સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/નવમી ઑગસ્ટ

← હિંદ છોડીને ચાલ્યા જાઓ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
નવમી ઑગસ્ટ
નરહરિ પરીખ
સૂચિ →


૪૫
નવમી ઑગસ્ટ

તા. ૮મી ઓગસ્ટની મધરાતે મહાસમિતિએ, 'અંગ્રેજ ચલે જાઓ' અને ન જાય તો એમની સામે અહિંસક પણ પ્રચંડ અને દેશવ્યાપી બળવો જગાવવાનો ઠરાવ પસાર કર્યો. ગાંધીજીએ લાંબુ ભાષણ કરીને, ‘કરેંગે યા મરેંગે’ મંત્ર લોકોને આપ્યો. તેમના ભાષણની અસર એટલી બધી થઈ કે, જેમણે કોઈ દિવસ સવિનય ભંગની લડતમાં ભાગ લીધેલ નહીં એટલું જ નહીં પણ વિચારપૂર્વક તેનાથી દૂર રહેલા એવા લોકોને પણ લાગ્યું કે આ વખતે આપણે દેશની મુક્તિ માટે કાંઈને કાંઈ ન કરી છૂટીએ તો જીવતર મિથ્યા છે. જોકે ગાંધીજીએ તો પોતાના ભાષણમાં કહેલું કે હું તુરતાતુરત લડત શરૂ કરવાનો નથી. હજી હું વાઈસરૉયને મળીશ અને સમાધાનીનો છેવટનો પ્રયત્ન કરી જોઈશ. બીજા નેતાઓનાં પણ જુસ્સાદાર ભાષણો થયાં. રાજેન્દ્રબાબુ પોતાની જીવનકથામાં લખે છે કે, એમાં સરદાર વલ્લભભાઈના ભાષણનાં લોકોએ બહુ વખાણ કર્યા. એ આખું ભાષણ વાચકો 'સરદાર વલ્લભભાઈનાં ભાષણો' *[૧]ના પુસ્તકમાંથી વાંચી લેવું જોઈએ. અહીં તેમાંથી કેટલાક મહત્ત્વના ફકરા જ આપ્યા છે.

"આપણે આઝાદીની આખરી લડત ઉપાડવાના છીએ, એ સામે કેટલાક ટીકાકારો ધાકધમકી બતાવે છે અને કહે છે કે, તમે લડત ઉપાડશો તો તમારી ઉપર મુસીબત આવી પડશે. કોઈ શિખામણ આપીને શાણપણ બતાવે છે કે, તેથી તો મિત્રરાજ્યોના યુદ્ધપ્રયાસોને હાનિ પહોંચશે. આ બધી ધાકધમકીઓ અને સલાહ-શિખામણોના જવાબ અમારી પાસે છે. પણ અમે તેમને કેવી રીતે જવાબ આપીએ ? એ દેશોમાં અમારાં અખબારો નથી, રેડિયો પર અમારી સત્તા નથી, અને સરકારે તો સેન્સરના ચોકીપહેરા મૂકી દીધા છે. તે જેટલી વાત અહીંથી બહાર જવા દેશે તેટલી જ બહાર જશે. અમારા દિલની સાચી વાત તો બીજા દેશોમાં પહોંચવા જ નહીં પામે.

"સરકારનો પ્રચાર પરદેશમાં એવો છે કે, કૉંગ્રેસ સાથે છે કોણ? એ તો મુઠીભર માણસોની બનેલી છે, જે રોજ ઊઠીને આ બધી ધાંધલ કરે છે. નવ કરોડ મુસ્લિમો કૉંગ્રેસ સાથે નથી. સાત કરોડ હરિજનો સાથે નથી અને સાત કરોડ રાજસ્થાનીઓ પણ કૉંગ્રેસ સાથે નથી. ડાહ્યાડમરા ગણાતા વિનીતો સાથે નથી. રેડિકલો, ડેમોક્રેટો અને કોમ્યુનિસ્ટો પણ સાથે નથી. હું તો કહું છું કે અમારી સાથે કોઈ જ નથી, પણ પોતાને શરીફ કહેવડાવતા અંગ્રેજો તો છે ને ? અમારે

એમનું જ કામ છે. જો કૉંગ્રેસને દેશનો સાથ જ નથી, તો પછી તમને એની આટલી બધી ભડક શા માટે લાગે છે? જળમાં, સ્થળમાં, વસ્તીમાં, વેરાનમાં બધે એને જ કેમ જુઓ છો ? ”


“ આપણે તો ત્રણ ત્રણ વરસ રાહ જોઈ. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે, બ્રિટન મુસીબતમાં આવી પડયું છે તે વખતે તેને મૂંઝવણ થાય એવું કશું ન કરવું, તેમના યુદ્ધપ્રયાસોમાં કશી પણ અડચણ ન ઊભી થાય તે માટે ગાંધીજીએ જીવ તોડી તોડીને કાળજી રાખ્યા કરી. પરંતુ હવે એમની પણ ધીરજ ખૂટી છે. યુદ્ધ હિંદનાં બારણાં ખખડાવી રહ્યું છે. હિંદનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરો કરે છે, પરંતુ બ્રહ્મદેશને પણ તેઓ આવું જ કહેતા હતા, એ આપણે ક્યાં નથી જાણતા ? તેઓ ગમે તેટલો દાવો કરે પણ આખી હિદી પ્રજાના દિલોજોનીભર્યા સહકાર વગર બ્રિટિશરો હિદનો કશોય બચાવ કરી શકે તેમ નથી. બ્રિટન તો બ્રહ્મદેશનો બચાવ કરવા પણ મેદાનમાં ક્યાં નહોતું પડ્યું ? પણ એ તો હાથમાંથી ચાલ્યું ગયું. તેવી રીતે હિંદ પણ જપાનીઓના હાથમાં ચાલ્યું ન જાય તે માટે જ આપણી આ લડત છે.

"લડાઈ પૂરી થયે આપણને આઝાદી આપવાનું વચન આપવામાં આવે છે. પણ આપણે એ વચન માનવું શી રીતે ? લડાઈને અંતે હિંદને આઝાદી આપવા સારુ તમે હસો કે કેમ, અથવા તો એવી આઝાદી આપવાની તાકાત તમારામાં રહી હશે કે કેમ એની શી ખાતરી છે ? લડાઈને અંતે હિંદ જ બીજાના હાથમાં જઈ પડે તો પછી બ્રિટન તેને આઝાદી આપવા ક્યાંથી આવશે ? પછી તે વખતે આપણે ચર્ચિલ સાહેબને ક્યાં શોધવા જવા ? અને માનો કે તમે જીત્યા. પણ અત્યારે જ્યારે તમારે કંઠે પ્રાણ છે ત્યારે આટલા ચાળા કરો છો તો જીત્યા પછી હિંદ તમારે ગળેથી શી રીતે છૂટવાનું હતું ? શું આટલું અમે નથી સમજતા ? ”



"અમારી દલીલ એક જ છે. હિંદની ચાલીસ કરોડની પ્રજા આવી આફતની વેળાએ નિષ્ક્રિય બેસી રહે તો દુનિયાભરમાં અમારી નિંદા થાય. અમારે એ નથી જોઈતું. અમારો બચાવ બ્રિટન કરી શકશે એ ઇતબાર એના ઉપર હવે અમને રહ્યો નથી. એટલે આપણે જ આપણો બચાવ કરવા તૈયાર થવું છે, અને આક્રમણકારોનો સામનો કરીને મિત્રરાજ્યોને પણ વિજય અપાવવો છે. આટલા સારુ હિંદીઓને સત્તા આપવાની અમે માગણી કરીએ છીએ. પણ આપણે આમ કહીએ છીએ ત્યારે સરકાર ગુસ્સે થાય છે. ભલે થાચ. આપણે લાચાર છીએ.

"કૉંગ્રેસ જપાનીઓને નોતરવા માગે છે એવુ તહોમત અમારી સામે ફેલાવવામાં આવ્યું છે. આ હડહડતું જૂઠાણું વસ્તુસ્થિતિને સાવ અવળા રૂપમાં ૨જૂ કરે છે. જપાનીઓને હિંદમાં કોઈ ચાહે છે એ મુદ્દલ સાચી વાત નથી. પણ દરેક હિદીના દિલમાં જે વાત છે કે તે એ છે કે, તમે હવે અહીંં ન

રહો. જુઓ અહીંથી. 'ક્વિટ ઇન્ડિયા'. છોડો અમને. તમે ટળો. અમારું અમે ફોડી લઈશું. અમે હાથ જોડીને નથી બેસી રહેવાના.”


"હવે લડત વિષે કહું. આ કડક લડત થવાની છે. ગાંધીજીએ તમને સાવધાન કર્યા છે. આ અગાઉ આપણે ઘણી લડતો લડ્ચા છીએ. પણ આવતી લડત જુદી જાતની થવાની છે. આપણે એ જોવાનું છે કે, મુલકની આઝાદી માટે રશિયા, ચીન કેવા ભોગ આપી રહ્યાં છે ? કેટલા મરે છે? કેટલી ખુવારી થાય છે ?

“ સલ્તનત સાથે સમજૂતી થશે એમ માનશો નહીં. એમ માનશો તો પૂરી થાપ ખાશો. જેની વાત પણ આજે રહી નથી. આ તો જુદી જ લડત છે. કશી હળવી ગણતરીએ આ ઠરાવ નથી ઘડાયો. જો તમે એમ સમજતા હો કે, બધુ સલામત રહેશે, ધંધારોજગાર ચાલતા રહેશે, બહુ તો જેલમાં જઈ બેસીશું, ખાઈશું, પીશું અને વાંચશું તો આ ઠરાવ પસાર કરશો નહીં.

“ પણ જો આજે તમારી તૈચારી હોય કે આ લડતમાં આઝાદી લેવા માટે મરવાનો મોકો આવવાનો છે, ફના થવાનું છે, તો ચાલો, આગે બઢો. વળી ગણજો કે, એમાંથી જે મળશે તે સારા મુલકને મળશે, અમારે કાંઈ જોઈતું નથી, તો જ આમાં સામેલ થજો.

“ પાર્લમેન્ટમાં મારા એક નિવેદન પર પ્રશ્નોત્તરી થઈ. કોઈએ પૂછયું, પટેલ કહે છે કે, કૉંગ્રેસને સત્તા નથી જોઈતી, ગમે તેને આપો પણ હિંદીને આપો એ શું સાચું છે? જવાબમાં કહે છે કે, એ તો એક વ્યક્તિની કહેલી વાત છે, કૉંગ્રેસની નથી. પછી તો પ્રમુખ સાહેબે પોતે કહ્યું છે કે તમે જાઓ, ગમે તેને સત્તા સોંપો પણ ચાલી જાઓ, જોઈએ તો મુસ્લિમ લીગને સોંપો. હું તો હું છું કે, અરે ચોર ડાકુને સોંપી જાઓ ને ! અને પછી આપસઆપસમાં જોઈ લઈશું. પણ તમે છોડો. હઠી જુઓ, નહીં તો તમારી સાથે લડ્યે જ છૂટકો છે.

"આપણું શસ્ત્ર અહિંસાનું છે. એ શસ્ત્ર ભલે ગમે તેવું હોય પણ એના વડે જ છેલ્લાં બાવીસ વરસમાં દુનિયામાં આપણી ઇજ્જત વધી છે. વળી આ લડાઈમાં એવી તો કેાઈ શરત નથી કે દિલમાં પણ અહિંંસા હોવી જોઈએ. આ તો માત્ર કાર્યની વાત છે. કાર્યમાં અહિંસા જોઈએ.

“ સૌ પૂછે છે કે, લડતનો કાર્ચક્રમ શું છે ? પહેલાંની લડતો વખતે આપણા કાર્યક્રમ હંમેશ ગાંધીજીએ ઘડ્યો છે. એ બેઠા છે. એ હુકમ આપે તે ઉઠાવીએ. તેઓ જેમ કહે તેમ કરવું એ સૈનિકોનું કામ છે. આપણને ધણી દમદાટી મળી રહી છે. સલ્તનતની રીત જાણીતી છે. ઘણી ચાદીઓ અને વટહુકમો તૈયાર કર્યા કરે છે ને કરશે, એ તો આગળની લડતો વેળાનાં દફતરમાં તૈચાર પડેલાં જ છે. નવું શું કરવાનું હતું ? પણ આપણા ઉપરની જવાબદારી આપણે વિચારી, સમજી લેવાની છે. જ્યાં સુધી ગાંધીજી બેઠા છે ત્યાં સુધી તેઓ જે કાંઈ હુકમ કરે, જે સુચના કાઢે, એક પછી એક જે કદમ ઉઠાવવાનું કહે, તે કદમ ઉઠાવવાનું છે. નથી ઉતાવળ કરવી, નથી પાછળ રહેવું. દરેક જણે .



આજ્ઞાપાલન, શિસ્તપાલન કરવાનું છે. પણ ધારો કે, સરકારે જ કાંઈ કર્યું, બધાને પહેલેથી જ પકડી લીધા. તો શું કરવું ? જો એમ થાય, જો સરકાર ગાંધીજીને પકડી લે તો પછી કોઈ કદમબદમની વાત નહી હોય. પછી દરેક હિંદીની - જેણે આ દેશમાં જન્મ લીધો છે તે દરેકની એ ફરજ રહેશે કે, આ દેશની આઝાદી તુરત ને તુરત હાંસલ કરવાને એને જે કંઈ સૂઝે તે બધું કરી છૂટવું. દુનિયામાં આજે આપણી પરીક્ષા થઈ રહી છે. ૧૯૧૯થી માંડીને આજ લગી આપણે વખતોવખત જે જે કાર્યક્રમો કર્યા છે તે બધા જ આ વખતની લડતમાં આવી જાય છે એમ સમજો. બધા એકીસાથે, એકસામટા, છૂટક નહીં. દરેકે આઝાદ હિંદી તરીકે વર્તવાનું છે. એક અહિંસાની મર્યાદા રાખીને બધું જ કરી છૂટવાનું છે. એક પણ ચીજ બાકી રાખવાની નથી. ટૂંકી અને ઝડપી લડત કરવાની છે. જલદી ખતમ કરવું છે. જપાન અહીં આવે તે પહેલાં આઝાદ થઈ જઈને એનો મુકાબલો કરવા તત્પર રહેવાનું છે. આમાં કશી વાટાધાટને સારુ આજે જગ્યા નથી. જે બધા અહીં બેઠા છે તે બધા એટલી વાત અહીંથી લઇને જાચ. જ્યાં સુધી ગાંધીજી છે ત્યાં સુધી એ આપણા સેનાપતિ છે. પણ તેઓ જો પકડાયા, તો જવાબદારી કોઈની કોઈને શિરે નહીંરહે. બધી જવાબદારી બ્રિટિશને માથે રહેશે. અરાજકતાની જવાબદારી પણ તેને જ માથે રહેશે. અરાજકતાની બીક હવે મુલકને રોકી શકશે નહીં.

“ બીજો કોઈ માર્ગ જ નથી. આઝાદ થવું છે. ગુલામી હવે એક ઘડી પણ ન ખપે.”

મહાસમિતિની બેઠક પૂરી થઈ ત્યારથી જ આખા મુંબઈ શહેરમાં અફવાઓ ફેલાઈ રહી હતી, કે હવે ગાંધીજીને અને કૉંગ્રેસના મુખ્ય મુખ્ય નેતાઓને પકડી લેવામાં આવશે. જોકે ગાંધીજી આ વાતને હસી કાઢતા હતા. તેઓ તો ખાતરીપૂર્વક માનતા હતા અને કહેતા હતા કે વાઈસરૉય મારા મિત્ર છે અને તેમની સાથેની મુલાકાતની મારી માગણીને તેઓ પાછી ઠેલશે નહી. ગાંધીજી હંમેશાં સત્યાગ્રહીની રીતે જ વિચાર કરતા, વિરોધી ઉપર તે વિશ્વાસ રાખતા કે સચ્ચાઈ અને નિખાલસપણાની એ કદર કરશે જ. તેઓ હંમેશ શાંતિ અને સમાધાન માટે ઝંખતા હતા અને વાઈસરૉય સાથે મસલત કરીને સુલેહનો માર્ગ કાઢવા માગતા હતા, પણ સરકાર પોતાની ઢબે જ વિચાર કરતી. તેને તો બળજબરીથી હિંદુસ્તાનને કબ્જે રાખવું હતું. એટલે તેણે પોતાની રીતનો બધો પાકો બંબોબસ્ત કરી નાખેલો હતો. નવમી ઑગસ્ટને પરોઢિયે ગાંધીજીને, કારોબારી સમિતિના જે સભ્યો મુંબઈમાં હતા તેમને તથા બીજા ધણા કૉંગ્રેસી આગેવાનોને પકડી લેવામાં આવ્યા. દેશમાં સ્થળે સ્થળે આ પ્રમાણે ધરપકડ થઈ. ગાંધીજીને મહાદેવભાઈ તથા બીજા કેટલાક સાથીઓ સાથે આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા. પૂ. કસ્તુરબા તથા બીજા કેટલાક સાથીઓને પાછળથી ત્યાં પહોંચાડવામાં આવ્યાં. સરદારને તથા કારોબારી સમિતિના બીજા સભ્યોને અહમદનગરના કિલ્લામાં રાખવામાં આવ્યા. લગભગ ત્રણ વરસ સુધી એ કિલ્લાના દરવાજા એમને માટે બંધ રહ્યા. નવમી ઑગસ્ટથી ૧૮૫૭ના બળવાને પણ ભૂલાવે એવો બળવો સરકારની સામે સને ૧૯૪રના તા. ૮મી ઓગસ્ટે મધરાતે મુંબઈની મહાસમિતિએ પસાર કરેલો ‘હિંદ છોડી ચાલ્યા જાઓ'નો યાદગાર ઠરાવ:

"પોતાના તા. ૧૪મી જુલાઈ, ૧૯૪રના ઠરાવથી કાર્ચવાહક સમિતિએ જે પ્રશ્ન નિર્ણયને માટે અખિલ હિંદ મહાસભા સમિતિને સુપરત કર્યો હતો તે વિષે તેણે પૂરેપૂરી કાળજીભરી વિચારણા કરી છે. વળી લડાઈની પરિસ્થિતિમાં ઉત્તરોત્તર થયેલા ફેરફાર, જવાબદારીથી બોલી શકે એવા બ્રિટિશ સરકારના આગેવાનોનાં વચનો, અને એ ઠરાવ પર હિંદમાં તેમ જ પરદેશમાં થયેલાં વિવેચનો અને ટીકાઓ, વગેરે અને ત્યાર પછી બનેલા સધળા બનાવોની પણ તેટલી જ કાળજીભરી વિચારણા સમિતિએ કરી છે. મહાસમિતિ કાર્યવાહક સમિતિના ઠરાવને સ્વીકારે છે. સમિતિનો એ અભિપ્રાય છે કે પાછળથી બનેલા બનાવોથી એ ઠરાવને વિશેષ સમર્થન મળ્યું છે. અને મિત્રરાજ્યોના ધ્ચેચની સિદ્ધિને અન્ય તેમ જ હિંદની સલામતીને ખાતર, તેના પરના બ્રિટિશ અમલનો તત્કાળ અંત આવવાની જરૂર છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ છે. એ અમલ ચાલુ રહેવાથી હિંદની ઉત્તરોત્તર અવનતિ થાય છે, તે વધારે ને વધારે નબળું પડતું જાય છે અને તેથી પોતાના રક્ષણની તેમ જ જગતની મુક્તિના કાર્યમાં ફાળો આપવાની તેની તાકાત ઘટતી જાય છે.

"યુદ્ધના રશિયાના અને ચીની મોરચાઓ પર બગડતી જતી પરિસ્થિતિ જોઈને સમિતિને ચિંતા થઈ છે. પોતાના સ્વાતંત્ર્યની રક્ષાને અર્થે રશિચન અને ચીની લોકોએ દાખવેલી ઉચ્ચ પ્રકારની વીરતાની તે કદર ભૂજે છે. આ વધતા જતા ભયને લીધે સ્વતંત્રતાને માટે જે લોકો મથે છે અને આક્રમણનો ભોગ બનેલા લોકો પ્રત્યે જે લોકો સહાનુભૂતિ ધરાવે છે તે સર્વેની ફરજ છે કે મિત્ર રાષ્ટ્રોએ આજ સુધી જે નીતિથી કાર્ય કર્યું છે તેના પાયામાં રહેલાં ધોરણોની પરીક્ષા કરવી. એ જ નીતિ અને ધોરણોને પરિણામે વારંવાર આપત્તિકારક નિષ્ફળતા સહેવી પડી છે. આવા આશયો, નીતિઓ અને પદ્ધતિઓને વળગી રહેવાથી નિષ્ફળતાનું પરિવર્તન સફળતામાં નહીં થાચ, કેમ કે આજ સુધીનો અનુભવ દર્શાવે છે કે નિષ્ફળતા એ નીતિમાં અંતર્ગત છે –તેના મૂળમાં રહેલી છે. એ નીતિઓ સ્વતંત્રતાને માટે નહીં, પણ પરાધીન અને સાંસ્થાનિક પ્રજાઓ પર કાબૂ ટકાવી રાખવાની સામ્રાજ્યવાદી પરંપરા અને પદ્ધતિ ચાલુ રાખવાના આશયથી વિશેષ રચાયેલી છે. સામ્રાજ્ય ઊપર માલકી રાખવાથી શાસક સત્તાનું બળ વધવાને બદલે, ઊલટું સામ્રાજ્ય તેને ભારરૂપ અને શાપરૂપ થઈ પડયું છે.  આધુનિક સામ્રાજ્યવાદના સચોટ ઉદાહરણ રૂ૫ બનેલા હિમ્દની સ્થિતિ ઉપરથી, આખા પ્રશ્નની આકરામાં આકરી કસોટી થવાની છે. કારણ કે હિંદની મુક્તિ પરથી જ બ્રિટન અને સંયુક્ત રાજ્યોનો ન્યાય તોળારો અને તે વડે જ એશિયા અને આફ્રિકાની પ્રજામાં આશા અને ઉત્સાહ પ્રેરાશે.

“ આ રીતે આ દેશમાંથી બ્રિટિશ હુકૂમતનો અંત આવે એ એક અત્યંત અગત્યનો અને તેટલી જ તાકીદનો મુદ્દો છે. તેના ઉપર યુદ્ધના ભાવિનો તેમ જ સ્વતંત્રતા અને લોકસત્તાવાદની સફળતાનો આધાર રહેલો છે. પોતાની સ્વતંત્રતા માટેના, તેમ જ નાઝીવાદ, ફાસીવાદ અને સામ્રાજ્યવાદના આક્રમણ સામેના યુદ્ધમાં પોતાની સર્વ સાધનસંપત્તિ વાપરીને સ્વતંત્ર હિંદ એ સફળતાને નિશ્ચિત કરશે. હિંદની મુક્તિની અસર માત્ર યુદ્ધના ભાવિ ઉપર મોટા પ્રમાણમાં જણાશે એટલું જ નહીં, પણ તેનાથી સર્વ પરાધીન અને દબાયેલી માનવતા સંયુક્ત પ્રજાઓને પક્ષે આવશે, હિંદ તેમનું મિત્ર બનશે અને તેમને દુનિયાની નૈતિક અને આધ્યાત્મિક આગેવાની પ્રાપ્ત થશે. બંધનમાં રહેલું હિંદ બ્રિટિશ સામ્રાજ્યવાદના પ્રતીક તરીકે રહેશે અને એ સામ્રાજ્યવાદના મેલા ડાધની અસર બધાં મિત્રરાજ્યોને પહોંચશે.

“ તેથી આજના ભયમાંથી હિદની સ્વતંત્રતાની અને તેના પરની બ્રિટિશ હકુમતના અંતની જરૂર ઊભી થાય છે. ભવિષ્યમાં પાળવાનાં કોઈ વચનો કે તેને માટેની બાંહેધરીઓથી આજની પરિસ્થિતિ પર કશી અસર થવાની નથી કે એ ભયનો ઉપાય થઈ શકવાનો નથી. આમજનતાના હૃદય ઉપર તેની જેવી જોઈએ તેવી ધારેલી અસર નહીં થાય. યુદ્ધના સ્વરૂપને તત્કાળ પલટી નાખવાને માટે જરૂરી એવાં કરોડો લોકોનાં તાકાત અને ઉત્સાહ સ્વાતંત્ર્યની ઉષ્માથી જ પ્રગટી શકે.

"તેથી બ્રિટિશ સત્તાએ હિંદમાંથી ખસી જવાની માગણીનો પૂરેપૂરા ભારપૂર્વક મહાસમિતિ પુનરુચાર કરે છે. હિંદની સ્વતંત્રતાની જાહેરાત થતાં જ એક કામચલાઉ સરકાર રચાશે, અને મુક્તિ માટેની લડતના સંયુક્ત સાહસમાં જે હાડમારી અને કષ્ટો પડે તે સહેવામાં સ્વતંત્ર હિદ મિત્રરાજ્યોનું સાથી બનશે. આ કામચલાઉ સરકાર દેશમાં હસ્તી ધરાવતા મુખ્ય મુખ્ય પક્ષો અને સમૂહાના સહકારથી જ સ્થપાઈ શકે. એ રીતે એ હિંદની પ્રજાના સર્વ મુખ્ય મુખ્ય વિભાગોનું પ્રતિનિધિત્વ ધરાવતી મિશ્ર સરકાર હશે. પોતાની પાસે હશે તે બધા અહિંસક સામર્થ્યથી તેમ જ સશસ્ત્ર સૈન્યથી મિત્રરાજ્યોની સાથે રહીને આક્રમણનો સામનો કરી હિંદનું રક્ષણ કરવાનું, અને સર્વ સત્તા અને અધિકારના જે તત્ત્વત: માલિક છે તેવા, ખેતરોમાં, કારખાનાંમાં અને અન્ય સ્થળોએ કામ કરતા મજૂરોનાં કલ્યાણ અને પ્રગતિને ઉત્તેજન આપવાનું, એ બધાં આ સરકારનાં પ્રારંભનાં કાર્યો હશે.

"પ્રજાના સર્વ વિભાગને સ્વીકાર્ય થાય એવું, હિંદુસ્તાનના રાજવહીવટ માટેનું બંધારણ ઘડવાને માટે એક લોકપ્રતિનિધિ સભાની ચેાજના આ કામચલાઉ સરકાર તૈયાર કરશે. કૉંગ્રેસના અભિપ્રાય પ્રમાણે આ બંધારણ સમવાયતંત્રના સ્વરૂપનું હશે. એ સમવાયતંત્રના ધટકોને બને તેટલા વધારે સ્વશાસનના

અધિકાર હોવા જોઈએ. અને સર્વ શેષ સત્તા તેમની પાસે રહેવી જોઈએ. પરસ્પરના લાભને અર્થે અને આક્રમણનો સામનો કરવાના સર્વેને સ્પર્શતા કાર્યમાં સહકાર કરવાને અર્થે સંયુક્ત રાષ્ટ્રોના જે પ્રતિનિધિઓ મસલતને માટે ભેગા થશે તેઓ હિંદ અને મિત્રરાજ્યો વચ્ચેના ભવિષ્યના સંબંધો નક્કી કરશે. મુક્તિ મળતાં જ પ્રજાના સંયુક્ત સંકલ્પબળથી અને સામર્થ્યથી આક્રમણનો પ્રતિકાર કરી શકાશે.

"હિંદની મુક્તિ, પરદેશી હકુમત નીચે દબાયેલી એશિયા અને આફ્રિકાની પ્રજાઓની મુક્તિનું એક પ્રતીક તેમ જ પુરોગામી બનવી જોઈએ. બ્રહ્મદેશ, મલાયા, હિંદી ચીન, ડચ ઇન્ડિઝ, ઈરાન અને ઇરાક, એ સર્વેને પણ સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળવું જોઈએ. એ વાત બરાબર સમજાવી જોઈએ કે આ દેશ પૈકી જે અત્યારે જપાની હકૂમત નીચે આવી ગયા છે તે પૈકી કોઈ પણ દેશ કોઈ બીજી સત્તાને ધરાવનારી સત્તાના શાસન તળે મુકાવા ન જોઈએ.

“ મહાસમિતિને પ્રધાનપણે તો આ ભયની ઘડીએ હિંદની સ્વતંત્રતા અને તેના બચાવની સાથે જ સંબંધ હોવો જોઈએ, તોયે સમિતિનો અભિપ્રાય છે કે દુનિયાની ભાવિ શાંતિ, સુરક્ષિતતા અને સુવ્યવસ્થિત પ્રગતિને માટે આખી દુનિયાનાં સ્વતંત્ર રાષ્ટ્રોનું સમવાયતંત્ર સ્થપાય એ જરૂરનું છે. આવા તંત્રની સ્થાપના વિના બીજા કોઈ પણ પાયા પર આધુનિક જગતના એકે પ્રશ્નનો ઉકેલ નહી આવી શકે. આ સમવાયતંત્ર તેના બંધારણમાં દાખલ થયેલી સર્વ પ્રજાએાની સ્વતંત્રતાની રક્ષા કરશે, એક પ્રજાના બીજી પ્રજા ઉપરના આક્રમણ અને શોષણને અટકાવશે, રાષ્ટ્રમાંની લધુમતીઓનું રક્ષણ કરશે, પછાત પ્રદેશ અને પ્રજાની સુધારણા કરશે, અને જગતના સર્વે સાધનોને સર્વના સામાન્ય હિતને માટે સંગ્રહિત કરશે. આવા અખિલ જગતના સમવાયતંત્રની સ્થાપનાથી બધા દેશોમાં શસ્ત્રસંન્યાસ વહેવારુ રીતે પાર પડી શકશે, રાષ્ટ્રનાં પોતપોતાનાં જુદાં જુદાં લશ્કરો, લડાયક દરિયાઈ કાફલાઓ અને હવાઈ દળોની જરૂર નહીં રહે, અને સમવાયતંત્રની હકુમત નીચેનું એક સંરક્ષક સૈન્ય દુનિયાની સુલેહ જાળવશે તથા આક્રમણને અટકાવશે.

"સ્વતંત્ર હિંદ અખિલ જગતના આવા સમવાયતંત્રમાં ખુશીથી જોડાશે અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ઉકેલના કાર્યમાં બીજા દેશો સાથે સમાનતાને ધોરણે સહકાર કરશે.

“ સમવાયતંત્રના મૂળભૂત સિદ્ધાંત જેમને માન્ય હોય તે બધાં રાષ્ટ્રો તેમાં જોડાઈ શકશે. પરંતુ હાલ યુદ્ધનો કાળ છે એ જોતાં, શરૂઆતમાં એ સમવાયતંત્ર અનિવાર્ચ રીતે મિત્રરાજ્યો પૂરતું જ મર્યાદિત રહેશે. આવું પગલું આજે ભરવામાં આવે તો તેની યુદ્ધ ઉપર, ધરી સત્તાઓની પ્રજાઓ ઉપર તેમ જ ભવિષ્યમાં થનારી સુલેહ ઉપર ભારે અસર થવા પામશે.

“ આ સમિતિ એ વસ્તુની સખેદ નોંધ લે છે કે, યુદ્ધના કરુણ અને ચિત્તને ક્ષુબ્ધ કરનારા અનુભવ થવા છતાં અને દુનિયા ઉ૫ર અનેક જોખમ ઝઝૂમી રહ્યાં છે તોપણ ભાગ્યે જ ગણ્યાગાંઠ્યા દેશની સરકારો અખિલ 

જગતના સમવાયતંત્રની દિશામાં ભરવાનું આ અનિવાર્ચ પગલું ભરવા તૈયાર છે. બ્રિટિશ સરકાર પર થયેલા પ્રત્યાધાતો તથા વિદેશી પત્રોની ગેરરસ્તે દોરવાયેલી ટીકાઓ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, હિંદની સ્વતંત્રતાની સ્વત:સિદ્ધ માગણીનો પણ વિરોધ કરવામાં આવે છે. જોકે, ખાસ કરીને આજના જોખમને પહોંચી વળવા તથા હિંદ પોતાનું રક્ષણ કરી શકે એટલા માટે અને તેમની વસમી ધડીએ રશિયા તથા ચીનને સહાય કરી શકે એટલા માટે એ માગણી કરવામાં આવી છે. રશિયા અને ચીનની સ્વતંત્રતા અમૂલ્ય છે અને તે સાચવી રાખવી જ જોઈએ. એટલે તેના સંરક્ષણની બાબતમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઊભી ન કરવાને તેમ જ મિત્રરાજ્યોની સંરક્ષણશક્તિને કશી પણ હાનિ નહીં પહોંચાડવાને સમિતિ આતુર છે. પરંતુ હિંદ અને મિત્રરાષ્ટ્રો ઉપરનો ભય વધતો જાય છે. આ પરિસ્થિતિમાં નિષ્ક્રિયતા ચા તો પરદેશી હકૂમતની તાબેદારી એ હિંદને માટે અવનતિકારક અને પોતાનું રક્ષણ કરવાની તથા આક્રમણનો સામનો કરવાની શક્તિનો હ્રાસ કરનારાં છે, એટલું જ નહીં પણ એ વસ્તુ વધતા જતા જોખમને ટાળવામાં ઉપકારક નથી તેમ જ મિત્રરાજ્યોની પ્રજાને સહાયરૂપ પણ નથી. ઇંગ્લંડ તેમ જ મિત્રરાજ્યોને કૉંગ્રેસની કારોબારી સમિતિએ કરેલી હાર્દિક અપીલનો હજી સુધી જવાબ મળ્યો નથી તથા પરદેશમાં અને અનેક સ્થળોએ કરવામાં આવેલી ટીકાઓએ હિંદ તેમ જ દુનિયાની જરૂરિયાતની બાબતમાં અજ્ઞાન પ્રદર્શિત કર્યું છે. વળી કેટલીક વાર તો હિદની સ્વતંત્રતા સામે વિરોધ પણ દર્શાવાયો છે. આ વસ્તુ એની પાછળ રહેલી પ્રભુત્વ ભોગવવાની અને પોતાની શ્રેષ્ઠતાની મનોદશાની દ્યોતક છે. જે પ્રજાને પોતાના સામર્થ્યની તથા પોતાના ધ્યેચના ન્યાયીપણાની પ્રતીતિ થઈ છે તે આ વસ્તુ બરદાસ્ત નહીં કરે.

" આ છેવટની ધડીએ દુનિયાની મુક્તિના હિતને ખાતર, આ મહાસમિતિ બ્રિટનને અને સંયુક્ત રાજ્યોને ફરી એક વાર આ અપીલ કરે છે. પરંતુ પોતાના પર અમલ બજાવતી અને પોતાના તથા માનવતાના હિતને માટે કાર્ય કરવામાં અટકાવ નાખતી સામ્રાજ્યવાદી અને આપખુદ સરકારની સામે પોતાના સંક૯પને પાર પાડવાને ઉત્સાહિત થયેલી પ્રજાને હવે વધારે વખત રોકી રાખવાનું સમિતિને વાસ્તવિક કારણ દેખાતું નથી. તેથી મુક્તિ અને સ્વતંત્રતાના, બીજાને સુપરત ન કરી શકાય તેવા પોતાના હક્કની સિદ્ધિને માટે, મોટામાં મોટા પાચા પર અહિંસાથી ચાલતી લડતને મંજૂરી આપવાનું સમિતિ ઠરાવે છે. એ રીતે શાંતિભરી લડતનાં છેલ્લાં પચીસ વરસ દરમ્યાન મેળવેલી સર્વ અહિંસક તાકાત દેશ કામે લગાડી શકશે. આ પ્રકારની લડતનું સુકાન ગાંધીજી લે એ અનિવાર્ચ છે. તેથી લડતની આગેવાની લઈને તેને અંગે જે પગલાં લેવાનાં હોય તેમાં પ્રજાને દોરવાને સમિતિ તેમને વિનંતી કરે છે.

“ સમિતિ હિંદના લોકોને તેમને માથે આવી પડે તે કષ્ટો અને હાડમારીઓનો હિંમત અને સહનશીલતાથી સામનો કરવાની, ગાંધીજીની આગેવાની હેઠળ એકસંપથી કાર્ય કરવાની અને હિદની સ્વતંત્રતાના શિસ્તબદ્ધ સૈનિકોની માફક તેમની સૂચનાઓને અનુસરવાની અપીલ કરે છે. તેમણે એ વાત ચાદ રાખવાની છે કે અહિંસા આ લડતનો પાયો છે. ગાંધીજીની સૂચનાઓ બહાર

પાડવાનું ન પણ બને. સૂચનાઓ બહાર પડે તોપણ લોકોને પહોંચે નહીં અને કૉંગ્રેસની સ્થાનિક સમિતિઓનું કાર્ય ચાલી ન શકે એવો વખત પણ આવે. એ સમયે લડતમાં ભાગ લેતાં સર્વે સ્ત્રીપુરુષોએ જે સામાન્ય સૂચનાઓ મળી હોય તેની મર્યાદામાં રહીને પોતાને સૂઝે તે કામ કર્યે જવું. જે હિંદી મુક્તિને માટે ઝંખે છે અને તેને માટે મથે છે તેણે પોતાના જ રાહબર બનવાનું છે. અને જે કઠણ રસ્તા પર આશ્રયનું સ્થાન નથી અને જેનો અંત માત્ર હિંદની મુક્તિની પ્રાપ્તિ વિના આવવાનો નથી તે રસ્તે તેણે આપઅક્કલથી ચાલવાનું છે.
“છેવટે, અખિલ હિંદ મહાસમિતિએ જોકે સ્વતંત્ર હિંદની હકુમત નીચેના રાજવહીવટ વિષે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે તોપણ સમિતિ જેને જેને એ વાતની સાથે સંબંધ છે તે સર્વેની આગળ ચોખવટ કરવા ઇચ્છે છે કે આમ જનતાની લડત ઉપાડીને સમિતિનો આશય કૉંગ્રેસને માટે સત્તા મેળવવાનો નથી. સત્તા જ્યારે આવશે ત્યારે હિંદની સમસ્ત પ્રજાને હસ્તક હશે.”

  1. *નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; કિં. રૂ. ૫-૦-૦; ટપાલરવાનગી ૧-૦-૦.