સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ત્રિપુરી કૉંગ્રેસ

← દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ત્રિપુરી કૉંગ્રેસ
નરહરિ પરીખ
કૉંગ્રેસ વનવાસી બને છે →


ર૭
ત્રિપુરી કૉંગ્રેસ

જે વખતે ગાંધીજી રાજકોટમાં ઉપવાસ કરી રહ્યા હતા તે વખતે ત્રિપુરી કૉંગ્રેસનું અધિવેશન ચાલતું હતું. હિંદુસ્તાનમાં આવ્યા પછી પોતે જેલમાં હોય તે સિવાય કૉંગ્રેસના અધિવેશનમાં ગેરહાજર રહેવાનો ગાંધીજી માટે આ પહેલો જ પ્રસંગ હતો. સરદારનું દિલ પણ ગાંધીજીને ઉપવાસ કરતા છોડીને ત્રિપુરી જતાં ખૂબ કચવાતું હતું. પણ કર્તવ્ય તેમને ત્યાં ખેંચતું હતું. ગાંધીજીનો પણ આગ્રહ હતો કે તમારું સ્થાન અત્યારે ત્રિપુરીમાં જ છે.

ત્રિપુરીની કૉંગ્રેસ માટેની પ્રમુખની ચૂંટણીએ ત્રિપુરી કૉંગ્રેસને તે વખત પૂરતું તો એક વિશેષ મહત્વ આપ્યું. કૉંગ્રેસની કારોબારીના મોટા ભાગના સભ્યો મૌલાના અબુલ કલામ આઝાદને કેંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવા ઈચ્છતા હતા. આની અગાઉની હરિપુરા કોંગ્રેસના પ્રમુખ સુભાષબાબુની પોતાની ઈરછા ફરી વાર પ્રમુખ ચૂંટાવાની હતી. તેઓ પોતાને ઉદ્દામ વિચારના માનતા હતા. અને સાથે એમ માનતા હતા કે કારોબારીના મોટા ભાગના સભ્ય નરમ વિચારના છે. પોતે જેમને નરમ વિચારની ગણતા હતા તે સભ્યોએ એવી માન્યતા માટે કશું જ કારણ નહોતું આપ્યું; તોપણ તેઓ એમ માનતા કે સમૂહતંત્ર (ફેડરેશન)ની બાબતમાં આ નરમ વિચારના સભ્યો, જેમાં સરદારને તેઓ મુખ્ય ગણતા હતા તે, બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરવાનો વિચાર સેવે છે. જોકે એ વિષે હરિપુરા કૉંગ્રેસનો ઠરાવ તો બહુ સ્પષ્ટ હતો. બીજું સુભાષબાબુ એમ પણ માનતા હતા કે સરકારની સામે સામુદાયિક સવિનય ભંગની લડત આપવાનો આ ખરેખરો મોકો છે. વિશ્વયુદ્ધનાં વાદળ જે વખતે ઘેરાવા માંડ્યાં હતાં, તે વખતે આપણે જો આવી લડત આપીશું તો બ્રિટિશ સરકાર નમી પડશે એમ તેઓ માનતા હતા. જલપાઈગુરીમાં બંગાળના કૉંગ્રેસ પ્રતિનિધિઓ એકઠા થયા હતા ત્યારે સુભાષબાબુએ ઠરાવ પણ કરાવ્યો હતો કે ઈગ્લેંડને છ મહિનાની નોટિસ આપવી અને એ મુદત પૂરી થયે સામુદાયિક સવિનય ભંગની લડત ઉપાડવી. કૉંગ્રેસની કારોબારી સમિતિને આવી રીતની નોટિસ આ વખતે આપવાનું બિલકુલ યોગ્ય લાગતું ન હતું. સામુદાયિક સવિનય ભંગની લડત જો એની નેતાગીરી ગાંધીજી લે તો જ ઉપાડી શકાય એમ હતું અને ગાંધીજીને તો એ માટે હવા બિલકુલ પ્રતિકૂળ લાગતી હતી. તેઓ તો કહેતા કે દેશની અત્યારની હવામાં મને હિંસાની ગંધ આવે છે. એટલે હું તો સવિનય ભંગની લડતનો અત્યારે વિચાર જ કરી શકતો નથી.

પ્રમુખની ચૂંટણી જાન્યુઆરીની ર૯મી તારીખે થવાની હતી. પ્રમુખપદ માટે ત્રણ જણનાં નામ બોલાતાં હતાં : મૌ. અબુલ કલામ આઝાદ, ડૉ. પટ્ટાભી સીતારામૈયા અને બાબુ સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી તે વખતે બારડોલીમાં હોવાથી કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક જાન્યુઆરીની અધવચમાં બારડેલી મુકામે રાખી હતી. તે વખતે કોને પ્રમુખ નીમવા એ વિષે કારોબારી સમિતિએ કાંઈ વાત વિધિસર કરી નહોતી. પણ ગાંધીજીએ મૌલાના સાહેબ સાથે વાત કરેલી અને એઓએ પ્રમુખ બનવાનું સ્વીકાર્યું પણ હતું. સુભાષ બોઝ તથા એમના ભાઈ શરદચંદ્ર બોઝ સિવાયના કારોબારી સમિતિના બીજા બધા સભ્યોને તો મૌલાના પ્રમુખ થાય તે એકદમ પસંદ હતું. પણ કારોબારી સમિતિ પૂરી થઈ અને બધા સભ્ય વીખરાયા ત્યાર પછી મૌલાના સાહેબે પોતાને વિચાર બદલ્યો અને મુંબઈ ગયા હતા ત્યાંથી પાછા આવી ગાંધીજીને એ જણાવ્યું. એટલે ડો. પટ્ટાભીને પ્રમુખપદ સ્વીકારવાનું ગાંધીજીએ કહ્યું. સુભાષબાબુનોતો આગ્રહ જ હતો કે એમણે પોતે અથવા તેમના જેવા ઉદ્દામ વિચારવાળા બીજા કોઈએ પ્રમુખ થવું જોઈએ. એટલે એ પોતાનું નામ ખેંચી લેવા તૈયાર નહોતા. એટલે સુભાષબાબુ અને ડો. પટ્ટાભી વચ્ચે હરીફાઈ રહી.  તા. ૨૧મી જાન્યુઆરીએ પોત્ પ્રમુખ શા માટે થાય છે તે વિષેનું પોતાનું નિવેદન સુભાષબાબુએ બહાર પાડ્યું. સરદારને લાગ્યું કે કારોબારી સમિતિએ એ નિવેદનનો વિરોધ કરવો જોઈએ. એટલે એમણે કારોબારી સમિતિના બધા સભ્યોને નીચે પ્રમાણે તાર કર્યો :

“મને લાગે છે કે પ્રમુખપદની ચૂંટણી વિષેના સુભાષબાબુના નિવેદનની સામે કારોબારી સમિતિના જે સભ્યોને એમ લાગતું હોય કે એમને ફરીને બીજી વાર પ્રમુખ ચૂંટવા એ આવશ્યક નથી તેમણે નિવેદન બહાર પાડવું જોઈએ. મેં એક ટૂંકું નિવેદન તૈયાર કર્યું છે. તેમાં જણાવ્યું છે કે અપવાદરૂપ સંજોગોમાં જ એ ને એ વ્યક્તિની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ શકે. સુભાષબાબુને ફરી ચૂંટવા માટે એવા કશા સંજોગો નથી. વળી સુભાષબાબુએ સમૂહતંત્ર વગેરે વિષે જે આક્ષેપો કર્યા છે એનો તેમાં રદિયો આપેલો છે. એમ પણ કહ્યું છે કે કૉંગ્રેસના કાર્યક્રમ અને કૉંગ્રેસની નીતિ પ્રમુખે નક્કી કરવાની નથી હોતી પણ કૉંગ્રેસે અથવા તો કૉંગ્રેસની મહાસમિતિએ નક્કી કરવાની હોય છે. આ નિવેદનમાં ડો. પટ્ટાભીને ચૂટવાની ભલામણ કરી છે અને સુભાષબાબુને અપીલ કરી છે કે પ્રમુખની ચૂંટણીના પ્રશ્ન ઉપર કૉંગ્રેસીઓમાં ભેદ ન પડાવે. નિવેદન ઉપર સહી મૂકવાની તમારી સંમતિ તારથી આપો.”

ઉપરના તારના જવાબમાં કારોબારી સમિતિના બીજા છ સભ્યોની સંમતિ આવી ગઈ. પણ શરદબાબુએ વાંધો લીધો. તા. ૨૪મીએ તેમણે સરદારને નીચે મુજબનો તાર કર્યો :

"આજે સવારે તાર મળ્યો. મૌલાના તથા સુભાષનાં નિવેદનો સિલહટ જતાં વાંચ્યાં. મારો મત એવો છે કે મૌલાનાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી ડૉ. પટ્ટાભીને ઊભા કરવા એ ઇચ્છવાજોગ નથી. આવતું વરસ ૧૯૩૭ના કરતાં બધી દૃષ્ટિએ વધારે કટોકટીનું અને અપવાદરૂપ છે. મારી દૃઢ માન્યતા છે કે કારોબારી સમિતિના કોઈ સભ્ય સાથીઓ વચ્ચેની હરીફાઈમાં કોઈનો પક્ષ લેવો જોઈએ નહીંં. તમે કાઢવા ધારેલું નિવેદન નરમ પક્ષ અને ગરમ પક્ષ વચ્ચેના કજિયાને જેને ટાળવો જોઈએ, તેને વધારનારું થશે. ડૉ. પટ્ટાભી આવતી લડતમાં દેશન્ વિશ્વાસ મેળવી શકશે નહીં. મહેરબાની કરીને કૉંગ્રેસમાં ફૂટ ન પડાવો.”

તે જ દિવસે સરદારે એમને તારથી નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“ તમારા તારની કદર કરું છું. કેવળ ફક્ત કર્તવ્યબુદ્ધિ જ નિવેદન બહાર પાડવાની ફરજ પાડે છે. વિરોધ વ્યક્તિનો નથી પણ સિદ્ધાંતનો છે. જો હરીફાઈ અનિવાર્ય જ હોય તો હું આશા રાખું છું કે કશી કડવાશ વિના અને હેતુઓનું આરોપણ કર્યા વિના એ થશે. એના એ પ્રમુખને બીજી વાર ચૂંટવા એ દેશના હિતમાં નુકસાનકારક છે.”

તા. રપમીએ શરદબાબુએ નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“ ગઈ રાત્રે તમારે તાર મળ્યો. આજે સવારનાં પત્રોમાં તમારું અને કારોબારીના છ સભ્યોનું નિવેદન જોયું. આપણી વચ્ચે થયેલો તારવહેવાર છાપાંમાં આપવા માગું છું. આશા રાખું છું કે તમને વાંધો નહીં હોય.” સરદારે જવાબ આપ્યો કે પ્રગટ કરવાને કશે વાંધો નથી.

સરદાર સાથે કુલ સાત સભ્યોની સહીથી ૨૪-૧-'૩૯ના રોજ બહાર પડેલું છાપાંગુ નિવેદન નીચે પ્રમાણે હતું :

“સુભાષબાબુનું નિવેદન અમે બહુ કાળજીપૂર્વક વાંચ્યું છે. અમે જાણીએ છીએ ત્યાં સુધી અત્યાર સુધી પ્રમુખની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. સુભાષબાબુ નવો શિરસ્તો પાડવા માગે છે. તેમ કરવાનો તેમને પૂરેપૂરો હક છે. પણ તેમણે જે માર્ગ સ્વીકાર્યો છે, તે કેટલે દરજ્જે ડહાપણભરેલો છે તે તો અનુભવે જણાશે. અમને એ વિશે ભારે શંકાઓ છે. કૉંગ્રેસના સભ્યોમાં વધારે સંગઠન આવે, વધારે સહિષ્ણુતા આવે અને એકબીજાના અભિપ્રાય વિષે વધારે આદરની વૃત્તિ સેવાતી થાય ત્યાં સુધી પ્રમુખની ચૂંટણી માટે હરીફાઈ થાય એ અમને ઇષ્ટ લાગતું નથી. સુભાષબાબુના નિવેદન વિષે કાંઈ પણ કહેતાં અમને સંકોચ થાય છે. પણ આવતી કૉંગ્રેસના પ્રમુખ કોણ થાય એ વિષે અમારા અભિપ્રાય દૃઢ હોઈ અમને લાગે છે કે અમે કાંઈ ન બોલીએ તે અમારી ફરજ અમે ચૂકીએ.

“ મૌલાના સાહેબે આ હરીફાઈમાંથી નીકળી જવું યોગ્ય ધાયું છે, તે માટે અમને બહુ દુ:ખ થાય છે. એમણે નીકળી જવાનો છેવટનો નિશ્ચય કર્યો ત્યારે અમારામાંના કેટલાકની સાથે મસલત કરીને ડૉ. પટ્ટાભીની એમણે હિમાયત કરી છે. આ નિર્ણય સારી પેઠે મસલત કર્યા પછી લેવાયો છે. બહુ અપવાદરૂપ સંજોગો સિવાય ગઈ કૉંગ્રેસના પ્રમુખને ફરી વાર પ્રમુખ ન ચુંટવાના નિયમને વળગી રહેવું એ અમને બહુ ડહાપણભરેલી નીતિ લાગે છે.

" પોતાના નિવેદનમાં સુભાષબાબુ જણાવે છે કે પોતે સમૂહતંત્રના ભારે વિરોધી છે. કારોબારી સમિતિના બધા જ સભ્યો તેના વિરોધી છે. કૉંગ્રેસની નીતિ પણ એવી જ છે. તેમણે વિચારસરણીઓ, નીતિઓ અને કાર્ચક્રમની પણ વાત કરી છે. અમને લાગે છે કે કૉંગ્રેસના પ્રમુખની પસંદગીનો વિચાર કરવામાં આ વસ્તુઓ અપ્રસ્તુત છે. કૉંગ્રેસની નીતિ અને કાર્યક્રમનો નિર્ણય તેના દર વરસે ચૂંટાતા પ્રમુખોએ કરવાનો હોયો નથી. જો એમ હોત તો તો બંધારણ પ્રમાણે પ્રમુખના હોદ્દાની મર્યાદા એક વરસની રાખવામાં આવી ન હોત. કૉંગ્રેસની નીતિ અને કાર્ચક્રમો જ્યારે કૉંગ્રેસે પોતે નક્કી કરેલાં નથી હોતાં ત્યારે કારોબારી સમિતિ નક્કી કરે છે. પ્રમુખની સ્થિતિ તો સભાપતિ જેવી હોય છે. આ ઉપરાંત બંધારણીય રાજાની માફક પ્રમુખ એ રાષ્ટ્રની એકતા અને સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના પ્રતીકરૂપ હોય છે. તેથી જ એ પદ મોટા માનનું ગણાય છે અને દર વરસે ચૂંટણી કરીને રાષ્ટ્ર પોતાનાં પનોતાં સંતાનોને એ માન આપે છે.

“ એ ઉચ્ચ પદના ગૌરવને છાજે એવી રીતે પ્રમુખની ચૂંટણી હુંમેશાં સર્વાનુમતે થાય છે. એટલે નીતિ અને કાર્યક્રમના ભેદને કારણે પણ ચૂંટણી વિષે વાદવિવાદ થાય એ ઇચ્છવા જેવું નથી. અમે માનીએ છીએ કે કૉંગ્રેસના પ્રમુખપદ માટે ડૉ. પટ્ટાભી સુયોગ્ય પુરુષ છે. કૉંગ્રેસની કારોબારી સમિતિના જૂનામાં 

જૂના સભ્યો પૈકીના તેઓ એક છે. એમની જનસેવા લાંબી અને અખંડ છે. એટલે કૉંગ્રેસના પ્રતિનિધિઓને તેમને ચૂંટી કાઢવાની અમે ભલામણ કરીએ છીએ. તેમના સાથીઓ તરીકે અમે સુભાષબાબુને વીનવીએ છીએ કે તેઓ આ વસ્તુનો ફરી વિચાર કરે અને ડૉ. પટ્ટાભી સીતારામૈચાની ચૂંટણી સર્વાનુમતે થવા દે.”

આનો જવાબ આપતાં સુભાષબાબુએ જણાવ્યું કે,

‘મારે ૨૧મી તારીખે જે નિવેદન બહાર પાડવું પડ્યું હતું તે મૌલાના અબુલ કલામ આઝાદ સાહેબના નિવેદનને કારણે હતું. હવે સરદાર પટેલ અને બીજા નેતાઓએ મને પડકાર આપનારું જે નિવેદન બહાર પાડ્યું છે તેના જવાબરૂ રૂપે મારે આ નિવેદન બહાર પાડવું પડે છે. જ્યારે કારોબારી સમિતિના બે સભ્ય પ્રમુખપદ માટે હરીફ હોય ત્યારે બાકીના સભ્યોએ સંગઠિત થઈને કોઈ પણ એકનો પક્ષ લેવો એ ન્યાયી નથી. સરદાર પટેલ અને બીજા નેતાઓએ જે નિવેદન બહાર પાડ્યું છે તે કેવળ વ્યક્તિગત કૉંગ્રેસીઓ તરીકે નથી પણ કૉંગ્રેસની કારોબારીના સભ્યો તરીકે છે. જ્યારે કારોબારી સમિતિએ આ પ્રશ્નની ચર્ચા બિલકુલ કરી જ નથી ત્યારે તેના અમુક સભ્યોએ આવું નિવેદન બહાર પાડવું એ વાજબી નથી. જો ખરેખર પ્રમુખની ચુંટણી કરવાની જ હોય તે કૉંગ્રેસના પ્રતિનિધિઓને સ્વતંત્ર રીતે મત આપવા દેવા જોઈએ, તેમના ઉપર કશું નૈતિક દબાણ લાવવું જોઈએ નહીં. મેં તો ઘણી વાર બે ઉમેદવારોમાંથી કૉંગ્રેસના પ્રમુખ તરીકે એક ઉમેદવારને પસંદ કરીને મત આપેલ છે. છેલ્લાં થોડાં વરસોથી જ પ્રમુખની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. વળી આજે વ્યાપક માન્યતા એવી છે કે આવતા વરસમાં કૉંગ્રેસના નરમ પક્ષના માણસો સમૂહતંત્રની યોજના બાબતમાં બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરે એવો સંભવ છે. આ સંજોગોમાં એ બહુ જ જરૂરનું છે કે આવતી કૉંગ્રેસનો પ્રમુખ એવો હવે જોઈએ જે પૂરા દિલથી સમૂહતંત્રનો વિરોધી હોય. આવો કોઈ બીજો ઉમેદવાર જડી આવે, દાખલા તરીકે આચાર્ય નરેન્દ્ર દેવ, તો મારે જ પ્રમુખ થવું એવો મને કાંઈ અભરખો નથી.”

ઉપરના નિવેદનના જવાબમાં સરદારે માત્ર પોતાની એકલાની સહીથી નીચેનું નિવેદન બહાર પાડ્યું:

“ સુભાષબાબુનું નિવેદન કાંઈક અજબ છે. હકીક્ત આ પ્રમાણે છે: ૧૯૨૦ પછી લગભગ દર વરસે કારોબારી સમિતિના કેટલાક સભ્યો કોને પ્રમુખ ચૂંટવા એની અવૈધ રીતે ચર્ચા કરે છે. જ્યારે ગાંધીજી કારોબારી સમિતિમાં હતા ત્યારે કોને પ્રમુખ ચૂંટવો એ બાબતમાં નામની ભલામણ કરીને તેઓ પોતે દોરવણી આપતા. પણ કૉંગ્રેસમાંથી નીકળી ગયા પછી તેઓ આવું કોઈ જાતનું નિવેદન બહાર પાડતા નથી. છતાં સભ્યો વ્યક્તિગત રીતે તેમ જ સામુદાયિક રીતે પસંદગીની બાબતમાં તેમની સલાહ લે છે. આ વરસે પણ મેં ઘણા સભ્યો સાથે આ બાબતમાં સલાહમસલત કરી છે. અમને દરેકને એમ લાગેલું કે આ વખતે પસંદ કરવા લાયક મૌલાનાસાહેબ જ છે. પણ અમે તેમને મનાવી શકયા નહી. બારડોલીમાં કારોબારી સમિતિની બેઠક હતી તે અઠવાડિયામાં ગાંધીજીએ મૌલાનાસાહેબને

આગ્રહ કરીને કહેલું કે તમારે જ આ વખતે પ્રમુખ થવું જોઈએ. પણ તેઓ ન થવાના પોતાના નિશ્ચચને દૃઢતાપૂર્વક વળગી રહ્યા. પરંતુ જાન્યુઆરીની ૧૫મી ને રવિવારે તેઓ પરોઢિયે ગાંધીજી પાસે આવ્યા અને કહ્યું કે તમારું કહ્યું ન માનું એ મારે માટે ભારે સંકોચની વાત છે. એટલે હું પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઊભો રહીશ. અમે જાણતા હતા કે કેટલાક આંધ મિત્રોએ ડૉ. પટ્ટાભીના નામની દરખાસ્ત કરી હતી. સુભાષબાબુના નામની દરખાસ્ત હતી એ પણ અમે જાણતા હતા. પણ અમારી ખાતરી હતી કે બંને હરીફાઈમાંથી ખસી જશે અને મૌલાના સાહેબ સર્વાનુમતે ચૂંટાશે.

“ બારડોલીમાં એક યા બીજે વખતે મૌલાના અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નેહરુ, બાબુ રાજેન્દ્રપ્રસાદ, શ્રી ભૂલાભાઈ દેસાઈ, આચાર્ય કૃપાલાની, મહાત્મા ગાંધી તથા હું, પહેલેથી નક્કી કર્યા પ્રમાણે નહીંં પણ અકસ્માત, ભેગા થઈ ગયા અને અવૈધ મસલત કરીને અમે નક્કી કર્યું કે જો મૌલાના પ્રમુખ ન થવાના નિશ્ચયમાં કાયમ જ રહે તો બંધારણ અનુસાર બીજી પસંદગી ડૉ. પટ્ટાભીની જ રહેતી હતી. કારણ અમારો એ સાફ મત હતો કે સુભાષબાબુને ફરી ચૂંટવા એ બિનજરૂરી છે. અમારા મનમાં તો નરમ વિચારના ( રાઇટિસ્ટ ) અથવા ઉદ્દામ વિચારના (લેફ્ટિસ્ટ ) એ પ્રશ્ન કદી ઊઠ્યો જ નહોતો.

"એ ચાદ રાખવા જેવું છે કે ગયે વરસે જ્યારે સુભાષબાબુની પસંદગી થઈ ત્યારે આ વૃખતે જે પદ્ધતિ અખત્યાર કરવામાં કરવામાં આવી છે તે જ પદ્ધતિ બરાબર અખત્યાર કરવામાં આવી હતી. સુભાષબાબુ એ બરાબર જાણે છે. તે વખતે બીજા ઉમેદવારોને પોતાનાં નામ ખેંચી લેવાનું સમજાવતાં અમને કશી મુશ્કેલી પડી નહોતી.

"મૌલાના સાહેબે તે વખતે તો સંમતિ આપી પરંતુ મુંબઈ પહોંચ્યા પછી તેમના દિલમાં વળી પાછો ખળભળાટ જાગ્યો અને તેમણે વિચાર્યું કે આ ઉચ્ચ પદનો બાજો તેઓ ઉઠાવી શકશે નહીં. એટલે તેઓ ગાંધીજી પાસે પાછા બારડોલી આવ્યા અને પોતાને મુક્ત કરવા વિનંતી કરી. મૌલાનાને બીજી વાર આગ્રહ કરવાનું ગાંધીજીને દુરસ્ત ન લાગ્યું. પછી શું બન્યું છે તે દેશ જાણે છે.

“ મને દુ:ખ તો એ બાબતનું થાય છે કે સુભાષબાબુ અમે સહી કરનારાઓ ઉપર તથા કારોબારી સમિતિની બહુમતી ઉપર અમુક હેતુઓનું આરોપણ કરે છે. તેના જવાબમાં હું એટલું જ કહીશ કે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટની સમૂહતંત્રની યોજના કોઈને પસંદ હોય અથવા કોઈને તે જોઈતી હોય એવા કોઈ સભ્યને હું જાણતો નથી. વસ્તુસ્થિતિ તો એ છે કે કોઈ એક સભ્ય અથવા તો તે તે વખતે કૉંગ્રેસના જે પ્રમુખ હોય તે, આવા મોટા મુદ્દા ઉપર કોઈ પણ જાતનો નિર્ણચ કરી શકે નહીં. એ નિર્ણય તો માત્ર કૉંગ્રેસ જ કરી શકે. અને જ્યારે કૉંગ્રેસની બેઠક ચાલતી ન હોય ત્યારે કોંગ્રેસની કારોબારી સમિતિ સામુદાયિક રીતે તે વિષે નિર્ણય કરી શકે, કારોબારી સમિતિને પણ કોંગ્રેસની જાહેર કરેલી નીતિના શબ્દ કે ભાવને છોડીને કશું કરવાની સત્તા નથી.

“ એ વિચાર સાથે પણ હું સહમત નથી કે કૉંગ્રેસના પ્રમુખને કોઈ નવી નીતિ અખત્યાર કરવાની સત્તા છે. કારોબારી સમિતિની સંમતિથી જ તે તેમ 

કરી શકે. કારોબારી સમિતિએ પ્રમુખના વિરોધ છતાં પોતાનો કક્કો ખરા કર્યાના અનેક દાખલા છે. ને તે પ્રમુખો પ્રત્યે ન્યાયની ખાતર મારે કહેવું જોઈએ કે એવે વખતે એમણે કારોબારી સમિતિના નિર્ણયને માન આપ્યું છે.

“ બધા સાથીઓ અત્યારે બારડોલીમાં નથી અને પૂરતો સમય પણ નથી એટલે બીજા સાથીઓ સાથે મસલત કર્યા વિના મેં એકલાએ જ સુભાષબાબુના નિવેદનનો જવાબ આપવાની છૂટ લીધી છે. બીજા સાથીઓને પોતપોતાનો અભિપ્રાય દર્શાવવાનો અધિકાર છે.

“મારે માટે અને જેમની સાથે આ પ્રશ્ન વિષે હું ચર્ચા કરી શક્યો છું તેમને માટે આ મુદ્દો અમુક વ્યક્તિ કે અમુક સિદ્ધાંતનો નથી, નરમ વિચારના કે ગરમ વિચારનાનો પણ નથી. આમાં એકમાત્ર વિચાર એ કરવાનો છે કે દેશનું વધારેમાં વધારે હિત શેમાં સમાયેલું છે ? અમે નિવેદન કાઢનારાઓને મારે મને તો પ્રતિનિધિઓને દોરવણી આપવાની સંપૂર્ણ અધિકાર છે. રોજ મને પ્રતિનિધિ તરફથી માર્ગદર્શન માટે કાગળો અને તારો મળ્યા જ કરે છે. મને લાગે છે, બીજા મારા સાથીઓને એવા કાગળ અને તારો મળતા જ હશે. આ સંજોગોમાં અધિકાર એ કર્તવ્ય બની જાય છે. વળી માર્ગદર્શન કરાવી દીધા પછી પ્રતિનિધિઓને પોતાના મતનો ઉપયોગ પોતાને ઠીક લાગે તે પ્રમાણે કરવાની છૂટ તો છે જ.”

ડૉ. પટ્ટાભી સીતારામૈયાએ પણ તે જ દિવસે એક નિવેદન બહાર પાડયું. પોતે કેવા સંજોગોમાં પ્રમુખપદની ઉમેદવારી કરે છે તે જણાવીને તેમણે કહ્યું કે,

“ હવે આજનો જે સળગતો પ્રશ્ન છે એ બાબતમાં મારી સ્થિતિની હું ચોખવટ કરીશ. હું ગાંધીજીના સિદ્ધાંતોનો ચુસ્ત ભક્ત છું, એ તો દેશમાં ધાણા લોકો હવે ઠીક ઠીક જાણે છે. એ વિષય ઉપર તેમ જ આજના રાજદ્વારી પ્રશ્નો ઉપર હું ઘણી વાર બોલ્યો છું અને મેં પુષ્કળ લખ્યું છે. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍકટમાં સમૂહતંત્રની જે યાજના આપેલી છે તેમાં રહેલા ભય ઉધાડા પાડવામાં દેશમાં બીજા કોઈના જેટલું કાર્ચ મેં પણ કરેલું છે. કૉંગ્રેસની લખનૌની અને હરિપુરાની બેઠકના ગાળામાં મને તેમ કરવાની વધારે છૂટ હતી અને મેં તેનો ઉપયોગ આપણા ઉપર જે બંધારણ લાદવામાં આવ્યું છે, તેનાં ફરચાડિયાં ઉડાડી દેવામાં પૂરેપૂરો કર્યો છે. હરિપુરાની બેઠક પછી કારોબારી સભ્ય હોઈ મારી જાત ઉપર મારે અમુક અંકુશ રાખવો પડ્યો છે. મારા જાણવા ને માનવા પ્રમાણે કારોબારી સમિતિમાં કોઈ પણ સભ્યે સંમૂહતંત્રના પ્રશ્ન પર બ્રિટિશ સરકાર સાથે માંડવાળ કરવાનો વિચાર સરખો કર્યો નથી. મેં પોતે તાજેતરમાં જ અસંદિગ્ધ રીતે સ્પષ્ટ કર્યું છે કે વાઈસરૉયનું નિવેદન એ કોંગ્રેસનાં દ્વાર હળવેથી ઠેલવાના પ્રયત્નરૂપે હતું. પણ કૉંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ તરફથી તેને બરાબર જવાબ આપેલ છે.

"એક વાતનો મારે ખુલાસો કરવાનો રહે છે. સુભાષબાબુની તરફેણમાં હું મારું નામ કેમ પાછું ખેંચી લેતો નથી? એટલા માટે કે આદરપાત્ર સાથીઓની

ઇચ્છાનો મારા મનમાં વિરોધ નથી. સાથીઓના અભિપ્રાય સાથે હું મળતો થતો ન હોત તો હું જરૂર મારું નામ પાછું ખેંચી લેત. અમે એમ માનીએ છીએ કે એના એ માણસને લાગલાગટ બીજી વાર, ખાસ અપવાદરૂપ સંજોગો સિવાય પ્રમુખ ચૂંટવો જોઈએ નહીં. પ્રસ્તુત દાખલામાં એવા અપવાદરૂપ સંજોગો હસ્તી ધરાવતા નથી.”

સરદારના અને ડો. પટ્ટાભીનાં નિવેદનના જવાબમાં સુભાષબાબુએ તા. ૨૬ મીએ વળી પાછું એક નિવેદન બહાર પાડ્યું, તેમાં જણાવ્યું કે,

“મને લાગે છે વળગે છે ત્યાં સુધી તો મેં જાહેર કર્યું છે કે ખરો મુદ્દો સમૂહતંત્રનો જ છે. કોઈ સાચા સમૂહતંત્ર વિરોધીને પ્રમુખ તરીકે સ્વીકારવામાં આવે તો તેની તરફેણમાં ખસી જવાને હું બહુ રાજી છું. મારી આ દરખાસ્ત મેં જાહેર કરી છે અને ચૂંટણીના દિવસ સુધી તે ખુલ્લી જ છે.”

૫ં. જવાહરલાલ નેહરુ જેઓ આ ચર્ચા ચાલતી હતી ત્યારે આરામ માટે અલમોડા ગયા હતા, તેમણે તા. ૨૬ મીએ ત્યાંથી એક નિવેદન બહાર પાડ્યું. તેમાંથી મહત્ત્વના બે ફકરા નીચે આપ્યા છે :

“ પ્રમુખની ચૂંટણી બાબતમાં બે જુદા જુદા કાર્યક્રમો વચ્ચે ક્યાં વિરોધ છે ? હિંદુસ્તાનમાં બહુ મહત્વના પ્રશ્નો ઘણા છે. પણ આ બાબતમાં સમૂહુતંત્રના ઉલ્લેખ કરવામાં આવે છે એટલે હું માની લઉં છું કે પ્રમુખની ચૂંટણી પર બીજો કશો મતભેદ નથી. ત્યારે શું સમૂહતંત્ર વિષે કોઈ જાતનો વિરોધ છે ખરો ? હોય એમ હું તો જાણતો નથી. કારણ એ બાબતમાં કૉંગ્રેસનું વલણ ચોક્કસ અને સ્પષ્ટ છે. હું જ્યારે ઇંગ્લંડમાં હતો ત્યારે અસંદિગ્ધ ભાષામાં મેં આ વલણ જાહેર કર્યું હતું. તેમાં હું કેવળ મારો પોતાનો અભિપ્રાય નહોતો દર્શાવતો પણ આખી કારોબારી સમિતિનો અભિપ્રાય જાહેર કરતો હતો. ત્યાં હું જે કાંઈ કરતો અને કહેતો એનો સંપૂણ હેવાલ હું રાષ્ટ્રપતિને અને કારોબારી સમિતિને મોકલી આપતો. તેમની સુચનાઓ પણ માગતો. તેના જવાબમાં મને એમ કહેવામાં આવેલું કે સમૂહુતંત્રની બાબતમાં હું જે વલણ દર્શાવું છું તે આખી કારોબારી સમિતિને અને ગાંધીજીને પસંદ છે. ત્યાર પછી તો પરિસ્થિતિને કારણે કૉંગ્રેસનું વલણ વધારે કડક બન્યું છે. આજે કોઈ કૉંગ્રેસી સમૂહતંત્રની બાબતમાં માંડવાળ કરવાનો વિચાર કરે એ ન ક૯પી શકાય એવું છે.



“ કસોટીના વખતમાં કૉંગ્રેસના પ્રમુખ થવું એટલે શું એનો મને ઠીક ઠીક અનુભવ છે. કેટલીયે વાર રાજીનામું આપવાની અણી ઉપર હું આવી ગયો છું. કારણ મને લાગતું કે એ હોદ્દો ધારણ કર્યા વિના આપણા ધ્ચેચની અને કૉંગ્રેસની હું વધારે સારી સેવા કરી શકું. આ વરસે કેટલાક સાથીઓએ તો પ્રમુખપદ માટે ઉમેદવારી કરવાનો મને આગ્રહ પણ કર્યો હતો. પણ મેં ઘસીને ના પાડી. તેનાં કારણોની અહીં ચર્ચા કરવાની જરૂર નથી. એ અને બીજાં કારણોસર પણ મારો તો સાફ અભિપ્રાય છે કે સુભાષબાબુએ પ્રમુખપદ માટે ઊભા રહેવું જોઈએ નહીં. મને તો લાગે છે આ વખતે એ હોદ્દો ધારણ કરવાથી મારી

માફક તેમની પણ અસરકારક કામ કરવાની શક્તિ ઓછી થશે. મેં સુભાષબાબુને એ પ્રમાણે કહ્યું છે પણ ખરું.”

ગાંધીજીએ પણ સુભાષબાબુને તાર કરીને પોતાનો અભિપ્રાય જણાવેલ કે આ વરસે તેમણે પ્રમુખપદ માટે હરીફાઈ કરવી એ ઉચિત નથી. છતાં સુભાષબાબુ મક્કમ રહ્યા. તા. ૨૯મીએ ચૂંટણી થઈ. એમાં ડૉ. પટ્ટાભી કરતાં સુભાષબાબુને ૯૫ મત વધારે મળ્યા. ચૂંટણીનું પરિણામ બહાર પડ્યું એટલે ગાંધીજીએ આ ચૂંટણીને પોતાની અંગત હાર માની અને તા. ૩૧-૧-'૩૯ ના રોજ 'હરિજનબંધુ' માં 'મારી હાર' નામનો નીચે મુજબનો લેખ લખ્યો :

" શ્રી સુભાષબાબુએ તેમના હરીફ ડૉ. પટ્ટાભી સીતારામૈયા સામે સંગીન જીત મેળવી છે. મારે કબૂલ કરવું જોઈએ કે સુભાષબાબુ બીજે વરસે પણ ફરી વાર કૉંગ્રેસના પ્રમુખ નિમાય તેનો હું મૂળથી જ વિરુદ્ધ હતો. આ ચૂંટણીને અંગે સુભાષબાબુએ જે નિવેદન કાઢ્યાં છે તેમાં ૨જૂ કરેલી બીનાઓ તેમ જ દલીલો જોડે હું મળતો નથી થતો. મને લાગે છે કે પોતાના સાથીઓ સામે તેમણે કરેલા આક્ષેપ ગેરવાજબી અને અણછાજતા છે.

“ આમ છતાં સુભાષબાબુની જીતથી હું ખુશ થયો છું. જ્યારે મૌલાના સાહેબે પ્રમુખપદની ઉમેદવારી પાછી ખેંચી લીધી ત્યારે ડૉ. પટ્ટાભીને તેમની ઉમેદવારી પાછી ન ખેંચી લેવાનું સમજાવવામાં હું નિમિત્ત બન્યો હતો. તેથી આ હાર ડૉ. પટ્ટાભીની છે, તે કરતાં વધારે મારી છે. હું જો ચોક્કસ સિદ્ધાંત અને નીતિનો પ્રતિનિધિ ન હોઉંં તો હું કંઈ જ નથી. એટલે આ ચૂંટણીથી મને એ સ્પષ્ટ થયું છે કે જે સિદ્ધાંતો અને નીતિનો હિમાયતી છું તે કૉંગ્રેસના પ્રતિનિધિઓને માન્ય નથી. આ હારથી હું રાચું છું, કારણ આથી જે સલાહ છેલ્લી દિલ્હી ખાતેની કૉંગ્રેસ વેળાએ સભાત્યાગ કરી જનાર લધુમતીને મેં આપી હતી તેનો અમલ જાતે કરી બતાવવાની મને તક મળે છે. સુભાષબાબુ પણ પોતે જેને નરમ પક્ષ કહે છે તે પક્ષના સાથીઓની દયા ઉપર નભીને પ્રમુખ થવાને બદલે રસાકસીભરી ચૂંટણીમાં ચૂંટાઈને પ્રમુખ બન્યા છે એટલે હવે તેઓ પોતાને મનપસંદ અને પોતાના વિચારવાળી કારોબારી સમિતિ પસંદ કરી શકશે અને પોતાનો કાર્યક્રમ બિન રોકટોક અમલમાં મૂકી શકશે.

“ એક વાત તો બહુમતી તેમ જ લઘુમતી બેઉને માન્ય છે અને તે કૉંગ્રેસના તંત્રમાં પડેલ અંદરનો સડો સાફ કરવાની છે. 'હરિજન'માંનાં મારાં લખાણોએ બતાવી આપ્યું છે કે કૉંગ્રેસના તંત્રમાં જે સડો પેઠો છે અને જે એને જોશભેર કોરી રહ્યો છે તે એ છે કે આજે એનાં દફ્તર ઉપર પાર વિનાના ખાટા સભ્યો દાખલ થયેલા છે. છેલ્લા કેટલાક મહિનાઓ થયાં આ દફ્તરોને સાફ કરીને નવેસર તૈયાર કરાવવા હું સૂચવી રહ્યો છું. એ પ્રમાણે કરવામાં આવે તો મને શંકા નથી કે એવા ખોટા નોંધાયેલા સભ્યોના મતને જોરે આવેલા કેટલાયે પ્રતિનિધિઓ બાતલ થાય. "લધુમતીવાળાઓએ નાસીપાસ થવાનું કોઈ કારણ નથી. જો તેઓ કોંગ્રેસના ચાલુ કાર્યક્રમમાં પાકી આસ્થા ધરાવનારા હશે તો તેઓ જોશે કે એ કાર્યક્રમ ચલાવી શકાય એમ છે, પછી ભલે તેઓ બહુમતીમાં હોય કે લધુમતીમાં હોચ, કૉંગ્રેસની અંદર હોય કે કૉંગ્રેસની બહાર હોચ.

“ એક જ કાર્યક્રમ ઉપર આ ફેરફારની અસર કદાચ થાય, અને તે ધારાસભાઓ મારફતનો કાર્યક્રમ. હાલના પ્રધાનો તો અત્યાર લગીની બહુમતીવાળાઓએ પસંદ કરેલા છે. હાલની ધારાસભાઓનો કાર્યક્રમ પણ એમનો ઘડેલો છે. પણ ધારાસભાઓનો કાર્યક્રમ આખરે તો કૉંગ્રેસના કાર્ચક્રમમાં ગૌણ વસ્તુ છે.

“ અને સુભાષબાબુ પણ દેશના કંઈ શત્રુ નથી. દેશને ખાતર એમણે કષ્ટ સહન કર્યા છે. એમની માન્યતા મુજબ એમની નીતિ અને કાર્યક્રમ બહુ આગળપડતા અને હિંમતવાળા છે. લઘુમતીવાળ એમનો સંપૂર્ણ વિજય ઇચ્છે છે. જો એમનાથી એમની દોટે ન દોડી શકાય તો કૉંગ્રેસમાંથી બહાર નીકળે. દોડી શકે તો તેઓ બહુમતીને જોર આપે.

"કોઈ પણ હાલતમાં લધુમતીવાળા વિઘ્નનીતિ તો અખત્યાર ન જ કરે. જ્યાં તેઓ સાથ ન આપી શકે ત્યાં તેઓ અળગા રહે. બધા કૉંગ્રેસીઓ સમજી લે કે જેઓ કૉંગ્રેસ પ્રત્યે નિષ્ઠાવાળા હોવા છતાં સમજપૂર્વક તેની બહાર રહે છે, તે તેના સહુથી વધારે સાચા પ્રતિનિધિ છે. તેથી જેમને કૉંગ્રેસની અંદર રહેવું અરુચિકર લાગે તેઓ બહાર નીકળે, કડવાશથી નહીં પણ કૉંગ્રેસની વધુ સંગીન સેવા બજાવવાના નિશ્ચિત હેતુથી.”

ગાંધીજીના આ નિવેદનથી લોકોમાં, ખાસ કરીને કૉંગ્રેસના પ્રતિનિધિઓમાં, ખળભળાટ પેદા થયો. જેમણે સુભાષબાબુને માટે મત આપ્યા હતા તેઓ પણ વિમાસણમાં પડ્યા. ઘણાને લાગ્યું કે ગાંધીજીએ પોતાનો અભિપ્રાય ચુંટણી પહેલાં કેમ ન જણાવ્યો ? ગાંધીજીનું કહેવું એમ હતું કે સરદાર અને બીજા છ સભ્યાના નિવેદનમાં મારું વલણ સૂચવનારાં એક બે વાક્યો તો હતાં જ. અને પ્રતિનિધિઓ જો મારી નીતિને ટેકો આપવા માગતા હોત તો એટલું સુચન તેમને માટે બસ હતું. છતાં ગાંધીજીના નિવેદનની એટલી અસર તો થઈ કે, જોકે સુભાષબાબુ પ્રતિનિધિઓની બહુમતીથી ચૂંટાયા હતા છતાં, કૉંગ્રેસની મહાસમિતિમાં અથવા કૉંગ્રેસની ખુલ્લી બેઠકમાં તેમને બહુમતી મળશે કે કેમ એ શંકાસ્પદ બની ગયું.

કૉંગ્રેસમાં ઘણાં વરસથી એ રિવાજ ચાલતો આવેલ હતો કે કૉંગ્રેસના અધિવેશન પહેલાં કારોબારી સમિતિ મળીને વિષયવિચારિણી સમિતિ આગળ રજૂ કરવાના ઠરાવોના ખરડા તૈયાર કરી રાખે છે. પણ આ કારોબારી સમિતના મોટા ભાગના સભ્યો સુભાષબાબુના વિચારો સાથે મળતા નહોતા થતા, એટલે એમણે વિચાર્યું કે સુભાષબાબુ પોતાને અનુકુળ વિચારવાળા લોકો જોડે મળીને ઠરાવો ઘડે એ યોગ્ય છે, કેમ કે કૉંગ્રેસનો ભાર એમને ઉપાડવાનો છે. તા. ૯-૨-'૩૯ના રોજ કારોબારી સમિતિની બેઠક વર્ધા મુકામે મળી. સુભાષબાબુને તાવ આવતો હોવાથી એ બેઠકમાં તેઓ હાજરી આપી શક્યા નહીંં. કારોબારી સમિતિના ૧૫ સભ્યોમાંથી ૧૩ સભ્યોએ એ બેઠકમાં જ પોતાનાં રાજીનામાં આપી દીધાં. સુભાષબાબુએ તા. ર૬-૨-'૩૯ના કાગળથી એ સ્વીકારી લીધાં.

પ્રમુખની ચૂંટણી પહેલાં અને પછીથી પણ, એ વિષે વર્તમાનપત્રોમાં જે ચર્ચા ચાલી તેથી કૉંગ્રેસીઓમાં તીવ્ર મતભેદ પડ્યા. નેતાઓમાં પણ એકબીજા પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. એવી દુ:ખદ પરિસ્થિતિમાં ત્રિપુરી કોંગ્રેસનું અધિવેશન ભરાયું. કમનસીબે તે વખતે જ સુભાષબાબુ બીમાર પડી ગયા હતા. તેઓ ત્રિપુરી પહોંચ્યા ત્યારે પથારીવશ હતા. તેમના સ્વાગત માટે આખા પ્રાંતમાંથી હાથીઓ ભેગા કરી, આ બાવનમું અધિવેશન હતું માટે, બાવન હાથી જોડેલા રથમાં તેમને બેસાડી તેમનું સરઘસ કાઢવાનું હતું. પણ સુભાષબાબુની સ્થિતિ રથમાં બેસી શકે અને સરઘસમાં ફરી શકે એવી નહોતી. એટલે રથમાં તેમની છબી મૂકીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. કારોબારી સમિતિએ રાજીનામાં આપી દીધાં હતાં એટલે એને તો મળવાપણું હતું જ નહીં. મહાસમિતિ અને વિષયવિચારિણી સમિતિની બેઠક થઈ. તેમાં વાદવિવાદવાળા ઠરાવો બે હતા. એક પ્રમુખ તરફનો સરકારને સવિનય ભંગની નોટિસ આપવાનો, અને બીજો જૂની કારોબારી સમિતિના બહુમતી સભ્યોનો. બીજો ઠરાવ પં. ગોવિંદ વલ્લભ પંતે રજૂ કર્યો અને વિષયવિચારિણી સમિતિએ મોટી બહુમતીથી એ પસાર કર્યો.

બીજે દિવસે કૉંગ્રેસનું ખુલ્લું અધિવેશન થયું. પણ સુભાષબાબુ બીમારીને કારણે તેમાં હાજરી આપી શક્યા નહીં. મૌલાના અબુલ કલામ આઝાદને કામચલાઉ પ્રમુખ નીમવામાં આવ્યા. સુભાષબાબુનું પ્રમુખ તરીકેનું ભાષણ વાંચી સંભળાવવામાં આવ્યું. ઠરાવોની બાબતમાં કેટલાક જણે એવી દરખાસ્ત કરી કે પ્રમુખ ગેરહાજર છે માટે ઠરાવો રજૂ કરવાનું માંડી વાળવામાં આવે. પણ આવડા મોટા અધિવેશનને મુલતવી રાખવાનું મૌલાના સાહેબને યોગ્ય ન લાગ્યું. એટલે તેમણે નિર્ણય આપ્યો કે ઠરાવો ભલે રજૂ કરવામાં આવે. પણ એના ઉપર વધારે વાદવિવાદ કરવાનું તથા મત લેવાનું બીજે દિવસે જ્યારે પ્રમુખ આવે ત્યારે કરવામાં આવે. આ વાત કેટલાકને ગમી નહી અને તેમણે ઘોંધાટ કરવા માંડ્યો. ઘોંધાટ કરનારાઓ જોકે થોડા હતા પણ તેમણે ધમાલ બહુ મચાવી. જવાહરલાલજી તે વખતે મંચ ઉપર ઊભા હતા તેમણે લોકોને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યો. બીજા લોકો શાંત થઈ ગયા એટલે હજારોની મેદની વચ્ચે આ ઘોંધાટ કરનારાઓ જુદા પડી ગયા અને મૂઠ્ઠીભર દેખાવા લાગ્યા. મંચ પાસે પહોંચીને તેઓએ થોડી વાર લગી તો બૂમોમે પાડી. પણ જવાહરલાલજી દૂઢ રહ્યા એટલે પેલા લોકો થાક્યા. ત્યાર બાદ સભાનું કામકાજ રીતસર ચાલ્યું. અને ઠરાવ રજૂ થયા. એના ઉપર ચર્ચા કરવાનું તથા મત લેવાનું બીજા દિવસ ઉપર રાખ્યું.

બીજે દિવસે ખુલ્લા મંડપમાં અધિવેશન ન ભરતાં વિષયવિચારિણી સમિતિના તંબુમાં અધિવેશન ભરવામાં આવ્યું અને તેમાં પ્રતિનિધિઓ સિવાય બીજા કોઈને દાખલ ન કરવામાં આવ્યા. મત લેવાતાં પ્રમુખને અણગમતો ઠરાવ જે નીચે પ્રમાણે હતો તે પસાર કરવામાં આવ્યો અને પ્રમુખનો ઠરાવ નામંજૂર થયો. પસાર થયેલો ઠરાવ નીચે પ્રમાણે છે :

"પ્રમુખની ચૂંટણીના સંબંધમાં ભારે વાદવિવાદ જાગવાને પરિણામે કૉંગ્રેસમાં અને દેશમાં વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી થવા પામી છે. તેથી કૉંગ્રેસના આ અધિવેશને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની અને કૉંગ્રેસની સર્વસામાન્ય નીતિ જાહેર કરવાની જરૂર છે.

“ કૉંગ્રેસનું આ અધિવેશન જાહેર કરે છે કે મહાત્મા ગાંધીના માર્ગદર્શન નીચે છેલ્લાં કેટલાંક વરસથી કૉંગ્રેસની મૂળભૂત નીતિ પ્રમાણે તેનો જે કાર્યક્રમ ચાલે છે તેને કૉંગ્રેસ દ્રુઢતાપૂર્વક વળગી રહે છે. એનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કૉંગ્રેસની ચાલુ નીતિમાં કશો ફેરફાર કરવાની જરૂર નથી અને ભવિષ્યમાં કૉંગ્રેસનો કાર્યક્રમ એ નીતિ પ્રમાણે જ ચાલવો જોઈએ. ગયે વરસે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કરેલા કામ વિષે આ કૉંગ્રેસ પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને તેના સભ્યો પ્રત્યે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને નાપસંદ કરે છે.

"આવતે વરસે કટોકટીભરેલી સ્થિતિ ઊભી થવાનો સંભવ છે. તે વખતે મહાત્મા ગાંધી જ કૉંગ્રેસને અને દેશને વિજયને માર્ગે દોરી શકે એમ છે. તે જોતાં આ કૉંગ્રેસ એ વસ્તુ અનિવાર્ય માને છે કે કોંગ્રેસની કારોબારી સમિતિ મહાત્માજીનો પૂર્ણ વિશ્વાસ ધરાવે એવી હોવી જોઈએ, તેથી પ્રમુખને વિનંતી કરે છે કે મહાત્માજીની ઇચ્છાઓ ધ્ચાનમાં લઈને તેમણે કારોબારી સમિતિની નિમણુક કરવી.”

ત્યાર પછી જેના ઉપર મતભેદ નહોતા એવા કેટલાક ઠરાવો પસાર કરીને કૉંગ્રેસનું અધિવેશન પૂરું થયું. સુભાષબાબુએ પોતાની માંદગીને લીધે તેમ જ ઉપર આપેલા ઠરાવને કારણે નવી કારોબારી સમિતિ ન નીમી. પણ એમના મનમાં ખાસ કરીને સરદાર પ્રત્યે ભારે રોષ અને કડવાશ રહી ગઈ તા. ૨૧મી માર્ચ એમના ભાઈ શરદબાબુએ ગાંધીજીને જે કાગળ લખ્યો તે ઉપરથી આ વસ્તુ જણાઈ આવે છે. એ કાગળમાંથી થોડાક ફકરા નીચે આપ્યા છે :

“ ત્રિપુરીમાં હું એક અઠવાડિયું હતો તે દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તેથી મારી આંખ ઊઘડી ગઈ છે. લોકો જે વ્યક્તિઓને આપના માનીતા શિષ્યો અને પ્રતિનિધિઓ માને છે તેમણે ત્યાં જે સત્ય અને અહિંસાનું

પ્રદર્શન કર્યું તેની, આપના જ શબ્દો વાપરું તો, ગંધ હજી મારા નાકમાંથી જતી નથી. તેમણે રાષ્ટ્રપતિ અને એમના વિચારના માણસો સામે જે પ્રચાર ત્યાં ચલાવ્યો તે એકમ હલકટ અને દ્વેષ તથા ઝેરથી ભરેલો હતો. તેમાં સત્ય અને અહિંસાનો તો છાંટો પણ નહોતો. . . . જેઓ આપના સિદ્ધાંતોની વાતો કરે છે તેઓએ ત્રિપુરીમાં રાષ્ટ્રપતિના માર્ગમાં અડચણ નાખવા સિવાચ બીજું કશું કર્યું નથી. પોતાનો હેતુ સાધવા માટે તેમની માંદગીનો તેમણે પૂરેપૂરો અને હલકટમાં હલકટ ઉપયોગ કર્યો છે. જૂની કારોબારી સમિતિના કેટલાક સભ્યો તો એટલે સુધી અવિરત અને ઝેરી પ્રચાર કરતાં ચૂક્યા નથી કે રાષ્ટ્રપતિની માંદગી તો કેવળ ઢોંગ છે, એ તો રાજદ્વારી માંદગી છે. . . . તમારા આ પ્રતિનિધિઓને, તમારા નામનો, લાગવગનો અને પ્રતિષ્ઠાનો ટેકો મેળવીને, કૉંગ્રેસનું તંત્ર ચલાવવા દેવામાં આવશે તો તમારી જિંદગી પર્યત જ તેઓ તે ચલાવી શકવાના છે. તમે નહીંં હો ત્યારે લોકો એમને ક્ચાંચ ફેંકી દેશે. પ્રમુખની ચૂંટણી થયા બાદ ચૂંટણીના પરિણામને તમારા જાહેર નિવેદનમાં પોતાની હાર તરીકે તમે વર્ણવ્યું છે. મને કહેવા દો કે એ વર્ણન તદ્દન ખોટું છે. કારણ તમારી તરફેણમાં અથવા વિરુદ્ધ પોતાનો મત આપવાને પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું જ નહોતું. હા, કૉંગ્રેસના મુખ્ય કરતાકારવતાઓ, જેના મુખ્ય સિતારા તરીકે સરદાર પટેલ ચમકી રહ્યા છે, તેમની એ હાર હતી ખરી. . . . દેશનું એ કમનસીબ છે કે તમારી તબિયત નરમ પડવા માંડી ત્યારથી તમે ઘણી બાબતોમાં જાતે માહિતી મેળવી શકતા નથી અને જે મંડળ તમારી આસપાસ વીંટળાયેલું રહે છે અને જે તમારા કાનફફોસિયાં કર્યા કરે છે તેના ઉપર અજાણતાં પણ વધુ ને વધુ પ્રમાણમાં તમારે આધાર રાખવો પડે છે. . . . ત્રિપુરીમાં કૉંગ્રેસના પ્રધાનોએ ખુલ્લંખુલ્લી રીતે પોતાની લાગવગ – નૈતિક તેમ જ ભૌતિક – એક પક્ષની તરફેણમાં વાપરી છે. ત્યાં જે છેવટનું પરિણામ આવ્યું છે તેનું સૌથી મોટું કારણ આ વસ્તુ જ છે. જો કૉંગ્રેસના ઉપર પ્રધાનોનું વર્ચસ રહેશે તો તેનો નતીજો એ આવવાનો છે કે કૉંગ્રેસ એક નવા સ્થાપિત હિતનો અવાજ કાઢનારી બની જશે અને તેની નીતિઓ અને કાર્ચક્રમો ઘડવામાં કશી સ્વતંત્રતા કે લોકશાહીપણું રહેશે નહીં.”

ગાંધીજીના કહેવાથી સરદારે આ કાગળનો ટુંકો જવાબ લખી આપ્યો. તેમાંથી કેટલાક મહત્વના ફકરા નીચે આપ્યા છે:

“ શરદબાબુનો કાગળ વાંચી મને બહુ આશ્ચર્ય ને દુ:ખ થયું છે. આવા ક્રોધયુક્ત અને ગાળથી ભરેલા કાગળનો શું જવાબ આપી શકાય ? કારોબારી સમિતિના જૂના સભ્યો ઉ૫૨ તેમણે એવો આક્ષેપ મૂક્યો છે કે તેમણે રાષ્ટ્રપતિની સામે દ્વેષયુક્ત અને ઝેરી પ્રચાર ચલાવ્યો. અમારામાંથી કોઈએ તેમની સામે આવો પ્રચાર ચલાવ્યો જ નથી. એટલે અમારે તેનો ઇનકાર કરવા ઉપરાંત બીજું કશું કહેવાનું રહેતું નથી. . . . રાષ્ટ્રપતિ જયારે ત્રિપુરી આવ્યા ત્યારે તેમની તબિચતની હાલત અમારામાંના કેટલાકે નજરે જોઈ છે. એટલે તેમની બીમારી એ ઢોંગ છે એવો પ્રચાર અમે કર્યો એમ કહેવું એ તદ્દન પાયા વિનાનું છે. આવી વાતોને તેમણે કેમ વજૂદ આપ્યું તેની જ મને નવાઈ લાગે છે. કોંગ્રેસના

અધિવેશનને બીજે દિવસે શરદબાબુએ પોતે રાજકુમારી અમૃતકોરને કહેલું કે સુભાષબાબુની તબિયત જોતાં બીજા બધા નેતાઓ તો મુખ્ય ઠરાવ મુલતવી રાખવાની તરફેણમાં હતા. પણ એકલો મારો જ તેમની સામે વાંધો હતો. મારું એ વલણ દ્વેષભરેલું હતું. પણ મેં રાજકુમારીને ખાતરી કરી આપી કે આ વસ્તુ તદ્દન ખોટી છે. ખરી વસ્તુસ્થિતિ શી હતી તે તેમને નજરે જોવા પણ મળી, ત્યારે તેઓ શરબાબુને મળ્યાં અને તેમને જણાવ્યું કે મારે વિષે તેમના ઉપર પડેલી છાપ તદ્દન ખોટી હતી. પછી શરદબાબુ મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું કે મને ખોટી માહિતી મળી હતી અને મેં તમને અન્યાય કર્યો તે માટે હું દિલગીર છું. . . . પ્રધાનો ઉપરનો તેમના આક્ષેપ ગંભીર છે. તેની તો બરાબર તપાસ થવી જોઈએ. પ્રધાનોએ પોતાના હોદ્દાની લાગવગ એક પક્ષે વાપરી એમ તેઓ કહે છે તેનો અર્થ હું સમજી શકતો નથી. તેમના ચારિત્ર્ય ઉપરનો આવા આક્ષેપ એમ ને એમ રહેવા દેવો જોઈએ નહીં. મેં તો આવો આક્ષેપ શરદબાબુના કાગળમાંથી પહેલી વાર જ જોયો. હું માની લઉં છું કે એ આક્ષેપ પુરવાર કરવાને એમની પાસે પૂરતી સાબિતીઓ હશે.”

જવાહરલાલજીએ પણ શરદબાબુને લાંબો જવાબ આપ્યો. ત્યાર પછી કારોબારી સમિતિની નિમણુક બાબત તથા કૉંગ્રેસના કાર્યક્રમ બાબત ગાંધીજી અને સુભાષબાબુની વચ્ચે લાંબો પત્રવહેવાર તથા તારવહેવાર ચાલ્યો. તા. ૩૧મી માર્ચે સુભાષબાબુને કાગળ લખીને ગાંધીજીએ પોતાનો છેવટનો અભિપ્રાય જણાવી દીધો. તેમાં લખ્યું કે :

"પં. ગોવિંદ વલ્લભ પંતના ઠરાવને તમે નિયમ બહારનો ગણો છો અને તેમાંના કારોબારી સમિતિની નિમણૂક બાબતના ભાગને તદ્દન ગેરબંધારણીય અને ગેરકાયદે ગણો છે એટલે તમારો માર્ગ તદ્દન સાફ છે. કમિટીની તમારી પસંદગીમાં કોઈની કશી દખલ હોવી જોઈએ નહીંં.

“ ગયા ફેબ્રુઆરી માસમાં આપણે મળ્યા ત્યાર પછી મારો એ અભિપ્રાય દૃઢ થયો છે કે જ્યાં સિદ્ધાંતની બાબતમાં મતભેદ હોય ત્યાં મિશ્ર કમિટી નીમવાથી નુકસાન છે. કૉંગ્રેસની મહાસમિતિમાં બહુમતી તમારી નીતિને ટેકો આપનારી છે એ ગૃહીત કરી લઈએ તો તમારી નીતિ સાથે જેઓ સંમત હોચ તેવાઓની જ કારોબારી સમિતિ તમારે નીમવી જોઈએ.

"ફેબ્રુઆરીમાં આપણે સેવાગ્રામમાં મળ્યા ત્યારે મેંં જે વિચારો દર્શાવેલા તેને આજે પણ હું વળગી રહું છું. તમારી જાત ઉપર દમન કરવામાં ભાગીદાર થવાનો ગુનો હું કદી કરું નહીંં. તમે સ્વેચ્છાએ શૂન્યવત બનવાનું પસંદ કરો એ જુદી વાત છે. પણ જે વિચારમાં દેશનું ઉત્તમ હિત રહેલું છે એમ દૃઢતાપૂર્વક તમે માનતા હો એ વિચારને તમે જતો કરવા તૈયાર થાઓ તેને હું આત્મદમન કહું છું. તમારે જો પ્રમુખ તરીકે કામ કરવું જ હોય તો તમને પૂરેપૂરી મોકળાશ હોવી જોઈએ. દેશની પરિસ્થિતિ જોતાં વચલા માર્ગને માટે અવકાશ નથી.

"ગાંધીવાદીઓ (એ ખોટા શબ્દનો પ્રયોગ કરું તો) તમારા માર્ગમાં અંતરાય નાખશે નહીં. જ્યાં તેમનાથી બની શકશે ત્યાં તમને મદદ કરશે. જ્યાં

તેમનાથી નહી બની શકે એમ હોય ત્યાં તેઓ અળગા રહેશે. તેઓ લધુમતીમાં હશે તો તે તમને કશી મુશ્કેલી આવવાની જ નથી. એમની ચોખી બહુમતી હશે તો સંભવ છે કે તેઓ પોતાની જાતને દેબાવે નહીં.

“ મને ચિંતા તો એની થાય છે કે કૉંગ્રેસના મતદારમંડળનાં પત્રક તદ્દન ખોટાં છે એટલે બહુમતી કે લઘુમતી એ શબ્દોનો કશો અર્થ નથી. પણ કૉંગ્રેસનો તબેલો વાળીઝૂડીને સાફ કરવામાં નથી આવ્યો ત્યાં સુધી તો આપણી પાસે જે સાધન હોય તેનાથી ચલાવવું રહ્યું. મને બીજી ચિંતા એ થાય છે કે આપણી અંદર અંદર ભારે અણવિશ્વાસ છે. જ્યાં કાર્ચકર્તાઓ એકબીજાની અણવિશ્વાસ કરતા હોય ત્યાં સહકાર્ય અશકય થઈ જાય છે. ”

ઉપરના કાગળમાં ગાંધીજીએ કરેલી સૂચનાનો સુભાષબાબુએ કશો અમલ કર્યો નહીં. એમણે એપ્રિલના છેલ્લા અવાડિયામાં કલકત્તામાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક બોલાવી. એમની આગ્રહભરી વિનંતીથી ગાંધીજી પણ કલકત્તા ગયા. જોકે એમણે મહાસમિતિની બેઠકમાં હાજરી આપી નહી. ગાંધીજી સતીશબાબના ખાદી પ્રતિષ્ઠાનમાં ઉતર્યા હતા. ત્યાં એમની અને સુભાષબાબુની વચ્ચે અનેક વાર વાતચીત થઈ. પણ કશું સમાધાન થઈ શક્યું નહીં. સરદાર કલકત્તા ગયા જ નહોતા. તેમને એમ લાગતું હતું કે જે કોઈ નિર્ણય થવાનો હોય તે એમની ગેરહાજરીમાં થાય એ જ સારું. પહેલા દિવસની બેઠકમાં ખાસ કશું કામ થયું નહીં. પણ પં. ગોવિંદ વલ્લભ પંત, ભૂલાભાઈ દેસાઈ તથા શ્રી કૃપાલાની પ્રત્યે, તેઓ જયારે સમિતિની બેઠકમાંથી પોતાને ઉતારે જતા હતા ત્યારે કેટલાક લોકોએ ઉદ્ધતાઈથી ગેરવર્તન ચલાવ્યું. આ વાત શહેરમાં ફેલાઈ એટલે ઉત્તર પ્રદેશના ત્યાંના રહેવાસીઓ ઉશ્કેરાઈ ગયા. પં. જવાહરલાલજીને આ વાતની ખબર પડી એટલે ઉત્તર પ્રદેશના મહાસમિતિના સભ્યોની મદદથી તેમણે એ લોકોને શાન્ત પાડ્યા. એમ ન કર્યું હોત તો બીજા દિવસની બેઠક ભરાય તે પહેલાં બે પક્ષો વચ્ચે મારામારી થવાનો સંભવ હતો. મહાસમિતિની બીજા દિવસની બેઠકમાં સુભાષબાબુએ હાજરી ન આપી. કેવળ પોતાનું રાજીનામું મોકલી આપ્યું. મહાસમિતિએ એ સ્વીકારી લીધું અને રાજેન્દ્રબાબુને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. ઊભા થઈ ને રાજેન્દ્રબાબુ જેવા સમિતિનું કામ ચલાવવા જતા હતા ત્યાં કેટલાક માણસોએ ઘોંધાટ મચાવી મૂક્યો. ત્રિપુરી કૉંગ્રેસના દૃશ્યની પુનરાવૃત્તિ થઈ. પણ રાજેન્દ્રબાબુ દઢ રહ્યા એટલે થોડી વારમાં ધાંધલ શાંત થઈ ગયું અને કેટલુંક ઔપચારિક કામ પતાવી નાખીને એમણે સભા વિસર્જન કરી.

આમ કલકત્તાની મહાસમિતિમાં ખાસ કંઈ કામ થઈ શક્યું નહીં, એટલે થોડા જ વખતમાં મુંબઈમાં મહાસમિતિની બેઠક ફરી ભરવામાં આવી. ત્રિપુરીમાં અને ત્યાર પછી સુભાષબાબુના અનુયાયીઓએ કોંગ્રેસી પ્રધાનો સામે એવો પ્રચાર કરવા માંડ્યો હતો કે તેમણે પોતાનાં પદોને ખોટો લાભ લઈ ને તથા પોતાની લાગવગના જોરે ત્રિપુરીવાળા ઠરાવ પસાર કરાવ્યા છે. આ પ્રચારમાં પ્રધાનમંડળના બીજા વિરોધીઓ પણ ભળ્યા હતા. એટલે પ્રધાનોને અપમાનિત કરવાની અને એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની હિલચાલ શરૂ થઈ. એ હિલચાલને દાબી દેવા મુંબઈની મહાસમિતિમાં એવો ઠરાવ લાવવામાં આવ્યો કે કૉંગ્રેસની કે કૉંગ્રેસના પ્રધાનમંડળની પ્રતિષ્ઠાને આંચ આવે એવી જાતનું કશું કામ કોઈ કૉંગ્રેસીએ ન કરવું તથા એવા કામમાં સાથ પણ ન આપવો. સુભાષબાબુ તથા એમના અનુયાયીઓએ આ ઠરાવનો સખત વિરોધ કર્યો. પણ ઘણી ભારે બહુમતીથી એ ઠરાવ મહાસમિતિની બેઠકમાં પસાર થયો. ત્યાર પછી તો સુભાષબાબુએ એક નિવેદન બહાર પાડીને તા. ૯મી જુલાઈનો દિવસ આ ઠરાવના વિરોધ દિન તરીકે ઊજવવો એવી સૂચના પોતાના અનુયાયીઓને આપી. આવી રીતે કૉંગ્રેસની મહાસમિતિના ઠરાવની અવગણના ન કરવા રાજેન્દ્રબાબુએ પ્રમુખ તરીકે કાગળ લખીને સુભાષબાબુને સૂચના આપી. પણ પ્રમુખની વાત તેમણે માની નહીં અને વિરોધી દેખાવો ચાલુ રાખ્યા, એટલું જ નહી પણ પોતે જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં કૉંગ્રેસની વિરુદ્ધ જબરો પ્રચાર કરવા માંડ્યો. એટલે એમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાની કૉંગ્રેસ કારોબારી સમિતિને ફરજ પડી. ઑગસ્ટના બીજા અઠવાડિયામાં કારોબારી સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી. તે પહેલાં પ્રમુખે કાગળ લખીને તમારી સામે શિસ્તનાં પગલાં શા માટે ન લેવાં એને ખુલાસો પુછાવ્યો. એના જવાબમાં સુભાષબાબુએ પોતે કરેલા કામનો બચાવ કર્યો. તેઓ કૉંગ્રેસની એક અગ્રગણ્ય વ્યક્તિ હતા. બે વાર તેઓ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. વળી એમના ત્યાગ અને કષ્ટસહન માટે સૌને ઘણો આદર હતો. એટલે એમની સામે શિસ્તનું પગલું લેવાનું કારોબારી સમિતિના સભ્યોને જરાયે ગમતું નહોતું. પોતાના બચાવમાં એમણે કરેલી દલીલનો સાર એ નીકળતો હતો કે કૉંગ્રેસના દરેક સભ્યને કૉંગ્રેસના બંધારણનો પોતાને મનપસંદ અર્થ કરવાની છૂટ છે. આ વસ્તુ સ્વીકારવામાં આવે તો કૉંગ્રેસમાં અરાજકતા ફેલાય અને કૉંગ્રેસ તૂટી જાય. એટલે કારોબારી સમિતિએ બહુ જ દિલગીરી સાથે એમણે શિસ્તભંગ કર્યો છે એવો ઠરાવ કર્યો અને બંગાળની પ્રાંતિક સમિતિના પ્રમુખના હોદ્દા માટે તથા કૉંગ્રેસ કમિટી ઉપર કોઈ પણ ચૂંટાયેલા સ્થાને આવવાને માટે ત્રણ વરસ સુધી તેમને ગેરલાયક ઠરાવ્યા.

સુભાષબાબુ ઉપર જે કાંઈ નામનો અંકુશ હતો તે પણ આ ઠરાવ પછી જતો રહ્યો. તેમણે ‘ફૉરવર્ડ બ્લૉક' અગ્રગામી દળ નામનું મંડળ કાઢી કૉંગ્રેસની વિરુદ્ધ છડેચોક પ્રચાર કરવા માંડ્યો. આ આખા ઝઘડો કૉંગ્રેસની કારોબારી સમિતિ અને સુભાષબાબુ વચ્ચે હતો. છતાં સુભાષબાબુ અને તેમના અનુયાયીઓએ પોતાનો બધો રોષ સરદાર ઉપર ઠાલવ્યો. રાજેન્દ્રબાબુએ કહ્યું છે તેમ,

"સરદાર ચોખ્ખેચોખું સંભળાવી દેતા. મીઠી મીઠી વાતો કરી કોઈને રાજી રાખવાની કળા તેઓ કદી શીખ્યા જ નહોતા.”