સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/કૉંગ્રેસ વનવાસી બને છે

← ત્રિપુરી કૉંગ્રેસ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
કૉંગ્રેસ વનવાસી બને છે
નરહરિ પરીખ
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી →


૨૮
કૉંગ્રેસ વનવાસી બને છે

છેલ્લાં કેટલાંક વરસથી દુનિયામાં એવી પરિસ્થિતિ પેદા થઈ હતી કે તેમાંથી ગમે ત્યારે ભડકો સળગી ઊઠે અને વિશ્વયુદ્ધ ફાટી નીકળે. કૉંગ્રેસે દેશને ચેતવણી આપી રાખી હતી કે એ વખતે ઇંગ્લંડને પૈસાની, માણસોની તથા યુદ્ધ સરંજામની કશી મદદ કરવી નહીં. છેવટે એ દિવસ આવી પહોંચ્યો. ૧૯૩૯ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ઈંગ્લડે જર્મની તથા તેના મળતિયા દેશ સામે યુદ્ધ જાહેર કર્યું. ત્રીજી સપ્ટેમ્બરે વાઈસરૉયે વડી ધારાસભાને, પ્રાંતના પ્રધાનોને કે દેશની કોઈ પણ રાજદ્વારી સંસ્થાને પૂછ્યાગાછ્યા વિના હિંદુસ્તાનને યુદ્ધમાં ભળેલા દેશ તરીકે જાહેર કર્યો. ઈંગ્લેંડે પોતાના બીજા વસાહતી દેશોને તેઓ યુદ્ધમાં ભળવા માગે છે કે કેમ તે પૂછ્યું હતું. પણ હિંદુસ્તાનને એવું કશું પૂછવાની તેને જરૂર જણાઈ નહીં.

આ યુદ્ધ પ્રત્યે આપણા દેશે, ખાસ કરીને કૉંગ્રેસે જે વલણ લીધું તેમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ માર્ગદર્શન આપીને બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એમાં સરદારે એકલાએ ખાસ કશું કર્યું ન ગણાય. પણ કારોબારીમાં તેઓ એક અગ્રગણ્ય સભ્ય હતા. વળી પાર્લામેન્ટરી બોર્ડ, જે કૉંગ્રેસી પ્રધાનમંડળને દોરવણી આપવાનું કામ કરતી હતી તેના તેઓ ચૅરમૅન હતા. એટલે આ બધી મસલતોમાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેથી તેમના જીવનચરિત્રમાં આ પ્રકરણ પણ એક મહત્ત્વનું સ્થાન ભોગવે છે.

યુદ્ધ શરૂ થતાં જ ગાંધીજીને વાઈસરૉયે મુલાકાત માટે બોલાવ્યા. વાઈસરૉય સાથેની મુલાકાતમાં શું થયું અને યુદ્ધ વિષે ગાંધીજીની લાગણીઓ કેવી હતી તે તેમના પોતાના જ શબ્દોમાં આપવી ઉચિત છે.

"હું જાણતો હતો કે મને મારા પોતાના સિવાય બીજી કોઈ પણ માણસની વતી બોલવાની કશી સત્તા નહોતી. કૉંગ્રેસની કારોબારી સમિતિ તરફથી મને

કશોયે આદેશ મળેલો નહોતો. હું તો મને તારથી નોતરું મળ્યું એટલે, મળી તે પહેલી ટ્રેન પકડીને નીકળ્યો. હું એ વાતથી પૂરો વાકેફ હતો કે નિર્ભેળ અને અદમ્ય અહિંસાનો હિમાયતી હોઈ હું પ્રજાના માનસનો પ્રતિનિધિ નહોતો. એમ કરવા જાઉં તો મારી ફજેતી જ થાય. નામદાર વાઈસરૉયને મેં' એ પ્રમાણે જણાવ્યું. તેથી મારી જોડે નામદાર વાઈસરૉયને કશી સમજૂતી કે વાટાઘાટ કરવાનો સવાલ જ હોઈ શકે નહીં. મેં જોયું કે તેમણે મને એવી કશી વાટાઘાટને સારુ બોલાવ્યો નહોતો. તેથી વાઈસરૉચ સાહેબને ઉતારેથી હું ખાલી હાથે અને કોઈ પણ પ્રકારની ખુલ્લી કે છૂપી સમજૂતી વગર પાછો આવ્યો છું. જો કશી સમજૂતી થવાપણું હશે, તો તે કૉંગ્રેસ અને સરકાર વચ્ચે હશે.

“ આમ કૉંગ્રેસને અંગેની મારી વલણ અસંદિગ્ધપણે સ્પષ્ટ કરી દીધા બાદ મેં ના. વાઈસરૉયને જણાવ્યું કે મારી પોતાની સહાનુભૂતિ શુદ્ધ માનવતાની દૃષ્ટિએ ઈંગ્લડ તથા ફ્રાન્સની સાથે છે. મેં કહ્યું કે આજ સુધી અભેદ્ય ગણાતું આવેલ લંડન શહેર લડાઈના હુમલાને પરિણામે જમીનદોસ્ત થાય એનો ખ્યાલ સરખો મને વલોવી નાખે છે. પાર્લમેન્ટનાં મકાનો અને વેસ્ટમિન્સ્ટર એબીનું કલ્પનાચિત્ર તેમની આગળ દોરતાં દોરતાં અને લડાયક હુમલાથી એ ભસ્મીભૂત થાય એનો ચિતાર આંખ આગળ આવતાં મારું હૈયું ભરાઈ આવ્યું અને કંઠ રૂંધાયો. સાચે જ મારું અંતર રડી ઊઠ્યું છે. અને એને કેમે કર્યે કળ વળતી નથી. આજે કેટલોક સમય થયાં અંતરના ઊંડાણના પ્રભુ સાથે હું અહોરાત્ર ઝઘડી રહ્યો છું કે આવડા ઉત્પાત તું જગતમાં કેમ ઊઠવા દે છે ? મારી અહિંંસા લગભગ નપુંસકતા સમી જ ભાસે છે. પણ રોજના ઝધડાને અંતે હુરહંમેશ એક જ જવાબ અંતરમાંથી ઊઠતો સાંભળું છું કે પરમેશ્વર નિર્બળ કે લાચાર નથી અને અહિંસા પણ નિર્બળ કે લાચાર નથી, નિર્બળતા અને લાચારી બધી માણસનામાં પડેલી છે. આમ મારા પ્રયત્નમાં ભલે હું ભાંગી પડું તોપણ શ્રદ્ધા ખોયા વગર મારે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ.

"હજીયે મારું અંતર ઝંખે છે કે એને ( હિટલરને) સાચી સમજ આવે અને ખુદ જર્મન પ્રજા સુધ્ધાં લગભગ આખી માનવજાતિની આરજૂ એ કાને ધરે. કારણ માણસની ગોઝારી તદબીરોને પ્રતાપે લંડન જેવાં મહાનગરો ભસ્મીભૂત થવાની બીકે ખાલી થાય એ જર્મન આમપ્રજા પણ ઠંડે કલેજે કલ્પી શકે એમ માનવાની હું ના પાડું છું. તેમનો પોતાનો અને તેમનાં ચૌટાં, ચકલાં, મહેલ મંદિરોનો એ નાશ પણ તેઓ કદી ઠંડે કલેજે ના જ ક૯પી શકે. તેથી આ ઘડીએ તો હું ભારતવર્ષની મુક્તિનો પણ વિચાર નથી કરતો. એ તો આવશે જ. પણ ઇંગ્લડ અને ફ્રાંસના ભુક્કા થાય અથવા તો જો જર્મનીને તારાજ ને ધૂળ ચાટતું કરીને ફ્રાંસ અને ઈંગ્લડ વિજયી થવાનાં હોય તો ભારતવર્ષની મુક્તિની શી કિંમત છે?

“ આવા અજોડ ઉલ્કાપાત વચ્ચે કૉંગ્રેસીઓએ તેમ જ બીજા બધા જવાબદાર હિંદીઓએ — વ્યક્તિગત નાતે તેમ જ સામુદાયિક નાતે - આ રૌદ્ર લીલામાં, ભારતવર્ષે શો ભાગ ભજવવો, એનો નિર્ણચ કરવો રહ્યો છે.” આમ ગાંધીજી પોતાની અંગત સહાનુભૂતિ અને પોતાનો નૈતિક સહકાર હોવાનું વાઈસયને કહી આવ્યા, તેની પાછળ અહિંસા વિષેની તેમની અડગ શ્રદ્ધા હતી. પણ કૉંગ્રેસની કારોબારી સમિતિના બધા સભ્યોમાં એ જાતની શ્રદ્ધા ન હતી. વળી દેશની શક્તિ વિષે પણ ગાંધીજીની અને તેમની માન્યતામાં ફરક હતા. એટલે કારોબારી સમિતિએ સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય કરવાનો હતો.

તા. ૩જી સપ્ટેમ્બરે શહેનશાહે આખા સામ્રાજ્ય જોગ એક સંદેશો બહાર પાડ્યો અને તેને અનુસરીને વાઇસરૉયે હિંદુસ્તાન જોગું એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં એમણે પોતાનો વિશ્વાસ જાહેર કર્યો કે,

“ બળજબરીના અમલની સામે માનવ સ્વતંત્રતાને પક્ષે હિંદુસ્તાન પોતાનો ફાળો આપશે અને દુનિયાનાં મહાન રાષ્ટ્રો તથા ઐતિહાસિક સંસ્કૃતિમાં પોતાના સ્થાનને છાજે એવો ભાગ તે ભજવશે. . . . આપણી સામે તો આજે માનવજાતિના ભાવિને આવશ્યક એવા સિદ્ધાંતની અને આંતરરાષ્ટ્રીય નીતિને લગતા સિદ્ધાંતોની રક્ષા કરવાનો સવાલ છે. એ મહાસિદ્ધાંતનો હિંદુસ્તાનને સારુ જે અર્થ છે તેટલો બીજે ક્યાંયે નથી. આ દેશમાં તેની જેટલી કિંમત-કદર છે તેટલી બીજે ક્યાંયે નથી. અને તેની રક્ષાને સારુ અહીંયાં સદાકાળ જેટલી કાળજી ધરાવવામાં આવી છે તેટલી બીજે ક્યાંય કોઈએ ધરાવી નથી. બ્રિટિશ સરકાર આ લડાઈમાં ઊતરી છે તે કોઈ જાતના સ્વાર્થી હેતુથી ઊતરી નથી, આખી માનવજાતિને અસર કરનારા પાયાના સિદ્ધાંતોની રક્ષાને સારુ ઊતરી છે. સંસ્કૃતિની વ્યવસ્થિત પ્રવૃત્તિને ટકાવી રાખવા સારુ ઊતરી છે, દેશ દેશ વચ્ચેના ઝઘડા બળની દરમ્યાનગીરીથી નહીં પણ શાંતિમય સાધનોથી અને સામોપચારથી શમે એવું કરવાને સારુ ઊતરી છે.”

આ ભારેખમ વચનોની સાથે વાઈસરોયે એ પણ જાહેર કર્યું કે હિન્દુસ્તાનમાં સમૂહતંત્ર સ્થાપવાનું ધ્યેય જોકે છોડી દેવામાં આવતું નથી તો પણ એ સ્થાપવાની દિશામાં ચાલતી પ્રવૃત્તિઓ યુદ્ધ દરમ્યાન બંધ રહેશે. વળી બ્રિટિશ પાર્લમેન્ટે ૧૯૩૫ના બંધારણમાં એક જ દિવસની અંદર એવી જાતનો સુધારે કરી નાખ્યો કે જ્યારે વાઈસરૉય ઇચ્છે ત્યારે પ્રાંતિક સરકારોના અધિકાર એ પોતાના હાથમાં લઈ શકે અથવા પોતાના હુકમનું પાલન તેમની પાસે કરાવી શકે.

આ ઉપરાંત ગયા યુદ્ધ (૧૯૧૪-૧૯૧૮ ના ) વખતે આપેલાં વચનો બ્રિટિશ સરકારે પાળ્યાં નહોતાં. તુર્કી જ્યારે જર્મનીના પક્ષમાં જોડાયું ત્યારે ઇંગ્લ્ન્ડના વડા પ્રધાને હિન્દુસ્તાનના મુસલમાનોને સાફ વચન આપેલું કે જોકે તુર્કી દુશ્મન પક્ષમાં જોડાયું છે છતાં લડાઈ પૂરી થયે અમે તુર્ક સામ્રાજ્યની અખંડિતતા જાળવીશું. જે વખતે વડા પ્રધાન આ વચનો ઉચ્ચારતો હતો તે જ વખતે ફ્રાન્સ અને રશિયા જોડે છૂપા કોલકરાર કરી તુર્ક સામ્રાજ્યને અંદર અંદર વહેચી લેવાનો બેત તેણે જ રચ્યો હતો. મિત્ર રાજ્યોએ એવું જાહેર કરેલું કે આ લડાઈ અમે નાનાં નાનાં રાજ્યની સ્વતંત્રતાને માટે લડીએ છીએ. પણ એમના મનમાં યુરોપનાં રાજ્યોની જ સ્વતંત્રતા હતી. એશિયા અને આફ્રિકાના દેશોને ઈંગ્લંડ પોતાની ચૂડમાંથી છોડવા માગતું નહોતું. લડાઈ પૂરી થયા પછી હિંદુસ્તાને સ્વતંત્રતા માટે સહેજ માથું ઊંચક્યું ત્યારે જલિયાંવાલા બાગની કતલ અને પંજાબના અમાનુષી અત્યાચારોથી તેનો જવાબ વાળવામાં આવ્યો હતો. આ બધી વસ્તુઓ કારોબારી સમિતિ ભૂલી શકે એમ નહોતું. એટલે તેનો વિચાર તો એ હતો કે કૉંગ્રેસે આ યુદ્ધમાં કોઇ ભાગ લેવો એ નક્કી કરતાં પહેલાં બ્રિટિશ સરકારને કહેવું કે તમારાં મીઠાં, મધુર વચનો જવા દો અને તમે આ યુદ્ધ કયા હેતુઓથી લડો છો એ સ્પષ્ટ ભાષામાં જાહેર કરો, અને એવી ભાષા કરતાં પણ તમારી જાહેરાતોને અમલમાં મૂકવા અત્યારે જ અમને કાંઈ નહીં તો અમારા આંતરિક કારભારમાં સ્વતંત્રતા આપો.

તરત જ કેંગ્રેસની કારોબારી સમિતિની બેઠક વર્ધામાં થઈ. ચાર દિવસ સુધી ખૂબ સલાહમસલત કર્યા પછી તેમણે તા. ૧૪મી સપ્ટેમ્બરે એક જાહેરનામું બહાર પાડ્યુંં. એનો મુસદ્દો પં. જવાહરલાલજીએ ઘડ્યો હતો. એ જાહેરનામું ઐતિહાસિક અગત્ય ધરાવતું હોઈ અને દુનિયાના રાજદ્વારી સાહિત્યમાં પણ મહત્ત્વના સ્થાનનું હોઈ શબ્દશ: નીચે આપ્યું છે :

“યુરોપમાં યુદ્ધ જાહેર થવાથી જે ગંભીર અને વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે તેના ઉપર કારોબારી સમિતિએ બહુ કાળજીપૂર્વક વિચાર કર્યો છે. યુદ્ધ થાય તો આપણા રાષ્ટ્રે કચા સિદ્ધાંતને અનુસરવું એ કૉંગ્રેસે ફરી ફરીને બતાવ્યું છે. એક મહિના પહેલાં જ આ સમિતિએ તેનો પુનરુચ્ચાર કર્યો છે, અને હિન્દુસ્તાનમાંની બ્રિટિશ સરકારે કરેલા હિન્દી લોકમતના અનાદરની સામે નાપસંદગી દર્શાવી છે.

"બ્રિટિશ સરકારની આ નીતિથી વિખૂટા પડવાના પ્રથમ પગથિચા તરીકે આ સમિતિએ વડી ધારાસભાના કૉંગ્રેસી સભ્યોને આવતી બેઠકમાં હાજર ન રહેવાનું ફરમાન કર્યું હતું. ત્યાર પછી બ્રિટિશ સરકારે હિન્દુરતાનને યુદ્ધમાં ઊતરેલો દેશ જાહેર કર્યો છે, ઑર્ડિનન્સો કાઢ્યા છે, રાજયબંધારણના કાયદામાં ફેરફાર કરનારો ખરડો પસાર કર્યો છે, અને બીજાં દુરવર્તી પરિણામવાળાં પગલાં ભર્યાં છે, જેનાથી પ્રાંતિક સરકારની સત્તાઓ અને પ્રવૃત્તિઓ સંકુચિત અને મર્યાદિત બની છે. તેની હિન્દીઓની ઉપર માર્મિક અસર થઈ છે.

“ આ બધું હિંદી પ્રજાની સંમતિ વિના કરવામાં આવ્યું છે. આ બાબતમાં પ્રજાની જાહેર કરેલી ઇચ્છાઓની બ્રિટિશ સરકારે ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરેલી છે. આ બધા બનાવો કારોબારી સમિતિને અતિશય ગંભીર લાગ્યા વિના રહે તેમ નથી. “ ફાસીઝમ અને નાઝીઝમનાં ધ્યેયો અને આચરણો વિષે તથા યુદ્ધ, હિંસા અને માનવી આત્માના દમનના તેમના ગુણગાન વિષે કૉંગ્રેસે વખતોવખત નાપસંદગી જાહેર કરી છે. તેમણે ફરી ફરીને જે હુમલા કર્યા છે અને સભ્ય વર્તનના ચિરસ્થાપિત સિદ્ધાંતો અને સ્વીકૃત ધોરણાની જડ ઉખાડી નાખી છે, તેને કૉંગ્રેસે વખોડી કાઢેલાં છે. સામ્રાજ્યવાદની સામે પણ હિન્દી પ્રજા ઘણાં વરસાથી લડતી આવી છે. ફાસીઝમ અને નાઝીઝમમાં તેનું જ ઉગ્ર રૂપ કૉંગ્રેસને દેખાય છે. તેથી જર્મનીની નાઝી સરકારે પોલૅંડની સામે જે છેલ્લો હુમલો કર્યો છે તેને આ કારોબારી સમિતિ વિના સંકોચે વખોડી કાઢે છે અને તે હુમલાનો સામનો કરનારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે.

“ કૉંગ્રેસે એમ પણ જાહેર કર્યું છે કે હિન્દુસ્તાનને માટે યુદ્ધ કે શાન્તિના પ્રશ્નનો નિર્ણચ હિન્દી પ્રજાએ પોતે જ કરવો જોઈએ. કોઈ પણ બહારની સત્તા પોતાનો નિર્ણય તેને માથે લાદી શકે નહીં, તેમ જ હિંદી પ્રજા પોતાની સાધનસામગ્રીનો ઉપયોગ સામ્રાજ્યવાદી હેતુઓને માટે થવા દઈ શકે નહીં. પ્રજાએ પસંદ નહીં કરેલા હેતુઓ માટે હિંદની સાધન-સામગ્રીનો ઉપયોગ કરવાનો બહારની સત્તાએ જે નિર્ણચ કર્યો છે અને તે માટે જે પ્રચના તે કરે છે તેનો પ્રજાએ ખસૂસ સામનો કરવો રહ્યો.

"કોઈ સારા કામમાં સહકાર જોઈતો હોય તોપણ તે ફરજ પાડીને કે બળજબરી કરીને મેળવી ન શકાય. બહારની સત્તાએ કાઢેલા હુકમનો અમલ થવામાં હિંદી પ્રજા સંમતિ આપી શકે નહીં. સહકાર તો, સમોવડિયા વચ્ચે, પરસ્પર સંમતિથી અને બંને જેને સત્કાર્ય તરીકે સ્વીકારે તેને સારુ હોઈ શકે.

“ હિદની પ્રજાએ ગયાં થોડાંક વરસોમાં આઝાદી મેળવવા માટે અને દેશમાં લોકશાસનવાળુ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે મહાસંકટો વેઠ્યાં છે અને ભારે આપભોગો આપ્યા છે. તેની સહાનુભૂતિ સર્વાંશે લોકશાસન અને સ્વતંત્રતાની તરફ છે.

"પણ જ્યારે લોકશાસનવાળી સ્વતંત્રતા પોતાને આપવામાં ન આવતી હોય, ને પોતાને જે મર્યાદિત સ્વતંત્રતા મળેલી છે તે છીનવી લેવામાં આવતી હોય, ત્યારે સ્વતંત્રતા માટે લડાતાં કહેવાતા યુદ્ધમાં તે સાથ આપી શકે નહીં.

“ આ સમિતિને ખબર છે કે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સની સરકારે એવું જાહેર કર્યું છે કે તેઓ લોકશાસન અને સ્વતંત્રતા માટે અને અન્યાયી આક્રમણનો અંત આણવા માટે લડે છે. પણ ગયાં થોડાંક વરસનો ઇતિહાસ એવા દાખલાથી ભરેલો છે, જેમાં મોઢેથી ઉચ્ચારેલા શબ્દો અને જાહેર કરેલા આદર્શો વચ્ચે અને સાચા હેતુઓ અને ધ્યેયો વચ્ચે સતત અંતર રહેલું છે. ૧૯૧૪–૧૮ની લડાઈમાં લોકશાસનની, નાનાં રાષ્ટ્રના આત્મનિર્ણચની અને સ્વાતંત્ર્યની રક્ષા એ યુદ્ધના ધ્યેય તરીકે જાહેર થઈ હતી. છતાં જે સરકારોએ એ ગંભીરપણે જાહેર કર્યાં હતાં તેઓ જ તુર્ક સામ્રાજ્યના ભાગલા પાડવા માટેની યોજનાઓથી ભરેલા છૂપા કરારોમાં ઉતરી હતી. પોતાને તસુ પણ મુલક મેળવવો નથી એમ કહેવા છતાં વિજેતા રાષ્ટ્રોએ પોતાના તાબાના મુલકમાં મોટા ઉમેરા કરી લીધા હતા. યુરોપની અત્યારની લડાઈ બતાવે છે કે વર્સાઈનું તહનામું અને તેના કર્તાઓ

-જેમણે પોતે આપેલાં વચન તોડ્યાં અને પરાજિત રાષ્ટ્રો પર સામ્રાજયશાહીં સુલેહ પરાણે ઠોકી બેસાડી - તેએા છેક જ નિષ્ફળ નીવડ્યા છે. એ તહનામાનું જે એક જ આશાજનક પરિણામ - રાષ્ટ્રસંઘ — હતું, તેને તેના જનેતા રાષ્ટ્રોએ જ શરૂઆતમાં મોઢે ડૂચો મારી ગળે ફાંસો દીધો અને પાછળથી એના પ્રાણ હર્યા.

“ ત્યાર પછીના ઇતિહાસે ફરી વાર બતાવી આપ્યું છે કે, ઉપર ઉપરથી જોતાં જિગરમાંથી નીકળતી શ્રદ્ધાની જાહેરાત કરેલી હોવા છતાં, પાછળથી નામોશીભરી રીતે પાછીપાની કરવામાં આવે છે. મંચુરિયામાં બ્રિટિશ સરકારે આક્રમણ પ્રત્યે આંખમીચામણાં કર્યાં, એબિસિનિચા ઉપરના બળાત્કારમાં સંમતિ આપી, ચેકોસ્લેવેકિયા અને સ્પેનમાં લોકશાસન જોખમમાં હતું ત્યારે એને ઇરાદાપૂર્વક દગો દેવામાં આવ્યો, અને સંયુક્ત સલામતીની આખી પદ્ધતિને વિષે જેઓએ અગાઉ પોતાની દઢ શ્રદ્ધા જાહેર કરી હતી તેમણે જ અંદરથી એને સુરગ ચાંપી.

“ એમ કહેવામાં આવે છે કે અત્યારે લોકશાસન ભચમાં આવી પડ્યું છે અને તેની રક્ષા કરવી જોઈએ. એ વાતમાં આ સમિતિ પૂરેપૂરી સંમત છે. સમિતિ માને છે કે પશ્ચિમની પ્રજાઓ આ આદર્શ અને હેતુથી પ્રેરાયેલી છે, અને તેને સારુ બલિદાન આપવા તૈયાર છે. પણ બીજી પ્રજાએાના અને જેમણે એ લડતમાં ભોગો આપેલા છે તેમના આદર્શો અને ભાવનાઓની ફરી ફરીને ઉપેક્ષા કરવામાં આવી છે ને તેમને આપેલા વચન પાળવામાં આવ્યાં નથી.

"આ લડાઈ જો સામ્રાજ્યોયે કબજે રાખેલા મુલકો, વસાહતો, પ્રસ્થાપિત હક્કો ને અધિકારો છે તેમના તેમ કાચમ જાળવી રાખવા માટે હોચ, તો હિંદુસ્તાનને તેની સાથે કશી નિસ્બત હોઈ શકે નહીં. પણ જો લોકશાસન અને લોકશાસન ઉપર સ્થપાયેલી જગતની વ્યવસ્થા એ લડાઈનો હેતુ હોય તે હિંદુસ્તાનને એમાં બહુ જ ઊંડૉ રસ છે. આ સમિતિની ખાતરી છે કે હિંદી લોકતંત્રનો સ્વાર્થ બ્રિટિશ લોકતંત્રના અથવા જગતના કોઈ લોકતંત્રના સ્વાર્થનો વિરોધી નથી.

"પણ હિંદુસ્તાન માટેના તેમ જ બીજેનાં લોકશાસન અને સામ્રાજ્યવાદ અને ફાસીઝમ વચ્ચે સ્વભાવગત અને ન ભૂંસી શકાય એવો વિરોધ છે. ગ્રેટબ્રિટન જો લોકશાસનની રક્ષા અને પ્રચાર માટે લડતું હોય તો તેણે પોતાના તાબાના મુલકોમાં સામ્રાજ્યશાહીનો અંત ખસૂસ આણવો જોઈએ, અને હિંદુસ્તાનમાં સંપૂર્ણ લોકશાસન સ્થાપવું જોઈએ. હિંદી પ્રજાને આત્મનિર્યણનો હક, બહારની દખલ વિના લોકપ્રતિનિધિ સભા મારફતે પોતાનું બંધારણ ઘડવાનો હક અને પોતાની રાજ્યનીતિ નક્કી કરવાનો હક હોવો જોઈએ. સ્વતંત્ર અને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર રક્ષણ અને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે, સ્વતંત્રતા અને લોકશાસન પર રચાયેલી સાચી જગત વ્યવસ્થાની સ્થાપના માટે અને માનવજાતિની પ્રગતિ અને વિકાસને માટે જગતના જ્ઞાન અને સાધનસામગ્રીનો ઉપયોગ કરવામાં અમે જરૂ૨ સાથ આપીશું.

"યુરોપમાં જે વિષમ પ્રસંગ ઊભો થયો છે તે એકલા યુરોપનો નથી, પણ માનવજાતિનો છે. બીજા વિષમ પ્રસંગો કે વિગ્રહોની પેઠે તે જગતના અત્યારના મૂળભૂત મંડાણને અકબંધ રહેવા દઈને પસાર થઈ જાય એમ નથી. તેથી

જગતમાં કાયમને માટે નવી વ્યવસ્થા સ્થપાવાનો સંભવ છે. રાજકીચ, સામાજિક, ને આર્થિક દૃષ્ટિએ જોતાં, આ વિષમ પ્રસંગ એ ગયા મહાયુદ્ધ પછી ચોંકાવે એવી રીતે વધેલા સામાજિક અને રાજકીય સંધર્ષો અને વિરોધોનું અનિવાર્ય પરિણામ છે. જ્યાં સુધી એ સંધર્ષો અને તેના વિરોધો દૂર થશે નહીં અને નવી સમતુલા સ્થપાશે નહીં ત્યાં સુધી આ વિષમતાનું અંતિમ નિરાકરણ થવાનું નથી. એક દેશને હાથે થતાં બીજા દેશના આધિપત્ય અને શોષણનો અંત આવે અને સૌના કલ્યાણ માટેના ન્યાયી પાયા ઉપર આર્થિક સંબધની પુન:સ્થાપના થાય તો જ આ સમતુલા સ્થપાઈ શકે.

“ આ બાબતમાં હિંદુસ્તાન એક કોયડારૂપ છે. કેમ કે હિંદુસ્તાન એ આધુનિક સામ્રાજ્યશાહીના ભારે દૃષ્ટાંતરૂપ છે. આ માર્મિક પ્રશ્નની ઉપેક્ષા કરીને જગતની જે નવરચના થશે તે સફળ થવાની નથી. હિંદુસ્તાનની પાસે વિપુલ સાધનસામગ્રી હોઈ, જગતની નવરચનાની કોઈ પણ યોજનામાં તે અગત્યનો ભાગ ભજવ્યા વિના રહેવાનું નથી. પણ પોતાની શકિતઓ આ મહાન ધ્યેયને માટે વાપરી શકે એવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જ તે આમ કરી શકે. આજના જમાનામાં સ્વતંત્રતા એ અખંડ અને અવિભાજ્ય વસ્તુ બની ગઈ છે. જગતના કોઈ પણ ભાગમાં સામ્રાજ્યશાહી આધિપત્ય કાચમ રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેમાંથી નવી નવી આફતો ઊભી થયા વિના રહેશે નહીંં.

"કારોબારી સમિતિએ જોયું છે કે ઘણા દેશી રાજાઓએ આ યુદ્ધમાં પોતાની સેવાઓ અને સાધનસામગ્રી આપવાની તત્પરતા બતાવી છે, અને એ રીતે યુરોપની લોકશાહીને મદદ આપવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરદેશમાંના લોકશાસનની તરફેણમાં પોતાની સહાનુભૂતિ તેમણે જાહેર કરવી જ હોય તો આ સમિતિ એમ સૂચવે છે કે એમણે પોતાનાં રાજ્યમાં જ્યાં આજે નિર્ભેળ આપખુદી પ્રવર્તી રહી છે ત્યાં લોકશાસન દાખલ કરવાની પહેલી કાળજી રાખવી જોઈએ. ગયા વરસમાં અમને એવા દુ:ખદ અનુભવ થયા છે કે આ આપખુદીને માટે રાજાઓના પોતાના કરતાં પણ હિંદુસ્તાનમાંની બ્રિટિશ સરકાર વધારે જવાબદાર છે. તેની આ નીતિ એ લોકશાસનને અને જે નવી જગતવ્યવસ્થાને માટે ગ્રેટબ્રિટન યુરોપમાં લડવાનો દાવો કરે છે તેનો નર્યો ઇન્કાર છે.

“યુરોપમાં, આફ્રિકામાં અને એશિયામાં ભૂતકાળમાં બની ગયેલા અને ખાસ કરીને હિન્દુસ્તાનના ભૂત અને વર્તમાનના બનાવોનું અવલોકન કરતાં, તેમાં લોકશાસન કે આત્મનિર્ણચનું કાર્ય આગળ ધપાવવાનો કશો પ્રયત્ન કારોબારી સમિતિને દેખાતો નથી. વળી બ્રિટિશ સરકારનાં યુદ્ધને અંગે કરેલાં જાહેરનામાંનો અમલ થઈ રહ્યો છે કે થવાનો છે એવો કશો પુરાવો પણ એને દેખાતો નથી. સામ્રાજ્યવાદ અને ફાસીઝમ બંનેનો તેમ જ તેમની સાથે ભૂતકાળમાં અને અત્યારે જડાયેલાં આક્રમણોને અંત આવે એ લોકશાસનની સાચી કસોટી છે. એ ધારણા ઉપર જ નવરચના થઈ રાકે. જગતની નવરચના માટેની લડતમાં દરેક રીતે મદદ કરવાની ઇચ્છા અને આતુરતા આ સમિતિ ધરાવે છે. પણ જે લડાઈ સામ્રાજ્યવાદી ધોરણે ચાલે છે અને જેનો ઉદ્દેશ હિન્દુસ્તાનમાં તેમ જ બીજે

સામ્રાજ્યવાદની જડ કાયમ કરવાનો હોય, તે લડાઈમાં આ સમિતિ સાથ આપી શકશે નહીંં.

“ પણ પ્રસંગની ગંભીરતા જોતાં, અને ગયા થોડાક દિવસમાં માણસોના વિચાર કરતાં ઘટનાઓનો વેગ ઘણી વાર વધારે ત્વરાથી ચાલી રહ્યો છે તે જોતાં, આ સમિતિ અત્યારે કંઈ પણ અંતિમ નિર્ણય કરવા માગતી નથી, જેથી કયા પ્રશ્નો સંડોવાયેલા છે, વાસ્તવિક ધ્યેચ શાં છે અને વર્તમાન તથા ભવિષ્યમાં હિન્દુસ્તાનની સ્થિતિ કેવી રહેશે તેનો પૂરેપૂરો ખુલાસો થવાનો અવકાશ મળે. પણ એ નિર્ણય ઉપર આવવામાં લાંબો વિલંબ નહીં કરી શકાય, કેમ કે દિનપ્રતિદિન હિન્દુસ્તાનને એવી બાબતોમાં સડોવવામાં આવતું જાય છે, જેમાં તેણે પોતે હા ભણી નથી અને જેમાં તે અસંમત છે.

"તેથી કારોબારી સમિતિ બ્રિટિશ સરકારને કહે છે કે તમે અસંદિગ્ધ શબ્દોમાં જાહેર કરો કે લોકશાસન અને સામ્રાજ્યવાદની બાબતમાં તેમ જ ભવિષ્યને માટે કલ્પેલી નવી વ્યવસ્થાની બાબતમાં યુદ્ધને અંગે તમારાં ધ્ચેચ શાં શાં છે અને ખાસ કરીને એ ધ્યેચો હિન્દુસ્તાનને કેવી રીતે લાગુ પાડવાનાં છે અને તેનો હાલ તુરત કઈ રીતે અમલ થવાના છે. તેમાં સામ્રાજ્યવાદના નાશનો અને હિન્દુસ્તાનને સ્વતંત્ર પ્રજા તરીકે ગણવાનો અને તેની રાજનીતિ તેની પ્રજાની ઇચ્છાનુસાર ચાલવા દેવાનો સમાવેશ થશે ખરો ? ભવિષ્યને વિષે સ્પષ્ટ જાહેરાત થાય, અને તેમાં સામ્રાજ્યવાદ તેમ જ ફાસીઝમનો અંત આણવાની સરકાર પ્રતિજ્ઞા કરે એને સઘળા દેશની પ્રજાએ વધાવી લેશે. પણ એને બની શકે તેટલો વધારેમાં વધારે અંશે તત્કાળ અમલ કરવો એ એથી ધણું વધારે અગત્યનું છે. કેમ કે એમ કરવાથી જ લોકોને ખાતરી થશે કે સરકારની જાહેરાત તેનો અમલ કરવાના ઇરાદાથી થયેલ છે. કોઈ પણ જાહેરાતની સાચી કસોટી તે એનો વર્તમાનમાં થયેલ અમલ છે. કેમ કે વર્તમાન જ મનુષ્યની આજની પ્રવૃત્તિનું નિયમન કરશે, અને ભવિષ્યનું ઘડતર રચશે.

“યુરોપમાં લડાઈ ફાટી નીકળી છે ને ભવિષ્યનો વિચાર કરતાં ધુજી જવાચ છે. ગયાં થોડાંક વરસમાં ઐબિસિનિયા, સ્પેન અને ચીનમાં યુદ્ધ હારેલા માણસોનો સંહાર કર્યો છે, અસંખ્ય નિર્દોષ સ્ત્રી, પુરુષ, બાળકોને ખુલ્લાં શહેરો ઉપર આકાશમાંથી બૉમ્બ વર્ષાવીને મારી નાખવામાં આવ્યાં છે, તથા ઠંડે કલેજે કતલ કરવામાં આવી છે અને લોકોને વિવિધ યાતનાઓ અને ભૂંડામાં ભૂડાં અપમાન વેઠવાં પડચાં છે. આવું બધું એક પછી એક ઝપાટાબંધ બની ગયું છે. એ ત્રાસ વધતો જ ગયો છે. હિંસા તથા હિંસાની ધમકી જગતને માથે ઝઝુમી રહ્યાં છે. જો એના ઉપર અંકુશ મૂકીને એનો અંત આણવામાં નહીં આવે તો એ પાછલા યુગોના કીમતી વારસાનો નાશ કરી નાખશે. એ ત્રાસ ઉપર યુરોપમાં તેમ જ ચીનમાં અંકુશ મુકાવો જ જોઈએ. ફાસીઝમ અને સામ્રાજ્યવાદ જે એનાં મૂળ કારણ છે જ્યાં લગી દુર નહીં થાય ત્યાં લગી એનો અંત નહી આવે. એ દૂર કરવામાં કારોબારી સમિતિ સાથ આપવા તૈયાર છે. પણ જો આ ભયાનક યુદ્ધ પણ સામ્રાજ્યવાદની ભાવનાથી અને વર્તમાન સમાજરચના - જે પોતે જ

યુદ્ધનું અને માનવી અધ:પાતનું કારણ છે – તેને ટકાવી રાખવાને સારુ લડવામાં આવે તો તે ભારે કરુણ ધટના થઈ પડશે.

“કારોબારી સમિતિ જાહેર કરવા ઇચ્છે છે કે જર્મન પ્રજા કે જાપાની પ્રજા કે બીજી કોઈ પણ પ્રજા જોડે હિન્દી પ્રજાને કજિયો નથી. પણ જે રાજ્યો બીજાંને સ્વતંત્રતા આપતાં નથી અને જેની રચના હિંસા તથા આક્રમણના પાયા ઉપર થયેલી છે તેની સામે ખસૂસ તેને ભારે કજિયો છે. હિન્દી પ્રજાની મનીષા એક પ્રજાનો બીજી ઉપર વિજય થાય અથવા તો કોઈ ને પણ બળજબરીથી સુલેહ સ્વીકારવી પડે એ જોવાની નથી. પણ સર્વ દેશની સર્વ પ્રજાઓ માટેના સાચા લોકશાસનનો વિજય થાય અને જગત હિંંસા અને સામ્રાજ્યવાદી જુલમના ઓથારમાંથી મુક્ત થાય એ જોવાની છે.

“ સમિતિ હિન્દી પ્રજાને હૃદયપૂર્વક વીનવે છે કે સર્વે આંતરિક કલહો અને ચર્ચાઓને તે બંધ પાડે અને આ આપત્તિની ભીષણ ઘડીએ એક અને અખંડ એવી પ્રજા તરીકે સુસજ્જ થાય, આંતરિક ઐક્ચને ટકાવી રાખે અને શાંતિપૂર્વક જગતની વિશાળ સ્વતંત્રતામાં હિંદુસ્તાનની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના નિશ્ચયમાં અડગ રહે.”

આ જાહેરનામા ઉપર ગાંધીજીએ તા. ૧૫-૯-'૩૯ના રોજ 'હરિજન'માં નીચેનો લેખ લખ્યો :

"દુનિયામાં ફાટી નીકળેલા મહાયુદ્ધને અંગે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કાઢેલું જાહેરનામું ચર્ચાતાં અને તેના છેલ્લા સ્વરૂપમાં તૈયાર થતાં ચાર દિવસ લાગ્યા. રજૂ થયેલા મુસદ્દા ઉપર દરેક સભ્યે પોતાનો અભિપ્રાય પૂરેપૂરી છૂટથી દર્શાવ્યો હતો. સમિતિની માગણીથી ૫ં. જવાહરલાલે મુસદ્દો તૈયાર કર્યો હતો. આજના મામલામાં બ્રિટનને જે કંઈ ટેકો આપવાનો હોય તે વગર શરતે અપાવો જોઈએ એવું સૂચવનારમાં હું એકલો જ હતો એ જોઈ હું દિલગીર થયો. આ બિનશરતી ટેકો શુદ્ધ અહિંંસાની ભૂમિકા ઉપર જ હોઈ શકે, પણ સમિતિને ભારે જવાબદારી અદા કરવાની હતી. તેનાથી નવું નિર્ભેળ અહિંંસક વલણ લઈ શકાય તેમ નહોતું. તેને લાગતું હતું કે વિરોધીની મુશ્કેલીનો લાભ લેવામાં હીણપત માને એટલે સુધીની અહિંસા પ્રજાએ હજુ પચાવી નથી. આમ છતાં પોતાના નિર્ણયનાં કારણો આપતાં સમિતિએ અંગ્રેજ પ્રજાનો વધુમાં વધુ ખ્યાલ રાખવા ઈંતેજારી રાખી છે.

“મુસદ્દો ઘડનાર જવાહરલાલજી એક આબાદ કલાકાર છે. કોઈ પણ સ્વરૂપની કે પ્રકારની સામ્રાજ્યશાહી સામેના વિરોધમાં કોઇ તેમની સરસાઈ કરી શકે તેમ નથી. છતાં તેઓ અંગ્રેજ પ્રજાના મિત્ર છે. પોતાના વિચારોમાં અને ઘડતરમાં ખરું જોતાં તેઓ હિન્દુસ્તાની કરતાં અંગ્રેજ જ વિશેષ છે. ઘણી વાર પોતાના દેશબંધુઓના કરતાં અંગ્રેજો જોડે જ તેમને વધુ ફાવટ આવે છે. વળી તેઓ ભૂતદયા અને માનવતાના એવા તો પ્રેમી છે કે પૃથ્વીના પડ ઉપર કોઈ ૫ણ જગ્યાએ થતા અન્યાય કે દુષ્કૃત્ય તેમને અસ્વસ્થ કરે છે. તેથી જ ઉત્કટ રાષ્ટ્રવાદી હોવા છતાં તેમની રાષ્ટ્રીયતા ઓજસ્વી આંતરરાષ્ટ્રીયતાથી દીપી નીકળે છે. તેથી આ એક એવું જાહેરનામું છે જે તેમણે માત્ર પોતાના

દેશવાસીઓને જ ઉદ્દેશીને નહી, બ્રિટિશ સરકારને કે બ્રિટિશ પ્રજાને જ ઉદેશીને નહીં પણ દુનિયાની તમામ પ્રજાને ઉદ્દેશીને ઘડ્યું છે. હિન્દુસ્તાનની પેઠે જે પ્રજાઓ બીજી પ્રજાને હાથે શોષાઈ રહી છે તે તમામ પ્રજાઓ તેમાં આવી જાય છે.

“ આ જાહેરનામું મંજૂર કરવાની સાથે સાથે જ કારોબારીએ ૫. જવાહરલાલજીની પસંદગીનું એક પેટામંડળ પણ નીમ્યું (તેમાં જવાહરલાલજી ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદ તથા સરદાર હતા ), અને તેના અધ્યક્ષની જગ્યાએ તેમની નિમણુક કરી. આ પેટામંડળ રોજબરોજ ઊભી થતી પરિસ્થિતિને અનુસરીને કામ કરશે.

"મને આશા છે કે કારોબારીના આ જાહેરનામાને કૉંગ્રેસીઓનાં તમામ જૂથોનો એકમતે ટેકો મળશે. ઉદ્દામમાં ઉદ્દામ કૉંગ્રેસીને પણ એમાં બળનો અભાવ નહીં દેખાય. પ્રજાના ઇતિહાસમાં આવી અણીને પ્રસંગે કદમ ઉઠાવવાની જરૂર પડે તો તેમ કરવાને સારુ બળની ઉણપ નહીં આવે એમ દરેક કૉંગ્રેસીને લાગવું જોઈએ. અત્યારે કૉંગ્રેસવાદીઓ નજીવા કજિયાકંકાસ કે પક્ષાપક્ષીના ઝઘડાઓમાં ઊતરી પડે છે તે એક મહા દુ:ખદ અને કરુણ ઘટના થઈ પડે. કારોબારીના આ પગલાથી જે કશું મોટું અથવા કીંમતી પરિણામ આવવાનું હોય તો તે એકેએક કૉંગ્રેસીની એકનિષ્ઠા અને અસંદિગ્ધ વફાદારીથી જ આવી શકે. હું તો એવી પણ આશા સેવી રહ્યો છું કે બ્રિટિશ સરકાર તરફથી તેમની નીતિની રપષ્ટ જાહેરાતની અને તેવી જાહેરાતને અનુરૂપ અત્યારની લડાઈની પરિસ્થિતિ વચ્ચે શક્ય હોય તેટલે અંશે પ્રત્યક્ષ અમલની માગણીમાં બીજા બધા રાજદ્વારી પક્ષો અને કોમો પણ કારોબારીની સાથે જોડાશે. ભારતવર્ષની બલકે બ્રિટિશ તાજ હેઠળના બીજા બધા દેશની પ્રજાને સ્વતંત્ર અને આઝાદ પ્રજાઓને નાતે આજે સ્વીકાર કરવો એ જ બ્રિટનને સારુ તેણે આજ સુધી કરેલા લોકશાસનના દાવાઓનું સ્વાભાવિક પરિણામ મને તો લાગે છે. આથી જરાયે ઓછો અર્થ આ લડાઈ પરત્વે જો કદી કરવામાં આવશે તો પરતંત્ર દેશો તરફનો સહકાર કદી પ્રામાણિક અને સ્વ્વેચ્છાપૂર્વકનો નહીં હોઈ શકે, સિવાય કે તે નિર્ભેળ અહિંસાની ભૂમિકા ઉપર અપાયો હોય

“ અત્યારે ખરી જરૂ૨ તો બ્રિટિશ મુસદીઓની મનોદશામાં સંપૂર્ણ પલટાની છે. એથીયે વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો લડાઈના આરંભ વખતે બ્રિટિશ મુત્સદ્દીઓએ કરેલી અને અત્યારે ઇંગ્લંડના વ્યાખ્યાનમા ઉપરથી ફરી ફરીને ઉચ્ચારાતી લોકશાસનની જાહેરાતને પૂર્ણ કરવા માટેની પ્રામાણિક અમલ બજાવણી એ ખાસ જરૂરી છે. આ લડાઈમાં નાખુશ હિંદુસ્તાનને તેની નામરજી છતાં ઇંગ્લડ પરાણે યુદ્ધમાં ઘસડશે ? કે સાચા લોકશાસનની રક્ષાના કાર્યમાં એક રાજીખુશીના મદદનીશ મિત્ર તરીકે સહકાર આપતું જોવા ઇચ્છશે ? કૉંગ્રેસની આવી મદદ ઈંગ્લડ અને ફ્રાંસને પક્ષે મોટામાં મોટાં નૈતિક બળ તરીકે લેખાશે. કારણ કૉંગ્રેસ પાસે સિપાઈઓ નથી. કૉંગ્રેસ હિંસાથી નહીંં પણ અહિંસાના શસ્ત્રથી લડનારી સંસ્થા છે. પછી તે અહિંસા ગમે તેટલી અપૂર્ણ અને ગમે તેટલી બેઢંગ હો.”

આ વખત બહુ કટોકટીનો હતો અને કૉંગ્રેસનો કોઈ જવાબદાર માણસ કાંઈ પણ બોલે અથવા કરે તેમાંથી અનર્થ થવાનો ભય હતો. એટલે નવી નિમાયેલી યુદ્ધ સમિતિએ બધી પ્રાંતિક સમિતિઓને પરિપત્ર મોકલી સુચના આપી કે કોઈએ વ્યક્તિગત રીતે કશું ઉતાવળું પગલું ભરવાનું નથી કે ઉતાવળે કશું બોલી નાખવાનું નથી, જેથી વખત પાક્યા પહેલાં કોઈ પણ જાતની પરિસ્થિતિ ઊભી ન થાય.

ર૬ મી સપ્ટેમ્બરે ઉમરાવની સભા (હાઉસ ઓફ લોર્ડ્સ )માં હિંદની પરિસ્થિતિ વિષે ચર્ચા થઈ. હિંદી વજીર ( સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર ઇંડિયા) લોર્ડ ઝેટલૅન્ડે ભાષણ કર્યું તેમાં હિંદુસ્તાનના જુદા જુદા વર્ગના લોકો સરકારને જે મદદ કરી રહ્યા છે તેની કદર કરી તેમણે કહ્યું :

"દેશી રાજાઓ માણસોની તથા પૈસાની મદદ આપી રહ્યા છે અને તેમણે પોતાની અંગત સેવાઓ આપવાની પણ તૈયારી બતાવી છે. પંજાબ અને બંગાળના વડા પ્રધાનોએ (ત્યાં કૉંગ્રેસી પ્રધાનમંડળો નહોતાં) બિનશરતે મદદ આપવાનાં વચન આપ્યાં છે. માત્ર હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસને અમુક બાંયધરીઓ ન મળે તો યુદ્ધમાં સહકાર આપવાની મુશ્કેલી લાગે છે. એમની માગણીઓ સ્વાભાવિક છે, પણ બ્રિટન જીવનમરણના સંગ્રામમાં રોકાયેલું છે ત્યારે કૉંગ્રેસે બ્રિટિશ ઇરાદાઓની સ્પષ્ટ જાહેરાત માગવી એ કવખતનું છે. કૉંગ્રેસના નેતાઓની દેશભક્તિની હું કદર કરું છું. પણ વ્યાવહારિક મુશ્કેલીઓનો તેઓ ખ્યાલ રાખતા નથી અને પૃથ્વી ઉપર સીધું જોઈ ચાલવાને બદલે તારાઓ સામે નજર રાખી આકાશમાં અધ્ધર ઊડે છે. બ્રિટિશ સ્વભાવ એવો છે કે આબરૂભર્યા અને પ્રસંગોચિત વર્તનની તેઓ કદર કરી શકે છે. પણ પોતાની માગણીઓને માટે તેમણે આ ખોટો વખત પસંદ કર્યો છે.”

ગાંધીજીએ આનો જવાબ આપતાં કહ્યું કે,

“યુદ્ધહેતુઓની જાહેરાતની માગણી કરવામાં કૉંગ્રેસે કશું વિચિત્ર કે ગેરઆબરૂ ભર્યું કર્યું નથી. આઝાદ હિદની મદદની જ કિંમત હોઈ શકે અને કૉંગ્રેસને એટલું જાણવાનો હક છે કે તે પ્રજાની પાસે જઈને તેને કહી શકે કે લડાઈને અંતે સ્વતંત્ર દેશ તરીકેનો દરજજો હિંદને બ્રિટનના જેટલો જ અચૂક મળવાનો છે. અંગ્રેજોના મિત્ર તરીકે હું અંગ્રેજ મુત્સદ્દીઓને વીનવું છું કે તેઓ સામ્રાજ્યવાદીઓની જૂની ભાષા ભૂલી જાય અને જે પ્રજાઓ તેમની બેડીમાં જકડાયેલી છે તે સૌને માટે નવું પાનું શરૂ કરે.”

યુદ્ધ સમિતિના પ્રમુખ તરીકે જવાહરલાલે જે જવાબ આપ્યો તેમાં જણાવ્યું કે, કારોબારી સમિતિના જાહેરનામાની પાછળ ખ્યાલ તો એ છે કે તે કેવળ હિંદુસ્તાનને માટે નથી, પણ દુનિયાની એના જેવી બીજી ઘણી પ્રજાઓને માટે છે. તેનો હેતુ તો માનવતાના હતાશ થયેલા હૃદયમાં નવી આશાનો સંચાર કરવાનો છે. લૉડ ઝેટલૅન્ડ મૃત ભૂતકાળની ભાષામાં બોલે છે. વીસ વર્ષ પહેલાં

આવું ભાષણ તેઓ કરી શકતા હતા. અમે જે માગણી રજૂ કરી છે તે બજારુ વૃત્તિથી નથી કરી. જગતની પ્રજાઓના સ્વાતંત્ર્યની અમને ખાતરી મળવી જોઈએ અને સ્વતંત્ર જગતના ચિત્રપટ ઉપર હિંદુસ્તાનનું અમને દર્શન થવું જોઈએ. તો જ આ યુદ્ધનો અમારે માટે કાંઈ પણ અર્થ હોઈ શકે. અમને લાગવું જોઈએ કે અમે જે કષ્ટો ભોગવવા અને દુ:ખ સહન કરવા તૈયાર થઈએ તે કેવળ અમારે માટે જ નહીં પણ જગતની સર્વે પ્રજાઓ માટે યોગ્ય વસ્તુ છે. અમારા જેવા આદર્શો ઘણા બ્રિટિશ લોકોના પણ છે એમ મને લાગે છે તેથી જ એ આદર્શોની સિદ્ધિને અર્થે સહકાર આપવા અમે તૈયાર થઈએ છીએ. પણ જો આવા આદર્શો હસ્તી જ ન ધરાવતા હોય તો શાને માટે લડવું ? આ હેતુઓ જાહેર રીતે સ્વીકારવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો સ્વતંત્ર હિંદ રાજીખુશીથી પોતાનું વજન એ આદર્શોની તરફેણમાં નાખશે.”

પછી વાઈસરૉયે મુલાકાત આપવા માંડી. પહેલાં તેઓ ગાંધીજીને મળ્યા, પછી રાજેન્દ્રબાબુને અને જનાબ ઝીણાને મળ્યા. પછી જવાહરલાલને, સુભાષબાબુને તથા રાજાઓના મંડળના પ્રમુખને મળ્યા. ત્યાર પછી બધી કોમના અને હિતોના પ્રતિનિધિઓને મુલાકાત માટે બોલાવ્યા. દરેકને શું કહેવું છે અને તેમની શી માગણી છે તે વાઈસરૉય નોંધી લેતા. વાઈસરૉયના શબ્દોમાં બાવન કરતાં વધુ વ્યક્તિઓને મળ્યા પછી સત્તરમી ઓકટોબરે તેમણે બીજું જાહેરનામું કાઢ્યું. દરમ્યાન ઓકટોબરની નવમી તથા દસમી તારીખે કૉંગ્રેસ મહાસમિતિની બેઠક થઈ. તેણે કારોબારી સમિતિએ કાઢેલા જાહેરનામાને બહાલી આપી. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં યુદ્ધહેતુઓ વિષે જણાવ્યું કે,

"નામદાર શહેનશાહની સરકારે પોતે જ આ યુદ્ધ લડવામાં તેના ઉદ્દેશો શા છે તેની વિગતે ચોક્સાઈથી નક્કી કરી નથી. યુદ્ધમાં આગળ ઉ૫૨ આવી સ્પષ્ટતા થઈ શકે. અને જ્યારે થાય ત્યારે પણ તે મિત્ર રાજ્યોમાંના એકના હેતુઓનું જાહેરનામું ન હોઈ શકે. યુદ્ધ પૂરું થતાં પહેલાં તો દુનિયામાં અને આપણી સામે જે પરિસ્થિતિ છે તેમાં ઘણા ફેરફારો થયા હશે. અત્યારે તો એટલું જ કહી શકાય કે દુનિયા આગળ જે પ્રશ્નો આવી પડેલા છે તેનો નિકાલ કેવળ યુદ્ધથી જ લાવવો ન પડે એવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પેદા કરવી એ એને સર્વ સામાન્ય ઉદ્દેશ છે. ”

વાઈસરૉયે બીજી એ વાત કહી કે.

"૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટ પ્રમાણે જે સમૂહતંત્રની રચના કરવાની છે તેમાં યુદ્ધને અંતે યોગ્ય ફેરફાર થઈ શકશે. તે માટે જુદી જુદી કોમોનાના, પક્ષોના તથા હિતસંબંધ ધરાવનારાના તથા દેશી રાજાઓના પ્રતિનિધિઓ સાથે સલાહ મસલત ક૨વામાં આવશે. જેથી કરીને કેવા ફેરફારો કરવા ઇષ્ટ છે તે નક્કી કરવામાં તેમની મદદ ને સહકાર મળી શકે. આ ફેરફારો કરવામાં લધુમતીઓનાં હિત અને વિચારોને પૂરતું વજન આપવામાં આવશે." લઘુમતી કોમો અને દેશી રાજાઓ ઉપરાંત હિન્દુસ્તાનમાં વેપારી અને ઔદ્યોગિક હિતસંબંધ ધરાવતી યુરોપિયન પેઢીઓને પણ તેમણે લઘુમતીમાં ગણી. વળી યુદ્ધ સંચાલનમાં હિન્દી લોકમતના સંસર્ગમાં રહી શકાય એટલા માટે જેમની સાથે સલાહ મસલત થઈ શકે એવું એક મંડળ સ્થાપવાની પણ તેમણે વાત કરી. જોકે આવું સત્તા વિનાનું મંડળ પણ છેક ૧૯૪૧ના જુલાઈમાં હસ્તીમાં આવ્યું.

રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ વાઈસરોયના આ જાહેરનામાને અત્યંત નિરાશાજનક છતાં જરાયે આશ્ચર્ય પમાડે નહીં એવું કહ્યું. યુદ્ધ સમિતિના પ્રમુખ તરીકે જવાહરલાલે કહ્યું કે આ જાહેરનામું તો હિન્દુસ્તાન રાષ્ટ્રીય રીતે અને આંતરરાષ્ટ્રીય રીતે જે સિદ્ધાંતોની હિમાયત કરે છે તેના પૂરેપૂરા ઈન્કાર સમાન છે. ગાંધીજીએ કહ્યું કે,

“ આના કરતાં તો બ્રિટિશ સરકારે કશી જ જાહેરાત કરવા ના પાડી હોત તો એ બહેતર ગણાત, ના. વાઈસરૉયનું લાંબુ જાહેરનામું બતાવે છે કે આપણામાં કુસંપ કરાવીને રાજ કરવાની જૂની ભેદનીતિ જ ચાલુ રહેવાની છે. હું જોઈ શકું છું ત્યાં સુધી આવી નીતિના અમલમાં કૉંગ્રેસ કદી ભાગીદાર નહીં થાય. ના. વાઈસરૉયે કરેલું જાહેરનામું સ્પષ્ટપણે જણાવે છે કે બ્રિટનનું ચાલશે ત્યાં સુધી હિન્દમાં પ્રજાશાસન સ્થાપવાનું તે અટકાવશે. લડાઈ પૂરી થયે બીજી એક ગાળમેજી પરિષદ ભરવાનું જાહેરનામામાં વચન આપવામાં આવ્યું છે. અગાઉની ગોળમેજી પરિષદોની પેઠે એ પણ નિષ્ફળ જ થવાની. કૉંગ્રેસે રોટલો માગ્યો. જવાબમાં એને પથરો મળે છે. પણ હું નામદાર વાઈસરૉયને કે બ્રિટનના આગેવાનોને દોષ દેતો નથી. કૉંગ્રેસે વળી પાછું વનવાસે નીકળવું રહ્યું છે. એવો વનવાસ વેઠ્યા પછી જ એના ધ્યેયને પહોંચવાને સારુ જરૂરી બળ અને શુદ્ધતા એનામાં આવશે. ”

આ જાહેરનામા પછી એંગ્લો-ઈંડિયન અને વિલાયતનાં છાપાં કૉંગ્રેસનો દોષ કાઢવા મંડી પડ્યાં. તેઓ કહેવા લાગ્યાં કે આટલી બધી લઘુમતીઓનાં હિત સાચવ્યા સિવાય કૉંગ્રેસની માગણીઓને શી રીતે સંતોષી શકાય ? વળી ગાંધીજી ઉપર પણ તેઓ એવા આક્ષેપ કરવા લાગ્યાં કે ગાંધીજી બિનશરતે મદદ આપવાનું કહીને હવે ફરી જાય છે. ગાંધીજીએ એનો જવાબ આપ્યો કે,

“ મારાં કથનમાં મેળ નથી અથવા મારાં પહેલાં બયાનમાં ઇંગ્લંડ અને ફ્રાન્સ પ્રત્યે મેં સહાનુભૂતિ પ્રદર્શિત કરી હતી તેમાંથી હું ચાતરી ગયો છું એમ કહેલું સાચું નથી. મારો જે મત અગાઉ હતો તે જ હજી કાયમ છે. પણ હવે જ્યારે આ સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે ત્યારે હું ઇંગ્લંડ પાસેથી એવી અપેક્ષા રાખું છું ખરો કે તેણે એ સવાલનો સંતોષકારક જવાબ દેવો ઘટે છે. મેં કૉંગ્રેસને સલાહ આપેલી તેનો અર્થ એ નથી કે હિન્દુસ્તાને પોતાની

સ્વતંત્રતા ખોઈ ને મિત્ર રાજ્યોને મદદ કરવી જોઈએ. બ્રિટનના રથને પૈડે હિન્દુસ્તાનને બાંધવામાં આવે તેમાં હું ભળું નહીં. મારી પ્રાર્થના તો હજી પણ

એ છે કે બ્રિટન અને ફ્રાન્સનો જચ થાઓ; એટલું જ નહીં પણ જર્મનીનો વિનાશ ન થાઓ. યુરોપનાં રાષ્ટ્રોની સ્વતંત્રતા હિંદની સ્વતંત્રતાના ખંડેર ઉપર રચાય એ હું જેમ ઇચ્છતો નથી તેમ જ યુદ્ધમાં પડેલાં રાષ્ટ્રોમાંથી કોઈ પણ રાષ્ટ્રની રાખ ઉપર હિન્દુસ્તાનની સ્વતંત્રતાની ઇમારત રચવાની મારી લવલેશ ઇચ્છા નથી.”

કૉંગ્રસની કારોબારી સમિતિએ તા. રરમીએ વર્ધામાં મળીને વાઈસરૉયના જાહેરનામાનો નીચેના ઠરાવથી જવાબ આપ્યો :

“ કારોબારી સમિતિનો એવો અભિપ્રાય છે કે લડાઈને લગતા હેતુઓની - ખાસ કરીને હિન્દ પરત્વે તેના અમલને લગતી - જાહેરાત કરવા વિષે આ સમિતિએ કરેલી માગણીના જવાબમાં ના. વાઈસરૉયનું જાહેરનામું સાવ અસંતોષકારક છે. જેઓ હિન્દની સ્વતંત્રતા માટે ઇન્તજાર ને નિશ્ચયવાળા છે તે સધળા લોકોમાં એથી રોષની લાગણી પેદા થશે. જાહેરાત માટેની આ સમિતિની માગણી એકલી હિન્દની પ્રજાની વતી નહીં પણ લડાઇથી અને હિંસાથી તથા રાષ્ટ્રોને અને પ્રજાઓને શોષનારાં ફાસિસ્ટ અને સામ્રાજયવાદી તંત્રો જેઓ જ આ બધી આફતનાં કારણભૂત છે તેમનાથી ત્રાસી ઊઠેલા દુનિયાભરના કરોડો લોકોની વતી હતી. દુનિયાની આમપ્રજા સૌને સારુ શાંતિ તથા સ્વતંત્રતાવાળો નવો યુગ સ્થપાયેલો જોવા ઝંખે છે. ના. વાઈસરૉચનું જાહેરનામું જૂની સામ્રાજ્યવાદી નીતિનો અસંદિગ્ધ પુનરુચ્ચાર માત્ર છે. જુદા જુદા પક્ષો વચ્ચેના મતભેદને તેમાં જે ઉલ્લેખ કરવામાં આવેલો છે તેને આ સમિતિ બ્રિટનના ખરા હેતુને છુપાવવા સારુ વાપરેલા પર્દારૂપ લેખે છે. સમિતિની માગણી તો એ હતી કે, પરસ્પર વિરોધી પક્ષો અગર જૂથોના વલણ તરફ આંગળી ન ચીંધતાં હિન્દ પરત્વેની પોતાની પ્રામાણિકતાની સાબિતી તરીકે બ્રિટને લડાઈમાં રહેલા હેતુએાની જાહેરાત કરવી. લધુમતીઓના અધિકારોની રક્ષાને માટે તો ભરપૂર બાંયધરી આપી મૂકવાની કૉંગ્રેસની હમેશની નીતિ રહી જ છે. કૉંગ્રેસની માગણીમાં રજૂ થતી આઝાદી કોઈ પણ એક પક્ષની કે કોમની નહીં પણ સમસ્ત પ્રજાની, હિન્દની તમામ કોમેાની આઝાદી છે. આવી આઝાદી સ્થાપવાનો અને સમસ્ત પ્રજાની ઇચ્છા શી છે તે નક્કી કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે જેમાં સૌને પોતાને મત ૨જૂ કરવાની સંપૂર્ણ તક મળે એવી લોકશાસનની રીત અખત્યાર કરવી. આથી ના. વાઈસરૉયના જાહેરનામાને આ સમિતિએ દરેક દૃષ્ટિએ કમનસીબ લેખવું રહ્યું છે. આ સ્થિતિમાં આ સમિતિ બ્રિટનને કશો ટેકો આપી શકતી નથી. કારણ કે એનો અર્થ તો એ થાય કે જે સામ્રાજ્યવાદી નીતિને ખતમ કરવાનો કૉંગ્રેસનો હંમેશા પ્રયત્ન રહ્યો છે તેને જ સંમતિ આપવી. તેથી આ દિશામાં પહેલા કદમ તરીકે આ સમિતિ કૉંગ્રેસી પ્રધાનમંડળોને રાજીનામાં આપી દેવાનો આદેશ આપે છે.

“ આ સમિતિ આખા દેશને હૃદયથી વીનવે છે કે આ ગંભીર ટાંકણે તમામ ઘરમેળેના કલેશ કજિયા દફનાવી દેવા, અને હિદની આઝાદીના કાર્યમાં સૌએ એક થઈને ચાલવું. તમામ કૉંગ્રેસ કમિટીઓને તથા બધા જ કૉંગ્રેસવાદીઓને

આદેશ આપવામાં આવે છે કે તેમણે બધી જાતની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું અને હિન્દની ઈજ્જતને અથવા તો જે સિદ્ધાંતને સારુ કૉંગ્રેસ ખડી છે તે સિદ્ધાંતને બંધબેસતું ન હોય એવું કશુંયે બોલવું કે કરવું નહીં. વાણી તેમ જ વર્તન ઉપર કાબૂ રાખવો. સવિનય ભંગ, રાજદ્વારી હડતાલો કે એવાં કશા ઉતાવળાં પગલાં લેવા સામે કૉગ્રેસવાદીઓને ચેતવણી આપવામાં આવે છે. સમગ્ર પરિસ્થિતિને તથા હિન્દમાંની બ્રિટિશ સરકારની કારવાઈને સમિતિ તપાસ્યા કરશે. અને જ્યારે જરૂર જણાશે ત્યારે વધુ પગલાં લેવાને અંગે દેશને દોરવણી આપવા ચૂકશે નહીં. સમિતિ તમામ કૉંગ્રેસવાદીઓને ઠસાવવા ઇચ્છે છે કે દેશની સામે ખડા થયેલા પ્રસંગના ચોગ્ય સામનાના કાર્યક્રમને સારું કૉંગ્રેસીએમાં પૂરેપૂરી શિસ્ત અને કૉંગ્રેસ તંત્રનું સંગઠન અતિ આવશ્યક છે.

"આ અગાઉં કૉંગ્રેસે ચલાવેલી અહિંસક લડતોમાં કોઈ કોઈ પ્રસંગે હિંસાનું મિશ્રણ થયું છે, એ બીનાનું આ સમિતિને ભાન છે. સમિતિ તમામ કૉંગ્રેસીઓના દિલમાં સચોટપણે ઠસાવવા માગે છે કે જો કદી કશી લડત ઉપાડવામાં આવે તો જે કંઈ પ્રતિકાર કરવો પડે તેમાં કોઈ જાતની હિંસા ન હોવી જોઈએ. અણિશુદ્ધ અહિંંસા જળવાવી જોઈએ. આ બાબતમાં સમિતિ તમામ કૉંગ્રેસીઓને અમદાવાદના ૧૯૨૧ના કૉંગ્રેસ અધિવેશન વેળાએ લીધેલી અને પછીનાં અધિવેશનમાં ફરી ફરીને ઉચ્ચારાયેલી સત્યાગ્રહીની પ્રતિજ્ઞાની ચાદ આપે છે.”

ઉપરનો ઠરાવ પસાર થયા પછી તરત જ કારોબારી સમિતિની સંમતિથી પાર્લમેન્ટરી કમિટીએ કૉંગ્રેસી પ્રધાનમંડળોને નીચેની સૂચના આપી :

"કારોબારીનો ઠરાવ પ્રાંતિક કૉંગ્રેસ સરકારોને રાજીનામાં આપવાનું ફરમાવે છે. આ રાજીનામાં અગત્યના કામોની ચર્ચા કરવાને માટે બોલાવેલી ધારાસભાની બેઠક મળે ત્યાર પછી તમારે આપવાં. પણ એવી આશા રાખવામાં આવે છે કે ૩૧મી ઓકટોબર સુધીમાં પ્રધાનોનાં રાજીનામાં પડી જશે.

“ સ્પીકરો, ડેપ્યુટી સ્પીકરો અને ધારાસભાના સભ્યો તથા કાઉન્સિલના સભ્યો અને તેના પ્રમુખોએ રાજીનામાં આપવાં નહીંં. અત્યારે તો પ્રધાનો અને પાર્લમેન્ટરી સેક્રેટરીઓએ રાજીનામાં આપવાનાં છે.

“ રાજીનામાં આપતી વખતે યુદ્ધહેતુઓ જાહેર કરવાની માગણી કરતો ઠરાવ તમારે દરેક ધારાસભામાં કરવાનો છે.”

મદ્રાસ, મધ્ય પ્રાંતો, બિહાર, યુક્ત પ્રાંતો, મુંબઈ, ઓરિસા અને સરહદ પ્રાંતની ધારાસભાઓમાં નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :

“ ગ્રેટ બ્રિટન અને જર્મની વચ્ચેના યુદ્ધમાં હિન્દુસ્તાનના લોકોની સંમતિ વિના હિન્દુસ્તાનને બ્રિટિશ સરકારે સામેલ કર્યું છે અને હિન્દી લોકમતની પૂરેપૂરી અવગણના કરીને પ્રાતિક સરકારોની સત્તાઓ અને પ્રવૃત્તિઓ ઉપર કાપ મૂકનારા કાયદાઓ પસાર કર્યા છે તેથી આ ધારાસભાને દિલગીરી થાય છે. આ ધારાસભા સરકારને ભલામણ કરે છે કે હિન્દુસ્તાનની સરકારને અને તેની મારફત બ્રિટિશ સરકારને જણાવી દેવું કે વર્તમાન યુદ્ધના જાહેર કરેલા

ઉદ્દેશો પ્રમાણે હિન્દુસ્તાનના લોકોનો સહકાર મેળવવો હોય તો એ ખૂબ જરૂરી છે કે મુસ્લિમ અને બીજી લધુમતીઓના રક્ષણ સાથે લોકશાહીનો સિદ્ધાંત હિન્દુસ્તાનને લાગુ પાડવામાં આવે અને હિન્દુસ્તાનના લોકો જ હિન્દુસ્તાનની રાજનીતિ ઘડે, હિન્દુસ્તાનને પોતાનું રાજબંધારણ ઘડવાના હકવાળું એક સ્વતંત્ર રાજ્ય ગણવું જોઈએ, અને હિન્દુસ્તાનના રાજવહીવટમાં એ સિદ્ધાંતને અમલ કરવા માટે વર્તમાન પરિસ્થિતિમાં શકય હોય તેટલા જરૂરી પગલાં એ માટે લેવાવાં જોઈએ.

“ આ ધારાસભાને દિલગીરી થાય છે કે શહેનશાહની સરકારે હિન્દુસ્તાનને વિષે પોતાના તરફથી સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તે હિન્દુસ્તાનની પરિસ્થિતિ ખરી રીતે સમજી નથી. બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનની માગણીને સમજવામાં નિષ્ફળ ગઈ છે, તેથી આ ધારાસભાનો મત એવો છે કે આ પ્રાંતની સરકાર બ્રિટિશ નીતિમાં ભાગીદાર થઈ શકતી નથી.”

યુરોપમાં લડાઈ જાહેર થયા પછી કારોબારી સમિતિએ વખતોવખત પસાર થયેલા ઠરાવના પ્રકાશમાં ધારાસભાઓના આ ઠરાવનો શો અર્થ થાય તે જુદા જુદા પ્રાંતના વડા પ્રધાનોએ પોતાનાં ભાષણોમાં સમજાવ્યું.

પહેલાં રાજીનામાં અઠ્ઠાવીસમી ઑકટોબરે મદ્રાસમાં પડ્યાં. જે દિવસે મદ્રાસના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું તે જ દિવસે પાર્લમેન્ટની આમસભામાં હિન્દના પ્રશ્ન ઉપર ચર્ચા ચાલતી હતી. સર સેમ્યુઅલ હૉર મુખ્ય વક્તા હતા. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે,

“ ડોમિનિયન સ્ટેટસ એ કાંઈ લાયક પ્રજાને આપવામાં આવતું ઇનામ નથી પણ જે હકીકત વાસ્તવિક રીતે હસ્તી ધરાવતી હોય તેને સ્વીકાર કરવાપણું છે. આજે હિન્દુસ્તાનના માર્ગમાં મુશ્કેલી હોય તો તે કાંઈ અમે ઊભી કરેલી નથી. તેમની પોતાની અંદર પક્ષાપક્ષી છે તે દૂર કરવાની મુખ્ય ફરજ હિન્દીઓની જ છે. હિન્દીઓના એ કામમાં અમે મદદ કરીએ ખરા. અમે જ્યારે કોમી ચુકાદો આપ્યો ત્યારે અમે અમારી શુભ દાનત બતાવી આપી હતી. પણ એ ચુકાદા છતાં કોમી પક્ષાપક્ષી હજી ચાલુ જ છે. એ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી લઘુમતી કોમો પ્રત્યે અમારી જે જવાબદારી છે તે અમે ખંખેરી નાખી શકતા નથી. રાજાઓને બ્રિટિશ હિન્દથી દબાઈ જવાનો ભય લાગે છે. મધ્ય સરકારમાં હિન્દુઓની બહુમતી રહે તેની સામે મુસલમાનોનો સખત વિરોધ છે. દલિત વર્ગો તથા બીજી લધુમતી કોમો (જેમાં તેમણે યુરોપિયનોને પણ ગણાવ્યા) તેઓ ખરેખર એમ માને છે કે જવાબદાર રાજ્યતંત્ર એટલે હિન્દુઓની બહુમતીવાળું રાજ્યતંત્ર થવાનું અને તેમાં અમારાં હિતનો ભોગ અપાવાનો. જ્યાં સુધી આ જાતની ચિંતાઓ બીજી કોમોને રહે છે ત્યાં સુધી મધ્ય સરકારમાં અમુક તારીખે તત્કાળ અને પૂર્ણ જવાબદારી આપવાની માગણી બ્રિટિશ સરકાર સ્વીકારી શકે નહીં.

"કૉંગ્રેસ માની લે છે કે વાઈસરૉયે જે સલાહકાર સમિતિ બનાવવાની વાત કરી છે તેને કશો અર્થ નથી અને બંધારણીય પ્રગતિ અટકાવવાની એ માત્ર એક યુક્તિ છે. મારા વિચાર પ્રમાણે આમ માની લેવામાં કૉંગ્રેસે

ગેરવાજબી ઉતાવળ કરી છે. વળી કૉંગ્રેસ અસહકારની વાત કરે છે એ તો ઘડિયાળનો કાંટો અમુક વરસો પાછું ઠેલવા બરોબર છે. એમાંથી સવિનય ભંગ ઊભો થાચ, કાયદા અને વ્યવસ્થામાં ભંગાણ પડે અને તોફાનો તથા દમનનું વિષચક્ર જેમાંથી આપણે કાયમને માટે નીકળી ગયા છીએ એમ માનતા હતા તે ઊભું થાય. . . . ઘણા વખતથી સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ અમે છોડી દીધી છે. અમે માનીએ છીએ કે દુનિયામાં અમારું કામ બીજા લોકો ઉપર રાજ્ય ચલાવવાનું નથી, પણ બીજા લોકોએ પોતાનું રાજ્ય કેમ ચલાવવું એ તેમને શીખવવાનું છે.”

આ ભાષણનો જવાબ આપતાં ગાંધીજીએ નીચેના સૂચક પ્રશ્નો પૂછ્યા :

“ ડોમિનિયન સ્ટેટસ સ્વતંત્રતાનો પર્યાયવાચી ન હોય, આઝાદીના અર્થમાં જ એ શબ્દ વાપરવો ન હોય તો હિન્દ માટે તેનો કશો અર્થ ખરો? સર સેમ્યુઅલની કલ્પનાના હિન્દને બ્રિટિશ સામ્રાજ્યમાંથી છૂટા પડવાનો હક હશે કે નહી ? બ્રિટિશ પ્રજાએ સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાનો ત્યાગ કર્યો છે એ સર સેમ્યુઅલ કરેલી જાહેરાત મને ગમે છે. એ મહત્ત્વાકાંક્ષા સાચેસાચ છૂટી ગઈ છે કે કેમ એ વિષે, સર સેમ્યુઅલ હિન્દની પ્રજાને પોતાની જાતે ખાતરી કરી લેવા દેશે કે નહી ? જો તેમની હા હોય તો હિંદને બંધારણથી તેવું આઝાદ બનાવવાનો અવસર આવે તે પહેલાં પણ એ વાતની સાબિતી આપી શકાચ. પણ જ્યારે કૉંગ્રેસે માગી છે એવી જાહેરાત કરવા સામે લઘુમતીઓના રક્ષણની વાત આગળ ધરવામાં આવે છે ત્યારે સર સેમ્યુઅલની મહાન જાહેરાત કથીર જેવી લાગવા માંડે છે.

"હું જોઉં છું કે સર સેમ્યુઅલે યુરોપિયનોને પણ એક લધુમતી કોમ તરીકે ગણાવી છે. યુરોપિચનનો આ ઉલ્લેખ જ મારા અભિપ્રાચ પ્રમાણે લધુમતીઓના હિતના રક્ષણની વાતને વાહિયાત ઠરાવે છે. લઘુમતીઓ જોડે યુરોપિંચનોને તેમ જ રાજાઓને જોડી દઈને તો તેઓ પોતાનો આખો કેસ જ હારી જાય છે. જેમનાં હિન્દમાં ધરબાર નથી અને યુરોપમાં જ જેમનાં બધાં મૂળિયાં છે એવા યુરોપિયનો જો હિન્દની લધુમતી કોમ હોય તો આ દેશમાં પડેલા બ્રિટિશ સોલ્જરો તેમ જ ગોરા મુલકી અમલદારો પણ કાં નહીં ? તેઓ તો ખોબા જેટલા છે, સાવ ટચૂકડી લધુમતી કોમ જેટલા છે. તેમને સારુ રક્ષણ કાં ન માગવું ? બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાને જીતીને લીધેલા હકો જેમના તેમ કાચમ રાખવાની આ બધી પેરવી છે. યુરોપિયનોનાં હિત હિન્દને માથે ઠોકી બેસાડવામાં આવ્યાં છે અને બ્રિટિશ સંગીનોને જોરે તેનું રક્ષણ કરવું છે. . . .

"વળી રાજાઓ પણ યુરોપિયનોની હારમાં જ ઊભેલા નથી શું ? એમાંના સઘળા નહી તો ઘણા સામ્રાજ્યે જ સર્જેલા છે. અને સામ્રાજ્યનાં જ હિતોને અંગે તેમને નભાવવામાં આવે છે. રાજાઓ કોઈ વાતે તેમની પ્રજાના પ્રતિનિધિ નથી. એવા રાજાઓને લધુમતી તરીકે ગણવાનું કૉંગ્રેસને કહેવામાં આવે છે. પોતાના બ્રિટિશ માલિકના આધાર વિના રાજાઓથી શ્વાસ પણ લઈ શકાય તેમ નથી. કૉંગ્રેસીઓ જોડે કશી સમજણમાં ઊતરવાનું તો દૂર રહ્યું, તેમને મળવાની પણ છૂટ રાજાઓને નથી હોતી.” રાજેન્દ્રબાબુએ સર સેમ્યુઅલના જવાબમાં એક જ વાત કહી :

“ બહારની કોઈ દખલગીરી વિના સર્વસંમત બંધારણ તૈયાર કરવાની બ્રિટિશ સરકાર હિન્દીઓ ઉપર જવાબદારીઓ નાખે અને એને કાયદાથી માન્ય કરવાનું વચન આપવામાં આવે તો એ ખરી દરખાસ્ત કહેવાય. એના વિના લઘુમતીઓને રક્ષણ આપવાની વાતો તો પોતાની સત્તા છે તેમ ચાલુ રાખવાના બહાના જેવી દેખાય છે. ”