સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/સબરસ સંગ્રામ

← સાબરમતી જેલમાં સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
સબરસ સંગ્રામ
નરહરિ પરીખ
ગાંધી-અર્વિન કરાર — લડતની તહકૂબી →



સબરસ સંગ્રામ

સરદાર રાસ ગામેથી પકડાયા હોવાથી ત્યાંના લોકો ઠીક ઠીક રોષે ભરાયા. તેઓ એમ પણ માનતા થયા હતા કે આપણે ગામેથી સરદારને પકડ્યા માટે લડતને અંગે આપણી જવાબદારી વિશેષ છે. લડત ચાલુ થયા પછી એ ગામના આગેવાન શ્રી આશાભાઈને પકડવામાં આવ્યા. એટલે તા. ૨૧-૪-’૩૦ ના રોજ રાસ ગામની પ્રજાએ એકત્ર થઈ નીચેનો ઠરાવ એકમતે કર્યો :

“સરકારે સરદાર શ્રી વલ્લભભાઈને અમારે ગામથી ગેરકાયદે પકડ્યા, દરબાર શ્રી ગોપાળદાસભાઈ અને તાલુકાના તેમ જ જિલ્લાના બીજા આગેવાનોને અમારા તાલુકામાં પકડ્યા, તથા અમારા ગામના આગેવાન ભાઈ શ્રી આશાભાઈ ઉપર જૂઠું તહોમત મૂકી કેદ કર્યા, તેમ જ આ બધા ઉપર ન્યાયનું નાટક ભજવી દ્વેષપૂર્વક આકરી સજાઓ કરી. તેથી જ્યાં સુધી સરકાર વગર શરતે એ સજાઓ રદ્દ કરીને એ બધાને જેલમાંથી છૂટા કરે નહીં ત્યાં સુધી અમારું આ રાસ ગામ સરકારને જમીન મહેસૂલ ભરશે નહીં.”

ઉપર પ્રમાણે ઠરાવો બોરસદ તાલુકાનાં બીજાં પણ કેટલાંક ગામાએ કર્યો તથા બારડોલી તાલુકાનાં ઘણાં ગામોએ જમીનમહેસૂલ નહીંં ભરવાનો નિરધાર કર્યો. ગાંધીજીએ આ વિષે ખાસ કરીને રાસ ગામને સલાહ આપતાં લખ્યું :

“મહેસૂલ ન ભરવાની વાત સરકાર સાંખે તેમ નથી. મહેસૂલ ન ભરવાનું પગલું ભરવાનો ક્રમ હજુ શરૂ નથી થયો. પણ જેને હિંમત હોય તે ભલે ન ભરે. કરાડીના પાંચા પટેલે એકલાએ તેમ કર્યું જ હતું ના ! પણ આમ કરનાર પોતે ભારે જોખમ ખેડે છે એ સમજી લે. ઘરબાર, ઢોરઢાંખર વેચાઈ જાય તો લોકોએ નવાઈ ન માનવી. બારડોલીની જેમ ખેડામાં નહીં થઈ શકે. બારડોલીની લડાઈ જુદા પ્રકારની અને સંકુચિત હતી. તે એક હક મેળવવાની હતી, આ હકૂમત છીનવવાની છે. બેની વચ્ચે આસમાન જમીનનું અંતર છે.

"એટલે રાસે પગલું ભર્યું છે, તે ઉપર કાયમ રહેવા પૂરતી એ આત્મશુદ્ધિ કરે, ત્યાગ કેળવે, જે બીજા ગામો રાસનું અનુકરણ કરવા ઇચ્છે છે તે શાંતપણે પોતાની શક્તિનું માપ કાઢે.

“બાકી જે જિલ્લામાંથી સરદારને લઈ ગયા, જે જિલ્લામાંથી દરબારને લઈ ગયા, જે મોહનલાલ પંડ્યા અને રવિશંકરનું નિવાસસ્થાન છે, એ જિલ્લો જેટલું કરે તેટલું ઓછું છે.”

તા. છઠ્ઠી એપ્રિલથી નિમકનો કાયદો તોડવાનો કાર્યક્રમ શરૂ થયો. દરેક પ્રાંતની જેલો સત્યાગ્રહી કેદીઓથી ભરાઈ જવા લાગી. એટલે સરકારે હવે કાયદાનો ભંગ કરનારને પકડવાને બદલે મારઝૂડ કરવાની નવી નીતિ અપનાવી. એકઠા થયેલા લોકોની સંખ્યા સહેજ વધારે હોય ત્યાં લાઠીનો ઉપયોગ છૂટથી અને ઘાતકી રીતે કરવામાં આવતો હતો. પેશાવરમાં અને બીજે કેટલેક સ્થળે તો સત્યાગ્રહીઓ ઉપર ગોળીબાર પણ થયા હતા. એટલે સરકારની વધારેમાં વધારે ખફગી પોતાના ઉપર વહોરી લેવા માટે ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગર ઉપર હુમલો લઈ જવાની યોજના કરી. પોતાની એ યોજનાની ખબર આપતો કાગળ વાઈસરૉયને લખ્યો તેમાં તેમણે જણાવ્યું :

"આ પગલું લેવાનો નિર્ણચ મેં કશો આંચકો ખાધા વિના કર્યો છે એમ નથી. મેં આશા રાખી હતી કે સરકાર સત્યાગ્રહીઓ સાથે સભ્યતાપૂર્વક લડશે. સત્યાગ્રહીઓને પહોંચી વળવા સાધારણ રીતે પ્રચલિત છે તે કાયદાનો અમલ કરીને સરકારે સંતોષ માન્યો હોત તો મારે કંઈ કહેવાપણું નહોતું. તેને બદલે જાણીતા આગેવાનો સાથે વધતેઓછે અંશે કાયદા મુજબનો વર્તાવ ચલાવીને બીજા સાધારણ સત્યાગ્રહીઓ પ્રત્યે તો જંગલી અને કેટલીક વાર બીભત્સ અત્યાચારો કરવામાં આવ્યા છે. આવું છૂટુંછવાયું બન્યું હોત તો તો જોયું ન જોયું કરી શકાય. પરંતુ મારી પાસે તો બંગાળ, બિહાર, ઉત્કલ, યુક્ત પ્રાંત, દિલ્હી અને મુંબઈથી ખબરો આવી છે, જે ગુજરાતમાં મળેલા અનુભવોનું સમર્થન કરે છે. અને ગુજરાત વિષે તો મારી પાસે પાર વિનાનો પુરાવો પડેલો છે. કરાંચી, પેશાવર તથા મદ્રાસમાં વિના કારણ અને વિના ઉશ્કેરણી ગોળીબાર થયેલા જણાય છે. સરકારની દૃષ્ટિએ કિંમત વિનાનું અને સત્યાગ્રહીની દૃષ્ટિએ ભારે કિંમતી એવું મીઠું સ્વયંસેવકો પાસેથી ઝૂંટવી લેવા માટે તેમનાં હાડકાં ભાંગવામાં આવ્યાં છે અને ગુહ્ય ભાગો દબાવવામાં આવ્યા છે.



"તેથી ત્રાસ વર્તાવી ધાક બેસાડી દેવાની અત્યારે શરૂ થયેલી નીતિનો અમલ આખા દેશને આવરી લે તે પહેલાં મને લાગે છે કે મારે વિશેષ ઉગ્ર પગલું લેવું અને આપના ક્રોધને વધારે જલદ પણ વધારે સાફ માર્ગે વાળવો.



“મને તો એમ જ લાગે છે કે સત્તાનો તીક્ષ્ણ પંજો પૂરેપૂરો ખુલ્લો કરવાનું આપને આમંત્રણ ન આપું તો હું કાયર ગણાઉં. જે લોકો અત્યારે સંકટો સહન કરી રહ્યા છે, અને જેમની માલમિલકત ફના થઈ રહી છે, તેમને એમ ન જ લાગવું જોઈએ કે, આ લડત કે જેને પરિણામે સરકારનું ખરું પોત પ્રકાશ્યું છે તે ઉપાડવામાં જેનો મુખ્ય હાથ હતો તેવા મેં ચાલુ પરિસ્થિતિમાં સત્યાગ્રહનો કાર્ચક્રમ જેટલો અમલમાં મૂકી શકાય તેટલો અમલમાં મૂકવા માટે કશું કરવું બાકી રાખ્યું છે.”

આ કાગળ ગયો એટલે ગાંધીજીને પકડવામાં આવ્યા. છતાં ધરાસણા ઉપર ૧પમી મેથી હલ્લા તો શરૂ થયા જ, અને ત્રણ અઠવાડિયાં એટલે વરસાદ આવ્યો ત્યાં સુધી ચાલુ રહ્યા. તે દરમ્યાન ત્રણ હજાર ઉપરાંત સત્યાગ્રહીઓનાં માથાં ફૂટ્યાં અને બે ભાઈઓના પ્રાણ ગયા. ધરાસણામાં કેવો હત્યાકાંડ થયો તે માટે નજરે જોનારાઓએ કરેલાં બે વર્ણન અહીં આપીશું.

મુંબઈની સ્મોલ કૉઝીઝ કૉર્ટના નિવૃત્ત જજ મિ. હુસેન, વિખ્યાત વૃત્તવિવેચક શ્રી કે. નટરાજન અને સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના શ્રી દેવધરે ધરાસણાનો એક હલ્લો જાતે જોયા પછી નીચેનું નિવેદન બહાર પાડ્યું હતું :

“મીઠાના અગર આગળની વાડ પાસેથી સત્યાગ્રહીઓને મારી હઠાવ્યા પછી યુરોપિયન ઘોડેસવારો હાથમાં લાઠી સાથે મારતે ઘોડે દોડ્યા. રસ્તામાં જે લોકો મળે તેને તેઓ લાઠી ફટકારતા પછી ગામની ગલીઓમાં પણ તેમણે ઘોડા દોડાવ્યા. લોકો આમતેમ ભાગીને ઘરમાં ભરાઈ જવા લાગ્યા. જે માણસ બહાર રહેતો તેને તેઓ લાઠી મારતા.”

‘ન્યૂ ફ્રી મૅન’ નામના પત્રના ખબરપત્રી લખે છે :

“બાવીસ દેશમાં અઢાર વર્ષ થયાં મેં ખબરપત્રીનું કામ કર્યું છે. તેમાં મેં ઘણા લોકોનાં તોફાન, બળવા અને રસ્તા ઉપરની લડાઈઓ જોઈ છે. પણ ધરાસણામાં મેં જેવાં હૃદયવિદારક દૃશ્યો જોયાં તેવાં ક્યાંય જોયાં નથી. કેટલીક વાર તો એ દૃશ્યો જોતાં મને એટલી વેદના થતી કે હું ઘણીવાર ત્યાંથી ખસી જતો. ત્યાં મેં સ્વયંસેવકોની જે શિસ્ત જોઈ તે અદ્‌ભુત હતી. મને તેઓ ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતથી પૂરેપૂરા તરબોળ થયેલા જણાયા.”

દરમ્યાન દારૂના પીઠાં ઉપર અને પરદેશી કાપડની દુકાનો ઉપર બહેનોનું પિકેટિંગ બહુ અસરકારક નીવડ્યું હતું. એ કામ ગાંધીજીએ ભારે વિચારપૂર્વક બહેનોને સોંપ્યું હતું. તેમાં અખૂટ ધીરજ, અપાર ખંત અને ભારે ખામોશીની જરૂર હતી, જે બહેનો જ સારી રીતે બતાવી શકે. ઝીણી ઝીણી અગવડો અને કનડગતો વેઠીને અખંડ ચોકી કરતાં શાંત બેસી રહેવામાં પુરુષ કદાચ કંટાળી જાય. પણ બહેનોએ કંટાળ્યા વિના એ કામ કર્યું અને સફળ રીતે પાર પાડ્યું, ગુજરાતમાં દારૂનાં પીઠાં ઉપર ચોકી ગોઠગાવવામાં બે પારસી બહેનો — શ્રીમતી મીઠુબહેન પિટીટ અને શ્રીમતી ખુરશેદબહેન નવરોજજી — આગેવાન હતાં એ પણ એક મોટો સુયોગ હતો.

તા. ર૬મી જૂને પોતાની સજા પૂરી કરીને સરદાર બહાર આવ્યા. એમણે ધાર્યું હતું તેમ તે વખતે વાતાવરણ ગરમાગરમ હતું. ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ આગેવાન કાર્યકર્તા બહાર હતો. બીજા પ્રાંતોમાં પણ મોટા ભાગના આગેવાનો સળિયા પાછળ પુરાઈ ગયેલા હતા. અમદાવાદમાં સરદારનું સ્વાગત કરવા જે જાહેર સભા થઈ તેમાં બોલતાં તેમણે કહ્યું :

“તમે મારી પાસે જેલખાનાની વાતો સાંભળવાની આશા જરૂર રાખી હશે. તેની તો તમને શી વાત કહું ? ત્યાં કાંઈ માથાં ફૂટતાં નહોતાં. ત્યાં કોઈ જાતનું દુ:ખ જણાતું નહોતું. જો કોઈ કહે કે જેલમાં દુ:ખ છે તો તમે તે માનશો નહીં. ત્યાં તો પરમ ચેન છે, ને તે વળી માત્ર રોજના ચાર પૈસામાં જ. એ ચાર પૈસાના ખર્ચ માં જેલમાં જેટલું સુખ મળે છે તેટલું બહાર નથી. કારણ કે આજે જ્યારે આપણી કૉંગ્રેસના પ્રમુખ જેલમાં પુરાયા છે, જ્યારે જગતના શ્રેષ્ઠ પુરુષ મહાત્મા ગાંધી યરવડાના કારાવાસમાં છે, ત્યારે જેલની બહાર રહીને આરામથી ધાન ખાવું એ ધૂળ ખાવા બરોબર છે. સો મણ રૂની તળાઈઓમાં સૂવું એ પણ ચિતા ઉપર સૂવા બરાબર છે. એટલે સાચું કહું છું કે જેલમાં જેટલું સુખ લાગે છે તેટલું બહાર નથી લાગતું.“

“આજની સ્થિતિ જોતાં મને અતિશય આશા બંધાય છે. તમારા બધાનો ઉત્સાહ જોઈ હું હર્ષઘેલો થઈ જાઉં છું. તમે હવે બતાવી દો કે આ ઉત્સાહ એ ક્ષણિક નથી, એ એક પળ માટે આવેલું પૂર નથી, પણ એક સમર્થ તપસ્વીની બાર વર્ષની પ્રખર તપશ્ચર્યાનું ફળ છે. આજે મને ઘણા સલાહ આપતા હતા કે મારે ભાષણ ન કરવું, મારે ફસાઈ ન જ પડવું. વળી કેટલાક કહેતા હતા કે મારે આજની સભામાં ન આવવું, કારણ તેમને ભય હતો કે મને આજે ને આજે જ પાછા પકડશે. પણ હું તો કહું છું કે મારા હાથની રેખામાં જેલની વાત જ નથી. જેલ જવાનું મેં જાણ્યું જ નથી. આ સરકારની જેલ એ તે કંઈ જેલખાનું છે? ખરું જેલખાનું તો માયાનું બંધન છે. આપણા આત્માને જે મોહ, માયા ને કામક્રોધનાં બંધન છે એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન તોડ્યાં છે તે માણસને આ જગત પરનું બળવાનમાં બળવાન એવું કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી.”

પાંચેક દિવસ અમદાવાદ રહી તેઓ મુંબઈ ગયા. ત્યાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લેતાં, ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસ કઈ શરતે ભાગ લઈ શકે એ વિષે પૂછ્યું. જવાબમાં સરદારે જણાવ્યું કે,

“એ સવાલ જ અત્યારે ઉપસ્થિત થતો નથી. કૉંગ્રેસના પ્રમુખને તો પકડ્યા જ છે. તે ઉપરાંત કામચલાઉ પ્રમુખને પણ ૫કડ્યા છે. વળી કૉંગ્રેસની કારોબારીને
સરકારે ગેરકાયદે ઠરાવી છે. એટલે સરકારને ક્યાં કશી સમાધાની કરવી છે ? આવી બાબતમાં કૉંગ્રેસ તરફથી કોઈ બોલનાર હોય તો તે મહાત્મા ગાંધી જ છે. જ્યારે એમને તક મળશે અને યોગ્ય લાગશે ત્યારે એ બોલશે.”

તા. ૩૦મી જૂને પંο મોતીલાલજીને પકડવામાં આવ્યા. કૉંગ્રેસ પ્રમુખ શ્રી જવાહરલાલજી પકડ્યા પછી તેઓ કૉંગ્રેસના પ્રમુખ તરીકે કામ કરતા હતા. પોતાની ધરપકડ થઈ ત્યારે તેઓ સરદારને પ્રમુખ નીમતા ગયા. તેમણે આખા દેશમાં લડતને સંગઠિત કરવા માંડી. આ જ વખતે સરકારે એક ફતવો બહાર પાડીને કૉંગ્રેસની કારોબારીને અને બીજી ઘણીખરી સંસ્થાઓએ ગેરકાયદે ઠરાવી હતી અને તેનાં કાર્યાલયો ઉપર જપ્તી બેસાડી તાળાં માર્યાં હતાં. તેના જવાબમાં સરદારે એક ભાષણમાં જણાવ્યું :

“દેશમાં એકેએક ઘર કૉંગ્રેસ સમિતિનું કાર્યાલય બની જાય અને એકેએક માણસ કૉંગ્રેસ સંસ્થા બને.”

તા. રજી જુલાઈ એ માલવીજીએ કૉંગ્રેસના પ્રમુખ તરીકે સરદારને નીચે પ્રમાણે તાર કર્યો :

“કૉંગ્રેસની કારોબારી સમિતિને ગેરકાયદે મંડળી ઠરાવતો સરકારનો હુકમ, બે મહિનાથી તેમણે જે દમન આદર્યું છે તેને માથે કળશ ચડાવે છે. આ સંજોગોમાં હું સરકારને યોગ્ય જવાબ એ જ આપી શકું કે કૉંગ્રેસ કારોબારી સભ્ય બનીને મારી સેવા દેશને ચરણે ધરું. આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે મને હુકમ ફરમાવશો.”

તા. ૪થી જુલાઈ એ સરદારે તેમને લખ્યું કે,

“આપનો તાર મેં છાપાંમાં વાંચ્યો પણ મને મળ્યો નથી અને કદાચ મળશે પણ નહીં. આપની માગણી હું સાભાર આવકારું છું અને મને મળેલી સત્તાની રૂએ પં. મોતીલાલજીની જગ્યાએ આપને કૉંગ્રેસ કારોબારીના સભ્ય નીમું છું. આપે દેશભક્તિથી પ્રેરાઈને તાકીદે જે પગલું લીધું છે તેની રાષ્ટ્ર ભારે કદર કરશે.”

તે વખતે શ્રી જયકર અને શ્રી સપ્રુ સરકાર સાથે સમાધાન કરાવવા વિષ્ટિ કરી રહ્યા હતા. તે માટે તેઓએ ગાંધીજીને જેલમાં મળવાની પરવાનગી માગી હતી. વિષ્ટિની આ વાતથી લોકોમાં કંઈક બુદ્ધિભેદ ઉપન્ન થતો હતો. એટલે સરદારે જુલાઈ માસની અધવચમાં નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું:

“આજે જે સમાધાન કરવાની વાત કરી રહ્યા છે અથવા ભાંજગડિયા થઈ ગાંધીજી પાસે જવાની પેરવી કરી રહ્યા છે તેઓ જાણ્યેઅજાણ્યે દેશની ભારેમાં ભારે કુસેવા કરી રહ્યા છે. એવી ભાંજગડ કરનારાઓ પ્રજાના સ્વમાનનો ભંગ કરી રહ્યા છે. સરકારનો હૃદયપલટો થશે અને સમાધાનીને સાચો સમય આવ્યો છે એમ તેને લાગશે ત્યારે યરવડા જેલની ચાવી એની પોતાની પાસે જ હોવાથી દરવાજો ખોલી ગાંધીજી સાથે સીધી વાત કરતાં એને જરાયે સંકોચ થવાનો નથી. ખાલી ભાંજગડની વાતોથી લોકો ભુલાવામાં પડવાનો અને લડતમાં શિથિલતા આવવાનો ભય રહે છે. સમાધાનીનો સમય હજી ઘણો દૂર છે, અને જો આપણે ગાફેલ રહી શિથિલ થઈશું તો વધારે દૂર જશે. માટે એવી મિથ્યા વાત પર જરાયે લક્ષ ન આપતાં કૉગ્રેસનું કામ સૌએ વિશેષ જોરથી ચલાવ્યે રાખવું. લડાઈનો વહેલો અંત લાવવાનો એ એક જ ઉપાય છે, એ કોઈએ ભૂલવું નહીં.”

તા. ૩૧મી જુલાઈ એ લોકમાન્ય તિલક મહારાજની સંવત્સરી દિને મુંબઈમાં એક મોટું સરઘસ કાઢવાનું યોજવામાં આવ્યું હતું. તે વખતે કૉંગ્રેસ કારોબારીની બેઠક પણ મુંબઈમાં ચાલુ હતી. એટલે સરદાર, પં. માલવીજી, શ્રી જયરામદાસ દોલતરામ તથા શ્રી શેરવાણી જે મુંબઈમાં હતા, તેમણે સરઘસમાં ભાગ લીધો. શ્રી હંસાબહેન મહેતા જેઓ મુંબઈનાં ડિક્ટેટર હતાં તેઓ તથા શ્રી મણિબહેન પટેલ પણ એ સરઘસમાં હતાં. સરઘસ શાંતિપૂર્વક આગળ વધ્યે જતું હતું. પણ બોરીબંદર સ્ટેશન આગળ થઈને કોટ વિસ્તારમાં દાખલ થતાં એ સરઘસ ઉપર પ્રતિબંધ મૂકતો હુકમ ફરમાવવામાં આવ્યો અને તેને આગળ વધતું અટકાવવામાં આવ્યું. હજારો માણસનું આખું સરઘસ આ અટકાયતના હુકમથી વિખેરાઈ જવાને બદલે જમીન ઉપર બેસી ગયું, અને પોલીસ અમલદારની સૂચનાઓ છતાં ત્યાંથી એક તસુ પણ ચસવાની ના પાડી. રાત પડી ગઈ અને મુશળધાર વરસાદ પડવા માંડ્યો. છતાં એ વરસાદમાં ભીંજાયેલે કપડે અને વહેતા પાણીમાં સરદાર તથા બીજા નેતાઓ અને લોકો ત્યાં જ બેસી રહ્યા. બીજે દિવસે પરોઢિયે નેતાઓને અને બહેનોને પકડવામાં આવ્યાં અને બાકીના લોકો ઉપર ઘાતકી લાઠીમાર વરસાવવામાં આવ્યો. આ વખતે પણ સરદારને ત્રણ માસની સજા થઈ અને તેમને યરવડા જેલમાં રાખવામાં આવ્યા. દરમ્યાન શ્રી સપ્રુ અને શ્રી જયકરની વાટાઘાટો કંઈક આગળ વધી હતી. તેમના પ્રયાસથી તા. ૧૪મી ઑગસ્ટે યરવડા જેલમાં ગાંધીજીની સાથે વાતો કરવા પંડિત મોતીલાલજી, પંડિત જવાહરલાલજી તથા ડૉ. સૈયદ મહમૂદને અલ્લાહાબાદની નૈની જેલમાંથી યરવડા જેલમાં લાવવામાં આવ્યા. સરદાર, શ્રી જયરામદાસ તથા શ્રીમતી નાયડુ યરવડા જેલમાં જ હતાં. એમને પણ ગાંધીજી પાસે લઈ જવામાં આવ્યાં. કૉગ્રેસના પ્રતિનિધિઓ તરીકે આ સાત જણની પેલા બે વિષ્ટિકારો સાથે મસલત થઈ. કૉંગ્રેસ પ્રતિનિધિઓએ પ્રથમ તો એ સ્પષ્ટ કર્યું કે કૉંગ્રેસની કારોબારી સમિતિને અને જરૂર પડે તો કૉંગ્રેસની મહાસમિતિને પૂછ્યા વિના તેઓ કશો છેવટનો જવાબ આપી શકે નહી. પણ પોતાના અંગત અભિપ્રાય તરીકે તેઓએ જણાવ્યું કે સરકાર નીચેની માગણીઓ સ્વીકારવા તૈયાર થાય તો જ કંઈક સંતોષકારક નિરાકરણ નીકળી શકે :

૧. બ્રિટિશ સામ્રાજ્યમાંથી પોતાની મરજીમાં આવે તો છૂટા થવાનો હિંદુસ્તાનનો હક સ્પષ્ટ રીતે સ્વીકારાવો જોઈએ.
૨. હિંદુસ્તાનને, લોકોને જવાબદાર એવું સંપૂણ રાષ્ટ્રીય રાજ્યતંત્ર મળવું જોઈએ. લશ્કર ઉપર તથા આર્થિક બાબતો ઉપર તેનો કાબૂ હોવા જોઈએ. તેમાં ગાંધીજીએ વાઈસરૉયને લખેલા કાગળમાં જે અગિયાર મુદ્દા જણાવ્યા છે તે બધા આવી જાય.
૩. બ્રિટન હિંદુસ્તાનમાં જે હકો અને છૂટો ભગવે છે, જેમાં હિંદુસ્તાનના કહેવાતા સરકારી દેવાનો પણ સમાવેશ થાય છે, તેમાંથી જે જે વસ્તુઓ રાષ્ટ્રીય સરકારને અન્યાયી અથવા હિંદુસ્તાનના લોકોના હિતની વિરુદ્ધ લાગે તે એક નિષ્પક્ષ પંચને સોંપવાનો હિંદુસ્તાનનો હક હોવો જોઈએ.

૪. પરદેશી કાપડ અને દારૂ ઉપર શાંત રીતે ચોકી કરવાનું કૉગ્રેસ ચાલુ રાખશે. સિવાય કે સરકાર જ દારૂ અને પરદેશી કાપડનો પ્રતિબંધ કરે.
પ. લોકોને મીઠું એકઠું કરવાનો તથા બનાવવાનો હક રહે.
૬. આટલું થાય તો સત્યાગ્રહ પાછો ખેંચી લેવામાં આવે. તેની સાથે જ જેઓને હિંસા કરવાના ગુનાસર સજા નહીં થઈ હોય તેવા સત્યાગ્રહી અને બીજા રાજદ્વારી કેદીઓને છોડી મૂક્વામાં આવે; સૉલ્ટ ઍkટ, પ્રેસ ઍkટ, રેવન્યુ ઍક્ટ અથવા એવા બીજા કાયદા નીચે જેમની મિલકત જપ્ત થઈ હોય તે પાછી આપવામાં આવે; સત્યાગ્રહી કેદીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો હોય તે સિવાયનો દંડ રદ કરવામાં આવે; મુખી-તલાટીઓ તથા બીજા સરકારી અમલદારો જેઓએ રાજીનામાં આપ્યાં હોય અથવા સત્યાગ્રહની લડતને અંગે જેમને બરતરફ કરવામાં આવ્યા હોય તેમને પાછા નોકરીમાં લેવામાં આવે; અને વાઈસરૉયે કાઢેલા બધા ઓર્ડિનન્સો રદ કરવામાં આવે.

આ શરતો લઈને શ્રી જયકર તથા શ્રી સપ્રુ વાઈસરૉય પાસે ગયા. તેના તરફથી બહુ જ અસંતોષકારક જવાબ મળ્યો, છતાં તેઓ ફરી પંડિત મોતીલાલજી પંડિત જવાહરલાલજી તથા ડૉ. સૈયદ મહમૂદને નૈની જેલમાં મળ્યા અને તેમનો કાગળ લઈ ગાંધીજી, સરદાર, શ્રીમતી સરોજિની નાયડુ તથા શ્રી જયરામદાસ દોલતરામને યરવડા જેલમાં મળ્યા. તા. ૫-૯-’૩૦ના રોજ ગાંધીજી અને ઉપર જણાવેલા તેમના સાથીઓએ કૉંગ્રેસની માગણી ફરી સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી અને વાઈસરૉયની દરખાસ્તો બિલકુલ સંતોષકારક નથી એમ જણાવ્યું. આમ શ્રી જયકર અને સપ્રુની વિષ્ટિનો અંત આવ્યો.

જેલની અંદર આ વાટાઘાટો ચાલતી હતી ત્યારે બહાર લડત પહેલાં કરતાં પણ વધુ ગરમ થઈ હતી. લાઠીમાર તો સામાન્ય થઈ પડ્યો હતો. બારડોલી તથા બોરસદમાં મહેસૂલ નહીં આપવાને કારણે પોલીસે ઊભા પાક જપ્તીમાં લેવા માંડ્યા હતા તથા લોકો ઉપર અનેક પ્રકારની કનડગત કરવા માંડી હતી. પોલીસના દુર્વતનમાંથી બહેનો પણ બચવા પામતી નહોતી. એ ત્રાસમાંથી બચવા માટે આખા ગામનાં ગામ પાસેની ગાયકવાડી હદમાં હિજરત કરી ગયાં હતાં, અને ખેતરમાં ઘાસપૂળાના અથવા પાલાના માંડવા બાંધી તેમાં રહેતાં હતાં. આમ જ્યારે ભઠ્ઠી ખૂબ જ તપેલી હતી ત્યારે નવેમ્બરની શરૂઆતમાં સરદાર ફરી પાછા બહાર આવ્યા. આ જ અરસામાં મહાદેવભાઈ પણ એમની છ માસની સજા પૂરી કરીને બહાર આવ્યા હતા. સરદારે બહાર નીકળીને લોકોને તેજ કરનારાં ભાષણ કરવા માંડ્યાં. એટલે ‘હિન્દી રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના મંડળની’ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે તેઓ સંબંધ ધરાવે છે એમ કહી સરદાર તથા મહાદેવભાઈ ઉપર સરકારે વાચાબંધીના હુકમો કાઢ્યા. જોકે તેમણે તો બહાર આવ્યા પછી તરત મુંબઈમાં માંડવીનો ખાદીભંડાર ખુલ્લો મૂકતાં લોકોને કહી દીધું હતું કે,

“મારા દિલની વાણી તમને ક્યાં અજાણી છે? એ વાણીના ઉપર જગતમાં કોઈ તાળું મારી શકે એમ નથી. હું જેલમાં બેઠો હોઈશ ત્યાંથી પણ એ તમને પહોંચશે અને તમારા હૃદયમાં ઊતરશે.”

બારડોલીના, જલાલપુરના, બોરસદના એમ કેટલાક તાલુકાઓના ખેડૂતો હિજરત કરી ગયા હતા તેમને પણ આ સભામાંથી જ તેમણે સંદેશ આપી દીધો :

“કેટલાક મને સલાહ આપવા આવે છે કે ગુજરાતના ખેડૂતને શા માટે પાયમાલ કરો છો ? ગુજરાતનો ખેડૂત એટલો પાંગળો હોય તો મને ખરેખર દુ:ખ થાય, પણ તે પાંગળો નથી. ગુજરાતનો ખેડૂત આ લડતમાં વટાઈ જશે તો તેણે દેશની મુક્તિના યજ્ઞમાં સારામાં સારો ફાળો આપ્યો એમ હું માનીશ. બે ચાર તાલુકાઓ આજે લડે છે તેમને નકશામાંથી કાઢી નાખવા હોય તો ભલે કાઢી નાખે. હું તેમને માટે મગરૂર થઈશ. આપણે તો આ ચાલુ નક્શો ભૂંસી નાખીને તેમાં નવા રંગ પૂરવા છે. એ નવા નકશામાં ખરાં ઇજજતનાં સ્થાનો આ તાલુકાનાં ચિતરાશે. ખેડૂતોની જમીનો જશે એવી બીક દેખાડવામાં આવે છે. ખેડૂતોની જમીન જશે તો શું સરકારને કોઈએ તાંબાના પતરે આ દેશનું રાજ્ય લખી આપ્યું છે?”

ગુજરાતની માફક કર્ણાટકમાં સીરસી, સિદ્ધાપુર તથા અંકોલા તાલુકાઓમાં ખેડૂતોએ નાકરની લડત ઉપાડી હતી. ગુજરાતના ખેડૂતોની એક સભા આગળ તેમને ઉદ્દેશીને સરદારે કહ્યું :

“કર્ણાટકના બહાદુર ખેડૂતો તમારી સાથે ભોગ આપવામાં, જમીન અને મિલકત ગુમાવવામાં તથા હાડમારીઓ વેઠવામાં હરીફાઈ કરી રહ્યા છે. તેમને ત્યાં જપ્તીઓ થઈ છે, જમીન ખાલસા થઈ છે અને કેટલાયે માણસો જેલમાં ગયા છે. સ્ત્રીઓ અને પુરુષો દુ:ખો અને કષ્ટોની કશી પરવા કરતાં નથી. તેઓ છેક પાયમાલ થઈ ગયાં છે. તેમની પાસે કશાં સાધન રહ્યાં નથી. તેમની બહાદુરીની અને ભોગની આ વાતો સાંભળીને મારું હૃદય તેમની પ્રશંસા કરે છે, તેમનાં અપાર કષ્ટોનું સાંભળીને કોઈ કોઈ વાર હું કંપી ઊઠું છું. છતાં તેમને માટે હું મગરૂર થાઉંં છું.”

તેમનું પોતાનું ગામ કરમસદ આણંદ તાલુકામાં આવેલું છે. તે ગામ ઉપર મહેસૂલ વસૂલ કરવા પોલીસે એક વાર ધાડ પાડેલી. ત્યારે સરદારનાં એંશી વર્ષના વૃદ્ધ માતુશ્રીને પણ પોલીસની કનડગતનોને લહાવો મળેલો. પોલીસ ઘરમાં પેઠી તે વખતે તેઓ રાંધતાં હતાં. પોલીસે રસોડામાં જઈ ચૂલા ઉપર મૂકેલાં વાસણો ફેંકી દીધાં. ભાતની તપેલીમાં કાંકરા અને કેરોસીન નાખ્યું અને બધું રમણભમણ કરીને નાસી ગયા. ગામના જુવાનિયાએ આ જોઈ ઊકળી તો ખૂબ ઊઠ્યા પણ આ લડત અહિંસક છે એ યાદ કરી તેમણે ખામોશી રાખી.

સરદારે તેમની આ બંને જેલમાં વખતનો કેવો ઉપયોગ કર્યો હતો તે આપણને એ ઉપરથી ખબર પડે છે કે સાબરમતી જેલમાંથી નીકળ્યા ત્યારે નવ રતલ સૂતરનો ઢગલો કાંતી લાવ્યા હતા અને યરવડામાંથી નીકળ્યા ત્યારે આઠ રતલ સૂતર કાંતી લાવ્યા હતા. જેલમાંથી તેઓ બહારની લડતની. લડતમાં પડેલાં ભાઈબહેનોની, પોતાનાં માતુશ્રીની કેવી ચિંતા રાખતા અને મણિબહેનને વખતોવખત કેવી શિખામણ આપતા તે તેમણે મણિબહેન ઉપર લખેલા નીચેના કાગળોમાંથી જણાઈ આવે છે. યરવડા જેલમાંથી તા. ૮-૯-’૩૦ના રોજ લખેલા કાગળમાં તેઓ મણિબહેનને લખે છે :

“તબિયત સંભાળીને ખૂબ કામ કરજે. ખેડા જિલ્લામાં રખડવાનુ રાખજે અને લોકોને હિંમત આપ્યાં કરજે. કોઈને ગભરાવા ન દેવા. માવળંકરને બને તો એક દિવસ મળી આવજે. તેમને મળવા જવાનો દિવસ હોય તેની તપાસ કરી તે દિવસે જવું, એટલે તેમનાં સગાંવહાલાંના દિવસમાં અંતરાય ન આવે. ગયા કાગળમાં ઠીક હકીકત લખી હતી, એમ દર અઠવાડિયે અગર દસબાર દિવસને અંતરે ખબર લખ્યાં કરજે.

“કાશીકાકા ગયા એ પણ ઠીક થયું, થોડો અનુભવ થશે એ પણ સારું જ છે. અને વળી ફરી વખત મળે તો મળી આવજે. એમને કંઈ પૈસાની જરૂર હોય તો કૃષ્ણલાલને મળી મારા ખાનગી ખાતામાંથી મંગાવી આપી શકાય.

“છગનલાલ જોષી ભલે બહાર ફરતા. બહાર ફરનારનું પણ કામ છે. વખત આવ્યે સૌ ઠેકાણે પડશે. સૌની સાથે મીઠાશથી કામ લેવાનો પ્રયત્ન કરો. કોઈ ને બનતાં સુધી માઠું ન લાગે એમ કરવું. આ યજ્ઞમાં સૌ કોઈ વહેલામોડા મને કે કમને પડ્યા વગર રહેવાના નથી. ઉતાવળ કે અધીરાઈથી કામ ન થાય. માટે કોઈને દુ:ખ ન લાગે તેવી રીતે સમજાવી કામ લેવું. તું હાલ ક્યાં રહે છે તે ખબર લખી નથી. હું માની લઉં છું કે દાદુભાઈને ત્યાં જ રહેવાનું રાખ્યું હશે.

લિ.
બાપુના આશીર્વાદ”
 

તા. ૩–૧૦-૩૦ના રોજ લખે છે :

“તમારો ખેડા જેલમાંથી લખેલે કાગળ મળ્યો હતો. ત્યાર પછી સાબરમતીથી કંઈ લખશો એમ માની રાહ જોતો હતો. પરંતુ તમને તો મહિનામાં એક જ કાગળ લખવાની છૂટ હોવાથી વખતે નહીં લખી શકાય એમ હશે. એટલે તમારી ખબર તો ચિ. ડાહ્યાભાઈ મળવા આવ્યા ત્યારે સૌ. નંદુબહેનનો કાગળ હતો તે ઉપરથી પડી. સાબરમતી ગયા પછી તમને તાવ આવેલો એમ તેમના કાગળ ઉપરથી જાણ્યું. હવે આરામ થઈ ગયો હશે. ત્યાં આ ઋતુમાં મલેરિયા હંમેશાં થાય છે. એટલે જરા સંભાળ રાખવી જોઈએ. પેટ સાફ આવે તે માટે ડૉક્ટર પાસેથી કંઈ દવા નિયમસર લેવી. એટલે કંઈ અડચણ નહીં આવે. સોબત તો કોઈ ને કોઈ મળી રહેતી હશે. સવિતાબહેન એક મહિના માટે ત્યાં આવ્યાં છે. ખેડાવાળા કોઈ ને કોઈ મોકલ્યાં જ કરશે એટલે સોબત મળી રહેશે.

“હિંદી અને મરાઠી તાજું કરી શકાય તો સારું. પણ તમારી પાસે તો કામ લેવામાં આવતું હશે એટલે પૂરતો વખત મળે કે નહીં એ ખબર નથી. કામમાં વખત જાય એ એક રીતે સારું જ છે. અહીં આવ્યા પછી તમે પૂણી મોકલાવી એટલે મેં તો પાછું ચાર શેર સૂતર ખેંચી કાઢ્યું છે. અહીંથી છૂટ્યા પછી કામમાં પડતા પહેલાં અમદાવાદ આવી એક વખત તમને મળી જઈશ. હવે એક મહિનો બાકી છે. . . . મહાદેવ તો મારા પહેલાં છુટ્યા હશે. છૂટીને તરત કામમાં પડતા પહેલાં મને મળી જાય તો ઠીક. ચિ. ડાહ્યાભાઈ આવતા અઠવાડિયામાં મળવા આવશે ત્યારે એમની જોડે ખબર મોકલાવીશ.

“તબિયત બરાબર સંભાળજો. બાપુની ગીતા અને આશ્રમભજનાવલિ સાથે હશે. તેને ઉપયોગ બરાબર કરજો. જેલના નિયમ બરાબર પાળવા. જેલર અને સુપરિન્ટેન્ડેન્ટને પણ આપણા વર્તનથી જીતી લેવાનો પ્રયત્ન કરવો.

“મારી તબિયત સારી છે. સાબરમતીમાં જેટલું વજન ગુમાવ્યું હતું તેટલું પાછું મેળવી બહાર નીકળવાની ઉમેદ છે. બાપુના ઉપર કાગળ લખવો હોય તો મને જુદો લખવાની જરૂર નથી. એમને જ લખવો. શિયાળામાં ટાઢ પડશે. તે વખતે કપડાં ઓઢવા માટે જોઈએ તો નંદુબહેનને ખબર આપજો. બાકી તો જેલમાંથી કામળા મળશે. એનો ઉપયોગ કરવો એ જ સારું.

“ચિ. ડાહ્યાભાઈ આવતા અઠવાડિયામાં શુક્રવારે કે શનિવારે આવવાનો છે. બિચારો એકલો બહાર રહ્યો છે એટલે મૂંઝાય છે. નોકરી છોડવાનો વિચાર કરી રહ્યો છે. મેં તો એને જેમ કરવું હોય તેમ કરવાની રજા આપેલી છે.

“જેલ કમિટીમાંથી વખતે કોઈ મળવા આવે તો તેમની સાથે પણ ઠીક સભ્યતાથી વાત કરવી. મિ. ડેવિસ વખતે તપાસ કરે તો કંઈ અડચણ હોય તો તેમને ખબર આપજો. બાકી તો જેલમાંથી બીજું શું લખવાનું હોય ? અને બીજું શું લખી શકાય ? એકબીજાની તબિયતના સમાચાર મળી શકે એટલે બસ. તમારી સાથે બીજી બહેનો હોય તેમની મહોબત કરજો, અને તેમને ખૂબ ધીરજ અને હિંમત આપજો.

લિ.
બાપુના આશીર્વાદ”
 

તા. ૧૩-૧૦-’૩૦ ના કાગળમાં લખે છે :

“તમારો તા. ૭-૧૦-’૩૦નો કાગળ મળ્યો છે. તાવ મટ્યો અને તબિયત સારી રહે છે જાણી આનંદ થયો. ચિ. ડાહ્યાભાઈ પાછા ગયા શુક્રવારે મળી ગયા. આ વખતે રામદાસ અને મીરાબહેન પણ આવેલાં હતાં. તેમની પાસેથી તમારા સમાચાર મળ્યા હતા. એક રીતે તો તમને ત્યાં જ રાખેલાં છે એ ઠીક થયું છે. બીજાં બધાંને સગવડ થઈ પડશે.

“ખુરશેદબહેનની તબિયત નાજુક છે અને વળી સગવડ કંઈ જ નથી એટલે અડચણ તો પડશે. પણ એ તો નિભાવી લેશે. જેટલી સગવડ કરી આપી શકાય એટલી કરી આપીએ એટલે બસ. એમને અ વર્ગ માં મૂકેલાં છે. એટલે નિયમ પ્રમાણે કમોડ મળવું જોઈએ છતાં કેમ નથી મેળવી શક્યાં એ હું સમજી શકતો નથી. મને લાગે છે કે એમને અ વર્ગ ના નિયમોની માહિતી પણ ન હોય.

“મહાદેવભાઈને તો રામદાસ સાથે સંદેશો કહેવડાવી દીધો છે. એટલે હવે તમારે કંઈ ચિંતા ન કરવી. મારે પણ હવે ફક્ત ત્રણ અઠવાડિયાં જ બાકી રહ્યાં છે. તે પછી એક વખત અમદાવાદ આવી મળી જવા પ્રયત્ન કરીશ. તે વખતે વળી શી સ્થિતિ હશે તેની આજથી શી ખબર પડે ?

“મેજર સાહેબ બહુ ભલા છે. એટલે એમનાથી બનશે એટલી સગવડ આપશે. પણ એ ધારે તેટલું કરી શકે તેમ નથી. એટલે આપણે તો જેટલું વેઠવાનું આવી પડે તેટલુ વેઠવું. બંગડીને માટે લડવું પડે એ નવાઈની વાત છે. *[૧] છતાં તમે બધાં ત્યાં જે ઠીક લાગે તે કરજો. બાકી એ વિષય એવો છે કે સરકાર એમાં લડવા વખત ન આવવા દે.

“સૌ બહેનોની સંભાળ રાખજો. અને સૌને બહાદુર બનાવી બહાર મોકલજો.

“વાંચવાનો વખત ન મળે તેની કશી ચિંતા કરવાનું કારણ નથી. કાંતવાને માટે પણ વખત મળે તો જ કાંતજો. ત્યાંનાં બીજાં કામમાં જેટલો વખત આપવો પડે તેટલો વખત આપવો.

“મારી પાસે તો પૂણી ખૂબ આવી પડેલી છે અને કાંતવાનું પણ ખૂબ ચાલી રહેલું છે. રોજ બે હજાર વાર કાંતવાનું રાખ્યું છે. હવે પૂણીની જરૂર નથી. વખત પણ હવે થોડો જ રહ્યો છે. વળી બધા આશ્રમો અને સમિતિઓ ઉપર ધાડ આવી છે. એટલે કોઈને પૂણીના કામ માટે રોકવા એ પણ પાપ કરવા જેવું છે. મને તો બાપુ પણ પૂણી મોકલી આપતા હતા. પણ એમને કાંતવું રહ્યું તે માટે જોઈએ, તે ઉપરાંત મારે માટે પીંજવાનું કામ કરતા હતા. એટલે મેં ના પાડી.

“મારી તબિયત સરસ છે. સાબરમતીમાં જેટલું વજન ગુમાવ્યું હતું તેટલું પાછું મેળવી લીધું છે. અહીં તો અ વર્ગનો ખોરાક જ લેવાનું રાખ્યું

છે. બીજા બધાની સાથે રહેવામાં એ જ રીતે સગવડ આવે તેમ હતી. જેરામદાસ અને ચંદુભાઈ મજામાં છે. એમણે તમને આશીર્વાદ મોકલ્યા છે. મથુરાદાસ અહીં નથી. દિલ્હીથી અહીંં આવ્યા જ નથી. એમને પરભાર્યા બેલગામ જેલમાં લઈ ગયેલા છે. ભાઈ જમનાદાસ દ્વારકાદાસ અહી અમારી સાથે હતા. તેઓ આજે સવારે છૂટી મુંબઈ ગયા છે.
“ ચિ. ડાહ્યાભાઈ બહુ મૂંઝાચાં કરે છે. નોકરી છોડી દેવાની વાત કરતો હતો. મેં તો એને જેમ ઇચ્છામાં આવે તેમ કરવાની રજા આપી છે. પણ એને ઉપાધિ વળગેલી છે એટલે શું કરી શકશે તે સમજી શકતો નથી.
“ખુરશેદબહેન ને સવિતાબહેનને, તથા બીજી સૌ બહેનોને મારા આશીર્વાદ કહેજે.
લિ.
બાપુના આશીર્વાદ”
 


બીજી વાર જેલમાંથી બહાર આવ્યા ત્યાર પછી સરદાર ઉપર ભાષણબંધીનો હુકમ કાઢવામાં આવ્યો. પણ લડતમાં પડેલા અને હિજરત કરી ગયેલા ખેડૂતોને મળ્યા વિના તેઓ તરત જેલમાં જવા ઇચ્છતા નહોતા. જો કે સરકાર એમને બહાર રહેવા દે એમ નહોતી. સરદારે જ્યારે પોતાને પકડવાનું એકે સીધું બહાનું ન આપ્યું ત્યારે મુંબઈમાં ખાદી ભંડાર ખુલ્લો મૂકતાં તેમણે કરેલું ભાષણ પોલીસે શોધી કાઢ્યું અને ડિસેમ્બરના બીજા અવાડિયામાં તેમને ફરી પકડ્યા. તેમના ઉપર મુકદ્દમો ચાલ્યો, તેમાં મુંબઈના ભાષણ ઉપરાંત તેમના બીજા ગુના એ બતાવવામાં આવ્યા કે તેમણે મુનશીને કાગળ લખ્યો કે આપણે લડતને મોખરે રહેવું જોઈએ, ડૉક્ટર કાનૂગાને બંગલે થોડા ખેડૂતો સરદારને મળવા આવ્યા, ભાઈલાલ સારાભાઈ ને ત્યાં ત્રીસ ચાળીસ ખેડૂત જેવા લોકો ભેગા થયેલા ત્યાં સરદાર અને મહાદેવ દેસાઈ ગયા હતા, સત્યાગ્રહ આશ્રમમાં કેટલાક ખેડૂતો સરદારને મળવા આવ્યા હતા, કેટલાક વિદેશી વસ્ત્રના વેપારીઓ કાનૂગાને બંગલે સરદારને મળવા ગયા હતા અને માણેકચોકમાં સ્વયંસેવકો વિદેશી કાપડની દુકાનો સામે ચોકી કરતા હતા ત્યાં થઈને સરદાર પસાર થયા હતા ! આ બધા તેમના ગુના માટે તેમને નવ માસની સજા કરવામાં આવી.

આ વખતે લોકો ઉપર કેટલો ઘાતકી જુલમ ચાલી રહ્યો હતો તેનું વર્ણન વિખ્યાત પત્રકાર મિ. બ્રેલ્સફર્ડ જેઓ આખા હિંદુસ્તાનમાં ફર્યા હતા તેમણે તા. ૧૨-૧-’૩૧ના ‘મૅંચેસ્ટર ગાર્ડિયન’ માં કર્યું છે. તેમાંથી ગુજરાતને લગતું વર્ણન અહીં ઉતારીશું.

“ગુજરાતનાં ગામડાંમાં પોલીસે ગુજારેલા ઘાતકીપણાનો મારી પાસે પુષ્કળ પુરાવો છે. હું આ ગામડાંમાં પાંચ દિવસ રહ્યો છું. કાયદા મુજબની સખ્તાઈ તો ત્યાં પૂરતી કડક હતી જ. બારડોલી અને બોરસદ તાલુકામાં લગભગ દરેક
ખેડૂત મહેસૂલ આપવાની ના પાડતો હતો. અનેક હેતુથી પ્રેરાઈને તે એમ કરતો હતો. ગાંધી પ્રત્યેની ભક્તિ, સ્વરાજની તમન્ના, અનાજના ભાવ બેસી જવાને લીધે વેઠવી પડતી આર્થિક મુશ્કેલી, એમ ઘણાં કારણો મહેસૂલ ન ભરવા માટે ભેળાં થયાં હતાં. આના જવાબમાં સરકારે ખેતરનો ઊભા પાક જપ્ત કરવા માંડ્યો, ભેંસો જપ્ત કરીને હરાજ કરવા માંડી, કૂવા ઉપરનાં એન્જિન અને પંપ ઉખેડી લઈ જવા માંડ્યાં. અને આ બધું નહીંં જેવી કિંમતે વેચી નાખવામાં આવતું. ખેડૂતને ચાળીસેક રૂપિયા મહેસૂલના ભરવાના હોય તે બદલ તે પોતાનું સર્વસ્વ ગુમાવી બેસતો. વળી અમલદારોએ એક તદબીર એવી કાઢી હતી કે મહેસૂલનો હપ્તો ત્રણ મહિના અગાઉ લેવાનું ઠરાવ્યું હતું. પરિણામ એ આવતું કે ૧૯૩૦ના બંને હપ્તા જેમણે ઑકટોબર સુધીમાં ભરી દીધા હોય તેમને ૧૯૩૧ના હપ્તા જાન્યુઆરીમાં ભરવાના આવતા. આ બધુ કાયદા મુજબ થતું હશે, પણ તેથી વેઠવી પડતી હાડમારી માણસને ગાંડો કરી મૂકે એવી હતી. અને આ બધાને માથે લોકોને પેાલીસનો બેહદ ત્રાસ વેઠવો પડતો. બંદુક અને લાઠીઓ લઈને પોલીસ આ ગામડાંમાં ફરતી અને જે મળે તે ખેડૂતને લાઠી અને બંદૂકના કુંદાનો સ્વાદ ચખાડતી. આવા જુલમનો ભાગ થઈ પડેલા માણસોનાં પિસ્તાળીસ નિવેદનો મેં લીધાં છે અને બે સિવાય બાકીના કેસોમાં તો તેમને પડેલા સોળ અને થયેલા ઘા મેં નજરે જોયા છે. એક છોકરીએ શરમને લીધે મને ઘા ન બતાવ્યા. આમાંના કેટલાક કેસો તો ગંભીર ગણી શકાય. એક માણસનો હાથ ભાંગી ગયેલો હતો, એક માણસનો અંગૂઠો કપાઈ ગયેલો હતો. જ્યારે બીજાઓને આખે શરીરે મારનાં ચાઠાં હતાં. કેટલાક કેસો દુરની હૉસ્પિટલમાં હોવાથી હું જોઈ નહી શકેલો. આમાં હેતુ ગમે તેમ કરીને મહેસૂલ ઓકાવવાનો હતો. માર મારવામાં આવે અને ભેંસ પકડવામાં આવે એટલે હપ્તાની મુદત ન થઈ હોય તોપણ મહેસૂલ ભરાવી દઈ શકાતું. મેં તો એવા કેસ પણ જોયા છે કે ખાતેદાર ન હોય એવા માણસને પણ મારીઝૂડીને તેની પાસેથી તેના પડોશીનું મહેસૂલ વસૂલ કરવામાં આવેલું. ઘણા કેસોમાં તો લડતમાં જોડાનાર ગામને કેવળ ત્રાસ ઉપજાવવાનો જ હેતુ હતો, કારણ ત્યાં મહેસૂલ વસૂલ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો નહોતો. આ એક પ્રકાર તો પોલીસને માટે ગમત ઠઠ્ઠો થઈ પડ્યો હતો. માણસને પૂછે : “ કેમ, તારે સ્વરાજ જોઈએ છે ને ? લે ત્યારે.’ એમ કહીને બેચાર લાઠીના ફટકા લગાવી દેવામાં આવે. આમાં વધારે ભૂડું તો એ હતું કે પોલીસના તેમ જ રેવન્યુ ખાતાના અમલદારો ખેડા જિલ્લામાં પાટીદાર લોકોની સામે બારૈયા લોકોને ઉશ્કેરી કોમી ઝેર ફેલાવતા. પાટીદારોને મારવાને, તેમનું દેવું હોય તો ન આપવાને, અને તેમનાં ઘર સળગાવી દેવાને બારૈયાઓને ઉશ્કેરવામાં આવતા. રશિયામાં કૉમ્યુનિસ્ટ અમલદારો ગામડામાં વર્ગવિગ્રહ જગાવવાને માટે જે જાતના ઉપાયો લેતા તેના કરતાં આ ઊતરે એવા નહોતા.



“બોરસદમાં કાચા કેદીઓને રાખવાની મેં એક જગા જોઈ. જાનવરને રાખવાના ખુલ્લા પાંજરા જેવી જ હતી. ત્રીસ ચોરસ ફૂટ જેવડા એ પાંજરામાં
અઢાર કેદીઓને રાખેલા હતા. આ પાંજરામાંથી તેમને દિવસમાં એક વાર અર્ધા પોણા કલાક માટે મોં ધોવા અને જાજરૂ જવા માટે કાઢવામાં આવતા.”

દરમ્યાન તા. ૧ર-૧૧-’૩૦ના રોજ લંડનમાં ગોળમેજી પરિષદ બાદશાહી ઠાઠ સાથે મળી. કૉંગ્રેસની ગેરહાજરીમાં એ પરિષદમાં કશી વાસ્તવિક્તા તો નહોતી જ, છતાં બ્રિટિશ મુત્સદ્દીઓએ બધો ડોળ સારો ભજવ્યો. તા. ૧૯-૧-’૩૧ના રોજ બ્રિટિશ વડા પ્રધાને હિંદના રાજ્ય-બંધારણ વિષે બ્રિટિશ સરકારની નીતિ અને ઈરાદા જાહેર કર્યા અને પરિષદ મુલતવી રાખી. પોતાના ભાષણમાં તેણે છેવટે ઉમેર્યું : “દરમ્યાન જેઓ અત્યારે સવિનય ભંગની લડતમાં જોડાયા છે તેઓ વાઈરૉયે કરેલી અપીલને અનુકૂળ થશે તો તેમની સેવાઓ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવશે.” આ ઉપરથી તા. ૨૧-૧-’૩૧ના રોજ અલ્લાહાબાદ સ્વરાજ ભવનમાં કૉંગ્રેસની કારોબારીએ મળીને ઠરાવ કર્યો કે ગોળમેજી પરિષદમાં થયેલા કામકાજને કૉંગ્રેસ જરા પણ માન્યતા આપતી નથી અને ઇંગ્લંડના વડા પ્રધાન મિ. રામ્સે મૅકડોનલ્ડે બ્રિટિશ સરકારની જે નીતિ જાહેર કરી છે એના ઉપર પુખ્ત વિચાર કરીને ઠરાવે છે કે એ નીતિ એટલી ગોળગોળ છે કે તેથી કૉંગ્રેસને કશો સંતોષ થાય એમ નથી.

એટલામાં લંડનથી શ્રી શાસ્ત્રી, સપ્રુ તથા જયકરનો પં. મોતીલાલજી ઉપર તાર આવ્યો કે અમે જ્યાં સુધી હિંદુસ્તાનમાં આવીને તમારી સાથે મસલત કરીએ નહીં ત્યાં સુધી બ્રિટિશ વડા પ્રધાનના ભાષણ ઉપર કશો ઠરાવ ન કરવાની કૉંગ્રેસને અમારી વિનંતી છે. તે ઉપરથી મોતીલાલજીએ બધા સભ્યોને સૂચના આપી કે આ ઠરાવની હકીકત બહાર કોઈ જાણે નહીં અને ઠરાવ છાપાંમાં આવે નહીં એની સૌએ કાળજી રાખવી. છતાં ઠરાવ તો છાપાંમાં પહોંચી ગયો. ગોળમેજી પરિષદ મુલતવી રાખતી વખતે બ્રિટિશ મુત્સદ્દીઓની એવી ઇચ્છા હોવી જોઈએ કે કૉંગ્રેસને ગોળમેજીમાં લાવવાનો હજી એક પ્રયત્ન કરી જોવો. તે ઉપરથી વાઇસરૉયે તા. ર૫-૧-’૩૧ના રોજ જાહેરનામું બહાર પાડીને ગાંધીજીને અને કૉગ્રેસ કારોબારીના તમામ સભ્યોને બિનશરતે છોડી મૂક્યા, જેથી તેઓ અંદર અંદર મસલત કરી શકે. લડત દરમિયાન જેઓને કૉંગ્રેસ કારોબારીના સભ્યો બનાવવામાં આવ્યા હતા તેમને પણ છૂટા કરવામાં આવ્યા. આ જાહેરનામાને પરિણામે કુલ છવ્વીસ માણસોને છોડવામાં આવ્યા. છૂટનારા સભ્યોમાં સરદાર પણ હતા.

કારોબારીના સભ્યોના છૂટવાથી લડતનું એક નવું પ્રકરણ શરૂ થાય છે.

  1. *સાબરમતી જેલમાં બહેનોની કાચની બંગડી પણ ઉતારી લેતા અને કહેતા કે તમારે પહેરવી હોય તો સૂતરની બનાવીને પહેરો. આની સામે ત્યાંની બહેનોએ વિરોધ ઉઠાવેલ. પત્રવ્યવહારથી જ એ પ્રકરણ પતી ગયું હતું અને બહેનોને બંગડી પહેરવાની છૂટ મળી હતી.