સ્રોતસ્વિની/એક સ્મૃતિ
← સ્થિત્યંતર | સ્રોતસ્વિની એક સ્મૃતિ દામોદર બોટાદકર |
દીપાત્યય → |
એક સ્મૃતિ
(દ્રુતવિલંબિત)
વિવિધ વર્ષ અનેક વહી ગયાં, સમયનાં પડ કૈક ચડી ગયાં; કંઈક કષ્ટશિલા હૃદયે પડી, ઉખડી કૈંક ગઈ, રહી કે જડી.
અવનવાં બહુ દૃશ્ય અનુભવ્યાં, હૃદયને કંઈ રંગ ચડી ગયા; કંઈક મિત્ર મળ્યા, ત્યજી કૈં ગયા, સ્વજન કૈંક થયા, વહી કૈં ગયા.
કંઈ પળો રમતી સુખની ગઈ, કંઈ પળો રડતી દુઃખની ગઈ; હૃદય કૈંક મળ્યાં, હૃદયે જડ્યાં, હૃદય કૈંક હસ્યાં, વળી કૈં રડયાં.
અમિત આશલતા ઉર ઉદ્ભવી, કુસુમથી, ફળથી લચી કૈં પડી; કંઈ વધી પન વંધ્ય રહી ગઈ,
પ્રકટતાં કંઈ ધૂળ વિષે મળી. કંઈક સંસૃતિયુદ્ધ થઈ ગયાં, જય પરાજય કૈંક મળી ગયા; વિપદની વરસી કંઈ વાદળી, કંઈક સંપદની પ્રકટી ઝડી.
અવનવા અવતાર ઉરે ધર્યા, અવનવા અધિકાર મળ્યા, ટળ્યા, સહુ મળ્યું, વિરમ્યું, પલટ્યું, ગયું, હૃદય કૈં પલટાપલટી રમ્યું.
પણ નિરંતર એ પળની સ્મૃતિ, સ્થિતિ સમસ્ત વિષે હતી જાગતી; પ્રખર ગ્રીષ્મ તણા પરિતાપમાં, વિજન–નીરવ–એ વનવાસમાં.
ઉદયકાળ ન દૂર ગયેા હતો, નભ વિષે રવિ કૈંક ચડ્યો હતો; હૃદય૫ંકજ કૈં વિકસ્યું હતું. નવલ તેજ ગ્રહી હસતું હતું.
નવલ કૂજન કૈં શ્રવણે પડયું, હૃદયને અડકી હૃદયે સર્યું; હૃદયરૂપ બની, વિલસી રહ્યું,
હૃદયના હૃદયે રમતું થયું. મધુર એ સ્વર, એ પળ હર્ષની, પ્રયણ–પુણ્ય-સુધારસ વર્ષતી, શ્રવણ મંગલ શોભન એ શ્રુતિ, શકુનરૂપ સુભાગ્ય સરસ્વતી.
હૃદયથી પળ એક ન એ ખસી, ન થઈ જીર્ણ, ન મંદ દીસે જરી. સકળ માનસનાં પડ વિંધતો, સતત એ સ્વર ઉપર આવતો.
ભવ તણા પરિતાપ ભૂલાવતો, અવનવું ઉરને બળ આપતો, અતિ મનોહર જીવનમંત્ર એ. વિધિવિનિર્મિત અંતરતંત્ર એ.
હૃદયમાં રસ એ સ્મૃતિ વર્ષતી. કઠિન કંકર સત્વર ગાળતી, ચરણને શ્રમ નિત્ય નિવારતી, નિકટ હિવ્ય નિકેત બતાવતી.