સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે
← પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી | સરદાર વલ્લભભાઈ ભાગ બીજો ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે નરહરિ પરીખ |
વ્યક્તિગત સવિનયભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી → |
ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે
શિયાળા દરમ્યાન યુરોપની લડાઈ કાંઈક ધીમી ચાલતી હતી, પણ ૧૯૪૦ના એપ્રિલ મહિનાના આરભમાં જર્મનીએ પશ્ચિમ ઉપર જબરદસ્ત આક્રમણ શરૂ કર્યુંં. બેલ્જિયમ, હોલૅન્ડ, ડેનમાર્ક અને નૉર્વે એ દેશોએ એક પછી એક થાડા જ દિવસોમાં શરણાગતિ સ્વીકારી. પછી ફ્રાન્સ ઉપર તેણે ચડાઈ કરી. એની મદદમાં ઇંગ્લંડે પોતાની તૈયાર રાખેલી તમામ ફોજ ફ્રાન્સમાં ઉતારી. પણ ફ્રાન્સ અને ઇંગ્લંડનાં લશ્કરો જર્મની સામે ઝીક ઝીલી શક્યાં નહીં. ચૌદમી જૂને ફ્રાન્સ પડ્યું. બ્રિટિશ ફોજ બહુ ખુવારી વેઠીને ડંકર્કથી મહામુસીબતે ઈગ્લંડ ભેગી થઈ શકી. ઇંગ્લંડમાં ભારે ખળભળાટ થયો. ચેમ્બરલેન પ્રધાનમંડળે રાજીનામું આપ્યું અને બધા પક્ષનું મિશ્ર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. મિ. વિન્સ્ટન ચર્ચિલ વડા પ્રધાન થયા. મિ. એમરી હિન્દી વજીર થયા. જર્મનીએ ઇંગ્લંડ ઉપર ભારે હવાઈ આક્રમણ શરૂ કર્યું, અને ઇંગ્લંડ ઘેરાય જેવી દશામાં આવી પડયું. છતાં ઇંગ્લંડના આ નવા પ્રધાનમંડળના હિન્દ પ્રત્યેના વલણમાં કશો ફેર પડ્યો નહીં.
આ સ્થિતિમાં કૉંગ્રેસે કેવું વલણ લેવું એ નક્કી કરવાનો મોટો પ્રશ્ન કારોબારી સમિતિ આગળ આવ્યો. તેની બેઠક જૂનની ૧૭મીએ વર્ધામાં થઈ. ઈંગ્લંડ પોતે જ જર્મની સામે ટકશે કે કેમ એ, તે વખતે શંકાસ્પદ હતું. એટલે પરદેશી આક્રમણ અને અંદરની અનવસ્થા સામે પોતાનો બચાવ પોતે જ કરી લેવાની તૈયારી રાખવી જોઈએ એવી હિન્દની સ્થિતિ હતી. કૉંગ્રેસે બ્રિટિશ પાસેથી સ્વરાજ મેળવવા માટે અહિંસાની નીતિ સ્વીકારેલી હતી પણ પોતાના હાથમાં રાજસત્તા આવે તે વખતે અથવા તો દેશના રક્ષણને માટે અથવા તો પરદેશી આક્રમણ સામે દેશનો બચાવ કરવા અથવા તો આંતરિક અંધાધૂંધી સામે લોકોનું રક્ષણ કરવા તે લશ્કરનો ઉપયોગ ન જ કરે એવું કંઈ કૉંગ્રેસે નક્કી કરેલું નહોતું.
ગાંધીજીની સ્થિતિ જુદી હતી. અહિંસા તેમને માટે એક નીતિ નહોતી પણ ધર્મ હતો. હર કોઈ હાલતમાં તેઓ અહિંસાને વળગી રહેવાના નિશ્ચયવાળા હતા. અને દેશની આમજનતા તેમાં એમને પૂરો સાથ આપશે એ તેમને વિશ્વાસ હતો. ૧૯૩૮ના સપ્ટેમ્બરમાં જ્યારે યુરોપમાં લડાઈના ભણકારા સંભળાતા હતા ત્યારે દિલ્હીમાં મળેલી કારોબારી સમિતિ આગળ તેમણે એ પ્રશ્ન ઊભો કર્યો હતો કે, “કૉંગ્રેસે ૨૦ વરસ સુધી પોતાની આંતરિક નીતિ તરીકે અહિંસાને અપનાવી છે. હવે એવો સમય આવી પહોંચ્યો છે જ્યારે કૉંગ્રેસે અહિંસાના પ્રયોગોનો વિસ્તૃત ક્ષેત્રમાં અમલ કરવાને તૈયાર થવું જોઈએ.” તેમણે કારોબારી સમિતિને કહ્યું કે, “તમારે જાહેર કરવું જોઈએ કે સ્વતંત્ર હિંદુસ્તાન પણ હિંસાને તિલાંજલિ આપશે અને દેશનું રક્ષણ કરવા માટે પણ લશ્કર રાખશે નહીં.” ગાંધીજીનો ઉદ્દેશ અહિંસાનો સંદેશ દુનિયાને પહોંચાડવાનો હતો, પોતાના દેશ પાસે જ તેઓ અહિંસા ન સ્વીકારાવી શકે તો પછી બીજાઓ આગળ એની વાત શી રીતે કરી શકે ? પણ કારોબારી સમિતિ આ સ્થિતિ સ્વીકારી શકે એમ નહોતું. તેમણે પોતાની મુશ્કેલીઓ ગાંધીજી આગળ મૂકી. એટલામાં મ્યુનિકના કોલકરારો થયા અને લડાઈ મુલતવી રહી, એટલે એ વાત એટલેથી અટકી. યુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ના નવેમ્બર મહિનામાં જ્યારે ગાંધીજીને વાઈસરૉયને બીજી વાર મળવા જવાનું હતું ત્યારે તેમણે કારોબારીને ફરી કહ્યું કે કૉંગ્રેસને માર્ગદર્શન આપવાની જવાબદારીમાંથી તમારે મને મુક્ત કરવો જોઈએ, અને મને મારી ઢબે અહિંસાને રસ્તે જવા દેવો જોઈએ. કારોબારી સમિતિની વિનવણીથી ફરી તેમણે પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો. રામગઢ કૉંગ્રેસમાં પણ આ વાત નીકળેલી. પણ કારોબારી સમિતિના સભ્યોના આગ્રહથી મુલતવી રહેલી. પણ ફ્રાન્સના પતન પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે કૉંગ્રેસે તથા ગાંધીજીએ પોતપોતાની સ્થિતિ વિષે સ્પષ્ટ નિર્ણય કરી લેવો જોઈએ. વ્યક્તિગત રીતે કારોબારીના કેટલાક સભ્યો ગાંધીજીને સાથ આપવા તૈયાર થાય, પણ એમને લાગતું હતું કે દેશ અહિંસાને ઝીલવા તૈયાર નથી, અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી તેઓ છોડી શકે નહીંં, એટલે ગાંધીજીને પોતાને માર્ગે જવા દેવાની મોકળાશ આપવી એ તેમને યોગ્ય લાગ્યું. પોતાના ઠરાવમાં અહિંસાના પ્રશ્ર ઉપર તેમણે નીચે પ્રમાણે જાહેરાત કરી :
- “જોકે કારોબારી સમિતિ માને છે કે કૉંગ્રેસે સ્વતંત્રતા માટેની પોતાની લડતમાં અહિંસાના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેવાનું ચાલુ રાખવું જોઈએ, છતાં જ્યાં સુધી કૉંગ્રેસે જનતા ઉપર પૂરતા પ્રમાણમાં અહિંંસક કાબૂ મેળવ્યો નથી અને પ્રજાએ પણ જ્યાં સુધી સંગઠિત અહિંસાનો પાઠ પૂરતા પ્રમાણમાં પચાવ્યો નથી ત્યાં સુધી જે માણસો જોડે એને કામ લેવું રહ્યું છે તેમની ત્રુટીઓ તથા અપૂર્ણતાઓ પ્રત્યે, તેમ જ સંક્રાતિના તથા ઊથલપાથલોના આ કાળમાં આવી પડે એવાં જોખમો અને ભયો પ્રત્યે તેનાથી આંખ મીંચી શકાય એમ નથી. આ પ્રમાણે ઊભી થયેલી ગૂંચ ઉપર કારોબારી સમિતિએ ખૂબ વિચારણા કરીને તે એવા નિર્ણય ઉપર આવી છે કે ગાંધીજી જોડે ઠેઠ સુધી તે ચાલી શકે તેમ નથી. આમ છતાં તે એ પણ સમજે છે કે એમને પોતાને એમના મહાન આદર્શનો
- પંથ એમની જ રીતે ખેડવાની છૂટ રહેવી જોઈએ. તેથી હિન્દમાં તેમ જ દુનિયામાં અત્યારે બાહ્ય આક્રમણ તેમ જ આંતરિક અનવસ્થા પરત્વે વર્તી રહેલી સ્થિતિમાં કૉંગ્રેસે ચલાવવાના કાર્યક્રમ તથા પ્રવૃત્તિને અંગેની જવાબદારીમાંથી કારોબારી ગાંધીજીને છૂટા કરે છે.”
જવાહરલાલજી, સરદાર, રાજાજી તથા બીજા કેટલાક સભ્યો ઉપરના ઠરાવની તરફેણમાં હતા, જ્યારે રાજેન્દ્રબાબુ, ડૉ. પ્રફુલ્લ ઘોષ, કૃપાલાનીજી તથા શ્રી શંકરરાવ દેવ ગાંધીજી સાથે પૂરે પૂરા જવા તૈયાર હતા. એટલે તેમણે કારોબારી સમિતિમાંથી રાજીનામાં આપ્યાં પણ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે તેમને સમજાવ્યા કે જ્યાં સુધી બ્રિટિશ સરકાર આપણી વાત સ્વીકારી લેતી નથી ત્યાં સુધી સક્રિય મદદ આપવાની કે અહિંસા છોડી દેવાની વાત ઉપસ્થિત થતી નથી. એટલે અત્યારે તમારે રાજીનામાં આપવાની જરૂર નથી. આ ઉપરથી તેઓ કારોબારીમાં ચાલુ રહ્યા. પણ ખાનસાહેબ અબદુલ ગફારખાનને એવી રીતે પણ સંતોષ ન થયો. તેમને પોતાને વિશે તથા પોતાના ખુદાઈ ખિદમતગારો વિષે શ્રદ્ધા હતી કે કોઈ પણ સંજોગોમાં તેઓ અહિંસાને વળગી રહેશે. એટલે તેઓ કૉંગ્રેસમાંથી નીકળી ગયા.
ત્યાર પછી તા. ર૭થી ૭મી જુલાઈ સુધી દિલ્હીમાં કારોબારી સમિતિની બેઠક મળી. તેમાં તેણે વિશેષ સ્પષ્ટ કર્યું કે જે કૉંગ્રેસની માગણીઓ સ્વીકારવામાં આવે તો કૉંગ્રેસ દેશનાં આર્થિક અને નૈતિક બધાં સાધનો સંગઠિત કરવાનો પ્રયત્ન કરશે અને દેશના બચાવને માટે પોતાની પૂરી શક્તિ ખર્ચાશે.
વર્ધાના તથા દિલ્હીના ઠરાવ ઉપર વિવેચન કરતાં સરદાર અને રાજાજી વિષે ગાંધીજીએ જે ઉદ્ગારો કાઢ્યા તે નોંધવા જેવા છે :
- “ભલે અત્યારે સરદાર અને હું નોખે માર્ગે જતા દેખાઈએ, તેથી કંઈ અમારાં હૃદય થોડાં જ જુદાં પડે છે ? નોખા પડતાં હું તેમને રોકી શકતો હતો. પણ એમ કરવું મને યોગ્ય ન લાગ્યું. રાજાજીની દૃઢતા સામે આગ્રહ ધરવો ખોટું ગણાત. એમને પણ હું રોકી શકત. તેમ કરવાને બદલે મેં ઉત્તેજન આપ્યું — આપવાનો ધર્મ માન્યો. જો નવા જણાતા ક્ષેત્રમાં અહિંસાનો પ્રયોગ સફળ કરી બતાવવાની શક્તિ મારામાં હશે, મારી શ્રદ્ધા ટકી રહેશે, જનતાને વિશે મારો જે અભિપ્રાય છે તે સાચો હશે, તો રાજાજી અને સરદાર પૂર્વની જેમ મારી સાથે જ હાથ ઊંચા કરશે.”
દિલ્હીના ઠરાવ વિષે લખતાં તેમણે કહ્યું :
- “પસાર થયેલો ઠરાવ ઘડનાર રાજાજી હતા. મારી ભૂમિકા સાચી હોવા વિષે હું જેટલે નિઃશંક હતો તેટલો જ તેઓ પોતાની ભૂમિકાના ખરાપણા વિષે નિઃશંક હતા. તેમના આગ્રહ, સાહસ તેમ જ નિરભિમાન આગળ સાથીઓ
- માત થયા. તેમની મોટામાં મોટી જીત તો સરદારને પોતાના મતના તેઓ કરી શક્યા, એ છે. મેં જો રાજાજીને અટકાવવા ધાર્યા હોત તો તેઓ પોતાનો ઠરાવ રજૂ કરવાનો વિચારસરખો ન કરત. પણ મારે પોતાને વિષે જેટલી ઉત્કટતા અને આત્મવિશ્વાસનો દાવો હું કરું છું તેટલી જ ઉત્કટતા અને આત્મવિશ્વાસ મારા સાથીઓમાં પણ હોવાનું કબૂલું છું.”
સરદારને માટે આ જેવો તેવો પ્રસંગ નહોતો. નિર્ણય ઉપર આવતા પહેલાં ભારે હૃદયમંથનમાંથી તેમને પસાર થવું પડ્યું.
તા. ૧૯-૭-’૪૦ ના રોજ ગુજરાત પ્રાંતિક સમિતિ આગળ અમદાવાદમાં આપેલા ભાષણમાં પોતાની મનઃસ્થિતિનું તેમણે સુંદર વર્ણન કર્યું છે :
- “બાપુના લેખો તમે વાંચ્યા હશે. તેઓ લખે છે કે સરદાર તો પાછા આવશે જ. હું તો ક્યાંયે ગયો નથી અને આવ્યો નથી. મેં તો ગુજરાતના અને બહારના પ્રતિનિધિ તરીકે કારોબારી સમિતિમાં અભિપ્રાય આપ્યો છે. મુલક વિષેનું મારું નિદાન ખોટું હશે તો મારા જેટલો આનંદ કોઈને નહીં થાય.
- “મેં તો બાપુને કહ્યું કે તમે હુકમ કરતા હો કે મારી પાછળ પાછળ આવો, તો મને તમારા ઉપર એટલી શ્રદ્ધા છે કે આંખો મીંચીને દોડું. પણ એ તો કહે છે કે મારા કહેવાથી નહીં, તમને પોતાને સૂઝ પડતી હોય તો મારે માર્ગે ચાલો. હું એમની સાથે ચાલી શકું તો તમારા કોઈ કરતાં હું વધારે રાજી થાઉંં. પણ જેમાં મને સૂઝ ન પડતી હોય તેમાં સૂઝ પડે છે એવું મારાથી શી રીતે કહેવાય ? મારે અથવા કોઈએ પણ બાપુની સાથે બેઈમાની નહીં કરવી જોઈએ.
- “અત્યારના સંજોગોમાં અહિંસાનો સંપૂર્ણ પ્રયોગ કરવો કૉંગ્રેસ માટે શક્ય નથી. અમારી શક્તિની મર્યાદા છે. બાપુની અને અમારી વચ્ચે મુલકની શક્તિના માપ વિષે પણ મતભેદ છે. આ એક વ્યક્તિની વાત નથી. વ્યક્તિ તો ગમે તેટલી ઊંચી જઈ શકે. પણ આખી સંસ્થાને સાથે લઈ જવાની વાત છે.
- “સમાજ ઉપર અત્યાચારો કરનાર સાથે, જરૂરી હિંસા વાપર્યા વગર કામ ચલાવી શકીશું એમ મારી મતિ પહોંચતી નથી. સિદ્ધાંતોની ચર્ચાનો આ સમય નથી. તમારે બધાએ વિચારવું જોઈએ કે અંદરની અનવસ્થા અને બહારના આક્રમણની સામે લોકો હિંસાનો ઉપયોગ ઈચ્છે છે કે નહીં?
- “બાપુએ સવાલ તો એ મૂક્યો કે મારો પ્રયોગ કરવાની મને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. તે માટે એમણે અમારો ત્યાગ કર્યો છે. અમે કહ્યું કે તમારા જેટલી ઝડપથી, એટલા વેગથી અમે તમારી પાછળ આવી ન શકતા હોઈએ તો અમારે તમારી ઉપર બોજારૂપ ન થવું જોઇએ.
- “બહારના લોકો મને આજ સુધી બાપુનો અંધ અનુયાયી કહેતા. હું જો એવો હોઉં મગરૂર થાઉં. પણ જોઉં છું કે તેવો હું નથી. આજે પણ કહું છું કે તમે આગેવાની લેતા હો તો અમે તમારી પાછળ ચાલીશું. પણ એ તો કહે છે કે ઉઘાડી આંખે તમારી અક્કલ પ્રમાણે ચાલો.
- “બાપુજી આપણી પાસે આંધળી વફાદારી ઇચ્છતા નથી. આપણી શક્તિ કેટલી છે તે આપણે એમને સાફ સાફ કહી દેવું જોઈએ. કૉંગ્રેસની અંદર જે વસ્તુ નથી, તે છે એમ કહી ચલાવવા જઈએ તો એ ચાલવાનું નથી, એથી નુકસાન થવાનું છે. આપણે અત્યાર સુધી અહિંસાના પ્રયોગો કર્યા એ ઠીક કર્યું. પણ લોકોમાં જે કાય૨૫ણું છે, જ્યાં ઊભા છે ત્યાંથી આગળ ચાલી નથી શકતા તેનું શું કરવું ? ત્યાં ને ત્યાં ઊભા રહેવાનો આ સમય નથી. આપણી પાસે પસંદગી કરવાનો સમય આવ્યો છે. તમારામાંથી જે કેવળ રચનાત્મક કાર્યમાં પડેલા છે અને કોઈ પણ સંજોગોમાં અહિંસાને વળગી રહેવા ઇચ્છે છે તેમને માથે અમારા કરતાં વધારે જવાબદારી છે. તમને એમ લાગતું હોય કે, કૉંગ્રેસ ખોટે રસ્તે જાય છે, તો તો તમારે વિના સંકોચે એનો બીજો ઉપાડી લેવો જોઈએ. હું તો જરૂર એ તમને આપીશ.”
ત્યાર પછી તા. ર૭ તથા ર૮મી જુલાઈએ પૂનામાં કૉંગ્રેસ મહાસમિતિની બેઠક થઈ. ભારે વાદવિવાદ પછી વર્ધા તથા દિલ્હીની કારોબારી સમિતિના ઠરાવો મંજૂર રાખવામાં આવ્યા. એ ઠરાવોને મંજૂરી આપતો ઠરાવ ૯૧ વિ૦ ૬૩ મતે પસાર થયો. રાજેન્દ્રબાબુએ એમનો પોતાનો તથા સાથીઓનો મત ત્યાં જણાવ્યો, અને સાથે સાથે એમ કહ્યું કે અમે મહાસમિતિના ઠરાવનો વિરોધ નહીં કરીએ પણ તટસ્થ રહીશું. ઠરાવનો વિરોધ કરનારાઓએ હિંસા અહિંસાને કારણે તેનો વિરોધ નહોતો કર્યો. પણ તેમને એમ લાગતું હતું કે આવો ઠરાવ કરવામાં કૉંગ્રેસ પોતાની નબળાઈ બતાવે છે અને તેનો લાભ લઈ સરકાર કૉંગ્રેસને કચડી નાખશે. કારણ તે વખતે ઘણા પ્રાંતોમાંથી કૉંગ્રેસના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓની સંખ્યાબંધ ધરપકડ થતી હતી. મહાસમિતિની બેઠકમાં ૧૮૮ સભ્યો હાજર હતા. એટલે રાજેન્દ્રબાબુએ અને એમનાં વિચારને મળતા મહાસમિતિના બીજા સભ્યોએ તટસ્થ રહેવાને બદલે ઠરાવની વિરુદ્ધ મત આપ્યો હોત તો ઠરાવ ઊડી જવાનો પૂરેપૂરો સંભવ હતો.
જોકે આ ઠરાવમાં એમ તો હતું જ કે સ્વરાજ્યપ્રાપ્તિની પોતાની આંતરિક લડત માટે કૉંગ્રેસ અહિંસાની નીતિને જ વળગી રહે છે. તો પણ કૉંગ્રેસની માગણીઓ સ્વીકારવામાં આવે તો બ્રિટનના પક્ષે રહી યુદ્ધમાં સક્રિય મદદ કરવાના આ ઠરાવથી લોકોમાં ભારે બુદ્ધિભેદ તો ઊભો થયો જ. ધાર્મિક શ્રદ્ધા તરીકે અહિંસાના સિદ્ધાંતને માનનારા બહુ જ થોડા લોકો હશે. છતાં કૉંગ્રેસના પ્રમુખ નેતાઓમાં આ બાબતમાં મતભેદ ઉભો થયો એ લોકોની નજરે ચડ્યા વિના રહ્યો નહીં.