← પિયર સ્રોતસ્વિની
સ્થિત્યંતર
દામોદર બોટાદકર
એક સ્મૃતિ →


<poem>

સ્થિત્યન્તર

( કવ્વાલી. )

હજારો દિવ્ય વૃક્ષોની થતી શીળી શિરે છાયા, વિલસતાં અંકમાં આવી સદા સ્વાદુ ફળો મોંઘાં.

ગ્રજનથી ઢોળતી વાયુ રહી રંભા નિકટ નિત્યે. મયુરી માલતી દેતી સુગન્ધિ પુષ્પની મીતે.

નવલ પત્રાંબરે મુગ્ધા છુપાવી અંગ સોનેરી, વિખેરી પુષ્પ પોતાનાં વધાવી વેલિઓ લેતી.

સલૂણી આમ્રની શાખા મનોહર મંજરી દેતી! નચાવી અંગ આનંદે રીઝવવા ચિત્તથી ચ્હાતી.

ચડી માકંદને માથે સુભાગી કેાકિલા ગાતી, કદાચિત નાચતો ગાતો કલાપી દિવ્ય કેકાથી

સમીપે સ્વર્ધુની શીળા શીકરથી શીતતા દેતી, કટાક્ષે પદ્મપત્રોમાં વસી પદ્માલયા જોતી.

કુસુમકલિકા તણા ભોળા હૃદયની સ્નેહમય વાતો, રસીલો ડોલતો વાયુ કદી કર્ણે રહી કે'તો.

તરૂની ડાળીમાં પેસી રવિ રમતો અને જોતો,

કદી કરથી જરા સ્પશીં અનેરી ચેતના દેતો.
<poem>

સહજ સંગીતથી દોડી હરિણીએા આવતી હોંશે, ભરી ભોળા હૃદય ભાવે વિલસતી ખેલતી હોંશે.

હરિત દુર્વા તણે દૈવી ગલીચો રાતદિન રે'તો, કુસુમની એ શિરે શય્યા પવન પણ પાથરી દેતો.

અમર-અાનંદનો ઉડે છલકતો સર્વદા સિંધુ, અરે ! અંતે ગયો ઉડી ! રહ્યું એકે નહિ બિંદુ !

ગઈ એ સ્વર્ગની શેાભા ! ગઈ એ કાળની કેલિ ! ગઈ એ સ્નેહની સૃષ્ટિ ! ગઈ એ હર્ષની હેલી !

ગયો એ ભાગ્યનો ભાનુ ! ગઈ એ તે મજા મીઠી ! ગઈ એ વીજળી વેગે, થઈ દીઠી નહિ દીઠી !

હવે તે કેરડાં કેરી રહી આ ભાગ્યમાં છાયા ! ચરણને ચોંટતા ચૂમી પડેલા પંથમાં કાંટા !

કરેલું ડુક્કરે ડોળું, કંઈ ઉનું કંઈ ખારૂં, પીવા માટે મળે પાણી ભરેલું ગર્ત્તમાં ભુંડું.

હજારો કાક ને હોલા, અધીરા જંબુકો બોલે, નમેરા કાળના દૂતો સમીપે પન્નગો ડોલે.

ઉદરમાં પૂરવા માટે અજીઠાં બોરની ઈચ્છા,

અને આ ઉંબરા કેરાં ફળોની અંતરે આશા.
<poem>

કઠિન શય્યા શિલા કેરી, નહિ નિદ્રા ઘડી આવે, કરોડો કંકરો માંહે કદી ના બેસતાં ફાવે.

પ્રસાર અગ્નિ શા અંશુ દિવાકર દેહને બાળે, અને વાયુ તપી તેવે અજાણ્યું વૈર કૈં વાળે.

અભાગી વાસરો એવા અરેરે ! કાઢવા કષ્ટે ! નહિ કે'વું, નહિ રોવું, સહેવું શાંતિથી સર્વે !

પરંતુ પૂર્વની મીઠી પળો આવે સ્મરણ માંહે, અમૂલા એજ આલંબે અમારી જીંદગી ચાલે.