સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/ક્રિપ્સ વિષ્ટિ

← યુદ્ધ હિંદુસ્તાનનાં બારણાં ઠોકે છે સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
ક્રિપ્સ વિષ્ટિ
નરહરિ પરીખ
હિંદ છોડીને ચાલ્યા જાઓ →


૩૩
ક્રિપ્સ વિષ્ટિ

યુદ્ધ જેમ જેમ વધારે ફેલાતું જતું હતું અને વિશેષ તીવ્ર થતું જતું હતું તેમ અમેરિકન પ્રજાનું તેમ જ અમેરિકન પ્રમુખનું બ્રિટિશ વડા પ્રધાન મિ. ચર્ચિલ ઉપર બહુ દબાણ થતું હતું કે, આ કટોકટીને વખતે તમારે હિંદુસ્તાનનું, ખાસ કરીને કૉંગ્રેસનું દિલ મેળવી લેવું જોઈએ. પણ આવી સલાહને મિ. ચર્ચિલ બિલકુલ ગાંઠતા નહોતા. અમેરિકાને તેઓ કહેતા કે એ અમારી આંતરિક બાબત છે. વળી હિંદુસ્તાનમાંથી ભાડૂતી માણસો તેમને જોઈએ તેટલા મળતા હતા અને નવી નોટો છાપી છાપીને હિંદુસ્તાનમાંથી જેટલો જોઈએ તેટલો માલ ઘસડી જવામાં તેમને કોઈ રોકે તેમ નહોતું. પણ આ લડાઈમાં ઇંગ્લંડને અમેરિકાની ભારે મોટી ઓથ હતી. એટલે તેને ખુશ કરવા તા. ૧૧મી માર્ચે મિ. ચર્ચિલે આમની સભામાં જાહેર કર્યું કે, બ્રિટનના યુદ્ધ પ્રધાનમંડળે નક્કી કર્યું છે કે હિંદુસ્તાન સાથે ન્યાયી અને છેવટનું સમાધાન કરવા માટે તેની આગળ અમુક દરખાસ્તો રજૂ કરવી અને તે હિંદુસ્તાન પાસે સ્વીકારાવવા બ્રિટિશ પ્રધાનમંડળના એક આગેવાન સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને હિંદુસ્તાન મોકલવા.

સર સ્ટેફર્ડ ક્રિપ્સ હિંદુસ્તાનના એક મિત્ર તરીકે જાણીતા હતા. પાર્લમેન્ટમાં તેઓ હિંદુસ્તાનનો પક્ષ લેતા એ આપણે પહેલાં જોઈ ગયા છીએ. વળી ૫ં. જવાહરલાલના તેઓ અંગત મિત્ર હતા. આ બધાં કારણોને લીધે મિ. ચર્ચિલની આ જાહેરાતથી હિંદુસ્તાનમાં કંઈક આશાની લાગણી પ્રગટી. તેઓ ર૩મી માર્ચે વિમાન માર્ગે નવી દિલ્હી આવી પહોંચ્યા. તે જ દિવસે તેમણે વર્તમાનપત્રોના પ્રતિનિધિઓને મુલાકાત આપી તથા બે દિવસ સુધી વાઈસરૉયના મહેલમાં રહી, વાઈસરૉય તથા પ્રાંતના ગવર્નરો, જેમને અગાઉથી ગોઠવણ કરી ખાસ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, તેમની સાથે મસલત કરી. કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને ખાસ આંમત્રણ આપી તા. રપમી માર્ચે બોલાવવામાં આવ્યા. ક્રિપ્સે પોતાની સાથે આણેલી દરખાસ્તોનો ખરડો તેમને વાંચી બતાવ્યો. મૌલાનાને આ દરખાસ્તો બહુ સારી તો ન લાગી પણ સર સ્ટેફર્ડે કહ્યું કે, એમાં સૂચવાયેલી વાઈસરૉયની કાઉન્સિલ રાષ્ટ્રીય સરકારના જેવી જ હશે, અને કાઉન્સિલના મેમ્બરોને વાઈસરૉય સાથેનો સંબંધ બ્રિટિશ પ્રધાનમંડળનો ઇંગ્લંડના રાજા સાથે હોય છે તેવો જ હશે. ક્રિપ્સના આમ કહેવાથી મૌલાના સાહેબ આ દરખાસ્તોનો વિચાર કરવા માટે કારોબારી સમિતિની બેઠક બોલાવવાને લલચાયા. અને તા. ર૯મીએ કારોબારી સમિતિની બેઠક તેમણે નવી દિલ્હીમાં બોલાવી.

આ યુદ્ધમાં માણસની કે પૈસાની મદદ આપવાની વિરુદ્ધ હોઈ ગાંધીજીને ક્રિપ્સને મળવાનો કશો રસ નહોતો. પણ ક્રિપ્સે બહુ આગ્રહ કર્યો એટલે તા. ૨૮મીએ તેઓ એમને મળવા નવી દિલ્હી ગયા. એણે આણેલી દરખાસ્ત વાંચીને જ તેમણે તો ક્રિપ્સને કહી દીધું કે આવી હાસ્યાસ્પદ, મોઘમ અને અનેક જાતના અનર્થો ઊભા કરે એવી દ૨ખાસ્ત તમારા જેવા માણસ લઈ ને આવે એ ભારે કમનસીબ બીના છે. તમારે એટલું તો જાણવું જોઈતું હતું કે કમમાં કમ કૉંગ્રેસ તો, ભલેને બીજી જ ક્ષણે હિંદુસ્તાનને સામ્રાજ્યથી છૂટા પડવાનો હક્ક બક્ષવામાં આવતો હોય તોપણ, આવી જાતના ડોમિનિયન સ્ટેટસની સામે જોશે પણ નહીં. તમારી બીજી વસાહતોના જેવી હિંદુસ્તાન એ વસાહત (ડોમિનિયન) છે જ નહીં. તમારે એ પણ જાણવું જોઈતું હતું કે આ દરખાસ્તોમાં હિંદુસ્તાનને ત્રણ કકડાઓમાં વહેંચી નાખવાની કલ્પના રહેલી છે. એ કોઈ સ્વીકારી શકે એમ નથી. એમાં પાકિસ્તાનની કલ્પના છે છતાં મુસ્લિમ લીગ પણ એથી રીઝવાની નથી. કારણ લીગ ઈચ્છે છે તેવું પાકિસ્તાન એમાં નથી. અને આ બધી તો તમારી ભવિષ્યની યોજનાઓ છે. અત્યારે તો ભવિષ્ય ભારે અનિશ્ચિત છે. એટલે તે યોજનાઓનો આજે વિચાર કર્યે શું વળે ? તમે તત્કાળ શું કરવા માગો છે એ જ ખરું મહત્ત્વનું છે. અને અત્યારે જે આપવાની વાત તમે કરો છો તે તે કેવળ ફોસલાવવાની વાત છે. અમારા દેશની રક્ષા કરવા પ્રજા ઉત્સાહિત થાય એવી કશી સાચી સત્તા આ દરખાસ્તોમાંથી અમને મળતી નથી. આવી મતલબનું સંભળાવીને ગાંધીજી તો તરત જ દિલ્હીથી સેવાગ્રામ જવા ઇચ્છતા હતા. પણ મૌલાના સાહેબના આગ્રહથી તા. ૪થી એપ્રિલ સુધી તેઓ દિલ્હી રોકાયા.

ક્રિપ્સ સાહેબ કેવી દરખાસ્તો લઈને આવ્યા હતા તે હવે આપણે જોઈએ :

“હિન્દુસ્તાનના ભવિષ્યને અંગે જે વચનો આપેલા છે તેના પાલનની બાબતમાં આ દેશમાં (ઇંગ્લંડમાં) તેમ જ હિન્દુસ્તાનમાં જે ચિંતા સેવાય છે તે ઉપર વિચાર કરીને ના. શહેનશાહની સરકારે એવું નક્કી કર્યું છે કે હિન્દુસ્તાનમાં વહેલામાં વહેલી તકે સ્વરાજ્ય સ્થપાય તે માટે બ્રિટિશ સરકાર જે પગલાં લેવા માગે છે તે ચોક્ક્સ અને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવાં. અમારો હેતુ એ છે કે, નવા હિન્દી સંઘનું સર્જન કરવું. એ સંઘ ગ્રેટબ્રિટન અને બીજાં વસાહતી રાજ્યોની જેમ તાજ પ્રત્યે રાજનિષ્ઠા ધરાવતા એક વસાહતી રાજ્ય જેવો હશે. તમામ બાબતોમાં તેમની સાથે એ સમાન દરજ્જો ધરાવતો હશે. પોતાની આંતરિક તેમ જ બહારના વહીવટની કોઈ પણ વસ્તુની બાબતમાં તે પરાધીન નહીં હોય.
“તે માટે નામદાર શહેનશાહની સરકાર નીચેની જાહેરાત કરે છે:
“(અ) લડાઈ બંધ થાય કે તરત હિન્દુસ્તાનમાં નીચે જણાવેલી રીતે એક ચૂંટાયેલી સભા સ્થાપવા માટે પગલાં લેવામાં આવશે. એ સભાનું કામ હિન્દુસ્તાનનું નવું બંધારણ ઘડવાનું હશે.
“(બ) આ બંધારણ ઘડનારી સભામાં હિન્દુસ્તાનનાં દેશી રાજ્યો ભાગ લઈ શકે તે માટે નીચે જણાવ્યા પ્રમાણે જોગવાઈ કરવામાં આવશે.
“(ક) આવી રીતે ઘડવામાં આવેલું બંધારણ સ્વીકારવાને અને અમલમાં મૂકવાને ના. શહેનશાહની સરકાર બંધાય છે, માત્ર એટલી વસ્તુને આધીન રહીને કે,
(૧) બ્રિટિશ હિન્દુસ્તાનના કોઈ પ્રાંતની નવું બંધારણ માન્ય રાખવાની તૈચારી નહીં હોય તો તેને પોતાની હાલની બંધારણીય સ્થિતિ કાયમ રાખવાનો હક્ક રહેશે. સાથે સાથે એવી જોગવાઈ પણ રહેશે કે પાછળથી તે નવા બંધારણમાં જોડાવાનું નક્કી કરે તો તેઓ જોડાઈ શકશે.
આવી રીતે નહીં જોડાનારા પ્રાંતોની જો એવી ઇચ્છા હશે તો ના. શહેનશાહની સરકાર તેમને પોતાનું બીજું બંધારણ ઘડવા દેવા કબૂલ થાય છે. અહીં જણાવેલી રીતે હિન્દી સંઘને જે દરજ્જો આપવામાં આવશે, પૂરેપૂરો તેવો જ દરજ્જો તેમને પણ આપવામાં આવશે.
(૨) ના. શહેનશાહની સરકાર અને બંધારણ ઘડનારી સભા વચ્ચે કોલકરારો (ટ્રીટી) કરવામાં આવશે. અને તેના ઉપર સહી કરવામાં આવશે. આ કોલકરારોમાં બ્રિટિશરોના હાથમાંથી હિન્દીઓના હાથમાં

જવાબદારીની સંપૂર્ણ ફેરબદલી થવાને અંગે જે આવશ્યક વસ્તુઓ ઊભી થશે તે તમામનો સમાવેશ કરવામાં આવશે. ના. શહેનશાહની સરકારે જુદી જુદી કોમની અને ધર્મની લઘુમતીઓના રક્ષણ માટે જે બાંયધરીઓ આપેલી છે તે અનુસારની જોગવાઈ પણ આ કોલકરારોમાં હશે. પરંતુ ભવિષ્યમાં બ્રિટિશ રાષ્ટ્રસંઘનાં અંગભૂત બીજાં રાજ્યો સાથે હિન્દી સંઘે કોઈ સંબંધ રાખવો તે નક્કી કરવાની બાબતમાં હિન્દી સંઘની સત્તા ઉપર કશા અંકુશો મૂકવામાં આવશે નહીં.
“હિન્દુસ્તાનનું કોઈ પણ રાજ્ય, આ બંધારણ સ્વીકારવા ઇચ્છતું હોય કે ન ઇચ્છતું હોય, તે પ્રમાણે કોલકરારની શરતોમાં જરૂરી જણાય એવા ફેરફાર કરવાનું આવશ્યક થઈ પડશે.
“(ડ) બંધારણ ઘડનારી સભા નીચે લખ્યા અનુસાર રચવામાં આવશે, સિવાય કે મુખ્ય મુખ્ય કોમોના હિંદી લોકમતના નેતાઓ લડાઈ પૂરી થાય તે પહેલાં બીજી કોઈ રીત વિષે સંમત થયા હોય.
“લડાઈ પૂરી થયા પછી પ્રાન્તિક ચૂંટણીઓ કરવામાં આવશે. તેનાં પરિણામ જણાય કે તરત દરેક પ્રાન્તની નીચલી ધારાસભાના સભ્ય પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિથી બંધારણ ઘડનારી સભા ચૂંટવાનું કામ કરશે. આ નવી સભાની સંખ્યા પ્રાન્તિક ધારાસભ્યના દશમા ભાગ જેટલી હશે.
“હિંદુસ્તાનનાં દેશી રાજ્યોને પણ પોતાના પ્રતિનિધિઓ નીમવાનું કહેવામાં આવશે. તેમની સંખ્યા બ્રિટિશ હિંદુસ્તાનના પ્રતિનિધિઓની માફક તેમની કુલ વસ્તીના પ્રમાણમાં હશે. અને તેમને બ્રિટિશ હિંદુસ્તાનના સભ્યોના જેટલી જ સત્તા હશે.
“(ઈ) હિંદુસ્તાન સામેના અત્યારના કટોકટીના સમય દરમ્યાન અને જ્યાં સુધી નવું બંધારણ ઘડાય નહી ત્યાં સુધી ના. શહેનશાહની સરકારે પોતાના વિશ્વયુદ્ધ પ્રયાસના એક ભાગ તરીકે હિંદુસ્તાનના રક્ષણની જવાબદારી અનિવાર્ય રીતે ઉઠાવવી પડશે, એ રક્ષણનું સંચાલન કરવું પડશે તથા તેના ઉપર અંકુશ રાખવો પડશે. પરંતુ હિંદુસ્તાનમાં લશ્કરી, નૈતિક અને આર્થિક સાધનો પૂરેપૂરાં સંગઠિત કરવાના કામની જવાબદારી હિંદુસ્તાનના લોકોના સહકારથી હિંદી સરકારની રહેશે. ના. શહેનશાહની સરકાર ઇચ્છે છે અને એ વસ્તુને આવકારે છે કે હિંદી લોકોના મુખ્ય મુખ્ય પક્ષના નેતાઓ પોતાના દેશની, બ્રિટિશ રાષ્ટ્રસંઘની તેમ જ સંયુકત રાષ્ટ્રોની સલાહમસલતમાં તત્કાળ અને અસરકારક ભાગ લે. એમ કરીને જ, હિંદુસ્તાનની ભવિષ્યની સ્વતંત્રતા માટે જે કામ બહુ મહત્ત્વનું ને આવશ્યક છે તે પાર પાડવામાં તેઓ સક્રિય અને રચનાત્મક મદદ આપી શકશે.”

તા. ર૯મીથી ક્રિપ્સે કારોબારી સમિતિના સભ્યો સાથે મસલતો શરૂ કરી. તે દરમ્યાન રાષ્ટ્રીય સરકાર અને બ્રિટિશ પ્રધાનમંડળના જેવા તેના દરજ્જા વિષે તેમણે જે વાત કરેલી તેમાંથી તેઓ ધીમે ધીમે ખસતા ગયા. આ દરખાસ્તોમાં હિંદી પ્રજાને યુદ્ધમાં ભાગ લેવાનું શૂર ચડે, આપણી પોતાની સ્વતંત્રતા અને રક્ષણ માટે આપણે લડીએ છીએ એવો ઉત્સાહ પ્રગટે એવું કશું નહોતું. ભવિષ્યની વસાહતી દરજ્જાની જે યોજના હતી તેમાં પણ જુદી જુદી કોમોની વચ્ચે તથા બ્રિટિશ હિંદુસ્તાન અને દેશી રાજ્યો વચ્ચે કલહનાં બીજ સિવાય કશું નહોતું. અને દેશી રાજ્યોની પ્રજાને તો સાવ વિસારી જ દેવામાં આવતી હતી, એટલે કારોબારી સમિતિએ આ દરખાસ્તોને નકારતો ઠરાવ કરીને તા. ૧લી એપ્રિલે ક્રિપ્સને મોકલી આપ્યો. પણ ક્રિપ્સ સાહેબ વાતો કરવામાં બહુ મીઠા હતા. કારોબારી સમિતિને તેમણે કહ્યું કે, આ દરખાસ્તો નકારવાનો ઠરાવ તમે હમણાં બહાર ન પાડો અને આપણે હજી વધારે વાટાઘાટો કરીએ અને કાંઈક રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ. કારોબારી સમિતિએ એમની વાત સ્વીકારી. પણ પાણીને ગમે તેટલું વલોવીએ તોયે તેમાંથી માખણ તો નથી જ નીકળતું તેમ આ વાટાઘાટોમાંથી કશો સાર નીકળ્યો નહીં. ઊલટું જેમ જેમ વાટાઘાટો લંબાઈ તેમ તેમ એમાંથી વધારે ને વધારે વિષ જ નીકળતું ગયું. વાઈસરૉયની કાઉન્સિલનો દરજ્જો બ્રિટિશ પ્રધાનમંડળ જેવો હશે એમ ક્રિપ્સ સાહેબે આવ્યા તેવા પોતાની ગાંઠની સાકર પીરસેલી તે બદલ વિલાયતથી તેમને ઠપકારવામાં આવેલા હોવા જોઈએ. તેમને એવી ચેતવણી આપવામાં આવેલી હોવી જોઈએ કે દરખાસ્તોના ખરડાની બહાર મુદ્દલ ન જવું. વળી પૂર્વના પ્રદેશોના સરસેનાપતિ લૉર્ડ વેવલ અને વાઈસરૉય અલ લિનલિથગો આ કટોકટીને વખતે પોતાના હાથમાંની જરાયે સત્તા છોડવાથી યુદ્ધ પ્રયાસમાં શિથિલતા આવશે એમ માનતા હતા. તેમની આગળ સર સ્ટેફર્ડનું કશું ચાલે તેમ નહોતું. એટલે ક્રિપ્સે બધું ફેરવી તોળવા માંડ્યું, અને ઘણી બાબતોમાં તો વાઈસરૉયનો હવાલો આપવા માંડ્યો; એટલું જ નહીં પણ જોકે પોતે જ રાષ્ટ્રીય સરકાર અને ઇંગ્લંડના જેવા પ્રધાનમંડળની વાત કરી હતી છતાં કૉંગ્રેસ ઉપર એવો આરોપ મૂક્યો કે,

“તેઓ તો એવી રાષ્ટ્રીય સરકાર બનાવવામાં આવે, જેમાં વાઈસરૉયના અથવા તો બ્રિટિશ સરકારના કશા અંકુશ વિનાનું હિન્દી નેતાઓનું પ્રધાનમંડળ રચવામાં આવે તો એમાં આવવા ઇચ્છે છે. આ વસ્તુનો શો અર્થ થાય તેનો વિચાર કરો. હિંદમાંના પક્ષોએ નીમેલા અમુક માણસોની હિન્દની સરકાર બને. તે અચોક્કસ મુદત માટેની હોય, વળી તે કોઈ ધારાસભા અથવા તો મતદાર મંડળને જવાબદાર ન હોય, એમાં કશો ફેરફાર ન થઈ શકે, એટલે તેમાંની બહુમતી વિશાળ લઘુમતીઓ ઉપર જોહુકમી સત્તા ચલાવવાની સ્થિતિમાં આવે.”

બીજો આક્ષેપ એ મૂક્યો કે,

“કૉંગ્રેસે છેક છેલ્લી ઘડીએ બંધારણમાં તત્કાળ ફેરફાર કરવાની વાત કરી. હવે યુદ્ધ ચાલે છે તે દરમ્યાન આવા ફેરફાર કરવાનું તદ્દન અશક્ય છે.”

સર સ્ટેફર્ડ ક્રિપ્સે ‘બહુમતીની જોહુકમી સત્તા’ એવા શબ્દો પોતાના છેલ્લા નિવેદનમાં વાપર્યા હતા. જવાહરલાલજીએ વર્તમાનપત્રોના પ્રતિનિધિઓની તા. ૧૨મી એપ્રિલની પરિષદમાં તેનો નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“હું બિલકુલ સ્પષ્ટ કરવા માગું છું કે છેલ્લી તારીખના બે કાગળો સિવાય અમારી આખી વાતચીત અને પત્રવ્યવહાર દરમ્યાન કોઈ પણ તબક્કે બહુમતીની સત્તાના પ્રશ્નનો રજ પણ ઉલ્લેખ થયો નહોતો. કારણ એ વસ્તુ અમને પોતાને જ બહુ નાપસંદ છે. અમે તો મિશ્ર પ્રધાનમંડળની વાત જ સ્વીકારી હતી. તેમાં દેશનાં જુદાં જુદાં મંડળોની અને જુદી જુદી વિચારસરણીઓ ધરાવતી વ્યક્તિઓ આવે. મુસ્લિમ લીગના સભ્યો, હિન્દુ મહાસભાના સભ્યો અને શીખો પણ આવે. આવી રાષ્ટ્રીય સરકારને કામ ચલાવવું બહુ મુશ્કેલ પડે તે જાણતા હોવા છતાં અમે એ વસ્તુ સ્વીકારી હતી. કાઉન્સિલમાં અમુક મંડળની સંખ્યા કેટલી હશે તેની ચર્ચા કોઈ પણ તબક્કે અમે કરી નથી. તે અગત્યની હોવા છતાં અમે ચર્ચા ન કરી કારણ કે, કૉંગ્રેસ તરફથી બોલતાં કૉંગ્રેસને આ જોઈએ છે કે તે જોઈએ છે, એ વસ્તુ ઉપર અમે ભાર મૂક્યો જ નહોતો. કૉંગ્રેસને માટે કોઈ જાતની સત્તા અમે માગી જ નથી. રાષ્ટ્રીય સરકારને કેટલી સત્તાઓ હોવી જોઈએ એ શબ્દોમાં જ અમે વાત કરી છે. રાષ્ટ્રીય સરકારમાં કોણ હોય અને કયા મંડળની કેટલી સંખ્યા હોય તેની ચર્ચા થઈ નથી. અમે તો આખી રાષ્ટ્રીય સરકારની જ વાત કરી છે. અને એ રાષ્ટ્રીય સરકારને કેટલી સત્તાઓ હોય તેની ચર્ચા કરી છે. કોઈ પણ રૂપમાં કોમી સવાલની ચર્ચા થઈ નથી. સિવાય કે સર સ્ટેફર્ડ ક્રિપ્સ વારંવાર એક સૂત્ર ઉચ્ચારતા હતા ખરા કે તેમને તો ત્રણ પક્ષે — બ્રિટિશ સરકાર, કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ — એમની વચ્ચે સમજૂતી થઈ જાય એ વસ્તુ સાથે નિસ્બત છે. બીજાઓ સંમત થાય કે નહીં તેની એમને પડી નહોતી. આ ત્રણમાંથી કોઈ સંમત ન થાય તો આખી વિષ્ટિ પડી ભાંગે ખરી.”

તા. ૧૦મી એપ્રિલે કારોબારી સમિતિએ પોતાનો ઠરાવ બહાર પાડ્યો. તેમાં જણાવ્યું કે,

“દરખાસ્તોમાં જે ભવિષ્યની યોજના છે તે કોમી માગણીને પહોંચી વળવાને માટે કરેલી જણાય છે. પણ તેમાંથી બીજાં ઘણાં અનિષ્ટ પરિણામો નીપજે એમ છે. જુદી જુદી કોમોમાં રાજદ્વારી દૃષ્ટિએ પ્રગતિવિરોધી અને તદ્દન જુનવાણી વિચારો ધરાવતાં મંડળો છે. તેમને મુશ્કેલીઓ ઊભી કરવામાં ઉત્તેજન આપે અને દેશ આગળ જે મહત્વના પ્રશ્નો પડેલા છે તે જતા કરી બીજી બાબતો પર લોકોનું ધ્યાન દોરે એવી એ યોજના છે. તાત્કાલિક યોજના વિષે ઠરાવમાં જણાવ્યું કે હિન્દીઓને યુદ્ધને વિષે ત્યારે જ ઉત્સાહ ચડે જ્યારે તેઓને લાગે કે તે સ્વતંત્ર છે, અને પોતાની સ્વતંત્રતાના રક્ષણને માટે પોતાને લડવાનું છે. લોકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવામાં આવે અને રક્ષણ બાબતની જવાબદારી તેમને

સોંપવામાં આવે ત્યારે જ તેમનામાં યુદ્ધપ્રયાસ વિશે ઉષ્મા પ્રગટે. હિંદુસ્તાનની અત્યારની સરકાર તેમ જ તેમના પ્રાન્તિક આડતિયાઓમાં કાર્યક્ષમતાનો અભાવ છે અને હિંદુસ્તાનના રક્ષણનો બોજો ઉઠાવવાની શક્તિ નથી. હિન્દુસ્તાનના લોકો જ પોતાના માનીતા પ્રતિનિધિઓ મારફત આ બોજો યોગ્ય રીતે ઉપાડી શકે એમ છે. પણ એમને તત્કાળ સ્વતંત્રતા આપવામાં આવે અને રક્ષણની પૂરી જવાબદારી એમને માથે નાખવામાં આવે ત્યારે જ એ બની શકે.”

હિન્દુસ્તાનના બીજા પક્ષોએ પણ ક્રિપ્સ સાહેબની દરખાસ્તોનો અસ્વીકાર કર્યો. મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, દેશી રાજ્યોની પ્રજા પરિષદ, મોમિન પરિષદ, દલિત વર્ગોના અને વિનીત વર્ગના નેતાઓએ લાંબા ઠરાવો કરી અથવા લાંબી યાદીઓ મોકલી જુદાં જુદાં કારણોસર કિપ્સની દરખાસ્તો નકારી. એટલે ક્રિપ્સ સાહેબ વિલાયત ઊપડી ગયા. ત્યાં ગયા પછી તેમણે જે પ્રચાર કરવા માંડ્યો એમાં તો જૂઠાણાની હદ વાળી. તા. ૨૮મી એપ્રિલે પાર્લમેન્ટમાં લાંબુ ભાષણ કરી વિષ્ટિ નિષ્ફળ જવાનો બધો દોષ તેમણે કૉંગ્રેસ ઉપર ઢોળ્યો. એક ભાષણમાં એઓ એવું બોલ્યા કે, “કૉંગ્રેસની કારોબારી સમિતિએ તો આ દરખાસ્ત સ્વીકારવાનો ઠરાવ પણ કર્યો હતો પરંતુ મિ. ગાંધી વચ્ચે પડ્યા અને કારોબારી સમિતિએ પોતાનો ઠરાવ ફેરવ્યો.” રેડિયેા ઉપર અમેરિકા જોગું ભાષણ કરતાં તેઓ બોલ્યા કે, “અમે તો હિંદુસ્તાનના પ્રતિનિધિત્વ ધરાવતા રાજદ્વારી નેતાઓને વાઈસરૉયની કાઉન્સલમાં સ્થાન આપવાનું કહ્યું હતું. તમારા પ્રમુખને સલાહ આપનારા પ્રધાનોના જેવું તે સ્થાન હતું.” આ જૂઠાણાના ગાંધીજીએ, રાષ્ટ્રપતિએ તથા પં. જવાહરલાલજીએ જડબાતોડ જવાબ આપ્યા. તેમાં ઊતરવાની જરૂર નથી. સરદારે આ યોજના અને વાટાઘાટો વિષે ગુજરાતનાં કેટલાંક ભાષણોમાં જે ઉદ્‌ગારો કાઢ્યા છે તે નીચે આપી આ પ્રકરણ પૂરું કરીશું :

“ત્યાર બાદ બ્રિટિશ સલ્તનતના પ્રતિનિધિ સર સ્ટેફર્ડ ક્રિપ્સ હિંદમાં આવ્યા. કૉંગ્રેસના ઘણા નેતાઓના તે મિત્ર હતા. તેથી તે નેતાઓને અને બીજા ઘણા માણસોને એમ લાગ્યું કે એ પ્રગતિકારી વિચારના માણસ છે એટલે એને મોકલવામાં હિંદ સાથે સમજૂતી કરવાની સરકારની દાનત શુદ્ધ હશે, એમ માનીને ક્રિપ્સે આણેલી દરખાસ્તો ઉપર વિચાર કરવાનો અમે નિર્ણય કર્યો. કૉંગ્રેસના પ્રમુખ મૌલાના સાહેબને તેની સાથે વાટાઘાટો કરવાનો અને ઠીક લાગે તો તે કારોબારી સમિતિ આગળ રજૂ કરવાનો અમે અધિકાર આપ્યો. પણ સર સ્ટેફર્ડને લાગ્યું કે કૉંગ્રેસને પછીથી બાલાવીશું તો ચાલશે. પણ ગાંધીજી વિના ગાડું આગળ ચાલવાનું નથી. એટલે તાર કરી ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ જણાવ્યું કે, આમાં મારું કાંઈ કામ નથી. હું પોતે તો દરેક હિંસક યુદ્ધનો વિરોધી છું, અને કૉંગ્રેસથી છૂટો થઈ ગયેલો છું. છતાં તમારો આગ્રહ છે તો મળવા આવીશ.

“એમ ગાંધીજી દિલ્હી ગયા. પણ ત્યાં તેમણે જે જોયું તેથી તેમને ચીતરી ચડી. અને સરકાર તથા બ્રિટિશરો પ્રત્યે તેમને જે ભાવ હતો તે સાવ ઊડી ગયો. એમણે સર સ્ટેફર્ડને ચોખ્ખું સુણાવી દીધું કે એમરી જેવો કોઈ નાગો માણસ આવી દરખાસ્તો લઈને આવ્યો હોત તો સમજી શકાત. પણ તમે તો હિંદના અને રશિયાના પણ મિત્ર ગણાવ છો. તમે આગળપડતા વિચાર ધરાવનારા છો. તમને આ શું સૂઝ્યું? આ પાપ, આ ઝેર હિંદને ગળે ઉતારવા તમે ક્યાંથી આવ્યા?
“પછી ગાંધીજી તો ચાલ્યા ગયા. પણ કૉંગ્રેસે ક્રિપ્સની દરખાસ્તોની સ્વતંત્ર પરીક્ષા કરવા અને એ શું છે તે જાણવા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પંદર દિવસ સુધી વિચાર ને વાટાઘાટો કરી. પ્રથમ તો સર સ્ટેફર્ડે મીઠી મીઠી વાતો કરી એમ પણ કહ્યું કે જેવી રીતે ઇંગ્લંડમાં શહેનશાહ રાજ કરે છે તેવી રીતે વાઈસરૉય પણ હિંદમાં વર્તશે. એની દરખાસ્તોની બીજી વાતો, જેવી કે હિંદના ટુકડા કરવા, રાજાઓને હિંદીસંઘમાં ભળવા ન ભળવાનું પૂછવું, વગેરે બાબતને બાજુ પર રાખવા કૉંગ્રેસે કહ્યું. અત્યારે તમે શું કરવા માગો છે, તે જાણવા માગ્યું. કારણ ભવિષ્યમાં તમે સ્વતંત્રતા આપશો તેની અત્યારે શી વાત કરવી ? ભવિષ્યમાં તમારી પાસે સ્વતંત્રતા આપવા જેવું કંઈ રહેશે તો આપશો ને ? તે વખતે એની વાત કરીશું. પણ આજે શું આપો છો ? મરી ફીટીએ એવી લાગણી લોકોમાં પેદા કરી શકીએ એવું કંઈ તમે આપતા હો તો કહો. આટલે લગી મીઠી મીઠી વાતો કરીને છેલ્લે દિવસે તેમણે મૌલાના આઝાદ પર કાગળ લખ્યો કે અત્યાર લગી કરેલી વાતમાં તમે ફરી ગયા છો. કારણ કે તમે તો નેશનલ ગવર્નમેન્ટ માગો છો. ખરી વાત તો એ હતી કે પોતે ફરી ગયો હતો છતાં એણે કૉંગ્રેસ પર જૂઠો આરોપ મૂક્યો.”

“યુદ્ધ પછી છેલ્લામાં છેલ્લી ઑફર થઈ છે તે ક્રિપ્સ ઑફર છે. એના જેવી ખોટી અને ધોખાબાજ યોજના આજ સુધી બીજી કોઈ આવી નથી. એ યોજનાની અંદર લડાઈ પછી બ્રિટિશ સત્તા હિંદમાં કાયમ રહે એ પ્રકારની પ્રપંચી સગવડ ભરેલી છે. કૉંગ્રેસના (હિંદ છોડી જાઓના) નિર્ણય માટે એ યોજના જ જવાબદાર છે. જો હિંદ ઉપર નજીકમાં આક્રમણનો ભય ઊભો થયો ન હોત તો હજી અમે થોભત, પણ હિંદ પર જે ભય ઝઝૂમી રહ્યો છે તે જોતાં તેનો સામનો કરવા ખાતર હિંદની પ્રજાને પૂરેપૂરી છૂટ, પૂરેપૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. અંગ્રેજો હિંદના બચાવ માટે નહીં પણ પોતાની સત્તા કાયમ રાખવા માટે લડે છે. જો હિંદના બચાવ માટે લડતા હોય તો કૉંગ્રેસની માગણી સ્વીકારવામાં એમને કશી અડચણ ન પડવી જોઈએ.

“ક્રિપ્સ મિશન તો એક ખોટો સિક્કો હતો. એના ઘડનારાઓની દાનત કાળી હતી. એમાં અપ્રામાણિકતા અને ધોખાખાજી હતી. જતે જતે ક્રિપ્સ પોતે જ

ફરી ગયો અને કૉંગ્રેસને માથે તેનો દોષ ઓઢાડતો ગયો. એ મિશન આખું અમેરિકાના પ્રજામતને રીઝવવા માટે જ યોજાયું હતું.”

“ક્રિપ્સ સાહેબની ખ્યાતિ તો સારી હતી. એમ માનવામાં આવતું હતું કે, સમાધાન થશે. પરંતુ ક્રિપ્સ સાહેબ જે લાવ્યા હતા તે જ્યારે મહાત્માજીએ જોયું ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, ક્રિપ્સ સાહેબ મિત્રભાવે હળાહળ વિષ લાવ્યા હતા. અમેરિકાને સંતોષવા માટે જ ક્રિપ્સે આ એક ખોટો પ્રયાસ કર્યો હતો.
“ક્રિપ્સ સાહેબની યોજનાને દેશના કોઈ પણ પક્ષે સ્વીકારી નહીંં. ઊલટી તેને સર્વેએ તરછોડી કાઢી. અહીંથી ગયા બાદ ક્રિપ્સે જે જૂઠો અને હલકટ પ્રચાર કર્યો છે તે ઉપરથી બ્રિટિશ સરકારની દાનત પુરવાર થઈ છે.”