← અમદાવાદની મજૂર હડતાળ સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો
સૈન્યભરતી
નરહરિ પરીખ
રોલૅટ કાયદા સામેનું આંદોલન →


.


૧૨

સૈન્યભરતી

ખેડાની લડત ચાલતી હતી તે વખતે જ વાઈસરૉયે બોલાવેલી યુદ્ધ પરિષદમાં હાજરી આપવા ગાંધીજી દિલ્હી ગયા. ત્યાં તા. ર૯-૪-’૧૮ની પરિષદમાં તેમણે સૈન્યભરતીના ઠરાવને ટેકો આપ્યો. ટેકામાં ગાંધીજીએ ભાષણ નહોતું કર્યું, પણ હિંદીમાં આટલું જ બોલ્યા હતા: “મને મારી જવાબદારીનું પૂરતું ભાન છે, ને તે જવાબદારી સમજતો છતો હું આ ઠરાવને ટેકો આપું છું.”*[] તે દિવસથી ગાંધીજીએ નિશ્ચય કર્યો હતો કે ગુજરાતમાં સૈન્યભરતીનું કામ કરવું. દિલ્હીથી અમદાવાદ પાછા વળ્યા બાદ ગુજરાત સભા પાસે ઠરાવ કરાવ્યો કે યુદ્ધ માટે બિનશરતે સૈન્યભરતીનું કામ ઉપાડવું. નડિયાદ પહોંચ્યા પછી સરદાર અને બીજા કાર્યકર્તાઓ સાથે મસલત કરી. બ્રિટિશ નાગરિકના સંપૂર્ણ હક આપણે માગીએ અને બ્રિટિશ સામ્રાજ્યમાં તેના સરખા ભાગીદાર ગણવાનો દાવો કરીએ તો સામ્રાજ્યની આફતને પ્રસંગે એક અંગ્રેજ જેટલું કરવા તૈયાર થાય છે તેટલું કરવા આપણે તૈયાર થવું જ જોઈએ, એ વાત સરદાર તો સાનમાં સમજી ગયા. તેમના ઉપર એ દલીલની અસર વધારે થઈ કે લોકો બાયલા જેવા થઈ ગયા છે તેમનામાં લડાઈમાં જવાથી હિંમત અને મર્દાનગી આવશે. વળી શિક્ષિત અને મધ્યમ વર્ગના લોકોને હથિયાર વાપરવાનું શીખવાનો આવો સારો મોકો બીજી રીતે મળે એમ છે જ નહીં, માટે એ મોકાનો બરાબર ઉપયોગ કરી લેવામાં જ ખરું ડહાપણ છે. છતાં કેટલાકને ઘૂંટડો ગળે ન ઊતર્યો. કાર્યમાં સફળતા મળવા વિષે ઘણાને શંકા હતી. જે વર્ગમાંથી ભરતી કરવાની હતી તેમને સરકાર પ્રત્યે કશી પ્રીતિ નહોતી અને સરકારી અમલદારોનો કડવો અનુભવ તાજો જ હતો. છતાં આ કામ શરૂ કરવાને ગાંધીજીએ કાર્યકર્તાઓને આગ્રહ કરવા માંડ્યો. સત્યાગ્રહ બંધ થયેલો જાહેર કરવાની પત્રિકા કાઢ્યા પછી થોડા જ દિવસમાં સૈન્યભરતીની પત્રિકા કાઢી અને સૈન્યભરતી માટે ગાંધીજી અને સરદારે ફરવા માંડ્યું. ગાંધીજીની સાથે સરદાર પણ ગાંધીજીના શબ્દોમાં ‘રીક્રૂટીંગ સાર્જન્ટ’ (ભરતી અમલદાર) થયા. પણ કામ કપરું હતું. યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવાનો લોકોને ઉત્સાહ નહોતો. મહેસૂલની લડત વખતે લોકો વાહન આપવાની હરીફાઈ કરતા, એક સ્વયંસેવકની જરૂર હોય ત્યાં ચાર હાજર થઈ જતા. પણ એ બધું હવે દોહ્યલું થઈ પડ્યું. પણ એમ ગાંધીજી કે સરદાર નિરાશ થાય એવા નહોતા. એક ગામથી બીજે ગામ પગે ચાલીને જ જવાનું ઠરાવ્યું. કદાચ ગામડામાં ખાવાનું પણ ન મળે અને માગવું એ તો યોગ્ય નહીં જ એમ વિચારી પ્રત્યેક સેવક ખાવા પૂરતું પોતાની થેલીમાં જ લઈને નીકળે એમ ઠરાવ્યું. ઉનાળો હતો એટલે મોટા બિસ્તરાની તો જરૂર નહોતી. ગાંધીજી આ ભ્રમણમાં પોતાનો મુખ્ય ખોરાક શેકેલી અને ખાંડેલી મગફળી અને ગોળ, કેળાં અને બે ત્રણ લીંબુનું પાણી એ રાખતા. સરદાર પણ એનાથી ચલાવી લેતા. ભરતી માટે થોડા દિવસ માતર તાલુકાના નવાગામ ગામે મુકામ નાખ્યો. ત્યાં ગાંધીજી રાંધતા અને રોટલી અગર ખીચડી ને શાક બનાવતા અને એ તથા સરદાર જમતા. મહાદેવભાઈ નડિયાદથી દરરોજ ટપાલ લઈને બારેજડી સ્ટેશને આગગાડીમાં જતા અને ત્યાંથી નવાગામ અગિયાર માઈલ થાય તે ચાલીને જતા. એક વાર મહાદેવભાઈને થયું કે હું સરદાર માટે ભાખરી ને શાક લેતો જાઉં તો ઠીક. તરત ગાંધીજીએ કહ્યું: “તમે વલ્લભભાઈને એવા પરાધીન શું કામ કલ્પી લો છો? એ તો રાંધીને મને પણ જમાડશે.” પછી સરદારને રોટલી કરવા બેસાડવા માંડ્યા.

આ પ્રવૃત્તિ લોકોમાં એટલી અપ્રિય હતી કે જે ધર્મશાળામાં એમનો ઉતારો હતો ત્યાં ભાગ્યે જ કોઈ મળવા આવતું. એટલે સારી પેઠે વિશ્રાંતિ મળતી, બે જણ પ્રયત્ને વિનોદ મેળવી લેતા. નવાગામમાં અથવા આસપાસનાં ગામોએ સભા થાય તેમાં લોકો આવતા ખરા, પણ ભરતી થવા નહીં, સવાલ પૂછવા માટે. મુખ્ય પ્રશ્નો એ થતા કે, “તમે અહિંસાવાદી થઈને કેમ અમને હથિયાર લેવાનું કહો છો? આ સરકારે દેશનું શું ભલું કર્યું છે કે એને મદદ આપવાનું તમે કહો છો?” ભરતીમાં તો રડ્યાંખડ્યાં એક બે નામ મળતાં. પણ ગાંધીજી અને સરદાર મંડ્યા રહ્યા અને તેમના સતત કાર્યની અસર થવા માંડી.

સોએક નામો થયાં એટલે એમની તાલીમ માટે કેન્દ્ર ક્યાં રાખવું એની કમિશનર સાથે ચર્ચા ચાલી. ગુજરાતમાં તો એકે તાલીમ કેન્દ્ર હતું જ નહીં અને આટલા થોડા માણસો માટે ગુજરાતમાં નવું કેન્દ્ર ખોલવાને બદલે બીજા કોઈ પ્રાંતના ચાલુ કેન્દ્રમાં રંગરૂટોને મોકલી આપવા એમ કમિશનર કહેતા હતા. વળી સૈન્યભરતી માટે ગાંધીજીએ જે પત્રિકા કાઢી હતી તેમાંની એક દલીલ કમિશનરને બહુ ખૂંચતી હતી. એનો સાર આ હતો: “બ્રિટિશ રાજ્યનાં ઘણાં અપકૃત્યોમાં આખી પ્રજાને નિઃશસ્ત્ર કરવાના કાયદાને ઇતિહાસ તેનું કાળામાં કાળું કૃત્ય ગણશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણ તક છે. રાજ્યની આપત્તિને કાળે શિક્ષિત અને મધ્યમ વર્ગ સ્વેચ્છાએ મદદ કરશે તો તેમની ઉપરનો અવિશ્વાસ દૂર થશે. અને જેને શસ્ત્ર ધારણ કરવાં હશે તે સુખેથી કરી શકશે.” કમિશનરને આ વાક્ય બહુ કઠતું હતું. પણ બધું છેક ઉપરથી નક્કી થયું હતું એટલે “આ બાબતમાં તમારી અને મારી વચ્ચે મતભેદ છે” તે ઉપરાંત કમિશનર સાહેબ વિશેષ કાંઈ કહી શક્યા નહીં. ગુજરાતમાં જ તાલીમ કેન્દ્ર ખોલાવું જોઈએ એવો ગાંધીજીનો આગ્રહ હતો. તેમની દલીલ એ હતી કે પ્રાંતના આગેવાન ગણાતા લોકોને લશ્કરી તાલીમ લેતા, કૂચ, કવાયત, નિશાનબાજી એવું બધું કરતા લોકો જોશે એટલે તેમને ઉત્સાહ આવશે અને પહેલી ટુકડી રણમેદાનમાં જવા નીકળી પડશે એટલે તો ઘણા લોકો જોડાશે. આ મુદ્દા ઉપર લખાપટ્ટી અને વાટાઘાટો ચાલતી હતી એટલામાં ગાંધીજી સખત માંદા પડ્યા. લશ્કર ભરતી માટે ગાંધીજી ખેડા જિલ્લામાં ફરતા તે વખતે તેમને મરડાની સખ્ત બીમારી ભોગવવી પડી હતી. સાજા થયા પછી તેઓ આશ્રમમાં આવ્યા. ત્યાં એમની જન્મતિથિનો દિવસ એટલે ભાદરવા વદ ૧૨ તા. ૧–૧૦–’૧૮નો આખો દિવસ સહુને મળવા મૂકવામાં તેમણે ગાળ્યો. પણ રાત્રે લગભગ બાર વાગ્યે એકાએક તેમને એટલી બધી ગભરામણ થઈ આવી કે તત્કાળ પ્રાણ નીકળી જશે એમ લાગ્યું. આશ્રમનાં મુખ્ય મુખ્ય માણસોને જગાડી સૂચનાઓ આપી દીધી. સરદારને બોલાવવા માણસ મોકલ્યો. તે બે વાગ્યે ડૉ. કાનુગાને લઈને આવ્યા. સરદારને આશ્રમની ભાળવણી કરી અને બની શકે તો આશ્રમમાં રહેવા આવવા પણ કહ્યું. ડૉ. કાનુગાએ ગાંધીજીને તપાસ્યા તો તેમને કાંઈ ગભરાવા જેવું ન લાગ્યું. નાડી, હૃદય બધું બરાબર હતું. પણ ગાંધીજીને ભારે અશક્તિ લાગતી હતી. પથારીમાં હલનચલન કરવું પણ મુશ્કેલ અને કષ્ટદાયી લાગતું હતું. લગભગ એક અઠવાડિયું મરણોન્મુખ થઈને ગીતા તથા પોતાનાં પ્રિય ભજનો સાંભળવામાં દિવસો ગાળ્યા. પછી અંતરમાંથી પ્રેરણા થઈ અને જિજીવિષા જાગ્રત થઈ. પથારીવશ તો બે એક મહિના રહેવું પડેલું. તેવામાં એક દિવસ સરદાર ખબર લઈને આવ્યા કે, કમિશનરે કહેવડાવ્યું છે કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને સૈન્યભરતી કરવાની હવે કશી જરૂર રહી નથી. આમ આ પ્રકરણ પતી ગયું.

ગાંધીજી અહિંસક હોવા છતાં એમણે સૈન્યભરતીનું કામ કેમ ઉપાડ્યું એ વિષે દેશમાં અને વિદેશમાં ખાસ કરીને અહિંસાવાદી મિત્રો તરફથી ઘણી ચર્ચા ઊપડી. તેના જવાબ ગાંધીજીએ આપ્યા છે તેમાં ઊતરવાનું આ સ્થાન નથી. અહીં એટલું જ નોંધીશુ કે પહેલી ટુકડીના સેનાપતિ તરીકે ગાંધીજી અને ઉપસેનાપતિ તરીકે સરદાર જવાના હતા. તેમાં ગાંધીજીએ જાહેર કર્યુ હતું કે પોતે રણમેદાનમાં ટુકડીને મોખરે રહેશે પણ બિલકુલ શસ્ત્ર ધારણ કરશે નહીં.

  1. *ગાંધીજી અહિંસાધર્મી હોવા છતાં, સૈન્યભરતીના કામમાં કેમ પડ્યા તેના વિવેચન માટે જુઓ ‘મહાદેવભાઈની ડાયરી’ – પુસ્તક ૪, કિં. રૂ. ૩-૦-૦ (નવજીવન પ્રકાશન મંદિર).