સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/સાબરમતી જેલમાં

← રાસ ગામે સરદારની ધરપકડ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
સાબરમતી જેલમાં
નરહરિ પરીખ
સબરસ સંગ્રામ →




સાબરમતી જેલમાં

સરદારને પોતાની ડાયરી લખતા કલ્પવા એ બહુ મુશ્કેલ છે. આખા જન્મારામાં ભાગ્યે જ કોઈ વાર તેમણે ડાયરી લખી હશે. પણ સાબરમતી જેલમાં એકલા જ હતા, એટલે તેમને આ વિચાર સૂઝ્યો. તા. ૭-૩-’૩૦ થી તા. ૨૨-૪-’૩૦ સુધીની ડાયરી તેમણે પોતાને હાથે લખેલી છે. તેમાં સાબરમતી જેલમાં બનેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓનું વર્ણન પણ આવી જાય છે. વળી સરદારના ભક્તિપૂર્ણ હૃદયની, ગુજરાત વિષેની અગાધ મમતાની, બાપુજી પ્રત્યેના ભાવની આપણને તેમાં ઝાંખી થાય છે. એટલે આ પ્રકરણમાં તે આખી આપી છે.

તા. ૭-૩-’૩૦ શુક્રવાર : રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ ‘સાબરમતીમાં, બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બિલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જેલમાં કોરન્ટાઈન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.
તા. ૮-૩-’૩૦ શનિવાર : સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂંડું મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વોર્ડર, પોલીસ ફરતા જ હોય. એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા. જલાલપુરના ત્રણે નવા આવેલા ત્યાં જ હતા. જૂના ખડતૂસો તો તરત જ કહેવા લાગ્યા કે તમને અહીં રાખશે જ નહીં. એમની એ વાત સાચી પડી. નવ વાગ્યે વૉર્ડરે મારે માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂંડી મુકાવી. બીજો બધા કામ પતાવી આવેલા, એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો. એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. તેમણે કંઈ જોઈએ છીએ, એમ ખબર પૂછી. તેમને કહ્યું કે મહેરબાનીથી કંઈ જ ન જોઈએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું. ખરી રીતે બધા કેદીને જે મળે તે મને મળે એમ હતું. ખાસ કંઈ સગવડ આપવાની રૂલમાં છૂટ નથી, એમ જાણી લીધું. પછી યુરોપિયન કેદીમાં અને હિંદી કેદીમાં કંઈ ફરક રાખવામાં આવે છે કે કેમ, તે પૂછતાં કંઈ ભેદ નથી એમ કહેવામાં આવ્યું. પરંતુ અંગ્રેજી રીતે રહેવાની આદત હોય તેવા

હિંદીને માટે પણ અંગ્રેજ જેવી કંઈ સગવડ તો નહીં જ આપવામાં આવતી હોય, એમ પૂછતાં કંઈ બરાબર જવાબ મળ્યો નહીં. મેં જેલ મેન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાને વિચાર કરવો રહ્યો, ચોપડીઓમાં મને ભગવદ્ ગીતા અને તુલસીરામાયણ આપવામાં આવ્યાં. એટલે બધી જ સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે. પછી દસ વાગ્યે દાક્તર પાસે લઈ ગયા. નાના નાના બે છોકરા દાક્તર હતા. કેદીઓ તો તેમને ઉપાડીને નાસી જાય, એવા દૂબળા છોકરાઓ ચૌદસો કેદીઓની દવાની સગવડ કરતા હતા. વજન ૧૪૬ રતલ થયું. ઊંચાઈ ૫- /” માપી. પછી રજા આપવામાં આવી. પાછાં ફરતાં મને બીજી બૅરેકમાં લઈ ગયા. બહાર તો જુવેનાઈલ હેબીચ્યુલ નંબર ૧૨ એવું નામ આપેલું હતું. પરંતુ અંદર તો પાંચ બુઢ્ઢા કેદીઓ હતા અને એક આધેડ વયને ભંગી કેદી હતો. પાંચમાં એક બોદાલનો ચમાર, બીજો કટોસણનો બારૈયો, ત્રીજો ઉત્તર હિંદુસ્તાનનો રખડતો સાધુ ડાકોરથી પકડી આણેલો, ચોથો ઉત્તર હિંદુસ્તાનનો ભૈયો મુંબઈથી પકડાયલો, પાંચમો ઉત્તર હિંદુસ્તાનનો બુઢ્ઢો મુસલમાન. તેમાં મને મૂક્યો. બોદાલના ચમાર ડોસાને ૩૨૩માં સજા થયેલી, અને તેના છોકરાને ખૂનના આરોપ માટે દસ વર્ષની સજા થયેલી, કટોસણવાળાને વીરમગામ તાલુકામાં ચોરીના કામમાં સજા થયેલી. ત્રીજો ખૂનના કામમાં, ચોથો સારી ચાલના જામીનમાં અને પાંચમો તો લૂંટ, ધાડ, ખૂન વગેરે ૫૬ ગુના માટે એક દોઢસોની ટોળી પકડાયેલી તેમાં દસ વર્ષ માટે આવેલો હતા. તેણે પાંચ વર્ષ તો ભરી દીધેલાં. આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના કામમાં સજા ખાઈને આવેલા હતા. એક તો અમદાવાદમાં તેલિયા મિલ પાસે પોલીસને છરી મારવા માટે, પાંચ વર્ષની સજા ખાઈ, બીજી વખત જેલમાં આવેલો. નાનપણથી જ જેલમાં ઘર કરી રહેલો. અને બીજો પણ પાંચ વર્ષથી રહેલો. આ બધા ઉપર એક લાલખાં નામનો મુસલમાન સિપાઈ રાખવામાં આવેલો. અહીં મને લાવી મૂકવામાં આવ્યો. કેદી બિચારા મારી સારવાર કરવા પ્રયત્ન કરે. વૉર્ડરને કેદી કરતાં ખાવામાં કંઈ ફેરકાર છે. તેમને ઘઉંના રોટલા મળે અને કેદીને જુવારના. એટલે મારા જુવારના રોટલા જોઈ તેઓ મૂંઝાયા. સવારમાં જુવારના લોટની મીઠું નાખેલી કાંજી આપવામાં આવે. તે તો લેવાની જ ના પાડી. બપોરે એટલે સવારે દસ વાગ્યે અને સાંજે ચાર વાગ્યે એમ બે ટાણાં, એક એક રોટલો, ભાજી અગર દાળ ખાવા માંડ્યું. કેદીઓની સાથે જ ચલાવ્યું. સૌને બે બે રોટલા વજન કરેલા અને માપથી દાળ અગર ભાજી વારાફરતી મળતાં. આપણે તો એક રોટલો જ લેવાનો રાખ્યો. બહાર ચારપાંચ વખત પાયખાને જવું પડતું. ચા, સિગરેટ વગેરે લાલચ અને ખુશામત કરતાં પણ પેટનું ઠેકાણું પડતું નહીં. અહીં તો ખુશામત જ છોડી. અને રોજ એક વખત જ જવું એમ રાખ્યું. એટલે આખરે ત્રણ દિવસે ઠેકાણું પડ્યું. ત્રણ દિવસ તો પડી જ રહ્યા. રાતદિવસ આળોટવું અને ફરવું એટલું જ રાખ્યું. બરાકમાં ફરવાની જગ્યા સુંદર હતી. ત્રણ લીમડાનાં ઝાડ અને આશ્રમ જેવી સ્વચ્છતા. પાયખાનું સાફ, મારે માટે કેદીઓ અલગ જ રાખતા. પાણીનો નળ એટલે નાહવાની સરસ સગવડ, પણ ખુલ્લામાં એટલું જ, અપીલ કરવાનું પૂછતાં ના પાડી. મને જુવારનો રોટલો ખાતો જોઈને એક વૉર્ડર રોવા જેવો થઈ ગયો. પોતાનો ઘઉંનો રોટલો મારા સાથે બદલવા બહુ આગ્રહ કર્યો. પણ રૂલ વિરુદ્ધ કંઈ કરવાની મેં ના પાડી. એ ભલા વૉર્ડરનો મેં આભાર માન્યો.

તા. ૯-૩-’૩૦ રવિવાર: આખો દિવસ ઊંઘવામાં જે કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ સાડા પાંચ વાગ્યે પૂરે. સવારમાં સાડા છ વાગ્યે બહાર કાઢે. રવિવારે કપડાં ધોવા માટે ગરમ પાણી અને ખારો આપવામાં આવે છે. કેદીઓએ તેમાંથી નાહવાનું ગરમ પાણી મને કાઢી આપ્યું. એટલે એ દિવસે નાહ્યો. દસ વાગ્યા પછી રોટલા ખાઈ સૂતા. બપોરના ત્રણ વાગ્યે બે રોટલા, થોડું તેલ તથા ગોળ આપી તે સાથે ઓરડીમાં પૂર્યા. મેં તો તેલ લેવાની જ ના પાડી. એક તો ખાંસી લઈને જ આવેલો, અને કાચું તેલ ખાવાનો કંટાળો. સાંજે રોટલો અને ગોળ પાણીમાં પલાળી ખાઈ લીધાં. દાંત બે બાજુના ગયેલા હોવાથી, પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું.

તા. ૧૦-૩-’૩૦ સોમવાર: બપોરના મહાદેવ અને કૃપાલાની મળવા આવ્યા. ઑફિસમાં મુલાકાત થઈ. સાહેબ સિંધના છે. ગુજરાતી આવડે નહીં અને અમારે અંગ્રેજી બોલવું નહીં. એટલે જરા ચડભડાટ થયો. છેવટે ચલાવ્યે રાખ્યું. ખેડા કલેક્ટરે જજમેન્ટની નકલ ન આપી એટલે મેં માગણી કરવા કબૂલ કર્યું, પૂછતાં ખબર આપી કે સામાન્ય કેદી તરીકે રાખવામાં આવે છે. મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી. કારણ કે માથેથી બોજો અને ચિંતા જતાં જ રહેલાં. અને આરામનો તો પાર જ નહીંં. ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં. એટલે એ મુશ્કેલી નહોતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માંગણી કરતાં, ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી. એટલે લખવાનું માંડી વાળ્યું. કેસની બધી હકીકત મહાદેવે જાણી લીધી. તેમને પૂરી ખબર મળી નહોતી. જેલના રેંટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું.

તા. ૧૧-૩-’૩૦ મંગળવાર : સ૨કારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. માત્ર એક જ દુ:ખ છે. તે કહેવાની જરૂર નથી. સુપરિન્ટેન્ડેટના આગ્રહથી કહ્યું કે, જેમ હિંદુસ્તાનનું રાજ્ય આપણા જ લોકોથી ચાલે છે, તેમ આખી જેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું ?

ત્રણેક વાગ્યે કલેક્ટર અને ડી. એસ. પી. મળવા આવ્યા. તેમણે મારે જે સગવડ જોઈએ તે કહેવાનું કહ્યું, મારે કંઈ જ નથી જોઈતું એમ મેં જવાબ આપ્યો. અને ખેડાના કલેક્ટરની અયોગ્ય વર્તણૂકની વાત કરી. જેલરનો અતિશય આગ્રહ જોઈ, ઘેરથી પથારી તથા થાળી, વાટકો, લોટો મંગાવ્યાં. અંબાલાલ શેઠની મોકલેલી છે ચોપડીઓ મળી. બત્તી રાખવાની રજા મળી એટલે રાતે અગિયાર વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ, તેથી પેલો વૉર્ડ૨ બિચારો ખૂબ રાજી થયો.

તા. ૧૨-૩-’૩૦ બુધવાર: સવારના ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજે છ સાડા છ વાગ્યે બાપુ આશ્રમમાંથી નીકળવાના તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી. સવારે નવ વાગ્યે મિ. જોષી મૅજિસ્ટ્રેટ આવ્યા. રસ્તામાં લોકોની ભારે ભીડ જામેલી તેથી તેમને વાર થઈ. પછી તેમણે બાર-ઍસોસિયેશનનો ઠરાવ થયાની અને તે ઠરાવ મિ. ડેવિસ *[૧] મારફતે હાઈકોર્ટમાં મોકલી આપવાની માગણી કર્યાની વાત કરી. સાંજના સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા તેમને મારા તરફથી મિ. ડેવિસને ખાસ સંદેશો મોકલવા વિનંતી કરી, અને કહેવરાવ્યું કે, એવો ઠરાવ મોક્લવાની કશી જ જરૂર નથી. અને તેમણે મોકલવો ન જોઈએ એવી મારી ઇચ્છા છે. તેઓ ખાસ જઈને ડેવિસને કહીં આવ્યા.

આજથી સવારના એક રોટી અને બે ઔંસ બટર મંગાવ્યાં છે.

તા. ૧૩-૩-’૩૦ ગુરુવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના અને રામાયણ. મિ. ડેવિસ મળવા આવ્યા. ઘેરથી ખાટલો પથારી આવ્યાં. બહાર સૂવાની રજા મળી. બત્તી બહાર મૂકી રાતે વાંચ્યું. અંબાલાલભાઈને ત્યાંથી ડેક ચૅર આવી. જજમેન્ટની નકલ મળી. આજે વળી જેલર કહે કે સરકારનો મને અ વર્ગના કેદી તરીકે રાખવાનો હુકમ આવ્યો છે. એટલે તમે જે સગવડ જોઈએ તે માગજો.

તા. ૧૪-૩-’૩૦ શુક્રવાર: ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના વગેરે. માવળંકરને બોલાવવા કાગળ લખ્યો. રેંટિયો, પૂણી અને લખવાનો સામાન આવ્યો.

આજે હોળીનો તહેવાર હોવાથી કેદીઓને અઢી વાગ્યે કોટડીમાં પૂર્યા અને પોલીસો રજા ઉપર ગયા. ખાવાના રોટલા બે વાગ્યે આપ્યા. તે કોટડીમાં જ ખાવાના.

તા. ૧૫-૩-’૩૦ શનિવાર : આજે સવારે અઢી વાગ્યે ઊઠ્યો. ‘Emma Hamilton’ ચાર વાગ્યા સુધી વાંચીને પૂરી કરી. પછી પ્રાર્થના કરી અને રામાયણ વાંચ્યું. પાંચ વાગ્યે O’Connorનું ‘Memoirs of An Old Parliamentarian Vol. 1’ વાંચવાનું શરૂ કર્યું. સાત વાગ્યા પછી એક કલાક ફર્યો અને પછી નાહવાધોવાનું કરી પરવાર્યો. માવળંકર અને મહાદેવને મળવા ઑફિસમાં લઈ ગયા. બારડોલીથી હિસાબ ઑડિટ થઈ આવેલો તેમાં સહીઓ કરી દીધી. પછી ફેંસલાની નકલ દાદાને આપી. કાયદાની ચર્ચા કરી. કેસના તમામ રેકર્ડની નકલ માગવા, ખેડાના કલેક્ટરને અરજી કરી. આવીને જમ્યો. પછી રેંટિયો ચલાવ્યો. આજે ધુળેટી હોવાથી બે વાગ્યાથી જેલના નોકરોને રજા આપવાની એટલે કેદીઓને બે વાગ્યાથી કોટડીમાં પૂરી દીધા. રાતના દસ વાગ્યા સુધી વાંચ્યું.

તા. ૧૬-૩-’૩૦ રવિવાર: સવારે ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, કસરત, વાંચવાનું. છ વાગ્યે દાતણ પાણી. એક કલાક ફર્યો. નાહીધોઈ ગીતાપાઠ. પછી વાંચ્યું. દસ વાગ્યે ભોજન. અડધો કલાક સૂતો. પછી બે કલાક રેંટિયો ચલાવ્યો. પછી વાંચ્યું, રવિવાર એટલે બધા કેદીને પાછી અઢી વાગ્યે કોટડીમાં પૂર્યા. આજે સાંજના પાંચ વાગ્યે બેઉ વૉર્ડરને બોલાવી લીધા. અને તેમને બદલે પોલીસને પહેરો મૂક્યો. સાંજના એકલું દૂધ લીધું. રાત્રે દસ વાગ્યે સુતા.

તા. ૧૭–૩-’૩૦ સોમવાર : સવારે ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, કસરત, વાંચવાનું. સાત વાગ્યે દાતણપાણી. પછી રેંટિયો. અગિયાર વાગ્યે ભોજન કર્યું. ડૉક્ટર કાનૂગા, નંદુબહેન અને આનંદી આવ્યાં. જેલ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં તેમની મુલાકાત થઈ. પછી અડધો કલાક સૂતો. પછી રેંટિયો ચલાવ્યો. સાંજના એક કલાક વાંચ્યા પછી ભોજન. રાત્રે દસ વાગ્યે સૂતી વખતે જુલાબ લીધો.

તા. ૧૮-૩-’૩૦ મંગળવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, વાચન, કસરત. છ વાગ્યે દાતણપાણી, નાસ્તો. પછી રેંટિયો. દસ વાગ્યે ભોજન. અગિયાર વાગ્યાથી બે કલાક રેંટિયો. પછી વાંચ્યું. ચાર વાગ્યે પાછું ભોજન. સાંજના એક કલાક ફર્યો. પછી પ્રાર્થના, વાંચવાનું. નવ વાગ્યે સૂઈ ગયો.

તા. ૧૯-૩-’૩૦ બુધવાર: પાંચ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના. નિત્યક્રમ. ખેડાથી નકલો કાલે આવી તે માવળંકરને કાગળ સાથે મોકલાવી. બીજું હંમેશ મુજબ. આજે પેલા ચમારને બીજા વૉર્ડમાં લઈ ગયા.

તા. ૨૦-૩-’૩૦ ગુરુવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, વાચન, કસરત નિત્ય પ્રમાણે. પછી કાંત્યું. બાર વાગ્યે માવળંકર, મહાદેવ, દીવાન માસ્તર તથા મણિબહેન આવ્યાં. કલેક્ટરને ફરી કાગળ લખ્યો. પૂણી થઈ રહી તે મંગાવી. પેલા બાવાને અહીંથી ઇસ્પિતાલમાં લઈ ગયા, એટલે મારા સિવાય ત્રણ કેદી રહ્યા. પણ સાંજે પાંચ વાગ્યે બીજો એક કેદી જેને ૩૦૪ માં એક વર્ષની સજા થયેલી છે, તેને અહીં લાવ્યા.

‘વિશ્વભારતી’ મૅગેઝીન વિદ્યાપીઠમાંથી આવેલું, તે સુપરિન્ટેન્ડેન્ટ પાસે હતું તે મોકલ્યું. ‘પ્રસ્થાન’ તથા ‘મૉડર્ન રિવ્યૂ’ હજી તેની પાસે જ છે. તે આપતો નથી.

તા. ૨૧-૩-’૩૦ શુક્રવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, કસરત, વાચન. દાતણપાણી, નાસ્તામાં એક કલાક. પછી દસ વાગ્યા સુધી રેંટિયો. સાડા દસે ભોજન. તેમાં એક કલાક. પછી પાછા બે વાગ્યા સુધી રેંટિયો. પછી એક કલાક વાચન. પછી આરામ. ભોજન પછી વાંચન. પ્રાર્થના. પછી એક કલાક ફર્યો. દસ વાગ્યા સુધી વાંચ્યું. આવતી કાલે કમિટી આવવાની હોવાથી, બધા કેદીઓની હજામત કરાવી.

તા. ૨૨-૩-’૩૦ શનિવાર : પાંચ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, કસરત, નિત્યક્રમ. આઠથી દસ રેંટિયો. દસ વાગ્યે વજન લેવા ડૉક્ટર આવ્યા. ત્રણ રતલ ઓછું થયું. આજે સવારે ખાવાનું છોડી દીધું. અપચો લાગવાથી મોં આવેલું. ડૉક્ટરે કોગળાની દવા આપી. બપોરના ત્રણ કલાક રેંટિયો. સાંજના ખાવાનું છોડી દીધું.

તા. ૨૪-૩-’૯૦ સોમવાર: સવારે ચાર વાગ્યે ઊઠ્યા. બીજું હંમેશ માફક. બાર વાગ્યે દાદુભાઈ અને મણિબહેન મળવા આવ્યાં. આજે એક વાર ખાધું. સાંજના ફક્ત દૂધ લીધું.

તા. ૨૫-૩-’૩૦ : મંગળવાર. ખેડાના કલેક્ટરનો જવાબ આવ્યો, તેની માવળંકરને ખબર આપી. બીજું બધું દરરોજ પ્રમાણે. જુલાબ લીધો તેથી રાત્રે એક વાગ્યે ઊઠવું પડ્યું,

તા. ૨૬-૩-’૩૦ બુધવાર; મનસુખલાલ મળવા માટે રજા મંગાવે છે. મંગળવારે આવવા લખાવ્યું. બાકી રોજની માફક.

તા. ર૭–૩-’૩૦ ગુરુવાર: ત્રણ વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના વગેરે રોજ માફક. મનસુખલાલનું કેરીનું પાર્સલ આવ્યું. માવળંકર અને બલુભાઈ મળવા આવ્યા. જેલ સુપરિન્ટેન્ડેન્ટ શનિવારે રાત્રે અહીંથી જાય છે, તેથી છેવટના મળવા આવ્યા.

તા. ૨૮-૩-’૩૦ શુક્રવાર : દરરોજ પ્રમાણે.

તા. ૨૯-૩-’૩૦ શનિવાર : સાડાત્રણ વાગ્યે ઊઠ્યો. આજે બારડોલી અને માતર મહેમદાવાદના સરકારી હુકમ લઈ મહાદેવ મળવા આવ્યો. જેલ સુપરિન્ટેન્ડેન્ટને છેલ્લી સલામ. બાકી હંમેશ મુજબ.

તા. ૩૦-૩-’૩૦ રવિવાર: આજે અઢી વાગ્યે ઊઠ્યો. જેલ સુપરિન્ટેન્ડેન્ટ મિ. અડવાણી આજે ગયા. અને નવા મિ. લેકસ્ટન આવ્યા. બીજું હંમેશ મુજબ.

તા. ૩૧-૩-’૩૦ સોમવાર: આજે નવો સુપરિન્ટેન્ડેન્ટ સવારે જેલર સાથે આવીને મળ્યો. અંબાલાલભાઈની છ ચોપડીઓ વાંચી નાખી છે, તે આજે પાછી મોકલી. તેમણે બીજી ત્રણ મોકલી. સૌ. સરલા દેવીએ અથાણું, પાપડ વગેરે મોકલ્યું તે જેલર આપી ગયો. ડૉ. ફોજદાર આવ્યા. મૉ અને જીભ જોઈ દવા આપવાનું કહી ગયા. પછી ફરી આવવા કહ્યું.

તા. ૧-૪-’૩૦ મંગળવાર: ‘મૉડર્ન રિવ્યૂ’ અને ‘પંચ’ વગેરે મૅગેઝીન આપ્યાં. આજે મનસુખલાલ આવવાના હતા તે આવ્યા નહીં. તેમનો કાગળ પણ આવ્યો હોય તેવી ખબર ન મળી. તેથી તપાસ કરી. જેલર માંદો પડી ગયો છે. ડે. જેલર આવ્યો તે ખબર આપી ગયો કે કાગળ પણ નથી. આથી નવાઈ તો લાગી. ડૉક્ટરે કોગળા કરવાની દવા આપી. જુલાબની દવા પણ મોકલી. રાત્રે જુલાબ લીધો.

તા. ૨-૪-’૩૦ બુધવા૨ : જુલાબ સવારે ઠીક થયો. છ વાગ્યા સુધી સૂઈ રહ્યો. ખેરાક કમી કરી નાખ્યો. ખોરાકમાં તો જ્યારથી મરજીમાં આવે તે ખાવાની છૂટ મળી છે ત્યારથી બે ત્રણ દિવસ અખતરા કરી, સાંજના માત્ર દૂધ, ભાત અને બપોરના રોટી, માખણ, ભાત, દહીં, દાળ, શાક ખાવાનું રાખ્યું.

તા. ૩-૪-’૩૦ ગુરૂવાર : આજે ડૉ. ફોજદાર આવ્યા નહીં. ડેવિસ સવારે મળી ગયો. ખૂબ વાતો કરી ગયો. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં જવાનો ખૂબ આગ્રહ કરવા લાગ્યો. પોતે સાથે આવવા ઇચ્છા જણાવી. જેલર હજી માંદો જ છે.

તા. ૪-૪-’૩૦ શુક્રવાર: આજે જેલર નોકરી પર ચડ્યો. સુપરિન્ટેન્ડેન્ટને સાથે લાવ્યો. મનસુખલાલના કાગળની વાત પૂછતાં સુપરિન્ટેન્ડેન્ટ તરત જ બોલ્યો કે કાગળ તે જ દિવસે આવ્યો છે. તમને કહેવાનું ચૂકી ગયો. ડૉ. ફોજદાર આવ્યા. ફળ લેવાની સલાહ આપી ગયા. તે મોકલવા માટે ડૉ. કાનૂગાને કહેવાનું જણાવ્યું.

તા. ૫-૪-’૩૦ શનિવાર: પોણા ચાર વાગ્યે ઊઠ્યો. કાનૂગા તરફથી ફળ આવ્યાં એટલે બીજો ખોરાક કાપી નાખ્યો. તેથી તબિયત ઠીક થઈ.

તા. ૬-૪-’૩૦ રવિવાર: આજે ચાર વાગ્યે ઊઠી રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીની સફળતા વિષે અને ગુજરાતની લાજ ઈશ્વર રાખે તે વિષે ખૂબ પ્રાર્થના કરી. બાકી હંમેશ મુજબ.

રાત્રે નવ વાગ્યે સુપરિન્ટેન્ડેન્ટ, જેલર અને વીરમગામ ડિવિઝનનો આસિસ્ટંટ કલેક્ટર, મણિલાલ કોઠારીને મારા વૉર્ડમાં મૂકી ગયા. મણિલાલ પાસેથી રાતના બાર વાગ્યા સુધી બહારની બધી વાત સાંભળી. પછી સૂઈ ગયા.

તા. ૭-૪-’૩૦ સોમવાર : રાતના મોડે સુધી જાગવાથી આજે સવારે મોડું ઉઠાયું. સાડા પાંચ વાગ્યે ઊઠી પ્રાર્થના કરી, ગીતાપાઠ તથા રામાયણ-કથા. સવારે વાંચવાનું માંડી વાળી દિવસના ભાગમાં જ કરવાનું રાખ્યું. આજે સુપરિન્ટેન્ડેન્ટ પોતાને ત્યાંથી ‘ટાઇમ્સ’ આપી ગયા. સાંજે ખેડાથી દરબારસાહેબ, ગોકળદાસ તલાટી વગેરેને તથા અમદાવાદમાંથી ડૉ. હરિપ્રસાદને જેલમાં લાવ્યાની વાત સાંભળી. દિવસના મણિલાલ પાસેથી બહારની વધુ વિગતો જાણી લીધી.

તા. ૮-૪-’૩૦ મંગળવાર : આજે પાંચ વાગ્યે ઉઠ્યા. પ્રાર્થના પછી નિત્યક્રમ. સાડા દસ વાગ્યે મહાદેવ મળવા આવ્યો. બારડોલી, માતરના સરકારી હુકમની વાતો કરી. દરબારસાહેબ પાસેથી ખેડાના કેટલાકને બે બે વરસની સખત સજા કર્યાની અને ખેડાના કલેક્ટરની ગુંડાશાહીની વાત સાંભળી. ગુજરાતનો જવાબ અતિશય સુંદર હોવાનું અને બાપુ રાજી થયાનું સાંભળ્યું. સુપરિન્ટેન્ડેન્ટ ‘ટાઈમ્સ’ અને બીજી ચોપડીઓ આપી ગયો.

તા. ૯-૪-’૩૦ બુધવાર : ચાર વાગ્યે ઊઠ્યો. પ્રાર્થના, નિત્યક્રમ. કલેક્ટર ટેલર તથા પોલીસ સુપરિટેન્ડેન્ટ ઓ’ગોરમન નવ વાગ્યે આવ્યા. તેમને ખેડા જિલ્લાના કેદીઓ સંબંધી શું કરવા માગે છે તે જણાવવા કહ્યું. પછી તેઓ ત્યાં ગયા. બધા કેદીઓને મારા વૉર્ડમાં લાવ્યા. તેમની પાસેથી કેદીઓના ક્લાસ વિષેની હકીકત સાંભળી. તેનો ટેલર નિકાલ કરવા માગતા હતા. તેને રસ્તો કાઢી આપ્યો. ગમે તેને ગમે તે ક્લાસમાં મૂકે તેવી અમને હરકત નથી. માત્ર અમારી બધાની જેલની અંદરની ટ્રીટમેન્ટ એકસરખી હોવી જોઈએ, એટલે અમને કંઈ જ વાંધો નથી. બધાને ખોરાક એકસરખો. રહેવાનું બધાનું સાથે અને કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય, એમ રાખવામાં આવે, તો પછી સરકારના દફતરમાં ગમે તેને ગમે તે વર્ગમાં મૂકવામાં આવે તેની અમને કંઈ જ અડચણ નથી એમ જણાવ્યું. એ તે પ્રમાણે હુકમ આપી ગયો. એટલે બધા સત્યાગ્રહી કેદીઓ જે એકંદરે એકત્રીસ હતા તેમને મારા વૉર્ડમાં મૂકી ગયા. હું અને મણિલાલ તો હતા જ, એટલે કુલ તેત્રીસ થયા. બધા ભેગા રહે અને એક જ પંગતે જમે એવી ગોઠવણ થઈ. અમારા વૉર્ડમાં માત્ર નવ જણને જ રહેવાની ગોઠવણ હતી એટલે બીજો એક વૉડે જ્યાં સગવડ વધારે હતી, ત્યાં ચોવીસ જણને સાંજના સાડાસાત વાગ્યે પ્રાર્થના પછી સૂવા લઈ જાય અને સવારે નિત્યક્રમથી પરવારી બધા આ વૉર્ડમાં આવી જાય એવી ગોઠવણ કરી. બપોરે અગિયાર વાગ્યે મૃદુલા, ભારતી, નિમુ અને બા મળવા આવ્યાં. રાત્રે એક વાગ્યા સુધી ગોકળદાસ અને ફૂલચંદ પાસેથી મારા પકડાયા પછીની ખેડા જિલ્લાની બધી હકીકત પૂછીને જાણી લીધી.

તા. ૧૦-૪-’૩૦ ગુરુવાર: સવારે છ વાગ્યે ઊઠ્યો. રાત્રે ઉજાગરો થયો હતો. પ્રાર્થના, રેંટિયો. બપોરે રામરાય મળવા આવ્યા. પછી ઑફિસમાં બોલાવી ખોરાક સંબંધી સરકારના હુકમ આવ્યા હતા તે સુપરિન્ટેન્ડેન્ટે બતાવ્યા. તેમાં જે ફેરફાર કરવાનો હતો તે જણાવ્યો. બાર ઔંસ ઘઉંનો લોટ રોટલી માટે મળે છે તે સાથે ધી-તેલ નહીં મળતું હોવાથી માથા દીઠ બે ઔંસ મળવું જોઈએ. અને તે ન મળે તો બે ઔંસ માખણ મળવું જોઈએ, અને તે પણ ન મળે તો ઘઉંનો લોટ કમી કરવો કે જેથી અમારે ખાતે નકામું ખર્ચ ન ચડે એમ કહ્યું. કારણ અમે એટલો બધો લોટ ઘી-તેલ વિના ખાઈ શકીએ નહીં અને લોટ નકામો પડે. અથવા તો સવારમાં જે બ્રેડ આપવામાં આવે છે તે અડધી ઓછી કરી, તેમાંથી જે બચાવ થાય તેનું ઘી-તેલ આપવું એમ જણાવ્યું. તેની એણે ના પાડી. મેં કહ્યું કે દરેક કેદી દીઠ સરકાર શું ખર્ચ કરવા માગે છે તે અમને જણાવો. અને તેમાંથી અમે અમારી વ્યવસ્થા કરી લેશું. પણ અમને અનુકૂળ ન આવે એવી ગોઠવણ કરી, અમારે ખાતે ખર્ચ ચડાવો એ અમે કબૂલ રાખવાના નથી. અમે સામાન્ય કેદીનો જ ખોરાક લઈશું. અમે મોજશોખ કરવા આવ્યા નથી, તેમ અમારે કોઈ ચીજ જોઈએ જ તેમ પણ નથી. પરંતુ હક્કથી જે મળે તે લેવાના છીએ. એટલે એણે કમિશનરને મળી સાંજે ખબર આપવા કહ્યું. સાંજે એણે જેલર સાથે કહેવડાવ્યું કે આવતી કાલથી અમારી માગણી પ્રમાણે કામચલાઉ ગોઠવણ મંજૂર કરી છે, અને સરકારમાં લખ્યું છે. બપોરના ખેડાથી બીજા બે જણ આવ્યા. એક ચાંપાનેરિયા અને બીજા વીરસદના ચતુર્ભુજ. ચતુર્ભુજ માંદા હોવાથી દવાખાનામાં મોકલ્યા. ચાંપાનેરિયાને અમારી સાથે મંગાવી લીધો.

તા. ૧૧–૪–’૩૦ શુક્રવાર: ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના. નિત્યક્રમ. સુરતથી રામદાસ અને બીજો આઠ મળી નવ કેદી આવ્યા. તેમને સાથે રાખવા ગોઠવણ કરી. એકંદ૨ ૪૪ થયા; કમિશનર ગૅરેટ દસ વાગ્યે આવ્યો. તેને સુપરિન્ટેન્ડેન્ટ લઈ આવ્યો હતો. કલેક્ટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે સીધો ઊભો રહે એવી માગણી સુપરિન્ટેન્ડેન્ટ અમારા પાસે કર્યા કરતો હતો. મેં તેની સાફ ના પાડી અને સંભળાવી દીધું કે માનભંગ થાય એવી કોઈ જાતની સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા અગર વિવેકમાં અમે ચૂકવાના નથી. પણ સ્વમાનનો ભંગ કરનારી એવી કોઈ વાતનો અમે સ્વીકાર કરવાના નથી. પછી ખોરાક વિષે વાત કરતાં તેને કહ્યું કે અમારે કંઈ જ સૂચના કરવી નથી. ખરાબમાં ખરાબ વર્તન મળે તેને માટે તૈયાર થઈને અમે આવેલા છીએ. પરંતુ અમારે ખાતે માથા દીઠ કેટલું ખર્ચ સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે તે અમને જણાવવું જોઈએ. અને તે ખર્ચની અંદર અમારે જે જોઈએ તે ગોઠવી લેવાની અમને છૂટ હોવી જોઈએ. તેવી છૂટ આપવાનોને વાંધો હોય તો પણ અમે કબૂલ કરશું. પરંતુ તો પછી જે વસ્તુઓ આપવાની મુકરર કરી હોય તેમાંથી અમારે જેટલી જોઈએ તેટલી જ લઈશું અને તેટલું ખર્ચ અમારે ખાતે પડવું જોઈએ. અમને પ્રતિકૂળ સીધુંસામાન આપવાની ગોઠવણ કરી, અમે વાપરી ન શકીએ તે અમને આપવામાં આવે તો તે અમે કબૂલ નહીં રાખીએ. અમારે ખાતે કંઈ પણ નકામું ખર્ચ થાય તે અમે ઇચ્છતા નથી. આ સંબંધમાં સરકારમાં લખાણ કરવા તેણે કહ્યું. પછી મનસુખલાલ અને કસ્તૂરભાઈ મળવા આવ્યા. બેઉને ખાદીનાં કપડાંમાં જોયા. તેથી બહાર પ્રવૃત્તિ ઠીક ચાલતી હશે એમ ભાસ થયો. આપણા કેદીઓની સંખ્યા વધી પડી એટલે બીજો એક વૉડ ખાલી કરી કુલ ત્રણ વૉર્ડ અમારે સ્વાધીન કર્યાં.

તા. ૧૨-૪-’૩૦ શનિવાર : હંમેશ મુજબ. બપોરે સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત થઈ.

તા. ૧૩–૪–’૩૦ રવિવાર: સવારે આઈ. જી. પી. મેજર ડૉઈલ તથા કમિશનર ગૅરેટ આવ્યા. ડૉઈલે ખૂબ સભ્યતાથી વાતો કરી. જોઈતુંકરતું હોય તે પૂછ્યું. મેં જમનાલાલજીની ખબર પૂછી. થાણા જેલમાં તે મળીને આવ્યો હતો. જમનાલાલજી મોજ કરે છે એમ કહ્યું. એણે કાકાની ખબર પૂછી. કાકીના મરણ બાબત ખેદ જાહેર કર્યો. મણિલાલને તપાસ્યો અને એને બહારની દવા લાવવા દેવાની રજા આપી. પછી એણે અમારા ખોરાકની વાત કરી. હાલના ‘ફલૅટ રેઈટ’ (ઉચ્ચક રકમ) માં ફેરફાર કરવાનો વિચાર જણાવ્યો. અત્યારે ખર્ચ ૦–૯–૧૦ એ બી ક્લાસના દર કેદી દીઠ આવતું હતું તેને બદલે સાત આના કરવા વિચાર જણાવ્યો. અને મારી સંમતિ અગર સલાહ માગી. મેં સંમતિ અગર સલાહ આપવાની જવાબદારી લેવા ના પાડી અને સાફ જણાવ્યું કે તમારે જે દર મંજૂર કરવો હોય તે કરો. પરંતુ તે દરની અંદર શી શી ચીજો રોજ ખરીદવી તે અમારી મુનસફી ઉપર રાખવું જાઈએ. અમને પ્રતિકૂળ ખોરાક ગોઠવી તેમાંથી ઘણી ચીજો નકામી પડે તેમ ન થવું જોઈએ. એ વાત એણે કબૂલ કરી. પછી કેટલું ખર્ચ ઓછું થઈ શકે તે ઉપર વાત કરવા લાગ્યો, ત્યારે ફરીથી એને સાફ જણાવ્યું કે અમે ખરાબમાં ખરાબ ટ્રીટમેન્ટ માટે તૈયાર થઈને આવેલા છીએ. એટલે તમે રોજનો એક આનો નક્કી કરશો તો પણ અમે કંઈ જ ફરિયાદ કરવાના કે કોઈ જાતની મહેરબાની માગવાના નથી. માત્ર આખા ઇલાકા માટે રેઈટ નક્કી કરવામાં અમે સંમતિ આપવાના નથી. તેની સાથે અમે કોઈ જાતને વાંધો પણ ઉઠાવીશું નહીં.

પછી ગૅરેટ સાથે બારડોલીની વાત થઈ. કમિટીની છેવટની ભલામણો સંબંધી હમણાં જે જી. આર. બહાર પડ્યો છે તેમાં કેટલીક ચૂક થયેલી છે તે વિષે મેં કહ્યું. તેની એણે નોંધ કરી. મેં એને એ પણ કહ્યું કે બધા મુખ્ય કામ કરનારા જેલમાં છે ત્યાં સુધી વિશેષ તપાસ હાલ મુલતવી રાખવી જોઈએ. પણ તેણે માન્યું નહી. એટલે મેં એને દિલની વાત સંભળાવી દીધી. એણે કહ્યું કે લોકો મહેસૂલ ભરતા નથી. મેં કહ્યું કે ન જ ભરવું જોઈએ. થોડા આગેવાનોને કેદમાં પૂરી મહેસૂલ વસૂલ કરવાની ઉમેદ રાખવી, એ કેવી ભૂલ છે તેનો હવે પૂરો અનુભવ થશે તે પણ સંભળાવ્યું. સાથે સાથે કહી દીધું કે મહેસૂલ ખાતામાં તારા જેવા કઠણ અને કડક અમલદાર મેં જોયા નથી. માતર મહેમદાવાદમાં તેણે કરેલા કારરતાનની શરૂથી ઠેઠ સુધીની હકીકત તેને સંભળાવી. પછી એ ચાલ્યા ગયો.

બપોરે સુપરિન્ટેન્ડેન્ટે ઑફિસમાં બોલાવ્યો અને સાત આના રોજ પ્રમાણે ખોરાકમાં શું શું જોઈએ તે ગોઠવી, અઠવાડિયાનાં ‘રેશન્સ’ (સીધું ) નક્કી કરી દેવા અને લિસ્ટ આપવા મને કહ્યું. તે ઉપરથી મેં બધા સાથીઓની સલાહ લઈ સાંજે એને ખબર આપી કે હાલ જે ચીજો મળે છે તે પ્રમાણે દરરોજ લઈશું. અને સાત આના પ્રમાણે ગણતાં તથા જે ભાવ તમે આપ્યા છે તે જોતાં, સાડા પાંચ દિવસ સુધી ખોરાક પહોંચશે. એટલે દર અઠવાડિયે એક રવિવાર આખો અને અઠવાડિયામાં કોઈ એક દિવસ અડધો એમ અમે ઉપવાસ કરીશું. એ વાત સાંભળી એ ચમક્યો. અને મને કહ્યું કે સવારે આઈ. જી. પી.ને તમે કેમ ન કહ્યું, અને કબૂલાત શું કામ આપી ? મેં એને કહ્યું કે તારી વાત ખોટી છે. મેં કશી કબૂલત આપી જ નથી. મેં તો ખાસ કહ્યું હતું કે અમારે માથે નાખી કોઈ પણ દર મુક૨૨ કરી શકાશે નહીંં. એ ઉપરથી સુપરિન્ટેન્ડેન્ટ બીજે દિવસે સવારે કમિશનર પાસે ગયો અને બપોરે આવીને કહી ગયો કે હાલ ચાલે છે તેમ જ ચાલવા દેવાનું છે. કશો ફેરફાર કરવાનો નથી.

આજે બીજા કેટલાક કેદીએ આવ્યા.

તા. ૧૪-૪-’૩૦ સોમવાર : સવારે વહેલા ઊઠી પ્રાર્થના કરી. સાડા ચાર વાગ્યે પેલા વૉર્ડમાં જઈ ત્યાં કેમ ચાલે છે તેની તપાસ કરી. રામદાસ માંદો છે તેની ખબર કાઢી. આજે કુલ છપ્પન કેદી થયા.

તા. ૧૫-૪-’૩૦ મંગળવાર : ચાર વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના, નિત્યક્રમ. આજે બીજા પાંચ કેદી આવ્યા. આણંદથી ભીખાભાઈ, નરસિંહભાઈ અને ભગવાનદાસ આવ્યા. ભગવાનદાસના વૉરંટમાં મૅજિસ્ટ્રેટે સી કલાસ ભર્યો છે. તેને પ્રથમ તો અમારા વૉર્ડમાં મોકલ્યા. પરંતુ જમ્યા પછી એને સિપાઈ બોલાવી ગયો. અને જેલરના હુકમથી સી વૉર્ડ માં મૂકવા લઈ ગયો. એટલે મેં જેલરને ખબર મોકલાવી કે એને પાછો અમારી સાથે નહીં મોકલવામાં આવે તો અમે બધા સાંજથી ઉપવાસ શરૂ કરીશું. નહીં તો અમને બધાને ત્યાં લઈ જવા જોઈએ. તે પછી જેલરે તેને પાછા મોકલ્યો. જેલર મળવા આવ્યા અને ભૂલ મૅજિસ્ટ્રેટની છે તે માટે દિલગીરી બતાવીને આગળ લખાણ કરવા કહ્યું.

તા. ૧૬-૪-’૩૦ બુધવાર: સવારનો કાર્યક્રમ હંમેશ મુજબ. પછી ખેડાથી દાદુભાઈ વગેરે મળવા આવ્યા. મહાદેવ પણ મળવા આવ્યો. એને ક્લાસિફિકેશનની બધી વાત કરી. મૅજિસ્ટ્રેટે ઇરાદાપૂર્વક ભેદ પાડવાનો પ્રયત્ન કર્યો હોય એમ જણાવ્યું. મોહનલાલ પંડ્યા આવ્યા. તેમને પણ મૅજિસ્ટ્રેટે સી કલાસમાં મૂક્યા છે તેની મહાદેવને ખબર આપી. કલકત્તા અને કરાંચીમાં હુલ્લડ થયાના અને જેરામદાસને ગોળી વાગ્યાના સમાચાર ‘ટાઇમ્સ’માં વાંચ્યા.

તા. ૧૭-૪-’૩૦ ગુરુવાર : હંમેશ મુજબ. જેરામદાસની જિંદગી જોખમમાં નથી અને ગોળી નીકળી ગઈ છે એ જાણી બધાને આનંદ થયો.

તા. ૧૮-૪-’૩૦ શુક્રવાર: હંમેશ મુજબ,

તા. ૧૯-૪-’શનિવાર : હંમેશ મુજબ. જેલમાં બીજું સામાન્ય. કેદીઓમાં અસંતોષ હોય એમ લાગ્યું. એક આગેવાન કેદી તરફથી સંદેશ મળ્યો કે તેઓ બધા ખોરાક છોડી હડતાલ પાડવા માગે છે. મેં તેમને કારણ પુછાવ્યું અને દુ:ખ કે ફરિયાદ હોય તો પ્રથમ મને જણાવો એમ કહેવડાવ્યું. ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પ્રમુખ મોતીલાલ અને મૅજિસ્ટ્રેટ ઈસાની મળવા આવ્યા.

તા. ૨૦-૪-’૩૦ રવિવાર: હંમેશ મુજબ. આજે સવારે ડાહ્યાભાઈ દેરાસરી અને કાદરી આવ્યા. પેલા કેદીઓએ સવારથી જ હડતાલ પાડી ખાવાનું બંધ કર્યું અને બૂમ પાડવાની શરૂ કરી. ‘ગાંધીજીકી જે’ પોકારવા લાગ્યા. સુપરિન્ટેન્ડેન્ટ ગુસ્સે થયો અને ગભરાયેલો લાગ્યો. કલેક્ટર કમિશનરને બોલાવી લાવ્યો. તેઓ આવી ગયા પણ કઈ ઠેકાણું પડ્યું નહી, આખો દિવસ અને રાત કેદીઓએ બૂમ પાડ્યા જ કરી. અમારામાંથી જુવાન વર્ગના કેટલાક સવારથી જ કેદીઓની બૂમો સાંભળી ઉશ્કેરાયા. તેમની સાથે સહાનુભૂતિ બતાવવાની ખાતર ઉપવાસ કરવાની સૂચના આવી. મેં ના પાડી ત્યારે ગુસ્સે થયા. છતાં હું મક્કમ રહ્યો. બપોરના મણિલાલે તેમને સમજાવ્યા. સાંજે પ્રાર્થના પછી મેં પણ તેમને ખૂબ સમજાવ્યા. છતાં તેમના મોં ઉપર રોષ માલૂમ પડતો હતો.

તા. ૨૧-૪-’૩૦ સોમવાર: હંમેશ મુજબ. આજે ડાહ્યાભાઈ, યશોદા, હરિભાઈ, સુમિત્રા, જિતુ મળવા આવ્યાં. બપોરના ખબર મળી કે કેદીઓ હુલ્લડ કરી બેઠા છે, તેની જવાબદારી અમારા ઉપર નાખવામાં આવી છે. જેલ સુપરિન્ટેન્ડેન્ટ, કલેક્ટર, કમિશનર વગેરે એમ માની બેઠા છે કે અમારે લીધે જ આ તોફાન થાય છે. તેથી અમને અહીંથી બદલવા એવો વિચાર ચાલી રહ્યો છે. આજે કેદીઓના વર્ગીકરણ વિષેના નિયમ છાપામાં આવ્યા તે વાંચ્યા, અસલ નિયમોમાં ફેરફાર કરેલ હોય અને તે ઇરાદાપૂર્વક કરેલ હોય તેમ જણાયું. એનું શું પરિણામ આવશે તે તો હવે પછી જ જણાય. પણ સૌને સી કલાસમાં જવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી. ડૉક્ટર આજે વજન કરી ગયા. ૧૪૩ થયું. ગઈ વખતે કરેલું ત્યારે પણ એટલું જ હતું. જેલમાં આવ્યા તે દિવસે ૧૪૬ થયેલું તેનું કારણ ઇસ્પિતાલના કાંટામાં અને બીજા ખરા કાંટામાં ત્રણ રતલનો ફેર છે. એટલે પ્રથમથી જ વજન ૧૪૩ હતું તે કાયમ રહ્યું છે.

તા. ૨૨-૪-’૩૦ મંગળવાર : નિયમ મુજબ. આજે જેલના કેદીઓએ ઉપવાસ છોડ્યા. પણ કામ પર જવા ના પાડી બેઠા છે. બપોરે માવળંકર અને ગજ્જર મળવા આવ્યા. કેટલાક કાગળ ઉપર મારી સહીઓ લેવાની હતી તે લઈ ગયા.

ઉપરની તારીખ સુધીની જ ડાયરી લખેલી છે.

આ ડાયરીમાં બધા કેદીઓના એક વર્ગીકરણની તથા સંયુક્ત રસોડાની જે વાત છે તે વ્યવસ્થા લાંબી ચાલી નહીં. મહિનો પૂરો થતાં સુધીમાં તો કેદીઓની સંખ્યા બહુ વધી ગઈ. ઉપરના વર્ણનમાં તો જેલ એક રાજકીય પરિષદના ઉતારા જેવી લાગે છે. પણ સંખ્યા વધતાંની સાથે અમલદાર એ ચલાવી લેવા તૈયાર ન જણાયા. તેમણે જુદા જુદા વર્ગોના કેદીઓ એકબીજાને ન મળી શકે, અને તેમનું ‘સંયુક્ત રસોડું’ ન ચાલે એવા બંદોબસ્ત કર્યો. સરદારે કહ્યું કે અમને બધાને જ ક વર્ગમાં મૂકો. અને અમે બધા ક વર્ગનો ખોરાક લઈશું. પછી તમને શું વાંધો છે ? જેલ અમલદાર કહેવા લાગ્યા કે એ અમારાથી ન બની શકે. અમે તો અ વર્ગના કેદીઓને બ વર્ગનો ખોરાક અને ક વર્ગના કેદીઓને ક વર્ગને ખોરાક આપવા બંધાયેલા છીએ. એટલે સરદારે અને બધા રાજદ્વારી કેદીઓએ ઉપવાસ આદર્યા. ક વર્ગના કેદીઓને તો મળવાનું બંધ કરવામાં આવ્યું જ હતું. જોકે તેઓ પણ ઉપવાસ ઉપર તો ઊતર્યા હતા. સરદાર અને ઉપલા વર્ગના કેદીઓના અલગ રસોડામાં રોજ સીધું આવીને પડી રહેતું. આમ બોતેર કલાકના ઉપવાસ થયા પછી કલેક્ટર તથા ઉત્તર વિભાગના કમિશનર જેલ ઉપર ગયા. તેમને સરદારે કહ્યું, આ તે કેવો ન્યાય છે ? અમે વધારે નહીં પણ ઓછું માગીએ છીએ. અને તે ઓછું મેળવવા અમારે ઉપવાસ કરવા પડે છે ! જેલ અધિકારીઓના આગ્રહનું બેહૂદાપણું કમિશનર સમજી ગયો. તેણે સૂચના આપી કે ઉપલા વર્ગના કેદીને ક વર્ગને ખોરાક લેવો હોય તો તે લેવાની છૂટ આપવી. પરંતુ જુદા જુદા વર્ગના કેદીઓને મળવાનું તો તેણે બંધ જ કર્યું. એને અંગે આગળ ઉપર કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે છ મહિના ઉપરની સજાવાળા ઉપલા વર્ગના સઘળા કેદીઓને બીજી જેલમાં ખસેડવામાં આવ્યા. પોતાના સાથીઓથી છૂટા પડતાં સરદારની આંખ ભીની થઈ. રવિશંકર મહારાજ, પંડ્યાજી વગેરેને કહ્યું, જ્યાં જાઓ ત્યાં આપણી આબરૂ બરાબર સાચવજો અને સાથે આપણા જે ભાઈઓ હોય તેમની બરાબર સંભાળ રાખજો.

કેદીઓના વર્ગીકરણને અંગે સાબરમતી જેલમાં જે ઝઘડો થયો તેવો જ પંજાબમાં ગુજરાતની સેન્ટ્રલ જેલમાં ભાઈ દેવદાસ ગાંધીએ ઉપાડ્યો હતો. એ જેલમાં કેવળ અ અને બ વર્ગના કેદીઓને જ રાખ્યા હતા. તેમણે ક વર્ગનો ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. પણ ક વર્ગના તમામ કેદીઓને ખોરાકમાં થોડું ઘી, દૂધ તથા લોટ વગેરે ચોખ્ખાં મળે, ઉપરાંત બહાર ખુલ્લામાં સૂવાની રજા મળે, જેલનું સોંપેલું કામ પૂરું કર્યા પછી વાંચવાલખવાની તથા બધા રાજકારી કેદીઓને હળવા મળવાની છૂટ રહે એવી માગણી કરી હતી. તેઓ સરદાર સાથે પત્રવ્યવહાર કરતા તેમાં તેમણે જે સાંકેતિક શબ્દો યોજ્યા હતા તે રમૂજની ખાતર અહીં આપ્યા છે : ક વર્ગના કેદી પ્રત્યેના વર્તન માટે Health શબ્દ યોજ્યો હતો અને Hunger Strike માટે Dr. Ansari's Treatment યોજ્યો હતો. My health is not good. I therefore propose to begin Dr. Ansari's treatment on such and such a date. એટલે કે અહીં અમારા પ્રત્યે વર્તન સારું નથી. અને અમે અમુક તારીખથી ઉપવાસ શરૂ કરવાના છીએ. My health is improving એટલે અમારી માગણી સ્વીકારાવાની આશા છે. I am patient about my health એટલે હાલ ધીરજ રાખવી. આવી ગમત જેલમાં ચાલતી હતી.

સરદારે ધાર્યું હતું તેમ તેઓ પોણા ચાર મહિના સાબરમતીમાં રહી તા. ર૬મી જૂને બહાર આવ્યા.

  1. *અમદાવાદના ડિસ્ટ્રિકટ જજ. તેઓ વિલાયતમાં સરદારના સહાધ્યાયી અને મિત્ર હતા. ત્યારની મૈત્રી હિંદુસ્તાનમાં પણ કાયમ રહેલી.