← હઠ સવિતા-સુંદરી
પ્રતિજ્ઞા
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
સંદેહ →


પ્રકરણ ૧૦ મું.
પ્રતિજ્ઞા.
कार्यवासाधयेवं शरीरंवापातयेवं ।
'કાર્ય ફળો કે દેહ પડો.'

વિગ્રહાનંદે નક્કી માન્યું કે તેની સ્ત્રી તેના કુળને કલંક લગાડશે, ને તેથી તેના હાથમાં હવે માત્ર એકજ ઉપાય બાકી રહ્યા હતો કે અન્ન ત્યાગ કરી 'ધરના' કરવું. આવો ઉપાય કરવાનો નિશ્રય કરીને તે ઓરડાની બહાર આવ્યો.

વિગ્રહાનંદ સામ્પ્રત કાળની અંગ્રેજી રીતભાતથી કમનસીબ હતો, ને તે સ્ત્રીને તાડન કરવામાં, અ૫શબ્દ કહેવામાં કંઈ કચાસ રાખે તેવો ન હતો. તેના મોઢામાં બીજી સરસ્વતિનો તો ટોટો હતો, પણ આ સરસ્વતિ તો જીવ્યહાગ્રે હતી. પણ શું કરે ? તેના બાપના ઘરમાં તેની સ્ત્રી નહોતી રેહેતી ને આજ સુધીમાં કોઈ દિવસે તેણે સ્ત્રી પુત્રીની કઈ દરકાર પણ કીધી નહોતી. ગુણવંતગવરીએ તેને તરછોડી નાખ્યો તે વખતે તેના મનમાં તો એમજ આવ્યું કે જો આ વખતે તેનું ઘર હોત તો સ્ત્રીનો છુંદાપાક કરી નાંખતે પણ લાચાર ! જો તેના ઘરમાં તે હોત તો લાકડીના સપાટાથી તેની કમર બેવડ કરી નાંખવાને તે ચુકતે નહીં. પણ તેના પિહેરમાં આવો વિચાર આવે તેનું ફળ શું ? તે તુરત તો પડશાળમાં વિઘ્નસંતોષીરામ પાસે આવીને બેઠો.

વિઘ્નસંતોષીરામે તેઓને ઉદાસી જોઈને પુછ્યું, “શી ખબર છે ? તે તો વળી એવાજ વિચારમાં અત્યાર સુધી પડ્યો હતો કે પેહેરામણીમાં પૈસા લેવાની ના કહી તે ઠીક થયું નહીં. તેની ખીચડી તો વળી જુદીજ ખડબડતી, ને અહીંયાં તો જુદેજ તપેલે દાળ ચઢતી હતી ! તેમના ઘરમાં ભૂત ભુસ્કા મારે ને હનુમાનજી હડીઓ કાઢે તેમ ચુલો ચુલા સાથે તડાકા કરતો હતો પણ શેખી ભારે હતી. તેણે પ્રથમ તો ધાર્યું હતું કે જે પેહેરામણીના બસો આવશે તો વરસ દહાડો નચિંંત થયા; પછીની વાત પછી. આવા વિચારથી પહેરામણીમાં દ્રવ્ય તદન નહીં લેવાનો વિચાર બતાવ્યો એ માટે તે પસ્તાવો કરતો હતો. તેણે વિચાર્યું કે, “હાય હાય ! આવતી લક્ષ્મીનો તિરસ્કાર કીધો ! કેવો મૂર્ખ ! પણ હવે શું કરૂં?" આવો વિચાર કરતો હતો, તેટલામાં વિગ્રહાનંદનું ચિંતાતુરચિત જોઈને તેનું ચિંતાદગ્ધ હૃદય શિતળ થયું. તે મુખમુદ્રાપરથી પર્ખી ગયો કે કાર્ય સિદ્ધ નથી થયું. ને વગર પૈસે પરણાવવાને જે ના પાડે છે તો પૈસા આપીને પરણાવે એવા ઓવાઈના કોણ હોય? તેથી પૈસા નહીં લેવાનું કહ્યું તેમાં કંઈ ખોટું થયું નથી, એમ હવે તેને લાગ્યું.

વિગ્રહાનંદ તો ફીકરમાંને ફીકરમાં પડશાળમાંજ સુઇ ગયા. પાછા વિઘ્નસંતોષીરામ બેાલ્યા, “પંડિતજી, કેમ શી ખબર છે ?"

વિગ્રહાનંદ દીનસ્વરથી, ગળગળે સાદે બોલ્યા, “તે કપાતર નથી માનતી. તે કોઈ રીતે નથી સમજતી. તેને તો પ્રતિજ્ઞાજ કીધી છે કે મારા કુળને કાલપ લગાડવું, તો હવે મારી પણ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી તે મારી વાત સ્વીકારે નહીં ત્યાં સુધી અન્નાહાર તજીને દેહ ત્યાગ કરવો. જે બને તે ખરૂં ? શું હું મારા કુળને લાંછન લગાડીશ? જે કુળને માટે હજારો મનુષ્યો તરફડી મરે છે, તે કુળપર હું પાણી ફેરવવા દઇશ નહીં.”

વિઘ્નસંતોષીરામ કંઇક ચિંતા કરીને બેાલ્યો, “ત્યારે શું મારે પણ અન્નપાણીનો ત્યાગ કરીને બેસી રહેવું પડશે ? અને મારી સાથવાળાના શું હાલ થશે ? મારી ફોઈ ને મારી બેહેનોને પણ ભુખે મરવું પડશે ? ”

વિગ્રહાનંદે કહ્યું, “નહીંરે, નહીં, તમારે શા સારૂં અન્નપાણી ત્યાગવા જોઈયે ? તમે તમારે સારી રીતે ખાવોપીઓ ને મઝા કરો. તમારી સાથના જાનવાળાને પણ હરકત પડશે નહીં.”

એટલામાં ગોકુળરાયજી આવ્યા ને વિગ્રહાનંદને કહ્યું કે સ્નાન માટે ઉઠો.

વિગ્રહાનંદ બોલ્યો, “હું નાહીશ પણ નહીં, ને ખાઈશ પણ નહીં, પણ અન્નપાણીનો ત્યાગ કરીને તમારે બારણે દેહ ત્યાગ કરીશ, હું તમને બ્રહ્મહત્યા આપીશ ને તમારી બેહેનને રંડાપો આપીશ. શું તમે બધા મળીને મારા કુળને કલંક ચઢાવશો ? શું મેં પસંદ કરેલો જમાઇ, જે કુળવાન છે, ન્યાતમાં અગ્રગણ્ય છે તેને વિલે મૂખે પાછો કાઢશો ? બસ, હવે તો આ જીવજ કાઢીશ.”

ગોકુળરાયજીએ તેને ઘણી ઘણી રીતે વિનવ્યો, તેને સમજાવ્યો, કે આવા મૂર્ખને કન્યા આપવા કરતાં, ને કન્યાનું અકલ્યાણ હાથે કરીને હોરવા કરતાં, કોઈ યોગ્ય પુરૂષને કન્યા આપે તો ઠીક. પણ કુળના અભિમાનમાં દટાયલો વિગ્રહાનંદ કંઈ પણ સમજ્યો નહીં. પછી ગોકુળરાયજી પોતાની બેહેન પાસે ગયા, ને તેને કંઈક રીતે સમજાવી ને કહ્યું, “કોઈ રીતે આ તારા પતિનું કુળ રહે તેમ કર. એ પ્રાણત્યાગ કરશે તો અમારા ઘરને સાત પેઢી સુધી દાઘ ચેાંટશે.”

ગુણવંતગવરીએ કહ્યું, “ભાઈ, તમો પણ એ કૂળકૂળ શું બકો છો ? એવા કુળવાનને હું મારી કન્યા કદી પણ આપીશ નહીં.”

ગોકુળરાયજીએ કંઈક વિચાર કરીને કહ્યું, “બેહેન, તું કહે છે તેમ કરીશું, હું કસમ લઉ છું કે તારા વિચારથી વિપરિત હું નહીં વર્તિશ, પણ તું એક વાર એમ કહે કે હું વિઘ્નસંતોષીરામને કન્યા આપીશ, ને ત્યારેજ અમારા પણ પ્રાણ બચે, ને અમારે બારણે બ્રહ્મહત્યા થતી અટકે!”

ગુણવંતગવરીએ કહ્યું, “તમે જેમ કહેશો તેમ કરીશ, પણ યાદ રાખો કે કુળવાન કરતાં ગુણવાન વર ઘણો સારો છે, પણ કહો, હું જેમ કહીશ તેમ તમે કરશો ?”

ગોકુળરાયજીએ કહ્યું, “બેશક કરીશ.”

ગુણવંતગવરીએ કહ્યું, “તો જાઓ, જેમ કાર્ય થતું હોય અને જે રીતે તે ખાય તેમ કરો.

ગુણવંતગવરીએ ગોકુળરાયજીની પાસે શું વચન લીધું તે હવે પછી જણાશે. પણ તુરતતો તેણે બનેવીનું શાંત્વન કર્યું એટલે તેઓએ સ્વસ્થ થઈને અન્નપાણી લીધા.