સવિતા-સુંદરી/હઠ
← સ્વપત્નિ સંભાષણ | સવિતા-સુંદરી હઠ ઇચ્છારામ દેસાઇ ૧૮૯૧ |
પ્રતિજ્ઞા → |
હઠ.
તુમસહિત ગિરી તેં ગિરૌપાવક,
જરૌ જળ નિધિ મહંપંરો;
ઘર જાઉં અપજશ હોઉ જગ,
જીવત વિવાહ ન હૌં કરૌં.”
[માનસરામાયણ.
કુળવાન કરતા ગુણવાન શ્રેષ્ટ છે. ગુણવાન સ્વાશ્રયી છે, કુળવાન પરાશ્રયી છે, કુળવાનના કુળની ગણના ક્ષુદ્રસમાજમાં છે, ગુણવાનના ગુણની ગણુના સજ્જનસમાજમાં છે.
વિઘ્નસંતોષીરામ કુળવાન હતો, પણ ગુણવાન નહોતો. ગુણ તેનામાં એક પણ એવો નહોતો કે જેથી તેના તરફ કોઇની સદ્દભાવના થાય; અને સદ્દભાવના વિના સર્વ મિથ્યા છે. વિગ્રહાનંદ પોતાની પુત્રીના વિવાહ માટે ઘણા ઉત્સુક હતા, પણ વિઘ્નસંતોષીરામ તો રૂપીયા માટે પરણવા તૈયાર થયેા હતો, તે કંઈ કન્યાને માટે તૈયાર નહોતો. તેણે કન્યાનું મુખ પણ જોયું નહોતું કે તે કાળી છે કે ગોરી, કુબડી છે કે લંગડી, સુરૂપા છે કે કુરૂપા. આ બારમીવાર લગ્ન કરવાનું તેને કંઇપણ કારણ નહોતું. યમરાજાના દ્વારપાળો નિત્ય આવીને તેના બારણા ઠોકતા હતા કે “ચાલો ભટ્ટજી મહારાજ.” તે લપુજપુ થઈ રહ્યો હતો. તે રૂપીયાનેજ માટે આ લગ્ન કરવા તૈયાર થયેા હતો, કન્યાને માટે નહીં, પણ વડોદરે આવ્યા પછી જ્યારે સુંદરીનું સુંદર સરોજસમાન સકુમળ શશીવદન નિહાળ્યું ત્યારે તેની મનોવૃતિ બદલાઇ ગઈ. તેના મનમાં અર્થ સ્પૃહા સાથે કન્યા સ્પૃહા પણ ઉત્પન્ન થઇ, ને તેથી સુંદરીને પરણવા માટે કંઈ પલ્લું પણ આપવું પડે તો તે આપવાને તત્પર થયો, ને કોઈપણ પ્રકારે કન્યા ને દ્રવ્ય બંને મળે તો પરમ્ લાભ થાય તેમ તે ધારતો હતો. પણ આ લગ્ન સમારંભમાં સાસુ સસરાની સાથે વાતચિત થતાંજ તેને એમ જણાયું કે ગુણવંતગવરીએ પ્રતિજ્ઞા કીધી છે કે તે કદીપણ આવા અધમપાત્રને કન્યાદાન દેશે નહીં. વિગ્રહાનંદને, ગુણવંતગવરી સાથે વાતચીત થતાં, ગુણવંતગવરીએ સાફ જણાવ્યું કે આવા અપાત્રને તે કદીપણ પોતાની દિકરી પરણાવવાની નથી. વિગ્રહાનંદે કહ્યું, “તું બીજા કોઇને મારી કન્યા પરણાવશે તો તેથી મારા કુળને કલંક લાગશે, ને મારી સાત પેઢીનું કાળું થશે.”
ગુણવંતગવરીએ કહ્યું, “આવા અપાત્રને કન્યા આપવાથી વધારે કાળું થશે. હું તમારે પાલવે પડીને જેટલું સુખ પામી છું તે કરતાં મારી દિકરી વધારે સુખ પામે તેમ નથી. તે શું હું હાથે કરીને મારી કુળકૂવાને ખાડામાં નાખું ? કોઈ યોગ્ય કુલીન બીજો વર શોધો. હું કદીપણ આ સાઠ વરશના ડોસાને મારી કન્યા નહીં પરણાવું.”
વિગ્રહાનંદે પોતાની સ્ત્રીને ઘણી સમજાવી, સામ દામ ભેદ ને ડંડ ચારે પ્રકારે યુક્તિ કીધી, પણ ગુણવંતગવરીએ તેની વાત યત્કિંચિત પણ સાંભળી નહીં.
આ વાતની ખબર વિઘ્નસંતોષીરામને પડી એટલે તેજ દિવસે સંઝ્યા સમયે તેણે વિગ્રહાનંદને કહ્યું: “પણ્ડીતજી, તમારા મનની વાત સાફ કહી દો તો ઘણું સારૂ. હું ઘેરથી મારી બેહેનોને લઈને પરણવા કરવા આવ્યો છું, તેથી પરણ્યા વિના જાઊં તો લોકમાં મારી પૂરી હાંસી થાય; ને મારા કુળનું કાળું થાય, મને લગ્ન કરવાની ઘણી જરૂર છે. મારા ઘડપણનો કોઇપણ સાથી મને જોઇએ. જો કે મેં પ્રથમ તો તમોને કહ્યું હતું કે લગ્ન કર્યા પછી હું કન્યાને મારે ઘેર લઇ જઇશ નહીં; પણ હવે વિચાર કરતાં મને જણાય છે કે મારાથી મારા કુળ પ્રમાણે તેમ થાય નહીં. હું તો મારી વહુને મારે ઘેરજ તેડી જઇશ.”
વિઘ્નસંતોષીરામે ધાર્યું કે પહેલા કન્યાને મારે ઘેર તેડી જવાને વિચાર નહોતો, પણ આ નવા સમાચાર જાણીને ગુણવંતગવરી સાસુ ખુશી થશે, ને તેના મનમાં કંઈ અડચણ હશે તો તે સહજ નીકળી જશે. અને વિગ્રહાનંદ પણ લગ્ન કરવાને ઘણું દબાણ કરશે. પણ વિગ્રહાનંદે, વિઘ્નસંતોષીરામનું કહેવું સાંભળીને કહ્યું, “તમને તો કન્યા પરણાવે ત્યારે પછી તમારે ઘેર લઇ જશો કે પહેલાથીજ ? જે વાત થાય છે તેપરથી ખુલ્લું જણાય છે કે તમારે આવેને આવેજ મોઢે પાછા જવું પડશે.”
થોડીવાર ચૂપ રહીને વિઘ્નસંતોષીરામે કહ્યું, “ શું એ સ્ત્રી નહીં મળે તો તેથી કંઇ અમને અડચણ પડવાની હતી ? નહીંજ. પણ પંડિતજી, તમારે બારણે આવેલો જમાઇ પાછો ફરે તેમાં તમારી સાત પેઢીની આબરૂ જશે. લોકો મને તો શું પણ તમને ઘણા ધિકકારશે, કે બૈરી આગળ ભટ્ટજીનું ચાલ્યું નહીં. તમારી ઇચ્છા હોય તો બસો રૂપીયા આપવા કહ્યા છે તેમાં કંઈ ઓછું કરો, પણ આપણા બંનેની આબરૂ જતી રાખો.”
વિઘ્નસંતોષીરામ રૂપીઆની જેવી કીંમત સમજતા હતા તેથી વધારે બીજુ કોઇકજ સમજતું હશે. તેણે રૂપીઆને વાસ્તે અગીઆર કન્યા સાથે લગ્ન કીધા છે, ને આજે આ બારમી પરણવાને આવ્યા છે તે પણ રૂપીયાજ વાસ્તે. રૂપીયા તો તેનું જીવન છે. તેથી દાયજામાં એાછા રૂપીયા લેવાનું કહેવાથી ગુણવંતગવરી પોતાની કન્યાનું તેને કન્યાદાન આપશે એવો તે વિચાર કરે તેમાં આશ્ચર્ય નથી. વિગ્રહાનંદ પણ સારી રીતે સમજી ગયા કે વિઘ્નસંતોષીરામ એાછા રૂપીયા લઇને કેમ પરણવા તૈયાર થયા છે. તેથી વિઘ્નસંતોષીરામને પરણવાનો વિશ્વાસ આવે તેવા હેતુથી બોલ્યા; “તે લોકો આજ તો ધણીરણી છે, તેથી એવા દશ પાંચ રૂપીઆના એાછા વત્તાથી કંઇ સમજશે નહીં.” વિગ્રહાનંદના મનમાં એમજ હતું કે આ ચતુર કોડીલા કુલીન વરરાજા, વગર પહેરામણીએ પરણવાનું કહેતો બહું અચ્છું થઈ જાય.
બન્યું પણ તેમજ થોડીવાર વિચાર કરીને વિઘ્સંતોનષીરામ બોલ્યા, “મને તો પરણવાની આવશ્યકતા છે, ને હું પરણવાને આવ્યો છું; પૈસા લેવા આવ્યો નથી. જો હું લગ્ન કર્યા વગર જાઉં તે લોકોમાં મારી ઘણી ફજેતી થાય, ને મારા કુળને મોટી હીણપત લાગે, તેથી જો તમારી ઇચ્છા હશે તો વગર પહેરામણીએ હું લગ્ન કરીશ.”
આ વાત તો વિગ્રહાનંદના મનની માની થઈ તેણે વિચાર્યું કે ગુણવંતગવરીને પગે પડવું પડશે તો પડીશ, તેના કાલાવાલા કરીશ, તેના બે શબ્દ સાંભળીશ, અનેક પ્રકારના ઢોંગ કરી તેને રંજાડીશ, પણ આ કામ કરીશ ને ફીર કરીશ. કેમકે આવી રીતે લગ્ન કરનાર બીજો કેાઇ કુલીન વર મળવાનો સંભવ જરા પણ નથી. આવું ઉત્તમ ઘર મહામેહનતે સાંપડ્યું છે, તે પછી કદીપણ શોધતાં મળવાનું નથી, ને આટલા થોડા ખરચમાં પુત્રીના લગ્ન થાય તેથી આપણી કુળમર્યાદા પણ વધશે આવો વિચાર કરીને તે ગુણવંતગવરી પાસે ગયા. તેણીએ તો પ્રતિજ્ઞા કરી હતી કે ગમે તેમ થાઓ, તો પણ આ વરરાજાને તો કદી પણ સુંદરી પરણાવીશ નહીં; અને તે તેની પ્રતિજ્ઞા ભંગ કરાવાને કોઈ સમર્થ નહોતું. વિગ્રહાનંદે કહ્યું કે, “જો સમજ, વિઘ્નસંતોષીરામ સાથે લગ્ન કરવાથી એક પૈ પણ દાયજામાં આપવી પડશે નહીં, ને વળી આવું ઉત્તમ કુળ પણ કદી મળશે નહીં. કુળ ઉત્તમ છે, ને વરરાજા કંઈ છેકજ નઠારો નથી; તો શા માટે તું હઠ લેછે ? પુત્રી મારી છે, કંઇ તારી નથી, માટે તુ સમજશે નહીં તો હું સરકાર દરબાર જઇને પણ સુંદરીને મારા હાથમાં લઇશ.”
ગુણવંતગવરી બોલી, “શું બેાલ્યા? આજે તમે દિકરીના બાપ થવા આવ્યા છો કે? જાઓ, ચૂપ રહો ! આટલા વરસ ક્યાં ગયા હતા ? જો તમને આ બસો રૂપીઆ જ ઘણું લાગતા હોય તો લો હું તમને બસો બદલ ત્રણસો આપુ છું, અને તમે હવે ઘેર સિધારો, અને ત્યારે મને અષ્ટામાસિદ્ધિ ને નવે નિધિ મળી ચુકી એમ હું સમજીશ.”
વિગ્રહાનંદ, ગુણવંતગૌરીની ગર્જના સાંભળીને દબી ગયો. તે પુરૂષાર્થ હિન હતો, ને સ્ત્રી પરણીને જે પૈસા આવે તેપરજ પોતાનો ગુજારો કરતો હતો, એટલે તેનાથી વધુ શું બોલાય ? તે ધીમા સ્વરથી બોલ્યો, “પણ કુળ રક્ષાનો શો ઉપાય ?” ગુણવંતગૌરી પૂર્વાપેરે ક્રોધથી બોલી, “મને કુળની કંઇ જરૂર નથી, મને ગુણની આવશ્યકતા છે, કુળ નહીં રહેવાથીજ મારી પુત્રનું કલ્યાણ થશે. મારા પિતાએ કુલીનને પરણાવી છે તેથીજ મારે યાવત્ જીવન દુ:ખ ભોગવવું પડે છે, તે શું તમે નથી જાણતા ? કુળ, કુલીન, કુળવાન એ શબ્દને અનુસરીને હું મારી પુત્રીને ચિરકાળ દુ:ખના ખાડામાં નાંખવા નથી માગતી; મારી પુત્રીનું કલ્યાણ ઇચ્છવું એ મારૂં કામ છે, ને તેથી હું કુળને નહીં પણ ગુણને અનુસરીશ.”
વિગ્રહાનંદ થોડીવાર ચૂપ રહીને બોલ્યો, “તને શું દુ:ખ છે ? તને શી વાતની કમીના છે ?”
ગુણવંતગૌરી અત્યંત ક્રોધ કરીને, મોઢું ચઢાવીને બોલી; “ શું દુ:ખ છે ? શી કમીના છે ? બોલો, મને શું સુખ છે ? તમારે પાલવે પડી મેં શું સુખ ભેાગવ્યું છે ? કીયું દુ:ખ મને નથી કે શું દુ:ખ છે તેમ પૂછો છો? સાંભળો: મને દુ:ખ એ છે કે મારા પિતાએ છતે ધણીએ મને વિ - નથી હું મરતી કે નથી તમે--" આટલું તો તેનાથી બરાબર બોલાયું નહીં, ને તે ત્યાંથી ઉઠીને રડતી રડતી ચાલવા લાગી.
વિગ્રહાનંદ તેનો છેડો પકડીને બોલ્યા, “એક વાત તો સાંભળ.”
ગુણવંતગૌરી બોલી, “હું નથી સાંભળતી, જઈને સંભળાવો જે હોય તેને, હું નહીં સાંભળું.” આમ બોલતાં તે જોરથી પોતાનો છેડો છોડાવીને ચાલી ગઇ.
બળેલી જળેલી સ્ત્રી યોગ્યાયોગ્યનો કશો વિચાર કરતી નથી તેનું પ્રત્યક્ષ પ્રમાણ ગુણવંતગૌરી છે. તે ઘણી સમજુક છતાં, તેના પિતાએ જે દુઃખના સાગરમાં વગર વિચારે હડસેલી પાડી છે, ને જે દુ:ખ તેનાથી સહન થતું નથી તેના આ પ્રથમજ ઉદ્દગાર હતા.