સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

← દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
નરહરિ પરીખ
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૩ →


૨૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડત – ૨
રાજકોટ સત્યાગ્રહ
<
સંધિ

હવે આપણે રાજકોટના સત્યાગ્રહ ઉપર આવીએ. રાજકોટનું રાજ્ય આમ તો કાઠિયાવાડનાં બીજાં રાજ્યો કરતાં નાનું છે. પણ કાઠિયાવાડની એજન્સીનું એ મથક હોઈ કાઠિયાવાડમાં રાજકોટ શહેરનું અને રાજ્યનું મહત્ત્વ વધારે છે. ગાંધીજીના પિતા કબા ગાંધી રાજકોટમાં એક વખત દીવાન હતા. રાજકોટના માજી ઠાકોર લાખાજીરાજ ગાંધીજીને પિતાતુલ્ય ગણતા અને પ્રસંગ મળ્યે ગાંધીજીને રાજકોટ બોલાવીને તેમનું બહુ સન્માન કરતા. દરબારમાં ગાંધીજીને સિંહાસન પર બેસાડી પોતે ડાબે પડખે બેસતા. એક વાર તો એમ પણ બોલેલા કે સરદાર વલ્લભભાઈ તમારા જમણા હાથ ગણાય છે તેવો હું થઈ શકું નહીં ? જવાહરલાલજી એક વાર રાજકોટ આવેલા ત્યારે તેમનું પણ જાહેર સન્માન કરેલું. આમ તેઓ નીડર, બહાદુર અને દેશપ્રેમી રાજા હતા. એજન્સીનો કશા ડર તેઓ રાખતા નહીં. પોતાની પ્રજા શી રીતે સુખી થાય તેની જ ખેવના હમેશાં રાખતા. રાજ્યતંત્રમાં પ્રજા હિસ્સો લઈ શકે તે માટે તેમણે રાજકોટમાં એક પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી હતી. અને તેની સલાહ પ્રમાણે તેઓ રાજ્યકારભાર ચલાવતા. પણ તેમના પુત્ર દીવા પાછળ અંધારું નીવડ્યા. તેમને રાજકોટની રાજકુમાર કૉલેજમાં કેળવણી મળી હતી. સરદાર કહેતા કે, “ એ કોલેજમાં તો માણસનું જાનવર બનાવવામાં આવે છે. જેને અનેક જાતના દારૂઓનાં નામ આવડે અને પીતાં આવડે તે ત્યાં હોશિયાર ગણાય. ત્યાં તો રૈયતથી અલગ કેમ રહેવું તે શીખવવામાં આવે છે.” ત્યાં કેળવણી લીધા પછી તેઓ વિલાયત ગયા. એ વિષે સરદારે કહ્યું છે કે, “ અહી જાનવર જેવા બનાવ્યા પછી ઈંગ્લંડ લઈ જવામાં આવે છે. મેં તો જોયું છે કે ત્યાંથી આવેલા રાજ કેટલાય ગમાર થઈને આવે છે. આવું જ રાજકોટના રાજાનું બનેલું. તેઓ વેશ્યાઓના નાચગાનમાં અને દારૂમાં હમેશાં ચકચૂર રહેતા. તેમના દીવાન દરબાર વીરાવાળા કરીને હતા, તેમની આંખે જ તેઓ બધું જોતા અને તે પિવડાવે એટલું જ પાણી પીતા. બાપ મૂકી ગયેલા તે મૂડી અને રાજ્યની ઊપજમાંથી જમા થયેલી રકમ તેમણે ભોગવિલાસમાં ઉડાવી નાખી. જોતજોતામાં તિજોરીનું તળિયું દેખાયું.

આપણે આગળ જોઈશું કે રાજકોટની લડતમાં ગાંધીજીને પણ ભાગ લેવો પડ્યો હતો. એટલું જ નહીં પણ રાજાનું વચન પળાવવા ખાતર તેમને ઉપવાસ આદરવા પડેલા. એને લીધે નાનું અમથું રાજકોટ કેવળ હિંદુસ્તાનમાં જ નહીં પણ આખી દુનિયામાં ગવાયું.

રાજ્ય નાનું અને ઉપર કહ્યું તેમ ખર્ચ આંધળું એટલે દીવાને આવક વધારવાના અવળા માર્ગો લેવા માંડ્યા. શહેરમાં દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘરોના ઈજારા આપવા માંડ્યા. દાણા માર્કેટ જેવાં મકાનો વેચવા કાઢ્યાં. શહેરનું પાવર હાઉસ ગીરો મૂકવાની વાત ચાલી. 'કાર્નિવલ' નામની મોજશોખ અને રમતગમતની એક સંસ્થાને રાજકોટમાં નોતરી. એને જુગાર ખેલવાનો ઈજારો આપીને તેમાંથી પૈસા પેદા કરવાબો રસ્તો ઊભો કર્યો. ખેડૂતોની ખેતી જાતજાતના કરવેરાને લીધે પાયમાલ થઈ ગઈ. શહેરના વેપારરાજગાર ભારે જકાતોને લીધે ખોરવાઈ ગયા. ભોગવિલાસની પાછળ લખલૂટ ખર્ચ થયું. આમ આખા રાજ્યમાં અંધેર વ્યાપી ગયું. તેવામાં એક નાનું છમકલું બન્યું તેમાંથી આ જગવિખ્યાત લડતના મંડાણ મંડાયાં. રાજ્યની માલિકીની એક કાપડની મિલ રાજકોટમાં હતી. તેમાં મજૂરો પાસે ચૌદ કલાક કામ લેવાતું. એ હાલત ન સાંખી શકાતાં મજૂરોએ પોતાનું સંગઠન કર્યું. દરબાર વીરાવાળાએ હુકમ આપ્યો કે મજૂરોને સીધા કરો, તોફાનીઓને હદપાર કરો, ઢીલાપોચાને દાટી આપો અને બાકીનાને સમજાવો. પંદર મજૂર આગેવાનોને હદપાર કરવામાં આવ્યા. આગેવાનો હદપાર થતાં હડતાલ પડી. દરબાર વીરાવાળા સમો વર્તી ગયા. હદપારીના હુકમ તેમણે રદ કરાવ્યા અને મજૂરો સાથે વીસ દિવસમાં સમાધાન કરી લીધું. આ પતી ગયા પછી ગોકળ આઠમનો મેળો આવ્યો. એ મેળામાં રાજકોટમાં જુગારના પાટલા મંડાય છે. એ જુગારની સામે અગાઉથી વાતાવરણ તૈયાર કરવા એજન્સીની હદમાં તા. ૧૫-૮-'૩૮ના રોજ એક જાહેરસભા ભરવામાં આવી. દરબાર વીરાવાળાએ એજન્સીના પોલીસ અમલદારોને અગાઉથી સાધીને એવો બેત રમ્યો કે સભા ઉપર એજન્સીની પોલીસ લાઠીમાર કરે અને ત્યાંથી નાસીને લોકો રાજ્યની હદમાં પ્રવેશ કરે કે રાજ્યની પોલીસ એ નાસતા લોકોને ફરીથી લાઠીઓ વડે ઝૂડવા તૈયાર રહે. રાજકોટના આગેવાન શ્રી ઢેબરભાઈને આ વાતનો અણસારો કાને આવેલો. પ્રજાને એજન્સીની સાથે કશી તકરાર નહોતી. પણ રાજ્ય સામે પ્રચાર કરવા એજન્સીની હદમાં ઘણી વાર સભાઓ ભરાતી તેમ આ સભા પણ રાખેલી. એટલે તેઓ એજન્સીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી જોષીને મળ્યા. એને કહ્યું કે અમારો ઝઘડો એજન્સી સાથે નથી. પણ સભાની જાહેરાત થઈ ગઈ છે એટલે લોકો તો ભેગા થશે. પણ તમે સભાબંધીનો હુકમ કરો તો વગર તકરારે શાંતિપૂર્વક આખી સભાને લઈને અમે રાજયની હદમાં ચાલ્યા જઈશું. આવી ગોઠવણ કરીને એ. ડિ. મે. તથા પોલીસ અમલદારની સાથે જ તેઓ સભામાં આવ્યા. પણ એ પોલીસ અમલદાર સભાબંધીનો હુકમ સંભળાવે તે પહેલાં જ પોલીસે તો પોતાની પહેલાંની ગોઠવણ પ્રમાણે એકદમ સભા ઉપર લાઠીમાર શરૂ કરી દીધો. પેલા અમલદારે સીટી મારીને પોલીસને રોક્યા અને મંચ ઉપરથી લોકોની માફી માગી. પછી ઢેબરભાઈ ત્યાંથી જ આખી સભાને રાજકોટ શહેરની હદમાં લઈ ગયા. એજન્સીના વડા પોલીસ અમલદારે લેાકોની માફી માગ્યાની વાત જાહેર થઈ એટલે પહેલાંની યોજના પ્રમાણે રસ્તામાં તો રાજયની પોલીસે લોકોને માર્યા નહીં, પણ સભા ભરાઈ એટલે મૅજિસટ્રેટે સભાને ગેરકાયદે જાહેર કર્યા પહેલાં જ પોલીસ એકદમ સભા ઉપર તૂટી પડી. ઢેબરભાઈ વગેરે આગેવાનોને પણ માર પડયો. અને ત્યાંથી જ ઢેબરભાઈને તથા બીજા થોડા આગેવાનોને ગિરફ્તાર કરવામાં આવ્યા. આ ક્રૂર લાઠીમારથી તથા આગેવાનોની ગિરફતારીથી શહેરમાં હાહાકાર વર્તી ગયો અને સખત હડતાલ પડી. જે ચોકમાં લાઠીમાર થયો હતો તે જ ચોકમાં રોજ રાત્રે સભાઓ થવા માંડી, જોકે પછીથી ત્યાં લાઠીમાર થયો નહીં. પણ ભાષણ કરનારાઓની ધરપકડ થવા લાગી. લોકોનો જુસ્સો વધતો જ જતો હતો એટલે દરબાર વીરાવાળાએ ચાલ બદલી. પાંચ દિવસ પછી બરાબર ગેાકળ આઠમને દિવસે જ ઢેબરભાઈ વગેરે આગેવાનોને જેલમાંથી છોડી મૂક્યા. તેઓ સીધા મેળામાં પહોંચ્યા. જુગારના પાટલાવાળા અગાઉથી રફુચક થઈ ગયા હતા. આમ પ્રજાનો વિજય થયો.

સરદારને ઢેબરભાઈના છૂટવાના સમાચાર મળતાં જ તા. ૨૨-૮-૩૮'ના રોજ કરાંચી જતાં ગાડીમાંથી તેમણે નીચે પ્રમાણે સંદેશો તેમને મોકલ્યો :

:તમે છૂટ્યા બાબત તમને મુબારકબાદી આપું છું. રાજકોટ રાજ્યને કોઈ સારા સલાહકાર મળ્યા એથી રાજ્યની કબર ખોદાતી અટકી પડી છે. હાલતુરત તો રાજકોટ ઉપર ઘેરાયેલું વાદળ વીખરાઈ ગયું છે. તમારા બધાના છૂટવાથી તમારી જવાબદારી ઓછી નથી થતી. ખરી જવાબદારી તો હવે જ શરૂ થાય છે. રાજ્ચમાં ચાલતી અંધાધૂધીથી અકળાયેલી પ્રજાએ તમારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યો એ તો એણે તમારા ઉપર બાંધેલી આશાઓનો પડેલો પડઘો છે. એની વાજબી આશાઓ પૂરી કરવા મરી મીટવાનો નિશ્ચય કરી ભવિષ્યના કાર્ય ની રૂપરેખા દોરવી એ આપણો ધર્મ છે.

"શ્રી લાખાજીરાજના સ્વર્ગવાસ પછી રાજકોટમાં રાજા પ્રજાનો સંબંધ બદલાઈ ગયો છે. રાજ્ય પ્રજાને ખાતર નભવાને બદલે પ્રજા રાજ્યને ખાતર જેમ તેમ જીવે છે. રાજ્ય પ્રજાની છાતી ઉપર ચડી બેઠું છે. ગરીબ પ્રજાને રોજબરોજની સામાન્ય જરૂરિયાતની વસ્તુના ઇજરા આપી, પ્રજાને ભૂખે મારી ભોગવિલાસને પોષવાને ખાતર પ્રજાને લુંટવાના નવા નવા પ્રકારના માર્ગ ખોલ્યા છે. જુગાર અટકાવવા જેવી નિર્દોષ પ્રવૃત્તિને પણ રાજ્ય બરદાસ્ત કરી શકતું નથી. આખરે જાહેર પ્રજાના સર્વસામાન્ય હક્કો પર હુમલો કરી જાહેર સભા ઉપર વગર ચેતવણીએ લાઠીમાર ચલાવી, તમને અને તમારા સાથીઓને જેલમાં પૂરવાની ધૃષ્ટતા કરી. તમને અને રાજકોટની પ્રજાને આકરી કસોટીએ ચડાવવાનો પ્રયોગ કર્યો. કૂવાના દેડકાની માફક રાજકેટના ખૂણામાં ભરાઈ રહેલા સત્તાધીશ જગતમાં શું ચાલી રહ્યું છે અને આજનું ભારતવર્ષ કયે માર્ગે અને કઈ ગતિએ આગળ વધી રહ્યું છે તે તથા આજની દુનિયામાં એમનું સ્થાન ક્યાં છે એ જોઈ શકતા નથી.

“ આ સંજોગોમાં રાજ્યને પોતાનું સાચું સ્થાન બતાવવું અને પ્રજાના પ્રાથમિક હક્કો પર ફરીથી કોઈ કાળે હુમલો ન થાય અને પ્રજાને ખાતર જ રાજ્ય ચાલે એવી યોજના તૈયાર કરી પ્રજાની સંમતિ મેળવી તેની પાછળ રાજકોટના પ્રજાબળને એકત્રિત કરવા તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ. તે માટે પહેલી તકે એકાદ અઠવાડિયામાં રાજકોટ રાજ્યની સમગ્ર પ્રજાની એક સભા ભરવી અને એ સભા પાસે ચોક્કસ યોજના રજૂ કરી, જે યોજના મંજૂર થાય તેનો અમલ કરવાનો કાર્યક્રમ વિચારી લેવા તજવીજ કરવી.

“ હું કરાંચી જાઉં છું, ત્યાંથી પાછા ફરતાં લોકસભા ભરાશે તો તેમાં હાજર રહેવાની ઉમેદ રાખું છું.”

ઉપરનો સંદેશ મળ્યા પછી તા. ૫મી સપ્ટેમ્બરે રાજકોટ રાજ્યની પ્રજાપરિષદ ભરવાનું નકકી કરવામાં આવ્યું. ગામડે ગામડે પરિષદના ખબર પહોંચાડી દેવામાં આવ્યા. દરબાર વીરાવાળાએ એની વિરુદ્ધ પેંતરા રચવા માંડ્યા. સનાતનીઓ પાસે, મુસલમાનો પાસે, ગરાસિયાઓ પાસે અને છેવટે ખેડૂતો પાસે પણ ગાંધીજી અને સરદારને તાર કરાવ્યા કે અમારા રાજ્યમાં શાંતિ છે અને પરિષદ ભરવાની કશી જરૂર નથી. સરદારને બીજા તારોનું તો આશ્ચર્ય ન થયું પણ ગામડાના ખેડૂતોને નામે થયેલ તાર જોઈ ને એમને આશ્ચર્ય થયું. એમણે ઢેબરભાઈને તાર કરીને પુછાવ્યું કે આ શું છે ? ઢેબરભાઈ એ જણાવ્યું કે આ બધું તો તરકટ છે. તાર ઉપર સહી કરનારામાંથી પણ ઘણા ફરી ગયા છે અને કહે છે કે અમને ખોટું ખોટું સમજાવીને અમારી સહીઓ લીધી છે. છેવટે નક્કી કરેલી તારીખે પરિષદ થઈ અને સરદારે તેમાં હાજરી આપી. પરિષદમાં જવાબદાર રાજતંત્રનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. જવાબદાર રાજતંત્રની સમજણ આપતાં સરદારે કહ્યું :

“તમે જાણો છો કે હરિપુરા કૉંગ્રેસે દેશી રાજ્યોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનો આદેશ આપ્યો છે. પગભર થતાં શીખવાનો સિદ્ધાંત જગજાહેર છે. જેમ પડોશી મરે અને આપણે સ્વર્ગમાં ન જઈ શકીએ એવું જ સ્વતંત્રતાનું છે. સ્વતંત્રતા જો આપણે જોઈતી હોય તો આપણે આપણા પગ ઉપર ઊભા રહેવું જોઈએ.

“ એક કાળ એ પણ હતો કે આપણી માગણીઓ હળવી હતી. આજે આપણી તાકાત વધી છે. એટલે આપણે નક્કર માગણીઓ કરી રહ્યા છીએ. આજની સભા તો તમારે જવાબદાર રાજતંત્ર જોઈએ છે એટલા માટેની છે. આપણે રાજાને પદભ્રષ્ટ કરવા ઇચ્છતા નથી. આપણે એની સત્તા ઉપર મર્યાદા મૂકવા માગીએ છીએ. ભવાઈની પાછળ, ગાનારીએાનાં નખરાં પાછળ, અને વેશ્યાઓના નાચ પાછળ રાજા જો લખલૂટ ખર્ચ કરે અને ખેડૂતો ભૂખે મરે તો તેવું રાજ્ય ટકે નહીં. એટલે રાજાના ખર્ચ ઉપર મર્યાદા મૂકવાની માગણી પ્રજા કરે તેમાં કશી નવાઈ નથી. હું તો અહીંચાં એ તપાસ કરવા આવ્યો છું કે પ્રજા ખરેખર શું ઇચ્છે છે ? મેં જોયું છે કે પ્રજા રાજતંત્રમાં પલટો ઇચ્છે છે. તંત્રમાં જવાબદારી સંભાળવા જેટલી પ્રજા લાચક નથી એમ કોણ કહે છે ? જે કહેતા હોય તેણે દિલને પૂછવું જોઈએ કે આપણી પોતાની લાયકાત કેટલી છે ? પહેલાં બ્રિટિશ હિંદમાં પણ એમ જ કહેવાતું કે પ્રજા તૈયાર નથી. પણ પ્રજાએ માથાં ફોડાવ્યાં અને આજે માથાં ફોડાવનારાઓ જ પ્રધાન થઈને બેઠા છે. રાજકોટની પ્રજા એવી ઉમેદ ન રાખે કે, કૉંગ્રેસના બળથી એમને સત્તા મળી જશે. એ માટે તો એમણે જ ભોગ આપવા તૈયાર થવું પડશે. તમારો જો નિશ્ચય હશે તો કોઈ તમારી પ્રગતિ રોકી નહીં શકે. બધા રાજાઓ ભેગા થશે તોપણ તેઓ કશું કરી શકશે નહીં.”

દરબાર વીરાવાળાએ તે જ દિવસે સરદારને ચા માટે પોતાને બંગલે બોલાવ્યા. સારી પેઠે વાતો થઈ. મુલાકાત પછી સરદારે દરબાર વીરાવાળાને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે, “મારા આવવાથી રાજા અને પ્રજા વચ્ચે જે તંગદિલી ચાલતી હતી તે ઓછી થઈ છે તેથી હું રાજી થયો છું. તમારા મનમાં પણ એવો ભચ હતો કે મારા રાજકોટ આવવાથી લોકો એટલા બહેકી જશે કે તેમાંથી હિંસા ફાટી નીકળશે. પણ તમે જુઓ છે કે એવું કશું થયું નથી. લોકોના ઉત્સાહ ઉપરથી તમારી ખાતરી થઈ હશે કે આવાં બળોને બરાબર અંકુશમાં ન રાખવામાં આવે તો તે ખોટે રસ્તે ચઢી જાય છે, અને તેનાં પરિણામ રાજા તેમ જ પ્રજા બંનેને માટે ભયરૂપ નીવડે છે. પણ રાજા તેમ જ પ્રજાની વચ્ચે શાંતિ સ્થપાય અને સદૂભાવ વધે એ જાતના મારા પ્રયત્નની તમે કદર કરો છો, એ જાણીને હું બહુ રાજી થયો છે. લોકોમાં રાજ્યની સામે જે અસંતોષ વ્યાપ્યો છે, તેનાં મૂળ કારણ શોધી કાઢી રાજ્યે શું શું કરવું જોઈએ એ વિશે મારી સૂચનાઓ તમે માગી હતી, તે હું મોકલી આપું છું.

"રાજ્યના મિત્ર તરીકે મારી સલાહ એવી છે કે નીચેના ફેરફાર રાજ્યે વિના વિલંબે કરવા જોઈએ :

૧. રાજ્યે તરતમાં જ એક જાહેરનામું બહાર પાડીને લોકોને જણાવવું કે ઠાકોરસાહેબનો ઇરાદો પોતાના રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવાનો છે. પછી ઠાકોરસાહેબે રાજ્ય તથા પ્રજા બંનેને માન્ય હોય એવા તેના પ્રતિનિધિઓની એક કમિટી નીમવી. છેલ્ંલા પગલા તરીકે બને તેટલા વહેલા જવાબદાર રાજ્યતંત્ર તરફ લઈ જાય એવા સુધારાની યોજના એ કમિટી ઘડી કાઢે.
૨. રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવાના ઇરાદા વિષે લોકોને શ્રદ્ધા પડે અને અત્યારનો અવિશ્વાસ દૂર થાય એટલા માટે નીચેનાં કાર્યો તાત્કાલિક કરવામાં આવે :

(ક) પ્રતિનિધિ સભાની ચૂંટણી તાબડતોબ જાહેર કરવી.
(ખ) રાજ્યની આવકના અમુક પ્રમાણમાં દરબારી ખર્ચની ૨કમ નક્કી કરવી અને તેનો વધારેમાં વધારે આંકડો જાહેર કરવો.
(ગ) ખેડૂતો ઉપર જમીન મહેસૂલનો બોજો બહુ ભારે છે, માટે અત્યારના દરમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરવો.
(ધ) અત્યારે ચાલતા તમામ ઇજારા રદ કરવા.

"ઉપરની સૂચના વિશે તમારા હજૂર સેક્રેટરી શ્રી તલકસીભાઈ તથા રાજ્યના આગેવાન કાર્યકર્તાઓ સાથે મેં ચર્ચા કરી લીધી છે. રાજ્યના બીજા કેટલાક મિત્રો જેઓ સ્વતંત્ર વિચાર ધરાવે છે અને જેઓ તટસ્થ છે, તેમની સાથે પણ મે વાત કરી લીધી છે. હું આપને એટલું ન જણાવી દઉંં તો મારી ફરજમાં ચૂક્યો ગણાઉં કે આ માગણીઓ ઓછામાં ઓછી છે. રાજ્ય સદ્દભાવપૂર્વક એનો સ્વીકાર નહીં કરે તો બહુ તીવ્ર લડત પછી તો તેણે તે માગણીઓ સ્વીકારવી જ પડશે. એવી લડત ઊપડશે તો રાજ્ય પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસશે, રાજ્યની આવકને બહુ નુકસાન થશે, અને રાજા અને પ્રજા વચ્ચેના સારા સંબંધ હંમેશને માટે તૂટી જશે. "એટલે આશા રાખું છું કે તમે આ વસ્તુ ઠાકોરસાહેબ આગળ મૂકશો અને વિના વિલંબે આ સૂચનાઓનો અમલ કરવાનું તેમને સમજાવશો.”

એક તરફથી દરબાર વીરાવાળા સરદાર સાથે ઉપર પ્રમાણે મસલત ચલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફથી તેઓએ એક નવો જ ઘાટ ઘડવા માંડ્યો હતો. તા. ર૫-૮-'૩૮ના રોજ એમણે ઠાકોરસાહેબ પાસે રેસિડેન્ટ મિ. ગિબ્સન ઉપર કાગળ લખાવ્યો હતો કે,

“મારા દીવાન દરબાર વીરાવાળાની તબિયત એક વર્ષ થચાં સારી રહેતી નથી અને કેટલાક અસંતોષીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે રાજ્યમાં ખોટી ચળવળ ઊભી કરી છે. અહીં એજન્સીનું મથક હોવાથી ચળવળને માટે તેમણે મારું રાજ્ય પસંદ કર્યું છે. આવે વખતે અહીં બાહોશ અને અનુભવી અંગ્રેજ દીવાન હોય તો તેઓ આ ચળવળને દાબી દઈ શકશે. મારા ધ્યાનમાં સર પેટ્રિક કૅડલ આવે છે. તેઓ અત્યારે નિવૃત્ત થઈને વિલાયત ગયેલા છે, પણ હું તેમને માસિક રૂ. ૨૫૦૦નો પગાર આપીને શરૂઆતમાં છ મહિના માટે અને જરૂર પડે તો એક વર્ષ માટે રોકી લેવા તૈયાર છું. મેં તેમને તાર કરીને પુછાવ્યું છે અને તેમણે આવવા ખુશી જણાવી છે. એટલે તેમની નિમણૂકને આપ મંજૂરી આપશો અને નામદાર વાઈસરૉય સાહેબની મંજૂરી પણ મેળવી આપશો. આવતા મહિનાની પાંચમી તારીખે કૉંગ્રેસવાળા રાજકોટમાં સભા કરવાના છે. તે પહેલાં મંજૂરી આવી જાય તો સારું.”

સર પેટ્રિક કેડલને બેલાવવાની મંજૂરી તા. ૩૦મી ઓગસ્ટે આવી ગઈ. પણ પાંચમી સપ્ટેમ્બર પહેલાં કેંડલ સાહેબ રાજકેટ આવી શક્યા નહીંં. બારમી સપ્ટેમ્બરે તેઓએ આવીને દીવાનનો ચાર્જ સંભાળી લીધો. દરબાર વીરાવાળા હાકેારસાહેબના ખાનગી સલાહકાર બન્યા. પાછળ રહી લાકડાં લડાવવાનું તો તેમણે ચાલુ જ રાખ્યું.

આ નવા દીવાન બ્રિટિશ હિંદમાં નોકરી કર્યા પછી વિલાયત જતા પહેલાં ઘણાં વર્ષ જૂનાગઢના દીવાન રહ્યા હતા. રાજકોટ આવ્યા ત્યારે બોતેર વર્ષના ઘરડા ખખ હતા. દરબાર વીરાવાળાએ એમને રૈયત ઉપર કડપ બેસાડવા બોલાવ્યા હતા. પણ દમન કરવામાં તેઓ વીરાવાળા ઈચ્છે એટલી ગતિએ ચાલે એમ ન હતા. થોડા દિવસ તો તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં ગાળ્યા. પછી ઢેબરભાઈ સાથે સુલેહની થોડીઘણી વાટાધાટો કરી પણ તેમાં કશું નીપજયું નહીં. અને લોકો તો રાજ્યના જુલમથી અકળાઈ રહ્યા હતા. તેમને સમજાવવા તા. ૨૮મી સપ્ટેમ્બરે કૅડલસાહેબે દરબારી ગેઝેટમાં એક જાહેરનામું બહાર પાડ્યું, પણ તેથી લોકોને સંતોષ ન થયો. એટલે પરિષદમાં ઠરાવેલી મુદત પૂરી થતાં ઈજારાવાળી દીવાસળીની પેટીનું જાહેર લિલામ કરી ઢેબરભાઈએ સત્યાગ્રહનું મંગળાચરણ કર્યું. તેમને પંદર દિવસની સજા કરવામાં આવી. રાજ્ય તરફથી સભા તથા સરઘસબંધીના હુકમ કાઢવામાં આવ્યા. ઈજારાઓનો અને આ હુકમનો ભંગ કરી લોકોએ જેલ ભરવા માંડી. ચળવળ ગામડાંમાં પહોંચી. તા. ૧લી ઓકટોબરે રાજકોટથી વીસેક માઈલ દૂરના હલેન્ડા ગામે લોકોએ કૂચ કરી ગામડાંને જગાડ્યાં. શહેરની ચળવળને તો વહેલીમોડી દાબી શકાશે પણ ગામડાંના ખેડૂતો જાગશે તો રાજ્યને ભારે પડશે એમ કૅંડલસાહેબ માનતા હતા. તે માટે સામ, દામ, દંડ, ભેદ એ બધા ઉપાયો અજમાવવાનો તેમણે વિચાર રાખ્યો. તેમણે ગામડાંમાં ફરવા માંડ્યું અને લોકોને સમજાવવા માંડયું કે આ ચળવળયાઓની વાત માનવાને બદલે તમારાં જે દુ:ખ હોય તે મને સીધી અરજી કરીને જણાવશો તો હું તે દૂર કરીશ.

તા. ૧લી ઓક્ટોબરે તેમણે ઠાકોર સાહેબ ઉપર એક કાગળ લખ્યો. તે ઉપરથી ઠાકોર સાહેબની અને રાજ્યની દુર્દશા તે વખતે કેવી હતી એનો ખ્યાલ આવે છે. કૅંડલસાહેબે ઠાકોર સાહેબને લખ્યું કે,

“ કાલે રાત્રે આઠ વાગ્યા પહેલાં મેં આપને રાજ્ચના બહુ અગત્યના કામસર મળવાની માગણી કરેલી. એથી મોડું થાચ એ મને અનુકૂળ ન હતું. છતાં આપે સાડા આઠનો વખત આપ્યો. તે વખતે હું આવ્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે બાપુ સ્નાન કરે છે. નવ વાગ્યા સુધી મેં રાહ જોઈ, ત્યારે મને કહેવામાં આવ્યું કે હજી અર્ધોએક કલાક લાગશે, એટલે હું ચાલ્યો ગયો. મેં આવા ભારે અસભ્ય વર્તનની આશા નહોતી રાખી. ઇંગ્લંડથી તમને મદદ કરવા હું અહીં આવ્યો છું, પણ તમારા ઢંગ તો જુદા જ દેખું છું. આ સ્થિતિ વધુ વખત ચાલી શકે એવી નથી. રાજ્યમાં બધું અંધેર ચાલે છે. રાજ્યની સામે જે ફરિયાદો છે તે તમારા પોતાના વર્તનને કારણે જ છે. રાજ્યની આવકનો બહુ મોટો ભાગ તો તમે જ રાજાને ન શોભે એવે માર્ગે ખર્ચી નાખો છો. રાજ્યના વહીવટમાં તમે કશો ભાગ લેતા નથી. પ્રજાના કલ્યાણનો પણ કશો વિચાર કરતા નથી. તમારા પિતાશ્રી જે રીતે રાજ્ય ચલાવતા તે કરતાં તમારું વર્તન એટલું બધું જુદું છે કે તે નજરે તરી આવ્યા વિના રહેતું નથી. તમે કશું જ કામ કરતા નથી. દમનકારી ઉપાયના અપજશનો બધો બોજો તમારા અમલદારોને વહોરવો પડે એ વાજબી નથી. તમારે દરરોજ દરબારમાં આવીને બેસવું જોઈએ અને લોકોની અરજીઓ સાંભળવી જોઈએ. આજે તહેવારનો દિવસ (માતાની આઠમ) છે. એટલે સાંજે સાડા પાંચ વાગ્યે તમારે શહેરમાં ફરવા નીકળવું જોઈએ. આપની ઇચ્છા હશે તો હું પણ સાથે નીકળીશ.”

ઠાકોરસાહેબને તો આ કાગળ વાંચવાની ફુરસદ નહીં હોય પણ દરબાર વીરાવાળાએ તા. રજીએ આનો જવાબ લખાવ્યો કે,

"અત્યારની ચળવળ એ તો કૉંગ્રેસવાળાઓએ દેશી રાજ્યમાં જવાબદાર રાજતંત્ર મળવું જોઈએ એવી જે હવા ચલાવી છે તેનું પરિણામ છે. પણ તમે મને જે

જાતનો કાગળ લખ્યો છે, તે જોતાં આપણો મેળ લાંબો વખત ચાલી શકે નહીં. તમારે મારું માન સાચવીને મારી નીતિને અમલમાં મૂકવા અહીં રહેવાનું છે.”

કૅંડલે બિચારાએ બને તેટલો ઠાકોર સાહેબને અનુકૂળ થવાનો પ્રયત્ન કર્યો. પણ દરબાર વીરાવાળાને લાગી ગયેલું કે આપણે કૅંડલને લાવીને કાંઈ કાંદા કાઢ્યા નથી. એટલે તા. ૧૬ મી ઑકટોબરે રેસિડેન્ડ મિ. ગિબ્સન ઉપર ઠાકોરસાહેબ પાસે એણે કાગળ લખાવ્યો. એ કાગળમાં આગેવાનો તથા કાર્યકર્તાઓ માટે લાધવભર્યા વચનો વાપરેલાં છે અને રૈયતનો તેમને સાથ બરાબર નથી એવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે. છતાં રાજ્યની હાલતને અને રાજયમાં ચાલતી ચળવળને જેવો ખ્યાલ તેમાંથી મળે છે. તે બીજા કોઈ અહેવાલમાંથી ભાગ્યે જ મળી શકે. એટલે એ કાગળ જ નીચે આપ્યો છે :

"મારા રાજ્યમાં કમનસીબે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે આપને જણાવતાં મને બહુ દુ:ખ થાય છે. આપ જાણો છો કે પહેલાં ઊપડેલી ચળવળને લીધે ઢેબર સુધ્ધાં ૩૫ માણસને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. સાતમ અને આઠમના તહેવારોના ત્રણ દિવસ અગાઉ મૅજિસ્ટ્રેટના હુકમથી પોલીસે હળવો લાઠીચાર્જ કરેલો એને લીધે લોકોએ હડતાલ પાડેલી. છતાં સાતમ અને આઠમ (શીતળાસાતમ અને ગોકળ આઠમ) ને દિવસે હંમેશ મુજબ મેં મારી સવારી કાઢેલી તે વખતે લોકો બહુ શાંતિ અને અદબથી વર્ત્યા હતા. ગોકળ આઠમને દિવસે સવારે કેટલાક લોકો મારી પાસે આવ્યા અને મને અરજ કરી કે મારે દયા બતાવીને અટકાચતીઓને છોડી દેવા જોઈએ અને સભાબંધીના હુકમો રદ કરવા જોઈએ. અરજ માન્ય રાખીને એ પ્રમાણે મેં હુકમ આપ્યા તે આપ જાણો છો.

"થોડા દિવસ પછી શહેરમાં પ્રજાપરિષદ ભરાઈ તેમાં સાતથી આઠ હજાર માણસો ભેગાં થયેલાં. પણ અર્ધા ઉપરાંત તો નાનાં છોકરાં હતાં. હજારેક માણસ સિવિલ સ્ટેશનના હતા અને બાકીના શહેરના હતા. એ પરિષદમાં વલ્લભભાઈ આવેલા હોવા છતાં આબરૂદાર માણસો બહુ થોડા હતા. વલ્લભભાઈની ઉશ્કેરણીથી લોકો વધારે બહેક્યા અને ચળવળ વધારે જોશમાં ઊપડી. એટલે મેં સર પેટ્રિક કૅંડલને લાવવાનો વિચાર કર્યો, એવી આશાથી કે વહેલામાં વહેલી તકે તેઓ ચળવળને દાબી દઈ શકશે અને રાજ્યમાં સુલેહશાંતિ ફેલાવશે. તેમને લાવવામાં આપે પણ મને મદદ કરી છે. તેઓ ૧૧મી સપ્ટેમ્બરે અહીં આવ્યા અને ૧૨મી સપ્ટેમ્બરે દીવાનનો ચાર્જ સંભાળી લીધો. મારો ખ્યાલ એવો છે કે ચળવળ તે વખતે ઠીક ઠીક કાબૂમાં આવી ગઈ હતી. તેને નિર્મૂળ કરી નાખવા તેઓ વખતસર પગલાં લેશે એમ મેં ધારેલું. પણ પરિસ્થિતિથી માહિતગાર થવા માટે તેમણે વખત માગ્યો. તેમની વૃત્તિ તાબડતોબ કંઈ પગલું લેવાની જણાઈ નહીં અને દિવસો જતા ગયા તેમ પરિસ્થિતિ વધારે મુશ્કેલ અને કાબૂ બહાર જતી ગઈ. દીવાસળીના ઇજારાને ખુલ્લી રીતે અને રાજ્યને પડકાર આપીને ભંગ કરવામાં

આવ્યો. કંઈક કરવું જોઈએ એમ મને લાગ્યું. પણ લોકોના નેતા ઢેબરની સાથે દીવાન કૅંડલે બહુ ઢીલી રીતે કામ લીધું, એટલે સુધી કે તેણે ધૃષ્ટતાપૂર્વક કરેલા કાયદાભંગ માટે તેને માત્ર પંદર દિવસની સાદી કેદની સજા કરવામાં આવી. મારે આપને જણાવવું જોઈએ કે ઢેબરને તત્કાલ પકડવાને બદલે બીજે દિવસે પકડવામાં આવેલ. વળી ચળવળિયાઓ ગામડાંમાં પહોંચીને ત્યાં ધમાલ કરી મૂકે તેની સામે યોગ્ય અને ચાંપતા ઇલાજો તો લેવામાં આવ્યા જ નહીંં. એને લીધે તેઓ મોટા ભાગનાં ગામડાંના ખેડૂતોના દિલમાં ઝેર રેડી શક્ચા. પરિણામે તેઓ રાજ્યના અમલદારોની સામે ઉદ્ધત બન્યા અને રાજ્ય સામે લડવાને તથા તેને શક્ય તેટલું નુકસાન કરવાને કટિબદ્ધ થયા. રાજ્યની બેંક, વીજળીઘર, તથા બીજાં ખાતાંઓ ઉપર પણ તેઓ હુમલા કરવાનું ચૂક્યા નથી. ચળવળ આટલે દરજજે પહોંચે તે પહેલાં મજબૂત હાથે કામ લેવાની જરૂર હતી. પરંતુ સર પેટ્રિકે કશું જ કર્યું નહીં. તેને લીધે જ જે રૈયત પહેલાં વફાદાર હતી તે આજે રાજ્યની સામે થઈને બેઠી છે, અને ખુલ્લી રીતે બેવફા હોવાના પોકાર કરતી થઈ છે. મનાઈ હુકમના અભાવે રાજ્યમાં સભાઓ તો રોજની થઈ પડી છે. ચળવળનું જોર બહુ જ વધી ગયું એટલે મેં રાજ્યના અમલદારોને ભેગા કર્યા અને લોકોને અમુક રાહત આપવાનું નક્કી કર્યું. રાહત આપવાનું કબૂલ કરતી વખતે મેં સર પેટ્રિકને ખાસ જણાવેલું કે મારી રૈયતને આવી છૂટછાટ આપવાની હું વિરુદ્ધ નથી, પણ હું ઢેબરને છોડવાના મતનો નથી. કારણ એને છોડીશું તો એ વધારે તોફાન ઊભું કરશે અને ચાલે છે એ કરતાં પણ વિશાળ પાયા ઉપર અને વધારે ગંભીર પ્રકારની ચળવળ ચલાવવા માટે સૂચનાઓ લેવા વલ્લભભાઈ પટેલ પારો દોડશે. પણ સર પેટ્રિક મારી સાથે સંમત થયા નહીં. તેમનું કામ સરળ કરી આપવાની ખાતર નાખુશીથી તેમની નીતિને મેં ટેકો આપ્યો. દશેરાને દિવસે (૩ ઓકટોબરે ) શું બન્યું તે આપે સાંભળ્યું હશે. તે દિવસે રાજ્યનો જે ફેસ્તો થયો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સર પેટ્રિકે નજરોનજર તે જોયું છે. ઢેબરને તા. ૧૧મી ઓકટોબરની રાત્રે છોડી મૂકવામાં આવ્યા. તેમનું સ્વાગત કરવાને માટે દસ હજાર માણસોની મોટી સભા થઈ. રૈયત ઉપર રાજ્યનો કોઇ કાબૂ જ નથી રહ્યો એવો દેખાવ થયો. આમ મુક્ત ઢેબર રાજ્યને વધારે નુકસાનકર્તા નીવડવ્યો. એ બધા વેપારીઓને મળ્યો અને જકાતની તમામ આવક બંધ થઈ જાય એવી ગોઠવણ કરી. રાજ્યના દાણા ( ખેડૂતો પાસેથી ભાગમાં મળેલા) કોઈ માણસે ખરીદવા નહી અને રાજ્યની મિલનું કપડું કોઈ માણસે ખરીદવું કે વેચવું નહીંં એવી તેણે વ્યવસ્થા કરી છે. જે વેપારીઓની દુકાનમાં રાજ્યની મિલનું કપડું હોય તેના ઉપર તેણે સીલ મરાવ્યાં છે અને લોકોની પાસેથી એવી કબૂલાત લીધી છે કે રાજ્યની આવકનાં તમામ સાધન બંધ થઈ જાય. ૧લી નવેમ્બરથી રાજ્યની મિલ પણ બંધ કરવી પડશે.

“ આપના જાણવામાં આવ્યું હશે કે લોકો એટલા બધા ઉદ્ધત અને બેકાબૂ બની ગયા છે કે તેની કશી હદ રહી નથી. ઉઘાડી રીતે તેઓ રાજ્ય પ્રત્યે બેવફાઈ અને અપ્રીતિના પોકારો કરે છે. જો સર પેટ્રિકે વખતસર પગલાં લીધાં

હત અને વધતી જતી ચળવળને દાબી હોત તથા ઝેરી સભાઓની બંધી કરી હોત તો આ બધું ટાળી શકાત, અથવા ઘણું ઓછું થઈ શકયું હોત. અત્યારે તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે રાજકોટનું રાજ્ય અને તેનો ઠાકોર જાણે હસ્તી જ ધરાવતા નથી. મારા રાજ્યને અને મારી રૈયતને આટલાં બધાં દુ:ખ વેઠવાં પડ્યાં છે, અને હજી દુ:ખ વેઠે છે, તે જોઈને મારા જેટલી દિલગીરી બીજા કોઈને ન થાય. આ સ્થિતિ જો ચાલુ રહેવા દેવામાં આવશે તો રાજ્યને અને રૈયતને કેટલું વધારે સહન કરવું પડશે તે કહી શકાતું નથી.

“ મેંં જ સર પેટ્રિકને બોલાવ્યા છે અને તેમને દીવાન બનાવ્યા છે. પણ કમનસીબે તેઓ ચળવળને દાબી દેવામાં નિષ્ફળ નીવડ્યા છે. ચળવળ તો પ્રતિદિન અને પ્રતિક્ષણ વધતી જ જાય છે અને વધારે જોર પકડતી જાય છે. પ્રતિદિન રાજ્ય અને રૈચતના હિતને તે નુકસાન કરતી જાય છે. રાજા તરીકે મારી પ્રતિષ્ઠા અને મારું ગૌરવ કંઈ રહ્યું નથી.

"આ સંજોગોમાં મને બે જ રસ્તા દેખાય છે. એક તો મારે બધું જોયાં કરવું, રાજ્યની આવકનાં સાધનો બંધ થઈ જવા દેવાં તથા રાજ્યની પાચમાલી થવા દેવી; અથવા તો દિવાળી પહેલાં આ ઘરનો કજિયો પતાવી નાખવો અને રેચતની વાજબી માગણીઓ સંતોષીને લોકોને રીઝવવા તથા શાંત પાડવા.

“ અંગત રીતે બીજો માર્ગ મને વધારે હિતકારી લાગે છે. એ જ માર્ગ મારે સ્વીકારવો જોઈએ. મારાથી રાજ્ય પાયમાલ થાચ તે જોઈ શકાય જ નહીં. એટલે લોકોના તથા રાજ્યના ભલાની ખાતર આ ઝઘડો જેટલો વહેલો પતી જાય તેટલું સારું. લોકોની વાજબી માગણીઓને સતોષીને હું મારા લોકો સાથે પતાવટ કરી નાખીશ. સર પેટ્રિકે મારી નીતિનો અમલ નથી કર્યો, માટે તેમણે દીવાનપદ છોડવું જોઈએ. અમે જેટલા વહેલા છૂટા પડીએ એટલું સારું છે. આપને જાણીને નવાઈ લાગશે કે અમારી વચ્ચે મેળ ખાવો અશક્ય છે. કારણ એણે મારા વર્તનને વખોડી કાઢ્ંયુ છે અને એટલે સુધી મને ધમકી આપી છે કે તેનાં ગંભીર પરિણામો આવશે. આ બધુ તેમણે ૧લી ઓકટોબરે મને લખેલા કાગળમાં જણાવ્યું છે.

"માસિક રૂપિયા અઢી હજારનો ભારે પગાર આપીને હું મારો દીવાન લાવું તેની સામે મારા લોકો સખત વાંધો ઉઠાવશે એ હું જાણતો હતો. હું એ પણ જાણતો હતો કે મારું આ કાર્ય મારા બીજા રાજવી બંધુઓને પસંદ નહીં પડે. આમ છતાં હું સર પેટ્રિકને લાવ્યો, એ જ આશાએ કે અત્યારની મુશ્કેલ પરિસ્થિતિમાં એ મને ઉપયોગી થઈ પડશે. પણ હું કહું તેની આપ ક્ષમા કરશો કે મારી ધારણા જરા પણ પાર પડી નથી. અને તેથી તેઓ જલદી અહીંથી જાય એ જરૂરનું છે. આવી કમનસીબ સ્થિતિ માટે મને દિલગીરી થાય છે. પણ હું લાચાર છું. આટલા વહેલા સર પેટ્રિકની સેવાઓ મારે જતી કરવી પડી છે તેનો આપ અનર્થ નહી કરો એવી હું આશા રાખું છું. એ કહેવાની જરૂર નથી કે હું તેમને છ મહિનાનો પગાર આપી દેવા ખુશી છું. મેં સર પેટ્રિકને કાગળ લખ્યો છે તેની નકલ આ સાથે બીડું છું. “ આપ જાણો છો કે મારા જૂના દીવાન દરબાર વીરાવાળાની તબિયત સારી રહેતી નથી, એટલે મેં મારી દેખરેખ નીચે કામ કરવા માટે એક કાઉન્સિલ નીમવાનો વિચાર કર્યો છે."

તે જ દિવસે ઠાકોરસાહેબે દીવાન સર પેટ્રિકને કાગળ લખ્યો, તેમાં જણાવ્યું કે,

"મારા લોકોને લાગે છે અને તેમને એવું મનાવવામાં આવ્યું છે કે તમને અહીં સરકારે મોકલ્યા છે. તેથી લોકોમાં હું જે માન ભોગવતો તે ગુમાવી બેઠો છું. વળી દિવાળીની રજાઓ નજીક આવે છે. તે પહેલાં બધા ઇજારા આપી દેવા જોઈએ. પરંતુ લોકોએ બહિષ્કાર કર્યો છે. લોકોએ તો રાજ્યના દાણાના વેચાણના પણ બહિષ્કાર કર્યો છે. આનો અર્થ એ થાય છે કે રાજ્યની આર્થિક પાયમાલી થવા બેઠી છે, અને રાજ્ય ઉપર ભારે આફત આવી પડી છે. રાજા તરીકે રાજયનું તેમ જ રૈયતનું હિત વિચારીને કોઈ પણ ભોગે આ આફતમાંથી મારે રાજ્યને ઉગારી લેવું જોઈએ. તે માટે મારી ફરજ છે કે પ્રથમ તો એ કે ખરા અને પ્રજાહિતચિંતક રાજા તરીકે મારું સ્થાન લોકોમાં મારે સ્થાપિત કરવું જોઈએ. હું એમ કરી શકું તો જ લોકોને ભરોસો પડે અને તેમની સાથે હું સમાધાન કરી શકું અને તેમનો પ્રેમ તથા વિશ્વાસ સંપાદન કરી શકું. તમારા પહેલી ઓક્ટોબરના કાગળ ઉપરથી જણાય છે કે તમે રાજ્યમાં ચાલતાં તોફાનોનું મૂળ કારણ મને જ માનો છો. તમારા એ આક્ષેપનો મેં ઇન્કાર કર્યો છે. પણ હું જોઉં છું કે મારું માન અને મોભો સાચવીને તમારી સાથે હું લાંબો વખત નિભાવી શકીશ નહીંં. એટલે તમારે અહીંથી શી રીતે જવું તે વિચાર કરવાનું તમારા ઉપર છોડુ છે. જેમ મિત્ર તરીકે તમે આવ્યા તેમ મિત્ર તરીકે જ વિદાય થાઓ એ જોવાને હું બહુ જ ઇંતેજાર છે. તમને છ માસની મુદત માટે નોકરી ઉપર રાખવામાં આવ્યા છે. એટલે રાજ્યના તિજોરી અમલદારને હું જણાવી દઉં છું કે એ પ્રમાણે તમારો પગાર ચૂકવી દે, રેવન્યુ સેક્રેટરીને પણ ખબર આપું છું કે બને તેટલો વહેલો તમારી પાસેથી ચાર્જ સંભાળી લે.”

ઉપરનો કાગળ મળતાં જ બીજે દિવસે રેસિડેન્ટ મિ. ગિબ્સને ઠાકોરસાહેબને મળવા બોલાવ્યા અને જણાવ્યું કે તમે જે પગલું ભરવા માગો છે તેથી રાજ્યને અને તમને નુકસાન થશે. પણ ઠાકોરસાહેબે રેસિડેન્ટની વાત માની નહી. એટલે તાજના પ્રતિનિધેિ નામદાર વાઈસરૉયના પોલિટિકલ સેક્રેઝરીને ઠાકોરસાહેબનો કાગળ તેણે મોકલી આપ્યો. તા. ૨૨મી ઑકટોબરે એનો ધાર્યા મુજબ જવાબ આવ્યો કે રાજ્યના અને ઠાકોર સાહેબના હિત ખાતર ઠાકેારસાહેબે પોતાનો વિચાર ફેરવવો. રેસિડેન્ટે ઠાકોરસાહેબને આ સમાચાર આપ્યા એટલે એમના તો હાંજા જ ગગડી ગયા અને કૅંડલને દીવાન તરીકે કાયમ રાખવાની તેમણે કબૂલાત આપી અને તેના હાથ નીચે પોતાના બે અમલદારોને નીમી ત્રણ જણાની કાઉન્સિલ બનાવવાનું કબૂલ રાખ્યું. ગિબ્સનને વિચાર આવ્યો કે એકલા ઠાકોર સાહેબની તો આવું કશું પગલું લેવાની હિંમત ચાલે જ નહીંં. આ બધું કારસ્તાન દરબાર વીરાવાળાનું હોવું જોઈએ. એટલે તેણે દરબાર વીરાવાળાને કાગળ લખીને રાજકોટ છોડી જવાની સલાહ આપી. દરબાર વીરાવાળાએ તા. ૨૦મી ઑકટોબરે પોતે રાજકોટ છોડી જાય છે એવો રેસિડેન્ટને કાગળ લખ્યો. ગિબ્સને વીરાવાળાને લખ્યું કે,

“ તમે રાજકોટ છોડવાનો વિચાર કર્યો છે એ બહુ ડહાપણભરેલું કામ છે. તમારી તબિયત જોતાં તમારે સ્થળફેર કરવાની અને પૂરો આરામ લેવાની જરૂર છે.”

આટલી સ્પષ્ટ ચેતવણી મળ્યા છતાં તા. ર૯મી ઓકટોબર સુધી દરબાર વીરાવાળાએ રાજકોટ છોડ્યું નહીં. એટલે ગિબ્સને એને બહુ ધમકાવીને કાગળ લખ્યો. ત્યારે છેવટે દરબાર વીરાવાળા રાજકોટથી વિદાય થયા.

કૅંડલને કાઢવાનો વિચાર ચાલતો હતો તે દરમ્યાન તા. ૧૫મી ઓક્ટોબરે શ્રી ઢેબરભાઈ એમની ૧૫ દિવસની સજા પૂરી કરીને જેલમાંથી છૂટવ્યા. કૅંડલનો વિચાર કઈ પણ રીતે શ્રી ઢેબરભાઈ ને સમજાવી દરબારગઢ ઉપર ચાલતું પિકેટિંગ બંધ કરાવવાનો હતો. તે માટે શ્રી ઢેબરભાઈ સાથે રૂબરૂ મળીને તેમ જ પત્રવ્યવહાર ચલાવીને તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. છેવટે તા. ર૬ મી ઑકટોબરે શ્રી ઢેબરભાઈ એ કૅંડલને લખી નાખ્યું કે અમારે માત્ર એટલું જ જોઈએ છે કે જાહેર લિલામ અથવા તો ખાનગી વાટાધાટોથી રાજ્યે ઇજારા આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જ્યારે જ્યારે આ જાતની ખાતરી રાજય તરફથી મને મળી છે, ત્યારે ત્યારે તમે સ્વીકાર કરશો કે દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં મેં વિલંબ કર્યો નથી. હજી પણ તમે મને જણાવો કે તમારા ખાનગી કાગળમાં જે લખેલું છે તે અધિકારની રૂએ આપેલી ખાતરીની બરાબર છે. તો ચોકી ખસેડી લેવામાં મને વાંધો નથી. આનો જવાબ બીજે દિવસે કૅંડલ તરફથી એ મળ્યો કે તમને પૂરેપૂરી નોટિસ આપ્યા વિના ખાનગી વાટાધાટોથી કે જાહેર લિલામથી ઈજારા આપવાનો પ્રયત્ન નહીં કરવામાં આવે. એટલે રાજ્યની ઓફિસો અને દરબારગઢ ઉપરથી ચોકી ખસેડી લેવામાં આવી. કૅંડલની શ્રી ઢેબર સાથેની આ વાટાધાટો એમનું રહેવાનું નક્કી નહોતું થયું તે દરમ્યાન ચાલેલી, પણ તા. ૨૯મી ઑકટોબરે ઠાકરસાહેબે કૅંડલ અને બીજા બે અમલદારની કાઉન્સિલે નીમવાનું જાહેર કર્યું. ત્યાર પછી કેંડલે મજબૂત હાથે કામ લેવાનું શરૂ કર્યુંં. બીજી તરફથી દરબાર વીરાવાળાને જવું પડ્યું તેથી લોકોમાં પણ ઉત્સાહ ફેલાયો અને કૅંડલને પહોંચી વળવા તેઓ કટિબદ્ધ થયા. ગામડાંઓમાં પણ સભાઓ અને સરઘસ નીકળવા માંડ્ચાં તથા રાજ્યના બહિષ્કારના પોકાર થવા માંડ્યા. કૅંડલની નીતિ એવી હતી કે શહેરને પહોંચી વળાશે પણ લડતની હવા ગામડાંમાં ન ફેલાવી જોઈએ. તેણે સૂચનાઓ આપી દીધી કે આવી સભાઓ અને સરઘસો લાઠીમારથી વિખેરી દેવાં અને પરિષદના કોઈ સ્વયંસેવકો ગામડે આવે તો તેમને મારી ઝૂડીને કાઢી મૂકવા. ફોજદારે મોટર લઈ ગામડે ગામડે ફરવા માંડ્યું અને રાજકોટથી આવતી સુચનાઓનો અમલ બરાબર કરવાની ગામના પસાયતાઓ અને પોલીસને તાકીદ આપવા માંડી. આ અરસામાં એક નિર્દોષ ખેડૂતનું ખૂન થયું. ખૂનીનો પત્તો લાગ્યો નહીં. પ્રજાને શંકા ગઈ કે રાજ્યના નોકરિયાતનો હાથ છે. રાજકોટના આગેવાનો તથા સ્વયંસેવકોએ આ શહીદ થયેલા ખેડૂતનું રાજકોટથી તે તેના ગામ સુધી ભારે મોટું સરઘસ કાઢ્યું. આ ખૂનના સમાચાર જાણી ગામડાં કકળી ઊઠ્યાં અને રાજય ઉપર ફિટકાર વરસાવવા લાગ્યાં. ગામડાંમાં પણ જુદા જુદા મહાલના ખેડૂતોનાં સંમેલન થવા માંડ્યાં અને ચળવળ વધુ ને વધુ જોર પકડવા માંડી. છેવટે તા. ૯મી નવેમ્બરે શ્રી ઢેબરભાઈને ફરીથી પકડવામાં આવ્યા. જે દિવસે તેઓ પકડાયા તે દિવસે આખા રાજકોટની પ્રજામાં એટલો ઉત્સાહ વ્યાપ્યો કે લોકો ટોળે વળી રાજ્ય સામે પોકાર કરવા લાગ્યા. દરરોજ જ્યાં સભા થતી ત્યાં સભા થઈ. સભાના આગેવાનને પકડે અને લોકોને વિખેરી નાખવામાં આવે. તે માટે અગિયાર વખત લાઠીચાર્જ કરવા પડ્યા. એમ કહીએ તો ચાલે કે તે આખો દિવસ રાજકોટમાં લાઠીચાર્જ ચાલે. તા. ૧૧મી નવેમ્બરે કાઠિયાવાડ પ્રજામંડળના આશ્રય નીચે મુંબઈમાં એક જાહેરસભા થઈ. તેમાં ભાષણ આપતાં સરદારે જણાવ્યું કે,

"ગઈ કાલે સવારે રાજકોટના સમાચાર વાંચ્યા અને હું નાચી ઊઠ્ચો. ગઈ કાલ સવારથી હું તો રસના ઘૂંટડા પીતો થઈ ગયો છે. રાજકોટમાં જે કાંઈ બન્યું તે ઉપરથી મને લાગ્યું કે ખરેખરી લડતનાં પગરણ હવે મંડાયાં ખરાં. સત્તા પચાવવાનું પૂરેપૂરું મૂલ્ય નથી આપ્યું ત્યાં સુધી કદી સત્તા મળી જાય તોપણ તે ગુમાવાઈ જાય. રાજકોટની પ્રજા આજે થોડુક લઈને રાજી થઈ જાય, તો રાજકોટના ખેડૂતોએ જે આશાઓ બાંધી છે તે કઈ રીતે પૂરી થવાની હતી ?

“ જેલમાં મોતની સજા પામેલા કેદીઓને ફાંસી દેવાને માટે કેદીઓમાંથી જ કેટલાકને ફાંસિયાઓ તરીકે પસંદ કરવામાં આવે છે. ફાંસી આપવા માટે તેમને પાંચેક રૂપિયા મળે છે, અને થોડાક દિવસની સજા માફ થાય છે. બરાબર આવા જ કોઈ માણસો રાજકોટ રાજયે રાખ્યા લાગે છે. બાર કલાકમાં તેમણે

રાજકોટની પ્રજાના વાંસા પર અગિયાર અગિયાર લાઠીમાર વરસાવ્યા. સંખ્યાબંધ બહેનોનાં માથાં ફૂટ્યાં. સંખ્યાબંધ માણસો બેભાન બન્યાં, અનેક ઘવાયા અને લોહીની છોળો ઊડી. રાજકોટના આ રાક્ષસી રાજ્યનો પ્રજાએ સામનો કર્યો. એમાં રાજકોટની પ્રજા હારી નથી કે ડરી નથી. તેથી જ તમે એમને મુબારકબાદી આપવાને આવી જંગી સભામાં ભેગા મળ્યા છો.

“ રાજકોટમાં એક પણ માણસ રાજ્ની તરફ નથી. કેટલા દિવસ લાઠીઓ મારશે? એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે તો રાક્ષસના હાથો ભાંગી જ જવાના છે. લાઠી મારનારને કોઈ સામો પથ્થર મારે, લાઠી મારે, ગાળ દે, તો તેની અંદર રહેલો રાક્ષસ વીફરે છે. પણ સામે થયા વિના માર સહન કરે તો તેનામાં પણ ઈશ્વરી ભાવ પેદા થાય છે. આ જ સત્યાગ્રહનું રહસ્ય છે.

"રાજકોટના આ સિતમો દ્વારા માત્ર રાજકોટનું જ નહીં પણ આખા કાઠિયાવાડનું કોકડુ ઝપાટાબંધ ઊકલી રહ્યું છે. રાજકોટના પ્રજાજનો ઉપર પડેલી સોટીઓ રાજકોટના સિંહાસન ઉપર જ પડી છે. એક દિવસ એવો આવશે કે રાજકોટનો રાજા પ્રજાને નમતો આવશે ને આંસુ સારશે. તે વૃખતે રાજકોટની બહેનો ઉપર જેણે લાટ્ઃઈઓ વીંઝાવરાવી હશે તે તો પોતાને રસ્તે પડી ગયો હશે. જ્યારે પ્રજા પાસે સત્તા આવશે ત્યારે એને રાજકોટની હદમાં દાખલ થવાનો પણ અધિકાર રહેશે નહીં. કૅંડલે એક નિવેદન બહાર પાડ્યું હતું તેનો અર્થ હું સ્પષ્ટ કરું છું. તેણે જણાવ્યું હતું કે, 'એક ગૃહસ્થ સંમત ન હતા.' તે ગૃહસ્થ તો જેલમાં બેઠા છે. કેમ કે તે એકડો હતો. બીજા બધા મીંડાં હતા. 'બહારથી દોરીસંચાર કરનાર’ એટલે હું. પણ હું એને કહું છું કે મારા વિના રાજકોટનું કોકડું કદી પણ ઊકલનાર નથી. શું શું કરવાનું છે, તે હું બતાવી આપીશ. બહારનો તો હું નથી, પણ પાંચ હજાર માઈલ દૂરથી આવેલો તે છે, જેને આખરે જવાનું છે. રાજકોટ એટલે શું ? રાજકોટમાં તો લાખાજીરાજે રાજ્ય કર્યાં છે અને કબા ગાંધીએ દીવાનપદ ભોગવ્યાં છે. એ રાજકોટમાંથી આબરૂ ગુમાવી ઘેર જવું પડશે. મૂઠી જેટલું રાજકોટ આખા હિંદને હલાવી નાખશે અને ઠાકોરની શુદ્ધિ ઠેકાણે લાવશે. હિંદના રાજાઓ સાવચેત થઈ જોય. ઉપરી સત્તાને જોરે તેઓ કૂદતા હોય તો તેઓ જાણી લે કે એ ઉપરી સત્તા વચ્ચે પડશે તો તેના પણ સાંધા ઢીલા થઈ જવાના છે.

“ રાજકોટની પ્રજાને મારી એક જ સલાહ છે કે રાજ્યના એક પણ અધિકારી સાથે, રાજ્યના એક પણ નોકર સાથે કે ખુદ રાજા સાથે કોઈ પણ જાતનો જરા પણ સંબંધ રાખશો નહીંં. દરબારગઢમાં દાવા ચાલતા હોય કે રાજ્ય સાથે બીજી કોઈ પણ લેવાદેવા હોય તો બધું અત્યારે જવા દેજો. રાજકોટમાંથી ગ્રહણ કાઢીને સ્નાન કરીને આપણે રાજકોટમાં પ્રવેશ કરીશું ત્યારે એ બધાંની પતાવટ નિરાંતે કરીશું. ખુદ રાજકોટના ઠાકોર કૅંડલને લઈને ગામની ગલીઓમાં મોટરમાં ફરવા નીકળે કે સવારીઓ કાઢે, પણ તેમને જોવા જશો નહીં. ધરનાં બારણાં બંધ કરીને બેસજો. રાજકોટની પ્રજા પાસે આ એક જ મહાન મંત્ર છે. દરબારગઢ ઉપર પિકેટિંગ કરવું પડે તેમાં રાજકોટની પ્રજાની શોભા નથી, કાઠિયાવાડીઓને મારી એક વિનંતી છે કે હમણાં ક્યાંય બીજે ધ્યાન લગાડશો નહીં. પહેલું રાજકોટનું કોકડું ઉકેલાવા દો. પછીથી તમારાં કોકડાં વધારે સહેલાઈથી ઊકલી જશે. આ સંગ્રામનો ફેંસલો તો ત્યારે જ થશે જ્યારે આપણે માગી રહ્યા છીએ તે બધું જ મળશે.

"રાજકોટ કાઠિયાવાડનું કેન્દ્ર છે. કાઠુિચાવાડનું સત્વ રાજકોટમાં છે. તે કાઠિયાવાડનું નાક છે. રાજકોટના સંગ્રામમાં કાઠિયાવાડની ઈજ્જતનો સવાલ છે. આઠ કરોડની ગુલામીના બંધન તોડવાની લડત ત્યાં લડાઈ રહી છે. ”

ત્યાર પછી તા. ૨૧-૧૧-'૩૮ના રોજ અમદાવાદમાં એક જાહેરસભા થઈ, તેમાં વ્યાખ્યાન આપતાં સરદારશ્રીએ કહ્યું :

“ તમે બધાં આજે મારી પાસેથી રાજકોટની લડતનો ઇતિહાસ સાંભળવા ભેગાં થયાં હશો. હું ધણાં વરસોથી કાઠિયાવાડનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરતો હતા અને અનેક વખત નિરાશા પણ અનુભવી હતી. કારણ ક્યાં પગ મૂકવો એની સૂઝ પડતી નહોતી. મને એક આદત પડી ગઈ છે કે એક વાર પગ મૂક્યો ત્યાંથી પાછા ન હઠવું. જ્યાં પગ મૂકીને પાછા ફરવું પડે એમ હોય ત્યાં પગ મૂકવાની મને આદત નથી. બાકી રાજકોટ તો એ રાજ્ય છે કે જ્યાં કબા ગાંધીએ દીવાનગીરી કરી છે, અને જેના પુત્રે દુનિયાભરમાં હિંદને ઓળખાવ્યું છે. એણે આપણને સ્વમાનના પાઠ ભણાવ્યા છે. એ કાઠિયાવાડનું ઋણ કઈ રીતે ચૂકવાય એનો વિચાર કરતાં મેં ઘણા ઉજાગરા પણ કર્યા છે. છેવટે ઈશ્વરની દયા થઈ છે. ઈશ્વરે તે ઋણ ટાળવાનો રસ્તો બતાવ્યો છે. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી શ્રી ઢેબરભાઈએ 'જન્મભૂમિ'માં પાંચ લેખ લખ્યા અને મને મોકલીને કહ્યું કે રસ્તો બતાવો. મેં તેમને કહ્યું કે હવે લેખ લખે દહાડો નહીં વળે. તમે પ્રજાની નાડી પરીક્ષા કરી છે. બાકી હું કઈ એજન્સીને અરજીઓ કરવામાં માનતો નથી. આજે રાજા અને પ્રજા સર્વોપરી સત્તાના મોં સામે જોઈને બેઠાં છે. પણ ખરી સર્વોપરી સત્તા એ કાંઈ ઉપરની સરકાર નથી. ખરી સર્વોપરી સત્તા એ તો તમારી પ્રજા છે. તમે બીજી આશા રાખતા હો તો તમારો બધો હિસાબ ખોટો પડવાનો છે. આ રાજ્યોની લડતોનો ફેંસલો એક જ રીતે થઈ શકે. રાજાઓએ પ્રજા માગે તેવું રાજ્યતંત્ર આપવું જ પડશે. રાજ્ય કેવું કરવું અને કેમ કરવું, અને કાયદા કેમ ઘડવા ને કેમ નહીંં, એ કામ કૅંડલનું કે ગિબ્સનનું નથી, તેમ કરવાનો તેમને અધિકાર નથી. રાજ કેમ કરવું એ માટે તે રાજકોટની પ્રજાને પૂછવું પડશે. જે પ્રજાના પ્રતિનિધિઓ આજે જેલમાં પડયા છે, તેમને પૂછવું પડશે. અત્યારે રાજકોટમાં નવો ગોરો દીવાન આણવામાં આવ્યો છે. એ આપણા દેશમાં બહુ રહી ગયેલ છે. આવ્યો ત્યારથી તેણે ઑર્ડિનન્સ કાઢવા માંડ્યા છે. અને લોકોએ તે તોડવા માંડ્યા છે. નવો દીવાન કહે છે કે અમે પ્રજાને રાજકારભારમાં વધારે હિસ્સો આપવા તૈયાર છીએ. પણ અમારે એ ગંદવાડામાં હિસ્સો શું કામ જોઈએ ? અમારે તો જમીન સાફ કરવી છે. એ તાપને એટલો તપવી બતાવવો છે કે જેથી એ જ ગંદવાડો સળગી જાય. એ નવો દીવાન કહે છે કે રાજકેટની લડતમાં હું દોરીસંચાર કરી રહ્યો છું. હું કહું છું કે તું ગમે તેટલે ઊચોનીચો થાય તો પણ મારા વિના તારું કોકડું ઊકલનાર નથી. આ કઈ બચ્ચાના ખેલ નથી. જો તમારી કડક

દમનનીતિ ઉપર આશાઓ બાંધશે, પ્રજામાં ભંગાણ પાડવાની આશાઓ બાંધશે, તો બોતેર વર્ષની ઉંમરે બધી આબરૂ ગુમાવીને ઘેર જશે. તમે આ દેશમાં બહુ મુત્સદ્દીગીરી કરી છે. હું કઈ મુત્સદ્દી નથી. હું તો એક ખેડૂત છું. મારી પાસે તે ઊંહુંનું એક જ એસિડ છે. કોઈ દીવાનની તાકાત નથી કે પ્રજાની મરજી વિરુદ્ધ કાંઈ કરી શકે.”

ઢેબરભાઈના પકડાયા પછી સરદારે પોતાની દીકરી મણિબહેનને તા. ૧૧મી નવેમ્બરે રાજકોટ મોકલ્યાં. તેમણે ગામડે ગામડે ફરીને ખેડૂતોને ખૂબ હિંમત આપવા માંડી અને લડતનો જોસ ટકાવી રાખ્યો. તેમનો તાપ રાજ્યથી ન જીરવાયો એટલે તા. ૫મી ડિસેમ્બરે તેમને પકડ્યાં. તેમની ધરપકડના સમાચાર બહાર પડતાં જ અમદાવાદથી શ્રી મૃદુલાબહેન રાજકોટ જવા તૈયાર થયાં. તેમનાં માતુશ્રી શ્રી સરલાદેવી રાજકોટનાં છે, એ નાતે રાજકોટની લડતમાં ભાગ લેવાનો પોતાનો અધિકાર છે એવો તેમનો દાવો હતો. પણ રાજ્યે તો સ્ટેશન ઉપરથી જ તેમને ગિરફતાર કરી દીધાં.

લડતનું જોર દિનપ્રતિદિન વધતું જતું હતું. એટલે કાઠિયાવાડના બીજા રાજાઓ તથા દીવાનોને એમ લાગતું હતું કે સમાધાન થઈ જાય તો સારું. ભાવનગરના દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને આ જશ ખાટવાનું મન થઈ આવ્યું. તેમણે દરબાર વીરાવાળાને રાજકોટ બોલાવ્યા અને તેની સાથે તેઓ ઠાકોરસાહેબને મળ્યા. પણ રેસિડેન્ટ મિ. ગિબ્સન તો એવું ઈચ્છતો હતો કે દરબાર વીરાવાળાએ રાજકોટમાં પગ મૂકવો જોઈએ નહીં. એટલે તા. ૨૫-૧૧-'૩૮ના રોજ દરબાર વીરાવાળાને કાગળ લખીને જણાવ્યું કે તમે રાજકોટ આવ્યા છો એ જાણીને મને આશ્ચર્ય થાય છે. શ્રી અનંતરાય પટ્ટણીને તમને મળવું હતું તો તમને ભાવનગર બોલાવવા હતા. અથવા તમને મળવા તેમણે નટવરનગર (દરબાર વીરાવાળાનું વતન ) જવું હતું. મેં તમને સલાહ આપી છે છતાં તમે રાજકોટ શું કામ આવ્યા ? પણ વીરાવાળા તો રાજકોટ આવ્યા પછી પોતાની તબિયત મુસાફરી કરવા જેવી નથી એમ કહી રાજકોટમાં રોકાયા. એટલે ગિબ્સને તેમને કહ્યું કે તમારે ઠાકોરસાહેબને તો ન જ મળવું. છતાં વીરાવાળા રાજમહેલમાં ગયા એવી ખબર પડતાં જ પોલિટિકલ એજન્ટ મિ. ડેવીએ એમને તા. ૨૯-૧૧-'૩૮ના રોજ લખ્યું કે રાજકોટમાં કોઈને નહીં મળવાની ખાતરી આપ્યા છતાં તમે રાજમહેલમાં ગયા છો એવું સાંભળીને મને આશ્ચર્ય થાય છે. હું આશા રાખું છું કે તમે પૂરેપૂરા સાજા થઈ ગયા હસો અને આવતી કાલે નટવરનગરની મુસાફરી કરતાં તેમને કશી અડચણ નહી આવે. વીરાવાળાની રેસિડેન્સીના અમલદારો આગળ કેવી સ્થિતિ હતી તે બતાવવા પૂરતો જ આ વસ્તુના ઉલ્લેખ કર્યો છે. બાકી ઠાકોરસાહેબ વીરાવાળાને પૂછ્યા વિના કશું કરી શકે એમ નહોતા. દરબાર વીરાવાળા પણ સમાધાન થાય એ માટે ઇન્તેજાર હતા અને સમાધાન કરવું હોય તો સરદાર સાથે જ થઈ શકશે એમ તેઓ માનતા હતા. તે ઉપરથી શ્રી અનંતરાય પટ્ટણી તથા દરબાર વીરાવાળા ઠાકોર સાહેબને મળ્યા. ઠાકોરસાહેબની ઈચ્છા કોઈ પણ રીતે સમાધાન કરવાની જણાઈ એટલે શ્રી અનંતરાય ગાંધીજીને મળવા વર્ધા ગયા. સમાધાન કયા ધોરણ ઉપર થાય તો પ્રજાને માન્ય થઈ શકે એ વિષેનો મુસદ્દો ગાંધીજીએ કરી આપ્યો. તે લઈને શ્રી અનંતરાય અમદાવાદમાં સરદારને મળ્યા. અને પછી રાજકોટ જઈ ઠાકરસાહેબને તથા દીવાન સર પેટ્રિક કૅંડલને તેઓ મળ્યા. ઠાકોરસાહેબને એ મુસદ્દો માન્ય હતો. તે ઉપરથી એવું નક્કી થયું કે ।ઍંડલે સરદારને મુંબઈમાં મળવું. તે પ્રમાણે શ્રી અનંતરાયે તા. ર૯મી નવેમ્બરના રોજ કૅંડલની મુલાકાત સરદાર સાથે મુંબઈમાં ગોઠવી, અને બધું લગભગ નક્કી થયું. પણ કૅંડલને તથા રેસિડેન્સીને આવું સમાધાન થાય એ ગમતું નહોતું, એટલે તા. ૯મી ડિસેમ્બરે કૅંડલની સહીથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં ૧૪૪મી કલમનો અમલ બે મહિના વધુ લંબાવવામાં આવ્યો. બીજા જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે,

“ઠાકોરસાહેબે જમીનમહેસૂલમાં ઘટાડો કર્યો છે અને ઘણા ઇજારા રદ કર્યા છે. છતાં ચળવળ ચાલુ રહી છે તે જોઈને અમને દિલગીરી થાય છે. રાજ્યના વહીવટમાં પ્રજાને વધારે હિસ્સો મળે તેમ કરવા પણ તેઓ રાજી છે. અને તે માટે તેમણે કેટલાક ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. પ્રજાપ્રતિનિધિ સભા પ્રજા તરફથી ચૂંટવામાં આવશે અને રાજ્યનાં લોકહિતકારી ખાતાં એ સભાના જવાબદાર પ્રધાનને સોંપવામાં આવશે. નવી પ્રજાપ્રતિનિધિ સભા રાજા તથા પ્રજાના હિતમાં કામ કરશે. ઠાકોરસાહેબે અમલદારો અને બિનઅમલદારોની એક કમિટી નીમવાનું પણ મંજૂર કર્યું છે. તે કમિટી જમીન મહેસુલ પ્રજા ઉપર વધારે બોજારૂપ ન થાય પરંતુ રાજવહીવટના ખર્ચને પહોંચી વળવા જેટલું જ હોય એવી રીતે તેમાં ઘટાડો કરશે. રૈયત ઉપરના કરનો બોજો બ્રિટિશ હિંદ કરતાં વધારે નહીં રાખવામાં આવે. ઠાકોરસાહેબને દિલગીરી થાય છે કે ચળવળ ચાલુ રહેવાથી પ્રજાને આર્થિક નુકસાન થાય છે, અને વેપારીઓને પણ નુકસાન ભોગવવું પડે છે.”

જે ધોરણ ઉપર સમાધાન કરવાની વાત કૅંડલ સાથે થઈ હતી, તેને બદલે રાજય તરફથી ઉપરની મતલબનું જાહેરનામું નીકળ્યું એ જોઈ સરદારને બહુ નવાઈ લાગી. એટલે એના જવાબમાં તા. ૧૦મી ડિસેમ્બરના રોજ એમણે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડયું : "રાજકોટમાં ચાલતી લડત વિષે રાજકોટ રાજ્ય તરફથી જે જાહેરનામું બહાર પડયુ છે તે જોઈને મને દુ:ખ સાથે આશ્ચચ થાય છે. મને એમાં વિશ્વાસભંગ થયેલો લાગે છે. નીચેની હકીકત ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ થશે.

"સર પેટ્રિક કૅંડલ તા. ૨૯મી નવેમ્બરે મને મળ્યા તે પહેલાં ઠાકોર સાહેબ તરફથી કાઢવાના જાહેરનામાનો નીચેનો મુસદ્દો તેમની સમક્ષ હતો :

“ 'પોતાને થયેલા અન્યાયો દૂર કરવા માટે લોકોને સવિનય ભંગનો આશ્રય લેવો પડ્યો છે અને તેને અંગે જે હાડમારીઓ તેમને વેઠવી પડી છે તે જોઈ મને દુ:ખ થાય છે. હું જોઈ શક્યો છું કે ખરી રીતે કે ખોટી રીતે પણ મારા રાજ્યમાં ચાલતી ચળવળ એટલી લોકપ્રિય થઈ પડી છે કે તેની હું અવગણના કરી શકું નહીં. એ વસ્તુની પણ હું નોંધ લઉં છું કે આ ચળવળે આખા હિંદુસ્તાનનું અને ઇગ્લેંડનું પણ ધ્યાન ખેંચ્યું છે.પોતાનાં જે કૃત્યને લોકો નિર્દોષ માને છે તે સારુ તેમને જેલમાં પૂર્યા કરવાનું કોઈ પણ રાજ્યને પોસાય નહીં. તેથી મેં નક્કી કર્યુ છે કે જાહેર માફી આપી દઈ સવિનય ભંગના સઘળા કેદીઓને મુક્ત કરવા, તેમના દંડ માફ કરવા અને સઘળાં દમનકારી પગલાં પાછાં ખેંચી લેવાં.'
“ ' આ ઉપરાંત હું નીચેના માણસેની એક કમિટી નીમું છું, જેના પ્રમુખ તરીકે મારા દીવાન સર પેટ્રિક કૅંડલ કામ કરશે. આ કમિટી દશ સભ્યોની હશે જેમાંના સાત પરિષદના સભ્યો હશે. તેમની પસંદગી સરદાર વલ્લભભાઈ કરશે. બે સભ્ય રાજ્યના અમલદાર હશે. અને તેમની નિમણુક સમિતિના પ્રમુખ કરશે. આ કમિટીએ સુધારાની એક યોજના ઘડી કાઢવાની છે. આ યોજનામાં શહેનશાહ પ્રત્યેની મારી ફરજો તથા રાજા તરીકેના મારા વિશેષ અધિકારોની સાથે સુસંગત થાય એવી રીતે લોકોને વધારેમાં વધારે વિશાળ સત્તાઓ આપવામાં આવશે. અમારી એવી પણ ઇચ્છા છે કે અમારું ખાનગી ખર્ચ નરેન્દ્ર મંડળે ઠરાવ્યું છે તે પ્રમાણે રાજ્યની આવકના દસમા ભાગ જેટલું અમારે મર્યાદિત કરી નાખવું. મારી પ્રજાને હું વિશેષ ખાતરી આપવા ઇચ્છું છું કે સદરહુ કમિટી જે યોજના રજૂ કરશે તેનો હું સંપૂર્ણ રીતે અમલ કરીશ. આ કમિટીને જરૂરી પુરાવા લેવાની સત્તા હશે. તેમણે યોજના ઘડીને ૧૫-૧૨-'૩૮ પહેલાં મારી આગળ રજૂ કરવાની છે.'

"જાહેરનામાનો ઉપરનો મુસદ્દો ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલને માન્ય હતો. એ સાબિત કરવા મારી પાસે પુરાવો છે. પણ સર પેટ્રિક કૅંડલને કેટલીક શંકા હતી તે તેમણે લખેલી છે. તે અસલ લખાણ મારી પાસે છે. તેમણે નીચેના મુદ્દા ઉભા કર્યા હતા :

૧. જાહેરનામાંના પ્રાસ્તાવિક ભાગની ભાષા.
૨. કમિટી પોતાનું કામ ચલાવતી હોય તે દરમ્યાન ચળવળ બંધ કરવાની ખાતરી આપવામાં આવે. આ ખાતરી લેખી હોવાનું જરૂરી નથી.
૩. દીવાન જે રાજ્યનો પગારદાર નોકર છે, તે સિવાયના કમિટીના બીજા સભ્યો રાજ્યની રૈયત પૈકીના હોવા જોઈએ.
૪. કમિટી જે સુધારા સૂચવે તેને ઠાકોરસાહેબ, ભલે તે ઔપચારિક હેચ, પણ સંમતિ આપવી જોઈએ.

“અમારી મુલાકાત થઈ તે પહેલાં સર પેટ્રિક કૅંડલ સાથે સ્પષ્ટ સમજૂતી થઈ હતી કે, આ મુસદ્દો આખો ન સ્વીકારવામાં આવે તો અમારા મળવાનો કશો અર્થ નથી, તેમણે ઊભા કરેલા મુદ્દાઓની બાબતમાં તેમણે પોતે જ કહ્યું હતું કે એ વિષે જો મને સંતોષ નહીં થાય, તો તેઓ એ જતા કરવા તૈયાર હશે.

“ પણ જ્યારે અમે મળ્યા ત્યારે મેં જોયું કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ ફેરફાર થવાનાં કારણો હું જાણતો નથી. અમારી મુલાકાતમાં સર પેટ્રિકે કહ્યું કે રાજાના વિશેષ અધિકારનો અર્થ નક્કી થવો જોઈએ. તેમણે એવું પણ સુચન કર્યું કે સમાધાનમાં જવાબદાર રાજ્યતંત્રની વાત ન આવવી જોઈએ, જ્યારે આખો મુસદ્દો જવાબદાર રાજ્ચતંત્ર ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવ્યો હતો. જોકે એ વસ્તુ કમિટી ઉપર છોડવામાં આવી હતી પરંતુ સર પેટ્રિક કૅંડલ તો કમિટીની સત્તા મર્યાદિત કરી નાખવા માગતા હતા. તેથી મારા કશા દોષ વિના અમારી મુલાકાત અધૂરી રહી. પરંતુ પાંચ કલાકની વાતો પછી સર પેટ્રિકે કહેલું કે આપણે મિત્રો તરીકે છૂટા પડીએ છીએ. પણ દરબાર તરફથી આ બીજું જાહેરનામું બહાર પડ્યું છે તેને હું મિત્રોનું કૃત્ય ગણતો નથી. હું તો રોજ આશા રાખતો હતો કે કંઈક સારા સમાચાર સાંભળવાના મળશે અને રાજ્યમાં ચાલતું દમન જે અનિવાર્ય નથી, તેનો અંત આવશે તથા રાજકોટમાં ઉજ્વળ ભવિષ્યનો ઉદય થશે. હું સર પેટ્રિકને ખાતરી આપવા માગું છું કે તેઓ પોતાની દમનનીતિથી લોકોના જુસ્સાને કચડી નાખી શકશે નહીં. છેવટે પ્રજાનો કક્કો જ ખરો થવાનો છે. તેઓ પ્રજાને ઓળખતા નથી. છેવટે તેઓ પરદેશી છે. પોતાની મર્યાદાઓ તેમણે સમજવી જોઈએ. ઠાકોરસાહેબ જેમને વિષે મને માનવાને કારણ છે કે તેઓ આ લડતનો અંત લાવવાને આતુર છે, તેમના પ્રજા સાથેના સંબંધો તેઓ કડવા ન બનાવે. પણ સર પેટ્રિક તો સનદી નોકરીના અમલદાર તરીકે પોતાને રાજભક્ત પ્રજાના પ્રતિનિધિ માને છે. અને એ રીતે ઠાકોરસાહેબની ઈચ્છાઓને વફાદારીથી અમલ કરવાને બંધાયેલા એક નોકર બનવાને બદલે ઠાકોરસાહેબનો અધિકાર પોતે જ પચાવી પાડે છે.”

આનો જવાબ સર પેટ્રિક કૅંડલે નીચે પ્રમાણે આપ્યો :

“ અમારી મુલાકાત તદ્દન ખાનગી રાખવામાં આવી હતી એટલે તેમાં થયેલી ચર્ચામાં હું ઊતરવા માગતો નથી. પરંતુ શ્રી વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડ્યું છે અને ઠાકોર સાહેબના જાહેરનામાને તેઓ વિશ્વાસભંગ કહે છે તેથી હકીકત રજૂ કરવાનું આવશ્યક થાય છે. મને પૂછ્યા વિના તેમ જ મારી જાણ બહાર પડોશના રાજ્યના એક દીવાન સમાધાન કરવાના મૈત્રીભર્યા ઇરાદાથી આ બાબતમાં વચ્ચે પડયા. તેઓ ઠાકોરસાહેબના કાગળ લઇને વર્ધા તથા અમદાવાદ ગયા. અને અમદાવાદથી સમાધાન માટે એક મુસદ્દો લઈ આવ્યા. આ મુસદો મને આપવામાં આવ્યો નહોતો પણ મેં તેના મજકુરની કાચી નોંધ પેનસિલથી કરી લીધી હતી. રાજકોટ દરબારને માન્ય ન થઈ શકે એવા કેટલાક મુદ્દાની મેંં નોંધ કરી. પછી શ્રી વલ્લભભાઈ પટેલને મળવાનું મને સૂચવવામાં

આવ્યું. એ મુલાકાતની પણ મેં માગણી કરી નહોતી, પણ મારે મુંબઈ જવાનું જ હતું એટલે પેલા દીવાને ટેલિફોન કરી શ્રી વલ્લભભાઈ સાથે મારી મુલાકાત ગોઠવી.

“ મને એવું જરા પણ સૂચવવામાં આવ્યું નહોતું કે રાજકોટ દરબાર આ મુસદ્દો સ્વીકારવાને બંધાયેલા હતા. જો ઉઠાવેલા મુદ્દા વિષે શ્રી વ૯લભભાઈ પટેલને વાંધા હશે તો એ મુદ્દાઓ હું જતા કરીશ એવી પણ વાત થઈ નહોતી.

“ મેં તો તરત જ પૂછેલું કે શ્રી વલ્લભભાઈ સૂચવે છે એવી કમિટી જો નીમવામાં આવે તો રાજાના અધિકાર કેટલા રહેશે ? એ મુલાકાત ખાનગી હોવાથી શ્રી વલ્લભભાઈએ જે શબ્દો કહ્યા તે અહીં ઉતારવાનું મને ગમતું નથી, છતાં મારે તે ઉતારવા પડે છે. તેમના શબ્દો એ હતા કે રાજા આવકના દસ ટકાનો જમીનદાર થઈ રહેશે. એટલે કે જમીનદાર તરીકે તેને આવકનો દસ ટકા ભાગ મળશે. અને રાજા તરીકે તેનું અમુક ગૌરવ જળવાશે તે ઉપરાંત તેને કશા અધિકાર રહેશે નહીં.

“ ઠાકોરસાહેબે અઠવાડિયા ૫છી પોતાની પ્રજા પ્રત્યે જે જાહેરનામું બહાર પાડ્ંયુ છે અને રાજ્યમાં અમુક સુધારા દાખલ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે તેમાં શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો નથી. કારણ તેની સાથે એને કશો સંબંધ નહોતો. શ્રી વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે મારી સાથે તેમને થયેલી વાતચીતને લીધે રાજાને પોતાની પ્રજાને કશું કહેવાનો અધિકાર નથી. એ વસ્તુ માન્ય થઈ શકે એવી નથી.”

સરદારે સર પિટ્રિક કૅંડલને નીચે પ્રમાણે જવાબ આપ્યો :

"મારા નિવેદનનો સર પેટ્રિકે જે જવાબ આપ્યો છે તે હું ધ્યાનપૂર્વક વાંચી ગયો છું. તેમાંથી બે વસ્તુઓ સ્પષ્ટ તરી આવે છે. ઠાકોરસાહેબે બહાર પાડવાના જાહેરનામાને મુસદ્દો જોયાનું તે કબૂલ કરે છે. એની નકલ એમણે ન કરી લીધી તો એ એમનો દોષ હતા. તેની નોંધ કરી લીધાનું તે પોતે કબૂલ કરે છે તેમ કેટલાક મુદ્દા જેને વિષે મારી પાસેથી તેમને વિશેષ ચોખવટ કરાવવી હતી તે નોંધી લીધાનું પણ પાતે કબૂલ કરે છે. તેમના જવાબ ઉપરથી જણાય છે કે આ મુસદ્દો જે ગાંધીજીએ તૈયાર કરેલો હતો અને જે મેં માન્ય રાખ્યો હતા તે સ્વીકારી લેવાને ઠાકોરસાહેબ બંધાયેલા હતા. એમ ન હોય તો તેમણે એ મુસદ્દો જોયો, એનું ટાંચણ કરી લીધું અને મારી સાથે ચર્ચવાના મુદ્દા ઉતારી લીધા તેનો બીજો શું અર્થ થઈ શકે ? એટલો જ અર્થ થઈ શકે કે તેમણે જે મુદ્દા કાઢ્યા હતા તે બાદ રાખતાં આખો મુસદ્દો તેમને પણ માન્ય હતો. શું ઠાકોર સાહેબના શબ્દની કશી કિંમત નથી ? શું સર પેટ્રિક એક દીવાન તરીકે પોતાના રાજાની ઇચ્છાની અવજ્ઞા કરી શકે ? જે રાજકોટની પ્રજા ઠાકોરસાહેબનાં વચનોનો અમલ થાચ એ જોવાને પોતાનો ધર્મ માને છે તેઓ શું કહેશે ? મારે એ સાબિત કરવાનું પ્રસ્તુત નથી કે જે ત્રણ મુદ્દાઓ તેમણે ઊભા કર્યા હતા તે જો હું માન્ય ન રાખું તો તે ઉપર આ સમાધાન તેઓ તોડી શકે નહીંં. તેમણે જે જવાબ આપ્યો છે તે ઉપરથી જ હું તો દાવો કરું છું કે કહેવાતા સુધારાઓનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઠાકોરસાહેબના તેમ જ તેમના પોતાના વચનનો ભંગ થાય છે. "ઠાકોરસાહેબ દસ ટકાનો જમીનદાર બની જાય છે એમ મેં કહ્યાનું સર પેટ્રિક કૅંડલ જણાવે છે તેમાં તો ઠાકોરસાહેબ અને મારી વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના અણછાજતા પ્રચત્ન સિવાય બીજું કશું નથી. ઠાકોરસાહેબના રાજા તરીકેના વિશેષ અધિકાર જાળવવાની જવાબદારી મેં લીધી હતી, તે તેમણે યાદ રાખવું જોઈએ. પરંતુ વચનભંગના મુદ્દાની ચર્ચામાં ઠાકોરસાહેબ વિષે હું શું બોલ્યો કે ન બોલ્યો એ મહત્ત્વનું નથી. સર પેટ્રિકના જવાબમાં બીજી જે ત્રુટીઓ છે તેની ચર્ચામાં હું નહીં ઊતરું, કારણ વચનભંગનો મુદ્દો જે એમના પોતાની જવાબમાંથી જ પૂરતો સાબિત થાય છે તેના ઉપરથી પ્રજાનું ધ્યાન હું બીજી વાત ઉપર ખસેડી નાખવા માગતો નથી.”

જે વખતે સરદારની દીવાન સર પેટ્રિક સાથે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે દરબાર વીરાવાળા બગસરામાં રહ્યા રહ્યા દીવાન કૅંડલને બાજુએ મૂકી સરદાર સાથે ઝઘડાનું સમાધાન કરવાની પેરવી કરી રહ્યા હતા. ધ્રાંગધ્રાના રાજસાહેબ વચ્ચે પડે એવી તેમની તજવીજ હતી. ધ્રાંગધ્રા રાજ્યના એક શ્રી દુર્ગાપ્રસાદ ઉપર સરદાર વિષે તા. ૬-૧ર-'૩૮ના રોજ તેમણે લખ્યું છે કે, He is the only reasonable fellow to come to proper terms and end this impasse. (એજ્ એક સમજદાર આદમી છે જેની સાથે યોગ્ય સમજૂતી થઈ શકે અને જે આ ઝઘડાનો અંત આણી શકે.) આ દર્ગાપ્રસાદ રાજકોટ ઠાકોર સાહેબનો કાગળ લઈ મુંબઈમાં સરદારને મળેલા. ત્યાર પછી સરદારે તા. ૧૮-૧૨-'૩૮ના રાજ રાજકોટના કાકાસાહેબને મુંબઈથી નીચે પ્રમાણે કાગળ લખ્યો :

શ્રી રાજકોટ ઠાકોરસાહેબ,

“ આપનો શ્રી દુર્ગાપ્રસાદભાઈ ઉપરનો કાગળ તેમણે મને બતાવ્યો તે જોયો. તેમની સાથે બધી વાત થયા પછી આ કાગળ લખું છું. થોડા દિવસ ઉપર શ્રી અનંતરાયભાઈ આપનો કાગળ લઈ મહાત્માજી પાસે વર્ધા ગયા હતા, અને ત્યાંથી એમના પોતાના હાથનો કાગળ લઈ મારી પાસે અમદાવાદ આગ્યા હતા. કૅડલે એ કાગળની નકલ વાંચી અને એમાં જણાવેલી સમાધાનીની શરતો વિષે વિગતથી ચર્ચા કરી. પછી બેઉ જણ આપને મળ્યા અને એ શરતો આપને વાંચી બતાવી. કૅંડલે એમાં કેટલાક નજીવો ફેરફાર કરવા સૂચવ્યું અને પોતાને હાથે એ સૂચનાઓ કાગળ ઉપર લખી અનંતરાયભાઈને આપી. આ પછી મને ટેલિફોનથી ખબર આપી કે, ઠાકોરસાહેબ અને કૅંડલ એ શરતો કબૂલ રાખે છે. એ ઉપરથી કૅંડલની સૂચનાથી મુંબઈમાં મને મળવાની ગોઠવણ થઈ. ત્યાર પછી કૅંડલ સાહેબ મને મળ્યા. એ વખતે અનંતરાયભાઈ હાજર હતા. આ વખતે કૅંડલસાહેબ ફરી બેઠા અને ઠાકોરસાહેબે પણ એ શરતો કબૂલ નથી રાખી એમ કહ્યું, એટલે સમાધાન તૂટી પડયું. આ શરતો મહાત્માજીએ પોતે પોતાને હાથે લખેલી હોવાથી એમાં કોઇ ફેરફાર થઈ શકશે નહીં, એ જાણવા છતાં, અને

કબૂલ કર્યા પછી આમ ફરી જવું એ કૅંડલને શોભે કે નહીં તે એ જાણે, પણ આપને તો ન જ શોભે. જાહેરમાં વચનભંગનો આરોપ આવે અને વળી વિના કારણ રાજ્યની ખુવારી થાય અને પ્રજાને હેરાનગતિ વેઠવી પડે, એ સારું નથી.

"જે શરતો કબૂલ રાખેલી હતી તે ઉપર આજે પણ આપ કાયમ હો તો હું આપનો કાગળ મળતાંની સાથે ત્યાં આવી પ્રજાને સમજાવી લડતનો અંત લાવી શકીશ. મહાત્માજી આપના કુટુંબના સંબંધી છે. એમણે સલાહ આપી એ આપના હિતની વિરુદ્ધ તો નહીં જ હોય. મારો કે કોઇનો આ લડતમાં આપની પ્રત્યે અંગત રાગદ્વેષ નથી. અમે રાજ્યનું અને પ્રજાનું ભલું ઇચ્છીએ છીએ, એટલું પરદેશીઓ ન જ ઇચ્છે. લડતનો અંત લાવવો એ આપના અધિકારની વાત છે. એમાં કોઈ વચ્ચે આવી શકે એમ નથી. પ્રજાને રાજી કરી તેની સાથે સમાધાન કરશો તો તમારો કોઈ વાંકો વાળ કરી શકશે નહીંં. ખોટી ધમકીઓથી ડરવાનું કશું કારણ નથી. તેમ ખટપટિયા કે સ્વાર્થી માણસોની સલાહ માની નકામું લંબાવી રાજ્યની ખુવારી કરી દુ:ખી થશો નહીં, તથા પ્રજાને નકામી દુ:ખી કરશો નહી. પછી તો આપની ઇચ્છા. ઈશ્વર આપનું ભલું કરો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ ”
 


ઉપરનો કાગળ મળ્યા પછી ઠાકોર સાહેબે સરદારને રાજકોટ આવવાનો સંદેશો મોકલાવ્યો તે ઉપરથી તા. રપ-૧૨-'૩૮ના રોજ બપોરે વિમાનમાં સરદાર રાજકોટ પહોંચ્યા. તરત જ તેમણે ઠાકોરસાહેબને નીચે પ્રમાણે ચિઠ્ઠી મોકલાવી :

“ શ્રી રાજકોટ ઠાકોરસાહેબ,

“હમણાં જ રાજકોટ આવ્યો છું, રાજકોટની પરિસ્થિતિથી વાકેફ થયો છું. મારી અને દીવાનસાહેબની વચ્ચે મુંબઈની અમારી મુલાકાત સંબંધમાં જે જાહેર ચર્ચા થઈ તે આપે છાપાંઓમાંથી જાણી હશે. આ બધી ગેરસમજ ઇરાદાપૂર્વ કે કેટલાક ખાસ હેતુઓથી કરવામાં આવી છે, એમ માનવાને સબળ કારણો છે. અને તેથી જ સમાધાની અટકી પડી છે એમ હું માનું છું. આપને મળવાથી આ ગેરસમજૂત દૂર થવાનો સંભવ છે, એમ આપને લાગતું હોય તો ખરી વસ્તુસ્થિતિ સમજાવવા માટે હું તૈયાર છું.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ”
 


તરત જ ઠાકોરસાહેબે નીચે પ્રમાણે જવાબ લખ્યો :

અમરસિંહજી સેક્રેટેરિયેટ,
રાજકોટ રાજ્ય
૨૫ ડિસેમ્બર, ૧૯૩૮
 


પ્રિય સરદાર વલ્લભભાઈ,

તમારી ચિઠ્ઠી હુમણાં જ મળી તે માટે આભાર. આજે સાંજે ૫ વાગ્યે આવશો અને મારી સાથે ચા પીશો તો મને આનંદ થશે. “તે વખતે આપણે હાલના પ્રશ્નની મારી કાઉન્સિલના સભ્યોની રૂબરૂમાં ચર્ચા કરીશું.

તમારો
ધર્મેન્દ્રસિંહ”
 


ઉપરની ચિઠ્ઠી મળતાં સરદાર ઠાકોરસાહેબને મળવા ગયા. દીવાન સર પેટ્રિક કૅંડલ તથા કાઉન્સિલના બીજા સભ્યો રા. સા. માણેકલાલ પટેલ તથા શ્રી જોબનપુત્રા પણ આવી પહોંચ્યા. આઠ કલાક સુધી વાતો ચાલી, એને પરિણામે સમાધાન થયું. એના ઉપર રાતના પોણા બે વાગ્યે ઠાકોર સાહેબે સહી કરી. એ સમાધાનનો મજકુર નીચે મુજબ છે :

૧. છેલ્લા થોડા માસ દરમ્યાન અમારી પ્રજામાં જે લોકલાગણી જાગ્રત થઈ છે અને પોતે માનેલાં દુ:ખના ઇલાજ માટે લોકોએ જે ખેદજનક કષ્ટો સહન કર્યા છે તે જોયા પછી, અને કાઉન્સિલ તેમ જ શ્રી વલ્લભભાઈ પટેલ સાથે સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કર્યા પછી, અમારી ખાતરી થઈ છે કે હાલની લડતનો અને લોકોનાં દુ:ખોનો તત્કાળ અંત લાવવા જોઈએ.
૨. અમે દસ ગૃહસ્થની એક સમિતિ નીમવાનો નિર્ણચ કર્યો છે. આ ગૃહસ્થ અમારા રાજ્યના પ્રજાજનો હરો. તેમાંના ત્રણ જણ રાજ્યના અમલદાર હશે. અને બીજા સાત પ્રજાજનોનાં નામ હવે પછીથી જાહેર કરવામાં આવશે.
૩. આ સમિતિ ૧૯૩૯ના જૂન્યુઆરીના અંત સુધીમાં, યોગ્ય તપાસ પછી અમારી સમક્ષ હેવાલ ૨જૂ કરીને, શહેનશાહ પ્રત્યેની અમારી ફરજો અને રાજા તરીકેના અમારા વિશેષ અધિકારોને બાધ ન આવે એવી રીતે, અમારી પ્રજાને વધારેમાં વધારે સત્તા આપી શકાય એવી સુધારાની યોજના રજૂ કરશે.
૪. અમારો અંગત ખર્ચ નરેન્દ્ર મંડળની કાઉન્સિલે કરેલી ભલામણ અનુસાર રહેશે.
પ. અમે વધુમાં અમારી પ્રજાને ખાતરી આપવા માગીએ છીએ કે ઉપર જણાવેલી સમિતિ તરફથી જે યોજનાની ભલામણ કરવામાં આવશે તે ધ્યાનમાં લઈ તેનો પૂરેપૂરો અમલ કરવાનો અમારો ઇરાદો છે.
૬. શાંતિ અને શુભનિષ્ઠાની ફરી સ્થાપના કરવાની જરૂરી પૂર્વભૂમિકા રૂપે સવિનય કાનૂન ભંગને અંગે સજા પામેલા સર્વ કેદીઓને તત્કાળ છોડી મૂકવાનું, બધા દંડ પાછા આપવાનું અને દમનનાં સર્વે પગલાં પાછાં ખેંચી લેવાનું અને જાહેર કરીએ છીએ.

તા. ૨૬-૧૨-'૩૮
ધર્મેન્દ્રસિંહ
 


નોંધ : પૅરેગ્રાફ બીજામાં લખેલ ‘પ્રજજન'ની વ્યાખ્યા બ્રિટિશ હિંદમાં બ્રિટિશ હિંદી પ્રજાજનની વ્યાખ્યા જેવી જ રહેશે.

ઉપરના સમાધાનની જાહેરાત તે જ દિવસે દરબારી ગેઝેટ કાઢીને કરવામાં આવી. તે ઉપરાંત ઠાકરસાહેબે એક જુદા કાગળમાં સરદાર વલ્લભભાઈ ને લખી આપ્યું કે, “એવી સમજૂતી થઈ છે કે આજની તારીખના દરબારી જાહેરનામાની કલમ ૨ માં સમિતિના સાત પ્રજા સભ્યોનો જે ઉલ્લેખ છે, તેમનાં નામની ભલામણ સરદાર વલ્લભભાઈ પટેલે કરવાની છે અને અમારે તેની નિમણુક કરવાની છે.

ધર્મેન્દ્રસિંહ
 

તા. ર૬મીએ સવારે આખા રાજકોટ શહેરમાં અને આસપાસનાં ગામડાંમાં સમાધાનના સમાચાર પવનવેગે પહોંચી ગયા. બપોરે બે વાગ્યા સુધીમાં બધા સત્યાગ્રહી કેદીઓ પણ છૂટી ગયા. ત્રણેક વાગ્યે સત્યાગ્રહી કેદીઓનું વિજય સરઘસ નીકળ્યું. સભાસ્થાને સરધસ પહોંચ્યું ત્યારે ત્યાં માનવ મેદનીનો પાર નહોતો. આસપાસનાં ઘણાં શહેરોમાંથી પણ સમાધાનીની ખબર સાંભળી લોકો મોટરબસ અને રેલવે ટ્રેનો દ્વારા આવી પહોંચ્યા હતા. સરદારે ભાષણમાં પોતાનું હૈયું ઠાલવ્યું :

"આજનો પ્રસંગ રાજકોટના અને કાઠિયાવાડના ઇતિહાસમાં અપૂર્વ છે. આપણે તેની જવાબદારી અને મહત્ત્વ બરાબર સમજી લેવાં જોઈએ. રાજકોટમાં આજે એવી કઈ વસ્તુ પેદા થઈ છે કે આટલા લોકો, બહેનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, હર્ષઘેલા થાય છે ? એ વસ્તુ સ્વતંત્રતા છે. ઘણાં વર્ષ સુધી કાઠિયાવાડ ગુલામ રહેલ છે. આજે એને સ્વતંત્રતાની ઝાંખી થઈ છે.

“ ઘણા વખતથી મારા ઉપરનું કરજ ચૂકવવા ઇચ્છતો હતો. રાજકોટ – કાઠિયાવાડે એવા એક પુરુષની હિંદને ભેટ આપેલી છે, જેણે આખા દેશની સિકલ ફેરવી નાખી છે, જેણે સેંકડો વર્ષથી સૂતેલા દેશને સત્ય અને બલિદાનના પાઠ ભણાવી જાગ્રત કર્યો છે. એ પુરુષનો હું એક અદનો સિપાઈ છું. મારા ઉપર એનું ઋણ ચડેલું છે. આજે એ ઋણનો કંઈક બદલે વાળ્યાનો મને થોડાક સંતોષ થાય છે.

"પ્રજાએ જે જાગૃતિ, અપૂર્વ સંગઠન, અહિંસા, ત્યાગ અને કોમ કોમ વચ્ચેની એકતા બતાવી છે એ નમૂનો હિંદુસ્તાનમાં અનેક યુદ્ધોને ભુલાવે તેવો છે. તેથી હું મગરૂબ થાઉં છું અને તમને સૌને અભિનંદન આપું છું.

“ આજે રાજા સાથે સમાધાન થયું છે. આવા રાજા-પ્રજાના ઝઘડામાં રાજા-પ્રજા બંનેને નુકસાન થાય છે. આજે પ્રજાનો વિજય થયા છે, સાથે સાથે રાજાનો પણ થયો છે. જ્યારે રાજાના દિલમાં પ્રજા પ્રત્યે લાગણી પેદા થાય છે ત્યારે એનો વિજય થયો ગણાય છે. તેથી હું રાજા-પ્રજા બંનેને અભિનંદન આપું છું.”

આ સમાધાનની વાત દેશમાં ફેલાઈ ત્યારે દેશના ખૂણે ખૂણેથી સરદારને અભિનંદનના તારે મળ્યા. આખા દેશમાં હર્ષ વ્યાપી ગયો અને સરદારની બાહોશી તથા બહાદુરીનાં સો વખાણ કરવા લાગ્યા. પણ સમાધાન કરીને ખરેખરી નિરાંતની નિદ્રા તો તે દિવસે રાજકોટના ઠાકોરસાહેબે લીધી હશે. તા. ર૭-૧૨-'૩૮ના રોજ એમણે સરદારનો આભાર માનતો કાગળ લખ્યા. એમાં દરબાર વીરાવાળાનો એમના ઉપર કેટલો પ્રભાવ હતો તે દેખાઈ આવે છે :

"રાજકોટ,
ર૭-૧૧-'૩૮
 

"પ્રિય વલ્લભભાઈ પટેલ,

"તમે રાજકોટ આવ્યા તે માટે હું તમારો ઘણો આભારી છું.

“ આ ઝઘડાનો અંત લાવવામાં તમે જે રીતે મને મદદ કરી તેની હું બહુ કદર કરૂં છું

“ મને લાગે છે કે અત્યાર સુધીમાં તમારા જાણવામાં આવ્યું હશે કે દીવાનસાહેબ વીરાભાઈ મને અને મારા રાજ્યને બહુ વફાદાર છે. પોતાની આખી કારકિર્દી દરમ્યાન મારી પ્રજાનું ભલું કરવા તેમણે બહુ પ્રયત્ન કર્યો છે. મારું અને મારા રાજ્યનું હિત જાળવવા માટે તેમને ઘણું વેઠવું પણ પડ્યું છે.

"હવે આપને મારી એટલી જ વિનંતી છે કે મારી પ્રજાના દિલમાં તેમને વિષે કાંઈ ગેરસમજ હોય તો તે આપ દૂર કરાવશો. એ માટે હું આપનો ઘણો આભારી થઈશ.

તમારો
ધમેન્દ્રસિંહ ”
 


આમ રાજકોટની લડતનો સુખદ અંત આવેલો દેખાય. પણ આવું સમાધાન જેમાં સરદારના એટલે કે કૉંગ્રેસનો ઉપર હાથ રહે એ રેસિડેન્ટને રુચ્યું નહીં, ગોરા દીવાનને તો ઠાકોરે રજા આપી, પણ દરબાર વીરાવાળા જે સરદાર સાથે સમાધાન કરવા ઈંતેજાર હતા તે રેસિડેન્ટની લાલ આંખ જોઈ ફરી બેઠા અને બરાબર તેના હાથા બન્યા. તેમણે રાજ પાસે વચનભંગ કરાવ્યું. રાજાના વચનનું પાલન કરાવવા ગાંધીજીએ ઉપવાસ આદર્યા. પણ એ આખી કથા અલગ પ્રકરણ માગી લે છે.


સંધિભંગ

રાજકોટ રાજ્યમાં અને કાઠિયાવાડમાં પ્રજા જ્યારે આ સમાધાનથી વિજયના આનંદ અને ઉત્સાહમાં હતી ત્યારે કાઠિયાવાડના બીજા રાજાઓના દિલમાં, પોતાની સત્તા સરી પડતી જોઈ ખળભળાટ મચી રહ્યો હતો. રેસિડેન્ટ પણ ચોંક્યા હતા. તેમણે તા. ૨૮-૧૨-'૩૮ના રોજ કાઉન્સિલના બધા સભ્યો સાથે ઠાકોર સાહેબને પોતાને ત્યાં મળવા બોલાવ્યા. ત્યાં જે વાતચીત થઈ એના અહેવાલની નોંધ સરદારે પોતાની ખાનગી વ્યવસ્થાથી મેળવી. એ નોંધમાંથી થોડા ઉતારા અંગ્રેજી 'હરિજન' તથા ગુજરાતી 'હરિજનબંધુ'માં છપાયા છે. તે રેસિડેન્ટનું માનસ બરાબર પ્રગટ કરતા હોઈ નીચે આપ્યા છે :

હાજર: નામદાર મિ. ગિબ્સન, ના. ઠાકોરસાહેબ, કાઉન્સિલના સભ્યો : સર પેટ્રિક કૅડલ, રા. સા. માણેકલાલ પટેલ, શ્રી જયંતીલાલ જોબનપુત્રા.

ના. મિ. ગિબ્સને શરૂઆત કરતાં ના. ઠાકોરસાહેબને જણાવ્યું કે તેમણે કરેલા સમાધાનથી બધા રાજાઓમાં ખળભળાટ પેદા થયો છે. વલ્લભભાઈ પટેલ રાજકોટ કેવી રીતે આવ્યા ? ના. ઠાકોરસાહેબે તેમને આમંત્રણ આપ્યું હતું કે કેમ તે મિ. ગિબ્સન જાણવા માગતા હતા.

ના. ઠાકોર: તેઓ એમની ઇચ્છાથી આવ્યા હતા, અને મને મળવા જણાવ્યું હતું. મેં તેમને ચા પીવા નોતર્યા હતા.

મિ. ગિબ્સન : વારુ, પણ એ સાવ બિનભરોસાદાર માણસ છે. તમે જાણો છો કે બહારની કોઈ દખલગીરી ન ચાલવા દેવી એવી હિંદ સરકારની ઇચ્છા છે. પટેલની સાથે સમાધાન કરીને તમે તમારા નરેન્દ્ર બંધુઓની અને સરકારની સહાનુભૂતિ ગુમાવી છે. તમને રૂચે તે કરો, તેનું હિંદ સરકારને કાંઈ નથી. પરંતુ પટેલ દ્વારા સમાધાન કરવામાં તમે ભૂલ કરી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મિ. પટેલ સૌથી વધુ અવિશ્વાસપાત્ર છે. છતાં જાહેરાત ઉપરથી જણાય છે તે પ્રમાણે સમાધાનની શબ્દરચના એટલી બધી ખરાબ નથી, સિવાય કે “ શક્ચ તેટલી વિશાળ સત્તાઓ' એ શબ્દો. આ શબ્દોનો ગમે તે અર્થ થઈ શકે. તેનો અર્થ એટલે સુધી પણ થાય કે તમે માત્ર નામના જ રાજા રહો. એ શબ્દોના જોર ઉપર તેઓ શરૂઆતથી જ સંપૂર્ણ જવાબદાર રાજ્યતંત્રની માગણી કરશે, અને તમે ઘણી કઢંગી સ્થિતિમાં મુકાઈ જશો.

ના. ઠાકોર : ના, મેં માત્ર સમિતિ નીમી છે.

મિ. ગિબ્સન : હા, પરંતુ સમિતિના સભ્યો કોણ નીમશે ? અને એ સમિતિનો જે હેવાલ આવશે તેનો તો તમારે અમલ કરવાનો જ છે.

ના. ઠાકોર: શ્રી વલ્લભભાઈ નામો સૂચવશે.

મિ. ગિબ્સન : એનો અર્થ જ એ કે કૉંગ્રેસના કાર્ચકર્તાઓ નિમાશે. તેઓ 'શક્ચ તેટલી વિશાળ સત્તાઓ' એ શબ્દોની રૂએ સંપૂર્ણ જવાબદાર રાજતંત્રની માગણી કરશે.

સર પેટ્રિક : મિ. પટેલ કઈ રીતે નામો સૂચવશે ? આપણે તેમને લખવાનું છે ?

ના. ઠાકોર : ના, તેઓ નામો મોકલશે. મિ. ગિબ્સન : એક કલમમાં તમે હેવાલ સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાનું કબૂલ્યું છે. તેથી તમે તમારી બાજી હારી બેઠા છો.

સુધારા સમિતિના પ્રમુખની નિમણુક સંબંધમાં મિ. ગિબ્સને ઠાકોરસાહેબને પૂછયું': સમિતિના પ્રમુખ કોણ થશે ?

ના. ઠાકોર: દરબાર વીરાવાળા.

મિ. ગિબ્સન : ના, એ તો આવી ન શકે.

ના. ઠાકોરસાહેબ : કેમ ? તેઓ એમની રજાનો સમય પૂરો થયા પછી આવશે.

મિ. ગિબ્સન : તેઓ તાલુકદાર છે. તેઓ નહીં આવી શકે. હું તેમને હવે ન આવવા દઉં.

ના. ઠાકોર : સર પેટ્રિકના ગયા પછી તેઓ આવી શકશે.

મિ. ગિબ્સન : એ જોયું જશે.

ઉપરની વાત થઈ તે પહેલાં ઠાકોર સાહેબે મિ. ગિબ્સનને કાગળ લખીને જણાવ્યું હતું કે,

"હવે પ્રજા સાથે સમાધાન થઈ ગયું છે. અને રાજ્યમાં પૂરેપૂરી શાંતિ સ્થપાઈ ગઈ છે. વળી દીવાન તરીકે સર પેટ્રિક કેંડલ ન જોઈએ એવી હજારો પ્રજાજનોની સહીથી અરજી મને મળી છે. એટલે આપ તેમને રાજીનામું આપીને જવાની સલાહ આપો તો ઠીક. મેંં સર પેટ્રિકને પણ એ પ્રમાણે કાગળ લખ્યો છે.”

આનું કશું પરિણામ ન આવ્યું એટલે તા. ૩૧મી ડિસેમ્બરે સર પેટ્રિકને ફરી કાગળ લખીને પુછાવ્યું કે તમે ક્યારે રાજીનામું આપો છો ? રેસિડેન્ટ મિ. ગિબસન સમજી ગયા કે સર પેટ્રિક કૅંડલને હવે વધુ વખત રાખવામાં માલ નથી. આ સમાધાની રદ કરાવવામાં દરબાર વીરાવાળા આપણને વધુ ઉપયોગી થઈ પડશે. એટલે તેમણે કૅંડલને જવાની સલાહ આપી.

તેઓ ૭મી જાન્યુઆરીએ રાજકોટ છોડી ગયા અને તરત જ દરબાર વીરાવાળાએ રાજકોટ આવી દીવાનપદું સંભાળી લીધું. સરદાર સાથે તેણે જયારે સમાધાન કરાવ્યું ત્યારે કદાચ તેનું પાલન કરવાની તેની ઈચ્છા હશે. પણ રેસિડેન્ટની રૂખ જોઈ એનો વિચાર ફરી ગયો અને સમાધાનનો ભંગ શી રીતે કરવો તેની જ યુક્તિઓ તેમણે રચવા માંડી. એવા કાવાદાવાના કામમાં તો એ એક્કા હતા.

સમાધાનની શરતો મુજબ સમિતિના સાત પ્રજાકીય સભ્યોનાં નામ સરદારે આપવાનાં હતાં. તે વિષે કાર્યકર્તાઓ જોડે મસલત કરી નામો પસંદ કરતાં અને સૂચવતાં તેમને થોડા દિવસ લાગ્યા. તા. ૪-૧-'૩૯ના રોજ નીચેનાં સાત નામો સરદારે ઠાકોર સાહેબને લખી મોકલ્યાં :

૧. શ્રી પોપટલાલ ધનજીભાઈ માલવિયા
૨. શ્રી પોપટલાલ પુરુષોત્તમ અનડા
૩. શ્રી મુલ્લાં વલીજી અબદુલઅલી
૪. ડૉ. ડી. જે. ગજ્જર
૫. શ્રી જમનાદાસ ખુશાલદાસ ગાંધી
૬. શ્રી વ્રજલાલ મયાશંકર શુક્લ
૭. શ્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર

આનો જવાબ તા. ૧ર-૧-'૩૯ના રોજ કાઉન્સિલના સભ્ય શ્રી માણેકલાલ પટેલની સહીથી સરદારને મળ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે,

“ તમે સુચવેલાં નામો ઠાકોરસાહેબને મળે તે પહેલાં છાપામાં બહાર પડી ગયાં છે. તેથી ઠાકરસાહેબ બહુ કફોડી દશામાં મુકાયા છે.

“ ઠાકોરસાહેબની ઘણી ઇચ્છા છે કે, તમારાં સૂચવેલાં નામો તેઓ પસંદ કરે. પણ રાજ્યના ભાયાતો, મુસલમાન તથા દલિતવર્ગ તરફથી તેમને અરજીઓ મળી છે કે તેમનું પ્રતિનિધિત્વ પણ આ સમિતિમાં હોવું જોઈએ. એ અરજીઓને પણ ઠાકોરસાહેબે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે તમે સુચવેલાં સાત નામમાંથી નંબર ૧, ૨, ૪ અને ૫ ઠાકોરસાહેબ પસંદ કરે છે. મુસલમાનોની માગણી એવી છે કે સમિતિ ઉપર તેમના ત્રણ પ્રતિનિધિ હોવા જોઈએ. ઠાકોરસાહેબને લાગે છે કે નં ૩ને બદલે મુસ્લિમ કાઉન્સિલે સૂચવેલા બે માણસોને સમિતિ ઉપર રાખવા. નં. ૬ અને ૭ની બાબતમાં ના. ઠાકોરસાહેબને લાગે છે કે તેઓ રાજ્યના પ્રજાજનની વ્યાખ્યામાં આવી શકે એમ નથી. એટલે તેમને બદલે બીજા કેાઈનાં નામ સૂચવવાં જોઈએ. તેમાં ભાયાત વગેરેની માંગણી લક્ષમાં લઈ તમે નામ સૂચવશો ત્યાર પછી ઠાકરસાહેબ એ બહાર પાડશે.”

ઉપરનો કાગળ મોકલાયા પછી ઠાકોર સાહેબની કાઉન્સિલના એક સભ્ય શ્રી જયંતીલાલ જોબનપુત્રા સરદારને મળવા તા. ૧પમીએ બારડોલી ગયા. ગાંધીજી પણ તે વખતે બારડોલીમાં જ હતા. એટલે બંનેએ શ્રી જોબનપુત્રા સાથે ખૂબ વાતો કરી. રા. સા. માણેકલાલના કાગળના જવાબમાં નીચેનો કાગળ સરદારે તેમની સાથે જ મોકલ્યો :

"બારડોલી,
તા. ૧૫-૧-'૩૯
 

“ ભાઈ માણેકલાલ પટેલ,

"તમારો કાગળ તા. ૧૨-૧-'૩૯નો મળ્યો. તમારા કાગળથી મને દુ:ખ થાય છે. "મે આપેલાં નામો પ્રગટ થયાં એ ખોટું તો થયું, પણ ઘણાં માણસની સાથે જેમાં વહેવાર હોય તે વાત હંમેશાં ઢાંકી રહી શકતી નથી.

“વળી નામ પ્રગટ થયા છતાં સબળ કારણસર તેમાં કાઢઘાલ અવશ્ય થઈ શકે.

“ ભાયાતો અને મુસલમાનોનાં નામ વિષે તમે જે ભલામણ કરો છો તે મારાથી સ્વીકારી નથી શકાતી. તે સ્વીકારવા જતાં નામ આપવાની પાછળ જે વિચારસરણી રહી છે અને જે સમજી શકાય તેવી છે તે તૂટી પડે છે. આ કમિટી અમુક હેતુ પાર પાડવાને સારુ થઈ છે અને એ હેતુ તો અમુક પ્રકારના મત ધરાવતા હોય તેવા પણ પ્રામાણિક માણસોથી જ સિદ્ધ થઈ શકે. હું એટલી ખાતરી આપું છું કે જે સાત સભ્યોનાં નામ મેં સૂચવ્યાં છે તેઓ ભારતનાં અને બીજાઓનાં હિત નજરમાં રાખીને જ કામ કરશે. આથી વિશેષની આશા કઈ ન રાખી શકે.

“ કેટલાક સભ્યો રાજકેટની રૈચત ન હોવા વિશે તમે જે ઉલ્લેખ કર્યો છે તે દુ:ખદ છે. પણ તેમ કરવાનો તમને અધિકાર હતો. શ્રી ઢેબરભાઈ એ વ્યાખ્યામાં નથી જ આવતા એમ તમે ફરી વિચાર કરતાં નિર્ણચ કરશો તો એ નામ ખેંચી લેવા હું તૈયાર છું. જો શ્રી ઢેબરભાઈનું નામ કાઢવાનો આગ્રહ કાચમ રહે એને બદલે શ્રી ગજાનંદ જોષી વકીલનું નામ હું રચવું છું. શ્રી વજુભાઈ શુકલ તો એ વ્યાખ્યામાં આવે છે એમ મારો મત છે.

“ પ્રમુખ દસમાંથી ચૂંટાય એવો જ અર્થ નામદાર ઠાકોરસાહેબની જાહેરાતનો હોઈ શકે. અને એ પ્રમુખ દરબારશ્રી વીરાવાળા ન હોઈ શકે એ મારે કહેવું જોઈએ. એમણે તો મને કહેવડાવ્યું છે કે તેઓ પોતે કશો હોદ્દો લેવાના નથી. પણ કોઈ અકસ્માત થવા ન પામે એ માટે આટલું લખવું ઉચિત લાગ્યું છે.

“ મારે કહેવું જોઈએ કે કમિટીની નિમણુક થવામાં ઘણી ઢીલ થઈ છે. રિપોર્ટટ તો તા. ૩૧મી જાન્યુઆરી લગીમાં બહાર પાડવો જ રહ્યો. એટલે મારી આશા છે કે આ કાગળ પહોંચતાં તુરત કમિટી નિમાઈ જશે. પણ કમનસીબે કમિટી નહીંં નિમાય ને ઢીલ થયા જ કરશે તો લોકો તરફથી લડત ફરી થવાનો ભય છે. સાથે મારે જણાવવું જોઈએ કે ના. ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલની વચ્ચે થયેલા પત્રવ્યવહાર અને રેસિડેન્ટની સાથે તા. ર૮મી ડિસેમ્બરે થયેલી મુલાકાતની યાદી મારી પાસે છે. જો સમાધાની ભાંગી પડશે તો પ્રજાપક્ષના હિતને અર્થે એ કાગળિયાં ને એવાં જે બીજાં કાગળિયાં મારા કબ્જામાં છે તે પ્રગટ કરવાનો મારો ધર્મ થઈ પડશે, એમ મને ભાસે છે. પણ મારી ઉમેદ છે કે એવું કશું નહીંં કરવું પડે ને કમિટીની નિમણૂક તરત થશે ને બધું કામ નિયમસર ચાલુ થઈ જશે. તમારી તરફથી તારથી જવાબની આશા રાખું છું.

લિ. સેવક,
વલ્લભભાઈ પટેલ”
 

ગાંધીજીએ પણ ઠાકોરસાહેબને તે જ દિવસે નીચે પ્રમાણે કાગળ મોકલાવ્યો :

“ના, ઠાકોરસાહેબ,

"ભાઈ જયંતીલાલ સાથે મેં સારી પેઠે વાત કરી છે. સરદારે જે પત્ર રા. સા. માણેકલાલ ઉપર મોકલ્યો છે તે પ્રમાણે વર્તવામાં તમારા વચનનું પાલન છે ને તમારું હિત છે. જે ઉદાર નિર્ણય કર્યો છે તેને વળગી રહેવાની મારી ભલામણ છે.

મોહનદાસ ગાંધીના આશીર્વાદ”
 

રા. સા. માણેકલાલ પટેલે સરદારને તારથી જણાવ્યું કે તમારા કાગળ ઉપર ના. ઠાકોર સાહેબ વિચાર કરી રહ્યા છે અને પોતાનો નિર્ણય થોડા વખતમાં જણાવશે. આ પત્રવ્યવહાર ચાલતો હતો એ દરમિયાન રાજકોટની સ્થિતિ તો બગડતી જ જતી હતી. શ્રી ઢેબરભાઈ એ ૧૮-૧-'૩૯ના રોજ સરદારને તારથી જણાવ્યું કે,

"માણેકલાલભાઈનો જવાબ અચોક્કસ છે અને કુશંકા ઉપજાવનારો છે. રાજ્ય મુસલમાનોને વિરોધ દેખાડવાની ખટપટ કરે છે. તેઓની મીટિંગ થાય છે. અહી સ્થિતિ બહુ ગંભીર છે.”

એટલે સરદારે તા. ૧૯મીએ રા. સા. માણેકલાલને નીચે પ્રમાણે તાર કર્યો :

“ શ્રી જોબનપુત્રા મારફત મેં મોકલેલા કાગળનો તમારા તરફથી છેવટનો જવાબ નથી તેથી દિલગીર છું. તેમાં જણાવેલી શરતોનું તા. ૨૨મી સવારે ૧૦ વાગ્યા પહેલાં પાલન કરવામાં નહીંં આવે તો મારે નાછુટકે તેમાં જે કાગળિયાંના ઉલ્લેખ કરેલ છે તે પ્રગટ કરવાં પડશે અને રાજકેટના લોકોને લડત શરૂ કરવાની સલાહ આપવી પડશે.”

એટલે રા. સા. માણેકલાલે તા. ર૦-૧-'૩૯ના રોજ તારથી જવાબ આપ્યો કે કે કમિટીના સભ્યોના નામમાં થોડા ફેરફાર કરી અમે જાહેર કરીએ છીએ. તે અનુસાર તા. ૨૧-૧-'૩૯ની રોજ દરબારી જાહેરનામું પ્રગટ થયું. તે અક્ષરશ: નીચે આપ્યું છે :

“ તા. ૨૬-૧૨-'૧૮ના જાહેરનામામાં જણાવ્યા મુજબ રાજ્યના કારોબારમાં અમારી પ્રજાને વિશેષ રીતે સંયોજિત કરવાના હેતુથી, યોગ્ય તપાસ કરી સુધારાની યોજનાની ભલામણનો રિપોટ અમારા તરફ રજૂ કરવા, રાજ્યના બધા અગત્યના વિભાગનું પ્રતિનિધિત્વ ધરાવનારી, નીચે લખ્યા સાત ગૃહસ્થોની કમિટી, જેમણે સ્ટેટના ત્રણ ઑફિસરો જેઓનાં નામ હવે પછી બહાર પાડવામાં આવશે, તેઓની સાથે રહી કામ કરવાની નિમણૂક કરવામાં આવે છે:

૧. મિ. પોપટલાલ પુરુષોત્તમ અનડા
પ્રેસિડેન્ટ,
પ્રજા પ્રતિનિધિ સભા
 

૨. જાડેજા જીવણસિંહુજી ધીરુભા
૩. શેઠ દાદા હાજી વલીમહમદ
૪. મિ. પોપટલાલ ધનજીભાઈ માલવિયા

૫. મિ. મોહનલાલ એમ. ટાંક
પ્રેસિડેન્ટ,
મ્યુનિસિપલ કૉર્પોરેશન
 

૬. ડૉ. ડી. જે. ગજ્જર
૭. શેઠ હાતુભાઈ અબદુલઅલી

કમિટી તેમનો રિપોર્ટ સંપૂર્ણ અને બારીક તપાસ કરી રજૂ કરશે એમ આશા રાખવામાં આવે છે.

તા. ૨૧–૧–૧૯૩૯
ધર્મેન્દ્રસિંહ
ઠાકોરસાહેબ સ્વ. રાજકોટ”
 

ઉપરનું જાહેરનામું બહાર પડયું એટલે રાજકોટનું સમાધાન ભાંગી પડવાથી, રાજકોટની પ્રજાને સત્યાગ્રહની લડતો ફરી શરૂ કરવાની હાકલ કરતાં સરદારે રપ-૧-'૩૯ના રોજ નીચેનું છાપાંજોગું નિવેદન બહાર પાડયું:

"રાજકોટ સત્યાગ્રહની લડતની સુખદ પૂર્ણાહુતિ થઈ લાગતી હતી. પણ ઘણી જ દિલગીરીપૂર્વક તેની ફરી શરૂઆત કરવાની હાકલ કરવાનો પ્રસંગ આવ્યો છે. એ વાતનું મને ઊંડું દુ:ખ છે. છતાં રાજ્યની પ્રતિષ્ઠાને ખાતરી તેમ જ રાજકોટની પ્રજાના સ્વમાનની રક્ષાને ખાતર લડત ફરી શરૂ કરવાનો ધર્મ થઈ પડ્યો છે.

"પ્રજાને સ્મરણ હશે કે રાજકોટ રાજ્યના ગેઝેટમાં તા. ૨૬–૧૨–૩૮ના રોજ જાહેર થયેલું સમાધાન ( અગાઉ અપાઈ ગયું છે) તા. રપમીની સાંજે તથા રાતના લગભગ આઠ કલાક સુધી રાજકોટ ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલ, શ્રી માણેકલાલ પટેલ તથા શ્રી જોબનપુત્રા જોડે ચાલેલી અને રાતના પોણાબે વાગ્યે પૂરી થયેલી વાટાધાટને પરિણામે થયું હતું.

"અહીં યાદ રાખવું જરૂરનું છે કે, રાજકોટના સમાધાનની વાટાઘાટ કરવા હું ઠાકોરસાહેબના આમંત્રણથી ગયો હતો. સમાધાન પછી થોડા દિવસમાં સર પેટ્રિક કૅંડલ પોતાના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા.

“મારે ખેદપૂર્વક જણાવવું પડે છે કે, જેમણે ઠાકોરસાહેબનું લૂણ ખાધું છે એમણે જ એમની ભારે કુસેવા કરી છે. આવા સલાહકારોમાં દરબાર વીરાવાળા સૌથી નપાવટ નીવડ્યા છે. તેમણે રાજ્યને પાયમાલ કર્યુંં છે, અને ભયાનક ગેરવહીવટથી રાજ્યની તિજોરી તળિયાઝાટક કરી છે. ઠાકોર સાહેબ ઉપર તેમણે એવું કામણ કર્યું છે કે, તેમાંથી તેઓ ઇચ્છે તો પણ કેમે છૂટી શકે નહીંં. સર પેટ્રિક કૅંડલને દ૨બાર વીરાવાળાએ જ આણ્યા હતા. પણ વીરાવાળા જ

રાજ્યના રાહુ છે એમ જાણતાં સર પેટ્રિકે આવતાંવેંત એજન્સીની મદદથી એમને રાજ્યમાંથી હદપાર કર્યા. આ પછી દરબાર વીરાવાળા આવા દીવાનને સાંખે તેમ ન હતું. છતાં પોતે રાજ્યકર્તા કોમના છે એ ગુમાન રાખીને સર પેટ્રિક ન ચાલ્યા હોત તો તેમને કદાચ રાજકોટ છોડવા વખત ન આવત.
“દરબાર વીરાવાળાને દેશવટો મળ્યા છતાં બગસરા બેઠાં એણે રાજખટપટ ચાલુ રાખી. તેમના દીકરા ભોજવાળા અને ભત્રીજા વાલેરાવાળા તો હજુ રાજકોટ ઠાકોરસાહેબ પાસે જ છે. પોતે સમાધાન નહીં અટકાવી શકે એમ લાગતાં જ દરબાર વીરાવાળાએ મિત્રનો સ્વાંગ ધારણ કર્યો અને સમાધાનમાં મદદગાર બનવાનો દેખાવ કર્યો. સર પેટ્રિક રાજકોટ છોડવાની તૈયારીમાં હતા. તેવામાં દરબાર વીરાવાળા રાજકોટમાં પહોંચ્યા અને પોતાનાં કારસ્તાન શરૂ કર્યાં, જે હજુયે ચાલુ જ છે.
“સમાધાનની શરતો પ્રમાણે નીમવાની કમિટી મુજબ સાત સભ્યોનાં નામો લડતના સંચાલકો જોડે મસલત કરી પસંદ કરતાં અને સૂચવતાં મને થોડા દિવસ વીત્યા. તા. ૪–૧–’૩૯ના રોજ મેં સાત નામો મોકલી આપ્યાં.
“આ પછી સમિતિ નિમાયાની જાહેરાત વગર વિલંબે થવી જોઈતી હતી. પણ દિવસો વીત્યા, છતાં કશું થયું નહીં. દરમ્યાન તા. ૨૮મી ડિસેમ્બરે રેસિડેન્ટ તથા ઠાકોરસાહેબ અને તેમની કાઉન્સિલ વચ્ચે મંત્રણા થઈ. આ મંત્રણાની તે વેળાએ હાજર રહેલા એક જણે લીધેલી સત્તાવાર નોંધ મારી પાસે છે. (અગાઉ અપાઈ ચૂકી છે.)
“આ પ્રસંગે રેસિડેન્ટે કૉંગ્રેસ તથા મારે વિષે કાઢેલા ઉદ્‌ગારો વાંચવા લાયક છે. થયેલા સમાધાન વિશે તેમ જ કૉંગ્રેસ તથા મારે વિષે પોતાનો અણગમો વાતચીત દરમ્યાન રેસિડેન્ટ છુપાવી શક્યા નથી.
“એમ જણાય છે કે ઠાકોરસાહેબે પોતાની પ્રજાને આપેલી ખોળાધરીનો ભંગ કરવામાં રેસિડેન્ટ તથા દરબાર વીરાવાળા જ જવાબદાર છે. વળી, હાલમાં રાજ્ય તરફથી કાઢવામાં આવેલું જાહેરનામું પણ સમાધાનની રૂએ અગાઉ કાઢવામાં આવેલા જાહેરનામા જોડે સરખાવી જોવા જેવું છે. આ બીજી વારના જાહેરનામામાં મેં સૂચવેલાં સાત નામોમાંથી ચાર બાતલ કરવામાં આવ્યાં છે. સમિતિના કાર્યક્ષેત્રને પણ તે રદ કરે છે અને મોઘમ છે, જ્યારે અગાઉના જાહેરનામાની ભાષા અસંદિગ્ધ અને ચોક્કસ હતી. અગાઉના જાહેરનામામાં એમ કહેવામાં આવ્યું હતું કે સમિતિનો રિપોર્ટ તા. ૩૧મી જાન્યુઆરી પહેલાં બહાર પડશે અને ઠાકોરસાહેબ તરફથી તેનો અમલ થશે. જ્યારે હાલના જાહેરનામામાં સમિતિનો રિપોર્ટ બહાર પાડવાની બાબતમાં કશી મુદત ઠરાવવામાં આવી નથી.
“આ છેલ્લા જાહેરનામા અગાઉ રા. સા. માણેકલાલ પટેલ તરફથી મને એક કાગળ મળેલો. નોંધ લેવા જોગ બીના એ છે કે, આ કાગળમાં મારાં સૂચવેલાં સાત નામોમાંથી ચાર કબૂલ રાખવામાં આવ્યાં છે. જ્યારે છેલ્લા જાહેરનામામાં એ ચારમાંથી પણ એક નામ વળી પાછું કમી કરવામાં આવ્યું છે, અને ત્રણ જ બાકી રહ્યાં છે.

“દરબાર વીરાવાળાના ઠાકોરસાહેબ ઉપરના પ્રભાવ વિષે અને એમની ખટપટો વિષે મેં એટલું બધું સાંભળ્યું હતું કે શ્રી માણેકલાલ પટેલના જવાબમાં મારે લખવું પડ્યું હતું કે દરબાર વીરાવાળા કોઈ વાતે કમિટી ઉપર ન જ નિમાઈ શકે. મારે ક્યાંયે બહાનુંબાકોરું રહેવા દેવું નહોતું.
“પ્રતિજ્ઞાપૂર્વક કરેલા સમાધાનના રાજ્ય તરફથી થયેલા આ ભંગ પછી રાજકોટ રાજ્યની પ્રજાને માટે એક જ માર્ગ ખુલ્લો રહે છે, —સ્વેચ્છાપૂર્વકના કષ્ટસહન અને આત્મબલિદાનનો માર્ગ ફરી એક વાર ગ્રહણ કરીને પોતાની આઝાદી સ્થાપિત કરવાનો અને રાજકોટ રાજ્યને તથા ઠાકોરસાહેબને પૂરી પાયમાલીમાંથી ઉગારી લેવાનો. આ કષ્ટને માર્ગે ફરી પગલાં માંડવા હું પ્રજાને હાકલ કરું છું. આકરામાં આકરી અગ્નિપરીક્ષાની આગાહી કરવી અને તેને સારુ તૈયારી રાખવી એ ડહાપણનો માર્ગ છે. પ્રજાને વધુમાં વધુ રંજાડવાને સારુ ત્રાસ વર્તાવવામાં અને કાઠિયાવાડમાં અજાણી નથી એવી શારીરિક જુલમની ભૂંડામાં ભૂંડી રીત અખત્યાર કરવામાં છેવટની હદ સુધીના પ્રયત્નો કરવામાં આવશે. એ જ પ્રમાણે અંદરઅંદરના કોમી અને બીજા કજિયા ઊભા કરાવવાની કોશિશ થશે. તાજેતરમાં મુસલમાનભાઈઓને ઉશ્કેરીને તેમની મારફત બનાવટી કોમી આંદોલન ઊભું કરવાના જે પ્રયત્નો થયા છે તે આપણે માટે દાખલારૂપ છે. આપણે આપણી વર્તણૂકથી દેખાડી આપવું રહ્યું છે કે, પ્રજાકીય અંકુશ હેઠળ સ્થાયી રાજ્યતંત્ર સ્થપાય તેમાં બીજા સૌ કોઈના જેટલો જ મુસલમાનોનો લાભ સમાયેલો છે.
“અંધેર કારભાર અને લાંચરુશવતખોરીથી રાજકોટની તિજોરીનું તળિયું આવ્યું છે. આપસના ઝઘડા જો ચાલવાના જ હશે તો આપણી લડત લંબાશે. પણ જો તમામ આમ પ્રજા સમજી જાય, સંગઠિત થાય, ગમે તેટલાં અને લાંબા સમય દુઃખો ખમવાની તાકાત દેખાડી આપે, અને માલમતાની નુકસાની છતાં અહિંસક અસહકાર ચલાવ્યે જવાની શક્તિ બતાવે, તો તે કદી હારવાની નથી.
“વિદ્યાર્થીઓ કાયદાના સવિનય ભંગમાં અને હડતાલોમાં કોઈ વાતે ન ભળે. જો તેમનામાં શ્રદ્ધા હોય તો તેઓ રચનાત્મક કામ ઉપાડી લે. તેઓ ઘેર ઘેર ફરીને જુલમમાં સપડાયેલાઓને રાહત આપવાનાં કામ કરે. લડત ચાલતી જશે તેમ તેમ પ્રજાને અનિવાર્ય પણે અનેક કષ્ટો વેઠવાનાં આવશે.
“મન, વાચા અને કર્મથી અહિંસા જળવવાની છે. સાથીઓ જોડે તેટલી જ વિરોધીઓ અને તટસ્થ જોડે, જેલોમાં તેમ જ બહાર, બધે જ જાળવવાની છે. આપણું અહિંસાપાલન એ આપણા વિજયની પરાશીશી હશે.
“આપણી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે આપણી અહિંસા અને પ્રજાથી વિમુખ થઈ બેઠેલા ઠાકોરસાહેબને પ્રજાના સામું જોવા પ્રેર્યા વિના નહીં રહે. આજે તો રાજા નામના જ રાજા છે. જુવાન રાજા પ્રજા જોડે પવિત્ર પ્રતિજ્ઞાથી બંધાય અને પછી ફરી જઈને વચનભંગ કરે એ વાત નાના મોટા દરેક પ્રજાજનને ખટકવી જોઈએ.
“દરબાર વીરાવાળાને માટે દેખીતી રીતે મેં કડવી વાતો કહી છે. સત્ય ઘણી વાર કડવું અને તીખું હોય છે. એમને વિષે જે વાતની મને ગળા સુધી
ખાતરી ન થઈ હોય એવી એકે વાત મેં કહી નથી. એની ઉઘાડી બૂરાઈઓ છતાં આપણે એને પ્રેમની નજરથી જોઈએ. એવો પ્રેમ એનો પોતાનો અને એના પ્રભાવ તેમ જ દોરવણી હેઠળ ચાલનારા બીજાઓનો અને હૃદયપલટો કરશે એવી આશા છે.
“રાજકોટની પ્રજાનો કાર્યક્રમ અને નીતિ ઘડવામાં મારી દરમ્યાનગીરી અને કૉંગ્રેસનો પ્રભાવ રેસિડેન્ટને અળખામણાં લાગે છે એ વાતનો મને ખેદ થાય છે. રાજસ્થાની પ્રજાઓ તો હંમેશાં કૉંગ્રેસથી દોરવાતી આવી છે. તેઓ કૉંગ્રેસની આણ માને છે. આરંભના કાળમાં તો ખુદ રાજાઓ પણ કૉંગ્રેસનો ટેકો શોધતા. કૉંગ્રેસે દેશી રાજ્યોના પ્રશ્નોમાં સીધો ભાગ ન લેવાની નીતિ એટલા સારુ અખત્યાર કરી હતી કે તેને પોતાની શક્તિની મર્યાદાનું ભાન હતું, પણ જ્યારે દેશી રાજ્યોની પ્રજાને પોતાની શક્તિનું ભાન થયું છે અને કષ્ટો સહન કરવાની તેમની તૈયારી છે, ત્યારે કૉંગ્રેસ પોતાની શક્તિના પ્રમાણમાં પ્રજાને વધુમાં વધુ સાથ આપવામાં જો પાછી પાની કરે તો તે પોતાના સિદ્ધાંતને બેવફા નીવડી ગણાય.
“મારે પોતાને વિષે તો એટલું જ કહું કે કાઠિયાવાડ રાજકીય પરિષદનો હું પ્રમુખ છું, અને તેથી કાઠિયાવાડની પ્રજા પ્રત્યે તેમ જ રાજાઓ પ્રત્યે પણ પરિષદના પ્રમુખ તરીકે મારી ચોક્કસ ફરજો રહેલી છે. આ સ્થિતિમાં તેમના તરફથી સાદ આવે ત્યારે મારાથી મદદનો ઇનકાર કરી શકાય નહીં. રાજકોટની બાબતમાં પ્રથમ લોકો તરફથી અને પાછળથી રાજા તરફથી મદદને સારુ મારી પાસે માગણી આવી, અને મારો દાવો છે કે તે મેં વગર સંકોચે આપી છે. આમાં રેસિડેન્ટને કે સામ્રાજ્ય સત્તાને ઊકળી ઊઠવા જેવું શું છે, તે મારા સમજવામાં નથી આવતું. દેશી રાજ્યોના સવાલનો ફડચો આણવામાં અનાયાસે નિમિત્તરૂપ બનવાનો રાજકોટને મોકો મળે છે. એ રાજકોટનું અહોભાગ્ય છે.
“હાલ તુરતને સારુ સત્યાગ્રહની લડતમાં માત્ર કાઠિયાવાડી પ્રજા જ ભાગ લે એવી મર્યાદા મૂકવામાં આવી છે. કાઠિયાવાડી પ્રજા વહેવારમાં એકબીજા જોડે એવી રીતે સંકળાયેલી છે કે કોઈ પણ કાઠિયાવાડીને એકબીજાના સુખદુઃખમાં ભાગ લેતાં નૈતિક દૃષ્ટિએ અટકાવી શકાય નહીં.”

આ નિવેદનની સાથે રેસિડેન્ટને ત્યાં થયેલી મંત્રણાની યાદી, દરબાર વીરાવાળાને કેવી રીતે હદપાર કરવામાં આવેલા તે વિષેના રેસિડેન્ટના તથા પોલિટિકલ એજન્ટના પત્રો, સર પેટ્રિક કૅડલને રજા આપવાની બાબતમાં ઠાકોરસાહેબ તથા રેસિડેન્ટની વચ્ચેનો પત્રવ્યવહાર વગેરે સરદારે બહાર પાડ્યું.

સરદારના નિવેદનનો જવાબ તા. ર૬–૧–’૩૯ ના રોજ ઠાકોરસાહેબની સહીથી નીચેના જોહુકમી ઑર્ડિનન્સો બહાર પાડીને આપવામાં આવ્યો. તેની ભાષા છે તે જ રાખી છે.

૧. અમારા જાણવામાં આવેલ છે કે રાજકોટ સ્ટેટની હદમાં રહેનાર તેમ જ બહારના કેટલાક ચળવળખોરો રાજકોટના રાજ્યકર્તા અને તેના
અમલદારો સામે બેદિલી, બેવફાદારી, તિરરકાર અને ઘૃણાની લાગણી ઉશ્કેરવાના હેતુથી ચળવળ શરૂ કરવા ઇરાદો રાખે છે. અને એમ માલૂમ પડે છે કે આવા પ્રકારની ચળવળ રાજકોટના લોકોની શાંતિ, સ્વસ્થતા અને કાયદેસર ધંધાને અડચણકર્તા થઈ પડે તેમ છે. એટલું જ નહીં પણ ચળવળખોરોનાં ધ્યેય અને હેતુ રાજ્યઅમલ બંધ પાડી દેવા અને કેટલીક ગેરકાયદેસર ચળવળથી રાજ્યકારોબાર ચાલી ન શકે તેવો હોઈને, કાયદો અને વ્યવસ્થાના સંરક્ષણ અને સર્વ રાજ્યની સલામતી ખાતર નીચે પ્રમાણે હુકમનો અમલ કરવા અમોને જરૂરિયાત લાગી છે.
૨. હરકોઈ શખસ નીચે જણાવ્યા મુજબ કૃત્યો કરશે તેને પેટા ૧માં જણાવ્યા પ્રમાણે ચળવળમાં ભાગ લેવા અથવા તેમાં મદદગારી કર્યાનું ગણવામાં આવશે.
(અ) ખર્ચ પૂરું પાડશે અથવા નાણાંની અગર બીજા સાધનોથી મદદ કરશે.
(બ) ચળવળ ઊભી કરવા અગર તેને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી ખાનગી કે જાહેર કૉન્ફરન્સ કે મીટિંગમાં હાજરી આપશે.
(ક) કોઈ પણ શખસના કાયદેસર ધંધામાં કે તેની ફરજ બજાવવામાં જો કોઈ અટકાયત કે અડચણ કરશે તે.
૩. … આ હુકમના પ્રોવિઝન નીચે ગુનો કરનાર હરકોઈ શખસ બે વરસની ગમે તે પ્રકારની સજા અને રૂા. બે હજાર સુધીના દંડને પાત્ર થશે.
૪. બધી મિલકત જેમ કે ટ્રક્સ, મોટરકાર્સ અથવા બીજા પ્રકારનાં વાહનો તેમ જ ફંડ્સ, ફ્લૅગ્સ, અને બંટિંગ્સ, પ્રેસિસ, ટાઇપરાઇટર્સ, લાઉડ સ્પીકર્સ અને એવી હરેક પ્રકારની મિલકત જે કાઉન્સિલને માનવા કારણ જણાય કે તેવી મિલકત ચળવળ આગળ વધારવાના કે ચાલુ રાખવાના ઉપયોગમાં વાપરવામાં આવી છે કે વાપરવાનો ઇરાદો છે, તે તમામ મિલકત કાઉન્સિલના હુકમથી જપ્ત કરી ખાલસા કરવામાં આવશે. …”

બીજા ઑર્ડિનન્સથી રાજ્યની હદમાં નીચેનાં છાપાંઓને આવતાં બંધ કરવામાં આવ્યાં :

૧. જન્મભૂમિ, ૨. સંદેશ, ૩. નવસૌરાષ્ટ્ર, ૪. ફૂલછાબ, ૫. ગુજરાત સમાચાર, ૬. રાજસ્થાન, ૭. મુંબઈ સમાચાર, ૮. જય સૌરાષ્ટ્ર.

ઑર્ડિનન્સો બહાર પાડવાની સાથે રાજકોટમાંથી શ્રી ઢેબરભાઈ. વજુભાઈ શુક્લ વગેરે આગેવાનોની સામટી ધરપકડ કરવામાં આવી. શહેરમાં ઘોડેસવાર અને હથિયારબંધ પોલીસ ફેરવવામાં આવી અને નાકે નાકે ગોઠવી દેવામાં આવી. લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા : “આ વખતનો રંગ જુદો લાગે છે.” “આ પોલીસ અને ઘોડેસવારો તો એજન્સીના દેખાય છે.” “હોય જ ને. આ વખતે તો વીરાવાળો અને ગિબ્સન બેઉ સંપ્યા છે.” શહેરમાં સંપૂર્ણ હડતાળ હતી. હટાણું કરવા આવેલા ગામડાના ખેડૂતો ઘોડેસવારોને જોઈ ને વાતો કરવા લાગ્યા: “આ વીરોવાળો વેર લેવા આવ્યો છે. રાજામાં વસ્તીની લાગણી નહીં ત્યારે ને ? નહીંતર બોલ્યું ફરે ? એક ઘરધણી બોલ્યું ફરતો નથી તો આમ રાજા ઊઠીને વસ્તીને આપેલા કોલની ના પાડે તો પછી ધરતી રસાતાળ જ જાય ને ?”

સભાબંધી હોવા છતાં રાજકોટના આઝાદચોકમાં રોજ સાંજે જાહેરસભા થતી. આગેવાનને પકડી લેવામાં આવતા અને સભાના બીજા લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો. સ્વયંસેવકોને ખટારામાં ભરી દૂરના અજાણ્યા સ્થળે લઈ જવામાં આવતા, અને એક પછી એકને ઉતારી ચારપાંચ પોલીસ તેના ઉપર તૂટી પડતા અને ગડદાપાટુનો ટાઢો માર મારીને પછી કાંટાઝાંખરામાં તેને ફેંકી આવતા. કોઈ કોઈ વાર તો કાંટામાં તેને ઢસડતા અથવા ચલાવતા. કેટલાકને નાગા કરી છોડી મૂકતા. કેવળ રાજકોટમાં જ નહીં પણ ગામડે ગામડે જ્યાં સ્વયંસેવકો જાય ત્યાં ફોજદાર પોલીસને લઈ મોટરમાં પહોંચી જતો અને આ જ પ્રકાર અજમાવતો. કેટલાક ખડતલ સ્વયંસેવકો તો ફરી ફરીને હાથમાં આવતા અને પોલીસ તેમને માર મારીને પણ થાકતા.

કૅડલના ગયા પછી અવેજી દીવાન તરીકે કામ કરતા રા. સા. માણેકલાલ પટેલ સંધિભંગ થતાં અગમચેતી વાપરી રાજીનામું આપી ખસી ગયા. શ્રી જયંતીલાલ જોબનપુત્રા પણ પૅન્શન લઈને ઘેર બેસી ગયા. પછી એજન્સીના મદદનીશ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ખા. સા. ફતેહમહંમદખાનને કાઉન્સિલના પહેલા સભ્ય બનાવવામાં આવ્યા. બીજા સભ્ય દરબાર વીરાવાળાના ભત્રીજા કુમાર વાલેરાવાળા નિમાયા. એ બે અને દરબાર વીરાવાળાની ત્રિપુટીએ જુલમનું બધું તંત્ર હાથમાં લીધું અને આખા રાજમાં કાળો કેર વર્તાવવા માંડ્યો.

સ્વયંસેવકોને જંગલમાં લઈ જઈ સખત માર મારવામાં આવતો અને કાંટામાં ઢસડવામાં આવતા, એ સમાચાર બહાર આવતાં કસ્તૂરબાને થયું કે રાજકોટ તો આપણું ઘર કહેવાય. ત્યાંનાં સ્ત્રીપુરુષો આટલું દુઃખ વેઠી રહ્યાં હોય ત્યાં મારાથી કેમ બેસી રહેવાય ? તેમણે પોતાની ઈચ્છા ગાંધીજીને જણાવી. ગાંધીજીએ કહ્યું કે રાજકોટ જવું હોય તો વલ્લભભાઈની રજા જોઈએ. એટલે કસ્તુરબાએ સરદારને વાત કરી. સરદારે પહેલાં તો ના પાડી ને કહ્યું કે આપની અવસ્થા થઈ, વળી તબિયત સારી નથી, એટલે તમારે જવાની જરૂર નથી. પણ કસ્તૂરબાએ બહુ આગ્રહ કર્યો એટલે સરદારે કહ્યું કે તો પછી મણિબહેનને સાથે લઈ જાઓ. આમ બંને તૈયાર થયાં. તા. ૩જી ફેબ્રુઆરીએ બા અને મણિબહેન રાજકોટ પહોંચ્યાં. સ્ટેશન ઉપર વાલેરાવાળા હાજર હતા. તેમણે કસ્તૂરબા અને મણિબહેનના હાથમાં નોટિસનો કાગળ મૂક્યો. તેમાં લખ્યું હતું :

“રાજ્યની હદમાં તમારા દાખલ થવાથી અશાંતિ થવાનો ભય રહે છે. માટે બે માસ સુધી તમારે રાજકોટની હદમાં દાખલ થવું નહીં.”

સ્ટેશન એજન્સીની હદમાં હતું. ત્યાંથી બાનું સરઘસ નીકળ્યું. પણ એજન્સીની હદ પૂરી થતાં જ વાલેરાવાળાએ કહ્યું કે “હવે આપ આ મોટરમાં બેસી જાઓ. મણિબહેને પૂછ્યું, “કેમ ? અમને ગિરફ્તાર કરો છો ?” જવાબમાં વાલેરાવાળાએ કહ્યું, “જી હા.” પછી બાને અને મણિબહેનને રાજકોટથી લગભગ સોળ માઈલ દૂર સણોસરા ગામના દરબારી ઉતારામાં લઈ જવામાં આવ્યાં. એ કહેવાય દરબારી ઉતારો, પણ હતું તો એક જૂનું નાનું અવાવરું મકાન. ભીંતોએ અને છાપરે જાળાં બાઝેલાં હતાં. આસપાસ ઉકરડાની ગંદકી હતી. મકાનમાં બે ઓરડા અને નાની એાસરી હતી. અને આગળ એક નાનું ફળિયું હતું. શ્રી મણિબહેન ત્યાંનું વર્ણન કરતાં તા. ૫–૨–’૩૯ના કાગળમાં લખે છે :

“અમે પરમ દિવસે સાંજે અહીં પહોંચ્યાં. અમને ગામના પોલીસ પટેલને સોંપી ગયા છે. ગામમાં કશું શાક મળતું નથી, કશી દવા જોઈએ તો તે તો ક્યાંથી જ મળે ? અમને દરબારી મહેમાન કહે છે, એટલે રસોઇયો આપ્યો છે, પણ તે એવો ગંદો છે કે એનાં કપડાં જોઈને ખાવાનું પણ ન ભાવે. એને પૂરું રાંધતાં નથી આવડતું. પરમ દિવસે સાંજે અને કાલે સવારે બંને વખતે ભાત કાચો રાખેલો. કાલે સાંજે રોટલો કરાવ્યો તે પણ કાચો. શાકમાં અહીં બટાટા જ મળે છે. તેનું શાક પણ કાચું. રસોઈ છાણાં ઉપર કરવાની હોય છે. એટલે ધૂણી થયાં કરે છે. હું તો રસોડામાં પેસું છું ત્યારથી આંખ ગળવા માંડે છે. ગંદવાડનો તો પાર નથી. કાંઈ દેવાનું અને સાફ કરવાનું કહીએ તો પસાયતા કહે છે કે આ ગામમાં પાણીનું બહુ દુઃખ છે. નાહવાનું પાણી આપે છે એ નર્યો રગડો હોય છે. એક બાઈ કાલે કપડાં ધોઈ લાવી. એ તો આપ્યાં હતાં તેના કરતાં વધારે મેલાં થઈને આવ્યાં.
“કાલે રાતના બાને બરાબર ઊંઘ નથી આવી. એમને દસ્તની તકલીફ રહે છે. બે અઢી વાગ્યે પેશાબ કરવા ઊઠ્યાં. પછી બળતરા થવા લાગી. પણ અમારી પાસે અહીં શું મળે ? બિચારાં કાંઈ બોલે પણ નહીં. ન રહેવાયું ત્યારે પોતે જ ઊઠીને ભીનું કપડું કરી મૂકીને સૂઈ ગયાં. મેં પૂછ્યું એટલે કહે, પૂંઠે બળતરા બહુ થાય છે. મારી પાસે વૅસેલિન હતું તે થોડું લગાડ્યું. મને તો એમ ફિકર થાય છે કે કોઈ વાર જો બાને અહીં ચક્કર બક્કર આવશે તો હું શું કરીશ ? કોને બોલાવીશ ? બિચારા પાલીસ પટેલ પણ આવીને શું કરશે ? કદાચ ટેલિફોન કરવાની હિંમત કરે તોપણ દાક્તરને પહોંચતાં ખાસા બે કલાક
થાય એવો રસ્તો છે. બાને એટલી પીડા થતી લાગે છે કે અત્યારે આઠ વાગ્યા છે તોયે દાતણ કર્યા વગર પડી રહ્યાં છે. હમણાં જ કાંઈ આંખ મળી લાગે છે.”

તા. ૭–ર–૩૯ના કાગળમાં લખે છે :

“જોવા આવનાર બંને અમલદારોને મેં તો સારી પેઠે કહ્યું છે કે તમે બાને અહીં વગડામાં લાવીને નાખ્યાં છે તેમાં ભારે જોખમ ખેડી રહ્યા છો. હું તમને અગાઉથી ચેતવી દઉં છું.”

દેવદાસભાઈ એક વખત બાને મળવા આવ્યા. તેમણે ત્યાંની હાલતનો રિપોર્ટ બહાર આપ્યો હશે તે ઉપરથી એક દાક્તર બાને તપાસવા આવ્યા અને તેમની સારવારમાં એક નર્સને મૂકવામાં આવી (તા. ૯–૨–’૩૯). દાક્તરે મણિબહેનને કહ્યું કે તમને સ્ટેટ જેલમાં કેદી તરીકે રાખવાનાં છે. અને મારી સાથે તમને લેતા જવાનો મને હુકમ છે.

મણિબહેન લખે છે :

“મને કેદી ગણવામાં આવી એટલે દાક્તર સાથે ગયા વિના મારે છૂટકો નહોતો. ચાર વાગ્યે રાજકોટની સ્ટેટ જેલમાં પહોંચી. સાંજે મેં કાંઈ ખાધું નહીંં. બીજે દિવસે સવારે ખાવાનું આવ્યું ત્યારે પણ એ ખાવાની ના પાડી. મેં કહ્યું કે બાને આવી રીતે એકલાં રાખો ત્યાં સુધી હું ખાવાની નથી. કોઈ પણ બીજી બહેન, જેને બા ઓળખતાં હોય તેને એમની પાસે રાખવાં જોઈએ. જેલરે મને બહુ સમજાવી. તેમણે કહ્યું કે કાઉન્સિલના સભાસદોને વાત કરીશું અને એક બે દિવસમાં બધી વ્યવસ્થા થઈ જશે. બીજે દિવસે સવારે જેલરે મને કહ્યું કે તમે નથી ખાતાં એ વાત કેદીઓમાં પહોંચી ગઈ છે અને તમે અત્યારે પચાસ માણસને ભૂખે મારો છે. પછી ઢેબરભાઈને મારી પાસે લાવવામાં આવ્યા. તેઓ માંદા હતા. તેમને મેં ખાવાનું કહ્યું પણ એમણે ના પાડી. તેમણે કહ્યું કે બે ખેડૂતો માંદા છે તેમને હું ખવડાવીશ. હું તો મારા નિશ્ચયમાં મક્કમ રહી. રાતે નવ વાગ્યે દાક્તરે આવીને કહ્યું કે આવતી કાલે સવારે આઠ વાગ્યે તૈયાર થઈ રહેજો. તમને બા પાસે હું લઈ જવાનો છું. ત્યાંથી તમને બંનેને બીજી જગ્યાએ ખસેડવામાં આવશે. બીજે દિવસે સવારે આઠ વાગ્યે દાક્તર સાથે મોટરમાં મને સણોસરા લઈ જવામાં આવી. ત્યાંથી બાને અને મને ત્રંબાના ગેસ્ટ હાઉસમાં પહોંચાડ્યાં. આગલે દિવસે મૃદુલાબહેન પકડાયાં હતાં. તેમને લઈને વાલેરાવાળા ત્રણેક વાગ્યે ત્રંબા આવ્યા.
“તા. ૧૪મીએ સાંજે પાંચ વાગ્યે કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બર ફત્તેહમહમદખાન ઠાકોર સાહેબનો લેખી સંદેશો લઈને આવ્યા. તેમાં લખ્યું હતું કે બાપુજીની તબિયત બહુ ખરાબ છે એવું અમારા જાણવામાં આવ્યું છે, માટે આપ ઇચ્છો તો અત્યારે સાડા સાતની ટ્રેનમાં તમને વર્ધા પહોંચાડવાનું કરીએ. અમે મસલત કરીને ટેલિફોન કરવાનું ઠરાવ્યું. ફત્તેહમહમદખાનની સાથે બા અને હું પબ્લિક ટેલિફોન ઉપર ગયાં. વર્ધાના ટેલિફોન ઉપર પ્યારેલાલજી જ મળી ગયા. તેમણે કહ્યું કે બાપુજી તો સેવાગ્રામ છે, પણ તેમની તબિયત તદ્દન સારી છે. આમ અમે ત્રણ જણ ત્રંબામાં રહ્યાં. ત્યાં સગવડ સારી હતી.”

આ બધો વખત રાજકોટમાં અને ગામડાંમાં લડત બહુ જોશમાં ચાલતી હતી. ધરપકડો અને ત્રાસજનક મારપીટ છતાં પ્રજાપરિષદના કાર્યક્રમો ચાલુ જ હતા.

હલેન્ડા નામના એક ગામે બહુ સખત લાઠીમાર કરવામાં આવેલો. ઘણાં માણસો સખત ઘાયલ થયાં હતાં. રાજ્ય તરફથી તેમની સારવારની કશી વ્યવસ્થા કરવામાં ન આવી એટલું જ નહીં, પણ રાજકોટથી રેડક્રૉસના દાક્તરો અને સારવાર કરનારી ટુકડીઓ ત્યાં જવા નીકળી તેમને હલેન્ડા જતાં રોકવામાં આવ્યા. તા. ૭–૨–’૩૯ના રોજ ભાઈ શ્રી જાદવજી મોદી સરદાર ઉપરના એક કાગળમાં લખે છે :

“પહેલાં સૈનિકોને લાઠીથી મારતા તે દેખી શકાતું, પણ હવે તેઓએ બીજી રીત અખત્યાર કરી છે. બધા ભેગા થઈ ખૂબ ગડદાપાટુ મારે છે. બેત્રણ કિસ્સા એવા બન્યા છે કે જ્યાં સૈનિકોના પગ તેની ગરદન ઉપર ચડાવી, એ પગ વચ્ચેથી તેના હાથ કઢાવી તેનો આકાર દડા જેવો બનાવે છે. પછી એક પોલીસ એવી સ્થિતિવાળા સૈનિક ઉપર ચડી બેસે છે અને હાથની રગ દબાવે છે. આવી હાલતમાં તેમની બીજી નસો પણ ખેંચાય છે અને એને ભારે ત્રાસ અને તીવ્ર વેદના થાય છે.”

આગળ સરધાર જેલની વાત આવશે. ત્યાં પણ આ જાતનો ત્રાસ ત્રણેક કેદીઓ ઉપર ગુજારવામાં આવેલ. આવા જુલમ અને ત્રાસ છતાં લોકોનો જુસ્સો દાબી શકાયો નહીં. આઠ દિવસમાં પ્રજાને દબાવી દેવાની દરબાર વીરાવાળાએ આશા રાખેલી પણ તેની મુરાદ બર આવી નહીં, એટલે એણે બીજો પેંતરો રચ્યું. રાજકોટની જેલમાં લગભગ સો કેદી હતા, તેમાંથી ત્રીસેક જણને રાતોરાત સરધાર ઉપાડ્યા. સરધારમાં એક જૂનો રાણીવાસ હતો તેની જેલ બનાવી. તેમાં ભોંયરા જેવા કેટલાક એારડા હતા. તે ઓરડાની પહોળાઈ અને ઊંચાઈ આશરે છ ફૂટ અને લંબાઈ વીસેક ફૂટ હતી. કેટલાંયે વરસથી અવડ એટલે ચામાચીડિયાંનો પાર નહોતો. તેની અઘારની ભારે દુર્ગધ મારતી. આ ભંડકિયા જેવા એારડાઓને નાના દરવાજા અને બહુ જ નાની બારીઓ હતી. એ મકાનની અડોઅડ એક તળાવ હતું. તેનું પાણી બહુ ગંદુ અને બંધિયાર હોઈ મચ્છરનાં ટોળેટોળાં ત્યાં ઊભરાતાં હતાં. આવા એક એક ભંડકિયામાં વીસ વીસ કેદીઓને પૂર્યા. દરેક સૈનિક પાસેથી પહેરેલ કપડાં સિવાયનાં કપડાં, ઓઢવાનાં વગેરે લઈ લીધું. એક ભંડકમાં પાણી તથા પેશાબ માટે એક એક માટલું આપ્યું અને બધા વચ્ચે પાથરવા માટે જૂનું ફાટેલું બૂંગણ આપ્યું. અડધું પાથરે અને અડધું ઓઢે. આટલી સગવડ પણ એક જ ભંડકિયામાં, બાકીનાં ત્રણમાં તો બૂંગણ પણ નહીં અને પાણી-પેશાબનાં માટલાં પણ નહીં. જેમનાથી કુદરતી હાજત ન રોકાઈ તેમણે રાત્રે ત્યાં જ પેશાબ કર્યો. બીજે દિવસે બધાને સવારે બહાર કાઢ્યા, સાંજે ભંડકમાં પૂરવાનો સમય થયો ત્યારે સૈનિકોએ ભંડકમાં પુરાવાની ના પાડી. પોલીસ તેમને સોટીઓ અને ગડદાપાટુ મારી ટાંગાટોળી કરી ભંડકમાં ધકેલવા લાગ્યા. પણ એમ પાર કયારે આવે ? એટલે થાકીને બધાને ઉપરના ઓરડામાં સૂવાની રજા આપી.

બીજે દિવસે પાંત્રીસેક જણ નવા પકડાઈને આવ્યા. આવતાંવેંત એમને ભંડકમાં પૂરવામાં આવ્યા. વળતે દિવસે એમણે પણ ભંડકમાં પુરાવાની ના પાડી, એટલે એમને ઉપર જવાની છુટ મળી. પણ નવા આવે તેમને એક દિવસ ભંડકનો સ્વાદ ચાખવો જ પડતો. ભંડકમાં ખાવાનું પણ આપવામાં આવતું નહીં.

આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું એટલે આ કેદીઓમાં જેઓ સમજુ અને દૃઢ હતા તેમણે વિચાર કર્યો કે આ રીતનું વર્તન ચલાવી લેવામાં માણસાઈ નથી, આપણા સ્વમાન ઉપર આથી ઘા પડે છે. એટલે આપણે આની સામે થવું જ જોઈએ. અંદર અંદર સલાહ મસલત કરીને જેલના જેવી રીતસરની બધી સગવડો ન મળે ત્યાં સુધી ઉપવાસ ઉપર જવાનો તેમણે નિર્ણય કર્યો. સરધારમાં કેદીઓના ઉપવાસની વાત રાજકોટ જેલમાં પહોંચતાં ત્યાંના ભાઈઓએ પણ સરધારમાં કેદીઓ તરફનો વર્તાવ સારો ન થાય ત્યાં સુધી ખોરાક લેવાનું છોડ્યું.

આ ઉપવાસના સમાચાર ગાંધીજીને મળતાં તેમણે રાજકોટ રાજની કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બરને તા. ૨૦–૨–’૩૯ના રોજ નીચે પ્રમાણે તાર કર્યો :

“સાંભળવામાં આવ્યું છે કે સરધારના કેદીઓ પ્રત્યે ચલાવવામાં આવતા અમાનુષી વર્તન માટે રાજકોટના સત્યાગ્રહી કેદીઓ ઉપવાસ કરી રહ્યા છે. આ બાબત તમે પ્રકાશ પાડશો ?”

ફર્સ્ટ મેમ્બરે તા. ૨૧મીએ આનો જવાબ આપ્યો :

“આપનો તાર મળ્યો. મેં જાતે ગઈ કાલે સરધારની મુલાકાત લીધી. કેદીઓ પ્રત્યેના ખરાબ વર્તાવની બાબતમાં જરા પણ તથ્ય નથી.”

એટલે તા. ૨૨મીએ ગાંધીજીએ બીજો તાર કર્યો :

“તાર માટે આભાર. ઉપવાસની વાત વિષે તમે મૌન સેવો છો. મારા ઉપર ત્યાંના અત્યાચારો વિષે બીજો લાંબો તાર આવ્યો છે તે ન માનવો મુશ્કેલ છે. મારો આત્મા જ કહે છે કે મારે પોતે આમાં ઝંપલાવવું પડશે. ઠાકોરસાહેબે વચનભંગ કર્યો છે, તેનું દરદ તો મને છે જ. તેમાં આ ત્રાસ અને અત્યાચારની વાતોથી ઉમેરો થાય છે, અને વસ્તુ અસહ્ય બનતી જાય છે. ઠાકોરસાહેબને અથવા તો કાઉન્સિલને મૂંઝવણમાં મૂકવાની મારી મુદ્દેલ ઇચ્છા નથી. હું ઇચ્છું છું કે
રાજકોટનો મિત્ર હોવાનો દાવો કરનાર આ બુઢ્ઢા ડોસાની વાત ઉપર તમે ધ્યાન આપશો.”

તા. ૨૩મીએ કાઉન્સિલના પહેલા સભ્યે ઉપરના તારનો નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“સરધારના કેદીઓ પ્રત્યે ખરાબ વર્તાવના આક્ષેપોમાં રજ પણ તથ્ય નથી. આખી વાત તદ્દન બનાવટી છે. રોજનો ખોરાક, બિસ્તરા વગેરેની સગવડ લગભગ રાજકોટની જેલ પ્રમાણે જ ગોઠવવામાં આવેલી છે. ત્યાંના ઉપવાસ ઉપર ઊતરેલા કેદીઓને એ પ્રમાણે મેં લેખી ખબર આપેલી છે. તેમ છતાં તેઓ ખોટી રીતે ઉપવાસ ચાલુ રાખે છે. તમને ખાતરી આપું છું કે તેમના પ્રત્યે સારું વર્તન ચલાવવાને માણસથી શક્ય હોય તે બધું કરવામાં આવે છે. કૃપા કરીને કશી ચિંતા કરશો નહીં.”

ગાંધીજીએ તા. ર૪મીએ નીચે પ્રમાણે તાર કર્યો :

“મને મળેલા બધા હેવાલો બનાવટી જ હોય તો એ મારે માટે અને મારા સાથીઓ માટે બહુ ગંભીર બીના છે. જો એ હેવાલમાં વજૂદ હોય તો રાજના અમલદારો ઉપર એ ગંભીર ટીકા રૂપ છે. દરમ્યાન ઉપવાસ તો ચાલુ જ છે. મારી ચિંંતા અસહ્ય થતી જાય છે. એટલે આવતી કાલે રાત્રે સાથે એક પરિચારક દાક્તર, સેક્રેટરી અને ટાઇપિસ્ટને લઇને હું રાજકોટ આવવા નીકળું છું. હું ત્યાં સત્યશોધક તરીકે અને સુલેહ કરનાર તરીકે આવું છું. જેલ વહોરવાની મારી ઇચ્છા નથી. બધી હકીકત હું નજરે જોવા આવું છું. મારા સાથીઓ જો બનાવટી વાત ઊભી કર્યાના અપરાધી માલૂમ પડશે તો તે માટે હું પૂરતું પ્રાયશ્ચિત્ત કરીશ. લોકો પ્રત્યે જે વિશ્વાસઘાત થયો છે તે સુધારી લેવાને પણ હું ઠાકોરસાહેબને સમજાવીશ. કોઈ પણ જાતના દેખાવો ન કરવાની હું લોકોને વિનંતી કરું છું. સરદાર પટેલને પણ હું લખું છું કે રાજકોટમાં મારા પ્રયત્નો ચાલુ રહે ત્યાં સુધી રાજકોટના લોકોનો તેમ જ બહારથી આવનારાઓનો સત્યાગ્રહ બંધ રાખે. દરમ્યાન કોઈ પણ રીતે ઠાકોરસાહેબ અને કાઉન્સિલ, કમિટીનાં નામોમાં ફેરફાર કરવા પૂરતો અપવાદ રાખી, થયેલી સંધિ પૂરેપૂરી અમલમાં મૂકવા તૈયાર થાય, કેદીઓને તરત જ છોડી મૂકવામાં આવે, કરવામાં આવેલા દંડ માફ કરવામાં આવે અને વસૂલ થયેલા પાછા આપવામાં આવે તો સ્વાભાવિક રીતે મારું ત્યાં આવવાનું હું બંધ રાખીશ. સભ્યોનાં નામો વિષે વાટાઘાટ કરવાની પૂરી સત્તા સાથે કોઈ અમલદારને અહીં મોકલી શકો છો. સરદાર પટેલનાં નામોની બહુમતી રહે એ એક જ શરત રહેશે. ભગવાન ઠાકોરસાહેબ અને તેના કાઉન્સિલરોને સન્માર્ગે દોરે. આનો જવાબ તાકીદના તારથી મળવાની હું આશા રાખું ?”

તે જ દિવસે કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બરે નીચે પ્રમાણે તારથી જવાબ આપ્યો :

“તમે તાર કર્યા પછી તમને ખબર મળી હશે કે, ગઈ કાલે રાત્રે ઉપવાસ છોડી દેવામાં આવ્યા છે. નાનાલાલ જસાણી તથા મોહનલાલ ગઢડાવાળાએ તમને
તાર કર્યો છે તે ઉપરથી તમારી ખાતરી થઈ હશે કે ઉપવાસને માટે વાજબી કારણ ન હતું. ઠાકોરસાહેબને એમ લાગતું નથી કે તેમના તરફથી કશો વિશ્વાસભંગ થયો છે. તેઓ તો ઇંતેજાર છે કે પોતે નીમેલી પ્રતિનિધિત્વ ધરાવતી કમિટી શાંત વાતાવરણમાં પોતાનું કામ શરૂ કરી દઈ શકે, જેથી કરીને એ કમિટીની ભલામણો ઉપર પૂર્ણ વિચાર કરીને પોતાને જે સુધારા આપવા જરૂરી લાગે તે બને તેટલા વહેલા તેઓ દાખલ કરી શકે. ઠાકોરસાહેબને ચોક્કસ લાગે છે કે તેઓશ્રીએ જણાવેલા સંજોગોમાં આપ સમજી શકશો કે આપના અહીં આવવાથી કંઈ ઉપયોગી હેતુ સરશે નહીં. તેઓ આપને ફરી ખાતરી આપવા માગે છે કે કોઈ પણ જાતનો જુલમ અગર ત્રાસ વર્તાવવા દેવામાં આવશે નહીં.”

એટલે તા. રપમીએ ગાંધીજીએ નીચે પ્રમાણે તાર કર્યો :

“મારી હૃદયપૂર્વકની આજીજીનો તમારા તારમાં કશો જવાબ મળતો નથી. શાંતિના કાર્ય માટે આજે હું રાજકોટ આવવા નીકળું છું.”

આ તારવહેવાર ઉપર વિશેષ ટીકાટિપ્પણની જરૂર નથી. તે જ દિવસે ગાંધીજીએ સરદારને જણાવ્યું કે આ વેદનાનો અંત લાવવા માટે ઈશ્વરની દોરવણી નીચે મારા પ્રયાસો જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી તમે સત્યાગ્રહની લડત બંધ રખાવશો. એટલે તા. ૨૫મીએ જ સરદારે નીચે પ્રમાણે છાપાંજોગું નિવેદન બહાર પાડ્યું :

“શાંતિ સ્થાપવા માટે રાજકોટ જવાનો પોતાનો ઇરાદો જાહેર કરતું ગાંધીજીનું નિવેદન મેં વાંચ્યું છે. હું વર્ધામાં હતો તે દરમ્યાન હું તથા બીજા મિત્રો દેશી રાજ્યોમાં ચાલી રહેલી ચળવળની બાબતમાં તેમના હૃદયની વેદના નિહાળી રહ્યા હતા. જ્યારે જ્યારે આવી મનોવ્યથા તેમને થાય છે ત્યારે ત્યારે, તેમના સાથીઓને એકાએક નિર્ણય જેવું લાગે, પણ જે તેમને મન ઈશ્વરી માર્ગદર્શન હોય છે તેને અનુસરીને તેઓ શાંતિ મેળવવા પ્રયત્ન કરે છે. એ વસ્તુ લોકો હવે જાણી ગયા છે. રાજકોટનો સત્યાગ્રહ મોકૂફ રાખવામાં આવે એવી તેમની ઇચ્છા છે. એટલે ફરી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી હું રાજકોટનો સત્યાગ્રહ મુલતવી રહેલો જાહેર કરું છું અને આશા રાખું છું કે જે કાઠિયાવાડીઓ તેમાં ભાગ લેવા રાજકોટ જવા ઇરાદો રાખતા હશે તેઓ હવે રાજકોટ નહી જાય. તે જ પ્રમાણે રાજકોટ રાજ્યના વતનીઓ પણ સત્યાગ્રહ બંધ રાખશે. એથી વિશેષ હું અત્યારે કહી શકતો નથી. ગાંધીજી જે ભાવનાથી ઇચ્છે છે તે ભાવનાથી આપણે તેમની ઇચ્છાને માન આપીએ.”

ઉપરના તારમાં જણાવ્યા પ્રમાણે ગાંધીજી તા. ૨પમીએ સાંજે વર્ધાથી નીકળ્યા. તા. ર૬મીએ દિવસે મુંબઈ રોકાઈને રાત્રે રાજકોટ જવા કાઠિયાવાડ મેલમાં નીકળ્યા. તા. ર૭મીએ ગાંધીજીએ ટ્રેનમાંથી મહાદેવભાઈને નીચે પ્રમાણે કાગળ લખ્યો :

“ઈશ્વરની શી લીલા ! આ યાત્રા મને પણ આશ્ચર્ય પમાડે છે. ક્યાં ચાલ્યો, શું કરીશ, કઈ વિચારી નથી રાખ્યું. જો ઈશ્વર જ દોરતો હોય તો વિચારવું શું ? શા સારું ? વિચારવું એ તેના માર્ગને રોકવા જેવું તો નહીં હોય ?

“વાત એ છે કે, વિચારને રોકવા પડતા નથી. વિચાર આવતા નથી. બીજા ત્રીજા આવે છે, પણ આ નહીં.”

ગાંધીજી કેવી મનઃસ્થિતિમાં રાજકોટ જઈ રહ્યા હતા તે દર્શાવવા માટે જ ઉપરનો કાગળ આપ્યો છે. રાજકોટ પહોંચ્યા પછી તેમણે શું શું કર્યું અને તેમના ઉપર કેવી વીતી તે અલગ પ્રકરણમાં આપીશું.


અહિંંસાની તાવણી

રાજકોટ સત્યાગ્રહમાં ગાંધીજીનો હિસ્સો, એ એમના જીવનનું એક ઉદાત્ત અને ભવ્ય પ્રકરણ છે. એમાં એમણે સત્યાગ્રહની અને અહિંસાની એક અનેરી રીતનો પ્રયોગ કર્યો છે. એના ઉપર એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય. પણ આપણે અહીં એમનું જીવનચરિત્ર લખતા નથી. સરદાર આ પ્રકરણમાં પૂરેપૂરા ગૂંથાયેલા છે એટલે જ મહત્વનું હોવા છતાં અહીં તે ટૂંકમાં આપ્યું છે.

રાજકોટ, જયપુર, ત્રાવણકોર, ઓરિસા વગેરેનાં દેશી રાજ્યોના જુલમની વાતો વધવા માંડી ત્યારથી ગાંધીજીએ વાઈસરૉય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો. તેમની મુખ્ય દલીલ એ હતી કે ચક્રવર્તી સત્તા તરીકે બહારના અથવા અંદરના ભય સામે દેશી રાજાઓનું રક્ષણ કરવાની તમે તમારી ફરજ સમજો છો, તો એ દેશી રાજાઓના જુલમ સામે દેશી રાજ્યની રૈયતનું રક્ષણ કરવાની જવાબદારી કેમ માથે ન લો ? વળી તમે કહો છો કે રાજા પોતાની પ્રજાને રાજ્યતંત્રમાં વધુ ને વધુ જવાબદારી સોંપે એમ અમે ઈચ્છીએ છીએ ખરા, પણ તે પોતાની મેળે થઈને કરે, અમે તેમ કરવાની ફરજ ન પાડીએ. પણ રાજકોટમાં તો રાજાએ પ્રજા સાથે અથવા પ્રજાના પ્રતિનિધિ તરીકે સરદાર સાથે સમાધાન કર્યું હતું, તે ત્યાંના રેસિડેન્ટે જ તોડી પડાવ્યું છે. પોતાના એજન્ટના આ કાર્યની જવાબદારી વાઈસરૉયે ઉઠાવવી જ જોઈએ. વાઈસરૉયે મીઠી ભાષામાં આના જવાબો આપ્યા, પણ ગાંધીજીની ઈચ્છા પ્રમાણે પોતે વચ્ચે નહીં પડી શકે એમ જણાવ્યું. એટલે ગાંધીજીએ પોતે આ કેસ હાથમાં લીધો.

તા. ર૭–૧–’૩૯ના રોજ બપોરે ત્રણ વાગ્યે ગાંધીજી રાજકોટ સિટી સ્ટેશને પહોંચ્યો. સ્ટેટ કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બર ખા. સા. ફત્તેહમહંમદખાન ગાંધીજીને મળવા સ્ટેશને ગયા હતા. તેમણે ઠાકોર સાહેબનો સીલબંધ કાગળ ગાંધીજીને આપ્યો. ગાંધીજી રાજકોટ આવે તે ઠાકોર સાહેબ તથા તેમના સલાહકારોને ગમતું તો ન જ હતું. પણ ઠાકોરસાહેબે કાગળમાં લખ્યું હતું કે, અહીંની પરિસ્થિતિની જાતે તપાસ કરવાને આપને પૂરેપૂરી સગવડ આપવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે આપે બીજી કશી વ્યવસ્થા ન કરી હોય તો મારા મહેમાન થશો તેથી મને બહુ આનંદ થશે. ગાંધીજીએ એ આમંત્રણ માટે આભાર માન્યો અને રાષ્ટ્રીય શાળામાં બધી સગવડ કરી હતી ત્યાં જ ઊતરવાનું રાખ્યું. સ્ટેશન ઉપર એટલી બધી ગિરદી હતી કે ઉતારે પહોંચતાં એમને પાંચ વાગ્યા. સાડા પાંચથી સાત અને આઠથી સાડા દસ દરબાર વીરાવાળા સાથે એકાંતમાં વાતો કરી. શ્રી ઢેબરભાઈને અગિયાર વાગ્યે જેલમાંથી લાવવામાં આવ્યા. તેમની સાથે પાએક કલાક વાતો કરી. દરબાર વીરાવાળા આગળ એમણે બે વિકલ્પ મૂક્યા. કમિટી ઉપર બે મુસલમાનો અને એક ભાયાતના પ્રતિનિધિને ભલે લેવામાં આવે, એવી શરતે કે પરિષદના પ્રતિનિધિઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધારવામાં આવે. બીજો વિકલ્પ એ મૂક્યો કે, જો પરિષદના પ્રતિનિધિઓની સંખ્યા વધારવામાં ન આવે તો ઠાકોર સાહેબે નીમેલા ત્રણ અમલદારો કમિટીના નિર્ણયોમાં મત ન આપી શકે.

તા. ૨૮મીએ ગાંધીજી મુસ્લિમ કોમના તથા ગરાસિયા મંડળના પ્રતિનિધિઓને મળ્યા. કમિટી ઉપર તેમના સભ્યોને લેવાની વાત ગાંધીજીએ જણાવી, તેથી તેઓ સંતોષ પામ્યા પણ ગરાસિયાઓને ગાંધીજીએ ચેતવણી આપી કે, “અત્યાર સુધી તમે જે વિશેષ અધિકારો ભોગવતા આવ્યા છો તે કાયમ રહેશે જ એવું તમે ધારતા હો તો તમે નિરાશ થશો. એ વસ્તુ ન્યાયી નથી અને શક્ય પણ નથી. હિન્દુસ્તાનના કરોડો ગરીબ લોકોની સ્થિતિ સુધારવી હોય તો એ દરિદ્રનારાયણના લાભને અર્થે ઉપલા વર્ગોએ પોતાના વિશેષ હકો છોડવા જ પડશે. એટલે જેટલે દરજ્જે ટ્રસ્ટીપણાનો મારો આદર્શ તમે જીવનમાં ઉતારવાની તૈયારી રાખશો તેટલે દરજ્જે હું તમને રક્ષણ આપી શકીશ.”

સાંજે ફર્સ્ટ મેમ્બર ફત્તેહમહંમદખાન તથા સિવિલ સર્જન કર્નલ એસ્પીનવોલ તથા પોલિટિકલ એજન્ટ કર્નલ ડેલીની સાથે રાજકોટ અને સરધારની જેલમાં કેદીઓને મળવા ગાંધીજી ગયા. સરધારની જેલમાં કેદીઓની હાડમારીની વાત અગાઉ આવી ગઈ છે. તે વિષે ગાંધીજીએ જે જોયું અને સાંભળ્યું તે તેમણે કહ્યું હતું તે કરતાં પણ ઘણું ત્રાસજનક હતું. જગ્યાને સારી દેખાડવાની છેલ્લી ઘડીએ પુષ્કળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભીંતો ચૂનાથી તાજી જ ધોળવામાં આવી હતી. જમીન ઉપર પડેલા ચૂનાના તાજા ડાઘ એ વાતની સાક્ષી પૂરતા હતા. ફિનાઈલ છાંટવામાં તો કશી બાકી જ નહોતી રાખેલી, છતાં દુર્ગંધ અને ગંદકી ઢાંકી શકાઈ નહોતી. કેદીઓને પણ હજામત કરાવી, નવડાવી-ધોવડાવી સાફ કપડાં પહેરાવ્યાં હતાં. તેમણે પોતાના ઉપર ગુજારવામાં આવેલા ત્રાસની કહાણી નીડરપણે કહી સંભળાવી. ફર્સ્ટ મેમ્બરને ઘણી ફરિયાદો કબૂલ કરવી પડી. જોકે સાથે સાથે તેઓ કહેતા જ રહ્યા કે અમે તો કશો ત્રાસ ગુજાર્યો નથી. કર્નલ ડેલીએ ટીકા કરી કે આ બધી ફરિયાદો છતાં કેદીઓ દેખાય છે તો સારા અને ઉત્સાહમાં. ગાંધીજીએ પાછળથી તેમને કહ્યું કે સત્યાગ્રહીઓને વીસ વીસ વર્ષથી જે તાલીમ આપવામાં આવી છે તે ફોગટ નથી ગઈ. ગમે તેટલાં કષ્ટો પડે તોપણ તેઓ સામાની આગળ રોતી સૂરત રાખીને ઊભા નહીં રહે. અને તેમની બધી જ વાતો બનાવટી હોવાનું તો તમે નહીં જ માનો. સરધારથી ગાંધીજી કસ્તૂરબાને મળવા ત્રંબા ગયા. બાએ પૂછ્યું કે તમારો કાર્યક્રમ શું છે ? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે મારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી રાજકોટ છોડવાનો નથી.

ત્યાંથી ઠાકોરસાહેબને મળવા રાજકોટના દરબારગઢમાં ગયા. મુલાકાત દરમ્યાન બધો વખત દરબાર વીરાવાળા હાજર હતા. એ મુલાકાતથી ખૂબ અસંતુષ્ટ થઈને ગાંધીજી પાછા ફર્યા. રાજકોટનો ખરો રાજા ઠાકોરસાહેબ છે કે દરબાર વીરાવાળા ? એ તેમના ઉદ્‌ગાર હતા. તે વખતે જ ત્રિપુરીમાં કૉંગ્રેસની બેઠક ભરાવાની હતી. ગાંધીજીએ એવી આશા રાખેલી કે એકબે દિવસમાં ઠાકોરસાહેબને સમજાવી દઈશ અને હું ત્રિપુરી જઈ શકીશ. પણ આ મુલાકાત પછી એમની એ આશા પડી ભાંગી.

બીજે દિવસે જુદા જુદા ગામના લગભગ દોઢસો ખેડૂતો ગાંધીજીને મળવા આવ્યા. તેમણે સૈનિકોને મોટર લૉરીઓમાં ભરી જંગલમાં મૂકી આવવાની, ત્યાં ખૂબ માર મારવાની, પગમાં જોડા અથવા તો ચંપલ હોય તો કઢાવી નાખી કાંટા ઉપર ચલાવવાની, કેટલાકનાં કપડાં કાઢી નાખી નાગા કરી છોડી મૂકવાની, એ બધી કહાણી ફર્સ્ટ મેમ્બરની રૂબરૂમાં કહી સંભળાવી. બપોરે રેસિડેન્ટ મિ. ગિબ્સનને મળ્યા. સાંજની પ્રાર્થના પછી દરબાર વીરાવાળા મોટરમાં ગાંધીજીને ફરવા લઈ ગયા. દોઢેક કલાક વાતચીત ચાલી. ખૂબ નિરાશ થઈ ગાંધીજી પાછા ફર્યા. રાતે મોડે સુધી તેમને ઊંઘ ન આવી. અર્ધ ઉપર રાત ભારે માનસિક વેદનામાં ગાળી. સવારે ઊઠીને ઠાકોર સાહેબને કાગળ લખવા બેઠા. પોતાની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો બીજા દિવસથી એટલે તા. ૩જીએ બપોરે બાર વાગ્યાથી ઉપવાસ શરૂ થશે એવું તેમાં જણાવ્યું. એ કાગળ તે દિવસે બાર વાગ્યા પહેલાં ઠાકોરસાહેબને પહોંચાડવામાં આવ્યો. આ રહ્યો એ કાગળ:

“ મહેરબાન ઠાકોરસાહેબ,
“આ કાગળ લખતાં સંકોચ થાય છે. પણ ધર્મ થઈ પડ્યો છે.
“મારું અહીં આવવાનું કારણ આપ જાણો છે. ત્રણ દિવસ દરબાર વીરાવાળા સાથે વાતો થઈ. એમનાથી મને ભારે અસંતોષ થયો છે. એકેય વાત પર કાયમ રહેવાની શક્તિ એ ધરાવતા નથી, એવો આ ત્રણ દિવસના પરિચચ પરથી બંધાયેલા મારો અભિપ્રાય છે. મને લાગે છે કે એમની દોરવણીથી રાજ્યનું અહિત થાય છે.
“હવે આ કાગળના હેતુ ઉપર આવું. વર્ધા છોડતાં મેં એ નિશ્ચય કર્યો હતો કે આપે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવ્યા વિના હું રાજકોટ નહીં છોડું. પણ મારે અહીં એકબે દિવસ કરતાં વધારે રહેવું પડશે અથવા મારી ઉપર જે વીતી છે એ વીતશે એમ મેં નહોતું ધાર્યું.
“હવે મારી ધીરજ ખૂટી છે. જો બની શકે તો મારે ત્રિપુરી જવું જોઈએ. હું ન જાઉં તો હજારો કાર્યકર્તાઓ નિરાશ થાય અને લાખો દરિદ્રનારાયણ વ્યાકુળ બને. એટલે આ વેળા મારે સારુ વખતની બહુ કિંમત છે.
“તેથી આપને વીનવું છે કે, આપ નીચેની સૂચનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરી મને ચિંતામુક્ત કરો અને અહીંથી કાલે વિદાય કરો.
“૧. નં. ૫૦. ૨૬–૧૨–’૩૮ના ગૅઝેટમાં આપની જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.
“૨. આપના નં. ૬૧ તા. ૨૧–૧–’૩૯ના ગેઝેટની જાહેરાત રદ કરો.
“૩. સુધારાસમિતિનાં સાત નામ આપે જાહેર કર્યા છે. તેમાંનાં ૨, ૩, ૫ અને ૭ રહેવા દઈને રાજકોટ પ્રજાપરિષદ વતી બીજાં નીચેનાં નામોનો સ્વીકાર કરો :
૧. શ્રી ઉછરંગરાય ન. ઢેબર
૨. શ્રી પોપટલાલ પુ. અનડા
૩. શ્રી વ્રજલાલ મ. શુક્લ
૪. શ્રી જેઠાલાલ હ. જોશી
૫. શ્રી સૌભાગ્યચંદ વી. મોદી
“આ સૂચનાના ગર્ભમાં હેતુ એ છે કે રાજકોટ પ્રજાપરિષદની બહુમતી રહે. મજકૂર નવમાંથી શ્રી ઉછરંગરાય ઢેબરને પ્રમુખ નીમો.

[રહેવા દીધેલાં નામો]

૨. જાડેજા જીવણસિંહજી ધીરુભા
૩. શેઠ દાદા હાજી વલીમહંમદ
૫. મિ. મોહનલાલ એમ. ટાંક અને
૭. શેઠ હાતુભાઈ અબદુલઅલી
“૪. ત્રણ અથવા ઓછા અધિકારીઓ જેને પરિષદની વતી હું પસંદ કરી શકું એને સમિતિના મદદનીશ અને સલાહકાર નીમો. તેમને સમિતિના કામમાં મત આપવાનો અધિકાર ન હોય.

“ ૫. આપ હુકમ કાઢો કે સમિતિને કાગળો, આંકડાઓ વગેરે જે જે સામગ્રી તથા મદદ જોઈએ, તે સ્ટેટના તે તે ખાતાના અધિકારીઓ આપે. સમિતિને સારુ દરબારગઢમાં બેઠક કરવાની યોગ્ય જગ્યા આપ મુકરર કરો.
“ ૬. મારી સલાહ છે કે ઉપરની કલમ ચોથીની રૂએ આપ જેને સલાહકાર નીમો તેને જ આપનું કારભારી મંડળ બનાવો, અને તેની ઉપર આપની તા. ૨૬મી ડિસેમ્બરની જાહેરાતના હેતુને અનુસરતા કારભાર ચલાવવાનો તેમ જ એ જાહેરાતના હેતુને વિઘાતક એવું કોઈ પણ પગલું ન ભરવાનો ભાર મૂકો. આ સલાહકારમાંના એકને તે મંડળના પ્રમુખ નીમો ને તે મંડળ જે નિવેદનો, હુકમો વગેરે કાઢે તેમાં આપ વગર સંકોચે સહી કરશો એવું જાહેર કરો. જો સમિતિના સલાહકારને કારભારી મંડળ બનાવવાનું આપ પસંદ ન કરો તો જે કારભારી મંડળ નીમો તે પણ મારી સાથે મસલત કરીને નીમો.
“ ૭. સમિતિ પોતાનું કામ તા. ૭–૩–’૩૯ને રાજ શરૂ કરે ને તા. ૨૨-૩-’૩૯ને રોજ પૂરું કરે.
“ ૮. સમિતિની ભલામણનો અમલ, તેનું નિવેદન આપના હાથમાં આવે ત્યાર પછી સાત દિવસની અંદર કરવાનું જાહેર કરો.
“આવતી કાલે સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકો. તેઓના ઉપર થયેલા દંડ, જપ્તીઓ વગેરે માફ કરો. તેમ જ વસૂલ કર્યા હોય તે પાછા આપો.
“મિ. ગિબ્સન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે તા. ૨૬ મી ડિસેમ્બરની જાહેરાતને લગતું આપ જે કઈ કરશો તેમાં તે વચ્ચે નહીં આવે.
“જો આપ મારી આટલી વિનંતી આવતી કાલ બપોરના બાર વાગ્યા પહેલાં કબૂલ નહીં કરો તો તે વખતથી મારા ઉપવાસ શરૂ થશે, અને તે કબૂલ કરો ત્યાં સુધી ચાલુ રહેશે.
“આપ મારી ભાષાને કડક નહીં માનો એવી આશા રાખું છું. જો કડક હોય તો આપના પ્રત્યે કડક ભાષા વાપરવાનો ને કડક થવાનો મને અધિકાર છે. આપના પિતામહનું મારા પિતાશ્રીએ લૂણ ખાધું હતું. આપના પિતાશ્રી મને પોતાના પિતા તુલ્ય માનતા. મને તો તેમણે જાહેરમાં ગુરુપદ આપ્યું હતું. હું કોઈનો ગુરુ નથી એટલે મેં એમને શિષ્યરૂપે માન્યા ન હતા. હું આપને પુત્રવત માનું છું. આપ મને પિતાતુલ્ય ન ગણો એ બને. જો મને પિતાતુલ્ય ગણો તો મારી વિનંતીને આપ ક્ષણમાં સહેજે સ્વીકાર કરો ને ૨૬મી ડિસેમ્બર પછી પ્રજા ઉપર વીતી છે તેનું દુઃખ જાહેર કરો.
“મને સ્વપ્ને પણ આપનો કે રાજ્યનો દુશ્મન ન ગણશો. હું કોઈનો દુશ્મન ન થાઉં. જિંદગીભરમાં થયો નથી. મારો દૃઢ વિશ્વાસ છે કે મારી વિનંતીના હાર્દિક સ્વીકારમાં આ૫નું હિત છે, ભૂષણ છે, આપનો ધર્મ છે.
“આપને એમ લાગશે કે મારી સૂચનાઓમાંની કોઈ મેં તા. ૨૬મી ડિસેમ્બરના નિવેદનની બહાર જઈને કરી છે. ઉપર ટપકે વિચારતાં એમ કહી શકાય. આપ જોશો કે પરિષદની બહારના સભ્યોને સ્વીકાર કરવામાં મેં આપના સ્વમાનનો જ ખ્યાલ રાખ્યો છે. એટલે એ તો રાજ્યપક્ષની જ વસ્તુ થઈ. બીજી
સૂચનાઓ જે મજકૂર નિવેદન બહારની ગણાય એ રાજ્યપક્ષની ન ગણવી હોય તો એમ કહી શકાય. પણ કેવળ મને જણાતા આપના પ્રતિજ્ઞાભંગમાંથી જ એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પણ મારી દૃષ્ટિએ તો એ પણ રાજા-પ્રજાના રક્ષણાર્થે છે ને ફરી સમાધાની ન ભાંગી પડે એ દૃષ્ટિએ છે.
“છેવટમાં આપને વિશ્વાસ આપું કે સમિતિ જે રિપોર્ટ તૈયાર કરશે તે જો મારો દેહ હશે તો હું તપાસીશ. મારો દેહ નહી હોય તો સરદાર વલ્લભભાઈ તપાસશે અને તેમાં એક પણ કલમ એવી નહીં રહે કે જેથી આપની પ્રતિષ્ઠાને કે રાજ્યને કે પ્રજાને હાનિ પહોંચે.
“આની નકલ હું ગિબ્સન સાહેબને મોકલું છું.
“આ કાગળ હું તુરંત પ્રગટ નથી કરતો અને આશા તો એવી સેવું છું કે મારી સૂચનાનો આપ હર્ષપૂર્વક સ્વીકાર કરશો અને આ પત્ર પ્રગટ કરવાનો ધર્મ મારી ઉપર નહીં આવી પડે.
“પ્રભુ આપનું કલ્યાણ કરો, આપને સન્મતિ આપો.
મોહનદાસના આશીર્વાદ”
 

તે જ વખતે દરબાર વીરાવાળાને નીચેનો કાગળ લખ્યો :

“તા. ૨-૩-’૩૯
 

“દરબારસાહેબ વીરાવાળા,

“હું શું કરું ? રાતનો અર્ધો ઉજાગરો કરીને આ કાગળ લખું છું.
“ગયા ત્રણ દિવસમાં આપે મને બહુ કડવો અનુભવ કરાવ્યો છે. આપના વચનમાં એકતા નથી ભાળી. પ્રત્યેક વચનમાંથી નીકળી જવાની તૈયારી સિવાય હું બીજું જોઈ જ ન શક્યો. કાલ રાતની વાતે આડો વાંક વાળ્યો. પ્રજાજન આપનાથી કેમ થથરે છે એ હું સમજી શકયો છું.
“આપે આપની કારકિર્દી તપાસવાનું મને આમંત્રણ આપ્યું છે. મેં તે સ્વીકાર્યું. પણ વધારે તપાસવાપણું આપે રહેવા જ નથી દીધું. મને ઈશ્વરે શક્તિ નથી આપી, એટલી પવિત્રતા નથી આપી લાગતી. મારામાં એટલી અહિંસા નથી પ્રગટી, નહીં તો હું જરૂ૨ આપના હૃદયમાં પ્રવેશ કરી શક્ચો હોત. મને દુઃખ અને શરમ થાય છે કે આપનું હૃદય જીતવા અસમર્થ નીવડ્યો છું. મારો સત્યાગ્રહ લાજે છે.
“હું માનું છું કે આપ ઠાકોરસાહેબ ઉપર જે સામ્રાજ્ય ભોગવો છે એમાં એમનું હિત નથી સધાયું. એમની માનસિક અપંગતા જોઈ પરમ રાત્રિએ મારું હૈયું રડ્યું. એની જવાબદારી હું આપની ઉપર ઢોળું છું.
“ના. ઠાકોરસાહેબ ઉપર હમણાં જ કાગળ મોકલ્યો છે. તેની સાથે જ આ આપની ઉપર પણ મોકલું છું. આપ તો એ કાગળ તુરત જોશો જ. એટલે એની નકલ નથી મોકલતો. જોકે આપનો નિર્ણય તો આપે કાલે રાત્રે સંભળાવી દીધો છે. તો આપને વીનવું છે કે આપ મારી સૂચનાઓ સ્વીકારવાની સલાહ ના. ઠાકરસાહેબને આપો.
“પ્રભુ આપના હૃદયમાં વસે.
મો. ક. ગાંધીના વંદેમાતરમ્‌”
 

ઠાકોરસાહેબ ઉપરના કાગળની નકલ મિ. ગિબ્સનને પણ મોકલી અને લખ્યું કે મારી સૂચનાઓના અમલની બાબતમાં આપ બની શકે તેટલો હૃદયપૂર્વકનો સહકાર આપશો એવી હું આશા રાખું છું.

પછી સરદારને ફોન ઉપર નીચેનો સંદેશો મોકલ્યો :

“ મારા નિર્ણયથી અકળાશો નહીં. કેવળ ઈશ્વરનો પ્રેર્યો હું વર્ત્યો છું. બુદ્ધિ પણ બીજું કશું સુઝાડી શકે એમ નહોતું. આની કોઈને વાત ન કરશો. મારી સૂચના દરબાર વીરાવાળા ઠાકોરને કબૂલ રાખવા દે તો ભલે ઠાકોરસાહેબને જ હજી એનો પૂરો જશ મળે. તમે તમારી જગ્યાએથી ન ચસશો. રાજકોટનો ભાર ઉપાડવા હું અહીં છું એટલું બસ ગણજો. મને તો આ મામલા દરમ્યાન ટેલિફોનનાં ખરચ પણ બચાવી લેવાં ગમે. પણ તમારી પ્રકૃતિ હું જાણું છું. તેથી જરૂર પડ્યે વખતોવખત અહીંની ખબરો આપવાને સારુ ટેલિફોન વાપરતાં નહીં અચકાઉં એની ખાતરી રાખજો.”

તા. ૩જીએ બાર વાગ્યા સુધી ઠાકોરસાહેબનો કાગળ ન આવ્યો, એટલે ઉપવાસ શરૂ કર્યા. પ્રાર્થના અને ભજનો પૂરાં થયાં પછી ઠાકોરસાહેબનો જવાબ લઈને ફર્સ્ટ મેમ્બર આવ્યા. એ જવાબ અંગ્રેજીમાં છે. તેનો તરજુમો નીચે આપ્યો છે :

“પ્રિય મહાત્મા ગાંધી,
“તમારો કાગળ ગઈ કાલે મળ્યો. વાંચીને બહુ દિલગીર થયો છું. તમને હું ખાતરી આપી ચૂકયો છું કે તા. ૨૬-૧૨-’૩૮ ના રોજ મેં કાઢેલું જાહેરનામું હજુયે કાયમ છે. કમિટીનાં નામોને લગતી તમારી સૂચનાઓ જાહેરનામાને અનુસરીને નથી. તેમ જ તમે કરેલી બીજી સૂચનાઓ સ્વીકારવાનું મને યોગ્ય લાગતું નથી. રાજ્યનાં જુદાં જુદાં હિતોના સાચા પ્રતિનિધિ હોય એવા યોગ્ય સભ્યોની કમિટી બને એ જોવાની જવાબદારી રાજકોટના રાજા તરીકે મારી છે. મારા રાજ્યના તેમ જ પ્રજાના હિતનો વિચાર કરતાં એ જવાબદારી હું ફગાવી દઈ શકું નહીં. આવી મહત્ત્વની બાબતમાં છેવટનો નિર્ણય બીજા કોઈને કરવા દેવો એ મારે સારુ શક્ય નથી. હું અગાઉ ખાતરી આપી ચૂક્યો છું કે કમિટી પોતાનું કામ શાંત વાતાવરણમાં વહેલામાં વહેલું શરૂ કરી દે એવી મારી તીવ્ર અભિલાષા છે; જેથી કરીને જરૂરી જણાય એવા સુધારા રાજ્યમાં દાખલ કરવામાં ઢીલ થવા પામે નહીંં.

તમારો
ધર્મેન્દ્રસિંહ ”

 


ઉપરનો કાગળ વાંચીને ગાંધીજીએ ઉદ્‌ગાર કાઢ્યા કે, “આ જવાબ તો બળતામાં ઘી હોમવા જેવો છે.” પછી ખાનસાહેબને કહ્યું કે, “આનો રીતસર જવાબ તો હું પછી મોકલીશ. દરમ્યાન હવે બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકે એવી ઠાકરસાહેબને સલાહ આપવાનું તો હું તમને સૂચવું ને ? મારું અનશન શરૂ થયું છે. એટલે હું જીવું છું ત્યાં સુધી તો હવે સવિનય ભંગ ફરીથી શરૂ થવાનો નથી. વળી મારા અનશનની ખબર કેદીઓને કોઈ પણ રીતે પહોંચવાની જ. એટલે કદાચ તેઓ પણ ઉપવાસ આદરી બેસે. અને જેલમાં હોય ત્યાં સુધી તેમને રોકી કે સમજાવી કેમ શકાય ?”

પ્રથમ સભ્યે પૂછ્યું : “પણ તમારે ઉપવાસ કરવા જ જોઈએ ? બીજો કંઈ રસ્તો નથી ? તમે ઉપવાસ કરો તે કરતાં તો ગમે તેટલો સવિનય ભંગ થાય તેને હું વધુ પસંદ કરું.”

ગાંધીજી કહે : “એ હું જાણું છું. પણ આ અવસ્થાએ આવડી અંતર ખોજ પછી ખુદાને નામે લીધેલા ઉપવાસનો નિર્ણય ફેરવવાનું મન કરું તો તો સિત્તેર વર્ષનું જીવ્યું ફોગટ થાય ને ? બીજો કોઈ માર્ગ ન રહ્યો ત્યારે તો આ નિર્ણય કરવો પડ્યો છે.”

પછી ઠાકોરસાહેબના કાગળનો તેમણે જવાબ લખાવ્યો :

“મે. ઠાકોરસાહેબ,
“તમારો પત્ર વાંચી દુઃખ થયું. વચનની તમને કશી કિંમત હોય તેમ લાગતું નથી. તમારું વર્તન તો કોક મોટા દાનનું વચન આપીને એ વચનનો ભંગ કરનાર માણસ જેવું છે. તા. ૨૬–૧૨–’૩૮ની જાહેરાતથી તમે પ્રજાને કેટલું વિશાળ દાન કર્યું હતું ? ઉદારતા એ રાજવંશી ખવાસનું એક લક્ષણ છે, અને આભૂષણ પણ છે.
“એ જાહેરાતથી તમે એક ઉદાર દાન જાહેર કર્યું હતું. સુધારા સમિતિના સભ્યોનાં નામની પસંદગી કરવાનો હક જતો કરવાનો તેમાં પ્રધાન સૂર છે. અને આપણા કિસ્સામાં તો તમે સરદારને પરિષદના પ્રતિનિધિ તરીકે એક ખાસ પત્ર લખીને એ હક આપી દીધો છે. આજનો તમારો પત્ર એ દાન રદ કરે છે. હું તો એમ માનું છું કે, ગઈ કાલના મારા પત્રમાં મેં જણાવેલી શરતોનો સ્વીકાર વચનપાલન માટે જરૂરી છે. ઈશ્વર તમને એ સ્વીકારવાની સદ્દબુદ્ધિ આપે.
“ખાનસાહેબ દ્વારા આજે મેં તમારા ઉપર એક સૂચના પાઠવી છે. એનો અમલ કરવા યોગ્ય છે. અત્યારે સત્યાગ્રહ મોકૂફ રહેલો હોવાથી સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવાનો તમારો ધર્મ છે.
મોહનદાસના આશીર્વાદ”
 

તા. ૪થીએ મળસકે ગાંધીજી ખૂબ તાજા ઊઠ્યા. ઊઠીને મિ. ગિબ્સન ઉપર નીચે પ્રમાણે કાગળ લખાવ્યો, જે ના. વાઈસરૉયને તારથી મોકલવાનું જણાવ્યું :

“૪–૩–’૩૯
 
“પ્રિય મિ. ગિબ્સન,
“આજે સવારે વહેલો ઊઠીને તમને જે લખું છું તે પ્રેસને લખી મોકલવાનો વિચાર આવેલો. પછી વિચાર આવ્યો કે તેનો મજકૂર ના. વાઈસરૉચને તારથી મોકલવો. છેવટે સાચો માર્ગ મને સૂઝ્યો કે મારા વિચારો તમને લખી જણાવવા
અને તેના ઉપર તમારે જે કઈ ટીકા કરવી હોય તે સાથે ના. વાઈસરૉયને તારથી મોકલી આપવાની તમને વિનંતી કરવી.
“મને લાગે છે કે ઠાકોરસાહેબને જવાબદાર અને વિચારવાન રાજા તરીકે ગણવામાં હું અથવા તો મને કહેવા દો કે આપણે બધા એક ઢોંગ ચલાવી રહ્યા છીએ. આ વસ્તુ મારી સુચનાઓવાળો કાગળ મેં તમને પરમ દિવસે લખ્યો ત્યારે જ મને જણાઈ હતી. મને ખબર નથી કે મારો કાગળ તેમને વાંચવા દેવામાં આવ્યો હશે કે કેમ ? અને વાંચવા દેવામાં આવ્યો હોય તો પણ તેને પૂરો અર્થ તેઓ સમજી શક્યા હશે કે કેમ ? હું આશા રાખતો હતો કે મારા પોતાના તેમ જ મારા બાપદાદાના, ઠાકોરસાહેબના પિતા તથા પિતામહ સાથેના સંબંધને લીધે તેમનામાં પોતાની ફરજનું ભાન હું જાગ્રત કરાવી શકીશ. પણ રાજકોટના ખરા રાજા દરબાર વીરાવાળા છે. ઠાકોરસાહેબ ઉપરના મારા કાગળમાં મેં જણાવ્યું છે કે તેઓ બિલકુલ ભરોસાપાત્ર નથી. તેમને ઠાકોરસાહેબનું પહેલું જાહેરનામું ગમતું નથી. તેમનું ચાલે તો સુધારા સમિતિ ઉપર પોતાનાં નામની બહુમતી કરી દઈ તેને રદ કરાવે. હાલ રાજ્યમાં તેઓ કશો હોદ્દો ધરાવતા નથી. છતાં તેની મરજી એ છેવટનો કાયદો છે. તેઓ લેખી હુકમો પણ આપે છે. દરબારગઢમાં પોતાના ભત્રીજાને તેમણે રાખેલા છે. તે એકલા જ ઠાકોરસાહેબ પાસે કોઈ પણ વખતે જઈ શકે છે. તમે જાણો છો કે સર પેટ્રિક કૅંડલનો તેમના (દ. વીરાવાળા) ઉપર જરા પણ વિશ્વાસ નહોતો અને તેમણે રાજકોટમાં રહેવાની અથવા તો ઠાકોરસાહેબ સાથે કશો સંબંધ રાખવાની તેમને મના કરી હતી. તેમ છતાં પહેલી લડત દરમ્યાન તેઓ રાજકોટમાં દાખલ થયા તે માટે કર્નલ ડેલીને તેમને ઊધડા લેવા પડ્યા હતા. આજે રાજકોટમાં જેવું અંઘેર ચાલી રહ્યું છે તેનો નમૂનો મને જડતો નથી. મને ચોકસ લાગે છે કે આ કેસ એવો છે, જેમાં ઠાકોરસાહેબના વચનનું પાલન કરાવવાને માટે ચક્રવર્તી સત્તાએ તત્કાળ વચ્ચે પડવું જોઈએ.
“સુધારા સમિતિ ઉપર જે બિનઅમલદારોનાં નામ સરદાર પટેલ સૂચવે તેની નિમણૂક ઠાકરસાહેબે કરવી જોઈએ. એ ૨૬મી ડિસેમ્બરની કારવાઈનું એક અંગ છે. ઠાકોરસાહેબ ઉપરના ગઈ કાલના કાગળમાં મેં જણાવ્યું છે કે આવી કોઈ જાતની કાળજી ન રાખવામાં આવે તો એ જાહેરાતને સહેલાઈથી નિરર્થક બનાવી શકાય એમ છે. આ સાથે હું ઠાકોરસાહેબના કાગળની અને તેમને મેં આપેલા જવાબના તરજુમાની નકલ આપને મોકલી આપું છું.

તમારો
મો. ક. ગાંધી”

 


તે દિવસે બપોરે મિસ ઍગેથા હેરિસન રાજકોટ આવી પહોંચ્યાં. પોતે કેટલા નાછુટકે ઉપવાસ આદર્યા હતા તે એમને સમજાવતાં ગાંધીજીએ જણાવ્યું કે, “સાચે જ મારે માથે આ અનશન આવી પડ્યું છે. ઉપવાસથી હું સાવ થાકી ગયેલો છું. મારા ઉપવાસોમાં હંમેશાં આવતી મોળ અને બેચેનીની કલ્પના આવતાં જ હું કમકમી ઊઠું છું.”

બહેન ઍગેથાએ પૂછ્યું : “અહીંની સ્થિતિ વિષે આપ શું ધારો છો ?”

ગાંધીજી કહે : “પથ્થરની દીવાલ સામે ઊભા છીએ. અહીંં બધું અંધેર છે. રેસિડેન્ટ રોજના કામકાજમાં વચ્ચે પડવાની પોતાની અશક્તિ જણાવે છે. પ્રથમ સભ્ય કહે છે રાજના હુકમોને અંગે પોલીસતંત્ર સંભાળવા પૂરતી મારે નિસ્બત છે. રાજ્યના મોટા મામલાઓ અને વડી નીતિ જોડે મારે લેવા દેવા નથી, ઠાકોરસાહેબને તો એક દરબાર વીરાવાળા સિવાય બીજા કોઈથી મળાય જ નહીં. રાજ્યમાં કશો હાદ્દો તેઓ ધરાવતા નથી, છતાં ખરા કર્તાહર્તા તેઓ છે. હુકમો ઉપર સહી સુધ્ધાં કરે. કોઈ વાતમાં કશું ઘટતું કરવા તેમને કહો તો એમ કહીને છૂટી પડે કે એ તો ઠાકોરસાહેબના હાથમાં વાત. આમ જ્યાં જાઓ ત્યાં કશા ઉકેલની વાતને ખંભાતી તાળાં દેવાયેલાં છે.”

સાંજે રાજ્ય તરફથી એક યાદી બહાર પડી. એ યાદીનો સૌથી ચોંકાવનારો ભાગ એ હતો કે ગાંધીજીએ ઠાકોરસાહેબને લખેલા કાગળમાં રાજ્ય તરફથી થયેલા જુલમો વિષે જો કે ગાંધીજીએ તો જાણી જોઈને કશો ઉલ્લેખ ન કરેલો તોપણ, એ બીનાના આધાર ઉપર ગાંધીજી સામે ઊલટો જ આરોપ ઘડી કાઢેલો હતો. એમાંથી એવો અર્થ નિપજવવામાં આવ્યો હતો કે ગાંધીજીએ કરેલી તપાસમાં રાજ્ય સામે કરવામાં આવેલા આરોપો જૂઠા હોવાની ગાંધીજીની ખાતરી થઈ હતી. આમ છતાં એ વિષે દિલગીરી ન દર્શાવવાને સારું ગાંધીજીનો દોષ કાઢવામાં આવ્યો હતો.

ગાંધીજીએ આ યાદીનો ટૂંકો જવાબ આપ્યો :

“હું ચૂપ એટલા સારુ જ રહ્યો હતો કે ખાનસાહેબ તથા તેમની નીચેના અમલદારો જેઓ સત્યાગ્રહીઓ જોડે થયેલા વર્તાવને સારુ મુખ્ય જવાબદાર હતા, તેમને ભૂલેચૂકે પણ અન્યાય ન થવા દેવો અને સંપૂર્ણ ન્યાય આપવા હું ઇંતેજાર હતો. પણ મારા મૌનની કદર કરવાને બદલે ઊલટો મારી સામે પુરાવા તરીકે દરબારી યાદીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યા છે. તેથી વસ્તુસ્થિતિ જાહેર કરવાની ફરજ પડે છે.
“બેઉ જેલોની મારી મુલાકાત પછી ખાનસાહેબને મેં કહ્યું હતું કે કેદીઓની કથની સાંભળીને હું સમસમી ઉઠ્યો છું અને તેમણે કરેલા આરોપ માનવા તરફ મારું વલણ છે. તેમાંના ઘણાને હું અંગત રીતે પિછાનું છું, અને બીજા પણ ઘણા સમાજમાં મોભાદાર અને પ્રતિષ્ઠિત ગણાતા સદ્‌ગૃહસ્થો છે, જેમનું કહેવું ખોટું સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી હરકોઈ સાચું જ માને. તેથી મેં ખાનસાહેબને કહ્યું કે આરોપો એટલા બધા ગંભીર છે અને એટલા બધા પ્રકારના છે કે રાજ્યને ન્યાય આપવાનો માત્ર એક માર્ગ મારે સારુ એ છે કે, નિષ્પક્ષ અદાલત સામે તેની ન્યાયપુરઃસરની તપાસ સૂચવવો. … મારા ઉપર વચનભંગનો સામો આરોપ યાદીમાં કર્યો છે તે તો નરી નિષ્ઠુરતા છે.”

કસ્તૂરબાને મળવાની રજા મેળવવા માટે ગાંધીજીના કેટલાક સાથીઓએ તા. ૩જીએ પ્રયાસ કર્યો હતો. તેમને જવાબ મળ્યો હતો કે, “આવતી કાલે ફરી પ્રયત્ન કરી જોજો. ઠાકોરસાહેબને પૂછવું પડે એમ છે.” બીજે દિવસે જરૂરી રજા મળી જવાથી ડૉ. સુશીલા નય્યર તથા બીજા બે જણ બાને મળવા ત્રંબા ગયાં. બાએ ગાંધીજી ઉપર એક હૃદયદ્રાવક કાગળ મોકલ્યો હતો, જેમાં અનશન કરતાં પહેલાં પોતાને વાતસરખી ન કર્યા માટે હળવો ઠપકો આપ્યો હતો. આના જવાબમાં સાથીઓ સાથે ગાંધીજીએ સંદેશ મોકલ્યો હતો કે,

“તું નાહક ચિંતા કરે છે. ઉપવાસ આદરતાં પહેલાં તને કે બીજા કોઈને હું ક્યાંથી વાત કરું ? હું પોતે જ થોડું જાણતો હતો કે અનશન ચાલ્યું આવે છે? ઈશ્વરે સાદ કર્યો ને હું એને અનુસરવા સિવાય બીજું કરી જ શું શકું ? જ્યારે છેલ્લું તેડું આવશે – અને એક દિવસ કયારેક પણ આવશે જ ને ? – ત્યારે પણ તને કે કોઈને પૂછવા થોડું રોકાઈ શકાવાનું છે ?”

આ ઉપરાંત ગાંધીજીએ એક મોઢાનો સંદેશો પણ મોકલ્યો હતો. ઉપવાસ દરમ્યાન મારી સાથે તેને રહેવા દેવાની રાજ્ય પાસે હું આજીજી કરું એમ તું ઇચ્છે છે ? બાએ તત્કાળ જવાબ આપ્યો : “જરાયે નહીં. એ લોકો મને રોજેરોજ તમારી તબિયતના સમાચાર આપે તો મને સંતોષ છે.”

છતાં ગાંધીજીને કસ્તૂરબા વિષે ચિંતા તો રહ્યા જ કરતી. સૌ કોઈનું ધારવું હતું કે અગાઉના ઉપવાસની વેળાએ તેમ આ વખતે પણ સત્તાવાળાઓ ઉપવાસ શરૂ થતાં જ બાને ગાંધીજી પાસે રહેવા મોકલી આપશે. ગાંધીજીએ તા. ૪થીએ પ્રથમ સભ્યને પુછાવેલું કે બાની ખરી કાયદેસર સ્થિતિ શી છે ? શું તે પોતાને સ્વતંત્ર વ્યકિત ગણીને ગમે ત્યાં જઈ આવી શકે ? કે પછી તમે એમને રાજ્યનાં મહેમાન કહો છો, એ રાજ્યના કેદીનું બીજું નામ માત્ર છે ? આનો જવાબ મળ્યો ન હતો. તા. ૫મીએ સવારે ગાંધીજીએ ફરી ચિઠ્ઠી લખીને પૂછ્યું, એનો પણ બપોર લગી જવાબ ન મળ્યો. બપોરે સૌના આશ્ચર્ય વચ્ચે રાજ્યની મોટર રાષ્ટ્રીય શાળામાં આવીને બાને મૂકી ગઈ. પ્રથમ સભ્યે બાને એટલું જ કહેલું કે, “ના. ઠાકોરસાહેબ આપને ગાંધીજીને મળવા મોકલવા માગે છે.” બા કશા સરસામાન વગર આવ્યાં હતાં. પોતાનાં સાથીઓ મણિબહેન અને મૃદુલાબહેન કરતાં પોતાને વિશેષ છૂટ મળે એમ તેઓ ઈચ્છતાં ન હતાં. એટલે ગાંધીજીએ નિર્ણય કર્યો કે બા પાછાં જાય અને ત્રંબામાં પોતાના સાથીઓ જોડે જઈને રહે. એ ત્રણેની કાયદેસરની સ્થિતિ શી છે એ જણાવવા આખા દિવસમાં મળીને પાંચ ચિઠ્ઠીઓ ગાંધીજીએ ખાનસાહેબને લખી. પણ કશો સંતોષકારક ખુલાસો ન મળ્યો. છેવટે લખ્યું કે,

“છેક નજીવી બાબતમાં મારે અકળાવું પડે, દાક્તરની સામે થઈને વખત આપવો પડે ને આપને તકલીફ આપવી પડે એ મારે સારુ દુઃખદ પ્રકરણ છે. આવો અનુભવ જિંદગીમાં પહેલવહેલો, જેને મારું પોતાનું ઘર ગણું છું ત્યાં થાય છે ”

પછી સાંજના સાડા સાત વાગ્યે બાને ત્રંબા પાછાં મોકલ્યાં.

તા. ૬ઠ્ઠીએ સત્તાવાળાઓએ ત્રણેને બિનશરતે છોડી મૂકીને પ્રશ્નનો નિકાલ આણ્યો.

તા. ૫મીએ સરદારે ત્રિપુરીથી છાપાંજોગું નિવેદન બહાર પાડ્યું :

“રાજકોટના ઠાકોરસાહેબ અને ત્યાંની પ્રજો વચ્ચે થયેલા પવિત્ર કરારનું પાલન કરાવવાના નૈતિક પ્રશ્નને અંગે ગાંધીજીએ ઉપવાસ આદર્યા છે. એ પ્રશ્નમાં સુધારા સમિતિ પર પ્રજાના પ્રતિનિધિઓની બહુમતી હોવાના હકનો સમાવેશ થાય છે. કરારની શરતો જેમાં આપેલી છે, એ મહત્ત્વના કાગળના બે અર્થ થઈ શકે છે, એવું ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ પોતાના અગ્રલેખમાં લખ્યું છે, એ જોઇને મને ખેદ થાય છે. એ કાગળની ભાષા સ્પષ્ટ અને અસંદિગ્ધ છે. ઠાકોરસાહેબની અને મારી વચ્ચે થયેલી વાટાઘાટ દરમ્યાન સમિતિમાં પ્રજાની બહુમતી હોવી જોઈએ એ વિષે કશી શંકા કે વાદવિવાદ ઊભા થયા જ ન હતા. ઊલટું ઠાકોરસાહેબે તા. ૨૬મી ડિસેમ્બરે જે કરાર પર સહી કરી તેનો પાયો જ આ મુદ્દા પર રચાયો હતો. એવું આ લાંબી વાટાઘાટોના ઇતિહાસ પરથી જણાઈ આવે એમ છે.
“ગયા નવેમ્બરમાં ગાંધીજી પાસે સમાધાની કરી આપવાની વાત લઈ જવામાં આવી ત્યારે તેમણે સમાધાનીની શરતોનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમાં એવી શરત મૂકેલી હતી કે પ્રજાપરિષદના પ્રતિનિધિઓની બહુમતી હોવી જોઈએ અને એ બહુમતી નક્કી કરવાનું મારા ઉપર છોડવામાં આવ્યું હતું. તે વખતે જે સજ્જન મધ્યસ્થી કરી રહ્યા હતા તે એ ખરડો લઈને તા. ૨૭મી નવેમ્બરે અમદાવાદમાં મારી પાસે આવ્યા. ત્યારે એમ નક્કી કર્યું હતુ કે સમિતિમાં સાત સભ્યો પરિષદના અને ત્રણ રાજ્યના હોવા જોઈએ. એ સજ્જનની સાથે જે શરતોનો ખરડો મેં ઠાકોરસાહેબને અને સર પેટ્રિક કૅંડલને મોકલેલો તેમાં એ કલમ હતી.
“એ કલમની સામે ઠાકોરસાહેબ કે સર પેટ્રિક કૅંડલ બેમાંથી એકેયે વાંધો લીધો નહોતો, કે તેમાં ફેરફાર કર્યો નહોતો. આ કલમને વિશે તેમણે એટલી જ સૂચના કરેલી કે, હું જે સાત સભ્યોનાં નામ આપું તે રાજકોટ રાજ્યના ખરેખરા વતની હોવા જોઈએ. પાછળથી એ વાટાઘાટ બીજાં કારણોસર ભાંગી પડી, પણ એ વાટાઘાટ દરમ્યાન કોઈ પણ વખતે આ શરતની સામે વાંધો આવ્યો ન હતો.
“ તા. ૧૫–૧૨–’૩૮ને રાજ ઠાકોરસાહેબની જોડે બીજા એક મધ્યસ્થીની મારફત વાટાઘાટ ફરી શરૂ કરવામાં આવી. આ સદ્‌ગૃહસ્થ ઠાકોરસાહેબ તથા દરબાર વીરાવાળા તરફથી સત્તાવાર કાગળ લઈને આવ્યા હતા. ચર્ચાને સારુ જે

શરતો લઈને આ મધ્યસ્થ આવ્યા હતા તેમાં ઉપલી શરત સામેલ હતી. તા. ૧૯મીએ મેં મારા તરફથી જે સામો મુસદ્દો મોકલ્યો તેમાં પણ આ શરત સામેલ હતી.
“તા. ૨૬મીને દિવસે રાજકોટમાં જ્યારે શરતો ચર્ચવામાં આવી ત્યારે પરિષદની બહુમતીની આ શરત જ સમાધાનના પાયા રૂપે ગણવાની હતી એ વાત સૌને મંજૂર હતી. આ બહુમતી ઓછી કરવાને સારુ મને બહુ બહુ વિનંતીઓ કરવામાં આવી હતી, જે મારે નકારવી પડેલી. મેં તેમની એક જ સૂચનાનો સ્વીકાર કર્યો કે મારા તરફથી સૂચવવામાં આવતાં સાતે નામો રાજ્યના વતનીઓનાં હોવાં જોઈએ. કાઉન્સિલ મારા તરફનાં સાતે નામો તે જ ઘડીએ ત્યાં ને ત્યાં મંજૂર કરવા રાજી હતી. પણ મારે જેમની સલાહ લઈને તે નક્કી કરવાં જોઈએ એ બધા તે વેળાએ જેલમાં હતા. તેથી મારે પાછળથી મોકલવાં એમ ઠર્યું.
“એ ભુલાવું ન જોઈએ કે, એ સમાધાની એક તરફથી ઠાકોર સાહેબ અને તેમની કાઉન્સિલ અને હું તથા મારી સાથેના બીજા ત્રણ જણા એવા બે પક્ષ વચ્ચે આઠ કલાકની ચર્ચા પછી થઈ હતી. સાત સભ્યોની સંખ્યા ઘટાડી ત્રણની કરી નાખીને, પ્રજાપરિષદના સભ્યોની લઘુમતી કરી મૂકવાની ઠાકોરસાહેબને છૂટ રહેશે, એવું મને કહેવામાં આવ્યું હોત તો મેં એ વાટાઘાટમાં કદી ભાગ લીધો ન હોત. એ સમાધાનીના એક ભાગ તરીકે ઠાકોરસાહેબે મને જે કાગળ આપેલો તે પરથી નિઃશંક જણાઈ આવે છે કે સાતની બહુમતી ઘટાડવાનો એમનો ઇરાદો તે વેળા મુદ્દલ ન હતો. જો ઠાકોરસાહેબની લહેર પ્રમાણે આ સંખ્યામાં ઘટાડો કરવાનો હોત તો આ સમાધાન કરવાનો અથવા તો તેને પવિત્રપણે લેખબદ્ધ કરવાનો કશો અર્થ જ ન હતો.
“સમાધાનનું કરારનામું થયા પછી તરત જ ગાંધીજીને મેં તાર કર્યો કે,
“આઠ કલાકની લંબાણ વાટાઘાટ પછી આજે મળસકે બે વાગ્યે પ્રભુકૃપાથી સમાધાનના કરાર થયા છે. મુખ્ય શરતો આપના મુસદ્દા મુજબ મુદ્દે સ્વીકારાઈ છે. કરારનામું મોકલું છું.”
“તે જ દિવસે મોડેથી ગાંધીજીને મેં કરારની શરતો તારથી મોકલી, જેમાં જણાવ્યું હતું કે,
“પ્રજા તરફના સાત પ્રતિનિધિઓ મારી ભલામણ મુજબ ઠાકોરસાહેબે નીમવાના છે. જાહેરાતમાં આની સ્પષ્ટતા નથી પણ આને સારુ જુદી લેખી કબૂલાત લીધી છે.”
“આ ઉપરથી એ વિષે મુદ્દલ શક નથી રહેતો કે સુધારા સમિતિ ઉપર પરિષદના પ્રતિનિધિઓની બહુમતી રહેવી જોઈએ એ કરારનામાનો પાયો હતો. તેની વિરુદ્ધનો જે અર્થ કરવામાં આવ્યો છે, તે થયેલા કરારમાંથી છટકી જવા ખાતર પાછળથી ઊભો કરેલ છે. જો ઠાકોરસાહેબને પ્રજાના પ્રતિનિધિઓની સંખ્યા ઘટાડીને લઘુમતીમાં મૂકી દેવાની સત્તા રાખી હોત, તો પ્રજાની લડત, વાટાઘાટો, તેમ જ કોલકરાર, બધું જ અર્થ વગરનું થઈ પડત. આવા કટોકટીના મામલામાં તકરારના મુદ્દાઓને અસ્પષ્ટ કરી મેલવાના પ્રયત્નો અત્યંત દુઃખદ ગણાય.”

 તા. ૫મી તથા ૬ઠ્ઠીએ ગાંધીજીને બહેન ઍગથા સાથે મહત્ત્વની વાતચીત થઈ. એમને ગાંધીજીએ જીવન વિષેનું પોતાનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. સાથીઓ પ્રત્યેના પક્ષપાતને કારણે પોતે તેમના દોષ ન જુએ એ કેટલું અશક્ય હતું તે સ્પષ્ટ કર્યું. સાધનની શુદ્ધતા ઉપર પોતે કેટલો બધો ભાર મૂકે છે એ સમજાવતાં કહ્યું :

“શેતાનની પાંખે ચડીને સ્વર્ગમાં પહોંચાતું હોય તો પણ સત્યાગ્રહી તેમ ન કરે. કેટલીક વાર મારી અને સાથીઓની વચ્ચે ભેદ કરવામાં આવે છે. મને સાચો અને સાથીઓને ખોટા ચીતરવામાં આવે છે. આ દ્વેષમૂલક અને ગેરવાજબી છે. (સરદારનો દાખલો આપીને કહ્યું :) એમને વિષે ગેરસમજનો પાર નથી. આનું કારણ પણ હું સમજું છું. તેમના ગમા–અણગમા બહુ મજબૂત છે. વળી તેઓ ભારે આખાબોલા માણસ છે. તેથી જ બધી મુશ્કેલી ઊભી થાય છે. પણ હું કહું છું તે ગળા સુધી માનો કે કોઈ વાતે તેમાં ખોટ્ટાઈ નથી. હું કહું છું કે કોઈ પણ એની સામે ચોક્કસ આરોપ આણે અને એની નિષ્પક્ષ તપાસ કરાવે તો એની સાથે ઊભવા કે જમીનદોસ્ત થવા હું તૈયાર છું. એવા આરોપોની કિંમત હું જાણું છું. મારા પોતાના ઉપર આજે ગલીચમાં ગલીચ હુમલાઓ વરસી રહ્યા છે.”

આ અનશન શા સારુ ? શું બીજો માર્ગ ન હતો ? ઍગથા આગળ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કહ્યું :

“કાઠિયાવાડને હું ઓળખું છું. શૂરા કાઠીઓની એ ભૂમિ છે. તેની સાથે ખટપટ અને સડાથી પણ એટલી જ ભરેલી છે. આ ગંદકી બલિદાન વગર શે સાફ થાય ? જો હું ઇચ્છું છું તેવો હોત તો આવા અનશનની જરૂર ન હોત, કઈ જોડે દલીલ કરવાની જરૂર ન રહેત, મારો શબ્દ સાંસરો ઊતરી જાત; સાચે જ શબ્દનો ઉચ્ચાર કરવાની પણ જરૂર ન પડત; ઇચ્છામાત્રથી જોઈતું પરિણામ નિપજાવી શકાત. પણ મારી મર્યાદાઓનું દુઃખદ ભાન મને છે. તેથી જ તો મારો અવાજ સંભળાવવા માટે આ બધું સહેવાનું છે.
“બીજો રસ્તો સવિનય કાયદાભંગનો છે. પણ અત્યારે મેં તે ઇરાદાપૂર્વક રદ કર્યો છે. કારણ હું જોઉં છું કે, એમાંથી જેઓ સત્તાધારી છે તેમના અંતરમાં વસતો પશુ જ જાગી શકે છે. સત્યાગ્રહીની નેમ તો દરેકના હૈયામાં રહેલા એ પશુને ઉખેડી જ દેવાની હેાય. સવિનય ભંગ શરૂ કરીને જે બધું કષ્ટ ખમવાનું લોકોને સારુ અનિવાર્ય થઈ પડત, તે મેં જાતે આ કષ્ટ માથે લઈને ટાળી દીધું છે. કશાથી પણ ન અકળાવાનો હું અવિરત પ્રયત્ન કરી રહ્યો છું. દરબાર વીરાવાળા પ્રત્યે પણ મારા અંતરમાં સદ્‌ભાવ ભરેલો છે. મારા ઉપવાસથી તેમના તેમ જ ઠાકોરસાહેબના દિલમાં જવાબદારીનું ભાન જાગે તો ઉપવાસને હું સાર્થક થયેલા ગણું.”

વાઈસરૉય તે વખતે પ્રવાસમાં હતા. પોતાનો પ્રવાસ રદ કરી તા. ૬ઠ્ઠીએ તેઓ દિલ્હી પહોંચ્યા. આખો દિવસ અને મધરાત સુધી રાજકોટ અને નવી દિલ્હી વચ્ચે અને રાજકોટ અને મુંબઈ વચ્ચે ટેલિફોનની ઘંટડીઓ રણક્યાં કરી. તા. ૭મીએ સવારના પોણા અગિયાર વાગ્યે ના. વાઇસરૉયનો નીચે પ્રમાણેનો સંદેશો મિ. ગિબ્સન મારફતે ગાંધીજીને પહોંચાડવામાં આવ્યો :

“તમારો સંદેશો મને હમણાં જ મળ્યો. તે માટે તમારો ઘણો જ આભારી છું. હું તમારી સ્થિતિ સમજું છું.
“તમે જે કરો છો તે પરથી સ્પષ્ટ છે કે, આ પ્રકરણમાં વચનભંગ થયો છે એમ જે તમને લાગ્યું છે એ જ મુદ્દાની વાત છે. હું જોઈ શકું છું કે ઠાકોરસાહેબનું જાહેરનામું, જેની સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે આપેલા કાગળથી પાછળથી પૂરણી કરવામાં આવી હતી, તેના અર્થ વિષે શંકાને સારુ અવકાશ હોઈ શકે એમ છે. મને લાગે છે કે, એવી શંકાનો ઉકેલ કરવાનો સૌથી સરસ માર્ગ એ જ છે કે દેશના સૌથી વડા ન્યાયાધીશ પાસે તેનો અર્થ કરાવવો. તેથી એવી દરખાસ્ત કરું છું કે ઠાકોરસાહેબની સંમતિથી – અને તેઓ એવી સંમતિ આપવા તૈયાર છે એવા ખબર આવ્યા છે તેમનું ઉપર જણાવેલું જાહેરનામું તથા કાગળની રૂએ કમિટી કઈ રીતે રચાવી જોઈએ એ બાબત હિંદના વડા ન્યાયાધીશનો અભિપ્રાય લેવો. પછી તેમણે આપેલા નિર્ણય મુજબ કમિટી નીમવામાં આવે. વધુમાં એમ પણ ઠરાવવામાં આવે છે, જે જાહેરનામાને અનુસરીને એમણે ભલામણો કરવાની છે તેના, કે તેના કોઈ ભાગના અર્થ વિષે કમિટીના સભ્યો વચ્ચે જો કદી મતભેદ ઊભો થાય તો તે સવાલ પણ એ જ વડા ન્યાયાધીશ પાસે રજૂ કરવામાં આવે અને તેમનો નિર્ણય છેવટનો ગણવામાં આવે.
“ઠાકોરસાહેબ તરફથી પોતાના જાહેરનામામાં આપેલા વચનનો અમલ પોતે કરશે એવી ખોળાધરી સાથે અને મારા તરફથી પણ ઠાકોરસાહેબ પાસે અમલ કરાવવાને હું પૂરેપૂરો પ્રચત્ન કરીશ એવી ખેાળાધરી સાથે કરવામાં આવેલી આ વ્યવસ્થાથી તમારા મનમાં ઊભી થયેલી બધી બીક દૂર થશે એમ હું પૂરેપૂરું હું માનું છું. આ પ્રકરણમાં ન્યાય થાય એ સારુ હવે બધી સાવચેતી લેવાઈ છે, એવી લાગણીમાં તમે મારી જોડે સંમત થશો અને અનશન છોડી દઈ તમારા દેહને થઈ રહેલા કષ્ટમાંથી અને મિત્રોને થઈ રહેલી ચિંતામાંથી મુક્ત કરશો.
“હું તમને જણાવી ચૂક્યો છું કે તમને અહીં મળવા અને તમારી જોડે ચર્ચા કરવા હું બહુ ખુશી છે, જેથી રહીસહી શંકાઓ તેમ જ સંદેહ દૂર થઈ જાય.”

ગાંધીજીએ મિ. ગિબ્સનની મારફત નીચેનો સંદેશો વાઈરૉયને તારથી મોકલાવ્યો :

“આપે તાકીદે મોકલેલા જવાબ માટે આપનો ઓશિંગણ છું. જવાબ મને તાબડતોબ દસ પિસ્તાળીસ વાગ્યે પહોંચાડવામાં આવ્યો છે.
“આપના જવાબમાં, જોકે, સ્વાભાવિક રીતે ઘણી વસ્તુઓનો ઉલ્લેખ બાકી રહ્યો છે, છતાં અનશન છોડવાને સારુ અને જે લાખો લોકો મારા ઉપવાસની પાછળ



રહેલા સમાધાનને સારુ પ્રાર્થનાઓ અને બીજા પ્રયત્નો કરી રહ્યા છે તેમની ચિંતા દૂર કરવાને સારુ આપના ભલા સંદેશાને હું પૂરતું કારણ ગણું છું. મારે પક્ષે એટલું જ કહેવું ઉચિત સમજુ છું કે જે બાબતોનો આપના તારમાં ઉલ્લેખ નથી તે મારા તરફથી પડતી મુકાઈ નથી. તે બાબતમાં મને સંતોષ મળવો રહેશે. છતાં રૂબરૂ ચર્ચા થતાં સુધી તે બાબતો મુલતવી રાખી શકાય. દિલ્હી સુધી મુસાફરી કરવાની દાક્તરો રજા આપશે કે તરત જ હું દિલ્હી આવીશ.
“જેના ઉપર મારે અનશન કરવું પડ્યું તે પ્રકરણ આટલી તાકીદે અને આટલી સહાનુભૂતિથી હાથમાં લીધાને સારુ ફરી એક વાર આપનો આભાર માનું છું.”

ઉપવાસ છોડતાં પહેલાં સરકાર જોડે થયેલો પત્રવ્યવહાર પ્રગટ કરવાની સરકારની રજા મેળવી લેવા ગાંધીજી માગતા હતા. તે માટે નવી દિલ્હીને પૂછવું જોઈએ. બપોરે બે વાગ્યે જરૂરી રજાવાળી મિ. ગિબ્સનની ચિઠ્ઠી આવી પહોંચી. એટલે પ્રાર્થના વગેરેના વિધિ પછી બપોરે બે વીસ વાગ્યે ગાંધીજીએ પારણું કર્યું. બધા સત્યાગ્રહી કેદીઓને તે જ દિવસે છોડી મૂકવામાં આવ્યા.

સૌના દિલમાં આનંદ વ્યાપ્યો, અને સૌને એમ લાગ્યું કે ગાંધીજીનો ભારે વિજય થયો. પણ વિજયની ઘડી ગાંધીજીને સારુ હમેશાં આત્મનિરીક્ષણની હોય છે.

પરિષદના કાર્યકરો સાથે તેમણે અંતર ખોલીને વાત કરી અને પોતાની જાતનું પૃથક્કરણ કરીને અંતરદર્શન કરવા તેમને સૂચવ્યું. તા. ૧૦મીએ સાંજે દરબાર વીરાવાળા ગાંધીજીને મળ્યા. તેમની સાથે લગભગ કલાક વાતો ચાલી. એ વાતચીત પછી ગાંધીજી ગમગીન અને ઊંડા વિચારમાં ડૂબેલા જણાયા. તેમના દિલમાં કંઈક આવી ગડમથલ ચાલતી હતી : “મારી અહિંસામાં શો દોષ છે? મારા અનશન પછી પણ દરબાર વીરાવાળામાં કશો ફેરફાર કાં ન જણાય ?” તા. ૧૧મીએ ભાયાતો તરફથી ડેપ્યુટેશનના રૂપમાં મળવાની માગણીનો કાગળ મળ્યો. સમય બચાવવા ખાતર ગાંધીજીએ તેમને ટૂંકી ચિઠ્ઠી લખી મોકલી અને મુસલમાનો તથા તેમની વચ્ચે કશો તફાવત નહીં કરવામાં આવે એ વિષે ખાતરી આપી.

તા. ૧રમીએ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમ્યાન ગાંધીજીએ રાજકોટના સત્યાગ્રહનું પરીક્ષણ કર્યું :

“મને લાગે છે કે, આપણી પહેલી ભૂલ રાજકોટ સત્યાગ્રહમાં બધા કાઠિયાવાડીઓને જોડાવાની રજા અપાઈ એ થઈ. એથી લડતમાં નબળાઈનું તત્ત્વ પેઠું, આપણે સંખ્યાબળ ઉપર ગયા. સત્યાગ્રહી તો અસહાયના એકમાત્ર બેલી ઈશ્વર

ઉપર જ આધાર રાખે. સત્યાગ્રહી હમેશાં પોતાના મનને કહે કે જેને નામે સત્યાગ્રહ માંડ્યો છે તે જ તેને પાર ઉતારશે. રાજકોટના કાર્યકર્તાઓએ આમ વિચાર્યું હોત તો મોટાં સરઘસો અને દેખાવો યોજવાની લાલચમાંથી તેઓ બચી જાત અને પરિણામે જે જુલમાટો થયા તેનાથી રાજકોટ પણ બચત. ખરા સત્યાગ્રહી પોતાના વિરોધીને અભયદાન આપે. તેના કાર્યથી વિરોધીની છાતીમાં કદી ગભરાટ પેદા ન થાય. ધારો કે સત્યાગ્રહના નિયમોના આવા કડક અમલને લીધે ખોબા જેટલા સત્યાગ્રહીઓ સાચા સત્યાગ્રહી જુસ્સાથી અંત સુધી લડવા નીકળ્યા હોત તો તેઓ ખરેખરી નમૂનેદાર લડતનો દાખલો પૂરો પાડત.”

તા. ૧૩મી માર્ચે ગાંધીજી દિલ્હી જવા ઊપડ્યા. ફેડરલ કોર્ટના વડા ન્યાયાધીશ સર મોરીસ ગ્વાયર આગળ બંને પક્ષે પોતાનો કેસ રજૂ કરવાનો હતો. વડા ન્યાયાધીશે દોરેલી કાર્યવાહીને અનુસરીને સરદારે પોતાની કેફિયત પશ્ચિમ હિંદનાં દેશી રાજ્યોના રેસિડેન્ટને ત્યાં તા. ૧૭મીએ દાખલ કરી. તેમાં તા. ર૬–૧ર–’૩૮ના રાજ ઠાકોરસાહેબ સાથે થયેલી સમજૂતી તથા ઠાકોરસાહેબે સરદારને લખેલી આપેલી ચિઠ્ઠી વગેરે રજૂ કર્યા. રાજકોટ ઠાકરસાહેબનો જવાબ તા. ૨૬ મી માર્ચે દાખલ કરવામાં આવ્યા. છાપેલાં ચાલીસ ફૂલસ્કૅપ પાનાંનો એ જવાબ હતો. તેમાં મુખ્ય મુદ્દા તો બે જ હતા. તા. ર૬ મીના કરારનામા વિષે પ્રપંચ, દબાણ અને દગાબાજીના આક્ષેપો હતા. બીજો મુદ્દો, સરદાર જે સાત નામો આપે તેમાંથી ઠાકોરસાહેબે પૂરી તપાસ કરી પોતાને યોગ્ય લાગે એમની નિમણૂક કરવાની બાબતનો હતો. પ્રપંચ અને દગાબાજીના આક્ષેપો વાંચી સરદારની સાથે ગાંધીજી પણ ઊકળી ઊઠ્યા. વળી તેમણે અંતરખોજ ચલાવી : “મારો ઉપવાસ આટલો નિષ્ફળ કેમ થયો હશે ? દરબાર વીરાવાળા આટલું કેમ નથી જોઈ શકતા કે પ્રપંચથી મેળવેલા દસ્તાવેજના જોર ઉપર હું કદી ઉપવાસ ન આદરું ?”

કેસની દલીલ કરવા દરબાર વીરાવાળા જાતે દિલ્હી ગયા. તેમણે બહુ લંબાણથી દલીલો કરી. સરદારે વાટાઘાટની શરૂઆતથી તે તા. ૨૬મી ડિસેમ્બરનું કરારનામું થયું ત્યાં સુધીની વિગતો ટૂંકમાં રજૂ કરી.

બંનેની દલીલો સાંભળી તા. ૩જી એપ્રિલે હિંદના ચીફ જસ્ટિસ સર, મોરીસ ગ્વાયરે પોતાનો ચુકાદો આપ્યો. તેમાંથી વધારે મહત્ત્વના ફકરા અહીં ટાંકીશું:

“એમ સૂચવાયું છે —જોકે બેઉ પક્ષને હું રૂબરૂ મળ્યો ત્યારે એ બાબત મુદ્દલ આગ્રહ ધરવામાં ન આવ્યો — કે આ કાગળ ઠાકોરસાહેબ પાસેથી કંઈક દબાણપૂર્વક મેળવવામાં આવ્યો હતો. મને સોંપવામાં આવેલા આ કેસની તપાસને અંગે ઠાકોરસાહેબે આપેલી સંમતિ ધ્યાનમાં લેતાં એવા સૂચનનો વિચારસરખો હું કરી શકું કે કેમ એ વિશે મને શંકા છે. પણ એટલું જ કહેવું યોગ્ય થશે કે

મને એવા દબાણનું સૂચન માનવાને સારુ કશો પુરાવો જડ્યો નથી. ઊલટું શ્રી વલ્લભભાઈ ઉપર પાછળથી લખાયેલા કાગળમાં તેથી વિરુદ્ધનો પુરાવો સારી પેઠે મળી આવે છે.
“મને ખાતરી થઈ છે કે દબાણ થયાનું સૂચન કશા કાયદેસર અર્થમાં ટકી શકે એમ નથી. ઠાકોરસાહેબે શ્રી વલ્લભભાઈને આપેલ કાગળ દરબાર વીરાવાળાના પોતાના જ શબ્દોમાં મિત્રભાવે લખાયેલો છે. આ વાતને શ્રી વલ્લભભાઈ પટેલ ઉપર ઠાકોરસાહેબે વળતે દિવસે લખેલા બીજા કાગળ ઉપરથી ટેકો મળે છે. તેમાં તેઓ લખે છે :
“ ‘તમે રાજકોટ આવ્યા તે બદલ હું તમારો ઘણો જ આભારી છું. આ પ્રકરણનો અંત લાવવામાં તમે મને જે રીતે મદદ કરી છે તેની હું ખૂબ કદર કરું છું.’ ”.
“ તા. ૨૬–૧૨–’૩૮નો કાગળ પ્રગટ કરવામાં આવ્યો ન હતો અને તેમ કરવાનું કશું કારણ પણ ન હતું. હું તો એ કાગળને ઠાકોરસાહેબે જાતે શ્રી વલ્લભભાઈને આપેલ એક ખબરના કાગળ તરીકે જ ગણું છું કે, ગૅઝેટમાં પ્રગટ થયેલા જાહેરનામાની રૂએ જે નામો “હવે પછી જાહેર થવાનાં હતાં” તે જાહેરનામાના મુસદ્દામાં જણાવ્યા પ્રમાણે શ્રી વલ્લભભાઈ પટેલની ભલામણ મુજબ જ થવાનાં હતાં.
“ઠાકોરસાહેબ તરફથી રજૂ કરવામાં આવેલી લેખી કેફિયતમાં કરેલી દલીલનો સાર આ પ્રમાણે છે : ‘ભલામણ શબ્દ જ ચોખ્ખું બતાવે છે કે દરેક નામ વિચારમાં લેવાશે અને એ પ્રમાણે વિચારતાં ભલામણ કરવામાં આવેલ હર કોઈ શખ્સનું નામ, દાખલા તરીકે અમુક વ્યક્તિ અનુકુળ નથી, બાહોશ નથી અગર તો અનિચ્છનીચ છે એવા કોઈ કારણસર રદ કરવાનો ઠાકોરસાહેબ મુખત્યાર છે.’ એકલા ભલામણ શબ્દના આધાર ઉપર આવી કોઈ દલીલ ઊભી કરી શકાય નહીં. ભલામણ શબ્દમાં સ્વતંત્રપણે એવો કશો અર્થ સમાતો નથી. આગલા પાછલા સંદર્ભ ઉપરથી જ એનો અર્થ બેસાડી શકાય અને તે પ્રમાણે જોતાં બનેલી બીનાના બધા સંજોગો ધ્યાનમાં લેવાવા જોઈએ. … જાહેરનામાના મુસદ્દામાં જ્યાં શ્રી વલ્લભભાઈ પટેલ સભ્યોની ભલામણ નિમણૂક માટે કરે એમ કહેવામાં આવ્યું છે ત્યાં મારી નજરે તો તેનો એક જ અર્થ હોઈ શકે કે શ્રી વલ્લભભાઈ પટેલ જે સભ્યોની ભલામણ કરે તેમની નિમણુક ઠાકોરસાહેબે કરવાની છે.”

આમ ચુકાદો સંપૂર્ણપણે સરદારની તરફેણમાં આવ્યો. સૌએ એને સરદારના સંપૂર્ણ વિજય તરીકે વખાણ્યો. ત્યાર પછી તા. ૭મી એપ્રિલે વાઈસરૉય તરફથી કાગળ આવ્યો. તેમાં ચક્રવર્તી સત્તા તરફથી ચોખ્ખી બાંયધરી હતી કે ઠાકોરસાહેબ પોતાનું વચન પૂર્ણપણે પાળશે અને તેને અંગે ઘટતું બધું કરવામાં આવશે. આ બાંયધરી લઈને ગાંધીજી દિલ્હીથી રાજકોટ જવા ઊપડ્યા. તા. ૯મીએ સવારે ગાંધીજી રાજકોટ પહોંચ્યા. સરદાર વિમાનમાં અગિયાર વાગ્યે પહોંચ્યા.

પણ રાજકોટમાં ગાંધીજીના માર્ગમાં સારી પેઠે કાંટા વેરી રાખવામાં આવ્યા હતા. દિલ્હીમાં વડા ન્યાયાધીશ આગળ કેસની દલીલો ચાલતી હતી ત્યારે રાજ્ય તરફનો પ્રજા ઉપરનો સિતમ ચાલુ જ હતો. જપ્તીમાં લેવાયેલો માલ કે દંડ કોઈના પણ પાછી આપવામાં આવ્યા નહોતા. એજન્સીની હદમાં રહેતા જે વકીલોએ લડતમાં ભાગ લીધો હતો અને એ કારણે જેમની સનંદો લઈ લેવામાં આવી હતી તેમને હજી સનંદો પાછી આપવામાં આવી નહોતી. વધારે ભયંકર તો એ હતું કે મુસલમાનો અને ભાયાતોને પ્રજાપરિષદની સામે ઉશ્કેરી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીએ રાજકોટમાં પગ મૂક્યો ત્યારથી જ એ લોકો એમને વળગ્યા હતા કે કમિટીમાં અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. દલિત વર્ગ પણ પોતાના પ્રતિનિધિ હોવાની માગણી કરવા લાગ્યો હતો અને તે માટે ડૉ. આંબેડકર એક વાર રાજકોટ આંટો મારી ગયા હતા. ઠાકોરસાહેબ એટલે દરબાર વીરાવાળા, આ લોકોની માગણી વાજબી છે અને રાજ્યે તો પ્રજાના તમામ વર્ગોની માગણી ધ્યાનમાં લેવી જોઈએ એમ કહેતા હતા. ઠાકોરસાહેબના જાહેરનામા પ્રમાણે કમિટી ઉપર સરદારનાં નામોની એટલે કે પ્રજાપરિષદનાં નામોની ચારની બહુમતી રહેતી હતી તેને બદલે ફક્ત એકની બહુમતી રહે ત્યાં સુધી ગાંધીજી આ લોકોને રીઝવવા તૈયાર હતા. આ બધી વાટાઘાટો તા. ૯મીથી ૧૪મી સુધી ચાલી. પણ ગાંધીજી પેલા લોકોને મનાવી શક્યા નહીં.

એ બધી વાટાઘાટોનો સાર ગાંધીજીએ સાત સભ્યોનાં નામો મોકલી આપતો કાગળ તા. ૧૪–૪–’૩૯ના રોજ ઠાકોરસાહેબને લખ્યો તેમાં આવી જાય છે.

“મે. ઠાકોરસાહેબ,
“આપના તા. ૧૦-૪-’૩૯ના અંગ્રેજી પત્રનો જવાબ આજે આપી શકું છું.
“આપે આપની જવાબદારી માથેથી ઉતારી નાખી એનું મને દુઃખ છે. જે મુસલમાન અને ભાયાતનાં નામો વિષે આપ લખો છો એ નિમણૂક આપની હતી. વડા ન્યાયાધીશનો નિર્ણય આપના અર્થની વિરુદ્ધ જાય તોપણ આપનું વચન કાયમ રહી શકે એમ કરવામાં મારે મદદ કરવી એ જ એક અર્થ મારા વચનનો હતો અને હોઈ શકે. જે આપવાનો મને અધિકાર જ ન હોય તે આપવાનું મેં વચન આપ્યું છે, એવો અર્થ મારા વચનમાંથી કેમ નીકળે એ મારી સમજની બહાર છે. હું તો પરિષદ અને સરદારના ટ્રસ્ટી તરીકે કામ કરું છું. એ ટ્રસ્ટની બહાર જઈ મારાથી કંઈ ન અપાય એ દેખીતું છે એટલે મારા વચનનો આટલો જ અર્થ હતો અને હોઈ શકે કે આપ એ ભાઈઓનાં



નામ રાખવા ઇચ્છો તો સરદારનાં નામ બહુમતીમાં હોય એ શરતે મારે સરદારની વતી મદદ કરવી. આથી વધારે અર્થ મારી દૃષ્ટિએ અસંભવિત છે. કમનસીબે આપે અણધાર્યું પગલું ભર્યું છે. આપે નીમેલાં નામ સરદારનાં નામમાં ઉમેરવાનો બોજો મારી ઉપર ઢોળ્યો છો. આમ સરદારને મળેલા અધિકારની ઉપર પાણી ફેરવાય એવો અનર્થ આપ મારા વચનમાંથી કાઢો છો. એ દુઃખદ છે.
“એટલે જોકે આપના કાગળ પછી મારે તો સરદારની વતી આપને નામ મોકલવા ઉપરાંત કંઈ કરવાપણું ન હતું, છતાં મેં તે મજકૂર ચાર ભાઈઓમાંથી ત્રણને સરદારના નામમાં દાખલ થવા અને સાતની એક ટીમ તરીકે કામ કરવા વીનવ્યા. એ વિનવણીમાં હું છેક નિષ્ફળ ગયો છું. અહીં આપનાં નામોને માન આપવાના બને તેટલા પ્રયત્નની હદ આવે છે. આપના કાગળમાં આપે ચોથા નામનો ઉલ્લેખ કર્યો છે. શ્રી મોહન માંડણને મારી પાસે આવીને ચર્ચા કરવાની તસ્દી આપવાનું મેં દુરસ્ત નથી ધાર્યું, કેમ કે તેઓ પોતે હરિજન નથી.
“પણ મજકૂર ચાર નામ રહી જાય છે, તેનો એવો અર્થ મુદ્દલ નથી કે સરદારે આપેલા ભાઈઓ મુસલમાનના, ભાયાતોના, હરિજનોના કે બીજા કોઈના ખાસ અને વાજબી હકોની કાળજી નહીં રાખે. એ ભાઈઓ પાસે આ કમિટી પરત્વે અને સામાજિક સેવાની દૃષ્ટિએ જાતપાત નથી, તેઓની સામે તો રાજકોટની સમસ્ત પ્રજા જ છે. તેઓ જ કમિટીમાં આવે છે, કેમ કે તેઓના મંડળે સમસ્ત પ્રજાના હકને સારુ લડત ચલાવી. આપે તેની કદર કરીને પરિષદ વતી સરદારને કમિટીમાં અમલદાર વગર બહારનાં રાજકોટ સ્ટેટનાં સાત નામ આપવાનો અધિકાર આપ્યો. એ નામ નીચે પ્રમાણે છે :
૧. શ્રી પોપટલાલ પુરુષોત્તમદાસ અનડા બી. એ. એલએલ. બી.
૨. ” પોપટલાલ ધનજી માલવિયા
૩. ” જમનાદાસ ખુશાલચંદ ગાંધી
૪. ” બેચરભાઈ વહાલાભાઈ વાઢેર
૫. ” વ્રજલાલ મયાશંકર શુકલ
૬. ” જેઠાલાલ હ. જોશી
૭. ” ગજાનંદ ભવાનીશંકર જોશી એમ. એ. એલ. એલ. બી.
“હવે પ્રમુખ સાથે ત્રણ સભ્યો આપે નીમવાના રહ્યા.
“ મારું માનો તો વળી વીનવું. આપ લખો છો કે હવે કમિટીમાં દસના અગિયાર ન થાય. આ મુદ્દો બરાબર નથી. દસ જ હોઈ શકે એવો પ્રતિબંધ વડા ન્યાયાધીશના નિર્ણયમાં નથી. બંને પક્ષ મળીને ગમે તે ફેરફાર કરી શકે છે. આપનાં નામ કાયમ રાખવામાં સરદાર આપને હજુ મદદ કરવા ઇચ્છે છે, શરત આટલી જ કે જે વધારો થાય તેમાં પરિષદની બહુમતી રહે. અત્યારે એટલે વડા ન્યાયાધીશના નિર્ણચ પ્રમાણે એની બહુમતી ચારની છે તેને બદલે આપને ખાતર, કંકાસ ટાળવા ખાતર, ફક્ત એકની બહુમતી રાખવા હજી સરદાર તૈયાર છે. આથી વિશેષની આશા આપ કેમ રાખો ?

“તા. ૨૬મી ડિસેમ્બરના આપના જાહેરનામામાં કમિટીએ રિપોર્ટ પૂરો કરવાની ને આપની આગળ રજૂ કરવાની મુદત એક માસ અને ચાર દિવસની રાખી હતી. તેથી વધારે મુદત હવે પણ ન હોઈ શકે, એ વાત ઉપર આપનું ધ્યાન ખેંચું છું. બીજી લડત દરમ્યાન જપ્તીઓ અને દંડ થયા, બીજી દમનનીતિ ચાલી, એ બધી રદ કરવાની આવશ્યકતા છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
મોહનદાસના આશીર્વાદ”
 
આ કાગળ મારી સંમતિથી લખાયેલો છે અને આમાં આપેલાં નામો મેં આપેલાં છે.
વલ્લભભાઈ પટેલ”
 

આ કાગળની વાત બહાર પડતાં જ મુસલમાનો તથા ભાયાતોએ ગાંધીજી ઉપર વચનભંગનો આક્ષેપ જાહેરમાં મૂક્યો અને તેમની સામે સત્યાગ્રહ કરવાની ધમકી આપી, તા. ૧૬મીએ ગાંધીજી પાસે એવી ખબર આવી કે સાંજની પ્રાર્થના વખતે રાજકોટના ભાયાતો અને મુસલમાનો કાળા વાવટા બતાવવાના છે તથા ગાંધીજી માટે ખાસડાંનો હાર પણ તૈયાર કરી રાખવામાં આવ્યો છે. ગાંધીજીએ આ વાતને હસી કાઢી, પણ ન કરે નારાયણ અને પેલી સાંભળેલી વાત ખરી ઠરે તો તેઓ તેને વધાવી લેવાને તૈયાર હતા. એટલે તેમણે પોતાના માણસોને સ્પષ્ટ સૂચના આપી રાખી કે મારી પાસે કોઈ પણ માણસ ગમે તે ઈરાદાથી આવવા માગે તો તેને છૂટથી આવવા દેવો ને કોઈએ વચમાં એને રોકવો નહીં. રોજની પેઠે તે દિવસે ગાંધીજી મોટરમાં બેસીને રાષ્ટ્રીય શાળાએ પ્રાર્થના માટે પહોંચ્યા. લગભગ એ જ વખતે એક વિરોધ કરનારાઓનું ટોળું ત્યાં સરઘસના આકારમાં પહોંચ્યું.

પ્રાર્થના ચાલી એટલે બધો વખત આ દેખાવ કરનારાઓએ બૂમો ને કિકિયારીઓ પાડ્યાં કરી. પ્રાર્થના પૂરી થયા પછી ગાંધીજી ઉતારે જવા ઊઠ્યા ત્યારે પેલા દેખાવો કરનારાઓ ધક્કામુક્કી કરીને, પ્રાર્થનાભૂમિ ઉપર ધસ્યા. ધૂળના ગોટા ને બુમરાણથી કશું દેખાવું કે સંભળાવું મુશ્કેલ થઈ ૫ડ્યું, કેટલાક મિત્રોએ ગાંધીજીની આસપાસ સાંકળ રચવા પ્રયત્ન કર્યો. ગાંધીજીએ એમને રોક્યા અને કહ્યું : “હું કાં તો અહીં બેસીશ અથવા ટોળાંમાં થઈને એકલો જઈશ. મને એકલાને છોડો. તમે કોઈ વચમાં ન આવો.” એમ કહી તેઓ ટોળાંમાં ઘૂસ્યા. થોડી વારમાં એમને તમ્મર આવ્યાં, એમણે આંખો મીંચી દીધી અને પ્રાર્થના કરતા જણાયા. એક મિનિટમાં એમને કળ વળી એટલે ટટાર થઈ આંખ ઉઘાડી બધાને આજ્ઞા કરી કે, “તમે કોઈ મારી સાથે ન આવો, એ લોકોને મારું રક્ષણ કરવું હશે તો કરશે. તમે બધાં ખસી જાઓ. શત્રુના ખોળામાં નિર્ભયપણે માથું મૂકી દેવું એ સત્યાગ્રહનો માર્ગ છે.” પછી એક વિરોધ કરનારા ભાયાત જે સામે ઊભા હતા તેમને ગાંધીજીએ કહ્યું : “મારે મારા સાથીઓનું નહીં પણ તમારા એકલાનું જ રક્ષણ લઈને જવું છે.” ગાંધીજી એમને ખભે હાથ મૂકી જેમ જેમ ચાલતા ગયા તેમ તેમ જગ્યા થતી ગઈ અને ઠેઠ મોટર ઊભી હતી ત્યાં સુધી તેઓ સહેલાઈથી પહોંચી ગયા.

સરદાર તે દિવસે વડોદરા પ્રજામંડળના કામસર અમરેલી ગયા હતા. વિરોધીઓનું નિશાન ગાંધીજી કરતાં સરદાર વધારે હોય એમ માનવાને એ ઉપરથી કારણ લાગે છે કે તે જ દિવસે રાજકોટથી અમરેલીના એક મુસલમાન ઉપર તાર ગયેલો કે સરદાર વલ્લભભાઈ રાજકોટ આવવા અમરેલીથી ક્યારે નીકળે છે અને કયે રસ્તે આવે છે તે તારથી જણાવો. પેલો માણસ ઉદ્દેશ નહીંં સમજ્યો હોય એટલે સરદારને ઉતારે જ પૂછવા ગયો. તાર સરદારના હાથમાં આવતાં જ આની પાછળ કાંઈ મેલી રમત હોવાનો તેમને વહેમ ગયો. એટલે પોતાના નીકળવાનો વખત અને પાછા જવાનો રસ્તો બંને ભળતાં જ આપ્યાં. રાજકોટ આવ્યા પછી તોફાનની ખબર પડી એટલે પોતાનો વહેમ પાકો થયો. ગાંધીજીને મળ્યા ત્યારે પેલા તારની અને પોતે આપેલા ભળતા જવાબની વાત તેમણે કહી સંભળાવી. ગાંધીજીએ કહ્યું. “વાહ રે સત્યાગ્રહ !” પછી બંને જણ ખૂબ હસ્યા.

તા. ૧૮મીએ ઠાકોરસાહેબે ગાંધીજીના કાગળનો જવાબ આપ્યો. તેમાં મુસલમાનો, ભાયાતો તથા દલિતવર્ગના કોઈ માણસને કમિટીમાં ન રાખવા વિષે દિલગીરી દર્શાવી, પણ તેમાં મહત્ત્વની વાત તો ઠાકોરસાહેબે એ જણાવી કે રાજ્યના કાયદાના સલાહકારના અભિપ્રાય પ્રમાણે આ સાત નામોમાંથી ફક્ત એક જ ગૃહસ્થ રાજકોટ રાજ્યના વતની છે.

ગાંધીજીએ થાકીને તા. ૧૯મીએ રેસિડેન્ટ મિ. ગિબ્સનને કાગળ લખ્યો અને તેમને વચ્ચે પડવા વિનંતી કરી. વધુમાં જણાવ્યું કે ઠાકોરસાહેબે સરદાર પર તા. ૧૯-૧-’૩૯ના રોજ કાગળ લખેલો તેમાં તેમણે આપેલાં સાત નામોમાંથી ચાર તેમણે સ્વીકાર્યા હતાં. વડા ન્યાયાધીશ આગળ રજૂ કરેલા કેસમાં વતની ન હોવાને કારણે માત્ર બે નામોનો વિરોધ કરવામાં આવેલો. છતાં હવે સાતમાંથી છ નામ સામે વિરોધ કરવામાં આવે છે. પછી તા. ૨૦મીએ ગિબ્સનને રૂબરૂ મળ્યા તે વખતે તેમને એકાએક એક ખેલદિલીવાળી દરખાસ્ત સ્ફુરી આવી અને તેમની આગળ તે રજૂ કરી : “પરિષદે આ કમિટીમાંથી બિલકુલ નીકળી જવું. ઠાકોર સાહેબ આખી કમિટીની નિમણૂક પોતાના જાહેરનામાની રૂએ પોતે જ કરે. એ કમિટીએ પોતાનો રિપોર્ટ એક માસ અને ચાર દિવસની અંદર આપવો. પ્રજાપરિષદના સાત સભ્યો એ રિપોર્ટને તપાસે અને તેમને જરૂર લાગે તો પોતાનો ભિન્ન રિપોર્ટ કરે. એ બંને રિપોર્ટ હિંદના વડા ન્યાયાધીશ આગળ રજૂ કરવામાં આવે અને તેમનો જે ચુકાદો આવે તે બંને પક્ષ માન્ય રાખે.” પણ દરબાર વીરાવાળાએ આ દરખાસ્ત સ્વીકારી નહીંં. પછી તા. ર૩મીએ મિ. ગિબ્સનને કાગળ લખીને ગાંધીજીએ જણાવ્યું કે મેં આપેલાં સાત નામોમાંથી કેટલા રાજ્યના વતની છે અને કેટલા નથી એનો નિર્ણય કરવાનું ત્યાંના જ્યુડિશ્યલ કમિશનરને સાંપવું. તે જ દિવસે ગાંધીજીને કૉંગ્રેસની મહાસમિતિની બેઠક માટે કલકત્તા જવા નીકળવાનું હતું. રાજકોટથી મુંબઈ જતાં રસ્તામાં ‘હાર્યો’ એ નામનો લેખ તેમણે લખ્યો. તેમાં તેમણે જણાવ્યું છે કે,

“પંદર દિવસની આ અંતરવ્યથા પછી હું જોઈ શક્યો છું કે જો ઠાકોરસાહેબને કે દરબાર વીરાવાળાને એમ લાગતું હોય કે ઉપરી સત્તાના દબાણને લીધે તેમને કશું આપવું પડે છે, તો મારી અહિંસા નિષ્ફળ લેખાવી જોઈએ. અહિંસાની દૃષ્ટિએ તો એમના દિલમાંથી એવી લાગણી મારે નાબૂદ કરવી જ જોઈએ. તેથી તક મળતાં જ દરબાર વીરાવાળાની એવી ખાતરી કરાવવા મેં પ્રયાસ કર્યો કે ચક્રવર્તી સત્તાની મદદ માગવામાં મને કશો આનંદ નહોતો અને નથી. અહિંસા ઉપરાંત રાજકોટ જોડેનો મારો સંબંધ પણ મારા ઉપર આવો અંકુશ મૂકે એમ છે. મેં દરબાર વીરાવાળાને ખાતરી આપી કે મને અનાયાસે સ્ફુરી આવેલી અને મિ. ગિબ્સન આગળ કરેલી મારી દરખાસ્ત ઉ૫લી દિશામાં કરેલા મારા પ્રયાસનું જ પરિણામ હતું. તરત જ તેમણે મને સંભળાવ્યું: “પણ જો તમે ઠાકોરસાહેબની કમિટીના રિપોર્ટથી ન સંતોષાઓ તો જાહેરનામાની રૂએ તેને કસવાનો હક તો માગો જ છો ને ? વળી પરિષદ ભિન્ન રિપોર્ટ કરે તો તમે પાછા એ બેઉ રિપોર્ટ વડા ન્યાયાધીશ પાસે તપાસાવવા માગો છો. આને તમે દબાણની લાગણી નાબૂદ કરવાનો પ્રયાસ કહો છો ? ઠાકોરસાહેબ ઉપર વિશ્વાસ મૂકવા તૈયાર હો તો ઠેઠ સુધી તેમની ઉપર અને એમના સલાહકાર ઉપર વિશ્વાસ કાં નથી મૂકતા ? તમે માગો છો તે કદાચ પૂરેપૂરું નહીં મળે પણ જે કંઈ મળશે તે તેમના સદ્‌ભાવ સાથે મળ્યું હશે, અને તેના પૂરા અમલની તેમાં બાંયધરી હશે. પરિષદવાળા ઠાકોરસાહેબ વિષે તથા મારે વિષે શું શું બોલ્યા છે તે તમે જાણો છો ? પોતાના રાજ પાસે સુધારા મેળવવા ઇચ્છતી પ્રજાનો આ રસ્તો છે ?” દરબાર વીરાવાળાનાં આ વચનમાં કડવાશ, અને પરિષદના લોકો પ્રત્યેનો તિરસ્કા૨ ટપકતાં હતાં. પણ અહિંસાના અપૂર્ણ અમલના એકાએક થયેલા ભાનને પ્રતાપે એમણે કરેલા ઘા પાછા વાળવાને બદલે, મનુષ્ય સ્વભાવના મૂળમાં પડેલી ભલાઈ વિષેની મારી આસ્થાની ઊણપ તથા મારી અહિંસાની કંગાલિયત બતાવનારું એમની દલીલમાં રહેલું વજૂદ મેં પિછાન્યું.
“મેં સાથીઓ આગળ ઉકેલને સારુ આ નવી દૃષ્ટિ રજૂ કરી. તેમણે મને અનેક વેળા કહ્યું હતું કે રાજકોટની તમામ આફતનું મૂળ દરબાર વીરાવાળા જ છે. અને એ જાય એ રાજકોટને પૂરું સ્વરાજ મળ્યા બરાબર છે. મેં તેમને સમજાવ્યું કે એ તો સુરાજ્ય થયું, સ્વરાજ્ય નહીં. મેં કાર્યકર્તાઓને કહ્યું કે

જો અહિંસાનો મારો અર્થ તમને કબૂલ હોય તો દરબાર વીરાવાળાને કાઢવાનો ખ્યાલ મેલી દઈ તેનો હૃદયપલટો કરવાનો સંકલ્પ તમારે કરવો રહ્યો.
“પોતાને આ નવો લાગતો સિદ્ધાંત મારે મોઢેથી કાર્યકર્તાઓએ સાંભળ્યો તો ખરો. પણ તેમને ગળે ઊતર્યો કે કેમ તે મેં ન પૂછ્યું. તેઓ મને વાજબીપણે સામું પૂછી શકતા હતા: ‘વડા ન્યાયાધીશના ચુકાદાને ફગાવી દઈને કેવળ દરબાર વીરાવાળાના હૃદયમાં રહેલી ભલમનસાઈ ઉપર વિશ્વાસ મૂકવાની ભલામણ કરનારી તમારી આ સૂચનાના વાજબીપણા વિષે તમારી પોતાની ગળા સુધી ખાતરી છે ખરી ?’ જો તેમણે આવો સવાલ કર્યો હોત તો મને કહેવાની ફરજ પડત કે એટલે લગીની હિંમત હજી હું મારામાં ભાળતો નથી.”

મહાસમિતિની બેઠક પૂરી કરી કલકત્તાથી ગાંધીજી બિહારના વૃંદાવન ગામે ગાંધી સેવા સંઘનું અધિવેશન મળવાનું હતું ત્યાં ગયા. આપણે શુદ્ધ અહિંસાનું કેટલું ઓછું પાલન કરી શકીએ છીએ તેની જ વાત ત્યાં મુખ્યત્વે તેમણે કરી. એમના દિલમાં રાજકોટના પ્રયોગમાં પોતાની ઊણપને લીધે પોતે કેવા નિષ્ફળ નીવડ્યા હતા એ જ વાત ઘોળાયાં કરતી હતી. તા. ૧રમી મેએ ફરી રાજકોટ આવ્યા. દરબાર વીરાવાળા, રેસિડેન્ટ ગિબ્સન તથા મુસલમાન અને ભાયાતો સાથે ફરી ચર્ચાઓ ચાલી. તેમાં એમને ચોક્કસ ઊગી ગયું કે પોતે હિંમત કરીને સાચો નિર્ણય હવે કરી જ નાખવો જોઈએ. તા. ૧૭મી મે એ મનનો નિર્ણય થઈ ગયો અને ‘એકરાર અને પશ્ચાત્તાપ’ નામનો નીચેનો લેખ તેમણે લખી કઢાવ્યો :

“ગયા માસની ૨૪મી તારીખે કલકત્તા જતી વેળાએ મેં કહ્યું હતું કે મારે સારુ રાજકોટ કીમતી પ્રયોગશાળા રૂપ નીવડ્યું છે. હું અત્યારે જે પગલાંની જાહેરાત કરી રહ્યો છું તેમાં એનો છેલ્લા પુરાવો રહેલા છે. સાથીઓ જોડે પૂરી ચર્ચા કર્યા બાદ આજે સાંજના છ વાગ્યે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે રાજકોટ પ્રકરણમાં હિંદના વડા ન્યાયાધીશને હાથે મળેલ ચુકાદાના લાભ મારે છોડી દેવા.
“હું મારી ભૂલ જોઈ શક્યો છું. મારા ઉપવાસને અંતે મેં એમ કહેવાની છૂટ લીધી હતી કે અગાઉના કોઈ પણ ઉપવાસ કરતાં આ ઉપવાસ વધુ સફળ થયા હતા. હવે જોઉં છું કે મારા એ કથનમાં હિંસાનો રંગ હતો.
“અનશન લેવામાં ચક્રવર્તી સત્તા પાસેથી ઠાકોરસાહેબને સમજાવીને તેમની પાસે આપેલું વચન પળાવવા સારુ મેં તેની તાત્કાલિક દરમ્યાનગીરી ઇચ્છી હતી. આ અહિંસાનો કે હૃદય પરિવર્તન કરાવવાનો માર્ગ નહોતો. એ માર્ગ હિંસાનો અથવા દબાણનો જ હતો. મારું અનશન શુદ્ધ હોત તો તે કેવળ ઠાકોરસાહેબને જ અનુલક્ષીને લેવાવું જોઈતું હતું. જો એનાથી ઠાકોરસાહેબનું અથવા કહો કે એમના સલાહકાર દરબાર વીરાવાળાનું હૈયું ન પીગળત તો મારે મરીને સંતોષ માનવો જોઈતો હતો. મારા માર્ગ આડે અણધારી મુશ્કેલીઓ ન આવી હોત તો મારી આંખો ન ઉઘડત.



“મળેલ ચુકાદો દરબાર વીરાવાળા સંતોષપૂર્વક માથે ચડાવે તેમ ન હતું. મારો માર્ગ સરળ કરી આપવાની સ્વાભાવિકપણે જ તેમની તૈયારી નહોતી. એટલે દરેક તકનો લાભ ઉઠાવી લાંબી કસે ધવડાવવાની નીતિ તેણે આદરી. ચુકાદાથી મારો માર્ગ સફળ થવાને બદલે, ઊલટો એ ચુકાદો જ મુસલમાનો તથા ભાયાતોના મારી સામેના રોષનું ભારે કારણ થઈ પડ્યો. અગાઉ અમે મિત્રભાવે મળીને વાટાધાટો કરી હતી. હવે મેં સ્વેચ્છાએ આપેલા વચનનો ભંગ કર્યાનો મારા ઉપર આરોપ મૂકવામાં આવે છે. મેં વચનભંગ કર્યો છે કે કેમ એ બાબત પણ વડા ન્યાયાધીશ પાસે નિર્ણયને સારુ રજૂ કરવાનું કહ્યું. મુસ્લિમ કાઉન્સિલ અને ગરાસિયા ઍસોસિયેશનનાં નિવેદનો મારી સામે પડ્યાં છે. ચુકાદાના લાભને છોડી દેવાનો નિર્ણય કર્યા બાદ એ બે નિવેદનોનો હવે મારે જવાબ આપવાપણું રહેતું નથી. મને નિસ્બત છે ત્યાં સુધી તો મુસ્લિમો અને ભાયાતોને ઠાકોરસાહેબ જે કંઈ આપવા ઇચ્છે તે તેઓ સુખેથી લે. પોતાના કેસ તૈયાર કરવાની તકલીફમાં મેં તેમને ઉતાર્યા તે બદલ હું તેમની માફી માગું છું. મારી નબળાઈને કારણે ના. વાઈસરૉયને પણ મેં નાહક તકલીફમાં નાખ્યા. તે બદલ મારે તેમની માફી માગવી રહી છે. વડા ન્યાયાધીશની પણ હું માફી માગું છું. કારણ મારે કારણે એમને જે પરિશ્રમ ઉઠાવવો પડ્યો તે મારામાં વધુ સમજણ હોત તો ઉઠાવવો પડત નહીંં. સૌથી વધારે તો હું ઠાકોરસાહેબની અને દરબાર વીરાવાળાની માફી માગું છું.
“દરબાર વીરાવાળાની બાબતમાં મારે એ પણ કબૂલ કરવું રહ્યું છે કે મારા સાથીઓની પેઠે મેંં પણ એમને વિષે બૂરા વિચારોને મારા અંતરમાં આવવા દીધા છે. એમની સામેના આરોપો ખરા છે કે નહીં એ હું અહીં ન વિચારું. એની ચર્ચા અત્યારે અસ્થાને છે. એટલું જ કહું કે એમના પ્રત્યે અહિંસાનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. મારી એ નામોશીનો એકરાર પણ હું કરી લઉં કે જેને બેવડી રમત કહી શકાય એવા આચરણનો પણ હું દોષી બન્યો છું. એક તરફથી ચુકાદાની તલવાર એમને માથે લટકતી રાખી અને બીજી તરફથી એમને રીઝવવાનો પ્રયત્ન કરી ઉદાર સુધારા બક્ષવાની તેઓ ઠાકોરસાહેબને સ્વેચ્છાએ સલાહ આપે એવી મેં આશા સેવી. હું કબૂલ કરું છું કે આવી રીત અહિંસાની સાથે સાવ અસંગત છે. તા. ૨૦મી એપ્રિલે મિ. ગિબ્સન જેની વાતચીત દરમ્યાન જ્યારે અચાનક પેલી ખેલદિલીવાળી દરખાસ્ત મને સૂઝી આવી અને મેં કરી ત્યારે મારી નબળાઈની મને ઝાંખી થઈ ખરી, પણ તે જ ઘડીએ ત્યાં ને ત્યાં એમ કરવાની મારી હિંંમત ન ચાલી કે મારે ચુકાદા સાથે કશી લેવાદેવા નથી રાખવી. ઊલટું મેં તો કહ્યું કે ઠાકોરસાહેબ પોતાની કમિટી નીમે અને તેનો હેવાલ પરિષદવાળા ચુકાદાની દૃષ્ટિએ તપાસે અને બંને વચ્ચે મતભેદ પડે તો તેઓ વડા ન્યાયાધીશ આગળ જઈ શકે.
“દરબાર વીરાવાળાએ આ દોષ ઓળખ્યો અને મારી દરખાસ્ત વાજબી રીતે નકારીને કહ્યું : ‘તમે ચુકાદાની તલવાર તો મારા માથા ઉપર લટકતી રાખો જ છો અને ઠાકોરસાહેબની કમિટી ઉપર અપીલની અદાલત બનવા માગો છો. જો એમ જ હોય તો તમે તમારું શેર માંસ જ ભલે કાપી કો ! વધુ નહીંં અને

ઓછું પણ નહીં.’ એમના વાંધામાં રહેલું વજૂદ મેં ઓળખ્યું. મેં તેમને કહ્યું પણ ખરું કે ચુકાદાને ફગાવી દેવાની આ ઘડીએ મારી હિંંમત નથી. પણ ભલા થઈને જાણે ચુકાદો હસ્તીમાં જ નથી અને સરદાર તથા હું પણ વચ્ચે નથી એમ ગણી પ્રજા જોડે સમાધાન કરો. એમણે પ્રયત્ન કરી જોવા વચન આપ્યું. પોતાની રીતે પ્રયત્ન પણ કર્યો. પણ તેમાં જિગરની ઉદારતા મેં ન ભાળી. હું તેમને દોષ નથી દેતો. ચુકાદાને ચીટકી રહેવાની મારી કૃપણતા એ પોતે ભાળી રહ્યા હોય ત્યાં હું એમના તરફથી દિલદાર જિગરની આશા કેમ રાખી શકું ? વિશ્વાસમાંથી જ વિશ્વાસ પેદા થાય છે. પણ એ તો મારામાં હતો નહીંં.
“છેવટે હવે મેં ખોયેલી હિંંમત પાછી મેળવી છે. મારા આ એકરારથી અને પશ્ચાત્તાપથી અહિંસાની સર્વોપરી શક્તિ વિશેની મારી શ્રદ્ધાની જ્યોત વધુ તેજથી ઝગી રહી છે.
“મારા સાથીઓને હું અન્યાય ન કરું. તેમનામાંના ઘણાનાં હૈયામાં અંદેશો ભરેલો છે. તેમને મારા પશ્ચાત્તાપને સારુ કશું કારણ દેખાતું નથી. તેમને તો લાગે છે કે ચુકાદાથી મળેલી એક મહાન તક હું ફગાવી દઉં છું. એમને એમ પણ લાગે છે કે એક રાજદ્વારી નેતા તરીકે પંચોતેર હજાર પ્રજાના — કદાચ આખી કાઠિયાવાડની પ્રજાના કિસ્મત જોડે રમત રમવાનો મને અધિકાર નથી. મેં તેમને કહ્યું છે કે તમારી ધાસ્તી અકારણ છે. આત્મશુદ્ધિનું દરેક પગલું, હિંમતનું દરેક કૃત્ય સત્યાગ્રહમાં રોકાયેલી પ્રજાના બળમાં હમેશાં ઉમેરો જ કરે છે. મેં એમને એમ પણ કહ્યું છે કે જો તેઓ મને સત્યાગ્રહનો સેનાપતિ અને વિશારદ ગણતા હોય તો મારામાં તેમને જે ધૂન જેવું દેખાય છે તે પણ તેમણે સહી લેવું રહ્યું.
“આમ ઠાકોરસાહેબને અને તેમના સલાહકારને ચુકાદાની ધાસ્તીમાંથી મુક્ત કરી દીધા પછી હવે વગર સંકોચે હું એમને અપીલ કરું છું કે તેઓ રાજકોટની પ્રજાઓની આશાઓ પૂરી કરે અને તેમની શંકાઓને દુર કરી તેમને સંતોષે.”

આ નિર્ણય વિષે ગાંધીજીએ સાથીઓ સાથે ચર્ચા કરી ત્યારે સરદાર પણ હાજર હતા. મહાદેવભાઈએ બરાબર સમજવા માટે થોડીક દલીલ કરી. પણ સરદારે – જોકે પોતે આવું પગલું લઈ શકે અથવા લે કે કેમ એ જુદો સવાલ છે પણ – ગાંધીજીની સત્યાગ્રહની અને અહિંસાની દૃષ્ટિ બરાબર સ્વીકારી લીધી અને એક શબ્દ પણ બોલ્યા વિના નિર્ણય મંજૂર રાખ્યો.

સર મોરિસ ગ્વાયરના ચુકાદાના લાભો જતા કર્યા પછી ગાંધીજીએ ઠાકોરસાહેબ તથા દરબાર વીરાવાળાને મેળવી લેવા બહુ પ્રયત્ન કર્યા. પોતાની હાર સ્વીકારી લીધા પછી ઠાકોરસાહેબે દરબાર ભર્યો તેમાં પણ તેમણે હાજરી આપી. ત્યાર પછી દરબાર વીરાવાળાએ પોતાની મેળે સુધારા ઘડવા કમિટી નીમી. તેનો રિપોર્ટ સને ૧૯૩૯ના નવેમ્બર મહિનામાં બહાર પડ્યો. તે ઉપર ગાંધીજીએ ‘હરિજનબંધુ’માં એક લેખ લખ્યો. તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે :



“રાજકોટના નામદાર ઠાકોરસાહેબને તથા દરબાર શ્રી વીરાવાળાને અજાણ્યે પણ એક વાર દૂભવ્યા પછી એ રાજ્યમાં દરબારની કારવાઈઓની ટીકા રૂપે કશું કહેવા સામે મેં મારી જાતને આજ લગી રોકી છે. પણ રાજકોટની પ્રજા જેમણે નમૂનેદાર શિસ્તનું પાલન કર્યું છે તેના પ્રત્યેની મારી ફરજ વિચારતાં તાજેતરમાં રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલા સુધારા વિષે બે શબ્દ લખવાનો મારો ધર્મ થઈ પડ્યો છે. પ્રજા પણ આશા રાખે છે કે મારે મારો અભિપ્રાય જણાવવો જોઈએ.
“મારે દુઃખની સાથે કહેવું પડે છે કે આ સુધારાઓ મરહૂમ ઠાકોરસાહેબનું કર્યું કારવ્યું ધૂળ મેળવે છે. મરહુમ ઠાકોરસાહેબે આપેલો પૂર્ણ મતાધિકાર જે છેલ્લાં પંદર વર્ષથી પ્રજાને આશીર્વાદ સમાન હતો, તે ખેંચી લેવામાં આવ્યો છે અને તેને બદલે મતાધિકારને સારુ મિલકત ધરાવવાની તથા રાજ્યના વતની હોવા વિષેની કડક શરતો મૂકવામાં આવી છે. ચૂંટાયેલા પ્રમુખની જગ્યાએ દીવાનને પ્રમુખ બનાવ્યા છે. મૂળ પ્રજાપ્રતિનિધિની સભા જે આખી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેતી તેમાં હવે ચાલીસ ચૂંટાયેલા અને વીસ નીમેલા સભ્યો રહેશે. ચૂંટાયેલા સભ્યોમાં વળી લઘુમતીઓના વાડા અને ઘોળ હશે. આમ કહેવાતી બહુમતી ખરી રીતે લઘુમતી થઈ રહેશે. સુધારાઓની સાચી દિશા પ્રમાણે તેમાં પ્રજાકીય અંકુશનો ઉત્તરોત્તર વધારો હોય. અહીં તો કશા પણ વાજબી કારણ વગર પ્રજાકીય અંકુશનું તત્ત્વ સારી પેઠે ઘટાડવામાં આવ્યું છે. મૂળ સભાને કાયદા કરવાની વિશાળ સત્તાઓ હતી, તે સત્તાઓ ઘટાડવામાં આવી છે. તારીખ ૨૬મી ડિસેમ્બરના જાહેરનામામાં શક્ય તેટલી વધુ વિશાળ સત્તાઓ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સુધારાઓ વાંચીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે પ્રજા પાસે હતી તે સત્તાઓ પણ ખૂંચવી લેવામાં આવી છે, એટલું જ નહીં પણ પ્રજા પાસે રહેવા દેવામાં આવેલી સત્તાઓ પણ જેટલી બની શકે તેટલી મર્યાદિત કરવામાં આવી છે. એક શબ્દમાં કહીએ તો ઠાકોરસાહેબની એટલે કે દીવાનની ઇચ્છા એ જ રાજકોટનો સર્વોપરી કાયદો ગણાશે.
“હું કબૂલ કરી ચૂક્યો છું કે, ઉપવાસ ચાલુ હતો તે દરમ્યાન ઠાકોરસાહેબની કારવાઈઓ સામે નામદાર વાઈસરૉયને મેં કરેલી અપીલ હિંંસારૂપ હતી, અને તેથી મારો ઉપવાસ દૂષિત થયો. મને લાગ્યું હતું કે મારો પસ્તાવો જાહેર કરીને મેં તેનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. પરિણામે નામદાર ઠાકોર સાહેબ તથા દરબાર વીરાવાળા અને મારી વચ્ચે મીઠો સંબંધ સ્થપાશે અને રાજકોટની પ્રજાને માટે નવું અને ઉજ્જવળ પાનું ખૂલશે એમ મેં આશા રાખી હતી. મારા જાહેર પશ્ચાત્તાપ પછી ભરવામાં આવેલો દરબાર એ પશ્ચાત્તાપના શુભ પરિણામ ઉપર મહોર રૂપ હતો એમ મેં માન્યું હતું. હું જોઉં છું કે આમ માનવામાં મેં થાપ ખાધી હતી. માણસની પ્રકૃતિ ઘડી વારમાં બદલાતી નથી. રાજકોટની પ્રજાની હું ક્ષમા માગું છું.
“મેં કરેલા પશ્ચત્તાપનું મને દુઃખ નથી. મને ખાતરી છે કે નીતિદૃષ્ટિએ જે વાજબી હતું તે રાજકીય દૃષ્ટિએ પણ બરાબર જ હતું. મારા પશ્ચાત્તાપે રાજકોટની પ્રજાને બૂરા હાલમાંથી બચાવી લીધી. કોમી કલહ અટક્ચા. મને

વિશ્વાસ છે કે અને રાજકોટની પ્રજાને જે એમનું છે તે મળે જ છૂટકો છે. દરમ્યાન આ સુધારાઓ જે મારી નજરે કેવળ અનિષ્ટ રૂપ છે તેને મરી જવા દેવા રહ્યા. જે રાજકોટવાસીઓમાં સ્વાભિમાનનો છાંટો સરખો હોય તેણે તેમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ. જો તેઓ મારું માને તો રાહ જુએ, પ્રાર્થના કરે અને અક્ષરશઃ કાંતે. તેઓ જોશે કે એમ કરવાથી તેઓ અહિંંસાને એકમાત્ર સાચે માર્ગે રાજકોટમાં સાચી સ્વતંત્રતાના કાંતનારા નીવડશે.”

સરદારની મનોવૃત્તિ આ આખા કિસ્સા પ્રત્યે કેવી હતી તે આ કિસ્સો બની ગયા પછી કેટલેક વખતે એક જાહેર ભાષણમાં કાઢેલા તેમના નીચેના ઉદ્‌ગારો ઉપરથી જણાઈ આવે છે :

“કેટલાક માને છે કે વીરાવાળાએ મને છક્કડ ખવરાવી, સર પેટ્રિકને કાઢવામાં એણે મને વાપર્યો. પણ એમ કહેનારા એની પાછળ કામ કરી રહેલી શક્તિઓને ઓળખતા નથી. તેઓ રાજ્યપ્રકરણનો કક્કોયે જાણતા નથી. એ બધું કેમ થયું એ તો ભવિષ્યમાં પડદો ચિરાયા પછી લખાશે. પણ રાજકોટમાં સંતને જે ઉપવાસ કરાવ્યા છે, જે રીતે સંતને દૂભવ્યા છે તેનો તો ઈશ્વર ઇન્સાફ કરશે જ, અને ઇન્સાફ કરી જ રહ્યો છે. સંતને દૂભવેલા કદી સુખી થયેલ નથી.”