સવિતા-સુંદરી/સ્વપત્નિ સંભાષણ

← સોચના સવિતા-સુંદરી
સ્વપત્નિ સંભાષણ
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
હઠ →


પ્રકરણ ૮ મું.
સ્વપત્નિ સંભાષણ.
[૧]सुहृदां हितकामानां य:शृणोति न भाषितं
विपदोनिहितातस्य-

સવીતાની બહેનનું નામ મધુરિમા છે, અને તેના બનેવીનું નામ મદિરાનંદ છે, મંદિરાનંદની


  1. * જે હિતકારી મિત્રોનાં વચન સાંભળતો નથી તે વિપદથી પીડાયલોજ છે.

આંખમાં મોતીઓ આવ્યો છે, ને તેથી તેનાથી દેખાતું નહોતું. તે આંખનું ઐાષધ કરવાને અમદાવાદથી વડોદરે આવ્યો છે. પહેલા આંખમાંથી મોતીઓ કાઢવા જેવો નહોતો, કેમકે તે અપક્વ હતો, ને તેથી ડાકતર ભાલચંદ્રે તેને થોડા દિવસ અત્રે રહેવાનું કહેવાથી તે રહ્યો છે. હમણા એક આંખનો મોતીઓ પાકો થવાથી તે કાઢયો છે. ડાક્તરે જણાવ્યું હતું કે એક આંખ સારી થયા પછી બીજીને સુધારવામાં આવશે. જ્યારે સવીતા નડીયાદ ગયો યારે મંદિરાનંદની એક આંખ તદન સારી થઇ ગઇ હતી, તો પણ ડાક્તરે તેને લખવાવાંચવા વગેરે જે કામથી આંખને સ્થિર રાખતા શ્રમ પડે તે કામ કરવાને સાફ મના કરી હતી. સવીતા જેટલા દિવસ વડોદરામાં હતો તેટલા દિવસ નિત્ય તેની ખબર લેવા આવતો હતો, ને તેની સાથે વાતચિત કરીને તથા સેતરંજ વગેરે રમીને તેને ગમત આપતો હતો. પણ સવીતાશંકર વડોદરા છોડી ગયો તે પછી મંદિરાનંદને એકલા રહેવું ઘણું ભારી થઇ પડ્યું. મધુરિમા ગૃહકાર્ય કરવામાં, ઐાષધ વગેરે તૈયાર કરવામાં, રાંધવાસિધવામાં રોકાઇ રહેતી તેથી તે પોતાના પતિની પાસ બેસીને વાતચિત કરે તેટલો તેને અવકાશ મળતો નહોતો. સવીતા જે દિવસે વડોદરા છોડી ગયો તે દિવસ તો જેમ તેમ કરતાં મંદિરાનંદે કાઢ્યો, પણ બીજે દિવસે ગમતું નહીં હોવાથી તેને એક પુસ્તક વાંચવા હાથમાં લીધું. તેણે મનમાં ધાર્યું કે બે ત્રણ પાના વાંચ્યા પછી પુસ્તક મુકી દઇશ, પણ તેના દુર્ભાગ્યને લીધે પુસ્તક એવું તે રસમય હાથમાં આવ્યું કે તે પુરૂં કરવા વગર હાથમાંથી મુકવું ગમ્યું નહીં. ગ્રંથ સવારના આઠ નવ વાગે વાંચવા શરૂ કીધો, તે ઠેઠ રાતના દશ વાગતા સુધી વાંચવા જારી રાખ્યો. મધુરિમાએ વારંવાર, વાંચવાને અટકાવ કીધો, પણ મંદિરાનંદે કહ્યું, “હમણા મૂકી દઉં છું. મને વાંચતાં કંઇ કષ્ટ થતું નથી, તો શી હરકત છે ? વાંચ્યા વગર આંધળા માફક હું કેટલા દિવસ ગાળું; પણ હમણા મુકી દઇશ.” આ રીતે સ્ત્રીના કેહેવાને નહીં ગણકારતાં પુસ્તક વાંચ વાંચ કીધું ને પુરૂં કીધા પછી તે હુલ્લાસ ચિતે સુઇ ગયો, ને તેને તે સમે કંઈ પણ દુઃખ જેવું જણાયું નહીં, પણ પાછલી રાતના આંખમાં દુ:ખવા માંડ્યું, ને તેના નેત્ર ઉઘડી ગયાં. નેત્ર ઉઘાડીને ચારે તરફ જોવા માંડ્યું તો જણાયું કે તેની આંખે કંઇ દેખાતું નથી. જેમ તેમ કરતાં તો રાત કાઢી, બીજે દિવસે ડાકતરને બોલાવ્યા તો તેને આંખ જોઇને કહ્યું કે એ આંખ હવે કદી સારી થશે નહીં. પણ આ બીજી આંખને સુધારીશું તો તેથી માત્ર દેખાશે. મંદિરાનંદ ડાક્તરની વાત સાંભળીને રડવા લાગ્યો, ને મધુરિમા પણ તેને તે પ્રમાણે રડતા જોઇ રડવા લાગી, પછી ડાકટર તેઓના મનને શાંત કરીને ગયો, અને મંદિરાનંદ રડતાં રડતાં બોલ્યો, “આટલા દિવસ દુઃખ ભોગવી પાછા અંધા થયા, એ પણ દૈવજ તે ! હવે આ આંખે કંઈ પણ સુજશે નહીં. મધુરિમા, તેં મને ઘણું કહ્યું પણ મેં માન્યું નહીં; હવે હું કોને દોષ દઉં?”

મધુરિમાએ રડતાં રડતાં કહ્યું, “હવે એ વાતનું સ્મરણ કરી, રડવાથી શું લાભ છે ? એથી કંઇ આવેલું સંકટ ટળવાનું છે, અદૃષ્ટમાં જે લખ્યું હશે તે થયું !”

મંદિરાનંદ બોલ્યા, “મધુરિમા, એમ નથી; તારી વાત નહીં માનીને મેં જેજે કાર્ય કીધાં છે તેમાં અનિષ્ટજ થયું છે. તું મિથ્યા અદૃષ્ટને દોષ દેછે, વાસ્તવિક કહું તે તારૂં કહ્યું માન્યું નહીં, એજ મારો માટે દોષ છે.”

મધુરિમા મંદિરાનંદના પલંગ પર બેસીને, તેના નેત્રના અશ્રુને પોતાના લુગડાના પાલવથી લુછતી બોલી, “પ્રાણનાથ, આપ વિનાપ્રયેાજને હવે સંતાપ કરો છો. અદૃષ્ટમાં લખ્યું હતું તેથીજ આપે મારૂં કહેવું માન્યું નહીં, તે પછી આ દૃષ્ટિ એ વિના બીજું શું છે? અદૃષ્ટોનો લેખ કોઇ પણ ફેરવી શકતું નથી.”

મધુરિમાનું આ પ્રમાણેનું બેાલવું સાંભળીને મંદિરાનદ થોડીકવાર અબોલ રહ્યા. પછી કહ્યું, “મધુરિમા, શું હવે મને કંઈપણ સુઝશે નહીં ?”

મધુરિમા રડતી રડતી બોલી, “જો એકની આંખ બીજાને આપી શકાતી હોત તો, ઇશ્વર મારા હૃદયનો સાક્ષિ છે કે, હું મારી આંખો તમને મારા પૂર્ણ પ્રેમ સાથે આપતે. પણ તેમ થઇ શકતું નથી, તો પછી હું શું કરૂં ? પણ હું હવે, જેમ તમે મને અજ્ઞાનને કૃપાથી સમજાવતા હતા, તેમજ, જેમ જોઇશ તેમ તમોને સમજાવીશ, તે વિના બીજું હું શું કરી શકું ?”

મંદિરાનંદ બેલ્યા, “મને એક વાતનો ડર છે, મધુરિમા, કે મને અંધો જોઇને, તું મને કદી પણ ચાહવાની નથી, જેમ મને તું પ્રથમ ચાહતી હતી તેમ હવે ચાહશે એમાં મને શંકા થાય છે. કંઇ જે હું તને કહીશ તો તું મને અંધો, સુરદાસ કહીને ધમકાવશે, ધિક્કારશે ! તે હું કેમ ખમી શકીશ ? ”

મધુરિમા બે હાથે પોતાના પતિના ચરણ ચાંપતી બોલી, “હે સ્વામિનાથ, આપ એવી વાત નહીં બોલો, એ વાત સાંભળતાં મારા હૃદયમાં કંપારો છુટે છે. પૂર્વે હું કદી કદી આપની તરફ ગુસ્સો કરતી, કે અભિમાનનો શબ્દ કહેતી હતી, પરંતુ હવે કદિ પણ, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ઈશ્વર સાનિધ્ય કહું છું કે, તમારા પડતા બોલને ઉપાડીશ. હું સદા સર્વદા ઈશ્વર પાસે માંગું છું કે જન્મોજન્મ તમારા જેવાજ સ્વામિ મને મળે. શું હું ઈશ્વરાજ્ઞા જાણતી નથી, માનતી નથી કે આ પ્રમાણે શંકા કરો છો? સ્ત્રીપુરૂષે મરણપર્યંત એકબીજા પ્રત્યે પૂર્ણ પ્રેમ રાખવો એ સર્વથી શ્રેષ્ટ કર્મ છે -- શ્રેષ્ટ ધર્મ છે – એજ નિત્યનું છે, એજ સત્કર્મ છે.જે કુળમાં સ્વામિ ભાર્યાથી ને ભાર્યા સ્વામિથી નિત્ય સંતુષ્ટ રહે છે તેજ કુળમાં નિશંક કલ્યાણ વસે છે. ભાર્યા છે તેજ પતિની પ્રાણા છે; જેનું મન વાક્ય ને કર્મ પતિ આજ્ઞાનુસારણી છે તેનું જ કલ્યાણ થાય છે, જે સ્ત્રી પતિના પ્રેમ સહિત કાર્યમાં પ્રવર્તે છે અને સદાચારે વર્તિને સંયતેન્દ્રિય થાય છે તેજ આલોક ને પરલોક સર્વ સ્થળે યશ સુખ પામે છે. આ મારો ધર્મ છે ને તેજ પ્રમાણે હું આપની સાથે સદા વર્તિશ તમે નિશંક રહો.”

મંદિરાનંદ બોલ્યા, “હું પણ એજ ચાહું છું કે તમારા જેવી સ્ત્રી મને સદા મળે, મધુરિમા, તમારા જેવી પત્નિ જગત્‌માં બીજા કોઈને નહીં હોય.” પતિનો પ્રેમ નિહાળી મધુરિમા કંઇપણ બોલી નહીં, પણ માત્ર ગદગદિત થતાં રડવા લાગી.