← ગૃહ સ્રોતસ્વિની
ઉદયાસ્ત
દામોદર બોટાદકર
શરચ્ચંદ્ર →


<poem>

ઉદયાસ્ત

(હરિણી.)

ઉદયગિરિનાં ઉચાં શૃંગો પરે પદ મૂકતો, મધુર હસતિ પ્રાચી કેરા ગ્રહી કર કૂદતો; લલિત કરથી સ્પર્શી સ્નેહે ઉષા-ઉર રંગતો, સ્થળ સકળથી સ્વલ્પાયાસે તમિસ્ર નિવારતો.

કંઈ મુકુલને મીઠી ગોષ્ટિ વદી વિક્સાવતો, કમલવનને ચાટૂક્તિથી રીઝાવી રમાડતો; જનહ્રદયના ઉચા અર્થો સહર્ષ સ્વીકારતો, જગતજનની ક્રીડા જોવા રવિ નભ રાજતો.

પ્રતિ ભવનમાં ભેદાભાવે પ્રતાપ પ્રસારતો, સદય દૃગથી જેતે રંગે રૂડે રમતો હતો; પણ પળ વિષે વૃત્તિમાં આ વિપર્યય શો થયો ? અમલ ઉરમાં કાં ઓચિંતો પ્રકોપ વધી ગયો ?

સહજ સધળી કીડા છોડી ઉઠ્યો સળગી અરે ! ભડ ભડ થતી જ્વાલા ફેંકી કહે પ્રિય ! શું કરે ? જરૂર જગનાં કાળાં કૃત્યો પડ્યાં નજરે તને,

મલિન મનની જાણી લીધી ઘણી ઘટના ખરે !
<poem>

કંઈક હૃદયો ચીરાતાં ને કલિ થકી કંપતાં, કંઈ કુપથમાં દોડી દોડી જતાં નહિ જંપતાં, વિષમ વિષયો સાંખી એ તું શક્યો નહિ સર્વથા, પ્રલય કરવા પૃથ્વી કેરે પ્રચંડ બન્યો અહા !

વિરમ, કરૂણા આણી વ્હાલા ! સ્વરૂપ વિચારીને, વિમલ હૃદયે એ કૃત્યોને નહિ ધરવાં ઘટે; અનયપથના અભ્યાસી એ હવે ન વળી શકે, ધવલ ધુતિથી તું સન્માગે ભલે પ્રિયે ! સૂચવે

કૃતિ સકળને સાક્ષી છે તું, અમે વીસરી ગયા, પણ હૃદયની દેવી પ્રીતિ વીસાર ન તું જરા; પથ નિરખતી સામે વ્હાલી પ્રતીચી તને જુએ, નિકટ મુખ એ વ્હાલા કેરૂં નહિ નિરખી શકે.

ભય હૃદયનો સ્નેહાલાપે સમગ્ર નિવારવા, વિરહદુઃખને દાબી હૈયે વિનેાદ વધારવા; પ્રણયરસમાં રાચી, ભૂંડી જગત્કૃતિ ભૂલવા, ગમન કર એ દૈવી પથે મહા રસ માણવા.

ખચિત કરૂણા વ્યાપી અંતે સુકોમલ અંતરે, પળ પળ જતાં ધીમે ધીમે દયા વધતી દીસે; ઉદયસમયે ઉંચા ભાવો ભરી હસતો હતો,

સુભગ હમણાં તેવો પાછે શનૈઃ બની શોભતો.
<poem>

સરલ ઉરમાં ક્યારે ઉંડો પ્રકોપ ન સંભવે, જગતજનના દેશે એમાં નહિ સ્થિરતા ધરે; પ્રણય-દગથી જો ! સુષ્ટિને હવે નિરખી રહ્યો ! વિરહપળને દેખી, વીત્યું બધું વીસરી ગયો !

કર કનક શા ભેટી લેવા પ્રલંબ પ્રસારતો ! પુનિત ઉરના, આશીર્વાદો અનુપમ આપતો; વન-વિહગનાં ગાને રાચી વ્યથા વિનિવારતો, જલધિ-હૃદયે શાંતિ લેવા જરૂર દીસે જતો.