સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

← વ્યક્તિગત સવિનયભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે
નરહરિ પરીખ
ક્રિપ્સ વિષ્ટિ →


૩૨
યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે

વ્યક્તિગત સવિનય ભંગની લડત ચાલતી હતી તે દરમ્યાન આખા વિશ્વયુદ્ધ ઉપર બહુ જ મોટી અસર પાડનારો એક બનાવ બન્યો તેની નોંધ લેવી જોઈએ. તા. ૨૨મી જૂન, ૧૯૪૧ના રોજ રશિયા ઉપર જર્મનીએ ચડાઈ કરી. હિટલરનું કહેવું એમ હતું કે, પંદરસોથી બે હજાર માઈલની સરહદ ઉપર રશિયાએ લશ્કરની જમાવટ કરી હોવાથી, અમારા રક્ષણની ખાતર અમારે રશિયા ઉપર ચડાઈ કરવાની જરૂર હતી. જર્મનીનો ધસારો એટલો જબ્બર હતો કે, તે વખતે તો રશિયાને પીછેહઠ કરવી પડી. એની રાજધાનીનું મથક પણ મૉસ્કોથી બદલી એને વધારે અંદરના ભાગમાં લઈ જવું પડ્યું. આ સ્થિતિમાં આપણા દેશમાં જુદા જુદા રાજદ્વારી પક્ષના માણસો જુદી જુદી રીતે વિચાર કરવા લાગ્યા. કોમ્યુનિસ્ટો, જેઓ આજ સુધી આ યુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધ કહેતા હતા, તેઓ રશિયા જર્મની સામે પડ્યું એટલે તેને લોકયુદ્ધ કહેવા લાગ્યા અને મિત્રરાજ્યોને આપણે પૂરેપૂરી મદદ કરવી જોઈએ એવો પ્રચાર કરવા લાગ્યા. ત્યારે બીજા, જેઓના દિલમાં બ્રિટન પ્રત્યે અભાવ હતો તેઓ ગાંધીજીને સૂચવવા લાગ્યા કે, આ ખરેખરી તક છે અને અત્યારે વ્યક્તિગત સવિનય ભંગને બદલે બહુ જ મોટા પાયા ઉપર સામુદાયિક સવિનય ભંગ તમારે શરૂ કરવો જોઈએ. પણ દુશ્મનની ભીડનો ખોટો લાભ લેવો એ તો ગાંધીજીના સત્યાગ્રહી સ્વભાવને જરા પણ રુચે એમ હતું જ નહીં. કેટલાકે તો એવી પણ સૂચના કરી કે અત્યારે વડી ધારાસભાના સઘળા કૉંગ્રેસી સભ્યોએ રાજીનામાં આપવાં જોઈએ અને યુદ્ધવિરોધના મુદ્દા ઉપર ફરી ચૂંટણી લડીને પ્રજામત યુદ્ધના વિરોધમાં છે એવું દુનિયા આગળ આપણે પુરવાર કરી આપવું જોઈએ. આ બધી વસ્તુઓનો વિચાર કરવા માટે તા. ૧૯મી ઑક્ટોબરે જેઓ જેલમાં નહોતા એવા કેટલાક નેતાઓ વર્ધામાં એકઠા થયા. કૉંગ્રેસની કારોબારી સમિતિના અગિયાર સભ્યો તે વખતે બહાર હતા. તેમાંના શ્રી ભૂલાભાઈ દેસાઈએ ગાંધીજી આગળ ખૂબ દલીલ કરી કે હવે આપણે સવિનય ભંગ બંધ કરવો જોઈએ. કારણ યુદ્ધ આપણા દેશની નજીક આવતું જાય છે તે વખતે કૉંગ્રેસના સઘળા નેતાઓ અને કાર્યકર્તાઓ બહાર છૂટા હોય એ જરૂરનું છે. વર્ધામાં જે વખતે આ ચર્ચાઓ ચાલતી હતી તે જ વખતે વાઈસરૉયે પોતાની વિસ્તૃત કારોબારી સમિતિની રચના કરી. સ્વાભાવિક રીતે જ તેમાં કૉંગ્રેસ વિરોધી સભ્યો દાખલ થયા. ગાંધીજી ઉપર આ દલીલોની કે આ સૂચનાઓની કશી અસર થઈ નહીં અને તા. ર૧મી ઑક્ટોબરે તેમણે ભારપૂર્વક જાહેર કર્યું કે, છૂટેલા સત્યાગ્રહીએ છૂટવાની તારીખથી એક અઠવાડિયાની અંદર ફરી સત્યાગ્રહ કરવા.

થોડા વખત પછી હિંદ સરકાર તરફથી છાપાંજોગી એક નીચેની યાદી બહાર પડી :

“હિંદુસ્તાનનો તમામ જવાબદાર લોકમત આપણી જીત થતાં સુધી યુદ્ધપ્રયત્નમાં મદદ કરવાને દૃઢ નિશ્ચયવાન છે, એવી હિંદ સરકારને ખાતરી હોવાથી, તે એવા નિર્ણય ઉપર આવી છે કે, સવિનય કાચદાભંગ કરનારા જે કેદીઓનો ગુનો માત્ર ઔપચારિક અથવા તો પ્રતીકરૂપ હોય તેમને છોડી મૂકવા. આમાં ૫. જવાહરલાલ નેહરુ તથા મૌલાના અબુલ કલામ આઝાદનો પણ સમાવેશ થાય છે.”

તા. ૩–૪ ડિસેમ્બરે બધા કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. એ વિષે ગાંધીજીએ કહ્યું કે,

“કેદીઓને છોડ્યા પહેલાં મેં જે કહ્યું હતું તે જ વસ્તુ છોડ્યા પછી પણ કહું છું કે મને લાગેવળગે છે ત્યાં સુધી સત્યાગ્રહી કેદીઓની મુક્તિથી મારા હૃદયમાં સરકાર પ્રત્યે કદરદાનીનો એકે સૂર ઊઠતો નથી. પરંતુ હવે કૉંગ્રેસના પ્રમુખ બહાર આવ્યા છે એટલે તેમણે કૉંગ્રેસની કારોબારી સમિતિની અથવા તો મહાસમિતિની બેઠક બોલાવીને ભવિષ્યમાં કૉંગ્રેસે કયો માર્ગ કરવો એ નક્કી કરવું જોઈએ. દરમ્યાન સવિનય કાયદાભંગની પ્રવૃત્તિ કશાય અંતરાય વિના ચાલુ રહેવી જોઈએ. માત્ર કારોબારી તથા મહાસમિતિના સભ્યોએ તેમ જ જેઓ મુંબઈની મહાસમિતિને ઠરાવ ફેરવવાના વિચારના હોય તેમણે મહાસમિતિની બેઠક મળે ત્યાં સુધી સવિનય કાયદાભંગ ન કરવો.

ગાંધીજી ૧૯૩૪માં વર્ધા રહેવા ગયા ત્યાર પછી દર વરસે લગભગ એક મહિનો તેઓ ગુજરાતમાં રહે એવી સરદારે તેમની સાથે ગોઠવણ કરી હતી. આ મહિના દરમ્યાન ગુજરાતના બધા કાર્યકર્તાઓ ગાંધીજીને મળે અને પોતાની શંકાઓ તથા મુશ્કેલીઓ વિષે ગાંધીજીની દોરવણી મેળવે એવી વ્યવસ્થા સરદાર કરતા. એ પ્રમાણે તા. ૧૧મી ડિસેમ્બરથી ૧૦મી જાન્યુઆરી સુધી ગાંધીજી બારડોલી આવીને રહ્યા હતા. એટલે કારોબારી સમિતિની બેઠક તા. ર૩મી ડિસેમ્બરે બારડોલીમાં લાવવામાં આવી. બેઠક સાત દિવસ ચાલી. તેમાં ખૂબ ચર્ચાઓ થઈ. એને અંતે ૧૯૪૦ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે મુંબઈની મહાસમિતિમાં પસાર થયેલો ઠરાવ કાયમ રાખવામાં આવ્યો. પરંતુ ચર્ચા દરમ્યાન માલૂમ પડ્યું કે, એ ઠરાવના અર્થગ્રહણ વિષે કારોબારી સમિતિના સભ્યોમાં મતભેદ પ્રવર્તતો હતો. તે ઉપરથી તા. ૩૦મીએ ગાંધીજીએ કૉંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના સાહેબને નીચેનો કાગળ લખ્યો :

“કારોબારી સમિતિમાં થયેલી ચર્ચા દરમ્યાન મને જણાઈ આવ્યું છે કે, મુંબઈના ઠરાવનો અર્થ કરવામાં મેં ભારે ભૂલ કરી હતી. મેં તેનો એવો અર્થ કર્યો હતો કે કૉંગ્રેસ મુખ્યત્વે અહિંસાના કારણસર અત્યારના તેમ જ બીજા તમામ યુદ્ધમાં ભાગ લેવાની ના પાડતી હતી. સમિતિના ઘણાખરા સભ્યો મારા અર્થનો અસ્વીકાર કરતા હતા, અને કૉંગ્રેસનો વિરોધ અહિંસાના કારણસર હોવું આવશ્યક નહોતો એમ માનતા હતા, એ જોઈને મને આશ્ચર્ય થયું. મુંબઈનો ઠરાવ ફરી વાંચી જોતાં મને જણાવ્યું કે, ભિન્ન મત ધરાવનારા સભ્યોની વાત સાચી હતી અને એ ઠરાવમાં જે અર્થ મેં જોયેલો તે તેના શબ્દાર્થમાંથી નીકળી શકતો નહોતો. મારી આ ભૂલ મને જણાઈ છે તેથી જેમાં અહિંસા અનિવાર્ય નહોય એવાં કારણોસર યુદ્ધપ્રયત્નનો વિરોધ કરવાની લડતમાં કૉંગ્રેસની આગેવાની કરવી મારે માટે અશક્ય બની જાય છે. દા. ત. ગ્રેટબ્રિટન સામેના દ્વેષના કારણસર યુદ્ધપ્રયત્નનો વિરોધ કરવામાં મારાથી ભળી ન શકાય. હિંદુસ્તાનની સ્વતંત્રતાની બાંહેધરી આપવામાં આવે તો તેની કિંમત તરીકે યુદ્ધપ્રયત્નોમાં માણસ અને ધનથી બ્રિટનને સાથ આપવો એવી ધારણા એ ઠરાવમાં રહેલી હતી. જો મારો પણ એવો મત હોય અને સ્વતંત્રતા મેળવવા માટે હિંસાનો પ્રયોગ કરવામાં હું માનતો હોઉં અને તેમ છતાં સ્વતંત્રતાની કિંંમત તરીકે યુદ્ધપ્રયત્નમાં ભાગ લેવાની ના પાડું તો હું દેશવિરોધી વર્તન કરું છું એમ હું માનું. પણ મારી તો દૃઢ માન્યતા છે કે, કેવળ અહિંસા જ હિંદુસ્તાનને અને જગતને આત્મનાશમાંથી ઉગારી શકે એમ છે. એમ હોવાથી હું એકલો હોઉં, અથવા મને કોઈ સંસ્થાની કે વ્યક્તિઓની મદદ હોય, પણ મારે મારું જીવન કાર્ય ચાલુ રાખવું રહ્યું. તેથી મુંબઈના ઠરાવે મારા ઉપર મૂકેલી જવાબદારીમાંથી આપ મને મુક્ત કરશો. જે કૉંગ્રેસીઓ અને બીજાઓને હું પસંદ કરું અને જેઓ મેં કલ્પેલી અહિંસાને માનનારા હોય, ને ઠરાવેલી શરતોનું પાલન કરવા રાજી

હોય તેમને લઈને મારે યુદ્ધમાત્ર સામે ઉપદેશ કરવાના વાણીસ્વાતંત્ર્યને માટે સવિનય ભંગ ચાલુ રાખવો પડશે.
“આ કટોકટીને સમયે જેમની સેવાની, તેમના પોતાના પ્રદેશમાં પ્રજાને ધીરજ આપવાના અને મદદ કરવાના કામ માટે જરૂર હશે તેમને હું સવિનય ભંગને માટે પસંદ નહીં કરું.”

રાજેન્દ્રબાબુ તથા બીજા કેટલાક સભ્યો તો પૂનાની મહાસમિતિના (૧૯૪૦ ના જુલાઈની) ઠરાવની વિરુદ્ધ હતા. એટલે સ્વાભાવિક રીતે જ મુંબઈ મહાસમિતિના ઠરાવના અર્થની વિશેષ ચોખવટ થઈ એટલે તેઓ એ ઠરાવની પણ વિરુદ્ધ થયા. સરદાર જોકે પૂના મહાસમિતિના ઠરાવના એક આગેવાન પુરસ્કર્તા હતા, પણ હવે તેમના વિચારમાં ફેરફાર થયો હયો. તેઓ ચોખેચોખ્ખું કહેતા કે, એક વાર ગાંધીજીનો સાથ છોડ્યો પણ ફરી હવે બીજે માર્ગે જવું નથી. એટલે બારડોલીનો ઠરાવ પસાર થઈ ગયા પછી તેમણે રાજેન્દ્રબાબુએ, કૃપાલાનીજીએ અને ડૉ. પ્રફુલ્લ ઘોષે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને મહાસમિતિના સભ્યોને અપીલ કરી કે, આવતી મહાસમિતિની બેઠક વખતે દરેક સભ્યે સ્વતંત્ર રીતે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને મત આપવો.

કારોબારી સમિતિની બેઠક પૂરી થયા પછી તરત જ સરદારે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બારડોલીમાં બોલાવી. પ્રાંતિક સમિતિના સભ્યો આગળ આ ઠરાવ વિષે બોલતાં સરદારે ગાંધીજીને ખાસ વિનંતી કરી. એ બેઠકમાં રાજેન્દ્રબાબુ, કૃપાલાનીજી વગેરે પણ હાજર હતા. ગાંધીજીએ પ્રથમ તો સભ્યોને પૂછયું કે, “તમે બારડોલીના ઠરાવનો અર્થ પૂરેપૂરો સમજ્યા છો ?” ઘણાએ હાથ ઊંચા ન કર્યા. ગાંધીજી કહે,

“તો હું એ તમને ટૂંકમાં સમજાવું. એ ઠરાવનો અર્થ એ છે કે લડાઈ પછી પૂર્ણ સ્વરાજ આપવામાં આવશે એવી ખેાળાધરી સરકાર આપે તો કૉંગ્રેસ આ સલ્તનતને જીવતી રાખવામાં મદદ કરે. એ સોદો પાકો થઈ ગયો છે એવું નથી. માત્ર શરત ૨જૂ કરવામાં આવી છે. પણ મારે એવો સોદો જ કરવો ન હોય તો મારે એ પ્રમાણે સાફ કહી દેવું જોઈએ. તમે યુદ્ધમાં પૂરો સાથ આપવાનું કબૂલ કરશો તો હિંદુસ્તાનને લડાઈ પછી પૂર્ણ સ્વરાજ મળશે. અંગ્રેજો તે પછી હિન્દુસ્તાનમાં રહેશે તો તમારી મહેરબાનીની રાહે રહેશે. તમારી લડાઈખાતાનો પ્રધાન જીત મળતાં સુધી લડાઈ ચલાવે તો તમે લડાઈ દરમ્યાન પણ તમારો કારભાર ચલાવી શકશો. આવી શરતો સ્વીકારવાનું તમને ઠીક લાગતું હોય તો તમારે બારડોલીના ઠરાવને મંજૂર રાખવો જોઈએ. એ લાલચ ઘણી મોટી છે એમાં શંકા નથી. એને ખાતર તમે કૉંગ્રેસની નીતિને ઉલટાવવા અને સ્વરાજ ખરીદવા અને તેની કિંમત તરીકે અહિંસાને જતી કરવા તૈયાર હો તો તમારે આ ઠરાવને મંજૂર રાખવો જોઈએ. આપણા

મોટા મોટા નેતાઓ એ ઠરાવમાં સામેલ છે અને તેમણે એ ઠરાવ વગર વિચાર્યે નથી કર્યો. આની સામે જો કઈ એમ માનનારા હોય કે અહિંંસા એ એક અણમૂલ મોતી છે, ને તેને જતી કરી શકાચ નહી, અહિંસા આપીને સ્વરાજ ખરીદાય નહીં, તો તેવાઓની સ્થિતિ જુદી જ છે. પણ જો તમારા મનમાં સંદેહ હોય, તમને એમ લાગતું હોય, કે અહિંસાને વળગવામાં તમે અહિંસા ગુમાવવાના — કેમ કે તે પાળવાની તમારી શક્તિ નથી — અને સ્વરાજ પણ ગુમાવવાના, એમ જો તમને લાગતું હોય કે ગાંધી સારો માણસ તો છે પણ તેની જોડે છેક સુધી ન જવામાં જ ડહાપણ છે, તો તમારે આ ઠરાવ સ્વીકારવો જોઈએ. તેનો અસ્વીકાર તેઓ જ કરે જેમના મનમાં દૃઢ પ્રતીતિ હોય કે શાણપણ, રાજદ્વારી કુનેહ, નીતિ એ બધાનો વિચાર કરતાં એ જ આવશ્યક છે કે, સ્વરાજને ખાતર પણ અહિંસાને ફગાવી ન દઈ શકાય. હવે જેઓ બારડોલી ઠરાવના પક્ષમાં હોય તેઓ હાથ ઊંચા કરે.”

છત્રીસ જણે હાથ ઊંચા કર્યો. ગાંધીજી કહે, “ભલે. હવે અહિંસાના આચાર્યો હાથ ઉંચા કરે.” આ વચનમાં રહેલો પડકાર મૂંઝવનારો હતો. છતાં સત્તાવીસ જણે અહિંસાના પક્ષમાં હાથ ઊંચા કર્યા. દસેક સભ્યો તટસ્થ હતા. તેઓ ગાંધીજીને પ્રશ્નો પૂછવા માગતા હતા. પણ ગાંધીજીએ કહ્યું કે, “સભાનું સહેજ વલણ જાણવાને જ આ મત લેવાયા છે. એટલે તટસ્થ સભ્યોએ કાંઈ તકલીફ લેવાની જરૂર નથી.”

સરદારે પ્રમુખ તરીકે ઉપસંહારનું ભાષણ કરતાં કહ્યું કે,

“હજી વધારે આકરો અને કસોટી કરે એવો કાળ આવવાનો છે. તે વખતે આપણે માથે ઘણી મોટી જવાબદારીઓ આવશે અને ઘણાં કામો આપણે કરવાનાં આવશે.
“સરકારની સામે જોવાનું આપણને પાલવશે નહીં. સરકારને તો પોતાની ચિંતા પડી છે. એટલે આપણે પોતાને માટે આપણે જ નિર્ણચ કરી લેવો પડશે.”

બારડોલીમાં ઠરાવ તો પસાર થઈ ગયો પણ કારાબારી સમિતિમાં એ વિષે ચોખ્ખો મતભેદ હતો. વળી ગાંધીજી કૉંગ્રેસને દોરવણી આપવાની જવાબદારીમાંથી ફરી મુક્ત થયા હતા. એટલે આખી પરિસ્થિતિનો વિચાર કરવા મહાસમિતિની બેઠક તા. ૧પ તથા ૧૬ જાન્યુઆરીએ વર્ધામાં બોલાવવામાં આવી. શરૂઆતમાં તો સરદાર વગેરે કારોબારી સમિતિના જે સભ્યો બારડોલીના ઠરાવ સાથે સંમત ન હતા તેમનો તથા ગાંધીજીનો પણ વિચાર મહાસમિતિમાં મત લેવડાવી એ ઠરાવ વિષે નિર્ણય કરાવવાનો હતો. પરંતુ પાછળથી ગાંધીજીએ પોતાનો વિચાર બદલ્યો. અને મહાસમિતિને એ ઠરાવ સ્વીકારી લેવાની સલાહ આપી. ગાંધીજીનું મહાસમિતિનું ભાષણ બહુ મહત્ત્વનું હોઈ, તેમાંથી કેટલાક ફકરા નીચે આપ્યા છે :

“હવે સવાલ એ છે કે જે વસ્તુ તમે પકડી તેને છોડવા તૈયાર કેમ થયા છો ? સ્વરાજ મેળવ્યા પછી શું કરશો એની વાત નથી, પણ સ્વરાજ મેળવવાને માટે એ વસ્તુ બદલવાને કેમ તૈયાર થયા છો ? તમે તો એકરાર કરેલો કે સ્વરાજ મેળવવાને માટે અહિંસા સિવાય બીજો ઉપાય નથી. આજે એ બદલવા તૈયાર થયા છો. પણ એ સોદો કરીને તમે સંપૂર્ણ સ્વરાજ મેળવી શકવાના નથી. સંપૂર્ણ સ્વરાજ તો એ છે કે, જેમાં ગરીબમાં ગરીબને પણ આઝાદી મળે. એ આઝાદી આજે લડાઈમાં જોડાયે નથી મળી શકતી. આટલું જો તમે સમજો તો બીજી વાત સમજવી સહેલી છે. આમ માનતા છતાં, હું તો તમને સમજાવવાનો છું કે, તમારે આ ઠરાવ કબૂલ કરવો અને એના ઉપર મત લેવડાવીને સમિતિમાં ભાગલા ન પડાવવા. આ વાત જો તમારી બુદ્ધિમાં ઊતરે તો તમારે કબૂલ કરવી, નહીં તો ન કરવી. આજે સભ્યોને સમજાવીને જુદા જુદા મત અપાવીએ એવો અવસર નથી.
“બારડોલીમાં તો મેં અહિંસાનો મારો અર્થ કર્યો. અને તે જ કારણે હું છૂટો થયો. બારડોલીનો ઠરાવ થયો ત્યાર પછી થોડો વખત તો મારા દિલમાં હતું કે, આ મહાસમિતિ આગળ આના ઉપર મત લઈને એમાં ભાગલા પાડવા અને મને સાથ દેનાર કેટલા છે તે મારે જોઈ લેવું. પણ તે પછી અનેક વાતો બની અને તે બધાની મારી ઉપર અસર થઈ. વાતાવરણમાં મેં જોયું, લોકોની ટીકા સાંભળી, છાપાંઓની ટીકા જોઈ તે ઉપરથી મારા મને નિશ્ચય કર્યો કે, મારી અહિંસા સૂચવે છે કે, ‘તમે બુદ્ધિપૂર્વક એનો સ્વીકાર કરજો’ એમ જ મારે તમને કહેવું. જે સભ્યો સંપૂર્ણ રીતે મારી સાથે છે તેમને હું કહું છું કે, તેઓ મત જ ન આપે. પણ જો બીજા સભ્યો આ ઠરાવને ઉડાવી દેવા ઇચ્છતા હોય તો ઠરાવને કાયમ રાખવા માટે તેઓ પણ મત આપે અને ઠરાવને ન ઊડવા દે.
“કારોબારી સમિતિએ આ ઠરાવ પસાર કરીને પીછેહઠ કરી છે એ વિષે શંકા નથી. રાજાજી એ વાત કબૂલ નહીં કરે. કારણ, એ તો એમ માને છે કે હું ભૂલ કરી રહ્યો છું. કદાચ જવાહરલાલ પણ કહેશે કે, આમાં પીછેહઠ નથી. એ એમનો અભિપ્રાય છે, તો મારે પણ મારો અભિપ્રાય છે, અને તે એ છે કે, આપણે ચોક્કસ રીતે હઠ્યા છીએ. છતાં આ ઠરાવને કાયમ રખાવવામાં એટલા માટે હું ભાગ લઉં છું કે, એથી કદાચ આપણે આગળ વધીએ. હું તમારાથી અલગ થયેલો માણસ, કશાયે દાવપેચની વાત કર્યા વિના કહું છું કે આ ઠરાવ ગમે તેટલો અપૂર્ણ હોય તોયે સ્વીકારી લો. કારણ, આ ઠરાવ કૉંગ્રેસની મનોદશા બરોબર પ્રગટ કરે છે. ખરી રીતે તો આજે કૉંગ્રેસીઓ પોતાનું મન બરાબર જાણતા નથી. કૉંગ્રેસની મનોદશાનું પ્રતિબિંબ આ ઠરાવમાં પડે છે.
“મારા સાથીઓ — જેવા કે સરદાર, રાજેન્દ્રબાબુ – એમને આ ઠરાવ પસાર થયો એનું દુઃખ છે. પણ તેમને હું નીકળવા નથી દેતો. તેમને કહું છું કે આજે નીકળવાનો અવસર નથી. જ્યારે સમય આવે ત્યારે નીકળજો.
“કારણ એ છે કે, ભવિષ્યનો ફેંસલો આજથી શા સારુ કરવો ? જવાહરલાલનો યુદ્ધવિરોધ, ભલે જુદાં કારણે, પણ લગભગ મારા જેટલો જ છે. રાજાજી આમાં આવે છે, કારણ સરકાર ખરેખર હાથ લંબાવે તો તેમને પોતાનું કામ

કરવાની તક મળે છે. રાજેન્દ્રબાબુ જેવા અહિંસક અસહકારીઓએ પણ ડરવાનું નથી. કારણ, જે દિવસે સરકાર સરખો જવાબ દે તે દિવસે જુદા પડવાની વાત છે ના? ત્યાં સુધી અહિંસાનું રાજ્ય ચાલુ છે જ.
“રાજેન્દ્રબાબુ અને સરદાર અહિંસાનો ઇચ્છે તેટલો પ્રચાર કરે. એમને કોઈ રોકવાનું નથી. એમને પણ આ ઠરાવ પૂરી છૂટ આપે છે. વળી આ ઠરાવમાં અને બીજા ઠરાવમાં લોકોને સૂચનાઓ આપી છે તે અહિંંસાને વધારવાવાળી છે.
“આજે તો આપણે સૌ એક વહાણમાં બેઠા છીએ. તો પછી તમે નવો ઠરાવ શા સારુ ઇચ્છો? તમે કોઈ અહિંસક મંડળ તૈચાર કરો, તો તે શું ‘વોટ’ થી ચાલવાનું છે? નાની નાની વાતો ‘વોટ’ થી ચાલે. પણ મોટી વાતો ‘વોટ’થી ચલાવવા જઈએ તો સંસ્થા તૂટી પડે.”

ગાંધીજીએ આ જાતનું વલણ લઈને અને મહાસમિતિને આ જાતની દોરવણી આપીને, હિંસા અહિંસાની મિથ્યા ચર્ચામાંથી દેશને ઉગારી લીધો. આ સમય પણ ચર્ચાનો નહોતો જ. જપાનનું ચીન ઉપરનું આક્રમણ તો ઘણાં વરસોથી ચાલુ હતું. પણ ચીનને અમેરિકાની મદદ મળતી હતી, તેનું જાણે વેર લેવાને અમેરિકાના ફિલિપાઈન ટાપુઓના પર્લ હાર્બર ઉપર જપાને એકાએક હલ્લો કર્યો. પછી ઝપાટાબંધ સિંગાપુર, મલાયા વગેરે લીધાં. અને બ્રહ્મદેશ ઉપર આક્રમણ શરૂ કર્યું. જપાન જો હિન્દ ઉપર આક્રમણ કરે તો ઇંગ્લંડની તે વખતે એવી તાકાત નહોતી કે હિન્દુસ્તાનનું તે બરાબર રક્ષણ કરી શકે. બ્રહ્મદેશમાંથી તેને રાતોરાત જે ભાગવું પડ્યું તે ઉપરથી લોકોને તેની તાકાતનો ખ્યાલ આવી ગયો હતો. એટલે હિન્દુસ્તાન માટે તો આત્મરક્ષણનો સવાલ સૌથી મોટો હતો. વર્ધાની મહાસમિતિની બેઠક પૂરી થયા પછી સરદારે તા. ૨૩-૧-’૪૨ના રોજ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બારડોલીમાં બોલાવી. તેની આગળ ભાષણ કરતાં તેમણે કહ્યું કે,

“ગઈ મીટિંગમાં આપણે અહીંં મળ્યા ત્યારે મેં એક વાત કહેલી કે આપણે હિંસા અહિંસાની વાત બાજુ પર મૂકી દઈએ અને કૉંગ્રેસની મહાસમિતિ (વર્ધાની) જે ઠરાવ કરે તે ઉપર પણ બહુ ચર્ચા ન કરીએ; પણ જે મુખ્ય વસ્તુ છે અને જે બહુ ગંભીર છે, જેના ઉપર આપણી હસ્તીનો સવાલ છે તે પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. મુલકની અને પ્રાંતની હાલત ગંભીર બની રહી છે. એ સંબંધી શું કરવું એ કઠણ સવાલ છે. એનો આપણે ખૂબ વિચાર કરવો પડશે. એટલે વર્ધા પછી મેં સભા બોલાવવાનું કહેલું.
“મહિના પહેલાં જે પરિસ્થિતિ હતી, તે કરતાં આજે પરિસ્થિતિ બહુ ગંભીર બની છે. ગામડાંમાંથી જે અહેવાલ મળે છે તે ઉપરથી જણાય છે કે આપણે ઘટતું નહીં કરીએ તો પ્રાંતમાં અશાંતિ ખૂબ વધી પડશે. તેને માટે આપણે સૌએ જાગ્રત રહી લોકોમાં શાંતિ તેમ જ નીડરતાનું વાતાવરણ પેદા કરવા માટે જે જે કરવું પડે તે કરવા તૈયાર રહેવું જોઈશે. એમ કરતાં જો કોઈ કૉંગ્રેસી ખપી જાય તો કૉંગ્રેસે પોતાનું કાર્ય કર્યું હશે.

“છેલ્લાં પચાસ વરસથી પ્રજા કૃત્રિમ શાંતિથી ટેવાયેલી છે. હવે તેણે અશાંતિથી ન ડરતાં શીખવાનું છે. ખોટી અફવાઓ રોકવી જોઈએ. અને લોકોને સમજાવવું જોઈએ કે, જો સલામતી જોઈતી હોય તો ગામેગામ જાતે જ બંદોબસ્ત કરી લેવો પડશે.
“આપસ આપસનાં વેરઝેર ભૂલી જવાં જોઈએ. ઊંચનીચના ભેદ, સ્પૃશ્યાસ્પૃશ્યના ભેદ, એવા બીજા અનેક જાતના ભેદ છોડી દેવા જોઈએ. લોકોએ હવે એક બાપની પ્રજા બનીને રહેવું જોઈએ. ગામડાંના વડીલો ગામની પ્રજાને પોતાની પાંખમાં લઈને બેસતા ને તેમને સાચવતા એવી સ્થિતિ પહેલાં હતી તે પાછી લાવવી જોઈશે. સરકાર પોતાની યુદ્ધતૈયારીનું કામ શાંતિ જાળવવાના ભોગે પણ કરવાની છે. એમાં આપણે સરકાર સાથે ઝઘડો કરવો નથી. પણ તમે સરકાર સામે મોં ફાડીને જોશો તો એમાં કાંઈ નહીં વળે.
“વર્ધાનો ઠરાવ આપણે માટે ખાસ કામનો નથી. કેટલાક મતભેદો હતા તે એ રીતે ચર્ચ્યા કે જેને જે કરવું હોય તે કરે. અમારે કશો વિરોધ કરવો નથી. એનાથી ફાયદો શો ? ને તે આ વખતે? દેશની આવી પરિસ્થિતિ છે તેને વખતે ? જો કોઈ સ્વરાજ લાવે એમ હોચ તે લઈ આવશે તો આપણને વહેંચી આપશે ને ? અને નહીં મળે તોયે ઝઘડો શું કામ જોઈએ ? ”

તા. ૨૬-૧-’૪રના સ્વાતંત્ર્ય દિને બારડોલીમાં ભાષણ આપતાં સરદારે કહ્યું :

“અત્યારે સરકારની સાત સંધાય અને તેર તૂટે એવી સ્થિતિ છે. જે વેગથી લડાઈ પાસે આવી રહી છે તે જોતાં કૉંગ્રેસના સિપાઈઓની બહાર જરૂર છે. એટલે વ્યકિતગત સત્યાગ્રહની લડત મુલતવી રાખવામાં આવી છે.
“આ લડાઈ એવી છે કે, તેમાં આખી દુનિયા ખલાસ પણ થાય. આ છેલ્લી લડાઈ છે કે હજી એકે થશે તેની ખબર નથી. પછી દુનિયાને ડહાપણ આવશે અને ગાંધીજી કહે છે એ માનશે ત્યારે જ લડાઈઓ અટકશે. વખત એવો આવવાનો છે કે, ઘણા માણસો એ વિચારશે અને માનશે.
“બનાવો તો ભયંકર પણ બનવાના હોય, પણ તેથી ડરવું ન જોઈએ. અત્યારે તો સમય એવો છે કે, કૉંગ્રેસવાળાઓએ ગામેગામ ફરી ખોટી વાત ફેલાવા ન દેવી. આપણે કોઈ જાતની ગભરામણ કરવાની જરૂર નથી. આપણાં છાપરાં ઉપર કોઈ બૉમ્બનો ખરચ કરે એમ નથી. સૂકો પાતળો રોટલો ખાઈ આપણે જીવી શકીએ એમ છીએ. માટે દાણા સંઘરી રાખો. કોઈ ભૂખે ન રહે એ જોતા રહો. ભૂખમરો ઉદ્વેગ પેદા કરે છે. ભૂખ્યાને ઉદ્યમ આપો અને રોટલો આપો. દરેક ગામ પોતાની ચોકીની વ્યવસ્થા કરે. ગામનું પંચ નીમી, ગામના કજિયા ઘરમેળે પતાવો, મારો સંદેશો એ છે કે, વસમો વખત આવવાનો છે. માટે ઊંચનીચના, કોમ કોમના ભેદ ભૂલી જઈ સંગઠન પાકું કરો અને ચોકીની પૂરી તૈયારી કરો. આવા વખતમાં આપણે પોતે જ આપણા ચોકીદાર. એવો વખત આવે કે, બહારથી વસ્તુ આવતી બંધ થાય. અમદાવાદમાં લાખ મજૂરો છે. અત્યારે તો રાતપાળી બંધ કરી છે. કારણ કોલસા મળતા નથી. લાકડાં બાળવા માંડ્યાં છે. તે લાવવાનાં સાધન પણ બંધ થશે ત્યારે મિલો

બંધ થશે. તે વખતે ગાંધીજીને યાદ કરશો. એ તો વીસ વરસથી કહે છે કે રેંટિયો કાંતો. ગામ પોતે સ્વાશ્રયી બને અને સલામતી માટે પણ બીજાના તરફ જોવું ન પડે એનું નામ સ્વરાજ.”

આ બધો વખત સરદારની તબિયત નરમ જ ચાલતી હતી. આંતરડાંના દરદનું કશું ઠેકાણું પડતું નહોતું. એટલે લગભગ સવા મહિનો હજીરા રહેવા જઈ આવ્યા. એટલા વખતમાં તો પરિસ્થિતિ વધારે બગડી હતી. લોકો બહુ ભયભીત દશામાં હતા. એટલે હજીરાથી આવ્યા પછી ગુજરાતમાં દસેક દિવસ ફરીને લોકોને ધીરજ આપી અને શૂરાતનનો પાનો ચડાવ્યો. તા. ૭-૩-’૪રના રોજ આણંદ મુકામે આપેલા ભાષણમાં કહ્યું :

“મહાભારતના યુદ્ધની કથાઓ આપણે સાંભળી છે. પણ મહાભારતનું યુદ્ધ આ વિશ્વયુદ્ધ આગળ કંઈ નહોતું. તે વખતે યોદ્ધાઓ નક્કી કરેલા ક્ષેત્રમાં લડતા હતા. આજની લડાઈનું મેદાન જ્યાં લડાઈઓ ચાલતી હોય તેટલું જ નથી રહ્યું. જેટલા દેશ તેમાં સંડોવાયેલા છે તે બધા લડાઈનું મેદાન છે. આભમાં પણ લડાઈ થાય છે. પાતાળ પાણીમાં પણ લડાઈ થાય છે. પરિણામ શું આવશે એ લડનારાને ખબર નથી. લડનારા બે લબાડ છે. બંને ઈશ્વરને નામે લડે છે. બંને ઈશુને પૂજનારા છે. તેઓ પોતાને સુધારક કહે છે, અને જંગલી પ્રજાઓને બોધ આપે છે. પણ આખરે ઇતિહાસમાં લખાશે કે, બીજાને જંગલી કહેનાર પોતે જાનવર કરતાં પણ ભૂંડા હતા.
“દુનિયામાં આવું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એક માણસ ધરતી ઉપર પગ રાખી કહે છે કે, જે માણસો તલવારથી લડે છે એ તલવારથી જ પડવાના છે. એના હાથ હેઠા પડશે ત્યારે આખરે સ્વીકારશે કે અહિંંસા એ જ પરમ ધર્મ છે.
“આપણે તો ભગવાનને ખોળે બેઠેલા છીએ. આપણા જેવા કોઈ સુખી નથી. આપણે કોઈનું કશું પડાવી લીધું નથી એટલે આપણું શું જવાનું છે? પણ આપણે એક વસ્તુ સમજી લેવાની છે. ગમે તેટલી અવ્યવસ્થા થાય તોયે કૂતરાંબિલાડાને મોતે નથી મરવું. ગાંધીજી પાસેથી એક વસ્તુ શીખવાની છે — નિર્ભયતા. આ જિંદગીમાં તમારી સામે જે અવસર આવ્યો છે તેવો કોઈ ભવમાં નહીં આવે.
“ગોળીઓની સામે બહાદુરીથી ઊભા રહીને મરતાં ન આવડે તોપણ કાય૨ થઈને ભાગવું તો ન જ જોઈએ. અહિંસાથી કે હિંસાથી સામનો કરતાં શીખવું જોઈએ.”

પોતાના વતન કરમસદમાં ભાષણ કરતાં આપણા લોકોમાં રહેલી ઈર્ષા, કુળનાં ખાટાં અભિમાન વગેરે વિષે બોલતાં તેમણે કહ્યું :

“હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું. આખું હિન્દુસ્તાન મારું ગામ છે. અઢારે વર્ણ મારાં ભાઈભાંડુ છે. તમને મહાસાગરનું દર્શન કરાવું એ ઉમેદથી હું અહીં આવ્યો છું. આપણાં ગુણગાન કરવાની જરૂર નથી. એ તો એની મેળે બોલે છે. પણ દોષો વધારે બળવાન છે. આપણે પાડોશીનું છાપરું, પાડોશીની

પાંખ સાંખી શકીએ છીએ ? તેથી આપણી આંખમાં અમી આવે છે કે કાંકરી ? આપણા પોતાના પિતરાઈની, અરે સગા ભાઈની પાંખ ઊંચી જોઈ આપણી આંખમાં કરકર આવે છે, એ આ ધરતીની એબ છે. તસુ જમીન દબાતી હોય એટલા માટે ગામમાં કુસંપ કરવો ન જોઈએ.
“કુળ બાપદાદાથી અપાયું અપાતું નથી. જે ચારિત્રવાળો સજ્જન છે, જે નીતિમાન છે તે ગમે તેવા મોટા કુળવાનને પણ વશ કરી શકે છે. હલકું કુળ ને ઊંચુ કુળ, નાનું કુળ ને મોટું કુળ, એ બધું ભૂલી જાઓ. આજે તો ભલભલી બાદશાહીઓ ધૂળમાં રગદોળાઈ રહી છે.
“અઢારે વર્ણ એક બાપુની પ્રજા છે. માણસના મરી ગયા પછી, બ્રાહ્મણનું ખોળિયું હોય કે ચમારનું, એને કોઈ રાખી ન શકે. પ્રાણ તો પવન સાથે મળી જાય છે, અને ખોળિયું રહે છે. એટલે ઊંચાનીચા શું ગણો છો ? અને મોતથી પણ શું ડરો છો ? જન્મ્યા છે તે દરેકને મરવાનું તો છે જ. તો પછી હોલા ફફડે એમ ફફડી શું કરવા મરવું ? મરદની માફક શું કામ ન કરવું ? મરવું જીવવું ઈશ્વરના હાથની વાત છે. ખોટો લોભ શા માટે કરવો ? શું કામ પાડોશીની ઈર્ષા કરીએ ? પાડોશીનું કે પિતરાઈનું લેવા દિવસના કે રાતના ચોરી કરાવવી, લૂંટ કરાવવી અથવા ધાડ પડાવવી એના જેવું બૂરું કોઈ કામ નથી.”

તે વખતે ગુજરાતમાં આપેલાં ભાષણોમાંથી થોડા ઉતારા આપી આ પ્રકરણ પૂરું કરીશું :

“આજ સુધી યુરોપના લોકોએ એશિયા અને આફ્રિકાનું લૂંટી ખાધું તેનું પાપ ફૂટી નીકળ્યું છે. આફ્રિકાના લોકોએ એક કાંકરી પણ મારી નથી. છતાં વાઘવરુની માફક ત્યાંના લોકોને જાણે ફાડી ખાય છે. તુલસી હાય ગરીબકી ! તેથી જ એનું રાજ્ય ક્ષીણ થઈ રહ્યું છે.”

“લડનારા બેય લૂંટારા છે. એક કહે છે અમે જ શુદ્ધ આર્ય છીએ. બીજા કહે છે અમે ખરા ખ્રિસ્તી છીએ. ઈશ્વરને નામે લડીએ છીએ.”

“આપણા દેશમાં એક તરફથી મુસલમાનને ચડાવ્યાં જ કરે છે અને પાછા આપણને કહે છે, એક થઈને આવો. આવા ખેલ આ સરકાર રમ્યાં કરે છે. પણ આભ ફાટ્યું ત્યાં થીંગડુંં ક્યાં દેવાય ?

“સિંગાપુર પડ્યું, મલાયા પડ્યું, સુમાત્રા જાવા પડ્યું, પરમ દિવસે રંગૂન પડશે. હવે કહે છે અમને મદદ કરો. મડદું ઉંચકવામાં શી મદદ કરીએ ?”

“આપણને નિઃશસ્ત્ર બનાવ્યા તેનું ફળ તેઓ પણ ભોગવી રહ્યા છે. આપણે આપણું રક્ષણ કરવાની શક્તિ ગુમાવી. ચોકીદારને પૈસા આપીશું એટલે રક્ષણ કરશે એમ માન્યું. હિન્દના રક્ષણનો દરવાજો સિંગાપુરમાં છે અને ત્યાં આપણો ચોકીદાર પહેરો ભરશે એમ સમજવા લાગ્યા. પણ એ ચોકીદાર જ મૂઠીઓ વાળીને નાસવા મંડ્યો છે.

“હિન્દી વજીર જેવો નાગો માણસ આજ સુધી કોઈ દીઠો નથી. એ દાઝ્યા ઉપર ડામ દે છે. વિનાશનો વખત આવ્યો છે ત્યારે માણસને એના જેવું બોલવાની બુદ્ધિ સૂઝે છે. અમે સિંગાપુરનું જાનના જોખમે રક્ષણ કરીશું એમ કહેતા હતા. હિન્દ વિષે પણ એમ જ કહે છે. પણ કેટલાકને લાગે છે કે, બીજાઓનો વારો આવ્યો તેમ આપણોચ આવશે. ત્યારે શું કરીશું ?”

“અમે તો પૂનામાં બે વરસ પર એને કહ્યું હતું કે, આ લડાઈ આપણી પોતાની છે એમ પ્રજાને લાગે એવું કરો. તમારી અને અમારી વસમી વખત આવવાની છે. માટે રાષ્ટ્રીય લશ્કર કરવા દો. પણ એ વાત એણે ન સાંભળી. એણે તો કહ્યું કે, અમારી નૈતિક જવાબદારી છે. નાની નાની કોમોની જવાબદારી અમારે માથે છે. બધી દુનિયાની જવાબદારીનો ઠેકો એણે તો લીધો છે. આજે હવે ઈંગ્લંડથી વાટાઘાટ કરવા માણસને મોકલે છે.”