સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/વ્યક્તિગત સવિનયભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

← ગાંધીજી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થાય છે સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
વ્યક્તિગત સવિનયભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી
નરહરિ પરીખ
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે →


૩૧
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

વર્ધા અને દિલ્હીના ઠરાવોને મહાસમિતિની બહાલી મળી ગયા પછી સરદાર અને રાજાજી તો એમ જ માનતા હતા કે બ્રિટિશ સરકાર કૉંગ્રેસની માગણીઓ સ્વીકારશે અને યુદ્ધમાં કૉંગ્રેસની સક્રિય મદદને આવકારશે. પણ તા. ૮મી ઑગસ્ટે વાઈસરૉયે પોતાનું જાહેરનામું પ્રગટ કર્યું. એમાં કૉંગ્રેસને આવકારવાનું એક પણ ચિહ્ન નહોતું. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં જણાવ્યું કે હિન્દુસ્તાનના રાજદ્વારી નેતાઓ સાથે તથા ના. શહેનશાહની સરકાર સાથે સલાહમસલત કર્યા પછી મને એવું જાહેર કરવાની ફરમાસ થઈ છે કે મારી કારોબારી સમિતિમાં જોડાવાને માટે કેટલાક પ્રતિનિધિત્વ ધરાવતા હિંદીઓને મારે આમંત્રણ આપવું અને યુદ્ધની બાબતમાં સલાહ આપવા માટે મારે એક કાઉન્સિલ સ્થાપવી. લઘુમતીઓના પ્રશ્ન ઉપર તેમણે જાહેર કર્યું કે રાજ્યની જવાબદારી હું કોઈ એવી સંસ્થાને ન સોંપી શકું, જેની સત્તા વિશાળ અને બળવાન લઘુમતીઓ સ્વીકારવા તૈયાર ન હોય. એવી લઘુમતીઓને પરાણે તાબે થવાનું મારાથી કહી શકાય નહીં. ટૂંકમાં વાઈસરૉયની કારોબારી સમિતિમાં જુદા જુદા મતોનું અને વિચારોનું પ્રતિનિધિત્વ ધરાવતી વ્યક્તિઓને લઈ એને કંઈક વધુ વિશાળ બનાવવા સિવાય બીજી કશી મુદ્દાની વાત આમાં નહોતી. એ સમિતિને વાઈસરૉયને સલાહ આપવા સિવાય બીજી કશી સત્તા નહોતી. એની સલાહ વાઈસરૉયે માનવી જોઈએ એવું પણ તેમાં નહોતું. હિંદી વજીર મિ. એમરીએ આ જ પ્રકારનું જાહેરનામું તા. ૧૪મી ઑગસ્ટે બ્રિટિશ પાર્લમેન્ટમાં કર્યું. પાર્લમેન્ટમાં તેમને પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જે જવાબ દીધો તે ઉપરથી તો એમ જ જણાતું હતું કે હિન્દુસ્તાનની પરિસ્થિતિને તેઓ બિલકુલ ગંભીર લેખતા નહોતા. આ બધું કૉંગ્રેસ કારોબારી સમિતિની આંખ ઉઘાડી દેવાને માટે પૂરતું હતું.

કૉંગ્રેસ કારોબારીની બેઠક વર્ધામાં તા. ૧૮મી ઑગસ્ટે મળી. રાષ્ટ્રપતિની વિનંતીથી ગાંધીજી એ બેઠકમાં હાજર રહ્યા. પાંચ દિવસ સુધી વિચારણા કર્યા પછી કારોબારીએ એક લાંબો ઠરાવ પસાર કર્યો. તેમાં તેમણે જણાવ્યું કે,

“હિન્દુસ્તાનના લોકોની વિશાળ બહુમતીની ઇચ્છાની વિરુદ્ધ જઈને અને પરિણામોની પરવા કર્યા વિના બ્રિટિશ સરકારે પોતાની મરજી હિંદ ઉપર ઠોકી બેસાડવાનો નિર્ણય કર્યો છે તેથી અતિશય ગંભીર પરિસ્થિતિ પેદા થઈ છે. કૉંગ્રેસની માગણીઓનો તેણે ઇનકાર કર્યો છે એ વસ્તુ હિન્દુસ્તાનને તલવારને જોરે કબજે રાખવાના બ્રિટિશ સરકારના નિશ્ચયની સાબિતી છે. પોતાનો આ હેતુ બર લાવવાને માટે સેંકડો કાર્યકર્તાઓ, જેમાં કૉંગ્રેસના ચુનંદા સેવકો છે, તેમને ડિફેન્સ ઑફ ઇન્ડિયા ઍક્ટ્, જેને લોકમતનો જરાયે ટેકો નથી, તેની નીચે વીણી વીણીને પકડીને કૉંગ્રેસનું બળ તોડી નાખવાના પ્રયત્નો તેણે કરવા માંડ્યા છે. બ્રિટિશ સરકારને તેની આફતને સમયે ન મૂંઝવવાની કૉંગ્રેસની નીતિનો અનર્થ કરવામાં આવે છે અને તેને ધુત્કારવામાં આવે છે. પોતાની સ્થિતિ ખરી છે એ પુરવાર કરવા માટે તથા પ્રજાનાં માનઆબરૂ અને સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાને માટે લડત ચલાવવાની એ કૉંગ્રેસને ફરજ પાડે છે. હિન્દુસ્તાનના કરોડો મૂંગા અને મહેનત મજૂરી કરનારા લોકોના આત્યંતિક કલ્યાણ અને તેમની મારફત સમસ્ત દલિત માનવતાના કલ્યાણ સિવાય કૉંગ્રેસનો બીજો કશો જ ઉદ્દેશ નથી.
“પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતાં કારોબારી સમિતિ તા. ૧૫મી સપ્ટેમ્બર ને રવિવારે મહાસમિતિની બેઠક બોલાવવાનું નક્કી કરે છે.
“આ કારોબારી સમિતિ તમામ કૉંગ્રેસ સંસ્થાઓને આદેશ આપે છે કે તેમણે પોતાની પ્રવૃત્તિઓ પુરજોસથી ચલાવવી, ખાસ કરીને તાજેતરમાં ઊભી થયેલી ઘટનાઓ અને તે વિષે કૉંગ્રેસની સ્થિતિ લોકોને સમજાવવી. સત્યાગ્રહ કમિટીઓએ એ ધ્યાન રાખવું કે, જે લોકોએ પ્રતિજ્ઞા લીધેલી છે તેઓ પ્રતિજ્ઞાની શરતો પ્રમાણે વર્તે અને રચનાત્મક કાર્ય તથા કૉંગ્રેસની બીજી પ્રવૃત્તિઓ ચલાવે.”

મુંબઈમાં તા. ૧પમી સપ્ટેમ્બરે મળનારી મહાસમિતિની બેઠકમાં સવિનય ભંગનો ઠરાવ જરૂર પસાર થશે એમ સરદાર માનતા હતા. તે માટે ગુજરાતને તૈયાર કરવા તેમણે ભાષણ આપવા માંડ્યાં. તેમાંથી થોડાક ઉતારા અહીં લઈશું.

તા. ૮-૯-’૪૦ના રોજ મળેલી વઢવાણની જાહેર સભામાં તેમણે કહ્યું:

“લડાઈ થઈ ત્યારે કૉંગ્રેસે સલ્તનતને પૂછ્યું: અમને પૂછ્યા વગર અમારા સ્વાર્થે કે પરમાર્થે તમે અમને યુદ્ધમાં દાખલ થયેલા ગણ્યા એ તો ઠીક, પણ હવે તો એ પરમાર્થ સમજાવો, જેથી અમારો સ્વાર્થ કે પરમાર્થ જે હોય તે સમજીને અમે પગલું ભરી શકીએ. પણ આપણને સીધો જવાબ ન મળ્યો. મીઠી મીઠી વાતો કરી બાર બાર મહિના મસલત ચલાવી. કેટલીયે વાર ગાંધીજીએ વાઈસરૉયને કારણે ધક્કા ખાધા. પણ સ્વીકાર કરવા જેવું કાંઈ ન મળ્યું. આપણે ધીરજ ખૂબ રાખી, કારણકે મુશ્કેલીને સમયે પજવણી કરવાનો આપણો ઇરાદો ન હતો.
“પણ હવે ધીરજનો અંત આવી રહ્યો છે. સલ્તનતે પોતાનું રૂપ પ્રગટ કરવા માંડ્યું છે. આપણામાં અત્યારે એ ભાગલા પાડી રહી છે. ભાગલા પાડવા

હોય તો ભલે પાડે, પણ જે રાષ્ટ્રીયત્વ ઊભું થયું છે તેનો નાશ કદી નહીં થાય. અત્યારે તો તેઓ વિરોધી બળોને એકત્રિત કરી કૉંગ્રેસને કચડી નાખવા માગે છે. પણ ધીરા ખમો. ૧૫મી તારીખે મહાસમિતિ મળશે ત્યારે નિર્ણય થશે.
“અત્યાર સુધી સરકારે જે કંઈ કર્યું તે પ્રજાને રાજી કરીને કર્યું છે કે દબાવીને કર્યું છે ? એક પણ બંધારણનો સુધારો રાજીખુશીથી નથી કર્યો. ટોટે પકડાવાનો વખત આવ્યો ત્યારે થયું છે. ગઈ લડાઈમાં મદદ કરવાને પરિણામે રોલૅટ કાયદો કરવાનું પણ તેઓ ચૂક્યા નહોતા. આ લડાઈને પરિણામે શું કરવા જેવું રહેશે તે તો ભગવાન જાણે.
“છતાંયે દેશને સ્વાતંત્ર્ય મળતું હોય તો અમે મદદ કરવા તૈયાર થયા. એ માટે તો ગાંધીજીનો વિરોધ કર્યો. આપણી ત્રીસ વરસની નીતિ છોડવા તૈયાર થયા. પણ એ તો જો તેઓ પુરાવો આપે તો, મોઢે મોઢે કહે તેથી નહીં. આપણે માગણી કરી કે મધ્ય સરકારમાં રાષ્ટ્રીય રાજ્યતંત્ર દાખલ કરો. ‘સ્ટેટ્સમૅન’ જેવા ઍંગ્લો ઇન્ડિયન છાપાએ પણ કહ્યું કે, સરકારમાં જો મુત્સદીઓ હશે તો કૉંગ્રેસની ઑફર સ્વીકારી લેશે. કૉંગ્રેસે આવી ઓફર કરી કરી નથી, હવે પછી કદી કરશે પણ નહીં. હવે તો સૌ કૉંગ્રેસીઓ કહેશે કે, ‘રાઈના પહાડ તો રાતે ગયા.’ ‘તેરા તેલ ગયા તો મેરા ખેલ ગયા.’
“હવે તો આપણે મુંબઈમાં ગાંધીજીને સરદારી આપી દેવાના અને કહેશે તેમ કરવાના. સરકાર શું કરે છે તે શાંતિથી જોયા કરીશું. ભલે કામચલાઉ સરકાર ઊભી કરે. આપણા તો પરદેશીઓ પણ દુશ્મન નથી, તો દેશીઓ દુશ્મન શાના ? જો સરકારમાં એવી સત્તા હોય કે તે ઝીણા અને સાવરકરને સાથે બેસાડી શકે તો પછી કરવા જેવું બાકી શું રહ્યું ? ઉંદર બિલાડી અંદર શું કરે છે તે આપણે તો બહાર રહીને જોવું છે. બાકી દેશમાં રાષ્ટ્રીયત્વની જે ભૂખ લાગી છે તેને મારનાર શક્તિ આખા જગતમાં કોઈ નથી.
“અત્યારની લડાઈની પાછળ કોઈનું પાપ હશે ત્યારે જ આ બધું થતું હશે ને? કૉંગ્રેસ કહે છે કે આટલું પુણ્ય કરી લો તો સારું થશે. દોઢસો વરસથી અમારા ઉપર ચડ્યા છો તે ઊતરી જાઓ. તેઓ કહે છે અમે ઊતરી જઈએ તો તમારું શું થશે ? અલ્યા ભાઈ, દોઢસો વરસ રાજ્ય કર્યા પછી આ પૂછો છો તો અત્યાર સુધી તમે શું કર્યું ? આ તો પેલા ચોકીદાર જેવું થયું. ચોકીદાર માલિકને પૂછે છે કે હું જઈશ તો તારું શું થશે ? અલ્યા ભાઈ, તું તો જા. કાં બીજો ચોકીદાર રાખી લઈશું, કાં ચોકી કરતાં શીખી લઈશું. પણ આ ચોકીદાર તો જતો નથી. ને વારે વારે લઠ જ બતાવ્યાં કરે છે.
“બીજા સ્વતંત્ર મુલક જેવી હિન્દની સ્થિતિ હોત તો અત્યારે ટાપુમાં ભરાઈ જઈને ગોળા ખાવા પડે છે તે ખાવા પડત ?
“સલ્તનતનો ટોટો પકડાયો છે, ત્યારે પણ આપણને કહે છે કે તમે તમારું સ્વતંત્ર રાજ્ય ચલાવી શકો તેમ નથી. તમારામાં કુસંપ છે. અમારી નૈતિક જવાબદારી અમે છોડી શકતા નથી. એ નૈતિક જવાબદારીના પડદા પાછળની વસ્તુ ભયંકર છે. આપણે ત્યાં કયા પક્ષો અને હિતો છે એનું તો નામ નથી

પાડતા. પડદામાંથી તો એવું માલુમ પડે છે કે, આવી મુશ્કેલીમાં આવી પડેલી સત્તા આમ બોલે છે ત્યારે એમાં કાંઈ ઈશ્વરી સંકેતો હોવા જોઇએ. આપણે માટે તો જે પરિણામ આવે તે જ જોવું યોગ્ય છે. આપણે નિરાશ થવાનું નથી. જાગ્રત જ રહેવાનું છે. આ લોકો ના કહે છે તેમાં જ આપણે માટે લાભ હશે.

“હવે કાંઈ આ લાંબુ ચાલવાનું નથી. જે વેગથી વિનાશ ચાલી રહ્યો છે તે વેગથી ચાલ્યાં જ કરશે તો ટૂંક વખતમાં ઉકેલ આવી જવાનો છે. આમાં તો ઘણી પાપી શક્તિઓ હોમાઈ જશે. આ તો દુનિયા પર ભાર ઉતારવા માટે કુદરતી કોપ થયેલ છે. આપણું કામ તો એ છે કે ફરીથી સંકટ ન જ આવે, એવું કરવું જોઈએ.”

તા. ૯-૯-’૪૦ના રોજ અમદાવાદની જાહેર સભામાં ભાષણ આપતાં આ વસ્તુ સરદારે વધુ સ્પષ્ટ કરીને સમજાવી :

“બાર મહિના પહેલાં જ્યારે આ લડાઈ શરૂ થઈ ત્યારે હિન્દને લડાઈમાં સંડોવવામાં આવ્યું. ન તો એ બાબત કોઈને પૂછ્યું, ન રાજાઓને પૂછ્યું, ન મુસ્લિમોને પૂછ્યું, ન પ્રજાના કોઈ પક્ષને કે પ્રતિનિધિને પૂછ્યું. કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો. જ્યારે હિન્દનું લશ્કર હિન્દની બહાર મોકલવામાં આવ્યું ત્યારે તેનો વિરોધ કરવા વડી ધારાસભામાંથી કૉંગ્રેસના પ્રતિનિધિઓને પાછા ખેંચી લેવામાં આવ્યા. એ અમે જાણીએ છીએ કે જેની સામે તમારો વિરોધ છે તેની સામે અમારો પણ વિરોધ છે. પણ આ લડાઈમાં તમે શા માટે ઊતર્યા છો તેનો સ્પષ્ટ હેતુ અમને સાફ સાફ સમજાવો તો અમે બન્ને ભૂતકાળ ભૂલી જઈને પણ તમને મદદ કરવા તૈયાર છીએ. અમને પૂછ્યાગાછ્યા વિના લડાઈમાં ફેંક્યા છે તેમ છતાં અમે તમને સાથ આપીએ, જો અમને એ સમજ પાડવામાં આવે કે લડાઈ પછી તમે હિન્દનું કંઈક હિત કરવા ધાર્યું છે. આપણી આ માગણીને સરકાર તરફથી ટાળવાનો પ્રયત્ન થયો.
“ખરી વાત એ છે કે આ લડાઈ એકલા યુરોપની નવરચના કરવા માટે નથી, એશિયા અને આફ્રિકાના કાળા લોકોની વહેંચણી કઈ રીતે કરવી અને તેમના પરનું રાજ્ય કેવી રીતે મજબૂત કરવું, તેને માટે છે. લડાઈનો આ હેતુ સ્પષ્ટ અને સાફ છે.
“બ્રિટન કહે છે કે નાના નાના મુલકોની સ્વતંત્રતા રક્ષવાની ખાતર અમે આ યુદ્ધ લઈ બેઠા છીએ. ત્યારે અમેરિકા અને જગતના બીજા દેશોમાં પુછાતું હતું કે, હિન્દની સ્વતંત્રતાનું શું ? જગતભરના દેશોમાં જ્યારે આ પ્રચાર થવા માંડ્યો ત્યારે આ લોકોએ જુદો પેંતરો રચ્યો. હિન્દના પ્રતિનિધિઓને સલ્તનતના પ્રતિનિધિએ બોલાવ્યા ને કહ્યું: ‘અમે સ્વતંત્રતા આપી દેવા માગીએ છીએ. હિન્દ એ તો અમારે ગળે બંધાયેલું ઘંટીનું પડ છે. પણ શું કરીએ ? હિન્દ હજી સ્વતંત્રતાને લાયક નથી. એને સ્વતંત્રતા આપીએ તો હિન્દમાં ઠેર ઠેર ખુનામરકી, લૂંટફાટ, મારામારી, વગેરે અંધાધૂંધી ફાટી નીકળે, કોઈ કોમ સલામત ન રહે. આમ ન થવા દેવાની અમારી નૈતિક જવાબદારી છે.’ આ જાતનો

પ્રચાર તેમણે કરવા માંડ્યો. બ્રિટનના મુત્સદ્દીઓ પ્રચાર માટે અમેરિકામાં પહોંચ્યા છે.
“કૉંગ્રેસે તો કહ્યું હતું કે, જો અમારી ખરા હૃદયની મદદ ઇચ્છતા હો, તો વાઈસરૉયની કાઉન્સિલવાળી વાત બંધ કરી તેની જગ્યાએ બધા પક્ષની રાષ્ટ્રીય સરકાર બનાવો. એમાં કૉંગ્રેસના, લીગના, બીજા મુસલમાનોના, હિંદુ મહાસભાના અને બીજા પક્ષના પ્રતિનિધિઓ હોય. ભલે તેમાં અંગ્રેજ પણ રહે. પણ આ તંત્ર પ્રજાને જવાબદાર હોવું જોઈએ. તેની સાથે તમારે એટલું કહેવું જોઈએ કે જ્યારે લડાઈ બંધ થશે ત્યારે હિંદના બધાય પ્રાંતોના અને પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે બંધારણ ઘડે તેમાં તમે દસ્કત કરશો. પણ તેમણે તો એક પણ વાત કબૂલ ન કરી. અને પહેલાંની એની એ જ વાત ફરીથી કહેવા માંડી. આ તો : સવિલ સર્વન્ટોવાળી વાઈસરૉયની કાઉન્સિલને ખાલી મોટી કરવાની વાત છે. તેમાં તમે આવો અને મદદ કરો એ જ વાત છે. વાઈસરૉયના તમે સલાહકાર ગણાઓ છતાં તેમને જે કાંઈ કરવું હોય તે તેઓ કરે, બધી ચાવીઓ વાઈસરૉયના હાથમાં જ રહે. આવા શંભુમેળામાં તમે પણ આવીને બેસો, એ જ વાત છે. આ કંઈ નવી વાત નથી. ત્રણ ચાર વાર વાત કરી હતી એની એ વાત તેઓ ફરીથી રજૂ કરે છે.
“કૉંગ્રેસની ચોખ્ખી વાત છે કે અત્યારના લડાઈના સમયમાં એ સરકારને પજવણી કરવા નથી માગતી. પણ કૉંગ્રેસની દરખાસ્તને તિરસ્કારવામાં આવે છે. વાઈસરૉયનું જાહેરનામું એ તો કૉંગ્રેસની હસ્તી પર એક ઘા છે. થાય તે કરી લો એવો પડકાર એમાં ગર્ભિત રીતે રહેલો છે. હિંદી વજીરે જે વાત કહી છે તેમાં પણ નવું કાંઈ નથી.
“મુંબઈની બેઠકમાં હવે એક જ કામ કરવાનું છે. મહાત્મજીને કહેવાનું છે કે તમે પાછા આવો અને તમે કહેશો તેમ કરીશું. હવે એ કહેશે તેમ આપણે કરવાનું છે. તેમાં હિંદુસ્તાનની શક્તિની, કૉંગ્રેસની શક્તિની પરીક્ષા થવાની છે. કૉંગ્રેસનો ઉદ્દેશ જો સાચો હશે, તેની દાનત સાચી હશે અને મુલકની તેણે સાચી સેવા કરી હશે તો તે દેખાવાનું છે. ભલે સત્તા બીજાઓ પાસે જાય. કૉંગ્રેસ એવી જાજમ ઉપર નહીં બેસે જેમાં કીડા કે જંતુ પડેલા છે. નાઝીવાદ અને શાહીવાદ આમ તો સરખા જેવા જ છે. એક પ્લેગ છે અને બીજો કોગળિયું છે. કોગળિયું ઘરમાં છે અને પ્લેગ બહાર છે.
“સલ્તનતે તો આપણી પાસે જબરદસ્તીથી આ લડાઈ ઊભી કરાવી છે. કૉંગ્રેસ પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. તમને બધાને એક છેવટની વિનંતી છે કે આ આપણો આખરી સોદો છે. આપણે એક જ વસ્તુ કરવાની છે. તે એ છે કે કોઈની હિંસા ન કરવી, કોઈને કષ્ટ થાચ તે ન કરવું, સ્વમાનના રક્ષણ ખાતર આપણે બધું કષ્ટ સહન કરવું. આજે જિંદગીની તો કાંઈ કિંમત નથી. વિમાનમાં ગોળાઓ ભરીને ઘણા વિમાનીઓ જાનને ખિસ્સામાં લઈને જાય છે. હજારો માણસો પોતાના જાનને હાથમાં લઈને ફરે છે. આપણે પણ, જ્યારે આપણી હસ્તી ઉપર હુમલો થાય છે, ત્યારે શું જવાબ આપવો ?

“આ સમયે તમે કોઈ એવી આશા ન રાખતા કે કૉંગ્રેસ બધો વખત દોરવણી આપે. દરેકની પોતાની ફરજ છે કે તેણે લડાઈના ખુલ્લા મેદાનમાં આવી જવું જોઈએ. મને તો ચોખ્ખાં ચિહ્ન જણાય છે કે લડાઈ આવી રહી છે. હવે ફરી આપણે મળીએ કે ન પણ મળીએ. હિંદના આધુનિક ઇતિહાસના ઘડતરની જવાબદારી આપણે અદા કરવાની છે.”

પછી મહાસમિતિની બેઠક મુંબઈમાં થઈ. તા. ૧૬ મી સપ્ટેમ્બરે તેણે જે ઠરાવ પસાર કર્યો, તેમાં હિંદુસ્તાનની તત્કાળ પૂરતી જ નહીં, પણ સ્વતંત્ર થયા પછીની નીતિ પણ જાહેર કરી. એ રીતે એ ઠરાવ આજે પણ મહત્ત્વનો ગણાય. નીચે તે આખો આપ્યો છે :

“હિંદુસ્તાનમાં પડેલી રાજપ્રકરણી આંટીનો ઉકેલ આણવાને અને બ્રિટિશ પ્રજા સાથે સહકાર કરીને રાષ્ટ્રનું હિત સાધવાને કારોબારી સમિતિએ – મહાત્મા ગાંધીનો સહકાર જતો કરીને પણ – તા. ૭મી જુલાઈના તેના દિલ્હીના ઠરાવમાં બ્રિટિશ સરકારની આગળ એક ઑફર (દરખાસ્ત) કરી હતી. તેને પાછળથી પૂનામાં મહાસમિતિએ મંજૂરી આપી હતી. એ દરખાસ્તને બ્રિટિશ સરકારે એવી રીતે ધુતકારી કાઢી છે કે, તે ઉપરથી ચોક્કસ દેખાઈ આવે છે કે હિંદુસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવાનો તેનો જરા પણ ઇરાદો નથી. તેનું જો ચાલે તો તે બ્રિટિશ શોષણને સારુ અમર્યાદિત મુદતને માટે આ દેશને પોતાના તાબામાં રાખી મૂકે. બ્રિટિશ સરકારનો આ નિર્ણય બતાવે છે કે તે હિંદુસ્તાન પાસે બળજબરીથી પોતાનું ધાર્યું કરાવવા માગે છે. તેની હમણાંની નીતિ એ પણ બતાવે છે કે તેણે પ્રજાના બહુ જ મોટા ભાગની મરજી વિરુદ્ધ જર્મની સામેની લડાઈમાં હિંદુસ્તાનને સામેલ કર્યું છે અને લડાઈને સારુ તેની રાષ્ટ્રીય સાધનસામગ્રીનું તે શોષણ કરી રહી છે. તેનો વિરોધ કરવા સારુ લોકમત છૂટથી પ્રગટ થાય એ તે સહન કરવા તૈયાર નથી.
“જે રાજનીતિ હિંદુસ્તાનના આઝાદી માટેના જન્મસિદ્ધ હકનો ઇનકાર કરે છે, જે લોકમતને છૂટથી પ્રગટ થવા દેતી નથી અને જેને પરિણામે પોતાની પ્રજાની અવનતિ થાય છે અને ગુલામી ચાલુ રહે છે, એવી રાજનીતિની મહાસમિતિ બરદાસ્ત ન કરી શકે. આવી રાજનીતિ ચલાવીને સરકારે અસહ્ય પરિસ્થિતિ પેદા કરી છે. પ્રજાની આબરૂ અને મૂળભૂત હકોની રક્ષાને સારુ લડત ઉપાડવાની તે કૉંગ્રેસને ફરજ પાડી રહી છે. ગાંધીજીની આગેવાની તળે હિંદની આઝાદીની રક્ષાને સારું અહિંસાથી કામ લેવાને કૉંગ્રેસ પ્રતિજ્ઞાબદ્ધ છે. તેથી રાષ્ટ્રની આઝાદીની હિલચાલના આ અતિ ગંભીર અને વિષમ પ્રસંગે મહાસમિતિ તેમને વિનંતી કરે છે કે, જે પગલું લેવું ઘટે તેમાં તેઓ કૉંગ્રેસને દોરે. મહાસમિતિએ પૂનામાં બહાલ રાખેલો દિલ્હીનો ઠરાવ જે તેમને તેમ કરતાં રોકતો હતો, તે હવે રહ્યો નથી. તે રદ થઈ ગયો છે.
“મહાસમિતિ બ્રિટિશ પ્રજા પ્રત્યે તેમ જ યુદ્ધમાં સંડોવાયેલી ઇતર પ્રજાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. જોખમ અને સંકટની સામે બ્રિટિશ પ્રજા જે શૂરાતન અને સહનશક્તિ બતાવી રહી છે તેની પણ કૉંગ્રેસીઓથી સ્તુતિ

કર્યા વિના રહેવાય એમ નથી. બ્રિટિશ પ્રજા સામે તેમને કશો દ્વેષ હોઈ શકે નહી. તેને સંકડામણમાં નાખવાના ઇરાદાથી કાંઈ પણ કામ કરતાં કૉંગ્રેસને તેની સત્યાગ્રહની ભાવના રોકે છે. પણ આ સ્વેચ્છાએ સ્વીકારેલો સંયમ એટલી હદ સુધી ન લઈ જઈ શકાય કે જેથી કૉંગ્રેસની હસ્તી જ નાબૂદ થવા પામે. અહિંસા ઉપર રચાયેલી પોતાની નીતિને અનુસરવાની પૂરેપૂરી છૂટ પોતાને હોવી જોઈએ એવો આગ્રહ કૉંગ્રેસે રાખવો જ જોઈએ. છતાં જો અહિંસક પ્રતિકારની લડત અનિવાર્ય જ થઈ પડે તો તેને પ્રજાના સ્વાતંત્ર્યની રક્ષાને માટે આવશ્યક એટલી હદથી આગળ લઈ જવાને હાલ તુરત કૉંગ્રેસનો જરાયે ઇરાદો નથી.
“કૉંગ્રેસની અહિંસાની નીતિને વિષે અમુક ગેરસમજ પેદા થઈ છે તે જોતા આ મહાસમિતિ ફરી વાર સાફ સાફ કહેવા માગે છે કે આ ગેરસમજ જેના પરથી થવા પામી તે અગાઉના ઠરાવમાં ગમે તે કહેવાયું હોય તોપણ અહિંસાની નીતિ ચાલુ છે. આ સમિતિ દૃઢતાપૂર્વક માને છે કે અહિંસાની નીતિ અને તેનું આચરણ કેવળ સ્વરાજની લડત માટે જ આવશ્યક છે, એમ નથી, સ્વતંત્ર હિંદુસ્તાનમાં પણ જેટલે અંશે તેનો પ્રયોગ શક્ય હોય તેટલે અંશે કરવાનો જ છે. આ સમિતિની દૃઢ પ્રતીતિ છે, અને જગતના તાજેતરના બનાવોએ એ બતાવી આપ્યું છે, કે જગતે જ જાદવાસ્થળી કરીને આત્મનાશ ન કરવો હોય ને પાછા રાનટી દશાને ન પહોંચવું હોય તો જગતમાં સંપૂર્ણ શસ્ત્રસંન્યાસ અને નવી વધારે ન્યાયી એવી રાજકીય અને આર્થિક સમાજરચના આવશ્યક છે. તેથી સ્વતંત્ર હિંદુસ્તાન, જગતના શસ્ત્રસંન્યાસની તરફેણમાં જ પોતાનું બધું વજન નાખશે. તેણે જાતે આ કામમાં પહેલ કરવાને અને આગેવાની લેવાને તૈયાર રહેવું જોઈએ. બેશક, એવી આગેવાનીનો આધાર બહારની અને અંદરની પરિસ્થિતિ ઉપર તો રહેશે જ. પણ હિંદુસ્તાનની રાષ્ટ્રીય સરકાર શસ્ત્રસંન્યાસની આ નીતિનો અમલ કરવાને પોતાથી બનતો બધો પ્રયત્ન કરશે. અસરકારક શસ્ત્રસંન્યાસનો અને રાષ્ટ્રો વચ્ચેના વિગ્રહનો અંત આણીને વિશ્વશાંતિની સ્થાપના કરવાનો આધાર છેવટે તો એ વિગ્રહોનાં અને રાષ્ટ્ર રાષ્ટ્ર, વચ્ચેના સંઘર્ષનાં કારણોના નિવારણ ઉપર રહે છે. એક દેશની બીજા દેશ ઉપરની શિરજોરી અને એક પ્રજા કે વર્ગને હાથે થતું બીજાનું શોષણ અટકાવીને જ આ કારણો મૂળમાંથી નાબૂદ કરી શકાય. એ ધ્યેયની સિદ્ધિ માટે હિંદુસ્તાન શાંતિપૂર્વક મહેનત કરશે. એ ધ્યેયની સિદ્ધિ માટે જ હિંદુસ્તાનની પ્રજા મુક્ત અને સ્વતંત્ર રાષ્ટ્રનું પદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જગતની શાંતિ અને પ્રગતિની સિદ્ધિને અર્થે જગતનાં સ્વતંત્ર રાષ્ટ્રોના સંઘમાં નિકટપણે ભળવામાં હિંદની એ સ્વતંત્રતા મંગળાચરણરૂપ થઈ પડશે.”

ઉપરનો ઠરાવ પંડિત જવાહરલાલે રજૂ કર્યો અને સરદારે તેને ટેકો આપ્યો. પણ બેમાંથી એકેયે તેના ઉપર ભાષણ ન કરતાં, તે ઉપર બોલવા ગાંધીજીને વિનંતી કરી. ગાંધીજીએ બહુ લંબાણ વિવેચન કરીને લડાઈ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનું કૉંગ્રેસનું વલણ બરાબર સમજાવ્યું. પોતે બ્રિટનને આ યુદ્ધમાં બિનશરતે નૈતિક ટેકો આપવા તૈયાર હતા, છતાં અત્યારે સવિનય ભંગની લડતની આગેવાની લેવા કેમ તૈયાર થયા છે તે પણ સમજાવ્યું. ગાંધીજી અને કૉંગ્રેસ કહેતાં હતાં કે તેની આફતને વખતે અમે બ્રિટિશ સરકારને વધુ મૂંઝવણમાં નાખવા નથી ઇચ્છતાં. તો પછી તેની સામે સવિનય ભંગની લડત શા માટે ? એ પ્રશ્ન ઘણા પૂછતા હતા. તેના ખુલાસામાં ગાંધીજીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે,

“મેં ફરી ફરીને કહ્યું છે કે જે વખતે બ્રિટિશ પ્રજા અને બ્રિટિશ સરકારની હસ્તી જ જોખમમાં આવી પડી છે તે વખતે તેમને મૂંઝવણમાં નાખવાનો અપરાધ હું નહીં કરું. હું એમ કરું તો મારો સત્યાગ્રહ લાજે, હું અહિંસાને બેવફા નીવડું ને જે સત્યને હું પ્રાણથી પણ પ્રિય ગણું છું તેનો મારે હાથે જ ધ્વંસ થાય. મારાથી એ ન બની શકે. ત્યારે એ જ માણસ આજે સવિનય ભંગની લડતનો ભાર ઉપાડવાને તમારી આગળ ઊભેલો છે તેનું શું કારણ ? એવો એક કાળ આવે છે જ્યારે માણસ નબળાઈથી દુર્ગુણને સગુણ માની લે છે. સગુણ પોતે પણ જ્યારે તેના આસપાસના સંજોગોથી અને જે હેતુને સારુ તેની હસ્તી હોય તે હેતુથી વિખૂટો પાડવામાં આવે તો દુર્ગુણ બની જાય છે. તેથી મને લાગ્યું કે કૉંગ્રેસની મદદે હું ન ધાઉંં અને ભલેને ધ્રુજતાં ધ્રુજતાં તેનું સુકાન હાથમાં ન લઉં તો હું મને પોતાને બેવફા નીવડીશ. હું બ્રિટિશ પ્રજાનો પાકો મિત્ર હોવાનો દાવો કરું છું. પણ હું જો ખોટી લાજશરમથી, કે લોકો રખેને મારે વિષે ઊલટો અભિપ્રાય બાંધે એ બીકથી, કે અંગ્રેજો પોતે મારા ઉપર ગુસ્સે થરો એ વિચારથી, તેમને એવી ચેતવણી ન આપું કે હવે સંયમનો સદ્‌ગુણ એ અમારે માટે દુર્ગુણ બની ગયો છે કેમ કે તે કૉંગ્રેસની હસ્તીને જ નાબૂદ કરશે; જે ભાવનાથી આ સંયમ રાખેલો તે ભાવનાને જ એ હણશે, તો મેં તેમના પ્રત્યે અમિત્રનું વર્તન કર્યુંં ગણાય.
“મારા અર્થની ચોખવટ કર્યા વિના હું સરકારની સામે સવિનય ભંગનું શસ્ત્ર ઉગામવાનો નથી. વાઈસરૉયના પહેલા જાહેરનામાથી માંડીને ભારતમંત્રીના તાજેતરના ભાષણ લગીના અને ત્યાર પછી સરકાર જે પગલાં ભરી રહી છે, ને જે નીતિ આચરી રહી છે તે બધાનો હું એકંદરે શો અર્થ કરું છું તે હું વાઈસરૉયને જણાવીશ. સરકારનાં આ બધાં કામોની મારા ઉપર સરવાળે એવી છાપ પડી છે કે આખા રાષ્ટ્રની સામે કંઈક અઘટિત થઈ રહ્યું છે, કોઈક અન્યાયનું આચરણ ચાલી રહ્યું છે અને આઝાદીનો અવાજ ગૂંગળાઈ જવાની અણી ઉપર છે. હું વાઈસરૉયને કહીશ કે અમારે તમને મૂંઝવવા નથી અને તમારી લડાઈની તૈયારી વિષેના પ્રયત્નમાં વિઘ્ન નાખવું નથી. અમે નિર્વિઘ્ને અમારે રસ્તે જઈએ, તમે તમારે રસ્તે જાઓ. અહિંસાનું પાલન એ આપણી વચ્ચેની શરત હોય. અમે જો લોકોને અમારું કહેવું સમજાવી શકીશું તો તેઓ લડાઈના કામમાં કશો હિસ્સો નહીં આપે. તેથી ઊલટું જો તમે જુઓ કે નૈતિક સિવાયનું બીજું કશું દબાણ અમે વાપરતા નથી છતાં લોકો લડાઈના કામમાં મદદ કરે છે તો અમારે ફરિયાદ કરવાનું કારણ નહીં રહે. રાજાઓ પાસેથી, જમીનદારો પાસેથી, ઊંચા કે નીચા કોઈની

પણ પાસેથી તમને મદદ મળે તો તમે તે ભલે લો. પણ અમારો અવાજ તેમને પહોંચાડવા દો. અહિંસાપાલનની મર્યાદાની અંદર રહીને હિન્દુસ્તાનના લોકોને લડાઈના કામમાં ભાગ ન લેવાનું સમજાવવાની તમે અમને પૂરેપૂરી તક આપો એ તમારી શોભામાં વૃદ્ધિ કરનારું નીવડશે.”

કૉંગ્રેસની આ લડત કયા ચોક્કસ હેતુ માટે છે એ સમજાવતાં ગાંધીજીએ કહ્યું કે,

“આજે સંપૂર્ણ સ્વાતંત્ર્યને માટે સવિનય ભંગની વાત કરવી નકામી છે. જેની સ્વતંત્રતા આજે જાઉં જાઉં કરી રહી છે તેની સાથે સ્વતંત્રતા મેળવવા શું લડવું ? જો એક પ્રજા બીજી પ્રજાને સ્વતંત્રતા આપી શકતી હોય તોપણ અંગ્રેજો તો અત્યારે તે આપી શકે તેમ નથી. આજે તેઓ લડે છે એટલે તેમણે સૌનાં મોં બંધ કર્યા છે. કારણ કે તે માને છે કે આપણે સૌ તેને તાબે છીએ. હું તો નથી જ. કારણ હું તો જે ધારું તે કહું છું ને કરું છું. સૌને સારું એ હક મેળવવાને માટે લડાઈ કરવાનો આ ઠરાવ છે. એ હક આપવાની તેઓની શક્તિ છે. અને તે ન આપે અને એમની કફોડી રિથતિ થાય તો એને માટે આપણે જવાબદાર નથી.
“લડાઈ લડવાનો આ સ્પષ્ટ મુદ્દો છે. વાણીસ્વાતંત્ર્યનો હક એ આઝાદીનો પાયો છે. એ ન મળે તો આઝાદી મેળવવાનો મુખ્ય ઉપાય આપણે ખોઈ બેસીએ. એ નાની વસ્તુ નથી, એ મહત્ત્વની વસ્તુ છે. એ વસ્તુ મારી બુદ્ધિમાંથી નથી નીકળી. હું જ્યારે મહા મૂંઝવણમાં હતો અને ઈશ્વરની પાસે રસ્તો સુઝાડવાનું માગતો હતો ત્યારે તેણે એ મને બતાવી છે.”

તા. ર૭મી તથા તા. ૩૦મી સપ્ટેમ્બરે ગાંધીજીએ વાઈસરૉયની મુલાકાત લીધી. તેને પરિણામે વાઈસરૉયે તા. ૩૦-૯-’૪૦ના રોજ ગાંધીજીને કાગળ લખ્યો. તેમાં જણાવ્યું કે,

“અતિશય ધ્યાન અને કાળજીથી તમારી દલીલો સાંભળી. અત્યારની પરિસ્થિતિની પણ આપણે સૂક્ષ્મ અને પૂરેપૂરી ચર્ચા કરી. તેને પરિણામે તમારી આગળ એમ સ્પષ્ટ કરવાની મારી ફરજ થઈ પડી છે કે તમે સૂચવો છે એવી છૂટ આપવાનું પગલું હિંદના યુદ્ધપ્રયત્નને અટકાવવામાં પરિણમે, એટલું જ નહીં પણ તેથી ગ્રેટબ્રિટનને લડાઈ ચલાવવાના કામમાં મૂંઝવણ ઊભી થયા વિના ન જ રહે. અને એ ટાળવાને તો કૉંગ્રેસ તેના પોતાના કહેવા મુજબ ખૂબ ઇંતેજાર છે. વળી તમે માગ્યું તેટલું વિશાળ વાણીસ્વાતંત્ર્ય આપવાથી યુદ્ધપયત્નમાં જે ખલેલ પડે તેમાં – ખાસ કરીને લડાઈની આજની મહા કટોકટીની ઘડીએ – સંમત થવું એ હિંદુસ્તાનના પોતાના હિતની દૃષ્ટિએ પણ અશક્ય છે એ દેખીતું છે.”

તે જ તારીખે ગાંધીજીએ તેમને જવાબ આપતાં જણાવ્યું કે,

“તમારા કાગળના છેલ્લા પેરા વિષે તો હું તમને ફરી યાદ અપાવવા ઇચ્છું છું કે, ન મૂંઝવવાના વલણને આત્મનાશની એટલે કે તમામ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને

અટકાવી દેવાની હદ સુધી પહોંચાડવાની ધારણા મૂળથી જ કરી નહોતી. એ બધી પ્રવૃત્તિઓની નેમ હિન્દને શાંતિપરાયણ બનાવવાની તેમ જ એમ બતાવી આપવાની છે કે, હિન્દનું લડાઈમાં ભળવું એ કોઈને — ગ્રેટબ્રિટનને પણ — લાભકર્તા હોઈ શકે નહીં. મારે ફરી કહેવું રહ્યું કે હજીયે કૉંગ્રેસ બ્રિટિશ સરકારને તેના યુદ્ધપ્રયત્નમાં મૂંઝવવા નથી માગતી. પણ માનવ જાતિના ઇતિહાસના આજના કટોકટીને સમયે એ નીતિને અવિચારીપણે વળગી રહીને પોતાના સિદ્ધાંતનો ઇન્કાર કરવાની હદ સુધી કૉંગ્રેસથી ન જ જઈ શકાય. કૉંગ્રેસને મરવું નિર્માયું હશે તો એવી મરણભેટ પણ પોતાની શ્રદ્ધાને જાહેર કરતાં કરતાં જ તેણે કરવી રહી.”

વાઈસરૉય સાથેની મુલાકાતનો કાર્યક્રમ પતી ગયા પછી તા. ૧૧મી ઑક્ટોબરે કારોબારી સમિતિની બેઠક થઈ. સભ્યો સાથે ગાંધીજીને ત્રણ દિવસ સુધી ચર્ચા થઈ. એ ચર્ચા દરમ્યાન ગાંધીજીએ પોતાની સવિનય ભંગની યોજના બધા સભ્યોને સમજાવી. ગાંધીજીનો વિચાર સરકાર સાથે બિનજરૂરી એવાં તમામ ઘર્ષણો ટાળવાનો હતો, તેથી સવિનય ભંગની બાબતમાં પણ તેમણે ઘણી વધારે મર્યાદાઓ રાખી હતી. કારોબારી સમિતિના કેટલાક સભ્યોને આટલી બધી મર્યાદાઓ રાખવા સામે વાંધો હતો. પણ ગાંધીજીનો બહ આગ્રહ હતો એટલે શિસ્તને ખાતર શક્ય તેટલું બધું પાળવાને તેઓ તૈયાર થયા.

સવિનય ભંગની લડત માટે પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબાને પસંદ કર્યા. તેમણે તા. ૧૭મી ઓક્ટોબરે પોતાના પવનાર આશ્રમ આગળ યુદ્ધવિરોધી ભાષણ કરીને કાયદાનો સવિનય ભંગ કર્યો. તેમને પકડવામાં ન આવ્યા. એટલે યુદ્ધવિરાધી ભાષણો કરતાં તેમણે આસપાસનાં ગામડાંમાં ફરવા માંડ્યું. છેવટે તા. ૨૧મી ઓક્ટોબરે સરકારે તેમને પકડ્યા, અને ત્રણ મહિનાની સજા કરી.

બીજા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પડિત જવાહરલાલને પસંદ કર્યા હતા. તેમને મળવા માટે સેવાગ્રામ બોલાવ્યા અને તા. ૭મી નવેમ્બરે તેમણે સત્યાગ્રહ કરવો એમ ઠરાવવામાં આવ્યું. પણ ગાંધીજીને મળીને તેઓ અલ્લાહાબાદ ગયા ત્યાં જ ૩૧મી ઓક્ટોબરે તેમને પકડવામાં આવ્યા. ગાંધીજીને મળવા જતાં પહેલાં તેઓએ લોકોની તૈયારી કેટલી છે તે જાણવા માટે અને તેઓને સૂચનાઓ આપી તૈયાર કરવાને માટે પોતાના પ્રાંતનો પ્રવાસ કર્યો હતો. એ પ્રવાસ દરમ્યાન તેમણે કરેલાં ભાષણોમાંથી એક ભાષણ લઈને તે બદલ તેમને ચાર વરસની સજા કરવામાં આવી.

ગાંધીજીએ બધી પ્રાંતિક સમિતિઓને સૂચના આપી હતી કે, જેમણે સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી કરી હોય તેમનામાંથી સવિનય કાયદાભંગ માટે લાયક ગણાય એવાં નામો પસંદ કરીને પોતાને મોકલવામાં આવે. લાયકાતનું ધોરણ એ રાખવામાં આવ્યું હતું કે, તે રચનાત્મક કાર્યક્રમમાં માનતો હોવો જોઈએ અને નિયમિત કાંતતો હોવો જોઈએ. હિન્દુ હોય તો અસ્પૃશ્યતા તેણે પોતાના જીવનમાંથી કાઢી નાખેલી હોવી જોઈએ. અલબત્ત અહિંસાનું ચુસ્તપણે પાલન કરવાની શરત તો હતી જ. પ્રાંતિક સમિતિએ પસંદ કરેલી વ્યક્તિઓમાંથી ગાંધીજી જેમના નામને બહાલી આપે તેમણે જ સવિનય કાયદાભંગ કરવાનો હતો. ગાંધીજીની બહાલી મળી જાય ત્યાર પછી સત્યાગ્રહીએ પોતાના જિલ્લા મૅજિસ્ટ્રેટને નીચે પ્રમાણે કાગળ લખીને ખબર આપવાની હતી :

જિલ્લા મૅજિસ્ટ્રેટ સાહેબ,
મુ.
“વિનંતી જે મહાત્મા ગાંધીજીએ તેમને સોંપાયેલી સત્યાગ્રહીઓની યાદીમાંથી મારું નામ પસંદ કર્યું છે અને મારી સવડે સત્યાગ્રહ શરૂ કરવાની મને પરવાનગી આપી છે. તેથી આપ સાહેબને જણાવવા રજા લઉં છું કે તા. … ના રોજ … વારે … વાગ્યે … ગામે સત્યાગ્રહ શરૂ કરવાનો મારો ઇરાદો છે. હું ત્યાં જાહેરસભામાં યુદ્ધવિરોધી ભાષણ કરીને, સૂત્રો ઉચ્ચારીને અથવા પત્રિકાઓ લખી અને વહેંચીને યુદ્ધવિરોધી પ્રચાર કરવાનો છું.
સ્થળ :
તારીખ :
સહી
 


યુદ્ધવિરોધી સૂત્રમાં એટલું જ બોલવાનું હતું કે, “આ યુદ્ધમાં બ્રિટિશ સરકારને માણસો અગર નાણાં આપી મદદ કરવી એ હરામ છે.”

તે વખતે ગાંધીજીના દિલમાં અનશન કરવાના વિચારો પણ ઘોળાયા કરતા હતા. સરદારે પોતાના જેલ જવાની તારીખની ખબર આપતો તેમ જ અનશન કરવા માટે આ સમય અનુકૂળ નથી એમ જણાવતો નીચેનો કાગળ ગાંધીજીને તા. ૧૦-૧૧-’૪૨ના રોજ અમદાવાદથી લખ્યો :

“પૂ. બાપુજી,
“આજે સવારે મુંબઈથી અહીં આવ્યો. અહીં ચારપાંચ દિવસનું કામ છે તે પૂરું કરી તા. ૧પમીએ ગણેશપૂજન કરી અઢારમીએ યાત્રા શરૂ કરવાનો ઇરાદો છે. કાલે બધાને મળ્યા પછી એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર પડશે તો એકાદ દિવસનો ફેરફાર કરીશ. બાકી એ દિવસ કાયમ રાખવો છે. મહાદેવ દિલ્હીથી આવે તો તે દિવસે અહીં આવે તો સારું. અહીંનું થોડું વિચારી લેવાનું છે તેમાં પણ કામ આવશે.
“આ પ્રલયકાળમાં અનશનની ઉતાવળ ન કરતાં એ વસ્તુને ખરા સ્વરૂપમાં સમજવા જગતને અનુકૂળ સમય મળવો જોઈએ. આજે જગતમાં લોકો વિકરાળ

પશુનું સ્વરૂપ ધારણ કરી બેઠા છે. એવા વખતમાં બહુ ધીરજ અને ખામોશીની આવશ્યકતા છે.
લિ. સેવક
વલ્લભભાઈના પ્રણામ”
 


સરદારે અઢારમી નવેમ્બરને સોમવારે સાંજના છ વાગ્યે અમદાવાદમાં જાહેર સભા કરી સવિનય કાયદાભંગ કરવો એમ ઠરાવ્યું હતું. તા. ૧૬મીએ અમદાવાદના જિલ્લા મૅજિસ્ટ્રેટને એ બાબતની ખબર આપતો કાગળ તેમણે લખ્યો. તે ઉપરથી ૧૭મીએ રાત્રે પોણા દસ વાગ્યે સી. આઈ. ડી. ના એક અમલદારે આવીને સરદારને વોરંટ આપ્યું કે, હિંદુ સંરક્ષણ ધારાની ૧૨મી કલમ મુજબ તમને પકડવામાં આવે છે અને અત્યારે તમને સાબરમતી જેલમાં લઈ જવાના છે. તૈયારી માટે અરધો કે પોણો કલાક જેટલો જોઈએ તેટલો વખત તેમને આપવાનું અમલદારે કહ્યું. પોલીસની મોટર ખુલ્લી હતી અને સરદારને બપોર પછી તાવ ચડેલા હોવાથી ડૉ. કાનૂગાની બંધ મોટરમાં તેમને સાબરમતી લઈ ગયા. અગિયારના ટકોરે તેઓ જેલમાં પહોંચ્યા. તેમના ઉપર કેસ ન ચલાવતાં તેમને અટકાયતી કેદી તરીકે રાખવામાં આવ્યા. સાબરમતીમાં ત્રણેક દિવસ એકલા લગભગ ચાર ડિગ્રી તાવવાળા રહ્યા. પછી સાબરમતીથી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી ૧૮-૧૨-’૪૦ના રોજ મહાદેવભાઈને એમણે લખેલા કાગળમાંથી ત્યાંના જીવનની કેટલીક હકીકત જાણવા મળે છે :

“આજે એક માસ પૂરો થયો. તમે એક મહિના પર મળી ગયા હતા. મારો કાગળ સાબરમતીથી લખેલો તમને મળ્યો કે નહી તે ખબર ન પડી. … પહેલાં તો કાગળો મળવામાં બહુ ગરબડ થતી હતી. હવે કંઈક ઠેકાણે પડ્યું હશે એમ ધારું છું. હજી અમારા કાગળ ડી. આઈ. જી. સી. આઈ. ડી. મારફત જ આવે છે અને જુએ છે. એટલે વાર થાય છે. પણ આશા છે કે થોડા વખતમાં ઠેકાણું પડશે.
“પેલા ઐતિહાસિક આંબાના વૃક્ષ નીચે બાપુનો ખાટલો હતો ત્યાં ખાટલો નાખી પડ્યો છું. અને એની બાજુમાં રાતે આકાશ નીચે પડ્યો પડ્યો તારાઓ જોયા કરું છું. જ્યાં બાપુએ યરવડા મંદિર બનાવ્યું હતું અને જ્યાં અનશન આદરેલું અને પૂના પૅકેટ સહી થયેલું ત્યાં આવી પડ્યો છું. બાપુની સ્નાન કરવાની કોટડી હતી એ કોટડી લીધી છે. મને કોઈ દિવસ સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મારે ફરીથી આ પુણ્યભૂમિમાં આવીને રહેવાનું થવાનું હશે. પણ ઈશ્વરની ગતિ અકળ છે. આપણે રાતદિવસ અહીં સાથે હતા તેનાં જૂનાં ચિત્રો આંખ આગળ વારંવાર ખડાં થાય છે.
“આ વખતે મંડળી જુદા પ્રકારની છે એટલે એ રસનો સ્વાદ ચાખ્યો હોય તે જ જાણે એવું છે. છતાં તુલસી આ સંસારમાં ભાત ભાતકે લોક, સબસે હિલમિલ ચાલિયે નદી નાવ સંજોગ — એવું સમજી ચલાવીએ છીએ.

“અહીં બાળા સાહેબ, મંગળદાસ, અને હું ત્રણ મળી નિયમિત કાંતવાની ક્લબ કાઢી બેઠા છીએ, પણ હવે ગઈ વખતના જેટલું કાંતવાનું બનતું નથી. કારણ કે હવે શરીર એટલું કામ આપવાની ના પાડે છે.
“બાકી તો બધાંની ખાવાપીવાની બરાબર સંભાળ રાખું છું. આઠ જણ ભેળા થયા છીએ. મુંબઈના છ માજી પ્રધાન, એક કાઉન્સિલના પ્રમુખ અને એક સેન્ટ્રલ ધારાસભાના opposition લીડર (ભૂલાભાઈ) એટલા ભેળા પડ્યા છીએ. એટલે અમારો સંસાર ઠીક ચાલી રહ્યો છે. ઈશ્વરકૃપાથી બધાંની તબિયત સારી રહે છે.”

છતાં મુલાકાતો વિષે મુશ્કેલી હતી તે નીચેના ર૭-૧-’૪૧ના કાગળ પરથી જણાય છે :

“તમે મળવા માગો છો એને વિશે રજા મેળવવા ડાહ્યાભાઈએ કાગળ સુપરિન્ટેન્ડેન્ટને લખેલો. પણ અમારી મુલાકાતનો નિર્ણય તો સી. આઈ. ડી. નો વડો જેને ડી. આઈ. જી. કહે છે તેના હાથમાં છે. એની સાથે પત્રવ્યવહાર ચાલતો હશે. એનું છેવટ હજી કઈ આવ્યું નથી. એટલે આ પખવાડિયાની મુલાકાત પડી. તમને રજા નહીં મળે તો હું મુલાકાત લેવાનું બિલકુલ બંધ કરવાનો છું. તમારે મળવાનું શું કારણ છે એ જાણવા માગે છે. એનો અર્થ એ કે દરેક વખતે જે કોઈ પણ મિત્ર કે સંબંધી મળવા માગે તો પેલાને લખવું અને એ પછી ઈચ્છામાં આવે તો રજા આપે. સગાઓને મળવાની રજા સુપરિન્ટેન્ડેટ આપી શકે. એટલો અધિકાર હવે એને આપ્યો છે. પણ મારા તો સગા જ મારી જિંદગીના સાથી રહ્યા, અથવા સગા કરતાં પણ એ વધારે. તેને મળવામાં વાંધો આવે તો બીજાઓને મળીને શું કરવું ? બાપુની તબિયત સારી હશે. વળી છાપામાં પાછા એમના અપવાસ વિશે વાત આવી એટલે એ તો ભય હજી ઊભા જ રહ્યો છે.”

બાપુજી ઉપરનો તા. ૨૩–૪–’૪૧ના કાગળ પણ નીચે આપ્યો છે :

“પૂ. બાપુ,
“મહાદેવ સાથે આપે મોકલેલો કાગળ ગઈ કાલે મળ્યો. મારા કાગળ સીધા અહીંથી મળતા નથી. એ તો છૂપી પોલીસનો વડો સેન્સર કરીને પછી મોકલે ત્યારે મળે એટલે એક ગઈ કાલે મળ્યો. અક્ષર જોઈને જ બધાને ખૂબ આનંદ થયો. ઘણે લાંબે વખતે હસ્તાક્ષર જોવાના મળ્યા એટલે મળ્યા જેટલો જ આનંદ થયો. હું લખવાનો વિચાર ઘણા વખતથી કરતો હતો, પણ તમારા ઉપર એટલે બધા કામનો બોજો છે તેમાં વધારો કરવાના ડરથી મહાદેવને જ લખીને સંતોષ માનતો હતો. મહાદેવને પણ લખવાનું માંડી વાળ્યું હતું. કારણ તો મહાદેવ જાણે છે. આ વખતે અઠવાડિયે બે કાગળ લખવાની રજા છે, પણ તે બે કાગળ વખતસર મળે નહી અને એક કાગળની અંદર બીજા કોઈ ને જુદી કાપલી પણ ન લખી શકાય, એટલે કાગળ લખવાની કંઈ ઇચ્છા પણ થતી નથી. ડાહ્યાભાઈને લખુંં તો સાથે બાબાને કે એની વહુને પણ લખાય નહીં અને લખું તો એ કાગળ ગણાય એવા નિયમો હોવાથી અને વખતસર કાગળો ન મળવાથી એ છૂટ બહુ ઉપયોગી નથી. મુલાકાતમાં પણ આ વખત બહુ મુશ્કેલી છે, એટલે એમાં પણ જેલનો વડો કંઈ કરી શકે નહીં. સરકારની રજા મેળવવી જોઈએ અને એ

મેળવવામાં કેટલી મુશ્કેલી પડે છે એ તો મહાદેવને ખબર છે. પણ આ બધું મને કોઈ રીતે મૂંઝવી શકે એમ નથી એ તો તમે જાણો છો.
“મહાદેવ ને દેવદાસ મળી ગયા એથી ખૂબ જ આનંદ થયો.

“હું તો પેલા આંબા તળે લગભગ રાતદિવસ રહું છું. દિવસના માત્ર તાપ થાય ત્યારે કોટડીમાં થોડો વખત ભરાવું પડે. બાકી તો ત્યાં જ રાતદિવસ ગાળું છું. એટલે નિરંતર આપનું સ્મરણ અને એ વખતનાં જૂનાં ચિત્રો આંખ આગળ તરી રહે છે. કાંતવાનું પણ ઠીક ચાલી રહ્યું છે. હવે ભૂલાભાઈ નિયમિત અરધો કલાક કાંતે છે. અમે દોઢબે કલાક રોજ કાંતીએ છીએ. પણ હવે મારે જમણે હાથે કોણીના ઢેકા પર દુખાવો લાગુ છે એટલે ડાબે હાથે કાંતતાં શીખવું છે. એથી ડાબા હાથે કાંતવા માટેનું રેંટિયાનું મોઢિયું જોઈએ છે તે મોકલી આપો.
“છાપાં ઠીક મળે છે એટલે ઠીક ઠીક ખબરો મળે છે. અને હવે તો ‘હરિજન’ ચાલુ થવાનું એટલે એના ઉતારા તો છાપામાંથી જોવાના મળશે જ અને એ પણ મળવાની આશા તો છે જ.
“અમારી ચિંતા કરશો નહીં. અમે વખતનો ઠીક ઉપયોગ કરીએ છીએ. બાકી તો દુનિયાનો પ્રલયકાળ આવ્યો હોય એ રીતે જે સંહાર થઈ રહ્યો છે એ જોતાં ગીતાજીના અગિયારમા અધ્યાયના વિરાટ સ્વરૂપનું રાતદિવસ સ્મરણ થાય છે.”

આપણા દેશમાં ચાલેલી સત્યાગ્રહની બધી લડતોમાં આ લડત બહુ જ વ્યવસ્થિત અને શાંતિમય હતી. તેનું એક કારણ તો એ હતું કે તેમાં બ્રિટિશ સરકારને પજવણી અથવા મૂંઝવણ ન થાય એ જોવાની ખાસ કાળજી રાખવામાં આવી હતી. કૉંગ્રેસને આ યુદ્ધમાં ચોખ્ખો વિરોધ છે અને કશો સાથ નથી એ દુનિયાને બતાવવા માટે આ લડત એક પ્રતીકરૂપે હતી. બીજી વસ્તુ એ હતી કે, આ લડતમાં બધો વખત ગાંધીજી બહાર હતા અને સત્યાગ્રહીઓની પસંદગી ઉપર તેમનો સીધો અંકુશ રહેતો હતો. એ રીતે તેઓ જ લડતનું પ્રત્યક્ષ સંચાલન કરતા હતા. અમલદારોને પણ અગવડ ન પડે એટલા માટે, ધાર્મિક તહેવારના દિવસોએ તથા રવિવારની રજાને દિવસે સત્યાગ્રહ બંધ રાખવામાં આવતો. કેટલાક સત્યાગ્રહીઓને યુદ્ધવિરોધી પોકારો કરવા છતાં સરકાર પકડતી નહીં. તેમને એવી સૂચના આપવામાં આવતી કે તેઓ એક ગામથી બીજે ગામ ફરતા ફરતા દિલ્હી તરફ કૂચ કરે. રસ્તામાં યુદ્ધવિરોધી સૂત્રો પાકારે તથા રેટિયો ચલાવે, બીજાને શીખવે અને ખાદીનો પ્રચાર કરે. જેલમાં પણ અટકાયતી તેમ જ સજા પામેલા કેદીઓમાંનો મોટો ભાગ પીંજવા તથા કાંતવામાં ઘણી વખત ગાળતો, તેથી આ લડત દરમ્યાન ખાદીકામને બહુ જ વેગ મળ્યો. મિલનું કાપડ લશ્કરી સિપાઈઓ માટે જતું હોઈ, દેશમાં મિલના કાપડની તંગી બહુ વર્તાવા લાગી હતી. તે કારણે પણ ખાદીની વપરાશ તથા કાંતણપ્રવૃત્તિને વેગ મળ્યો હતો. સરદારે પણ જેલ દરમ્યાન સારી પેઠે કાંત્યું.

૧૯૪૧ના એપ્રિલમાં જે વખતે સરદાર યરવડા જેલમાં હતા ત્યારે અમદાવાદમાં હિંદુમુસ્લિમ રમખાણ ફાટી નીકળ્યાં તેની અહીં નોંધ લેવી જોઈએ. એ રમખાણોને લીધે અને ચોમાસામાં રેલની આફત આવી તેને લીધે ગુજરાતમાં વ્યક્તિગત સવિનય ભંગ મેથી ઑક્ટોબર સુધી મુલતવી રાખવો પડ્યો હતો. તે અરસામાં દેશમાં ઘણાં સ્થળોએ ફાટી નીકળેલાં હિંદુમુસ્લિમ રમખાણોનું આ રમખાણોને એક અંગ ગણી શકાય. એવી સખત લોકવાયકા હતી કે, કેટલાક ગોરા અમલદારોનો મુસલમાન કોમનાં તોફાની તત્ત્વોને ઉશ્કેરવામાં હાથ હતો. તોફાનોમાં નુકસાન તો ઓછાવત્તા પ્રમાણમાં બંને કોમોને થતું. અમદાવાદમાં હિંદુઓને વધારે વેઠવું પડ્યું હતું. એકંદરે જોતાં તેઓ ડરી પણ ગયા હતા. મુસલમાન લત્તાની નજીકમાં રહેતા સંખ્યાબંધ હિંદુઓ ઘરબાર ખાલી કરી પરગામ અથવા બીજા લત્તામાં રહેવા ચાલ્યા ગયા હતા. ઘણાઓએ પોલીસનું રક્ષણ શોધ્યું પણ તે સલામતીની ધીરજ રહે એટલા પ્રમાણમાં ન મળ્યું. હિંદુમુસ્લિમ સંપની ખ્યાતિવાળા અમદાવાદે આ રમખાણોમાં પોતાની ઈજ્જત ગુમાવી. તેથી જેલમાં સરદારને બહુ દુઃખ થયું. તે મહાદેવભાઈ ઉપર તા. ૧૧-૫-’૪૧ના રોજ લખેલ નીચેના કાગળ પરથી જણાઈ આવે છે :

યરવડા મંદિર,
૧૧-૫-’૪૧
 

“પ્રિય ભાઈ મહાદેવ,

“આપણા માણસો કેમ આમ ભાન ભૂલી ગયા અને છેક જ ડરી ગયા એ હું સમજી જ શકતો નથી. … સામાન્ય લોકો આટલા ડરી ગયા એનું કારણ આપણા માણસો ઘરમાં ભરાઈ ગયા એ જ લાગે છે. પણ તમને તો બધી ખરી હકીકત મળી જ હશે. જે થયું હોય એ તો થયું. એ ઢોળાઈ ગયેલા દૂધ પાછળ રડવામાં શું વળે ? માટે ભવિષ્યનો વિચાર કરી રસ્તો કરવો જોઈએ. આગળ કઠણ વખત આવી રહ્યો છે. જેની સાથે લડવા નીકળ્યા એની (એટલે કે સરકારની) મદદની આશા રાખવી એ મૂર્ખાઈ જ ગણાય. આ બાબત તમે ત્યાં કંઈક વિચાર્યું તો હશે જ.
“મુંબઈનો મામલો પણ હજુ ધૂંધવાતો લાગે છે. પટણામાં હવે શમી ગયું હશે. આ તો આભ ફાટ્યો છે. આ પણ ભય હતો તે આગળ આવ્યો છે, ઈશ્વરે ધાર્યું હશે તે થશે.

લિ.
વલ્લભભાઈના વંદે માતરમ્”

 

બહાર આવ્યા પછી અમદાવાદ જિલ્લાના કાર્યકર્તાઓ આગળ કૉંગ્રેસ હાઉસમાં તેમણે કાઢેલા નીચેના ઉદ્‌ગારો ઉપરથી આ દુઃખનો ખ્યાલ આવે છે :

“હું અમદાવાદમાંથી ગયો તે વખતનું અમદાવાદ આજે નથી. અહી હુલ્લડ થયાં એમાં કેવળ નિર્દોષ માણસો માર્યાં ગયાં. કેટલાકની મિલકત નાશ પામી. છતાં મને વધુ દુઃખ એ વાતનું થયું છે કે, આપણી ઇજ્જત ગઈ. ધન તો ફરીથી મળી શકે છે. થોડાંએક મકાનો બળી ગયાં, થોડાં બજાર બળી ગયાં, એ તો બધાં કાલે ઊભાં થશે. થોડા ભિખારી પણ થયા. એમ તો હિંદુસ્તાનમાં ભિખારીઓની ખોટ નથી. પણ આબરૂ ગઈ, ઈજ્જત ગઈ એ ખોટ ભરપાઈ થઈ શકે એમ નથી. આપણી પ્રતિષ્ઠા હતી કે, આ તો વેપારીઓનું, સુલેહશાંતિનું શહેર છે. ત્યાં આ બન્યું જાણીને મને જેલમાં ખૂબ દુઃખ થયું. આનું કારણ પોલીસનું રક્ષણ માગવાની આપણી આદત. આપણા જેટલા નિર્દોષ મર્યા એના કરતાં અડધા માણસો સામા થઈને મર્યા હોત તો ઠીક હતું. હવે રક્ષણનો ઇલમ શીખી લેવો જોઈએ.
“પણ તમે તો ભીંત ભૂલ્યા ને તોફાનની તપાસ માગી. અરે, કોઈ દિવસ ખૂની પોતાનો મુકદમો ચલાવીને ફાંસીએ લટકતો હશે ખરો ? એ શું તપાસ કરે ? પણ ભૂલમાંથી આપણે પાઠ શીખવો જોઈએ, ગયેલી આબરૂ પાછી મેળવવી જોઈએ.

બીજે દિવસે અમદાવાદમાં જાહેરસભામાં ભાષણ આપતાં કહ્યું :

“આ શહેરમાં તોફાન થયું અને બજારમાં ધોળે દહાડે મકાન સળગાવવામાં આવ્યાં. દુકાનો લૂંટાવાના અવાજ મારે કાને પડ્યા. તેથી મને જે દુઃખ થયું એનો ઘા હજી રુઝાયો નથી. એ દુઃખ હું જીરવી નથી શકતો. હજી એમાંથી છૂટ્યો નથી … તમને એકદમ શું સૂઝ્યું કે એકબીજાનાં ગળાં કાપવા બેઠા ? ઓએક નિર્દોષ માણસો કમોતે મરી ગયા તેને બદલે દસ માણસો હિંમતપૂર્વક મરી ગયા હોત તો આ કદી ન બનત. મારે તમને કહેવું જોઈએ કે, ગાંધીજીને આથી ખૂબ દુઃખ થયું છે. અમદાવાદે એની હાંસી કરાવી છે.
“બધા પાછા સરકારની પાસે ગયા અને કહ્યું કે આ કોણે કર્યું તેની તપાસ કરો. ખૂની કોઈ દિવસ કોણે ખૂન કર્યું એની તપાસ કરતો હશે ?
“ભવિષ્યમાં કોઈ દહાડો તમે નાસતા નહીં, મુકાબલો કરજો. એ બધી દુનિયા કરે છે. એથી આગળ ગાંધીજીનો સત્યાગ્રહનો માર્ગ પણ છે. હિન્દુ હોય કે મુસલમાન, સામી છાતીએ મરો, પણ અહિંસાનું બહાનું ન કાઢો. આ તોફાનોમાં તો અહિંસાનું નામનિશાન નહોતું. અહિંસાને આપણે કાયરતાનું ઢાંકણ બનાવ્યું હતું.”

જેલમાં સરદારની તબિયત ખૂબ જ લથડી. આંતરડાં ગૂંચળું વળી જઈને કોઈ કોઈ વાર ઉપર ચડી જતાં હતાં. પેટ ઉપર નરી આંખે તે જોઈ શકાતું હતું. તે વખતે પીડા પણ બહુ થતી. સરકારને લાગ્યું કે ઑપરેશન વિના એનો બીજો ઈલાજ નથી, અને ઑપરેશન જોખમકારક હતું. એટલે એ જવાબદારી લેવાને બદલે તા. ર૦મી ઓગસ્ટે સરકારે એમને છોડી મૂક્યા. એ ખબર મળતાં જ તા. ૨૧મીએ ગાંધીજીએ તેમને નીચેનો કાગળ લખ્યો :

“મને તો ધાસ્તી હતી જ કે તમે છૂટવાના. એ કરે પણ શું ? હવે તો સાવ સારા થઈને જ કામે ચડજો. કામ તો ઘણુંય છે. ઑપરેશન થઈ ગયા વિના મને ચેન નહીં પડે. ખબર બરાબર અપાવતા રહેજો. મારા કાગળ તેઓ તમને આપતા ખરા ?”

પણ મુંબઈના દાક્તરોનું ઑપરેશનું કરવાનું ધ્યાન ન પહોંચ્યું. થોડા દિવસ ઍલોપથી દવા લીધા પછી હોમિયોપથી શરૂ કરી.

ગાંધીજી તેમને સેવાગ્રામ બોલાવતા હતા અને પોતાની ‘હોસ્પિટલ’માં દાખલ થવાની એટલે કે પોતાની દેખરેખ નીચે પોતાના કુદરતી ઉપચારો કરવાનો આગ્રહ કરતા હતા. તા. ૨૨-૯-’૪૧ને રોજ તેમણે સરદારને કાગળમાં લખ્યું છે કે,

“તમારું ગાડું હજી ચીલે નથી ચડ્યું જણાતું. પંદર દિવસમાં નિશ્ચયપૂર્વક ન કહી શકાય તો અહીં આવો એમ ઇચ્છું છું. જો આવવા જવા જેવી સ્થિતિ થઈ હોય તો થોડા દિવસ રહી જાઓ એ પણ ઠીક હોય. જેમ તમને રુચે તેમ કરજો, રાજેન્દ્રબાબુ રોજ સારા થતા જાય છે. હવે રોજ આવે છે.”

સરદાર નાશિક જવાનો વિચાર કરતા હતા એટલે તા. ૨૫-૯-’૪૧ના કાગળમાં ગાંધીજી લખે છે :

“તમારી તબિયત વિષે હોમિયોપથી માગે તેટલો મર્યાદિત વખત તેને ભલે આપો. હજીરાના પાણીની ખ્યાતિ તો સાંભળી છે. દેવલાલીની મને ખબર નથી. હજીરા માફક આવવાનો સંભવ છે ખરો. બાકી નૈસર્ગિક ઉપચાર તો છે જ. પણ પ્રથમ આપણે થોડું ઘણું મળી તો લઈએ જ.”

હોમિયોપથીથી ખાસ ફાયદો ન થયો એટલે સરદાર ઑક્ટોબરમાં નાશિક ગયા. ત્યાં થોડા દિવસ વૈદ્યની દવા કરી. ત્યાં થોડા દિવસ રહ્યા, પછી છેવટે વીસમી ઓક્ટોબરે વર્ધા જઈ ગાંધીજીની ‘હોસ્પિટલ’ માં દાખલ થયા. ગાંધીજીના કુદરતી ઉપચારોથી થોડોઘણો ફાયદો થયો. પણ તે વખતે મામલો એવો કટોકટીનો હતો કે, એક સ્થળે લાંબો વખત રહેવું સરદારને પોસાય તેમ નહોતું. એટલે પહેલી ડિસેમ્બરે તેમણે વર્ધા છોડ્યું. ત્રીજી ડિસેમ્બરે સરકારે બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂક્યા એટલે આગળ શું કરવું એનો વિચાર કરવા તા. ૨૩મી ડિસેમ્બરે બારડોલીમાં કારોબારી સમિતિની બેઠક થઈ. એ બેઠક સાત દિવસ ચાલી. પછી જાન્યુઆરીની અધવચમાં વર્ધામાં મહાસમિતિની બેઠક થઈ. તબિયત બરાબર ન હોવા છતાં સરદાર આ બધે રખડપાટ કર્યા જ કરતા હતા. ગાંધીજીનો આગ્રહ તો હતો જ કે તમારે પ્રથમ તબિયત બરાબર કરી લેવી જોઈએ. એટલે જાન્યુઆરીની આખરમાં, સુરતની પાસેના દરિયાકિનારા ઉપરના હજીરા સ્થળે હવાફેર માટે ગયા. ત્યાં ખોરાકના પ્રયોગો તથા મસાજ વગેરેના ઉપચારો કર્યા. તા. ૭-૨-’૪રના રોજના કાગળમાં ગાંધીજી લખે છે :

“તમારું આંતરડાંનું ગૂંચળુ કેવળ ખોરાકની યોગ્ય પસંદગીથી જવાનું જ છે એવો વિશ્વાસ કરજો. પાયખાને બેસતાં જરાય તાણ ન કરવી જોઈએ.”

હજીરા રહ્યા તે દરમ્યાન સરદારે સુરત રાષ્ટ્રીય કેળવણી મંડળનું એક બહુ જૂનું કામ પતાવી નાખ્યું. આ જીવનચરિત્રના પહેલા પુસ્તકના અઢારમાં પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે સુરત મ્યુનિસિપાલિટીએ કેળવણીની બાબતમાં સરકાર સાથે ૧૯૨૧માં અસહકાર કર્યો અને પોતાની શાળાઓ રાષ્ટ્રીય કેળવણી મંડળને સોંપી તથા તેને લગભગ એક લાખ આઠ હજારની મદદ મ્યુનિસિપલ ફંડમાંથી આપી. એ કૃત્યને ગેરકાયદે ગણી મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો ઉપર સરકારે એટલી રકમનો દાવો માંડ્યો હતો. કોર્ટે એ રકમમાંથી ફક્ત ચાળીસ હજારની રકમ ગેરકાયદે અપાયેલી છે એમ ઠરાવી રૂપિયા ચાળીસ હજારનું હુકમનામું મ્યુનિસિપાલિટીના અસહકારી સભ્યો ઉપર કર્યું હતું. સુરતના રાષ્ટ્રીય કેળવણી મંડળને ખાતે એટલી રકમનું દેવું ખેંચાતું હતું. પણ તેની પાસે થોડીક જમીન હતી તેના ભાવ લડાઈને લીધે વધ્યા હતા. રાષ્ટ્રીય કેળવણી મંડળના બીજા ટ્રસ્ટીઓની સંમતિ લઈને સરદારે એ જમીન વેચી નાખી અને દેવું પતાવી દીધું.

તેઓ હજીરા હતા ત્યાં એમને જમનાલાલજીના અવસાનના સમાચાર મળ્યા. એટલે મહાદેવભાઈને નીચેનો કાગળ તા. ૧૨- ૨-’૪રની રોજ લખી તેમાં પોતાનું દુઃખ ઠાલવ્યું અને જમનાલાલને અંજલિ આપી :

“તમારો તાર હમણાં ત્રણ વાગ્યે મળ્યો. એ વાંચી અમે તો સ્તબ્ધ જ થઈ ગયા. હું હમણાં જ વર્ધાથી આવ્યો ત્યારે મને વચન આપ્યું હતું કે ૧૫મી ફેબ્રુઆરીએ એમનું વ્રત ગાડીમાં કે મોટરમાં ન બેસવાનું પૂરું થાય છે. તો તે પૂરું થયા પછી થોડા દિવસ મારી સાથે આવીને હજીરા રહેશે. મરણ તો બહુ જ સારું. પણ કહેવત છે સો મરજો પણ સોના પાળનાર ન મરજો. આ તો અનેકને પાળનાર ગયો. આજે કેટલાય આ દેશમાં અનેક સ્થળે, અનેક ક્ષેત્રમાં કામ કરનારા મૂંગા સેવકો છૂપાં આંસુ સારશે. બાપુનો સાચો પુત્ર ગયો. જાનકીદેવીને માથેથી છત્ર ગયું. કુટુંબને માથેથી ઢાંકણ ગયું. દેશનો વફાદાર સેવક ગયો. કૉંગ્રેસનો સ્થંભ તૂટી પડ્યો. અનેકનો મિત્ર અને અનેક સંસ્થાઓનો પોષક ગયો. અને આપણો તો સગો ભાઈ ગયો. મને તો સૂનું સૂનું લાગે છે. ગોપુરીનો આત્મા જ ઊડી ગયો અને ગરીબ બિચારી ગાયનો સાચો સાથી, બાકીની જિંદગી એને જ અર્પણ કરનાર આમ એકદમ ચાલી ગયો.
“ઈશ્વર આપણને એમણે અધૂરાં મૂકેલાં કામનો બોજા ઉપાડવાનું બળ આપે.”

હજીરામાં લગભગ સવા મહિનો રહ્યા એટલામાં તો રાજદ્વારી મામલો એટલો બધો ઉગ્ર થઈ ગયો હતો કે, એ એકાંત સ્થળ છોડ્યા વિના તેમની આગળ બીજો છૂટકો જ ન રહ્યો. માર્ચની શરૂઆતમાં હજીરા છોડ્યું. એટલે તા. ૭–૩–’૪૨ના રોજ ગાંધીજીએ વળી લખ્યું : “ગમે ત્યાં ફરો પણ આરામના, સ્નાનના અને ખાવાના વખત સાચવજો. વાઈસરૉય આ બધું સાચવે છે તો આપણે કેમ નહીં ?” પરંતુ સરદાર રખડવાનું ચાલુ જ રાખતા અને તેમાં બધી સગવડો ન પણ સચવાતી. એટલે ગાંધીજીએ તા. ૧૩–૪–’૪૨ના કાગળમાં ચેતવણી આપી : “આંતરડાં હજી ઠેકાણે નથી પડતાં એમાં નવાઈ નથી. એને લાંબો આરામ જોઈએ છે જ.” પણ સરદારની ફિલસૂફી જુદી હતી. ‘લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ સાચવ કર્યાં કરવું તેના કરતાં કામ કરતા કરતા થોડાં વરસ વહેલા મરી જવાય તો શું થઈ ગયું ?’ એમ તેઓ ઘણી વાર કહેતા.