ નથી.” બીજી તરફથી મુંબઈની હોમરૂલ લીગવાળા, મુખ્યત્વે શ્રી ઉમર સોબાની અને શ્રી શંકરલાલ બૅંકર આ બાબત કાંઈ કરવું જોઈએ એવું દબાણ ગાંધીજીને કરી રહ્યા હતા. પરિણામે વીસેક માણસોની એક નાની સભા સાબરમતી આશ્રમમાં બોલાવવામાં આવી. તેમાં સરદાર ઉપરાંત શ્રીમતી સરોજિની નાયડુ, મિ. હૉર્નિમૅન, શ્રી ઉમર સોબાની, શ્રી શંકરલાલ બૅંકર અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક એ મુખ્ય હતાં. એક પ્રતિજ્ઞાપત્ર ઘડાયું અને હાજર રહેલાં બધાંએ તેની ઉપર સહી કરી. કોઈ ચાલુ સંસ્થા સત્યાગ્રહનું નવું હથિયાર ન ઉપાડી લે એટલે સત્યાગ્રહ સભા નામની નવી સંસ્થા સ્થાપવામાં આવી. તેની સાથે જ આ કાયદા પસાર ન કરવા ગાંધીજીએ વાઇસરૉયને બહુ વીનવ્યા, ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા, સત્યાગ્રહ સિવાય પોતાની પાસે બીજો માર્ગ નથી એ સ્પષ્ટ જણાવ્યું. પણ એ બધું એળે ગયું અને કાયદા પાસ થયા.
સત્યાગ્રહની લડત આત્મશુદ્ધિની હોઈ ઉપવાસ અને હડતાળથી લડતનો આરંભ કરવો એમ ગાંધીજીએ ઠરાવ્યું. હિંદુ લોકો સાધારણ રીતે ૩૬ કલાકનો ઉપવાસ કરે છે પણ મુસલમાન રોજા ઉપરાંત વધારે ઉપવાસ ન રાખે, એટલે આગલા દિવસની સાંજથી બીજા દિવસની સાંજ સુધીના ચોવીસ કલાકના રાષ્ટ્રીય ઉપવાસની ગાંધીજીએ શોધ કરી. તે વખતે ગાંધીજી આ પ્રશ્નને અંગે જ મદ્રાસ ગયેલા હતા. ત્યાંથી તેમણે આ જાતની સૂચના કાઢી. તેમાં ૧૯૧૯ના માર્ચની તા. ૩૦મી ઉપવાસ અને હડતાળ માટે જણાવવામાં આવી. પણ એટલા વખતમાં આખા દેશમાં ખબર પહોંચી નહીં વળે એમ લાગવાથી પાછળથી તે તારીખ ફેરવીને ૬ઠ્ઠી એપ્રિલ કરવામાં આવી. આ ફેરફારની ખબર દિલ્હી વખતસર ન પહોંચી એટલે દિલ્હીમાં ૩૦મી માર્ચ ઊજવાઈ. પહેલાં કદી ન પડેલી એવી હડતાળ પડી. હિંદુ અને મુસલમાન એકદિલ થઈ ભળ્યા. તે વખતે દિલ્હીમાં હકીમ સાહેબ અજમલખાનજી અને સ્વામી શ્રદ્ધાનંદજીની આણ વર્તાતી હતી. શ્રદ્ધાનંદજીને જુમ્મા મસ્જિદમાં ભાષણ કરવા માટે નોતરવામાં આવ્યા. આ બધું સત્તાવાળાઓ સહન ન કરી શક્યા. સરઘસને પોલીસે રોકવા માંડ્યું પણ તે વિખેરાયું નહીં એટલે પોલીસે ગોળીબાર કર્યા. ઘણા જખ્મી થયા અને થોડાના જાન પણ ગયા. વાતાવરણ બહુ જ તંગ થઈ ગયું. શ્રી શ્રદ્ધાનંદજીએ ગાંધીજીને દિલ્હી બોલાવ્યા. પંજાબમાં લાહોર-અમૃતસરમાં પણ એવું જ ગરમાગરમ વાતાવરણ હતું. ત્યાંથી ડૉ. સત્યપાલ અને કીચલુએ ગાંધીજીને પંજાબ આવવા તાર કર્યા. તા. ૬ઠ્ઠી મુંબઈમાં ઊજવી સાતમીની રાતે ગાંધીજી દિલ્હી થઈ અમૃતસર જવા નીકળ્યા. પણ દિલ્હી પહોંચે તે પહેલાં પલવેલ નામના સ્ટેશને ગાડીમાંથી ઉતારી લઈ તેમને પકડવામાં આવ્યા.
છઠ્ઠી તારીખ આખા દેશમાં-શહેરમાં તેમ જ ગામડાંમાં-બહુ ઉત્સાહપૂર્વક ઊજવાઈ. અમદાવાદમાં ઘણા લોકોએ ઉપવાસ કર્યા. હડતાળ તો પરિપૂર્ણ હતી અને સાંજે નક્કી કરેલે વખતે સરદારની આગેવાની નીચે શહેરમાં પહેલાં કદી નહીં નીકળેલું એવું મોટું સરઘસ નીકળ્યું. સ્ટેશન પરથી નીકળી નદીની રેતમાં પહોંચી સરઘસ સભાના આકારમાં ફેરવાઈ ગયું. સભા વિસર્જન થયા પછી કાયદાભંગ કાર્યક્રમ શરૂ થયો. તે માટે ગાંધીજીની જપ્ત થયેલી ચોપડીઓ ‘હિંદ સ્વરાજ’ અને ‘સર્વોદય’ છપાવીને વેચવાનું નક્કી થયું હતું. સરદાર અને બીજા જેમણે પ્રતિજ્ઞા લીધી હતી તેઓ એ વેચવા નીકળી પડ્યા. લોકોએ છાપેલી કિંમત કરતાં પણ વધારે પૈસા આપીને તે ખરીદી. પણ કોઈ ને પકડવામાં ન આવ્યા. એમ માલૂમ પડ્યું કે સરકારે તો અમુક આવૃત્તિઓ જપ્ત કરી હતી એટલે નવી આવૃત્તિ છાપવામાં, વેચવામાં કે ખરીદવામાં ગુનો ન ગણાય. બીજા દિવસથી પ્રેસ એક્ટ પ્રમાણે સરકારની પરવાનગી લીધા વિનાના ‘સત્યાગ્રહ પત્રિકા’ નામના દૈનિકની સાઇક્લોસ્ટાઈલથી કાઢેલી નકલો વેચવા માંડી. એ પત્રિકા તૈયાર કરવાનું બધું કામ સરદારના ભદ્રના મકાનમાં જ થતું. તેમાં પણ સરકારે કાંઈ કાયદાભંગ ન ગણ્યો. તા. ૯મીએ તો ગાંધીજીને પકડ્યાના સમાચાર દેશમાં વીજળીવેગે ફેલાઈ ગયા અને લાહોર-અમૃતસરમાં અને અમદાવાદ તથા વીરમગામમાં ભારે તોફાનો થયાં. અમદાવાદમાં જેટલી હથિયારબંધ પોલીસ તથા લશ્કર હતું તેની મદદથી છૂટથી ગોળીબાર કરીને પહેલે દિવસે તો કેટલોક વખત તોફાનીઓને કાબૂમાં રાખવાનો સત્તાવાળાઓએ પ્રયત્ન કર્યો. પણ તા. ૧૦મીએ તોફાનીઓની સંખ્યા અને જોસ એટલું વધી પડ્યું કે પોલીસનું કાંઈ ચાલ્યું નહીં. તોફાને ચઢેલા લોકોએ પોલીસ ચોકીઓ બાળી, તાર ઑફિસ બાળી, કલેક્ટરની ઑફિસ તથા ભદ્રની સરકારી ઓફિસો બાળી. મૅટ્રિકની પરીક્ષા તે દિવસોમાં ચાલતી હતી તેનો મંડપ બાળી મુક્યો અને એક ગોરા સાર્જન્ટનું ખૂન કર્યું. મુંબઈથી ત્રીજે દિવસે લશ્કર આવી પહોંચ્યું અને માર્શલ લૉ જાહેર કર્યો. તેમાં ઘણા માણસો ઘાયલ થયા તથા માર્યા ગયા. ત્યાર પછી તોફાન કાબૂમાં આવ્યું. આ દિવસોમાં સરદાર અને શહેરના કેટલાક કાર્યકર્તાઓ તથા આશ્રમવાસીઓ શહેરમાં ઘૂમતા, લોકોને શાંત પાડવા પ્રયત્ન કરતા તથા ઘાયલ થયેલાઓને ઈસ્પિતાલમાં પહોંચાડવાની અને તેમનાં સગાંવહાલાંને અનાજ પૂરું પાડવાની વગેરે મદદ કરતા. લશ્કરી પહેરો શહેરમાંથી ઊઠી ગયા પછી પણ તાર ઑફિસ તથા ઈમ્પીરિયલ બૅન્ક આગળ તથા સરદારના ઘર પાસે ગુજરાત ક્લબમાં ગોરી પલટણો રાખવામાં આવેલી. એક સાંજે ઇન્દુલાલ યાજ્ઞિક જેઓ ઘણી વાર સરદારને ત્યાં સલાહ મસલત માટે આવતા તેઓ ઘરમાં કોઈ નહોતું અને આવેલા. મોં ધોવા માટે બાથરૂમમાં ગયા. ત્યાંની બત્તી કરી. તે ઠારીને બીજા ઓરડામાં ગયા. ત્યાંની બત્તી ઠારી ને ત્રીજા ઓરડાની બત્તી કરી. પેલી પલટણવાળાને લાગ્યું કે સરદારના મકાનમાંથી આ કાંઈ સિગ્નલો થાય છે એટલે તેમણે તો મકાનની આસપાસ પહેરો ગોઠવી દીધો. સરદાર બહારથી તે વખતે જ ઘેર આવ્યા ત્યારે લશ્કરના ઉપરીએ તો લશ્કરી ઢબે તેમને ઘરમાં દાખલ થતા રોકીને સામે પિસ્તોલ ધરીને વાત કરવા માંડી. ઘરમાં આવીને કાંઈ તપાસ કરવી હોય તો કરવા સરદારે એને કહ્યું. પેલો આ નાહકની ધાંધલ કરવા માટે શરમાઈ ને ચાલ્યો ગયો.
સરકારી અમલદારોની હલકી ખુશામત કરનારા એક મ્યુનિસિપલ કાઉન્સિલરે પોલીસને એવી ખબર આપી કે મેં સરદારને તાર ઑફિસને બાળી મૂકવા માટે દીવાસળી ચાપતા જોયેલા. તેમની સાથે ડૉ. કાનુગા અને બચુભાઈ વકીલ હતા. આ બાતમી પરથી પૂનાથી છૂપી પોલીસ આવી. તેણે તપાસ કરવા માંડી. કલેક્ટરને એની ખબર પડી ત્યારે એણે કહ્યું કે, “આ મકાનો બાળવામાં આવ્યાં ત્યારે તો બધી વખત સરદાર મારી પાસે બેઠેલા હતા અને શા ઉપાયો લેવા તેની અમે ચર્ચા કરતા હતા.” આ પરથી એ તપાસ માંડી વાળવામાં આવેલી. પેલા બાતમી આપનારનું નામ આપીને કલેક્ટરે પોતે આ વાત સરદારને પાછળથી કરી ત્યારે જાહેર સંસ્થાઓમાં ભાગ લેતા આપણા માણસો અમલદારોને વહાલા થવા કેટલી હદ સુધી જાય છે અને કેવા ભાગ ભજવે છે તે ખબર પડી. આ તોફાનો દરમિયાન અને પછીના સરદારના શાંતિ સ્થાપવાના પ્રયાસથી અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. હિલીનો સરદાર ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયો કે એ માણસે ત્યાર પછી દસ વર્ષે સરકારને એવી સલાહ આપેલી કે, “વલ્લભભાઈ વિના બારડોલીમાં શાંતિ ન જળવાય.”
ગાંધીજીને તા. ૮મીએ પલવેલને સ્ટેશને પકડ્યા પછી પોલીસે તા. ૧૦મીએ બપોરે મુંબઈ આણીને છોડી મૂક્યા. એમના પકડાયાના સમાચાર તો એમની આગળ મુંબઈ પહોંચ્યા હતા અને લોકો તોફાને ચઢ્યા હતા. ગાંધીજી ઊતરીને તરત તોફાનને સ્થળે પહોંચ્યા પણ તેઓ કાંઈ કરી શકે તે પહેલાં જ ભાલા ઉગામતી પોલીસની ઘોડેસવાર ટુકડીએ લોકોને વીખેરી નાખ્યા. ઘણા લોકો છુંદાયા અને ઘાયલ થયા એ ગાંધીજીએ નજરે જોયું. તેઓ ત્યાંથી પોલીસ કમિશનરની ઓફિસે ગયા અને તેને સમજાવવા લાગ્યા કે, “ઘોડેસવાર ટુકડી મોકલવાની જરૂર નહોતી એમ મને તો લાગે છે.” કમિશનરે જવાબ આપ્યો: “એની તમને ખબર ન પડે. તમારા શિક્ષણની લોકો ઉપર કેવી અસર થઈ છે તેની ખબર અમને પોલીસને તમારા કરતાં વધારે પડે. . . . તમે જાણો છો કે અમદાવાદમાં શું ચાલી રહ્યું છે? અમૃતસરમાં શું થયું છે? લોકો બધે ગાંડા જેવા થઈ ગયા છે. મને પણ પૂરી ખબર નથી. કેટલીક જગ્યાએ તાર પણ તૂટ્યા છે. હું તો તમને કહું છું કે, આ બધાં તોફાનની જવાબદારી તમારે શિર છે.”
ગાંધીજીનો ઇરાદો તો વળતી ટ્રેને પાછા જઈ પોતાની ઉપરના હુકમનો અનાદર કરવાનો હતો. પણ મુંબઈનો મામલો જોઈને એમને લાગ્યું કે તે ને તે દિવસે તો જવાનું બને એમ નહોતું. સાંજે ચોપાટી ઉપર સભા કરી તેમાં એકઠી થયેલી પ્રચંડ માનવમેદનીને પોતાના લેખી ભાષણ દ્વારા ગાંધીજીએ સમજાવ્યું કે: “લોકો શાંતિ ન જાળવે તો મારાથી સત્યાગ્રહની લડત કદી ન લડી શકાય.”
બીજે દિવસે અમદાવાદના વધારે સમાચાર મળ્યા. અમદાવાદમાં સત્તાવાળાઓ કાબૂ ગુમાવી બેઠા હતા. મુંબઈથી અમદાવાદ જતી લશ્કરી ટુકડીને રોકવાના ઇરાદાથી કેટલાક લોકોએ નડિયાદ સ્ટેશન પાસે રેલના પાટા ઉખેડી નાખ્યા હતા, વીરમગામમાં મામલતદારનું ખૂન થયું હતું, વગેરે. એટલે દિલ્હી અને પંજાબ જવાનું તો માંડી જ વાળ્યું અને તે જ રાતે અમદાવાદ જવા નીકળ્યા. ત્યાં પહોંચીને જોયું કે ત્યાં તો માર્શલ લૉ ચાલતો હતો. સ્ટેશનેથી સીધા કમિશનર મિ. પ્રૅટને જઈને મળ્યા. તેઓ તો ભારે ગુસ્સામાં હતા. છતાં બની શકે તેટલી વાતો કરી પરિસ્થિતિ સમજી લીધી અને તા. ૧૩મી ને રવિવારે આશ્રમમાં સભા ભરવાની રજા મેળવી તથા લોકોને ત્યાં આવવા દેવામાં પોલીસ કે સોલ્જરો તરફથી કશી દખલ ન થાય એવી ગોઠવણ કરી. ગાંધીજીનું લખેલું ભાષણ સરદારે વાંચ્યું. ભાષણમાં લોકોને પોતાના દોષોનું ભાન કરાવવાનો પ્રયત્ન હતો. ગાંધીજીએ પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને લોકોને એક દિવસના ઉપવાસ કરવાની સલાહ આપી. લોકોને પોતાના ગુના કબૂલ કરવાનું તથા સરકારને ગુના માફ કરવાનું સૂચવ્યું. એ સલાહ તો બેમાંથી એક્કેયે ન માની. ન લોકોએ ગુના કબૂલ કર્યા, ન સરકારે માફ કર્યા. જ્યાં લગી શાંતિનો પાઠ લોકો ન શીખી લે ત્યાં સુધી સત્યાગ્રહ મુલતવી રાખવાનો પોતાનો નિશ્ચય ગાંધીજીએ જાહેર કર્યો.
પંજાબમાં તો લોકોને દાબી દેવાને પાર વિનાના અત્યાચાર થયા. જે ગલીમાં એક ગોરી બાઈના ઉપર હુમલો થયો હતો ત્યાં થઈને જતા આવતા લોકોને હુમલાની જગ્યા આગળ કેટલાય દિવસ સુધી પેટે ચલાવ્યા. કૉલેજના વિદ્યાર્થીઓને યુનિયન જૅકને સલામ ભરવા માટે જવા આવવાના થઈને સોળ સોળ માઈલ લાહોરના એપ્રિલ માસના તાપમાં ચલાવ્યા અને અમૃતસરમાં જલિયાં બાગમાં સભા ઉપર ગોળીબાર કરી સેંકડો માણસની કતલ કરી. એ બધા સમાચારે જ્યારે બહાર આવ્યા ત્યારે આખા દેશમાં પ્રકોપ ભભૂકી ઊઠ્યો.
અમદાવાદમાં તોફાન ચાલતું હતું તે વખતે નડિયાદ સ્ટેશનની પાસે કેટલાક લોકોએ રેલના પાટા ઉખેડી નાખ્યા હતા. બારેજડી સ્ટેશન પાસે તારનાં દોરડાં કાપી નાખ્યાં હતાં. આને માટે એ બંને સ્થળે એક વર્ષ સુધી વધારાની પોલીસ રાખવાનું સરકારે ઠરાવ્યું અને તેના ખર્ચના રૂા. ૧૫,૫૫૬ નડિયાદના પાટીદારો તથા વાણિયાઓ પાસેથી અને રૂ. ૬,૦૨૮ બારેજડી તથા નાંદેજના ખાતેદારો પાસેથી દંડ તરીકે લેવાનું નક્કી કરી એ પ્રમાણેનો હુકમ તા. ૧૬મી મેએ ખેડાના કલેક્ટરે બહાર પાડ્યો. આમાં ગમ્મત એ છે કે આ બધા ખળભળાટ દરમિયાન નડિયાદમાં સારી શાંતિ જળવાઈ તે માટે એ જ કલેક્ટરે નડિયાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી ગોકળદાસ તલાટી ઉપર ધન્યવાદનો નીચે પ્રમાણે કાગળ તા. ૨૧મી એપ્રિલે લખ્યો હતો:
- “હું માનપૂર્વક કહેવા ઈચ્છું છું કે ચિંતા અને ખળભળાટના જે સમયમાંથી સદ્ભાગ્યે હવે આપણે નીકળી ગયા છીએ તે સમયે નડિયાદના વતનીએાએ ઘણી સારી રીતે કાયદો અને શાંતિ જાળવી રાખ્યાં તે વખાણવા યોગ્ય હતું. જે આગેવાનોએ સુલેહ જાળવવામાં પોતાની લાગવગ વાપરી તેઓને ખસૂસ ધન્યવાદ ધટે છે.”
પણ ત્યાર પછી કલેક્ટર, મુંબઈ પ્રાંતના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અને ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ વચ્ચે મસલતો થઈ અને આખી બાજી ફરી ગઈ. પાટા કોણે ઉખાડ્યા તેની તપાસ ચલાવી અમુક માણસોને પકડવામાં આવ્યા. તેમના કેસનો ચુકાદો અદાલતે તો ૧રમી ઑગસ્ટે આપ્યો પણ તે પહેલાં જ નડિયાદના પાટીદારો અને વાણિયાઓને કલેક્ટરે ગુનેગાર ઠરાવી દીધા અને તેમનો દંડ કર્યો. તેનાં જે કારણો કલેક્ટરે પોતાના હુકમમાં આપ્યાં છે તે રમૂજી હોઈ ટૂંકાવીને નીચે આપ્યાં છે:
૧. નડિયાદના લોકોએ રેલના પાટા ઉખેડી નાખ્યા એમાં કાંઈ શક જ નથી. તેમાંના ઘણાખરા પાટીદાર છે.
૨. ગયે વર્ષે જમીનમહેસૂલ નહીં ભરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે મિ. ગાંધીનું મથક નડિયાદમાં હતું. એ હિલચાલથી લોકોમાં અમલદારો અને સરકાર પ્રત્યેનું માન ઘટ્યું.
૩. વાણિયાઓને ખાસ જવાબદાર ગણવાનું કારણ એ છે કે તેઓએ સરકારની સામે ઉશ્કેરણી કરી. વાણિયાઓ મુખ્યત્વે કરીને વેપારી છે. તેમણે દુકાનો બંધ કરીને ખળભળાટ મચાવ્યો અને હુલ્લડખોરોને ઉત્તેજન આપ્યું. નડિયાદમાં પહેલી હડતાલ ૬ઠ્ઠી એપ્રિલે કંઈ પણ કારણ વિના પાડવામાં આવી અને તેમાંથી જ ૧૧મી તારીખે જે દંગો થયો, તેની તૈયારી થઈ. . . . મિ. ગાંધી, મિ. ગોકળદાસ તલાટી અને મિ. ફૂલચંદ શાહ વાણિયા છે.
૪. જે ગુનો નડિયાદમાં થયો તે સાબિત કરવામાં મદદ આપવાની નડિયાદીઓને મેં તક આપી હતી. પણ નડિયાદના એક પણ આગેવાને મને અગત્યની ખબર નથી આપી.
જેમ નડિયાદ-બારેજડીનો દંડ કર્યો તેમ અમદાવાદ શહેરનો પણ રૂપિયા નવ લાખ દંડ કરવામાં આવ્યો અને વીરમગામનો રૂ. ૪૨,૦૦૦ દંડ કરવામાં આવ્યો. શહેરીઓમાંથી યોગ્ય લાગે તેવાઓને મુક્ત કરવાની કલેક્ટરને સત્તા હતી. છતાં સરદાર અને બીજાઓ જેમણે ભારે મદદ કરેલી તેમને મુક્તિ આપવામાં નહોતી આવી. તેમાંથી જે પ્રકરણ ઊભું થયું તે વિષે ગાંધીજી તા. ૧૧-૭–’૨૦ના ‘નવજીવન’ માં લખે છે:
- “કેટલાકને દંડમાંથી મુક્તિ આપવામાં આવી પણ શ્રી વલ્લભભાઈ પટેલ અને ડૉ. કાનુગાને એ મુક્તિનો લાભ મળી શક્યો નહીં. . . . તેઓએ રમખાણને શમાવવામાં તથા લોકોને શાંત પાડવામાં જીવને જોખમે અમલદારોને મદદ કરી હતી. . . . વિના વાંકે નાહક દંડ ભરવો એ આ બંને ગૃહસ્થોને માટે મુશ્કેલ કાર્ય હતું. સરકારને કનડવાની એમને ઇચ્છા નહોતી પરંતુ સ્વમાન જાળવવાની અને સત્યને જ માન આપવાની ઇચ્છા તેમનામાં તીવ્ર હતી. એટલે કશી હિલચાલ કે ધાંધલ કર્યા વિના દંડ ભરવાની પોતાની અનિચ્છા તેમણે સરકારને જણાવી. પરિણામે જપ્તીની નોટિસ નીકળી. ડૉ. કાનુગાના દવાખાનામાંના તેમના ગલ્લાને જપ્ત કરી તેમાંથી જોઈતાં નાણાં વસૂલ કરવામાં આવ્યાં શ્રી વલ્લભભાઈને ત્યાં તો જપ્તી અમલદારને ગલ્લો જોવામાં આવ્યો નહીં તેથી દીવાનખાનામાંથી એક કોચ જપ્ત કરી રીતસર નોટિસ સાથે હરાજ કરી તેમાંથી દંડ વસૂલ કરવો પડ્યો. આ બંને સત્યાગ્રહી ભાઈઓએ પોતાના અંતરના ધ્વનિને માન આપી શુદ્ધ સત્યાગ્રહનો દાખલો બેસાડ્યો છે તે માટે અમે તેમનું અભિનંદન કરીએ છીએ.”
પછી વળી બીજું પ્રકરણ ઊભું થયું. સરદાર તથા અમદાવાદના બીજા એક બૅરિસ્ટર શ્રી જીવણલાલ વ્રજરામ દેસાઈ તથા વકીલોમાંથી શ્રી ગોપાળરાવ રામચંદ્ર દાભોલકર, શ્રી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ, શ્રી કાળીદાસ જસકરણ ઝવેરી તથા શ્રી મણિલાલ વલ્લભજી કોઠારી, જેમણે રોલૅટ કાયદા સામે સત્યાગ્રહ કરવાની પ્રતિજ્ઞા ઉપર સહીઓ કરી હતી, તેમને સત્યાગ્રહ સભામાંથી છૂટા ન થાય ત્યાં સુધી વકીલાત કરવાને માટે નાલાયક ગણવા જોઈએ, એવી મતલબનું લખાણ અમદાવાદના ડિસ્ટ્રિક્ટ જજે હાઈકોર્ટમાં કર્યું. તે ઉપરથી હાઈકોર્ટે તેમના ઉપર નોટિસ કાઢી અને કેસની સુનાવણી મુંબઈ હાઈકોર્ટના જજોની ‘ફૂલ બેન્ચ’ આગળ તા. ૨૪–૭–’૧૯ના રોજ થઈ. વકીલ-બૅરિસ્ટરો તરફથી સર ચિમનલાલ સેતલવાડે મુખ્ય દલીલો કરી. સર ચિમનલાલની દલીલોનો ધ્વનિ એ હતો કે:
- સત્યાગ્રહની પ્રતિજ્ઞા પર સહી કરવી એ વકીલાતના ધંધાને અંગે ગેરવર્તણૂક કહેવાય જ નહીં. . . . આ પ્રતિજ્ઞા લેવાથી બીજા કોઈ પ્રકારની ગેરવર્તણૂકનો આરોપ પણ તેમની ઉપર મૂકી શકાય નહીં. આવી પ્રતિજ્ઞા લીધાથી તેમને કલંક લાગતું નથી પણ ઊલટા તેઓ આબરૂદાર ઠરે છે. કારણ કે તેમની અંત:કરણની માન્યતા પ્રગટ કરવાની હિંમત તેમનામાં છે. આ માન્યતા ભૂલભરેલી હોઈ શકે, પણ તેમાં કશો નૈતિક દોષ સમાયેલો નથી. પ્રતિજ્ઞામાં ચોખ્ખું જણાવ્યું છે કે સત્યથી ચાલવાનું છે, અને કોઈને ઈજા કરવાની નથી. આવી પ્રતિજ્ઞા લેનાર માણસને કલંકિત કેમ ગણી શકાય?
- સર ચિમનલાલે બીજો મુદ્દો એ રજૂ કર્યો કે:
- સરકારનાં કેટલાંક કૃત્યો વિષે ટીકા કરતાં ઇંગ્લંડમાં ઘણી ઊંચી પદવી ધરાવતા કેટલાક નામાંકિત બૅરિસ્ટરોએ લશ્કરી બળથી સરકારની સામે થવાની ધમકી આપી હતી. તે છતાં તેમની સનદ ખૂંચવી લેવા વિષે કાંઈ પણ વિચાર કરવામાં આવ્યો ન હતો. હા, તેઓ કાંઈ કાયદા વિરુદ્ધ કાર્ય કરે તો તેમની સામે ફોજદારી કાયદાની રૂએ કામ ચલાવી શકાય, પણ તેમની સનદને ઈજા પહોંચાડી શકાય નહીં. . . . આ કામ ઘણું જ વહેલું ચલાવવામાં આવ્યું છે, કારણ હજી સુધી કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યું નથી.
હાઈકોર્ટના જજોએ આ દલીલ સ્વીકારી અને ઠરાવ્યું કે માણસે કાયદાભંગ કર્યો હોય તોપણ જેથી કોઈ જાતનું નૈતિક કલંક ચોંટે એવો દોષ તેમાં ન હોય ત્યાં સુધી કોઈ વકીલની સનદ છીનવી ન લેવાય કે માણસને બીજી બાબતોમાં પણ નાલાયક ન ઠરાવી શકાય. આ ચુકાદાએ વકીલ-બૅરિસ્ટરો માટે કાયદાના સવિનય ભંગની લડતમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કર્યો, એટલું જ નહીં પણ એવી લડતમાં જેઓ જેલ જઈ આવ્યા હોય તેવા હરકોઈને માટે ધારાસભાઓ, મ્યુનિસિપાલિટીઓ તથા લોકલબોર્ડોનાં દ્વાર બંધ ન કરી શકાય એવું સ્પષ્ટ કર્યું.
પછી પાટા ઉખેડવામાં, તારનાં દોરડાં કાપવામાં તથા અમદાવાદ વીરમગામનાં રમખાણોમાં ભાગ લેવા બદલ જેમને પકડ્યા હતા તેમના કેસ ચલાવવા માટે એક ખાસ અદાલત નિમાઈ અને ખટલા ચાલ્યા. તેમાંના ઘણા મોટા ભાગના કેસોમાં બૅરિસ્ટર તરીકે સરદાર અને તેમની સાથેના વકીલ તરીકે શ્રી કૃષ્ણલાલ દેસાઈ તથા શ્રી મણિલાલ કોઠારી ઊભા રહ્યા. મોટા ભાગના આરોપીઓને નિર્દોષ પુરવાર કરી તેમણે છોડાવ્યા. એક કેસમાં બહુ રમૂજ થઈ. નડિયાદના સ્ટેશન પાસે રેલના પાટા ઉખેડવાનો એક પાટીદાર ખેડૂત ઉપર આરોપ મુકાયેલો અને તેના ઘરમાં જપ્તી કરીને મુદ્દામાલ તરીકે ચાકીઓ ફેરવવાનાં કેટલાંક પાનાં રેલના પાટાની ચાકીઓનાં ગણીને પકડવામાં આવેલાં. આરોપીના કૂવા ઉપર એન્જિન પંપ મૂકેલાં હતાં એટલે તે માટે એને ઘેર આવાં પાનાં રહેતાં. ચાલુ કેસ દરમ્યાન ગુનાની જગા જોવા માટે જજ, સરકારી વકીલ, સરદાર અને બીજા વકીલો જવાના હતા, ત્યારે જતી વખતે સરદારે મુદ્દામાલ સાથે રાખવાની કોર્ટને વિનંતી કરી. સ્થળ વગેરે જજે તપાસી લીધું એટલે સરદારે કહ્યું કે, મુદ્દામાલમાં પકડાયેલાં પાનાં વડે પાટાની ચાકીઓ ફેરવી જુઓ. ફેરવવા ગયા તો એક્કે પાનું બેસે નહીં. તપાસ ચલાવનારા પોલીસ અમલદારોની કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ. સરદારે જજને કહ્યું કે, આ કેસોમાં આવું ડીંડવાણું છે. ગુનો થયો છે માટે કોઈને પણ પકડીને કેસ તો કરવો જ જોઈએ ને!