સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩
← દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨ | સરદાર વલ્લભભાઈ ભાગ બીજો દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩ નરહરિ પરીખ |
ત્રિપુરી કૉંગ્રેસ → |
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩
વડોદરા, લીમડી, ભાવનગર
વડોદરા
આગળ ઉપર કહેવાઈ ગયું છે કે ૧૯૩૮–’૩૯ નાં વર્ષો આપણાં દેશી રાજ્યોની અપૂર્વ જાગૃતિનાં હતાં. મૈસૂર, ત્રાવણકોર, કોચીન, ઓરિસાનાં ધેનકનાલ તથા તલચેર, રાજસ્થાનના જયપુર તથા ઉદેપુર, ઉત્તરનું કાશ્મીર અને કાઠિયાવાડમાં રાજકોટ વગેરે રાજ્યોએ જવાબદાર રાજ્યતંત્ર માટે જુસ્સાદાર લડત આપી હતી. વડોદરા આપણાં પ્રથમ પંક્તિનાં દેશી રાજ્યોમાંનું એક હતું અને તે બહુ પ્રગતિશીલ ગણાતું. ત્યાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાના હેતુથી પ્રજામંડળ ઘણાં વરસોથી સ્થપાયેલું હતું. એ પ્રજામંડળ જ્યાં સુધી વડોદરા શહેરમાં જ કામ કરતું ત્યાં સુધી રાજ્યે એની બહુ પરવા ન કરી. પણ ૧૯૩૦ થી ૩૪ ની લડત પછી એણે ગામડાંમાં પ્રવેશ કરવા માંડ્યો, ત્યારથી રાજ્યની એના ઉપર ખફા નજર થઈ હતી. પ્રજામંડળના પ્રમુખ તરીકે સરદારે તા. ૨૮–૧૦–’૩૮ના રોજ વડોદરા પ્રજામંડળ પરિષદના ભાદરણ મુકામે ભરાયેલા અધિવેશનમાં આ વસ્તુનું આબેહૂબ વર્ણન આપ્યું છે :
- “કઠોર મુકામે જ્યારે પરિષદનું ૧૩ મું અધિવેશન (૧૯૩૬ માં) પહેલવહેલું ગામડાંમાં ભરાયું ત્યારે રાજ્યની આંખ લાલ થઈ. તમે માન્યું કે એ અધિવેશનના પ્રમુખ સાથે રાજ્યને કોઈ અંગત અથવા વ્યક્તિગત અણગમાને લીધે એમ થયું છે. પણ તમારી એ માન્યતા સાવ ભૂલભરેલી હતી. ખેડૂત વર્ગમાં પ્રજામંડળનો પ્રવેશ થાય અને એનો સંપર્ક લોકો સાથે વધુ થાય એ વાતને રાજ્યનો ભય હતો. તેણે ચોખો ચાંપી જોયો. પ્રમુખના ભાષણમાંથી જ અમુક ફકરાઓ તારવી કાઢી તે ન વાંચવાનો મનાઈ હુકમ રાજ્ય તરફથી પ્રમુખ પર બજાવવામાં આવ્યો અને બાકીનું ભાષણ વાંચવાની રજા આપી. મે એ ફકરાએ વાંચી જોયા છે ને એમાં વાંધો લઈ શકાય એવું કશું જ મને જડ્યુ નથી. તે કેટલા નિર્દોષ અને સામાન્ય હતા એ તમે જોઈ શકો એટલા સારુ એમાંના થોડાક અહી ટાંકુ છું. (પોતાના ભાષણમાં એમાંના છ ફકરા વાંચી સંભળાવ્યા.)
- “પણ આ તો પરિષદના શ્વાસરૂંધનની શરૂઆત જ હતી. પ્રમુખની સામે એક અગર બીજી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રજામંડળની નિર્દોષમાં નિર્દોષ પ્રવૃત્તિઓ માટે ખાતા તરફથી હેરાનગતિ કરનારી દખલ શરૂ થઈ. જમીનમહેસૂલની યોગ્યતા અયોગ્યતાની તપાસ કરવા ગામડાંઓમાં જવા પ્રજામંડળે કરેલા ઠરાવથી રાજ્યના રોષનો પાર જ ન રહ્યો. રાજ્યને ભડક લાગવાનું ખરું કારણ તો આ જ હતું. એ વાત આમ ઉઘાડી થઈ ગઈ. પ્રજામંડળના પ્રથમ પંક્તિના નેતાઓ ઉપર મનાઈ હુકમ કાઢી રાજ્યે મંડળની પ્રતિષ્ઠા ભોંયભેગી કરી. આ અન્યાયી અને અગાઉ કદી નહીં અનુભવેલી નીતિ સામે પડકાર ઉઠાવવાને વડોદરા શહેરમાં જાહેર સભા પણ ન ભરાઈ શકી. રાજ્યના જિલ્લાનાં શહેરોમાં બેસીને જ જમીનમહેસૂલ વિષે તપાસ કરવા દેવા પૂરતી ખાસ રજા દીવાન સાહેબની મહેરબાનીથી આપવામાં આવી. ખુદ પ્રજામંડળના પ્રમુખ સામે ભાષણબંધીની નોટિસ નીકળી. અમલદારો વીફર્યા. પ્રજામંડળના સભ્યોના રાજીનામાં મેળવવાનો વ્યવસ્થિત પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. કોઈ કોઈ અમલદારોએ તો કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન કરી મનસ્વી હુકમો કાઢ્યા, જ્યારે કેટલાકે પ્રજામંડળના કાર્યવાહકોને તમાચા માર્યા અને ગાળો દીધી. આમ રાજ્યના અમલદારોએ સભ્યતા અને મર્યાદાને નેવે મૂકીને પ્રજામંડળની પ્રતિષ્ઠાને ધૂળમાં રગદોળવાનો પ્રયત્ન શરૂ કર્યો.
- “ગયે વરસે વીસનગરમાં અધિવેશનના પ્રમુખે રાજ્યના આ આક્રમણને સહન કરી લેવાની શાણી સલાહ આપી. તે માનીને મંડળના કાર્યવાહકોએ રાજ્યના અમલદારોના અપમાનભર્યા વર્તનની અને બીજી હાલાકી મૂંગે મોંએ બરદાસ કરી, પણ તેની રાજ્ય ઉપર ઊલટી જ અસર થઈ. પરિણામ એ આવ્યું કે પરિષદની હસ્તી પણ જોખમમાં આવી પડી. અમલદારો પ્રજામંડળને દબાવી દેવાનું અભિમાન લેતા થઈ ગયા. અને ગરીબ પ્રજામાંથી કોઈ ફરિયાદ કરવા જાય તો તેને પ્રજામંડળ પાસે જવાનાં ટોણાં મારી મંડળની ખુલ્લી રીતે હાંસી કરવા લાગ્યા.”
આ દશામાં પ્રજામંડળના કેટલાક સભ્યોને લાગ્યું કે આપણી પરિષદના પ્રમુખ તરીકે સરદારને બોલાવીશું તો પ્રજામાં કંઈક ચેતન આવશે. આપણી પરિષદના ઠરાવો ઉપર ‘ફાઈલ કરો’ એવો શેરો કરતાં અમલદાર વર્ગ વિચાર કરશે અને રાજ્ય પ્રજામંડળની અવગણના નહીં કરી શકે.
સરદાર પ્રજામંડળની મુશ્કેલીઓ જાણતા હતા. એટલે પરિષદને ભીડને પ્રસંગે સાથ આપવાના વિચારથી પરિષદની વિનંતી તેઓ નકારી શક્યા નહીં. પ્રમુખની જવાબદારી તેમણે સ્વીકારી પણ તેની સાથે પરિષદને કહ્યું કે,
- “આમ જો રાજ્ય આગળ તેમ જ પ્રજા આગળ કાર્યવાહકોનું માનભંગ થતું હોય અને પ્રજામંડળની બાવીસ વરસની લાંબી કારકિર્દી પછી આજે પ્રજાનું કોઈ પણ દુઃખ કે ફરિયાદ દૂર કરવાની તેની શક્તિ જ ન રહી હોય, તો એ મંડળે પોતાના ભવિષ્યના માર્ગ અને કાર્યક્રમ વિષે વિચાર કરી લેવો ઘટે છે. પ્રજામંડળની પાછળ અનેક કાર્યવાહકોની બાવીસ વરસની સેવાઓનું ભંડાળ પડેલું છે. એ મૂડીને વેડફી નાખવી એ મહાપાપ છે. રાજ્યે એનું અસ્તિત્વ મિટાવવાનો કે એનો તેજોવધ કરી નિર્માલ્ય અને શબવત કરી મૂકવાનો ઇરાદો કર્યો હોય એમ લાગતું હોય, તો મંડળના એકેએક સભાસદની ફરજ છે કે એણે નીડરપણે પણ સભ્યતાથી પોતાના પ્રાણની આહુતિ રાજ્યને ચરણે ધરવા વિના વિલંબે અને વિના સંકોચે તૈયાર થવું જોઈએ, પછી ભલેને એ મૂઠ્ઠીભર માણસો હોય. એવા મરણિયાઓના વિશુદ્ધ બલિદાનથી પ્રજામંડળનો હણાયેલો આત્મા પાછો સતેજ થશે અને રાજ્યના તિરસ્કારને બદલે તેના માનને પાત્ર બનશે. પ્રજાનો સરી જતો વિશ્વાસ પણ સ્થિર થશે.”
પ્રજામંડળે પોતાની પરિષદના પ્રમુખ તરીકે સરદારને પસંદ કર્યા ત્યારથી ‘વિવિધ વૃત્ત’ અને ‘જાગૃતિ’ નામનાં મરાઠી સાપ્તાહિક પત્રોએ સરદારની સામે બખાળા કાઢવા માંડ્યા. સરદાર આવીને શું કરી નાખવાના છે ? પ્રજામંડળ તે શું ધાડ મારશે ? પ્રજામંડળના ઢોંગ કેટલા દિવસ નભશે ? પ્રજામંડળ નાહક સરકારનો સહકાર ગુમાવે છે. રાજ્યપ્રેમ સાચવી રાખવામાં પ્રજાનો ઉદ્ધાર છે. પ્રજામંડળ રાજ્ય સાથે અથડામણમાં આવે તેથી રાજ્યની નોકરીમાં થોડા ગુજરાતીઓ છે તેમને પણ ખમવું પડશે. વળી મહારાષ્ટ્રીઓની લાગણી ઉશ્કેરવા તેમણે કહ્યું કે નાગપુરના ડૉ. ખરેને સરદારે તો ભારે અન્યાય કર્યો છે. એના સમર્થનમાં મુંબઈના શ્રી નરીમાનનો દાખલ ટાંક્યો. સરદાર તો અતિશય આપખુદ અને લોકશાહી વિરોધી માણસ છે, એવો પણ આક્ષેપ મૂક્યો. રાજ્યના અને રાજ્યના ટેકેદારોના આવા વિરોધી વાતાવરણમાં સરદારે પ્રજામંડળનું સુકાન હાથમાં લીધું.
પ્રજામંડળે બરાબર ખેડૂતોને પડખે ઊભા રહેવું જોઈએ, એ વિષે પોતાના ભાષણમાં તેમણે કહ્યું :
- “વડોદરા રાજ્યના ખેડૂતોની વધતી જતી આર્થિક દુર્દશા અને તેના ઉપર લાદવામાં આવેલા અસહ્ય અને ઘાતકી જમીનમહેસૂલના બોજા વિષે પ્રજામંડળે લગભગ દરેક અધિવેશન પ્રસંગે ઠરાવો કર્યા છે. આ ઠરાવો કરવાનો શો અર્થ છે? ખેડૂતોના પેટના ખાડા પરિષદના ઠરાવોથી પુરાવાના નથી. એના પરના કરનો બોજો કે જમીન મહેસૂલનો ભાર એ ઠરાવોથી હળવો થવાનો નથી. … ગામડે ગામડે અને ખેડૂતની ઝૂંપડીએ ઝૂંપડીએ ફરી ખેડૂતોનાં સુખદુઃખમાં ભાગીદાર થવાનો અને આકરી મહેસૂલપદ્ધતિ સામે રાજ્યના કાનના પડદા તૂટી જાય એટલા જોરથી પોકાર ઉઠાવવાની લોકોને તાલીમ આપવાનો પ્રજામંડળનો હક છે. એ હક છીનવી લેવામાં આવે તો પ્રજામંડળના કાર્યવાહકોએ રાજ્યનો સવિનય સામનો કરવો જોઈએ. આ પ્રાથમિક હક છોડી દેવામાં હું પ્રજામંડળનો આપઘાત જોઈ રહ્યો છું.”
રાજાના મકરપુરાના મહેલની પાસે રાજ્યને ખર્ચે એક મોટું શિકારખાનું રાખવામાં આવતું હતું. એ શિકારખાનું વરસોથી ખેડૂતોને ભારે ત્રાસરૂપ થઈ પડ્યું હતું. એ વિષે સરદારે પોતાનો અવાજ ઉઠાવ્યો :
- "વડોદરા રાજ્યમાં ખેડૂતની દાદફરિયાદ સંભળાતી નથી તેનું એક અદ્ભુત ઉદાહરણ તો વરણામાની આસપાસનાં સાડત્રીસ ગામના ખેડૂતો ઉપર આજે વરસોનાં વરસ થયાં જે અસહ્ય ત્રાસ વતી રહ્યો છે, એ છે. એમાંથી છૂટવાની દાદ મેળવવા તેમણે અસંખ્ય અરજીઓ કરી, સભાઓ ભરી, ડેપ્યુટેશનો મોકલ્યાં, અને પ્રજામંડળ તેમ જ ધારાસભા મારફતે સરકારના બહેરા કાનમાં શંખ વગાડવાના વારંવાર પ્રયત્ન કર્યા, છતાં કશું વળ્યું નથી. રાજકુટુંબ અને એના ગોરા મહેમાનોના શિકારશોખ પૂરા પાડવા ખાતર આ સાડત્રીસ ગામની વચમાં રાજ્યનું તેરસો એકરના વિસ્તારનું ધનિયાવી નામે ઓળખાતું એક વિશાળ શિકારખાનું છે. આ શિકારખાનામાં હરણો રાખવામાં આવે છે. તેમને ખાવાને માટે ચારો જોઈએ તેનું સરકારને કશું ખર્ચ કરવું પડતું નથી. આસપાસનાં સાડત્રીસ ગામની સીમનો પાક એ જ આ રાજ્યનાં હરણોનો ખોરાક છે. આ હરણો ગમે તેટલો બગાડ કરે, પણ એને જો મારે તો મારનારને રાજ્યનો ગુનેગાર ગણી સજા થાય છે. હરણ ખેડૂતને મારી શકે છે પણ ખેડૂત આત્મરક્ષણને ખાતર પણ એને મારી શકતો નથી. કારણ હરણ એ રાજ્યનું માનીતું પ્રાણી છે અને ખેડૂત રાજ્યના ભાર વહન કરવા સર્જેલું જાનવર છે. આ સાડત્રીસ ગામના ખેડૂતોના પૂર્વજો આજથી સાઠ વર્ષ ઉપર આ હરણોના ત્રાસથી બચવાને રાજ્ય પાસેથી દાદ મેળવવામાં નિષ્ફળ નીવડયા ત્યારે ગામ છોડી હિજરત કરી ગયા હતા. તેમને મનાવીને પાછા લાવવામાં આવ્યા હતા, અને રાજ્ય તરફથી કાંઈક રાહત આપવામાં આવી હતી. એ બહાદુર ખેડૂતોના વારસોમાંથી આજે સાહસ અને હિંમત ઓસરી ગયાં છે. આ હરણોની સંખ્યામાં મોટો વધારો થયે જ જાય છે. રાજ્યનું રક્ષણ હોવાથી તેમનામાં નિર્ભયતા આવી ગઈ છે. આમ આ રાજ્યમાં ગરીબ બિચારા ખેડૂતો રાજ્યના શિકારના પણ શિકાર થઈ પડ્યા છે. કેટલાંયે વરસોથી આ ખેડૂતો અરજીઓ કરે છે, મહારાજને મળવાના પ્રયત્નો કરે છે, દીવાન સાહેબ પાસે દોડી જાય છે, પ્રજામંડળના દરેક અધિવેશનમાં
- પોકાર કરે છે. પણ એ બધું બહેરા આગળ શંખ ફૂંકવા જેવું છે. આ ધનિચાવીના શિકારખાનાનો કરુણ ઇતિહાસ જ્યારે હું સાંભળું છું, ત્યારે પેલા ઉત્તરસંડા ગામના એક ગૃહસ્થ જે આ રાજ્યના માજી અમલદાર હતા અને જેમણે ન્યાયમંદિરમાં ધોળે દિવસે મશાલ સળગાવી વડોદરાના ન્યાયમંદિરમાં એને ન્યાય કયાંથી મળે એમ છે, એની શોધ કરી હતી એનું સ્મરણ થાય છે. આ શિકારખાનું ત્યાંથી ઉઠાવી લેવાની રાજ્યને ફરજ પાડવા અને ખેડૂતોને અસહ્ય ત્રાસમાંથી ઉગારવાને મજબૂત અને વ્યવસ્થિત પગલાં ભરવાં જોઈએ.”
પછી રાજયમાં ચાલતી લાંચરુશવતની બદી, ટૂંકી આવક ઉપર પણ આવકવેરો નાખવામાં રહેલો અન્યાય, રાજ્યમાં ઊભાં કરેલાં પંચાયત અને સુધરાઈઓનાં ખોખાં, વગેરે વિષે વાત કરી ત્યાંની ધારાસભા વિષે બોલ્યા :
“ 'આ રાજ્યમાં કેટલાંક કામો જેવાં કે કાયદા વગેરે ધડવામાં અનુભવી લોકોની સલાહ લેવી હિતાવહ થશે એમ ધારી તેમની એક ધારાસભા સ્થાપી જોવી,' આવી પ્રસ્તાવનાથી આ ધારાસભાઓના અખતરો ત્રીસ વરસ ઉ૫૨ રાજ્યે શરૂ કર્યો. પણ આવી ધારાસભાઓમાં નાલાયકાતની જ તાલીમ મળતી હોવાથી તેનું કશું પરિણામ આવ્યું નથી. તે વખતે તો આ સંસ્થા સ્થાપવાથી ચારે તરફ રાજ્યની વાહવાહ બોલાવા લાગી અને ભોળી પ્રજા ફૂલીને ફાળકો બની ગઈ. પ્રજામંડળે આ ધારાસભાનો એક વખત બહિષ્કાર પોકાર્યો એમાં ખુશામતિયા લોકો ગરી ગયા. એટલે વળી પ્રજામંડળે એ જગ્યાએ પોતાના જ માણસો મોકલવાનો ફરી પાછો પ્રયત્ન કર્યો. બેઉં વખતે મંડળને ઠીક સફળતા મળી. પણ એ બધું પાણી વલોવવા જેવું જ સમજી લેવું. આ સંસ્થાઓનો ત્યાગ કરવામાં જ પ્રજાનું ભલું છે. એમાં જવાથી રાજ્યને નકામી પ્રતિષ્ઠા મળે છે.”
ધારાસભા વિષે ઉપર પ્રમાણે સલાહ આપી, મુંબઈ ઇલાકામાં શરૂ થયેલા દારૂબંધીના કાર્યક્રમમાં વડોદરા રાજ્યની આબકારીની નીતિથી કેવો અંતરાય આવે છે તે જણાવ્યું :
“ બ્રિટિશ ગુજરાતમાં જ્યાં જ્યાં શરાબબંધીનો કાર્યક્રમ શરૂ થયો છે ત્યાં ત્યાં બધે જ નજીકમાં આ રાજ્યની હદ આવેલી છે. અંગ્રેજી હદમાં દારૂ પીનાર, જેને એ વ્યસનની લત લાગેલી છે, તેઓ પાસેની આ રાજ્યની હદની દારૂતાડીની દુકાનો પર દોડી જાય છે, છતાં રાજ્ય તરફથી આ દુકાનો દૂર લઈ જવાની કશી જ તજવીજ હજુ સુધી થઈ નથી. તેથી બ્રિટિશ ગુજરાતની આ પ્રવૃત્તિમાં ભારે અંતરાય આવી પડે છે. ”
એક વાર પ્રગતિશીલ ગણાતું આ રાજ્ય આજે કેવી દુર્દશામાં આવી પડ્યું છે તેનું વર્ણન નીચેના ફકરામાં કર્યું છે :
“ આ રાજ્ય પ્રથમ પંક્તિમાંનાં દેશી રાજ્યોમાંનું એક મુખ્ય રાજ્ય છે. પ્રગતિશાળી રાજ્ય હોવાનો એણે હમેશાં દાવો કરેલો છે. શ્રીમંત મહારાજ સાહેબે જ્યારે કૈઈ દેશી રાજ્ય હિંમત નહોતું કરતું તે વખતે દુરંદેશીથી અનેક સુધારા દાખલ કરવાની શરૂઆત કરી. ફરજિયાત કેળવણીની પહેલ કરી. સમાજસુધારાનાં કામનો આરંભ કર્યો અને અસ્પૃશ્યતા નાશ કરવાના ભગીરથ પ્રયત્નો
- કર્યા. આવાં આવાં કામોથી રાજ્યે દેશભરમાં આબરૂ મેળવી. પણ તે વખતનું વડોદરા રાજ્ય એ જુદુ હતું અને આજનું જુદું છે. આજે સુધારાના કાયદાઓ સાપ ગયા પછીના લિસોટા જેવા રહ્યા છે. પ્રગતિનો માર્ગ છોડી રાજ્ય પીછેહઠને પંથે વળેલું છે. પહેલાં મહારાજા સાહેબ રાજ્યમાંથી બાહોશ નવજવાનોને પસંદ કરી તેમને શિગ્યવૃનિ આપી ઊંચી કેળવણી પ્રાપ્ત કરવા પરદેશ મોકલતા અને પાCહા આવે ત્યારે તેમને રાજ્યના મોટા મોટા હોદ્દાઓ ઉપર મૂકતા. આજે શિષ્યવૃત્તિઓ તો ઘેર ગઈ પણ પોતાને ખર્ચે શિક્ષણ મેળવી તૈચાર થયેલા રાજ્યના વતનીઓને પણ રાજચમાં સ્થાન મળતું નથી. મોટા મોટા હોદ્દા ઉપર રાજ્યની બહારના માણસોને લાવીને ગોઠવવાની અને રાજ્યના માણસને જવાબદાર જગ્યાઓમાંથી બાતલ રાખવાની અવળી નીતિ રાજ્યે કેટલાય વખતથી ચલાવવા માંડી છે. આ નીતિ રાજ્યને જોખમરૂપ છે. તેથી પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે. આપણા કમનસીબે શ્રીમંત મહારાજા સાહેબ ઘણાં વરસોથી આ દેશમાં રહી શકતા નથી. એટલે રાજ્યની આ દશા થઈ છે. આ દેશની હવા તેમની પ્રકૃતિને અનુકુળ આવતી નથી. વર્ષ માં બેચાર અઠવાડિયાં પરાણે આ દેશમાં તેઓ કાઢી શકે છે. આ વૃદ્ધ ઉંમરે એમના દિલને દુ:ખ થાય એવો એક શબ્દ પણ ઉચ્ચારવા કોઈ ઈચ્છતું નથી. છતાં સોના દિલમાં એક વાત ઠસી ગયેલી છે કે મહારાજાની લાંબા કાળની ગેરહાજરીને લીધે, ઉપરથી રૂડુંરૂપાળુ દેખાવા છતાં રાજ્ય અંદરથી છેક સડી ગયું છે. દુનિયાના કોઈ પણ ભાગમાં જેવી હવા મળી શકે તેવી આપણા દેશના કોઈ ને કોઈ ભાગ ઉપર મળી શકે એમ છે. છતાં મહારાજાને પરદેરા શું કામ જવું પડે ? ”
પરિષદને અંતે ઉપસંહારનું ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે,
"મોટાં મોટાં રાજ્યો આજે મધ્ય સરકારમાં ભાગીદાર બનવા દોડી રહ્યાં છે. પણ જો તેઓ પોતાના રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવા તૈયાર ન હોય તો તેમને બ્રિટિશ હિંદમાં સ્વતંત્રતા મેળવ્યા પછી મધ્ય સરકારમાં ભાગીદાર બનવાનો હક નથી. કૉંગ્રેસે દેશી રાજા અને અંગ્રેજ સરકારને એવી નોટિસ આપી દીધી છે. . . . અત્યાર સુધી ઘણા રાજાઓ કહેતા હતા કે અમે જવાબદારી આપવા તૈયાર છીએ પણ અમારે માથે જબરી સલ્તનત બેઠી છે તે વચ્ચે આવે છે. ત્રાવણકોરના દીવાને તો હમણાં સ્પષ્ટ રીતે સંભળાવ્યું પણ ખરું કે ચક્રવર્તીય સત્તા જવાબદાર તંત્ર આપવાની વિરુદ્ધમાં છે. આ ઉપરથી પાર્લમેન્ટમાં પ્રશ્ન પુછાયો, ત્યારે જવાબ આપવામાં આવ્યો કે, 'ચક્રવર્તીય સત્તાને કશો વાંધો નથી. કોઈ પણ રાજા પોતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવા ઇચ્છતા હોય તો ખુશીથી આપી શકે છે.'”
છેવટમાં પોતે આ પ્રમુખપદ કેલી દષ્ટિએ સ્વીકાર્યું છે તે સમજાવ્યું :
“ આજે હું તમારા સેવક તરીકે આવ્યો છું. મારી બધી શક્તિથી રાજ્ય પાસે તમારો કેસ રજૂ કરવાનો છું. પણ મારી શક્તિનો આધાર તમારી શક્તિ ઉપર છે. તમારે એ ચાદ રાખવું જોઈએ કે હું કોઈ લૂલો કેસ હાથમાં લેતો નથી. હું માનું છું કે પ્રજા થપ્પડ ખાઈને બેસી રહે તો દેશને બ્પ્જારૂપ છે. . . . રાજ્ત સાથે લડવું પડે તો તમારામાં એ માટેની દૃઢતા હોવી જોઈએ. તમારામાં
- શકિત ન હોય તો પહેલેથી કહી દેજો. હું અપમાનને બરદાસ્ત કરી લેવા તૈયાર નથી. હું તમારો છું તેની સાથે કૉંગ્રેસનો પણ એક અદનો સિપાઈ છું. કૉંગ્રેસમાં મારું જે સ્થાન છે તે જોતાં મારું અપમાન એટલે કૉંગ્રેસનું અપમાન છે, હિંદનું અપમાન છે.”
આ ભાષણની કાર્યકર્તાઓ તથા પ્રજા ઉપર બહુ ભારે અસર થઈ. તેમનામાં નવું ચેતન અને નવો ઉત્સાહ પ્રગટ્યાં. કાર્યકર્તાઓએ કમર કસી અને ભાદરણનો સંદેશ રાજ્યના ગામડે ગામડે પહોંચાડવા ફરવા માંડ્યું. સરદારે પણ વખત કાઢી પલસાણા અને માંગરોળ તાલુકામાં ભાષણો કર્યાં. તેથી રાજ્યના છેક ઉપરી અમલદારો કાંઈક જાગ્યા પણ ખરા. તે વખતે જ રાજયમાં જમીન મહેસૂલની ફરી આંકણીનું કામ ચાલતું હતું. તેનો રિપોર્ટ બહાર પડ્યો એટલે રાજયે જમીનમહેસૂલમાં કુલ વીસ લાખ રૂપિયાનો ઘટાડો કર્યો. વળી કેટલાક રાજકીય સુધારા દાખલ કરી મતાધિકાર કંઈક વિસ્તૃત કર્યો અને ધારાસભાઓમાં પ્રજાનું પ્રતિનિધિત્વ પણ વધાર્યું. અત્યાર સુધી ધારાસભામાં કુલ ૩૧ સભ્ય હતા. તેમાં પ્રજા તરફથી ચૂંટાયેલા સભ્યોની સંખ્યા માત્ર ૧૧ ની હતી. નવા સુધારા પ્રમાણે ધારાસભ્યોની સંખ્યા ૫૫ કરવામાં આવી, તેમાં ૩૭ પ્રજાએ ચૂંટેલા સભ્યો, ૯ અમલદારો અને ૯ રાજ્ય તરફથી નિમાયેલા બિનઅમલદારો એમ રાખવામાં આવ્યું. ૩૭ પ્રજાએ ચૂંટેલા સભ્યોમાંથી ર૭ સર્વ સામાન્ય મતદારમંડળે ચુંટવાના હતા અને ૧૦ ખાસ મતદાર મંડળો જેવાં કે જમીનદારો. ઈનામદાર, વેપારી મંડળ, ઉદ્યોગપતિઓનું મડળ, સહકારી મંડળીઓ તથા મજૂરોના પ્રતિનિધિઓએ ચુંટવાના હતા. એટલે ખાસ હિતોના પ્રતિનિધિઓ ૨૮ અને સર્વસામાન્યના પ્રતિનિધિઓ ર૭ એવી સ્થિતિ થતી હતી. વળી રાજ્યના કારોબારી અથવા પ્રધાનમંડળમાં એક પ્રધાનની પસંદગી મહારાજાએ ધારાસભાના બિનઅમલદાર સભ્યોમાંથી કરવાની હતી. આ પ્રધાનને લોકજ્ઞ પ્રધાન એવું નામ આપવામાં આવ્યું હતું. તેને કેળવણી, સ્થાનિક સ્વરાજ્ય, ગ્રામખિલવણી, આરોગ્ય તથા સહકારી મંડળીઓમાંથી એક અથવા વધારે ખાતાં સોંપવાનાં હતાં. આમ જવાબદાર રાજ્યતંત્રનો આછોપાતળો દેખાવ કરવામાં આવ્યો પણ સત્તાનાં સૂત્રો છેવટને સરવાળે તો મહારાજા અથવા તેમના પ્રતિનિધિ તરીકે દીવાનના હાથમાં જ રહેતાં હતાં.
સરદારનાં ભાષણો અને પ્રજામંડળમાં આવેલી જાગૃતિથી રાજ્યના બીજા અમલદારોમાં ગભરાટ ફેલાયો. રાજયનાં કેટલાંક ખુશામતિયાં છાપાં તેમની વહારે ધાયાં. સરદારે પોતાના ભાષણમાં કહેલું કે રાજ્ય બહારના અમલદારોને વધારે રાખે છે. સરદારે તો વડોદરા રાજ્યના વતનીઓ નહીં તેવા માણસોને વધારે રાખે છે એમ કહેલું, પણ તેનો અનર્થ કરી બહારના એટલે મરાઠાઓને રાખે છે અને ગુજરાતીઓને બાતલ રાખે છે એવો પ્રચાર આ છાપાંઓએ કરવા માંડયો. ભાદરણનાં અને બીજાં ભાષણોમાંથી કેટલાંક વાક્યોને વિકૃત કરી સરદારના મોંમાં મૂક્યાં. તેની સાથે ડૉ. ખરે તથા વીર નરીમાનને સરદારે ભારે અન્યાય કર્યાના આક્ષેપે તો હતા જ.
તા. ૨૦-૨-'૩ના રોજ વડોદરા શહેર અને જિલ્લા તરફથી માનપત્ર અને થેલી અર્પણ કરવા સરદારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે નનામી ઝેરી પત્રિકાઓ શહેરમાં વહેંચવામાં આવી અને પ્રાન્તાભિમાનની લાગણીને અપીલ કરી મહારાષ્ટ્રીઓને ઉશ્કેરવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં સરદારના માનમાં નીકળેલા સરધસ ઉપર ગુંડાઓને રોકી પથરા ફેકાવવામાં આવ્યા. સરદારની મોટર ઉપર પણ સારી પેઠે પથરા પડ્યા. છતાં નવાઈની વાત એ છે કે પોલીસ બિલકુલ વચ્ચે પડી નહીં અને તોફાન અટકાવવા કશા પ્રયત્ન તેના તરફથી કરવામાં આવ્યા નહીં. સાંજે જે સભા રાખી હતી તે પણ તોફાની લોકોએ ભરવા દીધી નહીં. સભા માટે આવેલી બહેનોની એ લોકોએ છેડતી કરવાની શરૂઆત કરી, પણ સ્વયસેવકોએ ફરી વળી તેમની આસપાસ મજબૂત સાંકળબંધી કરી અને તેમને સહીસલામત બહાર પહોંચાડી દીધી. છેવટે આ તોફાનીઓએ મંડપ વગેરેને તોડીફાડીને ખૂબ નુકસાન કર્યું. રસ્તામાં જે દુકાનવાળાઓએ સરદારના માનમાં પોતાને ત્યાં શણગાર કર્યા હતા તે બધા શણગાર તોડીફાડી બાળી મૂક્યા. ગુંડાઓએ કેટલીક દુકાનોને લૂંટવાનો પણ પ્રયત્ન કર્યો.
આમ તા. ૨૦ મીએ સરદારની સભા રમખાણને લીધે ન થઈ શકી. એટલે એ જ સભા તા. ૨૧મીએ અલકાપુરીમાં રાખવામાં આવી. આ સભામાં સરદારને વડોદરા રાજય પ્રજામંડળ તરફથી રૂ. રપ,૦૦૧ની થેલી આપવામાં આવી હતી જે તેમણે પ્રજામંડળના કાર્ય માટે વાપરવા પાછી આપી હતી. આ રકમમાં બીજાં વધુ નાણાં ભેગાં કરી પ્રજામંડળે જે ભાડાના મકાનમાં કચેરી ચાલતી હતી તે મકાન ખરીદી લીધું અને રૂ. ૧,૮૦,૦૦૦ ને ખર્ચે ત્રણ મજલાનું ભવ્ય મકાન બાંધ્યું. આ મકાનનું નામ શ્રી સરદાર ભવન અને મકાનના સભામંડપનું નામ અબ્બાસ હૉલ રાખવામાં આવ્યું. તે દિવસની સભા પણ ભાંગી પાડવાની પત્રિકાઓ તો નીકળી. કાળા વાવટા સાથેનું એક મોટું સરઘસ પણ શહેરમાં ફરી તોફાનો કરતું સભાભંગના નિશ્ચયથી અલકાપુરી પહોંચ્યું. પોલીસેએ આ સરઘસને પણ અટકાવ્યું નહીં, જોકે એ લોકો આ બીજા દિવસની સભા ભાંગી શક્યા નહીં. કારણ સભાસ્થાન આગળ પોલીસખાતાના ધણા વડા અમલદારો હાજર હતા. વળી સ્વયંસેવકોનો બંદોબસ્ત પણ પૂરતો રાખવામાં આવ્યો હતો. જોકે સભા પૂરી થયા પછી સભામાંથી ઘેર જતા લોકોની સારી પેઠે કનડગત કરવામાં આવી. તે દિવસે કોઈ અજાણ્યા માણસે એક મહારાષ્ટ્રી વિદ્યાર્થીનું ખંજર મારીને ખૂન કર્યું. આ ખૂન કરનાર કોઈ ગુજરાતી હોવો જોઈએ એવો પ્રચાર કરી આ યુવાનની જે સ્મશાનયાત્રા નીકળી તેમાં ભાગ લેનારાઓએ જે ગુજરાતી લત્તામાંથી તેઓ પસાર થયા તે તે લત્તામાં ગુજરાતીઓ ઉપર હુમલા કર્યા. તા. ૨૨મીએ પણ તોફાનો ચાલુ રહ્યાં. ત્રણ દિવસ શહેરમાં ચાલેલા આ તોફાનો સંબંધમાં કાયદેસર તપાસ ચલાવવા તા. ૬-૪-'૩૯ના રોજ રાજ્ય તરફથી એક કમિટી નીમવામાં આવી. એ કમિટીનું તપાસનું કામ ઠીક ઠીક આગળ ચાલ્યું. એટલામાં કેટલાક આગેવાન મહારાષ્ટ્રીઓએ આ તોફાન માટે પોતાની દિલગીરી દર્શાવી અને સરકારને અરજી કરી કે આ તપાસનું કામ ચાલુ રાખવાથી કોમી તંગદિલી રહ્યાં કરે છે માટે તપાસનું કામ બંધ રાખવું જોઈએ. આ વિનંતીમાં કેટલીક આગેવાન ગણાતા પણ નરમ વિચારના ગુજરાતીઓએ પણ સહી કરી. આ અરજી મળતાં રાજય તરફથી એક સરકારી યાદી બહાર પાડીને ૧૯-૭–’૩૯ના રોજ તપાસનું કામ બંધ રાખવામાં આવ્યું. અને જાહેર કરવામાં આવ્યું કે, સરકાર પાસે જેટલો પુરાવો નોંધાયો છે તે ઉપર કાળજીપૂર્વક વિચાર કરીને જાહેર હિતને માટે જે પગલાં લેવાં સરકારને આવશ્યક જણાશે તે એ લેશે. આમ આ વસ્તુ ભીની સંકેલાઈ.
ઉપર આપણે નવા સુધારાની વાત કરી છે તે પ્રમાણે ૧૯૪૦ ના મે-જૂનમાં ધારાસભાની ચૂંટણી થઈ. તેમાં સરદારે પ્રજામંડળને સારી દોરવણી આપી તથા મદદ કરી અને પ્રજામંડળના પસંદ કરેલા ઉમેદવારો ઠીક ઠીક બહુમતીમાં ચૂંટાઈ આવ્યા. પણ થોડી જ વારમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને અંગે બ્રિટિશ સલ્તનતની હિંદુસ્તાન પ્રત્યેની નીતિને લગતા બહુ મોટા પ્રશ્નો ઊભા થયા. એટલે દેશી રાજયોનો પ્રશ્ન કાંઈક ખાળંબે પડ્યો.
કાઠિયાવાડમાં લીમડી એ નાનું દેશી રાજ્ય હતું. તેની કુલ વસ્તી એકતાળીસ હજાર માણસની હતી, તેમાં તેર હજાર લીમડી શહેરમાં જ રહે છે, રાજ્યને તાબે બધાં મળીને ચાલીસ ગામ હતાં. તેમાંનાં બારની આવક યુવરાજની ખાનગી મિલકત ગણાતી. રાજ્યની કુલ વાર્ષિક આવક પંદરેક લાખ રૂપિયાની હતી. તે મુખ્યત્વે જમીન ઉપરના વેરામાંથી જ આવતી, જેટલું અનાજ પાકે એનો ત્રીજો અથવા ચોથો ભાગ રાજ્ય લેતું, ત્યાં સારી જાતનો કપાસ પાકતો, એનો ત્રીજો ભાગ લેતું. આ ઉપરાંત જાતજાતના લાગા પણ ખેડૂતો પાસેથી રાજ્ય ઉધરાવતું. કસબાવેરો, સાંતીવેરો, ઢોર વેરા, લગ્નવેરો, તોલામણી, આવી આવી જાતના ઘણા વેરામાંથી રાજયને ઠીક આવક થતી. એમાંની પચાસ ટકા રાજકુટુંબ પોતાના ખર્ચ માટે વાપરતું અને બાકીની અમલદારો તથા નોકરોના પગારમાં જતી. કર આપનારાઓને સગવડના રૂપમાં બહુ ઓછું મળતું. કેળવણી, સ્વચ્છતા તથા દાક્તરી મદદમાં રૂપિયે એક આનો માંડ ખર્ચાતો હશે. ગામડામાં તો એ સગવડો પણ નહોતી. ઘણાં ગામડાંમાં તો પાણીની પણ ભારે હાડમારી હતી.
રાજકુટુંબ બહુ સુશિક્ષિત ગણાતું. રાજા વૃદ્ધ થયેલ હોવાથી યુવરાજ જ રાજાને સ્થાને હતા. રાજાના બીજા કંવર રાજયના દીવાન હતા. આ બંને વિલાયત જઈ આવેલા હતા. દીવાન ફતેહસિંહ તો બૅરિસ્ટર થયેલા હતા. આ એ જ ફતેહસિં હતા જેમને થોડો વખત ઉપર સૌરાષ્ટ્ર સરકારે બહારવટિયા ભૂપતને આશ્રય આપવાના તથા મદદ કરવાના આરોપસર પકડ્યા હતા.
યુવરાજની વાત કરવાની રીત બહુ મીઠી હતી. પણ તેમના ચારિત્ર્ય વિષે લીમડીની પ્રજાને ભારે અસંતોષ હતો. આ વિષે યુવરાજને બે શબ્દ કહેવા મુંબઈમાં રહેતા લીમડીના કેટલાક વેપારી આગેવાનો એક વાર યુવરાજ મુંબઈ ગયેલા ત્યારે તેમને મળ્યા. યુવરાજે તેમની આગળ બહુ સારી સારી વાતો કરી અને કહ્યું કે જે પ્રજા સંમત થાય અને પ્રજામંડળ સ્થાપે તો રાજ્યતંત્રમાં તેમને હું કેટલીક જવાબદારીઓ જરૂર સોંપું. એ વેપારી આગેવાનોને લીમડી આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેઓ જ્યારે લીમડી ગયા ત્યારે યુવરાજે ફેરવી તોળ્યું. તેમણે જણાવ્યું કે, તમે પ્રજામંડળ સ્થાપો પણ પ્રજામંડળે લીમડી શહેરમાં જ કામ કરવું. ગામડાના સુધારા માટે મારી પોતાની કેટલીક યોજનાઓ છે અને તેનો હું જાતે જ અમલ કરવા માગું છું. એમાં બીજા કોઈ વચ્ચે પડે એ હું ઈચ્છતો નથી. તેમણે વિશેષમાં જણાવ્યું કે હું લોકશાહીને નકામી વસ્તુ ગણું છું. ખસૂસ કરીને ગામડાંની પ્રજાનું ભલું તેથી થઈ શકતું નથી. એટલે ગ્રામસુધારની મારી યોજના હું બહાર પાડું ત્યાં સુધી તો તમારે ગામડાંમાં કોઈ પણ જાતની રાજકીય પ્રવૃત્તિ ચલાવવી જ નહીં. પણ આ કેવળ વખત ગાળવાની બાજી હતી. કારણ બીજી તરફથી અમલદારોને તેણે સૂચના આપી કે તમારે ગામડાંમાં જઈ લોકોને સમજાવવા કે કોઈએ પ્રજામંડળમાં જોડાવું નહીં, અને કોઈ જોડાવાનું કરે તો એને સારી પેઠે કનડવા.
હિંદુસ્તાનભરમાં દેશી રાજ્યની પ્રજામાં જે જાગૃતિ આવી હતી તેની અસર લીમડીના લોકો ઉપર પણ થઈ હતી. એટલે લીમડીના કાર્યકર્તાઓએ વિચાર્યું કે ગામડાની પ્રજામાં કામ કરવાનો યુવરાજના જેટલો જ અમને પણ હક્ક છે. ગામડાંની જોડે રાજ્યના કરતાં અમારો સંબંધ ઓછો નથી. રાજ્યે તો અત્યાર સુધી તેમને ચૂસ્યાં જ છે, જ્યારે અમે તો ગામડાંની જનતાને તેમના હકોનું ભાન કરાવવા માગીએ છીએ. એટલે તા. ર૪–૧૨–'૩૮ના રોજ લીમડીના શહેરીઓની એક જાહેર સભા કરીને તેમણે પ્રજામંડળની સ્થાપના કરી.
યુવરાજને પ્રજામંડળના આગેવાનોની આ પ્રવૃત્તિ જરાયે પસંદ પડી નહીંં. તેમને એમ લાગ્યું કે આગેવાનો પોતાનું ધાર્યું કરવા માગે છે. એટલે તેમણે એક બીજો તુક્કો કાઢ્યો. પ્રજામંડળવાળા પ્રજાના પ્રતિનિધિ જ નથી, એવું બતાવવા લીમડી શહેરમાં કેટલાક હિંદુઓ પાસે એક સનાતન મંડળ નામની અને મુસલમાન પાસે મુસ્લિમ જમાત નામની કોમી સંસ્થાઓ સ્થપાવી. રાજ્યના લગભગ બધા જ અમલદારો અને નોકરી તેના સભ્ય થયા.
ગામડાંમાં પણ પગી તથા પસાયતાઓને સૂચના આપી કે ગામડાંમાં કોઈ પણ માણસ પ્રજામંડળનું કામ કરે તો તેને ધાકધમકી આપીને દબાવી દેવા. આવું કરવામાં રાજ્ય તરફથી તમને બધી સગવડ આપવામાં આવશે. ખૂબી એ હતી કે કશો હુકમ કે સૂચના લેખી આપવામાં આવતી નહીંં.
પ્રજામંડળના આગેવાનોએ જેમ જેમ ગામડાં સાથે સંપર્ક સાધવા માંડ્યો તેમ તેમ રાજ્યની જોહુકમીથી અકળાઈ રહેલા લોકો તરફથી તેમને ઉત્સાહજનક જવાબ મળવા માંડ્યો. પોતાને ગામે પ્રજામંડળની શાખા ખોલવાનું ગામલોકો આમંત્રણ આપવા લાગ્યા. પ્રજામંડળે ગામડાંમાં સ્વયંસેવકો નોંધવાનું પણ શરૂ કર્યું. ગામલોકોના ઉત્સાહમાં વધારો કરવા પ્રજામંડળે બહારથી પણ નેતાઓને આમંત્રણ આપવા માંડ્યાં. દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબાને લીમડીના ઠાકોર સાહેબ પોતાની દીકરી સમાન ગણુતા, કારણ તેમના પિતા લીમડીના દીવાન હતા અને હાલના ઠાકોર સાહેબને ગાદી અપાવવામાં તેમણે સારી મદદ કરેલી. એટલે સ્વાભાવિક રીતે જ ભક્તિબાને લીમડી રાજયમાં ફરવા માટે પ્રજામંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. પણ જાંબુ નામના ગામમાં રાજ્યના ભાડૂતી ગુંડાઓ તેમની મોટર આસપાસ ફરી વળ્યા અને તેમણે કાર્યકર્તાઓને મારવા માંડ્યા તથા મોટરનું નુકસાન કર્યું. પણ ભક્તિબાની હિંમતથી આખું ગામ ધસી આવ્યું તેથી પેલા ગુંડાઓને નાસી જવું પડ્યું. આ બનાવથી લડતનાં પગરણ મંડાયાં. થોડા દિવસ પછી શિયાણી ગામ આગળ પ્રજામંડળના એક આગેવાનની મોટર ઉપર ગુંડાઓએ આવો જ હુમલો કર્યો. પ્રજામંડળમાં વેપારીઓ બહુ આગેવાનીભર્યો ભાગ લેતા હતા. એટલે તેમને ઘેર ચોરીઓ કરાવવા માંડી. છતાં ગામડાંમાં પ્રજામંડળનું કામ વધતું જ ચાલ્યું. એટલે પ્રજામંડળ ઉપર ગામડાંમાં વ્યવસ્થિત હુમલો કરવાની યોજના રાજ્યની મૌખિક સુચના અને મદદથી કરવામાં આવી.
તા. ૫-૨-'૩૯ના રોજ આખા કાઠિયાવાડમાં રાજકોટ દિન ઊજવવામાં આવ્યો. તે દિવસે સાંજે લીમડી રાજ્યના પાણશીણા ગામમાં ગામલોકોની સભા થઈ તે રાતે દસ વાગ્યે વેરાઈ ગઈ. ત્યાર પછી રાત્રે અગિયાર વાગ્યે લાઠીઓ, ધારિયાં, ગામઠી બંદૂકો, તલવારો, કુહાડીઓ વગેરેથી સજ્જ થયેલા લગભગ એંશી માણસો બંદુકોના બાર કરતા ગામ ઉપર તૂટી પડ્યા. અર્ધા માણસોએ ગામનાં બધાં નાકાં રોક્યાં અને વીસ વીસની બે ટુકડીઓ ગામમાં ફરી વળી. પ્રજામંડળના કાર્યકર્તાઓ અને તેમની સાથે સહાનુભૂતિ ધરાવનારા બારેક જણનાં ઘર શોધી કાઢી તેનાં બારણાં તોડી લૂંટ ચલાવી. ગામમાં પ્રજામંડળની કચેરી હતી અને ત્યાં કેટલાક સ્વયંસેવકો સૂતા હતા તેને બહારથી સાંકળ મારી દીધી જેથી અંદર સૂતેલા કોઈ બહાર નીકળી ન શકે. ગામના મુખ્ય વેપારી અને પ્રજામંડળના આગેવાન કાર્યકર્તાને ઘેર પહોંચી તેમને અને તેમનાં પત્નીને ઘાતકી રીતે માર માર્યો. એ બહેનને તો ગુહ્ય ભાગો ઉપર પણ ઈજા પહોંચાડી. પ્રજામંડળના બીજા એક કાર્યકર્તા ઉપર તલવારથી હુમલો કર્યો. આમ બે કલાક સુધી મારપીટ કરી અને લૂંટ ચલાવી. આશરે ત્રીસ માણસોને ગંભીર ઈજા થઈ અને પ્રજામંડળનું કામ કરનારાઓનાં બાર ઘરમાંથી લગભગ સાઠ હજાર રૂપિયાની મતા ઉઠાવી ગયાં. પાણશીણા ગામમાં પોલીસનું થાણું હતું અને ગામમાં પગી પસાયતાઓની સંખ્યા પણ મોટી હતી. પણ તેમાંથી કોઈ આ ધાડ દરમ્યાન બહાર આવ્યું નહી.
પાણશીણામાં કેર વર્તાવી આ ધાડું ત્યાંથી બે ગાઉ ઉપર આવેલા રળોલ ગામે પહોંચ્યું. પ્રજામંડળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા ત્રણ સોની તથા એક વણિકને ગંભીર માર માર્યો, કુલ દસ માણસોને ઘાયલ કર્યા અને ચાર ઘરો લૂંટીને તેમાંથી દસ હજારની મિલકત ઉપાડી ગયા.
બીજે દહાડે આ અત્યાચારોના સમાચાર લીમડી પહોંચ્યા કે તરત જ પ્રજામંડળે ઘાયલોની સારવાર કરવા માટે ટુકડીઓ તે તે ગામે મોકલી. અત્યાચારનો ભોગ થઈ પડેલાઓને માટે ન્યાય મેળવવા સારુ એક મોટું સરધસ ઠાકોર સાહેબના મહેલ ઉપર ગયું. ઠાકોર સાહેબે સરઘસના પ્રતિનિધિઓને સાંજે પાંચ વાગ્યે મુલાકાત આપી અને જણાવ્યું કે આ અત્યાચારની પોતાને કશી જ ખબર નથી. દીવાને કહ્યું કે જેમને ઈજા પહોંચી હોય અથવા નુકસાન થયું હોય તેએાએ ફરિયાદ નોંધાવવી જોઈએ. પોતાના દીકરા અને રાજયના દીવાન શ્રી ફતેહસિંહજીને તપાસ માટે મોકલવામાં આવશે એમ ઠાકોરસાહેબે જણાવ્યું. પણ લોકોએ જયારે કહ્યું કે આ તોફાનોમાં અમને તો તેમનો જ હાથ હોય એવો શક છે ત્યારે ઠાકોર સાહેબે એ વાત પડતી મૂકી.
સરદારને આ અત્યાચારની ખબર પડી એટલે તેમણે તપાસ કરાવી અને તા. ૮મી ફેબ્રુઆરીએ નીચેનું નિવેદન બહાર પાડ્યું :
“ કાઠિયાવાડમાં આવેલા લીમડી રાજ્ચમાંથી અતિશય કમકમાટી ઉપજાવે એવા સમાચાર મળ્યા છે. મેં મોકલેલા પ્રજામડળના વિશ્વાસપાત્ર કાર્યકર્તાઓએ પૂરતી તપાસ કર્યા પછી એ સમાચાર મોકલ્યા છે. એટલે એ ખોટા માનવાનું કશું જ કારણ નથી. રાજકોટની સંધિ જે રેસિડેન્ટને ગમી નહોતી અને જેનો પાછળથી ભંગ થયો છે, તે પછી થોડા જ દિવસમાં કાઠિયાવાડના બધા રાજાઓ રેસિડેન્ટના આમંત્રણથી રાજકોટ રેસિડેસીમાં ભેગા થયા હતા. ત્યાં તેમણે પોતપોતાના રાજ્યમાં પ્રજામંડળને કચડી નાખવાની એકધારી નીતિ અનુસરવાનો નિશ્ચય કર્યો લાગે છે. ત્યારથી અનેક રાજ્યોમાં જુદા જુદા પ્રકારનાં સખતીનાં પગલાં લેવામાં આવ્યાં છે. મુસલમાન, ગરાસિયા, ભાયાત વગેરે નાના નાના વર્ગોને પ્રજામંડળની સામે ઊભા કરવામાં આવ્યા છે અને જવાબદાર રાજ્યતંત્ર માણવાની પ્રજાની પ્રવૃત્તિમાં વિઘ્ન નાખી તેને તોડી પાડવા આ લોકોને ઉશ્કેરી મૂકવામાં આવ્યા છે.
"રાજકોટના ઠાકોરસાહેબે ગંભીર કરારનો ભંગ કર્યો ત્યારથી ત્યાં, રેસિડેન્ટની ઉશ્કેરણીથી મારપીટ અને દમનનીતિનું ખરેખરું સત્ર શરૂ થઈ ગયું છે. પણ લીમડીએ તો રાજકોટની જંગલી અને પાશવી રીતોને આંટી દીધી છે. બંદુક, તલવાર, ધારિયાં, છરા વગેરેથી સજ્જ થયેલા ૮૦ માણસો ગામડાંમાં પ્રજામંડળના કાર્યકર્તાઓ ઉપર તૂટી પડ્યા. તેમણે કેટલાક લોકો ઉપર ઘાતકી હુમલા કર્યો. હજારો રૂપિયાની માલમતા લૂંટી અને સાથે આણેલી મોટરલોરીઓમાં તે ઉઠાવી ગયા. આ ધાડપાડુઓમાંના કેટલાક રાજ્યના નોકર હતા એમ લોકો એાળખી શક્યા હતા. વળી એમની પાસે મોટરોનો આવડો કાફલો હતો તે ઉપરથી પણ સમજી શકાય છે કે તેમને એ મદદ ક્યાંથી મળી હશે.
* મારી પાસે આવેલી ખબરો સાચી હોય તો આજે લીમડી રાજ્યમાં જાનમાલની જરાયે સલામતી રહી નથી. આ બાબતમાં હજી કશાં પગલાં લેવાયાં નથી. તેમ જ ઠાકોરસાહેબના પેટનું પાણી હાલ્યું નથી. ઠાકોરસાહેબના આ વલણ સામે વિરોધ દર્શાવવા ત્રણેક હજાર શહેરીઓએ મહેલની સામે ૪૮ કલાકથી ઉપવાસ આદર્યા છે. લોકોએ વાઈસરૉયને અને ગાંધીજીને તારો મોકલ્યા છે. આ ખબરોમાં થોડા ટકા પણ સત્યનો અંશ છે, એમ માનીએ તો સ્પષ્ટ જોઇ શકાય છે કે બીજે ચાલી રહેલી સખ્તીની રીતો પ્રજામંડળ ઉપર અજમાવીને તેને કચડી નાખવાનો વ્યવસ્થિત પ્રયત્ન ચાલી રહ્યો છે. જે બ્રિટિશ રેસિડેન્ટ જંગલી જમાનાના આપખુદ અવરોધોને રક્ષણ આપવાને આતુર છે તેને આ નિર્દોષ નિ:શસ્ત્ર પ્રજાની રક્ષા કરવાની પોતાની જરા પણ જવાબદારી લાગે છે ખરી ?
- ગાંધીજી જેને સંગઠિત ગુંડાગીરી કહે છે તેનું આ પ્રદર્શન નથી ? પડોશના પ્રાંતની કૉંગ્રેસી સરફાર ઠંડે પેટે આ બધું જોયા કરે એવી આશા કેમ રાખી શકાય ? ”
શહેરીઓ રાજમહેલ આગળ ચાર દિવસ સુધી ભૂખ્યા બેસી રહ્યા. ઠાકોર સાહેબે તપાસ કરવાનાં અને ન્યાય આપવાનાં વચનો આપ્યાં કર્યા, પણ જે વખતે લીમડીના આગેવાનો દરબારગઢ આગળ લાંધણા કરી રહ્યા હતા તે જ વખતે તા. ૭મી ફેબ્રુઆરીએ એક શિયાણી નામના ગામે પાણશીણાના જેવો જ, તલવાર અને બંદૂક સાથે હલ્લો થયો. ત્યાં પણ પ્રજામંડળના કાર્યકર્તાઓનું ઘર લૂંટીને તેમાંથી હજારેક રૂપિયાની માલમતા ઉપાડી ગયા. તા. ૯મીએ કરસનગઢ નામના ગામ ઉપર આવી જ ધાડ પાડવામાં આવી. ત્યાં પણ પ્રજામંડળના કાર્યકર્તાઓનાં ધર લૂંટ્યાં તથા ગામના ધણી માણસને માર માર્યો. આ ઉપરાંત રાજ્યનાં લગભગ પંદર ગામમાં ઉપરાઉપરી ચોરીઓ થઈ. આની સામે પ્રજામંડળની આગેવાની નીચે લોકોએ શાંતિસેના ઊભી કરી. અને સેંકડો માણસ પોતપોતાનાં ગામમાં ચોકી કરવા લાગ્યા.
પ્રજામંડળે બીજું એ નક્કી કર્યું કે તા. ૧૯મી ફેબ્રુઆરીએ રાજયની પ્રજાપરિષદ ભરવી. રાજ્યનાં ગામડાંઓમાંથી સેંકડો માણસો ગાડામાં, ઘેાડા ઉપર અથવા પગે ચાલતા, પરિષદમાં ભાગ લેવા નીકળી પડ્યા. એ બધા તારીખ ૧૮ મીએ સાંજે લીમડી પહેાંચે એવી ગોઠવણ કરવામાં આવી.
શહેરમાં ફાટફૂટ પડાવવા માટે, જેમ સનાતન મંડળ અને મુસ્લિમ જમાત સ્થાપવામાં આવ્યાં હતાં, તેમ ગામડાંમાં ગ્રામપંચાયતો સ્થાપવાની રાજ્ય તરફથી યુક્તિ રચવામાં આવી હતી. અમુક વર્ગના થોડા ખેડૂતોને જ આ પંચાયત ચૂંટી કાઢવાનો હક આપવામાં આવ્યો હતો. પંચાયતને ગમે તેટલી મોટી રકમના દીવાની દાવા ચલાવવાની સત્તા આપવામાં આવી હતી. શુદ્ધ દાનતથી આવી સત્તા આપવામાં આવી હોય તો તો જરૂર પ્રજાનું ભલું થાય. પણ આમાં તો રાજ્યના વેપારી લોકોનાં ગામડાંના ખેડૂતો પાસેનાં વાજબી લેણાં પણ ખોટાં કરવાની દાનત હતી. રાજ્ય તરફથી સીધો પ્રચાર જ કરવામાં આવતો હતો કે કોઈ ખેડૂતે વેપારીઓનું લેણું આપવાની જરૂર નથી. એક તરફથી ખેડૂતોને પરિષદમાં ભળે તો તેના જાનમાલને નુકસાન કરવાની ધમકી આપવામાં આવતી હતી અને બીજી તરકુથી પરિષદમાં નહીં ભળનારને વેપારીઓનું લેણું નહી આપવું પડે એવી લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત રૈયત પાસેથી વફાદારીની પ્રતિજ્ઞાઓ ઉપર સહી કરાવવાનું પણ અમલદારાએ શરૂ કર્યું હતું. તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્ય તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે, "અમને લીમડીના શહેરીઓ તથા ગામડાંના લોકો તરફથી સંખ્યાબંધ અરજીઓ મળી છે, જેમાં કહેવામાં આવે છે કે, 'અમને પ્રગ્નમંડળની નીતિ પસંદ નથી. વળી રાજ્યની પ્રજાને નામે પરિષદ બોલાવવાનો પ્રજામંડળને કશો હક્ક નથી. કારણ પ્રજામંડળ રાજ્યની પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થા નથી, માટે પ્રજામંડળે બોલાવેલી તા. ૧૯મીની પરિષદ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ.' રાજ્યે મેળવેલા આંકડા પ્રમાણે રૈચતનો ૭૫ ટકા ભાગ પરિષદની વિરુદ્ધ છે. બાકી રહેલા રપ ટકાએ જોકે વિરોધ નોંધાવ્યો નથી તોપણ એ બધા પરિષદની તરફેણમાં હોય એમ માનવાને કારણ નથી. ઠાકોરસાહેબ સુધારા આપવા માટે તૈયાર છે અને ગામડાંમાં તો પંચાયતો સ્થાપીને સ્થાનિક સ્વરાજ આપી પણ દીધું છે. એટલે પણ પરિષદ ભરવાનું કશું કારણ નથી. રાજ્યના મોટા ભાગના લોકોનો સખત વિરોધ હોવા છતાં પરિષદ ભરવી એ સલાહ ભરેલું નથી. આવા સંજોગોમાં પરિષદ ભરવામાં આવે તો ગંભીર સ્થિતિ ઊભી થવાનો ભય છે. તેમ છતાં પરિષદ ઉપર પ્રતિબંધ મૂકીને રાજ્ય પ્રજાના પ્રાથમિક હક્કની આડે આવવા માગતું નથી. માત્ર એટલી ચેતવણી આપે છે કે ગંભીર પરિસ્થિતિ ઊભી થવાનો ભય હોવા છતાં પરિષદ બોલાવવામાં આવશે અને તેથી કંઈ તોફાનો થશે તો એની પૂરેપૂરી જવાબદારી પ્રજામંડળ ઉપર રહેશે.”
આ ઉપરાંત ગામડાંમાં એવી જાહેરખબરો ચોંટાડવામાં આવી કે તા. ૧૬-૨-'૩૯ના જાહેરનામાના અનુસંધાનમાં જણાવવામાં આવે છે કે, રાજ્યના બહુમતી લોકોની વિરુદ્ધ થઈને જે પરિષદ ભરવામાં આવે છે તેમાં ભાગ લેનાર રાજ્યના વિરોધી ગણાશે. સ્થાનિક અમલદારોએ તેમનાં નામઠામ લખી લઈ અમને ખબર આપવી.
સનાતન મંડળ તથા મુસ્લિમ જમાત પણ નિષ્ક્રિય નહોતી રહી. તેમણે તા. ૧૮મી ફેબ્રુઆરીએ એક પત્રિકા કાઢી તેમાં જણાવ્યું કે,
"પ્રજામંડળ કેવળ વાણિયાઓનું મંડળ છે અને રાજ્યના મોટા ભાગના લોકો તેની વિરુદ્ધ છે. એટલે રાજ્યની સનાતની પ્રજા તથા મુરિલમ પ્રજા પરિષદમાં દાખલ થઈને પોતાનો વિરોધ શાંતિપૂર્વક નોંધાવશે. જો વાણિયા મંડળ પરિષદના દરવાજા બંધ કરીને અથવા દરવાજા આગળ સાંકળબધી રચીને અમને જતા રોકશે તો અમે તે તોડીને જઈશું. અમે વાણિYઆ મંડળને ચેતવીએ છીએ કે, કોઈ પણ ભેગે અમે પરિષદના મંડપમાં દાખલ થવાના છીએ. અને તેમ કરતાં સુલેહનો ભંગ થશે તો તે માટે એ વાણિયા મંડળ જવાબદાર ગણાશે.”
આ જાતની ધમકીઓ છતાં, જુદાં જુદાં ગામડાંમાંથી, લગભગ પંદરસો ખેડૂતો તા. ૧૮મીની સાંજે છ વાગ્યે લીમડી આવી પહોંચ્યા. લીમડીના શહેરીઓએ એમનું સ્વાગત કરવા મોટા સરઘસના રૂપમાં સામૈયું કાઢ્યું. બીજી તરફથી સનાતન મંડળ તથા મુસ્લિમ જમાતને નામે લીમડી રાજયના ગુંડાઓ તથા તોફાની તત્ત્વોનું પણ એક સરઘસ નીકળ્યું. તેમાં રાજ્યના લગભગ બધા અમલદારો ભળ્યા. પ્રજામંડળના માણસોને મારવાનું ઠીક પડે અને એમ કરતાં રાજ્યના પડખિયાઓને માર ન પડી જાય તે માટે સનાતન મંડળવાળાને લાલ પટી અને મુસ્લિમ જમાતવાળાને લીલી પટી દેખાય તેવી રીતે રાખવા માટે આપવામાં આવેલી. પ્રજામંડળનું સરધસ જે રસ્તે જવાનું હતું તે જ રસ્તો પોતાને માટે તેમણે પસંદ કર્યો. કોઈ પણ જાતના અનિષ્ટ બનાવ ન બને તે માટે પ્રજામંડળે પોતાનું સરઘસ બીજે માર્ગે વાળી લીધુ અને અથડામણ ટાળી; તોપણ પેલા ગુંડાઓએ પ્રજામંડળના કેટલાક લોકોને હેરાન કર્યા તથા કેટલાક સ્વયંસેવકોને માર પણ માર્યો. ખેડૂતોના ઉતારાની ગોઠવણ પ્રજામંડળની ત્રણ છાવણીઓમાં કરવામાં આવી હતી. ગુડાઓ બસો બસોની ત્રણ ટુકડીઓમાં વહેચાઈ ગયા અને સાંજના છાવણીએાને ઘેરો ઘાલ્યો. છાવણીએાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. છતાં એ લોકોએ હથિયારો બતાવી, માર મારવાની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. છેવટે રાત્રે દશ વાગ્યે એક છાવણીમાં તેઓ ઘૂસી ગયા. ખેડૂતોને માર્યા, દીવાબત્તી બંધ કરી દીધી અને સર સામાન ખેરવિખેર કરી નાખ્યો. આખા શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો. પ્રજામંડળના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો લોકોને ધીરજ આપવા માટે આખી રાત ગામમાં ફરતા રહ્યા. દરબાર સાહેબનાં પત્ની શ્રીમતી ભક્તિબા, આ પહેરો ભરનારાઓમાં મોખરે હતાં.
પરિષદના વરાયેલા પ્રમુખ દરબાર શ્રી ગોપાળદાસ પરોઢિયે અઢી વાગ્યાની ગાડીમાં લીમડી આવવાના હતા. તેમનું સ્વાગત કરવા પ્રજામંડળના આગેવાનો સ્ટેશને પહોંચ્યા તો ત્યાં જોયું કે જે ગુંડાઓ આગલી રાત્રે શહેરમાં તોફાન કરતા હતા તેઓ સ્ટેશને પહોંચી ગયા હતા. એ લોકો દરબાર ગોપાળદાસ તથા તેમના સાથીઓને ઘેરી વળ્યા તથા તેમને શહેરમાં જતા અટકાવ્યા. આ સમાચાર શહેરમાં પહોંચતાં શહેરમાંથી ઘણા આગેવાનો અને કાર્યકર્તાઓ સ્ટેશન ઉપર જવા નીકળ્યા. પણ પેલા ગુંડાઓએ તેમને રસ્તા ઉપર રોકીને સ્ટેશન તરફ જવા દીધા નહીં. ભક્તિબા એ ગુંડાઓની વચમાં ધસ્યાં. ગુંડાઓએ તેમને ખંજર અને તલવાર બતાવીને ડરાવવા માંડ્યાં પણ તેઓ ડર્યાં નહીં. એટલે તેમને સ્ટેશને જવા દીધાં. છેક સાડા પાંચ વાગ્યે રાજ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સ્ટેશને પહોંચ્યા અને પોતાના રક્ષણ નીચે દરબારસાહેબને શહેરમાં લઈ જવાનું તેણે કહ્યું. દરબારસાહેબ પોતાના સાથીઓને છોડીને જવા તૈયાર નહોતા. એટલે શહેરમાંથી એક મોટરબસ મંગાવવામાં આવી અને બધાંને સહીસલામત પહોંચાડવામાં આવ્યાં. રસ્તા ઉપરના ગુંડાઓ તેમને સંજ્ઞા મળતાં અદશ્ય થઈ ગયા હતા. તા. ૧૯મીએ સવારે રાજ્ય તરફથી હથિયાર સાથે ફરવાની મનાઈ કરતો હુકમ બહાર પાડવામાં આવ્યા. પણ એ હુકમ કેવળ કાગળ ઉપર રહ્યો. સવારે ૯ વાગ્યે લગભગ બસો ગુંડાએ લાકડીઓ, ધારિયાં વગેરે સાથે પ્રમુખના ઉતારાને ઘેરી વળ્યા, જેથી તેઓ પરિષદમાં જઈ શકે નહીં. ખેડૂતોના બીજા ઉતારાઓ ઉપર તેવી જ રીતે ઘેરાઓ નાખવામાં આવ્યા હતા.
બપોરે સવાબારની ગાડીમાં શ્રીમતી લીલાવતી મુનશી, શ્રી શાંતિલાલ શાહ સૉલિસિટર તથા ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી શ્રી જીવણલાલ દીવાન આવવાના હતા. પરિષદનો બખત બપોરે અઢી વાગ્યાનો રાખેલ હતો પણ દશ વાગ્યાથી જ હજાર ઉપરાંત માણસો પરિષદના મંડપમાં એકઠાં થઈ ગયાં હતાં. અગિયાર વાગ્યે પ્રજામંડળની કચેરીમાં સમાચાર આવ્યા કે ગુંડાઓએ પરિષદ મંડપમાં પેસી જઈ ને ત્રાસ વર્તાવ્યો હતો. હજારમાંથી લગભગ સાતસો માણસોને નાની મોટી ઈજા પહોંચાડવામાં આવી હતી. કેટલાનાં માથાં ફૂટ્યાં હતાં. અને કેટલાયને શરીર પર ગંભીર ઈજા થઈ હતી. પ્રજામંડળના કાર્યકર્તાઓ આ બધાની સારવારમાં મંડી પડ્યા. ધાયલ થયેલામાંથી જેમને ગંભીર ઈજા થઈ હતી તેમને રાજ્યની ઇસ્પિતાલમાં અથવા ખાનગી દવાખાનાંઓમાં લઈ જવામાં આવ્યા. આ બધો વખત ગુંડાઓ પરિષદના ઉતારાઓ ઉપર હુમલા કરી નુકસાન કરી રહ્યા હતા.
આ તોફાનો ચાલી રહ્યાં હતાં છતાં પ્રજામંડળના કાર્યકર્તાઓનો નિશ્ચય હતો કે પરિષદના નક્કી કરેલા વખતે બપોરે અઢી વાગ્યે પરિષદ ભરવી તો ખરી જ. મંડપ તો ગુંડાઓએ તોડી નાખ્યો હતો એટલે પરિષદના એક ઉતારે શ્રીમતી લીલાવતી મુનશીના પ્રમુખપણા નીચે પરિષદ ભરીને બે ઠરાવ કર્યા. એક, જવાબદાર રાજ્યતંત્રનો અને બીજો, આ તોફાનોને વખોડી કાઢનારો તથા તેની નિષ્પક્ષ તપાસ માગનારો.
સાંજે ચાર વાગ્યે ગુંડાઓને હુકમ મળ્યો કે હવે તોફાન બંધ કરો. એટલે જાદુઈ લાકડી ફરે અને બને તેમ બધા ગુંડાઓ અદશ્ય થઈ ગયા. શહેરમાં સ્મશાન જેવી શાંતિ પથરાઈ ગઈ
શ્રીમતી લીલાવતી મુનશી, તથા મહેમાન ઘાયલ થયેલાઓને જોવા ઇસ્પિતાલમાં ગયાં. બધું જોયા પછી એમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડયું. તેમાંથી થોડા ફકરા આપ્યા છે :
“ અમે શહેરમાં દાખલ થયાં ત્યારે ઘણે ઠેકાણે માણસોને એકઠા થયેલા જોયા. તેમની પાસે કાળા વાવટા હતા અને હાથમાં લાઠીઓ હતી. દરેકે પોતાના શરીર ઉપર લાલ અથવા લીલી પટ્ટી ધારણ કરેલી હતી. "દરબાર ગોપાળદાસના ઉતારાને આ લાલ-લીટી પટ્ટીવાળા અને લાઠીધારી લગભગ બસો માણસોએ ઘેરો ઘાલ્યો હતો. સવારથી તેઓ કેદીની દશામાં હતા. છતાં ત્યાં પોલીસ ફરકી નહોતી. એક બેજવાબદાર ટોળું માણસને કેદ કરી રાખે અને સત્તાવાળાઓ કશું પગલું ન લે એની અમને નવાઈ લાગી.
“ અમે ઇસ્પિતાલ ભણી જતા હતાં ત્યારે લાલ-લીલી પટ્ટીવાળા લગભગ બસેા માણસોને દરબારી ઉતારે બેઠેલા જોયા. તેઓને તોફાન કરવા માટે ખાસ બાલાવેલા હતા એમ અમને કહેવામાં આવ્યું. તેઓ દરબારી મહેમાનગીરીની મોજ ઉડાવી રહ્યા હતા.
“ અમે ઇસ્પિતાલમાં હતાં ત્યારે લાલ અને લીલી પટ્ટીઓવાળા પચીસથી ત્રીસ માણસો ત્યાં આવ્યા. લીલા સાફાવાળો એક માણસ તેમનો આગેવાન હતા. તેમણે એક પછી એક નામો વાંચવા માંડ્યાં. હૉસ્પિટલના કારકુને એ મુખીના કહેવા પ્રમાણે ફોર્મ ભર્ચાં. આમાંના કોઈ માણસને ઈજા થયેલી અમે તે જોઈ નહીં. શ્રીમતી મુનશીએ તો પૃછ્યું પણ ખરું કે, 'આમને શી ઈજા થઈ છે ?' ત્યારે એમને તોછડાઈથી જવાબ આપવામાં આવ્યો કે, એ જોવાનું કામ ડૉકટરનું છે.”
આવી સ્થિતિમાં શહેરમાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાઈ જાય એમાં નવાઈ નથી. લોકોએ બે દિવસ સુધી સંપૂર્ણ હડતાલ પાડી. પણ રાજય તરફથી પ્રજામંડળના કોઈ કાર્યકર્તાને કે શહેરના કોઈ આગેવાનને કોઈએ કશું પૂછ્યું સરખું નહીં. તોફાન કરનારા ગુંડાઓ પોતાનું કામ કરીને સાંજે ચાલ્યા ગયા. તેમાંના કોઈની પણ ધરપકડ કરવામાં આવી નહીંં. શહેરમાં ભયજનક ગપાટા ચાલવા માંડ્યા, અને ખુલ્લેખુલ્લું બોલાવા માંડ્યું કે પ્રજામંડળના કોઈ કાર્યકર્તા કે આગેવાનના જાનમાલની સલામતી નથી. ગુંડાઓ તો ખુલ્લેખુલ્લા પોકાર કરતા હતા કે અમે નગરશેઠનું અને રસિકલાલ પરીખનું ખૂન કરવાના છીએ.
આવા અંધેર રાજ્યમાં ન્યાય મળવાની કશી આશા રાખવી ફોગટ છે એમ ચોખ્ખું દેખાઈ આવતાં, લોકોએ તા. ૨૧ મી ફેબ્રુઆરીથી હિજરત શરૂ કરી. લીમડી શહેરની કુલ તેર હજારની વસ્તીમાંથી પુરુષો, સ્ત્રીઓ અને બાળકો થઈને પાંચ હજાર માણસ પહેર્યો કપડે શહેર છોડી ગયાં. ગામડાંમાંથી સાઠ ખેડૂત કુટુંબોએ હિજરત કરી. આ હિજરતીઓમાં બધા વર્ગના લોકો હતા. નોંધવા જેવી બીના એ છે કે આ હિજરતના આગેવાનોને હિજરતથી કશો જ લાભ નહોતો, ભારે માલમિલકત ગુમાવવોની હતી. વેપારી વર્ગને તો રાજકુટુંબ સાથે વરસોથી સારો સંબંધ હતો. રાજ્યમાં તેમનો માનમોભો પણ સારો હતો. યુવરાજ અને દીવાન પોતાના અપખુદ અને જોહુકમી વર્તનમાં આટલે સુધી જશે તેવું તેમણે જરા પણ કલ્પેલું નહીં. તેમની એ ભ્રમણા ભાંગીને ભૂકો થઈ ગઈ. ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈએ તેમને સલાહ આપી કે આવા જુલમી રાજ્યની પ્રજા જો બહાદુર હોય તો તેણે બહિષ્કાર કરવો જ જોઈએ.
હિજરતની અસર દરબાર ઉપર સારી થશે અને તે સુલેહશાંતિનો માર્ગ પકડશે એવી આશા કેટલાકે સેવેલી. પણ સત્તાધીશને લાગ્યું કે પ્રજામંડળને કચડી નાખવાનો આ બહુ જ સારો મોકો છે. તેમણે તો પ્રજામંડળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તમામ ઉપર ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું. ગામડાંમાં જે વેપારીઓ રહ્યા હતા તેમને પણ રાજય છોડીને જવું પડે એવી સ્થિતિ ઊભી કરી. રાજ્યના તમામ વાણિયા નોકરોને એક પછી એક કાઢી મૂકવામાં આવ્યા. પેન્શનરોનાં પેન્શન બંધ કરવામાં આવ્યાં. હિજરત કરનારાઓની માલમિલકતની તો રીતસર લૂંટ જ ચલાવવામાં આવી. ખેડૂતોને પોતાનો ઊભો પાક પણ લેવા દેવામાં ન આવ્યો. પછી દંડ અને જપ્તીઓ શરૂ થઈ. પ્રજામંડળના કામમાં જેમણે જરા પણ ભાગ લીધો હોય અને મદદ કરી હોય, તેમના ભારે દંડો કરવામાં આવ્યા અને જપ્તીથી વસૂલ કરવામાં આવ્યા. પાણશીણા ગામના કેટલાક વેપારીઓ હજી ગામમાં જ રહ્યા હતા. દરજી, કુંભાર, હજામ, મોચી વગેરેને દરબારે હુકમ કર્યો કે તેમણે આ વેપારીઓનું કશું કામ કરવું નહીં. ઉપર કહેવામાં આવ્યું છે કે, રાજ્ય તરફથી કોઈ પણ જાતના લેખી હુકમો તો કાઢવામાં આવતા જ નહોતા. બધું મોઢામોઢ જ ચાલતું.
કેટલાક નરમ પ્રકૃતિના માણસો જેઓ પ્રજામંડળમાં ભળેલા નહોતા તેમને લાગ્યું કે આવું ને આવું ચાલ્યાં કરશે તો રાજ્યની બરબાદી થશે. તેથી ૭મી જુલાઈએ ઠાકોર સાહેબનો જન્મદિવસ આવતો હતો તેના માનમાં રાજા અને પ્રજા વચ્ચે સુલેહશાંતિ કરાવવા તેમણે પ્રયત્નો કર્યા. પણ તે નિષ્ફળ ગયા. બીજી તરફથી આ હિજરતને લીધે આખા દેશની સહાનુભૂતિ લીમડીની પ્રજા તરફ વળી. વેપારીઓએ અને મિલમાલિકોએ લીમડી રાજ્યના તમામ માલને, ખાસ કરીને લીમડીના રૂનો બહિષ્કાર કર્યો. મુંબઈ શહેરમાં તો લીમડીના રૂનો બહિષ્કાર કડક રીતે ચાલુ રાખવા એક વગદાર કમિટી નિમાઈ અને લગભગ ચાર વરસ સુધી એ બહિષ્કાર ચાલુ રહ્યો. છેક જાપાન સુધી ગયેલું લીમડીનું રૂ વેચાયું નહીં.
લીમડીમાં આવી અંધેરશાહી અને જુલમ ચાલતો હતો છતાં ચક્રવર્તી સત્તા એ બધાની મૂક પ્રેક્ષક જ રહી, રાજાઓને રક્ષણ આપવાને તે ઘણી વાર આગળ આવી છે; પણ લીમડીની પ્રજા પ્રત્યે જાણે તેની કશી ફરજ જ ન હોય એમ તે વર્તી. રાજકોટના રેસિડેન્ટને તથા તાજના પ્રતિનિધિ તરીકે વાઈસરૉયને તારો કરવામાં આવ્યા પણ તે બધા વ્યર્થે ગયા. તેનો કશો જવાબ જ ન મળ્યો. હજારો લોકોના જનમાલ જોખમમાં મુકાયા હતા છતાં, ચક્રવર્તી સત્તાએ એક આંગળી પણ ઊંચી ન કરી.
આ બધું ચાલતું હતું ત્યારે યુવરાજે પોતાની સુધારાની યોજનાઓ બહાર પાડવા માંડી. ચાલીસ ગામનું એક નાનકડું રાજય, તેમાં શહેરસભા, રાજયસભા, ગ્રામપંચાયતો અને એ બધી સભાઓનું સમૂહતંત્ર (Federation) એવાં એવાં ભારે નામો, આ ચીજનાઓમાં આવતાં હતાં. પણ બધી જ યોજનાઓ પોલી હતી. પ્રજાને રાજ્યકારભારમાં જવાબદારી આપવાની એક પણ વાત આ યોજનાઓમાં ન હતી. છતાં ૩૦મી ઑક્ટોબરે કાઠિયાવાડના રાજાઓની એક પરિષદ થઈ. તેમાં ઠરાવ થયો કે,
“ રાજાઓએ લીમડી રાજ્યની સુધારાની યોજનાને વિચાર કર્યો અને રાજકોટ કરતાં પણ રાજ્યવહીવટને વધારે ઉદાર બનાવવામાં કેટલેક દરજ્જે તે આગળ જાચ છે તે માટે લીમડીના યુવરાજને ધન્યવાદ આપ્યો.”
જ્યાં પ્રજાના પ્રાથમિક હક્કનો જ ઇન્કાર કરવામાં આવતો હતો ત્યાં આવા “ ઉદાર સુધારા ” માટે ધન્યવાદ આપવામાં આવે એ એક બેવકૂફીભરેલી અને હાંસીપાત્ર વાત સિવાય બીજું કશું ન હતું. લીમડીના પ્રજામંડળે તે રાજકીય સુધારાની કશી વાત પણ કરી નહોતી. તત્કાળ પૂરતો તો એમનો કાર્યક્રમ ગામડાંમાં જઈને લોકોને પોતાના હક્કો વિષે કેળવણી જ આપવાનો હતો, પણ એનીયે બરદાસ કરવા રાજ્ય તૈયાર નહોતું.
ગામડાંઓ ઉપર ધાડ પાડી રાજ્યે રોકેલા ગુંડાઓએ મારફાડ અને લૂંટફાટ કરવા માંડી અને તેના લાંબા તાર ગાંધીજીને કરવામાં આવ્યા, ત્યારે ' લીમડીની અંધેરશાહી' એ નામનો લેખ તેમણે ‘હરિજનબંધુ'માં લખ્યો હતો. ત્યાર પછી ગાંધીજી પાસે લીમડીના અત્યાચારના સમાચાર તો આવ્યાં જ કરતા હતા. છેવટે ૩૧મી ઑગસ્ટે તેમણે 'લીમડી વિષે' એક લેખ લખ્યો. તેમાં જણાવ્યું કે,
"લીમડીના લોકો જોડે મારે લાંબો પત્રવ્યવહાર ચાલ્યાં કર્યો છે. પણ તેમના ઉપર જે વીતી રહેલ છે તે વિષે ઘણા વખતથી કશું પણ મેં કહેવાનું ટાળ્યું છે. મને એવી આશા હતી કે, જેઓ રાજા તેમ જ પ્રજા વચ્ચે સુલેહ કરાવવા મથી રહ્યા છે તેમના પ્રચત્નને યશ મળશે. પણ એ આશા ઠગારી નીવડી.
“ ... મારી પાસે આવેલી હકીકત સાચી હોય અને એવી ન હોવાનું માનવાને મને કશું જ કારણ નથી - તો ખેડૂતોને તેમના ઘરમાંથી શિકારનાં પ્રાણીઓની જેમ રંજાડવા અને તગડવામાં આવ્યા છે. આકરામાં આકરો સિતમ તો પેલા વાણિયા વર્ગ, જે એક કાળે રાજ્યનો મિત્ર અને આધારસ્તંભ હતા, તેમના ઉપર વરસ્યો છે. . . . આ હિજરતી વેપારીઓની દુકાનો તેમ જ ઘરબાર સાચું જોતાં લુંટવામાં જ આવ્યાં છે. એની પાછળ લોકોને થથરાવીને ડરાવી નાખવાની જ કલ્પના હતી. આ સ્થિતિમાં કેટલાક ઢીલા પડ્યા તેમાં કશું આશ્ચર્ય પામવા
- જેવું નથી. (તે વખતે કુલ ૩,૦૦૦ હિજરતીઓ બહાર રહેલા હતા. બાકીના પોતપોતાને ગામ પાછો ફર્યા હતા.) લડતનું સંચાલન કરનારાઓને મારી સલાહ છે કે, આવા ઢીલા પડેલા લોકોને રાજ્યને શરણ થતા અટકાવવાનો પ્રયાસ તેઓ ન કરે. સમાજમાં એવા લોકો હોય છે કે જેઓ પોતાની માલમિલકતને પોતાની ઇજ્જત કરતાં વધુ વહાલાં ગણે છે. આવા લોકો કોઈ પણ સ્વાતંત્ર્યની ચળવળને બોજારૂપ જ હોચ છે. લીમડીમાંની જેમની માલમિલક્ત લુંટાઈ ગઈ છે તેમણે અધ્ધર સ્થિતિમાં અથવા તત્કાળ સમાધાન થવાની આશામાં ન જ રહેવું જોઈએ. તેઓ રાજ્ય બહાર રહી ઇજ્જતના ધંધારોજગાર કરે અને હંમેશાં દૃઢ શ્રદ્ધા રાખે કે, એક દિવસ એવો ઊગ્યે જ છૂટકો છે જયારે લીમડીની પ્રજા પોતાનું ખોયેલું પાછું મેળવશે. એ દિવસ આવશે- અને તે આવવો જ જોઈએ. એ પેલાં મૂઠ્ઠીભર્ ત્યાગી સ્ત્રી-પુરુષો જેમણે આકરામાં આકરી દમનનીતિ સામે શિર ઝુકાવવા ના પાડી છે, તેમના શરાતનનું અને ફનાગીરીનું ફળ હશે.
“ હું લીમડીના ઠાકોરસાહેબને જાહેર અપીલ કરવા ઇચ્છું છું .... ડાહ્યો રાજવી આવી પ્રજાને દુભાયેલી રાખતાં પહેલાં પચાસ વાર વિચાર કરે. એ તો એવા જ નિર્ણચ કરે કે આવા આવા લોકો આવડાં કષ્ટ માથે લઈ રહ્યા છે ત્યારે ખસૂસ રાજ્યવહીવટમાં સડો હોવો જોઈએ અને પોતાના અમલદારોનો જુલમ અને અન્યાય હોવો જોઈએ.”
પણ લીમડીના રાજ્યકુટુંબને સમાધાન કરવું જ નહોતું. રૂનો બહિષ્કાર લાંબો સમય ચાલુ રહ્યો અને કેટલાંક હિજરતી કુટુંબ આખર સુધી ટકી રહ્યાં.
પછી તો એ રાજા પણ મરી ગયા. એ યુવરાજ પણ મરી ગયા અને તેનો બાળકપુત્ર ગાદીએ આવ્યો ત્યારે ચક્રવર્તી સત્તાએ રીજન્સી કાઉન્સિલ નીમી. એ કાઉન્સિલમાં ફતેહસિંહ પણ એક સભ્ય હતા. એટલે રાજ્યનું વલણ કાંઈ સુધર્યું નહીં, પણ પછી તે કાઉન્સિલ બદલાઈ. એક જ વ્યક્તિને એડમિનિસ્ટ્રેટર તરીકે નીમ્યા ત્યારે તેણે પ્રજામંડળ સાથે સને ૧૯૪૪ કે ૧૯૪પના મે મહિનામાં સમાધાન કર્યું, જેને પરિણામે ખેડૂતોને તેમની બધી જમીન પાછી મળી અને હિજરતને અંત આવ્યો.
કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ભાવનગર પ્રમાણમાં કંઈક ઉદાર અને પ્રગતિશીલ ગણાતું. એના મહારાજા પ્રજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા. એના માજી દીવાન સર પ્રભાશંકર પટ્ટણી સમયને પારખનારા હતા. ગાંધીજી સાથે તેઓ સારા સંબંધ રાખતા.
ત્યાંના પ્રજામંડળે તા. ૧૪-૫-’૩૯ના રોજ ભાવનગર પ્રજાપરિષદ ભરવાનું નક્કી કર્યું અને સરદારને એ પરિષદના પ્રમુખ તરીકે પસંદ કર્યા. સામાન્ય સંજોગોમાં તે એ પરિષદ શાંતિથી ભરાઈ ગઈ હોત અને બીજા રાજ્યોની માફક ભાવનગરમાં પણ જવાબદાર રાજ્યતંત્રની માગણી જોરથી કરવામાં આવી હોત. તા. ૩૦-૪-'૩૯ના રોજ ભાવનગરના મહારાજાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભાવનગરમાં ધારાસભા સ્થાપવાનું અને પ્રજાહિતનાં કેટલાંક પગલાં લેવાનું જાહેર કર્યું હતું. પણ પ્રજાને રાજ્યતંત્રમાં જવાબદારી આપવાનું તત્ત્વ તેમાં ઓછું હોઈ પ્રજામંડળને તેથી અસંતોષ હતો. સંભવ છે કે સરદારની દરમ્યાનગીરીથી એ સ્થિતિમાં થોડોઘણો સુધારો થાત. થોડાઘણો એટલા જ માટે લખ્યું છે કે, રેસિડેન્ટની ઈચ્છા તો પ્રજાની એ માગણીને દબાવી દેવાની જ હતી, રાજકોટ, લીમડી વગેરે રાજ્યોની માફક ભાવનગરમાં પણ પરિષદને દિવસે સરદારના સ્વાગત વખતે જે તોફાનો થયાં, તે તોફાનો કેવળ આકસ્મિક હોય એમ માની શકાતું નથી. એની પાછળ કોઈ જવાબદાર તત્ત્બોનો હાથ હોવાની શંકા જાય છે.
તા. ૧૪–૫-૩૯ના રોજ સરદાર સવારે ભાવનગરના ઍરોડ્રૉમ ઉપર વિમાનમાંથી ઊતર્યા. ઍરોડ્રોમ ભાવનગર શહેરથી છએક માઈલ દૂર હોઈ ત્યાંથી તેમને ભાવનગરના સ્ટેશને લઈ જઈને તેમનો જાહેર સત્કાર કરવાનું ગોઠવવામાં આવ્યું હતું. તે પ્રમાણે ભાવનગરનાં સાર્વજનિક મંડળો તથા આગેવાનો જેમાં મુસલમાનો પણ હતા, તેમના તરફથી હારતોરા પહેરાવવામાં આવ્યા બાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું. સરઘસ નગીના મસ્જિદ નામની એક મસ્જિદ આગળથી પસાર થતું હતું તે વખતે સરદારની મોટર ત્યાં આવી પહોંચી હશે એમ માની ત્રીસેક મુસ્લિમોનું ટોળું, મસ્જિદમાંથી બહાર ધસી આવ્યું. પણ સરદારની મોટર થોડી પાછળ હતી. પેલા ટોળા પાસે લાઠીઓ, કુહાડીઓ, છ૨! વગેરે હથિયાર હતાં. એ જોઈને શ્રી નાનાભાઈ ભટ્ટને શક જવાથી એ મસ્જિદ આગળ જ ઊભા રહ્યા. ટોળામાંથી કોઈએ તેમને ખસી જવાનું પણ કહ્યું. પણ સરદારની મોટર પસાર થઈ જાય ત્યાં સુધી ખસવાની તેમણે ના પાડી. એટલે તેમના માથામાં લાઠીનો ફટકો પડ્યો અને લોહીની ધાર વહેવા માંડી. બીજા એક કાર્યકર્તા આત્મારામ ભટ્ટ ઉપર પણ લાઠી પડી. ત્યાર પછી તો બીજા ચાર પાંચ ભાઈઓ ઉપર છરા અને કુહાડીના ઘા થયા. જખમી ભાઈઓને ઈસ્પિતાલમાં પહેાંચડાવામાં આવ્યા. એક નવજુવાન ભાઈ બચુભાઈ વીરજી પટેલ ઈસ્પિતાલમાં પહોંચતાં જ મરણ પામ્યા. બીજા એક ભાઈ શ્રી જાદવજીને માથામાં કહાડીના ધા થયેલ હોવાથી તેમનું બીજે દિવસે મરણ થયું.
શ્રી નાનાભાઈ નીતરતે લોહીએ સરદારની મેટર પાસે ગયા. સરદારે તેમને એ સ્થિતિમાં જોતાં જ પોતાની મોટરમાં લઈ લીધા અને મોટર તત્કાળ ઇસ્પિતાલ તરફ હંકાવરાવી. પાસે ઊભા રહીને શ્રી નાનાભાઈને પાટો બંધાવરાવ્યો. પછી બીજા જે ભાઈઓ ઘાયલ થઈ ને આવ્યા હતા, તેમને મળી આશ્વાસન આપ્યું. જે ભાઈ મૃત્યુ પામ્યા હતા તેમની પાસે પણ જઈ આવ્યા. ત્યાંથી જ તે દિવસનો પરિષદનો કાર્યક્રમ રદ કરવાનો હુકમ આપ્યો. તોફાની લોકો એ ધારેલો મુખ્ય શિકાર આમ અકરમાત છટકી ગયો.
સરદારે ઉતારે પહોંચી ભાવનગરની પ્રજાજોગ નીચેનો સંદેશ બહાર પાડ્યો:
"ભાવનગરના પ્રજાજનોએ જે પ્રેમ અને ઉમંગથી મારું સ્વાગત કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું.
"આજના દુ:ખદ બનાવથી રોષે ભરાવાનું કે ગભરામણમાં પડવાનું કારણ નથી. જેઓએ સરઘસ ઉપર હુમલો કરી નિદોંષ માણસો ઉપર ઘા કર્યા તેએાએ ભાન ભૂલી કેવળ ગાંડપણથી જ આ કામ કરેલું છે. એમને જ્યારે ભાન આવશે ત્યારે પોતાની મૂર્ખાઈ માટે પસ્તાવો થવો. આપણે ભૂલવું ન જોઈએ કે કેટલાયે મુસલમાન આગેવાન પરિષદના સ્વાગત મંડળમાં જોડાયેલા છે. સરઘસમાં અને સ્વાગતમાં સામેલ થઈ તેમણે પરિષદને સહકાર અને સાથ આપેલ છે. આવાં નિર્દોષ બલિદાન ઉપર જ પ્રજાઘડતરની ઇમારત રચાય છે. જે ઘાયલ થયા છે અને જેમના પ્રાણ ગયા છે તેમના પ્રત્યે આપણી પવિત્ર ફરજ છે કે તેમના નિર્દોષ બલિદાનને આપણે રોષે ભરાઈ દૂષિત ન કરવું. સૌએ શાંતિ રાખવી. પરિષદના કાર્યમાં વધારે ઉત્સાહ અને પ્રેમથી ભાગ લઈ પરિષદ શાંતિથી અને સફળતાથી પૂર્ણ કરવી.”
ગાંધીજી તે વખતે રાજકોટ હતા. તેમને સરદારે નીચે પ્રમાણે તાર કર્યો :
“ સવારે અહીં પહોંચ્યો. બધા વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. મોટું સરધસ-મસ્જિદ આગળથી લગભગ પસાર થઈ ગયું હતું તે વખતે થોડા મુસલમાનો, મારી મોટર ત્યાં આવી પહોંચી હશે એમ માની પહેલેથી નક્કી કરેલી યાજના પ્રમાણે ધસી આવ્યા અને લાઠી, કુહાડી, તથા છરા વડે સરધસ પર હુમલો કર્યો. નાનાભાઈ મારી મોટરની આગળ હતા. તેમને મેલી રમતની કાંઈક ગંધ આવી. એટલે તેઓ મસ્જિદ આગળ ઊભા રહ્યા. પેલાઓએ તેમને ચાલ્યા જવાનું કહ્યું. પણ સરદારની મોટર સહીસલામત પસાર થઈ જાય નહીં ત્યાં સુધી ત્યાંથી ખસવા તેમણે ના પાડી. તરત જ તેમના માથા ઉપર લાઠીનો ફટકો પડ્યો. પછી લોહી નીતરતે માથે તેઓ મારી મોટર પાસે આવ્યા. બીજા ચારને પણ સખત ઈજા થઈ છે. એક મૃત્યુ પામ્યા છે. બીજા એકની સ્થિતિ બહુ ગભીર છે. સરઘસ અટકાવીને નાનાભાઈને મોટરમાં લઈ લીધા અને હોસ્પિટલ તરફ મોટર હુંકારાવી. ધા ઉપ૨ પાટો બંધાવ્યો. હવે સ્થિતિ સારી છે. પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે.”
બાપુએ આ તારનો જવાબ નીચે પ્રમાણે આપ્યો :
"( તાર વાંચી ) આભો બની ગયો. ઈશ્વર આપણને દોરશે. આશા રાખું છું નાનાભાઈ અને બીજા હવે સારા હશે. વધારે વિગતોની રાહ જોઉં છું.” પરિષદની સત્કાર સમિતિએ તરત જ એક જાહેર પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે,
“ સરદાર સાહેબ તથા પરિષદની સત્કાર સમિતિ મૃત્યુ પામેલા તથા ઘાયલ થયેલા ભાઈઓ તરફ તથા તેમનાં કુટુંબ તરફ દિલસોજી પ્રદર્શિત કરે છે. કેટલાક મુસ્લિમ ભાઈઓ જેમણે એકાએક સરધસ ઉપર હુમલો કર્યો અને જેઓ આ ખેદજનક બનાવ માટે જવાબદાર છે તેમણે પોતાની કોમની સેવા તો નથી જ કરી. એમની કોમના આગેવાન પરિષદમાં જોડાયેલા છે. મુસ્લિમ કોમના આગેવાન પ્રતિષ્ઠિત વેપારીઓ તો સરદાર સાહેબનો સત્કાર કરવામાં અને તેમને હાર પહેરાવવામાં પણ હતા. આ કૃત્યથી તેઓ સૌ જરૂર દુ:ખી હશે. જેમણે આ ગાંડપણથી નિર્દોષ સ્વયંસેવકના પ્રાણ લીધા અને કેટલાકને ઘાયલ કર્યા તેમણે પ્રજાની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે અને પોતાની કોમની બદનામી કરી છે.
"પરિષદનું કામકાજ રીતસર સાંજે ચાલુ થશે. સાંજે સાત વાગ્યે પરિષદના મંડપમાં તેની ખુલ્લી બેઠક શરૂ થશે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાઈ ગયાં છે. રાજ્ય તરફથી પણ પાકો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માટે ભાવનગરના શહેરીઓ તથા આવેલા મહેમાનોએ નિ:શંકપણે પૂરા ઉત્સાહથી પરિષદમાં ભાગ લેવા પધારવાનું છે. થોડા અવળે માર્ગે ચડેલા આપણા જ ભાઈઓના કૃત્યને કારણે, અથવા તો આપણા જુવાન સ્વયંસેવકો અને આગેવાનોના લોહીના શુદ્ધ બલિદાનને કારણે આપણે જે પવિત્ર યજ્ઞ પ્રજાહિતને માટે આરંભ્યો છે એ અટકવો જોઈએ નહીંમ્. તેમાં કોઈ જાતનું વિઘ્ન આવવું જોઈએ નહીંં. પરિષદનું કામકાજ સફળતાપૂર્વક પૂરું કરવામાં મદદગાર થવા રાજ્યના પ્રજાજનોને વિનંતી છે.”
બીજે દિવસે એટલે તા. ૧૫-૫-'૩૯ના રોજ ભાવનગરના મુસલમાનોની એક જાહેર સભા થઈ. તેમાં નીચે પ્રમાણે હરાવ પસાર થયો :
“ ભાવનગરના મુસ્લિમોની આ જાહેર સભા ગઈ કાલે બની ગયેલ બનાવ તરફ રોષની લાગણી જાહેર કરે છે અને માર્યા ગયેલનાં કુટુંબીજનો પ્રત્યે દિલસોજી પ્રગટ કરે છે. ભાવનગર રાજ્યમાં હિંદુમુસલમાન ભાઈ તરીકે રહેતા આવ્યા છે અને હજી ભાઈઓ જ છે.”
તા. ૧૪મી તથા ૧૫મીના રોજ પ્રજાપરિષદની બેઠક નિર્વિઘ્ને પૂરી થઈ. તા. ૧૬-૫-'૩૯ના રોજ સમોસરણના વંડામાં આ તોફાનો વિષે તથા તેમાં શહીદ થયેલા બે ભાઈઓનું સ્મારક કરવા માટે એક જાહેર સભા થઈ તેમાં સરદારે કરેલા ભાષણમાંથી મહત્ત્વના ફકરા નીચે આપ્યા છે :
"આજે આપણે અહીં આવ્યા છીએ તેનાં કારણો તમે જાણો છો. જે કમનસીબ બનાવ બન્યો તેને પરિણામે બચુભાઈનું મૃત્યુ થયું. શ્રી નાનાભાઈ વગેરે જેઓ ઘાયલ થયા તેમાં ભાઈ જાદવજીની સ્થિતિ પહેલેથી જ ગંભીર હતી. એનો ધા એટલે ઊંડો હતો કે એના મગજનો કેટલોક ભાગ બહાર નીકળી ગયો હતો. દાક્તરોએ સારી પેઠે એની સારવાર કરી, મહેનત કરી, પણ ભાઈ જાદવજી આજે ભાવનગરની સેવા કરતા ચાલ્યા ગયા. ગઈ કાલે બચુભાઈના સ્મારકનો પરિષદે ઠરાવ કર્યો. એ જ પ્રસંગે અને એ જ નિમિત્તે ભાઈ જાદવજીના પણ પ્રાણ ગયા
- છે. આજે બપોરે પરિષદની મહાસમિતિની બેઠકમાં ઠરાવ પસાર થયો છે કે એમનું પણ સ્મારક કરવું. ભાવનગરને શોભે એવું સ્મારક પરિષદ કે મહાજન કરે. પરિષદ મહાજનની છે અને મહાજન પરિષદનું છે.
“ અંદર અંદરના કજિયાકંકાસ સમાવીને આવાં તોફાની તત્ત્વોને અળગાં પાડી દબાવી દેવા આપણે કશું ન કરીએ તો આપણા આખા સમાજ ઉપર તેઓ ચડી બેસે. આ કાળ એવો છે કે, ગુંડાઓ નાનાં નાનાં રાજ્યોને તો દબાવી દે આજે બધે વાયુમંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે.
"આ ક્ષણિક ક્રોધમાં આવીને કરેલું કામ નથી. આની પાછળ તો અગાઉથી ગોઠવાયેલી બુદ્ધિપૂર્વકની રચના છે. કોઈ તમને શાણી સલાહ આપતા હશે કે આ વસ્તુને ભૂલી જાઓ. એ શાણી સલાહ સાંભળવામાં વાંધો નથી, પણ આપણે મુરખમાં કે કાચરમાં ન ખપાવું જોઈએ. હું બધી કોમોની એકતા ચાહું છું. પણ જો સાચી એકતા સાચવવી હોચ તો જે માણસો આ કરપીણ બનાવોની પાછળ છે તેનો તાગ લેવો જોઈએ. એના હદયમાં જ્યાં સુધી પસ્તાવાની લાગણી પેદા ન થાય ત્યાં સુધી આ વાતને છોડવી જોઈએ નહીંં. આપણે મૂરખ છીએ, નબળા છીએ, એમ ન થવું જોઈએ.
"જો સ્થાનિક મુસલમાનોનો મોટો ભાગ આમાં સામેલ ન હોય તો તેમને એ સાબિત કરી દેવામાં વાંધો ન આવે. તેઓ સહેજે ખાતરી કરાવી આપશે કે તેમની કોમને આ બનાવ સાથે સંબંધ નથી.
“જે માણસો ખૂની માણસોને સંધરતા હોય, આશ્રય આપતા હોય, અથવા એમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તો એ પણ એના જેટલા જ ભયંકર છે. એવા માણસોની પણ જોખમદારી સરખી જ છે. એની સાથે મિત્રાચારી ક્યાં સુધી રાખી શકાય એ આપણે વિચારી લેવાનું છે. સાપના દરમાં ક્યાં સુધી હાથ ઘાલવો એનું જોખમ વિચારી લેવું જોઈએ. આજે આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. તે વખતે કેવળ રાજ્યસત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીંચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.
"રાજ્યને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. મુસલમાન કોમના આગેવાન માણસોને અધિકારીઓએ બોલાવ્યા હતા. તેમણે રાજ્યને ખાતરી આપ્યા છતાં આ થયું તેનો અર્થ તો એ છે કે રાજ્ય સાથે દગો રમાયો છે. એ ભેદ શોધી કાઢવો એ રાજ્યનું કર્તવ્ય છે. રાજ્યની એવી ઈચ્છા કે આવા પ્રસંગો ભુલાઈ જાય તો સારું, પણ આમ ભીનું સંકેલી મેળ બાંધવા જતાં ભવિષ્યમાં વધારે મોટું ગાબડું પડવાનો સંભવ છે. એટલે ગુનેગારોને પકડી કાવતરું કરનાર તત્ત્વોને શોધી કાઢવાં જોઈએ.
“ આ અરાજકતાનું વાતાવરણ ભાવનગરમાં જ છે એમ નથી. આખા હિંદુસ્તાનમાં આવું વાયુમંડળ છે. મારા પર પડનારા ઘા કોઈ બચુભાઈ કે જાદવજી જેવા ભાઈઓ લઈ લે છે. શ્રી નાનાભાઈને ઈશ્વરી પ્રેરણા મળી અને મારા ઉપર પડનાર ઘા એમણે ઝીલી લીધો. મારે માટે આ પહેલો પ્રસંગ નથી. મારી આસપાસ તો આવા પ્રસંગો આજકાલ થયા જ કરે છે. પણ મારી રક્ષા ઈશ્વર કરી લે છે. “જે બનાવ બન્યો છે તેને અંગે કેટલાક મુસલમાનોને પકડવામાં આવ્યા છે. મસ્જિદમાંથી મળેલાં હથિયારો કબજે કરવામાં આવ્યાં છે. પોલીસની દોડધામ અને તપાસ ચાલુ છે. આને અંગે કેસ ચાલશે અને કેટલાકને શિક્ષા થશે. પછી અરજીઓ થશે. પણ તેથી ગફલતમાં રહેશો નહીં. તમારે તો નિરંતર સાવધાન ને જાગ્રત રહેવાનું છે.”
આમ સને ૧૯૩૮-૩૯ ના વરસમાં આપણા દેશનાં ઘણાંખરાં દેશી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાની જબરી ચળવળ ચાલી અને તેમાં સરદારે આગેવાનીભર્યો ભાગ લીધો એ આપણે જોઈ ગયા. ત્રણ વખત તો - વડોદરામાં, અમરેલીથી રાજકોટ પાછા જતાં અને ભાવનગરમાં – એમના જાન ઉપર પણ જોખમ આવ્યું. પણ ઈશ્વરે એમની રક્ષા કરી લીધી. આ ચળવળોનું પરિણામ તત્કાળ તો આપણને સંતોષ થાય એવું ન આવ્યું. પણ તેને લીધે દેશી રાજ્યોની પ્રજાનો અને દેશી રાજાઓનો જે અંગત પરિચય સરદારને થયો અને દેશી રાજાઓ પણ સરદારને બરાબર ઓળખી શક્યા, તે વસ્તુ ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યા પછી દેશી રાજયોનો પ્રશ્ન ઉકેલવામાં સરદારને બહુ કામ આવી.