સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/હિંદ છોડીને ચાલ્યા જાઓ

← ક્રિપ્સ વિષ્ટિ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
હિંદ છોડીને ચાલ્યા જાઓ
નરહરિ પરીખ
નવમી ઑગસ્ટ →


૩૪
હિંદ છોડીને ચાલ્યા જાઓ

અહિંસાની નીતિ જતી કરીને પણ હિંદનું બરાબર રક્ષણ કરી શકાય તે માટે કારોબારી સમિતિના બહુમતી સભ્ય મિત્ર રાજ્યો સાથે સમાધાન કરી લેવા તૈયાર હતા. પણ ક્રિપ્સ વિષ્ટિ નિષ્ફળ જવાથી એવા સમાધાનની જે કંઈ આશા તેઓ સેવતા હતા તે ઊડી ગઈ, અને કૉંગ્રેસ આગળ જપાની આક્રમણ સામે દેશનું રક્ષણ કેવી રીતે કરવું તેનો વિકટ કોયડો આવી પડ્યો. જપાન એટલા ઝપાટાથી હિંદ તરફ આગળ વધી રહ્યું હતું કે, હિંદના રક્ષણનો પ્રશ્ન બહુ તાકીદનો બની ગયો હતો. ક્રિપ્સ સાથે મસલતો ચાલતી હતી તે વખતે જ તા. ૬ઠ્ઠી એપ્રિલે કોકોનાડા અને વિઝાગાપટ્ટમ ઉપર જપાને બૉંબ ફેંક્યા હતા. સત્તાવાળાઓએ મદ્રાસ અને પૂર્વ કિનારા ઉપરનાં ઘણાં શહેર ખાલી કરાવ્યાં હતાં. બંગાળના ઉપસાગરમાં જપાની મનવાર ઘૂમી રહી હતી અને લંકાથી તે કલકત્તા સુધીના દરિયાકાંઠો હર કોઈ વખતે હુમલાના ભારે ભયમાં હતો. બ્રિટિશ સરકારે હિંદુસ્તાનમાં મોટા પ્રમાણમાં અમેરિકન લશ્કર ઉતારવા માંડ્યું હતું. ઓરિસા, બંગાળ તથા આસામમાં બચાવ માટે છેક છેલ્લી ઘડીએ વિમાની મથકો બાંધવાનું સરકારને સૂઝ્યું. તે માટે કેટલાંયે ગામો એમણે તાબડતોબ ખાલી કરાવવા માંડ્યાં. એ ગામવાસીઓને રહેવાની બીજી જગ્યા પણ સરકાર આપી શકી નહીં. આસામ અને બંગાળમાં કેટલેક સ્થળે તો અવરજવરનું મુખ્ય સાધન હોડીઓ જ હોય છે. રખેને જપાન અહીં આવીને એ હોડીઓનો ઉપયોગ કરે એટલા માટે સરકારે એ તમામ હોડીઓને જપ્ત કરવા માંડી. રક્ષણને ખાતર લેવામાં આવતાં આવાં બધાં પગલાંથી ગ્રામવાસીઓની હાડમારીનો પાર ન રહ્યો. કૉંગ્રેસ આ બધું જોયા કરે અને લોકોને કંઈ મદદ ન કરી શકે એ તેને માટે અસહ્ય હતું. આ સ્થિતિમાં જવાહરલાલજી કાંઈક ઉશ્કેરાઈ ગયા હોય એમ લાગે છે. બ્રિટિશ સરકાર જે આપણને ગૂંગળાવી રહી હતી તેની સામે તે શાંતિમય અસહકાર એ એક રસ્તો હતો. પણ જપાન ચડી આવે તો તેની સામે શું કરવું ? ક્રિપ્સના ગયા પછી તરત જ એક ભાષણમાં ધીખતી ધરાની અથવા તો ભૂમિ ઉજાડવાની નીતિ આપણે જપાનની સામે અજમાવવી જોઈએ એમ તેમણે કહ્યું. એ ભાષણમાં એમણે ગેરિલા લડાઈની પણ વાત કરી. તા. ૧૩–૪–’૪રના કાગળમાં ગાંધીજી સરદારને લખે છે કે,

“જવાહરે તો હવે અહિંસાને તિલાંજલિ દીધી જણાય છે. તમે તમારું કામ કર્યાં કરજો. લોકોને જાળવી શકાય તો જાળવજો. આજનું એનું ભાષણ ભયંકર લાગે છે. એને લખવા ધારું છું.”

ગાંધીજીએ ધીખતી ધરા કરવાની રીત તેમ જ ગેરિલા લડાઈ આપણા દેશને કંઈ પણ રીતે અનુકુળ આવે એમ નથી એ વિષે ‘હરિજન’માં લખવા માંડ્યું. અહિંસાની દૃષ્ટિએ તો આ વસ્તુ વાજબી નહોતી જ. પણ હિંસાઅહિંસાનો પ્રશ્ન બાજુએ રાખીએ તો પણ એ વસ્તુ શક્ય અને ઈષ્ટ નહોતી. ધીખતી ધરા કરવા માટે પણ બોમ્બ વગેરે સાધન જોઈએ, અને ગેરિલા લડાઈ કરવા માટે પણ લોકોને હથિયાર આપવાં જોઈએ. ધારો કે બ્રિટિશ સરકાર એવાં હથિયાર પૂરાં પાડે. પણ વાઈસરૉયે થોડા જ વખત ઉપર જાહેર કર્યું હતું કે અમારી પાસે લશ્કરી સિપાઈઓને આપવા માટે પણ પૂરતાં હથિયારો નથી. વળી સરકાર સાથે આપણો અસહકાર ચાલતો હોય તે વખતે આપણી દોરવણી નીચે ચાલતી ગેરિલા લડાઈ માટે સરકાર પાસેથી હથિયારની આશા રાખવી એ અનુચિત અને અશક્ય હતું.

આ સ્થિતિમાં કૉંગ્રેસે કયું પગલું લેવું એનો વિચાર કરવા અલ્લાહાબાદમાં તા ર૭મી એપ્રિલે કારોબારી સમિતિની બેઠક અને તા. ૨૯મીએ કૉંગ્રેસ મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી. એ બેઠકો તા. ૨જી મે સુધી ચાલી. તા. ૧૪-૪-’૪૨ના રોજ ગાંધીજી સરદારને લખે છે :

“તમારો પાછો કોઈ કાગળ નથી. પ્રોફેસરે (કૃપાલાનીજીએ) બધું ભાગવત (ક્રિપ્સ વિષ્ટિનું) સંભળાવ્યું. તમારી તબિયત જવા લાયક ન હોય તો અલ્લાહાબાદ ન જતા. પણ તમારા વિચાર તમારે જણાવી દેવા જોઈએ. જો કૉંગ્રેસ હિંસા નીતિ અખત્યાર કરે તો તમારે નીકળી જવું જોઈએ એમ મને લાગે છે. આ સમય એવો નથી કે કોઈ પોતાના વિચાર દબાવી બેઠા રહે. ઘણી બાબતમાં

કામ ઊંધું ચાલી રહ્યું છે. એ જોયાં કરવું એ બરાબર નથી લાગતું. ભલે લોકો નિંદો કે વંદો.
“‘હરિજન’માં હું જે લખી રહ્યો છું એ ધ્યાનપૂર્વક વાંચો એમ ઇચ્છું છું.
“ઓરિસામાં … હુમલો થવાનો બહુ સંભવ લાગે છે. સરકારે ત્યાં લશ્કર ઠીક ભર્યું છે.”

તા. ૨૨-૪-’૪રના રોજ ગાંધીજી સરદારને ફરી લખે છે :

“તમારો કાગળ મળ્યો. મૌલાનાના તાર પરથી તમારે તો ગયે જ છૂટકો જણાય છે. તમે મક્કમપણે કામ લેજો. જો અહિંસક અસહયોગનો સ્પષ્ટ ઠરાવ ન કબૂલ થાય તો તમારો ધર્મ નીકળવાનો જ છે. ભૂમિ ઉજાડવાની નીતિનો અને બહારનાં લશ્કરો લાવવાનો પણ સખત વિરોધ થવો જ જોઈએ. મને બોલાવવાનો આગ્રહ ચાલે છે પણ મેં તો ના જ લખી છે.
“તમે પ્રયાગથી પાછા ફરો ત્યારે અહીં થઈને જજો. ભલે એક દિવસ જ આવો. પ્રયાગના કરતાં તો અહીં સો ગણું સારું છે. રાજેન્દ્રબાબુને પણ સાથે લાવજો ને દેવને પણ.”

અલ્લાહાબાદની બેઠકમાં બહુ મહત્ત્વના પ્રશ્ન વિષે કારોબારી સમિતિએ તેમ જ મહાસમિતિએ નિર્ણય કરવાનો હતો. દેશમાં ઘણા એવું માનનારા હતા કે આપણે તો કોઈ પણ રીતે બ્રિટિશરો અહીંથી જાય એ જોઈએ છે, ભલે જપાનીઓ અહીં આવે. આપણે પાછળથી એમની જોડે હિસાબ પતાવી લઈશું. એક વર્ગ એવું માનનારો પણ હતો કે, આપણે જપાનીઓને આવકારવા જોઈએ. તેમની મદદ લઈને અંગ્રેજોને ખસેડવામાં કંઈ નુકસાન થવાનું નથી. પરંતુ કારોબારી સમિતિના સભ્યોમાંથી અથવા તો મુખ્ય મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓમાંથી કોઈ જપાનને આવકારવા ઇચ્છતું નહોતું. તેનું કારણ એ નહોતું કે જપાન કરતાં બ્રિટિશરો સારા હતા, પણ જપાનને બ્રિટન કરતાં સારું ગણવા જેવું નહોતું. છેલ્લાં કેટલાંક વરસથી ચીનની સાથે તેણે જે વર્તાવ કર્યો હતો અને ચીનનો ઘણો ભાગ પડાવી લીધો હતો તે ઉપરથી એ સિદ્ધ થતું હતું કે જપાન પણ સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાવાળું હતું. એક સામ્રાજ્યમાંથી નીકળીને બીજાં સામ્રાજ્યને તાબે થવું એ તો ઓલામાંથી નીકળીને ચૂલામાં પડવા જેવું હતું. એ કે આપણી સ્વતંત્રતા છીનવી લીધી હતી અને આવી વિષમ વેળાએ પણ જપાન સામે લડવાને માટે આપણને સ્વતંત્ર થવા દેવા એ તૈયાર નહોતો. બીજો આપણી સ્વતંત્રતા છીનવી લઈને પોતાનું સામ્રાજ્ય જમાવવાની મહત્ત્વાકાંક્ષાવાળો હતો. એટલે આપણી દૃષ્ટિએ તે બંને સરખા હતા. બેમાંથી એકેનો વિશ્વાસ કરવા જેવું નહોતું. આપણી સ્વતંત્રતા આપણે પોતે જ મેળવવાની હતી, લોકોમાં આ જાતનો ઉત્સાહ પ્રગટાવવા ગાંધીજી ‘હરિજન’માં બહુ કડક લેખો લખતા હતા.

 અલ્લાહાબાદમાં મળનારી મહાસમિતિની બેઠકો માટે ગાંધીજીએ નીચે પ્રમાણેનો ઠરાવનો ખરડો મીરાબહેન સાથે મોકલી આપ્યો :

“સર સ્ટેફર્ડ ક્રિપ્સ બ્રિટિશ યુદ્ધપ્રધાનમંડળની જે દરખાસ્તો લઈને અહીં આવ્યા તેણે બ્રિટિશ સામ્રાજ્યશાહીને પહેલાં કદી નહીં પાડેલી એવા નગ્ન રૂપમાં ઉઘાડી પાડી છે. તેથી કૉંગ્રેસની આ મહાસમિતિ નીચેના નિર્ણયો ઉપર આવી છે :
“મહાસમિતિનો એવો અભિપ્રાય છે કે બ્રિટન હિંદુસ્તાનનું રક્ષણ કરવા અસમર્થ છે. તે જે કાંઈ કરે છે તે સ્વાભાવિક રીતે જ એકલા પોતાના રક્ષણને અર્થે કરે છે. હિંદુસ્તાનના અને બ્રિટનના હિતસંબંધ વચ્ચે સતત ઘર્ષણ રહેલું છે. એટલે બન્નેના સંરક્ષણ વિશેના ખ્યાલોમાં પણ ફરક રહે છે. હિંદુસ્તાનના કોઈ પણ રાજદ્વારી પક્ષ ઉપર બ્રિટિશ સરકારને વિશ્વાસ નથી. હિંદી લશ્કરને પણ હિંદુસ્તાનને પોતાની જંજીરોમાં જકડી રાખવા માટે જ આજ સુધી નિભાવવામાં આવ્યું છે. આમજનતાથી તેને પૂરેપૂરું અળગુ રાખવામાં આવે છે. હિંદુસ્તાનના લોકો એ લશ્કરને કોઈ પણ અર્થમાં પોતાનું કહી શકે એમ નથી. અવિશ્વાસની આ નીતિ હજી ચાલુ જ છે. એ જ કારણે રાષ્ટ્રના સંરક્ષણનું કામ હિંદી લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓને સોંપવામાં આવતું નથી.
“જપાનનો ઝઘડો હિંદુસ્તાન સાથે નથી. એની લડાઈ બ્રિટિશ સામ્રાજ્ય સાથે છે. હિંદુસ્તાનને આ યુદ્ધમાં સપડાવવામાં આવ્યું છે તે પણ હિંદુસ્તાનના લોકોના પ્રતિનિધિઓની સંમતિ વિના કરવામાં આવ્યું છે. એ કેવળ બ્રિટને મનસ્વી રીતે કર્યું છે. હિંદુસ્તાન જો સ્વતંત્ર થાય તો કદાચ તેનું પહેલું કાર્ય જપાન સાથે વાટાઘાટો કરવાનું હોય. કૉંગ્રેસનો એ અભિપ્રાય છે કે જો અંગ્રેજો હિંદુસ્તાનમાંથી ખસી જાય અને જપાનીઓ અથવા તો બીજી કોઈ પણ સત્તા હિંદુસ્તાન ઉપર આક્રમણ કરે તો તેની સામે પોતાનું રક્ષણ કરવાને હિંદુસ્તાન સમર્થ થશે.
“તેથી આ મહાસમિતિનો એ અભિપ્રાય છે કે અંગ્રેજોએ હિંદુસ્તાનમાંથી ચાલ્યા જવું જોઈએ. હિંદના દેશી રાજાઓના રક્ષણને અર્થે પોતાને અહીં રહેવાની જરૂર છે એવી દલીલ કરવામાં આવે છે તેમાં કશું વજૂદ નથી. હિંદુસ્તાન ઉપર પોતાનો કાબૂ ચાલુ રાખવાના તેમના નિર્ણયની એ એક વધારાની સાબિતી છે. દેશી રાજાઓને નિઃશસ્ત્ર હિંદુસ્તાન તરફથી કશો ડર રાખવાની જરૂર નથી.
“બહુમતી અને લઘુમતીનો પ્રશ્ન એ બ્રિટિશ સરકારની જ પેદા કરેલી કૃતિ છે. તેમના અહીંથી ખસી જવાની સાથે જ એ પ્રશ્ન નાબૂદ થઈ જશે.
“આ બધાં કારણોથી આ મહાસમિતિ બ્રિટનને અપીલ કરે છે કે તમારી પોતાની સલામતી ખાતર, હિંદુસ્તાનની સલામતી ખાતર અને દુનિયાની શાંતિની ખાતર, એશિયામાંના અને આફ્રિકામાંના તમારા કબજાના મુલકો ભલે અત્યારે ન છોડવા હોય તો ન છોડો, પરંતુ હિંદુસ્તાન ઉપરનો તમારો કબજો તો છોડો જ.
“આ સમિતિ જપાની સરકારને અને જપાની લોકોને ખાતરી આપવા ઇચ્છે છે કે હિંદુસ્તાનને જપાન સાથે અથવા તો બીજા કોઈ ૫ણ દેશ સાથે

દુશ્મનાવટ નથી. હિંદુસ્તાનની એકમાત્ર ઈચ્છા પરદેશી ધૂંસરીમાંથી છૂટવાની છે. સમિતિનો એવો અભિપ્રાય છે કે દેશની સ્વતંત્રતા માટેની આ લડતમાં, હિંદુસ્તાન જોકે આખી દુનિયાની સહાનુભૂતિને આવકારે છે, તો પણ કોઈ પણ પરદેશી લશ્કરની મદદ તેને ખપતી નથી, પોતાની અહિંસક શક્તિ દ્વારા હિંદુસ્તાન પોતાની મુક્તિ મેળવશે, અને એ શક્તિ દ્વારા જ તેને સાચવી રાખશે. તેથી આ સમિતિ આશા રાખે છે કે, જપાનને હિંદુસ્તાન ઉપર આક્રમણ કરવાનો ઇરાદો બિલકુલ નહીં હોય. છતાં જપાન હિંદુસ્તાન ઉપર આક્રમણ કરશે, અને બ્રિટન તેણે કરેલી અપીલનો કશો જવાબ નહીં આપે તો જેઓ કૉંગ્રેસ તરફથી માર્ગદર્શનની આશા રાખે છે તે સધળા પાસે સમિતિ એવી અપેક્ષા રાખશે કે તેઓ જપાની લશ્કર સાથે પૂરેપૂરો શાંતિમય અસહકાર કરશે, અને તેમને કોઈ પણ જાતની મદદ આપશે નહીં. જેમના ઉપર આક્રમણ થાય તેમની એવી ૨જ પણ ફરજ નથી કે આક્રમણકારને કશી મદદ કરવી. તેમની ફરજ તો સંપૂર્ણ અસહકાર દ્વારા સામનો કરવાની હોય.

“ અહિંસક અસહકારના સાદા સિદ્ધાંતો સમજવામાં મુશ્કેલી આવે એમ નથી :

૧. આપણે આક્રમણકારને જરા પણ નમતું ન આપીએ, તેમ તેના કોઈ હુકમનું પાલન ન કરીએ.
૨. તેની પાસેથી કશી મહેરબાની આપણને ન ખપે, તેમ તેની કોઈ પણ જાતની લાલચને આપણે વશ ન થઈએ. પરંતુ આપણે તેનો દ્વેષ ન કરીએ, તેમ તેનું ભૂડું ન ઇચ્છીએ.
૩. તે આપણાં ખેતરો કબજે લેવા આવે તો આપણે કબજો છોડવાનો ઇનકાર કરીએ. ભલે તેનો વિરોધ કરવાના પ્રયત્નમાં આપણે ખપી જવું પડે.
૪. છતાં જો તે માંદો પડ્યો હોય અથવા તરસે મરતો હોચ અને આપણી મદદ ઇચ્છે તો મદદ આપવાનો આપણે ઇન્કાર ન કરીએ.
૫. જે સ્થળોએ બ્રિટિશ અને જપાની લશ્કરો વચ્ચે લડાઈ ચાલતી હોય ત્યાં આપણો અસહકાર નકામો અને અનાવશ્યક થઈ પડે. અત્યારે બ્રિટિશ સરકાર સાથેનો આપણો અસહકાર મર્યાદિત સ્વરૂપનો છે. જ્યારે તેઓ ખરેખરી લડાઈમાં પડ્યા હોય, તે વખતે આપણે તેમની સાથે સંપૂર્ણ અસહકાર કરીએ તો એ વસ્તુ આપણા દેશને ઇરાદાપૂર્વક જપાનીઓના હાથમાં સોંપવા બરોબર થાય. તેથી જપાની સાથે આપણો અસહકાર દર્શાવવાની એકમાત્ર રીત ઘણી વાર એ પણ હોય કે બ્રિટિશ લશ્કરના માર્ગમાં આપણે કશું વિંઘ્ન નાખવું નહીં. પરંતુ અંગ્રેજોને કશી સક્રિય રીતે આપણે મદદ ન જ આપીએ. અત્યારનું તેનું વલણ જોતાં તો આપણે તેના માર્ગમાં કશી દખલ ન કરીએ એ ઉપરાંત બીજી કશી મદદ બ્રિટિશ સરકાર આપણી પાસેથી ઇચ્છતી જ નથી. તેઓ તો ગુલામ તરીકે આપણી મદદ ઇચ્છે છે. એ સ્થિતિ આપણે હરગિજ સ્વીકારી શકીએ એમ નથી.

“ભૂમિ ઉજાડવાના સંબંધમાં આપણી નીતિની સ્પષ્ટ જાહેરાત કરવાની જરૂર આ સમિતિને ભાસે છે. આપણે તેમની સાથે અહિંસક પ્રતિકાર કરતા

હોઈએ તેમ છતાં આપણા દેશનો કોઈ ભાગ જપાનીઓના હાથમાં આવી પડે તો ત્યાંના પાકોનો અથવા તો જળાશયોનો આપણે નાશ ન કરીએ. એટલા જ માટે કે આપણો પ્રયત્ન તો એ પાછાં મેળવવાનો રહેશે. પરંતુ યુદ્ધસામગ્રીને નાશ કરવો એ જુદી વસ્તુ છે. અમુક સંજોગોમાં તેનો નાશ કરવો એ લશ્કરી દૃષ્ટિએ આવશ્યક હોય. પરંતુ જે વસ્તુઓ જનતાની માલિકીની છે અથવા જે વસ્તુઓ જનતાને ઉપયોગની છે તેનો નાશ કરવો એ કદી કૉંગ્રેસની નીતિ હોઈ શકે નહીંં.

"જપાની લશ્કર સાથે અસહકાર કરવાનું કામ સ્વાભાવિક રીતે જ પ્રમાણમાં થોડા લોકોને ભાગે આવશે. વળી એ અસહકાર સંપૂર્ણ અને સાચા દિલનો હશે તો જ સફળ થશે. પરંતુ સ્વરાજ્યની સાચી રચના તો એમાં રહેલી છે કે હિંદુસ્તાનના કરોડો લોકો પૂરા દિલથી રચનાત્મક કાર્ચ કરવા મંડી પડે. એના વિના આખી પ્રજા તેની દીર્ધ તન્દ્રામાંથી જાગ્રત થઈ શકવાની નથી. અંગ્રેજ લોકો અહીં રહે કે ન રહે, આ૫ણી સદાસર્વદાની ફરજ તો એ જ છે કે આપણા દેશમાંથી બેકારીને નાબૂદ કરી નાખીએ, શ્રીમંત અને ગરીબ વચ્ચે પડેલી ખાઈને પૂરી નાખીએ, કોમી વેરઝેરને દેશવટો દઇએ, અસ્પૃશ્યતારૂપી રાક્ષસીનો સંહાર કરીએ, ચોર લુંટારુઓને સુધારીએ અને લોકોને તેમના ઉપદ્રવમાંથી બચાવીએ. આ જાતના રાષ્ટ્રવિધાચક કાર્યમાં કરોડો લોકો જીવતોજાગતો રસ લેતા ન થાય તો સ્વતંત્રતા એક સ્વપ્ન જ રહે અને અહિંસાથી કે હિંસાથી આપણે તે પ્રાપ્ત કરી શકીએ નહીંં.

પરદેશી સિપાઈઓ

"આ મહાસમિતિનો એ અભિપ્રાય છે કે હિંદુસ્તાનમાં પરદેશી સિપાઈઓને દાખલ કરવા તે હિંદુસ્તાનના હિતને નુકસાનકર્તા અને દેશની સ્વતંત્રતાને ભયરૂપ છે. તેથી બ્રિટિશ સરકારને એ અપીલ કરે છે કે દેશમાંથી પરદેશી લશ્કરોને ખસેડી લેવામાં આવે અને હવે પછી બીજાં લાવવામાં ન આવે. હિંદુસ્તાનમાં અખૂટ માનવશક્તિ પડેલી છે છતાં પરદેશી લશ્કરને અહીં લાવવાં એ ભારે શરમભરેલું છે. બ્રિટિશ સામ્રાજ્યની અનીતિમયતાનો એ એક વધુ પુરાવો છે.”

સેવાગ્રામ, ૨૩-૪-'૪૨

રાજેન્દ્રબાબુ પોતાની જીવનકથામાં લખે છે કે,

"ગાંધીજીના ખરડા ઉપર કારોબારી સમિતિમાં ખૂબ વાદવિવાદ ચાલ્યો. એમાં જણાઈ આવ્યું કે સભ્યોમાં બે મત છે. એક મત એની તરફેણમાં હતો. બીજો મત એટલે સુધી જવા તૈયાર ન હોઈ એ ઠરાવને સ્વીકારતો નહોતો. એમાં સુધારો કરવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ સફળ ન થયો. આખરે સં૫ ટકાવી રાખવા સારુ અમે અમારો વિરોધ પડતા મૂક્યો અને બીજાઓને જે ઉચિત લાગ્યું તે અમે સ્વીકારી લીધું. આ કારોબારી સમિતિની વાત થઈ. દેશનું વલણ ગાંધીજી તરફ વધારે હતું. જો ગાંધીજીનો એ ખરડો મહાસમિતિમાં રજૂ કરવામાં આવ્યો હોત તો કદાચ તે મંજૂર થઈ જાત. પણ તેથી એકબીજા સાથેના મતભેદ પણ ખૂબ ઉધાડા પડત. આપણે આપણી તરફથી કશું

પગલું લેવું જ હોય તે આ રીતે અંદરની ફૂટ જાહેર કરીને એ લઈ શકાય તેમ નહોતું. એટલે આ મતભેદને દાબી દેવો એ જ યોગ્ય લાગ્યું. ગાંધીજીનો ઠરાવ કોઈ પણ રૂપમાં રજૂ ન કરાયો. હા, એટલું થયું કે, જે ઠરાવ પસાર થયો એમાં ગાંધીજીના ભાવનો સારી પેઠે સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે ગાંધીજીએ એ ઠરાવ જોયો ત્યારે એમણે કહ્યું કે, જોકે એ મને પૂરેપૂરો પસંદ પડતો નથી, છતાં એમાં મારે કામ કરવાને માટે પૂરતો અવકાશ છે, એટલે હું એને સ્વીકારું છું.”

ક્રિપ્સની વિષ્ટિમાંથી ઈંગ્લંડની મેલી દાનતનો પુરાવો પૂરેપૂરો મળી રહેતો હતો. લડાઈ દરમ્યાન તેઓ હિંદુસ્તાન ઉપરની પોતાની પકડ જરાયે ઓછી કરવા ઈચ્છતા નહોતા. અને લડાઈ પછી પણ જે વસાહતી દરજજો આપવાની તેઓ વાત કરતા હતા તેમાં દેશના એવા ભાગલા પાડી નાખવાની પેરવી હતી કે, એક તરફથી પોતાની કશી જવાબદારી ન રહે છતાં બીજી તરફથી દેશ ઉપરની પકડ એવી ને એવી મજબૂત રાખી શકે. વિષ્ટિ ચાલી ત્યાં સુધી તો ગાંધીજીએ મૌન સેવ્યું પણ પછીથી એમણે જાહેર કર્યું કે, અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતાં, કેવળ હિંદુસ્તાનના હિતને અર્થે જ નહીં, પણ ઈંગ્લંડ તથા મિત્રરાજ્તોના હિતને અર્થે તેમ જ જગતની શાંતિને અર્થે પણ ઈંગ્લડે હિંદ છોડીને ચાલ્યા જવું જોઈએ. તેથી જ તેમણે પોતાનો ઉપરનો ઠરાવ મહાસમિતિને મોકલી આપ્યો. તેમાં તેમણે અહિંસાનો જે આગ્રહ રાખ્યો છે, તેટલે સુધી જવા મહાસમિતિના ઘણા સભ્યો તૈયાર નહોતા. એટલે અલાહાબાદની મહાસમિતિએ પોતાની ઢબે ઠરાવ કર્યો. તેમાં બ્રિટને હિંદ છોડવું જોઈએ એ વસ્તુ તો માન્ય રાખી જ. મહાસમિતિના ઠરાવમાંથી કેટલાક પ્રસ્તુત ભાગ નીચે આપ્યા છે :

“ બ્રિટિશ સરકારની દરખાસ્તો અને સર સ્ટેફર્ડ ક્રિપ્સે કરેલા તેના વિશેષ વિવરણથી સરકાર પ્રત્યે વધારે કડવાશ અને અવિશ્વાસ પેદા થયાં છે. બ્રિટન સાથે અસહકારની વૃત્તિ પણ વધવા પામી છે. કેવળ હિંદ માટે નહીં, પણ સંયુક્ત રાષ્ટ્રો માટે પણ ભયની આ વેળાએ તેમણે બતાવી આપ્યું છે કે, બ્રિટિશ સરકાર સામ્રાજ્યવાદી સરકાર તરીકે જ કાયમ રહેવા માગે છે, અને હિંદુરતાનનું સ્વાતંત્ર્ય સ્વીકારવાનો અથવા તો પોતાની જરા પણ સત્તા છોડવાનો ઇનકાર કરે છે.”



“ મહાસમિતિને પ્રતીતિ થયેલી છે કે, હિંદુસ્તાન પોતાના બળ વડે જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે અને પોતાના બળ વડે જ તે સાચવી શકશે. અત્યારનો કટોકટીનો મામલે જોતાં, તેમ જ સર સ્ટેફર્ડ ક્રિપ્સ સાથે ચાલેલી વાટાધાટો દરમ્યાન જે અનુભવ મળ્યો છે તે જોતાં, હિંંદુરતાનમાં બ્રિટનનો કાબૂ અથવા તેની સત્તા આંશિક રીતે પણ કાયમ રાખે એવી કોઈ યોજનાઓ 

અથવા તો દરખાસ્ત પર વિચાર કરવાનું કૉંગ્રેસને માટે અશક્ય છે. કેવળ હિંદુસ્તાનનું જ ભલું નહીં પણ બ્રિટનની સલામતી તથા દુનિયાની શાંતિ ને સ્વતંત્રતા માગી લે છે કે, બ્રિટને હિંદુસ્તાન ઉપરનો કાબુ છોડવો જોઈએ. કેવળ સ્વતંત્રતાના મુદ્દા ઉપર જ હિંદુસ્તાન, બ્રિટન અથવા બીજા રાષ્ટ્રો સાથે વાતચીત કરી શકે એમ છે.

“ આ મહાસમિતિ એ વસ્તુનો ઇનકાર કરે છે કે કોઈ પણ પરદેશી રાષ્ટ્ર ભલે તે ગમે તેવાં વચનો આપતું હોય અથવા દાવા કરતું હોય તોપણ, તેની ચડાઈ અથવા દરમ્યાનગીરીથી હિંદુસ્તાનને સ્વતંત્રતા મળી શકે. એટલે જો કદાચ એની ચડાઈ આવે તો એનો સામનો કરવા જ જોઈએ. આવો સામનો અહિંસક અસહકારની રીતે જ થઈ શકે એમ છે. કારણ બ્રિટિશ સરકારે કોઈ પણ બીજી રીતે રાષ્ટ્રનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવાનું લોકોના હાથમાં રહેવા જ દીધું નથી. એટલે હિંદુસ્તાનના લોકો પાસેથી આ મહાસમિતિ એવી અપેક્ષા રાખે છે કે, તેમણે ચડી આવનારાં લશ્કરો સામે સંપૂર્ણ અહિંસક અસહકાર કરવો અને તેમને કોઈ પણ જાતની મદદ આપવી નહીં.



ગાંધીજીના લેખોની સામે અને કૉંગ્રેસ મહાસમિતિના આ ઠરાવની સામે આપણા દેશનાં ઍંગ્લો ઈન્ડિયન વર્તમાનપત્રો તથા પરદેશી વર્તમાનપત્રો એવી ટીકા કરવા લાગ્યાં કે, અંગ્રેજોને સત્તા છોડી દેવાનું અથવા ચાલ્યા જવાનું કહીને તમે જપાનને હિંદુસ્તામાં આવવાનું આમંત્રણ આપો છો. ઈંગ્લંડ અને અમેરિકાનાં ઘણાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ પણ ગાંધીજીની મુલાકાત લેવા આવવા લાગ્યા. ટીકાકારોને આપેલા ખુલાસાઓમાંથી તથા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાંથી સારરૂપ ફકરા નીચે આપ્યા છે :

“ મારી ખાતરી છે કે લડાઈ પૂરી થાય પછી નહીં, પણ તે દરમ્યાન જ અંગ્રેજોએ અને હિંદીઓએ એકબીજાથી તદ્દન જુદા પડવાની વાતને માની લેવાનો સમય આવી પહોંચ્યો છે. તેમાં અને તેમાં જ બંનેની સલામતી - અને જગતનીયે સલામતી - રહી છે. હું તો ખુલ્લી આંખે જોઉં છું કે, હિંદીઓમાં અંગ્રેજો પ્રત્યેનું વૈમનસ્ય વધતું જાય છે. હિંદીઓ માને છે કે, સરકારનું એકેએક પગલું તેના પોતાના સ્વાર્થ અને સલામતીની દૃષ્ટિએ લેવાય છે અને મને પણ લાગે છે કે તદ્દન વાજબી રીતે એમ મનાય છે. બંનેના ભેળા અને સામાન્ય હિત જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એક અંતિમ દાખલાથી સમજાવું તો અંગ્રેજોની જપાન પર જીત થાય તો તેનો અર્થ હિંદુસ્તાનની જીત નહીં હોય. પણ આ તો નજીકના ભવિષ્યની વાત ન કહેવાય. અત્યારે, વિદેશી સિપાઈઓની હિંદમાં ભરતી, હિંદી અને ગોરા હિજરતીઓ (બ્રહ્મદેશના) પ્રત્યેના વર્તનમાં ભેદભાવ થયાની કબૂલાત, અને લશ્કરી સિપાઈઓનું ઉધાડું મદમસ્ત વર્તન – એ બધું બ્રિટનના ઇરાદાઓ અને જાહેરનામાંઓ વિષેના અવિશ્વાસમાં ઉમેરો કરે છે. મને લાગે છે કે તેઓ પોતાના લાંબા વખતના સ્વભાવને એકાએક બદલી નહીં શકે. પોતાના જાતિમદને તેઓ દુર્ગુણ રૂપે નહીં, પણ ગુણ રૂપે ગણે છે. આવું કેવળ

હિંદ પ્રત્યે જ નથી, પણ આફ્રિકા, બ્રહ્મદેશ, સિલોન, દરેક પ્રત્યે છે. જાતિમદનું પ્રદર્શન કર્યા વિના આ દેશોનો કબજો રાખી શકાત જ નહીં.

"આ એક તીવ્ર રોગ છે. અને તેનો ઇલાજ પણ તીવ્ર લેવાવો જોઈએ. આ ઇલાજ હું બતાવું છું. તુરતાતુરત અને વ્યવસ્થિત રીતે અંગ્રેજોએ પૂરેપૂરા ચાલ્યા જવું જોઈએ, કમમાં કમ હિંદુસ્તાનમાંથી અને સાચું જોતાં તો સધળા બિનયુરોપિયન મુલકોમાંથી. અંગ્રેજોનું એ ભારે વીરોચિત અને શુદ્ધતમ કાર્ય થશે. એ વસ્તુ એક ક્ષણમાં મિત્રરાજ્યોના પક્ષને પૂર્ણ નૈતિક પાયા ઉપર મૂકી દેશે. સંભવ છે કે, સધળા લડનારા પક્ષેામાં એ માનભરી સુલેહ કરાવનારું પણ થાચ. સામ્રાજ્યવાદનો આવો શુદ્ધ અંત, ફાસીવાદ તથા નાઝીવાદનોયે કદાચ અંત લાવે. જે પગલું મેં સૂચવ્યું છે તે કમમાં કમ ફાસી અને નાઝી તલવારને બૂઠી તો કરી જ નાખશે. કારણ કે એ બંને સામ્રાજ્યવાદમાંથી જ ફૂટેલા ફણગા છે.

“ આથી મને લાગે છે કે, મારી સર્વ શક્તિ આ મહાન પગલું ભરાવવા માટે મારે ખર્ચવી જોઈએ. એ પગલું વિજય પહેલાં જ લેવાવું જોઈએ, વિજય પછી નહીં. હિંદુસ્તાનમાં અંગ્રેજોની હાજરી એ જપાનને હિંદુસ્તાન પર ચડાઈ કરવા નોતરું છે. તેઓ ચાલ્યા જાય તો ચડાઈની લાલચ દૂર થાય. પણ માનો કે લાલચ દૂર ન થઈ તો પણ આઝાદ હિંદ એ ચડાઈને વધારે સારી રીતે પહોંચી વળી શકશે. નિર્ભેળ અસહકાર તે વેળા પુરજોશમાં ચાલશે.” (તા. ૪-૫–'૪૨)



"અંગ્રેજો એશિયા તેમ જ આફ્રિકામાંથી ચાલ્યા જાય એમ હું માગું છું ખરો. પણ આ ક્ષણે હું એકલા હિંદુસ્તાનની જ વાત કરવા ઇચ્છું છું.” (તા. ૧૧–૫–'૪ર)



"મારો પૂરેપૂરો નૈતિક ટેકો બ્રિટનના પક્ષમાં છે એમ હું કહેતો. પણ મને કબૂલ કરતાં બહુ ખેદ થાય છે કે, આજે મારું મન એ નૈતિક ટેકો આપવાનું ના પાડે છે. હિંદુસ્તાન પ્રત્યેના બ્રિટનના વર્તનથી મને ભારે દુ:ખ થયેલું છે. મિ. એમરીનાં ભાષણો અને સર સ્ટેફર્ડ ક્રિપ્સની વિષ્ટિને માટે હું બિલકુલ તૈચાર ન હતો. એથી મારે મને બ્રિટનનો પક્ષ નૈતિક દૃષ્ટિએ અયોગ્ય ઠરે છે. હું બ્રિટનને અપમાન અને ભેાંઠપ વેઠવાં પડે એમ નથી ઇચ્છતો. તેની હાર થાય એમ પણ નથી ઇચ્છતો. તોપણ મારું મન તેને જરાયે નૈતિક ટેકો આપવાની ના પાડે છે.”

"બ્રિટન અને અમેરિકા બંનેને આ લડાઈમાં પડવા માટે કશો નૈતિક આધાર નથી – સિવાય કે તેઓ પોતાનાં ઘર વ્યવસ્થિત કરે, અને સાથે સાથે આફ્રિકા અને એશિયા બનેમાંથી પોતાની લાગવગ અને સત્તા ખેંચી લે, તથા રંગભેદ દૂર કરે. જ્યાં સુધી ગોરાઓના શ્રેષ્ઠત્વના ઝેરી કીડાનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં લગી તેમને લોકશાહીનું અને સંસ્કૃતિ તથા માનવી સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની વાત કરવાનો કશો હક નથી.” (૧૮-૫-'૪૨ )  “ મારી ન મૂંઝવવાની નીતિ મેં જે રૂપમાં વણવી છે તે રૂપમાં અખંડિત રહે છે. અંગ્રેજો જો ચાલ્યા જાય તો એમને કશી મૂઝવણ રહેતી નથી. એટલું જ નહીં પણ જો તેઓ એક આખી પ્રજાને ગુલામીમાં રાખવાનો અર્થ શું છે તેનો શાંતપણે વિચાર કરી જુએ તો એમને માથેથી જબરદસ્ત બોજો ઊતરી જાય છે. પોતાને વિષે દ્વેષની લાગણી પ્રવર્તે છે એમ સારી પેઠે જાણવા છતાં જો તેઓ રહેવાનો આગ્રહ રાખે તો તેઓ મુંઝવણ વહોરી લે છે. સત્ય આ ક્ષણે ગમે તેટલું કડવું લાગે તોપણ તે કહેવાથી હું મૂંઝવણ પેદા કરતો નથી.”



"અમારી નજર સામે જે બનાવો રોજ બનતા જોઈએ છીએ તે પ્રત્યે અમે આંખ મીચામણાં કરી શકતા નથી. ગામડાંઓને ખાલી કરાવીને તેને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવામાં આવે છે, અને રૈચતને કહેવામાં આવે છે કે, તમે તમારું ફોડી લો. બ્રહ્મદેશથી આવતાં હજારો નહીંં, તોયે સેંકડો લોકો ભૂખે અને તરસે મૂઆ, અને એ કમનસીબ સ્થિતિમાં એક અકારો ભેદભાવ તેમને અનુભવવો પડ્યો. ગોરાઓને રસ્તો જુદો અને કાળાએને જુદો. ગોરાઓને માટે રહેવાની અને ખાવાપીવાની વ્યવસ્થા હાજર, કાળાઓ માટે કશું નહીં ! હિંદુસ્તાનમાં પહોંચ્યા પછી પણ પોતાના દેશમાં જ ભેદભાવ ! જપાનીઓ હજી આવ્યા નથી ત્યાં તો અમને તરછોડવામાં આવે છે અને પીલી નાખવામાં આવે છે. આ બધું હિંદીઓના રક્ષણ માટે તો નથી જ. ભગવાન જાણે કોના રક્ષણ માટે છે ? આથી એક ભલી સવારે હું એ નિખાલસ માગણી કરવાના નિર્ણય પર આવી ગયો કે ભગવાનને ખાતર હિંદુસ્તાનને એના નસીબ પર છાડી જુઓ. અમને છૂટાપણાનો દમ લેવા દો. પેલા અમેરિકન ગુલામને એકદમ છૂટા કરવાથી થયું તેમ અમારો છુટકારો અમને ભલે ગભરાવી મૂકે કે ગૂંગળાવી દે. પણ આજનો આ ઢોંગધતુરો તો ખતમ થવો જ જોઈએ.” (૭-૬-'૪૨ )



"પોતાના એશિયા તથા આફ્રિકાના મુલકોનો કબજો જાળવી રાખવા માટે જ બ્રિટન લડતું હોય તો ન્યાયના પક્ષનો દાવો કરીને લડાઈમાં જીત મેળવવાને તે પાત્ર નથી. મારી સૂચના સ્વીકારવાને પરિણામે બ્રિટનને પોતાની આર્થિક નીતિમાં મહત્ત્વના સુધારા કરવા પડે એ વાતથી હું અજાણ નથી. પણ જો આ લડાઈનું સંતોષકારક પરિણામ લાવવું હોય તો તે ફેરફારો સાવ જરૂરી છે.” (તા. રર-૧-'૪૨ )

આ યુદ્ધમાં કોઈ પણ રીતે મિત્રરાજ્યોનો વિજય થાય તેમાં જ લોકશાહીના સિદ્ધાંતની સલામતી છે અને જગતનું કલ્યાણ છે એવું માનનારા ઘણા વિચારવાન માણસે પડેલા હતા. તેમને ગાંધીજીની આ વાત બહુ એકાંગી અને ભૂલભરેલી લાગતી હતી. જે વખતે યુદ્ધ કટોકટીની રિથતિએ પહોંચ્યું હતું અને દુશ્મનો હિંદુસ્તાનનાં બારણાં ઠોકી રહ્યા હતા તે વખતે અંગ્રેજોને હિંદ છોડીને ચાલ્યા જવાનું કહેવું એ બહુ નવી અને વિચિત્ર લાગે એવી વાત તો હતી જ, એટલે ગાંધીજીએ તે માટે લોકમત તૈયાર કરવાને, કાંઈ નહીં તો દુનિયાને પોતાની વાત સમજવવાને તનતોડ પ્રયત્નો કર્યા. પણ હિંદુસ્તાન ઉપર જોખમ દિનપ્રતિદિન વધતું જતું હતું. કૉંગ્રેસ કાંઈ પણ ચોક્કસ ઉપાય ન લે તો એક મહાન લોકસંસ્થા તરીકે તેની હસ્તી હવે ટકી શકે તેમ નહોતું. વળી ગાંધીજીને પોતાને માટે એમ લાગતું હતું કે, જો આ વિકટ પ્રસંગે પોતાનો અહિંસક અસહકાર તેઓ ન અજમાવી શકે તો એ પોથીમાંનાં રીગણાં જેવો થઈ જાય. એટલે એમને લાગ્યું કે. અંગ્રેજો જો હિંદ ન છોડી જાય તો બ્રિટિશ સરકાર સામે 'કરેંગે યા મરેંગે’ની જીવ સટોસટની લડત ચલાવવી જ જોઈએ. રાજાજી ગાંધીજીની ચોજનાઓથી તદ્દન જુદું જ વલણ ધરાવતા હતા. તેમણે તો અલ્લાહાબાદની મહાસમિતિમાં એવો ઠરાવ રજુ કર્યો કે પાકિસ્તાનની વાત મંજાર કરીને પણ મુસ્લિમ લીગ સાથે સમાધાન કરી નાખવું, જેથી બ્રિટિશ સરકાર કૉંગ્રેસ ને મુસ્લિમ લીગની સંયુક્ત માગણી નકારી શકે નહીં, અને યુદ્ધમાં હિંદુસ્તાન મિત્રરાજ્યોની સાથે રહીને લડી શકે, પણ એમનો ઠરાવ ભારે બહુમતીથી (૧૨૦ વિ૦ ૧૫) નામંજૂર થયો. એ ઠરાવ પોતે રજૂ કરી શકે એટલા માટે એમણે કારોબારી સમિતિના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. એમનો ઠરાવ નામંજૂર થયો એટલે એમણે એ વિષે જાહેરમાં ચળવળ કરવા માંડી. પાર્લમેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે સરદારે એમને સલાહ આપી કે, મદ્રાસ ધારાસભાના સભ્ય રહીને તમે આવી ચળવળ ચલાવી શકો નહી એટલું જ નહીં પણ તમારી ચળવળ કૉંગ્રેસની સ્પષ્ટ અને મહત્ત્વની નીતિથી વિરુદ્ધ હાઈ તમે કૉંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ રહી શકો નહીં. સરદારનો કાગળ મળતાં જ તા. ૧પમી જુલાઈ એ રાજાજીએ પોતાનાં રાજીનામાં આપી દીધાં અને કૉંગ્રેસમાંથી છૂટા થયા.

સરદાર, રાજેન્દ્રબાબુ, કૃપાલાની વગેરે કારોબારીના કેટલાક અન્ય ગાંધીજી જે કાર્યક્રમ દેશ આગળ મૂકે તેમાં એમને પૂરેપૂરો સાથ આપવાના મતના હતા. પણ જવાહરલાલજી તથા અબુલ કલામ આઝાદને આવે વખતે સરકારની સામે સત્યાગ્રહની લડત ઉપાડવી એ યોગ્ય લાગતું નહોતું. ગાંધીજીએ તેમની સાથે દિવસોના દિવસો સુધી ચર્ચા કરી. આખરે વર્ધામાં કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી. તા. ૬ઠ્ઠી જુલાઈથી ૧૪મી જુલાઈ સુધી એ બેઠક ચાલી. દિલ વલોવી નાખનારી આઠે આઠે દિવસની ચર્ચાઓને અંતે કારોબારી સમિતિના સઘળા સભ્યો ગાંધીજી સાથે સંમત થયા. અને બ્રિટિશ સરકાર જો કૉંગ્રેસની વાત ન માને તો તેની સામે પ્રચંડ અને દેશવ્યાપી લડત ઉપાડવાના ઠરાવ ઉપર આવ્યા. એ ઠરાવના મહત્વના ફકરા નીચે આપ્યા છે :

"રોજ રોજ બનતા બનાવોએ તથા હિંદી પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કૉંગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠરાવ્યો છે કે હિંદમાંથી બ્રિટિશ રાજનો અંત આવવો જ જોઈએ. સારામાં સારી હોય તોપણ, પરદેશી સત્તા મૂળ જ એક અનિષ્ટ છે, તથા તાબેદાર પ્રજાને માટે નિરંતર હાનિરૂપ છે, એટલા ખાતર જ નહીં પણ હિંદીઓ પોતાનું રક્ષણ કરી શકે તેમ જ માનવજાતિનું નિકંદન કાઢી રહેલા યુદ્ધના ભાવિ ઉપર અસર પાડવામાં સક્રિય ભાગ લઈ શકે એટલા માટે પણ, બ્રિટિશ રાજનો હિંદમાંથી અંત આવવો જોઈએ. હિંદની સ્વતંત્રતા માત્ર હિંદના હિતની દૃષ્ટિએ જ આવશ્યક છે એમ નથી પણ દુનિયાની સલામતી માટે તથા નાઝીવાદ તથા ફાસીવાદ અને લશ્કરવાદ તેમ જ સામ્રાજ્યવાદનાં ઇતર સ્વરૂપોનો અંત લાવવા માટે તથા એક પ્રજાનું, બીજી પ્રજા ઉપરનું આક્રમણ અટકાવવા માટે પણ એ આવશ્યક છે.

“ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી કૉંગ્રેસે ઇરાદાપૂર્વક બ્રિટનને ન મૂંઝવવાની નીતિ અખત્યાર કરી છે. પોતાની સત્યાગ્રહની ચળવળ બિનઅસરકારક થઈ જાય ત્યાં સુધીનું જોખમ ખેડીને પણ તેણે તેને જાણીબૂજીને સાંકેતિક સ્વરૂપ આપ્યું. એમ કરવામાં તેની મુરાદ એ હતી કે ન મૂંઝવવાની એ નીતિના સંપૂર્ણ પાલનની ઘટતી કદર થશે અને પ્રજાના પ્રતિનિધિઓને સાચી સત્તા સોંપી દેવામાં આવશે, જેથી કરીને જે માનવી સ્વતંત્રતા આજે કચરાઈ જવાના જોખમમાં આવી પડી છે તેની દુનિયાભરમાં સ્થાપના કરવાના કાર્યમાં આ રાષ્ટ્ર પોતાને પૂરેપૂરો ફાળો આપી શકે. એણે એવી પણ આશા રાખી હતી કે, હિંદ પ૨નો બ્રિટનનો ફાંસો વધારે સખત થાય એવું કશું પગલું તો નહીં જ ભરવામાં આવે.

"પરંતુ એ બધી આશાઓ નષ્ટ થઈ છે. ક્રિપ્સની પરિણામશુન્ય દરખાસ્તોએ એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે, બ્રિટિશ સરકારના હિંદ પરના વલણમાં કશો ફેરફાર થયો નથી, તથા બ્રિટિશરોનો હિંદ ઉપરનો કાબૂ ઢીલો પડે તેમ નથી. સર સ્ટેફર્ડ ક્રિપ્સ સાથેની વાટાધાટોની નિષ્ફળતાને પરિણામે ઇંગ્લંન્ડની સામે કડવાશની લાગણી બહુ ઝડપથી અને મોટા પ્રમાણમાં વધવા પામી છે તથા જપાની સૈન્યના વિજય પરત્વે આનંદની ભાવના પેદા થઈ રહી છે. કારોબારી સમિતિ આ ફેરફારને ભારે ભયની નજરે જુએ છે, અને એ વસ્તુને રોકવામાં ન આવે તો અનિવાર્યપણે એ, આક્રમણનો પરોક્ષ રીતે સ્વીકાર કરી લેવામાં પરિણમશે. કારોબારી સમિતિ માને છે કે, કોઈ પણ આક્રમણનો સામનો કરવો જ જોઈએ; કેમ કે, તેને કોઈ પણ રીતે વશ થવું એનો અર્થ હિંદી પ્રજાની અધોગતિ અને નિરંતર પરાધીનતા વહોરવી એ થાય. મલાયા, સિંગાપુર અને બ્રહ્મદેશનો અનુભવ હિંદને માટે ટાળવા કૉંગ્રેસ આતુર છે અને હિંદ ઉપરની જપાન કે બીજી કોઈ પણ વિદેશી સત્તાની ચડાઈનો પ્રતિકાર કરવાની યોજના કરવાની કૉંગ્રેસ આશા રાખે છે. કૉંગ્રેસ એમ પણ ઇચ્છે છે કે ઈંગ્લંન્ડ સામેની આજની આ કડવાશની લાગણી પલટાઈને તેના પ્રત્યે શુભેચ્છાની લાગણી પેદા થાય. પરંતુ હિંદ, જો સ્વાતંત્ર્યની ઉષ્મા અનુભવે તો જ આ શક્ય બને.  "હિંદમાંથી બ્રિટિશ અમલ ખસી જાય એવી દરખાસ્ત કરવામાં બ્રિટન કે મિત્રરાજ્યોને તેમના યુદ્ધસંચાલનના કાર્ચમાં કોઈ પણ રીતે મૂંઝવવાની કે હિંદ ઉપરના આક્રમણને ઉત્તેજન આપવાની, અથવા ચીન ઉપર જપાનનું કે ધરી રાજ્યોની બીજી કોઈ પણ સત્તાનું દબાણ વધારવાની કૉંગ્રેસની જરા પણ ઇચ્છો નથી. તેથી કરીને જપાનનું કે બીજી કોઈ પણ સત્તાનું આક્રમણ મારી હઠાવવાને તથા તેમનો સામનો કરવાને તથા ચીનના સંરક્ષણ અને સહાયને અર્થે, તેમની એવી ઇચ્છા હોય તો, મિત્રરાજ્યો પોતાનાં સૈન્ય અહીં રાખે એમાં કૉંગ્રેસને કશો વાંધો નથી.

“ તેથી કરીને કૉંગ્રેસ જોકે પોતાનું રાષ્ટ્રીય ધ્યેય પ્રાપ્ત કરવાને અધીરી છે, છતાં તે કોઈ ઉતાવળું પગલું ભરવાને ઇચ્છતી નથી. કેવળ હિંદના હિતને અર્થે જ નહીં, પણ બ્રિટનના તેમ જ જેમાં તેઓ પોતાની શ્રદ્ધા જાહેર કરે છે તે સ્વતંત્રતાના હિતને અર્થે, કૉંગ્રેસ પોતાની આ અતિશય ન્યાયી અને વાજબી દરખાસ્તનો સ્વીકાર કરવા બ્રિટનને અપીલ કરે છે.

"પરંતુ જો આ અપીલ નિષ્ફળ નીવડશે તો કૉંગ્રેસ હાલની સ્થિતિ ચાલુ રહે તે તરફ ગંભીર ભયની નજરે જોશે, કેમ કે એ પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી જશે, અને આક્રમણનો સામનો કરવાની હિંદની શક્તિ અને સંકલ્પ નબળાં પડશે. તે પછી રાજકીય હક્કો અને સ્વતંત્રતાની સિદ્ધિને અર્થે ૧૯૨૦ની સાલથી અહિંસાની નીતિને અપનાવીને જે અહિંસક શક્તિ કૉંગ્રેસે સંચિત કરી હશે તે બધીને કામે લગાડવાની તેને નાછૂટકે ફરજ પડશે. આવી વ્યાપક અને પ્રચંડ લડત ગાંધીજીના નેતૃત્વ નીચે જ ચાલે એ અનિવાર્ય છે. જે મુદ્દાઓ ઊભા થયા છે તે હિંદને માટે તેમ જ સંયુક્ત રાષ્ટ્રોની પ્રજાને માટે મર્મસ્પર્શી અને દૂરગામી મહત્ત્વના હોવાથી કારોબારી સમિતિ એ મુદ્દાઓ છેવટના નિર્ણચને માટે મહાસમિતિ સમક્ષ રજૂ કરશે. એટલા સારુ મહાસમિતિની બેઠક મુંબઈમાં, ૧૯૪રના ઑગસ્ટની સાતમી તારીખે મળશે. ”

ઉપરનો ઠરાવ થયા પછી સરદારને ચોક્કસ લાગ્યું કે, હવે બ્રિટિશ સરકાર સાથે જીવસટોસટની લડત અનિવાર્ય છે. એટલે મુંબઈમાં મહાસમિતિની બેઠક ભરાય તે પહેલાં તેઓ અમદાવાદ આવી ગયા અને બધા કાર્યકર્તાઓને મળીને તથા જાહેર સભાઓમાં ભાષણો કરીને આગામી લડતમાં આપણો શો ધર્મ છે તે સમજાવ્યું. તેમનાં ભાષણોમાંથી કેટલાક ફકરા નીચે આપ્યા છે :

“ ક્રિપ્સની દરખાસ્તો જોઈને જ ગાંધીજીએ કહ્યું કે, હવે સરકાર સાથેના સમાધાનની આશા છોડી દો. એમણે અંગ્રેજોને જે વાત કહી છે કે, આ મુલક છેડીને ચાલ્યા જાઓ, એનો અર્થ બરાબર સમજો. આક્રમણ આવવાનું છે એ તો સૌ કોઈ જાણે છે. આ દેશમાં નવાણું નહીં પણ પોણી સો ( ૯૯ાાા) ટકા માણસો એમ કહે છે કે, ભલે બીજો આવતો પણ આ ભૂત તો જાય જ, એટલુ બધું ઝેર આ દેશમાં એમને માટે વ્યાપી ગયું છે. જર્મની કે જપાનની જીત જ્યારે સંભળાય છે ત્યારે લોકો રાજી થાય છે. આમની જીતનું તો સંભળાતું જ નથી. જર્મની કે જપાનની જીતમાં ઢીલ થાય છે ત્યારે લોકો નિરાશ થાય છે અને બાલે છે કે, આટલા દિવસ કેમ લાગ્યા ? લોકોનું આવું માનસ આપણી દયામણી દશા સૂચવે છે. એમાં આપણો અધ:પાત છે. આપણા દેશ ઉપર કોઈ ચડી આવે તો એની સામે મરણિયા થઈને લડવાનો આપણામાં જુસ્સો હોવો જોઈએ. પણ આપણે શી રીતે લડીએ ? અંગ્રેજો આપણને આઝાદ માણસ તરીકે કયાં લડવા દે એમ છે ? તેથી જ ગાંધીજી કહે છે કે, હિંદને છોડો અને જાઓ.

"અને અહીં રહેવું હોય તોપણ એક જ શરતે. તમારું લશ્કર ભલે અહી રહે, પણ અમારી સ્વતંત્રતા પૂરેપૂરી જળવાય એવી શરતે. અમારી સાથે સંધિ (ટ્રીટી) કરીને રહે. જેવી આજે તમારે અમેરિકા અને ચીન સાથે છે, રશિચા સાથે હમણાં જેવી મહોબત કરી છે, તેવી રીતે તમે અહીં રહી શકશો. પેલા જુના ઇંગ્લંડની રીતે હવે અહીં નહીં રહી શકો.

"હજી પણ એ લોકો કહે છે કે, અમે બ્રહ્મદેશને પાછો લઈશું. એમને પૂછો તે ખરા કે બ્રહ્મદેશના લોકોએ તેમને સાથ કેમ ન આપ્યો ? બ્રહ્મદેશમાં તમને કશી અડચણ ન હોવા છતાં પણ ત્યાંથી તમે કેમ ભાગ્યા ? બ્રહ્મદેશના જેવી સ્થિતિ અહીં નહીં થાય એની શી ગેરંટી ? ત્યાંથી તો પૂઠ ફેરવી, બ્રહ્મદેશનો ધાણ કઢાવી નાખી નાસી આવ્યા છો.

"તમે કહો છો કે, હિંદનું રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. પણ એ અમારે ગળે નથી ઊતરતું. એટલી જ જવાબદારી બ્રહ્મદેશનો બચાવ કરવાની પણ તમારી જ હતી ને ? તમે તો એક જ વાક્ચ ગોખ્યાં કરો છો કે આખરે અમારી જીત છે. પણ એ આખર કયારે આવવાની છે?

“આ મુલકને પૂર્વના સામ્રાજ્યની ખાતર તમારે રણાંગણ બનાવવું છે. રણાંગણ તો એ ત્યારે જ બને જ્યારે અમે આઝાદ થઈએ, અને બીજા મુલકોને આઝાદ કરીએ. પણ ચર્ચિલ આટલાંટિક ચાર્ટર કરી અમેરિકાથી પાછો આવ્યો અને હિંદ વિષે જવાબ આપ્યો ત્યારથી તમારી દાનતની અમને ખબર પડી ગઈ છે.

"જપાનનો રેડિયો તો રોજ બરાડા પાડે છે કે, અમારે હિંદનો એક ટકડોયે નથી જોઈતો. આ લોકોને કાઢવા માટે જ અમે લડીએ છીએ. આપણા પણ કેટલાક લોકો એમાં ભળ્યા છે. એ લોકો કહે છે કે, આ તો સ્વદેશાભિમાનની વાત છે. સુભાષબાબુ પણ ત્યાં જ છે. પણ આપણે નથી જપાનના રેડિયોને માનવાનો કે નથી મોસ્કો આવીને છોડાવશે એવી વાતનો ભરોસો કરવાનો."

"કૉંગ્રેતે ઠરાવ્યું છે કે, અમારે કોઈની મદદની જરૂર નથી. તમે સમજીને અહીથી જાઓ. પણ એ સમજવાનો નથી. જ્યારથી ઠરાવ થયો છે ત્યારથી એનાં છાપાંઓએ છાજિયાં લેવા માંડ્ચાં છે, અને કાળો કકળાટ કરી મૂક્યો છે. એ કહે છે કે મુલકનું રક્ષણ કરવું છે. પણ આ મુલક કોની છે ? અને તમારે રક્ષણ કરવું હતું તો દુશ્મનોના આક્રમણ માટે રસ્તો ખુલ્લો કોણે કર્યો? બ્રહ્મદેશ જાળવી ન શકયા ત્યારે હિંદ ઉપર ભચ વધ્યોને ?

"પણ હજી એમની દાનત તો અહી બ્રહ્મદેશ જેવું થાય એવી જ છે. એટલે જ કૉંગ્રેસે નક્કી કર્યું છે કે, હવે તો લડી જ લેવુ છે. કૉંચેસને માથે

એવો આરોપ મુકાય છે કે એ પીઠ પાછળ ઘા કરે છે. પણ પીઠ પાછળ ઘા કરવાની આ વાત નથી. આ તો તમે છાતી ઉપર ચડી બેઠા છો ત્યાંથી ઉથલાવવાની વાત છે.

“ ગાંધીજીએ કહ્યું છે કે હું જેલમાં રહેવાનો નથી ને કોઈને રાખવાનો પણ નથી. આ લડત લાંબી નથી થવાની. તેનો જલદીથી ઉકેલ કરવાનો છે. અહીંં જપાનીઓ આવે તે પહેલાં આપણે સ્વતંત્ર થવું છે. આમને તો ભાગી જશે તોયે વાંધો નથી. આપણે ક્યાં ભાગી જઈશું ?

“ જપાનીઓ અહીં આવે તેથી રાજી થવું એ ગુલામી મનોદશા છે. સ્વતંત્ર મુલકની ભાવના તો એક જ હોય કે, આને કાઢીએ અને બીજો આવવા પ્રચત્ન કરે તો તેને ન આવવા દઈએ. એટલે જ ગાંધીજી આ લડતને ઝંડપી બનાવવાના છે. એની કલ્પના તો ગાંધીજી પાસે છે અને એ ૨જૂ પણ કરવાના છે. તે વખતે તમે શું કરવાનો છો એની પરીક્ષા થઈ જશે.

“ ભવિષ્યની સ્વતંત્રતાની આશાએ કૉંગ્રેસ કોઈ જાતની સમજૂતી કરી શકશે નહીં. એને તો હિંદના લોકોને પરદેશી આક્રમણ સામે બચાવ કરવા તૈયાર કરવા છે. ભવિષ્યની આશાઓ આપવાથી તે ન થાય. હાલ તુરત પોતાને સ્વતંત્રતા મળે તો જ હિંદ પોતાની તૈયારી કરી શકે.

“ ચાલ્યા જાવનો હરાવ થયા પછી હિંદ જગબત્રોસીએ ચડયું છે. આજે વિલાયતનાં અને અમેરિકાનાં છાપાં કૉલમોનાં કૉલમો ભરીને ગુસ્સો ઠાલવી રહ્યાં છે. હજારો રૂપિયા ખર્ચતાં અને ભારે મહેનત કરવા છતાં જેટલી જગ્યા હિંદને એમનાં છાપાંમાં ન મળે તેટલી આજે મળે છે.

“ આજે કૉંગ્રેસે આ ઠરાવ કરીને તેમની લોકશાહીને કસોટીએ ચડાવી છે. આપણી બધાની પણ એથી કસોટી થવાની છે કે, હિંદને ખરેખર આઝાદી જોઈએ છે કે નહીં.

“ જો એ કસોટીમાંથી પાર ઊતરવું હોય તો ગાંધીજી કહે છે તેમ આ લડતને ટૂંકી અને ઝડપી બનાવવાની છે.

“ દેશમાં જે ઇન્કિલાબ આવવાનો છે તે એટલો બધો પ્રચંડ અને ઝડપી આવવાનો છે કે તેમાં તમામ સ્ત્રીઓએ અને પુરુષોએ, નાનાઓએ અને મોટાંઓએ સક્રિય ફાળો આપવાનો છે. એ જો આપશો તો આજે જે ટીકાઓ વિલાયતનાં અને અમેરિકાનાં છાપાંઓ કરી રહ્યાં છે તેનો જવાબ મળી રહેશે. જો કૉંગ્રેસની પાછળ થોડાક જણ જ હોય તો આટલો બધો ઉકળાટ, આટલા બધો રોષ અને આટલો બધો તરફડાટ શા માટે ? જો થોડા જ માણસો ગાંધીજીની આ લડત પાછળ છે, તો એ થોડાઓ માટે જેલમાં જગ્યા છે. પણ એને ખબર પડી ગઈ છે કે, હિંદમાં આજ સુધીમાં કદી નથી થઈ એવી લડત આ થવાની છે.

“ કહેવાય છે કે, બ્રિટન અને અમેરિકા લોકશાસનની લડાઈ લડી રહ્યાં છે. પણ એમના લોકશાસનનો અર્થ છે કાળા લોકોને લુંટવા. આ તો લૂંટની વહેચણીની લડાઈ છે. આફ્રિકા અને એશિચાને લૂટવા, ને માંહોમાંહે તેની વહેંચણી કેવી રીતે કરવી તેની આ વાત છે. "બ્રિટિશ સલ્તનતનો સાચામાં સાચો કોઈ મિત્ર હોય તો તે મહાત્માજી છે. મહાત્માજીએ એક સાર્જન્ટની માફક હંમેશાં બ્રિટિશ સરકારની સેવા કરી છે. પણ લગભગ ચુમોતેર વર્ષની વયે મહાત્માજીને લાગ્યું કે, હવે આપણે તેનાથી છૂટા પડવું જ પડશે.

“ આવી પળ ફરીથી આવવાની નથી. મનમાં કશો ભય રાખશો નહીં. આ પ્રસંગ ફરીથી આવવાનો નથી. કોઈને એમ કહેવાનું ન મળે કે, ગાંધીજી એકલા હતા. ૭૪ વરસની ઉંમરે હિંદની લડત લડવા, આ બોજો ઉપાડવા એ બહાર પડ્યા છે. ત્યારે આપણે પણ આપણી ફરજ વિચારી લઈએ. તમારી પાસે માગણી થાય કે ન થાય, વખત આવે કે ન આવે, તમારે કશું પૂછવાપણું નથી રહેતું. હવે કયો કાર્યક્રમ, એમ પૂછી બેસી ન રહેશો. ૧૯૧૯માં રૉલેટ ઍકટના વિરોધથી માંડીને આજ સુધી જેટલા કાર્યક્રમ કર્યા છે તે બધાનો આમાં સમાવેશ કરવાનો છે. નાકરની લડત, સવિનચ કાનૂન ભંગ અને એવી જ બીજી લડતો, જે સીધી રીતે સરકારી તંત્રને અટકાવી દેનારી હશે તેને કૉંગ્રેસ અપનાવી લેશે. રેલવેવાળાઓ રેલવે બંધ કરીને, તારવાળા તારખાતું બંધ કરીને, ટાલવાળાએ ટપાલખાતું છોડીને, સરકારી નોકરી નોકરીઓ છોડીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાઓ અને કોલેજો બંધ કરીને, એમ સરકારનાં તમામ યંત્રને અટકાવી દેવામાં આવશે. આ જાતની આ લડાઈ થવાની છે. એમાં તમે સૌ ભાઈબહેને સાથ આપજો. આ લડાઈમાં તમારો જો ખરા દિલનો સહકાર હશે તો એ લડાઈ થોડા જ દિવસમાં ખતમ થઈ જશે અને અંગ્રેજોને અહીંથી ચાલ્યા જવું પડશે. કામ કરનારાઓને સરકાર ઉપાડી જાય તો પણ દરેક હિંદી કૉંગ્રેસમૅન છે એ રીતે પોતાની ફરજ બજાવે અને હાકલ પડતાં લડવા તૈયાર થઈ જાય તો સ્વતંત્રતા બારણાં ઠોકતી આવીને ઊભી રહેવાની છે.

“ મહાત્માજી અને નેતાઓને ઉપાડી લેશે એમ ધારીને જ તમારે આ લડત ઉપાડવાની છે. ગાંધીજી ઉપર હાથ પડે તો વીસ કલાકમાં બ્રિટિશ સરકારનું તંત્ર તૂટી પડે એમ કરવાની તાકાત તમારા હાથમાં છે. તમને સધળી ચાવીઓ બતાવવામાં આવી છે. તેનો અમલ કરજો. સરકારનું તંત્ર ચલાવનારા સૌ કોઈ દૂર હટી જાય તો એ આખુંચે તંત્ર તૂટી પડશે.

“ જે દિવસે હિંદુસ્તાન આઝાદ થશે તે દિવસે કૉંગ્રેસનું આપોઆપ વિસર્જન થશે. કૉંગ્રેસનું કાર્ય તે દિવસે પૂરું થશે. કૉંગ્રેસ પોતાને માટે સત્તા માગતી નથી, દેશને માટે માગે છે. કૉંગ્રેસ અને મહાત્માજીનો આદેશ ઉપાડી લઈ દેશનું નામ દીપાવજો."

તે વખતનાં સરદારનાં ભાષણ જડ બીબાંમાં કદાચ એટલાં ઉગ્ર ન લાગે પરંતુ સાંભળનાર તમામ એમ કહેતાં હતાં કે અત્યારે એમની જબાનમાંથી ધગધગતો અંગાર વરસી રહ્યો છે.